સવાર પડે છે …
પ્રભાતના પુષ્પો ખીલે છે…
ઉષાના રંગો પ્રગટે છે…
સૂર્યનો સારથી અરુણ સાત અશ્વો સહિત આદિત્યની સવારી લઈ આવી પહોંચે છે…
ઉષાના રંગોથી આસમાન છવાઈ ગયું છે…
કદાચ આજે સાહિત્યના આસમાનમાં પણ આપણે કંઇક આવું જ અનુભવી રહ્યા છીએ…
ગુજરાતી સાહિત્યના આસમાનમાં કનૈયાલાલ મુનશીની નવલિકાઓના રંગો માણી રહ્યા છીએ…
તો ચાલો વિહરીએ…એક નવા આસમાનમાં…નવા રંગો સાથે…
મોટા ભાગની વાર્તાઓમાં લેખકે કથિતવાર્તાની આયોજનરીતિ સ્વીકારી છે. સમાજમાં પ્રવર્તતા અનેક અનિષ્ટો, રૂઢિના નામે ખોટા આડંબર અને કુરિવાજો, સ્ત્રીશિક્ષણ, સ્ત્રી સ્વાતંત્ર્ય અને સમાજમાં સ્ત્રીઓની દયનીય સ્થિતિને વાર્તાના માધ્યમથી રજૂ કરી લોકજાગૃતિ આણવાનો મુનશીનો પ્રયાસ પ્રશંસનીય છે.
વાચકને મુનશી નામ સાથે જ ઉચ્ચ અપેક્ષાઓ બંધાઈ જાય છે. મુનશી જેટલા સમર્થ નવલકથાકાર છે તેટલા સમર્થ નવલિકાકાર નથી એવું વાચકને લાગે તો એમાં નવાઈ નથી.
મુનશી પાસેથી એક જ વાર્તાસંગ્રહ ‘મારી કમલા અને બીજી વાતો’ (૧૯૨૧, પછીથી ‘નવલિકાઓ’) મળ્યો છે. નવલિકાઓના માધ્યમથી તેમણે હિંમતભેર ત્યારના સમાજમાં પ્રવર્તતા સામાજિક અનિષ્ટો અને રૂઢિચુસ્ત માનસને તીવ્ર કટાક્ષ દ્વારા ખુલ્લા પાડયા. વાચકોના દિલને સ્પર્શી જાય, વાચકને એ સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવા મજબૂર કરે એવો ઘા તેમની નવલિકાઓ વાંચીને થતો. ‘ગોમતીદાદાનું ગૌરવ’, ‘શામળશાનો વિવાહ’ ,‘ખાનગી કારભારી’ આ શ્રેણીમાં આવી શકે. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ અને ‘ખાનગી કારભારી’માં રમૂજ, કટાક્ષની સાથે સાથે લેખકની વસ્તુગ્રથનની દ્રષ્ટિ પણ જોવા મળે છે.
‘ગૌમતિ દાદાનું ગૌરવ’ એ જ્ઞાતિવાદ પર તીવ્ર કટાક્ષ છે. ઉચ્ચ જ્ઞાતિમાં જન્મના કારણે અવાસ્તવિક કુલાભિમાન અને જાતિઅભિમાન ધરાવતા કુટુંબનો ભરમ ભાંગતી આ હળવી શૈલીમાં લખાયેલ વાર્તા સુંદર રીતે આલેખાયેલ છે. હાસ્ય સાથે નિષ્પન્ન થતો બોધ ખૂબ સચોટ છે. આપણી આસપાસ નજર કરીશું તો આજે પણ અવાસ્તવિક અભિમાનમાં રાચતાં કુટુંબ આપણને જોવા મળી જશે.
‘શામળશાનો વિવાહ’માં મોટી ઉંમરે નાની બાળકી સાથે લગ્ન કરતા ધનિક શેઠની ઠેકડી ઉડાવાઈ છે. તો બાળવિવાહના સામાજિક દુષણ અને સ્ત્રીઓની દયનીય પરસ્થિતિ ઉઘાડી પાડી છે. ‘શામળશાનો વિવાહ’ વાંચીને જો લોહી ઉકળી ન ઉઠે તો જ નવાઈ. મુનશીની હળવી શૈલીમાં લખાયેલી આ વાર્તા પચાસથી ઉપરની ઉંમરના ધનવાન શેઠના 5-6 વર્ષની કન્યા સાથેના પાંચમા લગ્નની વાત છે. બાળવિવાહ તો કદાચ હવે આ યુગની વાત નથી પણ ધનના જોર પર હજુ આજે પણ કેટલીય કોડીલી કન્યાના જીવન દાવ પર લગાવાય છે. વાર્તાનું છેલ્લું વાક્ય બધું જ કહી જાય છે અને વાચકનું દિલ સળગી ઉઠે છે. શેઠે હાથ લંબાવી શેઠાણીને ગલીપચી કરી ને શેઠાણીનો તીણો ઘાંટો ગજી ઉઠયો: ‘ઓ બા! આ ડોસો મને મારે છે.’
મુનશી પોતે ખૂબ કલ્પનાશીલ અને તેજસ્વી છે.
‘ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર’ એ બની બેઠેલા, કોપી પેસ્ટ કરતા અને પોતાની જાતને મહાન કવિ, લેખક કે સાહિત્યકાર ગણાવતી વ્યક્તિઓ પરનો કટાક્ષ છે. એમાં એક એવી વ્યક્તિની વાત છે જેનામાં સર્જનની કોઈ ક્ષમતા નથી. છતાં પોતાને કલાપી, નરસિંહરાવ, પ્રેમાનંદ, મણિશંકર, નાનાલાલ કરતા ઊંચા ગજાના કવિ ને શ્રેષ્ઠ સાહિત્યકાર છે એવો ભ્રમ ધરાવે છે. આ વાર્તામાં મુનશી હાસ્ય સાથે તીવ્ર કટાક્ષ કરે છે. આજે તો માનો કે એવા લોકોનો રાફડો ફાટી નીકળ્યો છે. યથાશક્તિ સાહિત્ય સર્જન કરવું એ સારી વાત છે. પણ થોડા શબ્દો આમતેમ મૂકીને પોતે મોટા સાહિત્યકાર છે એમ માનવું ભૂલભરેલું છે.
સ્ત્રી – પુરુષ સમાનતાની વાતો કરતાં આપણા સમાજમાં જો પતિ કરતાં પત્ની વધુ હોશિયાર, તેજસ્વી હોય તો એ સદભાગ્ય નહિ પણ દુર્ભાગ્ય બની જાય છે. આવી જ કથાવસ્તુ પર આધારિત છે નવલિકા ‘હું શું કરું?’ આવી વસ્તુસ્થિતિ આજથી સો વર્ષ પૂર્વે મુનશીના યુગમાં હતી તેના કરતાં આજના યુગમાં અનેકગણી વધી છે. સ્ત્રી કેળવણી વધી છે, સ્ત્રીઓ દરેકે દરેક ક્ષેત્રમાં આગળ વધી છે, બોર્ડના ટોપ ટેનમાં પણ વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ હોય છે – ત્યારે સમાજ માટે એ જરૂરી છે કે સ્ત્રીઓ પ્રત્યે વધુ તંદુરસ્ત અભિગમ કેળવે.
મુનશી એટલે અમર્યાદ કલ્પનાવિહાર. ‘નવી આંખે જૂના તમાશા’ માં તેમણે કલ્પનાના ઘોડાઓને છુટ્ટા મૂકી દીધા છે. નવા જમાનાના પુરસ્કર્તા, સુધરેલા, ફેશનેબલ એવા મિ. રેવડિઆ પૂર્વજોને મતિમંદ માનતા અને તેમના તરફ તિરસ્કાર ધરાવતા. તેઓ માનતા કે તેમના સિદ્ધાંતો જો પૂર્વજોને શીખવ્યા હોત તો હિન્દુસ્તાનનો બેડો પાર થઈ જાત, ઇતિહાસ પલટાઈ જાત, લોકો જંગલી રહેવાને બદલે સુધરી જાત. અને કાલ્પનિક સૃષ્ટિમાં આ મિ. રેવડિઆ સ્વર્ગમાં જઈને કેવા સુધારા કરે છે અને મહાત્મા વસિષ્ઠ, મહાત્મા મનુ, ભગવાન ચાણક્ય, શિવાજી મહારાજ, સત્યવાન અને સાવિત્રીને પોતાના પ્રતાપે રંગી રેવડિઆ પંથનો ચારે દિશામાં જયજયકાર કરાવે છે તેની હાસ્યસભર કટાક્ષ કથા છે. જે સાચી સમાજ વિનાના કહેવાતા સુધારાવાદીઓનાં ખોખલા ખ્યાલ અને નીતિરિતીઓનો તીવ્ર ઉપહાસ છે.
‘મારા બચાવમાં’ એ કાલ્પનિક ચિંતા કરતા લોકો પર કટાક્ષ છે. આવી જ એક બીજી નવલિકા કલ્પનાની સૃષ્ટિમાં વિહરતાં શંકાશીલ વ્યક્તિની છે – ‘સ્મરણદેશની સુંદરી’.
‘અગ્નિહોત્રી’ માં સનાતન ધર્મના મોહક સ્વપ્નો નીરખતા, પોતાના પ્રયત્નોથી ગામના વાતાવરણને શુદ્ધ ને ધાર્મિક બનાવનાર, વેદ ને સ્મૃતિને પોતાના દિનરાતના સાથી બનાવનાર ભોળા બ્રાહ્મણ પિતા, એકના એક પુત્રને ભણાવી ગણાવી પોતાની ભાવનાની સુવાસ ચારે દિશામાં ફેલાવવા મુંબઈ મોકલે છે. તેનામાં અધમતા પામી રહેલી અવનીને ઉદ્ધારવાની શક્તિ છે, એમ પિતા માનતો. થોડા વખતમાં પુત્રના સમાચાર આવતા બંધ થતાં તે જાતે મુંબઈ જાય છે. તેની ધારણાથી તદન વિરુદ્ધની પરિસ્થિતિ તેની નજરે પડે છે. જે પુત્રને તેણે ધર્મધુરંધર માનેલો તે ગંદી, માનવજંતુઓથી ઉભરાતી ચાલીમાં સંસ્કારવિહોણા સ્ત્રીપુરુષો સાથે રહેતો હતો. મેલઘેલા કપડાં, માથે ફાટેલી હેટ, મોઢામાં સિગારેટ સાથે તેના સંસ્કારભ્રષ્ટ દેખાતાં નરવાનરને ઓળખ્યો. તેની સૃષ્ટિ બળીને ભસ્મ થઈ ગઈ હોય તેવો ભાસ થયો. તે મંદિરમાં ગયો તો ત્યાં પણ રૂપિયા માટે અસત્ય આચરતા પૂજારી જોયા. તે સાગર પર ગયો, સ્નાન, સંધ્યા અને પૂજા કરી, તે સમુદ્રમાં સમાઈ ગયો.નાદ બંધ થઈ ગયો, અંધકાર છવાઈ ગયો અને અગ્નિહોત્રીની આહુતિઓ પૂરી થઈ. મુનશીની વાર્તા તો એક સદી પહેલાની છે. આજે સ્થળ ને પાત્રો બદલાય છે પણ વાર્તા હજુ પણ એવી જ છે. જરૂરી નથી કે બધા એવા નીકળે. પણ આજે પણ ગામડાના પિતાના પરદેશ મોકલેલ પુત્રની આવી જ કંઈ કાંઈ વાર્તાઓ વાસ્તવિક જીવનમાં જોવા મળે છે….
પુષ્પગુચ્છ કહો કે ગુલદસ્તો, સુવાસનું સામ્રાજ્ય એ જ છે …
ઉષા કહો કે સંધ્યા, રંગોની સવારી એ જ છે…
નવલિકા કહો કે નવલકથા કલમના કસબીનો પ્રભાવ એ જ છે…
રંગો નવી રંગછટા સાથે ઉભરતા રહે છે..
આપણે બાળકની જેમ નિહાળીએ..
પુષ્પો સુવાસ વિખેરતાં રહે છે, બુલબુલના ગીતો માણીએ ..
સાહિત્યના સ્વામીઓ સર્જન કરતા રહે છે…
સાહિત્યરસિક આપણે સહુ આ માણતા રહીએ…
મળીશું આવતા અંકે…
રીટા જાની