જેમ એક જ સિક્કાને બે બાજુ હોય છે , તેમ એક જ પ્રસંગ કે પરિસ્થિતિને પણ બે જુદી જુદી રીતે જોનારા બે વર્ગ હોય છે જ . લગભગ બે દાયકા પૂર્વે અમારાં મિત્ર દંપતીને ત્યાં રામ કથાનું આયોજન થયેલ અને પહેલે જ દિવસે પચાસ ટકા વર્ગે મહારાજની વેશભૂષા બાબત નારાજ થયેલ , અમે પચાસ ટકા ભાઈઓ તો કથા , ભોજન અને ભજનથી ખુશ જ હતા , પણ સ્ત્રી વર્ગની બહુ મતિ(?) હોવાથી બીજે દિવસે મહારાજ શુદ્ધ ‘મહારાજ ‘ ના કોસ્ચ્યુમમાં આવેલ : ઝભ્ભો , લેંઘો અને ખભે ખેસ !
રામ વનવાસનો પ્રસંગ સરસ રીતે આલેખ્યો , અને ભરતને પણ મોસાળેથી પાછો બોલાવી લીધો હતો .પણ પ્રશ્ન થયો :
જો ભરત જેવો ભાઈ તો આખી દુનિયામાંયે મળવો દુર્લભ છે તો રામના રાજ્યાભિષેક વખતે એને કેમ ના બોલાવી લીધો ?
આમ જુઓ તો ભરત અને લક્ષમણ બંને રામની નજીક , પણ બંનેનું વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારનું હતું .
લક્ષમણનું પાત્ર કાયમ રામ મય ,કોઈ પણ જાતની સ્વની આશા અપેક્ષા વિનાનું , રામ પર જીવન ન્યોચ્છાવર કરી દે તેવું , રામનો પડછાયો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે ; જયારે ભરતનું પાત્ર રઘુ વંશને ગૌરવ અપાવવા , રાજ્યના નીતિ નિયમોને આધીન થઈને જીવન જીવવા પ્રેરે એવું છે.
એવા સમજુ ભરતને મોસાળે રહેવા દઈને રાજ્યાભિષેકની તૈયારીઓ થઇ રહી હતી ..
“વાસ્તવ રામાયણ” માં સીધું જ જણાવે છે કે રાજગાદી બાબત કોઈ ઝગડા ના થાય એટલે સમજીને જ ભરતને મોસાળે મોકલેલ !
શું ખરેખર આ વાત સાચી છે ? વાલ્મિકી કે તુલસીદાસ એ વિષે કશું કહેતા નથી !
સિક્કાની બીજી બાજુએ છે ! ચાલો જરા વિચારીએ :
કેકય પ્રદેશ જે પંજાબમાં આવેલ છે જેના ઉપરથી કૈકેયી નામ પડ્યું , જે ભરત – શત્રુઘ્નનું મોસાળ હતું ; ત્યાં આ રાજકુમારો નાના નાની ને મળવા ગયેલ ; છેક ત્યાંથી આ રાજકુમારોને બોલાવવાનું યોગ્ય લાગ્યું હશે નહીં !
આ સમાધાન વર્તી બીજી બાજુ થઇ .
પણ હું તો આ ભરતનાં પાત્ર સાથે ખેંચાઈ રહ્યો છું . એના જીવનમાં બધાંએ જે તે કહ્યા કર્યું છે ! બિચારા ભરતને કોઈ સમજીજ શકતું નહોતું !
ભરતને મોસાળેથી બોલાવવા માણસો જાય છે, પણ શા માટે એને બોલાવ્યો છે તેની એને ખબર નથી . જયારે એ અયોધ્યા આવે છે અને બધાં સમાચાર જાણે છે ત્યારે એ હૈયા વરાળ કાઢતાં કહે છે કે, “ પિતાજીએ રામને ઇક્ષવાકુ વંશનો રાજા ન બનાવ્યા તે સમજુ શકું છું કે એમાં પિતાજીની કોઈ નબળાઈ હશે ; રામને જંગલમાં મોકલ્યા , એ પણ ચાલો સમજી લઈએ કે કાંઈ કારણ હશે , પણ મને – મને રાજગાદીએ બેસાડવા ? મારા માટે ?
શું હું એવી રાજગાદી પર બેસીસ એમ એ માનતા હતા ?”
આ ભરતનાં જીવનની કરુણતા છે !
એક બાજુ ભરત આમ દુઃખ કરતો હતો , પણ દશરથે એના વિષે શું વિચાર્યું હતું ? વાલ્મિકી રામાયણમાં લખ્યું છે :
મૃત્યુ શૈયા પર છેલ્લા શ્વાસ લેતાં દશરથે વિચાર્યું ;
“ ઉન્માદો માતૃ દોષેણ , પિતૃ દોષેણ મૂર્ખતા !… આ ભરત એની મા જેવો ઉન્માદી અને બાપ જેવો મૂર્ખ હશે કે ! ! મારાં મૃત્યુ બાદ મારી અંતિમ ક્રિયા એની પાસે ના કરાવશો સ્વાર્થી પુત્રના હાથે !!!આ છે વિધિની વિચિત્રતા !
માણસો કેટલું ઊંધું અવળું સમજતાં હોય છે !
ભરતનાં હિત માટે માંએ રાજગાદી માંગી !
અને બાપે ભરતને સ્વાર્થી ગણી દિલથી અળગો કર્યો !
પણ કોઈએ ભરત શું માંગે છે , ભરત શું ઈચ્છે છે , ભરતનું શું માનવું છે – એ કોઈએ ના જાણ્યું , ના પૂછ્યું !
હું માનું છું કે આ ભરતની સ્થિતિ દુનિયાના બધાં જ ભરતોની છે ! બધાં જ પુત્રોની છે !
ભરત બીજી માતા કૌશલ્યા પાસે જાય છે .
કૌશલ્યા પણ વાંકુ બોલે છે : ભરત, ઈદમ તે રાજ્ય કામાય, લબ્ધમ રાજયમ અકષ્ટકમ!
લે ભરત ! આ રાજ્ય લે ; તેં જે રાજ્યની આશા રાખી હતીને , લે હવે તને સરળતાથી , કષ્ટ કર્યા વિના મળી ગયું છે !!!
ભરત રડી પડે છે ; માતાને કરગરીને સમજાવે છે કે મારું ગળું કાપી નાંખો , પણ આવાં કડવા વચન ના બોલો !
પણ વાચક મિત્રો ! આ ગેરસમજ , આ અવળી વિચારધારા ત્યાં અટકતી નથી .. બધાં જ એને સત્તા ભૂખ્યો , કપટી , લુચ્ચો ગણે છે !
માત્ર બે જ વ્યક્તિ ભરતને સાચી રીતે સમજી શકી છે !
માત્ર બે !
એનો અર્થ એ થયો કે બધાં પેલા સિક્કાની અવળી બાજુ જ જોતાં હતાં !
આ બે વ્યક્તિઓ છે : ગુરુદેવ વશિષ્ઠ અને મોટા ભાઈ રામ !
વશિષ્ઠે કૈકેયીને કહ્યું હતું કે તું ભારત માટે રાજ્ય માંગવાનું છોડી દે . તું ગમે તે કરીશ પણ ભરત કોઈ પણ સંજોગોમાં અયોધ્યાની ગાદી નહિ જ સ્વીકારે !
ને બીજા છે રામ ; જે ભરતને બરાબર ઓળખે છે !
ભરત રામને મનાવવા જવાની તૈયારી કરે છે; પણ લોકો બીજું જ કાંઈ સમજે છે !
જોકે એમાં બિચારાં લોકોનો કોઈ વાંક નથી . કિષ્કિન્ધામાં રાજગાદી માટે બે ભાઈઓ વાલી અને સુગ્રીવને ઝગડો હતો , અને એ જ રીતે લંકામાં પણ રાવણ અને વિભીષણ બે ભાઈઓ વચ્ચે રાજગાદી માટે ઝગડા થતા હતાં !
એટલે જયારે ભીલ પ્રજાના રાજા ગુહાને ખબર મળે છે કે ભરત મોટી ફોજ લઈને આવી રહ્યો છે ત્યારે એ શંકાથી એની હિલચાલ તપાસે છે .
પછી ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવે છે ત્યાં પણ એજ શંકા :
“કપટી, કાયર , કુમતિ , કુજાતી કહીં લોક બેદ બાહેર સબ ભાંતિ”- લોકો બસ એજ શંકાથી એને ખરાબ સમજે છે ! સ્વાર્થી , લાલચુ સમજે છે !
અરે સગો ભાઈ લક્ષમણ પણ દૂરથી આવતા ભરત અને અન્ય પ્રજાજનોને જોઈને શંકા અને ક્રોધ કરે છે ! આમ તો આ ચારે ભાઈઓ એક જ રાજમહેલમાં ઉછર્યા છે , શિક્ષણ પ્રાપ્ત કર્યું છે , અને છતાં લક્ષમણ બોલે છે કે આટલી મોટી સેના, હાથી ઘોડા વગેરે સાથે એ અહીં જંગલમાં કેમ આવ્યો હશે ? નક્કી રામને મારવા જ આવ્યો છે !
અને પછી રામ લક્ષમણને શાંત કરે છે : “ જો ન હોતા જગ જનમ ભરત કો સકલ ધરમ ધૂલ ધરનિ ધરત કો ..” જો ભરત જન્મ્યો ના હોત તો આ ઉમદા વ્યક્તિત્વ વિના ધરતી પર ધૂળવાળી ઝાંખી જ લાગતી હોત .. એમ ભરતની ખુબ પ્રશંશા કરે છે ..
અને પછી બીજી બાજુ ભરતને પણ શંકા થાય છે કે રખેને રામ લક્ષમણ અને સીતા પોતાને તિરસ્કારી દે તો ?
જો કે પછી એ અમર દ્રશ્ય સર્જાય છે : રામ અને ભરતનું મિલન !
એક બીજા માટે ગમેત્યારે , ગમે તે માની લેવું એટલે ગેરસમજ ઉભી થાય ! ખુલ્લું દિલ રાખ્યું હોય તો એ વાત ત્યાં સ્પષ્ટ થઇ જાય , પણ શ્રદ્ધા અને વિશ્વાસ વિના એ બધું નકામું ! અને અહીં આખરે તો એ ગેરસમજ દૂર થાય છે જ ; પણ દરેક વખતે એવું શક્ય નથી .
“ લક્ષ્મણ પહેલેથી જ રામાયણમાં કાચા કાનનો બતાવ્યો છે” ગીતાએ કહ્યું , “ બીજા બધાં ભૂલ કરે , પણ લક્ષમણ પણ ભરતને ઓળખી શક્યો નહીં ? ઇક્ષવાકુ વંશમાં તો સાત સાત પેઢીથી આદર્શ રઘુવંશીઓને દર્શાવ્યા છે , અને છતાંયે એ એવું નકારાત્મક વિચારે ?
રામ જેવી મહાન વ્યક્તિનો પડછયો બનીને રહેતા લક્ષમણને ભરત માટે એવી શંકા થઇ એ જ બતાવે છે કે એ ઉતાવળીયો હતો .” ગીતાએ કહ્યું !
“ એને ઉતાવળીયો કે અધીરિયો ના કહેવાય ;” મેં કહ્યું , “ એને હું અગમચેત્યો, સજાગ , વફાદાર , સમજુ અને શાણો નાનો ભાઈ કહું !” મેં કહ્યું ,” આ બધાં એક વફાદાર અંગ રક્ષકના લક્ષણો છે . જેના ઉપર અતિશય સ્નેહ હોય તેની સલામતી માટે ગમે તેવા વિચારો આવે તેમાં કોઈ વાંધો હું જોતો નથી !” મેં કહ્યું .
સ્વાભાવિક રીતે જ ગીતાને એની જ વાત સાચી લગતી હતી ! પોતાની વાતને વધુ મજબૂત કરવા એણે એમ પણ કહી દીધું ; “ ખરેખર આ રામાયણ ઉભું થયું તેના પાયામાં પણ લક્ષમણ જ હતો !! એક તો પોતાની પત્નીને મૂકીને મોટાભાઈ સાથે જંગલમાં નીકળી પડ્યો , અને સીતાહરણ થયું તેની શરૂઆત પણ લક્ષમણે જ કરી હતી ! શૂર્પણખાનું નાક કાપ્યું ના હોત તો રાવણ વાતમાં આવત જ નહીં !!”
હું એની વાત સાંભળીને સ્તબ્દ્ધ થઇ ગયો ! પણ હું મારી વાતમાં મક્કમ હતો !
તમે જ કહો , તમે શું માનો છો ?
Tag Archives: નિબંધ માળા
હાં રે દોસ્ત હાલો અમારે દેશ 1) વિષય પ્રવેશ.
હાં રે દોસ્ત હાલો અમારે દેશ -વિષય પ્રવેશ.-૧
સોરઠ દેશ સોહામણો , ચંગા નર ને નાર !
જાણે સ્વર્ગથી ઊતર્યાં, દેવ દેવી અણસાર !
કોઇ રાત્રીએ સૌરાષ્ટ્રના કોઇ ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો જાણે લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય ! અને મન મોરની જેમ નાચી ઉઠે ! અને યાદ આવે આપણાં એ લોકગીતો અને તેના અનામી કવિઓ ! આવા અનામી સર્જકોના ભાવની અને તેમના મીજાજની અભિવ્યક્તિ ઝવેરચંદ મેઘાણીએ આપણને કરાવી આજથી લગભગ નેવું વર્ષ પહેલાં ! લોકસાહિત્યની ભવ્યતા અને ગરિમાનો પરિચય સૌ પ્રથમ વાર મેઘાણીએ કરાવ્યો !પણ આજે પણ મને લોકસાહિત્ય અને મેઘાણી આકર્ષે છે તેનું કારણ શું ?
આમ જેવા જઈએ તો લોકસાહિત્ય એ તો એક વિશાળ વટ વૃક્ષ સમાન છે. આ વિશાળ વૃક્ષ તેની વિશાળ ઘેઘુર ડાળીઓ અને પર્ણોથી , ડાળે ડાળે બેઠેલા ભિન્ન ભિન્ન પક્ષીઓથી શોભી ઉઠે છે. લોકસાહિતયનું વિશાળ વટ વક્ષ પણ ગીતો, છંદો, દોહા, સોરઠાઓ, કથાઓ જેવા તેના વિવિધ સ્વરૂપોથી અનેરી શોભા ધારણ કરીને ઉભું છે. પરંતુ એનું સમર્થ સંશોધન કામ લોકકવિ ઝવેરચંદ મેઘાણીએ કયુઁ છે.
ગુજરાતી ભાષા સાથે એમ.એ.કર્યું હોવાથી ઝવેરચંદ મેઘાણીનાં લોકસાહિત્ય પ્રદાન વિષે અને ભાષા વિજ્ઞાન માં આગળ અભ્યાસને લીધે, લોક બોલી વિષે પદ્ધતિસર અભ્યાસની સૂઝ મેં કેળવી હતી. વળી કારકિર્દીની શરૂઆત જ પ્રાધ્યાપક તરીકે તેથી નાની મોટી નોંધ લખવાની ટેવ શરૂઆતથી જ. એટલે અમદાવાદથી જયારે સૌરાષ્ટ્રમાં આવીને વસવાનું થયું ત્યારે ઝવેરચંદ મેઘાણીની જેમ કાઠિયાવાડ ખૂંદવાનું મન પણ ખરું! થયું : હજી પણ અહીં કેટકેટલું લોકસાહિત્ય લોક જીભે અકબંધ પડ્યું છે ! માત્ર એને ઉલેચવાની જરૂર છે. દુહા ,છંદ , લગ્ન ગીતો, ગરબા, ગરબી, ફટાણાં, અહીંનાં લોકોની જીભે રમે છે ,જેમાં સમાજની રહેણી કરણી, માન્યતાઓ અને શ્રદ્ધા – અંધશ્રદ્ધા વગેરેનું પ્રતિબિંબ પડેલું છે તે શું લોક ગીતો નથી ?પરંતુ એ લોકગીતોનો વ્યવસ્થિત સંચય કરવાનો વિચાર તો અનાયાસે જ સ્ફૂર્યો !
તે દિવસે સૌરાષ્ટ્રની હાલારી ભૂમિ જામનગરમાં અમને વરઘોડિયાને જમવા નોંતર્યાં હતાં. રસોડામાં ઘરની સ્ત્રીઓ મોંઘેરા મહેમાનો માટે ગરમાગરમ ભજીયાનો ઘાણ અને તાજી પૂરીઓ વગેરેની તૈયારીઓમાં હતી, પુરુષો આગળના વિશાળ દીવાનખાનામાં વાતોએ વળગ્યા હતા. મેં સંકોચ સાથે દેવ મંદિરમાં પડેલાં થોડાં પુસ્તકો ઉથલાવવા માંડ્યાં..અને એક નાનકડી પુસ્તિકા ઉપર મારી નજર પડી ! ત્યાંનાં કોઈ સ્થાનિક ભજનિક કે કોઈ સાધુ મહારાજ કે કોઈએ ભજન ગ્રુપ માટે છપાવી હોય તેવી જોડણીની અસંખ્ય ભૂલોવાળી એ પુસ્તિકા હતી ! પણ તેમાં એક ગરબો હતો ,જેને હું ઘણા વખતથી શોધતી હતી એ જડી ગયો. અમારાં પ્રોફેસર (શ્રી અનિરુદ્ધભાઈ બ્રહ્મભટ્ટે ) એ અલભ્ય ગરબાનો ક્યાંક ઉલ્લેખ કર્યો હતો.
મેં ઝડપથી,રસથી એ પાંચ પાનાંનો લાંબો ગરબો વાંચવા માંડ્યો! તરસ્યાને પાણીનું આખ્ખું ઝરણું મળી જાય તેમ,એક શ્વાસે એ ગરબો હું વાંચી રહી હતી…અને સૌથી વધુ આનંદ આશ્ચર્યની વાત એ હતી કે મેં ધાર્યું યે નહોતું , મારે ખાંખાખોળાં કરીને શોધવા જવાનીયે જરૂર નહોતી; ને મને અનાયાસે એ સાંપડ્યું હતું !અહીં કોઈ લોકસાહિત્ય ભેગું કરવા માટેની શિબિરો કે સંશોધન કાર્ય માટે પ્રોજેક્ટ કે પરિસંવાદો કે ફિલ્ડ વર્ક કરવાનું નહોતું. બસ , મારે દ્રષ્ટિ જ કેળવવાની હતી ! અનાયાસે જ , સહજતાથી હું આ લોકસાહિત્યનો ખજાનો માણી રહી હતી .. મેં પર્સમાંથી પેન્સિલ કાઢીને એ ગરબો મારી ડાયરીમાં ટપકાવવા માંડ્યો અને કોલેજમાં ભણેલી,જાણેલી,માણેલી મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર ફરીથી યાદ આવી ગઈ! મારાં જીવન સાથે એ દિવસથી હાલારી કે ઝાલાવાડી કે ગોહિલવાડી ,સોરઠી – કાઠિયાવાડી સાહિત્યને એક નવું સ્થાન મળ્યું
ત્યાં જ જમવાનાં ભાણા મંડાઈ ગયાં હતાં;પાટલા મુકાઈ ગયા હતા.જમવાનું તૈયાર હતું,વળી વાતાવરણ નવું અને માણસોએ નવાં એટલે એ વાત ત્યાંજ અટકી. હું એક ઇતિહાસનું પાનું જીવી રહી હતી! ઝવેરચંદ મેઘાણી ફરી જાણે જીવંત થયા. મને લાગ્યું કે આજે પણ દુલા ભાયા કાગ , કે પીંગળશીભાઈ કે ગંગા સતી અને પાનબાઈ અને કૈક જાણ્યાં અણજાણ્યા કવિઓનો અમૂલ્ય ખજાનો છુપાયેલો પડ્યો છે ! મેઘાણી ગયા પછી ગુજરાતનું લોકસાહિત્ય આજે પણ આવા જ મેઘાણી જેવા બીજા ટપાલીની રાહ જોતું આજ સુધી ઉભું છે.
ઝવેરચંદ મેઘાણીએ પોતે જ લોકસાહિત્ય માટે કહ્યું છે કે “ ચારણો, લોક કથાકારો , લોકગીતો – ગાયકો કેળનાં ઝાડવાં જેવાં રસ સભર છે, પણ એમનાં હ્ર્દય સ્ત્રોતને ખોલવા માટે પ્રેમ સગાઈની જુક્તિ જોઈએ ! પાણીના નળની જેમ ચકલી ફેરવતાં જ એમાંથી દરેડા નથી પડતા .. જામનગરના એ બહોળા કુટુંબનાં સભ્યો સાથે વાર્તાલાપ દરમ્યાન મને થયું કે અહીંના સમાજમાં ઓતપ્રોત થઈને હું પણ એ રસધારા પ્રાપ્ત કરી શકીશ !
મેઘાણીનું એ શરૂ કરેલ કાર્ય બીજ હજુ પણ ત્યાં એ ધરતીની માટીમાં અંકુર સહ હાજર છે ; ઉત્સાહથી મેં વિચાર્યું .. અને મેં મારી કલમ સાબદી કરી .. કેવો સુભગ સમન્વય ! જાણે કે ભાવતું’તું , ને વૈદે કીધું !મિત્રો આવી તો કેટ કેટલી વાતો મારે તમારી સાથે કરવી છે.બસ આજથી શરુ થતી મારી કોલમ “હાં રે દોસ્તત હાલો અમારે દેશ!”માં વાંચતા રહેજો.
કાઠિયાવડના એક એક ગામમાં અને એક એક ઘરમાં હજી આજે પણ લોકસાહિત્ય જીવે છે. ચાલીશ વરસથી પરદેશમાં વસવાટ પછી પણ ગુજરાતી લોકસાહિત્યનું આકર્ષણ ક્યાં ઓછું થયું છે? બલ્કે , હવે આ સોસ્યલ મીડિયા અને સુવિધાઓને કારણે .. તો જાણે કે સોનામાં સુગન્ધ ભળી છે !
સૌરાષ્ટ્રી ધરતીની અવનવી વાતો લોકસાહિત્યનું માધ્યમ લઈને ,અને ઝવેરચંદ મેઘણીની આંગળી પકડીને કરીશું .. નીચે કોમેન્ટ વિભાગમાં આપના અભિપ્રાય જરૂરથી જણાવશો ..
ગીતા ભટ્ટ
વિષય પરિચય -હકારાત્મક અભિગમ-
મિત્રો અહી આપણે એક નવો જ વિભાગ શરુ કરીએ છે. દર સોમવારે રાજુલ કૌશિક એક હકરાત્મક ઉર્જા દેતો લેખક મૂકી નવા અઠવાડિયાની શરૂઆત કરશે.
મારા જીવનની પ્રવૃતિઓનું એક મહત્વનું કેન્દ્ર બિંદુ તે ‘બેઠક’ છે.તમે જાણોછો તેમ વિચારો જ આપણું વ્યક્તિત્વ છે, આપણા વિચારો જ આપણું ઘડતર કરે છે.વાંચન અને સર્જન દ્વારા મારે બધાને સાંકળવા છે. ઘણાને મેં અઘરું લખતા જોયા છે પણ સાચું કહું સરળ લખવું અઘરું છે. જે રાજુલબેનની આવડત છે. દર સોમવારે એક સુંદર હકારાત્મક અભિગમ આપી અને ‘બેઠક’ના વાચકોને સમૃદ્ધ કરશે.
મિત્રો તેમણે મારા આ સુજાવને સ્વીકારી આજથી “હકારાત્મક અભિગમ” ના શીર્ષક હેઠળ દર સોમવારે લખવા તૈયાર થયા છે.વાત અજવાળું પાથરવાની છે.
આપ સૌ એમના આ સહકારને વધાવશો તો આનંદ થશે.
પ્રજ્ઞા દાદભાવાળા
આભાર – અહેસાસ કે ભાર ? (7)જયવંતિ પટેલ

જીવનમાં અચાનક એવા મિત્રો કે માનવને મળવાનું થાય કે જેમને મળવાથી એમ લાગે કે આપણે તેને વર્ષોથી ઓળખીએ છીએ. નજરથી નજર મળે, ધીમું સ્મિત મુખ પર લાવી, આપણો આભાર માને ત્યારે તો એમજ થાય કે આનું નામ શિસ્ત. શું નમ્રતા છે! શું વિવેક છે ! આભાર માન્યો તે પણ કેટલા વિવેકથી.
જાણે એ ક્ષણને વાગોળ્યા રાખવાનું મન થાય. બસ, આજ કહેવા માંગુ છું. કોઈનો આભાર માનીએ તે પણ એટલી નિખાલસતાથી અને વિવેકથી કે સામી વ્યક્તિને લાગે જ નહીં કે તેમનો આભાર માન્યો અને છતાં કૃતજ્ઞતાની ભાવના છવાયેલી રહે.
આપણી સંસ્કૃતિમાં બોલીને આભાર નથી માનતા. કૃતજ્ઞતા નજરથી વર્તાય છે, વર્તનથી વર્તાય છે. એક બીજા સાથે મીઠો સબંધ કેળવી તેને ટકાવી રાખવો એ એક આભાર માનવાની રીત છે. આમ કરવામાં ઘણી વખત કડવો ઘૂંટડો ગળી જવો પડે છે. અને વર્ષો વિતિ જાય છે તેને ઓળખવામાં અને સમજવામાં. સહનશીલતાની કસોટી થાય છે. એમાં છીછરાપણું બિલકુલ નથી હોતુ, એને જ કદાચ સમર્પણ કહેતા હશે. નાના હતાં ત્યારથી ઘરમાં એક બીજાનું કામ આટોપી લેતા આવ્યા છે. પણ થેંક્યુ કે સોરી શબ્દ વાપર્યો નથી. પણ હવે નવા જમાનાને અનુકુળ વારે વારે આભાર વ્યક્ત કરવો પડે છે. તેમાં કાંઈ ખોટુ નથી પણ એ ભાર કદાપી ન બનવો જોઈએ.
ઘણી વખત વિચાર આવે કે કુદરતનો કેટલો આભાર માનીએ જેણે આપણા શરીરની રચના જે રીતે કરી છે !! આપણા શરીરની રચનાને જોઈ એ સર્જનહારને દંડવત કરવાનું મન થાય અને ઊપકાર માનતા મન થાકે નહીં. શું રચના કરી છે!! ખોરાકને ચાવી, વાગોળી, એક રસ થાય એટલે પેટમાં જાય. ત્યાં પાછું ઘુમે. એવું ઘુમે કે આંતરડામાં જાય ત્યારે બારીકાઈથી લોહીમાં જતુ રહે અને આપણા શરીરને પોષણ મળે. આ તો એક વિભાગ. એવા તો કેટલાય વિભાગ બનાવેલ છે .મળ મુત્રને જુદા માર્ગે નિકાસ કરી શરીર શુધ્ધ રાખે છે. લોહીને આખા શરીરમાં ભ્રમણ કરાવે છે. બધી નળીઓ કેવી એક બીજા સાથે સઁકળાયેલી છે. અને ક્યારેક વાગે કરે તો સંદેશો મગજ સુધી પહોંચાડી તરત તેનો રસ્તો કાઢી સંરક્ષણ માટે તૈયાર રહે છે. મગજની સાથેનું જોડાણ અને હ્દયમાં રહેલું મન તેનું કનેક્સન કળી ન શકાય તેવું છે. સુઃખ દુઃખ ની લાગણી, સારા નરસાની ઓળખ, અને એક બીજા માટે ન્યોછાવર થઇ જવાની ભાવના પણ એ મન જ નક્કી કરે છે…..કેટલીયે શોધ ખોળ થઇ છે. રોબોટ બનાવાયા છે. ડ્રોન પ્લેન બન્યા છે. અને હજુ ઘણી શોધ ચાલુ જ છે. પણ
જે કુદરતે કળા કરી આપણું શરીર બનાવ્યું છે તેની તોલે તો કોઈ ટેક્નોલોજી, પૈસો કે ભાવના ન આવી શકે ! તો એ સર્જનહારનો કેવી રીતે આભાર માનવો ? થેક્યું થેક્યું – આભાર આભાર નો સતત જાપ કરવો પડે.
અને છતાં એ અનિર્વાય છે કે આપણે એકબીજાની સાથે પ્રેમથી વર્તન કરીએ. આપણે માટે કોઈ કાંઈ કરે તો આપણને તરત થાય કે તેનો આભાર કઈ રીતે માનું ? માં બાપનું ઋણ કેવી રીતે ચૂકવાય ? જયારે ઘરડાં થાય ત્યારે તેમની લાગણીપૂર્વક સારસંભાળ રાખી આભાર વ્યક્ત કરાય. એ પણ સહેલું નથી કારણકે ઘણાં માબાપો દુઃખી હૃદયે સંતાનોથી અલગ રહે છે કે જયારે તેમને સૌથી વધારે બાળકોનાં સાથની જરૂરીયાત હોય છે.
આભારની સાથે સંતોષની લાગણી સંકળાયેલી છે. એવા કેટલાયે લોકોને મેં જોયા છે જેને બે ટંકનું ખાવાનું નથી મળતું, રહેવાં ઘર નથી હોતું પણ સંતોષથી જીવે છે. આપણને સારું ઘર, સારો ખોરાક અને પોતાનો પરિવાર મળવા છતાં ઘણી જગ્યાએ અસંતોષની લાગણી નિહાળવા મળે છે. જેને બદલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે જે આપ્યું છે તે પુરતું છે અને મને સંતોષ છે. હું પ્રફુલ્લિતતાથી જીવું છું.
આભાર વ્યક્ત કરવો એટલે પર્યાવરણને જીવંત રાખવું. આને અલગ તરીકે આભાર માનેલો કહેવાય. આપણે સૌ એટલું તો જરૂર કરી શકીયે કે વૃક્ષોને કાપવા નહીં. દર વર્ષે બાળકો પાસે તેમજ આપણે પોતે પણ વૃક્ષો રોપવા. બાયોડિગ્રેડેબલ (એટલે કે જે પ્રકૃતિ સાથે મળી જાય એવી) વસ્તુ વાપરવા ઊપર ભાર રાખવો. જેથી પ્રકૃતિ જીવંત રહે. કદાચ તમને થશે કે આ જરા હું ફેરફાર કરું તેમાં શું વળવાનું છે પણ દરેકનો થોડો ભાગ એક મોટો હિસ્સો બની જાય છે. પ્રકૃતિનો આપણે આભાર માનેલો ગણાશે. જાગૃત મન અનેક સ્વરૂપે આભાર માની શકે છે અને આભારી છે.
જયવંતિ પટેલ
મનની મોસમ -લલિત નિબંધ (૨૧) પાનખર

મારું મન કેટલાયે દાયકા પાછળ જતું રહ્યું. બરાબર સાત દાયકા.સોળ વર્ષની યુવાન ઉંમર.. ખેતરમાં જવું, આંબાવાડીમાં આંબાને મોર આવ્યો હોય તેની એક અલગ ફોરમ લેવી, બે ત્રણ મહિનામાં નાની નાની કેરીઓ દેખાય.મનની આ યાદગાર મૌસમને યાદ કરતાં મન ક્યારેય થાકતું નથી.નિશાળેથી આવ્યા એટલે તરત પુસ્તકો ટેબલ પર મૂક્યા, જરાતરા નાસ્તો કર્યો કે બહાર રમવાં દોડી જવું – બીજા ભાઈબંધો રાહ જોઈ રહ્યા હોય. એ જીવન કઈ અનેરૂ હતું. ન કોઈ ચિંતા, ન ફિકર, ન જવાબદારી ! જીવનનો અમુલ્ય એ સમય હતો. ગામનો કૂવો, સરકારી સ્કુલ, નાનું તળાવ, અને ગામની વચ્ચેથી પસાર થતો ધોરી રસ્તો.ત્યાં આવીને ઉભી રહેતી એસ ટી બસ, .બા બૂમ પાડી બોલાવે નહીં ત્યાં સુધી ઘરમાં ન જવાનું બસ આનંદ એક નિદોષ આનંદ . સંધ્યાકાળ ધેનુ બધી પોતપોતાના ઘરમાં પ્રવેશ કરી નીરેલું ઘાસ અને પાણી પીતી હોય, બાની બોલાવવાની રાહ જોવાતી હોય. આંખો બંધ હતી અને છતાં આખું જીવન જાણે આંખોમાં….
એ સમયે એક ખુમારી હતી. જુવાનીનું જોશ હતું. ન શું થાય ! બધુંજ થશે. ચાલ, હું મદદ કરું। આખા ગામમાં નામ જાણીતું થઇ ગયું. સીત્તેર વર્ષ વિતી ગયા. ગામનું દરેક વ્યક્તિ મને ઓળખતું થઇ ગયું. કોઈનું પણ કામ હોય, હું હાજર રહેતો. કોઈના દીકરો કે દીકરી પરણે તો જાણે મારી જવાબદારી બની જતી. કોઈને આર્થિક જરૂરિયાત હોય તો તરત હાથ લાંબો કરી આપી દેતો. તેથી જ અમેરીકા આવવા નીકળ્યાં તો આંગણું આખું ભરાઈ ગયું હતું. ગામનાં દેસાઈ, પટેલ, મોચી, ઘાંચી, મુસલમાન,અને કામ કરતાં દુબરાની વસ્તી! તે દિવસે જાણે આખું ગામ ભેગું થઇ ગયું, સૌને થતું હતું ભાઈ પાછા નહીં આવે તો અમારું કોણ ?..આજે મારું કોણ
અચાનક છાતીમાં દુઃખી આવ્યું.આ ભીંસ કેવી ? શ્વાસ લેવામાં તકલીફ પડે છે. છતાં પેલાં વિચારો એનો પીછો ન્હોતા છોડતા. બધાએ કેટલું સમજાવ્યું હતું ! સીગરેટ ન પીઓ. દારૂ ભલેને ફોરીન હોય પણ શરીર તો તમારુંને ? ક્યાં સુધી સહન કરે ! વિદેશી સીગરેટ અને દારૂ ની બોટલ – દરેક ઇંગ્લેન્ડ અમેરિકાથી આવનાર ભેટમાં આપતા અને એ ખૂબ ગમતું. પણ આજે એજ વસ્તુએ મને બરબાદ કરી દીધો. ફેફસામાં કેન્સર થયું, ગળામાં પ્રસરી ગયું. હવે મગજમાં આવી ગયું. આભ ફાટે તો થીંગડા ક્યાં મરાય ? કીમો થેરાપી કે રેડિએશન, કાંઈ જ કામ નથી કરતું. હવે માત્ર ગણ્યા ગાંઠ્યા દિવસો રહ્યા છે.મન વિચારોથી ભરપૂર છે. સ્વસ્થ શરીર હોય તો જ મન સ્વસ્થ રહી શકે. મેં દારૂ અને સીગરેટ વર્ષો પહેલાં છોડ્યા હોત તો આજે મારી આ પરિસ્થિતિ ન હોત. મારે મારી પરિવાર પર બોજ નથી બનવું. હે પરમાત્મા, મને તું વેળાસર તારી પાસે બોલાવી લેજે. મારુ મન તારા ચરણોમાં આવવા હવે તડપી રહ્યું છે
મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુનો મને ડર નથી. મારી પત્ની, પુત્ર, પુત્રવધુ, દીકરી, જમાઈ, પોતા, પોતીઓ – ભરેલો સંસાર છે મારો બાગ મહેકે છે,હું સુખી છું – પણ હવે મારે જવાનો સમય થઇ ગયો છે. મારુ મન આટલું વિચલિત કેમ છે? મને કેમ શાંતી નથી ? અમેરિકાનું સુઘડ ઘર કે સારામાં સારી હોસ્પિટલ કોઈ મોસમથી મને જાણે વંચિત રાખતી હતી.
મેં પાછી આંખો મીંચી દીધી. પાછું એજ ગામ, લીલા ખેતરો, કૂવો, તળાવ, મંદિર, ઢોર, બહાર હિંચકા પર બેસી આવતા જતાં લોકોને નિહાળવા, ખબર અંતર પુછવી – કેવી હરિયાળી હતી એ, એની યાદ પણ શાંતી આપતી હતી હવે સમજાયું કે મને પોતાપણું મારું ગામ,આપતું હતું. મનની શાંતીની લ્હેર ત્યાંથી આવતી હતી. સમગ્ર મોસમ માણવા મન પોતાને ગામ પહોંચી ગયું. શું ધરતીની સુગંધ છે !! એ ગુલમ્હોરી રાત અને મોઢા ઉપર આછું સ્મિત આવ્યું. છોકરાંઓને થયું ડેડી દુઃખમાં પણ હસી શકે છે પણ તેઓને ક્યાં ખબર હતી કે એમનું મન તો આંબા વાડીમાં પહોંચી ગયું હતું અને પૂરું માણી રહ્યું હતું. હું સુખી છું. હવે મને મૃત્યુનો ડર નથી. હું મારે ગામ પહોંચી ગયો છું. મૃત્યુ મને ડરાવી નહીં શકે. વતનના ઝુરાપાએ મને વતનમાં, મારાં ગામમાં પહોંચાડી દીધો છે. મારા એ મનની મોસમ ખીલી ઊઠી છે. .
મને હવે અફસોસ કોઈ વાતનો નથી. મેં જીંદગી ખૂબ માણી, વસંત જોઈ છે. એટલું જ નહિ ઘર ગુથ્થીમાં માં -બાપ પાસેથી શીખેલું કે દરેક વસંત એકલા નહિ વહેંચીને માણજે, આજ દિન સુધી એ સૂત્રને નજર સમક્ષ રાખી જીવન જીવતો આવ્યો છું. બની એટલી જન સેવા કરી આપતો આવ્યો છું. મનુષ્ય પાસે શું નથી ? હું પણ ઘણી વસ્તુથી અજાણ રહ્યો, મારા મોહમાયા અને મારી ટૂંકી દ્રષ્ટિ એ મને આવરણો થી ઢાંકી દીધો અને હું બહાર ન આવી શક્યો.હવે અંતરચક્ષુ પર જે પડદો હતો તે ખસી ગયો.
આજે સમજણ છે પણ હવે સમય જ ક્યાં છે એ વસંતે મણવાનો…

જયવંતિ પટેલ
મનની મોસમ -લલિત નિબંધ (૨૦)રંગોના સથવારે
સમગ્ર સૃષ્ટિ રંગોના અપાર વૈવિધ્યથી સોહી રહી છે. આ અનેકવિધ રંગોનું આગવુ મહત્વ ભારતીય સંસ્કૃતિએ સ્વીકાર્યુ છે. રંગોનુ પણ એક સરસ વિજ્ઞાન છે. રંગોની સમગ્ર સૃષ્ટિ પ્રકાશ અને અંધકાર વચ્ચે સમાયેલી છે. મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટને ત્રિપાર્શ્વ કાચમાંથી સૂર્યનુ કિરણ પસાર કરીને શોધી કાઢયું કે પ્રકાશ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, એ સાત રંગોનો બનેલો છે. તેને સંક્ષેપમાં ‘જાનીવાલીપીનારા’ ગુજરાતીમાં અને ‘VIBGYOR’ પ્રમાણે અંગ્રેજીમાં બોલવામાં આવે છે. ‘લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય બાકીના બીજા બધા મેળવણીથી થાય.’ આ જાણીતુ છે. રંગોના અનેક પ્રકાર હોય છે. આછો, ઘેરો, ઉત્તેજીત, ઉષ્ણ, શીતલ, વિગેરે. કાળા રંગના મીશ્રણથી રંગ ઘેરો બને છે અને રંગને આછો બનાવવા સફેદ રંગ ઉમેરવો પડે છે. મનોવૈજ્ઞાનિક રીતે જોતા ઉષ્ણ રંગો ભૌતિક ગણાય છે જે માનવના આવેગોને દર્શાવે છે. સૌમ્ય રંગો આદ્યાત્મિકતા અને ઉદ્દાત ભાવના દર્શાવે છે.
શબ્દ દ્વારા સહજ રીતે વ્યક્ત ના થઇ શકતી અનુભૂતિની અવસ્થાને દર્શાવવા માટે માનવે સદીઓથી અલગ અલગ રંગોનો પ્રતિકાત્મક રીતે ઉપયોગ કર્યો છે. જોકે સમય અને સંસ્કૃતિ પ્રમાણે તે અલગ પણ હોય છે. જાંબલી – શાંતિ, ગંભીરતા, વિનમ્રતા પ્રગટ કરે છે. વાદળી – શાંત, સ્વચ્છ, આકાશી ગુણ દર્શાવે છે. લાલ – ઉગ્રતા, ઉત્તેજના, શહીદીના પ્રતિકરૂપે. નારંગી – જોશ, આનંદ અને સફળતા તરફ લઇ જાય છે. પીળો – પવિત્રતા, ગુલાબી – પ્રેમ અને મિત્રતા, ભૂખરો – ધૈર્ય, વૃધ્ધાવસ્થા અને વિનમ્રતાને પ્રગટ કરે છે. સફેદ – શુધ્ધિ, શાંતિ અને કરૂણાના પ્રતિકરૂપ ગણાય છે જ્યારે કાળો – શોક, વિષાદ અને મૃત્યુના પ્રતિક તરીકે ઓળખાય છે.
ભારત રંગોથી ભરેલો ભાતિગળ દેશ છે જેમાં ચારે બાજુ રંગો વિખરાયેલા છે. દેવ-દેવીઓના નામાભિધાનમાં, વસ્ત્રોમાં, સગીતના સાત સૂર, પાંચ પ્રાણ, ષટ્ચક્ર, દેહશૃંગાર, ગૃહસજાવટ, પશુશૃંગાર, રોજીંદી ચીજ-વસ્તુઓ, ઉત્સવો, મેળાઓ, પૂજાવિધિ, કર્મકાંડ, દરેકમાં રંગોની ચોક્કસ પ્રકારની પરંપરા જોવા મળે છે. મંત્રના દરેક અક્ષરોની આભા હોય છે. તંત્રોમાં રંગો હોય છે. વાયુના રંગો હોય છે. વિવિધ શાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથોમાં રંગો અંગેના આયામો દર્શાવાયા છે. નવગ્રહોના પણ અલગ રંગો હોય છે. રસના અને સ્વરના પણ રંગ હોય છે. તંત્ર અને યોગ અનુસાર ભૌતિક માનવ શરીરને બીજુ એક સુક્ષ્મ શરીર પણ હોય છે જેમા સાત ચક્રોમાં આદ્યાત્મિક શક્તિ રહેલી હોય છે. આ દરેક ચક્રને પોતિકો રંગ હોય છે. પંચમહાભૂતોને પણ પોતાનો રંગ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રંગની માનવજીવન પર ગાઢ અસર જોવા મળે છે. મેડીકલ સાયન્સમાં રંગોની મદદથી દર્દીનો મુડ બદલીને તેના રોગોને દૂર કરવામાં આવે છે તેને ‘કલર થેરાપી’ કહેવામાં આવે છે. સૂઝોકમાં પણ અલગ અલગ રંગના ટપકા કરીને રોગમુક્ત કરવામાં આવે છે.
શૂરવીર માટેનો કસુંબીનો રંગ અને સરહદ પરનાં શહીદોના રક્તનો રંગ, તો વળી કાન સંગ ગોપીઓએ ખેલેલા ગુલાલ-કેસુડાના રંગથી તો સૌ પરિચિત છે. હિન્દુ તહેવારોમાં રંગોની વિવિધતા જોવા મળે છે. નવરાત્રિનો રંગ, નવા વર્ષની રંગોળીનો રંગ, રંગોનો સરવાળો અને મિલાવટ કરતો હોળી-ધૂળેટીનો અનોખો તહેવાર જીવનને જીવંત બનાવે છે. વિખરેલા રંગોને એકઠા કરો ત્યારેજ રંગોળી સર્જાય છે. આકાશમાં મેઘધનુષ ત્યારેજ રચાય છે જ્યારે તમામ રંગો સાથે હોય.
તમારી આસપાસનુ રંગીન દિવ્યશક્તિનુ આવરણ જેને ઑરા કહેવાય તેના રંગો સતત તમારા મન, વિચારો, ચેતના અને લાગણીઓના ઉતાર ચઢાવ પ્રમાણે બદલાતા રહે છે. આ રંગોને યોગની કેટલીક પ્રક્રિયાઓ થકી બદલી શકાય છે. વર્તમાનમાં વાયકા છે કે સમયની સાથે કલીયુગના માનવને તેના સ્વભાવના રંગને બદલતો જોઇને કાચિંડાને આપઘાત કરવાનુ મન થયુ કે આ માનવ મારાથી પણ ચઢી ગયો. કાચિંડો સમય, સંજોગો પ્રામાણે તેનો રંગ બદલે છે પરંતુ આજનો માનવ બહુરંગી બનતો જાય છે. માણસ કરતાં માણસે તેની માણસાઇને સકારાત્મક રીતે મેઘધનુષી કરવાની જરૂર છે.
રંગો વગરનું જીવન જીવવુ અશક્ય છે. જીવનનાં રંગો અપાર છે. જ્યારે પણ સંવેદના સળવળે છે ત્યારે રંગો ઉભરાય છે અને કોઇપણ રીતે તે વ્યક્ત થાય છે. એ નશામાં ડુબવાનુ મન થાય છે ત્યારે કાવ્ય લખાઇ જાય છે.
પીછવાઇમાં પૂરેલા રંગો, જેવી છે આ જીન્દગી,
મોરપીંછનાં રંગો, જેવી છે આ જીન્દગી,
મેઘધનુષનાં રંગો, જેવી છે આ જીન્દગી,
ક્યારેક સોનેરી તો ક્યારેક રૂપેરી છે આ જીન્દગી.
એ રંગોનાં પૂરનારને હું શું કહું?
એની લ્હાણીમાં ક્યાંય ખોટ નથી,
ક્યાંય કસર નથી, ક્યાંય કચાશ નથી.
હૈયુ ભરાય છે એ ભારથી,
અને ગદ્ગદ્ થવાય છે મારા શ્યામની એ કરનીથી.
જે મારી આસપાસ છે અને એને હું દીઠી શકતી નથી.
માત્ર એક અહેસાસ છે એનો હોવાનો,
અને શ્વાસમાં શ્વાસ પૂરાતા જાય છે …
જીવનમાં રંગો પૂરાતા જાય છે, પૂરાતા જાય છે …
અને રંગીન જીન્દગી જીવાતી જાય છે.
માનવ જીવનનાં રંગોને ક્ષિતિજે ઉગતા સૂરજના રંગોથી માંડીને ક્ષિતિજે આથમતા સૂરજનાં રંગો સાથે સરખાવી શકાય. જીવનની પ્રભાતે ઉષાના સોનેરી કિરણો, માના હાલરડે રંગાતુ બાળપણ, યુવાનીમાં પૂરાતી સપનાની રંગોળી – ભીતર રંગ, બહાર રંગ, અંગેઅંગ રંગમાં, પ્રીત-પીયુને પાનેતરના રંગમાં જુવાની ઝબોળાઇને નિખરતી જાય છે. વહાલપની નિતરતી લાગણીઓના રંગમાં ભીંજાવું એ મેઘધનુષના રંગો કરતા પણ આકર્ષક હોય છે. વળી સોનેરી સંધ્યા સમી જીવનની પાનખરના, પીળા પાનને લાલ રંગમાં ફેરવવાની આવડત જો આજનો વૃધ્ધ શીખી જાય તો ક્ષિતિજે આથમતો સૂરજ પણ રંગીન લાગે છે.
આ તમામનો આધાર મનની મોસમના રંગો પર, ખુદની ચેતના શક્તિ અને સકારાત્મકતા પર નિર્ભર છે. મનની મોસમને ખીલતી રાખવા સત્સંગ, ભક્તિ અને આદ્યાત્મનો રંગજ પરમ સમીપે લઇ જાય છે. અને મન ગાઇ ઉઠે છે, “રંગાઇ જાને રંગમાં …”
કલ્પના રઘુ
મનની મૌસમ – લલિત નિબંધ (2) ઝીલાય સુખ અને દુઃખ
એ સપનું જોતો હતો અને સપનામાં તેને એક ખુબ નાનો લીલો તક્ષક નાગ દેખાતો હતો.સપનુ આગળ વધ્યું અને તે નાગની હલચલ બદલાવા માંડી એક તબક્કે તે બે સોનેરી નાગમાં ફેરવાઇ ગયા અને જ્યાં રુપાંતરણ થયું ત્યાં સોનેરી રંગની ઘણી બધી રજકણો હતી.તેણે સપનામાં પડેલી એ સ્વર્ણ રજકણ ભેગી કરી અને ચકાસણી કરાવડાવી તો તે ૨૪ ટકા સોનુ હતુ. તેનું મન હતું તે તક્ષક નાગને શોધવા પાછું કાર્યરત થયું આ વખતે સ્વપ્ન જરા વિચિત્ર હતું નાના સાપોલીયા તો અસંખ્ય હતા પણ તેમની સાથે એક લીલી નાગણ અને નાગ પણ હતા.અને સ્વર્ણ રજકણ ની મોટી ઢગલીઓ પણ હતી. નાના તક્ષક નાગોથી તે જગ્યા ભરેલી હતી અને લીલા નાગ દંપતી સૌને ઉછેરતાં હતાં તેમને જરુરી દુગ્ધપાન કરાવતા હતા.નાગ અને નાગણ સ્વર્ણ રજકણો એકઠી કરી ઢગલીઓ પણ કરતી હતી
સપના જોતાએનાં મને વિચાર કર્યો…આ નાગ અને નાગણ ને વશમાં કરીયે તો રોજે રોજ સ્વર્ણ રજનાં ઢગલા મળે. પછી કામ એક જ કરવાનું આ નાગ અને નાગણને વશમાં કરવાનાને?..રોજે રોજ સ્વર્ણ રજ ભેગા કરીને મબલખ પૈસા પેદા કરવા નાગ વન કરી એક ફાર્મ બનાવ્યું. અમુક સમયે નાના તક્ષક નાગો બધા પેલા નાગ જેટલા પુખ્ત થયા થયા અને એક કરતા વધુ ફાર્મ થયા નાગ વન, નાગઉપવન .નાગવૃંદાવન, નાગ નંદનવન,
રોજે રોજ સ્વર્ણ રજ વધતી ગઈ.તેમજ તે વાત ફેલાતી ગઇ.અને તેમ તેમ જ ઈર્ષા અને સ્પર્ધા વધતી ગઈ ..જેટલા નાગ વન હતા તેટલા નૉળીયા વન વધતા ગયા..નાગમાં ઝેર ઉભરાતા થયા અને સ્વર્ણરજ ઘટતી ગઈ. વિદેશીઓએ ભેળસેળ કરવા માંડી હવે નાગનાં રંગ બદલાવાનાં ઘટવા માંડ્યા અને નાગનું કદ વધવા માંડ્યુ નાગ ફુંફાડા મારતો થયો અને નાના તક્ષક નાગોને ચાંઉ કરી જતો થયો..ધારતો હતો તેટલો નફો થતો નહોતો.
બહુ શાંતિથી વિચાર્યુ તો સમજાયું કે મુખ્ય નાગ અને નાગણ ઘરડા થવા માંડ્યા હતા તેની ચોથી પેઢીએ બદલાવ દેખાતા હતા નાના તક્ષક નાગોમાં એકાદ નાગ વિદ્રોહી થઈ જતો હતો અને તે નાગ ની આગલી પેઢીઓ માં વિદ્રોહી સ્વભાવ દેખાતો હતો.તેઓ ઝડપથી દ્વિગુણીત થતા હતા
સપનામાં હવા મહેલ ઉભો કર્યો હતો તેના કાંગરા તુટતા જણાયા તેથી પ્રભુને વંદના કરી…હે કૃષ્ણ આ નાગનો નવો ફાલ દુર કરવા આવો અને કાળીયા નાગને જેમ કાબુમાં કર્યો હતોને તેમ કાબુ કરો..
કૃષ્ણ ભગવાન હસ્યા..”મારો ભાગ કેમ નહોંતો નાખ્યો?. હું આવીને તારા નાગોને બચાવીશ પણ તારે દરેક નાગ વન નો કર આપવો પડશે.”….
”ભલે ભગવાન પણ એવું કરો કે આ ભેળસેળ છુટી પડે અને આ ઇર્ષાથી પિડાતા અને મારા ભાગ્યનાં કંટકો જેવા નોળીયા વનો અને આ તક્ષક નાગોને ચાંઉ કરી જતા વધેલા ક્દનાં ફુંફાડા મારતા નાગોને દુર કરો.”..
વાત તો કઠીન છે કહી માયા ભર્યુ હાસ્ય પ્રભુ હસ્યા.તેમણે કહ્યું પેલા વાણીયાની જેમ એક જ વરદાનમાં આખું તારા દુઃખોનો હળ તે શોધી લીધો.?”
“.પ્રભુ આપ બેવડો કર લેજો પણ આ સ્વર્ણ પ્રસવતા મારા લીલા તક્ષક નાગોને બચાવી લો પ્રભુ…!”
પ્રભુ એ વાંસળી વગાડવા માંડી અને બધાજ મોટા નાગો તેમની પાછળ જવા માંડ્યા.મોટો હાશકારો અનુભવતા પડખું બદલ્યું પણ થોડા સમય પછી વાંસળી બંધ થઈ અને એક ચક્ર ફરતુ આવ્યું તેમા બધા નાગ ફેણ ફુલાવતા ચક્ર સાથે ફરતા હતા અને તે પીળા રંગનું તીવ્ર ઝેર વરસાવતા હતા…
પાછળ નાગનાં સુસવાટા સંભળાતા હતા તે પીળુ ઝેર નાનકડા તક્ષક નાગો પર પડતુ હતુ ને તે સર્વ નાના નાગ પીળા થતા જતા હતા તેમનું દ્વીભાજન યંત્રવત રીતે ઝડપી થતું જતું હતું અને સોનેરી ઢગલીઓજે પહેલા કલાકે દેખાતી તેને બદલે દર દસ મીનીટે દેખાતી હતી આ ઉપાધી હતી કે વરદાન તેને સમજાતુ નહોંતુ તેથી પ્રભુને આહ્વાન કર્યુ..”પ્રભુ આ આશિર્વાદ છે કે શ્રાપ?”
મંદ મંદ હસતા પ્રભુ બોલ્યા “આતો તમારા ઇચ્છાધારક નાગ હાલ તો તમારે માટે સ્વર્ણ રજ બનાવીને તમને માલેતુજાર બનાવી રહ્યા છે.”.
“પણ પ્રભુ તમે જાણો છો તેમ આ રીતે સરળતાથી લભ્ય બનતુ સોનુ પછી જરુરી સમૃધ્ધી નહી આપે.”
“ મનથી રોકો તો જ રોકાશે આ મનની મૌસમ.”
“ પ્રભુ આટલા બધા નાગ અને સ્વર્ણ રજ..શું સંબંધ છે મન સાથે?”
“ લીલા નાગ એટલે લાલસા અને સ્વર્ણ રજ એટલે લક્ષ્મી….તમે કુબેર બનવા ઇચ્છો છોને?”
“હા પ્રભુ! પણ આ લીલા નાગ અને પીળુ ઝેર…અને આપ કહોછો મનની મૌસમ? મને કંઇ સમજાતુ નથી.. અર્જુનની જેમ ઘુંટણીયે પડીને પ્રભુની સામે જોઇ ને તે બોલ્યો.”
જુઓ લાલસાનું સ્વરૂપ મનથી બદલો અને વિચારો કે સંતોષ…અને જુઓ કમાલ.
તરતજ ખીલી ઉઠ્યા દરેક નાગ બની ને સફેદ ગુલાબ અને સ્વર્ણ રજ બદલાઇ ગઈ બર્ફીલી ચાદરમાં.
મનથી તેણે ઇચ્છ્યુ કંકાસ રહીત જીવન અને બર્ફીલી ચાદરમાં રંગોનું મેઘધનુષ્ય ઉભરાવા લાગ્યુ.
પ્રભાતનાં પક્ષીઓની ચહેકાટ સાથે પૂર્વમાં ઉષાનાં રંગો ઉભરાવા માંડ્યા..જલતરંગ મધુર ગાન ગાતુ હતું.તે જરાક સળવળ્યો..તેને ઠંડી લાગતી હતી ગોદડી ખેંચી અને સપનામાં લપેટાવા તૈયાર થતો હતો અને આંખો ખુલી ગઈ.સપનુ તો પુરુ થયુ હતું…લીલા નાગોએ ભેગી કરેલી સ્વર્ણ રજોની ઢગલીઓ ગાયબ હતી.
એલાર્મ વાગતું હતું
કૃષ્ણ નો ફોટૉ ગીતાસાર કહેતો હતો…
કર્મનો જ તને અધિકાર,,,ફ
ળ તો એના સમયે પાકશે તેના ઉપર ના કોઇ તારો અધિકાર.
મન ની મૌસમ દ્વારા ઝીલાય સુખ અને દુઃખની અનુભુતિઓ
તો શીદને કાબુમાં ન રાખવું મન નું ચલણ?. કાયમનીજ અતૃપ્તિ,..
કાયમ જ અસંતોષ
અને કાયમ કશું પામવાની દોડને
બદલે જે છે તે માણને.
મન.અને..તેના રંગોને તો તું ધારે તેમ બદલી શકે છે…..
પાછળ વાગતી વાંસળીનાં મધુર રવે તેને લાધ્યુ આ જ્ઞાન …
તૃષ્ણાનાં વન ને બદલી નાખ સંતોષનાં રંગે..
દોટ ના મુક લક્ષ્મી માટે જ્યાં હશે વિષ્ણુ ત્યાં લક્ષ્મીનો વાસ છે નિશ્ચિંત

વિજય શાહ
મનની મોસમમાં મળ્યા આશીર્વાદ અને વસંત ખીલી
મિત્રો આ લેખ અહી મુકતા પહેલા કહીશ કે મેં આ મારી ઈચ્છા વિરુધ મુક્યો છે.
માત્ર તરુલતાબેનને લખ્યું છે, માટે માન રાખવા અથવા ગુરુની આજ્ઞા અને આશીર્વાદ સમજી અહી મુકું છું.
મિત્રો,
તમને ય મારી જેમ લાગ્યું હશે કે મનની મોસમમાં અનેકવિધ ગુજરાતી લેખકો, કવિઓ અને સર્જકોનો મ્હેંકતો પરિચય આપી રહેલ આપણા સૌના માનીતા પ્રજ્ઞાબેન પોતે એક ખીલતી મોસમ છે.મેં વર્તમાનકાળ યોજી ભવિષ્યની અનન્ત વિકસવાની શક્યતાઓની ક્ષિતિજ ખૂલ્લી કરી છે.છેલ્લાં પાંચ વર્ષથી એમનું ગુજરાતી સાહિત્યનું કાર્ય સતત ગુણવત્તામાં અને સંખ્યામાં વધતું ગયું છે.
તેઓ કવિ,વાર્તાકાર,નાટ્યકાર તથા રસદર્શી ,ગુણગ્રાહી આલોચક પણ છે.વર્તમાનની ઘટનાઓ વિષે નિરંતર પ્રતિભાવો આપી લેખો લખે છે.બે એરિયાના ગુજરાતી સમાજ સાથે જીવંતપણે જોડાયેલા ,અનેક સાંસ્કૃતિક તથા સાહિત્યિક કાર્યક્રમોના આયોજક છે.મારો અંગત અનુભવ છે કે તેઓ ગમે તેટલાં દોડધામમાં હોય કે બીઝી હોય હસતાં જ દેખાય.સૌને પ્રેમથી અને માનથી બોલાવે.એમના પરિચયમાં આવનાર વ્યક્તિની શક્તિઓ અને આવડતનો અંદાઝ તેમને આવી જાય.ઝવેરી હીરાપારખું તેમ પ્રજ્ઞાબેન માણસપારખુ છે.સમાજમાં નવા ચીલા પાડવા માટે કે સામુહિક પ્રવુતિને દિશા બતાવવા સૌનો સાથ અને સહકાર પ્રજ્ઞાબેનને પ્રેમથી મળી રહે છે.તેમની નમ્રતા બધાયને આવકારે અને માન આપે.ગુજરાતથી આવતા સાહિત્યકારોના ઉચિત માન સન્માન અને મહેમાનગતિ કરે.તે માટેની તેમની ઉદારતા અને વ્યક્તિગત સમય,પરિશ્રમ પ્રશન્શાપાત્ર છે.હાલ હું વતનમાં છું ,જયારે અમદાવાદ બીજા સાહિત્યકારોને મળવાનું થાય ત્યારે પ્રજ્ઞાબેનને જરૂર યાદ કરે.
તેઓ સાહિત્યરસિક જીવ છે.બે એરિયાના ,હ્યુસ્ટનના ,શિકાગો ,ફ્લોરિડા ,લોસએન્જલ્સ ,ન્યુ જર્સી, ફિલાડેફીયા એમ અમેરિકાના ખૂણે ખૂણેથી ગુજરાતી સાહિત્યકારોનો સમ્પર્ક કરી તેમના સર્જનને પ્રકાશમાં લાવે છે.ભારતથી પ્રતિષ્ઠિત કવિઓ ,સાહિત્યકારોનો લાભ બે એરિયાને સુલભ કરે છે.તેમનું ગુજરાતી ભાષા અને સાહિત્યનું સઁવર્ધનનું કામ મારી દષ્ટિએ ઇતિહાસમાં નોંધનીય છે.વિજય શાહ અને અન્ય લેખકોના સહકારથી તૈયાર થયેલો બાર હજાર પાનાંનો મહાગ્રન્થ ભગીરથ કાર્ય કહેવાય.100 જેવાં લેખકો જેમાં કેટલાકે તો પહેલી કલમ ઉપાડી હતી.ખાસ કરીને માતૃભાષા પ્રેમીઓ માટે ‘બેઠક’ વિસામો કહો કે મુક્તપણે ખીલવાનો બાગ કહો જ્યાં જ્ઞાન સાથે ગમ્મત અને સાહિત્યગોષ્ઠિ થાય છે.
‘બેઠક’ના સભ્યો વયસ્ક અને જીવનના અનુભવી.બહારના અમેરિકન વાતાવરણમાં ગુજરાતી ભાષા પ્રત્યેનો તેમનો લગાવ હૈયામાં ધરબાય ગયેલો,બહાર ખીલવા તડપે પણ કરે શું? ‘બેઠક’માં પ્રજ્ઞાબેને અનુકૂળ મોસમ સર્જી.તેમના મનની વાતોને ‘શબ્દોના સર્જન ‘માં અભિવ્યક્ત કરવાની તક આપી.દર મહિનાના જુદા જુદા રસિક વિષયો આપી તેમને ગુજરાતીમાં લખવાનો આયામ આપ્યો.લખવાના રિયાઝથી વાચકો બીજાનું સાહિત્ય વાંચી સમજી પોતે લેખક થયા.કોલમ રાઇટર થયા,પોતાનો બ્લોગ ચલાવતા થયા.નવી પેઢીને ‘બેઠક’માં રસ લેતી કરી.નવી પેઢીને ગુજરાતી નાટકો ભજવતી કરી.તેમનું પોતાનું લખેલું ગુજરાતી નાટક સરસ રીતે ભજવાતું આપણે સોએ માણ્યું હતું.
મારી દષ્ટિએ માતુભાષામાં પ્રાણ પુરવાના આ બધા જ કાર્યો ખૂબ મહત્વના છે,આ રીતે ભાષા પ્રત્યેની અને સાહિત્ય માટેની રૂચિ ઘડાય છે.સારા ભાવકો વિનાનું સારું ,ઉત્તમ સાહિત્ય લાયબ્રેરીમાં હિજરાય છે,ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ ‘ વાર્તાનો અલીડોસો કે રવીન્દ્રનાથ ટાગોરનો કાબુલીવાળો કે ચૂનિલાલ મડિયાનો કમાઉ દીકરો કે રઘુવીર ચૌધરીની અમૃતા ,પન્નાલાલ પટેલની કન્કુ નવી પેઢીના વાચકોના હૈયામાં વસવા તડપે છે.મધ્યકાલીન નરસિંહ ,મીરાંના ભજનોની જેમ અર્વાચીન અને આધુનિક કેટલા કવિઓની સુંદર ગઝલો,ગીતો આપણા હોઠે અને હૈયે વસે તેવી મોસમ ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેન સર્જે છે.હાલ ગુજરાતી ભાષામાં લખનારા સર્જકો છે,વાચકો વિનાનું સાહિત્ય નમાયું છે.શાળા-કોલેજોમાં અને જૂની પેઢીના માણસો ગુજરાતી વાંચે તે ન ચાલે.
જયારે ટેકનોલોજીને કારણે દેશમાં અને વિદેશમાં ગુજરાતીનું ચલણ ઘટતું જાય છે ત્યારે ગુજરાતીમાં બોલવું અને લખવું ખૂબ જરૂરી છે.આપણી ‘શું શા પેસા ચાર કહેવાતી ‘ગુજરાતી ભાષાનું ગૌરવ ગુજરાતીઓ નહિ કરે તો બીજું કોણ કરશે?
પ્રજ્ઞાબેનમાં લખવાની અર્જ કહો કે ધગશ (ચળ ) પડેલી છે,તેથી જ તેમના લેખો ભાવવાહી બને છે.તેમના વ્યક્તિત્વની નિખાલસતા અને સહજપણું તેમની ભાષાનું બળ છે.તેમનાં સર્જનમાં બોલ્ડ થીમ દેખાય છે.તેમણે અમેરિકન સમાજનાં વિષયો લઈ રૂઢિચુસ્ત માનસને ન ગમે તેવી વાર્તાઓ પ્રતિલિપિ પર પબ્લિશ કરી છે.હું તેમને પ્રોત્સાહન આપું છું કે તેમને ગમે તે તેઓ લખે.એમની રમુજી વાર્તાશેલી અને સેન્સ ઓફ હ્યુમર પણ સારી કૃતિઓ આપી શકે.ગુજરાતી સાહિત્ય બધું ગુડ હોય ,ઉપદેશ આપે તેવું હોય એવી વિચારધારા જરા ય યોગ્ય નથી.નવા સર્જનને વાંચો,વધાવો ,ક્રાન્તિને આવકારો.શબ્દોનો સર્જક અને વિશ્વનો સર્જક પોતાની મોસમ સર્જે છે.તેને આનઁદીએ તો ગ્લોબલ વૉર્મીંગની સામે ટકી રહેવાનું બળ મળે ખરું?
મિત્રો ,તમારા દિલમાં પણ પ્રજ્ઞાબેનના વ્યક્તિવની ખીલતી મોસમનો અહેસાસ થયો હશે.
તરૂલતા મહેતા 29મી માર્ચ 2017
(ગુજરાત યુનિ.ના હોલમાં યોજાયેલા ડાયસ્પોરા સાહિત્યના માન ,સન્માન અને પરિસંવાદમાં ભાગ લેવા માટેના મને મળેલા આમંત્રણ વખતે અન્ય મહાનુભવોની હાજરીમાં પ્રેક્ષકો મધ્યે બેઠેલાં પ્રજ્ઞાબેનની હાજરી મારા માટે ભાવભીની બની રહી હતી.)
આભાર – પણ આ કામ સૌનું સહિયારું છે આશિર્વાદ આપો કે કાર્ય ક્યાંય માન ખાતર અટકે નહિ -પ્રજ્ઞા
( પ્રજ્ઞાબેન તમે બ્લોગ પર મૂકો ,લેખિકા તરુલતા મહેતા તમારા જેવા ઉગતા સર્જક અને માતુભાષાપ્રેમી માટે પોતાનો અભિપ્રાય આપી શકે. સહિયારા સર્જનની મોસમ ખીલવનારની કદર સૌ કરશે.બીજાની ઓળખાળ આપનારની ઓળખ આપવી નમ્રતા છે.એમાં જરા ય અયોગ્ય નથી.-તરૂલતા મહેતા)

મનની મોસમ – લલિત નિબંધ (19) મનજી


૧૮મનની મોસમ – લલિત નિબંધ – આનંદો ,આનંદો,આનંદો!
હર પલ,હર ક્ષણ, હર ઘડી,બદલાયે મોસમ
આટલું લખ્તાની સાથે મનની મોસમ જાણે શરુ થઇ ગઈ ના હોય તેમ અચાનક એક સિનેમાનું ગીત મન ગણગણવા લાગ્યું.
હર ઘડી બદલ રહી હય યે જિંદગી,છાંવ હય કભી,કભી હય ધૂપ જિંદગી!હર પલ યહાં જી ભર જીઓ,જો હય સમાં કલ હો ન હો?
સમય ક્હો કે મોસમ બન્ને અનિશ્ચિત છે.
મનની મોસમ જાણતા પહેલા આપણે મોસમને જાણીએ
હૂ હૂ કરતો આવે શિયાળો, ઉનાળો કરાવે હાય હાય
ભલે ભીંજાતાં વર્ષામાં,મુખેથી બોલતા જાય હાશ,હાશ!
મનનો વિચાર કરતા, મન નથી એકલું તન સાથે છે જોડાયલું
મન વિનાનું તન છે જાણે સહુ એ મડદું!પણ,પણ તન વિનાનું મન?
શું કહેવાય ભૂત કે પ્રેત?ના હું પહેચાનું.પણ
તનને વયની અવધિ છે, મનને ના કો અવધિ છે,
જ્યાં સુધી જોડાયેલ છે,હર મોસમના એ સંગી છે
તનની બાલ્યાવસ્થામાં હરખાઈને બોલાવે વર્ષાને ગાઈ ગીતમાં
આવ રે વરસાદ ઘેબરિયો પ્રસાદ,ઉની ઉની રોટલી ને કારેલાનું શાક!
લાંબુ ચાલે ચોમાસું તો? તેના પણ ગીત ગવાય!
તારે મેહુલીયા કરવા તોફાન અમારા લોકોના જાય છે જાન,
કેટલા દિવસનો તું આવ્યો છે અહી કેમ તારી બા તને લઇ જાય નહીં?
મનનો મિજાજ એજ મનની મોસમ ખરી ?ઘડી ઘડીમાં જાય એ ફરી ફરી?
હું રે મેહુલીયા રમવાને જાઉં ભૂખ્યો થાતા ઘેર પાછો આવું!
મન છે માંકડું ને સાંકડું,ઓથેથી રહીને બતાવે પોતાને મસ્ત થઈ ફાકડું!
બદલાતી મોસમમાં થાય હુહુ,હાયહાય,કે હાશ હાશના ઉચ્ચાર !
હરેક મોસમમાં ગુંજી રહે “હ’ નો હકારાત્મકનો હોકાર
એક વિખ્યાત લેખક ઈમર્સનના ખુબ સરસ શબ્દો “યદી મુઝે નરક મેં રખા જાયે,
તો મય અપને સદગુણો કે કારણ વહા ભી સ્વર્ગ બના દુંગા”બખૂબ!
મન સમ બની જાય,મોસમ! ત્યા રે જ એ મનની મોસમ મણાય
એક બહુ જૂનું ગીત” મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા”
જોતીતી વાલમની વાટ રે અલબેલા કાજે ઉજાગરા. મનના ભાવથી
કરેલા મનગમતી વ્યક્તિ કાજે કરેલા ઉજાગરા એક એક ક્ષણ તેના મનને ઉત્સુક કરે છે.
ના મનને કે ના તનને કર્યા બોર, પ્રેમ આનંદમાં કરી દીધા તરબોળ!
મનને થોડી ઘહરાઈથી જોતા જ્ઞાત થયું,કે મનને બે જોડિયા ભાઈ છે!.એક છે જાગ્રત મન અને બીજું છે અર્ધ જાગ્રત મન.
જાગ્રત મન પાસે છે ૧૦%શક્તિ, જયારે અર્ધ જાગ્રત મન પાસે ૯૦% શક્તિ છે. એ ૯૦ %શક્તિનો ઉપયોગ કરવાનું આપણે જો શીખી લઈએ તો બધું મેળવી શકીએ.જાગ્રત મનથી જીવનની સમસ્યાનો હલ ન કરી શકવાથી કોઈ સગા સમ્બંધી,કે સમર્થ વ્યક્તિ,કે જ્યોતીશ પાસે દોડી જાય છે.અંતે ભગવાનને શરણે જાય છે.એ પણ સહેલો તો ન કહેવાય.આ સિવાય વૈજ્ઞાનિક રીતે જે સચોટ રસ્તો છે એ છે “તમારા અર્ધ જાગ્રત મન” પાસે જવાનો.કારણ કે તમને મુઝવતા દરેક પ્રશ્નનો ઉકેલ તમારા અર્ધ જાગ્રત મન પાસે છે.
આપણા દરેકના અર્ધ જાગ્રત મન પાસે વિશ્વના સમગ્ર વાતાવરણ ઉપર અસર કરવાની તાકાત છે.એ પછી ભૌતિક, માનસિક કે બાયોલોજિક વાતાવરણ હોય.આપણે જયારે અર્ધ જાગ્રત મનને કોઈ મહાન કાર્ય માટે આહ્વાન આપીએ છીએ ત્યારે આત્મ ચેતના જગાડીએ છીએ.અર્ધજાગ્રત મન વિશ્વ ચેતના (કોસ્મિક પાવર)પાસેથી શક્તિ મેળવી પોતાની ધારી અસર દેખાડે છે. ને ત્યાં કોઈ પણ દુરી નડતી નથી.આપની પ્રબળ ઈચ્છા {બર્નિંગ ડીઝાયર}તેના અર્ધ જાગ્રત મનમાં જઈને એક ચુંબકીય વાતાવરણ ઉત્પન્ન કરે છે.એ ચુંબકીય પાવરથી ભગવાન શ્રીરામ શબરીને ઘેર પધારે છે.અભણ જંગલમાં રહેતી એક આદિવાસી સ્ત્રી શબરી જો પોતાના અર્ધ જાગ્રત મન દ્વારા ભગવાનને પોતાના તરફ ખેંચી લાવે,તો આપણે આપણી આ શક્તિને ઓળખી લઈએ અને બરાબર ઉપયોગ કરી શકીએ તો?તો ના જવાબમાં અર્ધ જાગ્રત મન એ ભગવાનનો જ અંશ છે.તેની શક્તિ પર શંકા કરવા કરતા ધીરજ સાથે હકારાત્મક વિચારથી એકાંતની પ્રાર્થનામાં આપણે આપણી ચેતના શક્તિને જગાડતા,અર્ધ જાગ્રત મનને કાર્યશીલ કરીએ છીએ.ત્યારે વિશ્વ ચેતનામાંથી શક્તિનો સંચાર થાય છે.ચેતના શક્તિ એ શક્તિની જાગૃતિની ક્રિયા છે.આ શકતી છે તે પૃથ્વી અને બ્રહ્માંડને સંભાળે છે.તે બ્રહ્માંડની અદ્રશ્ય શક્તિ છે.તેગતિમાં રહે છે તે સંપૂર્ણ છે.દિવસમાં દીસે અનેક માર્ગ,સુઝે ના એકે માર્ગ?એક રાત્રીના અંધકારમાં,એક નાનાશા દીપકમાં પ્રગટી ભક્તિની જ્યોત,વહે શક્તિનો ધોધ,સ્નાન કરતા સ્વચ્છ થાયે મન ને ત્યારે જ ને ત્યારે જ ખીલી ઉઠે મનની મોસમ!
હર કણ હર ક્ષણ પ્રભુમય બની જાય!
આનંદો ,આનંદો,આનંદો!
પદમા-કાન