ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ-પી.કે.દાવડા

unnamed

ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ

ડો. મહેશ રાવલ આપણા સમયના એક સશક્ત ગઝલ સર્જક છે. એમની રચનાઓ માત્ર રદ્દીફ-કાફીયાનો શંભુમેળો નથી, એમાં વિચાર છે. એ વિચારને રજૂ કરવાની કલા છે. એમની ગઝલોમાં માનવીય સંવેદનાઓ છે, તો જરૂર હોય ત્યાં જોમ અને જુસ્સો પણ છે. એમના પ્રત્યેક શેરમાં સ્પષ્ટતા છે, એ Direct Delivery છે. એમાં Via Vadala જેવું હોતું નથી.

આ ગઝલમાં ચેતન અને અચેતન, સ્થાવર અને જંગમ, ચલ અને અચલનો અજોડ સમન્વય જોવા મળે છે. માણસને માણસ યાદ કરે, એ સામાન્ય વાત કહેવાય, પણ માણસને પથ્થર યાદ કરે, ઝાડ યાદ કરે, વાસણ યાદ કરે આવી વાતો કરીને એમણે કલ્પના શક્તિને પાંખો આપી છે.

મત્લામાં જ જે વાત કરી છે, એ વાંચીને ઉમાશંકર જોષીનું “ભોમિયા વિના” યાદ આવી ગયું. એમાં પણ ઉમાશંકરે કહ્યું છે, “વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં..”.

ગામડામાં, નાનકડા ઘરને ઓટલે બેઠેલી મા, શહેરમાં વસતા દિકરાને યાદ રાખીને આંસુ સારે છે, એ ટપકતાં આંસુની યાદ ઓટલામાં સંગ્રાય છે. શું અદભુત, લાગણીઓ આ ગઝલમાં સમાવી લીધી છે?

-પી. કે. દાવડા

ડો. મહેશ રાવલ–પી. કે. દાવડા

ડો. મહેશ રાવલ

કેલિફોર્નિયાના Bay Area માં રહેતા ડો. મહેશ રાવલ મારા મિત્ર છે. એમણે ગઝલલેખનનીદીક્ષા ઘાયલ સાહેબ પાસેથી લીધેલી, અને એટલે જ એમની ભાષામાં તળપદી ગુજરાતીશબ્દોનો ઉપયોગ વધાર જોવામાં આવે છે. એમની ગઝલોમાં ખુમારી અને આત્મવિશ્વાસછલોછલ ભરેલો દેખાય છે. એક ઘા ને બે કટકા એ એમની ગઝલોની તાસીર છે. એમની બેગઝલ રજૂ કરૂં છું

 

(૧)

ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે
છો સાવ હળવાં ફૂલ તો, આ ભાર શેનો છે ?

તમને ગણાવો છો તમે સહુથી અલિપ્ત, તો
ભીની જણાતી આંખમાં તલસાટ શેનો છે ?

કોરી જ પાટી હો તમારા મન-વિચારની,

છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે ?

નહીં મોહ નહીં માયા ન કંઇ વળગણ કશાયનું
તો પ્રશ્ન એ છે કે, વિરોધાભાસ શેનો છે ?

ધારણ કરેલું ધૈર્ય આડંબર ન હોય તો
વાણી ને વર્તન બેયમાં ઉત્પાત શેનો છે ?

કરતાં નથી ક્યારેય જો તરફેણ કોઇની
મુઠ્ઠી વળેલાં હાથને આધાર શેનો છે ?

ખોટું સ્વયં કરતા નથી, કરવા નથી દેતાં
તો સત્ય પ્રત્યે આટલો ધિક્કાર શેનો છે ?

-ડો. મહેશ રાવલ

 

(૨)

સત્ય જેવા સત્યને,પડકારવા  નીકળી પડે
છાબડું લઇ, સૂર્યને સહુ ઢાંકવા નીકળી પડે !

પ્રશ્ન જેવી શખ્સિયતને ઉત્તરો ગમતાં નથી
એટલે, ટોળે વળી સંતાપવા નીકળી પડે

જે સ્વયં સગવડ ચકાસી રોજ બદલે છે વલણ
એય, બીજાનાં વલણને જાણવા નીકળી પડે !

જે બળે છે બહાર-ભીતર બેય રીતે દ્વેષથી
એજ, ઈર્ષાવશ બધાને બાળવા નીકળી પડે

કોઇના કહેવા ન કહેવાથી બને નહીં કંઇ, છતાં
છે ઘણાં એવાય, જે યશ ખાટવા નીકળી પડે !

જાત કાંટાની મળી એ એમનું દુર્ભાગ્ય છે
તોય ખુદને, ફૂલથી સરખાવવા નીકળી પડે

ભૂખ અઢળક કીર્તિની સારી નથી હોતી “મહેશ”
એ, ગમે ત્યારે ગમે તે પામવા નીકળી પડે !!

ડૉ.મહેશ રાવલ

 

(મિત્રો, હાલ પુરતી આ લેખમાળા અહીં પુરી કરૂં છું. હું જાણું છું કે ચીનુ મોદી, રમેશ પારેખ,રહીશ મણીયાર અને બીજા અનેક ગઝલ સર્જકો બાકી છે, પણ હાલમાં મારૂં પોતાનુંSaturation Point આવી ગયું છે. મને હોંકારો આપનાર મિત્રોનો આભાર.)

-પી. કે. દાવડા

“બેઠક” પરિવારનાં સક્રીય સભ્ય હોવાનું હું ગૌરવ અનુભવું છું.-

ડૉ. મહેશભાઈ રાવલ

Picture1

 

 

 

 

 

દરજ્જાની કદર થાય ત્યારે એક અલગ પ્રકારની સંતુષ્ટીનો અનુભવ થાય…એ સ્વાભાવિક છે.
ત્રણ-ત્રણ દાયકા, ગઝલ તત્વને જાણવા શીખવા
અને સમજવા પાછળ ખપાવ્યા પછી જે કંઇ ઉપલબ્ધ થયું
એ ગઝલ લેખન માટે ઉત્સુક કલમને સક્ષમ બનાવવામાં
કોઇપણ રીતે ઉપયોગી થાય, તો પોતાનાંમાંથી બહાર નીકળી
બીજા માટે કૈંક કર્યું હોય એવી લાગણી થાય.
“બેઠક” ઉભરતી પ્રતિભાને પાંગરવા આ પ્રકારનું ‘વાતાવરણ’
પ્રદાન કરે છે અને “બેઠક” પરિવારનાં સક્રીય સભ્ય હોવાનું
હું ગૌરવ અનુભવું છું.

સહુ ‘સંબંધિત’ કલમને ગઝલપૂર્વક અભિનંદન અને આવકાર.

ખરેખર–પી. કે. દાવડા

ખરેખર

અમૃત ‘ઘાયલ’ ના આશીર્વાદ લઈ ડો. મહેશ રાવલે શરૂ કરેલી ગઝલ યાત્રાઅવિરતપણે ચાલી રહી છે. ‘તુષાર’ અને ‘અભિવ્યક્તિ’ પછીનું ‘ખરેખર’ મહેશભાઈનુંત્રીજું ગઝલ સંગ્રહ છે. થોડા દિવસ પહેલા એક મુલાકાતમાં મહેશભાઈએ ‘ખરેખર’પુસ્તક મને ભેટમાં આપ્યું, જે વાંચીને આજે પુરૂં કર્યું.

સાંપ્રતિક ગઝલ લખનારાઓમાં મહેશભાઈએ પોતાની ચોક્કસ જગ્યા બનાવી લીધી છે.એમની ગઝલો સભ્ય સમાજની દૈનાદિન વ્યવસ્થાની ઇર્દગીર્દ રચાયલી છે. એમનીઘણીબધી ગઝલમાં ગુસ્સો (aggression) છે, પોતાના હક્ક માટેની લડત છે. ઘણીગઝલોમાં એમના મત્લામાં શીંગડા છે તો મક્તામાં મગરનાં પૂંછ જેવી ઝાપટ છે.વચ્ચે વચ્ચે એમના શેરમાં મુક્કા અને ધૂસા પણ જોવા મળે છે. રોજીંદા વ્યહવારમાંવપરાતા શબ્દો ઉપરાંત જૂના જમાનાના અને ગામડામાં બોલાતા શબ્દોનો પણ એમણેઉપયોગ કર્યો છે. અહીં આપણે ‘ખરેખર’ માંના થોડા શેરની મુલાકાત લઈયે.

આપણે રોજીંદી જીંદગીમાં જોઈયે છીયે કે લોકો મીઠું મીઠું બોલી આપણને છેતરી જાયછે. એવા લોકોને મહેશભાઈ ચોખું કહે છે,

“જો ખરેખર હોય દાનત ઊજળી,

લાગણીને છળને વચ્ચે રાખ માં.”

 

ઘણીવાર કંઈ સારૂં-માઠું બનવાનું હોય ત્યારે આપણને કોઈને કોઈ આગોતરા સંકેતમળે છે. મહેશભાઈ લખે છે,

“કાચથી પથરા ડરે છે, કંઈક તો ખોટું થયું છે,

વા વગર વાદળ ફરે છે, કંઈક તો ખોટું થયું છે.”

અને આ વાતને અંકે કરવા વધુમાં કહે છે,

“થઈ અવસ્થાવાન ખરવું કુદરતી ક્રમમાં ખપે,

પાંદડા લીલા ખરે છે, કંઈક તો ખોટું થયું છે.”

 

પ્રથમ દૃષ્ટીએ આપણે માણસને ઓળખી શકતા નથી, એટલે મહેશભાઈ ચેતવે છે,

“થોડો વધે પનારો પછી જાત ખૂલસે,

લોકો ઉપર ઉપરથી મિલનસાર લાગશે.”

અહીં મને જૂનો દોહો યાદ આવે છે,

જોઈને વહોરિયે જાત, મરતાં લગણ મેલે નહિં,

પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિં.

 

સારી ગઝલ લખવાનું કેટલું કઠીન છે, એ નીચેની બે પંક્તિઓમાં સમજાવ્યું છે,

“ડૂમો બની ઘૂંટાય ભીતર લાગણી સંજોગ વશ,

તો પાંપણોની ધાર વચ્ચેથી ટપકવાની ગઝલ !”

આનાથી સારી રીતે કોણ સમજાવી શકે?

 

એકબીજાને અતિશય પ્રેમ કરતા બે જણ વચ્ચે કોઈવાર ગેરસમજમાં અબોલા થઈજાય, પણ અહમ (EGO) વચ્ચે આવે તો કેવી પરિસ્થિતિ થાય, એનું બયાન આશેરમાં છે,

“કોઈવેળા એ બને કે સાવ સામે હોઈયે,

પણ હરફ ઉચારવું બહુ આકરું થઈ જાય છે.”

 

ગીતામાં ગમે તે કહ્યું હોય, પણ માણસને પોતાની મહેનતના ફળની ઇચ્છા હોય જ છે.આ વાત મહેશભાઈ આ શેરમાં સરસ રીતે સમજાવી છે,

“ફળ અને છાંયો સહજ, સહુને અપેક્ષિત હોય છે,

આંગણાં વચ્ચે ખજૂરી કોઈને પોષાય નહિં !”

 

આજની પરિસ્થિતિનું સંપૂર્ણ ચિત્ર આ મત્લામાં આવી જાય છે,

“મહત્તા જોઈને માણસ હવે વ્યહવાર રાખે છે,

વિકલ્પો એકબીજાનાં બધા તૈયાર રાખે છે.”

આજે backup અને alternative વગર કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવું શક્ય જ નથી.

 

એક ગઝલમાં એમના સિધ્ધાંતો અન્ય અનેક લોકો કરતાં કેવી રીતે અલગ છે, એવાત સમજાવતા મત્લામાં કહે છે,

“અમે સંબંધ સાથે લાગણીને જોડતાં શીખ્યા,

પ્રથમ ખુદને મઠારી અન્યને ઢંઢોળતા શીખ્યા”

અને મક્તામાં કહે છે,

“તફાવત એજ છે મોટો અમારામાં ને તમારામાં,

તમે અકબંધ રહી જીવ્યા અમે મન ખોલતાં શીખ્યા.”

 

ડો. મહેશ રાવલની ગઝલો વિષે લખવા બેસું તો પાનાના પાના ભરાઈ જાય, પણ હુંજાણું છું કે કોમપ્યુટરમાં લોકો લાંબું લખાણ વાંચતા નથી, એટલે જેમને રસ પડ્યોહોય તે લોકો એમનું પુસ્તક વાંચે એવી ભલામણ સાથે રજા લઉં છું.

-પી. કે. દાવડા

અહેવાલ -સપનાભરી શામે-ગઝલ- પ્રજ્ઞા દાદભાવાળા

ઇન્ડિયા કોમ્યુનીટી ખાતે મળેલી“સપનાભરી શામ-એ-ગઝલ’ “બેઠક” શાનદાર,જાનદાર રહી.

IMG_0668

 શાયરઃ શ્રી મહેશભાઈ રાવલ,સંચાલન અને રજુઆતઃ જયશ્રી મરચંટ,શાયરાઃ શ્રીમતિ સપના વિજાપુરા

18મી સપ્ટેમ્બર શુક્રવારની સાંજે સાત વાગે મિલ્પીટાસ ઇન્ડિયા કોમ્યુનીટી ખાતે“સપનાભરી શામ-એ-ગઝલ’ “બેઠક” મળી.

કેલીફોર્નીયામાં મળતી ગુજરાતી “બેઠક”નું વાંચન અને લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય તેવા હેતુથી “પ્રતાપભાઈ પંડ્યા” ના પ્રોત્સાહનથી મળેલ પુસ્તકો બેઠકમાં ફ્રી આપી, નિત નવા વિષયો આપી સર્જન કાર્ય તો થાય છે.સાથે ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તક ની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે અને સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા લેખકો અને કવિને બેઠકમાં આમંત્રણ આપી સર્જન ને યોગ્ય દિશા આપવામાં આવે છે. બેઠકના એ પ્રયત્નના ભાગ રૂપે આજના ની બેઠકના ખાસ  મહેમાન શિકાગોથી આવેલ “શિકાગો આર્ટ સર્કલ” સાહિત્યક ગ્રૂપના સક્રિય કાર્યકર્તા સપનાબેને હાજરી આપી મહેમાનની પરંપરા જાળવી છે.IMG_0671

સાહિત્યપ્રેમીઓએ આજની બેઠકની સુનહરી સાંજે ગઝલને વહાલથી વધાવી લીધી હતી.આજના કાર્યક્રમના ખાસ મહેમાન સપનાબેન વિજાપુર શિકાગોથી આવ્યા હતા જાણીતા સાહિત્યકાર જયશ્રીબેન મરચન્ટે બેઠકનું સંચાલન સમભાળ્યું  અને જાણીતા કવિ ગઝલકાર ડો.મહેશ રાવલ મહેફિલની રોનક બન્યા,કાર્યક્રમની શરુઆત કલ્પનાબેને ગણેશવંદનાના શ્લોકોથી કરી હતી. બેઠકના આયોજક  પ્રજ્ઞાાબેન દાદભાવાળાએ આજના ખાસ પધારેલા મહેમાનોને ગઝલપુર્વક આવકારી સપનાબેનનો પરિચય આપવા દાવડાસાહેબને  વિનંતી કરી.દાવડાસાહેબે સપનાબેન નો પરિચય આપતા પહેલા ગઝલનો આસ્વાદ કેમ કરવો તે વિષે સમજણ આપી.ત્યારબાદ સમગ્ર સંચાલનનો દોર  જયશ્રીબેને  પોતાના હાથમાં લેતા કહ્યું કે સંચાલન થવું કપરું કામ છે.દરેક ગઝલકાર પોતાની રચનાને સંકલિત કરીને રજુ કરવા સક્ષમ હોય છે. અને મહેશભાઈ અને સપનાબેન બંનેની ગઝલમાં આપ સહુ ઓડિયન્સ આનંદ મેળવશો એમાં કોઈ શક નથી,હું સપનાબેન અને મહેશભાઈને આ બેઠકમાં ખુબ પ્રેમે આવકારું છું.સપનાબેન હ્રદયની સચ્ચાઈની શ્યાહીમાં બોળીને એક એક અક્ષર લખે છે,સપનાની ગઝલની ખૂબી એ છે કે એની ગઝલના પ્રત્યેક શેરમાં આગવા મિજાજને જાળવીને, વાચક/ભાવકના પોતાના ભાવવિશ્વને લાગણીની એકસૂત્રતાથી બાંધે છે.સપનાબેન વિષે કહેતા અને એમના જ શબ્દોમાં એમની ગઝલની બે પંક્તિ ટાકંતા કહ્યું તો, આ સપના છે કોણ? શાયરાની જ દિલની વાત,એની ખુદની ગઝલ સાંભળોઃ

“સપના હિન્દુ ના મુસલમાન છેસપના તો દોસ્તો એક ઈન્સાન છે!”

જયારે મહેશભાઈ વિષે વાત કહેતા જયશ્રીબેને કહ્યું મહેશભાઈ ન તો નવું નામ બે એરીયા માટે છે, ન બેઠક માટે કે ન તો ગુજરાતી ગઝલ માટે. એમનું સર્જન એમની “સ્વ”થી “સર્વ” સુધીની સફરની સાહેદી પૂરે છે. નિજાનંદ માટે લખનારી એક પેઢી હવે તો બે પેઢી પહેલાની થઈ ગઈ છે ત્યારે આ શાયર ખુમારીથી કહે છે કેઃ“લખું છું એ ગમે છે અને ગમે છે એ જ લખું છું”કોઈનીયે સાડીબાર રાખ્યા વિના આ કાઠિયાડી ભડભાદર કવિ, કડવી વાતોને, અનુભવોને બળવાખોર ગઝલમાં ઢાળે છે પણ સાથે ગઝલના પોતનું રેશમીપણું અને મુલાયમતા સાથે કોઈ સમજોતો આ શાયર થવા દેતા નથી કે નથી ગઝલના છ્ંદમાં કોઈ ખામી આવવા દેતા. એમની શિરમોર સમી ગઝલો મહેશભાઈના સિધ્ધહસ્ત શાયર હોવાની સાહેદી પૂરે છે.મહેશભાઈની બળવાખોર ગઝલ હોય કે પછી જીવનન કડવા સત્યને આલેખતી ગઝલ હોય, એમની ગઝલના શેરની નાજુકાઈ, સરળતા અને સહજતા ઉંચી કક્ષાની છે.ત્યાર બાદ બંને મહેમાનોએ એક પછી એક સુંદર રજૂઆત કરી અને પ્રેક્ષકોની દાદ મેળવી .

જયશ્રીબેને નવા સર્જકો માટે ગઝલની સમજણ આપતા કહ્યું ગઝાલ માટે ઘણું કહેવાયું છે અને કહેવાતું રહેશે. ગઝલતત્વને અરબીમાં તગઝ્ઝૂલ કહે છે, જે અભિવ્યક્તિનો રંગ છે. અરબીના શાબ્દિક અર્થ પ્રમાણે એ રંગ સ્ત્રીઓ સાથેની વાતચીતનો ભલે હોય પણ એનો અર્થ એવો પણ કરી શકાય કે સંભાળપૂર્વક, નરમાશથી અને નાજુકાઈથી વાત કરવામાં આવે છે, તો, એની સંભાળ ગઝલના શેર લખવામાં લેવાની હોય છે. વાત મુદ્દાસરની તો હોય દરેક શેરમાં, પણ ભાષા કર્ણપ્રિય, સરળ, મધુર અને ભાવગર્ભિત હોવી જોઈએ, એતકેદારી શાયરે રાખવી જ પડે છે. આ તકેદારી જ ગઝલનો મિજાજ બાંધે છે.ગઝલમાં જે પણ કહેવાય તે આત્મલક્ષી હોય એવું જરુરી નથી જ પણ સુધી કોઈ ભાવ કે વિચાર શાયર પોતાની જાત સાથે તાણાવાણાની જેમ વણી ન લે ત્યાં સુધી વજનદાર અને અર્થપૂર્ણ શેર લખી શકાય નહીં. પ્રથમ પંક્તિના ગઝલકાર શ્રી જલન માતરી કહે છે કે “ગઝલના દરેક શેર એક એકમ હોય છે છતાંયે એક સાંગોપાંગ સારી અને સાચી ગઝલ એને જ કહી શકાય કે દરેક એકમ – શેર –ની આગવી ઓળખ જાળવીને, દરેક શેર ગઝલના શરીરને સોષ્ઠવ આપે, નૂર બક્ષે. સારી અને સાચી ગઝલમાં બે લાક્ષણિકતાઓ હોય છે, સંકેત અને સંક્ષેપ. સારો ગઝલકાર સંકેત અને સંક્ષેપને આર્વિભૂત કરવા માટે ભાવપ્રતિકો યોજે છે અને આ ભાવપ્રતિકો જો ભાવક અને વાચકના અંતરમનમાં ઉતરી જાય તો સમજજો કે સારી ગઝલ રચાઈ છે”.સપના અને મહેશભાઈની ગઝલો આ કારણસર જ સાંભળનારાઓને પોતાની લાગે છે.અને અંતે આભાર માનતા કહ્યું કે તો આજે આટલી સુંદર ગઝલોની મહેફિલ જમાવી દેવા માટે સપનાનો અને મહેશભાઈનો આભાર.

0QhPWE20k3s4LJcYaiZt-gHtB1wuDg-nOa-dZ4aB1_M,I88u3JCKxSCqA3cEM2GLJ9f9FxLbom96C0JvU3uqKK4

અંતમાં સપનાબેન નું સન્માન કરતા પ્રતાપભાઈ પંડ્યા એ અને મહેશભાઈ એ પુસ્તકો આપી મહેમાનગતિ કરી સાથે પ્રતાપભાઈ પંડ્યાએ કહ્યું કે ગઝલ લખવા ખાતર ગઝલ લખવી, અને સુઝપૂર્વક, નિષ્ઠાથી સર્જન કરવું, એ બંને ક્રિયાઓમાં આભ જમીનનો તફાવત છે.ગઝલ તો સચોટ  ટકોર કરે સમજણ આપે અને હૃદય સોસરવી ઉતરી જાય મહેશભાઈ અને સપનાબેન બંનેએ ખુબ સરસ રજૂઆત કરી છે.

અંતમાં પ્રજ્ઞાબેને આવનાર મહેમાન ,સંચાલન કરનાર જયશ્રીબેનનો તથા પ્રેક્ષકોનો આભાર માનતા બે પંક્તિ ટાંકતા કહ્યું કે “બેઠકમાં આભાર ખુબ સીધો સાદો હોય છે, બાકી ગુલદસ્તો બજારમાં ક્યાં મોઘો હોય છે.” અમારી હસ્તી તણખલા જેટલી છે પણ બધા સહિયારું સાથે કાર્ય કરી ભાષાને ઉજાગર કરીએ છીએ.આપ અહી આવ્યા નવા સર્જકોને અને બેઠકને બળ આપ્યું તે બદલ આભાર માની અળગા નથી કરવા પણ આવી આવી સુંદર મહેફિલ સજાવી આપે કાયમની યાદ છોડી છે.સાથે જણાવતા કહ્યું કે જાગૃતિબેને સૌને પ્રેમે જમાડી પોતાનો સહકાર બેઠકને આપ્યો છે.

આમ ડો. મહેશ રાવલની કાઠિયાવાડી બરકટ બોલીમાં રચાયેલી તળપદી મીઠાશવાળી ગઝલોને સર્વે ગઝલ પ્રેમીઓએ આવકારી અને મન મૂકીને માણી છે.તો સપનાબેનની ઉર્દુ,ગુજરાતી અનોખો સમન્વય‘‘.માણતા વાહ બોલી ઉઠ્યા. જયશ્રીબેનના સંચાલન ને મેહેફીલને સાંકળી રાખી તો આયોજક પ્રજ્ઞાબેનનો બેઠક દ્વારા ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગુજરાતી સાહિત્યનું જતન કરવાનો વધુ એક નાનકડો પ્રયત્નો સફળ પુરવાર થયો.

 પ્રજ્ઞા દાદભાવાળા

“વાચકની કલમે” (10) મહેશભાઈ રાવલ

શ્રી ચિનુ મોદી ગુજરાતી ગઝલ-કવિતાનું એક સશક્ત નામ.

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી

ગુજરાતી ગઝલક્ષેત્રે મુઠ્ઠી ઊંચેરૂં નામ- ચિનુ મોદી, એમનાં તખલ્લુસ
“ઈર્શાદ”થી વધારે પ્રસિદ્ધ છે.
પ્રારંભિક તબક્કાથી લઈ આજે જ્યારે ગુજરાતી ગઝલ ‘સોળેય કળાએ’
નિખરીને સહુથી વધારે ખેડાતો કાવ્ય પ્રકાર બની ગઇ છે ત્યારે,
એમની કલમ દ્વારા આપણને મળેલ અનેક ગઝલોનાં બહુમૂલ્ય વારસામાથી ગઝલનાંપ્રથમ શેર(મત્લા)ને ઉઘાડવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે, આ રીતે…

પ્રસ્તુત ગઝલમાં
કવિએ પોતપોતાની સમજની ગેરસમજણમાં રાચતા અને
‘મારૂં એટલું સારૂં’નાં વર્તુળમાં વિચરતા માણસોની માનસિક્તાને
આડા હાથે લીધી હોય એવું લાગે છે કારણ કે
આપણા માટે સમજદારી નથી એવું જ્યારે સમજદાર ગણાતી
શખ્સિયતનું બયાન હોય ત્યારે મર્મ જાણવો અનિવાર્ય થઇ જાય!
પછીની પંકિત જ આગળની પંક્તિને ઉઘાડે છે કે,
મારી વાતો સાચી છે,સારી નથી
પોતે જ આંખ બંધ કરી અંધારું નોતરી બેઠેલા, ખુલ્લી આંખનાં
અજવાળાને ક્યાંથી માણી શકે?
છતાં કવિ કહે છે કે સૂર્ય જેમ મારી વાત પણ સાચી હોવા છતાં
એનો મર્મ કે એમાં રહેલી વ્હેવારૂતા જે સમજવા તૈયાર જ નથી
એ સાચી હોવા છતાં સારી સાબિત નહીં જ ગણે!
એટલે અહીં કવિકર્મ એ છે કે,
સહુની પોતાની સમજ છે જ્યાં,સાચી હોવા છતાં વાત સારી નથી ગણાતી!
પ્રસ્તુત ગઝલના મત્લાનો અર્થ મને આ રીતે અભિપ્રેત છે.
વિવેચક તો છું જ નહીં(થવું ય નથી)પણ, એક ભાવક તરીકે
ચિનુકાકાની ગઝલને હું જે રીતે સમજ્યો છું એ,એમની
ક્ષમાયાચના સાથે…!

મહેશભાઈ રાવલ

અમે બસ અહીં સુધી પહોંચ્યા…!-ડો.મહેશ રાવલ

મિત્રો
એક ખુશીના સમાચાર સાથે જાણવાનું કે સાહિત્યક્ષેત્રે  કાર્યરત એવા ડૉ. મહેશભાઈ રાવલ(રાજકોટ)   બે એરિયામાં કાયમી વસવાટ માટે આવી ગયેલ છે અને તેનો લાભ રજૂઆત દ્વારા આપણને મળતો રહેશે પરંતુ ,જેઓં લખવા ઈચ્છતા હોય અથવા લખતા હોય તેમને તેનું માર્ગદર્શન પણ મળતું રહેશે. તો વિના સંકોચે તેમને email  અથવા ફોન દ્વારા સંપર્ક કરી શકશો .
આ સાથે એમની લખેલી નો  તૃતિય ગઝલ-સંગ્રહ “નવેસર” ની ૧૦૦મી  છેલ્લી ગઝલ પોસ્ટ કરી રહી  છું .આ ગઝલની પહેલી બે લાઈન મને એટલી સ્પર્શે છે કે સહજતાનો સહારો લઇ તેઓ અહી સુધી પહોચ્યા. આમ જોવા જઈએ તો આખી ગઝલમાં કયારેક ઉત્તમ વિચારો તો કયારેક જાતઅનુભવ અને અંતે આધાત્મિકતા નજરે ચડે છે ,આમ  ભાવ અને લયનો જવાબ જ નથી ટુકમાંએક સફળ કવિના શબ્દોની તાકાત અનુભવી છે.

આપ સર્વે પણ આ અનુભવી કલમને માણો.

ડૉ. મહેશભાઈ રાવલ શબ્દોનુંસર્જન  બ્લોગ પર આપનું  હાર્દિક સ્વાગત..

તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા

અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.

ડો.મહેશ રાવલ

ડૉ.મહેશ રાવલ.http://navesar.wordpress.com

408-329-3608