” તમે મને એવા લાગો ” -(17)દીપક પંડ્યા

IMG_1693

 

 

 

” તમે મને એવા લાગો ” વિષય સંદર્ભે અર્ચિતાએ સુંદર લેખ લખ્યો . લેખની મોહિનીમાં તરબોળ થયા પછી શ્રીમતી પ્રજ્ઞા દાદભા વાળા
( યુ એસ ) એ કહેણ મોકલ્યું કે આ વિષય પર લખનાર લેખિકા ના ધર્મ પતિઓએ ( પત્નીને ધર્મપત્ની કહેવાય તો ધર્મ પતિ પતિને કેમ નહિ ?) પણ પ્રસ્તુત વિષય પર પોતાના અંગત મંતવ્યો રજૂ કરવા જોઈએ. તક ની રાહ જોતા , સિંહ ને જેમ શિકારની પ્રતીક્ષા હોય તેમ મારા મનમાં વિચારોનું ઘોડાપૂર ઉમટ્યું ….પ્રથમ વિચાર એ આવ્યો કે તમે મને એવા લાગો એ “તમે મને કેવા લાગો એ સ્વયમ્પૃચ્છા નો પ્રત્યુત્તર છે. જયારે મનમાં પ્રશ્ન સર્જાય કે તમે મને કેવા લાગો ?…ત્યારે વાત આવે કે તમે મને એવા લાગો…..જયારે મન કોઈની સાથે તમારા પ્રિયજન ની સરખામણી કરવા માંડે અથવા તમારા પ્રિયજન ની અનુભૂતિ બીજા વ્યક્તિત્વમાં નિહાળે ત્યારે મન ને થાય કે તમે મને એવા લાગો ….તુલના એ મન ની નિરંતર ચાલતી પ્રક્રિયા છે.મન ને હંમેશા તુલના …સરખામણી ના ભાર પર જાગૃત રહેવાની ટેવ છે.અને તેથી જ તુલના ના ત્રાજવે ક્યાંક તો અતિશયોક્તિ થવાનો ભય પણ રહે , તો ક્યારેક સરખામણી માં વ્યક્તિત્વમાં કોઈ અભાવ પર પણ નિર્દેશ હોઈ શકે,તુલનામાં આ ભયસ્થાન છે.મન હંમેશા શારીરિક ઇન્દ્રિયોના સથવારે અનુસંધાન સાધે છે.પણ તેની સામે હ્રદય પોતાના દિવ્ય ચક્ષુ થી તુલના વગર પ્રેમનો આવિર્ભાવ ઉત્પન્ન કરે છે.તો મારા હૃદયને કોઈ પૂછે કે કે “એ તમને કેવા લાગે. ? “તો પળભરના વિલંબ વિના જવાબ મળે કે …..”એ મને જેવા છે એવા જ લાગે……એવા જ ગમે …..”.
અર્ચિતા ઈશ્વરનું યુનિક સર્જન છે,જો કે દરેક વ્યક્તિ માટે આ લાગુ પડે જ છે,પણ મારા માટે અર્ચિતા ઈશ્વરની અનન્ય ભેટ છે એમ માનું છું.એના જેવો દેખાવ કે સ્વભાવ બીજામાં એ ઝાંખી હોઈ પણ શકે પણ મારા અસ્તિત્વ સાથે જોડાઈને જે અર્ચિતાનું વ્યક્તિત્વ છે એ અનન્ય છે. સ્વભાવ ,સંસ્કાર ,વર્તન,હૂંફ ,પ્રેમ,લાગણી બધું અનન્ય અને વધારે મહત્વનું એ કે જે છે એ મારા માટે છે.મન અને હૃદયના ઘર્ષણમાં અનુસરું હું હૃદય ને જ …..અને હૃદય ની સામ્રાજ્ઞી એ તો અર્ચિતા …..એટલે હૃદય પણ વરે એને જ !….
નિખાલસતા,ભોળપણ ,સ્મિત,પ્રેમ ,સમજણ ,આદર્શ કુટુંબ ભાવના આ બધા સાથે ભૂલી જવાની ટેવ …..આવા પાસાઓનું મિશ્રણ એટલે અર્ચિતા …..માટે જ હંમેશા હું અર્ચિતાને કહું છું કે મારે માટે પહેલી અર્ચિતા ………..બીજું શા માટે ?……..
દીપક પંડ્યા

તમે મને એવા લાગો ” (16) જયા હેમંત ઉપાધ્યાય

તમે     મને   એવા  લાગો   ( જયા   ની   નજરે    હેમંત   )

ઘર  માં  શ્રી  રામ  અને બહાર  શ્રી   કૃષ્ણ   થઇ ને  ફરે

ક્યાંક  ગોપી  દીઠી  નથી   ને   રાસ  રમવા   શરુ  કરે

ઓળખાયા  નહિ જીવન માં   એની વાણી પર સહુ મરે

કેમ  ભોળવાયો  મારા રૂપમાં  ,એનો ઉકેલ શોધવા  ફરે

પથરાયો મિત્રવર્તુળ માં ,શબ્દો  થી સહુમાં   સ્નેહ ભરે

સમજાયો નહિ  સ્વભાવ થી ,લોકો  એના  વખાણ   કરે  

ગભરાય  નહિ વા  વંટોળ થી ,સ્વજનો  માં હિંમત   ભરે

હર પ્રસંગ કે ઉત્સવ માં ,વ્યવસ્થા  ઓ   લાજવાબ    કરે  

ઉચકાયો   માં ની કૃપા થી ,પરમ એનામાં  આવડત  ભરે

વીંટલાયો છે  મારી આસપાસ ,સાત જન્મ સાથ  ના ખરે

પડછાયો થઇ ને  મારો ,હર દિન મુજ માં શ્વાસ    ભરે

પ્રેમ લગ્ન થી થઇ છું એની ,બોલીએ  અમે એક   જ સ્વરે

                                  બોલીએ  અમે એક   જ સ્વરે

જયા   હેમંત   ઉપાધ્યાય

-ઓમ  માં    ઓમ  

તમે મને એવા લાગો ” (15) હેમંત વી ઉપાધ્યાય

તું   મને   એવી લાગે   ( હેમંત   ની  દ્રિષ્ટિ  માં   જયા )

જોયો  મેં  એક  તરોપો, ને  જયા  ની યાદ    આવી ગઈ ,

બહુ  ઉંચે  થી  આવી ને,  લીલોતરીની   જેમ છવાઈ   ગઈ

લીલો રંગ  શાંતિ  નો ,ને સુકાઈ  તો  શ્રીફળ  થઇ  ગઈ

ત્રણ  ફળ  આપી  મુજ ને ,’શ્રી ‘ સ્વરૂપે, ઘર માં  વ્યાપી ગઈ

ડાઘ વગર ના સફેદ  રંગ થી ,દિલ માં  મીઠાશ  ભરી ગઈ

મીઠા  સ્નેહ  રસ  થી ,મુજ જીવન ને  તરબતર  કરી ગઈ

સંસ્કાર  સમજણ ને સાથ  થી ,સહુ ને પોતાના  કરી ગઈ

પ્રથમ  પગલે  ભણતર  ને  પછી  ઘડતર   જમાવી   ગઈ

સંપત્તિ  એની  સંતાનો  ને ,સ્વજનો  પ્રેમ થી દેતા દુહાઈ

વીંટળાઈ છે  મુજ   હૈયા ને  ,બની સાત જન્મ ની વનરાઈ

કર  જોડી  પ્રાર્થે  હેમંત ,ખુદા રાખજે  પ્રેમ ની  ખુદાઈ

કદી ના દેતો   જીવન માં, અમને  એકબીજાથી   જુદાઈ

                                 અમને  એકબીજાથી   જુદાઈ

હેમંત     વી  ઉપાધ્યાય

ઓમ માં  ઓમ

૨૨-૦૧-૨૦૧૬

“તમે મને એવા લાગો ”  (14)  અર્ચિતા દીપક પંડ્યા

“તમે મને એવા લાગો “–એને હું પ્રેમાનુંભુતી નો શાબ્દિક આકાર કહીશ.  ‘એમના’ વિષે લખું છું ત્યારે કહીશ કે મારા પતિ શ્રી દીપક પંડ્યા એ મારા માટે ‘પંડ્યાજી’ છે. અઢાર વર્ષની વયે સગાઈના બંધને હું બંધાઈ ત્યારે નવું જીવન , નવા સાથી ની હોંશ સાથે સાથે મને સંકોચ પણ થતો હતો, શરમ આવ્યા કરતી ….અમારી આગલી પેઢી નામ દઈને પતિને ન બોલાવે,અને નવી પેઢીમાં ઘરમાં હું પહેલી. એટલે સાવ જુનવાણી પણ ન થવાય અને નામ કેવી રીતે દઉં ?… એવો સંકોચ તો હતો જ …..એમાં હુલામણું નામ હોઠે આવી ગયું …પંડ્યાજી …..અને ધીરે ધીરે હવે બધાના પંડ્યાજી જ બની ગયા…… અને ખરેખર આ નામ સાથે ઉત્પન્ન થતી સન્માનિત અવસ્થા અને સ્થિતિને એમને બરકરાર રાખી છે.
સંબંધ નક્કી થયો એ દિવસ એટલે ૩૦ જુન ,૮૪ …અને ત્યારે બંને એ મળીને ત્રણ કલાક વાતો કરી હતી.થોડા વધુ સમજુ અને મોટા યુવાન તરીકે એ ખૂબ બોલ્યા અને હું સસ્મિત હામી ભરતી ગઈ , ટાપશી પુરાવતી રહી …..અને જીવનમાં અનુસંધાન તૈયાર થઇ ગયું. દરેક વાતે આ હૃદય સ્વીકૃતિની મહોર મારતું રહ્યું અને જીવન સાથે જીવવાની આશા જગાવતું રહ્યું.
જેમ નજીક રહેવાનું થયું એમ લાગ્યું કે ઘણી વિચારશીલ છે આ વ્યક્તિ,બહુ દૂરનું જોઈ શકે છે, આયોજન થી જીવે છે અને હું  પ્રભાવિત થઇ….નોકરી ,બીઝનેસ સાથે સાથે એમનામાં ના કલાકારને બખૂબી જીવાડ્યો .ઘણા ક્ષેત્રમાં નામના કરી …પોતાના વ્યક્તિત્વને એમને સંસ્કાર અને ગુણોની વારસાઈ ઉપરાંત પોતાની દ્રષ્ટિથી ઘડ્યું છે.કુટુંબમાં પળાતા મૂલ્યોને જાળવી રાખી સંજોગો અને સમય અનુસાર બદલાવું પડે તો બદલાવાની સ્થિતિસ્થાપકતા પણ ધ્યાનાકર્ષક ….જે ઘણી અનુકુળ સ્થિતિ નું જીવનમાં નિર્માણ કરે છે.સમયની શિસ્ત ના ખૂબ આગ્રહી….પૂરી પાળે ….એને લીધે પ્રસંગોમાં માંડવાના લોકો પહોચે એ પહેલાના અમે પહોચી ગયાના દાખલા બને ઘણીવાર …..પણ અમે એ વાતે સાથે હસી લઈએ છીએ…….
કુટુંબમાં નાના હોવા છતાં જવાબદારી વહન કરવા હંમેશા
તત્પર  રહેવું  એ  એમનો  ગુણ છે. કુટુંબને ચાહવું એ એમનું  જીવન  છે. નાના હતા ત્યારે નવા નવા પરણેલા હોઈએ ત્યારે ક્યારેક લાગે આપણો ક્રમાંક ક્યાંક દસમો -બારમો તો નથીને જીવનમાં ?..પણ ના , ક્યારે ક્યાં કુટુંબીજનને સાચવવા અને સંભાળવા એ ક્રમનું એમને બરાબર જ્ઞાન છે.અને એ જ એમનો પ્રેમ ….પ્રેમમાં નીતરી જવાનો અનુભવ પણ થઇ ચૂકયો છે !
સુંદર વ્યક્તિત્વ ,વાક ચાતુર્ય -હાજર જવાબી પણું અને રસિકતાથી હંમેશા મનને મોહી લીધું છે એમણે ,ત્યારે એ છેલ છબીલા લાગે, પુત્રી અને પુત્ર બંનેના ઉછેરમાં સમય ઓછો મળવા છતાં પૂરતો ફાળો આપ્યો છે.જીવનમાં કઈ રીતે આગળ વધવું એવો સાર અસાર સારી રીતે સમજે ત્યારે એ મને માર્ગ દર્શક જેવા લાગે છે…..આવા વ્યક્તિત્વ ને લીધે એક સ્ત્રી તરીકે મને ખૂબ સલામત જીવન બક્ષ્યું છે.ત્યારે એ જીવનને ઓપ આપનાર ઘડવૈયા જેવા લાગે છે.અનેક રૂપે ભાસતા એ પૂર્ણ પુરુષોત્તમ જેવા પણ લાગે છે ……
શરૂઆતના વર્ષોમાં અણગમતી પરિસ્થિતિઓમાં ક્રોધ પૂર્વકનો એમનો વહેવાર હોય ત્યારે મિજાજ  હળવો કરવા “કડક સિંગ ” નો ઈલ્કાબ મારાથી પામી ચૂક્યા પણ છે ! ! ! ! …..બાકી રજાઓમાં અને મહત્તમ ઘરમાં રહેવાનો એમનો અનુરાગ મને પીડે પણ ખરો ! ત્યારે સ્વાભાવિક હસતા કહું કે અમે ઘરની બહાર નીકળીએ તો અમારે મીટર ચડે !…..પણ મારો પ્રેમ એમને બહાર લઈ જવા પ્રવૃત પણ કરે એ સારી વાત છે !….ત્યારે મને એ વિષ્ણુ જેવા લાગે ….કે લક્ષ્મી દેવી ને ખુશી આપવામાં જ સુખી છે !….
પણ ખરા દિલથી કહું તમે મને પંડ્યાજી,…..મહાદેવ જેવા લાગો છો ….ગુણ બધાં પાર્વતી જાણે !….સાથે એ ય ખરું કે પાર્વતી માટે મહાદેવ અને મહાદેવ માટે પાર્વતી સર્જાયા હોય એવું લાગે ……
અર્ચિતા  દીપક  પંડ્યા   

તમે મને એવા લાગો(૧3) રાજુલ કૌશિક

કાચા સૂતરના તાંતણે બંધાયેલો સંબંધ આટલો મજબૂત હોઇ શકે એ તો અનુભવે જ સમજાય. જીવનભર એકબીજાનો સાથે નિભાવવાની વાત કહેવી જેટલી સરળ છે એટલી નિભાવવી સરળ છે ખરી ? શક્ય છે જો પુરતી સમજદારી હોય તો.

કોલેજના પ્રાંગણથી માંડીને ઘરના આંગણ સુધી પ્રસરેલો અમારો વ્હાલસોયો સંબંધ. અમે બે અને અમારા ચાર એવા નાનકડા પરિવારમાંથી હું આવી સીધા બાર જણના સંયુક્ત પરિવાર. અહીં મને અત્યંત પ્રેમાળ આવકાર મળ્યો. સૌ જાણતા હતા કે આણે તો શેક્યો પાપડ પણ ભાંગ્યો નથી… કોઇ ચિંતા નહી. ગાડી આવડતી એટલે દાદી, મમ્મી અને કાકીને દર્શન કરવા લઈ જવાના, કાકાના બાળકોને ભણાવવાના અને રસોડામાં જરૂર જેટલી મદદ કરવાની.. ભયો ભયો

પણ આ સંયુક્ત પરિવાર વચ્ચે પણ અમારો સમય અમને મળી રહેતો. શરૂઆતનો સમય તો જાણે સરરરર પવનની પાંખે ઉડતો ચાલ્યો. પછી તો ફેક્ટરીના બહોળા વ્યાપ વચ્ચે એ અને દિકરી-દિકરા પાછળ હું એમ બંને વ્યસ્ત બનતા ગયા. ફેક્ટરીના કામના લીધે ગુજરાત સિવાય દિલ્હી, પંજાબ, મહારષ્ટ્ર એમ આવન-જાવન વધતી ગઈ.

સૌથી મઝાની વાત તો કૌશિકને શોપિંગનો ભારે શોખ એટલે જે દિવસે બહારગામથી ઘેર પાછા આવે ત્યારે ઘરના ડ્રોઇંગરૂમમાં જાણે મેળાવડો ભરાય. અમારા જ નહીં ઘરના બધા બાળકો માટે ગિફ્ટ આવે.અમારા ઘરમાં તો સૌ માટે આવે એની સાથે મારી બહેનો અને ભાઇ માટે પણ કંઇક ગિફ્ટ હોય જ.

શોપિંગનો શોખ તો આજે ય એવો જ. કોઇ નવી વસ્તુ જોઇ નથી કે ઘરમાં આવી નથી. હવે તો મારો દિકરો હસતા હસતા કહે છે કે વાંધો નહી મમ્મી બેઝમેન્ટમાં જગ્યા છે ત્યાં સુધી પપ્પા છો એમને મન થાય એ લાવતા બહુ બહુ તો શું થશે ? બેઝમેન્ટમાં જગ્યા નહીં રહે તો પપ્પા ગાડીમાં સુઇ જશે અને શોપિંગ એમના બેડ પર પાથરી દેવાનું,

મોટાભાગે એવું બને કે પત્નિને શોપિંગ કરવું હોય અને પતિદેવ નન્નો ભણતા હોય. અમારા કેસમાં ઉંધું મારે બે વસ્તુ જોઇતી હોય અને અમારા દલા તરવાડી બાર અપાવે. દુકાનદારને પણ નવાઇ લાગતી . એક બટકબોલા સેલ્સમેને તો કોમેન્ટ કરી કે આવું તો પહેલી વાર જ જોયું ભઈ અપાવે છે અને બેન ના પાડે છે. મને યાદ નથી કે મારે કોઇ વસ્તુ લેવા માટે ના સાંભળવી પડી હોય. બસ મારે તો ખાલી આંગળી ચીંધવાની જ વાર…..

ઉત્સાહનો તો ખજાનો…છલોછલ ..છલકાયા જ કરે. કોઇપણ પ્રોગ્રામ કરવાનો હોય તો તરત જ તૈયાર. કોઇપણ નવા ટ્રાયલ લેવાના હોય તો પણ હા જ હોય. એક દિવસ તો ભારે કરી. આઇસ સ્કીનો પ્લાન થયેલો. ક્યારેય સ્કેટિંગ સુધ્ધા કરેલું નહી અને સીધા આઇસ સ્કી માટે તૈયાર. એના શુઝ કેટલા વજન વાળા ?? લગભગ પાંચ કીલોનું વજન તો હશે જ પણ એ હોંશે હોંશે પહેરી તો લીધા પણ ચાલતા ય ફાવ્યું નહી તો સ્કી ની હિંમત જ ક્યાં કરાય? આજે પણ એ સ્કી શુ પહેરીને કેવી રીતે ચાલતા એ યાદ આવે છે અને હસી પડાય છે. હમણાં તો વળી રાઇફલ શુટીંગમાં હાથ અજમાવ્યો.. ભઇ ક્યારેય ખોટી રમકડાની પિસ્તોલ તો પકડી નથી અને સીધું રાઇફલ શુટિંગ ? તો કહે હા ! હું તો કરવાનો…ઇન શોર્ટ કોઇપણ વાતની ના નહીં અને કશું પણ નવું અજમાવામાં પાછી પાની નહી.

કોન્ફિડન્સ તો ક્યાં ય ઉછીનો લેવા જવો જ ના પડે. પહેલી વાર વિઝિટર વિઝા પર આવ્યા ત્યારે ઇન્ટરનેશનલ લાયસન્સ લઈને આવ્યા હતા. અમેરિકામાં ક્યારેય ગાડી ચલાવેલી નહીં , રસ્તાની ઝાઝી જાણકારી નહી અને એક દિવસ જી.પી.એસના સહારે સીધા ફોર હન્ડ્રેડ પર. ફોર હન્ડ્રેડ એટલે આટલાંટાનો ફ્રી વૅ. છ છ લેનના રસ્તા અને અમદાવાદના કિલોમીટર કરતાં ડબલ કહેવાય એવા ૬૦ થી ૭૦ માઇલની ઝડપે દોડતી ગાડીઓ અને એ તો ઉપડ્યા…જ્યારે ઘરમાં ખબર પડી ત્યારે તો ઘરમાં સન્નાટો..બે કલાક પછી પાછા આવ્યા ત્યારે કોઇ રેસ જીતીને આવ્યા હોય એવું ચહેરા પર વિજયી સ્મિત…..શું કહેવું?

આવી રીતે ક્યારેક જીવ અધ્ધર કરી નાખે પણ સાચું કહું તો હથેળીના છાંયે મને રાખી છે.હું કંઇક નવું કરું એમાં મારા કરતાં એ વધુ રાજી. મારા દરેક કામમાં પુરેપુરો સાથ એમ માત્ર કહું તો ઓછું કહેવાય, ખરેખર તો મને દરેક બાબત માટે પ્રોત્સાહિત કરવામાં ક્યારેય ઓછા નથી ઉતર્યા. મારી ખુશી એમાં એની ખુશી. મારી તકલીફ એના માટે સવાઇ તકલીફ. ગુસ્સો તો એમની નાકની ડાંડીએ રહેતો હોવા છતાં મારા ગુસ્સાને પ્રેમથી ઝીલ્યો છે. મારી ઇચ્છાઓ, મારી જરૂરિયાતને મારા કહ્યા પહેલા જાણી છે અને પુરી કરી છે.

રાજુલ કૌશિક

 

તમે એવા લાગો ! (12)રશ્મિબેન જાગીરદાર

એક દિવસ અમે ગાંધીનગરથી આવતાં હતાં . સાથે મારા પતિ ના મિત્ર અને તે વખતના રાજ્યના નાયબ રૂરલ કમિશ્નર પટેલસાહેબ પણ હતા, તેજ વર્ષો માં અમદાવાદ -ગાંધીનગર ટ્વીન સીટી તરીકે જાહેર થયેલાં , એટલે હેડ ક્વાર્ટર ગાંધીનગર હોવા છતાં બંને મિત્રો માટે રોજ અપડાઉન કરવાનું શક્ય બનેલું .તે દિવસે સામજિક પ્રસંગે જવાનું હોવાથી હું પણ સાથે હતી , અમે વાતો કરતાં હતા એવામાં પટેલ સાહેબ મને કહે :-” રશ્મિ બેન તમે તમારા પતિના પગ ધોઈ ને, તે પાણી રોજ પીઓ છો કે નહિ ?”
મેં કહ્યું :-” છી એવું ગંદુ પાણી હું શું કામ પીવા બેસું ?”
પટેલ સાહેબ :-” તમને આ સહેબ ની પૂરી ઓળખ નથી એટલે આવું કહો છો , તમને ખ્યાલ છે? કે આ માણસ ધારે તો રોજ ના લાખ રૂપિયા થી વધારે પૈસા થેલા માં ભરી ને તમારા માટે લાવી શકે છે , પણ આ ખાદીધારી સાહેબ, ઘર નું ગોપીચંદન વાપરી ને એટલેકે ખીસા માંથી કાઢી ને તેમને મળવા આવનાર દરેક ને ચા નાસ્તો કરાવે અને યોગ્ય હોય તેના કામ કરી આપે કાયદેસર ના હોય તો મોટા ધુરન્ધર નું પણ કામ ના જ કરે .”
અમે બંને જોબ ને લીધે વ્યસ્ત રહેતા, ચેલેન્જીંગ જોબ , અને નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવાની ટેવ એટલે અમને જોબ ની વાતો કરવાનો સમય ભાગ્યે જ મળતો, જે સમય મળે તેમાં અમારા બાળકો અને સાંપ્રત બનાવો પર ચર્ચા કરતા . પટેલ સાહેબ ની વાતો એ મારા પતિ ની એટલી મોટી હકીકત ઉજાગર કરી ને મને તેમના વિષે વિચારતી કરી મૂકી .પછી તો એક પુસ્તક વાંચવાનું શરુ કરીએ, અને આપોઆપ આગળના પાનાં બદલીએ તેવી જ રીતે બધી વાતો યાદો આવવા લાગેલી. અનેક વાતો મેં લખી પણ નાખેલી છે , તેમાં ની કેટલીક વાતો ફરી થી યાદ કરી ને , ” મને તમે એવા લાગો ” લખવા બેઠી છું તો , અંદર થી આનંદ અને શુકુન નો અહેસાસ થાય છે .ખરેખર !
અમારા લગ્ન થયા એવામાં અમે સમય મેળવીને અંતકડી અચૂક રમતા બંને ને સંગીત સંભાળવાનો અને ગાવા નો શોખ એટલે મઝા આવતી !એક દિવસ રમતા રમતા જ વાત નીકળી તો કહે, :- ” ચલ, તારે જે રીતે જીવન જીવવું હોય તે જણાવતું ગીત તું લખી ને મને આપ ને હું પણ તને લખી આપું. અમે બંને એ એક બીજા ના લખેલા કાગળ માં વાંચ્યું તો ખુશી થી હરખાઈ ગયા , બંને માં લખ્યું હતું , ” લે લે દર્દ પરાયા, કરદે દુર ગામ કા સાયા, તેરી ખુશી તુજ કો મિલ હી જાયેગી …….” . અમે આખે આખું ગીત જીવનમાં ઉતારવા માંગતા હતા!!! બે જણે સાથે ચાલવાનું હોય અને એક જ રસ્તો બંને ની પસંદ હોય ! એના થી રૂડું બીજું શું ? મારી તો ખબર નથી પણ મારા પતિ એ ગીતની બધી કડી ઓ ને આત્મસાત કરી ને તે પ્રમાણે જીવવાનો સંનિષ્ઠ પ્રયત્ન જીવનભર કરેલો .
ડીવીઝનની ઓફીસ માં જાય ત્યારે સૌ થી પહેલાં વોચમેન ની ખબર પૂછે ,: – “ક્યાહે ભૈયા ઘરપે સબ ખેરિયત તો હૈ ?” અને જયારે તેને કઈ મુશ્કેલી હોવાનું જાણે તો તરત જ ઓફીસ માં બોલાવી ને જરૂરી મદદ કરે. એના પરિણામ સ્વરૂપે જયારે એજ ઓફીસ માં અમારી મોટી દીકરી જોબ માટે જતી તો વોચ મેં એ જાય ત્યરે એને અચૂક બોલાવે , ” બિટિયા સાહબ કેઈસી હો ?”
અમારા લગભગ બધાજ સગાવ્હાલા ને માટે તેઓ એક એવી વ્યક્તિ હતા જેને પોતાની વાત કરી શકાય . ક્યારેક તો બે ભાઈઓના કે, બાપ દીકરાના કે પછી સાસુ વહુ ના કલહ ની વાતો પણ હોય તેમાં જેનો વાંક હોય તેને સ્પસ્ટ કહી ને સુલેહ માટે સમજાવતા. અરે પતિપત્ની ના કલેહ ના પ્રસંગો પણ સુલઝાવેલા, આ બધુ શક્ય એટલે બનતું કે બધાને એકવાત ની ખબર હતી કે આમાં પોતાનો કોઈ સ્વાર્થ નહિ હોય અને જે સાચું હશે તેજ કહેશે .વળી કડપ પણ એવો કે જેનો વાંક હોય તે ડરે પણ ખરું !
ક્લાસ વન ના ફેડરેશન ના તેઓ સળંગ ૨૧ વર્ષ પ્રેસિડેન્ટ સહેલા તેનું પણ આજ કારણ , ગીતા પર હાથ મુક્યા વગર , ” જે કહીશ તે સત્ય કહીશ અને સત્ય શિવાય કઈ નહિ કહું.” એને હમેશા પાળતા , એક મઝાની વાત મને યાદ આવે છે ઓફિસોમાં, જ્યારે બદલી ઓ નો દોર ચાલુ હોય ત્યારે ઘણા ઓફિસરો અમારા ડ્રોઈંગ રૂમ માં આવી ને બેસતા અને પોતાન પ્રશ્નો કહેતા . એમાં એક રમુજી ઓફિસર ( જે હાલ અમેરિકા રહે છે ) કહેતા, અમારે અમારા રોદણા રડવાનું સ્થાન તમારો ડ્રોઈંગ રૂમ છે એટલે અમે તેનું નામ “ક્રાઈંગ રૂમ ” પાડ્યું છે! અને તમારા ઘરનું નામ-” મફત સલાહ કેન્દ્ર” !
જુના ફિલ્મી ગીતો નો શોખ એવો કે, અલભ્ય ગીતો પણ અમારા સંગ્રહ માં મળી રહેતા . અમદાવાદ માં ચાલતી ગ્રામોફોન ક્લબ પણ જુના ગીતો ના કાર્યક્રમો માટે પ્રવૃત્ત છે. નિવૃત્તિ પછી આ ક્લબમાં તેઓ એવા જોડાઈ ગયેલા કે પછીતો જાણે તેઓ ગ્રામોફોન ક્લબના અને ગ્રામોફોન ક્લબ તેમની પોતાની!!!

 

રશ્મિબેન જાગીરદાર

“તમે મને એવા લાગો”(11)પદમા-કાન

 

એક દિવસ મારી પૌત્રી વિધિ મને પૂછી બેઠી “દાદાને તમે પહેલી વાર ક્યારે મળ્યા’? ”હું હાર પહેરાવવા ગઈ ત્યારે”. ..આવું કેવી રીતે બને?તેણે મને ફરીથી પ્રશ્ન કર્યો.હા બેટા અમારા જમાનામાં ઘરના વડીલો જ સારું ઘર સારો છોકરો કે સારી છોકરી જોઇને નક્કી કરી લેતા.મને પણ એ વખતે થોડું મનમાં એવું થતું પણ જવા દે.ઘર સારું છોકરો સારો માણસો સારા એ વિશ્વાસ સાથે દીકરીની વિદાય થાય છે.

જીવનનો ખરો ખેલ તો હવે શરુ થાય છે.પતિ પત્ની બન્યા પછી બન્નેની જવાબદારી સરખી હોવા છતા મારા માનવા પ્રમાણે એક સ્ત્રીને વધારે ભોગ આપવો પડે છે.કારણ કે તેના માટે કહેવાતા આ સાસરિયાનું મંચ તદ્દન નવું હોય છે.એમાં ય જો સંયુક્ત કુટુંબ હોય તો?કામનો બોજો વધી જાય છે,હા પણ અને ના પણ.એ કેવી રીતે?સંયુક્ત કુટુંબમાં બધાંનો સમય અને શક્તિનો બચાવ સાથ લક્ષ્મીનો પ્રભાવતો ખરો જ. એથી પણ વિશેષ કહું?એક સંતોષ અને પરમ આનંદ વરતાય ઘરના ખૂણે ખૂણામાં પ્રત્યેક જન જન રહે  પ્રેમની દોરીના બંધનમાં.

મારા પિયરમાં પણ અમે વીસ  પચીસ  માણસનું કુટુંબ,અને સાસરીમાં પણ એટલું જ મોટું કુટુંબ,એટલે  મને ઘર કામમાં  બહુ વાંધો ના આવ્યો.પણ અમારી રસોઈ ચુલા પર થાય.મને ચૂલો સળગાવતા ના આવડે.મારા સાસુ બહુ સારા અને સમજદાર હતા.મને ચૂલો સળગાવી આપે.ધીરે ધીરે જીવનની દોર હાથમાં આવી ગઈ. ને આકાશમાં ઉડવા લાગી.     

પહેલા પહેલા નજર જ મળતા આંખો ઝુકી જાતિ ને અંતરમાં સમાઈ જાતિ,

બોલવાનું તો કામ જ નહિ,સંયુક્ત કુટુંબમાં કોઈ જશે સાંભળી?

શબ્દોની પણ ના આવન ,જાવન બાહોમાં જાય મળી.

જાલના ગામ હતું સાવ ગામડું નાનું,સંયુક્ત કુટુંબ પચીસ માણસનું

હતો ચૂલો અને ઓલો ને રાતે ફાનસ ચીમ્નીનો ગોળો!

પરણીને ભલે લાવ્યા સાથે,મર્યાદાનું ઉલ્લંઘન થાય દિવસે ફરો જો સાથે!

મોર્નિંગ વોક કરતા સાથે,પ્રથમ પહેલા પહોર ફાટે!

છેલ્લા શો માં પિક્ચર જોતા,ત્યારે  ગામ ઘસઘસાટ ઊંઘે!

થોડી હિમ્મત ને કદિ ચોરી છુપી, ગયા હોટેલ  !    કે રેસ્ટોરન્ટ,

દુકાન વધાવી ઘરે આવતા ખાવાનાના પડીકા લાવતા  અચૂક!

હું એની પમા ને એ મારા કાન,નાનું રૂડું ગોકળિયું  શું  જાલના  ગામ

પ્રેમનો દરીયોતો આંહી જ છલકાય,સંતોષનો તો ઓડકાર ખવાય,

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી,

હાથી ઘોડા પાલખી,કમી ના કો બાતકી!

  નીગેટીવ પણ હોય તેમનું    એટલું જ પાવરફુલ,

આવી શકે ત્યાં  ના  કોઈ મોગરો કે ગુલાબનું ફૂલ!

ત્યાં તો દેખાય ફક્ત કાંટા,ફક્ત મારીએ એક બીજાને આંટા?

ઉગ્યો સુરજ આથમવાનો સહી,તેની વાટડી જોતી રહી

થોડા દિવસ જાય આમ વહી,ધૂમ તડકો બપોરનો જાણે ગયો નમી?

અમારા  રિસામણા ને મનામણા પણ  હતા મજાના

પચીસ માણસના કાફલામાં, પંદર દિવસના વહી  જાય વ્હાણા

કોઈને ન આવે અણસાર,પણ તીરછી આંખે એકબીજાને જોઈ, લેતા લ્હાણ.

પછી તો થાય વર્ષાની હેલી, ભીંજાતા ભીંજાતા સહુ ભાન જાતિ હું ભૂલી!

એક સંધ્યાના સંગના રંગમાં લાગે  રંગાઈ રહી

કભી ખુશી કભી ગમ,ધૂપ છાયાની મઝા હું માણતી રહી.

હતી એક તન્ના ને બે son, તેમાં   આવ્યું ત્રીજું પાર્કિન્સન!

ગમે તેટલો ગુસ્સો  તેમનો, હોય મારા પર

શોધવા લાગે નયન,મારા વિના ના ચાલે પલ ભર

 

પુત્રવધુ દર્શા,સ્મિતા મશ્કરીમાં પપ્પાને પૂછે

કોણ જોઈએ પપ્પા?કોને શોધી રહ્યાં છો તમે?

મમ્મી?મમ્મી તો આ રહ્યાં! બતાવતા  સહુ હસી પડે!

એક એવા કાંઠે આવી ઊંભા રહ્યાં,ત્યાંથી ના પાછા ફર્યા.

નળી વાટે અન્ન પેટમાં જાય,જાગે ત્યારે હસતા સદાય.

જાતજાતના રેકી શિવામ્બુના હું કરતી પ્રયોગ,

તેમાં તેમનો પૂરો સહયોગ,કલ્પનામાં ના થાયે વિજોગ!

મારી તબિયત થોડી થઇ નરમ,પુત્ર અતુલ કરાવે બાથરૂમ!

માંદી હોઉં કે સાજી તેમની સમક્ષ જોઈએ

હું કેમ ના  ઊભી થઇ એ જ રોષ મનમાં ધરે   

બાર વાગ્યા સુધી તેમને જોતી રહી,હ્ળવે સાદે  હું પૂછતી રહી

કઈ કામ છે?”કાઈ જરૂર નથી” રુઆબમાં  જવાબ મળે !

હું જ્યાં પાછી ફરી! બાવડું પકડી લેતા એક શાયરની અદાએ વદે

“તેરે બીના મેરા કોઈ નહિ”! ઘડીભર તો એક બીજાના સામું જોઈ રહયાં

લાગે થયો કોઈ ચમત્કાર!કે અમારા પ્રેમનો એકરાર!

{ઉર્દુમાં ભણેલા, મૂડમાં હોય ત્યાર હિન્દીમાં બોલતા}.

હસતાં હસતાં કહે “ઠીક નથી તો જા સુઈ,” ભારોભાર લાગણી દર્શાઈ રહી!

“તમે એવા લાગો” એ શબ્દોની પણ  આવશ્યકતા ત્યાં  ના રહી!

અંગે અંગમાં ચૈતન્ય સ્વરૂપે એ વ્યાપી રહી!

છે સચ્ચાઈ આ અમારા જીવનની, ત્યાં ના કોઈ સરખામણી.

પદમા-કાન

    

તમે મને એવા લાગો(૯) હેમાબેન પટેલ

આમ જોવા જઈએ તો પતિ પત્ની એ પ્રેમી પંખીડાં છે જેનો પ્રેમ મરતાં સુધી રહે છે, એક જન્મ નહી સાત જન્મો સુધી સાથ નિભાવવાના વચન એક બીજાને આપે. એક પત્નીને જીવનમાં શું જોઈએ પતિ તરફથી ભરપુર પ્રેમ અને તેની કાળજી રાખે, બસ પછી તો જીવન સ્વર્ગ સમાન ! પતિ, પત્નીને ખુશ રાખવા માટે અલગ અલગ રીત અપનાવે.૨૦મી સદીની પત્ની, પોતાના પતિમાં ગમે તેટલા અવગુણો હશે ક્યારેય દુનિયા સામે નહી બોલે,

‘मेरा पति मेरा देवता है’ હિન્દુ સ્ત્રી હમેશાં પતિને ભગવાનની જેમ માને એટલે તેની પૂજા જ કરે, તેની બુરાઈ નહી.હા એક વાત તદન સત્ય છે એક્વીમી સદીની પત્ની બીનધાસ પતિની બુરાઈ કરવામાં નહી અટકે.

દ્રૌપદીને પાંચ ગુણો સમાયેલા હોય એવો પતિ પસંદ હતો, આગલા જન્મમાં ઈશ્વરે તેને તથાસ્તુ કહી દીધું અને બીજા જન્મમાં પાંચ પતિને વરી.તેવીજ રીતે દરેક સ્ત્રીની ઈચ્છા હોય પોતાનો પતિ સર્વગુણ સંપન હોય.આમ તો પતિ પત્નીનો પ્રેમ ગોપનીય હોય એમાંજ મઝા, દુનિયાને પ્રેમ દેખાડવાથી શું ફાયદો ? પરંતું આ પતિ-પત્ની પુરાણ લખવાનુ ચાલુ થયું છે તો વિચાર્યું ચાલો આપણે પણ તેમાં ભાગ લઈએ. રાખના રમકડાં બનાવીને ઈશ્વરે ધરતી પર મોકલ્યાં, બોલ્યા જાઓ જઈને રમો, પણ શું રમવું ? આપણે માનવ થઈને આવ્યાં, માણસને રમવાની રમત શોધીએ, અરે ચોપાટની રમત તો ઈશ્વર-પાર્વતીએ લઈ લીધી,ચાલ આપણે ઘર ઘર રમીએ, હું તારો વર અને તૂં મારી વહુ ! આમ સદીઓથી માનવ ઘર ઘરની રમત રમી રહ્યાં છે.ઈશ્વરે ચોપાટની રમત લઈ લીધી અને માનવને ઘર ઘરની રમત રમવામાં વ્યસ્થ કરી દીધો.આ પુરાણમાં મારું પણ એક પાત્ર છે.

‘તમે એવા લાગો’ લખવા બેસીએ તો મહા ગ્રંથની રચના થઈ શકે પરંતુ એ શક્ય નથી છતાં પણ પતિ-પત્નીના જીવનમાં અમુક પ્રસંગો એવા બન્યા હોય જે ક્યારેય ભુલાય નહી તેની મીઠી યાદો આખી જીંદગી વાગોળીયે છીએ, કારણ તેમાં સુખ સમાયેલુ છે.

પટેલ અને તેમાં પણ ચરોતર પટેલ એટલે પુછવું જ શું ! તેમનો હર અંદાજ નિરાલો !મારા એ તો પ્રેમ પુષ્કર કરતા, ખુબજ કાળજી રાખે, અને ગુસ્સો પણ ખુબજ, ગુસ્સો ક્ષણીક. તેમના આ અંદાજ પર તો મરી મિટવાનુ મન થાય.પહેલી મુલાકાત થઈ, એક બીજાને પસંદ કરવાના હતા, પહેલી મિટિંગમાં વડીલોએ મારી સાથે એક છોકરીને પણ મોકલી, મારા પતિ વધારે વાત કરી ન શક્યા. મને ફરીથી વાત કરવા માટે એકલી બોલાવી વોર્નીગ હતી મારી સાથે કોઈને લઈને નહી આવવાનુ. ઘણી બધી વાતો થઈ, તેમની વાકછટાથી એકદમ પ્રભાવિત થઈ ગઈ, ત્યારે મારા પતિ મને મીઠા બોલ બોલતા ‘ શુકદેવજી’ જેવા લાગ્યા.

શરૂઆતમાં મેં જોયું મારા પતિ માથામાં તેલ નાખીને માથુ ચપટ ઓળે, મેં કહ્યુ તમે માથામાં તેલ લપેટીને વાળ ચપટ કરી નાખો છો મને જરાય પસંદ નથી, તમારી હેરસ્ટાઈલ બદલો બીજે દિવસથી તેલ બંધ, હેર સ્ટાઈલ બદલાઈ ગઈ ત્યારે મને મારા પતિ ‘કહ્યાગરાકંથ’ લાગ્યા.

પતિ મુંબઈમાં રહેતા હતા અમારા લગ્ન વખતે એમની ઉંમર ૨૪ અને મારી ૨૦.લગ્ન કરી અઠવાડિયામાં પાછા મુંબઈ આવી ગયા નવો બીઝનેસ સેટ કરતા હતા. મારે ચારેક મહિના મારા મમ્મીને ઘરેજ રહેવાનુ હતું,સાસરે બધા જુનવાણી ધરાવે.નવા નવા લગ્ન, મારા પતિ મને મળવા માટે સમય કાઢીને શનિ-રવિ મને બરોડા બોલાવે, અમે સાસરીવાળાથી છુપાઈને બે દિવસ મળતા,હોટેલમાં રહેવાનુ, સિનેમા જોવી, રેસ્ટોરંન્ટમાં ભોજન, બે દિવસ ભરપુર મોજ મસ્તી.લગ્ન કરી લીધા, સાથે રહેવાનુ ઓફિસીયલ લાયસન્સ મળ્યુ છતાં પણ છુપા છુપીના ખેલ ! મારા પતિ તો મને અપાર પ્રેમ કરનાર રોમિયો અને મજનુ જેવા ‘આશિક પ્રિયતમ’ લાગ્યા, જાણે હું તેની માશુકા ! એવું મહેસુસ થતું અમે બન્યા છે ‘एक दुजेके लीए’.

એમને ખાવાનો ભારે શોખ, ખપોલીના બટેટાવડા ફેમસ, મુડ આવે ત્યારે ખાવા ઉપડી જવાનુ, મહાબલેશ્વર અને માથેરાનમાં ગુજરાતી થાળી ખુબજ સ્વાદીસ્ટ મળે, સ્વાદિસ્ટ ભોજન જમવાના શોખીન અવાર નવાર બંને જગ્યાએ લઈ જાય. ઘરે કોઈ દિવસ રસોઈમાં ગડબળ હોય તો થાળી ફેંકે ત્યારે તાંડવ નૃત્ય કરતા શાક્ષાત ‘શીવજી’ જેવા લાગ્યા. શીવજી જેવો ક્રોધ અને શીવજી જેવા ભોળીયા, ગુસ્સો ક્ષણીક, ગુસ્સામાં પણ પ્રેમ સમાયેલો હોય.

તૂ તૂ મેં મેં ચાલે ત્યારે રિસાઈ જાઉં તો પાંચ મિનિટમાં મનાવવા આવે.રિસામણા મનામણા કેટલી સુંદર પળો ! ત્યારે મને મારા પતિ ‘વહુઘેલા’ લાગ્યા.

ઘરસંસાર ચલાવતાં જુદી જુદી પરિસ્થિતીઓમાં અમે એકબીજા સાથે વાતચીત કરીને બંને સહમત થઈને તેનો ઉકેલ લાવીએ ત્યારે મારા પતિ મને મારા ‘મિત્ર’ જેવા લાગ્યા.

વાકછટા જોરદાર,રુઆબદાર અને આકર્ષક વ્યક્તિત્વ, હીમેન, તેમનાથી કોઈ પણ પહેલી નજરે ઈમ્પ્રેસ થઈ જાય, જોઈન મને તો‘ હિરો’ જેવા લાગ્યા.

લોકોને મદદ કરવામાં હમેશાં તત્પર, તન-મન અને ધનથી અનેક લોકોને મદદ કરી છે ત્યારે મને મારા પતિ ‘દાનેશ્વરી કર્ણ’ જેવા લાગ્યા.

અમે સુખ-દુખના સાથી જીંદગીમાં અનેક ઉતાર ચડાવ આવ્યા, દુખમાં દુખી થઈને હું શોકમાં ડુબી જાઉ તો સમજાવીને કેટલુ સરસ આસ્વાસન આપે. જીંદગીના સારા ખોટા અનેક પાઠ ભણાવ્યા છે તેમાં એક વાક્ય દરોજ કાનમાં ગુંજે છે, “જીવનમાં આવેલ દરેક પરિસ્થિતીનો હિંમતથી સામનો કરવાનો, ક્યારેય હાર માનીને પીછેહઠ નહી કરવાની,આવેલ મુશ્કેલ સંજોગો માટે રસ્તો શોધીને તેમાંથી બહાર નીકળવાનુ,” જ્યારે પણ મને આસ્વાસન આપે ત્યારે તેમના શબ્દો સાંભળીને મને એ મારા ‘ગુરુ’ સમાન લાગ્યા.

માતા-પિતા અને નાના ભાઈ બહેનોની કાળજી રાખે જરુરિયાતો પુરી પાડે, માતા-પિતાની સેવા કરવામાં તત્પર, તેઓને જાત્રા કરાવી ત્યારે મને મારા પતિ ‘શ્રવણ’ જેવા લાગ્યા.

૧૯૬૭ ની વાત છે હું શાન્તાક્રુઝમાં ભોગીલાલ મોટર ટ્રેનીગ સ્કુલમાં ગાડી ચલાવવાની ટ્રેનીગ લઈ રહી હતી, ત્યારે નવરાસના સમયે મારા પતિ મને પ્રેકટીશ કરવા માટે લઈ જાય, હુ એક્સીલેટર અને બ્રેક બંને પર પગ મુકી રાખું મને ધ્યાન ન હોય, તે બાજુમાં બેઠા હોય મારા પગ ઉપર મારે, હું પુછુ પગમાં કેમ મારો છો? બોલે બ્રેક ઉપરથી પગ ઉઠાવ, એકદમ કડક ટ્રેનીંગ ! ત્યારે મને મારા પતિ મારા ‘ટીચર’ જેવા લાગ્યા.

મુંબઈમાં રહેતાં હતાં એટલે મરાઠીભાષાના શબ્દોનો વધારે ઉપયોગ કરે, મારું કંઈ કામ હોય હું આઘીપાછી હોઉં તો “ એય … બાઈકો” કહીને બુમ પાડે પરંતું જ્યારે એકદમ ખુશ મિજાજમાં, રોમાંટિક મુડમાં હોય ત્યારે એક અલગ જ જાદુઈ ટોનમાં મને “એ….હેમલી” કહીને બુમ પાડે ત્યારે મને મારા પતિ ‘કામદેવ’ જેવા લાગ્યા. એ કામદેવ, હું તેમની રતિ !

લગ્ન પછી ચાર મહિના અલગ રહ્યા હતા, તે જમાનામાં અત્યાર જેટલી સુવિધા હતી નહી, બહાર ગામ ટ્રંકકોલ બુક કરો તો ચાર પાંચ કલાકે લાગે. અમારી વાતચીત પત્ર દ્વારા થાય, નક્કી કર્યું હતું દરેક વખતે એકબીજાને પત્રની શરુઆતમાં વિવિધ સંબોધન લખવાં, રીપીટ ન થવું જોઈએ. આજે યાદ નથી અમે એક બીજાને કેટલા બધા પત્ર લખ્યા હશે ! જ્યારે એમનો પત્ર મળતો વાંચીને મને તો મારા પતિ એક ‘કવી’ જેવા લાગ્યા.

ખાવામાં,ફરવામાં,કપડાં,પર્ફ્યુમના શોખીન, પાર્ટીઓ કરી લોકોને જમાડવાનો શોખ,એટલા જ જુદી જુદી ગાડીઓના શોખીન, ફીયાર્ટ, એમ્બેસડર, મેટાડોર વેન, મિત્ર મંડળ સાથે બહાર પિકનીક ફરવા જવું મીની બસ રાખતા, ડોજ અને મર્સીડીસ પણ રાખતા, દર બે વર્ષે ગાડી બદલી નાખે,નવી ગાડી લે.એક વખત કાર રેસમાં પણ ઉતર્યા હતા. બહારગામ ગયાં હોઈએ ત્યારે ફાઈવસ્ટાર હોટેલમાં જ રહેવાનુ,તેમની રહેણી કરણી અને રાજવી ઠાઠ જોઈને મને તો એ એક ‘બાદશાહ’ લાગ્યા.

શું લખું અને કેટલું લખું ? હજારો ઈન્સીડન્સ છે લખતાં જેનો પાર ન આવે. મારી સાથે ઘર ઘર રમતાં, મારા પતિ રમત છોડીને મારી પહેલાંજ પરલોક ચાલ્યા ગયા. રમત અધુરી રહી પરંતું મીઠી યાદો અને તેમની બે નિશાની મારો દિકરો અને દીકરી, પૌત્રો-પૌત્રી સાથે ખુશી આનંદમાં જીવનની ગાડી ચાલી રહી છે. છતાં પણ જીવનમાં જાણે કંઈક ખુટે છે

દ્રૌપદીને પાંચગુણ વાળા પતિ હતા, મારા પતિ તો અનેક ગુણો ધરાવતા હતા,

વીતી ગયેલી અમુલ્ય ક્ષણો જે આજે યાદો બનીને તાજી થઈ છે .

મારા પતિ મને દુનિયાના ‘The Best’ પતિ લાગ્યા.

તમે મને એવા લાગો !(૮) વિજય શાહ

juthado

જુઠડા

રેવા તટે કબીર વડનાં પીકનીક પૉઇંટ ઉપર ચાર કપલ પાસીંગ ધ બૉલ ( પનીશમેંટ)રમતા હતા એક બેચલર મિત્ર પંકજ ટેપ રેકૉર્ડ વગાડતો ઉમ્ધો બેઠો હતો અને એક દડો એક પછી એક દરેકના હાથમાં થી બીજા ને સોંપાતો હતો. સીમા પછી મનોજ , રાજેશ પછી નીતા અખીલ પછી આરોહી ,અને છેલ્લુ કપલ હું અને મારી અર્ધાંગિની રીના…જોકે આમ તો ચપળ અમે બંને હતા એટલે બૉલ અમારા હાથમાં ટકતો નહોંતો.. પણ એ ક્ષણ આવી જ ગઈ જ્યાં રીના ના હાથમાં નો દડો મારા હાથમાં આવ્યો અને પંકજે ટેપ બંધ કરી.

પનીશમેંટ પંકજે પાછુ વળી ને ચીઠ્ઠી ઉપાડી ને કહ્યું રીના ભાભી ને ઉદ્દેશી ને કહો તમે મને એવા લાગો… અને  એ સાંભળતા થાકે ત્યાં સુધી કે ગુસ્સે થાય ત્યાં સુધી તેમના વખાણ કરો….

હું ભડકતા બોલ્યો યાર આતો ખેલ ખેલ માં મારુમ ઘર ભંગાવાનું કાવત્રુ છે.. મને બીજી પનીશમેંટ આપો.

રીના કહે ના આ સજા બરોબર છે… અને કીકીયારીઓ થઇ.. બક અપ ચિરાગ…અને અખીલ પણ એમાં જોડાયો.. આખીદુનિયાની ખીલ્લી ઉડાડે છે ને? રીના ભાભી સારુ કર્યુ…

ખોંખારો ખાઇને મેં શરુ કર્યુ… રીના ને ચીઢવવી એ તો બહુ સરળ કામ હતુ પણ પ્રસંશા સાંભળી થાકે તેવું જ ગતકડું કરવું…” રીના જો મારી દુનિયામાં ના હોત તો મારી સવાર જ ના પડતી હોય.. તે ઉઠે તે પહેલા તેના માટે આદુ ફુદિનો નાખી સરસ આખા દુધની ચા  તેની પાતળા થવાની દવા અને પાણી નો ગ્લાસ લઇ હું ઉભો હોઉ અને ગાતો હોઉ..”પ્રિય પ્રાણેશ્વરી… હ્રદયે શ્વરી.. અગર આપ હમે આદેશ કરો તો…શુભ દિન કી હમ શરુઆત કરે…”

રીના આમ તો જલ્દી ના મલકે પણ મારો લહેકો સાંભળી ને મલકી…મને લાગ્યુ ચાલો પહેલે દડે કટે રન મળ્યો.હવે બીજે દડે એ હાસ્ય ટકી રહેવુ જોઇએ એટલે હું બોલ્યો…” ચાલ બકા તારે સાડા આઠે માર્કેટ જોવાનું છે તારો ફેવરાઈટ ટેસ્લાશેર આજે ગગડ્યો છે  તારી નવી ખરીદીની તક છે. તું ટૉસ્ટ અને ચા લે ત્યાં સુધીમાં હું શાક સમારી નાખું છું તુ તારી ફક્કડ રોટલી બનાવ અને શાક ને વઘારી નાખ. હું ક્રોગર જઇને દહીં લઇ આવું કે જેથી દહી બુંદી સાથે ખવાય…કે તારે કઢી બનાવવી હોય તો બનાવાય….

બધાની નજર રીના ભાભી પર હતી.. એ તટ્સ્થ પથ્થરની મુરતનાં  ભગવાન ની જેમ મને ટગર ટગર તાકી રહી હતી બૉલ અસર હીન  થઇ ગયો….

ત્રીજા બૉલની તૈયારી કરતા હું બોલ્યો.. “ખાવાની બહુ મઝા આવી..રોજ કરતા  તારી રોટલી આજે ખુબ મુલાયમ હતી.. તારા વહાલને કારણે ખરું? મારામમ્મીની રોટલી પણ આજની રોટલી સામે પાણી ભરે…”રીનાની આંખો પહોળી થઇ.. આ એને ગમ્યાની નિશાની.. તેના સાસુ કરતા રસોઇ સારી થાય અને હું વખાણું.. મને લાગે છે કે મારો બૉલ ગુગલી થઇને તેના બેટમાં થી સરકી ગયો..ધારત તો તે આને ફટકારી શકત…

ચોથા બૉલની શરુઆત કરતા મેં ઉંડો શ્વાસ લીધો અને તે સમજી ગઈ કે હવે ફાસ્ટ બૉલ આવશે..”રીના તને યાદ છે આપણે કુંવારા હતા અને આરાધનાનાં ખાલી  થીયેટરમાં મેટીની શો માં અંગ્રેજી પિક્ચર જોવા જતા ત્યારે…વારા ફરતી વારો ..

ત્યાં રીના બોલી ‘ જરા લાજ રાખ…” અને તે શરમાઇ પહેલી વખત નવોઢા પોતાના સાજન ને જુએ તેમ…

પાંચમો દડો નાખતા મારો અકસીર મસ્કો-” રીના હવે કેરીઓ ખાવાની મઝા બહું નથી આવતી..મને યાદ છે આપણે બેઉ જણા ઉપરનાં રુમમાં આખો ટૉપલો ભરીને કેરીઓ શરત મારીને ખાઇ ગયા હતા અને તેં મને હરાવ્યો હતો.. કેવા મઝાનાં તે દિવસો હતા?

રીના તરત બોલી અને દહેરાદુન થી તુ પેટી ભરીને લીચી લાવ્યો હતો.. અને આખી રાતમાં મેં પુરી કરી હતી ત્યારે તુ કેવો ગીન્નાયો હતો..ચિરાગ તે દિવસો ક્યાં ગયા?

પૈસાની ભાંજગડ્માં બધુ ખોવાઇ ગયુ..હવે પૈસા કમાવા જવા એટલે સહવાસ નો તો ભોગ આપવો જ પડેને?

પણ …

હવે મારો છેલ્લો દડો હતો અચુક બ્રહ્માસ્ત્ર  “પણ શું? મને તો તું જળ સ્થળ પળ અને પલકોમાં વસેલી સુંદર મુરત લાગે..કદાચ એમ કહું કે તુ મારી ચિતચોર લાગે, થનગનતા મન ની રુપાળી ઢેલ લાગે..તું ના હોય તોઆ આખી દુનિયા ઝેર લાગે

રીના બૉલી “બસ હવે આ કવિતા બંધ કર જુઠ્ડા”… અને સૌ હસી પડ્યા

ગેમ પાછી ચાલુ થઇ ગઈ

 

તમે મને એવા લાગો છો (૧૦) તરુલતાબેન મહેતા

હદય ખોલવાની વાત છે,એટલે કલમ કંપે છે,શબ્દો શરમાય છે,વાક્યો અધૂરા- – –

રહે છે,પ્રેમની પ્યાસ સદાય અધૂરી તેથી મધુરી.હજી તો જીવન મહેકતું જીવાય રહ્યું છે,

તેથી મારા પ્રેમી પતિ પ્રત્યેની ‘કેવા લાગે’ની જનાન્તિક (સખીને કાનમાં કહેવાની )

વાત ‘પ્રેમ છે,માટે પ્રેમ માગી શકું નહિ’ શી રીતે કરવી? જે વહાલું હોય તેને ‘ તું ‘કહેવું સહજ છે.આ તો વડીલો વચ્ચે આમન્યા તેથી ‘તમે’ બાકી ‘તું મને મારો પ્રેમી લાગે.’

આજથી પચાસ વર્ષ પહેલાં નડિયાદ ગામની કૉલેજમાં સીન્યર કલાસમાં ભણતો એક તરવરતો યુવાન સાંજે ચારેક વાગ્યે સાઈકલ પર કૉલેજ પતી જતાં ઘેર જઈ રહ્યો હતો.તેણે કૉલેજના બસસ્ટેન્ડ પાસે સાઈકલને ઊભી રાખી,છોકરીઓના ગ્રુપમાંથી કોઈકે પૂછ્યું ‘ કોને રાઈડ આપવી છે?’ એણે એક છોકરી બધાથી અલગ કોઈની પરવાહ કર્યા વિના હાથમાંના ખૂલ્લા પુસ્તકમાંથી કઈક વાંચી હસતી હતી તેની તરફ ઈશારો કર્યો.  ?તેણે આગ્રહથી કહ્યું ‘પાછળ કેરિયર પર બેસી જા’ પેલીએ સંકોચથી કહ્યું ‘ડબલસ્વારી’ પેલાએ હસીને કહ્યું ‘ડબલસ્વારીમાં મઝા આવે.’ એ યુવાન દીપક મહેતા અને હું જિદગીમાં ડબલસ્વારીની મઝા લુંટીએ છીએ.સ્કુટર હોય કે કાર,બસ ટ્રેન કે પ્લેન સંગ સવારીની મઝાનો કેફ એવો છે,જેવો પહેલી વાર સાઇકલ પર માણ્યો હતો.એણે ડબલ સવારીની જવાબદારી બરોબર ઉપાડી છે.ઘરનાં ,બહારનાં બધાં જ કામો હોશિયારીથી અને લગનથી કરે.

એક દિવસ એણે મને એની કવિતા કહી ,

‘તરુ,જીવનસાગર તરુ તો તુજ સંગ તરું ,

નહિ તો મઝધાર મહીં ડૂબી મરું ‘.

હા,એણે ડાયરીમાં ખૂબ કવિતાઓ લખી છે.પબ્લીશ કરવાની તમા નથી.કલાકારનો જીવ,નાગર કુટુંબનું વાતાવરણ ‘રસિયો નાગર એકલો ‘,એમનાં પેન્ટિગ અમારા ઘરની દિવાલોને શોભાવે છે.અમારે ત્યાં કવિઓના મુશાયરા શોખથી થતા.

મેં મારા પ્રેમનો એકરાર કર્યો

‘મુજ હ્દયે સૌ સ્પન્દનો બંધ છે કર્યા ,

તવ અંતરતીર્થ મારી સઘળી પરિક્રમાઓ સમાપ્ત થઈ.’

તે જમાનામાં દેસાઈ અને મહેતાના લગ્ન કુટુબને કે સમાજને ગમ્યાં નહોતા.એની હિમત અને મહત્વાકાક્ષાએ અમને બન્નેને કૉલેજના પ્રોફેસરના સ્થાને પહોચાડ્યા એટલું જ નહિ અમેરિકામાં મોટેલના બિઝનેસમાં પણ સફળ બનાવ્યાં.ચર્ચાસ્પદ બનેલા અમારા લગ્ન અમારે માટે દિલચસ્પ રહ્યાં, જીદગીમાં હમેશા કઈક નવું કરવાના પ્લાન એના મનમાં રમતા હોય,ઘર ,શહેર કે દેશ વાંરવાર બદલવામાં તે જરા ય અચકાઈ નહિ તેથી રોલરકોસ્ટર જેવી અમારી રહેણીકરણી સામાજિક ધોરણે બંડ ખોર ગણાય.એટલે જ મારા પતિ પ્રેમી પ્રથમ છે,’એવા રે મળેલા મનના મેળ’ કે ઓચિતા વાયરાની જેમ આવી જવાની એની રીત શોક આપે પણ ગમી જાય.

અમારા લગ્ન પછીના પાંચેક વર્ષે એણે લંડન જઈ કમાવાનું અને સેટ થવાનું સાહસ કર્યું ,મારે એકાદ વર્ષ પછી ફોલો કરવાનું હતું. લંડનની વેધરમાં એની તબિયત બગડેલી પણ મને જણાવ્યું નહિ,મારી જવાની બધી તેયારી થઇ ગઈ ત્યાં ઓચિતા વાયરાની જેમ બેક ટુ હોમ આવી ગયા મેં આંખમાં પાણી પણ ખુશીમાં અને આશ્ચર્યથી ‘દિપક તું’.હું હરખઘેલી થઈ ગઈ કારણ કે મારી નાની દીકરી સાથે જવાની મારી જરા ય ઈચ્છા નહોતી.પછી અમેરિકાના સાહસમાં સાથે રહ્યાં.અમે બન્ને સ્વતંત્ર વ્યક્તિ તરીકે વિકસ્યા એનું કારણ  એમના મોલિક વિચારો છે.અર્થશાસ્ત્ર તેમનો વિષય જીવનમાં બરોબર ઉતરેલો. લગ્નમાં ખોટા ખર્ચા નાપસંદ,નાનું કુટુંબના હિમાયતી ,અંધશ્રધ્ધા ન ગમે પણ મઝા મનમૂકીને કરવાની.પરણીને આવ્યા પછી મારાથી કોલેજ અને રસોઈ બન્ને થતું નહિ,મારા સાસુ મને દીકરીની જેમ કહેતા ‘તું તારે જા હું કરીશ.’એટલે મને ફાવતું મળી ગયું પણ એમને મહિના માટે બહાર જવાનું થયું ત્યારે હું ફસાઈ,પણ દિપકે લોજના ટીફીનની વ્યવસ્થા કરી દીધી,પછી કહે ‘આપણે હનીમૂન કરીશુ.’ એમની સેન્સ ઓફ હ્યુંમર વિટામીનની ગરજ સારે છે.

ના તો અમારા જન્માક્ષર મેળવ્યા છે કે કુંડળીઓ મેળવી છે,પણ હદયના મેળ પહેલી નજરના ,પહેલી મુલાકાતના અકબંધ છે.

‘મેઈડ ફ્રોમ હેવન ‘. દિપક મને કહે છે,તું જેટલીવાર મારું નામ બોલે છે તેટલું મારું આયુષ્ય વધે છે.પણ હવે સાતમાં દાયકે પહોચ્યા પછી હું કહું છું ,

જિદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.’

શબ્દોમાં ક્યાં હદયની ભીનાશ ઉતરે છે? તસ્વીરના ફૂલોમાં સુગંધ ક્યાંથી ? લગ્ન અધૂરુ હોય પણ પ્રેમ મધુર.

આ મારા જીવનની વાર્તાની માત્ર પ્રસ્તાવના છે.

તરુલતા મહેતા 10મી જા.2016