ચેતન્ય સ્વરૂપનો પર્ણ પણે સ્વીકાર – (2)તરુલતા મહેતા

photo-1-e1399487161796ચર-અચર સહિત સમગ્ર જગતમાં અજરા અમર ચેતન્ય સ્વરપે જે વિલસી રહ્યું છે તેનો સ્વીકાર,પૂર્ણ સ્વીકાર કોણ અને ક્યારે કરી શકે?વિનાશી તત્વોમાં માનવનો પણ સમાવેશ થાય છે.વિનાશી મર્યાદિત સમયમાં નાશ પામે છે.પણ જગતના પ્રત્યેક તત્વમાં ચેતન્યનો  અંશ રહેલો છે સમગ્ર જીવસમુદાયમાં એક માત્ર મનુષ્ય ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર કરવાની ક્ષમતા ધરાવે છે.એટલે જ મનુષ્ય અવતાર મહામુલો માનવો .મનુષ્ય પોતામાં રહેલા ચેતન્યઅંશને શ્રધા,ઝંખના ,પ્રયત્ન ,સાધના ,તપસ્યા ,ભક્તિ કે જ્ઞાન દ્રારા સિદ્ધ કરવા ચાહે છે.કોઈ પણ વાત કે વસ્તુનો  પૂર્ણ સ્વીકાર જેનામાં અહંકાર અને મમતા છે તે કદાપી ન કરી શકે ,જેને ભય છે,સતત મુત્યુનો ડર છે,તે સ્વીકાર કરી શકતો નથી.મનુષ્ય સ્વમાં ચેતન્ય અંશની પ્રતીતિ કરે તો અનંત ,અમર ,સત્ય અને આનંદરૂપ પરમ ચેતન્ય સ્વરૂપનો સ્વીકાર થાય છે.બધા ભેદભાવો ઓગળી જાય ,જીવમાંથી શિવ બને.

જેનધર્મની પરંપરામાં તીર્થંકરોને ચેતન્યસ્વરૂપ સિધ્ધ થયું હતું.ચેતન્યસ્વરૂપનો સ્વીકાર એટલે પોતાના અહં ,મન,ધનનો નિશેષ -પૂર્ણપણે ત્યાગ શરીર પુદગલ બની જાય,આ માર્ગ અત્યંત કઠીન અને દુર્ગમ છે.સામન્ય માનવો ધર્મની પરંપરાને અનુસરે છે,કેટલાક શ્રધ્ધાપૂર્વક ભક્તિ કરે છે,કોઈક જ્ઞાન મેળવવા શ્રમ કરે છે.વિરલાઓ તપસ્યા અને ત્યાગ કરે છે.

ચેતન્યરૂપનો પૂર્ણપણે સ્વીકાર એટલે સંપૂર્ણપણે તેને આઘીન,પછી તો સુખ દુઃખ ,મારું તારું ,ગમા અણગમા ,જીવન  કે મુત્યુ સો સમાન થઈ જાય છે.નાનપણમાં બાળક સહજપણે માનો પૂર્ણપણે સ્વીકાર કરે છે.કુદરતની એવી રીત છે.મા બાળકને પ્રેમ કરે ,વઢે ,શિક્ષા કરે ,ખવડાવે કે ભૂખ્યો રાખે, તે માને આધીન છે.પણ આપણે જાણીએ છીએ મા સદેવ બાળકને સાચવે

છે.ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર કરનાર અભય અને ત્રણે કાળથી પર છે. સ્વયમ સુખનું ધામ છે.સ્વયમ જ્યોતિરૂપ છે.આ જગતના ક્ષણિક સુખ દુઃખ સાથે કઇ લેવાદેવા નથી.

અંદરથી જાગ્રત માણસને જીવનના કોઈ સંજોગોમાં સંસારના ભોતિક સુખો ,સામાજિક દુઃખો કે પોતાની જ આધિ વ્યાધિ પ્રત્યે નિર્વેદ આવી જાય છે.સંસારની સૌ ચીજોને ક્ષય પામતી જોઈ પોતાના દેહની નશ્વર સ્થિતિ સમજે છે.એનામાં ચેતન્ય સ્વરૂપનો અહેસાસ કરવાની તરસ ,ઝંખના અગ્નિ રૂપે જલે છે.એની ભૂખ તરસ બધ્ધું અગ્નિમાં  હોમાતું જાય છે.એ હમેશા જાગ્રત રહે છે.એક પળનો પ્રમાદ કે બગાડ તે કરતો નથી.ઋષિ મુનીઓ યજ્ઞ  તેમની તપસ્યાના સંકેતરૂપે કરતા હતા ,યજ્ઞના અગ્નિમાં ‘હોમ  સ્વાહા  ‘ના મંત્રોથી દેહની વાસનાઓ મનના પ્રમાદને આહુતિ રૂપે હોમી દેતા,પછીના સમયમાં યજ્ઞના નામે ઘણા અનિષ્ટો આવ્યાં એ સમાજની અંધશ્રધ્ધા બતાવે છે.હરપળ જાગ્રત અને સંયમી ચેતન્ય સ્વરૂપના પૂર્ણ સ્વીકારથી  માનવ જન્મને સાર્થક કરે છે.

મારા  પ્રશ્ન ,દ્વિધા,શંકા આશંકા ચેતન્ય સ્વરૂપના પૂર્ણ પણે સ્વીકારના માર્ગે કાંટા પાથરે છે. તથા જગતનાં દુષ્ટ તત્વોની લીલા મારી શ્રધાને ટેરરીસ્ટ એટેકની જેમ ડગમગાવી નાખે છે’.ગીતા’માં અર્જુનને મહાભારતની યુધ્ધભૂમિમાં નિર્વેદ ઉપજે છે,શ્રી કુષ્ણ એના રથના સારથી ઉપરાંત એના જીવન રથને ધર્મ અને સત્યના માર્ગે દોરનાર છે.અર્જુનના પ્રશ્નોના જવાબ શ્રી હરિ આપે છે,જ્ઞાન ,કર્મ અને ભક્તિ યોગથી ‘ન હન્ય્તે હન્યમાને શરીરે ‘એવા પરમાત્મ સ્વરૂપને પામવાનો માર્ગ બતાવે છે.વાસ્તવમાં એ ત્રણમાંથી કોઈ પણ રસ્તો ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ સ્વીકાર કરાવી શકે,પણ કેવી કરામતથી આ મોહ માયામાં વળગી ગયેલા જીવને ,માથે લટકતી જરા મુત્યુના ભયની તલવારથી મુક્ત કરાય? ‘કાંટો કાંટાને કાઢે ‘ વિરલાઓ જીવનને  અંતિમ છેડા  જેવું પૂરી તાકાતથી જીવી જાણે છે,નિર્ભય અને વિરક્ત ,જેણે જીવનમાં સર્વત્ર ભયને જીતી લીધો છે,તેઓ ‘માહી પડ્યા તે મહાસુખ માણે ,દેખનહારા દાઝે જો ને ‘ સ્થિતિમાં હોય છે,નરસિહ ,મીરાં તો આપણા લાડીલા નામો છે.સમગ્ર ભારતમાં અને જગતભરમાં સંતોએ  ચેતન્ય સ્વરૂપના પૂર્ણ સ્વીકારથી આત્માનું અને સમાજનું કલ્યાણ કર્યું છે,અને કરી રહ્યા છે.કોલસામાંથી હીરો પારખે તેને આજના જમાનામાં પણ સાચા સંત કે ગુરુ મળી શકે છે.ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ સ્વીકાર કરનાર સમગ્ર જગતના સૂક્ષ્મ કે સ્થૂળ તત્વોને સમાન નજરે જુએ છે,જલક્મલવત રહે છે.શ્રી રામકૃષ્ણ પરમહંસ ,સાઈબાબા જેવા સંતોને કૂતરામાં ભગવાનનાં દેખાતા હતા.મારી પામર બુદ્ધિ મને કહે છે,જીવનમાં જેનું વળગણ હોય ,જેને ગુમાવી દેવાનો ભય હોય ,તેને આપમેળે ધીરે ધીરે છોડવાથી  જગતમાં વ્યાપ્ત ચેતન્ય સ્વરૂપના સ્વીકાર તરફની બારી ખૂલે ,મારાપણાના કોમ્ફોર્ટ ઝોનમાં રહેવાની

આદતમાં બધી જ બારીઓ બંધ કરી દેવાથી ચેતન્ય સ્વરૂપના સ્વીકારની બધી જ શક્યતાઓ ઉપર પડદો પડી જાય છે.

મારો એક સામાન્ય અનુભવ કહું ,નાનપણથી મને નદી તળાવના પાણીમાં જવાનો જાન નીકળી જાય તેવો ડર લાગતો,દરિયાનું આકર્ષણ ખૂબ પણ ઉછળતા મોજામાં પલળવાની હિમત નહી.પાણીમાં તરવું એ મારી કલ્પનામાં પણ ન

વિચારું ,પછી બન્યું એવું કે બેકની ઇન્જરીથી કેડનો દુઃખાવો ધર ઘાલી ગયો ,સર્જરી કરવાની નોબત આવી,સર્જરીનો અતિશય ડર લાગે,ડોકટરે બીજો ઓફ્સન કહ્યો,પાણીમાં કસરત કરો અને ધીરે ધીરે સ્વીમીગ કરો,સારું થશે.મારા મોતિયા મરી ગયા ,પાણીમાં પડવાની તો મરવા જેટલી બીક લાગે,બીજી બાજુ સર્જરીની બીક,છેવટે મેં પાણીમાં જવાના ડરને સ્વીકાર્યો ,સ્વીમીગપૂલના પાણીમાં  થોડું તરવાની હિમત આવી ત્યારે કેડનો દુઃખાવો ઓછો થયો,પાણીમાં મળતા નિર્દોષ આનંદની દુનિયાના બારણા મારે માટે ખૂલી ગયાં ,હવે સાગર -મહાસાગરને કિનારે ખૂલ્લા પગે દોડતી દૂરથી આવતા પિતાને બાળકી ભેટી પડે તેમ સાગરના મોજાને ભેટી પડું છું ખારા પાણીના હેલારા મારી વય ,વસ્ત્રોને ધોઈ નાંખે છે.બદલામાં આનંદના મહામૂલા મોતી મળે છે.હું વિચ્રારું છુ પાણીનો સાગર એમાં ભીજાવાથી આવો  આનંદ આપે છે તો કાલાતીત ચેતન્ય સ્વરૂપના મહાસાગરનો પૂર્ણ પણે સ્વીકારનો અનુભવાન્દ કેટલો અદભુત હશે! દુનિયાના બધા આનંદો છેવટે ક્ષણિક હોય છે,આ ક્ષણિકના કોચલમાથી બહાર આવી   સદેવ વિરાજમાન ચેતન્ય સ્વરૂપના પૂર્ણપણે સ્વીકારનો માર્ગ મનુષ્યજીવનની સાર્થકતા માનવી.

એક પ્રાર્થના સાથે મારી કલમને વિરમું છુ  .

પૂર્ણમદ:પૂર્ણમિદમ પૂ ર્ણાતપૂર્ણમુ દ્ચ્ય્તે

પૂર્ણસ્ય પૂર્ણમાંદાય પૂર્ણમેવાવશીશ્ય્તે :

તરુલતા મહેતા 16 સપ્ટેમ્બર 2014

તા.ક.વિચારવા માટે ,મંથન કરવા કાજે અને વ્યક્તિગત જીવનને કસી જોવા માટે ‘ચેતન્ય સ્વરૂપનો પર્ણ પણે સ્વીકાર ‘ વિષય પસંદ કર્યો તે બદલ અભિનન્દન વિજયભાઈ ,

પ્રજ્ઞાબેન તથા સૌ સંયોજકો ,નમસ્તે।


,

,