યોગના સૂત્રો….ગતાંકથી ચાલુ…
વિખ્યાત પત્રકાર અને કોલમ રાઈટર શ્રી.પ્રિતીશ નંદી કહે છે કે : ‘ઓશો વિશે જે સૌથી અદભુત વાત મને લાગી છે તે છે માનવમન વિશેની તેમની અચૂક સમજણ. પ્રત્યેક વાતમાં તેઓ ખૂબ સુરુચિપૂર્ણ હતા. તેમણે જે જે વિષયને સ્પર્શ કર્યો છે, તે બધા જ માનવજીવનના બુનિયાદી વિષય હતા, જે જીવનની મૂળભૂત સમસ્યાઓ છે. એ વિશે તેમણે ગજબની અંતરપ્રજ્ઞા પ્રદર્શિત કરી છે.’ ગત અંકમાં આપણે ઓશોના યોગ અને યોગસૂત્ર વિષયક ચિંતન જાણવાની શરૂઆત કરી. એ જ વિષયમાં આજે આગળ જોઈશું….
પાંચમું સૂત્ર: જે અણુમાં છે, તે વિરાટમાં છે. જે બુંદમાં છે, એ જ સાગરમાં છે. અણુના વિભાજને યોગની આ અંતર્દૃષ્ટિને વૈજ્ઞાનિક સિદ્ધ કરી છે. ન દેખાતા પરમાણુમાં વિરાટ શક્તિનો સંગ્રહ છે. વ્યક્તિની ભીતર આત્માનો અણુ દેખાતો નથી, પણ તેમાં વિરાટ ઊર્જા છુપાયેલી છે અને પરમાત્માનો વિસ્ફોટ થઈ શકે છે. આથી જ કહેવાય છે કે કણ કણમાં પરમાત્મા મોજૂદ છે. આથી ક્ષુદ્રતમે હીનતા અનુભવવાની જરૂર નથી કે વિરાટતમે અહંકારથી ભરાઈ જવાની જરૂર નથી. વ્યક્તિની ભીતર પરમાત્મા છે, ભીતરથી એ વિરાટ છે, અનંત છે, તેનું સ્મરણ જરૂરી છે, જેથી વ્યક્તિ હીન ન બની જાય. હીનતાની ગ્રંથિથી પીડિત શ્રેષ્ઠ થવાની દોડમાં લાગી જાય છે. યોગ કહે છે તમે જે છો એટલું જ જાણો એ પૂરતું છે. સમજવું જરૂરી છે કે આ જીવનના ખેલમાં ન કોઈ આગળ છે, ન કોઈ પાછળ, ન કોઈ મોટો છે ન કોઈ નાનો.
યોગનું છઠઠું સૂત્ર: આપવું એ જ પામવું છે. જે અનુપાતમાં આપવામાં આવશે, તે અનુપાતમાં મળશે. જો જીવન આપશો તો જીવન મળશે, અહંકાર આપશો તો આત્મા મળશે. યોગ કહે છે જે સ્વયંને આપવા તૈયાર છે, તે બધું પ્રાપ્ત કરવા હકદાર બને છે. છોડવાની, આપી દેવાની કળા જ પામી લેવાનો માર્ગ છે. છતાં આપણે બધા લઈએ તો છીએ પણ આપી શકતા નથી. જ્યારે આપણે આનંદમાં હોઇએ કે મૌન હોઇએ ત્યારે વધુ મેળવી શકીએ છીએ, એટલું જ નહિ પણ વધુ આપી શકીએ છીએ. જે લેવું-દેવું બરાબર રાખે તે યોગી છે.
સાતમું સૂત્ર : ચેતનાના બે આયામ છે. સ્વ-ચેતન અને સ્વ-અચેતન. આ સૂત્રથી યોગની સાધના પ્રક્રિયા શરૂ થાય છે.
છોડ, પશુ, પક્ષી બધાં ચેતન છે, પરંતુ સ્વયંની ચેતના તેમને નથી. તેથી ચેતન હોવા છતાં અચેતન છે. જે મનુષ્યને પણ સ્વ-ચેતનનો બોધ નથી, તે પશુ સમાન જ છે. જે કામ હોશમાં કરવામાં આવે તે પુણ્ય અને બેહોશીમાં કરવામાં આવે તે પાપ છે. જે માણસ દરેક ક્ષણમાં હોશપૂર્ણ હોય તે મહાવીર, બુદ્ધ, કૃષ્ણ અને ક્રાઇસ્ટ બની શકે છે. માણસની ચિંતા એ છે કે તેનો એક ભાગ તો સ્વ-ચેતન થઈ ગયો છે, પણ બાકીનો મોટો ભાગ અચેતનમાં પડેલો છે. જો પૂરો સ્વ-ચેતન થાય તો જીવન પ્રકાશથી ભરાઈ જાય, તેને સમાધિ ઉપલબ્ધ થઈ જાય. જ્યારે વ્યક્તિત્વ પૂરેપૂરું પ્રકાશિત થઈ જાય, પછી વ્રત કે સોગંદ લેવાની જરૂર નહિ પડે. મન પૂરું જાગૃત થઈ જાય તો મહાશક્તિનો આવિષ્કાર થઈ જાય. યોગ કહે છે મનના બધા કેન્દ્રો સજાગ કરી શકાય છે. આપણી ભીતરની બધી સંપદાઓ સ્વ-ચેતન થવાથી જાગૃત થશે. યોગ મનુષ્યના વ્યક્તિત્વને સાત કેન્દ્રો, સાત ચક્રોમાં વહેંચે છે, જેના પર અનંત ઊર્જા અને શક્તિ સુતેલી છે. ભીતર આપણી ચેતનનો એક સૂર્ય છે, તેને આપણે ધ્યાન કહીએ તો ધ્યાનથી એક એક ચક્રની શક્તિ પ્રકટ થાય છે. યોગ કહે છે કે જે માણસ અચેતન, બંધાયેલ છે તે પશુ અને જે માણસે અચેતન તોડી નાખે તે મનુષ્ય.
આઠમું સૂત્ર: સ્વ-ચેતનાથી યોગનો પ્રારંભ થાય છે અને સ્વના વિસર્જનથી અંત. સ્વ-ચેતન હોવું માર્ગ છે, સ્વયંથી મુક્ત થઈ જવું મંઝિલ છે. સ્વયં પ્રત્યે હોશપૂર્ણ રહેવું સાધના છે અને અંતત: હોશ જ રહી જાય અને સ્વયં ન રહે એ સિધ્ધિ છે. સ્વયંને પામવાની ઉત્કટ આકાંક્ષા હોય પણ સ્વયંને ગુમાવવો કઠિન વાત છે. સાધક ધન, પરિવાર, યશ, મહત્વાકાંક્ષા છોડી દેશે પણ સેલ્ફ, ‘હું’ને નથી છોડી શકતો. એટલે સાધક સાતમા સૂત્ર સુધી તો પહોંચી જાય છે, પણ આઠમા સૂત્ર પર નથી આવી શકતા. પણ યોગ પાસે માર્ગ છે, જેનાથી એ અંતિમ છલાંગને પણ પૂરી કરી શકાય છે. ‘હું’ શું છે તે સાતમા સૂત્ર સુધી સમજ પડી જાય છે. ‘હું’ કોણ છું તેની શોધ આઠમું સૂત્ર બને છે. શોધથી બધી સીમાઓ તૂટી જાય છે અને ખબર પડે છે કે જે કંઈ છે તે બધું ‘હું’ છું. ત્યારે ‘હું’ નથી રહેતો કારણ કે બહાર કોઈ ‘તું’ નથી. બધું ‘હું’ જ છે. આઠમું સૂત્ર જ્ઞાન, શાસ્ત્ર ને સિદ્ધાંતોથી સમજાતું નથી. જ્યારે ” અને ‘તું’ ખોવાઈ જાય છે ત્યારે જે શેષ રહે તે પરમાત્મા છે.
નવમું સૂત્ર: મૃત્યુ પણ ઊર્જા છે. જીવન એ જ જીવન છે એવું નથી. મૃત્યુ એ પણ જીવન છે. જીવન ચાહવા યોગ્ય છે, તો મૃત્યુ પણ પ્યારું છે. જે મૃત્યુ માટે રાજી છે, તે પરમ જીવનના અધિકારી થઈ જાય છે. મૃત્યુ પણ ઊર્જા, પરમાત્મા, પ્રભુ છે, એ યોગનું પરમ અને અંતિમ સૂત્ર છે. શરીર તો માત્ર છાયા છે. જે મૃત્યુને પણ પરમાત્મા જાણી લે છે, તે નિર્વાણને ઉપલબ્ધ થઈ જાય છે.
આ નવ સૂત્રો બાર રીતે કહી શકાય છે. બારને નવથી ગુણાકાર કરીએ તો 108 થાય, જે માળાના મણકા છે. આ એકસો આઠ મણકાની નીચે એક સો નવમો રુદ્રાક્ષ લટકેલ જોયો હશે. એનો અર્થ એ છે કે આ એકસો આઠ રીતે કોઈ ક્યાંય પણ જાય, તે તેના પર પહોંચી જાય છે. પ્રત્યેક સૂત્રથી એક ધ્યાનની વિધિ વિકસિત થઈ જાય છે. આ રીતે ધ્યાનની 108 વિધિઓ બની જાય છે. કંઈ કર્યા વગર અસલી સમજ ક્યારેય આવતી નથી. ગીત, કુરાન, બાઇબલ કે વેદ કાગળના નથી, પરમાત્માના છે. પરમાત્માને શોધવા હોય તો જીવનની ઊર્જાને ઉતારીને શોધવા પડે છે.
મનુષ્યના જીવનનો વિકાસ કોઈ નવી ચીજોનું સંવર્ધન નથી, પણ ભીતર જે છુપાયું છે તે પ્રકટ થાય છે. મનુષ્ય જો સંપૂર્ણપણે પ્રકટ થાય તો એ શક્તિને આપણે જે કોઈ નામ દઈએ – આત્મા, પરમાત્મા. મનુષ્યના વિકાસની હજુ પણ સંભાવનાઓ છે. બુદ્ધને પહેલી વાર જ્ઞાન થયું ત્યારે લોકોએ પૂછ્યું, આપને શું મળ્યું? ત્યારે બુદ્ધે કહ્યું, મને મળ્યું કંઈ પણ નહિ, જે મારી ભીતર હતું તે પ્રકટ થઈ ગયું. જે મારી પાસે હતું, તે જ્ઞાત થઈ ગયું. મારી પાસેનું અજ્ઞાન અને નાસમજી ખોવાઈ ગયા. મને જે મળ્યું છે તે મારી પાસે જ હતું, પરંતુ હું ફક્ત અપરિચિત હતો. ઓશો કહે છે કે ધ્યાનની પ્રક્રિયા આપણને કોઈ નવા જગતમાં નથી લઈ જતી, ફક્ત એ જગત સાથે પરિચિત કરવી દે છે જ્યાં આપ જન્મો જન્મથી છો જ. ધ્યાનની પ્રક્રિયા કંઈ વધારતી નથી, કંઈ ખોટું છે તેને નષ્ટ કરી દે છે, સમાપ્ત કરી દે છે. ધ્યાનથી જે સાર્થક છે તે પ્રકટ થવાની સુવિધા પામી શકશે. ઓશો કહે છે કે બધી મહત્વપૂર્ણ ચીજો, બધાં સત્ય સરળ હોય છે. ચાહે ગીતા હોય કે ઉપનિષદ, કુરાન, બાઇબલ હોય કે પછી બુદ્ધ અને મહાવીરના વચન હોય – તે બિલકુલ સીધાં છે. શ્રી પ્રીતિશ નંદીની દ્રષ્ટિએ ઓશોનું ધ્યાન એ પણ જીવનને અને ખુદને સમજવાનું એક સાધન માત્ર છે. જેમ સંસાર સાથે જોડાવા માટે આપણી ભાષા શીખીએ છીએ, એમ જ પ્રકૃતિ સાથે સંવાદ સાધવા માટે આપણે ધ્યાન શીખવું જોઈએ.
રીટા જાની
24/06/2022