હજી મને યાદ છે -૯-એક માની આંતરડી ઠરી-તરુલતા મહેતા

નાના ભાઈ હરીશના લગ્ન મહાલી બસમાં અમે  સૌ હેમખેમ આણદથી ઘરે નડિયાદ આવી ગયાં,ઘણાં વર્ષે બધાં ભેગાં થઈ નિરાંતે હસીખુશી ગપ્પાં મારતાં હતાં.ત્યાં અચાનક બુમાબૂમથી અમે સૌ ચોકી ગયાં.

મારાં છોકરાં ક્યાં ગયાં ?’,કોઈએ જોયો મારા ભીખાને ?”મારી ગીતુ ક્યાં ગઈ?’ ચીસાચીસથી મોડી રાત્રે અમે સૌ દોડીને ઘરની બહાર બગીચામાં આવી ગયાં. સવિતા બાવરી બની ચારે બાજુ જોતી દોડીને સોસાયટીના રોડેથી રડતી ,કકળતી બૂમો પાડતી હતી.અમે સૌ અવાચક થઈ શું કરવું તેની મૂઝવણમાં પડી ગયા.ત્યાં બાપૂજીએ ઘાંટો પાડી કહ્યું,’જા,હરીશ સવિતાને બોલાવ, બધાં જાન્નેયા બસમાં આવ્યાં ત્યારે સવિતાના છોકરાંની ભાળ રાખી હતી કે નહી?’ બધાં બાપૂજીનો પ્રશ્ન સાંભળી નીચું જોઈ ગયાં.અમે મોટો ગુનો કર્યો હોવાનું અનુભવતાં હતાં. સવિતા એટલે બા -બાપૂજીની હાથલાકડી, ઘરના નાનામોટા કામ તે જ કરતી.અમે ચાર ભાઈ -બહેન અમેરિકા વસેલાં, અમારી ગેરહાજરીમા સવિતાના છોકરાંની દોડાદોડથી ઘરમાં વસ્તી લાગતી.બા -બાપુજીનું હેત જોઈ સવિતા કહેતી ,’ છોકરાંને  મન તમે હાંચાં દાદા-દાદી છો, ઘેર એનો બાપા લડે ત્યારે દાદા દાદા કહી દોડે છે.

બાપૂજી મારી તરફ જોઈ બોલ્યા,’તેં  મોટા ઉપાડે બઘી જવાબદારી લીધી હતી,તારી દીકરી અને ગીતુને મંડપમાં મેં રમતાં જોયાં હતાં,બધાયનાં છોકરાં બસમાં બેઠાં,સવિતાનાં છોકરાં કોઈને યાદ ન આવ્યાં?’ બા સવિતાને બરડે હાથ ફેરવતાં બોલ્યાં,’બઘાની બેગો -વસ્તુઓનું ધ્યાન રાખવામાં ખુદના છોકરાં ભૂલી ગઈ?’

બાપૂજીનો પિત્તો ઉછળ્યો,’ઘરના  માણસ સવિતા આ લાવ ,ને તે લાવ કરી બિચારીને અધમુઈ કરી દે છે.એનાં છોકરાનું જતન ક્યારે કરે?’

મેં હરીશના સાસરે ફોન જોડ્યો,રીંગો જતી હતી કોઈ ફોન ઉપાડતું નહોતું,ત્રીસેક વર્ષ પહેલાં દેશમાં મોબાઈલ ફોનનું ચલણ નહોતું,હું અકળાતી હતી,ફોનથી સમ્પર્ક થાય તો સવિતાના  છોકરાં વિષે જાણવા મળે. સવિતાનું રડવાનું ચાલુ જ હતું,’મારાં છોકરાંને કોઈ ભરમાવી ઉપાડી જશે તો મારો વર મને જીવતી નહિ છોડે,’

મેં તેને શાંત પાડતા કહ્યું ,’તારાં છોકરાંને ગમે તેમ કરીને લઈ આવીશું.

જાન્યુઆરીની  કાતિલ ઠંડીમાં મધરાત્રે રીક્ષામાં થરથરતા હરીશના સાસરે જવાનું હતું. નાના ગામમાં ટેક્ષીઓ મળવી મુશ્કેલ હતી.બાજુવાળા સુરેશભાઈ જાનમાં આવેલા તે જાગી ગયા હતા,એમણે કહ્યું મારા ટેમ્પામાં જઈએ,નડિયાદથી આણંદ અડધો કલાક થશે.હરીશ એમની સાથે જવા તેયાર થયો એટલે મારો વચલો ભાઈ કહે ‘,હું જઈશ.એને વહેલી સવારે ફ્લાઈટ પકડવાની હતી એટલે હું સ્વેટર લઈને ટેમ્પામાં બેઠી,દોડીને સવિતા આવી,જીદ કરીને મારી પાસે બેસી ગઈ. ટેમ્પાની એ અડધા કલાકની મુસાફરી દરમ્યાન સવિતા તેનાં સંતાન માટે હેયાફાટ રડતી અને તડપતી રહી.કામ કરીને રુક્ષ થઈ ગયેલા તેના હાથને ઝાલીને સાંત્વના આપતા મારું મન ડંખતું હતું,હું મા હતી માત્ર મારા સંતાનની ચિતા કરતી,લાડ કરતી અને ખુશ રહેતી હતી.

સવિતાની ગીતુ સાથે રમવાનું મારી અલ્પાને  ખૂબ ગમતું.અમેરિકામાં આવું રમનારું કોણ મળે?બાની ઘેર સવિતા કામકાજમાં મદદ કરતી,અને અલ્પુને કમ્પની મળી ગઈ એટલે બજારના કામકાજ મને છુટ્ટોદોર મળી ગયો હતો.અત્યારે સવિતાની મોઘી અનામતને જો આંચ આવશે તો મારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જવું પડે તેવી દશા થશે.એના છોકરાં એકલાં ગભરાઈને ક્યાંક જતાં રહેશે તો કેમ શોધીશું?વાડીમાં લગ્ન હતાં,પરવારીને બધા જતાં રહેશે. અમારાં છોકરાંનું ધ્યાન રાખ્યું ને ગીતુ અને ભીખુને ભૂલી,અરર..બા -બાપૂજી કદાચ  માફ  કરે પણ મારો અતરઆત્મા કેમ માફ કરશે?અલ્પુ મોટી થઈ પૂછશે કે ગીતુ ક્યાં ગઈ ?

સુરેશભાઈએ વાડી આગળ ટેમ્પો ઊભો રાખ્યો.વાડીમાંથી સામાન લાવી મજૂરો બહાર ખટારામાં મૂકતા હતા,સવિતા સીઘી વાડીમાં દોડી ને ,’ભીખુ ,ગીતુ ને બોલાવવા લાગી‘,બહાર આવીને મને વળગી પડી.કોઈ બોલતું નથી,હાય ,હું ક્યાં શોધીશ? ‘ સુરેશભાઈએ મજૂરોને પૂછ્યું આટલામાં બે નાનાં છોકરાં ફરતાં જોયાં છે?’મજૂરે કહ્યું ,’અંદર તપાસ કરો,અમે કામમાં છીએ.

વાડીમાં મોટાભાગની લાઈટો બંઘ હતી,સુરેશભાઈએ  ટેમ્પામાંથી બેટરી લાવી બધે જોવા માંડ્યું ,એક ખૂણામાં પાથરણા વાળીને મૂક્યા હતા.ત્યાં સવિતા બોલી ઉઠી ,ભીખુ ઉઠ તારી મા છું ,ગીતુ ..બિચારા  ઠંડીમાં ઠીગરાઈ ગયાં છે,બોલતા ય નથી ‘. મેં સુરેશભાઈને કહ્યું ,’તમે અડઘી રાત્રે મદદ કરી,છે તે એક માની આતરડી ઠારી,થેંક્યું વેરી મચ

મારા મનમાં હું સુરેશભાઈનો એમ પાડ માનતી હતી કે આજે તેમને કારણે એક મોટા અપરાધમાંથી બચી ગઈ.હા એવો અપરાધ કે  મારા જેવી સ્વાર્થી માને  બીજી મા જેણે પોતાના સંતાનો ખોયાં છે તે કદી માફ ન કરે.મારી પાસે બેઠેલી સવિતાના ખોળામાં બેસવા ચડસાચસડી કરતાં એનાં છોકરાં જોઈ અત્યાર સુધી બાંધી રાખેલી મારી  લાગણી પ્રવાહી બની વહેવા લાગી. સવિતા એની બહેન હોય તેમ એના ખોળામાં  ગીતુને બેસાડી બોલી, ‘લો,આ બે જણા સાજાસમાં મલ્યા,હવે શેના ઢીલાં થાવ છો.ઈ તો કાલે માતાજીને હુખડી ધરીશ પછી સૌ સારાવાના.

સવિતાનની દીકરી મારી છાતી પર માથું ઢાળી નિદ્રામાં ઝૂલતી હતી,એના વાળમાં ફરતી મારી આંગળીઓ અલ્પુના વાળમાં ફરતી હતી.  અલ્પુની માબનવા લાયક થઈ હોય તેવો ભાવ થયો,

તરુલતા મહેતા

ઝૂરતું ઘર -તરુલતાબેન મહેતા

 

મિત્રો ,

ઘરના વિવિઘ ચહેરા ,નીતનવીન સ્વરૂપો મને મોહ પમાડે છે.તેથી જ લાંબા સમય સુઘી એક જ ઘરમાં રહેવા છતાં સ્વીટ હોમ કહીએ છીએ.ઘરમાંથી એક પછી એક સ્વજન કામ ઘન્ઘે કે બીજા નિમિત્તે જાય છે,ઘરની યાદો કદી છૂટતી નથી ,ઘરથી  સ્વજન દૂર ગયો એમ ભલે હોય પણ ઘર અચલ ,શાંત રાહ જોયા કરે છે. ઘર ઝૂર્યા કરે છે.જે  ઘરમાં પા પા પગલી ભરી,પાવ રે પાવ કર્યું,સંતાકુકડી રમ્યા,ભાઈની પાછળ દોદોડાદોડી કરી ,બા નો પાલવ ખેચી જીદ કરી તે ઘર સ્વજન બની ગયુ.આવા ઘરની માયા કેમ છૂટે ?અને ઘર પણ એની માયાની અદશ્ય દોરીથી અતિ વહાલા સ્વજનને બાંધી રાખે છે. એવા એક  ‘ઝૂરતા ઘરની વાર્તા રજૂ કરું છુ.

એક ઝૂરતું ઘર‘  તરુલતા મહેતા

વલસાડના સ્ટેશનથી ઊતરી સીઘા રોડ પર ચાલતા જાવ કે વાહનમાં જાવ તમને સીલબંઘ દરવાજાની પાછળ એક હવેલી જેવું પીળા રંગનું બે માળનું ઘર દેખાશે ,એ ઘરની લાલ ફ્રેમની બારી અને બારણા પરની ઘૂળ ,કરોળિયાના જાળા અને કબૂતરની અઘારથી તમને સૂગ આવશે,બીજા માળના ખૂલ્લા વરંડામાં તૂટેલી હાલતમાં હીંચકો ખેતરના ચાડિયા જેવોપવનમાં હાલ્યા કરતો જોઈ તમને દુઃખ થશે,એવું બને કે ઘરના વરંડામાં હીંચકો ઝૂલાવવાનું તમારું સપનું હજી પૂરું થયું નહોતું। બાપની મિલકત માની રીતસર  હૂપ હૂપ કરતાવાંદરા  જોઈ તમને ભગાડવાનું મન થઈ જશે.તમે  ચાલતા હો તો ઘરના કમ્પાઉડના

ખૂણે બીડી ફૂકતા ચોકીદારને બોલાવવાનો વિચાર કરતા ઊભા રહો ,કદાચ   માથું ખંજવાળી રહ્યા છો ત્યાં એક ખાનદાન સન્નારી દરવાજે ઊભી રહે છે.જાણે એનું જ ઘર છે,પણ લાંબા સમય પછી આવી હશે  તેથી વિમાસણમાં પડેલી દેખાય છે.તમે ગામમાં નવા એટલે સીઘા રોડથી આગળ નીકળી ગયા.તમે અનુમાન કર્યું હશે કે પેલી સન્નારી ઘરમાં ગઈ હશે.પણ જો તમારું અનુમાન સાચું હોત તો આ વાર્તા ન લખાત। એ ઘર ભાઈઓના ઝઘડામાં આ જ હાલતમાં ઘણા સમયથી દેખાય છે,કેટલાં વર્ષો ઘરની હાલત માલિક વગરની રહેશે કોઈ જાણતું નથી.માલિકણ દરવાજે રાહ જોયા જ કરે છે,શું તેણે પ્રતીક્ષાવ્રત લીધુ હશે?

રોડ પરની દુકાનમાં આવેલો ઘરાક અને વેપારી વાત કરતા હતા.ઘરાક આ બાઈ ત્યાં ઊભી રહી શું કરે છે? એની ચાવી ખોવાઈ ગઈ છે?’

વેપારી કહે ,’ચાવી હોય તો ગુમ થાય ને! જવા દો ને વાત રોજની રામાયણ છે.આખી બપોર દરવાજેથી બૂમો પાડયા કરશે।કોઈ ખોલો દરવાજો ખોલો ,મારે બારીઓ ,બારણાઓ ચોખ્ખા કરવા છે,કચરો વાળવો છે,અરે ,સાંભળે છે કે પેલા વાંદરાને તો કાઢો.

ઘરાક પૂછે છે,’ચોકીદાર દરવાજો કેમ ખોલતો નથી?’

વેપારી કહે છે,’તે ક્યાંથી ખોલે?પાંચ વર્ષ પહેલાં જુદી વાત હતી,એનું ઘર હતું।એના કુટુંબ સાથે મઝેથી રહેતી હતી.હવે કોર્ટનું સીલ વાગી ગયું છે.કેસનો નિકાલ ન આવેત્યાં સુધી કોઇથી અંદર દાખલ થવાય નહિ , ત્યાં સુઘી ઘર ખંડેર પડી રહેવાનું.

હવેલીની સામેની ફર્નિચરની દુકાન વેપારી સોમચંદની છે.એ ત્રીસ વર્ષોથી ઘન્ઘો કરે છે.સ્ટેશનરોડ એટલે પરગામના અને ગામના ઘરાકો ફર્નીચર ખરીદવા આવ્યા કરે. સોમચંદ દુકાનની બહાર આવી ભાવથી  બોલ્યા ,’સરલાબેન ,તાપ છે,દુકાનમાં આવો।આમ ને આમ સાંજ સુધી થાકી જશો. આપણે

તો પાડોશી ,તમે ઘરમાં રહેતાં હતાં ત્યારે ઠંડું પાણી મારી દુકાને મોકલતા ,મોહનભાઈ હતા ત્યારે રોજ દુકાને આવતા.

સરલાબેને  સાડલાની ધૂળ ઉડાડી ,ચંપલ બહાર કાઢી દુકાનમાં આવ્યાં ,બોલ્યાં ભાઈ ,મને ગંદકી ના ગમે.

સોમચંદ બોલ્યા ,’દુકાનમાં બધાં જૂતા સાથે આવે છે,હવે બઘા મોર્ડન થઈ ગયાં ,જૂતા વગર એમને ન ચાલે।

સોમચંદે બે ચાનો ઓર્ડર આપ્યો,પછી બોલ્યા ,’સાભળ્યું કે તમે મોટી દીકરીને ત્યાં અમેરિકા જવાના છો,આ ઘરના કકળાટમાંથી

છુટો ,’દેખવું ય નહિ ને દાઝવું ય નહિ

સરલા પાલવથી આંખો લુછતા બોલી ,’ભાઈ ,આ ઘર ગયું ત્યારની કાયમની દાઝી ગઈ છું ,નથી ખાવાનું મન થતું કે રાત્રે ઊઘ આવતી ,પથારીમાં જેવું ઓશિકા પર માથું મુકું એટલે હવેલીના બારી -બારણા ખૂલી જાય અને ને હવામાં એવાં ભટકાય કે સફાળી ઊભી થઈ જાઉં ,વલસાડ આખામાં તિથલના  દરિયાના પાણી કંઈ ઊમટે કે જોવાય નહિ ,તેમાં હવેલીના ખૂલ્લા બારણેથી હુડ હુડ કરતા ઘૂસી જતાં પાણી કાળોકેર વર્તાવે

સોમચદે ચાનો  કપ સરલાને આપ્યો,બોલ્યા ,’સરલાબેન મન મજબૂત રાખો ,આ બઘી તમને ભ્રમણા થાય છે.કેસનો ચૂકાદો આવી જશે. બહેન હવે આપણે પાકું પાન કહેવાઈએ ,મેં દીકરાને ઘણું સોંપી દીઘું છે,તમેય ઘરની માયા છોડી દો ,આ હવેલી ભંગાર થઈ ગઈ રહેવા લાયક રહી નથી.

સરલા બોલી ,’આ તમારી પાસે હેયાવરાળ કાઢી ,બાકી મારા બળાપાથી છોકરો વહુ કંટાળી ગયાં છે.ચાલીશ વર્ષો જે ઘરમાં સાફસૂફી કરી ,રસોઈપાણી કર્યા ,સઉને જમાડ્યાં,દીકરાને પરણાવ્યો તે બધું કેમ વિસારું ?છેવટે તમારા ભૈબંઘના છેલ્લા શ્વાસ—હજી હવેલીમાં ઘૂમરાતા હશે! એક વાર હવેલીમાં જઈ એમની બેસવાની આરામખુરશી અને માળા લઈ આવું તો મને ચેન પડે.

સરલાની વાત સાંભળી સોમચદ પણ ખિન્ન થયા ,તેમણે સહાનુભુતિથી કહ્યું ,’હા ,એ આરામખુરશી મોહનભાઈ હોંશથી મારી દુકાનેથી જ લઈ ગયા હતા ,ભોળા દિલના અને હસમુખા હતા.

સરલા યાદ કરી બોલી હું નવી સાસરે આવેલી ત્યારે હવેલી જોઇને છક થઈ ગઈ હતી ,પછીના વર્ષે પારણું તમારે ત્યાંથી લઈ ગયેલાં ,’

તમને બધું યાદ છે.સોમચંદ બોલ્યા

સરલા હવેલી તરફ જોઈ રહી છે,કોઈ એના કાનમાં ઝીણીઝીણી વાત કરતું હતું,તેને થયું આ ઘર વણપૂજ્યા માતાજીના મંદિર જેવું છે,સાફસૂફી માટે રાહ જોતું હશે,તુલસીનો છોડ પાણી વગર સૂકાય છે,કીડી ,મકોડા ઘરને ચટકા ભરતા હશે,ઉઘયથી કોરાતું હશે.

 તે  ખાલી ખાલી ,દીવા બત્તી વગરનું અંઘારામાં  કેવું હીજરાતું હશે.મારી  યાદો કાંટા જેવી
તેને  વાગતી હશે!મને તો  સૂનું સૂનું ઘર ડૂસકા ભરતું સભળાય છે‘. સરલા સોમચંદની દુકાનમાંથી જાણે ઓગળી ગઈ ,સોમચંદ આંખો ચોળતા દુકાનને ઓટલે આવી ગયા ,હવેલીના બારણાં

ખૂલ્લાં   હતાં ,લાઈટો થયેલી હતી ,સરલા બીજા માળના વરંડામાં હિચકે ઝૂલતી હતી.સોમચંદ દુકાનને તાળું વાસી સીઘા રોડ ઉપર જતા જતા  સરલાનો વિચાર કરતા હતા ,’સરલા  હવેલીમાં ક્યાંથી જતી રહી!

તરુલતા મહેતા 10મી ઓગસ્ટ 2015

કોઈ પણ કારણ વગર જવાય તેવું એક ઘર મળે ‘ઝૂરતું ઘર 

તરુલતાબેન મહેતા

સૌ વિજેતા સર્જકોને અભિનંદન

પ્રિય પ્રજ્ઞાબેન .

તરુલતા મહેતા ‘વાર્તા સ્પર્ધાનું પરિણામ 

‘શબ્દોનું સર્જન’ના સૌ સર્જકમિત્રો તથા વાચકમિત્રો આપ સૌ ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર વિષયને કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તાઓના પરિણામને જાણવા આતુર હશો .વાર્તાસ્પર્ધાની  બ્લોગ પર જાહેરાત કર્યા પછી મને પણ ઘણી ઉત્સુકતા હતી કે કેટલી વાર્તાઓ આવશે ,કેવી લખાઈ હશે ? કુલ 24 વાર્તાઓ સ્પર્ધામાં સ્થાન પામી છે.બધા જ વાર્તાકારોને મારા અભિનન્દન છે .સૌએ  મૌલિકપણે વાર્તા લખી છે.દરેક વાર્તામાં કંઈક નવા વિચારો ,નવી રજૂઆત ,ભાષા અને પાત્રોની વિવિધતા છે.વાર્તા નિમિત્તે સ્વ નિરીક્ષણ કરવાની તક મળી.ટેક્નોલોજીનો ઉપયોગ આજના આપણા જીવનનું મહત્વનું પાસું છે,આજની સમાજવ્યવસ્થા ટેક્નોલોજી પર આધારિત છે .એક જમાનામાં સમાજમાં કુટુંબો વચ્ચે વાટકીવ્યવહાર અને પત્રવ્યવહાર હતા આજે સેલફોનના મેસેજ અને ઈમેઈલ કે ફેસબુકના પોસ્ટીગ કે વ્હોટસ અપ વિના કોઈને ચાલતું નથી.આ વિષય ઉપર સરસ વાર્તાઓ મળી છે.કોને પસંદ કરવી એ મારા માટે કપરી કસોટી હતી.સ્પર્ધાનું  પ્રયોજન સર્જકોને લખવા માટે પ્રોત્સાહન આપવું અને વાચકોને રસપ્રદ વાચન પીરસવું. બેઠકના સૌ મિત્રો વાર્તાઓ વાંચવાની મઝા માણે તેમ આશા રાખું છું .

તરુલતા મહેતા વાર્તાસ્પર્ધાના ઈનામોની જાહેરાત .

પ્રથમ ઇનામ:   (1)  વૈશાલી  રાડિયા  વાર્તા  ‘હે  ય માય સન વૉટ્સ ? ‘ 

                       (2)  સપના વિજાપુરા  વાર્તા ‘વંદેમાતરમ  ‘

દ્વિતીય ઇનામ :   (1)  આરતી રાજપોપટ  વાર્તા  ‘ મ્યુચ્યલ ફ્રેન્ડસ ‘

                         (2) ઈલા કાપડિયા  વાર્તા  ‘જીવનસન્ઘ્યાનું  ડિજિટલાઝેશન ‘

તૃતીય ઇનામ ;   (1) કુન્તા શાહ વાર્તા ‘મિલન ‘

                        (2) રાજેશ શાહ  વાર્તા ‘લય કે પ્રલય ‘

પ્રોત્સાહક  ઇનામો : (1) દર્શનાબેન નાડકર્ણી વાર્તા ‘ ટેકનોલોજી સમયસકર કે સમયસેવર’

                            (2) જયવંતીબેન પટેલ વાર્તા ‘સમય  સાંકળ ‘

સૌ વિજેતા સર્જકોને અભિનન્દન. ગુજરાતીમાં લખી ,વાંચી,બોલી આપણી માતુભાષાનું ગૌરવ અને સંવર્ધન કરતા રહીએ તેવી શુભેચ્છા.

તરુલતા મહેતા 23મી સપ્ટેમ્બર 2017.

 

 

સૌ વિજેતા સર્જકોને અભિનન્દન. ગુજરાતીમાં લખી ,વાંચી,બોલી આપણી માતુભાષાનું ગૌરવ અને સંવર્ધન કરતા રહીએ તેવી શુભેચ્છા.

આ સ્પર્ધા લખવા માટે પ્રોત્સાહન મળે ,ગુજરાતીમાં સર્જકો લખે અને વાચકોને નવું વાચન મળે તે પ્રયોજનથી રાખી છે.વાર્તામાં કથાબીજના  વિકાસમાં પાત્ર ,વાતાવરણ,ભાષા ,સંવાદો તેને અનુરૂપ સર્જાય તો જ રસ કે ભાવનું  નિરુપણ થાય અને ભાવક આનન્દ સમાધિમાં લીન થાય.એ બે ઘડી બધું ભૂલી સર્જકે ખડા કરેલા વિશ્વને માણે છે .વાર્તા કરુણ ,હાસ્યં ,પ્રેમ ગમે તેનું આલેખન કરે વાચક રસમાં તરબોળ થાય ત્યારે વાર્તાનું સર્જનકાર્ય લેખે લાગે.સર્જકના કાર્યને સમજવા માટે વાચક પોતાના ,વિચારો,માન્યતા,પૂર્વગ્રહોને વીસરી જઈ કૃતિ વાંચે તેવી અપેક્ષા રહે છે.મેં એ રીતે સ્પર્ધાની વાર્તાઓ વાંચી ને મૂલવણી કરી છે.

પ્રથમ સ્થાને આવેલી વૈશાલી રાડીયાની વાર્તા ‘હે ય માય સન ..’માં પેસાદાર પિતાનો યુવાન પુત્ર ટેક્નોલોજીની બૂરી સાઈડનો શિકાર બન્યો હતો.આવા સન્જોગોમાં મોડી રાત્રે ઘરમાં દાખલ થયેલો પુત્ર અને ચિંતાતુર પિતા વચ્ચે મૌનની અડીખમ દિવાલ છે.તેમનાં પગલાં અલગ દિશામાં જાય છે.લેખિકાએ જીવંત નિરૂપણ કરી વાર્તાનો પ્રસંગ શરૂ કર્યો છે.એ જ રીતે કયી પરિસ્થિતિમાં યુવાનનું હદય પરિવર્તન થયું  તેનું  આલેખન વાચકને  જકડી રાખે તેવું છે.સુખદ અંત યોગ્ય છે.પોઝિટિવ સન્દેશ વાર્તામાં વણાઈને મળે છે.સન્દેશ આપવાની કે શોધવાની ચિંતા કરવી નહિ .

પ્રથમ સ્થાને આવેલી સપના વિજાપુરની ‘વન્દેમાતરમ ‘વાર્તામાં ભારતમાં સરહદ પર રહેતી મુસ્લીમ યુવતી મોબાઈલના ઉપયોગ દ્વારા આતંકવાદી સગાને હિંમતપૂર્વક પોલીસને હવાલે કરે છે.વાર્તાનું ગરીબ કુટુંબનું વાસ્તવિક આલેખન સ્પર્શી જાય છે.સરળ ભાષામાં સહજ રીતે પાત્રને જીવંત કર્યું છે.સપનાબેન નિખાલસતાથી એમના સમાજની વાત લખે છે.હવે શું થશે? તેવી તાલાવેલી વાચકને થાય છે.વન્દેમાતરમ દેશના ગૌરવને 

સલામ કરતો સન્દેશ સુખદ છે.

બીજા સ્થાને આવેલી આરતી રાજપોપટની વાર્તા ફેસબુકની મૈત્રી ક્યારેક કેવી પોકળ હોય છે અને નાલાયક મિત્રને કેમ પાઠ ભણાવવો તેનું જીવંત  નિરૂપણ આધુનિક કપલને કેન્દ્રમાં રાખી સરસ કર્યું છે.

ઇલાબેન કાપડિયાની વાર્તા સિનયર સીટીઝન ટેક્નોલોજીના સદુપયોગથી પોતાના જીવનને સરળ બનાવી શકે તેનું આલેખન રસપ્રદ પસંદ દ્રવારા કરેછે.

સર્જકે પોતાની વાર્તાના પાત્રોને જીવંત કરવાના હોય છે.

આ સ્પર્ધામાં અનુભવી અને જાણીતા લેખકોએ તેમની વાર્તા મોકલી છે તે આનંદની વાત છે.તેમની વાર્તાઓ સરસ છે,તેમને મારી માનપૂર્વકની સલામનું ઇનામ છે.પ્રજ્ઞાબેન,પ્રવિણાબેન ,રશ્મિબેન તથા આદરણીય વિજયભાઈ આપ સૌ વાચકોને તમારી વાર્તાઓ દ્વારા  સમૃદ્ધ કરતા રહેશો.

જેમણે વાર્તાઓ લખી છે,તેઓ પોતે જ વાચનથી પોતાની ત્રુટિને સમજી શકશે.વાર્તાની ચર્ચા કરવા માટે મારો સંપર્ક કરી શકો છો.આપણે સૌ વાચન અને લેખનથી માતૃભાષાનું ઋણ ચૂકવીએ તેવી અભ્યર્થના.

તરુલતા મહેતા 4થી ઓક્ટોબર 2017.

જીવનની સફરમાં -શું આપને યાદ છે? -તરુલતાબેન મહેતા

શું આપને યાદ છે?

   બે વર્ષ પૂરવે હું સુરતમાં અઠવા લાઈન્સના  રોડ ક્રોસીગના સિગ્નલ પાસે ટ્રાફિક રોકાય ને રોડ ક્રોસ કરું તેની રાહ જોતી હતી.ટ્રાફિકના જંગલ વચ્ચે અટવાયેલી સાવ નિ :સહાય બાળકી જેવી ઊભી હતી.એક સેકન્ડ માટે વાહનોનોની રફતાર અટકતી નથી,લોકો જાનને મૂઠીમાં રાખી રોડ ક્રોસ કરી લેતા  હતા,મારી જિગર ચાલતી નથી.એટલામાં એક પોલીસે કડકાઈથી વાહનોને રોકી મારી સાથે બીજા ઘણાને રોડ ક્રોસ કરાવ્યો,હું રોડની બીજી તરફ જઈ રહી હતી ત્યાં એણે સંભાળપૂર્વક   મારો હાથ ઝાલી પ્રેમથી બોલ્યો ‘સાચવજો તરુબેન ‘ મેં આશ્ચર્યથી જોયું તો એની આંખોમાં આત્મીયતા હતી.અમારી જૂની ઓળખાણ હોય તેમ પૂછ્યું ,

‘શું આપને યાદ છે  ? મેડમ ‘.હું જયારે સુરતની કામરેજ ચાર રસ્તા પર આવેલી કોલેજમાં પ્રોફેસર હતી ત્યારે વિદ્યાર્થીઓ ‘મેડમ ‘ કહીને બોલવતા.કોલેજનો વિદ્યાર્થી હશે. પણ ,પચ્ચીસ વર્ષો પહેલાંના

કોઈ એકને કેવી રીતે ઓળખું ?મેં એને ધ્યાનથી જોયો,કસાયેલું  શરીર,તડકામાં ચમકતો  કાળો પ્રસન્ન ચહેરો,  પોલીસના ખાખી ડ્રેસમાં ચપળ લાગતો હતો.એની કાળી ઝીણી આંખોમાં ખોવાયેલું સ્વજન

મળ્યાના વિસ્મય અને પ્રેમથી ચમક ઉભરાઈ ,તેના રોમેરોમમાં જાણે કે

આનંદનું પૂર ઊભરાતું હતું.મારા ક્ષોભને છુપાવવા મેં ચશ્મા કાઢી સાફ કર્યા,વિસ્મુત ઓળખના ગુનાનો ડંખ મને કોરી ખાતો હતો.મેં એના ખભાને સહેજ થાબડી કહ્યું ‘,ભાઈ ,એવું છે ને , ‘મારું વાક્ય અધૂરું રહ્યું

એના ભાવભર્યા શબ્દોએ મને ઉગારી લીધી, તે બોલ્યો ‘મેડમ ,હું કાશીરામ ગામીત,તમે આમ જ મારો ખભો થાબડી મને  બચાવી લીધો હતો,થેક્યુ યુ.’,એને ઘણું કહેવું હતું પણ એનો અવાજ ગદગદ થઈ ગયો.મેં એને

બોલવા ન દીધો ,જૂની ઓળખને તાજી કરી મેં એને એની ડ્યુટી માટે રજા આપી.એની ટટ્ટાર ચાલમાં ગર્વ અને આનંદ હતા.

કાશીરામ ગામીત એક આદિવાસી વિદ્યાર્થી હતો.સુરત જીલ્લાના કામરેજ,માંડવી વગેરે તાલુકાના નાના ગામડાના  વિદ્યાર્થીઓ  તથા દૂર દૂરના વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ માટે કામરેજ ચારરસ્તા પર કોલેજ કરી હતી.શિક્ષકોને શહેર જેટલો પગાર અને સુવિધા આપતા.કોલેજનું આલિશાન બિલ્ડીગ,મોટું કમ્પાઉડ ,વિશાળ વૃક્ષોની લીલીછમ ઘટા અને ખૂલ્લાશ હું ત્યાં હતી ત્યારે ખૂબ માણતી.ડો.દવે ત્યારે પ્રિન્સીપાલ હતા,તેઓ સૌ પ્રત્યે સદભાવ રાખતા,હું કોલેજમાં જોડાઈ ત્યારે વિચારેલું એકાદ વર્ષમાં બીજે જતી રહીશ,પણ ત્યાંના વિદ્યાર્થીઓની ધગશ અને પ્રેમે મને નવ વર્ષ બાધી રાખી,અમારું  કુટુબ કાયમ માટે અમેરિકામાં સ્થાયી થવા તેયાર થયું ત્યારે છેલ્લા ચાર મહિના હું એકલી હતી.રાજીનામાનો નોટિસ સમય મારે પૂરો કરવાનો હતો.દવેસાહેબે મને વિનતી કરી,’તરુબેન,તમે લેડીઝ હોસ્ટેલના કવાટરમાં ચાર મહિના રહો તો અમારી નવી યોજનાને ટેકો મળે.ગયા વર્ષથી લેડીઝ હોસ્ટેલ શરુ કરી છે. દસ જ છોકરીઓ છે.હજી કોઈ લેડી રેકટર મળ્યા નથી.’સંકટ સમયની સાંકળનો વિશ્વાસ તેમના શબ્દોમાં હતો.ચારે તરફ હરિયાળા ખેતરોની વચ્ચે કોલેજ, પ્રિન્સિપાલનું ક્વાટર ,લેડીઝ હોસ્ટેલ મારું રહેઠાણ અને સામેની બાજુ બોયઝ હોસ્ટેલ હતી.મારા પતિશ્રી તથા દીકરી અમેરિકા પહોંચી ગયાહતા,

કાશીરામ ગામીત કોલેજના ચોથા વર્ષમાં હતો.એનો બાપ ઈચ્છારામ ચોકીદાર હતો.કાશીરામ રાત્રે એના બાપુ સાથે આવતો ,કોલેજના વરંડામાં લાઈટ નીચે વાંચતો ,લાકડી ઠોકતો મોડી રાત્રે આંટા ય

મારતો,હું મારા ક્વાટરની બારીમાંથી જોતી.મારું લખવા -વાંચવાનું મોડી રાત સુધી ચાલતું ,મારી બારી આગળ આવી કહેતો ‘મેડમ સુઈ જાવ ત્યારે બારી બંધ કરી દેજો અને પાછળની લાઈટ ચાંલું રાખજો.’

મને થતું મારા સ્વજનની ખોટ કાશીરામ પૂરે છે.આદિવાસી વિદ્યાથીઓ બોલે બહુ ઓછુ.ચહેરાના ભાવથી એમની વાત સમજાય,મને તો એમ જ થતું કે આ શહેરી સમાજ સાથે એમનો મેળ જામતો નથી.

કાશીરામને ભણવાની ધગશ હતી ,મેં એને એક દિવસ પૂછેલું ,’કાશીરામ તને શું થવું ગમે?’ એ શરમાઈને નીચે જોઈ રહ્યો,એને નવાઈ લાગતી હતી જે ગમે તે શી રીતે થવાય?’ કાળી મજૂરી કરતા આદિવાસીઓને મેં કન્સ્ટ્રકશનું કામ ચાલતું હોય ત્યાં જોયા છે.એ સાઈટ એ એમનું કામચલાઉ ઘર.સાંજે ચૂલો કરી રોટલા,શાક કે એવું કૈક રાંધી સુઇ જાય.જંગલના વિસ્તારોમાંથી રોજી રોટી માટે તેમને

શહેરોમાં આવવું પડે.કાશીરામની વફાદારી ,નિષ્ઠા પ્રમાણિકતા માટે મને માન હતુ,બનતું એવું કે ચારે બાજુ ખૂલ્લું હોવાથી શહેરના જુવાનિયા ખેતરોમાં ધુસી જઈ પાર્ટી જેવું કરતા,પોલીસને કોલેજ તરકથી

પ્રીસિપાલ,રેકટર ચોકીદાર સૌ ફરિયાદ કરતા પણ પોલીસ આંખ આડે કાન કરતા.એટલું જ નહિ ,કયારેક તો ચોકીદારને માથે ટોપલો મૂકી દેતા.પ્રિસીપાલસાહેબની કડકાઈને કારણે ચોકીદારને આંચ આવી
નહોતી.તે દિવસે એવું બન્યું કે મીટીગમાં મોડું થતા દવેસાહેબને સુરત રોકાઈ જવું પડયું ,સાહેબનું કુટુંબ અમદાવાદ ગયું હતું,મેં કાશીરામને સૂચના આપી કે તે મોડી રાતે આટા પતાવીને મારા વરંડામાં

સૂઇ રહે.એના બાપુને પ્રીસીપાલના બંગલા અને લેડીઝ હોસ્ટેલનું ધ્યાન રાખવા કહ્યું ,આટલી અમારી સાવચેતી છતાં વહેલી સવારે છોકરીઓની ચીસાચીસ અને બુમરાણથી મારી આંખ ખૂલી ગઈ.પોલીસ

મોડેથી આવ્યા,કાશીરામ દોડીને ગયો હશે.એના હાથમાંની લાકડી કોકને વાગી હતી,પણ કોઈ પકડાયું નહિ,

સવારે હું નાહીંને પરવારી ત્યાં કાશીરામની મા રડતીકકળતી મારા બારણે આવી’,શું થયું ?મેં પૂછ્યું ,તેણે કહ્યું ,’બેન કાશીરામ અને એના બાપુ બન્નેને પોલીસ લઈ ગઈ ,બચાડાને દંડાથી પીટી નાખશે.

હું  કરું હજી મોટા સાઈબ આયા નથી’મેં એને શાંત પાડી  ,હું વિમાસણમાં પડી ગઈ,પોલીસની ચુગાલમાંથી આ નિર્દોષ બાપ દીકરાને કેમ છોડાવવા?મને ખૂબ ગુસ્સો આવ્યો પણ શું કરું?મેં બીજા રેકટરને

ફોન કર્યો ,તેઓ આ બાબતમાં માથું મારવા માંગતા નહોતા ,મને ય સલાહ આપી આઘા રહેજો.મારાથી કાશીરામની માનું રુદન સહન થયું નહિ ,

હું રીક્ષામાં પોલીસથાણે પહોચી,બન્નેને એક મોટા ઝાડને થડે બાંધ્યા હતા ,પોલીસના ધોલ ધપાટ અને ડંડા ખાઈ અઘમુઆ થઈ તૂટેલી ડાળી જેવા લબડી પડયા હતા.હું તો સીધી ઓફિસરની કેબીનમાં ગઈ,

ઓફિસર ખુરશીમાંથી ઊભો થઈ ગયો,’બેન તમારે કેમ આવવું પડ્યું ?’મેં મારા ક્રોધને કાબૂમાં રાખતા દઢતાથી કહ્યું ,’કાશીરામ અને એનો બાપ નિર્દોષ છે.સવાર સુધી આટા મારતા હતા.’

ઓફિસર એકદમ નાની વાત હોય તેમ હસી રહ્યો ,’તમે સાક્ષી આપો છો,તો આ ઘડીએ છુટા ‘એના મો પર ખન્ધાઈ હતી,મને કહે’તમારે ચોકીએ આવવાની જરૂર નહોતી’,મને દલીલ કરવી ગમી નહિ ,

બાપ દીકરો છુટા થયા,મેં કાશીરામનો  ખભો પ્રેમથી થાબડી કહ્યું ‘,તું હિમતવાળો હતો લાકડી લઈ દોડ્યો  હતો.’ એ શરમાઈને નીચું જોઈ ઘીમેથી બોલ્યો ,’હું પોલીસ થઈશ.’

પ્રીસીપાલ આવી પહોચ્યા ,એમનેય હાજર ન હોવાનો અફસોસ થયો.પાછળથી લોકો વાત કરતા હતા કે ટ્રસ્ટીનો કોઈ છોકરો અને એના મિત્રોનું તોફાન હતુ ,
. તે દિવસે ભાવભરી આંખોથી પૂછાયેલો  પ્રશ્ન,શું આપને યાદ છે ?’મને સાંભરે ત્યારે કાશીરામને મનોમન કહું છુ ‘હા,હેયું છલકાય જાય તેટલું યાદ છે’.વહી જતા સમયના નીરમાં એવી કઈક મધુરી યાદોની
હોડી તર્યા કરે છે.

તરુલતા મહેતા

‘ટેક્નોલોજીની દામ્પત્યસંબંધ  પર અસર  ‘  નવલિકા ‘ મારી રાહ જોજે ‘ તરુલતા મહેતા 

આ વાર્તા સ્પર્ધા માટે નથી પણ વિષય અનુરૂપ છે જે આપણને માર્ગદર્શન સાથે પ્રેરણા આપશે

‘મારી રાહ જોજે ‘

આજે સવારથી  વરસાદ એકધારો  ઝિકાતો (ધોધમાર)   હતો, તડાકા -ભડાકા અને પવનનું જોર  હતું .  બિલ્ડીગની સાઈટ પર છત્રી ઓઢી નીતેશ મજૂરોની રાહ જોતો હતો ત્યાં  મોબાઈલ પર નીતાનો મેસેજ જોયો ‘મારે કામ માટે બહાર જવાનું છે.’

‘મારી રાહ જોજે ‘ તેણે સામે મેસેજ કર્યો .

સવારે એણે નીતાને બે વાર કહ્યું હતું  :ચા તૈયાર છે.’

‘હું જરા બીઝી છું.’  નીતા ઓફિસમાંથી જ બોલી હતી .

એણે ઘરની બહાર નીકળતા ‘બાય ‘ કર્યું પણ નીતા ત્યારે શાવરમાં હતી.

રાત્રે પણ નીતા મોડા સુધી કોપ્મ્યુટર સ્ક્રીનને જોતા   કાગળની ડિઝાઈનો કરવામાં બેડરૂમમાં આવી નહોતી.

‘આ શું એક ઘરમાં રહીએ છીએ પણ બે વાત કરવાની નવરાશ નહિ ?’ તે અકળાયો હતો.

પવનના સપાટામાં તેના હાથમાંની છત્રી ભેગો તે ય જાણે હાલમડોલ થતો હતો,આમે ય રાત્રે નીતાની રાહ જોવામાં તેને સરખી ઉંધ આવી નહોતી .મોસમનો પહેલો વરસાદ …’ચાલ નીતાને બોલવું’ તેને હસવું આવી ગયું ..જાતે જ લાફો મારી ગાલ લાલ કર્યા જેવું લાગ્યું.
ફોનમાં નીતાનો મેસેજ હતો ‘હું ઉતાવળમાં છું ‘.

 તે ફોન ખિસ્સામાં મૂકતો હતો ત્યાં પવનમાં છત્રી કાગડો થઈ ઊડી ગઈ.’ઓહ  ગઈ ..’
નીતેશ આમ જ વર્ષો પહેલાં મુંબઈના ગ્રાન્ટરોડ પર ધોધમાર વરસાદમાં છત્રી ઓઢવાના બહાને   નીતાની લગોલગ ચાલતો હતો.એના હાથમાં શોપીંગની બેગો હતી અને નીતા છત્રી ખૂલ્લી રાખી ચાલતી હતી.ત્યાં પવનના ઝપાટામાં છત્રી કાગડો થઈ ઊડી …ત્યારે નીતા ‘લિબાસ ‘ના શોરૂમની ડિઝાઈનર હતી અને નીતેશ કપડાનો શોખીન અમદાવાદથી  ખરીદી માટે આવતો ફાંકડો યુવાન હતો.વરસાદના છાંટાથી હેરાન પરેશાન
બાજુમાં ઉભેલી નીતાએ   છત્રીને પકડવા હાથ લંબાવ્યો..  નીતેશે  હાથને  પોતાના હાથમાં લઈ નીતાને પાસે ખેંચી લીધી તે જ ક્ષણે વાદળનો કડાકો થયો ને વીજળીના  તેજસ્વી લિસોટોમાં ચીપકીને ઊભેલાં તેમણે પરસ્પરની આંખોમાં ભીની ચમક જોઈ .
‘સા’બ   શું કરીએ? ‘સાઈટ પર કામ કરવા આવેલા મજૂરે તેને બોલાવ્યો .
નીતેશે ભીના હાથને  ઝાટકતા  આકાશ તરફ જોયું. તેની નજરમાં સૂનાપણું અને ઉદાસી આવી ગઈ.મજૂર સમજ્યો કામ બગડ્યું તેથી સાબ નારાજ થયા છે. સાઈટ પરથી  મજૂરો  પાછા ગયા.
નીતેશ મલ્ટીસ્ટોરી બિલ્ડીગની સાઈટ પર રેતી ,ઈંટોના ઢગલા વચ્ચે અંદર-બહાર પલળતો બસ એમ જ ખોડેલા થાભલા જેવો ઊભો હતો. વર્ષો પહેલાં મકાનમાલિક નવીનશેઠે ઘરવખરી ભેગા તેને અને મમ્મીને ભાડાના ઘરમાંથી બહાર ઉસેટી દીધાં હતાં. તે વખતે દસ વર્ષનો  છોકરો  ખુન્નસભર્યો ચીખી ઊઠ્યો હતો :’જો જો ને હું દસ માળનું બિલ્ડિગ બનાવીશ.’
‘તારા જેવા ટેણિયા બહુ જોયા .’ શેઠ પાનની પિચકારી મારી કારમાં બેસી ગયા.એ  છોકરો જાણે હજી સમસમીને ત્યાં જ ઊભો હતો.
નીતેશ અટ્ટાહાસ્ય કરતો  દુનિયાને કહેતો હતો ,’જુઓ અમદાવાદમાં  દસ માળના બિલ્ડીગોથી ઠેર ઠેર નીતેશ બિલ્ડરનું નામ ગાજે છે, પણ પેલો ટેણિયો કેમે કર્યો મનમાંથી ખસતો નથી.’
નીતેશ    બને તો નીતા સાથે લન્ચ થાય એમ વિચારતો   ઉતાવળો  ઘર તરફ જવા નીકળ્યો . છેલ્લે ક્યારે તેઓએ  સાથે નિરાંતે લન્ચ કર્યું હતું?નવા ઘરમાં તો ક્યારેય નહિ . હા, બિટ્ટુ નાની હતી ત્યારે નીતા લન્ચ પેક કરી સાઈટ પર અણધારી જ આવી પહોંચતી .નીતેશને મનપસંદ આલુપરોઠા ,ચટણી અને લસ્સી ..પછી એ મૂડમાં આવી કહેતો ,’આજ તો ટેસડો (મઝા ) પડી ગયો.’
એણે અમદાવાદના સેટરલાઇટ  વિસ્તારના વાહનોથી ધમધમતા રોડ પરથી ટર્ન લીધો. એની ભૂરી વોલ્વો કાર   ‘સ્વપ્નિલ’ લક્સ્યુરંસ એપાર્મેન્ટના ગેટ પાસે  આવી એટલે દરવાને દોડીને ગેટ ખોલી સલામ ભરી.
એણે વડોદરાના આર્કિટેક પાસે પ્લાન તૈયાર
કરાવી ‘સ્વપ્નિલ’ દસ માળનું બિલ્ડિગ તૈયાર કર્યું હતું. પ્રોફીટ લેવા બન્ધાતા કબુતરના માળા જેવા બહુમાળી જોઈ નીતેશને ધિક્કાર થતો.માણસની આબરૂ વધે તેવું રહેઠાણ   હોવું જોઈએ.શાહજહાંએ પ્રેમની નિશાની રૂપે તાજમહલની અજાયબી દુનિયાને આપી તેમ તેણે નીતાને કહ્યું હતું : ‘મારા જીવનનું સ્વપ્ન ‘સ્વપ્નિલ ‘ તારા ચરણોમાં ‘.
મોગલશાહી બાલ્કનીઓ અને અવનવી કોતરણીવાળા બારી-બારણાં જોતા જ છક થઈ જવાય ! મોં માગ્યા ભાવે શ્રીમંતોએ ‘સ્વપ્નિલ ‘ના આલિશાન ફ્લૅટ ખરીદી લીધા હતા. દસમો  માળ નીતા -નીતેશનું અતિ વિશાળ નિવાસસ્થાન. ઓપનટેરેસની પાર્ટીઓ થાય, નવરાત્રિના ગરબા અને ધૂળેટીના રંગોની ઝાકમઝોળ અહીં થાય.બિટ્ટુની ટેબલટેનિસની રમતો ને હેપી બર્થડેટથી ગાજતો દસમો માળ !!!
*
નીતા દસમા માળની લિફ્ટમાંથી નીચે ઉતરતા ધૂધવાતી હતી ‘હજી નીતેશ આવ્યો નહીં?’ ક્યાં સુધી રાહ જોવાની? તે કાંડા પરના ઘડિયાળમાં  જોતી નીચે આવી.પાર્કિગમાં નીતેશની ગાડી જોઈ નહિ એટલે રિક્ષા બોલાવી.એને માટે સી.જે.રોડ પરના ‘સ્ટાઇલ ‘ શોરૂમના મિટીંગહોલમાં સમયસર પહોંચવું ખૂબ જરૂરી હતું.નીતેશ એના ડિઝાઈનરના કાર્યને મહત્વનું ગણતો નહિ ,એને તો એમ જ હતું આર્થિક જવાબદારી તેણે ઉપાડી હતી એટલે નીતા વધુ ધ્યાન ઘરમાં રાખે  અને ફાલતું સમયમાં નીતા એનું શોખનું કામ કરે! આજે  એને સમજાશે કે નીતા કાંઈ એની રાહ જોઈને બેસી નહી રહે !
*
નીતેશે બારણું ખોલી ‘હલો નીતા ‘કહી ચાવીને નીતાએ બનાવેલા સ્ટેન્ડ પર મૂકી .
ઘરની બહારની ડિઝાઇન નીતેશની પણ ઘરમાં પગલૂછણિયાથી માંડી બારીના પડદા ,બેડરૂમનો સેટ ,ચાદરોની પસંદગી એકમાત્ર નીતાની.તેની સજાવટમાં બિટ્ટુ કે નીતેશથી સહેજસાજ આડુંઅવળું થાય તો નીતા આખું ઘર માથે લે . બિટ્ટુનો ‘ટાઈમ આઉટ ‘ નો   ટી.વી.નો ફ્રેડસ . નીતેશ ‘સોરી ‘ કરી બહાર જતો રહે.
શો -રૂમ જેવા  ઘરને જોતાં મહેમાનો અચંબામાં પડતા ,નીતા ગૌરવથી પોતાની સજાવટની ઝીણી ઝીણી વિગતો બતાવતા કદી થાકતી નહિ પણ નીતેશ થાકી જતો.
નીતેશને નીતાના  ઘરમાં  મોકળાશ કે હાશ લાગતી નહિ. કામની વહેંચણીમાં બન્નેના   હાસ્ય અને પ્રેમ વ્હેરાતાં  (કપાતા )   ગયાં . નીતાને માટે ડિઝાઈનનું કોઈ મોડેલ જેવો નીતેશ હતો.   સતત કાતરથી એના પર કાપકૂપ થતી,ટાંકણીઓ ખોસાતી ગમે ત્યારે ડૂચો વાળીને ડસ્ટબીનમાં જઈ પડતો. ખરીદીમાં સાથે ગયાં હોય ત્યારે ય ક્રેડીડ કાર્ડ આપવા અને બેગો ઊંચકવા પૂરતો તેનો ખપ હતો.
ઘરની  કેદમાંથી પેરોલ પર નીતેશનો  સમય બહાર દોડતો હતો .નીતા ઘેરથી ઓન લાઈન બિઝનેસની  કેદમાં સમયને  ખોઈ બેઠી હતી.ચાર હજાર સ્કેરફૂટની છત નીચે તેમની દીકરી બિટ્ટુ મમ્મી -પાપાને ભેગા કરવા એક રૂમમાંથી બીજા રૂમમાં દોડ્યા કરતી.  પતિ-પત્નીના   બહારથી છલકાતા સુખના
બહુમાળી બિલ્ડિગનાં ભોંયરામાં દિવાલોને ક્યારે  ભેજ લાગ્યો ?ને ક્યારે હૂંફાળી આત્મિયતાને બદલે ઉધય લાગી ? તેની જાણ થઈ નહીં. કાંઈ ઝઘડા થાય,દલીલો કે બોલાબોલી થાય તો સમાધાન કે સોરી થવાનો મોકો રહે પણ આ તો દિલના તાંતણાની
વાઢકાપ ! લૂણો લાગેલી ભીતમાંથી રોજ રોજ કણ કણ ખરવાનું . ફ્રીઝના પાણીના બાટલાઓમાં ટીપું ટીપું ઝૂરવાનું ને ભરેલા  ભાણે ભૂખને માટે તડપવાનું! નીતા અને નીતેશ  અડધા અંગ વચ્ચોવચની ‘ હું કરું હું કરું ‘ ની કાંટાળી વાડથી રાત -દિવસ
ઘવાતા રહ્યાં .

‘હલો હની ,નીતા ‘ ના પડઘા સૂમસામ ઘરમાં અથડાતા હતા . બફારાથી તેના  શ્વાસ ભીંસાતા  હતા . તેણે પંખો ચાલુ કરી સોફામાં બૂટ કાઢવાની તમા કર્યા વિના લંબાવી દીધું.એને ઘડીક જાણે એની પત્ની નીતાનો છણકો સંભળાયો.’સોફો ગંદો થઈ જશે .’ એણે  ચીડમાં  બૂટ કાઢી નાંખ્યા. એને ખબર હતી કે નીતા એનું ધાર્યું કરતી અને કરાવતી. એણે કહ્યું :’નીતા તું આવી બધી  ચિંતા છોડ ,બીજા ચાર નવા સોફા ખરીદીશું. ‘
‘અરે પણ આ સોફા રાજસ્થાન ગયાં ત્યારે મેં ડિઝાઇન આપી બનાવડાવ્યો હતો ,કેટલો એલિગન્ટ લાગે છે ! પેલા સીમાબેન અને પરાગભાઈએ આવો જ બીજો સોફાનો ઓર્ડર આપવા મને કહેલું  પણ  મારી ડિઝાઇન એમ થોડી આપી દેવાય?’
*
નીતેશને  સોફામાં કરન્ટ લાગ્યો હોય તેમ ઝાટકા સાથે ઊભો થઈ ગયો .
બેડરૂમમાં ,ઓફિસમાં ,બિટ્ટુના  રુમમાં બધે રઘવાયો થઈ આંટો મારી આવ્યો. સાવ ખાલી ઘરની બહાર અગાશી પર બેસુમાર પાણીનો માર પડતો હતો. આકાશ ઝનૂન પૂર્વક આખા વર્ષના મોનને તોડી એકધારા શોરથી ગાજતું હતું.અગાશીમાં રેલ આવી હોય તેમ ખાસ્સું જળબંબાકાર થયું હતું. એણે દોડીને રોડ તરફના પાઈપોના ઢાકણાં ખોલી નાંખ્યા .એ ઠન્ડા પવનમાં દાઢી કકળાવતો ,પલળતો દોડીને બારણા પાસે આવ્યો, નીતુ ટુવાલ લઈને ઊભી હોય તેમ તેણે  હાથ લંબાવ્યો ….. માણસ પલળી જાય …ઠરી જાય ..તેમ ઘર પલળી જઈ ,ઠરી જઈ સિમેન્ટ-રેતીનો એક્સ રે થઈ જાય ???
એણે સવારે  નીતાને   કસ્ટમ-મેડ ડિઝાઇન  કરેલા ડ્રેસના પેકેટ તૈયાર કરવામાં રોકાયેલી જોઈ  હતી.એ રાત્રે મોડે
સુધી જાગી હતી ,એ એવું જ કરતી હતી .બિટ્ટુને નાઈટ સ્ટોરી કહી સૂવાડી દેતી પછી નીતેશને ‘ગુડ નાઈટ’ કહી ઓફિસમાં જઈ એના કામમાં ડૂબી જતી.
કાલે રાત્રે એણે નીતેશને બિટ્ટુને સૂવાડવા કહ્યું હતું. બિટ્ટુએ  ખુશ થઈ પાપાનો હાથ પકડ્યો ત્યાં પાપાએ એને ઉંચકી લીધી.પાપા વાર્તા કહે ત્યારે બિટ્ટુ એકને બદલે ચાર વાર્તા સાંભળતી. પછી પાસે સૂતેલા પાપા   ઝોલે ચઢે એટલે એ પાપાને ધીરેધીરે કપાળ પર એની પોચી ,લીસ્સી હથેળીથી થપકીઓ મારી ઉઘાડી દે. ‘મારા પાપા ‘ નીતેશને બિટ્ટુની થપકીઓ મીઠ્ઠી લાગતી ,ડોળ કરી આંખો બન્ધ કરી પડી રહેતો.
બે વાર નીતેશે બાજુના રૂમમાં કામમાં ગળાબૂડ નીતાને સૂવા માટે બોલાવી પણ નીતા એની દુનિયામાં ખોવાયેલી હતી.
નીતા ક્રિએટિવ ડ્રેસ ડિઝાઈનર હતી.  રાત્રે કામ કરતી ત્યારે જાણે તેનું સમગ અસ્તિત્વ કાગળ પરની ડિઝાઇન બની જતું .દીવાની જ્યોત જેવા પ્રકાશિત તેના મુખ પર અનેરી આભા પથરાતી. તેના રૂમના  ખૂણામાં પડેલા ફાલતુ કાગળના ડૂચા જેવું ઘર આખું  ,બિટ્ટુ ને નીતેશ … જગતની કોઈ ચીજ કે આકર્ષણ નીતાને ડોલાવી શકે નહિ !
નીતેશથી  બેડરૂમના કિંગ સાઈઝ બેડની  ડાબીબાજુની ખાલી જગ્યા સહેવાતી નહિ . આમ તો એને  પત્નીનો  કલાકારનો  મિજાજ ગમતો પણ હવે તે   મૂડી અને એકલસુરી  (એકાંતપ્રિય ) રહેતી હતી. નીતેશ માનતો કે પોતાની આવડતથી પેસા કમાઈએ તો જ માનભેર જીવાય .એટલે એણે કુટુંબનો ભાર ઉપાડી લીધો હતો.નીતાને મરજીમુજબ ગમતું કર્યા કરે તેમાં નીતેશ રાજી હતો.તે આર્ટિસ્ટ છે કબૂલ પણ…. એ બેડમાંથી ઊભો થઈ ગયો.
તે પ્રશ્નાર્થ નજરે નીતાની સામે જોઈ ઊભો રહ્યો:
‘ કલાકારના સંવેદનશીલ હૈયામાં પતિ કે  કે સંતાન માટે પ્રેમ હોય કે  નહિ ? નીતા તને મારા માટે ,બિટ્ટુ માટે પ્રેમ છે ? આ સુખ સાહેબી ,બઁગલા ગાડી અરે એક છત નીચે રહેવાનો શું અર્થ છે?’
નીતા ભારેલાઅગ્નિ જેવી હતી ! એને શેની અતુપ્તિ હતી? નીતેશની સફળતા અને નામના માટે શું જલન હતી?નીતેશ નીતાના મૌનની દિવાલમાં હાથ પછાડે કે માથા પછાડે .. એક કાંકરી ખરતી નથી.
નીતેશ ઘવાયેલા પશુની હાલતમાં બેડની બન્ને બાજુએ પાસાં ઘસતો રહ્યો.
સવારે  એણે નીતાને ચા -નાસ્તા માટે બોલાવી : નીતા ચાલ સાથે ચા પીએ ‘.પણ
એ આવી નહિ . એને લાગ્યું   સફરમાં   નીતાનો સાથ છૂટતો જાય છે.
ઘણા દિવસથી તે  જોતો હતો કે નીતાનું ચિત્ત ઘરમાં કે બિટ્ટુનું ધ્યાન રાખવામાં ચોંટતું નહોતું.પણ નીતેશ  સમસમીને બેસી રહેતો .કેમ જાણે એની અને નીતા વચ્ચેનો સેતુ તૂટી ગયો હતો.એ એના ધન્ધામાં ઘણું કમાતો હતો પછી નીતાને આ ડ્રેસ બનાવવાની માથાકૂટ કરવાની શું જરૂર?પણ આવું કાંઈ બોલવા જાય તો નીતા રોકડું પરખાવે કે લગ્ન પહેલાં તો બડાશો મારી હતી કે ‘હું કાંઈ પત્નીને  ઘરમાં પૂરી રાખવા માંગતો નથી ,બન્ને વિકસીએ ,ખીલીએ પછી લલકારતો  ‘બહારો ફૂલ બરસાવો ,મેરા મહેબૂબ …..’
બે સિગરેટને ફૂંકી નીતેશે  ડસ્ટબીનમાં નાંખી દીધી.પંખો ચાલુ કરી સ્પ્રે છાંટી રૂમમાં તેણે  બેચેનીથી આંટા માર્યા. બાથરૂમમાં જઈ માઉથવૉશથી કોગળા કર્યા. નીતાને કીસ કરતો હોય તેમ ભીના  હોઠને લંબાવ્યા .આયનામાંના નીતેશને જોઈ સીટી વગાડી,બાવડાંના ગોળાકાર મસલ્સને દબાવતા નીતાને આલિગનમાં ભીંસી લેવા તડપી રહ્યો….ચુંબન ,આલિગન બધું  તેને માટે
દૂ ..રના ભૂતકાળની મસ્તી  હતી .તેને નીતાને કહેવું હતું ‘શું તું ભૂલી ગઈ કે તારો   પ્રેમી પતિ આદિ પુરુષ આદમ છે અને તું વર્જ્ય સફરજન ખાતી ઇવ છે! ચાલ આ વરસાદમાં વરસતા જઈએ !!

 ‘ક્યાં ગઈ નીતા ? મોટા ઘરનું સુખ નીતેશને બચકાં ભરતું હતું .કયા ઓરડામાં શોધવી? સાદ દઈએ તો ય સાંભળે નહિ ,બે જણા ઘરમાં હોય ત્યાર પણ ફોનના મેસેજથી ..?

*

નીતાએ આજે પોતાનું આધુનિક બુટિક શરૂ કરવા માટે મિટીંગ રાખી હતી પણ નીતેશને ગમશે કે તે વિરોધ કરશે તેની દ્વિધા હતી . પત્ની એના કામમાં જ બીઝી રહે તો ઘરમાં આનન્દ પ્રમોદના કોઈ પ્રોગ્રામ ગોઠવાય નહિ.
નીતેશને સમજાતું નહિ કે સાંજની રસોઈ મહારાજ આવી કરતો ને બાઈ તો સવારથી આવી  સાફસૂફી કરતી પછી નીતાને ક્યાં ઘરમાં કામના ઢસરડા હતા?પણ કોણ જાણે કેમ નીતા ઠરીને બેસતી નહિ કે કીટીપાર્ટી કે પત્તાક્લબમાં રસ લેતી નહીં,બસ એક જ વાતની ધૂન પોતાનું એક આધુનિક  બુટિક શરૂ કરવું .

નીતા અને નીતેશની પ્રથમ મુલાકાત ‘લિબાસ ‘ના  ફેશન ડિઝાઈનરના શોમાં થઈ હતી.ત્યારે નીતાને  એની બહેનપણી રૂપાએ એક પર્ફેફ્ટ હાઈટ-બોડી ધરાવતા યુવાનની ઓળખાણ આપતા કહેલું:
‘અમદાવાદના  જાણીતા બિલ્ડર નીતેશ  શ્રોફ  ‘.
નવી સ્ટાઇલના કપડાંનો શોખીન નીતેશ  અવારનવાર શોપીંગ માટે આવતો .એને સુડોળ ,નમણી ,સ્માર્ટ નીતા ગમી ગઈ હતી પણ નીતા લગ્નનું  બંધન સ્વીકારવા તૈયાર નહોતી .નીતેશ  જેવા પેસાપાત્ર પતિની પત્ની બની શોભાના ગાંઠિયા જેવી જિંદગી કેમ જીવાય? તેને પોતાની આવડતથી નામ બનાવવું હતું . પણ પછી તો નીતેશના હઠીલા પ્રેમમાં નીતાનું  જીવન નવેસરથી મહેંકી ઊઠ્યું હતું.
*

નીતેશે   રસોડામાં જોયું તો સવારની ચાની તપેલી ગેસ પર એમ જ પડી હતી.સૂકાયેલી ચાની પત્તીઓને  કચરાપેટીમાં નાંખતા તેનો હાથ ધ્રૂજી ગયો.  ઠરી ગયેલી

ચાના કપ ટેબલ પરથી ઉપાડી સિન્કમાં મૂકી પાણીને જવા દીધું ,બધું જ અમથું અમથું …ખાલી ખાલી ..કરતા તેને થાક લાગ્યો.

નાસ્તાની ડીસ પર માખી બ ણબણતી હતી.એને સૂગ આવી ગઈ .ભૂખ મરી  ગઈ.નીતાની હાજરી-ગેરહાજરી બધું  તેને માટે ખાલીપો હતું.

નીતેશે  મોબાઈલ ચેક કર્યો મેસેજ હતો,’બિટ્ટુને સ્કૂલેથી લઈ આવજે ‘

એને આઘાત લાગ્યો ,ગુસ્સાથી શરીર કંપી ઊઠ્યું ,ડાઇનિંગ ટેબલ પર હાથ પછાડી બરાડી ઊઠ્યો ‘તું  શું કહેવા માંગે છે?પૂછ્યાગાછ્યા વગર જતા રહેવાનું? મારી રાહ જોઈ નહિ ?’

ઓરડાની દિવાલો એની છાતીસરસી ધસી આવી હોય તેમ તેને ગૂંગણામણ થતી હતી .’હવે શું કરવું?’

તેણે મેસેજ મૂક્યો ‘ક્યારે પાછી આવીશ ?’

જવાબ આવ્યો ‘ ખબર નથી ‘.

‘બાપ રે .. ત્રણ વાગી ગયા ? બિટ્ટુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો ..

વરસાદ ને ટ્રાફિક જોઈ તેણે રિક્ષા જ બોલાવી .ભીડભાડમાં મોટી કાર ચલાવવી ને પાછી પાર્કિગની માથાકૂટ .રિક્ષા ટ્રાફિકના જંગલમાં  ઊભી હતી.નીતેશે રિક્ષાવાળાને ખભે હાથ મૂકી ઉતાવળ કરવા કહ્યું.

‘હું શું કરું સાબ ?તમે ડબલ ભાડું આપો પણ રોડ પર ખસવાની જગ્યા જ નથી.’
*

નીતા પરદેશથી આવનાર ડિઝાઈનરની  રાહ જોતી હતી.એ જાણતી હતી કે નીતેશ ગઈ કાલ રાત્રે અને તે પહેલાંની ઘણી રાત્રિઓથી તેનાથી નારાજ હતો.પણ એ શું કરે? બધી વાતોના ખૂલાસા કરે તો  નીતેશ કંટાળે .એને કેમ કરીને સમજાવાય કે પોતાના બિઝનેસમાંથી નવરો પડે ત્યારે નીતાની  સંગત શોધે ,ખાવાપીવાના જલસા ગોઠવે  તેજ ઘડીએ   એણે  કામને પડતું મૂકી દેવાનું? લાઈટની સ્વીચ ચાલુ -બન્ધની રમત તેનાથી નહિ રમાય!!

‘મને તો એકવાર ધૂન ચઢે મારી ડિઝાઇન પૂરી કર્યે જ જંપ વળે.પેસા તું કમાય છે,વધુ પેસાની તમન્ના નથી પણ મારી કલાની કદર થાય તો મને ગમે   ,મારી અંદરની ઝન્ખના મને ચેનથી જીવવા દેતી નથી.મારા મનમાં કોઈ નવો વિચાર આવે એટલે હાથ કાગળ -કાતર માટે તડપે છે.ત્યારે તારો  અને મારો  સમય છેદાય   છે.’

‘અરે ,હજી કોઈ આવ્યું કેમ નહીં?’નીતા ચોંકી ઊઠી .તેણે બારીની બહાર જોયું, ધોધમાર પડતા વરસાદમાં રોડ પર છત્રી ઓઢી ચાલતા લોકોમાં એક મોર્ડન યુગલ જતું હતું . તેને પોતાના ઓળખીતા લાગ્યાં. ‘એ કોણ ? ઓહ છત્રી ઊડી ગઈ ? એકબીજામાં પલળતા એકાકાર થઈ ગયાં કે શું?’તેઓને ઓળખું છું તેમનાં નામ હૈયે છે પણ હોઠે નથી આવતાં !! મોબાઈલ પરનો નીતેશનો સંદેશો ‘મારી રાહ જોજે ‘ મોટા અક્ષરોમાં ચારે કોર નીતાને દેખાતો હતો.

કેબીનના બારણા પર ટકોરા થયા.
‘મેડમ વરસાદને કારણે મુંબઈથી ફ્લાઇટ
આવી નથી આજની મીટીંગનું  શું કરીશું ? રોડ પર પાણી ભરાયાં છે ,મારે ઘેર જવા નીકળી જવું પડશે ‘ સેક્રેટરીએ કહ્યું .
નીતા દસમા માળેથી નીચે પટકાઈ હોય તેમ બેબાકળી થઈ ગઈ !! ‘અરે હું ક્યાં છું ?’
નીતાને  બિટ્ટુને સ્કૂલેથી લેવા જતો  નીતેશ દેખાય છે.એ ટાઇમસર સ્કૂલે પહોંચ્યો હશે?વરસાદમાં ક્યાંક અટકી પડ્યો હશે તો?બિટ્ટુ આજે મમ્મી કે પાપાને ન જોતાં રડતી હશે? મને આજે જ ક્યાં મીટીંગ રાખવાનું સૂઝ્યું ?સવારનો વરસાદ હતો પણ હું મારી ધૂનમાં   દોડતી અહીં આવી ,નીતેશની રાહ જોવા ન રોકાઈ?’
એ  રિક્ષા માટે ઉતાવળી રોડ પર આવી .

એણે મોબાઈલ પર નીતેશને મેસેજ મૂક્યો :’મારી રાહ જોજે ‘

તરુલતા મહેતા

તમને ફૂલ દીધાનું યાદ- તરુલતાબેન મહેતા

તમને ફૂલ દીધાનું યાદ

શહેરની જાણીતી હોસ્પિટલ ‘અંકુર ‘ના ગેટ પર રિક્ષાનો ધરધરાટ થઁભી ગયો. બરોબર  સાંજે સાડા છ વાગે ગેટ પરનો દરવાન દરરોજ તેને સલામ કરી આવકારે છે,તે યુવાની વટાવી ચૂકેલી પણ  સપ્રમાણ દેહ અને આધુનિક ડ્રેસમાં કોઈને  નજર ઠેરવી જોવાનું મન થાય તેવી હતી.તે   ઠસ્સાપૂર્વક   અને સ્ફૂર્તિલી ચાલે લિફ્ટ તરફ જાય છે.દરવાન ક્યાંય સુધી તેના અછડતા હાસ્યને જુએ છે.
બીજા માળે કેન્સર વોર્ડના છેડા પર આવેલા સ્પેશ્યલ રૂમ વીસનું બારણુ ખૂલ્યું.
રૂમમાં ઠરી ગયેલી ફિનાઈલ અને ડેટોલની વાસ ખળભળી ઊઠી.ટયુબલાઈટના સફેદ  પ્રકાશમાં સળવળાટ થયો.

દીપની બન્ધ આંખોની  પાંપણે એક સરસરાટ અનુભવ્યો ,ખસી જતા દુપટ્ટાને ખભે સરખો મૂકતા હાથની સોનાની બગડીનો સહેજ રણકાર કાનમાં ગૂંજી રહ્યો. આછી મધુરી સુવાસનું એક તાજું મોજું  એને ભીંજવી ગયું.

દીપનો  શ્વાસ આછા  લયમાં રોકાયો,અબઘડી પ્રિયા બારીનો પડદો ખસેડશે ,એ આંખ ખોલશે ને   પડદો ખૂલતાં વેંત સાંજના આકાશેથી   નારંગી કિરણો  ઓરડાના ખૂણે ખાંચરે કેસરી પોતું લગાવી દેશે.પછી ઓરડાનો  બેડ શાંત સરોવર હોય તેમ તેમાં ધીરે ધીરે સૂર્યના પ્રતિબિબને વિલીન થવાની   તેણે

 કલ્પના કરી .

દીપને  એના કપાળને ,પાંપણોને ,હોઠને એક સરકતો મૃદુ પાદડીઓનો સ્પર્શ  થયો .

એના છાતી પર મૂકેલા હાથની ફિક્કી ,રુક્ષ હથેળીમાં પડેલું તાજું લાલ ગુલાબ તેણે હળવેથી  દબાવ્યું.શરીરની સમગ્ર ચેતના આંગળીઓના ટેરવે રોમાંચિત થઈ ઝણઝણી ઊઠી.એની છાતી પર ઝૂકેલા પ્રિયાના આછા મેક અપથી શોભતા ચહેરાને તે આંગળીઓથી ચૂમી રહ્યો,પ્રિયા દીપના હોઠોમાં રમતું    ‘તમને ફૂલ દીધાનું યાદ ‘  ગીત અનુભવી રહી.

પિયા અતીતના રમણીય સમયમાં સરી ગઈ.પહેલી વાર ઢાળ ઊતરતી ટેકરીઓ પરથી એક નાનકડું રાતુંચોળ ફૂલ દીપે પ્રિયાને રોમિયોની અદાથી આપ્યું હતું. મંત્રમુગ્ધ પિયા કઈ બોલે તે પહેલાં મિત્રોના  તાળીઓના અવાજથી તે શરમાઈ ગઈ હતી .સૌએ તેમના  પ્રેમને વધાવી લીધો હતો.

દીપ ઘણું બોલવા તડપે છે પણ કીમો થેરાપીની અસરથી અવાજ રિસાઈ ગયો છે,ત્યાં હળવી ચપટીના અવાજથી  તેનું ધ્યાન ખેંચાયું .

‘ડોન્ટ બી સેડ  દીપ, યુ વિલ બી ઓલરાઇટ ,આઈ નો યુ લવ પ્રિયા.’ ડો.આશુતોષ બોલ્યા .
*

દીપ-પ્રિયાની પહેલી મુલાકાતના મુગ્ધ પ્રેમની શરૂઆત 25વર્ષ પહેલાં આબુના ગુરુશિખરની ટોચ પરથી ઊતરતાં થઈ હતી,વેકેશનમાં  મિત્રોએ આબુની ચાર દિવસની ફન ટ્રીપ ગોઠવી હતી.બધાએ કપલમાં એડજેસ્ટ થવાની શરત હતી.બીજા અગાઉની ઓળખ કે મૈત્રીથી પોતાના પાર્ટનર શોધી મીની વાનમાં ગોઠવાઈ ગયાં .દીપ અને પિયા પહેલીવાર મળેલાં ,એકબીજાને મુંઝાતા જોઈ રહ્યાં .થયેલું એવું કે પિયાનો ફ્રેન્ડ સિદ્ધાર્થ પ્લાન પ્રમાણે આવી શક્યો નહોતા.છેક છેલ્લી ઘડીએ  વિનય એના ભાઈ દીપને લઈ આવેલો.દીપ બેગ્લોરની ટેક ઇસ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએટ થઈ રજાઓમાં ઘેર આવ્યો હતો.

વિનયે બૂમો પાડી ‘આમ બાધાની જેમ એકબીજાને જુઓ છો શું?બસમાં ચઢી જાવ.’

બસની પહેલી બે સીટ ખાલી હતી  તેમાં તેઓ સંકોચાઈને ગોઠવાયાં એટલે પાછળની સીટમાંથી આશુતોષે દીપને  પ્રિયાની નજીક ધકેલ્યો.’સ્કૂલના છોકરાની જેમ નર્વસ થઈ ગયો કે શું?મઝા કરવા નીકળ્યાં છીએ દુનિયા જખ મારે આપણને કોઈની પડી નથી.’આશુતોષ મસ્તીમાં બોલ્યો હતો .

દીપ વિચારતો હતો દરરોજ સાંજે છ વાગ્યા પછી એની રુમમાં જીવન વહેતુ થાય છે. હળવી  ઝરમર થાય છે.સાંજે  પ્રિયા રૂમમાં આવે પછી દસેક મિનિટ પછી ડો.આશુતોષ રાઉન્ડ પર દીપની પાસે આવે.બધાં કોલેજકાળના  મિત્રો હતાં તેથી હળવાશના વાતાવરણમાં આશુતોષ વધુ સમય રૂમમાં રોકાતો ,કેટલીક વાર પ્રિયાના ટીફીનમાંથી નાસ્તો કરતો,કેન્ટીનમાંથી ચા મંગાવતો . પહેલેથી તેનો મૂડ મસ્તી મઝાકનો તેથી દીપને અને પ્રિયાને ગમતું.પણ તેઓ જાણતા હતા કે આશુતોષ તેના  હાસ્યમાં ઊંડી  વેદનાને છુપાવતો હતો. તેની પત્ની આ જ હોસ્પિટલમાં પાંચ વર્ષ પહેલાં ગર્ભાશયના કેન્સરમાં મુત્યુને ભેટી હતી.

કે ટલીક વાર દીપ આંખો બંધ કરી સૂતો હોય , આશુતોષ બેડની ડાબી બાજુ ઊભો હોય અને પ્રિયા જમણી બાજુ ઊભી હોય બન્ને દીપની સારવાર કરવામાં મગ્ન,બે તંદુરસ્ત શરીરના ગરમ શ્વાસોનું  પરસ્પર મિલન દીપ એના  કુશ શરીર પર કોઈ તોફાનની જેમ અનુભતો.ફૂલ સ્પીડમાં પૂલ પરથી પસાર થતી ટ્રેનને રોકવા એ એના નબળા હાથ ઊંચા કરી તેની પર ઝૂકેલા બે શરીરને અલગ કરવા પ્રયત્ન કરતો.પ્રિયા અને આશુતોષ

એકસાથે બોલી ઊઠે :’આર યુ ઓ કે દીપ ?’

‘મારાથી શ્વાસ નથી લેવાતો ‘ દીપ કડડભૂસ કડાકા સાથે તૂટી પડતો પૂલ હોય તેમ ચીખી  ઊઠ્યો .

ડો.ઓક્સિજનની નળીને ઠીક કરે છે.પ્રિયા ભીના ટુવાલથી એનું મોં લૂછે છે.

આશુતોષ ;’સી યુ ટુમોરો ‘ કહી રૂમની બહાર ગયો..

દીપ જોતો  હતો  સૂર્યાસ્ત પછીની બારી બહારની ભૂખરી  ઉદાસીનું પૂર રૂમમાં નિશબ્દ ફરી વળ્યું હતું. પ્રિયાના ચહેરા પર થાક અને વેદના ઊભરી

આવી હતી. થોડીવાર પહેલાં રૂમમાં બે તંદુરસ્ત શરીરની હાજરીથી જાગેલાં  સંવેદનોએ  અજાણપણે  એકબીજામાં ભળી જઈ સંમોહક વાતાવરણ સર્જ્યું હતું . પ્રિયાનો ચહેરો પ્રફુલ્લિત થઈ ગયો હતો ,આશુતોષ તેની ડ્યુટીને અને સમયને વીસરી જઈ જાણે સ્વજનની હૂંફમાં નિરાંતવો ઊભો હતો.

દીપને  પોતાના  કેન્સરગ્રસ્ત શરીર  માટે  ધિક્કાર થયો ,કેમ કરીને તેનાથી છૂટકારો મળે ? હજી કેટલી વાર કીમો લેવાનો? અરર આ સતત ઊબકા ને માથાની નસોની તાણ . ના ના હવે સહન નથી થતું .,એ કેટલો લાચાર કે જાતે બાથરૂમમાં પણ નથી જઈ શકતો ,પાણીનો પ્યાલો તેના નબળા હાથથી પકડી શકતો નથી.

પ્રિયા તું રોજ મારા માટે ગુલાબ લાવે છે , આખો દિવસ હું તારા આવવાની રાહ જોઉં છું, મારું મન તને ભેટી પડે છે પણ મારું આ  જડ શરીર  બેડમાં જકડાઈ

રહે છે ! મને આશુતોષના તંદુરસ્ત શરીરમાં પ્રવેશી તને મારા બાહુમાં સમાવી છાતી સરસી લગાડી દેવાનું મન થાય છે.કાશ ! હું પરકાયા પ્રવેશ કરી તારા હૂંફાળા દેહને મારામાં સમાવી શકું ! તારી  ઊભરાતી છાતીમાં  મારું મોં છૂપાવી દઉં !  દરરોજ સાંજે  મને કચ્ચરધાણ કરતું  આવું દશ્ય હું ક્યાં સુધી સહન કરું? ક્યાં સુધી આ અગન પથારી પર હું સૂતો રહું? મારી લાશને સૂકા કાષ્ઠમાં ભડ ભડ બળી જવા દે।.

પ્રિયાએ ટિફિન લીધું અને દીપના કપાળે ચુંબન કરી કહ્યું; ‘કાલે તને સારું ફીલ થશે. ‘

દીપે પિયાનો હાથ ઝાલી કહ્યું ‘નો મોર કીમો ,આઈ કાન્ટ બેર ઈટ ,સૉરી મને માફ કરજે પ્રિયા ‘.

પ્રિયાને આઘાત લાગ્યો ,ગુસ્સો આવ્યો ;’ટ્રીટમેન્ટ વગર શું થાય તને ખબર છે ને?’

દીપે પ્રિયાના હાથને સ્નેહથી  દબાવ્યો:’આપણા પ્રેમને ખાતર મારી પીડાને સમજ ‘.

પ્રિયા ડૂસકાંને દબાવતી   ઊતાવળી ડો.આશુતોષની ઓફિસમાં પહોંચી. ડો.આઈ.સી.યુ માં હતા.

તે લથડતા પગે નીચે આવી ત્યાં દરવાન દોડીને આવ્યો ;’મેમસાબ ઠીક હો?’

તેણે રીક્ષા બોલાવી .પોતાના જ મૃતદેહનો   બોજ તે ઉપાડતી હોય તેમ ભારેખમ પગથી  પ્રિયા   એક ડગલું  ચાલી શકતી નથી એ ..બોજ તેના  ખભાને ,કેડને,સમગ્ર શરીરને ….એના હોવાપણાને તોડી રહ્યો હતો.

*

‘ આજે કેમ આટલી વહેલી આવી?તારી તબિયત ઠીક છે ને?’ડો.આશુતોષે ઉતાવળી ,વ્યગ્ર આવેલી પ્રિયાને જોઈ કહ્યું.

તે ચક્કર આવતા હોય તેમ ખુરશીમાં બેસી પડી.ડોકટરે નર્સને પ્રિયાનું બ્લડપ્રેશર લેવા કહ્યું.

‘પ્રિયા ,લૂક એટ મી ,એટલી બધી ટેન્સમાં કેમ છું ?’ ડોકટરે રિલેક્સ થવા ગોળી આપી.

‘મને દવાની જરૂર નથી,દીપને જરૂર છે અને એ કીમો લેવાની ના પાડે છે.’ પ્રિયા ગુસ્સામાં બોલી.

‘વોટ ? હોસ્પિટલમાં છેક છેલ્લી ઘડી સુધી પેશન્ટને બચાવવા સારવાર અપાય છે.એ અમારી ડ્યૂટી  છે.’ડો.આશુતોષ કડકાઈથી બોલ્યા.

તેણે ખુરશીમાં બેઠેલી પ્રિયાને આત્મિયતાથી ઊભી કરી કહ્યું :’ ચાલ, આપણે એને સમજાવીશું.’

ગઈ કાલ રાતના દીપના શબ્દો પ્રિયાને  રૂંવે રૂંવે દઝાડતા હતા તે એવી આગમાં ફસાઈ હતી કે બચાવની કોઈ દિશા નહોતી.છેલ્લાં બે વર્ષથી તે દીપની સારવાર માટે  સમયને હંફાવવા લડતી હતી,હા ડો.આશુતોષનો સહકાર અને હૂંફ તેને ટકાવી રાખવા બળ આપતાં હતા.પણ દીપ આમ હતાશ થઈ જાય તો ર્ડાકટર શું કરે?શું એની સારવારમાં ખામી છે?શું એનો પ્રેમ દીપને જીવનનો ઉજાસ ન આપી શકે?

ડો.આશુતોષે દીપના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે એની પાછળ આવતી પ્રિયા વચ્ચે જ થઁભી ગઈ.એક ક્ષણ તેને લાગ્યું બેડ ખાલી છે.ડોકટર એનો હાથ પકડી લઈ આવ્યા.ઊંચા ,મજબૂત ડોક્ટરને વેલીની જેમ વીંટળાતી પ્રિયાને દીપે  બન્ધ આંખોએ જોઈ.પછી તે બારીને તાકી રહ્યો ,પ્રિયાથી જીરવાયું નહિ એણે સર..કરતો પડદો ખોલી નાંખ્યો.

 દીપે પોતાની આંખ પર હાથ ઢાંકતા કહ્યું :’આજે તાપ આકરો છે.,આજે તું વહેલી આવી ગઈ ?’

આશુતોષે દીપને સ્ટેથોસ્કોપથી તપાસતા કહ્યું :’શું વાત છે યાર ? તારી સારવાર ચાલી રહી છે ,ને તું કેમ ભાંગી પડે છે?’

પ્રિયાની લાલ આંખો જોઈ દીપ બોલ્યો :’આજે ગુલાબ આંખોમાં સંતાડી રાખ્યા છે?’

પ્રિયા પર્સમાંથી ગુલાબ કાઢતાં ધ્રુસકે ચઢી …એક  .બે  .મિનિટ… રૂમમાં ટોર્નેડો(ચક્રવાત ) આવ્યો હોય તેમ બધું ઊંઘુછત્તુ થઈ ગયું.

દીપના ચહેરા પર અકળ સ્મિત હતું.

આશુતોષને  ગુસ્સો આવ્યો :’બીજાંને રડતાં જોઈ તને હસવું આવે છે?’

દીપ:’હું તો લાચાર છું ,માત્ર દષ્ટા છું ‘.

આશુતોષે પ્રિયાના ઝૂકેલા ખભા પર  પર હાથ ફેરવ્યો.ગુલાબનું ફૂલ દીપના હાથમાં મૂકતી  પ્રિયાના હાથને દીપે હોલવાતા દીવાની ભડકો થતી જ્યોતની જેમ ઝનૂનપૂર્વક  પકડી આશુતોષના હાથમાં મૂકી દીધો પછી બે ઊષ્ણ  હથેળીઓ વચ્ચે  હળવેથી ગુલાબને સરકાવી દીધું .

(ધીરે ધીરે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે ,તમને ફૂલ દીધાનું યાદ –કવિ રમેશ પારેખ )

તરૂલતા મહેતા

તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(20)-મમ્મી “હાઈ ટેક” બની -પ્રજ્ઞા દાદભાવાળા

 

 

હલ્લો રાહુલ બેટા ક્યારે આવે છે?

મોમ તું કેમ ભૂલી જાય છે ?

જો આ વખતે હું આવું ત્યારે તારે ડૉ, ની પાસે જવું જ પડશે,મને લાગે છે તું એક ની એક વાત વારંવાર પૂછે છે, તારી યાદ શક્તિમાં કૈક પ્રોબ્લેમ લાગે છે,તારે દવા ચાલુ કરવી જોઈએ .

ના ના બેટા એવું નથી,આતો તારી સાથે વાત કરવાનું બહાનું ગોતું છું…

ઓહો મોમ તું તો ઈમ્પોસીબલ છો !

બોલ શું કામ હતું ?

બેટા તે મને આ કોમ્પુટર વાળો ફોન આપ્યો છે ને !

તો શું થયું ?

કઈ થયું નથી પણ મારે શોપ્પીંગ કરવું છે,તને ખબર છે મારી ફ્રેન્ડ બધું હવે ઓનલાઈન ખરીદે છે,તો મને આવડતું નથી શીખવાડીશ.

ઓં મમ્મી બહુ સહેલું છે મેં તને એપ ફોનમાં આપી છે ને ? તારે જે શોપ્પીંગ કરવું હોય તે નામ મૂકી શોધી કાઢ.

બેટા એજ નથી આવડતું !જો મને સાડી લેવી છે.પણ એ કેવી હશે કેવી રીતે ખબર પડે ?આવ્યા પછી નહિ ગમે તો ?અને આ તારા પપ્પા લુંગી પહેરે છે એ મને જરાય પસંદ નથી એટલે લેંઘો લેવો છે !

મમ્મી મેં તને કહ્યું હતું ને કે ન ગમે તો પાછી મોકલવાની, એ પૈસા પાછા જમા થઇ જશે.જો એમેઝોન પર આ સગવડતા છે, સમજી ..

ઓક હવે કહે આ સાડી નો સ્પેલ્લીંગ શું આવે ? અને લેંઘો કેવીરીતે લખાય ?

મમ્મી ભૂલી ગઈને ! મેં તને કહ્યું હતું કે તારે લખવાની જરૂર નથી માત્ર બોલ…

પણ ક્યાં બોલું ?તારા પપ્પા ના કાનમાં ?

અરે ફોનમાં બોલ ..

એતો ચાર વાર બોલી,પણ મારું સાંભળે છે જ કોણ ? આ ફોન તારા પપ્પા જેવો છે.

પણ મમ્મી અહિયાં પપ્પા ક્યાં આવ્યા ?

જો બેટા તારા પપ્પા મારી એક પણ વાત માનતા નથી….

મમ્મી હવે તું પપ્પાની રામાયણ ક્યાં માંડે છે ?

બેટા તારા સિવાય કોને કહું ? હમણાં હમણાં તો તમાકુ ખાતા શીખી ગયા છે.

મમ્મી મેં તને આ ફોન ફરિયાદ કરવા નથી આપ્યો, લાંબી લાંબી ફરિયાદ કરશને તો ..

બેટા હું તારા ગયા પછી ખુબ એકલી થઇ ગઈ છું ..

એટલે જ તને મેં ફોન આપ્યો ..નવું નવું શીખ ..અને પપ્પાને મુક પડતા

જો બેટા એમ થોડા એને પડતા મુકાય છે ? અમે સાત ફેરા લીધા છે, જવા દે એનું શું કરવું એ મને ખબર છે,

તું ક્યાં આડી વાતે ચડી ગયો લેટ્સ ડુ શોપ્પીંગ

મોમ તું કમાલ છે પહેલા મને ફરિયાદ કરે છે અને પછી મને જ કાપી નાખ્યો.

અચ્છા સાંભળ આ પ્રતિભા નહિ મારી બહેનપણી એ આજ કાલ ખુબ ભાવ મારે છે.કહે છે હું બધું શોપ્પીંગ ઓન લાઈન કરું છું,ગઈ કાલે કીટી પાર્ટીમાં પાકીટ પણ લઇ આવી હતી કહેતી હતી કે મેં તો ઓન લાઈન લીધું,આવા ટ્રાફિકમાં, ગરમીમાં,ગંદકીમાં કોણ બહાર જાય? હવે શાક પણ ફોન ઉપર લે છે અને યોગા પણ ઘરમાંજ …બસ મને પણ શીખવાડી દે એટલે એની બોલતી બંધ થાય.

મોમ કોઈની બોલતી બંધ કરવા નહિ તારે શોપ્પીંગ કરવું હોય તો શીખવાડું

હા હા એજ …શું તું પણ

હવે મને અંગ્રેજી લખતા ન આવડે તો શું કરવાનું કહે ..

મોમ ત્યાં બ્લુ કલરનું બટન છે એ દબાવીને જોરથી બોલ સારી .. અને  લેંઘો નહિ બોલતી પાયજામાં  કહેજે .

બેટા ઉભો રહે બોલું છું…..

સાડી સાડી ત્રણ વાર બોલી

મોમ સાડી નહિ સારી બોલ

અરે પણ સાડી કહેવાય ને ?સારી થોડી કહેવાય ..ક્યાંક ભળતું જ આવી જશે તો બધા મારી મજાક ઉડાવશે અને તારા પપ્પા તો ખીજાશે એ વધારાનું ..

મોમ.. મોમ સંભાળ બીજા શું કહે છે એનાથી શું ફર્ક પડે છે,તું મારી પાસ શીખ,હું તને શીખવાડું છું ને ! તું બીજા માટે નથી જીવતી …તારી જાતને ખુશ કર પહેલા બીજા સાથે ની સરખામણીમા અને વટ પાડવા તું તારી જાતને ખોઈ નાખીશ.તે બીજાની લાગણીઓ ને જમા કરવા તારી ઈચ્છાઓને ઉધારી નાખી છે બસ હવે તું માત્ર તું તારી જાતને ખુશ કર.

બેટા સમાજમાં રહેવું હોય તો કરવું પડે બીજાને સાંભળવા પડે મિત્રતા રાખવી પડે ને? જો એમ બધા સાથે કટ ન કરી નખાય …

મોમ તું ફેસબુક શીખી જઈશ પછી ઘણા મિત્રો થશે,બધા તને વાર તહેવારે શુભેચ્છા આપશે અને જન્મદિવસે તો કેકના ફોટા અને ફૂલના ફોટાનો વરસાદ થઇ જશે.પછી તું એકલી નહિ રહે,અને તારી સારી રેસિપી મુકીશ ને એટલે લોકો તારા વખાણ પણ કરશે તને એક નવું જ વ્યક્તિત્વ મળશે.આ પાપા તારા વખાણ નથી કરતાને તો કઈ નહિ પણ આખી દુનિયા તારા વખાણ કરશે.તને ખબર છે તું સમગ્ર વિશ્વ સાથે જોડાઈ જઈશ.

હા હા તું બહુ હોશિયાર થઇ ગયો છે ખબર છે અમેરિકા જઈને જાણે મોટો સાહેબ !ચાલ હવે ઝટ શીખવાડ આ ખરીદી કરતા, હજી મારે દૂધ લેવા જવાનું છે આજે બગડી ગયું છે તારા પપ્પા તો કોઈ કામ નહિ કરે અને આવી ને તરત ચાહ માંગશે.

જો તે તારી દરેક પ્રવૃત્તિ અને દુનિયા પપ્પની સાથે જોડી દીધી છે હવે બહાર આવ અને કોમ્પુટર પર દુનિયા સાથે જોડા, દુનિયા પણ જોવા જેવી છે.

હ્હ્હ..હું સારી બોલી.. બેટા જો સારી… ઓ તો ખુબ સરસ છે …

બસ તને ગમતી સારી ઓર્ડેર કર અને પૂજાને દિવસે પહેરી સેલ્ફી પાડી મોકલજે, તારે માટે દૂધ ઓર્ડેર કર્યું છે બસ હમણાં જ આવશે.

બેટા એક મિનીટ કોઈની બેલ વાગી ..અરે આતો ગજબ છે દૂધ આવી પણ ગયું વાહ ..

જોયું મમ્મી હવે આખો દિવસ જલસા કર તું કહે તો નોકરાણી મોકલું ..હવે તું શેઠાણી ..

બેટા મેં સારી સાથે બ્લોઉંસ અને પેટીકોટ પણ એટલે કે ચણિયો પણ ઓર્ડેર કર્યો છે.

બસ ત્યારે પૂજા માટે સામાન પણ આવી જશે, હવે હું ફોન મુકું કામે લાગુ છું ..બેટા તારું ધ્યાન રાખજે અને કાલે સ્કાઈપ પર જરા મોઢું દેખાડ્જે

મોમ હું હવે થોડા દિવસ એક પ્રોજેક્ટ માટે બહાર ગામ જઈશ ત્યાં કદાચ બહુ વાત નહિ થાય વોઈઝ મૈલ કરી સંપર્કમાં રહીશ તું વોટ્સઅપ પર વોઈઝ મૈલ પર જવાબ કરજે ઓકે આવજે…

આ છોકરો પણ હંમેશા ઉતાવળમાં જ હોય ક્યારે નિરાતે વાત જ ન કરે
અરે સવિતા ચાલ ઝટ રસોડું સાફ કર એટલે ચા મુકું ..હમણાં તારા કાકા આવશે.

મણી માસી તમે તો ઘણા મોર્ડન થઇ ગયા આખો દિવસ ફોન અને હવે તો કોમ્પુટર પર બીઝી માવજીભાઈ એકલા એકલા બોલે રાખે પણ સંભાળે કોણ ?

રાહુલનો ફોન આવ્યો હશે …તો હવે માવજીભાઈ ની ફરિયાદ શરુ થઇ ગઈ . આમ વાદ અને ફરિયાદમાં દિવસો જવા લાગ્યા દીકરો જાણે બંને ને જોડતી કડી, બાકી તો બંને પોતાની દુનિયામાં, રાહુલનો ફોન આવે ત્યારે જે ઉપાડે તે નસીબદાર.

હલ્લો રાહુલ સારું થયું તારો ફોન આવ્યો,બેટા તારી મમ્મી સાવ બદલાઈ ગઈ છે મને સમય આપતી જ નથી તને યાદ છે અમારો લગ્નનો દિવસ પણ એતો સાવ ભૂલી ગઈ છે.અમે આ દિવસે અચૂક મહાલક્ષ્મી મંદિર જતા દર્શન કરી ભજીયા ખાતા પણ આજે કહે છે મેં દર્શન ઓન લાઈન કરી લીધા, તમારે ભજીયા ખાવા હોય તો ઓર્ડેર કરું …

પપ્પા તમે પણ શું ? પહેલા તમને ટાઈમ ન હતો ત્યારે મમ્મી ફરિયાદ કરતી અને હવે મમ્મી એ એની પોતાની પ્રવૃત્તિ શોધી,તો તમે ફરિયાદ કરો છો. એક કામ કરો તમે પણ મમ્મીને બુકે ફોનથી મોકલી દયોને !

હા બેટા હવે હું પણ એમ જ કરીશ …

હા કઈ જોઈતું હોય તો મંગાવજો હું કદાચ કામ માટે થોડા દિવસ ત્યાં આવીશ.. ઓકે આવજો

હાશ ભગવાન તે મારી પ્રાર્થના સંભાળી હવે મામ્મી કે પપ્પા કોઈ ફરિયાદ નહિ કરે અને હવે ઇન્ડિયા જઈશ ત્યારે બંનેને નવા ફોન આપીશ એટલે હું મારી ફરજ થી છુટ્ટો ….

હલ્લો મમ્મી હું કાલે ઇન્ડિયા આવું છું તારે કશું જોઈએ છે.

ના બેટા કશું જ ન લાવતો,બધું હવે અહી મળે છે અને હા તું આવે તો છે પણ હું અહી આઠ દિવસ નથી મારા અમુક ફેસબુકના મિત્રો સાથે રિસોર્ટ પર જવાની છું. તું આરામથી ઘરમા રહેજે પપ્પા તો હશે અને જમવાનું હું ઓનલાઈન ઓર્ડેર કરીશ આવી જશે અને તે જે મેઈડ સર્વિસ દેખાડી હતી ને તે સારી કામ આવે છે અને સમયસર બધું કામ કરે છે. હ.. બાકી સ્કાઈપ વાતો કરશું …

મોમ ..તું હોત તો મજા આવતે,… કઈ નહિ આ વખતે તો પપ્પા સાથે સમય વિતાવીશ..ઓકે ત્યારે મળીએ ..

રાહુલ લાંબી મુસાફરી કરી ઇન્ડિયા આવ્યો, ઉબર પણ મમ્મીએ જ બુક કરાવી હતી,રાહુલને થોડું હસું આવ્યું …મમ્મી ફીચર્સ શીખતી જતી હતી! બહુ સરસ બધું શીખી લીધું, શરીર કળતું હતું,તાવ ન આવે તો સારું..રાહુલ મનમાં જ બબડ્યો, વિચાર કરતા ક્યારે ઘર આવી ગયું ખબર જ ના પડી ગુરખો એમની રાહ જોઈ ઉભો હતો આપકી મમ્મીને બોલા હે… સમાન મેં ઉપર પહોચા દું… એ લીજીએ ચાવી.આમ તો જયારે પણ હું આવતો ત્યારે મમ્મી રાહ જોતી નીચે ઉભી જ હોય પણ આજે ગુરખો ઉભો હતો,કદાચ પપ્પા પણ ઘરે નહિ હોય ,ઘરમાં પ્રવેશતા થોડું અજુગતું લાગ્યું ખાલી ઘર માં કૈક ખૂટતું હતું કદાચ મારી આંખો અને હાથ મમ્મીને ભેટવા ટેવાયેલા હતા, સામન આવી ગયો તરસ લાગી હતી એટલે પાણી લેવા રસોડામાં ગયો સામે ટેબલ પર પાણી નો ગ્લાસ અને સરસ મજાની મીઠાઈ થાળીમાં મીણનાદીવા સાથે પડી હતી, અને કાર્ડમાં લખ્યું હતું વેલ્લ્કમ હોમ,મેઈડ સર્વિસ નું કાર્ડ ..ફરી મમ્મી યાદ આવી …હું આવતો ત્યારે મમ્મી ગમે તેટલા વાગે પણ રાહ જોતી બેઠી હોય આવું એટલે ગળે વળગે અને રડે આવી ગયો બેટા ..પછી પાણી આપતા પહેલા ગોળ વંદાવતી,જો જમવાનું ગરમ છે નિરાતે જમીને સુઈ જા … સવારે હું મંદિરથી આવું એટલે ઉઠાડીશ એક ઊંઘ ખેચી લે ..સવારે મંદિરમાંથી લાવેલું ફૂલ આંખે અડાડી ઉઠાડે..હું પણ શું ? મનોમન બબડ્યો અને રાહુલ પાણી પી સુઈ ગયો ..

મમ્મીના ઓટો ઉપરના ભજને સવારે ઉઠ્યો ત્યારે સ્ખત્ત તાવ હતો શરીર કળતું હતું ..અને મમ્મીના ફોનની ઘંટડી વાગી …

ગુડ મોરનિગ બેટા,ઊંઘ આવી ગઈ ને ?.. મેં હા પાડી, મારો અવાજ સાંભળી એક મેઈડ આવી સર ચા તૈયાર છે..

મોમ આ સવિતાબેન ક્યાં ગયા અને કોણ ઘરમાં ફરે છે ?

બેટા મેં સવિતાબેનને હવે નથી રાખ્યા ..

પણ એ તો કેટલા ઘર જેવા,આપણા પોતાના હતા ?

હા પણ મેડની સર્વિસ કૈક અલગ જ છે.

રાહુલે વાત બંધ કરવા કહ્યું સારું ચાલ પછી વાત કરીશ. અને ચા લેવા ઉભો થાય તે પહેલા જ રાહુલ પછડાયો અને પડ્યો …જાગ્યો ત્યારે દવાખાનામાં હતો સામે મમ્મી હતી અને પપ્પા પણ હતા

હું ક્યાં છું ?શું થયું ?

કઈ નહિ તને તાવ ખુબ હતો એટલે ચક્કર આવી ગયા ,મારી મેઈડે મને અને ડૉ ને ફોન કરી બોલાવ્યા, કહે હવે કેવું લાગે છે?

સારું ,રાહુલ એથી વધારે શું બોલે ? એની મમ્મીને જોઈ રહ્યો

ચાલો આજે તને હવે ઘરે લઇ જશું ..અને મમ્મી ફોન પર લાગી ગઈ,

ફોન પર ગુસ્સો કરતા બંધ કરી બોલ્યા,ખરી છે રવિવારના વધારાના ચાર્જ લાગશે.
શું થયું મમ્મી ?

કઈ નહિ આ મેઈડ આજે નહિ આવે

મોમ તો સવિતાબેનને બોલાવી લે ને ?આમ પણ હું એના માટે ગીફ્ટ લાવ્યો છું.

હા એ બરાબર રહેશે,હલ્લો સવિતાબેન તમને રાહુલ યાદ કરે છે. આવો ને આજે ઘરે, તમારા માટે ગીફ્ટ લાવ્યો છે આવો તો એના હાથે તમને આપે. હાશ આવે છે.

મોમ તું ખુબ મોર્ડન થઇ ગઈ છો!

બેટા તે જ મને કહ્યું ને જમાના સાથે ચાલ .મેં કોશિશ કરી પણ સાચું કહું હું જુનવાણી જ સારી છું.ચાલ ઘરે જઈને વાતો કરીએ

સવિતાબેનના આવવા થી રાહુલ અને મમ્મી બને ખુશ થયા, સાંજે શાક લેવા પણ બંને સાથે ગયા રાહુલને માર્કેટ જોવી હતી ને! પછી દરિયા કિનારે શેકેલી મકાઈ સાથે લીલા ચણા ખાધા અને ઘરે આવી સવિતા બેનનો ગરમ રોટલો અને મમ્મીનું બટાટા રીંગણનું શાક ખીચડી અને કઢી સાથે મરીવાળો પાપડ એવો તો સ્વાદિષ્ટ લાગ્યો કે વાત ન પૂછો …બીજે દિવસે  મમ્મી દર્શન કરવા મહાલક્ષ્મીના મંદિરે લઇ ગઈ .. અને દરેક વખતની જેમ દરિયા કિનારે બેસી કેટલીય વાતો કરી..

મમ્મી આ વખતે તારે માટે હું કશું જ ન લાવી શક્યો.

કઈ નહિ બેટા તે આ ખુબ સરસ ગીફ્ટ આપી છે આ ટેલીફોન ! ​દૂર દૂરના કોઈની સાથે હાથવગો સંપર્ક !! એના ​સાથે વ્હોટસ્એપ, મેસેન્જર, ટ્વિટર, ઇમેઇલ, વોઇસ-વીડિયો કોલની વ્યવસ્થાઓ છે. હવે ટેલીફોન વાળાની માથાકૂટ પણ ગઇ, બધુ હવે વાયરલેસ છે, ડાયરેક્ટ ટુ હોમ. સેટેલાઇટ થ્રુ સીધું જ તમારા ​ઘરમાં.. મારે કશું જ ન જોઈએ.  બેટા બધી સુવિધાઓ છે પણ એ સુવિધાઓ સાથે સંવાદિતા જાળવવાની કોશિશ કરું છું મારા બાહ્ય અને આંતરિક મન સાથે તાલ મેલ થાય તો બધું જ સહજ થઇ જાય… મારું હોવાપણું  પણ જરૂરી છે ને ?

તું ખુશ છે ને ?

હા હવે પપ્પા મારી સાથે ચેટીંગ કરે છે.અને તું સ્કાઈપ પર …..એક લાંબો નિસાસો ….

કેમ​ બોલતી નથી ..?​

બેટા ખુશી કોને કહેવી ? હું તો હવે ભીડમાં પણ એકલી છું. જીવનમાં સઘળું વહેંચતા રહેવું એ ​મારી જ નહિ મનુષ્યની મૂળભૂત વૃત્તિ છે. આનંદ હોય કે પીડા આપણા જીવનમાં એની વહેંચણી કરવાની ઈચ્છા હંમેશા રહે જ છે. જે માણસ આનંદ અને પીડા વહેંચવા ખાતર પણ બીજા સાથે જોડાયેલો રહેતો નથી. ​એ ખરેખર એકલા જ હોય છે..કમનસીબે ​હું પોતાનાથી જ અળ​ગી થઇ ગઈ છું.જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતી વેળાએ જે મનોબળની જરૂર પડે છે અને સમસ્યાના સમાધાન માટે જે સ્થિર મનની જરૂર પડે છે તે માત્ર ​જીવંત વ્યક્તિ સાથે સાઘેલી સંવાદિતા જ આપી શકે. ​એ ક્યાં છે ?​ બે સ્થળ વચ્ચેનું અંતર તો ઓછુ થઈ ગયુ.. પણ પ્રાણ અને પ્રકૃત્તિ વચ્ચે આપણી ​વચ્ચે ​અંતર કદાચ વધી ગયુ​ છે.​તું આવે ત્યારે તારા માટે અડધી રાત્રે રાહ જોવી મને ગમતી હતી. આ દુધવાળા સાથે ની ટકટક મારો દિવસ ઉગાડતી હતી, દિવાળીને દિવસે ટેલીફોન વાળા ને બોણી આપવી મને ગમતી હતી. મને ભૈયા સાથે રગજગ કરી ઉપરથી કોથમીર મસાલો મફત મેળવવો ગમતો હતો.જાણે મારો અધિકાર ન હોય. અને પેલા બાજુવાળા માસી સાથે જે ઓટલે બેસી વાતો કરતા એનાથી વધારે વાતો ફેસબુકમાં થાય છે પણ જીવંત માનવીની ખોટ જરૂર વર્તાય છે.માનવી તો જોડતા, તૂટતાં, સંધાતા, ખોડંગાતા, વિસ્તરતા અને વિખેરાતા સંબધ અને સંવેદનાથી બનેલો છે. એની જગ્યા નિરજીવ યંત્ર કેવી રીતે લઇ શકે … ? તને ખબર છે  મને જન્મદિવસે તારા પપ્પા ગજરો આપતા એ ગમતુ ..આ ફૂલોના ગુલદસ્તા કેઈ રીતે મારા ગજરાનું સ્થાન લઇ શકે ?

મોમ તારી વાત સાચી છે હું પણ ઘરે આવ્યો ત્યારે તને ખુબ મિસ કરતો હતો તારા વગર ઘર સુનું લાગતું હતું..તારા સ્પર્શ મને જોઈતો હતો ,બાળક પૃથ્વી પર જન્મે ત્યારે માં સાથેની પહેલી ઓળખ એનો સ્પર્શ હોય છે… ​​​હું અહી એટલે જ આવું છું અને આવતો ત્યારે ​આસપાસના બધાને મળી લેવાની ​મને તાલાવેલી રહેતી. ​હું અમેરિકા તો ગયો પણ ​આસપાસના ​આપણા આ ​નાનકડા વિશ્વ સાથે કોઈ જ કારણ વગર જ જોડાયેલો રહેતો.​સવિતાબેન ,​બેલ મારતો દૂધવાળો​,​પસ્તીની બૂમો પાડતો ફેરિયો, ટિકિટ કાપતો કંડકટર, ​ડુગડુગી વગાડતો મદારી…​, પેલો શાકભાજીવાળો અને બાજુવાળા માસી…. ​ઘરની બેલ, ગાડીના હોર્ન, હું અમેરિકામાં કે કોઈ પણ વિકસિત દેશમાં આ નહિ પામું એની મને ખબર છે. માટે જ કામના બહાને અહી આવું છું. એક જુદી જ જાતની ઉર્જા મેળવીને પાછો જાવ છું.બાળપણમાં વર્ગમાં ભણતાં ભણતાં પાટલી પર બેસી કરેલી મજા મને મારી ઓફીસ ની ખુરશી નથી આપી શકતી, પક્ષીને અવાજ પરથી ઓળખી જનારા ​મારા કાન હવે બગીચામાં બેઠાં બેઠાં પણ પક્ષીના ટહુકા સાંભળી શકતા નથી​. સાચું કહું..હા બધું જ છે પણ કશું નથી એ ખુબ મને વર્તાય છે અને આ ખાલીપણું ભરવા આવું છું .મારી આસપાસના વિશ્વ સાથે જીવંત સંપર્ક​ જાણે તૂટી ગયો છે.મારા ભાંગી પડેલા ​મનની પુન:નિર્માણની જગ્યા​ એટલે આપણું આ ઘર ​ છે મોમ.. મેં જાણે આ મહામૂલી જણસ ગુમાવી ​દીધી છે…

વાતાવરણ સ્તબ્ધ થઇ ગયું કેટલીય વાર સુધી બંને કઈ પણ ન બોલ્યા,… સત્ય બંને ને સમજાઈ ગયું હતું..મમ્મીના વોટ્સ અપના ટીંગ અવાજે બંનેને ની શાંતિ ને તોડી .મમ્મીએ ફોનમાં આવેલો પ્રણવ ત્રિવેદીનો વોટ્સ અપ મેસેજ દેખાડ્યો – “ટેકનોલોજીની આ તે કેવી કમાલ (!!) કે સાવ પાસે બેઠેલાં એક ચૈતન્ય સભર અસ્તિત્વ સાથે સંવાદ સ્થાપવો મુશ્કેલ અને દૂર દૂરના કોઈની સાથે હાથવગો સંપર્ક !!​-​
બંને હસી પડ્યા …

Pragna Dadbhawala
Community Ambassador,
Email: pragnad@gmail.com
Phone: 408-410-2372
http://pragnaji.wordpress.com/
http://junirangbhumi.wordpress.com/m
https://shabdonusarjan.wordpress.com/
http://gujaratidaglo.wordpress.com/

જુલાઈ મહિના માટે તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા જાહેર કરવામાં આવે છે.

‘શબ્દોનું સર્જન ‘ પર જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા જાહેર કરવામાં આવે છે.

વાર્તાનો વિષય –

વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )

સૌ સર્જકમિત્રોને

પોતાની મૌલિક અને બીજે ક્યાંય પ્રકાશિત ન થઈ હોય તેવી વાર્તા મોકલવા આમંત્રણ છે.

નીચેના નિયમોનું ધ્યાન રાખવા વિનંતી છે.

વાર્તાનો વિષય છે આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર 

૮00 થી ૧000 શબ્દોની મર્યાદા  ૧૦૦૦થી વધુ ચાલશે પણ ૮૦૦ થી ઓછા નહિ .

મૌલિક હોવી જોઈએ ,બીજે પ્રકાશિત ન થઈ હોય તેવી વાર્તા સ્વીકારવામાં આવશે.

વાચકોની અને નિર્ણાયકની પસંદગી મુજબ ઇનામો જાહેર થશે.

વાર્તા મોકલવાની છેલ્લી તારીખ 15મી ઓગસ્ટ રહેશે .ઑગસ્ટ માસની ‘બેઠક’માં ઈનામોની જાહેરાત થશે.pragnad@gmail.com  પર મોકલશો.

વાર્તા લખતી વખતે ધ્યાનમાં  રાખવા જેવી વિગતો :

વાર્તામાં કથાવસ્તુની યોગ્ય પસંદગી અને વિકાસ 

પાત્રાલેખન અને તેની અસર 

સંવાદો અને તેની ગૂંથણી 

અંત સુધી રસનું નિરૂપણ 

ઉચિત અંત 

ભાષાશુદ્ધિ અને જોડણી પર ધ્યાન આપવું 

પ્રથમ ઇનામ $૫૧ ,

બીજું ઇનામ: $૩૫

ત્રીજું ઇનામ: $ 31

બીજા બે પ્રોત્સાહક ઇનામો $ ૧૫ ના રહેશે. 

તરુલતા મહેતા

આભાર માની અળગા નથી કરવા છતાં આટલુ જરૂર કહીશ …

સાહિત્યરસિક મિત્રો ,

30મીએ જૂન મહિનાના છેલ્લા શુક્રવારે મળેલી ‘બેઠક ‘ માં પધારેલા સૌ ગુજરાતી ભાષાપ્રેમીઓ આપનો હું ખૂબ આભાર માનું છું.પ્રજ્ઞાબેનની અપ્રત્યક્ષ હાજરી ‘બેઠક’ને બળ આપતી હતી.તેમના કુટુંબમાં નવજાત શિશુ કબીરના આગમનના આનંદ માટે ખૂબ અભિનન્દન.કલ્પનાબેનના જીવંત સઁચાલન માટે તથા રાજેશભાઈનો મારો પરિચય આપવા બદલ આભારી છું. ‘પુસ્તકપરબ’ ના પ્રણેતા આદરણીય ડો.પ્રતાપભાઈ પંડ્યાએ મારા નવા વાર્તાસંગ્રહ ‘સંબંધ’નું  લોકાર્પણ કરી મને ઉપકૃત કરી છે.તેમના પત્ની સૌ.રમાબેન પંડ્યાએ મોરારિ બાપુના જીવનયજ્ઞની ઝલક આપતું ‘આહુતિ ‘ પુસ્તક ભેટ આપી આભારી કરી છે.’બેઠક ‘ ના સક્રિય સભ્ય વસુબેને મને તેમની કલાસૂઝથી બનાવેલું અભિનન્દન કાર્ડ અને ગુલાબનો ગુચ્છ આપી પ્રેમથી ભીંજવી દીધી.

‘બેઠક’માં વિરાજેલા ‘ગ્રન્થગોષ્ઠિ ‘ના નિર્માતા સાહિત્યના મર્મજ્ઞ મુ.મહેન્દ્રભાઈ તથા તેમના મિત્ર ,મુ.દાવડાસાહેબ ,મુ જોશીસાહેબ.તથા સૌ સાહિત્યપ્રેમીઓનો આભાર માનું છું. ‘ઝાઝી કીડી સાપને તાણે ‘ કે ‘ઝાઝા હાથ રળિયામણા ‘ ગુજરાતીભાષાની જાણીતી કહેવતો છે. આપણા  સૌની હ્નદયસ્થ માતુભાષાને   વ્યવહારમાં બોલીશું અને લખીશું તો તેને બળ મળશે.તેના સાહિત્યિક વારસાને જાળવવા ઉત્તમ પુસ્તકોનું વાચન અને મનન કરીશું તો જીવનમાં આનંદ ,જ્ઞાન અને નવી તાજગી આવશે.આપની સૌની મોટી સઁખ્યામાં હાજરી ગોરવપ્રદ છે.

‘બેઠક ‘ના સંચાલક ,સ્થાપક પ્રજ્ઞાબેનનો ઉત્સાહ અને મહેનતથી સાહિત્ય ,સંગીત,નાટક,ભવાઈ એમ સર્વ રીતે ગુજરાતીભાષા પલોટાતી રહે છે . ‘શબ્દોનું  સર્જન ‘બ્લોગ આપને ગુજરાતીમાં હૈયાની સંવેદનાને વ્યક્ત કરવાની તક આપે છે .દરેક મહિનાના અલગ વિષયો પર તમે લખો છો અને માતુભાષાનું ઋણ અદા કરો છો.  અમેરિકામા કેલિફોર્નિયા -મીલપીટાસમાં “પુસ્તક પરબ ગુજરાતી સાહિત્ય પરિવાર”ની  ‘બેઠક’માં  ગુજરાતી ભાષાપ્રેમીઓના વાંચન -સર્જનની અભીપ્સાને પોત્સાહન અને પોષણ આપી શ્રી પ્રતાપભાઈ પંડ્યા  અને પ્રજ્ઞાબેન માતુભાષાનું ગૌરવ વધારતા ભાષાને ગતિમય રાખે છે. મારા વાર્તાસંગ્રહને લોકાર્પણ કરવાની તક ‘બેઠક ‘માં મળી તેમાં આનંદ  અને આભારની લાગણી અનુભવું છું .

જય ગુર્જર ગિરા

તરુલતા મહેતા

(પ્રજ્ઞાબેન આ મહિના માટે  તરૂલતા મહેતા વાર્તા સ્પર્ધાની જાહેરાત  આપ કરજો.

વિષય : આધુનિક ટેક્નોલોજીની(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો ) પારિવારિક સંબંધો પર અસર.

અગાઉ જાહેર કરેલા નિયમો મુજબ જ રહેશે.

ખાસ નોધ -વાર્તા મૌલિક હોવી જોઈએ .બીજે પબ્લિશ કરેલી ન હોવી જોઈએ .)

સર્વે ભાઈ ભાઈ બહેનોને (નોંધ :’વાર્તાસંગ્રહ ‘સંબંધ ‘ કુલ 19 વાર્તાઓ, પુ 107 કિંમત રૂ.125 પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન નવભારત સાહિત્ય મંદિર,ગાંધીરોડ અમદાવાદ -1 )- અથવા મારો સંપર્ક કરજો -pragnad@gmail.com

‘મધર્સ ‘ડે

મિત્રો ,

આપ સૌને ‘મધર્સ ‘ડે ‘ની મારામાં રહેલા માતુત્વ તરફથી અંતકરણપૂર્વકની શુભેચ્છા.માતાને બાળકના જન્મની ધન્યતા અનુભવવા માટે પ્રભુએ કૃપા કરી છે.પણ મેં મિત્રોના સંબોધનમાં પિતાનો સમાવેશ કર્યો છે .સ્ત્રી-પુરુષનું યુગલ પરસ્પરનું અર્ધાંગ છે.મા અને બાપ તેમના સેતુરૂપ બાળકને પૂરા સમર્પણ અને પ્રેમથી ચાહે છે,ઊછેરે છે.આજકાલ સિંગલ ફાધર બાળકની મા અને પિતા બનતા હોવાના કિસ્સા જાહેરમા ચર્ચાતા થયા છે. .પિતા મોટેભાગે બહારની જવાબદારી અને કુટુંબના ભરણપોષણમાં વ્યસ્ત તેથી  બાળકને સમય ફાળવી શકતો નથી.બાળકને સ્તનપાન કરાવતી માં,એને નવડાવતી,એનાં મળમૂત્ર સાફ કરતી મા બાળકની કોણ છે?આદરણીય કવિ મુ.ભગવતીકુમાર તેનો ઉત્તર આપે છે:

માં મારી મિત્ર

મા મારી પહેલી મિત્ર

અને શ્રેષ્ઠ અને છેલ્લી પણ ….

બીજી મિત્રતાઓમાં કદીક સ્વાર્થ ,

તે નહીં તો અપેક્ષાનું બારીક કણું આવી જાય
પછી ઉઝરડો ,તિરાડ
ઉદારતાથી ક્ષમા કરીએ એ વાત જુદી
થીગડું ..અને ભીંગડું રહી જાય
પતિ પત્નીની મૈત્રી આદર્શ પણ વિરલ
હું-પદની ત્વચા એમ શાની ઝટ ઊખડે ?
નખ જરા આદિ જાય ,લોહીની ધાર થાય
હિંડોળાની ઠેસમાં ,પાનનાં બીડામાં ,
ખભે મુકાતા હાથમાં ,બાળકો પ્રત્યેની મીટમાં
નેજવાની છાજલીમાં દાંમ્પત્ય ઓગળે અને મૈત્રી મહોરે તો ભયો ભયો
પણ પરસેવાની ગંધ જુદી તે જુદી જ
માને તો આકાશ જેટલું ચાહી શકાય
દેવમૂર્તિની જેમ પૂજી શકાય
અને પાછું એવું કશું વિચારે -ઈચ્છે કે માગે નહિ
આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની ગંધ
એ સાથે લઈને જ જાય ઈશ્વર પાસે!
અને ઈશ્વર સુગંધ સુગંધ !
ભગવાનની યે મા તો હશે જ ને?
(ભગવતીકુમાર શર્મા )
‘જનની જોડ નહીં જડે ‘ એવાં માતુપ્રેમનાં અઢળક કાવ્યોમાંથી ‘મા મારી પહેલી મિત્ર ,શ્રેષ્ઠ અને છેલ્લી પણ ‘ મારા મનમાં વસી ગયું .વિસ્મૃતિના ટાપુ પર બેઠેલી મારી માએ એના અંતિમ દિવસોમાં મારી ઓળખને ભૂંસી નાંખી હતી ત્યારે મને સમજાયેલું કે મારી જન્મદાત્રી મા જે મારી પહેલી ,શ્રેષ્ઠ અને છેલ્લી મિત્ર મેં ખોઈ હતી.હવે કોની આગળ હદયનો વલોપાત ,ઊકળાટ ,ઊભરો ઠાલવવાનો! બાને શબ્દોમાં કહેવાની પણ ક્યાં વાત હતી? એ તો કરમાયેલું મોં ,ભીની આખો કે ઢગલો થઈ સુનમુન બેઠેલી દીકરીની વાત જાણી જાય.સાચા મિત્રો પણ શબ્દોની લેવડદેવડ કર્યા વિના સમજી જાય છે.
દુનિયામાં મિત્રો તો ઘણા હોય ,તેમાંના કેટલાક બાળગોઠિયા ,ખૂબ નિકટના પણ હોય ક્યારેક અપેક્ષાને કારણે તિરાડ પડતી હોય છે,કૃષ્ણ સુદામાની ‘તને સાંભરે રે ‘
એવી સાંદિપની ઋષિના આશ્રમની મૈત્રી.ગરીબ મિત્રની પત્ની કૃષ્ણ પાસે મોકલે છે,ભગવાન તત્કાલ સુદામાને હાથમાં કાઈ આપતા નથી તેથી સુદામાને માનહાનિ અને દુઃખ થાય છે,પછી ઘેર જાય છે ત્યારે ભગવાનની કૃપા જુએ છે.પતિ-પત્નીમાં પણ અહમ ટકરાયા કરે.ગાંધીજીએ પત્નીને કસ્તુરબા કહ્યા પછી તેમને મિત્ર માન્યા.અહમ ઓગળે માના પલ્લુમાં ગમે તેટલી ઊંચાઈ પર જગતમાં પહોંચો મેલો મેલો તો ય માનો ખોળો
છેલ્લી પંક્તિઓમાં માના અપાર ,નિસ્વાર્થ પ્રેમને પ્રભુરૂપ ગણે છે,પ્રભુએ પોતાના રૂપને માના સ્વરૂપે ઘડી તેથી મા બાપનો આદર એજ મનુષ્યનું ઉત્તમ કર્તવ્ય છે.
આપણા હોઠો પરની દૂધિયા ગંધ અંત સુધી માના અંશરૂપે આપણામાં રહે છે.અંતની પન્ક્તિઓ માટે કવિને સલામ માના ખોળાની બાળકના પેશાબની ગંધ ઈશ્વરને
સુગંધમય કરી દે કારણ મા ઈશ્વરરૂપ છે.એક બાળક જેવો નિર્દોષ પ્રશ્ન ‘ભગવાનને ય મા તો હશે જ ને ?’ કેટલો ગહન પણ સરળ પ્રશ્ન।પ્રેમનું પિષ્ટપેષણ ન હોય1 ,પોથી પઢી પ્રેમ ન પામી શકાય એતો અનુભવ છે.’મુંગા કેરી સર્કરા ‘
હેપી મધર્સ ડે
તરૂલતા મહેતા 12મીમે 2017