હજી મને યાદ છે -૯-એક માની આંતરડી ઠરી-તરુલતા મહેતા

નાના ભાઈ હરીશના લગ્ન મહાલી બસમાં અમે  સૌ હેમખેમ આણદથી ઘરે નડિયાદ આવી ગયાં,ઘણાં વર્ષે બધાં ભેગાં થઈ નિરાંતે હસીખુશી ગપ્પાં મારતાં હતાં.ત્યાં અચાનક બુમાબૂમથી અમે સૌ ચોકી ગયાં.

મારાં છોકરાં ક્યાં ગયાં ?’,કોઈએ જોયો મારા ભીખાને ?”મારી ગીતુ ક્યાં ગઈ?’ ચીસાચીસથી મોડી રાત્રે અમે સૌ દોડીને ઘરની બહાર બગીચામાં આવી ગયાં. સવિતા બાવરી બની ચારે બાજુ જોતી દોડીને સોસાયટીના રોડેથી રડતી ,કકળતી બૂમો પાડતી હતી.અમે સૌ અવાચક થઈ શું કરવું તેની મૂઝવણમાં પડી ગયા.ત્યાં બાપૂજીએ ઘાંટો પાડી કહ્યું,’જા,હરીશ સવિતાને બોલાવ, બધાં જાન્નેયા બસમાં આવ્યાં ત્યારે સવિતાના છોકરાંની ભાળ રાખી હતી કે નહી?’ બધાં બાપૂજીનો પ્રશ્ન સાંભળી નીચું જોઈ ગયાં.અમે મોટો ગુનો કર્યો હોવાનું અનુભવતાં હતાં. સવિતા એટલે બા -બાપૂજીની હાથલાકડી, ઘરના નાનામોટા કામ તે જ કરતી.અમે ચાર ભાઈ -બહેન અમેરિકા વસેલાં, અમારી ગેરહાજરીમા સવિતાના છોકરાંની દોડાદોડથી ઘરમાં વસ્તી લાગતી.બા -બાપુજીનું હેત જોઈ સવિતા કહેતી ,’ છોકરાંને  મન તમે હાંચાં દાદા-દાદી છો, ઘેર એનો બાપા લડે ત્યારે દાદા દાદા કહી દોડે છે.

બાપૂજી મારી તરફ જોઈ બોલ્યા,’તેં  મોટા ઉપાડે બઘી જવાબદારી લીધી હતી,તારી દીકરી અને ગીતુને મંડપમાં મેં રમતાં જોયાં હતાં,બધાયનાં છોકરાં બસમાં બેઠાં,સવિતાનાં છોકરાં કોઈને યાદ ન આવ્યાં?’ બા સવિતાને બરડે હાથ ફેરવતાં બોલ્યાં,’બઘાની બેગો -વસ્તુઓનું ધ્યાન રાખવામાં ખુદના છોકરાં ભૂલી ગઈ?’

બાપૂજીનો પિત્તો ઉછળ્યો,’ઘરના  માણસ સવિતા આ લાવ ,ને તે લાવ કરી બિચારીને અધમુઈ કરી દે છે.એનાં છોકરાનું જતન ક્યારે કરે?’

મેં હરીશના સાસરે ફોન જોડ્યો,રીંગો જતી હતી કોઈ ફોન ઉપાડતું નહોતું,ત્રીસેક વર્ષ પહેલાં દેશમાં મોબાઈલ ફોનનું ચલણ નહોતું,હું અકળાતી હતી,ફોનથી સમ્પર્ક થાય તો સવિતાના  છોકરાં વિષે જાણવા મળે. સવિતાનું રડવાનું ચાલુ જ હતું,’મારાં છોકરાંને કોઈ ભરમાવી ઉપાડી જશે તો મારો વર મને જીવતી નહિ છોડે,’

મેં તેને શાંત પાડતા કહ્યું ,’તારાં છોકરાંને ગમે તેમ કરીને લઈ આવીશું.

જાન્યુઆરીની  કાતિલ ઠંડીમાં મધરાત્રે રીક્ષામાં થરથરતા હરીશના સાસરે જવાનું હતું. નાના ગામમાં ટેક્ષીઓ મળવી મુશ્કેલ હતી.બાજુવાળા સુરેશભાઈ જાનમાં આવેલા તે જાગી ગયા હતા,એમણે કહ્યું મારા ટેમ્પામાં જઈએ,નડિયાદથી આણંદ અડધો કલાક થશે.હરીશ એમની સાથે જવા તેયાર થયો એટલે મારો વચલો ભાઈ કહે ‘,હું જઈશ.એને વહેલી સવારે ફ્લાઈટ પકડવાની હતી એટલે હું સ્વેટર લઈને ટેમ્પામાં બેઠી,દોડીને સવિતા આવી,જીદ કરીને મારી પાસે બેસી ગઈ. ટેમ્પાની એ અડધા કલાકની મુસાફરી દરમ્યાન સવિતા તેનાં સંતાન માટે હેયાફાટ રડતી અને તડપતી રહી.કામ કરીને રુક્ષ થઈ ગયેલા તેના હાથને ઝાલીને સાંત્વના આપતા મારું મન ડંખતું હતું,હું મા હતી માત્ર મારા સંતાનની ચિતા કરતી,લાડ કરતી અને ખુશ રહેતી હતી.

સવિતાની ગીતુ સાથે રમવાનું મારી અલ્પાને  ખૂબ ગમતું.અમેરિકામાં આવું રમનારું કોણ મળે?બાની ઘેર સવિતા કામકાજમાં મદદ કરતી,અને અલ્પુને કમ્પની મળી ગઈ એટલે બજારના કામકાજ મને છુટ્ટોદોર મળી ગયો હતો.અત્યારે સવિતાની મોઘી અનામતને જો આંચ આવશે તો મારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જવું પડે તેવી દશા થશે.એના છોકરાં એકલાં ગભરાઈને ક્યાંક જતાં રહેશે તો કેમ શોધીશું?વાડીમાં લગ્ન હતાં,પરવારીને બધા જતાં રહેશે. અમારાં છોકરાંનું ધ્યાન રાખ્યું ને ગીતુ અને ભીખુને ભૂલી,અરર..બા -બાપૂજી કદાચ  માફ  કરે પણ મારો અતરઆત્મા કેમ માફ કરશે?અલ્પુ મોટી થઈ પૂછશે કે ગીતુ ક્યાં ગઈ ?

સુરેશભાઈએ વાડી આગળ ટેમ્પો ઊભો રાખ્યો.વાડીમાંથી સામાન લાવી મજૂરો બહાર ખટારામાં મૂકતા હતા,સવિતા સીઘી વાડીમાં દોડી ને ,’ભીખુ ,ગીતુ ને બોલાવવા લાગી‘,બહાર આવીને મને વળગી પડી.કોઈ બોલતું નથી,હાય ,હું ક્યાં શોધીશ? ‘ સુરેશભાઈએ મજૂરોને પૂછ્યું આટલામાં બે નાનાં છોકરાં ફરતાં જોયાં છે?’મજૂરે કહ્યું ,’અંદર તપાસ કરો,અમે કામમાં છીએ.

વાડીમાં મોટાભાગની લાઈટો બંઘ હતી,સુરેશભાઈએ  ટેમ્પામાંથી બેટરી લાવી બધે જોવા માંડ્યું ,એક ખૂણામાં પાથરણા વાળીને મૂક્યા હતા.ત્યાં સવિતા બોલી ઉઠી ,ભીખુ ઉઠ તારી મા છું ,ગીતુ ..બિચારા  ઠંડીમાં ઠીગરાઈ ગયાં છે,બોલતા ય નથી ‘. મેં સુરેશભાઈને કહ્યું ,’તમે અડઘી રાત્રે મદદ કરી,છે તે એક માની આતરડી ઠારી,થેંક્યું વેરી મચ

મારા મનમાં હું સુરેશભાઈનો એમ પાડ માનતી હતી કે આજે તેમને કારણે એક મોટા અપરાધમાંથી બચી ગઈ.હા એવો અપરાધ કે  મારા જેવી સ્વાર્થી માને  બીજી મા જેણે પોતાના સંતાનો ખોયાં છે તે કદી માફ ન કરે.મારી પાસે બેઠેલી સવિતાના ખોળામાં બેસવા ચડસાચસડી કરતાં એનાં છોકરાં જોઈ અત્યાર સુધી બાંધી રાખેલી મારી  લાગણી પ્રવાહી બની વહેવા લાગી. સવિતા એની બહેન હોય તેમ એના ખોળામાં  ગીતુને બેસાડી બોલી, ‘લો,આ બે જણા સાજાસમાં મલ્યા,હવે શેના ઢીલાં થાવ છો.ઈ તો કાલે માતાજીને હુખડી ધરીશ પછી સૌ સારાવાના.

સવિતાનની દીકરી મારી છાતી પર માથું ઢાળી નિદ્રામાં ઝૂલતી હતી,એના વાળમાં ફરતી મારી આંગળીઓ અલ્પુના વાળમાં ફરતી હતી.  અલ્પુની માબનવા લાયક થઈ હોય તેવો ભાવ થયો,

તરુલતા મહેતા

‘ગ્રન્થનો પંથ”-તરુલતા મહેતા

મિત્રો,

હું ખુશનસીબ છું કે વતનનો ગુણવંત શાહનો મધુરો,પ્રસન્ન જ્ઞાનરસિત  ટહુકો શબ્દોની પાંખે તમારા સુધી પહોંચાડી શકું છું .અહીં સાહિત્યપ્રેમીઓ સારી કૃતિઓના રસાનન્દ માટે ચાતકની જેમ પ્રતીક્ષા કરે છે તેમ ત્યાં  ‘બેઠક’ના તેમજ અન્ય ગુજરાતીભાષા માટે લગાવ રાખતા મિત્રો ગુજરાતી સાહિત્યના નવનીતને પામવા આતુર છે.તેથી જ બેધડક હું મારા સાહિત્યપ્રેમની ગોષ્ટિના  આનંદમાં સૌને સહભાગી થવા સામેલ કરું છું.

મારા વતન નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીમાં દર મહિનાના પહેલા રવિવારે ‘ગ્રન્થનો પંથ ‘નું આયોજન થાય છે ,તેમાં મેં આ પૂર્વે જય વસાવડા ,ડો.મણિલાલ પટેલના આત્મકથા વિશેના વ્યાખ્યાનોની વાત કરી હતી.આજે ગુજરાતના લોકપ્રિય કોલમ લેખક પદ્મ શ્રી વિભૂષિત ડો.ગુણવંત શાહની  ‘બિલ્લો ટિલ્લો ટચ’ આત્મકથા વિષે રૂબરૂ તેમના મુખે કહેવાયેલી રસપ્રદ વિગતો રજૂ કરીશ.

ડો.ગુણવંત શાહે  80વર્ષની વયને અને તબિયતની ફરિયાદોને હરાવી દીધી. તેઓએ પ્રસન્નતાથી  અને શ્રોતાઓને પોતા તરફથી ઉત્તમ આપવાની તૈયારી સાથે ગૌરવપૂર્વક સ્થાન ગ્રહણ કરી સૌનું અભિવાદન કર્યું.લોકપ્રિય લેખક અને વક્તાને શ્રોતાએ ઊભા થઈ તાળીઓથી આવકાર્યાં.

પ્રારંભમા ડો.હસિત મહેતાએ પરિચય આપતા જણાવ્યું કે ગુજરાતમાં વિચારોની ક્રાતિ લાવવામાં તેમજ નિર્ભીકપણે  વ્યક્ત કરવામાં ગુણવંત શાહનું પ્રદાન મોટું છે.તેઓ ઉત્તમ નિબન્ધકાર,કોલમના કિંગ ઉપરાંત ગંભીર વિચારક ,ચિંતક છે.પૂર્વ -પશ્ચિમના ઉત્તમ જ્ઞાનના સમુદ્રનું મન્થન તેમણે કર્યું છે,વર્તમાન સમયમાં ઉપનિષદ ,રામાયણ ,મહાભારત,ગીતા ,મહાવીર ,બુદ્ધ (યુદ્ધ કે બુદ્ધ ?)ગાંધીજી ,વિનોબા ભાવે ,મુરારી બાપુ વિષે વાંચી વિચારી વાચકોને સર્જનાત્મક અભિગમથી પુસ્તકો આપ્યાં છે.

તેમની વય તેમણે આપેલાં પુસ્તકોની સન્ખ્યા

સાથે સ્પર્ધામાં છે.(જન્મ 12મી માર્ચ 1937 જન્મ સ્થળ રાંદેર,સુરત ) તેમની આત્મકથાની નિખાલસતા અને સુરતી બોલીની  ખરબચડી મીઠાશ વાચકને રસમાં (સ ને સ્થાને હ )તરબોળ કરે છે.

‘દોસ્તારો ફળિયામાં રમતા હોય ત્યારે ઘરમાં બેસીને ભણવાનું અળખામણું લાગતું.બારીના સળિયા જેલના સળિયા બની જતા.’વડીલો કહેતા નહીં ભણો તો રાંદેર સુરત વચ્ચે ઘોડાગાડી ભાડે ફેરવજો.’વડીલોને ખબર નહોતી કે અમને સાહેબ બનવા કરતા ઘોડાગાડી ચલાવવાની આકર્ષક લાગતી.'(બિલ્લો ટિલ્લો ટચ’)

આવી સરળ રીતે તેઓ પોતાના બાળપણને આલેખે છે.રાંદેરમાં પ્રાથમિક શિક્ષણ બાદ સુરત અને વડોદરામાં પી.એચ.ડી. થયા.એ જ યુનિવર્સીટીઓમાં પ્રોફેસર અને ડીનની સેવા બજાવી. લેખન માટે વહેલી નિવૃત્તિ લીધી.નડિયાદના સાક્ષર ,પન્ડિત ,વિચારક તત્વજ્ઞાની લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ પણ મુંબઈની ધીખતી વકીલાત છોડી ‘સરસ્વતીચંદ્ર ભા.1થી 4 ‘મહાનવલનું સર્જન કર્યું હતું.સાહિત્યને માટે સેક્રિફાઈસ આપ્યાના દાખલા ઉત્તમ સર્જકોમાં છે.

બાળપણથી ગુણવંત શાહના  વિચારો બંડખોર  હતા.તેમના માતુશ્રી પાકા ગાંધીવાદી અને સમાજસેવિકા.ઘરમાં રેંટિયો ચાલ્યા કરે.ઘરમાં બળોતિયાંથી માંડી સર્વત્ર ખાદીનું ચલણ.હરિજનોની સેવા અને સમાનતા સર્વત્ર,તેને માટે માતા અનેક પ્રવૃત્તિ કરે તેથી તેઓ કહે છે,માતામાં માતુત્વ કરતાં નેતૃત્વના ગુણો વધારે.માતાના હરિજન પ્રત્યેના સમભાવની અસર તેમના માનસમાં સદૈવ રહી છે,ગાંધીજન્મ દિને કિશોર અવસ્થામાં માથે મેલું મૂકી મિત્રો સાથે પદયાત્રા કરેલી પરિણામે દુર્ગન્ધને આખો જન્મારો વેઠતા હરિજનો માટે તેમને અનુકમ્પા હતી.  બહારની ગાંધી ચળવળમા રોકાયેલી માના પ્રેમનો સહવાસ બાળ ગુણવંતભાઈને ઓછો મળતો.બાળપણમાં માતુપ્રેમની ઝન્ખના તેમને સતાવતી.તેઓ કહે છે કે તેથી જ તેઓ તેમના પોતાનાં  સન્તાનોનાં ફાધર અને મધર બન્ને છે.પત્રોમાં તેમનાં સન્તાનોને હમેશાં ફાધરલી અને મધરલી લવ પહોંચાડતા.દુનિયાના  કોઈ પણ ખૂણે પ્રવાસ કરે સન્તાનોને પત્ર પહોંચાડે.જે આજ સુધી સચવાયેલા છે.ગાંધીજી દરેક પત્રનો જવાબ આપતા.ગુણવંત શાહને  ગાંધી સિધ્ધાતોના ગળથુથીમાંથી મળેલા સઁસ્કારો તેમના  જીવનના વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે.અનેક બાબતોમાં તેઓ ગાંધીજીના વિચારો સાથે સંમત નથી તે તેઓએ નિર્ભયતાથી કહ્યું છે.ખાસ કરીને બહ્મચર્ય વિશેના ગાંધીજીના વિચારો તેમને માન્ય નથી.

ગુણવંત શાહના પિતાશ્રી વેદાભ્યાસી હતા.બાહ્મણોના  કુટુંબોમાં ક્વચિત જોવા મળે તેવો વેદોનો અભ્યાસ તેમના પિતાશ્રીએ કર્યો હતો.નાનપણથી ‘ઈશાવાસ્ય ‘ઉપનિષદ મોઢે હતું. ગુણવંત શાહ રાંદેરમાં તાપી નદીના કાંઠે સૂર્ય સમક્ષ ઈશાવાસ્ય ઉપનિષદનું  ગાન કરતા.’અસ્તિત્વનો ઉત્સવ ‘ ઈશાવાસ્યમ ‘ એવાં પુસ્તકોમાં તેમના જ્ઞાનનો પરિચય મળે છે.ગમે તેવા ગંભીર વિષયને તેઓ રસપ્રદ રીતે રજૂઆત કરે છે.

તેમની આત્મકથાનું શીર્ષક આકર્ષક છે,જિજ્ઞાસા જગાડે છે એ શું કહેવા માંગે છે?રાંદેરના એમના ફળિયામાં રમાતી એ બાળકોની પ્રિય રમત હતી.સન્તાકુકડી જેવી સાત ભિલ્લુઓ સન્તાય અને બીજા શોધે.તેમણે વિચારોના વૃદાવનમાંથી કૃષ્ણ ,બુદ્ધ ,મહાવીર ,ગાંધી . જેવી મહાન વિભૂતિઓને પોતાની મૌલિકતાથી શોધી વાચકોને ઉપકૃત કર્યા.

જીવનલક્ષી ,ફિલોસોફીકલ, ચિંતનપૂર્ણ,સર્જનાત્મક સાહિત્યનો પરિચય તેમણે ગુજરાતને અને પરદેશને કરાવ્યો.આજે પણ તેમના વ્યાખ્યાનને સાંભળવા બહુ સઁખ્યામા લોકો આવે છે.(વ્યાખ્યાનો માટે મોટી રકમ ચૂકવાય )લાયબ્રેરીના ઊપર ,નીચેના હોલ અને રસ્તા સુધી શ્રોતાઓ રસમાં લીન હતાં.નાની ,મોટી બધી જ ઉંમરનાં રસિક જનો તેમને સાંભળતાં હતાં.

આ આત્મકથાના પુસ્તકના આવરણ પરનું બે પગ ,બે હાથ અને માથું એવા માણસનું ચિત્ર તેમણે જ સર્જેલું છે.તેઓ માનવપેમી છે, પ્રેમી સ્ત્રી પુરુષના મિલનને આવકારે છે.તેથી જ ભગવાન કૃષ્ણની રાસ લીલા અને ગોપી પ્રેમનું ગાન કરે છે.ગાંધીજીના વિચારો જીવનને સત્ય અહિંસા અને સંયમની અંતિમ કક્ષાએ લઈ જવાના અગ્નિમાં તાવે છે.ગુણવંત શાહને કૃષ્ણનો રોંમેન્ટીઝીમ ગમે છે.ગોકુળમાં પ્રેમ છે,શુંગાર છે.બળાત્કાર નથી.પ્રેમથી વંચિત સમાજ ગુનેગારોને જન્મ આપે છે.

જેમ ગોવર્ધનરામનું  સ્વપ્ન  આદર્શ  કલ્યાણગ્રામ  હતું ,જ્યાં કલાકરો,સાહિત્યકારોનું સન્માન થાય.

 ગુણવંત શાહ કહે છે તેમનું ડ્રિમલેન્ડ કૃષ્ણનું

ગોકુળ છે. ‘કુષ્ણલીલા મધુર મધુર ‘પુસ્તક્માં લેખક ભાગવતના દશમ સ્કન્ધના આધારે ગોપીપ્રેમને સમષ્ટિના પ્રેમ સુધી વિસ્તારવાની વાત કરે છે.પ્રેમમાં લાલિત્ય ,કોમળતા અને રસિક શ્રુંગાર હોય,તુપ્તિ હોય અને મુક્તિ હોય.જ્યાં ચાહ છે,ત્યાં આહ નથી. જ્યાં બુદ્ધ છે,ત્યાં યુદ્ધ નથી.જ્યાં કૃષ્ણપ્રેમ છે ત્યાં જીવનમાં મધુરતા છે.એવા જગતગુરુ કૃષ્ણ સૌના જીવનના સારથિ છે.

કોઈ તેમને ઋષિ તરીકે ઓળખાવે તે પસંદ નથી.માનવ તરીકે પ્રેમ કરવો ,સર્વ સૌંદર્યને જોઈ આનન્દ મેળવવો તેમને ગમે છે.તેઓ નિખાલસતાથી કોઈ મેક્સિન સુંદર સ્ત્રીના આકર્ષણની વાત પત્નીને કહે છે,એ રીતે શ્રોતાઓ તેમના વ્યાખ્યાનને હસતા હસતા માણે છે.હીંચકે બેસી કલાકો પત્ની-સખી અવન્તિકા સાથે સંગત માણે છે ત્યારે મુકેશ અંબાણી ,ટાટા ,બિરલા કે કોઈપણ પેસાદાર કરતાં પોતાને વધુ સમૃદ્ધિવાન ગણે છે.તેમના ત્રણ સન્તાનોના ભર્યાભાદરા સઁસારના મધુરા ટહુકાઓમાં જીવનને માણે છે.તેમને અપાયેલી સોગાતને તેમણે માતુભાષાના વિકાસ અર્થે દાનમાં આપી તેમના ઔદાર્યનો પરિચય આપ્યો. શ્રોતાઓ તરફથી પૂછાયેલા પ્રશ્નોના જવાબો વર્તમાન પરિસ્થિતિને અનુરુપ નિખાલસતાથી આપ્યા.તેમની કોલમોમાં વર્તમાન સમસ્યાની છણાવટ અને ચિંતન   હકારાત્મક અભિગમથી કરે છે.ગુણવંત શાહ સાથેની ગોષ્ટિમાં બે કલાકના  સમયની

રસસમાધિથી  સૌ કૃતાર્થ થયા. હવે   એપ્રિલના પહેલા રવિવારે સ્વ.તારક મહેતાની આત્મકથાની ચર્ચા માટે માટે પ્રતિક્ષા કરશે.

તરુલતા મહેતા 7મી માર્ચ 2017

(ગૂગલની સાઈટ પર ગુણવંત શાહના પુસ્તકોની માહિતી પ્રાપ્ય છે.ગુજરાતીબુક્સ.કોમ પરથી પુસ્તકોની ખરીદી સરળ છે.)