નવા વર્ષની શુભકામના “બેઠક”ની શુભેચ્છા.-

નવલા વર્ષે   દરેક વાચક અને સર્જક વિજયશ્રી વરતે 

આજના દિવસે શુભ લાભના પગલે આપના ઘરમાં ઝળહળતી સુખ શાંતિ કુમકુમ પગલે  પ્રવશે અને આપનો પરિવાર, ઘર અને કલમ નવા વર્ષમાં શુભ ભાવના અને શુભ કામના થી ઝગમગે એવી

“બેઠક”ની શુભેચ્છા.

દિવડા પ્રગટાવજો

Happy Diwali

ઘરના આંગણે દિવડા પ્રગટાવજો પણ એના પ્રકાશનું કિરણ દિલમાં દીપાવજો.
ઘરના આંગણે રંગોળી સજાવજો પણ એ રંગબેરંગી ડિઝાઇન દિલમાં કોતરજો.
દિપાવલીમાં મેવા મિઠાઇ ચાખજો પણ એ મિઠાશ સમાજ ઘડતરમાં ફેલાવજો.
દિપાવલીમાં નવાં વસ્ત્રો ખરીદજો પણ કોઇ અનાથને વસ્ત્ર આપીને સજાવજો.
દિપાવલીમાં ધનપપૂજન કરજો ને એમાંથી સફાઇ,આરોગ્ય, વિદ્યામાં વાપરજો.
દિપાવલી ઉમંગથી મનાવજો પણ દેશ રક્ષા કાજે ઝઝુમતા જવાનો ના ભુલજો.
દિપાવલીમાં કાશ્મીરથી કન્યાકુમારી ને દિવથી દિબ્રુગઢ સુધી એકતા મનાવજો.

સ્વપ્ન જેસરવાકર

દિવાળી-ઇન્દુબેન શાહ

happy-diwali1

 

દિવાળી આવી, બનીને ઝગમગ દીવડા
અંધકાર મનના ધકેલી ઉજાળું જીવન સહુના
રોશની ફેલાવું ઘર ઘરમાં
પ્રગટાવી દીવા સહુના દિલમાં

ટમટમતા તારાઓ સૌ સાથ
વેરાયા પૃથવીપર આજ
ઉજાળવા પગદંડી ને પાથ
બારાત ઉતરી માણવા મહેફીલ

ફટાકડાની સાથે ફોડી દર્દના ફોલ્લા
બુરાઇ મનની બધી ધકેલી બહાર
વસાવું એવી દુનિયા
ન રહે કોઈ રાગ-દ્વેશ પીડા

મીઠાઇની મીઠાસ સદા દિલમાં વશે
પ્રતિજ્ઞા શુભ દિનમાં ઍવી લઈને
ભૂલી નાત જાત રંગ સીમા વાડા બધુએ
સહુના દિલ બહેલાવું મીઠા વર્તન વ્યવહારે

  દિવાળી આવી, બનીને ઝગમગ દીવડા

અંધકાર મનના ધકેલી ઉજાળું જીવન સહુના
રોશની ફેલાવું ઘર ઘરમાં
પ્રગટાવી દીવા સહુના દિલમાં

ટમટમતા તારાઓ સૌ સાથ
વેરાયા પૃથવીપર આજ
ઉજાળવા પગદંડી ને પાથ
બારાત ઉતરી માણવા મહેફીલ

ફટાકડાની સાથે ફોડી દર્દના ફોલ્લા
બુરાઇ મનની બધી ધકેલી બહાર
વસાવું એવી દુનિયા
ન રહે કોઈ રાગ-દ્વેશ પીડા

મીઠાઇની મીઠાસ સદા દિલમાં વશે
પ્રતિજ્ઞા શુભ દિનમાં ઍવી લઈને
ભૂલી નાત જાત રંગ સીમા વાડા બધુએ
સહુના દિલ બહેલાવું મીઠા વર્તન વ્યવહારે

ઇન્દુબેન શાહ

દિવાળી અને ચંદ્રમાની વ્યથા-જયવંતી પટેલ


આપ સર્વેને દિવાળીની શુભ કામનાઓ , સહિત અભિનંદન.  આ અવસર પર ખૂદ ચંદ્રમા શ્રી રામની સામે ફરિયાદ લઇ આવે છે – કે દિવાળીનો તહેવાર અમાસની રાત્રિએ જ મનાવાય છે અને એના કારણે ચંદ્રમા દિવાળી કોઈ દિવસ મનાવી નથી શકતા અને  તેથી ઉધ્યેગ પામે છે  અહી ચંદ્રમા ખૂદને ક્યે પ્રકારથી રામના દરેક કાર્ય સાથે જોડી ધ્યે છે અને પછી ફરિયાદ કરે છે.  શ્રી રામ પણ એની વાતમાં સહમતિ આપે છે અને એને વરદાન આપી ધ્યે છે ચાલો જોઈએ ચાંદ કેવી રીતે રામને રીઝવે છે અને રામ શું નિવેડો લાવે છે :-

જયારે ચાંદની ધીરજ ખૂટી ગઈ

ત્યારે એ રઘુનંદનથી રીસાઈ ગયા

અને એણે રામને કહયું ,

“રાત્રિને આલોકિત મેં કર્યું છે

સ્વયં શિવજીએ મને પોતાના શિર પર ધર્યા છે ”

તમે પણ મારો ઉપયોગ કર્યો છે

મારી ચાંદનીના પ્રકાશમાં તમોએ સિયાને નિહાળ્યા હતા

સીતાજીના રૂપને મેં નિખાર્યું હતું

ચાંદ કે તુલ્ય એમના મુખડાને મેં સજાવ્યું હતું

જ્યારે જ્યારે સીતાજીની યાદમાં
તમે ચૂપકે ચૂપકે રડતા હતા
ત્યારે તમારી સંગતમાં બસ
હું  જ જાગતો રહી તમારો સંગાથી બન્યો હતો

સંજીવની લાવીશ, લખનને બચાવીશ
હનુમાનજીએ તમોને ખૂબ આશ્વાશન આપ્યું હતું
પણ મારી ચાંદનીનો પ્રકાશ પાથરી
એ જટિલ રસ્તો મેં પ્રકાશિત કર્યો હતો
તમોએ હનુમાનજીને ગાઢ આલિંગન આપ્યું
પણ મારું તો નામ પણ ન લીધું !!

આગળ કહે છે :  રાવણના મૃત્યુથી હું પણ પ્રસન્ન હતો
તમારા વિજયથી મારું મન ખૂબ પ્રફુલ્લિત હતું
મેં પણ ઉપર ગગનમાંથી પૃથ્વી પર નજર કરી હતી
આકાશના તારાઓને નાજુક્તાથી ભર્યા હતા

દરેક માનવીએ તમારો વિજયોત્સવ મનાવ્યો
આખી અયોધ્યા નગરીને દુલ્હન જેવી શણગારી
અને આ અવસર ઉપર તમોએ સર્વેને આમંત્રણ આપ્યું
મને એ બતાવો રામ ! તો પછી મને કેમ ભૂલી ગયા ?
ક્યા કારણસર તમે તમારો વિજયોત્સવ
અમાવાસની રાત્રિએ મનાવ્યો ?!!

જો તમે તમારો ઉત્સવ બીજા કોઈપણ દિવસે મનાવત
તો અડધો અધૂરો પણ હું તેમાં શામિલ થયો હોત
અને આ માટે લોકો મને ચિઢવે છે અને સતાવે છે
આજે પણ લોકો દિવાળી અમાવાશ્યાને દિવસે જ મનાવે છે

ત્યારે ધીમે મુશ્કુરાયને રામે કહયું,” શા માટે આટલો ગભરાય છે?  શા માટે આવડો ઉદ્ધેગ કરે છે ? જીવનમાં જે કોઈ ત્રુટીઓ અપનાવે છે – જે કોઈ થોડું ગુમાવે છે તેજ તો પામે છે.  જા, આજથી તને લોક નહી સતાવે, આજથી સહુ તને માનથી નવાજશે.  જે મને રામ કહી બોલાવતા હતા તેઓ આજથી મને ” રામચંદ્ર ” કહી બોલાવશે.  આજથી તને મારાં નામ સાથે જોડી દઉં છું !!!  આ સાંભળી ચંદ્રમાના આનંદનો પાર ન રહયો।

                                     બોલો શ્રી રામચંદ્ર કી જય

જયવંતી પટેલ
                              

આસ્વાદ-દિલમાં દીવો કરો – રણછોડ

દિલમાં દીવો કરો રે, દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦.

દયા-દિવેલ, પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો ;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦.

સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે ;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦.

દીવો અભણે પ્રગટે એવો, તન ના ટાળે તિમિરનાં જેવો ;
એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦.

દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું ;
થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦.

 

આપણી ભાષાના મધ્યકાલીન કવિ રણછોડ ની એક સુંદર કવિતા જે વર્ષોથી ભજન સ્વરૂપે ગવાઈ છે તે શુભ દિવસે માણીએ આસ્વાદ મ માણ્યો તે આલેખ્યો છે

દિલમાં દીવો કરો રે દીવો કરો

એક સરખા નામ ધરાવતા કવિ રણછોડ અને ભક્ત કવિ રણછોડ  આ બે માંથી કોની છે તેની વિગત નથી પણ આજે આપણે આ રચનાનો આસ્વાદ માણશું.

સ્વરૂપ ભજનનું  છે  માટે ગાતા ગાતા ભીતર અજવાળું કરવાનું છે કવિ અહી દીવો ક્યાં કરવો અને દીવો પ્રગટાવવાનું ખરું સ્થાન ક્યાં છે તેનું સુંદર નિરૂપણ કર્યું છે.

આજના આ   મોર્ડન યુગમાં બધે મોટી લાઈટના પ્રકાશથી અજવાળું વર્તાય છે પરંતુ ભીતરમાં અંધારું કેમ ?એનો ઉકેલ અને જવાબ આ કવિતા માં છે.કવિતામાં સ્પર્શતી વસ્તુ એ છે કે કવિ ક્યાંય સલાહ કે બોધ આપતા નથી પોતાને જગાડતા આપણને જગાડે છે. નમ્ર વિનંતી કહી શકાય કારણ શબ્દોમાં પણ કવિની કરુણા વર્તાય છે.

ભીતરમાં દીવો પ્રગટાવો એટલે શું ?

તો તેના માર્ગ અને ઉકેલ દર્શાવતા કહે છે.

દયા અને કરુણા આણજે ,ક્રોધ અને અહમને ત્યાગ જે , સહજ થઇ ,સહજ દ્રષ્ટિથી વિશ્વને દરેક તત્વને માણજે જેમ દીવામાંથી દીપમાળા પ્રગટે છે તેમ પ્રગટાવજે અને અહી માત્ર દીપ પ્રગટવાની વાત નથી ભીતરમાં ભ્રમ અગ્નિ પેટાવવાની વાત છે.

જે અહમની ની અમ્બદીથી ઉતરી તુલસી ક્યારે દીવો પ્રગટો રાખવાની વાત પોતાની જાતને ટકોર કરતા સમજાવી છે ભીતરના દરવાજાની ચાવી દેખાડતા સ્વય ઉજાશ કરવાની વાત એક સીધા સદા ભજનમાં શીરાની ની જેમ ગળે ઉતારી દેતા કશું પામ્યા નો અહેસાસ કરાવે છે.

કવિ ટકોર પોતાને કરે છે જે ભક્તના લક્ષણો સૂચવે છે સાચો દીવો ત્યારે જ થાય છે જયારે સ્વય આત્માને ઓળખીએ છીએ, જીવમાંથી શિવ પ્રગટ નથી કરવો પડતો એતો પોતાની મેળે પ્રગટ થાય છે. જેમ દીવામાંથી દીપમાળા પ્રગટે તેમ અગ્નિનું પવાકમાં રૂપાંતર થતા બ્રહ્મ અગ્નિ પેટે છે જીવન કાળ દરમ્યાન કેટલાય દીવા આપણે વહેતા કર્યા છે પરંતુ અંધારું દુર થયું નથી તો આ સાદા સરળ ભક્તના ભજને દીધેલી ચાવીથી આજના આ શુભ દિવસે ભીતરના દરવાજા ખોલીએ.

ઉમાશંકર ભાઈએ એમ કહ્યું છે કવિ ની કવિતા નો આસ્વાદ જ કવિને જીવંત રાખે છે.

કવિ ની સરળ ભાષા ભીતરમાં ઉતરી જાય છે અને સંગીત સ્વરૂપે રેલાતા આત્માને જગાડે છે બાકી તો કવિએ કહ્યું તેમ તમારે જાતેજ આત્માને શોધવાનો છે ચાવી તારી પાસે જ છે.

કવિની વિગત અહી છે.

  રણછોડ (જન્મ ઇ.સ.૧૮૦૪)કેટલીક અત્યંત લોકપ્રિય ભજન રચનાઓ સરખા જ નામ ધરાવતા બે કવિઓને નામે ચડી જતી હોય છે. ‘દિલમાં દીવો કરો..’ એ રચના બે જુદા જુદા કવિ ભક્ત રણછોડના નામે નોંધાઈ છે. જેમાં એક છે ખેડા જિલ્લાના ખડાલ ગામના ખડાયતા વૈષ્ણવ કવિ. પિતા : નરસિંહદાસ મહેતા. તોરણા ગામમાં વસવાટ કરેલો. દર પૂનમે ડાકોર દર્શને જતા. એમના નામે હસ્તપ્રતોમાંથી ઇ.સ.૧૭૧૭ થી ઇ.સ.૧૭૩પમાં સજાયેલી કૃતિઓ મળે છે. જ્યારે બીજા કવિ રણછોડ ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના આગલોડ ગામેઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં પિતા અનુપમરામ જોશી અને માતા કુંવરબાઈને ત્યાં ઇ.સ. ૧૮૦૪ માં જન્મેલા. શિક્ષક હતા‚ ગુરુ રામચંદદાસ મહારાજ પાસે દીક્ષા લઈ ઇ.સ.૧૮રરમાં સંસારત્યાગ કરેલો. ભજન મંડળી સ્થાપી ગામેગામ ફરતા
(૯૪) રવિસાહેબ (ઇ.સ.૧૭ર૭-૧૮૦૪)

પ્રેમે આખું વર્ષ વીતાવીએ – ફૂલવતી શાહ –

મિત્રો નવા વર્ષની શુભેચ્છા માત્ર એક દિવસ માટે નથી હોતી પરંતુ સમગ્ર વર્ષ આપણને લાગુ પડે છે  આ વખતે દિવાળી અને નવા વર્ષની ઘણી શુભેચ્છા આપણને સૌને મળી ઘણી મેં મારા કોમ્પુટર ના કારણે શબ્દોના સર્જન પર મૂકી ન હતી  તો હું મુકું તેમ માણતા જજો 

પ્રેમે આખું વર્ષ વીતાવીએ  

 નુતન  વર્ષે  નવાં જ  થઇને  ,એકબીજાને આનંદે મળીયે,

 જુના રાગ દ્વેષ દૂર કરીને, હસી-ખુશી સૌને વહેંચતા રહીએ .

 અજ્ઞાનનો  અંધકાર  દુર કરીને જ્ઞાનની જ્યોત જલાવીએ  

નિરાશા ખંખેરી, સદગુણો અપનાવી,આશા-દીપ પ્રગટાવીએ

 સૌને કાજે સુખ,  સમૃધ્ધી, આરોગ્ય અને દીર્ઘાયુ  ઇચ્છી 

 નવા વર્ષે  નવાં જ  થઇ,  પ્રેમે આખું વર્ષ વીતાવીએ  .

    હાર્દિક શુભેચ્છા સહ …

    ફૂલવતી શાહ  

પ્રજવલ્લિત કરીએ.

cropped-diwali1.jpg

મિત્રો દિવાળીના આ શુભ દિવસે ચાલો આજે ઘરના દ્વાર ખોલી, શુભ લાભના પગલા સાથે આવકાર નો દીપ પ્રગટાવીએ..ચાલો આપણે પણ દરેક ના જીવનને પ્રજવલ્લિત કરીએ  પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે દિવાળી ના  દીવડા જેવુ આપનુ જીવન પ્રકાશિત રહે..દિવાળી ના રંગ, મધુરતા, ઉજાશ, ઉલ્લાસ અને નવા વર્ષના સપનાઓ ચાલો  આપણે સાથે ઝીલીએ…

શબ્દોની  ની આતશબાજી કરીએ…

આપ સર્વેએ અમારા નાનકડા દીવડામાં આપના સહકારથી દીપમાળા પ્રગટાવી છે..આખા વર્ષ દરમ્યાન સુંદર લખાણો  નો થાળ અને મધુર પ્રતિભાવોનો  અન્નકૂટ  આપે  પીરસી ને ભાષા ને જાગ્રત રાખી છે. ગુજરાતી સાહિત્યના અદભુત તારામંડળ “શબ્દોનુંસર્જન” બ્લોગમાં આપની  સમક્ષ રજુ કરતા મને પણ ખુબ આનંદ થયો છે  …  “શબ્દોનાસર્જન” પર અને “બેઠક” પર  આપનું હમેશા સ્વાગત છે.  આપ જ પરિવાર છો માટે આપ સર્વેને ખુબ ખુબ અઢળક વ્હાલભરી દીવડાની જ્યોતભરી ,ઘૂઘરા અને મઠીયામા  પ્રેમભરી,તનક્તારા,ચકરડીમાં  ચકમક ભરી , રંગોળીના રંગભરી, સ્વજનના સંગભરી શુભેચ્છાઅને ખુબ શુભેચ્છા ।..સૌ વ્હાલા સર્જક અને વાચક મિત્રો/શુભેચ્છકો, તમને અને તમારા પરિવારજનો ને હ્રધ્યથી  ખોબલે ખોબલે દિવાળીના આ શુભ પર્વની  શુભકામના।   

પ્રજ્ઞાજી-પ્રજ્ઞા દાદભાવાળા 

જાગો રે …-કલ્પના રઘુ-

મિત્રો,

નવું વર્ષ આવી રહ્યું છે. એની ઉજવણી માટે આપણે સૌ બેઠકમાં ભેગાં થયાં છીએ. આજે વિતેલા વર્ષની ક્ષિતિજે સરવૈયુ કાઢવા બેઠી તો લાગ્યું કે હું સૂતી જ રહી … વરસ વીતી ગયું. આપણે સૌ સૂતાં જ રહયાં અને હવે વાત છે નવાં વર્ષમાં જાગવાની … તો મારા આ ભાવને હુ આપની સમક્ષ મારી સ્વરચિત રચના દ્વારા ગાઇને વ્યક્ત કરવા માંગુ છું તો સાંભળો …

હું તો સૂતી રહી

હું તો સૂ … તી રહી, હું તો સૂ … તી રહી

હું તો ભરમના વમળમાં ડૂબતી રહી …

હું તો સૂ … તી રહી, હું તો સૂ … તી રહી

આશાને નિરાશા વચ્ચે,

સૂરજનાં કિરણોને શોધતી રહી.                હું તો સૂતી રહી(૨)

વાયુના ઝોંકે ઝૂલતી રહી,

ધૂપસળીની જે … મ સળગતી રહી.   હું તો સૂતી રહી(૨)

થીજેલા મહેરામણ વચ્ચે,

બરફની જેમ ઓગળતી રહી.          હું તો સૂતી રહી(૨)

મૃગજળ પાછળ દોટ મૂકીને,

સમયની સાથે સરકતી રહી.          હું તો સૂતી રહી(૨)

કોણ છે મારું? ક્યાં છે મારું?

મારું કરવા મથતી રહી.               હું તો સૂતી રહી(૨)

 

જાગો રે

જાગો રે … જાગો, જા .. ગો, જા .. ગો (૨)

પ્રભાતનાં દરવાજા ઉઘડ્યાં, કૂકડાએ છડી પોકારી.

સૂરજની સવારી આવી, ઉષાની લાલી પથરાઇ.       જાગો રે … જાગો, જા .. ગો, જા .. ગો (૨)

 

મંદિરમાં ઘંટારવ ગૂંજ્યો, ભક્તોની ભીડ જામી.

પક્ષીઓના કલરવ સાથે, સૃષ્ટિ સારી જાગી.          જાગો રે … જાગો, જા .. ગો, જા .. ગો (૨)

દિવાળી આવી,દિવડા લાવી, પ્રગટાવીએ દિપમાળા,

સાલ-મુબારક સૌને કહીએ, ઇશ્વરનાં ગુણ ગાઇએ.     જાગો રે … જાગો, જા .. ગો, જા .. ગો (૨)

કલ્પના રઘુ

દિવાળી પછી….! – રેણુકા દવે

[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.]

દિવાળી આવી ને જતી રહી
ને આ વખતેય એવો અહેસાસ કરાવતી ગઈ કે જ્યારે નાનાં હતાં ત્યારે
કેટલી મોટી લાગતી હતી…..
ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….!
તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી
ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે
પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી
એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’
આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી
આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે,
અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?
ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી
પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું – એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો
કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો
એના જર્જરિત થઈ ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો
માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?
આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી
એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર
એ રંગ કેવી રીતે ચડાવવો….?
બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં
માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની
પણ તોય કોઈ બેરિયર્સ નહીં….
દિવાળીની રાત્રે જાતે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો
ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો,
તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –
એ જ સમજાતું નથી.
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!

નવા વર્ષની હું કથા શું લખું ?-વિવેક મનહર ટેલર

નવા વર્ષ વિશે કોઈ નવી રચના નથી. એક જૂની છે એ મોકલું છું:

નવા વર્ષની હું કથા શું લખું ?

શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

જૂની ક્ષણના સ્થાને નવી સ્થાપવા પડી

કેટલી આપદા, શું લખું ?

અધૂરી જ રહેવાને જન્મી છે જે,

એ ઈચ્છા તણી અવદશા શું લખું ?

શું છે, રોશની ઝગમગાતી ? શું છે ?

નરી આંખના ઝાંઝવા, શું લખું ?

નવું વર્ષ સૌને મુબારક હશે –

આ ભ્રમણા છે, જાણું છતાં શું લખું ?

ફરી એ જ દિવસો, ફરી રાત એ જ,

ફરી જીવવાની વ્યથા શું લખું ?

વળી એ જ શબ્દો અને એ જ શ્વાસ,

નવું શું છે ? ગીતો નવાં શું લખું ?

-વિવેક મનહર ટેલર