હળવેથી હૈયાને હળવું કરો-૧૨-નિરંજન મહેતા

હૈયાને હળવું કરવું એટલે તેનો અર્થ કે હૈયું ભારે છે. કોઈ મૂંઝવણ સતાવે છે જે આર્થિક, સામાજિક કે કૌટુંબિક હોઈ શકે. આ મૂંઝવણ ન કહેવાય કે ન સહેવાય એવી હોય ત્યારે તેનો બોજો અસહ્ય થઇ પડે છે. આ માટે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જેના ખભે માથું ટેકવી આંસુ સારી અવરની વ્યથા કહી હૈયાને હળવું કરી શકાય. આ વ્યક્તિ મિત્ર હોય શકે કે કૌટુંબિક કે જેના પર વિશ્વાસ રાખી વાત કરી શકાય અને મૂંઝવણમાં રાહત મેળવી શકાય.

 હું પણ  આવો જ મૂંઝારો અનુભવી રહી હતી. પણ તે મૂંઝવણ એવી હતી કે ન કહેવાય ન સહેવાય એટલે કોની આગળ દિલ ખોલું તેની મને  સમજ ન હતી અને અંદરને અંદર હિજરાઇ રહી હતી.

 મારા લગ્નને ત્રણેક વર્ષ થવા આવ્યા હતા. આમ તો અમે બન્ને એક જ કોલેજમાં ભણતા હતા પણ એમની સાથે કોઈ ખાસ નિકટતા નહીં અને એ પણ અભ્યાસમાં મગ્ન. કોઈ છોકરી સાથે તેનું નામ ન લેવાતું એટલે કોઈ સાથે પ્રેમલગ્નનો સવાલ જ ન હતો. પણ નિયતિ ક્યારે શું કરશે તે કોણ જાણે છે? એમના કુટુંબની કોઈ વ્યક્તિ મારા પિતાને ઓળખતી હતી અને તેમને ખબર હતી કે મારા માટે મારા વડીલ મુરતિયો શોધી રહ્યા છે એટલે તેમણે મારા પિતાને એમના દીકરા માટે કહેણ મોકલી વાત કરી. બંને બાજુ યોગ્ય ચકાસણી બાદ અને જરૂરી વાતચીત બાદ આ સંબંધ નક્કી થયો અને સમય વીત્યે લગ્ન લેવાઈ ગયા.

 લગ્ન પહેલા જ્યારે અમે પહેલીવાર મળેલા ત્યારે અમે એક જ કોલેજમાં હોવાની જાણ થઇ હતી. ત્યારે મેં એમને  કહ્યું હતું કે જો તે વખતે મિત્રતા થઇ હોત તો અન્ય કોલેજીયનો પ્રેમલગ્ન કરે છે તેમ કરવાની તક મળી હોત જે આપણે ગુમાવી. આ ઉપર અમે બંને હસ્યા પણ હતાં.   

લગ્નના શરૂઆતના દિવસો તો દરેક નવદંપતિ માટે હોય છે તેવા જ રહ્યા. મારા પતિ એક કંપનીમાં સારા હોદ્દે હતા એટલે ઠીક ઠીક કમાઈ લેતા એટલે મને કોઈ નોકરી કરવાની જરૂર ન રહી. હું ગૃહસ્થીની જવાબદારી ખુશીથી અને સુપેરે નિભાવતી હતી. ઘરમાં સાસુ સસરા, જેમની જરૂરિયાતોનો ખાસ ખ્યાલ રાખતી અને આમ તેમને માટે પણ પ્રિય પાત્ર બની ગઈ હતી. આમને આમ બે વર્ષ ક્યાં વીતી ગયા તેની અમને ખબર ન રહી પણ હજી સુધી પોતાના કુટુંબને વધારવાનો સમય નથી એમ તેઓ માનતા. અન્યો પણ તે વાત સમજતા. પણ ત્યારબાદ ક્યારેક સાસુ તરફથી આ વિષે આડકતરો ઈશારો થયા કરતો પણ તે તરફ હું વધુ ધ્યાન ન આપતી.

આમને આમ વધુ છ-સાત મહિના પસાર થઇ ગયા પણ પરિસ્થિતિ જેમની તેમ રહી એટલે સાસુએ એક દિવસ મને સીધું જ પૂછ્યું કે હવે ક્યારે આ ઘરની વસ્તીમાં વધારો કરવાની છે. મારી પાસે કોઈ જવાબ ન હતો એટલે હજી સમય છે કહી વાત તો ટાળી પણ મને પણ લાગ્યું કે હવે સમય આવી ગયો છે માતૃત્વપદ પ્રાપ્ત કરવાનો. જો કે હજી સુધી તેવા કોઈ ચિન્હ જણાતા ન હતાં.

 એક સ્ત્રી એમ જ માને કે તેનામાં કોઈ ખોડ હશે એટલે હજી સુધી માતૃત્વ મેળવવાનું તેના નસીબમાં નથી. મેં પણ તેમ જ માની વિચાર્યું કે આ વ્યથા કોને કહેવી.દરેક દીકરી આવી વ્યથા એક જ વ્યક્તિને કહી શકે અને તે તેની મા. એટલે એક દિવસ મેં માને અચકાતા અચકાતા બધી વાત કરી. મા પણ સમજદાર. તેણે સલાહ આપી કે આ મૂંઝવણ કોઈ સ્ત્રીરોગ નિષ્ણાત જ દૂર કરી શકે એટલે અમે એક નજીકના સ્ત્રીરોગ નિષ્ણાતની મુલાકાત લીધી.

 બધી જરૂરી તપાસ પછી તેમણે જણાવ્યું કે હું મા બનવા માટે સક્ષમ છું.. એનો અર્થ એમ થયો કે જો કોઈ ખામી હોય તો તે કદાચ મારા પતિમાં હોય શકે. પણ કોઈ પણ પુરૂષને તે નપુંસક છે તેમ સીધેસીધું તો ન જ કહેવાય. વળી તેમ છે કે કેમ તે જાણવા માટે યોગ્ય તપાસની જરૂર રહેવાની અને તે માટે તે પુરૂષને તૈયાર કરવો પડે. પણ આ વાત મારા માટે સરળ નહોતી. તેમની પાસે વાત છેડતાં પહેલાં કેટલો વિચાર કરવો પડે? વળી કોઈ મારફતે તેમને વાત કરવી એટલે પુરુષના મગજમાં અવિશ્વાસની લાગણી પેદા થવાની. આ વાત પણ હું સારી રીતે જાણતી હતી. આટલા સમયના સહવાસ બાદ હું એમના સ્વભાવને સમજી શકી હતી. અન્ય સમસ્યાઓ માટે તો હું નિખાલસપણે એમને વાત કરી શકતી પણ કોણ જાણે કેમ માતૃત્વની વાત કરતાં હું અચકાતી હતી અને તેમાં પણ એમની ચકાસણી કરાવવાની વાત કરવી તે તો અતિ મુશ્કેલ. તો હવે કરવું શું? સાસુની પણ આમાં મદદ લેવી યોગ્ય ન હતી અને મારી માએ તો કહ્યું કે આ તમારા પતિ-પત્ની વચ્ચેની વાત છે એટલે હું જમાઈરાજ  સાથે કોઈ ચર્ચા નહીં કરૂં.

આમ બધા તરફથી આવો પ્રતિભાવ મળ્યો એટલે મારી માતૃત્વ માટેની મૂંઝવણ મારા હૃદય પર બોજ બની બેઠી હતી. હવે સાસુ આ વાત કાઢતા ત્યારે આકરું લાગતું પણ મારા માટે વાત ટાળવી હવે શક્ય નહોતી. તેમ કોઈની મજાક પણ સોંસરવી ઉતરી અજાણતા જ મને પીડા આપતી હતી. આમને આમ થોડા વધુ દિવસ પસાર થઇ ગયા બાદ મને લાગ્યું કે હવે હું વધુ વખત આ બોજ સહન નહીં કરી શકું. કોઈ પણ હિસાબે એમની સાથે વાત કરી હૈયાને હળવું કરવું જ રહ્યું અને એક દિવસ હું વાત કરીને રહી.

એક રાત્રે જમીપરવારી જ્યારે હું બેડરૂમમાં ગઈ ત્યારે તેઓ હજી જાગતા હતા અને ઓફિસના કોઈ કાગળો વાંચતા  હતા. મેં ધીરેથી કહ્યું કે મારે એક વાત કરવી છે જે કેટલાય દિવસથી મારા હૈયાનો બોજ બની ગઈ છે. પણ તેમના તરફથી કોઈ પત્રીભાવ ન દેખાણા,કયાંથી મળે?તેઓ કાગળ જોવાનું બાજુ પર રાખે તો તે વાત કરી શકાય ને ! હું એમને જોતી રહી અને થોડીવારે તેમણે કાગળિયાં બાજુ પર મુક્યા અને મેં અચકાતા વાત માંડી. મેં કરાવેલી તપાસની વાત કહી. એમણે કહ્યું સારું..મેં આગળ વાત કરી કે મેં ડોક્ટરને પુછ્યું બધું બરાબર છે તો હું મા હજી સુધી કેમ નથી થઇ શકી? એટલે ડોકટરના જવાબ મુજબ જો આપ પણ તપાસ કરાવો તો ખબર પડે. જો બધું બરાબર હોય તો બાળક ન થવાના શું કારણો છે તેની તપાસ કરી યોગ્ય પગલાં પણ લઇ શકાય અને આ સમસ્યાનો હલ મળી જાય. મારી વાત સાંભળી એ મલકાયા અને કહ્યું કે બસ, આટલી જ વાત છે? અને તું આજ સુધી મારી આગળ દિલ ન ખોલી શકી? શું આપણા સંબંધો એવા છે? અરે, મને પહેલાં કહ્યું હોત તો ક્યારનો તપાસ માટે તૈયાર થઇ ગયો હોત. કદાચ તપાસમાં મારામાં કોઈ ખામી જણાઈ હોત તો શું થઇ ગયું? આજનું મેડિકલ વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે તે દૂર કરવા માટે પણ રસ્તા છે. હું તો ત્યાં સુધી કહીશ કે છેલ્લે કોઈ પણ માર્ગ કારગત નહીં નીવડે તો યોગ્ય બાળક દત્તક લેવા પણ હું તૈયાર છું. આ સાંભળી મારું હૈયું કાબુમાં ન રહ્યું અને તે જ વખતે હું એમને વળગી પડી ને મારા હૈયાને અશ્રુધારા વડે હળવું કર્યું.

આગળ ઉપર તો બધું થાળે પડી ગયું. એમનામાં જ ખામી હતી તે સમય જતાં દૂર થઇ અને હું  યોગ્ય સમયે એક સુંદર પુત્રની મા બની. જો મેં હિંમત હારી પોતાના હૈયાની વાત એમને ન કરી હોત તો? એટલે જ સ્વજન આગળ સંકોચ ન રાખતા હૈયાને હળવું કરવું હિતાવહ છે. અને હા, એમણે પણ વાસ્તવિકતાને સ્વીકારી સહકાર આપ્યો. આમ જિંદગીમાં સ્નેહ,સહકાર સ્વીકાર કેટલા પાસા બદલી શકે છે.

મિત્રો વાસ્તવિકતાનો સ્વીકાર કરવાથી જિંદગીની અનેક સમસ્યા ઉકેલી શકાય છે બસ માત્ર તેને સ્વીકારવાનું જીગર કેળવવાનું છે તમને કે તમારી આસપાસ અનેક વ્યક્તિ હશે જેમના હ્યુદયમાં કદાચ એક વાત ડુમો બની પડી હશે તો ક્યારેક તેમના હ્યુદયની વાત હળવેકથી ખોલાવી એમને હળવા કરજો. એમની એ વાત કદાચ કોઈને માર્ગ સુજાડશે.

 નિરંજન મહેતા 

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-3-નિરંજન મહેતા

“અષાઢની મેઘલી રાત”.

સમીસાંજથી આકાશ ગોરંભાયું હતું તે રાત થતાં થતાંમાં તો કાળું ડિબાંગ બની ગયું. વરસાદ આવશે આવશેની રાહ જોતા લોકો વાદળીયા હવામાનને કારણે ઘામ અનુભવી રહ્યા હતાં જેમાં રાજન પણ બાકાત ન હતો. પણ તેની આ આ પરિસ્થિતિ માટે એકલું કુદરતનું વાતાવરણ કારણ ન હતું. તેની મનોદશા પણ કેટલેક અંશે જવાબદાર હતી.

બહારના વાતાવરણને લઈને આજે તેને નીનાની યાદ વધુ સતાવતી હતી જેને કારણે જ તેની મનોદશા ખળભળી ઉઠી હતી. તેને યાદ આવી બે વર્ષ પહેલાની આષાઢની આવી જ એક મેઘલી રાત. તે રાત હતી તેની અને નીનાની સુહાગરાત.

કોલેજમાં સાથે ભણતાં આ પ્રેમીપંખીડાનાં સદનસીબે બંને કુટુંબોની સંમતિ હતી એટલે લગ્નમાં કોઈ વિઘ્ન ન આવ્યું અને તેને કારણે સુહાગરાતની જે અપેક્ષા હોય તેમાં ઓર વધારો તેઓ બંને અનુભવી રહ્યાં હતાં. કોલેજના દિવસો વાગોળતાં વાગોળતાં તેમને પોતાના આર્ટ્સનાં અભ્યાસક્રમમાં વાંચેલ કવિ કાલીદાસ રચિત ‘મેઘદૂત’ યાદ આવ્યું અને તે સાથે યાદ આવી તેની પંક્તિઓ.

आषाढस्य प्रथमदिवसे मेघमाश्‍लिष्टसानुं|
वप्रक्रीड़ापरिणतगजप्रेक्षणीयं ददर्श॥

આ યાદ આવતાં રાજન બોલ્યો હતો કે આશા રાખું છું કે આપણા જીવનમાં પણ યક્ષના જેવો વિરહયોગ ન આવે. નીનાએ ત્યારે તેના મુખ પર હાથ રાખી કહ્યું હતું કે આજની આ અવર્ણનીય રાતે આવું અમંગળ કેમ વિચારે છે?

હવે રાજનની સ્મૃતિ પોતાના કોલેજકાળનાં સમયમાં પહોંચી ગઈ. આર્ટ્સનાં જીવડાં અને પાછો સાહિત્યમાં રસ એટલે તેની અને નીના વચ્ચે અવારનવાર કોલેજમાં સાહિત્યની વાતો થતી અને સારા સારા પુસ્તકોની આપલે થતી. બંનેના મનગમતાં ઘણા સાહિત્યકારો એટલે તેમને સાહિત્યની વાતો અને ચર્ચા કરવામાં સમય ક્યા પસાર થઇ જતો તેનું પણ ધ્યાન બહાર રહેતું અને કોઈક વાર તો કોલેજનો ક્લાસ પણ ચૂકી જતાં.

બંનેમાંથી જેણે કશુક સારું વાંચ્યું હોય તો તરત જ ફોન દ્વારા બીજાને તેની ખબર અપાઈ જતી. આમ કરતાં કરતાં તેઓ એકબીજાની નિકટ આવવા માંડ્યા. અન્યો તેમની આ નિકટતાની ચર્ચા કરવાં લાગ્યાં હતાં પણ તેની રાજન અને નીના પર કોઈ અસર ન હતી કારણ તેઓ તો એકબીજાને સારાં મિત્રો જ માનતાં હતાં. વળી કોલેજનું ભણતર હજી પૂરૂં થયું ન હતું એટલે તે પૂરૂં થયા વગર ભવિષ્યનો વિચાર કરવાનો આ સમાંજ્દારોને પણ ખયાલ આવ્યો ન હતો.

અંતે આવા કિસ્સાઓમાં થાય છે તેમ મોડી મોડી બંનેને સમજ પડી કે આપણે તો ‘એક દુજે કે લિયે’ છીએ. પણ શું તેમના કુટુંબો આ નવા સંબંધને માન્ય રાખશે? આમ તો અવારનવાર કોલેજકાળ દરમિયાન પુસ્તકોની આપલેને કારણે એકબીજાને ઘરે પણ જવા આવવાનું થતું એટલે બંનેના વડીલોને તેમની મૈત્રીની આછી પાતળી જાણ ખરી પણ તે મિત્રતાથી વધુ કશુક છે તેવું તેઓ પણ વિચારતાં નહીં.

પરંતુ વિધિના વિધાનને કોણ ટાળી શકે છે? ધાર્યું ધણીનું થાય છે એમ કહેવાય છે તેવું રાજન અને નીનાના કિસ્સામાં પણ બન્યું જે સર્વ વિદિત હતું. બહુ ચર્ચા બાદ બંનેએ પોતાના વડીલોને પોતાના મનની વાત કરી અને તેઓની મંજૂરી મેળવી લીધી. અમે તો જાણતાં જ હતાં કહેવાવાળા કહેતા રહ્યા અને બંને તો મધુરજની મનાવવા ઉપડી ગયા.

પછી તો જેમ સામાન્ય રીતે બને છે તેમ બંને થોડો સમય એકબીજામાં ખોવાયેલા રહ્યા અને વખત જતાં સંસારની ઘરેડમાં જોતરાઈ ગયા. હા, રાજન પાસે જે વિચારશક્તિ હતી તે વિચારોને તેણે કાગળ ઉપર ઉતારવા માંડી. આ વિચારોએ લેખો અને વાર્તા સ્વરૂપે જન્મ લેવા માંડ્યો. ધીરે ધીરે તેની રચનાઓ સામયિકોમાં પ્રકાશિત થવા લાગી. આ બધી રચનાઓને સારો પ્રતિસાદ મળવા લાગ્યો. નીના પણ તેના આ નવા સ્વરૂપને સરાહતી રહી. દરેક રચનાની પહેલી હક્કદાર નીના. તેના અભિપ્રાય બાદ જ રાજન તેને પ્રકાશન માટે મોકલતો.

સારી એવી નામના પ્રાપ્ત થઇ હતી એટલે નીનાએ તેને વાર્તા લખવામાંથી બહાર આવી નવલકથા તરફ ધ્યાન આપવા જણાવ્યું. રાજનને પણ આ વિચાર તો આવ્યો હતો પણ હજી સુધી અમલમાં મુકવાની હિંમત કરી ન હતી. હવે નીનાએ જ્યારે આમાં હામી ભરી ત્યારે તે પણ એ નિર્ણય પર આવ્યો કે હવે પછીની મારી રચના એક નવલકથા હશે. કેટલાક સમય પહેલાં એક કથાવસ્તુનું બીજ મનમાં પાંગરી રહ્યું હતું તેને હવે તે નક્કર સ્વરૂપ આપવા તૈયાર થયો.

છ મહિના બાદ તેની પ્રથમ નવલકથા હપ્તાવાર એક પ્રસિદ્ધ અઠવાડિકમાં પ્રકાશિત થવા લાગી જેને વાચકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો. પ્રેમ અને રહસ્યના તાણાવાણાવાળી નવલકથા હપ્તે હપ્તે લોકોમાં ઉત્કંઠા જગાવતી જેમાં એક મહિલા વાચક હેમાનો પ્રતિભાવ જરા આગળ પડતો હતો.

દર સપ્તાહે નવા પ્રકરણ બાદ તેનો પ્રતિભાવ તે ફોનથી આપતી. કોઈ કોઈવાર તો સૂચન પણ કરતી. રાજન અને નીના તે સાંભળી હસી કાઢતા કારણ તે સૂચનો તેમણે વિચારેલા વાર્તાના બીજથી વેગળાં રહેતાં, પણ તેઓ હેમાને દર વખતે ધીરજથી સાંભળતાં કારણ તેના જેવા વાચકોનાં સૂચનો જ રાજનની લેખન પ્રવૃત્તિમાં મદદરૂપ થતા.

પણ વાત આગળ વધી અને હેમા તક મળતાં રાજનને ઘરે આવી ગઈ.

અચાનક તેને આવેલી જોઈ પ્રથમ તો રાજન અને નીના અવાચક થયાં પણ વિવેક્બુદ્ધિએ તેમને સભાન કર્યાં અને હેમાને આવકારી. ઘણો વખત બેસીને હેમાએ વાતો કરી અને રાજનની લેખન પ્રવૃત્તિને સરાહી,

પોતાને મળેલો આવકાર જાણે હેમાને કોઠે પડી ગયો હોય તેમ તે ત્યાર પછી પણ અવારનવાર આવી ચઢતી. શરૂઆતમાં તો નીના તેને આવકારતી પણ પછી તેને લાગ્યું કે આ વધુ પડતું થઇ રહ્યું છે. એક-બે વાર તેણે હેમાને આડકતરી રીતે પોતાની નારાજગી દેખાડી પણ હેમાએ તે અવગણી. રાજન પણ જાણે હેમાથી પ્રભાવિત થયો હોય તેમ નીનાને બદલે હેમાનો પક્ષ લેતો. આથી નીનાની નારાજગીમાં ઓર વધારો થયો. તેને લાગ્યું કે રાજન હેમા તરફ ઢળતો જાય છે. પોતાની આ માન્યતા રાજન આગળ વ્યક્ત પણ કરી પણ રાજને તે હસી કાઢી એમ કહીને કે સારા લેખકોને ઘણા પ્રસંશકો હોય છે. તેમને સાંભળીએ તો લેખકને નવી નવી વાત જાણવા મળે અને નવા કથાબીજ પણ મળી આવે.

નીનાને આ વાતથી સંતોષ ન હતો પણ મન મારીને બેસી રહી. પણ જ્યારે એક બેવાર હેમા તેની ગેરહાજરીમાં પણ આવી હતી અને ઘણો સમય રાજન સાથે વિતાવ્યો હતો ત્યારે તેના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો. અવારનવાર આ બનવા લાગ્યું એટલે નીનાએ રાજન પાસે તે બાબતની ચર્ચા કરી પણ વ્યર્થ. રાજન પોતાના વિચારોને વળગી રહ્યો અને નીનાને કહ્યું કે તે મનનો ચોખ્ખો છે અને તેના અને હેમા વચ્ચેના સંબંધો માટે ખોટી શંકા કરે છે.

આ બાબતમાં જ્યારે પણ ચર્ચા થતી ત્યારે બંનેમાંથી કોઈ પોતાના મંતવ્યમાંથી ચસકતા નહીં.

હવે નીનાને લાગ્યું કે આનો એક જ રસ્તો છે અને તે છે રાજનને છોડીને અમદાવાદ મા પાસે જતી રહે.

આમ જ એક દિવસ જ્યારે ચર્ચા કાબુ બહાર ગઈ અને બંને બચ્ચે હેમાને લઈને ઉગ્ર બોલાચાલી થઇ ત્યારે નીનાએ પોતાનો ઘર છોડી અમદાવાદ જવાનો નિર્ણય જણાવ્યો. બહુ સમજાવ્યા છતાં નીના હવે મક્કમ હતી એટલે રાજન પાસે કોઈ ચારો ન હતો તેને જવા દેવા સિવાયનો. તેના ગયા પછી રાજને નીનાના સંપર્ક માટે ઘણીવાર પ્રયત્નો કર્યા પણ અસફળ.

આ બધું બન્યું ત્યાર બાદ હેમા પણ અચાનક આવતી બંધ થઇ ગઈ. રાજનને થયું શું તેને બનેલ અણબનાવની જાણ થઇ ગઈ?

આ વાતથી અજાણ હેમા લગભગ છ મહિના પછી મળવા આવી. કારણ પૂછતા કહ્યું કે તે ચાર મહિના અમેરિકા ગઈ હતી. નીનાની ગેરહાજરી જણાતા તે વિશ્હે પૂછ્યું. શરૂઆતમાં તો રાજને વાત ટાળી પણ બહુ આગ્રહ પછી નીનાની ગેરહાજરી અને શંકાઓ વિષે જણાવ્યું.

શું તે નીનાભાભીને સંપર્ક કરી શકે? તેનો ફોન નંબર મળી શકે?

બહુ વિનંતી પછી હેમા તે મેળવવા સફળ થઇ.

આ બધી યાદોને કારણે માનસિક અશાંતિ અનુભવતા રાજનના કાને એકદમ મોબાઈલની રિંગ સંભળાઈ. તે વર્તમાનમાં આવી ગયો અને ફોન હાથમાં લીધો. જોયું તો સ્ક્રીન પર સ્વીટીનું નામ વંચાયું. સ્વીટી, અરે મારી નીના. આટલા વખતની જુદાઈ પછી આજે એકદમ તેણે સામેથી ફોન કર્યો? આમ કેમ?

એક મિનિટ તો રાજન આ વિચારમાં ખોવાયો અને તે ફોન ચાલુ કરવાનું ભૂલી ગયો એટલે આપોઆપ તે બંધ થઇ ગયો. અરે, મેં આ શું કર્યું? નીનાએ સામે ચાલીને ફોન કર્યો અને મેં જવાબ ન આપ્યો? તે શું ધારશે? હું હજી પણ તેનાથી નારાજ છું? હવે તેણે પહેલ કરી છે તો મારે પણ યોગ્ય પ્રતિસાદ આપવો રહ્યો જેથી તેને કોઈ ગેરસમજ થઇ હોય તો તે દૂર થાય. આમ વિચારી તેણે સામેથી ફોન જોડ્યો.

‘સોરી, નીના હું વોશરૂમમાં હતો.’ નાછૂટકે રાજનને ખોટું કહેવું પડ્યું. ‘બહાર આવી ફોનમાં જોયું તો તારું નામ વાંચ્યું. એક મિનિટ તો ન મનાયું કે તું મને ફોન કરશે પણ પછી સમજાયું કે આટલા સમય બાદ ફોન કર્યો એટલે કદાચ છૂટાછેડાનો વિચાર આવ્યો હશે કેમ?’

‘ના એવું નથી. કેટલાક વખતથી તને ફોન કરવાનો વિચાર તો કરતી હતી પણ હિંમત નહોતી ચાલતી. પછી થતું કે તું કદાચ મને ફોન કરશે તો સારું લાગશે એટલે પણ ફોન કરતાં અચકાતી હતી.’

‘વાહ, હજી પણ આપણા વિચારોમાં મેળ ખાય છે. હું પણ આમ જ વિચારતો અને તારા ફોનની રાહ જોતો. મને લાગે છે કે મારું રાહ જોવું આજે સાર્થક થયું.’

‘રજુ, જે હોય તે પણ આજે મન મક્કમ કરી લીધું હતું કે હું જ પહેલ કરીશ અને તને ફોન કરીશ. હેમાબેને મને ફોન કર્યો હતો. તેમની વાત સાંભળી મને લાગ્યું કે આપણે એકવાર મળવું જરૂરી છે જેથી બધી ગેરસમજ દૂર કરી શકાય. વાંક કોનો છે અને શા કારણે આપણું મનદુ:ખ થયું એ હવે એક ભૂતકાળ છે. બહુ વિચારને અંતે મને લાગ્યું કે ભૂતકાળને વાગોળીને હતાશાની ગર્તામાં રહેવા કરતાં તે બધું ભૂલી જો આપણે ફરી એકવાર મનમેળ કરીને સહજીવન શરૂ કરી શકીએ તો તે માટે શું કામ હું જ પહેલ ન કરૂં? એટલે મેં તને ફોન કર્યો.’

‘કેટલાક વખતથી મને પણ લાગતું હતું કે આપણે મમતમાં રહી આપણી જુવાની વેડફી રહ્યા છીએ. દરેક દંપતિના જીવનમાં ઘર્ષણ થવાના અને આપણે તેમાં અપવાદ નથી. પણ જો સમજી વિચારીને આપણે તેને પાર કરીશું તો આપણું ભણતર અને સહવાસ લેખે લાગશે. તે ઉપરાંત આપણા બંનેના કુટુંબો જે આપણું હંમેશા ભલું ઈચ્છે છે તેઓ પણ નિરાંતનો શ્વાસ લઈ શકશે. પરંતુ હું ફોન કરતાં અચકાતો હતો કારણ અગાઉની જેમ તું વાત પણ ન કરે તો? બસ, આ જ કારણસર આજસુધી મનની ઈચ્છા મનમાં ઢબેરી રાખી હતી. હવે તારી સાથે આજે વાત થઇ એટલે મન બેકાબુ બની જાય તો નવાઈ નહીં.’

‘ઓ સાહિત્યકાર જીવડા, મનને સંભાળો અને કહો કે ક્યારે મળવું છે.’

‘તું હમણાં આવે તો હમણાં જ.’

‘અમદાવાદથી મુંબઈ શું જાતે ઊડીને આવું? કાલ સુધી રાહ તો જોવી પડશે. હું સવારની ફ્લાઈટમાં આવું છું.’

‘એટલે તને ખાત્રી હતી કે હું તને મળવા સંમત થઈશ? અને તે મુજબ તે બધી તૈયારી પણ કરી રાખી હતી?’

‘હું મારાં રજુને જેટલો ઓળખું છું તેના આધારે તો આ નિર્ણય લીધો છે. કાલે સવારે નવ વાગે એરપોર્ટ પર લેવા આવી જજે.’

બહાર રાત જામી હતી આષાદ્ધી વર્ષાની હેલી શરૂ થઇ ગઈ હતી. બારીમાંથી અંદર પાણીની વાછટ આવવા લાગી હતી. વાછટને કારણે રાજન ભીંજાવા લાગ્યો હતો પણ તેની હવે તેને દરકાર ન હતી કારણ આંતરિક ભીનાશની તરબોળતામાં તે ભીંજાતો હતો તે આ બાહ્ય ભીનાશ આગળ નગણ્ય હતી.

હજી મને યાદ છે-૮-નીરુ મહેતા-એ યાદગાર દિવસ

૬૦નો દાયકો, યુવાન વય – ૨૩/૨૪ની, એટલે દરેક યુવાનને સ્વપ્નો હોય, ખાસ કરીને લગ્ન માટે. હું પણ તેમાંથી બાકાત ન હતો. સાહિત્ય અને ફિલ્મોને કારણે પ્રેમલગ્ન વિષે જાણીએ અને બહારથી પણ સાંભળીએ પણ ખુદ માટે તેનો વિચાર જ ક્યાંથી આવે? કારણ શરમાળ સ્વભાવ, સંસ્કાર અને આમન્યા. લગ્નની વાત તો માતા-પિતા જ સંભાળે એટલે રાહ જોવી રહી.

આજ અરસામાં બચપણની સખીને જોઈ. નવા રૂપમાં, બાળામાંથી એક યુવતીના રૂપમાં. કોણ જાણે કેમ બાળસખીને આ રૂપમાં જોઈ ‘કુછ કુછ હોતા હૈ’ અનુભવ્યું.

બચપણમાં સાથે રમેલા, એક જ શાળામાં ભણેલા, પણ બાળસ્વભાવ મુજબનો સંબંધ. યુવા વયે પણ એવો જ સંબંધ હતો પણ અચાનક તે બદલાઈ ગયો – ફક્ત મારા માટે. બાળસખીને તો તેનો અણસાર પણ નહીં. પણ મને મારો શરમાળ સ્વભાવ આડો આવે એટલે મનની વાત મનમાં જ રહે. વાત ન થાય તો સામેનાનું મન પણ ક્યાંથી જાણવા ન મળે? હળવા મળવાનું ચાલુ પણ એક મૈત્રીનો જ મેળાપ કારણ મારા મનની વાત હજી મનમાં હતી. કેમનું કહેવું તે સમજાતું ન હતું.

અંતે વિચાર્યું એક પત્ર લખી વાત પહોંચાડું. પત્ર લખાઈ પણ ગયો અને તે પહોંચાડું તે પહેલા જ મા તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો. હવે? સમય માંગવા સિવાય રસ્તો ન હતો. સાથે સાથે હવે તો હિંમત કરી બાળસખીનું મન જાણવું જ રહ્યું એટલે બનતી ત્વરાએ તેને મળવા જણાવ્યું અને અચકાતાં અચકાતાં મારા મનની વાત કરી એ ડર સાથે કે તે આ વાત કેમની લેશે? કદાચ ખરાબ લાગે તો મિત્રતાનો સંબંધ ન પણ રહે.

વાત તો સીધી હતી કે તે હા કહે કે ના. મેં પણ ચોખવટ કરી કે ના કહેશે તો પણ મને વાંધો નથી. અમારા કુટુંબો અને તેમના વિચારોથી વિપરીત આ વાત હતી તેથી કહ્યું કે ના કહેવાથી આપણી મૈત્રીમાં કોઈ પણ ફરક નહીં પડે. આમ કહેવાનું કારણ એ હતું કે હું રહ્યો ગુજરાતી વાણિયો અને તે તમિલ બ્રાહ્મણ. ૬૦ના દાયકામાં પ્રેમલગ્ન અને તે પણ આંતરજાતીય? અને પ્રસ્તાવ પણ એક બોચિયાના મોઢેથી? એકદમ હા કે નાં કહેવાને બદલે તેણે વિચારવાનો સાત દિવસનો સમય માંગ્યો જે મને યોગ્ય હતું.

સાત દિવસનો એ સમય કેમ વિતાવ્યો તે કહેવાની જરૂર છે? હા કહેશે કે ના? આ અવઢવમાં ઓફિસનાં કામકાજમાં પણ ખલેલ પડતી પણ ત્યાં તેની જાણકારી ન પડે તેની પૂરતી તકેદારી રાખી. તો બહાર તો શું ઘરનાને પણ જાણ ન થાય તેની તકેદારી જરૂર હતી. કારણ તેના કુટુંબનાં અમુક સભ્યો રૂઢીચુસ્ત. જો કે આપણે ધારીએ કે કોઈ આપણી આવી વાત નથી જાણતું ત્યારે તે એક ભ્રમ જ હોય છે કારણ અન્યોને તો વાતની ગંધ આવી ગઈ હોય છે અને અનુમાનો પણ થવા માંડે છે.

મા તરફથી ફરી વાત આવી અને મેં સમય માંગી લીધો – સાત દિવસનો.

સાત દિવસ પૂરા થયા અને બાળસખીની મુલાકાતનો – જે એક મારા જીવનનો વળાંક બની શકે – દિવસ આવી ગયો. થોડી આડીઅવળી વાતો પછી તેણે કહ્યું કે બહુ વિચાર પછી તેને પણ લાગ્યું કે અજાણ્યા સાથે જિંદગી ગાળવા કરતા જાણીતા પાત્રને પસંદ કરવું તેને યોગ્ય લાગ્યું છે અને તે મારા પ્રસ્તાવને મંજૂર કરે છે. પણ આ વિષે તેના કારણે ઊભા થતાં પ્રશ્નો અને નિરાકરણ માટે ઊંડાણથી બંનેએ વિચાર કરવો જરૂરી છે અને એટલે ફરી નિરાંતે બેસી તે વિષે વિચારવું રહ્યું એમ કહી અમે છૂટાં પડ્યા.

અને આમ તે દિવસ મારા માટે યાદગાર બની રહ્યો.

આગળની વાતો અહીં અપ્રસ્તુત છે પણ એટલું કહીશ કે આજે ૫૨ વર્ષ વીત્યા બાદ પણ તે સાયુજ્ય મજબૂત છે.

.નીરુભાઈ મહેતા 

 

બાળવાર્તા -(૭)કાચબો અને સસલું-નિરંજનભાઈ

આજે ગટુના ઘરે તેના દાદાના મિત્ર નીરુભાઈ મુંબઈથી USA આવ્યા હતા તે મળવા આવવાના હતા. દાદાએ ગટુને કહ્યું હતું કે આ નીરુદાદા મારા સ્કુલ સમયના મિત્ર છે અને તે બહુ સરસ વાર્તાઓ લખે છે. આ સાંભળી ગટુએ કહ્યું કે તો તો હું તેમને મને અને બટુને વાર્તા કહેવા જરૂર કહીશ. દાદાએ કહ્યું એ તો બાળકો માટે નહિ પણ મોટા માણસો માટે વાર્તા લખે છે. તેમ છતાં તેની પાસે જૂની વાર્તાઓ યાદ હશે તો જરૂર કહેશે.

જ્યારે નીરુદાદા આવ્યા ત્યારે દાદાએ તેને કહ્યું કે આ મારો પૌત્ર ગટુ છે જે વાર્તા કહો વાર્તા કહો કહી તારો જીવ ખાઈ જશે. અરે મને એટલા પ્રશ્નો કરે છે કે હું પણ થાકી જાઉં છું. છતાં બને તેટલી ધીરજ રાખી હું તેની જીજ્ઞાસાને સંતોષવાનો પ્રયત્ન કરું છું.  

નીરુદાદા બોલ્યા કે બાળક છે એટલે તે આમ જ કરશે. પણ તેને વાર્તાનો શોખ છે તે જાણી આનંદ થયો કારણ આજની પેઢીને ક્યા આ બધામાં રસ છે? તેમને તો ટી.વી. અને મોબાઈલની લત લાગી છે એટલે પુસ્તકો પણ નથી વાંચતા. પુસ્તકો તો જ્ઞાનનો ભંડાર છે અને તે દ્વારા જે જ્ઞાન મળે છે તે અમુલ્ય હોય છે.

હવે ગટુથી ન રહેવાયું. ‘તમે બંને વાતો કરીને મને ભૂલી ગયા.’

‘અરે તને એમ ભૂલાય?’ નીરુદાદા બોલ્યા. ‘બોલ, તને કેવી વાર્તા સાંભળવી ગમે?’

‘મને એક તો બટુએ નેપોલિયનની વાર્તા કરી. બીજી એક વાર્તા હતી ક્રેબની. વળી વિનોદદાદાએ ડોન્કીની વાર્તા કરી હતી જેમાં ડોન્કી બહુ ચાલાક એનિમલ છે એમ જાણ્યું. હું તો માનતો હતો કે ડોન્કી ફૂલીશ એનિમલ છે. એમ તો મારા દાદા પણ વાર્તા કહે છે. પણ તેમની પાસે કિંગ અને ક્વીનની વાતો બહુ હોય છે. તમે મને અને બટુને કોઈ નવી સ્ટોરી કહો.’

‘તે કાચબા અને સસલાની વાર્તા સાંભળી છે?’

‘કાચબો એટલે?’

‘કાચબો એટલે ટોરટોઇસ (tortoise) અને સસલું એટલે હેર (hare).’

‘નો, અમે નથી સાંભળી. અમને તે કહોને.’

‘સસલું એક નાનું એનિમલ. પણ તેને બહુ અભિમાન. અભિમાન એટલે એરોગંસ. તેને એમ કે તેના જેવી ઝડપથી એટલે કે સ્પીડથી કોઈ દોડી ન શકે.

‘એક દિવસ તેણે કાચબાને કહ્યું કે મારા જેવી સ્પીડ તારામાં નથી કારણ તું બહુ સ્લો ચાલે છે. કાચબાએ કહ્યું કે ભલે હું ધીમે – સ્લો ચાલુ પણ હું મારા ગોલ પર જરૂર પહોંચું છું.

‘ચાલ આપણે રેસ કરીએ. અહીથી પેલું મંદિર દેખાય છે ત્યાં સુધીમાં કોણ પહેલું પહોંચે છે તે જોઈએ. જો કે પહેલો તો હું જ પહોંચીશ.

‘મંદિર લગભગ હાફ માઈલ હતું. તેમ છતાં કાચબાએ હા પાડી. અન્ય એનિમલ્સ પણ ત્યાં હતા તેમણે કાચબાને રેસ ન કરવા કહ્યું પણ કાચબો તો મક્કમ હતો.’

‘મકકમ એટલે?’ બટુએ સવાલ કર્યો.

‘મક્કમ એટલે ફર્મ (ફર્મ). જે પોતાની વાતને છોડે નહિ તેને મક્કમ મનનો કહેવાય.’ નીરુદાદાએ કહ્યું.

‘આગળ કહો ને શું થયું?’ ગટુએ ઉતાવળે કહ્યું.

‘સસલાને તો પોતાની જાત ઉપર બહુ અભિમાન હતું એટલે એ તો દોડવા માંડ્યું જ્યારે કાચબાએ પોતાની ધીમી ચાલથી શરૂઆત કરી. થોડે દૂર ગયા પછી સસલાએ પાછળ ફરી જોયું તો કાચબાભાઈ બહુ દૂર હતા. ઓપન ગ્રાઉન્ડ હતું એટલે સસલાભાઈ તો દોડીને થોડા થાકી ગયા હતાં એટલે વિચાર્યું કે લાવ થોડી વાર પેલા ઝાડ નીચે આરામ કરું. કાચબાભાઈ આવે તે પહેલા તો હું ફરી દોડીને મંદિરે પહોંચી જઈશ.

‘પણ ધારીએ કાઈ અને થાય કાઈ. સસલાભાઈ તો એવા થાકી ગયા હતા કે ઘસઘસાટ સુઈ ગયા. હવે ઘસઘસાટનો અર્થ તમને નથી ખબર કેમ? ઘસઘસાટ એટલે ડીપ સ્લીપ. થોડીવારે કાચબાભાઈ ત્યાં આવી પહોંચ્યા અને જોયું તો કાચબાભાઈ ઊંઘે છે એટલે એ તો અટક્યા વગર આગળ ચાલવા લાગ્યા.

‘થોડીવારે સસલાભાઈ જાગ્યા અને જોયું તો કાચબાભાઈ દેખાયા નહિ એટલે માન્યું કે હજી તે બહુ પાછળ છે એટલે હું આરામથી મંદિરે પહોંચી તેની રાહ જોઉં. આમ વિચારી તે મંદિર તરફ દોડ્યો પણ ત્યાં પહોંચ્યો ત્યારે જોયું કે કાચબાભાઈ તો ઓલરેડી પહોંચી ગયા છે અને તેની રાહ જુએ છે. સસલાને નવાઈ લાગી કે આમ કેવી રીતે થયું? એટલે તેણે કાચબાને પૂછ્યું. કાચબાએ કહ્યું કે તું તો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો જ્યારે મેં ચાલવાનું ચાલુ રાખ્યું હતું એટલે હું ટાઈમસર પહોંચી ગયો. આ  સાંભળી સસલાને બહુ શરમ આવી અને કહ્યું કે મને જે અભિમાન હતું તે હવે નથી રહ્યું.

‘બોલો તમે બંને આ વાર્તામાંથી કાઈ શીખ્યા?’

‘હા,’ ગટુએ કહ્યું, ‘નો એરોગંસ. બીજાની તાકાત ઓછી નહિ ગણવાની.’

તો બટુ બોલી કે મને મારા પપ્પાએ એક વાર કહ્યું હતું કે slow and steady wins the race. પણ તેમને તે વાત સમજાવી ન હતી. આજે નીરુદાદાએ વાર્તા કહી તે પરથી મને એ વાત સમજાઈ ગઈ. હવે હું એક્ષામમાં ઉતાવળ નહિ કરું અને શાંતિથી પેપર લખીશ.’

‘હું પણ તેમ જ કરીશ.’ ગટુએ સાથ આપ્યો.

‘વાહ, તમે બંને તો સમજદાર છો કારણ વાર્તા બરાબર સમજી ગયા.’

‘હજી એક વાર્તા કહોને.’

એટલે દાદા બોલ્યા કે નીરુભાઈ મેં તમને ચેતવ્યા હતા. હવે ભોગવો. પછી કહ્યું કે હવે જમવાનો ટાઈમ થઇ ગયો છે અને પછી નીરુદાદા થોડો આરામ કરશે એટલે બીજી વાર્તા સાંજે કહેશે. બંને બાળકોને આ વાત માનવી પડી અને સાંજ થવાની રાહ જોવા લાગ્યા.

 

નિરંજન મહેતા

આભાર અહેસાસ કે ભાર(6) નિરંજન મહેતા

આભારનો ભાર

પહેલી નજરે લાગે કે આવા સંવેદનશીલ શબ્દનો ભાર કેવો ! પણ પછી વિચાર્યું કે જેમને માટે આભાર વ્યક્ત કરવો એ એક બોજો છે તેમને તે જરૂર ભાર લાગશે અને વિચારશે આ ભાર?

આભાર કહીને આમ જોઈએ તો આપણે આપણી કોઈ પ્રત્યેની એક પ્રકારની લાગણી વ્યક્ત કરીએ છીએ, ખાસ કરીને કોઈએ આપણું એવું કોઈ કામ કરી આપ્યું હોય કે જેને માટે આપણે તેના ઋણી બની જઈએ છીએ અને આપોઆપ ‘થેંક્યું’ શબ્દ નીકળી પડે છે. હવે આ ‘થેંક્યું’ પણ એક અજબ શબ્દ છે. ગુજરાતી હોવા છતાં અને ગુજરાતીમાં વાત કરતા હોવા છતાં આ અંગ્રેજી શબ્દ તમારે મોઢે આવી જ ચડે છે. શું ‘આભાર’ એટલે ભાર માનીને આપણે આમ કરીએ છીએ? કે પછી અંગ્રેજીમાં કહેવાથી તેનું વધુ વજન પડશે એટલે તેમ કરીએ છીએ?

ખેર, આ ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિશ્હાય છે આભારનો ભાર.

મારું માનવું છે કે ‘આભાર’ કે ‘થેંક્યું’ કાઈ પણ બોલીએ પણ તેમ કરતાં અચકાવું ન જોઈએ કારણ ભલે સામેની વ્યક્તિએ તેની અપેક્ષા ન રાખી હોય પણ તેમ છતાં તે સાંભળીને અંદરથી તો તે રાજી થવાનો અને પછી વિવેક ખાતર કહી પણ બેસે કે એની જરૂર નથી. પણ તમારે તો તે ધ્યાન બહાર જ રાખવું નહિ તો તેની સાથે ચર્ચા વધતી જશે.

પ્રજ્ઞાબેને આ સંદર્ભમાં લખ્યું છે કે જ્યારે આપણે કોઈનો આભાર માનીએ છીએ ત્યારે કુદરતી રીતે આપણા હોઠ સ્મિતમાં રૂપાંતરિત થઇ જાય છે. તે જોઇને સામી વ્યક્તિ પણ સમજે છે કે આપણે દિલથી તેનો આભાર માનીએ છીએ નહી કે કહેવા ખાતર. આ જ મહત્વનું છે. બંને વ્યક્તિ કોઈ ભાર વગર એકબીજાની લાગણીઓને સમજી શકે તો જ કહેલુ સાર્થક છે.

એમણે એમ પણ લખ્યું છે કે આભાર એ અહમને ઓગાળતી એક ક્રિયા છે. કેટલી સાચી વાત. આભાર આ એક શબ્દ કહેતા આખું વાતાવરણ બદલાઈ જાય છે તે તો કહેનાર બરાબર જાણે છે અને અનુભવે છે. જેણે આમ કર્યું નથી તેણે એક સુખદ અનુભવ જેવું કાઈક ગુમાવ્યું છે તે ચોક્કસ વાત છે.

તમે બેંકમાં જતા હો કે રેલ્વેની ટિકિટ લેતા હો અથવા એવી જ કોઈ સાર્વજનિક સેવા પ્રદાન કરતી સંસ્થામાં જાઓ ત્યારે તમે એમ માનો છો કે તમારૂ કામ કરવું એ એમની ફરજ છે એટલે તમને તેઓ જે કોઈ સેવા આપે છે તે માટે આભાર વ્યક્ત કરવાની જરૂર નથી. સામાન્ય રીતે મોટા ભાગના લોકોની આ માન્યતા છે. પણ આ માન્યતાની બહાર જઈ, આભાર/થેંક્યું કહેવું જરૂર નથી એ ભૂલી જઈ, એકવાર તમે આભાર/થેંક્યું કહેશો તો મને નથી લાગતું કે તે અસ્થાને ગણાશે.

જ્યાં આવી સંસ્થાઓમાં તમે નિયમિત જતા હો અને આભાર વ્યક્ત કરવાનું શરૂ કરશો તો બીજી વાર તમે જશો ત્યારે તમને ત્યાં સ્મિતસભર આવકાર મળશે. તે જોઈ તમે પણ ખુશ થશો અને તેને એક નિર્જીવ સંસ્થા ન ગણતા તમે તેને જુદા દ્રષ્ટિકોણથી જોશો.

તરુલતાબેને તેમના લેખમાં લખ્યું છે કે ન કેવળ ‘થેંક્યું’ પણ ‘સોરી’ શબ્દનો પણ છૂટથી ઉપયોગ કરવો જોઈએ. એક રીતે તેમની વાત પણ સાચી છે પણ મારા મત મુજબ ‘સોરી’ શબ્દ ત્યારે વપરાવો જોઈએ જ્યારે ખરેખર તમે તેવી લાગણી અનુભવી છે. નહી તો હાલમાં ‘સોરી’ શબ્દ જે રીતે હાલતા ચાલતા બોલાય છે તેથી લાગે છે કે જાણે કોઈએ જાણી જોઇને તમાચો મારી માફી ન માંગી હોય !

જન્મથી મૃત્યુ પર્યંત ડગલેને પગલે આભાર વ્યક્ત કરવો પડે એવો માહોલ બની ગયો છે. પણ બાળપણમાં તો તેનો ખયાલ ન હોય એટલે તેમ થતું નથી અને સામેની વ્યક્તિ પણ તે સમજે છે અને આભારની અપેક્ષા રાખતી નથી. પણ એકવાર સમજદાર થયા પછી જો આમ કહેવાની ટેવ પડે તો જીવનનો નજારીયો બદલાઈ જાય. જો કે આ માટે તેના વડીલોએ તેને માર્ગદર્શન આપવું જરૂરી છે. યુવાવયે આ વાત આપોઆપ સમજાઈ જાય છે. સિવાય કે શું જરૂર છે માની તે યુવાન આભાર વ્યક્ત ન કરે તો તે જુદી વાત છે.

આ જ રીતે જિંદગીમાં એવા સંબંધો હોય છે જે આપણે Taken for granted કરીએ છીએ અને આભાર વ્યક્ત નથી કરતા. જેમકે પતિ-પત્નીના સંબંધો, મિત્રોના સંબંધો, પિતા-પુત્રના સંબંધો. આવા સંબંધોમાં આભાર વ્યક્ત ન કર્યાનો અફસોસ કે ભાર નથી લાગતો કારણ આ સંબંધો જ એવા હોય છે. તેમ છતાં ક્યારેક આભાર શબ્દ બોલાઈ જાય તો જરૂર તે સામી વ્યક્તિ માટે એક સાનંદ અનુભવ હશે. ક્યારેક અજમાવી જોજો.

પણ સૌથી મહત્વનો સંબંધ છે મનુષ્ય અને ભગવાન વચ્ચે. ભગવાન તો નિરાકાર, નિર્મોહી છે એટલે તે માનવી પાસે આભારની અપેક્ષા ન રાખે પણ આપણે તે ન ગણકારતા તેને યાદ કરીએ તે પણ આભાર વ્યક્ત કરવાનો જ માર્ગ છે. એવું નથી કે મંદિરમાં જઈને દર્શન કરીએ અને ભગવાનને પગે લાગીએ એટલે કામ પતી ગયું. આમ કર્યા વગર પણ સાફ દિલથી જીવન વ્યતિત કરીએ તો તે પણ ભગવાનનો આભાર માનવાનો એક અન્ય માર્ગ છે. એ જ રીતે જરૂરતમંદ લોકોને સહાય કરીને, આમ કરવા ભગવાને તમને સશક્ત બનાવ્યા માની તમે ભગવાનનો ભાર વગરનો આભાર વ્યક્ત કરી શકો છો.  

પરંતુ જ્યાં અનિચ્છાએ પણ આભાર માનવો પડે તે જરૂર ભારરૂપ થઇ શકે છે, કહેનાર માટે અને સાંભળનાર માટે. તો અમુક પ્રક્રિયાઓ ભલે આભાર વ્યક્ત કરવા માટે હોય પણ તે આડકતરી રીતે તો કોઈક પ્રકારનો ભાર ઊતારવાનું જ કાર્ય છે. જેમ કે લગ્નોમાં, પાર્ટીઓમાં રિટર્ન ગીફટની પ્રથા. આમ કરવું જરૂરી ન હોવા છતાં પણ જરૂરી છે એવી માન્યતા કેટલાક સમયથી ઘર કરી ગઈ છે અને વળી આવા પ્રસંગે ભેટ લઇ આવનાર પણ સામેથી  ગીફ્ટ મળશે તેની અપેક્ષા રાખતા થઇ ગયા છે. આમ આ આભારની પ્રથા હકીકતમાં તો ભારરૂપ જ ગણી શકાય. એટલે જ શું હવે લગ્નોમાં ભેટ કે ચાંદલો ન લેવાની પ્રથા આવી ગઈ છે?

અંતમાં એટલું જ કહીશ કે આભાર રાજીખુશીથી કહેવાય તો તે ખરા અર્થમાં કહેવાય છે તેમ માની લેવાય નહી તો તે ભાર જ બની રહે.

નિરંજન
Niranjan Mehta

ચાલો લ્હાણ કરીએ – (૨૦)જિંદગી-નિરંજન મહેતા

 

 

 

જિંદગી એટલે જન્મથી મૃત્યુ સુધીનો સમયગાળો. આપણે તેના અન્ય નામોથી પણ જાણીએ છીએ – જીવન, જીવતર, જન્મારો.

પરંતુ દરેક વ્યક્તિની જિંદગી સરળ નથી હોતી. તેમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. કોઈને ઓછા તો કોઈની વધારે. જે તેણે તેનો સામનો કરવો પડે છે. જીવનના આ ઉતાર ચઢાવને સમજીને જે જીવી જાણે છે તેનું જીવન સાર્થક ગણી શકાય. આવા ઉતાર ચઢાવને અનુલક્ષીને કેટલાય ફિલ્મીગીતો દ્વારા આપણને ફિલસૂફીનો આસ્વાદ મળે છે. તેમાંના થોડાકનો આ લેખમાં ઉલ્લેખ છે. અહી જણાવાયેલા ગીતો ઉપરાંત વાંચતા વાંચતા કેટલાય અન્ય ગીતો પણ તમને યાદ આવશે તો તેને તમારી રીતે માણી લેજો.

જિંદગીની એક ફિલસુફીને વર્ણવતું ફિલ્મ ‘આનંદ’નું આ ગીત સદાબહાર છે:

જિંદગી કૈસી હૈ પહેલી હાયે

કભી એ હસાયે કભી એ રુલાયે

ઉપર કહ્યું તેમ જિંદગીના ચઢાવ ઉતારને અનુરૂપ આ ગીતમાં કહેવાયું છે કે આપણી જિંદગી એક કોયડો છે. ક્યારે તે આપણને હસાવશે અને ક્યારે રડાવશે તેની આપણને ખબર નથી. આ જાણવા છતાં વ્યક્તિ સપનોની પાછળ ભાગે છે અને પસ્તાય છે.

બહુ જ જૂની ફિલ્મ ‘આહ’નું આ ગીત પણ જિંદગી માટે કહે છે:

છોટી સી યે જિંદગાની રે

ચાર દિન કી કહાની તેરી

હાયે રે હાયે

ગમ કી કહાની તેરી

આપણે સૌ જાણીએ છે કે જિંદગીને ચાર દિવસની ચાંદની સાથે સરખાવાઈ છે અને તે દુ:ખોથી ભરેલ છે. કહેવાય છે કે ચાર દિનની ચાંદની અને પછી ઘોર અંધારું.

જિંદગી જીવતા જીવતા આપણા જીવનની રફતારમાં અનેક લોકો આવે છે અને આવા કેટલાક લોકો આપણને અધવચ્ચે છોડીને જાય છે પણ જ્યારે આ છોડનારની યાદ રહી જાય છે ત્યારે તે આપણને આપણી એકલતામાં તડપાવે છે. પણ આ તો એક કુદરતનો નિયમ છે અને તે જ તો જિંદગીની ખાસિયત છે. આવા અર્થનું ગીત ફિલ્મ ‘મુનીમજી’માં અપાયું છે જેના શબ્દો છે:

જીવન કે સફર મેં રાહી

મિલતે હૈ બિછડ જાને કો

ઓર દે જાતે હૈ યાદે

તન્હાઈ મેં તડપાને કો

આ ગીત ફિલ્મમાં બે વાર છે જેમાં લતાજીએ ગાયેલું ગીત દર્દભર્યા સ્વરમાં છે જે જિંદગીની ફીલસુફીને ઠીક ઠીક ઉજાગર કરે છે.

પણ જિંદગી માટે એક અન્ય ફિલસુફી છે કે આ જિંદગી તો એક સપનું છે. આવા અર્થનું ફિલ્મ ‘જાગતે રહો’નું ગીત પણ માણવા લાયક છે: જિંદગીમાં સાચું શું અને ખોટું શું તેની કોઈને ખબર નથી હોતી એવા ભાવાર્થનું આ ગીત છે:

જિંદગી ખ્વાબ હૈ

ખ્વાબ મેં જૂઠ ક્યાં

ઓર ભલા સચ ક્યાં

પણ જે બેફિકરાઈથી જીવન જીવી જાણે છે તેને માટે તો જિંદગી સુગમ થઇ રહે છે. ફિલ્મ ‘હમદોનો’માં દેવઆનંદ આવા જ કોઈ અંદાજમાં ગાઈ ઊઠે છે:

મૈ જિંદગી કા સાથ નિભાતા ચલા ગયાં

હર ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા

કેવી ઝિંદાદિલી !

ભલે આપણે જાણીએ છીએ કે જિંદગીમાં ચઢાવ ઉતાર છે પણ તેને હકારાત્મક દ્રષ્ટિએ જોઈએ તો તે એક આનંદમય સફર બની શકે. આવી જ ફિલસુફી લઈને રાજેશ ખન્ના ફિલ્મ ‘અંદાઝ’માં કહે છે:

જિંદગી એક સફર હૈ સુહાના

યહાં કાલ ક્યાં હો કિસને જાના

મતલબ કે આપણે સૌ જાણીએ છીએ કે કાલે શું થવાનું છે તેની કોને ખબર છે. તો પછી જિંદગીની સફરને માણી લો અને મોજ કરો.

પણ આ જ રાજેશ ખન્ના જિંદગીની થપાટ ખાઈને દુ:ખી થાય છે ત્યારે જુદા જ સૂરમાં કહે છે:

જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ

વો ફિર નહિ આતે, વો ફિર નહિ આતે

ફિલ્મ ‘આપ કી કસમ’નું આ ગીત પણ એટલું જ ફિલસુફીભર્યું છે

અન્ય એક ગીતમાં જિંદગીના ગમનો સામનો કરવા સક્ષમ ગુલઝાર કહે છે

યે જિંદગી ગલે લગાલે

હમને ભી તેરે હર એક ગમકો

ગલે સે લગાયા હૈ

ફિલ્મ ‘સદમાં’નું પશ્ચાદભૂમિમાં મુકાયેલ આ ગીત પણ માણવા જેવું છે. આ ગીત એટલે જ ફિલ્મ ‘ડીયર જિંદગી’માં પણ અપાયું છે.

જિંદગી માટેનો એક ઓર અંદાઝ પણ માણવા લાયક છે:

જિંદગી પ્યાર કા ગીત હૈ

ઈસે હર દિલ કો ગાના પડેગા

ફિલ્મ ‘સૌતન’’ના આ ગીતની ફિલસુફીને જે સમજી શકે છે તે ખરેખર આનંદથી જિંદગી વિતાવી શકે છે અને માણી શકે છે.

નિરંજન મહેતા

ચાલો લ્હાણ કરીએ – (15)ભવસાગર-નિરંજન મહેતા

ફિલ્મ ‘રફ્તાર’નું એક ગીત છે:

સંસાર એક નદિયા હૈ

સુખ દુ:ખ દો કિનારે હૈ

ના જાને કહાં જાયે

હમ બહતી ધારા હૈ

એકવાર તો વિચાર થાય કે આપણે સંસારને સાગરરૂપે – ભવસાગર તરીકે જાણીએ છીએ તો પછી કવિ તેને નદી સાથે કેમ સરખાવે છે? પણ થોડો ઊંડો વિચાર કરતા થયું કે ભલે કવિને તે નદી તરીકે લાગે પણ આપણા માટે તો તે સાગર જ છે કારણ નદીના સંકુચિત રૂપ કરતા સાગરનું વિશાળ રૂપ આપણા જીવનની ભવ્યતાને સાર્થક કરે છે.

આમેય તે નદી છેવટે સાગરમાં સમાય છે એટલે નદીનું અસ્તિત્વ વિલીન થાય છે, જ્યારે બીજી બાજુ સાગરના વિશાળ હૃદયમાં કઈ કેટલીએ નદીઓ સમર્પણ કરે છે. તે સાથે તેમાં રહેલો બધો કચરો પણ સાગરમાં ઠલવાય છે અને સાગર તે ખુલ્લા દિલે સ્વીકારી પોતાના પેટાળમાં સમાવી લે છે. આ જ કચરાથી ઉત્પન્ન થતી ઉર્જા મનુષ્ય જાતને જ ઉપયોગી થઇ પડે છે.

તે જ રીતે આપણા સંસારરૂપી સાગરમાં કઈ કેટલાય લોકો નદીની માફક આવે છે. તે બધા માટે આપણે સાગરધર્મ અપનાવીએ અને તેમને જેવા છે તેવા સ્વીકારીએ. જેમ નદીના કચરાને સાગર સમાવી લે છે તેમ અન્યોના અવગુણને પણ આપણે અવગણીને આપણામાં સમાવી લઈએ તો આપણું જીવન પણ જીવવા યોગ્ય બની રહેશે. તેને કારણે આપણી સહનશીલતા વધશે અને અન્યો પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ પણ સકારાત્મક બની રહેશે. શું આમ કરવાવાળા લોકો જ સાગરપેટા નથી કહેવાતા?

ગીતમાં વર્ણવાયું છે કે નદીને બે કિનારા છે – સુખ અને દુ:ખ. પણ આપણને સાગરનો એક જ કિનારો નજર આવે છે. નજર નાખતા દૂર દૂર સુધી ફક્ત પાણી અને પાણી જ દેખાય છે બીજો કિનારો તો નજરમાં આવતો નથી. જેમ દરિયાખેડુઓ પોતાની નજરમાં આવતા આ કિનારાને ધ્યાનમાં રાખી સાગર ખેડે છે એમ આપણે પણ આપણા સંસારસાગરના કિનારા – સર્જનહારને ધ્યાનમાં રાખી આપણી જીવનયાત્રાની સફર કરતા રહેવું જરૂરી છે કારણ તેમ ન કરતા આ ભવાટવિમાં ક્યાં અટવાઈ જશું તેની ખબર પણ નહી રહે અને તેથી જ સર્જનહારરૂપી કિનારો આપણો આશરો છે.

ગીતમાં કહ્યું છે તેમ જો આપણે સંસારને નદી સ્વરૂપે સ્વીકારીએ તો નદીની જેમ આપણે પણ કોઈ સાગરમાં સમાવાનું છે અને તે માટે આપણે આપણી સંસારરૂપી નદીને કોઈ સાગર શોધવો રહ્યો. વળી જેમ નદીને બે કિનારા છે તેમ આપણા સંસારણા પણ બે કિનારા હોવા જોઈએ. પણ હકીકતમાં તેમ નથી. આપણા માટે તો એક જ કિનારો છે અને તે છે સર્જનહાર. તેને પામવાનો એક જ ધ્યેય આપણા જીવતરને સાર્થક કરશે.

આ સંદર્ભમાં એક અન્ય ગીત યાદ આવે છે ફિલ્મ ‘સાગર’નું.

સાગર કિનારે દિલ યે પુકારે

તું જો નહી તો મેરા કુછ ભી નહી.

આ ગીત પણ જો ફિલસુફીણા અર્થમાં લઈએ તો તે સમજાવે છે કે આ સંસારરૂપી સાગરના કિનારે ઊભા રહી આપણે કર્તાને કહીએ છીએ કે તું જ મારો આધાર છે. તું જો મને નહી મળે તો મારું જીવન સાર્થક નથી તું મને મારું જીવન સુખમય અને શાંતિથી જીવવાની શક્તિ આપ અને અંતે મને તારામાં સમાવી લે.

સાગરમાં જેમ ભરતી અને ઓટ આવે છે તેમ આપણા જીવનસાગરમાં પણ સુખ અને દુ:ખરૂપી ભરતી અને ઓટ આવતા રહે છે. જેમ સાગર આને પોતાનું રોજિંદુ કાર્ય સમજી સરળતાથી નિભાવે છે તેમ આપણે પણ તેને અનુસરીએ અને આવતા સુખ અને દુ:ખને સરળતાથી સ્વીકારીએ તો શાંત સાગરની માફક આપણું જીવન પણ શાંત અને નિર્મળ બની રહેશે. અન્યથા તોફાની સાગરની જેમ આપણું જીવન પણ ઉથલપાથલભર્યું બની રહેશે. સહનશક્તિની સીમામાં રહી જે આ પચાવે છે તે અન્યો માટે દાખલારૂપ બને છે. સંતોનો આદર અમસ્તો કરાય છે?

એમ જોવા જઈએ તો સાગરના અનેક ગુણધર્મો છે અને તેને અનુસરીએ તો આપણે અન્યો કરતા થોડા ઉપર ઊઠી શકીએ. આ જ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ.

નિરંજન મહેતા

ચાલો લહાણ કરીએ(૮ )લાગા ચુનરીમે દાગ-નિરંજન મહેતા

ચાલો લ્હાણ કરીએ

કેટલાય ગીતો એવાં હોય છે જેનો શબ્દાર્થ તો વાંચતા કે સાંભળતા સમજાઈ જાય પણ એની પાછળ કોઈ ગૂઢ અર્થ પણ રહેલો હોય છે તે તો જ્યારે કોઈ આપણા ધ્યાનમાં લાવે ત્યારે જ લાગે કે આ ગીતના રચયિતા કેટલા ઊંડા પાણીમાં છે. આ ગુઢાર્થ જાણ્યા પછી તો તે ગીતનો લહાવો અનન્ય બની રહે છે.

શબ્દાર્થ અને ગૂઢાર્થ અલગ હોવાને કારણે તેનો ગુઢાર્થ જાણ્યા પછી તે ગીતને સાંભળવાની અને સમજવાની દ્રષ્ટિ પણ બદલાઈ વધી જાય છે.

આવા અનેક ગીતોમાથી એક ગીત વિષે વાત કરૂ છું અને તે છે ફિલ્મ ‘दिल ही तो है’ના ગીતની.

लागा चुनारीमे दाग

छुपाऊ कैसे

घर जाऊ कैसे

આ ગીત આમ તો એક નૃત્યગીત છે જે રાજકપૂર દ્વારા મન્નાડેના સ્વરમાં ગવાયું છે. આ ગીત જોતાં કે સાંભળતા આપણે રસતરબોળ થઇ જઈએ એવી સુંદર રચના સંગીતકાર રોશને બનાવી છે.

ગીતના શરૂઆતના શબ્દો સાંભળી લાગે કે કોઈ મહિલા પોતાની ચૂંદડી પર કોઈ ડાઘ પડ્યો છે અને તે સંતાડવાને  અસમર્થ છે. આ તો થયો શાબ્દિક અર્થ. પણ તેનો ગૂઢાર્થ તો એક આધ્યાત્મિક ઢબનો છે. ચૂંદડીનો અહી સંદર્ભ છે આપણું જીવન અને જે ડાઘનો ઉલ્લેખ કરાયો છે તે છે આપણા પાપકર્મો.

આગળના શબ્દો જોઈએ.

हो गई मैली मेरी चुनरिया

कोरे बदन की कोरी चुनरिया

आ जाके बाबुल से नज़रे मिलाऊ कैसे

घर जाऊ कैसे

 

ઘર એટલે ઈશ્વરનું ઘર. જયારે જીવતર પૂરું થયા પછી આપણે પ્રભુધામ જશું ત્યારે આ પાપરૂપી કર્મોનો ડાઘ છૂપાવી નહિ શકીએ તો ક્યાં મોઢે પ્રભુ સમક્ષ હાજર થવાશે? આવ્યા ત્યારે કોરાધાકોર હતા અને પાપોને કારણે હવે જીવતર કલંકિત થઇ ગયું છે. આને કારણે બાબુલ એટલે પ્રભુપિતાની સાથે નજર મેળવવા પણ આપણે અસમર્થ બની રહેશું.

 

भूल गई सब वचन बिदा के

खो गई मै ससुरालमें आके

માનવી જ્યારે જન્મે છે ત્યારે એક નિર્દોષ બાળકના રૂપમાં આવે છે પણ જીવતર દરમિયાન તે નિર્દોષતા સંસારના રંગમાં રગદોળાઈ જાય છે. પ્ર્ભુધામ એ તેનું પિયર છે અને આ જીવન સાસરું. પણ અહીના રંગે રંગાઈ, મોજમજામાં ફસાઈ તે પિયરને ભૂલી બેસે છે. પણ જ્યારે અંત સમય આવે છે ત્યારે તેને પ્રભુપિતા યાદ આવે છે અને તેને સંકોચ થાય છે કે હવે હું ક્યાં મોઢે તેની સમક્ષ હાજર થઈશ?

कोरी चुनरिया आत्मा मोरी

मैली है मायाजाल

वो दुनिया मोरे बाबुल का घर

ये दुनिया ससुराल

हां, जाके बाबुल से नज़रे मिलाऊ कैसे

घर जाऊ कैसे

જન્મે ત્યારે આત્મા એક શુદ્ધરૂપમાં હોય છે પણ જીવતર દરમિયાન તે મોજમજા અને પાપકર્મોથી મેલો થઇ જાય છે. પેલી દુનિયા કે જે પિયર છે અને આ દુનિયા સાસરું. હવે ત્યાં કેવી રીતે જવાશે અને કેમ કરી નજર મેળવાશે?

પહેલી નજરે એક કર્ણપ્રિય ન્ર્રત્યગીતની આપણે જેની ગણના કરતાં હતા તે આવા ગુઢાર્થવાળું ગીત બની ગયું છે તે તો કોઈ આપણને જાણકારી આપે ત્યારે જ સમજાય. આવો અર્થ જાણ્યા પછી મને ખાતરી છે કે રસિક શ્રોતા તે વધુ સારી રીતે માણશે.

આ સંદર્ભમાં કબીરજીના આવા જ પ્રકારના ગીતનો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય.

ચાદર વણતા વણતા કબીરજી ગાય છે કે:

झीनी झीनी रे चदरिया

दास कबीर जातां से ओढ़ी

ज्याँ की त्या धर दीन्ही चदरिया

झीनी झीनी धीमी चदरिया

જીવનરૂપી આ ચાદરને પોતે એવી રીતે ઓઢી છે કે તેને કલાન્ક્રૂપી ડાઘ લાગવા નહિ દે અને પ્રભુને ચરણે જેવી આપી હતી તેવી જ તેને પરત કરશે.

 

લખો, લખો, લખો-નિરંજન મહેતા

photoલખો, લખો, લખો

સારી સાહિત્ય કૃતિ વાંચતા વાંચતા સામાન્ય રીતે આપણને થાય કે કેવી સરસ રચના છે. આપણે પણ આવું કાઈક લખી શકીએ તો કેવું !

મારું તો માનવું છે કે આપણા દરેકમાં લખવાની ઈચ્છા અને શક્તિ સંતાએલા છે. તેને બહાર લાવવા માટે આપણે જ પ્રયત્ન કરવો જરૂરી છે. તમે કહેશો કે એમ દરેક જણ થોડા લેખક થઇ શકે? પણ ભલે તમે લખેલું લખાણ પ્રકાશિત ન થાય કે કોઈ અન્ય ન વાંચે પણ મનના વિચારો એક વાર બહાર લાવશો તો તેનાથી થતો આત્મસંતોષ અનેરો હશે.

તમે વયસ્ક થઇ ગયા એટલે લખવાને લાયક નથી એ વાત બેબુનિયાદ છે. આ માટે ઉંમરનો બાધ નડતો નથી. વયસ્કો પણ પોતાના અનુભવો અને વિચારોને બહાર મૂકી શકે છે. કદાચ એ એવા વિશાળ પણ હોઈ શકે કે લખતા લખતા થાકી જાઓ તો નવાઈ નહી.

જીવનમાં એવા કેટલાય બનાવો આપણા જીવનમાં બને છે જે અન્યોના જીવનમાં ન બન્યા હોય. પણ તે અનુભવોને બહાર લાવશો તો ન કેવળ આપ અન્યોને સહાય કરો છો પણ ખુદમાં પણ પરિવર્તન અનુભવશો અને જીવન પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ શકે છે.

આમ તો બનાવો સામાન્ય લાગે એટલે તે વિષે શું લખવું માની આપણે કલમ હાથમાં નથી લેતા. પણ આ જ અનુભવોમાંથી વાર્તા, નિબંધ કે આગળ જતા નવલકથા બની જાય છે ત્યારે ખુદને નવાઈ લાગશે કે આ શું? આવું તો ધાર્યું ન હતું. અને તેમ થતા જે આનંદ થશે તે અનન્ય હશે.

આપણામાંના મોટાભાગના લોકોના જીવન એક જ ઘરેડમાં વણાયેલા હોય છે અને તે સામાન્ય અને કંટાળાજનક બની રહે છે. પણ દરેક પોતાના જીવનનું અને હસ્તિનું જે અર્થઘટન કરે છે તે બીજાઓથી અલગ હોય તે સ્વાભાવિક છે. આ જ વિભિન્ન અર્થઘટન તેને કાગળ પર જીવનમૂલ્યને કંડારવાની તક આપે છે. આનાથી લખનારને માનસિક તૃપ્તિ તો થાય જ પણ વાંચનારને પણ તે સહાયરૂપ થઇ શકે છે.

આવા આત્મવૃતાંત વડે તમે તમારી જિંદગીના અનુભવો અને વિચારો જાહેરમાં લાવો છો જાણે તમારી જિંદગી અન્યને સુપરત થઇ ગઈ ન હોય? આવા લખાણ દ્વારા તમે અન્યોને જણાવો છો કે જુઓ હું જે પરિસ્થિતિમાંથી પસાર થઇ ચૂક્યો છું અને તેમાંથી બહાર પણ આવી શક્યો છું તેમ તમે પણ જ્યારે આવું અનુભવો ત્યારે તેમાંથી સહેલાઈથી બહાર આવી શકશો તે આ લખાણનો ઉદ્દેશ છે. આમ તમે તમારી આપવીતી, અનુભવો અન્યોને વહેંચી તેમને સહાયરૂપ થાઓ છો જેને કારણે તેઓ ઓછી મુશ્કેલીએ તેનો સામનો કરી શકશે.

મોટી ઉંમરે પણ લખશો તો એક નવા રાહે આવી ઊભા રહેશો, કારણ જ્યાં સુધી તમારા વિચારો અને અનુભવ તમારા મનમાં ધબેરાયેલા હશે પણ કાગળ પર નહી ઉતારો ત્યાં સુધી તમે તે સમસ્યાઓને પૂરેપૂરી સમજી નહી શકો. જ્યારે આ બધું એક સૂત્રે બાંધશો ત્યારે તે તમારા વાચકો, મિત્રો અને કુટુંબીજન માટે એક અમુલ્ય ખજાનો પણ બની શકે છે.

વ્યક્તિ વ્યક્તિના જીવનની કહાણી અલગ અલગ હોય છે. અરે, એકના જીવનની કહાણીમાં પણ અલગ અલગ અનુભવોનો ખજાનો હોય છે. તમે તમારા બાળપણ વિષે લખો, તમારા પ્રવાસવર્ણન વિષે લખો, જેમાં તમને આનંદ મળે તે વિષયને પકડો પણ લખો. તમે કોઈ વ્યક્તિથી પ્રભાવિત થયા હો તો તેના વિષે લખો પણ લખો જરૂર. જીવનમાં તમને અન્યાય થયો હોય પણ તે વિષે અંદરને અંદર ધૂંધવાતા હો તો તેને લખીને બહાર લાવો. કદાચ લોકો આગળ તે મૂકતા અચકાઓ તો પણ લખીને રાખો અને તેમ કરીને મનની શાંતિ મેળવો.

તમને લાગશે કે આવું લખીશ તો બીજાને સામાન્ય લાગશે. પણ કદાચ તે અન્ય વાંચશે ત્યારે તેને તે સામાન્ય ન પણ લાગે તો તેને તેના આનંદથી વંચિત શું કામ રાખો છો?

આટલું વાંચીને તમને થશે કે હું શરૂઆત કેમ કરૂં? તમારી પાસે એવો શબ્દભંડોળ નથી કે તમે એક ઉત્તમ કૃતિ આપી શકશો. અચકાઓ નહી. મનમાં જેવા આવે તેવા વિચારો અને શબ્દોને એકવાર કાગળ પર રમવા દો. કારણ શરૂઆતમાં તમે અન્ય માટે નહી પણ સ્વ માટે લખો છો. અન્યો વાંચશે કે નહી અને વાંચશે તો ગમશે કે નહી તેનો વિચાર કરી અટકો નહી. આમ કરવાથી જ આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે સાથે સાથે આત્મસંતોષ પણ મેળવશો. તમારી યાદોને સાચા અર્થમાં પ્રગટ કરવા જરૂરી છે આત્મખોજ. સ્વથી ઉપર જઈ બનાવોની છણાવટ કરી લખાયેલ યાદોનો રંગ જ અનેરો હોય છે.

તમારૂ લેખનકાર્ય એક ચિત્રકાર જેવું છે. એક કોરા કેનવાસ પર જે રીતે તે પીંછી વડે રંગછાટણી કરે છે અને પછી તેનાથી દૂર જઈ તેને નિહાળી ફેરફાર કરે છે તે જ રીતે તમારે પણ એકવાર લખી ફરી ફરી વાંચી, જરૂરી ફેરફારો કરવા પડે તો પણ તેનો વાંધો નહી. એમ કરતા જ કૃતિ સુંદર બની રહે છે. આમ કરશો તે સત્યની શોધ બરાબર છે. જેટલા ઊંડા તમારા અતીતમાં ડોકિયું કરશો અને અનુભવોને તરાસશો તેટલું તમારૂ લખાણ વ્યવસ્થિત અને સુંદર બની રહેશે. કદાચ એવું પણ બને કે જે યાદો તમારી અંદર રહી તમને મૂંઝવતી હતી કે તમે માનસિક સંતાપ અનુભવતા હતા તે એકવાર લખાણના રૂપમાં બહાર આવશે તો કદાચ તેનું તમારા ઉપરનું પ્રભુત્વ પણ ઓછું થઇ શકે.

આ મારો સ્વ અનુભવ છે, કારણ કોઈ એક પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘોંચપરોણા(!)ને કારણે લખતો થયો જેમાનું ઘણું બધું પ્રકાશિત પણ થયું છે. મિત્રો અને પરિવારજનોએ તેની સરાહના કરી છે અને તેથી આ પ્રવૃત્તિ કરતા આજે સ્વને આનંદ તો થાય છે પણ અન્યોને પણ ખુશી વહેંચી રહ્યો છું તેનો પણ આનંદ છે.
નિરંજન મહેતા

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (19)અદલાબદલી

photo

નિરંજન મહેતા

 

 

 

 

 

‘પપ્પા, કાલનો કલ્પેશ ક્યાંક ગયો છે પણ કોઈ સમાચાર નથી.’ ફોન ઉપર રડતા અવાજે રચનાએ કહ્યું.

‘ઓફિસના કામે ગયા છે કે અન્ય કામે તે તેમણે જણાવ્યું નથી?’

‘ના, કશું જણાવ્યું નથી.’ એ જ અવાજે રચનાએ કહ્યું.

‘ફોન કર્યો? શું કહે છે?’

‘પપ્પા, તમે પણ કેવી વાત કરો છો? ફોન કરીને વાત કરી હોત તો તમને ચિંતા કરાવતે? તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે એટલે મને બહુ ચિંતા થાય છે. કદાચ ક્યાંક અકસ્માત થયો હોય તો?’

‘અરે એવું ના વિચાર. એવું કાઈ હોય તો આપણને પોલિસ કે અન્ય મારફત જરૂર જાણ થાય ને. આ તો કામમાં વ્યસ્ત હશે એટલે આમ થયું હશે.’ શુષ્ક અવાજે તે બોલ્યા.

‘પપ્પા તમારો અવાજ કેમ આવો છે? આ અવાજ સામાન્ય રીતે મારા પપ્પા બોલતા હોય તેવો નથી લાગતો. કોઈ પ્રોબ્લેમ?’

‘હા, તારી વાત સાચી છે. અહી પણ એવું કાઈક થયું છે જે વાત તને ફોન ઉપર કરાય તેમ નથી. એક કામ કર તું ઘરે આવ એટલે તને વાત કરીશ અને તારા પ્રોબ્લેમ વિષે પણ વિચારી આગળ શું કરવું તે નક્કી કરીશું..’

થોડા વખત પછી રચના પપ્પાના ઘરે પહોંચી ત્યારે ઘરનું વાતાવરણ જરા ગંભીર જણાયું. મમ્મીનું ગંભીર મો જોઈ તેને સમજ ન પડી કે શું થયું છે. અમિતભાઈ પણ સોફા પર સોગિયું મોઢું લઇ બેઠા હતા.

‘કેમ બધા આમ બેઠા છો? કલ્પેશના કોઈ સમાચાર આવ્યા છે જેની મને જાણ ન કરતા તમને કોઈએ જણાવ્યું છે?’

‘ના, એવું નથી,’ પપ્પાએ કહ્યું. ‘અહી પણ જે બન્યું છે તે તારી સાથે થયું છે કાઈક તેવું જ છે. તારી ભાભી શાલિની પણ કાલની તેને ઘરે જાઉં છું કહી ગઈ છે પણ તે ત્યાં ગઈ જ નથી અને તેનો કોઈ સંપર્ક નથી, અમે પણ બધે તપાસ કરી પણ હજી સુધી પત્તો નથી. તેના મા-બાપ પણ ચિંતામાં છે હવે તેમાં કલ્પેશકુંમારની તે વાત કરી એટલે વધુ ચિંતા થાય તે સ્વાભાવિક છે ’

એક સાથે બે અણધાર્યા બનાવે બધાની સુધબુધ ગુમ થઇ ગઈ હતી. આગળ શું કરવું, કેમ કરવું તેના વિષે વિચારવાની શક્તિ જાણે હણાઈ ગઈ હતી. એવામાં શાલિનીના માતા-પિતા પણ આવ્યા અને બહુ ચર્ચા પછી પોલિસમાં બંનેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવાનો વિચાર કરી રહ્યા હતા ત્યાં કુરિયરમાં એક કાગળ આવ્યો. પત્ર અમિતના નામે હતો.

‘અમિત,

પ્રિય નથી લખતી કારણ આ પત્ર વાંચ્યા બાદ તને સમજાશે કે હું તેમ કહેવાને લાયક નથી રહી. કેટલાય વખતથી કોઈ પગલું લેતા પહેલા તને મારા મનની વાત કરવી હતી પણ તે કહેવાની હિમ્મત ન હતી એટલે આ પત્ર દ્વારા બધું જણાવું છું.

મને ખબર છે કે મેં જે પગલુ લીધું છે તેને તમારા તરફથી કોઈ આવકાર નથી મળવાનો. પણ કેટલોય વિચાર કરી અંતે મન મક્કમ કર્યું. તમારે મતે તે યોગ્ય નહી હોય તેની ખાત્રી હોવા છતાં અને સમાજ શું કહેશે તેનો વિચાર કર્યા વગર મેં આ પગલું લીધું છે અને તમને સર્વેને છોડીને આગળ વધી છું.

તું એમ ન માનતો કે તારી સાથેનો મારો સંબંધ પ્રેમભર્યો ન હતો એટલે મેં આમ કર્યું છે. અરે, ઉલટું તારી સાથેનો આટલા વખતનો સંબંધ તો મારા જીવનનો આનંદમય કાળ હતો. તું કહેશે તેમ છતાંય હું તને છોડીને ચાલી નીકળી? તો પછી એવું તે શું થયું કે હું તને છોડીને ચાલી નીકળી?

ઘટનાની શરૂઆત થઇ આજથી લગભગ એક વર્ષ પર જ્યારે રચનાબેનને જોવા કલ્પેશ આવ્યો હતો. હવે આ વાંચીને નવાઈ ન પામતો કે હું તેનું નામ તુંકારે કેમ લખું છું, કારણ સ્પષ્ટ છે. અમે એક બીજાને કોલેજકાળથી જાણીએ છીએ. અરે, કોલેજમાં તો બધાને ખાત્રી હતી કે અમે લગ્ન કરી લેશું. પણ અમારી બન્નેની નાત જુદી એટલે નાતજાતના બંધન નડ્યા. વળી સામાજિક સ્તરનો પણ તફાવત. આને કારણે અમે એક ન થઇ શક્યા અને તે વખતે ભાગીને લગ્ન કરવાનો વિચાર કરવાની પણ હિમ્મત મારામાં ન હતી.

જ્યારે તારી સાથે લગ્ન સંબંધની વાત થઇ ત્યારે મને તારામાં યોગ્યતા લાગી અને બધી રીતે આ સંબંધ યોગ્ય બનશે માની, ભૂતકાળને ભૂલીને, ત્યાં સુધી કે કલ્પેશ જાણે મારા જીવનમાં આવ્યો જ ના હોય તેમ, હું તારા જીવનમાં પ્રવેશી અને તમે સર્વેએ મને પણ દીકરી તરીકે અપનાવી.

પણ જ્યારે કલ્પેશ રચનાબેનને જોવા આવ્યો ત્યારે તેને જોઇને હું ચમકી. પરંતુ કોઈને તેનો અણસારો ન આવે તેની મેં બહુ કાળજી લીધી હતી. કલ્પેશની હાલત પણ તેવી જ થઇ હતી તેમ તેણે કહ્યું પણ ત્યારે તેના હાવભાવ પરથી તેમ નહોતું લાગ્યું કારણ કે તે પણ બહુ મહેનતે પોતાની જાતને સંભાળી રહ્યો હતો.

સગાઇ પછી રચનાબેનને મળવા કલ્પેશ આપણે ઘરે અવારનવાર આવે તે સ્વાભાવિક હતું પણ જ્યારે આવે ત્યારે અમે અમારા જુના સંબંધને અવગણીને નવા સંબંધ પ્રમાણે વર્તતા. પણ તે તો બાહ્ય દેખાવ. અંદરખાને મને જે હલચલ થતી તે બહાર ન આવે અને ખાસ કરીને તને તેની ગંધ ન આવે તે માટે મક્કમ મને પ્રયત્ન કરતી રહી. એવું જ કલ્પેશ માટે હતું.

લગ્ન પછી પણ એક શહેરમાં રહેતા હતા એટલે કલ્પેશની આપણે ત્યાં આવનજાવન ચાલુ રહેતી. બધાને માટે તો આ એક જમાઈરાજા છે અને અવારનવાર આવી સંબંધ નિભાવે છે તેમ લાગતું  પણ ખરું કારણ હતું કે આ બહાને તે મને મળી શકે. ક્યારેક કોઈ ન હોય અને તે આવે ત્યારે મને સમજાવે કે ક્યાં સુધી આપણે બન્ને આમ તડપતા રહેશું? પણ હું સમાજના ડરથી અને તમારા બધાના પ્રેમને કારણે તેની વાતને ટાળતી. શરૂઆતમાં તો હું તેની વાત પર ધ્યાન ન આપતી અને તેને એકલા ન મળવા માટે પ્રયત્નશીલ રહેતી પણ બહુ વિચાર પછી મને પણ લાગ્યું કે શા માટે હું મારી જાતને છેતરી રહી છું? મારી લાગણીઓને કારણે ન તો હું ચેનથી રહી શકીશ, ન તો આપણા સંબંધને યોગ્ય ન્યાય આપી શકીશ.

અંતે બહુ વિચાર કર્યા બાદ મેં અને કલ્પેશે એક દિવસ બહાર મળી આ વિષે લાંબી ચર્ચા કરી. સમાજ ગયો તેલ લેવા માની, અમારા અંતરની લાગણીને સાંભળીને અમે એક થવાનું નક્કી કર્યું. જો કે આ બહુ કઠીન નિર્ણય હતો અમારા બંને માટે, પણ મન મક્કમ કરવું જ રહ્યું. એટલે છેવટે અમે આ શહેર છોડી અન્ય શહેરમાં વસવા નિર્ણય કર્યો જે માટે કલ્પેશે તેની બદલી અન્ય શહેરમાં કરાવી લીધી. ક્યાં તે નથી જણાવતી જેથી તમે અમારો સંપર્ક ન કરી શકો અને આપણે સૌએ એકબીજાનો સામનો ન કરવો પડે.તારી કે ઘરના અન્યોની માફી માગવાને હું લાયક નથી છતાં તે કહેવું તો રહ્યું જ. ખાસ કરીને રચનાબેનની માફી માગું છું કેમકે તેમની હાલત શું થઇ હશે તે હું સમજી શકું છું. એમને માટે આ અસહ્ય થઇ પડશે તેમાં બે મત નથી પણ અમારા ભવિષ્યનો વિચાર કરતા અમારે આમ કરવું જરૂરી લાગ્યું તે તેઓ એક નારી તરીકે સમજી શકશે એમ હું માનું છું.

“શાલિની’