ધીરુભાઈ
“ધીરુભાઈ, મને થોડી મદદ કરોને! આ મારું સ્કૂટી નીકળતું નથી!” હોસ્પિટલમાં કામ કરતી સિસ્ટરે નવા જ નોકરી પર લાગેલા સિક્યુરિટી ગાર્ડ ધીરુભાઈને વિનંતી કરી.
બેબી સ્ટેપ જેવું દોડતા દોડતા ધીરુભાઈ સિસ્ટર પાસે આવ્યા અને બાઈક, મોપેડ આઘાપાછા કરીને સિસ્ટરને મદદ કરી.
જોકે, પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીમાં કામ કરતા ધીરુભાઈને બીજા કોઈએ સહારો આપવો પડે તેટલાં સુકલકડી હતાં.
બંને હાથ જાણે સૂતળીની દોરી જેવાં પાતળા, ગાલથી બેસી ગયેલું મોઢું, મૂર્તિ પર રેશમી કપડું ઓઢાડ્યું હોય તેમ હાડકા પર કરચલી પડી ગયેલી ચામડી ઓઢાડીને મૂકી હોય તેવું જ લાગે.
ધીરુભાઈને કોઈ પણ જાતનું વ્યસન ન હતું પરંતુ એમનાં જડબાંમાં ક્રિકેટના મેદાન જેટલી જગ્યા થઇ ગઈ હતી.
નામ પૂરતો પણ એક દાત ન હતો.
“થૅન્ક યુ ધીરુભાઈ” સિસ્ટરે પાછળ જોયા વગર પોતાની સ્કૂટી દોડાવી અને હાથ ઊંચો કરીને ભાઈનો આભાર માન્યો.
ધીરુભાઈને હવે કોઈ પણ “થૅન્ક યુ”નો વળતો જવાબ આપવાનું આવડી ગયું હતું.
કેમ કે, રોજ સવાર સાંજ એમને આ વાક્ય લગભગ ૧૦૮થી વધારે વખત સાંભળવા મળતું હતું.
“ભલુ થાઓ તમારું.” આજ એમનો “થૅન્ક યુ”નો વળતો જવાબ હતો.
ગાર્ડ શબ્દ સાંભળીયે એટલે આપણને આજના જમાનામાં જેમને ‘બાઉન્સર’ કહીએ તેવી જ ઘટાદાર આકૃતિઓ દિમાગમાં આવે.
પણ ધીરુભાઈ તો બિચારા ગરીબડી ગાય જેવાં હતા.
હોસ્પિટલનો મૅનેજમેન્ટ સ્ટાફ પણ કોઈ વાંધો ઉઠાવ્યાં વગર જાણે કે ધીરુભાઈને શિફ્ટ પર રાખીને કોઈ ધર્માદા કાર્ય કરતા હોય તેવું જ અનુભવતા હતા.
ધીરુભાઈના મુખ્ય કામોમાં ગળે લટકાયેલી સિસોટી મારીને સ્ટાફ કે દર્દીઓના સગાવ્હાલાઓના વાહનો સરખી રીતે પાર્ક કરાવવાના, આવતા જતા લોકોના ઓળખકાર્ડ ચેક કરવાનાં, સંદેશાઓ એક દરવાજેથી બીજાં દરવાજે પહોંચાડવાના, બસ આવા જ પરચૂરણ કામ કરવાના.
ધીરુભાઈ આવતા જતાં લગભગ બધાને સલામ કરતાં હતા. તેઓ તેમની ડ્યૂટીની ફરજ સમજતા હતાં.
એક દિવસ હોસ્પિટલના હેડ ડૉ. કમલેશ અને તેમના સાથી મિત્ર ડૉ. અખિલેશ પોતાની લકઝરી મર્સીડીસ સી કલાસ કારમાં હોસ્પિટલના વી.આઈ.પી એક્ઝિટથી પસાર થઇ રહ્યાં હતાં.
ત્યાંના સિકયુટી ગાર્ડનો લંચ ટાઈમ હોવાથી તે બપોરે ધીરુભાઈ પેલા ગાર્ડની ડ્યૂટી કવર કરતા હતાં.
પાણી પર સરકતી બોટની જેમ મર્સીડીસ જેવી નજીક આવી કે તરત જ ધીરુભાઈએ સલામ કરી.
ડૉ. કમલેશના મોંઢા પર કોઈ હાવભાવ ન હતો. છતાંય તેમણે ધીરુભાઈની સલામીની નોંઘ લીધી.
આમ તો કોઈ ગાર્ડ સલામ ભરે એ મોટા સાહેબો માટે સામાન્ય વાત ગણાય પરંતુ ખખડી ગયેલ ધીરુભાઈના વ્યક્તિત્વમાં કોઈક નોંઘપાત્ર જ ઉજાસ હતો.
“ધીસ ગાર્ડ ઇઝ સો ડિસિપ્લિન્ડ, ઇઝન્ટ ઈટ, ડૉ. કમલેશ?” સામાન્ય વાત હોવા છતાં પણ ડૉ. અખિલેશથી રહેવાયું નહીં.
“આઈ ડૉન્ટ થિંક ઇટ્સ ડિસિપ્લિન. ઈટ મસ્ટ બી સમ ફેસ્ટીવલ સ્ટ્રેટેજી.”
“વ્હોટ ડુ યુ મિન.”
“દોસ્ત, દિવાળી નજીક છે એટલે આ લોકો…..” હજુ ડૉ. કમલેશ આગળ કંઈ જ પણ બોલે તે પહેલાં સિગ્નલ પર ઉભેલા રંગોળીના બીબાં વેંચતા ફેરિયાએ કાચ ખખડાવીને ડૉ. કમલેશને ખલેલ પહોંચાડી.
દિવાળીના દિવસો ચાલું થયું. ધનતેરસ, કાળી ચૌદસ……!!!
હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય બીજી બધી પ્રવૃતિઓમાં ઘસારો ઓછો જણાયો.
ધીરુભાઈએ એક પણ રજા ન હોતી લીધી.
એમણે તો ઘણીય દિવાળી જોઈ હતી અને ફટાકડા પણ ઘણાં ફોડ્યાં હતાં.
એ તો ખડે પગે પોતાની ડ્યૂટી પર હાજર જ હતાં.
થોડાં ઘણાં પૈસા મળે એટલે તેમણે દિવાળી પૂરતી રાતપાળીની ડ્યૂટી પણ સ્વિકારી હતી.
દિવાળીના ફટાકડાના લીધે વાતાવરણના ઓક્સિજનમાં ધુમાડાએ પગદંડો જમાવ્યો હતો.
તેવી જ દાદાગીરી ઘોંઘાટે કાન સાથે કરી હતી.
રાતના બારેક વાગ્યાં હશે.
હોસ્પિટલનાં મુખ્ય ગેટ પર એક રીક્ષા આવીને ઉભી રહી.
“અલા, મુકા આ હું થ્યું અનિલને..?” ધીરુભાઈનું બોખું મોઢું અનિલની હાલત જોઈને ધ્રુજવા જ લાગ્યું
રાતે જમ્યા પછી ધીરુભાઈના નવ વર્ષના પૌત્રએ લૂમ ફોડવાની જીદ કરી હતી.
ધીરુભાઈના છોકરા મુકાએ આળસ કરી.
પોતે જોડે જવાની જગ્યાએ મિત્રો સાથે અનિલને ચાલીમાં જ લૂમ ફોડવા જણાવ્યું.
પણ આ તો નવ વર્ષનું લવિંગ્યું કહેવાય.
લૂમ તો ફૂટતા ફૂટી ગઈ પણ સાથે સાથ અનિલની આંખ પણ દાઝી ગઈ.
ધીરુભાઈ તો દીકરાના દીકરા અનિલને આવી હાલતમાં જોઈને જેટલાં હતા તેનાથીયે અડધા થઇ ગયા.
જલ્દી જલ્દી અનિલને અંદર ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઇ ગયાં.
ધીરુભાઈ તો બધાંના લાડકા હતાં.
જોકે, વાતોનો વહેવાર તો એકે સાથે ન હતો.
પણ દરેક સ્ટાફ સાથે સ્માઈલથી અનેક મુંગા સંવાદ થયા હતાં.
“ધીરુભાઈ, અત્યારે ઑન-ડ્યૂટી ડૉ. કમલેશ સર છે!”
“આપણે એમને બોલાવ્યા છે!”
“તમે ચિંતા ન કરો!”
“તેઓ હમણાં જ આવી જશે!” વારાફરથી એક એક વાક્ય બોલીને બધા જ સ્ટાફે પોતપોતાની હાજરી પૂરાવી.
ડૉ. કમલેશ થોડીક જ ક્ષણોમાં આવી પહોંચ્યા.
રિસૅપ્શનમાં આવતાં દરેક મહેમાનનું સ્વાગત કરતા હોય તેમ ધીરુભાઈ ડિપાર્ટમેન્ટના દરવાજા પાસે હાથ જોડીને ઊભા હતાં.
ડૉ. કમલેશે અનિલની આંખની તપાસ કરી.
એની જરૂરી સારવાર કરી અને ધીરુભાઈના ખભાને જકડીને પકડતા જણાવ્યું કે “ચિંતા ના કરો. આંખ બચી ગઈ છે. ચાર દિવસ ડ્રેસિંગ કરાવશો એટલે સારું થઇ જશે.”
ડૉ. કમલેશ તો ટ્રીટમેન્ટ કરીને જતા રહ્યા.
અનિલને રજા પણ આપી દીધી.
ઘરે જતી વખતે ધીરુભાઈએ સ્ટાફને “કેટલા રૂપિયા થયા?” તેમ પૂછ્યું.
તેમણે રિસૅપ્શન તરફ આંગળી ચીંધી.
“ભાઈ, અમારે કેટલા રૂપિયા આપવાના?” પૌત્ર બચી જવાના કારણે ધીરુભાઈની આંખમાં દિવાળીના ફટાકડા જેવી ચમક હતી.
“ધીરુભાઈ..સરે પૈસા લેવાની ના પાડી છે. તમે તો અમારા સ્ટાફના જેવાં જ કહેવાઓ.”
“પણ…અરે…એવું તો…….” કૈક લાંબી રક્ઝક ચાલી.
દિવાળી ગઈ..ક્રિસ્ટ્મસ ગઈ..હોળી ગઈ અને નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું.
અકાઉન્ટન્ટ સાથે બેઠેલા ડૉ. કમલેશ અને ડૉ. અખિલેશ એફ.ઓ.સી (ફ્રી ઑફ ચાર્જ)નો હિસાબ કરતા હતાં.
ડૉ. કમલેશને અચાનક યાદ આવ્યું અને એમણે બધી જ એન્ટ્રી ચકાસી પરંતુ ધીરુભાઈની એન્ટ્રી એમાં ન હતી.
હોસ્પિટલના રિવાજ પ્રમાણે અનિલની મેડિકલ ફાઈલ તો બની જ હતી.
તેનો પેશન્ટ નંબર ચકાસતા ૬,૦૦૦/-ની સામે એફ.ઓ.સી (ફ્રી ઑફ ચાર્જ)ની જગ્યાએ ૬,૦૦૦/- કૅશ લખ્યું હતું.
ડૉ. કમલેશે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ધીરૂભાઇએ પૈસા આપવા માટે ખૂબ જ રક્ઝક કરી હતી.
રિસૅપ્શન સ્ટાફ દ્વારા તેમને જાણવા મળ્યું કે “તેમણે એક જ લત પકડી રાખી હતી સર, “કે અમને તો અમારો અનિલ સાજો થઇ ગયો એ જ માતાજીના આશીર્વાદ છે. અમે ફ્રીમાં ટ્રીટમેન્ટ ન કરાવી શકીએ.”
જાણતાની સાથે જ અકાઉન્ટન્ટ સાથે બેઠેલા ડૉ. અખિલેશે ટિપ્પણી કરી.” સાચ્ચે જ ધીરુભાઈ!!”
