આ એક ફિલિંગ છે.

darshna bhutta

દર્શના ભટ્ટ

એક વાર જયારે નવેમ્બરમાં હું અહીં પાછી ફરી ત્યારે મારા એક મિત્રે પૂછ્યું કે આવો મજાનો ચાર માસનો સમય ભાવનગરમાં વિતાવ્યા પછી ત્યાં ગમે છે? કેવું  લાગે છે ?

મારો ઉત્તર હતો-

From oven to freezer, from 120 decibels sound,noise of Ganeshotsav  and Navratri

from all directions  to pin drop silence,from Ladu, Dudhppak ,Jalebi to Pasta, Plzza,

Send witch ….what to say more ! Life is good on its own way.

હા, અહીંની જીવન પદ્ધતિ અલગ છે. સવારથી દોડો..જાણે જોબ,નોકરી,કામ સિવાય બીજું

કશું જ મહત્વનું નહિ.ઘરકામ ? શનિ રવિમાં થઇ જશે. તાજી ગરમ રસોઈ ? આ દેશમાં

કશું જ વાસી કે ઠંડુ થતું જ નથી.તાજું રાખવાની જવાબદારી ફ્રિઝની અને ગરમા ગરમ પીરસવાની માઇક્રોવેવ ઓવનની.હું પણ બત્રીસ વર્ષ  સુધી સવારના સાડાસાતથી બપોરના બે સુધી કામ કરતી હતી પણ કામવાળી અને રસોઈવાળા બેનની મદદથી.અહીં એ સુલભ નથી .વળી અહીંની સરખામણીમાં તો એ part time  જ કહેવાય.

“દેશ તેવો વેશ ” બોલાવનું સહેલું છે પણ મારા માટે તે અપનાવવો મુશ્કેલ છે.નથી અપનાવી શક્તિ.મારી પૌત્રી મને પૂછે છે ” મા , તારી પાસે (અમેરિકન )નોર્મલ ડ્રેસ નથી?”

હું કહું છું ” આ જ નોર્મલ છે, એ ડ્રેસ માટે હું એબ્નોર્મલ છું” વોશિંગ મશીનમાંથી ,ગાય ચાવી ગઈ હોય તેવી સાડી તો દીઠી નથી ગમતી.ગૌતમ બુદ્ધે પ્રબોધેલો મધ્યમ માર્ગ અપનાવી પંજાબી વેશ કમને સ્વીકારી લીધો છે

 અહીં ઈસુના પ્રચારકો અને આપણા વિવિધ સંપ્રદાયોના પ્રચારકો આવતા રહે છે.તેમને શાંતિથી સાંભળવા મારા માટે કપરું થઇ પડે છે પણ સવિનય “હું હિન્દુ છું ” કહી હસીને વિદાય કરું છું.

મારી ઉમર જોઈને આપણા લોકો – પુત્રના મિત્રો પણ પહેલા એ જ સવાલ કરે “

“…..મંદિર જોયું? વ્રજ જઈ આવ્યા ? આવું તો ત્યાં પણ કોઈએ નહિ પૂછેલું.હજુસુધી

ફિક્સિડેલ્ફિયાનનું પ્રસિદ્ધ આર્ટ મ્યુઝિયમ જોયું? અન્ય ઐતિહાસિક સ્થળો જોયા તેવું પૂછનારની રાહ જોઉં છું.

 અહીં કાર સિવાયની વાહનવ્યવહાર સુવિધા નહિવત છે.બસ નથી,રીક્ષા નથી,વર્ષોનું

સાથીદાર મારુ સ્કૂટર નથી ,એટલે મારી ગતિવિધિ મર્યાદિત થઇ ગઈ હોવાનું દુખ સહન

કરી લઉ છું.પણ એ દૂર કરવા માટે આ દેશમાં મારે કાર ચલાવવા માટેના લાઇસન્સ ની

પરીક્ષા નથી આપવી.

આ બધાને સાંસ્કૃતિક સંઘર્ષ થોડો કહેવાય ! મારી દ્રષ્ટિએ આ એક ફિલિંગ છે

જે હોય તે…પણ મને આદેશ ગમે છે.પુસ્તકાલયમાંથી એકી સાથે પંદર જેટલા પુસ્તકોઘરે લઇ જઈ શકાય તે મારા માટે અપાર આનંદનો અવસર છે. સ્વચ્છતા, વ્યવસ્થા અને યંત્રો ચાલતા રહે તેવું તંત્ર એ અહીંનો મંત્ર છે.

ચારે તરફ છવાયેલ લીલી છમ શાંતિ મને વતન ઝુરાપા તરફ નહિ,કોઈ સંઘર્શ તરફ નહિ

પણ સંતોષથી પૂર્ણ ભાવ સમાધિ તરફ દોરી જાય છે.

દર્શના ભટ્ટ.

વતન-સુબોધ ત્રવેદી

66712_2928680031665_805635925_n

મિત્રો બેઠકમાં સુબોધભાઈ પહેલીવાર લખી રહ્યા છે. આપનો આવકાર અને પ્રતિભાવ એમને લખવા પ્રેરશે.સુબોધભાઈ આપનું સ્વાગત છે.

વતન

વતનનો  આમ  સ્વીકારેલો  અર્થ  ” જન્મસ્થળ “પરંતુ  કેટલાકે  કર્મભૂમિને  પણ વતન ગણાવ્યું  છે.વતન એટલે જન્મસ્થળઃ  જ્યાં   આપણું  બાળપણ  વિત્યું હોય, શૈશવ  કાળ ગુજાર્યા  હોય જીંદગીના  શરૂઆતના  વર્ષો  ગાળ્યા હોય અને જેનુ સ્મરણ ઝીંદગી પર્યન્ત રહે તે જ  વતન કેટલાક  બડભાગી લોકોનું સમગ્ર જીવન વાતનમાં જ વિતે છે. કેટલાક અથવા મોટાભાગનાં  લોકોને વ્યવસાયિક ,સામાજીક  અને અન્ય કારણોને લયીને સ્થળાંતર  કરવાની ફરજ પડે છે. અને વતન છોડવું પડે છે , જેમ કે વિદેશમાં  વસતાં  લોકો પોતાનાં સંતાનોના ભવિષ્યની ચિન્તાને લઈને આવે તો છે પણ વિદેશમાં વસેલાં લોકોની મજબૂરી અજાણી નથી.આમ છતાં વતન પ્રત્યેનું આકર્ષણ કાયમ જ  રહે છે.

એક કવિએ સાચું જ  કહ્યું  છે , “जननी  जन्म     भूमिस्चय स्वर्गादपि गरीयशी !!!”એટલે કે  વતન અર્થાત  માં ,જનની છે  અને સ્વર્ગ  થી  પણ અધિક સુંદર છે. વતનની રક્ષા  કાજે કેટલીયે કુરબાનીઓ થયાનાં દાખલાઓ ઈતિહાસમાં મોજૂદ છે. વતનથી ભલે ઘણો દૂર વસવાટ કર્યો હોઈ પરંતુ  તેનાં સ્મરણો  ભૂલી શકાય નહિ. એક વિખ્યાત ગીત  કે જેમાં  વતનને માં ,બેટી ,આરઝૂ ,આબરૂ ,સવાર સાંજ અને જાન  તરીકે વર્ણવ્યું છે “એ મેરે પ્યારે વતન, એ મેરે બીછડે ચમન  તુજ પે દિલ કુરબાન” આ સંભાળતા જ  આપણે પણ આપણા વતન ને યાદ કરી વતનનાં  પ્રેમનાં ધોધમાં  ભીંજાયને આપણોહાથ આપો આપો  વતનને સલામ  કરે છે.

મને પણ આજે અમેરિકા આવ્યા પછી જયારે જયારે પૂર્વની બારીમાથી હવાનો સૂસવતો વાયરો વાય છે ત્યારે મને કોણ જાણે કેમ સ્પર્શી જાય છે. કોઈ વતનની  વાતો કરે તો અજાણતા જ મન હરખાય છે.અહી પણ એજ પ્રભાત છે છતાં ત્યાના પ્રભાતિયા ગાતી ઉગતી પ્રભાત મને આકર્ષી લે છે.ત્યાની જમીન છોડીને અહી આવ્યા છીએ પણ ક્યારેક બાળપણ તો ક્યારેક માની યાદ બની મને  છનછેડી જાય છે.

 સુબોધ ત્રિવેદી

સાંસ્કૃતિક સંઘર્ષ (૧૩) ભારત માને પત્ર -કલ્પનારઘુ

મા, મારી મા,

એવું તે શું છે, તારી ભીની માટીમાં? તારી માટીની મહેકથી મારું રોમરોમ તરબતર થાય છે. તારા સ્પર્શે ભીતરે અનેક સ્પંદનો જાગે છે.

મા, તું કેટલી વિશાળ છો? તેં કેટલું સમાવ્યું છે તારી અંદર? ખેતર, નદી, નાળા, વિશાળ સરોવર, પર્વત, ડુંગર અને મહાનગર. તારાથી સાત સમંદર દૂર વસેલો હું, હું એક તુચ્છ માનવ તારી યાદમાં ઝૂરૂં છું. કોઇ આવે મારા દેશથી તો એને ભેટવા દોડું છું. રખેને તારી માટી, તારો સ્પર્શ મને ફરી પાવન કરી દે. અને તારી આગોશમાં ભૂતનાં સંસ્મરણો તાજા થાય છે. એક રંજ કોરી ખાય છે આ તારા બાળને. મારો દેશભાઇ આ દેશમાં આવીને કેટલો બદલાઇ ગયો છે? અહીંની ધરતીનો મને ‘હાય’ કહે છે પણ મારો ભારતવાસી મારી સાથે આંખ પણ મીલાવતો નથી. મા, આ શું કળજુગની દેન છે?

માનવ ઉડતા શીખ્યો, તરતા શીખ્યો, લડતા ઝગડતા શીખ્યો, આકાશને આંબતા શીખ્યો, સ્વાર્થ હોય ત્યાં નમતા શીખ્યો, નવી સિધ્ધિઓ સર કરતાં શીખ્યો … પણ મારી મા, એક માનવ બનતા ના શીખ્યો. એક સાચો હિન્દુસ્તાની બનતા ના શીખ્યો.

પરંતુ એટલું સારૂં છે, આ ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં સૌ ભારતીયો, ભેગા મળીને તને યાદ તો કરે છે! રાષ્ટ્રધ્વજને વંદન તો કરે છે! તને મુક્ત કરવા માટે રેડાયેલા લોહી કે જેની બુનિયાદ પર મારી મા સ્વતંત્ર બની હતી તે તારાં પનોતા પુત્રોને યાદ તો કરે છે! અને મા તારી યાદ મને તાજી થાય છે અને મને થાય છે કે હું વિશ્વમાં જ્યાં પણ હોઉં, સ્વર્ગ તો મા તારાં ચરણોમાં જ છે … ચરણોમાં જ છે.

એક ભારતવાસી

સાંસ્કૃતિક સંઘર્ષ (૧૨) – છેક આવું?-રશ્મિબેન જાગીરદાર

અમેરિકા જેવા દેશોમાં સામાન્ય રીતે રસ્તે  ચાલતા માણસો ભાગ્યે જ  દેખાય, એવું સાંભળેલું.  એ વાતે થોડું આશ્ચર્ય પણ થતું. આપણા દેશમાં તો રસ્તે ચાલતા વાહનો કરતાં  પગે ચાલતા માણસોની સંખ્યા વધારે હોય તેવી સ્થિતિ જ સામાન્ય ગણાય. હા, આજ કાલ બેન્ક લોનની સહાયથી ખરીદી વધવાને લીધે, વાહનોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. હું જ્યારે પહેલી વાર અમેરિકા ગઈ ત્યારે એરપોર્ટથી ઘરે જતાં તો મને એવું જ લાગ્યું કે, સાચે જ રોડ પર માણસ તો નામે ના જ દેખાયા , બસ દેખાઈ તો ગાડીઓની વણથંભી લાંબી વણઝાર!  ત્યારે મનમાં થયું, ગતીભેર ચાલતા વાહનોથી ભરચક અને ધમધમતા રસ્તા પણ માણસો વિના કેટલા નિર્જન-નિશ્ચેત  લાગેછે!

હું રાત્રે ઘરે પહોંચી એટલે બધાને મળવાનું અને ખાવા પીવાનું પતાવીને ઊંઘવાનું જ બની શક્યું. બીજા દિવસની સવાર મારા માટે આશ્ચર્ય જનક નીવડી. સાત વાગ્યાની આસપાસ મેં મારી રૂમની બારીમાંથી બહાર જોયું તો નાનકડો માનવ મહેરામણ હિલોળા લેતો જણાયો. મને અમેરિકામાં રસ્તે ચાલતા માણસો દેખાયા ! કારણ એ હતું કે, અમારા ઘરની બિલકુલ સામે એક અતિ વિશાળ, લોનથી આચ્છાદિત પાર્ક હતો અને એને અડીને એકથી સાત ધોરણની શાળા હતી. સવારે શાળાએ જતાં  બાળકો અને તેઓને મુકવા આવેલાં માંબાપ કે વાલીઓની  અવરજવરથી માહોલ જીવંત બન્યો હતો. બે દિવસમાં મને ખ્યાલ આવી ગયો, કે સવારે ચાલવા આવતા લોકો અને શાળાના સમય દરમ્યાન બાળકો અને વાલીઓની ભીડ રહે છે .  ત્રણ, સાડા ત્રણ  વાગ્યા સુધી એની વસ્તી રહેતી. પછી માંડ એક કલાક નિર્જનતા વ્યાપી રહેતી.  અને પછી તરતજ સાંજના વોક માટે આવતા લોકો અને પાંચ વાગે ચાલુ થતી લાફિંગ ક્લબના મેમ્બરોની આવનજાવન ચાલુ થતી તે છેક પાર્ક બંધ થાય ત્યાં સુધી વસ્તી રહેતી. આ વાત થી મારો દેશી જીવ ખુશ થઇ ગયો.

હું પણ સવારે વોક માટે અને સાંજે લાફિંગ ક્લબમાં જવા લાગી, થોડા જ સમયમાં કેટલાય ઓળખીતા બની ગયા. ધીમે ધીમે સરખા સમયે આવી શકનારા અમે ચાર બહેનો તો ખાસ મિત્રો બની ગયા. એમાંય રેવતી સાથે મને ખાસ ફાવતુ. અમે એક બીજાના વૉટ્સએપ નંબર પણ લઇ લીધા જેથી સમય નક્કી કરીને મળી શકીએ. એક દિવસ અમે ચાર મિત્રોએ ચાર વાગે પાર્કમાં મળવાનું નક્કી કર્યું. અમે ચારેય જણા એ કાવ્યો લખેલા  તેની ચર્ચા કરવાના હતાં . બાકીના બે બહેનો સુચેતા અને શૈલા ને મારા ઘર પાસેથીજ નીકળવાનું થતું, એટલે તેઓ મારા માટે ઘર આગળ થોભ્યાં. મારો પૌત્ર શાળાએથી આવ્યો ત્યારે થોડો તાવ હતો એટલે મને નીકળતાં ખાસ્સું મોડું થયું. તે દરમ્યાન અમે રેવતીનો  સંપર્ક કરવા પ્રયત્ન કર્યો, પણ તેનો ફોન ઉપડ્યો નહિ. મેં વિચાર્યું સાડા ત્રણ થી ચારની  આસપાસ પાર્કમાં ખાસ વસ્તી નથી હોતી, રેવતી એકલી પડશે. એટલે અમે તરત નીકળ્યાં.  અમે ચારે તરફ આંટો માર્યો પણ રેવતી ક્યાંય ના દેખાઈ. અમે ફરી ફોનથી સંપર્ક કર્યો પણ મેળ ના પડ્યો. ત્યાં તો લાફિંગ ક્લબનો સમય થયો, છતાં રેવતી ના આવી. એટલે અમે ત્યાં ગયાં. લાફિંગ ક્લબના માસ્ટરજી આવ્યા તેમણે  સમાચાર આપ્યા કે, એક ગુજરાતી બેનના ગળામાં પહેરેલી  સોનાની ચેન ખેંચીને છોકરાઓ ભાગી ગયા, એવી વાત સાંભળી.  ચાર વાગે અહીં વસ્તી નથી હોતી તેનો લાભ લઈને આવા બનાવો બનતા હતા. મને ફરી થયું એ રેવતી તો નહિ હોય? છેવટે લાફિંગ  એક્સરસાઇઝ પતાવીને અમે રેવતીના ઘરે જવાનું નક્કી કર્યું.

અમે ત્રણે જણ રેવતીના ઘરે પહોંચ્યાં, એ લોકો આ વર્ષે જ અહીં આવ્યા હતા. રેવતીના પુત્ર અને પુત્રવધુ બંને અમને નીચા નમીને પગે લાગ્યાં. એ જ તો આપણી સંસ્કૃતિ છે. વડીલોને આદર આપવો અને નમસ્કાર કરી તેમના આશીર્વાદ લેવા. અમે રેવતી માટે પૂછ્યું તો કહે મમ્મી અંદર સુતા છે આવો. રેવતી ઓઢીને સુતેલી હતી. અમને જોઈ તેણે મોં ઢાંકી દીધું,  અમને નવાઈ લાગી શું થયું રેવતી આજે કેમ ના દેખાઈ? જવાબમાં તેનું ડૂસકું સંભળાયું. અમે પૂછતાં રહયા ને તે રડતી રહી. અમને અંદાજ આવી ગયો કે તેની ચેન ખેંચી લેવામાં આવી છે, બીજી રૂમમાં જઈને તેમની પુત્રવધુને  મેં પૂછ્યું,” શું તેમની ચેન તૂટી છે.?”  પુત્રવધૂએ કહ્યું, “હા ચેન તો તેમની જ તૂટી છે એ તો ગઈ, પણ એ બે છોકરાઓની હિમ્મત તો જુઓ ધોળા દિવસે ચેન તો તોડી પણ કોઈ ના દેખાયું એટલે બદતમીઝી પણ કરી. જોરથી ચેન ખેંચી એટલે મમ્મી પડી ગયાં એટલે ચેન તો લઇ લીધી પણ પડેલા મમ્મીજીની પાસે તે છોકરો સુઈ ગયો અને છેડતી કરી અને બીભત્સ માંગણી કરી.  મમ્મીમજી ખુબ ગભરાઈ ગયાં ને ચીસો પાડી પણ કોઈ હતું નહિ,  એટલે બીજો છોકરો પણ ત્યાં બેસી ગયો.એટલું સારું થયું કે તે જ સમયે ત્યાંથી એક ગાડી પસાર થઇ. તેમાં બેસેલા કપલે આ જોયું અને ગાડી ઉભી રાખીને ઉતર્યા એટલે છોકરાઓ ગાડીમાં બેસીને ભાગી ગયા. એ ભલું કપલ  મમ્મીજીને ઘરે મૂકી ગયું. તેમણે કહ્યું બંને છોકરાઓ માંડ સત્તરેક વર્ષના હશે.

એ દિવસે તો શરમ અને આઘાતથી સ્તબ્ધ થયેલી રેવતી એક અક્ષર પણ બોલી ના શકી, પણ પછી અમે જ્યારે મળ્યાં  ત્યારે કહે, ” આપણા દેશમાં માતાની કે દાદી ની ઉંમરની વ્યક્તિ મળે તો છોકરાઓ  પગે પડે, જ્યારે આ દેશમાં છોકરાઓ દાદીની ઉંમરની સ્ત્રીની પણ છેડતી કરે! કેવી સંસ્કુતિ  ? કેવા સંસ્કાર!

અસ્તુ.

રશ્મિ જાગીરદાર

Garage Sale:ગેરેજ વેચવું છે -સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(૧૧)-ગીતાબેન ભટ્ટ

12004855_10153698565377268_7826051686984666870_n

બે સંસ્કૃતિ વચ્ચેની  વિષમતાનો અનુભવ: Garage Sale:ગેરેજ વેચવું છે by Geeta Bhatt

મેં સૌથી પહેલી વાર પ્લેનમાં મુસાફરી ક્યારે કરી? જયારે અમે અમદાવાદથી અમેરિકા જવાં નીકળ્યાં ત્યારે !  બે સંસ્કૃતિ વચ્ચેની  વિષમતાનો અનુભવ ત્યાંથી જ શરૂ થઇ ગયો. એરહોસ્ટેસે  પ્લેનમાં ચા  આપી  પણ મસાલો  નહીં  અને દૂધ પણ નહીં !  આવી ચા કોઈ પીતું હોય એનો ખ્યાલ આ કૂવાના દેડકાને ક્યાંથી હોય ? થોડાં હળવે હૈયે, જરા રમૂજ કલમે  રજુ કરું છું  અમારી આ બે સંસ્કૃતિની  અથડામણોની વણઝારમાંની એક ગાથા :

              ગેરેજ વેચવું છે  :  Garage Sale

 

(અમારા પ્રસન્ન દામ્પત્યમાં  ડોકિયું  – encounter with English )

કોઈએ સાચું જ કહ્યું છે our  funniest  moments  are those which tell  our  miseries and  woes !

અરે કોઈએ ય  એવું નથી કહ્યું? ઓકે. તો ચાલો હું કહી દઉં!

વાત છે અમારા એ દિવસોની કે જયારે અમે હજુ અમેરિકામાં નવા નવા જ આવેલા.

જોકે  અમારા પતિદેવ-  સીનેમને  મારી પાસેથી વચન  લીધું છે કે આ વાત હું ક્યારેય કોઈને કહીશ નહીં: તેથી કોઈને કહેવાશે તો નહીં જ. પણ લખવામાં કઈ વાંધો નથી! ને  તેથી જ હું  તમને લખી જણાવું છું :

અમારા પતિદેવ અંગ્રેજી મીડિયમમાં  ભણેલા એટલે પહેલેથી જ બધાને એમના માટે ગર્વ હતો. ગામ આખામાં અંગ્રેજીમાં વાત કરનાર પણ એ એકલા જ!  એટલે એ જે બોલે તે બધા આશ્ચર્યથી સાંભળ્યા કરે. મેં કોઈને પૂછ્યું,  “શું  બોલે છે? ”

“બહુ સરસ બોલે છે!”  એમણે કહ્યું.

” હની !” પતિ ઉવાચ, ” મને તો  અમેરિકામાં કાંઈ તકલીફ નહીં પડે, પણ તારે જરૂર મુશ્કેલી પડશે. ”

“અરે હોતું હશે? મારે શેની મુશ્કેલી? એમ તો સીનેમન, હું યે ઈંગ્લીશ મીડિયમમાં ભણી છું!” મેં  મધની મીઠાશથી તજના તરખટિયાને જવાબ આપ્યો .”પણ તેંતો ગુજરાતી ભાષામાં M. A. કર્યું છે”

“હા, પણ અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી ભણી છું.” મેં ઝીંકયું! એણે મારી સામે શંકાથી જોયું

“કેમ, ગુજરાતી  માધ્યમમાં જો અંગ્રેજી શીખવાડે  તો અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી કેમ ના શીખવાડે? મને અમેરિકામાં કાંઈ તકલીફ નહીં પડે!”

થોડાજ  સમયમાં અમે અમેરિકા તો નિરાંતે  આવીગયા.

ઓહોહોહો ! શિકાગોનું એરપોર્ટ એટલે કહેવું જ શું? જાણે કે કોઈ બીજી જ દુનિયામાં આવી  ગયાં!

Rest Room મેં અંગ્રેજીમાં વાંચ્યું.

“સીનેમન, આ જો, લાંબી જર્નીનો થાક લાગ્યો હોય તેને માટે ખાસ રેસ્ટ કરવાની વ્યવસ્થા પણ છે, Rest Room! પાછું લેડીઝ અને જેન્ટ્સને અલગ અલગ આરામ કરવાનો!”

પણ એણે પગ પછાડયા  એટલે મને સમજાયું કે એને થાક લાગ્યો નહોતો  ને હું એને નાહકની આરામ કરવા કહેતી હતી!

“મહેરબાની કરીને તું અંગ્રેજી ના વાંચતી, હની. તારે થોડા આરામની જરૂર છે.” સીનેમને મને કહ્યું.

અને પછી અમે અમારા મોટા મોટા બેગબિસ્તરા અને પેટીપટારા સાથે અમેરિકાની ભૂમિ પર જીવન શરૂ કર્યું.

વાહ અમેરિકા! આતો ગજબનું કહેવાય ! આટલી બધી ગાડીઓ દેખાય, પણ એકેય  માણસ દેખાય નહીં!  થોડા મહિનામાં જ અમને સમજાઈ ગયું કે  અહીં લોકોને  ચાલવાનો કંટાળો  આવે છે.

“હની!” રવિવારની એક સવારે સીનેમને મને કહ્યું, “ચાલ, આજે તો આપણે લટાર મારવા નીકળીએ.”

આમ તો  અમે દેશમાં રવિવારની સવાર ગાંઠિયા અને મસાલા ચાથી શરૂ કરતાં. સીનેમન ગરમાગરમ ગાંઠિયા, ચણાના લોટની ચટણી અને ઝાઝું બધું પપૈયાનું ખમણ ને મસ્ત ભાવનગરી મરચાં લઈને ઘેર આવે ત્યાં સુધીમાં મેં આદુ એલચીની મઘમઘાટ  મીઠી ચા તૈયાર રાખી હોય. ક્યારેક પડોશી ભવ્યા અને કિરણ પણ ભળે ને અડધો કપ મુન્નીને માટે પણ હોય. તે વાસણ માંજી ગાંઠિયા સાથે લઇ લે. પણ અહીં તો – અહીંની તો વાત જ ન્યારી .

હવે જો આ ન્યારી વાતની ખબર મને  એટલે કે  અમને તે દિવસે હોત તો  આ વાત બની જ ના  હોત અને અમે અમારી જાતને  આટલા હાસ્યસ્પદ  પણ બનાવી ન હોત. ને તો આ દામ્પત્યની  પ્રસન્નતા પણ  કેવી રીતે  ટકી હોત?  થોડી  ભૂલો-થોડા ભરમ, થોડા બ્લુપર્સ, થોડા બન્ડલ્સ ! ત્યારે તો બને છે funniest  moments !

” સીનેમન !” મેં ઘરથી ચારએક બ્લોક દૂર  બે મુખ્ય રસ્તાઓના ક્રોસિંગ પાસે ઊભા રહેતા કહ્યું ,” સીનેમન, આ જો!  આ જો, શું  લખ્યું  છે?   Garage Sale!

What garage sale means?” મેં મૂંઝાઈને પૂછ્યું. “કોઈને ગેરેજ વેચવું છે? પણ કેમ ? ”

આજથી  પાંત્રીસ  વર્ષ પહેલાં, હજુ ગુગલ દેવનો જન્મ થયો નહોતો, મા જ્ઞાનેશ્વરી  ઇન્ટરનેટ માતાની પધરામણી થઈ નહોતી. એ અંધાર યુગ  હતો .

તજ જેવા તમતમાટ ને મન જેનું ધમધમાટ એવા સીનેમને સહેજ વિચારીને જવાબ આપ્યો, “હની, તને તો ખબર છે ને શિકાગોમાં કેટલી સખત ઠંડી  ને ભયકંર સ્નો પડે છે?  ઘણાં ઘરડાં લોકો ગાડી  ચલાવી  શકે નહીં., પછી. ગેરેજ રાખીને  શું કરે ? એટલે પછી આવી રીતે ઉનાળામાં વેચી દે!”

“ગેરેજ? ગેરેજ વેચી  દે?”

“હં! બરાબર  છે!” મેં ગર્વથી સર્વજ્ઞ, બુદ્ધિમાન પતિદેવ તરફ નજર કરી. “I am so proud of you !  You know everything!” મેં કહ્યું.

પણ એ કોઈ વિચારમાં  ખોવાયેલ  હતો. ખરેખર  એવું  હોઈ શકે? કોઈ એકલું ગેરેજ વેચે ખરું ? પણ “મને નથી  ખબર” એમ બોલે તો  એ આપણો  ગુજરાતી મર્દ  શાનો ?

સહેજ આગળ વધ્યાં. હવે કોઈ રોડ તો ક્રોસ  કરવાનો  નહોતો. લાઈટના એક થાંભલા  પર  મોટા  અક્ષરે  લખ્યું હતું  Yard Sale !

ઓત્તારી ! Yard Sale  શું હશે ?

“સીનેમન!”  મેં હળવેથી પૂછ્યું, ” યાર્ડને ગુજરાતીમાં શું કહેવાય ?કમ્પાઉન્ડ ? હા, કમ્પાઉન્ડ, એટલે કે ફળિયું. હં, ફળિયું. હેં ને?”

“હની, આપણે રોડ ક્રોસ કરી  સામે જઈએ.”  એણે મારો હાથ  પકડી કહ્યું.

“હા સીનેમન, પણ આ થાંભલા પર શું લખ્યું  છે તે તો જો!  જો વાંચ Yard Sale.

એણે કતરાતી આંખે  મારી સામે જોયું. “શી  જરૂર  છે જ્યાં  ત્યાં જે  તે વાંચવાની ?”  તે ખીજાઈને બોલ્યો. “તું તારું  ગુજરાતી મીડિયમનું અંગ્રેજીનું જ્ઞાન અહીં એપ્લાય  ના કરે તો સારું. ”

“લે કર વાત!  અંગ્રેજી તો બધે સરખું જ  હોય ને? આ લખ્યું છે:  Lost Dog  એટલે કે કોઈનું કૂતરું  ખોવાયું  છે. ને ત્યાં  લખ્યું છે Found Kitten એટલે કે કોઈને બિલાડીનું  બચ્ચું  મળ્યું છે. ને  પેલી  સાઈન છે  Cash for your House એટલે કે………..”

” બસ બસ.”

” બસ બસ, વાંચ તારે જેવાંચવું હોય તે” એ ખિજાઈ ને બોલ્યો.

“પણ સીનેમન આ જો!”

જ્યાં યાર્ડસાલે ની સાઈન મુકેલી એ યાર્ડ આગળ જ અમે ઊભેલાં.

કોઈફર્નિચર -ટેબલ ખુરશી , ગાદલાં ઓશિકા, વર્ગણી ઉપર ટીંગાડેલા કપડાં જ્યાં ત્યાં જે તે પડયાતાં.

હાય હાય! માંકડ થતાં હશે એટલે બધું રાચરચીલું બહાર મૂક્યું લાગે છે ! ” મેં બળાપો કર્યો

કદાચ એટલેજ ફળિયાની જમીન વેચી દેતા હશે!

” હની, તેં જોયું ને. અહીં કેટલો બધો સ્નો પડે છે! એટલા મોટા યાર્ડ માંથી સ્નો કાઢવોય ઘણા ને ના પોષાય . એટલેજ યાર્ડ સેલ કરતાં હશે!

અમે બન્નેએ વિચાર્યું : દેશમાં તો કમ્પાઉન્ડ માં ધોબી કે દરજી કે શાકવાળો કે છેવટે કોઈ મોચી કે હજામ દુકાન માંડીને બેસતાં . ક્યારેક મોકાની જગમાં પાનનો. ગલ્લો કે સોડા શોપ પણ. હોય . પણ – પણ – એવું તો હજુ સુધી અહીં કયાંય જોયું નહોતું .

અમેમૂંઝાયા . પણ ” નથી જાણતા એ કહેવા માટે. ઘણું જાણવું. પડે છે” સીનેમને ચૂપ રહેવાનું ઉચિત માન્યું !

નેકોઈને પૂછવાની હિંમત નહોતી . અહીં કોની પાસે ગન હોય તે કહેવાય નહીં ! ક્યાંક એ ઊંધું સમજે ને ઉડાડી દે તો ? અમે જીવ બચાવીને ભાગ્યાં.

આ બધા કન્ફ્યુઝનમાં મારો કાંઈ વાંક હોય તેમ સીનેમને ઘેર આવીને જાહેર કર્યું : ” હની, don’t take me wrong , પણ let’s see, what’s our goal ? આપણે અહીં પૈસા કમાવા આવ્યાં છીએ ને બસ એજ આપણો ગોલ હોવો જોઈએ . જેને જે વેચવું હોય તે વેચે ! આપણે શું ફર્ક પડે છે? ”

પણ મેં જોયું કે એ ઘવાયેલા સાવજ જેવો સોફામાં પડ્યો હતો .

બીજું બધું પોષાય પણ સીનેમનને આમ ભાંગી પડેલો ના જોઈ શકાય .આખરે આ દેશમાં અમારું છેય કોણ ?

દેશ છોડીને આટલે દૂર પરદેશમાં અમારું કોણ છે? અમારાં બન્નેનાં મા – બાપ , ભાઈ બેન , સ્નેહી મિત્રો સૌને છોડીને આટલે દૂર અમે એક મેક ના સહારે જ તો આવ્યાં હતાં! આજે આ ગરાજસેલ ને યાર્ડ સેલ કાંઈ સમજમાં આવતાં ન્હોતાં.

દેશમાં ક્યારેક જુનાં કપડાં , સાડલા ચાદર ઘસાયેલાં આપીને સ્ટીલનો ડબ્બો લીધો હોય કે ભંગારમાં ઘરવખરી આપ્યાનું યાદ છે પણ – પણ આટલાં બધાં કપડાં ને ઘરવખરી બહાર યાર્ડમાં પડ્યાં હતાં તેનું રહસ્ય સમજાતું નહોતું. ગામના તળાવની બે માછલીઓ જેવાં અમે બે વિશાળ દરિયામાં અમારું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યાં હતાં. આંખમાં આવેલાં ઝળઝળિયા મેં સંતાડવા કોશિશ કરી ….

સરસ મઝાની ચ્હા અને ગરમાગરમ મેથીના ગોટા નો ઘાણવો લઈને હું ઘવાયેલ સાવજની પાટાપિંડી કરવા લિવિંગ રૂમમાં ગઈ ;” લે આ તારું મન ગમતું , ભાવતું એપિટાઈઝર . And wait for the grand dinner ! તું જરા આ છાપું વાંચ ત્યાં ભોજન તૈયાર થઈજશે .

મેં એના ઘવાયેલા ઈગોને પ્રેમથી સંભાળ્યો ;” હવે એ ગરાજસેલ નાં વિચાર જ ના કરતો . જે હશે તે . લે , આ છાપું .મેં Chicago Tribune હાથમાં આપ્યું

એ સહેજ બેઠો થયો ને છાપું હાથમાં લઈને એણે વાંચ્યું:Chicago Tribune : પહેલા જ પાને મોટા અક્ષરે લખ્યું હતું : 7 Police Officers Fired ! ” મેં ગભરાઈને સીનેમન સામે જોયું : સાત પોલિશને બાળી મૂક્યાં? ઓહ નો!,

“કઈ જાતની છે આ અંગ્રેજી ભાષા?” મેં મુંઝવણથી કહ્યું આ તો કાંઈ એવું લાગતું નથી

મેં છાપું સ્નતાડવા પ્રયત્ન કર્યો, પણ એને મારા હાથમાંથી છાપું લીધું ને આશ્ચ્ર્યથી મારી સામે જોયું : ” Honey, There is something wrong with me .I don’t understand their English !”

એ સોફામાં ફરી પાછો ફસડાઈ પડ્યો . મીઠી તલાવડીની બે માછલીઓ વિશાળ સાગરમાં અટવાઈ રહીતી ……

બે ચાર વર્ષ પછી જયારે આદેશને થોડો પચાવતાં થયા પછી અમારી આનિખાલશ સ્ટુપિડીટી ના જોક્સ પર પેટ પકડી ને હસતાં ને હસાવતાં… પણ તે દિવસે તો એણે અમને ખુબ રડાવેલ !મુન્ઝ્વનમાં મૂકી અમારી શ્રદ્ધાને ડગાવેલ !અને ડરાવેલ પણ ખરાં!

Yes, our funniest moments are those which tell our mistakes ,misfortunes and more….

Geeta Bhatt, Chicago.

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(૧૦)’દર્દ ના જાને કોઈ ‘-તરુલતાબેન મહેતા

‘લીવ મી અલોન પ્લીઝ ‘ અંદરથી લૉક કરાયેલા રૂમમાંથી દુનિયા આખીને ધિક્કરતો
આક્રોશ ઘરની દિવાલોને ધૃજવી રહ્યોં છે.
શિકાગો હાઈસ્કૂલના સીન્યર કેમ્પમાંથી નિનાદને એનો દોસ્ત બે હાથે ઝાલીને
એના રૂમમાં સુવડાવી ચૂપચાપ જતો રહ્યો હતો.મેં મારા બેડરૂમની બારીમાંથી
જોયું ,હું ઝડપથી દાદરો ઉતરી નીચે આવી.નિનાદ બારણું નહિ ખોલવાની જીદ કરી
બેઠો હતો.એની જીદ આગળ થાકીને હું સજ્જડ બારણા પાસે ફસડાઈ પડી.હું વિચારી
નથી શકતી ‘કોણે મારા દીકરાને માર્યો હશે?એની ગર્લ ફ્રેન્ડ નાન્સી શ્યામ
હતી પણ એ બહુ સમજુ હતી,બન્ને સાથે ટેનિસ રમતા,અભ્યાસ કરતા,નાન્સી
કેમ્પમાં ગઈ હતી,શું એના કુટુંબના કોઈને ગમ્યું નહિ હોય કે બીજા કોઈએ વેર
લીધું હશે!
મેં ફરી બારણું ખટખટાવ્યું .
‘ખોલ બેટા ખોલ’ મારા હાથ દીકરાના બરડા પરના જખ્મને શીતળતા આપવા માટે
ઝન્ખતા હતા.મને ચક્કર આવ્યા હશે , માથામાં લોહી ધસી આવ્યું .મારા
કાનમાં ‘સટાક ..સટાક ‘ના ક્રૂર પડઘા પડે છે.
હું બેબાકળી થઈ ચીખી ઉઠી,’ આ મારો બરડો ખૂલ્લો છે,મને તમારા પટ્ટાના
ચાબકા મારો,એને છોડો.બધો વાંક મારો છે.’
હું ત્રીસ વર્ષ પહેલાંના મોટી ખડકીવાળા આણંદના ઘરમાં સરી ગઈ હતી.બહારના
ઓરડામાં મારા બે હાથને મમ્મી અને ફોઈએ જ઼બરદસ્તીથી પકડી રાખ્યા છે,હું
વિફરેલી વાઘણ જેવી ધમપછાડા કરું છું ,અંદરનો રૂમ બન્ધ હતો પણ રોહનના
બરડા પર વીંઝાતા પટ્ટાના સટાકાએ ઘરની દિવાલોને થરથરાવી દીધી.સોળની પીડા
મને થતી હતી.મારી છતી આંખે મારો મોટોભાઈ રોહનને ઢસડીને લઈ ગયો.હું એના
ફાટેલા શર્ટમાંથી સોળ પડેલા બરડાને જોતી ,’ઉભા રહોની’ બૂમો પાડતી
હતી.મારા હાથ એના બરડાને પમ્પાળવા .. બસ એક વાર એના ઘા પર મલમ લગાવવા
તડપતા હતા..ત્યારપછી એ ગુમ થઈ ગયો.
બસ એક વાર મારે રોહનના બરડા પર સૂકાયેલા લોહીને … ડેટોલના હુંફાળા
પાણીમાં બોળેલા પોચા પોતાથી રુઝવવો હતો.
અમને ‘કાચી ઉંમરના સમજી ‘વડીલો વાતને વીસરી ગયા.
હું અંદરના રૂમમાં ભરાઈ રહેતી ,ઘવાયેલું ગલૂડિયું ધાને ચાટ્યા કરે તેમ
ડાયરીમાં રોહનની યાદોને ઘુંટ્યા કરતી ,બચપણની અમારી ઢીંગલાઢીંગલીની રમતો
વેરણછેરણ થઈ ગઈ હતી.એનો લાકડાનો ઘોડો અને મારી પ્લાસ્ટિકની રાજકુમારીને
જન્ગલના હિંસક ચિત્તાએ અને વરુએ તીણા નહોરથી ચૂંથી નાખ્યાં હતાં. ટેબલના
નીચેના ખાનામાં મારી ડાયરી સન્તાડી રાખતી.એ ડાયરીના એક પાના પર થીજેલું
લોહી હતું.’સટાક .. ના પડઘા અને મૂંગાં ડૂસકાં હતાં. આજે એ પાના પર
ફરીથી તાજા લોહીની ટશરો ફૂટી હતી.
‘મૉમ,તું શું કહે છે?તું રડે છે કેમ?’ સ્કૂલેથી આવેલી નીનુ ગભરાઈને પૂછતી હતી.
મારી દસ વર્ષની દીકરીને ડૂબતો તણખલાંને ઝાલી લે તેમ સાહીને હું ઉભી
રહી.હું શું બોલતી હતી ?ત્રીસ વર્ષ પહેલાંની એ દિલને ભીંજવતી પહેલા
વરસાદની ઝરમર …હજી તો એ ઝરમરને અઢી અક્ષરના નામે ઓળખી નહોતી ,એમ જ
હું અને રોહન ધૂળમાં દોડતાં હતાં. પકડાપકડીમાં એણે મને એની વાદળોના
ગડ્ગડાટ કરતી યુવાની ઝન્ખતી છાતીમાં ચીપકાવી દીધી,ત્યાં મોટાભાઈ જમવાના
ટાણે આવી પહોંચ્યા.એમનો પિત્તો ઉછળ્યો ,’કોનો છોકરો છું ?’ તેને લપડાક મારતા પૂછ્યું
સામેવાળા ભીખુભાઇ દૂધવાળાનો ‘રોહન કકળતો હતો.’
‘તારી આટલી હિંમત ?દેસાઈની દીકરીને હાથ કેમ અડાડાય હું તને બતાવું?તેઓ રોહનને એના
શર્ટનો કોલર ખેંચી અંદરના રૂમમાં લઈ ગયા.’મારો વાંક … ‘હું બૂમો પાડતી
રહી,મારા હાથ બઁધાયેલા હતા.
થોડીવારે જાતને સંભાળતા કમ્પતા સ્વરે બોલી: ‘તારા ભાઈ નિનાદને કોઈએ અધમૂઓ કરી મૂક્યો છે.’
નીનુ કહે,’મોમ ,વી શુડ કમ્પ્લેન પોલીસ’
‘એ બારણું ખોલીને વાત કરે તો સમજાઈ ને !’ હું હતાશ થઈ બોલી
‘હું ડેડીને ટેક્ષ કરું છું ‘
‘ડેડી ,બે દિવસ માટે બહાર ગયા છે ‘.નીનુને હું રસોડામાં લઈ ગઈ.તેને
ક્રેકર્સ અને જ્યૂસ આપ્યાં અને પોતે પાણીનો ગ્લાસ લીધો.પાણીનો ઘુંટડો
ગળામાં ઉતરતો નથી.અંતરસ આવી ગયું.એને રોહનના શબ્દો યાદ આવી ગયા, …જેને
તેણે કદી યાદ નથી કર્યો,કારણ કે જે ભૂલાયો જ નથી.તે કહેતો,’તને અંતરસ આવે
ત્યારે માનજે કે હું યાદ કરું છું.’
નિનાદના રૂમમાંથી ખુરશી પછાડવાના,ચોપડીઓ નાખવાના અવાજ આવવા હતા,એટલામાં
ત્વરિત મ્યુઝિકના કાન ફાડી નાખે તેવા અવાજ આવ્યા ,એનો દીકરો રોતલ
થવાને બદલે આક્રમક થયો હતો,મને ઝનૂન ચઢ્યું ,’બસ, બેટા સામે લડવાનું
છે,માર ખાઈને બેસી ના રહેતો.હું તને સપોર્ટ કરીશ,તારા હૈયામાં ઉગતા કોમળ
પ્રેમના છોડને કચડી નાખીશ ના.જે ગુમાવીએ તેની ખોટનો કોઈ વિકલ્પ
નથી,નાન્સી શ્યામ છે,આપણે ઇન્ડિયન પણ પ્રેમને રંગ કે દેશના સીમાડામાં કેમ બાંધી શકાય? હું તારા પડખે તને સાથ આપીશ.
નીનુ રડવા લાગી એટલે હું પરિસ્થિતિ સઁભાળી લેતાં બોલી ,’એવરી થીંગ વિલ બી
ઓ.કે ‘.તેને પટાવીને તેનું ફેવરિટ મુવી
‘ફાઈન્ડીગ ડોરી ‘મૂકી આપ્યું.
હું શું જોતી હતી?ત્રીસ વર્ષ પહેલાંના અંદરના રૂમમાં ઊઠેલી એક આગ —
જ્ઞાતિવાદને ખાતર હોમેલા પ્રેમની એ પાવક જ્વાલા ભડભડ બળતી,પ્રસરતી
મારા દીકરાને દઝાડતી હતી.એમાં રંગભેદ,કોમવાદ પ્રેમ સિવાયના બધા જ વાદના
સૂકા કાષ્ઠ જલી રહ્યા હતા.
નિનાદના રૂમમાં યુધ્ધ પછીની શાંતિ છવાઈ હતી.

તરૂલતા મહેતા 20મી ઓક્ટો. 2016

 

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(10)-સરહદની ભૂમિ-રેખા સિંધલ

rekha%e0%aa%ac%e0%ab%87%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%a7%e0%aa%b2

“વી વન! ગીવ મી હાઈ ફાઈવ એકતા! (આપણે જીત્યા! તાલી દે, એકતા!)”

સોફા પરથી ઊભી થઈ હર્ષાવેશમાં બંને હાથ ઊંચા કરી હથેળીઓનો તાલ એકતા સાથે મેળવવા માટે તત્પર બની અવનિએ મોટેથી ખુશી પ્રગટ કરી. લિવિંગ રૂમ રસોડાની જોડાજોડ હોવાથી આ સાંભળી તરત જ હું પણ એ ખુશીમાં સામેલ થવા રસોડાની બહાર આવી.

1992માં બાર્સેલોનામાં રમાતી ઓલિમ્પિક રમતોને ટી.વી પર નિહાળતી મારી પંદર વર્ષની બંને જોડિયા દીકરીઓને એક રમતવીરની જીતની ખુશીથી એકબીજાને તાલી આપી ફૂદરડી ફરતી અને ઝૂમતી જોઈ હું પણ ખુશ થઈ. ઓલિમ્પિકની રમતોમાં મને તે સમયે બહુ રસ ન હતો તે છતાં ય પોતાના દેશનો રમતવીર ચંદ્રક જીતે તેની ખુશી તો થાય જ ને!

માતૃભૂમિથી દૂર પારકા પ્રદેશમાં એટલે કે અમેરિકા આવ્યાને હજુ અમને ત્રણ વર્ષ થયાં હતાં. અમારી જીવનનાવ હજુ હાલકડોલક હતી. થોડાં વર્ષો પછી કાયમ માટે વતન પાછા ફરવાની ઈચ્છા તીવ્ર હતી પણ એ પહેલાં તો બસ એક જ લક્ષ્ય હતું કે વિકસવાની જે તકો અમને મળી ન હતી તે બાળકોને મળે તેમ કરવું અને એ માટે રાત-દિવસ અમે મથ્યા કરતા હતા.

અહીં નોકરી મેળવવાનું કે કરવાનું અઘરૂં ન હતું પણ પશ્ચિમના દેશમાં પૂર્વની સંસ્કૃતિ કેમ જાળવવી? તે સમસ્યા મૂંઝવ્યા કરતી. શાળામાંથી બાળકો રોજ નવા વિચારો લઈને આવતાં અને તેનાથી ક્યારેક મન ગૌરવ અનુભવતું તો ક્યારેક ચિંતાથી ઘેરાઈ જતું. ક્યારેક અમને પ્રશ્ન પણ થતો કે અહીં આવીને ભૂલ તો નથી કરી ને?

“ઈંડિયા જીત્યું? કઈ રમતમાં?” થોડા કુતૂહલ અને વધુ આશ્ચર્યથી મેં પૂછ્યું.

“નો….. મધર!” ‘નો’ પર ભાર મૂકીને એકતા કહે “અમેરિકા!”

જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગઈ.

બંને દીકરીઓની આંખોમાં વિસ્મયનો ભાવ મને વંચાયો. તેમાં આટલી સાદી સમજ મને કેમ ન પડી તે લખ્યું હતું પરંતુ મારા વિસ્મયને સમજનાર તે સમયે ત્યાં અન્ય કોઈ હાજર ન હતું.

ઓહ! તો આટલા ટૂંકા સમયમાં એક છત્ર નીચે રહેતો અમારો પરિવાર અજાણપણે બે દેશો વચ્ચે વહેંચાઈ રહ્યો હતો. ફરતી અદૃશ્ય સીમારેખાઓ અંકાઈ રહી હતી અને અમને કોઈને તેની જાણ સુદ્ધાં ન હતી. ઓચિંતુ જ આ નગ્ન સત્ય નજર સમક્ષ ઉપસ્થિત થયું અને મારું હ્રદય ખળભળી ઉઠ્યું હતું. એક તરફ સાંજનો ઢળતો સૂર્ય ભારતમાં રહેતાં માબાપની યાદ આપતો હતો અને બીજી તરફ ઊગતા સૂર્યને સંતાનો અમેરિકાની ધરતી પર નિહાળતાં હતાં. આ આથમતી અને ઊગતી પેઢી વચ્ચે સેતુ બનીને ઉચ્ચક મનથી અહીં વસતાં

સ્થળાંતરવાસીઓ અમે ક્યાંનાં…? તે પ્રશ્નનો ખોવાયેલ ઉતર આ પ્રસંગને અવિસ્મરણીય બનાવી મનના અતલ ઊંડાણ સુધી લઈ જાય છે.

સૌજન્ય:વેબ ગુર્જરી

રેખાબેન

https://axaypatra.wordpress.com/

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)(9)-બિન્દાસ-પ્રવિણા કડકિયા

હીમા કાગળ અને પેન્સિલ લઈને બેઠી હતી. આજે સવારથી મન ઉદ્વિગ્ન હતું. કેમે કરી મનને વાળી શકતી નહોતી. યોગનું પાલન કરતી, દરરોજ સવારે પ્રાણાયામ કરી ધ્યાનમાં બેસતી. વિહવળ મન તેની એક પણ વાત માનવાને તૈયાર ન હતું. આજે તેણે નક્કી કર્યું, જો મનનો ઉભરો કાગળ પર લખીને ઠાલવીશ તો કદાચ કાંઈક ફરક પડશે.  સારું હતું હિરેન ઘરમાં ન હતો.

કલમને બસ તું સડસડાટ ચાલવા દે

હૈયાની વાણીને બિન્દાસ  વહેવા દે

‘ પાછું તું એ બાબતમાં શા માટે વિચારે છે?’

‘શું કરું મારું મન કાબૂમાં નથી રહેતું.’

‘જો સાંભળ, એમ સમજ કે હવે તારી એની સાથેની લેણદેણ પૂરી થઈ ગઈ.’

‘હું પણ તારી જેમ સરળતાથી નિર્લેપ થઈ શકું તો કેવું સારું ?’

હીમા વિચારી રહી, ‘હિરેન અને હું બન્ને એક જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. શા માટે વિચારો મારો પીછો છોડતા નથી ? એતો કેવો મસ્તરામ થઈને ફરે છે.  એને કાંઈ નહી થતું હોય ? તેના મોઢાની એક પણ રેખા બદલાઈ નથી. સામેવાળી વ્યક્તિ તેને જોઈને એના મનમાં શું ચાલી રહ્યું છે તે કળી ન શકે! ભૂતકાળને દિલ તેમ જ દિમાગમાંથી હડસેલવાની કળા તેને વરી છે.’

વળી પાછી હીમા વર્તમાનમાં પટકાઈ. ‘હિરેન, તું કહે છે એ બધું સમજુ છું. અમલમાં મૂકવાનો પ્રયત્ન હ્રદયથી કરું છું પણ સફળતા મળતી નથી.’ હિરેન કહી  કહીને થાક્યો, ‘હીમા તારા મનને સંભાળ. સર્વ કલેશ યા દુઃખનું કારણ મન છે. જે નથી તેનો ચિતાર, મન તારી સમક્ષ રજૂ કરે છે. તું તેમાં ભરમાય છે. પછી નિરાશા અને હતાશા સાથે તારે મૈત્રી રચાય છે. ભૂતકાળને વાગોળવાનો કદી નહી, ભૂલવાનો!

તારા જેવી બિન્દાસ આવી રીતે નિરાશ થાય એ મારા માનવામાં આવતું નથી. કોઈની પરવા ન કરનાર આજે કેમ ઢીલી થઈ ગઈ છે? ‘

‘શું મને આ બધું ગમે છે? કેવી રીતે હું છૂટું ? હા, હિરેન, હું તારા જેવા મક્કમ અને દૃઢ મનોબળવાળી નથી. જ્યાં દિલની વાત આવે છે ત્યાં હું નરમ બની જાંઉ છું. તારો સુહાનો સાથ છે એટલે તો હું ટકી રહી છું. જે નથી તે હું કેવી રીતે બની શકું?’

‘હા, તું નથી એ થઈ ન શકે. કિંતુ મારી વાત સાંભળ, મારામાં વિશ્વાસ રાખ. એટલું પણ તારાથી ન થઈ શકે?  કરવાનું તારે કાંઈ નથી. માત્ર ખોટા વિચારોમાં ઉલઝી, સીધી સાદી પરિસ્થિતિને અટપટી બનાવીને તને શું મળે છે?’

‘અશાંતિ, ઉદ્વેગ અને અપાર દર્દ !

’હજુ પણ તારી પાસે પૂરતો સમય છે. તેનો સદઉપયોગ કર. સમય વેડફ નહી. તે કોઈને માટે થોભતો નથી.’  હીમા મનના ઠાલા વિચારોને કાગળ પર ઉતારી હૈયુ હળવુ કરવા માંગતી હતી. તે જાણતી હતી ‘જો વિચારો કાગળ ઉપર ટપકાવી દેવામાં આવે તો મન ખાલી કરવું સરળ બને. મનમાં ચાલતું તુમુલ યુદ્ધ પીછો છોડે અને મનમાં શાંતિનું સામ્રાજ્ય છવાઈ જાય. નાનપણથી તે આ રીત અપનાવતી આવી છે, જેને કારણે તેને સફળતા પ્રાપ્ત થતી હતી.  હૈયુ કાગળ પર ઠલવાઈ જાય પછી હળવી ફુલ જેવી બની જતી. આમ તો હીમા વજ્રથી પણ કઠોર બની શકતી. છતાં લાગણીશીલ હોવાને કારણે તેના હાથ હેઠા પડતા. જ્યાં દિલની વાત આવે ત્યાં ઢીલીઢસ થઈ જાય. બાકી તેની હિમત, આવડત અને કુશળતા દાદ માગી લે તેવા હતા.

કોણ જાણે કેમ આજે કોરો કાગળ અને અણીદાર પેન્સિલ હાથમાં હતી પણ એક અક્ષર પણ હીમા લખી શકી નહી. હરહમેશ તેની વહારે ધાતો આ કીમિયો, આજે કેમ તેને સાથ આપવા તૈયાર ન હતો? જરૂર ન હતી છતાં પણ સંચો હાથમા લઈ પેન્સિલની અણી ફરીથી કાઢી. કાગળ પણ રાહ જોતો હતો કે ક્યારે લખવાનું શરૂ કરે?

હીમાએ હાથ ઉંચક્યો. હજુ તો કશું લખે ત્યાં દરવાજાની ઘંટડી રણકી. બારણું ખોલવા જવાનો કંટાળો આવ્યો. નોકર સૂતો હતો અને બાઈ બજારમાં શાક લેવા ગઈ હતી. હીમાને આ છ મણની કાયા સોફા પરથી ઉ્ચકી બારણા સુધી જવાની તકલીફ લીધા વગર છૂટકો ન હતો. જેવું બારણું ખોલ્યું તો આશ્ચર્યથી મોં વકાસીને ઉભી રહી ગઈ. સ્વપનું છે કે સત્ય તે નક્કી ન કરી શકી.

‘અરે, આમ બારણામા ઉભી રહીશ કે મને ઘરમાં આવવા માટે કહીશ પણ ખરી? ‘

હીમા હોશમા આવી, ‘અરે યાર, માફ કરજે, આવ, અંદર આવ’. આ હકીકત છે કે સ્વપનું?  હજુ હીમા તેની ગડમથલમાં હતી.’અરે, મને ચુંટી ખણી જો. જો હકીકત હશે તો હું  ચિલ્લાઈશ.’

હીમાએ ચુંટી ભરવા હાથ લંબાવ્યો. હીનાએ તેનો હાથ પકડી લીધો.

‘શું આમ ગાંડા કાઢે છે. યાર, હું તારી બાળપણની સહેલી હીના, સીધી પેરિસથી આવી રહી છું. ફ્લાઈટ બપોરે બે વાગે લેન્ડ થઈ તેથી વણકહે આવી. મારે માટે મુંબઈ ક્યાં નવું છે. એરપૉર્ટથી ટેક્સી કરીને આવી ગઈ. તું ક્યાં રહે છે તે હું જાણું છું. હ્રદય પર હાથ રાખીને બોલ તને આ સરપ્રાઈઝ ગમી કે નહી ? જો ના પાડીશ, તો હું વળતા પ્લેનમાં વિદાય થઈશ. રિટર્ન  ટિકિટ લઈને આવી  છું.’

હીમા ખુશીની મારી હીનાને વળગી પડી. ‘વૉટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ,’ કહીને ખુશી દર્શાવી રહી. ‘અરે યાર, અંદર આવ અને આરામથી બેસ. પહેલાં પાણી પી, ત્યાં હું એક્દમ સરસ એલચી  કેસરવાળી ચા બનાવું.  ગઈકાલે  હિરેન ભૂલેશ્વરના હીરાલાલા ભજીયાવાળાને ત્યાંથી તાજા ગાંઠિયા લાવ્યો છે. આપણે બંને સાથે બેસીને ઝાપટીએ. ગપ્પા પણ મારીશું.’ હીમા બધી નિરાશાજનક વાતો  વીસરી ગઈ. અચાનક તે ઉમંગથી છલકાઈ ઉઠી. હિરેન હાજર હોત તો હીમાનું આ સ્વરૂપ જોઈને પાગલ થઈ જાત. બંને સખી વાતે વળગી. ચા વધારે બનાવી હતી. બન્ને જણા ઘણા વખતે મળ્યા. સરસ મનભાવતો નાસ્તો હતો પછી પૂછવું શું?’

હીના છેક પેરિસથી આવી હતી. મહારાજે  હીમાના કહેવાથી હીનાની મનપસંદ વાનગી રાત્રી ભોજન માટે ખાસ બનાવી. હીનાના આગ્રહ આગળ હીમાએ નમતું જોખવું પડ્યું. બન્ને જણાએ  ગયા વર્ષે સરખો પંજાબી સૂટ અમરસન્સમાંથી ખરીદ્યો હતો. આજે સાંજના હિરેન આવે ત્યારે એને સતાવવા એ સૂટ પહેર્યો. નટખટ હીનાએ હિરેનને પરેશાન કરવાનો પેંતરો રચ્યો. હીમા ના પાડતી રહી પણ સાંભળે તો હીના શાની?

રાતના હિરેન આવ્યો ત્યારે  બન્ને ઉંધા ઉભા રહ્યા. પાછળથી હીમા કોણ અને હીના કોણ પારખવું હિરેન માટે મુશ્કેલ થઈ ગયું. બન્ને હાઈટ બૉડીમાં સરખા લાગતા.  હિરેનને તો ખબર ન હતી કે હીના પેરિસથી આવી છે. બે એકસરખી યુવતી, સરખી હેર સ્ટાઈલ અને સરખા કપડા. તે જાણી તો ગયો કે આ પરાક્રમ હીનાનું છે. લગ્નના ટાણે, લગ્ન પહેલાં અને પછી આવી કાંઈ કેટલી શરારત હીના કરી ચૂકી હતી. આજે તે આવી છે તે સમજતા તેને વાર ન લાગી.

એક યુવતીની નજીક જઈને ઉભો રહ્યો. હીના તરત દૂર ખસી ગઈ. હિરેન સમજી ગયો કે બીજી હીમા છે. પરાયો પુરૂષ એકદમ નજીક આવે એટલે સ્વાભાવિક છે ખસી જવાય.

હીના તાળી પાડી ઉઠી. ‘યાર, હજુ તું એવોને એવો શરારતી છે!’ કેટલો બધો નજીક આવ્યો એટલે હું ખસી, તેથી તને હીમા ઓળખતા વાર ન લાગી !

‘મારી ગુરૂ તો તું છે,’ કહી હિરેન ખડખડાટ હસ્યો. હીમાનું બદલાયેલું રૂપ તેની આંખો દ્વારા માણી રહ્યો હતો. તેને ઓળખ્યા પછી આલિંગનમાં લઈ ગાઢ ચુંબન આપ્યું. હીમા શરમાઈ. આજે છ મહિના થઈ ગયા હીમાને આવા સરસ કપડામાં અને હસી ખુશીના માહોલમાં જોઈ તેને રોમરોમમાં લાગણીઓ દોડી રહી. હીનાની આમ તો એ શરમ ન રાખત પણ હીમાને કદાચ ન ગમત તેથી સંયમ દાખવ્યો.

‘અરે, શરમાય છે શું ? તારી જ બૈરી છે, પછી રાહ કોની જુએ છે?’

જવા દેને યાર, હવે લગ્નના ૨૦ વર્ષ પછી અને તે પણ તારી હાજરીમાં ?

‘કેમ મારી તને શરમ આવે  છે?’

‘મને નહી તારી સખીને. તેને એમ લાગે છે, આ ઉમરે આવી ઘેલછા ન શોભે!’

‘શું હીમા સાચી વાત છે?’ હીમાએ જવાબ આપવાનું ટાળ્યું. એક જ દિવસમાં હીનાને સમજતા વાર ન  લાગી  કે હીમા અને હિરેન વચ્ચે તનાવ છે. બંને જણાએ વર્તન ખૂબ સાચવીને કર્યું, જે હીનાના સમજવા માટે પૂરતુ હતું. રવિવારને દિવસે વરંડામાં બેઠા ચાની જયાફત માણી રહ્યા હતા. ગરમાગરમ બટાટાપૌંઆ,  સાથે ઝીણા સમારેલા કાંદા,  બીકાનેરી સેવ અને લીંબુ. મોજથી નાસ્તો ચાલતો હતો. હીનાનો માનીતો ‘ગંગા જમુના ‘ના ઘુટ ભરાતા હતા. ( મોસંબી અને સંતરાનો તાજો રસ.)

અચાનક હીનાએ બોંબ ફોડ્યો, ‘બસ હવે બહુ થયું ! મને ગુંગળામણ થાય છે. હીમા શરૂઆત તું કરે છે કે પછી હિરેનને જબરદસ્તી કરું?’

બન્ને જણા ચમક્યા. ‘હવે નાટક બંધ કરો. તમારા બન્નેના મનમાં મૂંઝવણ છે. વર્તનમાં નરી કૃત્રિમતા જણાય છે. જે પણ મુશ્કેલી હોય ખુલ્લા દીલે વાત કરો. કોઈ પણ પ્રશ્ન જીવનમાં એવો નથી કે જેનો ઉત્તર ન મળી શકે?’

હીમા માંડ આંખના આંસુ રોકી શકી. હિરેન તેને સમજાવવાની વૃથા કોશિશ કરી રહ્યો હતો. હીમા કાંઈ નહી બોલે તે જાણતો હતો. વાતનો દોર હાથમાં લીધો.

‘હીના. છ મહિના પહેલાં અમારી એકની એક દીકરી તેની ખાસ બહેનપણી સાથે પરણી ગઈ. બસ ત્યારથી હીમાના આ હાલ છે. બોલ હવે તને વધારે શું કહું? છ મહિના થયા સમજવાનો પ્રયત્ન જ નથી કરતી.’

હીના ખડખડાટ હસી રહી, “બસ આટલી વાતનું શું બૂરું માનવાનું?  તમને સરપ્રાઈઝ આપું, મારા લગ્નને ૧૫ વર્ષ થયા બે બાળકો છે. ગયા અઠવાડિયે મારા પતિએ મને દિલની વાત કરી.’

‘શું સરપ્રાઈઝ આપી ?” બન્ને જણા સાથે બોલી ઉઠ્યા.

મારા પતિએ મને કહ્યું, “હું ‘ગે ‘ છું. તારી સાથે હવે નહી રહી શકું!”

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(8)દીકરીએ દિ’ ફેરવ્યો !-પ્રવિણા કડકિયા

‘મમ્મી તને આજે ‘સિનિયર્સ હોમ’માં મૂકવા જવાની છે’.

લતાની એકની એક દીકરી અનુષ્કા જાણે ગ્રોસરી લેવા ન જઈ રહી હોય તેવા સાવ સાદા ટોનમાં પોતાની લાડલી મમ્મીને જણાવી રહી.

૮૨ વર્ષની લતા છેલ્લા પાંચ વર્ષથી કાયમ માટે અમેરિકા રહેતી હતી. તેને ખબર હતી. અંહી ઘરડાં લોકોની સ્થિતિ ખૂબ દયનિય હોય છે. પોતાની વહાલી એકની એક દીકરી, જેને લાખોની મિલકત મળવાની છે તે આવો ‘ધડાકો’ કરશે? પહેલા તો તેને પોતાના કાન ઉપર વિશ્વાસ ન બેઠો. પણ પછી તે સડક થઈ ગઈ. તબિયત અવારનવાર નરમ ગરમ રહેતી. જ્યારે સાજી હોય ત્યારે પોતાની દીકરી અનુષ્કાને બધી તરફની મદદ કરતી. અનુષ્કા તેની એકની એક દીકરી હતી. લક્ષ્મીચંદના વિયોગ પછી તે એકલી થઈ ગઈ હતી. લક્ષ્મીચંદ લાખોમાં રમતો વ્યાપારી હતો. સંતાન માત્ર એક જ હતું. અનુષ્કા પરણીને સાસરે ન્યૂયોર્ક આવીને સ્થાયી થઈ હતી. પપ્પા હતાં ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું. અચાનક ૬૫ વર્ષની ઉમરે પહેલો હાર્ટ એટેક આવ્યો અને લતા એકલી થઈ ગઈ. ૭૫ વર્ષની થઈ ત્યાં સુધી તો મુંબઈ નોકર ચાકર વિગેરેની હાજરીમાં બાદશાહની જેમ રહેતી.

જેમ ઉમર વધે તેમ દીકરીને ચિંતા થતી. ‘કાલે ઉઠીને મમ્મીને કાંઈ થઈ જાય તો આ બધું કોણ અવેરશે? અનુષ્કાનો પતિ ખૂબ વિચારીને ડગલાં ભરતો. ખબર હતી લાખોની જાયદાદ તેને જ મળવાની છે. પોતે પણ ડોક્ટર હતો. પૈસાની ક્યાં કમી હતી? આ તો જાણે લોટરી લાગી હોય તેવી વાત હતી. ધીમે ધીમે અનુષ્કાને સમજાવી મગજમાં ઠોકાવ્યું કે મમ્મીનું બધું મુંબઈથી સમેટી ઘર ભેગું કરી લે.  મમ્મી નહી હોય પછી મુંબઈના ચક્કર કોણ કાપશે?

અનુષ્કાને  આ વાત વ્યાજબી લાગી. મમ્મીને પ્યારથી સમજાવી. લક્ષ્મીચંદને મિત્રો ઘણા હતાં. તેના સ્વભાવમાં સહુને સહાય કરવી એવો મુદ્રાલેખ કોતરેલો હતો. જેને કારણે લતાને મુંબઈનું બધું સમેટતાં કોઈ અગવડ પડી નહી. અમરે બધા પૈસા બેંક મારફત અમેરિકા મગાવી લીધાં. લતા અમેરિકા ઘણીવાર આવીને રહી હતી તેથી તેને અંહી રહેવામાં પણ કોઈ વાંધો ન હતો. લતાને પ્રસુતિ આવે ત્યારે હમેશા આવતી અને છ મહિનાનું બાળક થાય ત્યાં સુધી અનુષ્કાને મદદ કરતી. પાછી ‘નેની’ તો હોય જ.

પાંચેક વર્ષ તો અનુષ્કાના બાળકો નાના હતાં એટલે મમ્મી આશીર્વાદ જેવી લાગે. બાળકોની ચિંતા નહી. તેમને ઘરની સુંદર અને તાજી ભાતભાતની વાનગીઓ પણ મળી રહેતી. બાળકો કાંઇ કાયમ નાના રહેવાના ન હોય ! મોટો તો હવે કૉલેજ ગ્રેડ્યુએટ થવાની તૈયારીમાં હતો. નાના બન્ને હાઈસ્કૂલમાં આવી ગયા હતાં.

અનુષ્કાએ અમરની ક્લિનિક પર જઈ ફાઇનાન્સ સંભાળી લીધું.

લતા પહેલાં કોઈક કોઈક વાર ગાડી ચલાવતી હતી. ૭૫ની થયા પછી સદંતર બંધ કરી દીધું. અનુષ્કાને કાંઇ પણ કહે તો ગલ્લાંતલ્લાં કરે. મનમા કહે,’ મમ્મી છે તો શું થઈ ગયું ? હું પણ થાકી જાંઉં છું. મારે ઘરે આવી અમર સાથે સમય પસાર કરવો હોય. બાળકોને એમની મનગમતી જગ્યાઓએ લઈ જવાનાં હોય.’

લતા સમજતી પણ બોલતી નહી. પોતાનાં કાંડા કાપી આપ્યા હતાં. મુંબઈની જગ્યા વેચી નાખી હતી. ધંધાની દુકાન ખૂબ મોકાની હતી. અરે માત્ર ભાડે આપી હોત તો પણ લતાને ચમન હતું. સંબંધીઓ પુષ્કળ હતાં. લક્ષ્મીચંદના ભાઇ તેમજ બહેન પણ મુંબઈમાં હતાં. દીકરીના પ્રેમમાં પાગલ થઈ બધું સમેટી લીધું હતું. છતાંય મુંબઈ જવું હોય તો જેઠનું અને નણંદનું ઘર તેને માટે ખુલ્લું હતું. મોટીભાભી હોવાને કારણે સહુ તેની ઈજ્જત કરતાં. મુંબઈમાં બધું સમેટતાં પહેલાં દિયર અને નણંદે ખૂબ સમજાવ્યાં હતાં. મોટી ભાભી તો ‘મા’ સમાન ગણાય. લતા એકની બે ન થઈ.

છેલ્લાં છએક મહિનાથી લતા વિચારી રહી હતી અનુષ્કા ઓછું બોલે અને મમ્મીની હાજરી ઘરમાં હોવા છતાં પણ ગણકારે નહી. મા હતી તેથી તેની પાસે જતી પણ ત્યારે ઉત્તર હા કે નામાં આપતી. તેને  ખૂબ અતડું લાગતું. શબ્દ બોલે નહી. અમર તો સવારે વહેલો જાય, રાતના મોડો આવે. બાળકો ભણવામાં વ્યસ્ત રહેતાં.

આજે સવારે અનુષ્કાએ કહ્યું, ‘મમ્મી તને ‘સિનિયર્સ’ હોમમાં મૂકવાની છે. હવે ભારત પાછાં જવાના બધા દરવાજા બંધ હતાં. મમ્મીને કારણે તેમને વેકેશન પર જવું હોય ત્યારે ખૂબ અગવડ પડતી. નાના બન્ને હવે રજામાં કૉલેજ જવાની તૈયારી કરી રહ્યાં હતાં.

અમરના માતા અને પિતા તો ૬૫ વર્ષની ઉમરે બદ્રીનાથ ગયા ત્યારે અકસ્માતમાં સાથે વિદાય થઈ ગયા હતાં. એ લપ અનુષ્કાને હતી નહી.

લતા વિચારી રહી હવે શું? તેને એમ કે ‘સિનિયર્સ હોમ’ એક જ શહેરમાં હશે. પણ ના, લગભગ ૫૦૦ માઈલ દૂર. અમર તો વ્યસ્ત હોય એટલે મૂકવા પણ ન ગયો. અનુષ્કાએ ખૂબ પ્યાર જતાવ્યો.

‘મમ્મી, તને રોજ ફોન કરીશ’.

‘મમ્મી, તને દર મહિને હું અને અમર મળવા આવીશું.’ સાવ ખોટાં અને બેહુદાં વચન લતાને આપી રહી !

લતા તો બહેરી અને મૂંગી થઈ ગઈ. તેનું દિમાગ કામ ન કરતું. બોલવાનો કોઈ અર્થ ન હતો. તેને ખબર હતી તેની જીદ્દી દીકરી પોતાના મનનું ધાર્યું જ કરવાની. જરૂરી સામાન લીધો. આમ પણ પતિ ગુમાવ્યા પછી તેની જરૂરિયાત ખૂબ ઓછી થઈ ગઈ હતી. જાણે ચાવી દીધેલું પૂતળું ન હોય. સારું હતું એને ઈંગ્લીશ આવડતું હતું. શરૂ શરૂમાં તો બે મહિના અનુષ્કા આવી. એક વાર અમર સાથે આવી ત્યારે સવારે આવી સાંજના જતી રહી.

‘મમ્મી, તારે કાંઈ જોઈએ છે?’

‘ના, બેટા’.

એકવાર તો કહે, ‘મમ્મી, મને આ મહિને ફાવે એવું નથી. હું આવતા મહિને આવીશ’.

‘સારું બેટા’.

લતાને હવે કોઈ ઉમળકો રહ્યો ન હતો. તેણે તો અંહી પોતાના મીઠા અને મળતાવડા સ્વભાવને કારણે ઘણા મિત્રો બનાવી લીધાં. ઈંગ્લીશમાં ભારતીય ફિલોસોફીની લોકોને વાતો કરતી.  પોતાની વાકચાતુર્યતાને કારણે લોકોમાં પ્રિય થઈ પડી. હમેશા સહુમાં સારું જોનાર દીકરીમાં શું કામ ખરાબ જુએ ? હકીકતનો સામનો કરવાનો મનોમન નિર્ધાર કર્યો. ‘ મા’  હમેશા પોતાના સંતાનનું સુખ અને સમૃદ્ધિ વાંછે.

લતા ખૂબ હોંશિયાર હતી. મુંબઈમાં તેને બધી સગવડ હતી. બાળપણમાં તેની માતાએ તેને ખૂબ લાડકોડ અને કાળજીથી ઉછેરી હતી. પૈસો કદાપિ તેના દિમાગ પર છવાયો ન હતો. હા, કોઈની ખુશામત કરી ન શક્તી. પોતાની આગવી પ્રતિભાને કારણે નર્સિંગહોમમાં આદર પામતી. પતિ સાથે આખી દુનિયા ફરી હતી. તે જાણતી હતી, મનુષ્ય માત્રમાં, ‘ માત્ર ચામડીના રંગ અલગ હોય બાકી સ્વભાવે સહુ સરખાં.’ અંહી બધી જ જાતની પ્રજા હતી પણ સહુની સાથે હળીમળીને તેની એકલતા દૂર થઈ ગઈ. તેની સગવડ બધી સચવાતી. હાથની છૂટ્ટી હોવાને કારણે બધાં તેનું કામ પણ પ્રેમથી કરતાં. એક વસ્તુ ખૂબ સુંદર રીતે પતિએ શિખવાડી હતી.

‘ભલે અનુષ્કા દીકરી છે. તારા પૈસાનો વહીવટ અને કાબૂ તારા હાથમાં રાખજે. તું નહિ હોય ત્યાર પછી બધું એ લોકોનું જ છે.’ તેને હવે અનુષ્કા મળવા આવે તો સારું, ન આવે તો ફિકર ન હતી. ‘એકલા આવ્યા એકલા જવાના’. મનોમન તેણે દીકરીનો આભાર માન્યો,  ‘હા, દીકરી તારે કારણે મારો દિ’ ફર્યો’.

 સાંસ્કૃતિક સંઘર્ષ- 5-(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)’કોને  કહું ?’- તરુલતા મહેતા

રોશન શિયાવિયા થઈ ઘરના બારણાની પાસે જ ઊભો છે,કોઈ ખોલે તો એ સસલાની જેમ ભાગે.  બારણાના લોક સુધી એનો હાથ પહોચતો નથી.શું કરવું? તે ઘડી ઘડી કૂદકા મારી હાથ ઉંચો કર્યા કરે છે,જમવાના ટેબલની ખુરશીને  ખસેડી બારણા પાસે લાવવા જોરથી ધક્કા મારે છે, એના કૂમળા હાથમાં વાગતાં પડી જાય છે.ઘરમાં એવી ધમાલ મચી હતી કે  કોઈનુ  એના તરફ ધ્યાન નથી ,  ‘શું કરવું છે ?’ એમ પૂછવા કોઈ નવરું નથી.સવારે મમ્મી એને દૂધમાં સીરીયલ અને કેળું આપી કોઈ કામે ભાગી હતી.આજે રજા હતી પણ રોશનને બગીચામાં સાઇકલ ફેરવવા લઈ જવા કોઈ તેયાર  નહોતું.એ બહાર જવા માટે અધીરો થયો હતો,બંધ બારણાના કી-હોલમાંથી કૂદકા મારી બહાર નજર દોડાવે છે,એ જાણે  દોડતો જવા લાગ્યો, દૂર પેલા રોસઅંકલના બેકયાર્ડની ધારે ઉગેલા પીળા ફૂલની પાસે જઈ માથું ઊચું કરી વાત કરવા લાગ્યો. ‘ તારા સિવાય કોઈ મારી તરફ જોતું નથી,કોને કહું?ઘરમાં બીજા આંટીની ધમાલ મને ગમતી નથી,મારું ઘર છે,અહી મને રહેવા દો.’ એ એનાથી ઊંચા છોડની પીળી લીસી પાંખડીઓને એની મમ્મીની આંગળીઓ હોય  તેમ ધીરેથી અડવા જતો હતો ત્યાં ‘ નો નો અડીશ નહિ .. ‘કોઈએ તેને રોક્યો .

એટલામાં બારણું ખૂલતાં રોશન ચારપગે દોડ્યો.

‘પાપા,પાપા મારે બહાર જવું છે’ કરતો વળગી પડ્યો.એના પાપા હમણાંના વીકેએન્ડમાં જ  ઘેર આવતા,એને ‘ચકીચીઝ ‘માં લઈ જતા,રોશનને પીત્ઝા ખાવાની અને ગેઈમ રમવાની મઝા આવતી,કોઈક વાર મોલમાં જઈ શુઝ ને કપડાં લઈ આપતા.સાંજે ઘેર મૂકવા આવતા ત્યારે  મમ્મી એને વહાલ કરી બોલાવતી પણ જો એ પાપાને જીદ કરી ઘરમાં રોકાઈ જવા ક્હે  તો મો ફેરવી લેતી.

આજે પાપા ઘરમાં આવ્યા છે ત્યારે મમ્મી બહાર જતી રહી છે,એને કંઈ સમજાતું નથી.જાણે પઝલમાં કશુંક ખોવાઇ ગયું છે,ગઈ કાલ મોડી રાત સુધી એ પઝલને ગોઠવી ગોઠવી થાક્યો હતો,ઘર બનાવવા મથ્યો,કાર બનાવવા ગયો પણ કાઈ બન્યું નહિ,મમ્મી એના રૂમમાં હતી,એનું બેકપેક,ચોપડીઓ,રમકડાં ,કપડાં બધું એક બેગમાં મૂકી બોલી ,’બેટા રોશન,તારી આ બેગમાં બધી તારી વસ્તુઓ છે,તારા પાપાને ત્યાં બધું ઠેકાણે રાખજે .’ રોશને  પઝલને ફેકી રૂમમાં ઉછાળી ,એ ખરેખરો થાકી ગયો હતો,ઉધમાં આવી ગયો હતો,એણે  મમ્મીના ખોળામાં બેસી ભેકડો તાણ્યો,’હું નથી જવાનો ..નથી જવાનો …’

‘જો મારા ડાહ્યા દીકુ,તારા પાપા તને ખૂબ વ્હાલ કરશે,આ ઘરનું પતી જાય પછી હું  તને મારે ત્યાં લઈ જઈશ.’

રોશન રડતા રડતા બોલતો હતો ,’આ મારું ઘર છે,મમ્મી-પાપાનું ઘર છે,’

એની બાળહઠ આગળ મમ્મી સમજાવી થાકી એટલે વઢીને બોલી ,’ઓ.કે.કાલે વાત અત્યારે સૂઈ જા.’

રોશન મમ્મીના ખોળામાંથી ભાગી પોતાના બેડમાં જઈ ઉધો પડી ડૂસકા ભરવા લાગ્યો.છેવટે મમ્મીએ  રોતલ અવાજે એને જંગલમાં ભૂલા પડી ગયેલા રાજકુમારની વાર્તા સંભળાવી એટલે માંડ છાનો રહ્યો.રાજકુમાર પશુને,પંખીને,નદીને ,આકાશને ,ઝાડને ફૂલને બધાંને કહેતો ,’હું ભૂલ્યો  પડી ગયો છું ,મને માર્ગ દેખાડો?’રોશન અડધી નીદરમાં બબડ્યો ,’ કોને કહું?મારે નથી જવું …મમ્મી  સવાર સુધી એને વળગીને સૂઇ રહી.

‘તારી મમ્મી આવે ત્યારે લઈ જશે.’ એના પાપા ઝડપથી દાદરો ચઢી ઉપરના માળે ગયા.આજ સવારથી કોઈ આંટી અને બીજા બે જણા ઉપર -નીચે ઘરને જોયા કરે છે,રસોડું ,બાથરુમો બધું મમ્મીએ ક્લીન કર્યું છે,એને એના રૂમમાં બેસી ટી.વી.જોવા બેસાડી દીધો હતો.

ઉપરના માળેથી  એવા અવાજો હતા કે એણે કાન પર એના ટચૂકડા હાથ ઢાંકી દીધા,મોટે મોટેથી થતી વાતોથી ને સામાનની ઊથલપાથલથી એને ડર લાગ્યો, એનું ઘર હમણાં જ તૂટી પડશે એમ તેને લાગ્યું . ગયા વર્ષે મમ્મી સાથે મામાને ત્યાં ગયો ત્યારે એરપોટ ઉપર ‘બોમ્બ ફૂટ્યો,બોમ્બ ફૂટ્યો’કહી સૌ જમીન પર આડા પડી ગયા હતાં  અને જ્યાં જગા મળી ત્યાં સંતાયા,દોડાદોડીમાં  એણે  મમ્મીનો હાથ જોરથી પકડી રાખ્યો હતો.તેઓ સહીસલામત એરપોટની બહાર દોડી ગયાં હતાં.એ  બારણા પાસે ઊભો ઊભો રડતો હતો,’મમ્મી મને તારો હાથ પકડવા દે,મને બીક લાગે છે,મારી ચડ્ડી ભીની થઈ જશે.’

‘રોશન કેમ રડે છે?’ એના પાપાએ મોટા અવાજે પૂછ્યું .

જાડા આંટીએ ઉપરથી જોયું ને તાડૂકી ઉઠ્યા,’જલદી જાવ મિ.અજય છોકરાને બાથરૂમ લાગી છે,કાર્પેટ પલાળી દેશે તો ક્લીન કરાવવાનો ખર્ચો થશે.’

‘ના રોશન એવું કરતો નથી’ પાપાએ એને ઊપરથી  બાથરૂમમાં જવા સમજાવ્યો પણ તે એકનો બે ના થયો,એમ જ ભયભીત ઊભો રહ્યો.છેવટે તેઓ  નીચે આવી વહાલથી બાથરૂમમાં લઈ ગયા.તે પાપાનો હાથ પકડી બારણા આગળ ઊભો રહ્યો.

‘શું કરવું છે?આજે હું બીઝી છું બહાર નહિ જવાય.’ પાપાએ એને સમજાવ્યો. એ કેમે કરી પાપાને છોડવા તેયાર નહોતો.

ડોરબેલ વાગતા રોશન ખુશ થયો,એને એમ કે મમ્મી આવી પણ પાપાએ બારણું ખોલ્યું ત્યારે તેણે જોયું કે બે મોટી સફેદ રંગની ટ્રકો

ફૂટપાથની ધારે ઊભી હતી.રોશનને કોઈ બે મો…ટા રાક્ષસો એને ,પાપાને ,મમ્મીને ,એના ટોયઝને ,બાઈકને –આખા ઘરને ઉપાડી જવાના હોય તેવું લાગ્યું.

પાપા કડકાઈથી રોશનને આઘો કરી મજૂરો સાથે ઉપરના માળે ગયા.બારણું ખૂલ્લું જોતાં તે બિલ્લીપગે રોસઅંકલના બેકયાર્ડ તરફ

ભાગ્યો.એકશ્વાસે દોડતો એનાથી ઊંચાં પીળા  ફૂલની  લગોલગ પહોંચી ગયો.

‘આજે ય કહ્યા વિના દોડી આવ્યો ને?જો કેટલો હાંફે છે?’ રોસઅંકલ છોડવાને પાણી પાતા બોલ્યા.

‘જુઓ ફૂલ મારી બાજુ માથું નમાવે છે ,મારે એને ખાસમખાસ વાત કહેવી છે. ‘

‘અરે,એ તો સૂરજમુખી એટલે સૂરજ જોયા કરે.’ રોસઅંકલે એને કહ્યું.

‘ રોશન આંખો બંધ કરી ફૂલને સૂંધે છે,કાનમાં કહેતો હોય તેમ બોલે છે,મારે જવું નથી પણ તું આવું તો કેવું?’ એણે હળવેથી છોડને સહેજ હલાવ્યો .

રોસઅંકલ એની પાસે આવી બોલ્યા ,’રોશન છોડને બીજે ના લઈ જવાય,એના મૂળ જમીનમાં ઊંડા ઉતરેલા છે,એને ખોદીને કાઢીએ તો વિલાય જાય.’
રોશન મો ચઢાવી ઘાસમાં બેસી પડ્યો,’પછી હું કોને કહીશ મારી ખાસ વાત?’
એનું ઉતરેલું મો જોઈ રોસકાકાએ કહ્યું ,
હું તને બીયા આપીશ તું તારા ધેર ઉગાડજે ‘

રોશન બિયાં લઈ એના ઘર તરફ દોડ્યો,દૂર મમ્મી -પાપા સામસામે  ટ્રકો પાસે ઊભાં  હતાં,ઘરનો સામાન બહાર પડ્યો હતો,એને જોતાવેંત એનો હાથ પકડવા તેઓ પાસે આવ્યાં,એ  પાસે પહોચ્યો ત્યારે એની રમકડાંની  કારની ઠોકર વાગતા પડી ગયો,હાથમાંથી ફૂલના બી પડી ગયાં,મમ્મી -પાપાએ એનો એક એક હાથ પકડી ઊભો કર્યો,બન્ને સામસામી દિશામાં એને ખેચતાં હતાં વચ્ચે રોશન ફૂલના છોડ સરીખો જમીનમાં ઊભો હતો.

તરૂલતા મહેતા 20મી ઓક્ટોબર 2016