ઘર એટલે ઘર…(22) દેવિકાબેન ધ્રુવ

વીતેલી સમયવીણા પર,

         સ્મરણનખલી ફરે છે ઘરમાં,
સુખી સૂરીલા સૂરો છેડે,
જાણે આરતી ઘરમંદિરમાં
હળવે ફરે છે ઘરના જૂનાં,
પાના હજી યે મનમાં તાજાં,
પ્રસંગો ખૂલે છે ખૂણે ખૂણે,
પ્રગટી રહે જેમ દીવે દીવા.
શૈશવ વીત્યું સંતાનોનું,
બાદાદાની શીળી  છાંયમાં,
ભણ્યાં ગણ્યાં ને પરણી માંડ્યાં,
ઘરમાં કુમકુમ પગલાં.
મોંઘામૂલા દિવસો એ કેવાં,
સ્વજન મિત્રોના નિકટ સાથમાં,
ટૂંકા નાના સીમિત આંચલમાં,
પોષાયાં સૌ પ્રેમમંદિરમાં,
ક્ષણકણ વીણી ઘરથી,
બાંધ્યા સૌએ નીજના માળા.
ભૂલાય કેમ હા સૌની વચમાં,
પરમ શિવ તો સતત ઘરમાં.
વીતેલી સમયવીણા પર,
સ્મરણનખલી ફરે છે ઘરમાં..

દેવિકાબેન ધ્રુવ 

લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે- દેવિકાબેન ધ્રુવ –મણકો -8

કવિતા
 
 લીલી વાડી  જુએ જે જન પછી તો મૃત્યુ ઉત્સવ છે.
ક્ષણે-ક્ષણમાં જીવે સાચું  જીવન  તેનું તો ઓચ્છવ છે.
અગર તન-મન ને ધન દિન રાત જેના હોય લીલાંછમ
નથી એ વાતમાં  બેમત  કે તેનું  મૃત્યુ  મોસમ છે.
હજારો એકલાં જીવોને શું વાડી કે શું વગડો,
ગમે ત્યારે મળી આવે જે, એ આનંદ-ઉત્સવ છે.
હો વાડી દ્રષ્ટિની પહોળી, વળી તો વાત જુદી છે.
વસંતોની  પછીની પાનખર  નિયતિનો ઉત્સવ છે.
અને પ્રારબ્ધની પતરાળીમાં, પુરુષાર્થનું ભોજન ,
જે પામે માનવી, જીવન મરણ તેનું  મહોત્સવ છે.
લીલી વાડી  જુએ જે જન પછી તો મૃત્યુ ઉત્સવ છે.
લીલી વાડી જુએ મનથી જરૂર તો મૃત્યુ ઉત્સવ છે.

દેવિકા

 Devika Dhruva.
http://devikadhruva.wordpress.com

અહેવાલ-

_DSC0051

(ડાબેથી- પદ્માકાન્ત શાહ ,કુન્તાબેન શાહ,નિહારિકા વ્યાસ,દર્શના નાટકરણી,વસુ શેઠ,હેમંત અને જયા ઉપાધ્યાય,કલ્પના રઘુ શાહ , દેવિકાબેન ધ્રુવ ,પ્રજ્ઞા દાદભાવાળા,રાજેશ શાહ ,મહેશ રાવલ)

“બે એરિયાની ગુજરાતી “બેઠક”માં સાહિત્યની પાઠશાળા નો કુંભ મુકાયો.”

તારીખ ૯મી એપ્રિલને બુધવારના રોજ ‘બે એરિયા’ના ઇન્ડિયન કોમ્યુનીટી સેન્ટરમાં એક વધારાની ખાસ બેઠક યોજવામાં આવી હતી. પરદેશમાં ગુજરાતી ભાષાથી વિમુખ થતી ગુજરાતી પ્રજાને હ્યુસ્ટનથી આવેલ દેવિકાબેન ધ્રુવે  અને બે એરિયાના મહેશભાઈ રાવલે ગુજરાતી ગીત, ગઝલ  વિશે સરળ માહિતી આપી.  સર્જકોને પ્રવૃત્ત કરવા માટે અચાનક બોલાવેલી આ બેઠકમાં ૩૫-૪૦થી વધારે લોકોએ હાજરી આપી,મહેમાનને વધાવી પોતાનો ઉત્સાહ બતાવ્યો.બેઠકની શરૂઆત હ્યુસ્ટનથી શ્રી વિજયભાઈ શાહના શુભેચ્છા સંદેશથી થઈ. તેમના પ્રોત્સાહજનક શબ્દો  પછી પ્રજ્ઞાબેન દાદભાવાળાએ બધાનું સ્વાગત કર્યુ. ત્યારબાદ તેમણે બે એરિયાના જાણીતા સાહિત્ય અને કલાપ્રેમી મીરાંબેન મહેતાની વિદાયની વાત કરી. તેમને શ્રધાંજલિ આપતા કહ્યું કે મીરાબેનની વિદાયથી સમાજને મોટી ખોટ પડી છે. સૌએ એક મિનિટનું મૌન પાળ્યું. તે પછી નિહારીકાબેન વ્યાસે સરસ્વતી વંદના રજુ કરી.
પ્રજ્ઞાબેને દેવિકાબેનને આવકારતા કહ્યું …

“નથી ઔપચારિકતા આ બેઠકમાં અમારી, બે ખુલ્લા હાથે મહેમાનને આવકાર ને સ્વીકાર છે,
અહીં વાંચન,સર્જન દ્વારા ભાષાનો આવિષ્કાર છે,એમાં આપનું આગમન બસ કલગી સમાન છે.

(photo-કલ્પના રઘુ શાહ ,દેવિકાબેન ધ્રુવ,પ્રજ્ઞા દાદભાવાળા,રાજેશ શાહ,મહેશભાઈ રાવલ )

_DSC0009

ત્યાર બાદ કલ્પનાબેને ખુબ સુંદર રીતે  પરિચય આપ્યો અને કહ્યું કે, નામ એવા ગુણોથી ઉજળા દેવિકાબેન ધ્રુ્વે ગઝલમાં તેમનો કસબ દેખાડ્યો છે. કલ્પનાબેને દેવિકાબેનને માઈક સોંપી તેમને રજૂઆત કરવા કહ્યું.

_DSC0013

(photo :કલ્પના રઘુ શાહ,દેવિકાબેન ધ્રુવ,પ્રજ્ઞા દાદભાવાળા,)

દેવિકાબેને બેઠકનો દોર સંભાળી લીધો. એક પછી એક ગઝલોની રજૂઆત અને  તેનો આસ્વાદ માણતા સર્જકો અને પ્રેક્ષકો ક્યારે પાઠશાળામાં દાખલ થયા, ખબર પણ  ન પડીઔપચારિકવ્યાકરણછંદ અને એની પરિભાષાની માયાજાળથી દૂર રહેતા સૌને સાદી સરળ ભાષામાં પ્રારંભિક સમજ દેવિકાબેને આપી. ફૂલોનો ગુચ્છો પડ્યો હોય તો કોને જોવો ન ગમે ? પરંતુ તેને ગુલાબ મોગરાની હારમાં  ગણતરીપૂર્વક ચોક્સાઈથી ગોઠવી મુકો તો વધુ સુંદર લાગે ને ! બસ ગઝલનું પણ આમ જ છે સંવેદનામાં સજ્જતા ભળે તો સર્જન સરસ થાય. ગઝલ લખવી હોય તો છંદ,રદીફ અને કાફિયા તો શીખવા જ પડે અને તે પછી તમારી પોતાની અભિવ્યક્તિની રીત, યોગ્ય શબ્દોની ગૂંથણી, લયનું માધુર્ય વગેરે તેમાં ઉમેરાય તો ગઝલ બને. સારી ગઝલોના વાંચનની સાથે સાથે અભ્યાસ,આયાસ અને રિયાઝ ખુબ જરૂરી છે. તેમણે એક વાત સર્જકોને ગળે ઉતારી હતી કે ગણિતનો વિષય અઘરો લાગે તો પાઠશાળા છોડવાની ન હોય.પ્રયત્નથી બધું જ શક્ય છે. તેમની ગઝલો સાંભળતા અને માણતા સર્જકોએ  સાહિત્યની પાઠશાળાની નીંવ નાંખી. 

(photo:મહેશભાઈ રાવલ)

 મહેશભાઈએ  પણ પોતાની રજૂઆત સાથે પ્રોત્સાહન અને મક્કમતા દર્શાવ્યા. હેમંતભાઈની રજૂઆત અને પ્રયત્ન સુંદર રહ્યો તો કલ્પનાબેનની રજુઆતમાં સંવેદના સ્પર્શી, મહેશભાઈએ હેમંતભાઈને પ્રોત્સાહન આપતા કહ્યું કે કલમને કેળવશો તો ખુબ સુંદર લખશો. દેવિકાબેને કહ્યું કે બધા જ સરસ લખો છો. બસ, પ્રયત્ન છોડશો નહિ. અંતમાં બધાનો આભાર માનતા પ્રજ્ઞાબેન દાદભાવાળાએ કહ્યં કે આજની બેઠક ખુબજ જ્ઞાનપૂર્ણ રહીભાષાને જાળવવાનો આપણો આ નમ્ર પ્રયત્ન છે …..મૂળ વિના કશું વિકસતું નથી…..તો   સોંપી દો ભાષાની સંદુક પેઢીને !  ….અનુભવને વહાવી દો……મહોરી ઉઠશે ભાષા નવા પુષ્પો થકી,….બસ એમની   અભિવ્યક્તિને  વધાવી લો..

 (photo:(સતીશભાઈ રાવલ,રમેશભાઈ પટેલ પ્રક્ષકો સાથે )  _DSC0023સમય આગળ વધી રહ્યો હતો ત્યારે બેઠકને સંકેલવા સિવાય છૂટકો જ નહતો. અંતે બધાનો આભાર માનવામાં આવ્યો. ખાસ તો સતીષભાઈનો આભાર કે સાન્ફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉનથી દેવિકાબેનને રાઈડ આપીને પોતાનો આટલો સમય ફાળવ્યા બદલ અને રઘુભાઈનો ફોટોગ્રાફી માટે આભાર માન્યો. છેલ્લે બિરિયાની સાથે રાયતું અને કુન્તાબેનની ચીપ્સ સાથે દર્શનાબેનની દ્રાક્ષ ખાતા સહુ પરાણે છુટા પડ્યાં…જતા જતા બધાના મનમાં એક જ વાત રમતી હતી કે ભાષાનો પ્રેમ જ આપણને આ બેઠકમાં ખેંચી લાવે છે…. બાકી ચાલુ દિવસે આ રીતે ત્વરિત ગોઠવેલી બેઠકમાં લોકો કેમ ખેંચાઈ આવે !   એક મક્કમ નિર્ધાર કર્યો કે આપણે પ્રયત્ન ચાલુ રાખીને કવિતા અને  ગઝલ જરૂર લખીશું..

”કદમ અસ્થિર હો તેને કદી રસ્તો જડતો નથી. મક્કમ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.”અસ્તુ.

link: મહેશભાઈ રાવલ (http://drmahesh.rawal.us)  link:http://devikadhruva.wordpress.com/

પ્રજ્ઞાજી :પ્રજ્ઞા દાદભવાળા

દેવિકાબેન ધ્રુવની ગઝલનો આસ્વાદ

​મિત્રો, દેવિકાબેન ની આ ગઝલનો આસ્વાદ માણો ​
 

હોવો જોઈએ…

 

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ.
‘પાણી પહેલાં પાળ’નો વિવેક હોવો જોઈએ.

ક્યાં કમી છે દોસ્ત થઈને આવનારાની અહીં
પાસ આવી બેસનારો નેક હોવો જોઈએ.

લો,જુઓ,આ કેટલો ખોટો ગણ્યો છે દાખલો!
એક ને એક, બે નહિ, પણ એક હોવો જોઈએ.

ઓછું ધન હો કે પછી ઘર નાનું હો તો ચાલશે.
પ્રેમ ને આદર તણો બસ ટેક હોવો જોઈએ.

થાય છે મનમાં કે પૃથ્વી ગોળ શાને થઈ હશે ?
કોઈને રોવાને ખૂણો  એક હોવો જોઈએ!

​દેવિકાબેનની આ ગઝલ નો આસ્વાદ માણતા કલમ કયારે ચાલવા માંડી તે ખબર જ ન રહી,અને આ જ તો સારા કવિની કલમની તાકાત છે ને!જેમ જેમ વાંચતી ગઈ તેમ તેની અનુભવી ,દોસ્તો દુનિયામાં ખુબ મળે છે પણ મિત્રતાને કારણો સાથે સંબંધ નથી,કૃષ્ણ સુદામાની જેવી મિત્રતા કવિત્રીએ એક વાક્યમાં સમજાવી દીધી છે “પાસ આવી બેસનારો નેક હોવો જોઈએ”આવડા મોટા પ્રભુ જેવા મિત્ર પાસે સુદામાને કયારેય અપેક્ષા ન હતી..મિત્રતામાં ભૌતિક્તાને સ્થાન નથી બાકી મધ હોય ત્યાં માખી કયાં નથી મણમણતી?…..ત્યાંથી આગળ વધતા કહે છે પ્રેમ કયાં નથી ? પરંતુ એની ગણતરીમાં ખોટો પડે છે માણસ !…….એકને એક બે કહી હું હું માં હંમેશા અલગ રહે છે ,……પરંતુ કવિ કહે છે કે એક ને એક, બે નહિ, પણ એક હોવો જોઈએ.આમ છંદમાં લખાયેલી આ ગઝલ અધિકારપૂર્વક પ્રેમમાં આપણાપણાનો અહેસાસ કરાવે છે. …લગ્ન પછી પણ પ્રેમ ની વ્યાખ્યા બદલાય છે જરૂર.. પણ દેખાડવાની રીત સાથે જોડતા કવિત્રી કહે છે,મોટા ઘરમાં પ્રેમ એકબંધ છે તેવું ન માનતા … ઘર સાથે પ્રેમની તુલના ન કરતા અહી આદરની વાત છે.”પ્રેમ ને આદર તણો બસ ટેક હોવો જોઈએ”ઘણા પ્રેમી લગ્ન પછી છુટા પડતા હોય છે પરંતુ પ્રેમની કદર કરી આબરૂ જાળવી રાખતા હોય છે, જે સાહજીક હોય છે.કાળજી,જવાબદારી,આદર,માન, પરસ્પર કંઇક કરી છુટવાની ભાવના અને એકબીજા ના “ઉત્કર્ષની” ઝંખના એ જ પ્રેમનો સંકેત છે.આદરની વાત છે….એક અંગત અનુભવના આધાર હેઠળ લખાયેલી આ રચના આપણા સૌના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે.
રોવા માટે કોને ખૂણો નથી જોતો ? ગોળ પૃથ્વી ભલે હોય પણ ટોળામાં ખોવાઈ ગયેલા માણસને અંતે તો રોવા માટે ખૂણો જ જોઈએ છે। ..અહી એક વાત ખુબ સચોટ રીતે કરી છે અને તે છે હૃદયના એક ખૂણા માં હંમેશા કોઈનું સ્થાન હોય જ છે જેના માટે મોટા ઘરની જરૂર નથી તેમ માણસ પોતાનું હૃદય ખોલીને રડવા માટે પણ એક ખૂણો બસ છે તો પછી આ વિવેક આપણે કેમ ભૂલી જઈએ છે ‘પાણી પહેલાં પાળ’નો વિવેક હોવો જોઈએ….તો કોઈનું દિલ પણ નહિ દુભાય એ રોવા માટે ખૂણા ની જરૂર પણ નહિ પડે। …પ્રેમ નામનો અઘરો શબ્દને સરળ બોલચાલની ભાષામાં વર્ણવી ગહન વાત આ કલમે છંદમાં આલેખી છે હવે હું વધારે કહું તે પહેલા તમારી જાતે જ કાલે બેઠકમાં આવી માણો તો વધારે આનંદ થશે.
દેવિકાબેન ધ્રુવ તારીખ 9 એપ્રિલ 2014ના કાલે icc માં સાંજે સાત વાગે આવવાના છે આપ સર્વે આવી માણજો. 
પ્રજ્ઞાજી :પ્રજ્ઞા દાદભવાળા

-- 

પ્રેમ એટલે..કે… સાતમી ઇન્દ્રીય…રઘુ શાહ

મિત્રો ,
 
અત્યાર સુધી આપ સર્વનો પરિચય માત્ર કલ્પનાબેન સાથે  થયો છે પરંતુ આ વખતે રઘુભાઈ એ કલમ ઉપાડી છે ,આપ સર્વે પ્રોત્સાહન આપશો તો આ કલમ હવે કેમેરાના બટન  સાથે રઘુભાઈ વિચારોને ઝડપી આપણી સમક્ષ મુકશે અને જરૂર મુકશે..રઘુભાઈ વ્યવસાયે Dr.  છે એમની આંખો ફોટા નહિ એક્ષરે ની પારખું છે  તો જોવો પ્રેમ માટે શું કહે છે …….
 

મિત્રો,

અત્યાર સુધી બધાએ પ્રેમ વિષે જે કહ્યુ છે તે આધ્યાત્મિક વ્યાખ્યા હતી. હું વિજ્ઞાનની રીતે મુલવવા માંગુ છું. વિજ્ઞાનની દ્રષ્ટિએ મનુષ્ય પાસે 5 ઇન્દ્રીયો એટલે કે senses હોય છે. પણ daily lifeમાં 6thsenseનો પ્રયોગ વારંવાર કરતા હોઇએ છીએ.

પ્રેમ એટલેકે Love એ મારા હિસાબે સાતમી ઇન્દ્રીય છે. પણ જ્યારે આ ઇન્દ્રીય સક્રીય થાય છે ત્યારે બાકીની બધીજ ઇન્દ્રીયો બહેર મારી જાય છે એટલેકે કામ કરતી બંધ થઇ જાય છે, આપણે સુધબુધ ખોઇ બેસીએ છીએ અને માણસને સાવ નકામો એટલે કે Non-sense બનાવી દે છે. આમ કહીએ તો પ્રેમમાં માણસની સમજણ ખોવાઇ જાય છે.

આભાર.

રઘુ શાહ

.

આ સાથે ખાસ જાણવાનું કે આપની આવતી બેઠકમાં દેવિકાબેન ધ્રુવ .http://devikadhruva.wordpress.com/.એક ખાસ મહેમાન તરીકે આવવાના હતા પરંતુ સંજોગોવત આવવાના નથી ,
પરંતુ સર્જક મિત્રો માટે  એક ખુશ ખબર છે કે….. 

મને જણાવતા આનંદ થાય છે કે દેવિકા બહેન વેબગુર્જરીમાં  http://webgurjari.in/ નિરક્ષક  અને સંકલનકાર તરીકે નિમાયા છે.આપણા સૌને માટે આ ગર્વની વાત છે આપણ ને એક નવું પ્રકાશન દ્વાર મળ્યું છે આપની અપ્રસિધ્ધ અને સારી કૃતિ તેમને મોકલશો જે કમિટીમાં મુકાશે અને સ્વિકૃતિ મળે આપને જાણ પણ કરાશે.

 
 
દેવિકા બહેન આપને હાર્દિક અભિનંદન…