મારી આંખ ખુલી ત્યારે હું અને મારો દોસ્ત બંને એક રૂમમાં ટેબલ પર પડેલા એક પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બાની અંદર હતા. અને આજુ બાજુ પાંચ છ જણ અમને ઘેરીને બેઠા હતા. એટલામાં મારા દોસ્તની પણ આંખ ખુલી, આ જોઈને અમને ઘેરીને ઉભેલા લોકોમાંથી ૨-૩ લોકો ગભરાઈને એક કદમ પાછળ ગયા. એમાંના સૌથી મોટા વ્યક્તિએ કહ્યું, “કલોરોફોર્મ ક્યા છે? મુકેશ, તુ પકડીને લાવ્યો પછી બરાબર કલોરોફોર્મ સુન્ઘાડ્યું નથી લાગતું, હજુ તો અડધો કલાક પણ નથી થયો અને આ દેડકાઓ હોશમાં આવી ગયા છે.”
મેં અને મારા મિત્રએ કુદવાનો નિરર્થક પ્રયાસ કર્યો પણ અમે ડબ્બો ખોલી ન શક્યા. અમને પકડીને લાવ્યા પછી ઘેનની અસર હજુ પણ થોડી થોડી હતી, મારી આંખો ઘેરાઈ એટલામાં ત્યાં ઉભેલા લોકોમાં થી કોઈ બોલ્યું, “લાગે છે થોડી વાર માટે આંખો ઉઘડી હશે, કલોરોફોર્મની અસર પાછી આવી ગઈ છે હવે વાંધો નહિ આવે.”
મને સમજાઈ ગયું કે આંખો ખોલવામાં કોઈ ફાયદો નથી, આંખો બંધ રાખવામાં જ ભલાઈ છે, મેં મારા મિત્રને પણ કહી દીધું કે આંખો બંધ જ રાખ. અમે આંખો બંધ કરી ત્યારે આ પ્રમાણેના સંવાદો સંભળાયા:
” શશશ… અવાજ ન કરશો, એકાદ મિનીટ રાહ જુઓ”
“હવે નહિ ઉઠે એવું લાગે છે”
“મુકેશ, સ્કાલપેલ લાવ તો… જુઓ છોકરાઓ આવું કોઈ પણ બાયોલોજીના ટ્યુશનમાં તમને નહિ શીખવા મળે, અને સ્કૂલોમાં તો દેડકોના dissection પર પ્રતિબંધ જ આવી ગયો છે”
અને ડબ્બો ખુલ્યો…બીજું કંઈ જ વિચાર્યા વગર મેં નજીકમાં રહેલી બારીની ગ્રીલ ઉપર કુદકો માર્યો. મારી પાછળ પાછળ મારા મિત્રએ પણ કુદકો માર્યો પણ એ ગ્રીલ સુધી પહોંચ્યો નહિ અને મારા પગ પર આવીને લટકી પડ્યો. એમ પણ મારો હાથ લપસતો હતો અને ઉપરથી પગ પર મારા મિત્રનો ભાર આવવાને કારણે મારા બંને હાથ લપસી પડ્યા અને અમે બંને પેલા ડબ્બાની બાજુમાં નીચે પડ્યા. પહેલા પકડાયા ત્યારે જેવી ગંધ આવી હતી એવી જ ગંધ આવવા લાગી અને પછી…
મારી આંખ ખુલી ત્યારે હું અને મારો દોસ્ત બંને એક રૂમમાં ટેબલ પર પડેલા એક પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બાની અંદર હતા અને આજુ બાજુ પાંચ છ જણ અમને ઘેરીને બેઠા હતા.
સાક્ષર ઠક્કર