જીવનમાં જે નથી કર્યું, એ કરવું … જરા હટકે … તે વરણાગીપણું સૂચવે છે. સમય, સંજોગો અને સગવડતા પ્રમાણે માણસમાં વરણાગીપણું આવવા માંડયું છે. આજકાલ ‘વરણાગીપણુ’ શબ્દ સર્વ વ્યાપી બનીને ધસમસતુ ઘોડાપુર બનીને વહી રહ્યો છે. આ ભાગદોડની ભીડમાં સૌ દોડતાં થઇ ગયા. ઘર, સડક કે સોસાયટીમાં વરણાગીનો સ્વાંગ સજીને બહેરૂપીયા નજરે પડતાં થઇ ગયા. આધુનિકતાનાં ધસમસતાં ઘોડાપુરમાં કંઇક લોકો ઘસડાયાં. જે વહેણની સાથે ના ધસડાયા તે ઠીંગરાઇ ગયાં. પથરાં બનીને પડી રહ્યાં. આ પથરાં કંઇકને નડયા. કેટલાયને ઠોકરો વાગી. જીવન વહેતી નદી છે. ગમે કે ના ગમે વહેવા માંડો. નહીં તો ઘોડાપુરમાં ડૂબી જશો. સાથે વહેનારાં સાથ છોડશે. અને માથેથી પાણી વહી જશે. તમારૂં નામોનિશાન નહીં રહે.
અમારા જમાનામાં … બોલનારને, જૂની ઘરેડને ફગાવીને, તેમાં ફેરફાર કરીને આગળ વધવું તેનું નામ આધુનિકતા એવું આજની પેઢી માને છે. ધાર્મિક ગ્રંથો, વેદ-પુરાણોને બદલવા આજની પેઢી જંગે ચઢી છે. લલચાવનારા આકર્ષણો અને અગણિત નીત નવી શોધોએ સમગ્ર જગત પર કાબુ જમાવ્યો છે. આ ક્ષણે છે તેનાથી કંઇક અલગ કરવાની હામ છે, જુસ્સો છે, જુવાળ છે આજની પેઢીમાં અને તેનુ દર્શન-પ્રદર્શન ચારે બાજુ જોવા, અનુભવવા મળે છે. ‘જુનુ એટલુ સોનુ’ આ વિચારવુ જૂનવાણી કહેવાય છે. બસ, મન મૂકીને આજમાં રાચો … અને આજમાં માણો … ઘરનો કામ કરનાર હોય કે માલિક, દરેક પોતાની રીતે વરણાગીપણુ સ્વીકારવા હરિફાઇમાં ઉતર્યા છે.
વરણાગી બનવા જરૂરીયાતો વધી છે અને તેના લીધે ખર્ચા વધ્યા છે. તેને પહોચી વળવા સ્ત્રીએ ઉંબરો ઓળંગવો પડયો છે. તેથી સમગ્ર સમાજ વ્યવસ્થામાં વરણાગીપણુ જોવા મળે છે અને તેનાં પરિણામો આજનો સમાજ ભોગવી રહ્યો છે તેની અસર આવનાર પેઢી પર જરૂર પડશે. અને તે જોવા, અનુભવવા અને સહન કરવા આજની પેઢીએ તૈયાર રહેવું પડશેજ.
જો વરણાગીપણુ તેની મર્યાદા સાથે સૌ અપનાવે તો સુંદર, આધુનિક સમાજ જોવા મળે. નવીનતા કોને ના ગમે? પરંતુ દરેક વસ્તુ તેની મર્યાદામાં જ શોભે તે સિધ્ધ થયેલુ છે. કોઇના વાદે આધુનિક બનવા જઇએ પરંતુ શારીરિક, માનસિક, આર્થિક કે સામાજીક રીતે આપણા માટે એ બંધ બેસતુ ના હોય તેના પરિણામો હાસ્યાસ્પદ, હાંસીપાત્ર અને આઘાતજનક આવે છે. પરંતુ આપણી ઉંમરને, મોભાને, કુટુંબને અને સમાજને અનુરૂપ વરણાગી બનવુ એ ખૂબ જરૂરી છે.
પશુ-પંખી, ફૂલ-છોડ અને કુદરતમાં પણ કંઇક નવીન ફેરફારો આપણી આંખને ટાઢક આપે છે, સાતા આપે છે, તો માનવની તો વાતજ શી કરવી? રોટી-કપડા-મકાન માનવ માટે જેટલાં જરૂરી છે તેટલોજ તેમા વરણાગીપણાનો સાથ હોવો અતિ આવશ્યક છે. જીવનના દરેક તબક્કે કંઇક નવું કરવું … શ્રીકૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે, ‘પરિવર્તન હી જીવનકા નિયમ હૈ … ‘ કૃષ્ણની નટખટ લીલાઓથી તો કૃષ્ણ શામળો હોવા છતાં રંગીલો હતો. આજકાલ મંદિરોમાં મૂર્તિઓની વેશભૂષામાં, અન્નકૂટમાં અને ધાર્મિક ઉજવણીઓમાં પણ વરણાગીપણાએ પ્રવેશ કર્યો છે. ઇશ્વરને પણ તે પ્રિય છે.
જયારે વિજ્ઞાન જેટગતિએ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે તેમા પણ વરણાગી બનવુ ખૂબ જરૂરી છે. અને તોજ નીત નવી શોધખોળો શક્ય બનશે. જેટલી શોધખોળો વધશે તેટલાં આધુનિક ઉપકરણો શોધાશે. અને તેને અપનાવીને આજનો માનવ વરણાગી બનશે. તોજ આ યુગમાં તાલ મીલાવીને આજની પેઢી સાથે રહી શકશે.
કુટુંબમાં પ્રસંગોમાં પણ વરણાગીપણુ જોવા મળશે તો તેની ઉજવણીમાં દરેકને આનંદ આવશે અને આ તો છે જીવન. બાકી તો શબવત્ જીવન વ્યક્તિને સ્થગિત કરી દે છે. દર મહિને ઘરમાં અંદરની ગોઠવણીમાં કે ઘર બહારની ફૂલછોડની ગોઠવણીમાં નવા ફેરફારો આંખને અને અતિથિને જોવા અવશ્ય ગમશે.
વરણાગીપણું એકધારા જીવનમાં નવા રંગો ભરે છે, નવો શ્વાસ ઉમેરે છે, તેનાથી આયુષ્ય વધે છે તેવો આભાસ થાય છે. જીવન સાથેના તાલમેલમાં સરળતા આવે છે. દરેક નવી સવારે વરણાગી બનવાથી સોનાનો સૂરજ ઉગતો હોય તેવું લાગે છે. અરે! ડોસા-ડોસી પણ વરણાગી બને અથવા વરણાગી બનવાનો ડૉળ કરે તો જાણે તેમની યુવાની પાછી આવી હોય તેવો ભાસ થાય છે. વૃધ્ધાવસ્થામાં વૈરાગીપણા કરતાં વરણાગીપણુ મારી દ્રષ્ટિએ વધુ આવકાર્ય છે. અને માટે મને આ તબક્કે ડોસા-ડોસીનું વરણાગી બનવાનુ ગીત લખવાનું મન થઇ આવ્યું છે. અને મારી દરેક ડોસા-ડોસીને વરણાગી બનવાની ભલામણ છે. વરણાગી ના બનાય તો વરણાગી બનવાનો ડૉળ તો કરવોજ રહ્યો …
વ્હાલ કરે છે, વ્હાલ કરે છે,
એક ડોસી ડોસાને વ્હાલ કરે છે,
વરણાગી બનવાનો ડોસી ડોળ કરે છે… વ્હાલ કરે છે…
મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,
આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,
ઘૂમટાને હટાવી જુઓ સાડી પહેરે છે,
સલવાર કમીઝમાં ડોસી શોપીંગ કરે છે… વ્હાલ કરે છે…
ડોસો પણ જુઓ કમાલ કરે છે,
સૅલફોન, ફેસબુક પર ચોંટી રહે છે.
ગાર્ડનમાં મોર્નિગ વૉક ને નાઇટમાં પાર્ટી,
ડોસો છે રંગલો, ડોસી છે રંગલી… વ્હાલ કરે છે…
આઇ લવ યુ બોલીને પ્રેમી પંખીડા,
હાય અને બાય કહેતા ફરે છે.
ડોસો પણ ડોસીને વ્હાલ કરે છે,
વરણાગી બનવાનો ડોસો ડોળ કરે છે… વ્હાલ કરે છે…
વ્હાલ કરે છે વ્હાલ કરે છે,
ડોસો ડોસી આપસમાં વ્હાલ કરે છે… વ્હાલ કરે છે…
આમ વરણાગીપણું જીવનમાં દરેક તબક્કે આવકાર્ય છે … જીવનને વહેતુ, ધબકતુ રાખવા માટે ‘થાવ થોડા વરણાગી’.
કલ્પના રઘુ