ત્રાજવુ
૧૯મી ઓક્ટોબર, ૧૯૮૭.
આજે ધન તેરસ હતી એટલે લક્ષ્મીપૂજનની તૈયારીમાં પરોવાયેલી અર્ચનાએ પતિ, રાજુલને બે ત્રણ વાર બોલાવ્યો પણ રાજુલે જવાબ નહીં આપ્યો એટલે એ શયનખંડ તરફ વળી. ઉઘાડા કમ્પુટરના કિબોર્ડ પર માથુ મુકીને રાજુલને સુતો જોઇ અર્ચના રાજુલને ઉઠાડવા પાસે સરી. રાજુલનાં રુંધાએલા ડુસ્કાનો અવાજ સંભળાયો. ત્યાં જ કમ્પુટર પર થીજી ગયેલા “SHARE MARKET CRASHED” શબ્દો જોઇ ઘડિભર એનો શ્વાસ થંભી ગયો. પોતાના આંસુ રોકી, ધડકનને સ્થિર કરી, તરત જ તેણે રાજુલને માથે હાથ ફેરવતા કહ્યુ “પૈસા માત્ર લક્ષ્મી ક્યાં છે? આપણો પ્રેમ, મમ્મીની કેટલીએ વિપરિત પરિસ્થીતિઓમાંથી તટસ્થ રહીને ઉપર આવવાની અપાર શક્તિ અને આપણા બે રતન, એ જ અમુલ્ય લક્ષ્મી સ્વરુપ છે. ચાલ, ઊઠ, લોકોના ફોન આવે કે લોકો બારણા ખખડાવે એ પહેલા આપણે પૂજા કરી લઇએ અને ચા નાસ્તો કરી લઇએ.” રેશમી સાડીના પાલવથી આંસુ લુછતી અર્ચનાને રાજુલ ભેટી પડ્યો.
લગ્નને હજી ત્રણ વર્ષ પુરા થવાને છ મહિનાની વાર હતી. અર્ચનાએ બરોડા કોલેજમાંથી એકાઉન્ટંટ ડિગ્રી ૧૯૮૪માં મેળવી હતી અને રાજુલે બરોડા યુનિવર્સિટિમાંથી MBA in Business ની ડિગ્રી ૧૯૮૨માં મેળવી હતી. બેઉને કોલેજની પરીક્ષા પાસ થતાં જ, સુરતની બાર્જાત્ય સિલ્ક મિલ્સમાં નોકરી મળી હતી. એક જ જ્ઞાતના એટલે સાહજિક મળે ત્યારે સાધારણ વાતો કરતા. દિવસો જતાં ક્યારે મળશું એ વિચારની લગની બેઉને લાગી ગઇ.
એ મુંગા પ્રણયને ત્રણેક મહીના થયા હશે.
હંમેશની જેમ, આ શુક્રવારે પણ અર્ચના અમદાવાદ રહેવાસી પિતા, જતીનભાઇ અને માતા સુમતિબેનને મળવા ગઇ. થોડીવારે જતીનભાઈએ કહ્યું કે “રાજુલના માતા, મીરાબેને રાજુલ માટે, સામે ચાલીને તારા હાથની માંગણી કરી છે તો તારી શું મરજી છે? તારે વિચાર કરવાનો સમય જોઇએ તો કંઇ ઉતાવળ નથી.”
અર્ચનાનાના હોઠ મલકી ગયા એ પિતાને વળગી પડી.
તરત જ સુમતીબેને સુરતવાસી મીરાબેનને ફોન કરી શુભ સમાચાર આપ્યા અને રવિવારે જ વેવિશાળની વિધિ ઉજવાઇ. પ્રણામ કરતી અર્ચનાને બાથ ભિડતા મીરાબેને “મારા ઘરમાં લક્ષ્મીનાં પગલા ક્યારે પડશે તેની આતુરતાથી વાડ જોઉ છું.” કહી સહુના મનમાંથી સાસુ નહી પણ બીજી મા જ અર્ચનાને મળી છે એ જાણી ખુબ આનંદ થયો.
રાજુલ અર્ચનાને સુરત બતાવવા બહાર લઇ ગયો. શેરડીનો રસ પીતા પીતા અર્ચનાએ રાજુલને પુછ્યુ “તું મમ્મીને મન ખોલીને બધું જ કહી શકે છે એ જાણી મને ખૂબ આનંદ થયો. મારા વિષે તેં જ મમ્મીને કહ્યું હતું, ખરું, ને?”
“હા. આ જમાનામાં નોકરીને ખાતર માબાપ હોવા છતાં એકલી રહે છે એ જાણી તારી હિંમત પર મને ખૂબ માન થયું. જતીનબાપુને કઇં તારી કમાણીની જરૂર ન હતી. તારા સ્મિત અને તારી આંખોમાં હું હંમેશ પ્રસન્નતા સાથે સંયમ જોતો. મમ્મીને મેં જ કહ્યું હતું કે તુ મને ગમે છે. બસ, મમ્મી તમારુ સરનામુ મેળવી, અમદાવાદ જતિનબાપુ અને સુમતિમાને મળવા ગઇ., હે, મમ્મીએ તો તારી ચિત્રકળા પણ જોઇ, મને ક્યારે બતાડીશ?”
“તુ અમદાવાદ આવે ત્યારે! રાજુલ, મને તો મમ્મી બહુ ગમે છે.”
“મમ્મીને પણ તું ગમી ગઈ છે.”
૧૯૮૫ની છઠ્ઠી જાન્યુઆરીએ લગ્ન લેવાયા. આજે અતુલ દોઢ વર્ષનો અને મહેશ ત્રણ મહિનાનો.
અતુલના જનમ પહેલા જ અર્ચનાએ નોકરી છોડી દીધેલી. બીજી વાર અર્ચના ગર્ભવતી થઇ ત્યારે એની તબિયત એટલી બગડી કે એને પથારીવશ થવું પડ્યું. રાજુલે નક્કી કર્યું કે અર્ચનાની સારવાર અને અતુલની દેખરેખ એ પોતે જ કરશે એથી એણે પણ રાજીનામુ.આપ્યું. ઘરે બેઠા કંઇક કમાણી કરવી જોઇએ એ વિષે મમ્મી અને અર્ચના સાથે વાત કરી, મિત્રો અને સગાઓના સહયોગથી શેરબજારમાં રોકાણ કરવાનું શરુ કર્યુ
હજુ તો પાયો નંખાતો હતો ત્યાં ધરા જ સરકી ગઇ!!!
પોતાનું ઘર ગિરવે મુકી મીરાબહેને પૈસા અર્ચનાના હાથમાં મુક્યા. અર્ચનાએ પણ પોતાના દાગીના વેચી નાખ્યા. ધાર્યું હતું એના કરતાં ઉઘરાણી નિમિત્તે લેણદારોએ ઘણી સભ્યતાથી માંગણી કરી. જેમની પાસેથી નાણાં વ્યાજે લીધેલાં તેઓને હિસ્સા પ્રમાણે ૫૦% આપી દીધા અને બાકી માટે છ મહિનાનો વાયદો માંગ્યો, જે લેણદારોએ વધુ વ્યાજે સ્વિકાર્યો.
અમેરિકામાં વસતા સુમતિબેનની એકની એક બહેન લતા અને બનેવી કિરણભાઇની અત્યારે એવી જ હાલત હતી. ચાર વર્ષ પર કિરણભાઈએ નોકરી છોડી, ઘર ગિરવી મુકી, ધંધો શરુ કર્યો હતો. લતા ઘરનું બધું કામ પતાવી કિરણને મદત કરવા ફેક્ટરીમાં જતી. લતા અને કિરણભાઇની દેખરેખ વગર સવારથી મોડી રાત સુધી તરુણ દીકરી, રાગિણી અને ૧૦ વર્ષનો દીકરો, કમલ સ્કુલે જતાં, લતાએ બનાવેલું ખાઇ લેતા અને મોટે ભાગે સુઇ જતાં. લતાને જવું જ પડતું કારણ બેથી વધુ કારીગરોને પગાર આપવાના પૈસા હતા નહીં. જરુર પડે એક મિત્ર બાળકોની સંભાળ લેતા. માની હૂંફ અચાનક જતી રહી એથી બેઉ બાળકો પર દુઃખદ અસર પડી. બેઉને લાગ્યુ કે મા બાપના જીવનમાં એમનું કઇં મહત્વ નથી. ભણવામાંથી મન ઉઠી ગયું, ડાહ્યો દીકરો તોફાની થઇ ગયો. છોકરાઓને ક્યાં ખબર હતી કે મોટે ભાગે દૂધ વગરની દસ ગણા પાણી વાળી કોફી પર જીવતાં મા બાપને કેટલી ચિંતા હતી. આખરે ઓક્ટોબરની ૧૯મી પછી ઘણા ધંધા બંધ થઇ ગયા અને કિરણની ફેક્ટરી પણ બંધ થઇ ગઇ. ઘર ગુમાવ્યું, છોકરાઓનો પ્રેમ અને આદર ગુમાવ્યા, લતાએ તરત જ નવી નોકરી શોધી તેથી ભાડુ ભરવાના પૈસા તો મળી રહેતા પણ બીજો ખર્ચો બહુ વિચારીને કરવો પડતો. લતા અને કિરણ પણ બોલ્યા વગર સાથે રહેતા હતા. સબંધોના તાર તુટી ગયાં હતા. એમને મદત કરનાર કોઇ ન હતુ. અમેરિકામાં ડોલર પહોચાડી મદત થાય એટલા રુપીઆ સુમતિબેન પાસે નહી હતા. પ્રાર્થનાથી મન મનાવ્યુ.
અર્ચનાની આવી પરિસ્થિતી જાણી, અમદાવાદનું ઘર વેંચી જતીનભાઇ અને સુમતીબેન સુરત આવી વસ્યા. આર્થિક મદત કરવાના એમના પ્રસ્તાવને, “ના, હું ક્યાં નથી જાણતી કે કેવી પરિસ્થીતિમાંથી તમે ઉંચા આવ્યા છો? માએ તો કોઇ દિવસ નોકરી પણ કરી ન હતી. કરકસરથી ઘર ચલાવી હું માની જ દીકરી છુ એ સાબિત કરવાનો મને અવસર મળ્યો છે તો એ લ્હાવો કેવી રીતે જતો કરું?” એમ કહી અર્ચનાએ જ ના પાડી. તો પણ સુમતીબેન અવાર નવાર ખાવાનુ બનાવીને લઇ જતાં અને પૌત્રો માટે રમકડાં અને કપડાં લઇ જતાં.
જિંદગીના આ પાસામાંથી કેવી રીતે હેમખેમ બહાર નીકળવું તેની યોજના કરતાં કરતા, એક વિશિષ્ટ બાળમંદિર ખોલવાનો વિચાર આવ્યો અને અપનાવ્યો. ઘર સારુ એવું મોટુ હતું.. બાળકોને ભણાવવાનો ઓરડો, રમવાનો, જમવાનો જુદો અને આરામ કરવાનો જુદો ઓરડો. રસોઇ ઘર અને બાથરૂમની નીચે વ્યવસ્થા હતી જ. ગુજરાતિની સાથે સાથે અંગ્રેજી ભાષાનો પણ પરિચય આપતાં. બાળમંદિરના બાળકો માટે સવારનો નાસ્તો અને બપોરનું જમણ પણ તેઓ જાતે જ બનાવતા. અર્ચનાએ ભણાવવાની અને કારોબારની જવાબદારી લીધી, રાજુલે બાળકોની દેખરેખની, ચોક્ખાઇ અને બાળકોને રમાડવાની જવાબદારી લીધી અને મીરાબહેને રસોડુ સંભાળ્યુ. બાળકોના ઘરેથી કોઇ કુટુંબી મીરાબહેનને કે રાજુલને મદત કરવા આવતા તો તે બાળકોની ફીમાં દિવસના ૪% પ્રમાણે ઘટાડો કરી આપતા. એ રીતે બાળકોના માબાપને અનુભવવા મળ્યુ કે અર્ચના કેટલી ઇમાનદાર છે અને બાળમંદિરમાં કેટલા પ્રેમ અને શિષ્ટાચારથી બાળકોનો વિકાસ થાય છે!. બાળમંદિરની ખ્યાતિ જોત જોતામાં એવી પ્રસરી કે બાળકોની સંખ્યા વધવા માંડી. આવક આવતાં એમેણે પહેલાં લેણદારોના પૈસા ચુકવ્યા, પછી ઘર છોડાવ્યું અને પછી ઉપરના માળિઆના છાપરાને ઊંચુ કરી ૩ શયનખંડ, દિવાનખંડ અને બાથરૂમની સગવડ કરી. હવે ઘણા લોકોએ અર્ચનાને વિનંતિ કરી કે પ્રાથમિક શાળા ખોલો એટલે સ્કૂલબોર્ડની સંમતી લીધી. ઘરને ફરતી જમીન પર બીજા ૪ ઓરડા અને એક બાથરૂમ બંધાવ્યા. પ્રાથમિક શાળા શરુ કરી. પરિવારનાં સત્કર્મોના ફળરૂપે લક્ષ્મી દેવી ફરી પધાર્યા છે.
હવે લતા અને કિરણભાઈની પરિસ્થીતિ પણ ઉર્ધ્વગામી છે, એમના અથાગ પરિશ્રમ અને પ્રમાણિકતાના પ્રભાવે, ઇશ્વ્રની કૃપા વરસી છે. ભુતકાળ ભૂલીને બેઉ જીવનની આંટીઘુંટીને ઉકેલવાનો પ્રયત્ન કરે છે અને સારી પદવીવાળી નોકરી કરે છે. પાછું ઘર ખરીદ્યુ છે રાગિણી અને કમલનાં હોઠપરનું સ્મિત જોઇ લતાનાં થીજેલા આંસુ ઓગળતા જાય છે.
સપના વિજાપુરા