મારા ડાયરીના પાના -દ્રશ્ય ૧૨, ૧૩

જુનીઅર નું વરસ પૂરું થયું. અને અમારો ક્લાસ પ્રમોટ થઇ સિનિયર બી. કોમમાં આવ્યો. જે હતા તેજ બધા હતા કોઈ નવું નહોતું કોઈ નપાસ નહિ. હવે કમ સે કમ બી કોમ થવા ની આશા હતી. ને પાસ થઇ ઠરી ઠામ થવા ની આશા બંધાઈ. પાસ થઇ સ્વતંત્ર જીવન ગાળવાના ક્યારેક સ્વપ્ના જોતો. દરેક શનિ , રવિવારે નાટક સિનેમા જોવા નાં મનસુબો ઘડતો પછી ભણવા ને વાંચવાની લપ નહિ રહે. મિત્ર વસાવડા હવે બી કોમ પાસ થઇ ગયા હતા ને નોકરી માં લાગી ગયા હતા. તેઓએ આગળ ભણવાનું માડી વાળ્યું.તેઓ જે આરામ ની જીંદગી જીવતા તેવા જીવનની મને અભિલાષા હતી. તેમનું મળવાનું ઓછુ થયું હતું. ફક્ત રવિવારે તેમને રજા હોઈ ત્યારે અમો સાંજે જુહુ ફરવા જતા. સાથે ક્યારેક રામદાસ પણ આવતા. રામદાસ અને મંગળદાસ બે સગા ભાઈ હતા. મંગળદાસ પણ અમારી સાથે વાતો ચિતો કરતા બન્ને ભાઈઓ મગળ વિલાના માલિક હતા જેમાં વસાવડા ભાડૂત હતા. રામદાસ અમારા થી એક વરસ પાછળ હતા. મિત્ર ત્રિવેદી ઇન્ટર પછી હમેશ માટે સુરત ચાલ્યા ગયા. અને ત્યાં મંદિર માં પૂજારી થઇ ગયા. ઇન્ટર માં પાસ થયા કે નહિ તેની ખબર પડી નહિ. કોલેજ સરુ થઇ ગઈ. અહીં ભુપેન્દ્ર શાહ સાથે મિત્રતા થઇ. રમેશ વ્યાસ તો મિત્ર હતા જ. આમ અમારી ત્રિપુટી થઇ. અમે સાથે ભૂપેન્દ્રની હૉસ્ટેલ માં જતા ત્યાં બેસતા ને વાતો ચીતો કરતા ને પછી હું ઘરે આવતો અને રમેશ તેની નોકરી પર જતો. ક્યારેક શનિવારે અમો કિંગસર્કલ થી મુયઝીયમ ટ્રામ માં જતા. આ કલાક ઉપર ની મુસાફરી માં,પાસ થઇને કેવી જીંદગી જીવવી તે વિશે ચર્ચા કરતા. મ્યુંઝીઅમ ઉતરી ઈરાની હોટલમાં ચાહ પીતા ને પાછા ફરતા. કોલેજમાં એક જાણીતી વ્યક્તિ તરીકે મને બધા ઓળખતા તો ઘણા પણ મિત્રતા બહુ ઓછા સાથે હતી. એક દિવસ ઈકોનોમિક્સનો પિરિયડ હતો. હું મોડો પડ્યો. વરસાદની એ સિઝન હતી. કોઈ કારણે પ્રોફેસર છોકરાઓ થી નારાજ હતા તેથી લૅક્ચર આપવાની ના કહી ગુમ સૂમ ખુરશીમાં બેસી ગયા સન્નાટો છવાઇ ગયો. તેજ સમયે મારી ક્લાસ માં આગળના દરવાજે એન્ટ્રી થઇ. મારા બન્ને હાથમાં ચોપડાના ઢગલો હતો માથે ટોપી અસ્ત વ્યસ્ત હતી ખભે રૈન કોટ લટકતો જમીન પર રેલાતો હતો. મારી ફૂની એન્ટ્રીથી ક્લાસ આખો હસી પડ્યો પ્રોફેસર પણ હસી પડ્યા. ફરી ફરી ને બધાને હસવું આવતું રહ્યું. જ્યારે ઉભરો સમી ગયો ત્યારે પ્રોફેસર લૅક્ચર શરૂ કર્યું. હું ધીમે રહી ચુપ ચાપ પાછળ જઈ બેસી ગયો છોકરાઓ મને આ પ્રોફેસર ની કાર્બન કોપી કહેતા. કારણ હું આબેહૂબ તેમના જેવો જ લાગતો. કોલેજમાં અભ્યાસ આગળ ચાલ્યો. પ્રોફેસર કોર્સ પૂરો કરવા એકસ્ટ્રા ક્લાસ લેતા. હવે ફાઈનલ પરીક્ષા પાસે આવી રહી હતી. વાતાવરણ સીરયશ થતું હતું. પણ કોલેજના દાદાઓ ગુબ્બી એન્ડ કું ને કઈ ફરક પડતો નહિ. મને એ પરવડે તેમ ન હતું. હજુ મારી પાછળ બીજા સાત ભાઈ બહેન ને ભણવાનું હતું અને મોટાઈ ની ઉમર વધતી હતી. હવે કેબીન હોવાથી અમો ત્રણે ભાઈ કેબીન માં વાંચતા અને ત્યાં જ સુતા. મનુભાઈનો મિત્ર ઉપાધ્યાય પણ પરીક્ષા વખતે વાચવા આવતો. હું મિત્ર વસાવડાની નોટ્સ લાવ્યો હતો. બહુ સરસ હતી ને તે નિયમિત વાચતો. પાર્લાના સાથે ભણતા મિત્રો ઉદેશી ,ભીખુ ચંદ્રકાંત ઓઝા વગેરે સાથે ક્યારેક જુહુ પર મુલાકાત થતી ને પરીક્ષા તથા અભ્યાસ ની ચર્ચા થતી. બી. કોમ ની પરીક્ષા બહુ નજીક આવી ગઈ. બી કોમ પછી શું તેનો વિચાર હમણાં કોઈ કરતું નહિ. પરિક્ષાની તારીખ આવી ગઈ. પછી નંબર તથા સીટીંગ વ્યવસ્થા પણ યુનિવર્સિટી માં મુકાયા. ખબર પડતા જ હું સવારે પરવારી યુનિવર્સિટી ગયો. નંબર અને સિટીગ એરેજમેન્ટ જોઈ પાછો આવ્યો. બી કોમ માં દસ પેપર હતા રોજ ના બે પેપર. પરીક્ષા અગીઆર વાગે શરુ અને છ વાગે પૂરી. પરીક્ષા સીડ્નઃમ કોલેજ મા હતી. પરીક્ષા ની તૈયારી જોર માં હતી. પરિક્ષાનો દિવસ આવી ગયો સવારના વેહલો ઉઠી પરવારી ગાડી પકડી કોલેજ ગયો સાંજે છ વાગે પરીક્ષા પૂરી થતી, ઘરે આવતા સાત ઉપર વાગતા. આવતા ગાડીમાં વીતેલા પપેરની મિત્રો સાથે ચર્ચા કરતા અને કાલની તૈયારી કરતા. આ ક્રમ પાચ છ દિવસ ચાલ્યો. છેવટે પરીક્ષા પૂરી થઇ આજે પરીક્ષાનો વિદાઈ દિવસ હતો, છેલ્લો પેપર ઓડિટ નો હતો. જ્યારે બેલ પડ્યો ને બધા બહાર આવ્યા ત્યારે વાતાવરણ માં ખુશી હતી કેટલાક પિક્ચર ના પ્લાન કર્યાં તો કેલાકે મુસાફરી ના. રિઝલ્ટ જે આવેતે પણ હાલ પૂરતું હળવાફૂલ થઇ ગયા. એક છોકરા એ રસ્તા પર પોતાનો પાર્કેર સહીનો ખડીઓ પછાડી શુકન કર્યા. આમ બી.કોમ. નું વરસ પૂરું થયું

13-દોસ્ત ના લગ્ન

મારા દોસ્ત વસાવડા હવે સિનિયર બી કોમમાં હતા. તેઓ અભ્યાસમાં બીઝી હતા. હવે મળવાનું પહેલા કરતા ઓછુ થઇ ગયું. જુહુ પર ફરવા જવાનું પણ રવિવાર સિવાઈ બનતું નહિ. આ સંજોગોમાં નવા દોસ્ત રમેશ વ્યાસ અને ભુપેન્દ્ર શાહ થયા. રમેશ ભણવા સાથે નોકરી પણ કરતો. લાગણીશીલ  છોકરો હતો. ભુપેન્દ્ર હેપી ગો લકી છોકરો હતો. તે તેની જ્ઞાતિની હોસ્ટેલમાં રહેતો. કોલેજ છૂટ્યા પછી અમો અવર નવર તેની રૂમ પર જતા ને રસ્તે જતા અધૂરી વાતો ત્યાં બેસી પૂરી કરતા. આ રમેશના લગ્ન જુનીઅર ના વૅકેશન માં શીહોર તેના ગામે હતા. મને રમેશે બહુ આગ્રહ કર્યો અને સાથે લઇ જવા પ્લાન કર્યો. હું તેને નારાજ ન કરી શક્યો. આમ તો રમેશ ઘણી વાર મારી સાથે રેહવા મારા ઘરે આવતો. અને સાંકડ માકડ એડજસ્ટ થઇ જતો. બાની સરભરા તેને ગમતી. તે ઘરમાં ભળી જતો. આટલા સહવાસ પછી હું પણ તેના બહેન બનેવી ને ઓળખતો. બાની રજા સિહોર જવા મળી ગઈ. મોટાઈ ની રજા બાના કેહવાથી મળી ગઈ. અમારે લગ્ન પહેલા પોચવાનું હતું. પ્લાન એવો કર્યો કે વડોદરા ઉતરી તેના મિત્ર કુલેન્દુ તથા તેની બે બહેનો કુમારી ને માલા ને લઈને શિહોર જવું. જવાનો દિવસ આવી ગયો. રમેશ તેની પેટી લઇ આવી ગયો. મારી પણ નાની પેટી પેક કરી. અમો એ તે રાત્રે અમદાવાદ પેસેન્જર પકડી. સવારે અગિયાર વાગે બરોડા પહોંચ્યા. રિક્ષા કરી કુલેન્દુને ઘરે પહોંચ્યા. ઘર જૂની ટાઇપ નું હતું. લાકડા નો દાદર ચઢી ઉપર ગયા. નીચે ચોક હતો. ઉપર માં લંબચોરસ અન્ધારીઓ રૂમ અને તેને અડીને એક  રસોડું અને બીજો બેઠક રૂમ. બેઠક રૂમમાં હિચકો હતો. બે ભાઈ તથા બે બહેન અને માં નો પરિવાર હતો. રમેશ તો હળી ગયો પણ મને થોડું અતડું લાગતું તેમના માં બહુ હોશીલા અને પ્રેમાળ હતા. અમો બીજી સવારે શિહોર જવાના હતા નાહી ધોઈ જમ્યા. પછી ગપ્પા માર્યા..માળા રેડીઓ આર્ટિસ્ટ હતી તે સુંદર ગાતી.  તે વખતે બૈજુ બાવરા ફિલ્મ ચાલતી હતી. સવારે ઉઠી નિત્ય ક્રમ પરવારી નાની ગાડીમાં શિહોર ગયા. ગામ બહુ નાનું હતું. રમેશનું ઘર જુનું ને નાનું હતું.જુજ ઘરો માં ઇલેક્ટ્રિક લાઈટ તથા સંડાસ હતા. કુલેંદુ પરિવાર તથા હું તેના મામા જે વકીલ હતા તેને ત્યાં ઉતાર્યા. તેમનો બંગલો ટેકરી પર હતો. ને સ્વછ હતું. બધી જાતની સુવિધા ત્યાં હતી સાંજે વરઘોડો નીકળવાનો હતો. બપોરે વિધિ શરુ થઇ અને તે પત્યા પછી વર ઘોડાની તૈયારી થઇ. વાજાવાળા આવી ગયા ને ઘર આગણે લોકપ્રિય ધુન વગાડવી ચાલુ કરી. સાજન મહાજન ભેગું થયું. વરઘોડો ચાલ્યો. આગળ વાજા તથા બેન્ડ વાળા હતા પછી પુરુષ વર્ગ અને વરરાજા અને છેલ્લે સ્ત્રીઓ. વરરાજા ઘોડા પર હતા. વરઘોડો શિહોર ના મુખ્ય માર્ગો પર ફરતો ફરતો નદી પર આવ્યો. કન્યા નદીની સામે પાર હતી. નદી પાર કરી વરઘોડો જવાનો હતો. તે માટે બે નૌકા હાજર હતી. અમો પાટિયાના પુલ બનાવી નૌકામાં ચડ્યા. આખો વરઘોડો વરરાજાના ઘોડા સહીત નૌકા માં આવી ગયો. રાત પડી ગઈ. પટ્રોમેક્ષ ની લાઈટો ઝગારા મારતી હતી. વાજાવાળા ફૂલફોર્મ માં ભૂલ ગયે સાવરિયા વગાડતા. કુલેંદુ ની બહેન માલા ઈમોશનલ થઇ વારંવાર એ ગીત ગાતી. હું રમેશના બનેવી સાથે વાતોમાં લીન હતો.  આખું વાતાવરણ બહુ મંગળમય હતું. સર્વે સંગીતના નાદમા ડોલતા હતા. અટેલામાં કીનારો આવી ગયો. વરઘોડો કન્યાના માંડવે ગયો. વિધી પત્યા પછી જમવાનું હતું. શેરીમાંજ પંગતો પડી. એક બાજુની બેઠક બનાવી અને બીજી બાજુમાં પીરશાયું. જમવામાં બામણ ને પ્રિય લાડવા હતા. નદી કિનારે ઘર હોવાથી ક્યારેક રેતીનો સ્પર્શ આવી જતો. લગ્ન પુરા થયા ને પાછા વડોદરા પોહચી ગયા.અને ત્યાંથી બીજે દિવસે હું મુંબઈ રવાના થયો. રમેશ તેની વાઈફ અને પરિવાર શોહોરમાં હતા હું મુંબઈ પહોંચી અભ્યાસ માં પડી ગયો. આમ વરસ પૂરું થયું ને હું સીનીઅર બી.કોમ. માં આવી ગયો. મારા મિત્ર વસાવડાની નોટસ હું લઇ આવ્યો. તે બી.કોમ. પાસ થઇ કોઈ કંપની માં કામ કરતા હતા. અમો સાંજના કોઈક વાર મળતા. ખાસ કરીને શનિ રવિ અને જૂની વાતો કરતા અને નવાજૂની ની આપ લે કરતા. તેઓ બહુ સાદા હતા. શર્ટ પેન્ટ ની બહાર રાખતા અને કૅન્વાસ ના બૂટ પહેરતા. રંગે ગોરા અને તલવાર કટ મૂછ રાખતા. વાચનના શોખીન હતા. મારા બીજા મિત્ર શાગાણી હતા. તેઓ શરીરે તંદુરસ્ત હતા. તેઓ બી.કોમ. પછી એલએલબી થયા. ને કોઈ ખાનગી કંપની માં સારી પોસ્ટ પર હતા. તેઓ. 988માં મારી એમેરીકા યાત્રા દરમ્યાન હાર્ટ એટેક માં મૃત્યુ પામ્યા. હું એમેરીકા થી પાછો આવ્યો ત્યારે તેમના ઘરે ગયો હતો અને તેમની પત્નીને ખુબ દિલાસો આપ્યો હતો. મારા મિત્રો અનેક હતા પણ આ બે ખાસ. વસાવડા પછી મુંબઈ છોડી નોકરી અર્થે બીજે ગયા..955 પછી તેમના કોઈ સમાચાર નથી. તે પછી થોડાક સમય માટે ત્રિવેદી મારા મિત્ર હતા. તે થીગણાં ને હસમુખા હતા. તેઓ કોલેજ દરમ્યાન ટ્યૂશન કરતા અને પૈસા ક માતા અમે ઘણી વાર ચાહ પીવા સાથે જતા. તે તેમની બેનના બંગલા માં ખાર માં રહેતા. પણ આ મિત્રતા બહુ લાંબી ચાલી નહિ. તેઓ ઇન્ટર પછી સુરત ચાલી ગયા. પછી લક્ષ્મીકાંત સાથે દોસ્તી થઇ. તેઓ ઘરે આવતા. તેમના નાનાભાઈ બીપીન પણ મારા દોસ્ત હતા. મને આ વરસે પણ બોક્ષીગં માં ટ્રોફી મળી હતી. દાદાજી આ સમાચાર લાડ જ્ઞાતિની ત્રિમાસિક બૂક બહાર પડતી તેમાં આપતા. આ વરસ દરમિયાન ભુપેન્દ્ર શાહ તેમજ રમેશ વ્યાસ મિત્રો ખાસ થયા. રમેશ લગ્ન થવા થી નોકરી માં ધ્યાન આપતો. ભણવાનો સમય ઝાઝો મળતો નહિ. કોલેજ પણ નિયમિત ભરતો નહિ.

ધનંજય સુરતી

મારી ડાયરીના પાના -દ્રશ્ય -૯, ૧૦,અને 11

દ્રશ્ય 9-રંજન નું આગમન

1952 નું એ વરસ હતું. બા પ્રસૂતિ માટે ભરૂચ જવાની હતી. મારી અને બાની ઉંમરમાં ફેર ફક્ત સોળ વરસ નો હતો.બાને માટે હું બહુ વહેલો મોટો થઈ ગયેલો. વરસ બગડ્યા ના હોત તો હું સીનીઅરમાં બી.કોમ માં હોત. હું તેને સવારના ટ્રેન પર દાદર સ્ટેશન પર મૂકી કોલેજ જતો હતો. તે વખતે મને કોઈકે રોક્યો અને કહ્યું અગર તુમ્હે ફિલ્મમે કામ કરના હે તો મુજે રણજિત સ્ટુડીઓ મેં આકે મિલના. મેરા નામ s.k.prem.હૈ. મેં ના કહ્યું અને સૂચન માટે અભાર માન્યો.

અહીં પણ મોટાઈ ની બીક ભારે લાગતી હતી.કારણ વારંવાર મગજમાં ઠસાવામાં આવતું કે C.A જ થવાનું છે. કોલેજ પૂરી થઇ એટલે ઘરે ગયો. બા વગર કોઈ ચાહ નાસ્તો બનાવવાનું નથી. બા ની ગેરહાજરી સાલવા લાગી. પણ મનુભાઈ સરલા અને હું ત્રણે જણાએ બા નું કામકાજ સાચવી લીધું, મહેશની પણ મદદ ખરી. મોટાઈ ને સવાર સાંજ જામડવાનું કામ અઘરું હતું. ક્યારે તેમનો પિત્તો જાય તે કળાતું નહિ. શાબાશી આપવાની વાત તો બાજુ રહી ઉપરથી ફાયરિંગ મળતી. મેં મોટાઈ ને હસતા કયારે પણ જોયા નહિ. ક્યારે પણ છોકરાઓ સાથે વાત ચિત કે ચર્ચા કરતા નહિ સિવાય કે ધમકાવવું. ચોવીસે કલાક અને ત્રણસો પાંસઠ દિવસ ટેન્શન માં રહેતા અને અમને સર્વે ને રાખતા.

સમય સચવાઈ ગયો બા ના ખબર અંતર મોસાળ થી આવતા. દાદા કૃષ્ણ વલ્લભ પત્ર લખતા.એક દિવસ વધાઈ નો પત્ર આવ્યો કે લક્ષ્મીજી પધાર્યા છે કપિલા તેમજ ઝમકુ મજામાં છે. બેબી નું નામ મોસાળ માં ઝમકુ જયંતી મામાએ પાડ્યું હતું જે મુંબઈ આવી ઝમી થયું.જયંતી મામા ખુબ રમાડતા ઝમકુડી રે ઝમકુડી કહી ગોળ ગોળ ફરતા.મોસાળ બહુ પ્રેમાળ હતું. બા રંજનને લઇ મુંબઈ આવી ગઈ. અડોશી પડોશી બાને મળી ગયા અને રંજનને રમાડી ગયા વ્રજલાલ શેઠ તેમજ બાબાના ટપુ ફોઈ પણ હરખ કરવા આવી ગયા. રંજન દેખાવમાં અતિ સુન્દર હતી રંગે ગોરી હતી વાળ સોનેરી હતા અને બધાની લાડકી હતી. નજીકમાં મ્યુનિસિપલ મેડિકલ ટીમ બધાને શિતળાની વેક્સિન આપતી હતી. રંજને બાને વારંવાર કહ્યું કે મને પણ લેવી છે પણ કોઈએ ગણકાર્યું નહિ. નાદાનિયત માં ખપી ગયું. મેડિકલ ટીમ ચાલી ગઈ.હું તે સાંજે રંજન ના નવા બૂટ લઇ ઘરે આવ્યો ત્યારે રંજનને ખાટલામાં સુવાડી હતી. તાવ ધિકતો હતો. મોઢું શિતાળાથી ઉભરાઈ ગયું હતું. મેં નવા બુટ બતાવી તેને બોલાવા પ્રયત્ન કર્યો. પણ વ્યર્થ ગયો.ત્યારે રંજન પાચ વર્ષની હતી. સારું થતા સમય લાગી ગયો પણ ડાઘા રહી ગયા. પણ રંજનના કેનેડા ગમન પહેલા મેં તેની પ્લાસ્ટિક સર્જરી ભાટિયા હોસ્પિટલમાં કરાવી. તેથી ડાઘા સદંતર તો ના ગયા પણ ઓછા જરૂર થયા. બીજીવાર તેણે કેનેડામાં કરાવી હતી. પૈસા ચૂકવવા હોસ્પિટલ જતા ગાડીમાં બહુ ગરદી હતી. ભીંસ ને લઈને કોઈકને મારા ખિસ્સામાં માં હાથ મૂક્યો અને પૈસા કાઢવા કોશિશ કરી. પણ મારી પકડ મજબુત હોવાથી પૈસા બચી ગયા. માહિમ સ્ટેશન આવતા ગજવામાંના કાગળ ને પાસ ઉડી ને પ્લેટફોર્મ પર વિખરાયા.પૈસા બચી ગયા જે હોસ્પિટલ માં જઈ ભરી દીધા..

૧૯૫૨ નું વરસ પૂરું થયું. અને સૌ પાસ થયા. હું હવે જુનીઅર બી કોમમાં આવ્યો. હવે એક મેમ્બરે નો ઉમેરો થયો એટલે એક ક્રિકેટ ઈલેવન. પણ આગામી વર્ષમાં દાદાની વિદાઈ ને લઇ પાછા દસ થઇ ગયા.

દ્રશ્ય 10- કોલેજ ડે

ઘણી વાર પોપ્યુલારીટી માણસને વણ માગ્યા સંકટ ઊભા કરે છે. આજે કોલેજ ડે હતો. કોલેજ ડે સાંજનો પ્રોગ્રામ હોઈ છે. હું ચા પી ચાર એક વાગે તૈયાર થઇ ગયો. એક મારી મેચિંગ પાટલૂન પર મોટાઈ નો ગરમ કોટ પહેર્યો અને માથે મારી ફેલ્ટ હેટ. બુટ ને મોજા પહેરી તૈયાર થઇ નીકળી ગયો. કોલેજ પહોચ્યો ત્યારે પાચ વાગી ગયા હતા. હોલ તથા ગેલરી ભરાઈ ગયા હતા. આજના ચીફ ગેસ્ટ ચીફ જસ્ટિસ ભગવતી હતા. તેઓને આવવાને થોડી વાર હતી.ઘોઘાટ ચાલુ હતો. હું કોલેજના સાઈડ ના દરવાજે થી અંદર પેઠો ને વધુ ઘોંઘાટ થયો. વચ્ચે વચ્ચે ઘોંઘાટ મને જોઈ વધતો. પણ બંધ ક્યારેય ન થતો.અટેલા માં પ્રાઈઝ વેહ્ચવા નો સમય થયો. સ્ટેજ પર એક બાજુએ પ્રાઇઝ ટેબલ પર ગોઠવ્યા હતા. બોક્ષિન્ગની ટ્રોફી માટે મારું નામ બોલવા માં આવ્યું ત્યારે જે ઉશ્કેરાટ અને થમ્પીંગ તથા એપ્લોઉસ થયા. મારી પોપ્યુલારીટી જોઈ  ચીફ ગેસ્ટ નવાઈ પામ્યા અને કદાચ થયું હશે કે આ મારાથી અધિક કોણ ? હાથ મિલાવી ટ્રોફી આપી. ને હું સડસડાટ સ્ટેજ ઉતરી ગયો. બધાએ ખુબ ખુબ વધાઇ આપી અને હું ઘરે પહોંચી ગયો.દાદાજી તથા બા ખુશ થયા.મોટાઈએ કોઈ પ્રતીસાદ આપ્યો નહિ. હું જમ્યો ને બંગલીમાં સુવા ચાલી ગયો. ઉઘમાં બનાવો ની એક ફિલ્મ પસાર થઇ ગઈ. વિચારતો રહ્યો કે જેને કોઈ જાણતું નહિ તેને આટલી બધી લોકપ્રિયતા મળી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. સવારના કોલેજ જતાં જ ખબર મળી કે મારે પ્રિન્સિપાલને મળવાનું છે. હું થોડો નર્વસ થઇ ગયો. પણ થોડી હિંમત કરી ઈશ્વરનું નામ લઇ અંદર ગયો તેમને મને ઠપકો આપ્યો. ને વોર્નિંગ આપી. મેં ખુલાસો કર્યો કે હું નિર્દોષ છું. હું કોઈક ના જેવો લાગુ તેમાં મારો શું ગુનો ? હું છોકરાઓને ઉસ્કેરતો નથી છતાં પણ મારી હાજરી તેમના માટે કારણ બની જાય છે. તેમાં પૈસાદાર નબીરા અને કોલેજના દાદા લોકો મોટો ભાગ ભજવે છે ત્યાર પછી મને વાઈસ પ્રિન્સિપાલે બોલાવ્યો. અને મારી સામે ડીસીપ્લ્નેરી એકશન લેવાની વાત કરી. મેં તેમને સમજાવ્યું કે આખો બનાવ હું કોઈના જેવો લાગું છું અને તે વ્યક્તિ મારા કમ નસીબે એક પ્રોફેસર છે મને આ બનાવ ની બીક મારા બાપાની વધારે લાગતી.

મારું જુનીઅરનું વર્ષ પૂરું થાય તે પહેલા પરિક્ષા વખતે મારા દાદા બહુ બિમાર પડી ગયા. ડોક્ટરે એક ઇન્જેકશન. લખી આપ્યું જે તુરંત લાવવા કહ્યું. હું પુસ્તક પડતું મૂકી બજારમાં દોડ્યો. પણ ત્યાં મળ્યું નહિ. ગાડી પકડી દાદર ગયો. દુકાન બંધ કરતા હતા. પણ દર્દી ની હાલત બહુ નાજુક છે  કહી વિનંતી કરી. ઇન્જેકશન લઇ આવ્યો. ત્યારે રાત ના દસ વાગી ગયા હતા. ડોક્ટરે ઇન્જેકશન આપ્યું તેથી થોડી શાંતિ થઇ. બીજે દિવસે હું બાના કેહવાથી દાદાને જમવા બોલવા ઉપર ગયો. દાદા તેમના ખાટલામાં વિશ્રામ કરતા હતા કોઈ જવાબ ના મળવાથી હું નજીક ગયો અને જોયું તો આખો અધ ખુલ્લી પણ બોલતાં નહિ. ડોક્ટર આવ્યા ને તપસ્યા ને જણાવ્યું he is dead. તે રાતે ઘરમાં સન્નાટો વળી ગયો. આખી રાત અમો જાગ્યા અને મોટાઈ ને બાબુભાઈ એ સાથે બેસી દાદાની ખુબ વાતો કરી અને આખી રાત સિગારેટો પીધી.દિવસો ગયા તેમ દાદાની વિદાઇ ની પીડા ઓછી થતી ગઈ.

દ્રશ્ય 11-સેક્રેટરી

હું હવે જુનીઅર બી કોમ માં આવ્યો. મારા ઉત્સાહ નો પાર નહતો.હવે કમ સે કમ બી.કોમ. થવાની આશા તો રાખી શકાય. જુનીઅર માં થી સીનીઅર માં ગયેલા છોકરાઓ વાત ફેલાવતા કે કોઈએ નપાસ થવું હોઈ તો પણ ના થવાય.એવું આ વર્ષ હતું. કોલેજની આ શરુઆત હતી છોકરાઓ તેમજ પ્રોફેસર બધાજ વૅકેશન મુડ માં હતા. હું મારી કેટલીક ઇન્ટર ની ચોપડીઓ વેચવા લોબી માં પ્રચાર કરી રહ્યો હતો.મારી ચોપડીઓ તો વેચાઈ ગઈ. પણ પછી બીજા જાણીતા અને અજાણ્યા છોકેરાઓ મને મળતા અને તેમના પુસ્તકો વેચવા મને ભલામણ કરતા. હું તેમની પાસે કિમત જાણી લેતો અને મારી કિમત લગાવી વેચાતો. ચોપડીઓ ઝડપ થી વેચાઈ જતી. મને તેમાં બેવડો ફાયદો થતો એક તો પૈસા મળતા ને બીજી પ્રસિદ્ધિ. એક તો હું પ્રોફેસર ની કાર્બન કોપી લાગતો અને પાછો સેકંડ હૅન્ડ પુસ્તકનો ડીલર. એમ બેવડી લોકપ્રિયતા મળી અને વધી. થોડા પૈસા પણ મળ્યા. કોલેજના દાદા ને પૈસાવાળા કોલેજની બાજુના રેસ્ટોરંટ માં ચા કોફી પીવા તેમજ સમોસા અને પેસ્ટ્રી ખાવા જતા.જે મારે માટે લકઝરી હતી. પણ પૈસા મળેથી હું પણ જતો. પાન ખાતો અને સિગારેટ પીતો. સિગરેટનું વ્યસન મારા કઝીને આપ્યું. તે વૅકેશન માં ભરૂચ ગયો ત્યારે વળગ્યું તે છેક 1986માં સ્ટ્રોક આવ્યો ત્યારે છુટ્યું. કોલેજમાં મારું નામ જાણીતું થઇ ગયું અને તેનો લાભ લેવા મેં ઇલેક્શન લડવા નું વિચાર્યું. રદ્દી ખાખી પેપર પર સૌથી ઓછી કિંમતના ફ્લાયર છપાવ્યાં કમાયેલા પૈસા વપરાય જાય તે પહેલા ચૂકવી દીધા. ફકત સાત રૂપિયા બીલ આવ્યું. પરી પત્ર મને બીજે દિવસે મળી ગયા. મેં પરિપત્ર રિસેસ તથા શરુઆત ના ફ્રી ટાઇમ માં છૂટથી વેહ્ચવા માંડ્યા. મારાથી અધિક પ્રચાર છોકરા કરતા. છોકરાઓ કોલેજ ખૂલે તે પહેલા એક કલાક વેહાલા આવી જતા અને કેન્વાસીંગ કરતા. નારા લગાવતા.ખુબ હુલા ગુલાં કરતા મને ઉચકી સ્લોગન બોલાવતા.જેમ દિવસ પાસે આવતો ગયો તેમ ધમાલ વધતી ગઈ. ને કોલેજની શાંતિ ભંગ થઇ જતી.આ સમય દરમ્યાન એક દિવસ મને છોકરાઓ જબરજસ્તી પકડી ક્લાસ ના સ્ટેજ પર ઊભો કરી દીધો મારી ખ્યાતિ નું એક કારણ હું આબેહૂબ પ્રોફેસર ભણગે જેવો લગતો. છોકરા મને તે પ્રોફેસર નું ભૂત કહેતા હું બાઈ ચાન્સ તેમના જેવીજ ફલેટ હેટ પહેરતો. આને લઈને મારી અગત્યતા વધી જતી. મને બેલ પડ્યો ત્યાં સુધી પકડી રાખ્યો. પ્રોફેસર જેવા ક્લાસ માં દાખલ થયા કે મને છોડી દીધો. ને હું સ્ટેશનના પગથિયાં ઉતારવા માંડ્યો. ત્યાં પ્રોફેસરે મને પકડ્યો અને ગુસ્સાથી કહ્યું “Mere appearance cannot make you me ” મેં બહુ શાંતિથી જવાબ આપ્યો ”  I aspire to become something more than that “.પછી મને ઓર્ડર કર્યો “Go and take your seat”હું ચુપ ચાપ બુમાડા ને હોકાટા વચ્ચે છેલો જઈ બેસી ગયો. અવાજ સમી ગયો અને લૅક્ચર શરુ થયું.

ઘણા વરસ પછી એક વાર હું ઓફિસમાં મારી ચૅમ્બર માં કામ માં બીઝી હતો. ત્યાં ટેલિફોનની ઘંટી વાગી. મેં ફોન ઉપાડ્યો. ઓપરેટર કહ્યું મિસ્ટર ભણ્ગે વાત કરવા માંગે છે. મેં કહ્યું વાત કરાવો. સામેથી અવાજ આવ્યો ને પોતાની ઓળખાણ આપી. હું મી ભ્ણ્ગે કોલાપુર કોલેજનો પ્રિન્સીપાલ છું અને ઈલેક્ટ્રીક સપ્લાઈ પર રિસર્ચ કરું છું. અને તે માટે મેં તમારા ચેરમેનનો સંપર્ક કર્યો હતો. તેમણે મને તમારી પાસેથી જોઈતી સામગ્રી લેવાની ભલામણ કરી હતી. મેં કહ્યું સાહેબ હું તમારો પોદાર કોલેજ નો STUDENT જેને છોકરા તમારું ઘોસ્ટ કહેતા. હુકમ કરો તમારે માટે હું શું સેવા કરું. તેમણે કહ્યું કે હું મારો પટાવાળો તમારી ઓફિસે મોકલું છું તેને પાછલા વરસો ના Balance sheet આપશો. મેં જરૂરથી તે આપવા કહ્યું. ઇલેક્શન પતી ગયું હતું. તેનું પરિણામ બે દિવસ પછી બોર્ડ પર આવ્યું. નોટીસ બોર્ડ આગળ બહુ ગરદી હતી. પરિણામ જોવાની પડાપડી હતી.કેન્ડીડેટ નું નામ ડિપાર્ટમેન્ટ અને મળેલા વોટ્સ. મારું તેમાં બીજું નામ હતું. પહેલું નામ ચેરિયન હતું ને ડિપાર્ટમેન્ટ જનરલ સેક્રેટરી (G.M).હું સંતુષ્ટ હતો કારણ મેં નજીવા ખર્ચે ઇલેક્શન જીત્યું હતું. મારો ડીપાર્ટમેન્ટ બોક્ષિન્ગ હતો જે રમતમાં અત્યાર સુધી ત્રણ ટ્રોફી જીતી હતી. મેં બધાને રૂબરૂ મળી આભાર માન્યો. હું આમ સેક્રેટરી થઇ ગયો. ને રોજ સૌથી ઉપર ના માળે બોક્ષિન્ગ ની પ્રેક્ટિસ કરાવતો. સિરાઝી કોલેજ માંથી ગયા પછી રમેશ દવે બોક્ષિન્ગ ના સેક્રેટરી હતા. હું ચુંટાઈ ને આવ્યો ત્યારે તે બી.કોમ. પાસ થઇ પોલીસ ઓફિસર માં દાખલ થઇ ગયા.

 

 

મારી ડાયરીના પાના -દ્રશ્ય ૭ અને ૮

દ્રશ્ય 7-મુંબઈ આગમન

સવારે ચાર વાગે બોરિવલી સ્ટેશન આવી ગયું. ચહલપહલ વધી ગઈ, સામાન ની હેરાફેરી, કુલી ઓ ના અવાજ ને ચાઈની બુમો થી ઉંઘ ઊડી ગઈ. મોટાઈ તથા તેમનો ક્લાર્ક કાટવી અમોને શોધતા આવી ગયા. સમાન નીચે ઉતાર્યો. લગેજનો સમાન પણ ઉતરી ગયો. હવે લોકલ ગાડીની રાહ જોવાની. બહુ ભીડ નહોતી, ગાડી આવી કે સમાન ચઢાવી દીધો. બે કુલી ,કાટાવી મોટાઈ અમારી સાથે ચઢી ગયા. પાર્લાના સ્ટેશન પર સમાન ઉતારી કુલીએ માથે લીધો ને સ્ટેશન ની બહાર આવ્યા.

વરસાદ થંભી ગયો હતો. વાતાવરણ વાદળિયું હતું. પાર્લા કોઈ ગામડા જેવું લાગતું હતું.. ભરૂચ ને સારું કેહવડાવે તેવું હતું ના રિક્ષા કે ટેક્સી કે ઘોડાગાડી હતી. અમો સર્વે ચાલતા ઘરે પહોંચ્યા. સિવાય એક, બધા રસ્તા કાચા ને ખાબડ ખૂબડ હતા. માથેથી અવાર નવાર પ્લેન ઘરેરાટી બોલાવી પસાર થતા.મારો ભાઈ મનુ તે જોવામાં મશગૂલ હતો તેથી ચાલવામાં પાછળ પડી જતો. અને મોટાઈ ગુસ્સે થઇ જતા. વરસાદ થી જમીન પોચી થઇ ગઈ હતી. વળી ખાબડ ખૂબડ એટલે ચાલવામાં તકલીફ પડતી.

આખરે ઘર આવી ગયું. આઉટ હાઉસ હતું. બે ઓરડા નીચે તે હતા. એક હોલ ઉપર અને ફરતી ગેલરી હતા. નીચે બે રૂમ ને અડકીને વરંડો હતો. નીચેની બે રૂમ માં થી એક મકાન માલિક ના કબજામાં હતી. દાદર, સિમેન્ટ ના એક ઉપર એક અધ્ધર પગથીયા નો હતો. કઠેરો વળી ના ખખડધજ દડુંકા નો હતો. બાજુમાં શેડ અને બાવડી હતી. મકાન માલિક રામુજી ભગતના માણસો ત્યાં વહેલી સવારે ન્હાતા,  મનમાં એમ થતું કે ક્યાં ભરૂચનું આલીશાન મકાન અને ક્યાં આ સાંકડું ઘર, તેમાં દસ માણસો નો સમાવેશ. બહુ અઘરૂ ગણિત હતું.અમો ત્રણે મોટા છોકરા નીચેની રૂમમાં સુતા જે દિવસ દરમિયાન કિચન બની જતું. ભેજ બહુ હતો

મુંબઈ નું પરુ પણ અમારા એરીઆમાં લાઈટો ના હતી. મોટા ફાનસ તથા ભરૂચ થી લાવેલ મોટો કેરોસીન ટેબલ લૅમ્પ વાપરતા. દેડકા નું ડ્રાંઉ ડ્રાંઉ આખી રાત ચાલતું. . ક્યારેક સાપ પણ નીકળતા અને એક વાર તો પીળા રંગનો કલચરો મકાન ના પગથિયાં સુધી આવી ગયેલો. કદી નહિ જોયલું પ્રાણી અને વિચિત્ર અંગ જોઈ બધા ડરી ગયા ચીસો પડી ગઈ. પડોશી મગળાબેન તરત પારખી ગયા. બાજુના પ્લોટ માં ઝુપડીમાં રેહતો વાસુ દોડી આવ્યો અને કળચરો પકડી લઇ ગયો. અમારા લત્તા માં સ્ટ્રીટ લાઈટ એક સ્વપ્નું હતું આસપાસમાં રાઈસ ના ખેતર હતા. મચ્છર બહુ. મચ્છરદાની લગાવવા છતાં સવારે ઢગલો મચ્છર મચ્છરદાની માં જોતા. સંડાસ બે હતા અને બેઉ મકાનના ભાડૂત માટે કોમન હતા સંડાસ એક ખૂણામાં બહાર હતા. ચોગાન વચ્ચે એક ઝાડ હતું. સાવજી સ્વીપર હતો. મકાન તેમજ ચોગાન ની સાફ સૂફી કરતો. તેને અને તેના કુટુંબને રેહવા મકાન માલિકે તેને પરવાનગી આપી હતી. તેની ઝુપડી છેડે હતી અમારે નહાવા માટે ચોકડી હતી. તાંબા નો મોટો બંબો વરંડા પર રેહતો. પીતળનું મોટું પવાળું પણ વરંડામાં રેહતું. કનુંનું ઘોડિયું પણ ત્યાજ રેહતું કોલસા ની પીપ પણ બહાર રેહતી. તે વખતે ગેસ નહતો. ઘરમાં ચોકડીમાં નળ હતો. રસોઈ માટે ઉભું રસોડું નહતું. બા સગડી અને સ્ટવ વાપરતી. આમ દસ જણા નો પરિવાર રેહતો.મકાન માલિક નવો બંગલો બાંધતો હતો અને તેમાં અમને એક મોટો ફ્લેટ આપવાનું કહ્યું હતું પણ જેવો તૈયાર થયો ને સારો ભાવ આવ્યો કે રાતો રાત વેચી દીધો.વેચાણ લેનાર ગુજરાતી હતા. તેઓ શેર બજાર તેમજ મકાનની દલાલી કરતા. તેઓ અમારા સારા પડોશી બન્યા.

એક દિવસ અમો છોકરાઓ જમીને ઉપર હતા અને વરસાદ પડવા માંડ્યો. અને જોત જોતા માં મૂસળધાર થઇ ગયો સાથે પવન 120 માઈલ ની ઝડપે સરુ થયો. રૂમમાં બાર બારીઓ હતી. તેમાની ચાર સીમેન્ટની હતી. તેમાંથી પાણી આવ્યું. બાકીની લાકડા ની બારીઓ  બરાબર દેવાતી ન હતી તેમાંથી પણ પાણી આવ્યું અને ગૅલેરી કવર નહોતી તેમાંથી પાણી આવ્યું. રૂમ તળાવ થઇ ગયું. હવાથી પેટી ઓ પડી ગઈ. સામાન વેરવિખેર થઇ ગયો. વાસણો તરવા લાગ્યા. અમો ખાટલા પર પગ ઉપર કરી બેસી ગયા.વરસાદ થોભવા નું નામ ન લેતો.બલકે વધવા લાગ્યો.નીચેની રૂમમાં મોટાઈ દાદાજી તથા બાં હતા..તેમને અમારી સખ્ત ચિતા હતી.મકાન માલિક સર્વેની ખેરીઅત પૂછવા ડોકાયા, તેમણે બેરજીને મરવાડી માં કહ્યું છોકરા નીચે લઇ આવ. બેરજી એક પછી એકને ઉચકી નીચે લઇ ગયો.વરસાદ અને દાદર તેમજ રૂમ વચ્ચે ના અંતરે અમોને ભીજવી કાઢયા. વીજળી ના કડાકા હજુ ચાલુ હતા.આખી રાત વરસાદ પડ્યો. ઉપરનો રૂમ ખુલ્લોજ હતો. નીચેની રૂમમાં બ્લેન્કેટ પાથરી, સગડી ચેતતી રાખી આખી રાત બેઠા રહ્યા. મોડી સવારે વરસાદ થોભ્યો. બહાર નીકળી ને જોયું તો પાણી ગરમ કરવાનો બંબો ચોગાનમાં ફંગોળાયો હતો. કોલસા ની પીપ માં પાણી ભરાયું હતું. થોડા દિવસ પછી બધું રાબેતા મુજબ થઇ ગયું.

આ સંજોગોમાં નાનેરા ને બહુ સમાંળવા પડતા. જગા ની સંકડાશ બહુ પડતી. કનુ ત્યારે ફક્ત કેટલાક મહિના નો હતો. ભુપેન્દ્ર હજુ ચલતો નોતો…ઘસડી ને ખસતો ને વરંડા પર આવી બેસતો. પડોશી જોષી તેને શ્રી ગણેશ કહેતા. તે સાત વરસે ચાલણ ગાડી થી ચાલતો થયો. ત્યારે બાએ પુરી ઓ વેહ્ચી હતી. બા મરાઠી માં વાત સરસ કરતી.આથી મરાઠી પડોશી ખુબજ ખુશ હતા.

દ્રશ્ય 8-કોલેજ પ્રવેશ

કોલેજ માં એડમિશન મળી ગયું. સીડ્નેહમ અવલ નંબર ની કોલેજ ગણાય. પણ બરફી વાળા ની મદદથી પોદાર કોલેજમાં મને પ્રવેશ મળી ગયો. અને કોલેજ ચાલુ થઇ ગઈ. હાફ પેન્ટ શર્ટ બુટ મોજા અને સોલો હેટ પહેરી કોલેજમાં જતો. ઈગ્લીશ બોલવાનો કે લખવાનો મહાવરો ન હોવાથી થોડું અઘરું પડતું. અમુક પ્રોફેસર ના લેકચર માં બહુ સમજ પડતી નહિ. આથી બહુ કંટાળો આવતો. કેટલાના તો પીરીયડ ભરવા ગમતા નહિ. ત્યારે કોમન રૂમમાં આરામ ખુરસી પર આરામ કરતો. બહુ દોસ્તારો તો હતા નહિ તેથી બોરિંગ લાગતું. કોલેજ એક વાગે સરુ થતી ને ચાર વાગે છુટી જતી. ઘરે જઈ ચાહ પીતો પેપર વાંચતા ત્યાં સાંજ પડી જતી. રાત્રે લાઇટ ના હોવાથી વાંચવું બહુ ફાવતું નહિ.

અમારે ત્યાં રાત્રે આઠ વાગે જમવાનું થતું અને પાટલા માંડી જમી લેતા. મોટાઈ જલદી આવ્યા હોઈ તો તેઓ ખુરસી અને ટીપોઇ પર જમતા. બા તેમને જમાડતા. તેઓ જમીને ઉપર આવે થી અમો સર્વે તેમજ દાદાજી નીચે જમવા આવતા.બા બધાને જમાડતા ત્યાં સુધીમાં નવ ઉપર વાગી જતા પછી બા જમતી. અમો બધા જમીને ઉપર જતા.સાવજી અમારો ઘાટી હતો તેને રસોડું સાફ સૂફી માટે સોંપી દેતાં હું તથા મનુભાઈ ઉપર પથારીઓ પાથરતા.સાવજીની સાફ સુફી પછી મનુભાઈ રસોડું એકદમ લૂછી લાછી કોરું કરે અને પછી પથારી કરી મચ્છરદાની બાંધે. ત્યાં સુધી રાતના બાર વાગી જતા. મચ્છરદાની ને અડીને છ થી નવ ઇંચ ઉચો ઓટલો હતો જેના પર સાવજી વાસણ માજી ગોઠવતો. બહુ મોડું થતા વાંચવાનો સમય રહેતો નહિ.

આમ દિવસો વહી ગયા ને પરિક્ષા ઢુંકડી આવી ગઈ. કોલેજમાં એવી અફવા અવાર નવાર આવતી કે FY માં કોઈને નપાસ ન કરે. સીવીકસ એન્ડ એડમીનીસ્ત્રેશન માં શું વાંચવું તેની ગતાગમ પડતી નહિ. ને ઈંગ્લીશમાં પણ તેમજ હતું.પરીણામ એ આવ્યું કે તે બે વિષય માં ફેલ થયો. પારાવાર દુખ થયું. મોટાઇ એ રીપીટર તરીખે પાછું એડમિશન લેવડાવ્યું.પછી હું સતેજ થઇ ગયો. અને તે વર્ષે હું પાસ થઈ ગયો.મનુભાઈ તથા મહેશ પણ SSC માં પાસ થયા તેમને સીડ્નેહમ કોલેજમાં પ્રવેશ મળી ગયો. કોલેજ શરુ થઇ ગયી. વાંચવાનું સરુ કર્યું. પણ ઘરમાં મોકળાશ ન હતી. નાના ભાઈ બહેનની નિશાળ બેસતી તેમાં પડોશી ના છોકરા બાબો અને પન્ના પણ આવતા. કાઉપીચ વધી જતી. પણ એક વસ્તુ સારી બની કે મકાન માલિક જમનાદાસ પીસ્તોલવાળા અમારા ગામના હતા. તેમણે મોટાઈ ના કેહવાથી તેમના સામેના મકાનમાં ઉપરની એક નાની બંગલી કાઢી આપી. કોઈ પાઘડી નહિ ભાડું ફક્ત સાત રૂપિયા. અંદાજે 7’x 8′ નાની. પણ એમાં ત્રણ મોટા નું ભણવા નું ને સુવા નું થતું. બહુ સંકડાશ પડતી. તેમાં વળી દોસ્ત ઉપાધ્યાય વાચવા આવતા.પડોસી ટેમ્બુલકર ના ઘર ની ભણતી છોકેરીઓ કેબીનના દાદર નો ઉપયોગ કરતી હું ઇન્ટર માં વાંચતો. વસાવડા મારા તે વખતે ખાસ મિત્ર હતા. તેઓ પાર્લામાં જ રહેતા. તેમનું ઘર દ્વારકાધીસ મંદિર ની બાજુમાં હતું. તેમને તેમની દાદર નીચે પતરા ની રૂમ હતી. તેમાં બે ભાઈઓ સૂતા અને વાંચતા. એ વ્યવસ્થિત નોટ્સ લખતા. તેમનું લેખન તથા વાંચન ખુબજ સારું હતું. ઇન્ટર ની પરીક્ષા માં એ પાસ થયા ને હું નપાસ થયો. મને ઈંગ્લીશ ગ્રુપ માં ચાલીસ ટકા ના મળ્યા. ખુબજ અફસોસ થયો. રડું પણ આવ્યું. મેં તેમની બધી નોટ્સ કલેક્ટ કરી. કેબીન વ્યવસ્થિત કર્યું ને વાચવાનું ચાલુ કર્યું મોટાઈને ગુસ્સો ઘણો આવતો. તે મારી ફેલીયર બરદાસ્ત કરી શકતા નહિ. મેં મારી વાચન પદ્ધતિ બદલી નાખી. પરિણામ એ આવ્યું કે ટર્મિનલ માં ઘણા વિષય માં બહુ ટોપ માર્કસ આવ્યા. પ્રોફેસરે મારા પેપર ક્લાસ માં છોકરાઓ ને બતાવ્યાં આથી છોકરાઓ મારા પેપર જોવા અને ઘરે લઇ જવા માગતાં. હું આમ ઇન્ટર ની પરીક્ષામાં સારે માર્કે પાસ થયો. મનુભાઈ ને મહેશ પણ FY માં પાસ થયા. નાનાઓ પણ સ્કુલમાં પાસ થયા. અને ગાડી આગળ ચાલી. આથી મોટાઈ ના ટાટિયાં માં જોર આવતું

મોટાઈ સિગારેટ ખુબ પીતાં.. હવે ઠેરઠેર સિગારેટ ના ડબ્બા રાખતા. અંદર થી ખુશ રહેતા પણ બહાર બતાવતા નહિ. અમોને તો હમેશાં ધમકાવતા.

ડાયરીના પાના -બા ને નાનેરાની વિદાઈ,મેટ્રિક પાસ અને અલવિદા ભરૂચ

દ્રશ્ય 4- બા ને નાનેરાની વિદાઇ   

મેટ્રિક ની પરીક્ષા પુરી થઇ.પરીક્ષાનો થાક ઉતારવા સાંજે સ્ટેશને ફરવા જતા. પેણી માં થી ઊતરતા ગરમ  ભજિયા ખાતા, રાત્રે રાજુ માસ્તર આવતા અને બધા પેપર નું વેલ્યુંએસન કરતા અને તું પાસ થવો જોઈએ તેમ કહ્યું. નાનેરા નું રિઝલ્ટ આવી ગયું તેઓ બધા પાસ થઇ ગયા. મોટાઈની (પિતાજી) સૂચનાઓ કાગળ મારફત આવ્યા કરતી. ભણવાનું વરસ પૂરું થયું. પછી પેટી ઓ ડબ્બા બેડિંગ તથા પીપો ભરતા ચાલ્યા અને દોરડાથી બાંધતાં ગયા. પેક થયેલો સામાન તેજ રૂમમાં રાખવામાં આવ્યો. દિવસો સડસડાટ જવા માંડ્યા અને જવાનો દિવસ આવી ગયો. સવારથી ખુબ ધમાલ હતી. સગાવહાલાં સ્નેહ સંબંધી આડોશી પડોશી તેમજ મિત્રો સવારથી જ મળવા આવતા ભેટ તા રડતાં અને ગળગળા થઈ જતા. પાંચ વાગે ભગવત બે ગાડી લઇ આવ્યો. બધા ગાડીમાં બેઠા. સમાન બન્ને ગાડીમાં વેચાઈ ગયો. આવજો આવજો ના પુકાર થયા.ગાડીવાને લગામ ખેંચી ગાડી ચાલુ કરી.

નાનેરાનો  ઉત્સાહ અદમ્ય હતો જેમ જેમ ગાડી આગળ વધતી તેમ તેમ  લત્તાઓની યાદો મનમાં ઊભરાતી ગઈ. બજારમાં થી પસાર થતા લક્ષ્મણ દરજી ની દુકાન , ગાંધી મેડિકલ સ્ટોર વગેરેમાં થી આવજો આવજો ના પુકાર થયા. અને ગાડી આગળ ચાલી. આખરે ભરૂચ સ્ટેશન આવી ગયું. ટીકીટો કઢાવી સામાન મજુરોને સોંપી બધા પ્લેટફોર્મ પર ગયા. લગભગ અડધું પ્લેટફોર્મ લોકોથી ભરાયેલું. માસીઓ તેમના છોકરાઓ, મામા, મોટી બા દાદાજીઓ વગેરે હાજર હતા સ્ટેશન કાબરો ના અવાજ ને માણસની રોકકળ થી ગાજી ઊઠયું. એટલા માં દૂરથી વીસલ સંભળાઈ અને ગાડી એ આગમન કર્યું. પ્લેટફોર્મ પર હલચલ મચી. જેવી ગાડી થોભી ને બારણા ઉઘડીયા કે ધસારો થયો. ભગવત તથા તેના દોસ્તારે બે સળંગ સીટ અને ઉપરના પાટિયા રોકી લીધા. બા અને ચિલરપટ્ટી તે સીટો પર ગોઠવાઈ ગયા દાદાજીએ સમાન લગેજ ના ડબ્બામાં મુકાવ્યો. એટલા માં વિસલ થઇ અને એંજિનને ઝૂક ઝૂક સરુ કર્યું અને ગાડી ચાલી. આવજો આવજો ના પુકાર અને રડમસ ચહેરા સાથે ભાવ ભીની વિદાય સુરતી કુટુંબને અપાઈ.

ગાડી પુલ માં પેશી ગઈ. બા ગઈ અને હું ને દાદાજી એકલા પાછા ફર્યા. ઘર સૂમસામ લાગતું હતું. અમારે માટે સરોજ માસી ખાવા પીવાનો બંદોબસ્ત કરતા. દાદાજી રોજ જમીને અગાસીમાં બાસ્ટી પર બેસી ભજનો ગાતા સાથે મને બેસવા કહેતા. ભજનો પછી મુંબઈ વિષે વાતો કરતા ને ત્યાંના ઘર વિષે કલ્પના કરતા.

દ્રશ્ય 5-મેટ્રિક પાસ

હું છઠ્ઠામાં હતો ત્યારે યક્ષ સંદેશ પંડ્યા સર હમેશાં મારી પાસે ગવડાવવાતા. સાંજના પાચ પછી ગેમ નો પિરિયડ હોઈ હું રોજ વૉલીબૉલ રમતો. સાડા પાંચે સ્કૂલ છૂટી જતી. ત્યારે બૉક્સિંગ રમવા જીમમાં જતો. પારસી ડ્રિલ ટીચર શીખવતાં. મારે પારસી છોકરા સામે રમવું પડતું. તે મારાથી વધુ અનુભવી હતો તેથી મારે ડીફેન્સીવ રમત રમવી પડતી તેમાં માર ખમોવો પડતો પણ તેથી સહન શક્તિ વધતી તેવું મારું માનવું છે.

આગળ જણાવ્યું તેમ મોટાઈ એક વોટ થી પરાજિત થયા હતા. તે લાંબી રજા પર ઉતરી ગયા હતા તે દરમિયાન તેમણે મુંબઈ માં નવી નોકરી મળી ગયી. તે પાર્લા અંધેરી મ્યુનીસીપાલીટી માં સેક્રેટરી નિમાયા સન 1946.અને ગાડી આગળ ચાલી. તેમના પત્રો છોકરાઓ ના અભ્યાસ માટે આવતા. દાદા બહુ અભ્યાસમાં માથું મારતાં નહિ. છોકરાઓ ને સ્વતંત્રતા મળી પણ અભ્યાસ બરાબર થતો. હું છઠું પાસ કરી મેટ્રિક માં આવી ગયો.મેટ્રીકની શરુઆત માં અમે ઝગડિયા ક્રિકેટ ની મેચ રમવા ગયા. ત્યારે આપણી જ્ઞાતિ ના ગોવાલીવાળા ના ઘરે ઉતાર્યા હતા. મને જોઈ બધાને નવાઈ લગતી કે આટલો નાનો છોકરો મેટ્રીકમાં ? હું દેખાવ માં સાવ સુકલકડી ને ઠીગંણો. મેચ માં મારા સૌથી વધુ રન હતા પણ. અમે મેચ હારી ગયા.

મેટ્રિક નું વર્ષ શરુ થયું. આ અરસામાં કનુંનો જન્મ થયો. બા તથા કનુને દાદાજી ના રૂમમાં રાખ્યા. રોજ સવારે રૂખી આવતી. કનુને ઓસડિયા પીવાડી માલિશ કરી નવડાવતી. પછી  પાઉડર લગાવી ઘોડિયામાં સુવાડતી. ઘરમાં કમુ ને કાશી કામવાળી બહેનો કામ કરતી મહારાજ રસોઈ બનાવતો. આ ધમાલ માં ભણવા માં બહુ ધ્યાન અપાતું નહિ.મોટાઈની વિઝિટ દરમ્યાન નક્કી થયું કે મારે માટે ઘરે ભણાવનાર માસ્તર રાખવો. તપાસ ચાલી કે કયો માસ્તર સારો. મારા માસીના દિયર શાન્તનું કાકા  બહુ જાણીતા હતા. પણ તેમને સમય નહોતો તેથી તેમના નાના ભાઈ રાજુ ભાઈ ને અપનાવ્યો. તેઓ રોજ તેમની ઓફિસથી છુટી ઘરે આવતા. આતો માસ્તર ના માસ્તર ને સગાં ના સગા. તેમને માટે દરરોજ ચા અને નાસ્તો બનતા. મને તેઓ ખુબજ દિલથી ભણાવતા અને ઘરના સભ્યની માફક વર્તતા. કેટલા મહિના આવ્યા તેતો ખબર નથી પણ ટેબલ પર હાથ પછાડતા અને રિવિઝન કરાવતા. મારા રમતિયાળ સ્વભાવમાં જેમ જેમ ભણાવતા ગયા તેમ સીરીઅસનેસ આવતી ગઈ. તેઓ ફક્ત પંદર રૂપિયા મહિને લેતા. જોકે તે જમાના માં તે ભાવ ચાલતો. થોડા મહિના પછી મહારાજ જત્તો રહ્યો અને બા બધું મેનેજ કરતી. મેટ્રિક ની પરીક્ષા માટે મને ફૂલ પેન્ટ તથા ફૂલ શર્ટ પહેલી વાર પેહેરવા મળ્યા હતા. પરીક્ષા ચાલુ થઇ.. બા ગોળ ની ગાંગડી અને દહીં ખવાડી વિદાય આપતી.કીકા મામા રિસેસ માં ચાનો થરમૉસ લાવતા. તેઓ મને ચુંગી કહી ચીડવતા. સાંજે માસ્તર પેપર  ઈવેલ્યુએટ કરતા અને માર્ક મૂકતાં પછી પાસ કે નપાસ નક્કી કરતા. પરીક્ષા આવી ને જતી રહી. હવે પરિણામ આવે ત્યાં સુધી વૅકેશન.

મારા મેટ્રિક પરિણામની તારીખ નજીક આવતી હતી. દિવસ દરમ્યાન હું મારું તથા દાદાજી નું પૅકિંગ કરતો અને સાંજે નદી પર ફરવા જતો. પૈજામો અને કફની પેહરતો. ને પગ માં ચપ્પંલ. નદી કિનારે પૂલ સુધી ચાલી આવતો. મને રિઝલ્ટ ની ચિંતા નહોતી. દાદાજી ને પણ હોઈ તેવું લાગ્યું નહિ. રિઝલ્ટ ની રાતે પરવારી અમો સૂઈ ગયા. લગભગ રાત ના સાડાબાર થયા હશે તે સમયે અમારી પહેલા માળ ની બારી તરફની ગલી માંથી મારા નામની બૂમ આવી. હું સફાળો જાગી ગયો અને બારી ખોલી જોયું તો માસીનો ભગવત હતો. તેણે બૂમ પાડી હતી કે ધનંજય તુ મેટ્રિક માં પાસ થઇ ગયો. બૂમ થી દાદાજી પણ જાગી ગયા અને બારીમાંથી ડોકાયા. સમાચાર સાંભળી ગોરધન નાથ ની મોટેથી જે બોલાવી બારી બંધ કરી સૂઈ ગયા. મેં નીચે ઉતરી ભગવતને અંદર આવવા કહ્યું પણ તેણે જણાવ્યું કે તે ગાડી પકડી સુરત પ્રેસમાં જવાનો છે અને મને આવવા કહ્યું. મેં ના પાડી એટલે તે રવાના થયો. તે પછી હું ને સરોજ માસી પણ ઉપર જઈ સૂઈ ગયા. સવારના આ વાતની જાણ બધાને થઇ ગયી. સામે રહેતા હરીલાલ માસ્તરે કોમેન્ટ કરી કે એ તો લાંચ આપી હશે નહી તો લાગવગ લગાવી હશે પણ ખરું કારણ મને ભણાવવા આવતા મારા માસ્તર રાજુભાઈ ની મહેનત કામ કરી ગયી. તેઓને મેં ખબર કહ્યા અને મીઠાઈનું પેકેટ અર્પિત કર્યું. તેમણે મને ખુબ જ ખુબજ શુભેચ્છા  આપી સ્કૂલ માં થી માર્ક સીટ મેળવી તે સમયે મુંબઈ યુનિવર્સિટી મેટ્રિક ની પરીક્ષા લેતી અને તેની વૅલ્યુ સારી હતી. મેટ્રિક પાસ ને તે જમાનામાં નોકરી તરત મળી જતી.

દ્રશ્ય 6-અલવિદા ભરૂચ

મારે હવે પોદાર કોલેજ અથવા સીડેનામ કોલેજ માં એડમીસન લેવાનું હતું. મુંબઈમાં ઘરે જોરદાર સેલીબ્રેસન થયું. લગભગ બધી તૈયારી થઇ ચૂકી હતી. મોટાઈ ની સૂચના પ્રમાણે જવાનો દિવસ આવી ગયો. નિત્ય કર્મ પરવારી, લઇ જવાનો સમાન એકઠો કર્યો,જમી પરવારી આખરી સૂચનાઓ માસીઓ ને અપાઈ ગયી. અમારા ગયા પછી ઘરની સારસંભાળ ચંપા માસી લેવાના હતા બધું પતાવતા ત્રણ વાગી ગયા. પછી બધાંએ ચાપાણી પીધા. ગાડી સાત વાગ્યા ની લોકલ હતી. સાડાપાચે નીકળવાનું નક્કી કર્યું. સ્ટેશન ખાસ્સું લાંબે હતું. લગભગ સવાપાચે ભગવત ગાડી લઇ આવ્યો.ઘર બધું બંધ કર્યું. સમાન ગાડીમાં ચઢાવ્યો. આવજો અવજોના વળામણા પછી હું ને દાદાજી ગાડીમાં બેઠા. તે સાથે દાદાજીએ મોટેથી ગોરધન નાથકી જય બોલાવી અને ગાડી ઉપાડી.ચંપામાસી પાસે અમારા ઘરની ચાવી મૂકી. મકાન તથા શેરી ને અલવિદા કરી ગાડી ઉપાડી.

ગાડી હાજીખાના બજાર વટાવી સ્વામીનારાયણનો ઢોળાવ ઉતરી ધોળીકુઈમાં ગઈ કે પાછ્ળ થી બુમ પડી ગાડી રોકો, ગાડી રોકો,બુમ ભગવત પાડી રહ્યો હતો. મેં ગાડીવાન ને રોકવા કહ્યું દાદજીએ પણ જુસ્સાથી કહ્યું. ગાડી અટકી,પાછળ ની ગાડી પણ અટકી. અમારાથી ભુલાઈ ગયેલી સેવાની ઝાંપી (વાંસ, નેતર વગેરેની ચીપોની પેટી (ખાસ કરીને પ્રવાસમાં ઠાકોરજીને રાખવાની પેટી ).આપવા ભગવત મારતી ગાડીએ પાછળ આવ્યો હતો. દાદાજીએ ઝાંપી લઇ અમારી ગાડીમાં મૂકી અને સાથે ભગવાનને પણ સભળાવી. પછી બન્ને ગાડીઓ આગળ ચાલી. સ્ટેશન આવ્યું ગાડી થોભી. અમો સમાન ઉતારી ટિકિટો લઇ પ્લેટફોર્મ પર ગયા. સામાન મુજરો લઇ આવ્યા. ગાડી સમય સર આવી. અમો અંદર ગોઠવાયા. ખપ પૂરતો સામાન અમારી પાસે રાખી બાકીનો લગેજ ના ડબ્બામાં મુકાયો. ગાડી સમય સર ઉપાડી ને દાદાજીએ ગોરધન નાથની જે બોલાવી. કેટલાક યાત્રીઓએ સાદ પુરાવ્યો. ગાડી છુક છુક કરતી પુલ માં પેસી ગયી અને ભરૂચ અલવિદા થયું.

ભરૂચ વસવાટ ના સોળ વર્ષનો ઈતિહાસ મારા માનસ પટ પર પસાર થઇ ગયો, ત્યાં વીતાવેલું બાળપણ ,પ્રાઈમરી સ્કૂલ ,એ હાઈસ્કૂલ ,ટાવર, દિપચંદ વાચનાલય, શેરી ની રમતો, ઉજવેલા તહેવાર વગરે અનેક ચીજ મને સ્વપ્નમાં દેખાવા લાગી. હું સૂઈ ગયો અને આ સુખદ યાદો નો અનુભવ કરતો રહ્યો.

 

 

 

 

 

 

 

 

 

૪-ડાયરીનું પાનું -મારો જન્મ-સાલ 1932-ધનંજય સુરતી

દ્રશ્ય 3-મારો જન્મ-સાલ 1932

મારો જન્મ ત્રીજી ફેબ્રુઆરી 1932 ને રોજ ભરૂચ માં શેઠ ફળિયામાં મારા મોસાળ માં થયો હતો. કુટુંબમાં હું પહેલું સંતાન હતો અને તે પણ દીકરો એટલે બહુ આનંદ હતો મારું હુલામણું નામ લાલો હતું. હું બાળપણ માં રોજ દસ શેર દૂધ પપીતો એમ બા કેહેતી.

રતિભાઈ ભાટિયા રોજ મને તેમની દુકાને લઇ જતા અને બહુ કૅન્ડી ખવડાવતા પરીણામે મારી ડોકી એકદમ પતલી થઇ ગયી. ડોક્ટરે કૅન્ડી બંધ કરાવી અને સારવાર સરુ કરી. તેથી ઠીક થઇ ગયું. વારાફરતી મને દરેક જણ લઇ જતા. રાત્રે મોટાઈ જમીને પાન ખાવા સન્મુખ ની દુકાને લઇ જતા. પોતે પાન ખાતા અને સોડા પિતા મને કોઈ કોઈ વાર લેમન પીવાડતા.

પછી તો સહેજ મોટો થઇ નવા દેહરા સ્કૂલમાં દાખલ થઇ ગયો. અડધી પાટલૂન તેમજ હાફ શર્ટ પહેરી સ્કૂલમાં જતો. કોઈ મૂકવા કે લેવા આવતું નહિ. સ્કૂલ પાસે હતી. સાડા દશ વાગે જમી કપડાની થેલિમાં ચોપડી મૂકી, જતો. રસ્તે છોકરા ના ટોળામાં ભળી જતો. સ્કૂલમાં પ્રાથૅના થતી. જલદી પહોંચ્યા હોઇએ તો સ્કૂલ ના ડેલી ના પગથીએ બેસતા. સ્કૂલ ખૂલતી બરાબર અગીઆર વાગે અને ધસારો થતો. કેટલા ક્લાસ માં બાસ્ટીઓ હતી કેટલાક માં શેતરંજી હતી. બેલ વાગે થી છોકરાઓ ઊભા થઇ જતા અને પ્રાર્થના સરુ થતી. પ્રાર્થના પોતે થી ભણવા નું સરુ થતું. બાર પછી કેટલાક ટીચર છોકરાઓને ખાસું લેસન આપી પગ ટેબલ પર લંબાવી ઊંઘ ખેચતા. ઊઠીને છોકરાને પોતાને ઘરે ચાની લોટી લેવા મોકલતા. છોકરાઓ માસ્તર ની ચાહ લાવવા નું કામ અગત્યનું સમજતા. પાચ વાગે સ્કૂલ છૂટી જતી.

લગનસરા ચાલતી તે સમયે ક્લાસ માં એનાઉન્સ થતું  કે જે છોકરાઓ લાડ વણિક હોઈ તે હાથ ઉચો કરે. તેમને ચાર વાગે છુટ્ટી મળી જતી જેથી વાડી માં જમવા સમયસર જઈ શકે. અમને વાડી માં જમવા જવા કરતા શેરી માં રચવામાં વધારે રસ હતો. તેથી બને ત્યાં સુધી જતા નહિ. પણ ઘર આખું જમવા જાય ત્યારે છૂટકો જ નહિ. વાડી માં ગરમ રતાલાના ભજિયા તળતાં હોઈ લોક બાજો પર લઇ ચોરા પર બેસી જતા. છોકરાં ધરાયા પછી ભજીયા ફેકતા. જમણ શરુ થતા વાનગીઓ પીરસાતી. લાડુ વધારે લઇ બટેરામાં મૂકી પાછલી બારી વાટે પર જ્ઞાતિ ના દોસ્તોને આપતા.

હું બીજું ને ત્રીજું ધોરણ કુદાવી થોડાક જ મહિના માં ચોથી માં આવી ગયો. ઘરે બાલા સંકર ના ભાઈ ગીર્જાશંકર ભણાવવાં આવતા. ચોથી ની પરીક્ષા પાસ થયો પણ R. S. DALAL સ્કૂલ ની એન્ટ્રન્સ પરીક્ષા અપાઈ નહિ એટલે પાયોનીઅર હાઈ સ્કૂલ માં જોડાયો. તેમાં બે વર્ષ પુરા કરી થર્ડમાં એન્ટ્રન્સ પરીક્ષા આપી. પાસ થઇ R. S. DALAL માં જોડાઈ ગયો. બહુ પહેલેથી મારા પિતાશ્રી મને કહેતા કે તારે C A થવાનું છે બીજું કાઈ નહિ. જયારે હું ફોર્થમાં હતો ત્યારે વોર ચાલતી હતી એટલે પેપર ની તંગી હતી. પરિક્ષા ઓરલ લેવાતી. તેવામાં સિરાઝી ટીચર નો પરીક્ષા પત્યા પછી ફ્રી પીરીઅડ હતો બધા છોકરાને એક પછી એક ઊભા કરી સર પૂછતાં કે તું આગળ શું થવા માંગે છે મારો વારો આવ્યો ત્યારે મેં બે ધડક કીધું C A..તેમનું મોઢું બગડી ગયું અને મારા પર ગુસ્સે થઇ ગયા બેઠ બેઠ યે મુહ ઔર મસૂર કી દાળ, શીશેમે મુહ દેખ બાદ મે બાત કર. આખો ક્લાસ ખડખડાટ હસવા લાગ્યો. હું બેસી ગયો. નિરાશ થઇ ગયો.છોકેરા મારી ઠેકડી ઉડાવતાં.

એમને એમ બે વર્ષ વીતી ગયા હું સિકસ્ માં આવી ગયો અને વાત ભુલાઈ ગઈ.આ વાત ને  દસ વર્ષ વીતી ગયા. એક દિવસ હું  રતલામથી શ્રી સજ્જન મીલ નું ઓડિટ કરી પાછો મુંબઈ જતો હતો. મોસાળ ની માયા બહુ હતી તેથી ભરૂચ ઉતરી ગયો. સ્ટેશન બહાર આવી ઘોડાગાડી કરી શેઠ્ફલિયા તરફ જતો હતો. એવામાં મારી નજર, આગળ ચાલતી ગાડી પર પડી. જોગાનુજોગ આગળની ગાડીમાં એજ ટીચર હતા જેણે મારા પર ગુસ્સો  કરી કહ્યું હતું એ મુહ ઔર મસૂર કી દાળ. એકાએક અમારી આંખ મળી. તેમને મને ઓળખી કાઢ્યો, ગાડી થોભાવવા સંકેત કર્યો. મારી ગાડીવાળાએ ગાડી થોભાવી. હું ગાડીમાં થી નીચે ઉતાર્યો. નમસ્તે કર્યા અને હાથ મેળવ્યા. હું શૂટ્બુટમાં સજજ હતો તેથી કદાચ તેમને વિસ્મય થયો હશે. તેમણે ખેરીઅત પૂછી અને હાલ શું કરું છું. કેટલું ભણ્યો વગેરે સવાલ કર્યા, જવાબમાં મેં કહ્યું કે ચાર્ટડ એકાઉનટંટ થઇ ગયો અને હાલ જી. પી. કાપડિયા માં થી સજ્જન મિલ નું ઓડિટ કરી આવું છુ.તેઓ બહુ ખુશ થયા ને કહ્યું કે મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તું આટલે બધે પોહ્ચશે.

 

-ધનંજય સુરતી -વ્યક્તિ પરિચય

 

 

 

 

 

 

 

દરેક વ્યક્તિને પોતાના જીવન વિશે  કહેવું કે લખવું ગમે છે. સરલતા અને સહૃદયતા થી ઊઘડતી જતી વાત ને વાગોળી શબ્દોમાં મુકતા એ જિંદગી ભરનું સંભારણું  ઉદાહરણ બની નવી પેઢી માટે સમજણ બની જાય,ઘણા ને એમ થાય કે માણસ આત્મકથા લખવા જેવું જીવ્યા હોય તો જ એણે આત્મકથા લખવી જોઇએ. પરંતુ દરેક વ્યક્તિની કથા એક સમજણ આપે છે એ વાત અહીં ધનંજયભાઈને ન ઓળખતી વ્યક્તિ માટે કહીશ, જેમ વાંચશો તેમ તેમના  જીવન ના દ્રશ્યો આપ મળે તમારી સમક્ષ આવશે, ખુબ જ સહજતાથી લખ્યું છે.પોતે જે જીવ્યા છે,તેની વાત વાચક સમક્ષ મૂકી છે.  પાના ફેરવતા એવું લાગશે કે એક દાદાજી વાર્તા કહેતા હોય અથવા એક પીઢ માણસ પોતાના ભૂતકાળમાં ડોક્યા કરતા જે દ્રશ્ય દેખાય તેને આલેખતા હોય, કોઈ જગ્યાએ એમની સુરતી છાટ પણ દેખાય છે ધનંજય ભાઈએ લખાણમાં સીમાનો ક્યારેય અતિક્રમ નથી અભિવ્યક્તિ છે.પણ અતિશયોક્તિ ક્યાંય દેખાતી નથી.પ્રમાણિકતાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.એક નાનકડા ગામડાથી શરુ થયેલી એમની જિંદગીની સફર આજે અહી સુધી પહોંચી છે. જેનું ખુબ સુંદર વર્ણન આલેખતા સુરતી આપણને ભૂતકાળમાં એવા ખેચી જાય છે કે પછી શું થયું એમ મન નાના બાળકની જેમ બોલી ઉઠતા આગળના પ્રકરણ આપો આપો વાંચે છે. ક્યાય દેશી ઉચ્ચારો, તો ક્યાંક સુરતી શબ્દો તો વળી ક્યાંક એંગ્રેજી શબ્દોનો પ્રયોગ ધનંજય ભાઈના વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે. ખુબ ભણેલી વ્યક્તિ પણ પોતાની જ માતૃભાષામાં સૌથી શ્રેઠ અભિવ્યક્તિ કરી શકે છે વાત અહી અજાણતા જ પુરવાર થાય છે.અને માટે જ પુસ્તક નું મથાળું ખુબ યોગ્ય લાગે છે. તેમની વર્ણન શક્તિની દાદ આપતા કહી શકાય કે દ્રશ્ય ભલે શબ્દોમાં વર્ણવ્યા  હોય પણ વાંચતા આંખ સમક્ષ નિહાળી શકાય છે.નવી પેઢીને કદાચ ખબર ન હોય તેવા શબ્દો (બાવડી,બંબો,કને લાઈટની જગ્યાએ દીવા) તેમની જીજ્ઞાશા વધારશે એમાં કોઈ શક નથી ગીઝરની જગ્યાએ પાણી બમ્બામાં ગરમ થાય એ વાત આવતી પેઢી માટે કુતુહુલતા ઉપજાવશે એમની આ આત્મકથા અપરિચિત માટે જ નહીં, પરંતુ એમના જીવન સાથે સાથે સંકળાયેલા સૌ મિત્રો અને સ્વજન માટે છે,જે સમગ્ર મનહ્રદયથી એમની સાથે ખૂબ ઊંડાણથી જોડાયા છે. જૂની નવી પેઢીના સંબંધો ને પોતાના જીવનના પ્રસંગો દ્વારા સરસ આલેખ્યા છે,પરિક્ષાના વર્ગમાં પિતાથી દુર હોવા છતાં પિતાના મૃત્યુનો અહેસાસ થાય છે ત્યારે પિતા અને પુત્રના ન ઉચારેલા પ્રેમની સંવેદના પણ જગાડે છે, એમના જીવનમાં  ઘણું બન્યું છે જે કોઈના જીવનમાં નથી બન્યું,એમની આત્મકથા કદાચ સેન્સેશનલ નહીં, પરંતુ સેન્સિટિવ જરૂર છે. વાંચવાનું શરુ કરો તે પહેલા જરૂર કહીશ કે સહજતાથી નીકળતી વાણી જેવી અને વાતચીતની ભાષામાં લખેલી આ ડાયરી -આત્મકથા એક પીઠ લેખકની બરોબરી કરે છે.

પ્રજ્ઞા દાદભાવાળા

ડાયરીનું પાનું -૨-ધનંજય સુરતી

દ્રશ્ય 2-મારા પિતાશ્રી

મારા પિતાનું નામ ધીરજલાલ હતું. દેખાવ માં સુકલકડી હતા તેઓ મુંબઈની સીડનામ કોલેજમાં થી બી.કોમ. સન. 929/30 માં થયા હતા તે જમાનામાં આખી મુંબઈ પ્રેસિડેન્સીમાં. ફક્ત એકજ કોમર્સ કોલેજ હતી. પ્રેસીડન્સી નો એરિયા સૌરાષ્ટ્રથી મુંબઈ સુધીનો હતો.તે વખતે લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા લેવાતી. વધારે છોકરા મૌખિકમાં નપાસ થતા. તે જમાનામાં 25 TO 30 છોકરા દર વરસે પાસ થતા.

અમો અમારા પિતાને મોટાઈ કહેતા. તે સુકલકડી ને એકવડા બધાના હતા. ગુસ્સો બહુ હતો. અમારામાંથી કોઈ ભાઈ કે બહેન તેમની પાસે જતા નહિ. બધો વહેવાર બા મારફત થતો. બી કોમ થયા પછી તેઓની પહેલી નોકરી ભરૂચ મ્યુનીસીપાલીટીના Accountant તરીકે હતી. પગાર રૂ 48.50 પૈસા હતો પણ પગાર જોત જોતા માં વધી ગયો. ઓફિસે થ્રી પીસ સૂટ ને ટાઈ પહેરી હમેશાં જતા. ઘણું ખરું ઘોડાગાડીમાં ઓફિસે જતા. છુટા કોલર પહેરતા અને માથે કાળી ટોપી પહેરતા, મોજાં રોજ બદલતા..

અમારા ઘરના રૂમાલ મોજાંથી માંડી પડદા જાજમ વગેરે છીતુ ધોબી ધોતો, બા ધોબીની ડાયરી લખતી ને હું સોફા પર બેસી જોતો. છીતું ધોબીનો હિસાબ દર મહિને થઇ જતો. બા પૈસા ચુકવતી, છીતુ દિવાળીમાં ખાવાનું પણ લઇ જતો. બક્ષિસ પણ લેતો. છીતું હમેશાં અસ્ત્રીદાર કપડા પહેરતો અને સફેદ દૂધ જેવા ધોતો, તે ધોબી કરતા વેપારી વધારે લાગતો.

મોટાઈ રોજ ઓફિસથી આવી ફ્રિલૂટસ ક્લબ માં જતા. આ ક્લબ ખાસ વકીલો, ડોક્ટરો અને અન્ય પ્રોફેશનલ લોકો માટે હતી. ત્યાં કાર્ડ ગેમ બૅડમિન્ટન ટેનિસ વગેરે રમાતું. બીજે દિવસે રજા હોઈ તો ક્લબ મોડે સુધી ચાલતી. ભૂસા ભજિયા ખવાતા અને સોડા લેમન પીવાતા બા અને હું બારીએ લાંબે સુધી ડોકાતા મોટાઈનું ખાવાનું ત્રીજા માળે લઇ જતા. સાથે સ્ટવ પણ. કારણ કે ગરમ ખાવા જોઈતું. બિચારી બા બે વાગે સુવા પામતી.  પિતાના દોસ્તારો ક્લબ બહાર પણ હતા..જેમકે મોહંમદ એટું, રતિભાઈ ભાટિયા ,બટુકભાઈ વગેરે. રતિભાઈ બહુ પૈસા પાત્ર કુટુંબમાંથી હતા. પણ જુગારની લતે કરુણ રીતે ભિખારી હાલtત માં ભરૂચમાં બજારની બાસ્ટી પર મૃત્યુ પામ્યા. બધા દોસ્તોની કોશિશ નાકામ નીવડી. કલબનું કંપાઉંડ તેલિયા મિલ કંપાઉંડ કહેવાતું. ત્યાં અમો બપોર ના ક્રિકેટ મેચ રમતા.ક્લબનું ઠેકાણું એવી જગ્યા એ હતું જ્યાં સિનેમા અને હોટેલ હતી સાંજ થી કે મોડી રાત સુધી વાતાવરણ રંગીન રહેતું. લાઈટો નો ઝગમગાટ, ફિલ્મ ગીતો વગેરે ના આકર્ષણ લીધે.

મોટાઈ તેમના કપડા સુરત કે વડોદરા સીવાડતા. ત્યારે વિદેશી કપડું મળતું. મોટાઈની પારર્કર પેન તેમજ હાથી દાંતના બટન એ જીવ્યા ત્યાં સુધી વાપર્યા. તેમની અમોને કડક સૂચના હતી કે તેમની વસ્તુને કોઈ અડકે નહિ કે લે નહી. તેમણે એકધારા 14 વર્ષ ભરૂચ પાલિકાની સેવા બજાવી હતી. જ્યારે Chief Officer ની નિમણૂક કરવાની હતી ત્યારે પૉલિટિક્સ રમાયું. મોટાઇ એક વોટથી પરાજિત થયા હતા. એક મેમ્બર ફરી ગયો. તે દિવસે ઘરમાં બહુ જ અશાંતિ હતી. મોટાઈ બહુ ડિસ્ટર્બ હતા. જે કોઈ છોકરાઓ વચ્ચે આવે તે ઝુડાઈ જવાની શક્યતા હતી. બા પણ ઉદાસ હતી. દાદાજી સ્થિતપ્રજ્ઞ હતા અને પ્રોત્સાહન આપતા કે એનાથી સારી નોકરી મળશે. મારાથી નાનો મનુભાઈ તો નેતરના મુંડા અંદર ભરાઈ ગયો હતો. મોટાઈ તે દિવસથી લાંબી રજા ઉપર ઉતરી ગયા.તેમનું મન કોઈ હિસાબે પાછા નોકરી પર જવા તૈયાર ન હતું. કારણ તેમની લાંબી સેવાની કદર, લાયકાત, નિપુણતા તથા નિષ્ઠા છતાં ના થઇ. આવું થાય ત્યારે કોઈ પણ માણસ નાસીપાસ થઇ જાય.  પણ ચાલીસીમાં પેઠેલા માણસ માટે બીજી નોકરી શોધવી તે પણ છ બાળકો સાથે તે બહુ કપરું કામ હતું. છતાં પ્રયત્ન ચાલુ હતા. એક દિવસ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા માં જાહેર ખબર આવી chief Accountant and secretary ની જગ્યા માટે અને તે પણ પાર્લે અંધેરી મ્યુનિસિપાલિટી માટે. તેમાં એપ્લાય કર્યું અને ઈશ્વર કૃપાથી જ્ઞાતિ બંધુ બાબુભાઈ નાણાવટી સાઈકલના વેપારી ની ઓળખાણ કામ આવી ગઈ. મોટાઈની નિમણૂક થઇ ગઈ અને ફેમિલી તેમજ તેમના માટે નવી દિશા ખુલી ગઈ. તે વખતે ઈશ્વરની પ્રતીતિ થઇ. મોટાઈ એ ભરૂચ મ્યુનિસિપાલિટીમાંથી રાજીનામું આપી અંધેરી માં જોડાઈ  ગયા. તેમના શરીરમાં નવું જોમ આવ્યું. તેઓએ પાર્લા રહેવા માટે સિલેક્ટ કર્યું.

મોટાઈ પહેલા ભટવાડીમાં રમણભાઈ સાથે રહેતા. રમણભાઈ આજીવન ફુવારા હતા. ત્યાં કામ કરવા ઘાટી હતો. જમવા નું લોકમાન્ય ક્લબ માં હતું. ક્લબ પાર્લા સ્ટેશન સામે હતી. જગાની શોધ ચાલુ જ હતી. તેવામાં રમૂજી કોન્ટ્રકટરે એક રૂમ પાર્લા પોતાના મકાનમાં આપી અને જણાવ્યું કે ઉપરનો માલ (માળ)ફેમિલી આવતા સુધી તૈયાર થઇ જશે અને તેમના બંધાતા બંગલાના માં એક ફલેટ આપશે. રૂમમાં જરૂરી ફર્નિચર તરીકે એક લોખંડનો ખાટલો બે ખુરશી તથા ટિપાઈ વસાવી લીધા. જમવાનું લોકમાન્ય ક્લબમાં રાખ્યું. લોકમાન્ય ક્લબ પાર્લા સ્ટેશન ની સામે હતી. રૂમ મળ્યા પછી ભટવાડીથી મૂવ થઇ ગયા.પાર્લામાં નજીક રહેતા અંકલેશ્વર નિવાસી ઇન્દુબેન સાજે માંદે મદદ કરતા,તે સમયે અમો સર્વે ભરૂચની સ્કૂલમાં ભણતા હું તે વખતે 6TH માં હતો અને થોડાક સમયમાં મેટ્રિકમાં જવાનો હતો. મનુ તથા મહેશ પાયનિઅર સ્કૂલમાં હતા અને નાના નાવા દેહરા ને મોટાભાઈ પીટીટ સ્કૂલમાં હતા. મોટાઇ બે વર્ષમાં નોકરી માં સ્થાઈ થઇ ગયા. તેમના અને બા વચ્ચે પત્રો લખાતા અને સૂચનાઓ અપાતી. ક્યારેક મોટાઈ આવી બધું જોઈ જતા. ભરૂચથી સરસામાન સાથે કુટુંબને મુંબઈ લઇ જવાનો પ્લાન થઇ રહ્યો હતો. જો કે આ બે વર્ષ અમો છોકરાઓને સ્વતંત્રતા મળી હતી.કોઈ ધાક કે દમ દાટી નહિ. જીવન હળવું લાગતું. પરિણામ આવતા હું મેટ્રિક માં આવી ગયો. બાકી બધા એક એક વર્ષ આગળ વધ્યા. મારે આગળા વર્ષે કોલેજ જવાનું. તે માટે હું મુંબઈ જવાની તક શોધતો અને તક મળી ગઈ. હું ચંપા ફોઈ સાથે મુંબઈ આવી ગયો. શનિ રવિ હું મોટાઈ સાથે રહેવા જતો. બસ માં ફરતા ફરતા જેટલી કોલેજ જોવાઈ તેટલી જોઈ. …..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ડાયરીના પાનું -૧-ધનંજય સુરતી

દ્રશ્ય 1-દાદાનો પરિવાર

મારા દાદા નરોત્તમ દાસ ત્રિભોવનદાસ વ્યવસાયે વકીલ હતા સુધારક તેમજ ખાદી ધારી હતા. મહાત્મા ગાંધી ના વિચારને અનુંસરવા વાળા. યાદ છે ત્યાં સુધી, તેમના પિતાની નાની દુકાન હતી. દાદાએ દૂકાને બેસવાની ના પાડી તે બહુ વિરુદ્ધમાં હતા દાદા નરોતમદાસ ને કેટલા વર્ષાનાં મૂકીને, તેમના બા તથા બાપુજી ગુજરી ગયા તે તો માલમ નથી. પણ દાદા તેમની માની ફોઈ સાથે રહેતા. મારા દાદી મંગળા ને તો મેં જોયા નથી પણ માલમ પડ્યું કે મારા ફોઈ મટુબેન ના લગ્ન પહેલા તે ગુજરી ગયા હતા. મંગલા બહેન કાચો સંસાર મૂકી ગુજરી ગયા હતા. તે ગુજરી ગયા ત્યારે મારા ચંપા ફોઈ ચાર વર્ષ ના હતા. અને કાન્તા ફોઈ તેમના થી મોટા હતા. મંગલા દાદી ગુજરી ગયા પછી બે ત્રણ મહિના માં ચંપાબેનથી નાની દિકરી પણ ગુજરી ગઈ. મારા મટુ ફોઈ તેમના છોકરા વિનાયક ને એક દોઢ વરસ નો મૂકી ગુજરી ગયા.

બંને ફોઈઓ નાની હતી તેથી દાદાને અમારા વતન ભરૂચ માં રતન તળાવ પાસે મોતીલાલ ની વીશી માંથી ટીફીન મંગાવો પડતો. વીશી નો બ્રામણ અબોટિયું પહેરી ચંપલ વગર ટીફીન મૂકી જતો. તે જમાનામાં મહિને રૂ સાત વીશી વાળા લેતા. મારા દાદા ના ચાર ઘર ભરૂચ માં હતા. શેઠ ફળિયા માં મંદિર પાસે,ચકલા માં,હાજીખાના બજારમાં જગા શેઠ ને ટેકરે. આપણી બાજુનું. આપણે રહેતા હતા તે મકાન પાંચમું. તેમાંના ચારે મકાન તેમની વિપત્તિ માં વેચવા પડ્યા. મકાન ગયાં ને થાપણ વ્યાજે મૂકેલી તે પારસી એ દેવાળું કાઢ્યું એટલે તે પણ ગયા પણ હિમ્મત હારે તે નરોતમદાસ નહિ.દાદાના એકના એક પુત્ર ધિરજલાલ ઈન્ટર કોમર્સે માં હતા ત્યારે તેમના લગ્ન થઈ ગયા હતા. તેઓ ઈન્ટર કોમર્સ મા નપાસ થયાં ને ગંભીર બિમારી માં પટકાઈ ગયા. તેમને ન્યુમોનિયા થઈ ગયો હતો. ચાર ડોક્ટર ની જયુરી બેસાડી હતી દાક્તર હોશિયાર હતા. બીજે દિવસે ડૉક્ટરો એ ખુશી ના સમાચાર આપ્યા હતા. અમોને જોઈ દાદા ખુબજ મન મૂકીને નાચતા ત્યારે હું પૂછતો કેમ નાચો છો? ત્યારે કહેતા કે તારા બાપુને ભોંય નાંખ્યાં હતા અને આજે તેનો હર્યો ભર્યો સંસાર જોઈ નાચું નહિ તો શું કરું ? સારા થયા પછી બાપુએ ભણવા ની નામરજી બતાવી. પણ દાદાજી તેમને લઇ મુંબઈ ગયા અને આપણા લાડ વાણિયા હિરાલાલ લલ્લુભાઈ કાજી જે સિડનામ કોલેજમાં પ્રોફેસર હતા તેમને સોંપી આવ્યા હતા. અને કહ્યું હતું કે મારો દિકરો હવે નપાસ ન થવો જોઈએ અને ખરેખર મારા પિતા ધિરજલાલ તેમના માર્ગદર્શન હેઠળ બી.કોમ. થઇ ગયા, તે જમાનામાં ફક્ત 25 છોકરા આખી મુંબઈ પ્રેસીડન્સી માં પાસ થતા. તે પાસ તો થયા, પણ વર્લ્ડ રીસેશન ને લીધે નોકરી મળવી મુશ્કેલ હતી. એક વર્ષના અથાગ પ્રયત્નો પછી પિતાને ભરૂચ મુય્નીસીપલ ઓફિસ મા રૂ 48.50 ની અકોઉંટંટની નોકરી મળી. તે જમાનામાં રૂ 7 અને રૂ. ૧0 જેવાં પગાર ના ધોરણ હતા પણ ઘર આરામ થી ચાલતા જીવન અસહ્ય નહોતું.

મારા પિતાનાં લગ્ન થયા ત્યારે મારી બા ની ઉમર. ૩૦ વર્ષની હતી. તેઓ ફાઇનલ પાસ હતા. તે જમાના માં છોકરીઓ નુ ફાઇનલ પાસ થવું આજના ગ્રેજ્યુએટ જેવું હતું. બા તે જમાનામાં સ્કૂલે ફ્રૉક બૂટ મોજાં પહેરી અપટુડેટ જતા. તેઓ કોંગ્રેસ મા વોલનટીઅર હતા અને સત્યાગ્રહ ની ચળવળ માં ભાગ લેતા. તેમના પિયર પક્ષે તેમના પિતા ક્રીસ્નાવલ્લભદાસ અને માતુશ્રી તારા બહેન તથા તેમની ચાર બહેન ચંપા ,લલીતા ,શાન્તા તથા સરોજ હતી અને બે ભાઈ કાન્તુ અને જયંતિ જયંતિને કીકો કહેતા. અપરિણીત ચુનીલાલ કાકા પણ હતા. આમ તેમનો હર્યોભર્યો પરિવાર હતો.

દાદા ક્રીશનાવાલ્લભ નાતના શેઠની પેઢી માં હેડ મુનીમ હતા. તે ઉપરાંત સવારના સિઝન પ્રમાણે વેપાર કરતા. મસાલા,કેરીઓ તથા અનાજ મા સારા પૈસા કમાતા. શેઠ ફળિયામાં તેમનું ઘર પૈસાવાળું કહેવાતું. ક્રીશનાવલ્લભ દાદાએ કાન્તુભાઈ ને દાણા ની દુકાન કરી આપી હતી કાન્તિભાઈ એ તુંવેરની દાળ પાડવાની મિલ નાખી હતી. ચણા ની પવાલી, ખજૂરનો ટોપલો,મમરા ની ગુણ વગેરે ખાવાનું મોસાળ માં હમેશ રહેતું. હું તો બાળપણ માં લગભગ ત્યાં રેહતો.જયંતી મામાની માયા સારી હતી,તઓ મને અભ્યાસમાં મદદ કરતા.મોસાળમાં ઘોડાગાડી હતી. અમોને મામા સવારના ઘોડેસવારી કરવા લઇ જતા. તથા ગાડીમાં ફેરવતા. કન્તુંમામા અગિયાર વાગે જમી પરવારી તેમની ગાડીમાં દુકાને જતા. ગાડી વાન મહમદ તેમને લઈ જતો. દાદા ક્રીશનાવલ્લભ ખભે રૂપિયાની થેલી મૂકી બજાર વચ્ચેથી ચાલ્યા જતા. દુકાન ખાસ્સી દૂર હતી મારા દાદાના પરિવારમાં મારા પિતા તેમજ ત્રણ બહેનો હતી.કાન્તા,ચંપા અને મટુ.

કાન્તા ના લગ્ન માટે નાતમાં યોગ્ય મુરતિયો જડતા નહિ. તેવામાં જંબુસરના શાંતિલાલ કાલીદાસ માસ્ટર જેઓં બીજવર હતા અને ઉમર વર્ષ 28 હતી ને અંડર ગ્રેજુએટ હતા. તેઓ સર પરસોતમદાસ ના મુંબઈ ખાતે સેક્રેટરી હતા. તેમની સાથે કાન્તા ફોઈ ના લગ્ન કર્યા. તે સમયે કાન્તા ફોઈની ઉમર અઢાર વર્ષની હતી. નાત બહાર લગ્ન કરવાના હોવાથી ભરૂચ માં થાય તેમ ન હતું.કારણકે નાતવાળા કદાચ તોફાન કરે. વાણિયાએ તો બન્ને પક્ષ પણ પેટા અલગ હતા.લગ્ન માટે વિલે પાર્લે નક્કી કરવામાં આવ્યું હતું સ્થળ મોર બંગલો હતું અત્યારે ત્યાં શોપિંગ સેન્ટર અને રહેઠાણ છે. તે વખતે મોર બંગલો અંધારીયો હતો ઇલેક્ટ્રિક લાઈટો નહોતી. રાત ત્યાં રહેવાય તેમ ના હતું. વિછુ અને સાપનો ભય રહેતો. હાલમાં ત્યાં મારો સ્થાપિત લાડ મૅરેજ બ્યુરો ચાલે છે.

ચંપા ફોઈ ના લગ્ન સન. 935માં મધુસૂદન પાલેજવાળા સાથે થયા હતા. આ કુટુંબ લાડ વણિક હતું. અને આપણા ફળિયામાં પગથિયાં નીચે તેમનું ઘર હતું. તેઓની તેલીબિયાં ને એરંડાના ફોરવર્ડ બિઝનેસ ની પેઢી હતી તેમના ભાગીદાર વાડીલાલની પેઢી પાલેજમાં હતી. રહેવાનું પણ અસલ પાલેજમાં હતું. તેઓ ચાર ભાઈઓ હતા. જગમોહનદાસ ,વિઠલદાસ ,જયંતીભાઈ અને મધુસૂદન. વખત જતાં એમણે મુંબઈ માં પણ પેઢી નાખી હતી. બધાજ ભાઈ તેમજ તેમના પરિવાર પેઢી માં કામ કરતા. અમો નાના હતા ત્યારે જીદ કરી ફોઈ સાથે રહેવા પાલેજ જતા. ત્યાં છાપરે બેસી ટ્રેન જોવાની મઝા આવતી. નીચે રહેતા કંદોઈ સાથે મારા ભાઈ મનુ ને બહુ ફાવતું, તેનું નામ નરભો હતું તે તેની નીચે આવેલી દુકાનમાં થી ગરમ જલેબી અને ફાફડા લાવતો જે અમો ઉપર બેસી ખાતા. અમો ફોઈ સાથે ડાકોર ઘણી વખત જતા. ત્યાં ક્યારેક પંડા ને ઘેર ઊતરતા ક્યારેક ધર્મ શાળામાં રહેતા. ડાકોરમાં હંમેશા મેળા જેવું લાગતું. ગોમતી પર કાચબાને ફાંફાં ખવડાવતા.

મટુબેન મારા દાદાની ત્રીજી દિકરી હતી. મેં તો તેમને કદી જોયા નહોતા. કદાચ હું બહુ નાનો હોઈશ ત્યારે ગુજરી ગયા હશે. તેમના પતિ એ મારા ફુવા જયંતિલાલ. તેમની હાજીખાના બજારમાં કાપડ ની દુકાન હતી. અમો મોસાળ જતા આવતા ત્યારે અચૂક અમને બોલાવતાં. દુકાન ખાસ ચાલતી નહી પણ બાપ દાદાની શરાફી ની આવક માં જીવન ગાડી ચાલતી. મટુબેન વિનાયક ના જન્મ પછી ગુજરી ગયા. જયંતીલાલ ફુવા નું ઘર કાળી કન્યા શાળા પાસે નવા દેહેરા મા હતું. જયંતીલાલે ચાર વાર લગ્ન કર્યા હતા. બીજા લગ્નનો થી પણ સંતતી હતી. પણ કેટલી તે મને ખબર નથી. તેમનો એક છોકરો ભદો, સ્કૂલમાં મારી સાથે ભણતો. વિનાયક નું હુલામણું નામ બાબુભાઈ હતું. તેઓ ઘણા હોશિયાર હતા. તેઓ ફક્ત. 9 વર્ષે બી. ઈ. (સીવીલ ) થઇ ગયા હતા. તે લોનાવાલા સ્ટેટ ના મહારાજા ના એન્જિનિયર હતા. તેમના લગ્ન જ્ઞાતિની છોકરી મંજુલા સાથે થયા હતા. મંજુલા સંબંધે મારા ભાભી થતા હતા. તે જમાનામાં મેટ્રિક પાસ હતા. તે મહિલાઓ માટે બહુ કહેવાતું. એ અમારા ઘરે જમવા આવતા ત્યારે ફળીયાની સ્ત્રીઓ બારીએ ડોકાઇ કુતુહલ થી જોતી.બાબુભાઈ આગળ જતા p. w D માં Executive ENG તરીકે જોડાયા હતા. કેટલાક વર્ષ નોકરી કર્યા પછી પોતાનો ધંધો અમદાવાદ ખાતે શરુ કર્યો હતો. અમદાવાદ પાલડીમાં ત્રણ મોટા મકાન બાંધ્યાં હતા અને તેનું નામ પુસ્પાન્જંલી ફ્લેટ્સ આપ્યું હતું. તેમના ભાગીદારે દગો કર્યો ને તેમણે મૂડી ગુમાવી. પછી તેવો હાઈ બ્લડ પ્રેસર ના દર્દી થયા. અને 65 કે 70 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યાં. હું 1997માં જ્યારે ઇન્ડિયા ગયો હતો ત્યારે તેમને મળ્યો હતો. તેમનો એક છોકરો નામે મુકેશ જે એપીલેપસી થી બીમાર હતો તે પણ ગુજરી ગયો. તેના પછી મંજુલા ભાભી પણ ગુજરી ગયા. તેમના છેલ્લા દિવસો કષ્ટદાયક હતા જ્યારે જ્યારે હું ઇન્ડિયા જતો ત્યારે તેમને મળવા અચૂક જતો.

અમારા દાદાના ભાઈ ચુનીલાલ, હજામ શેરી માં રહેતા. અમો મોસાળ જતા ત્યારે તેમનું ઘર વચ્ચે પડતું. ઓટલે બેઠા હોઈ તો મૂડી હલાવે પણ અંદર આવવા ક્યારે પણ ના કહે.અમો વર્ષમાં એક વાર નાગ પાંચમ ની ખીચડી ખાવા જતા. પણ બધું બહુજ લીમીટમાં. તેઓ સ્વભાવે કંજૂસ હતા. કાકી દાદાજીના ઘર માં થી બધા ઘરેણાં કપડાની ડોલ માં મૂકી લઇ ગયા પણ દાદાને ખ્યાલ ના રહ્યો. ચુનીલાલને ત્રણ સંતાન હતા. બે છોકરા અને એક છોકરી.. તેમના છોકેરાઓ ઝાઝું ભણ્યા ન હતા. પણ ચુનીલાલ બીજા વિશ્વ યુદ્ધ દરમિઆન તેજીમાં સારું કમાયા. તેમની નોકરી પણ લોખંડ ના વોરા વેપારીને ત્યાં ચાલુ હતી. મારા દાદા ના બે Life Size ફોટો અમારા દિવાન ખાનામાં હતા. ફોટા રૂઆબદાર હતા. વકીલ ના પોશાક માં કાળો કોટ સફેદ પેન્ટ અને માથે લાલ ઝરીની પાઘડી અને આખે ચશ્માં પહેરતા. અમારો પરિવાર જ્યારે અમેરિકા કાયમ માટે આવ્યો ત્યારે ઘર ભાડૂતને પાણીના મૂળે વેચાણ આપી દીધું હતું. ઘર ખોવાનો બહુ રંજ હતો પણ કોઈ ઈલાજ નહોતો. તેમાં ઘણી ઘરવખરી જુના સમાન વાળા લઇ ગયા હતા. તેમાં ઘણા LIFE SIZE ફોટો પણ જતા રહ્યા.

મારા દાદા સ્વભાવે ઉગ્ર હતા પણ અંદરથી પ્રેમાળ હતા. તેમની હજામત કરવા હજામ ઘરે આવતો. ક્યારેક ભૂલથી કપાઈ જાય તો હજામની ખેર ના રહેતી અને અડધી દાઢી પડતી મૂકી નાસી જતો. તેની પેટી ત્યાં જ રહી જતી. વીશી વાળો મહારાજ ટીફીન મૂકવા જતા ડરતો. એક વખત ઘરમાં બંબામાં પાણી ઊમેરવાનું રહી ગયું અને દેવતા ઠરી ગયો. તે સમયે તે નહાવા આવ્યા અને પરિસ્થિતિ જોઈ ગુસ્સે થયા અને બમ્બો ઉપાડી શેરી માં ફેંકી દીધો. એ બહુ ગુસ્સે થતા ત્યારે ત્રાડ પાડતા અને સ્ત્રીઓ અંદર અંદર કહેતી વકીલ ગાજ્યા. સવારે જમી પરવારી. ..30 વાગે કોર્ટમાં જવા નીકળતા પણ ગાય ના શુકન ના થાય ત્યાં સુધી આંગણું છોડતા નહિ, ભૂલે ચૂકે બકરી કે ગધેડો વચ્ચે આવ્યો તો છુટ્ટી છત્રી મારતાં, પણ અમારી તો ઢાલ બની રેહતા.તેઓ સેવા કરતા, નાહ્યા પછી સેવા પૂજા પુરી થાય ત્યાં સુધી કોઈને અડકતા નહિ. સેવામાં કઈ વાકું પડ્યું તો ભગવાન ને પણ શિક્ષા કરતાં. એક વખત ભગવાન સિંહાસન પર બેસતા નહિ ,અથાગ પ્રયત્ન છતાં બેઠા નહિ તો ઝાંપી માં બધા ભગવાન મૂકી બારી માં થી શેરી માં નાખી દીધા. ભગવાનના વાઘા ,શણગાર તથા સેવાની સામગ્રી શેરીમાં વિખરાઈ ગયા સેવાની ઝાંપી પડી ત્યારે છોકરાઓએ શેરી માં રમતાં હતા. નસીબ જોગે કોઈને કાઈ ઈજા થઇ નહિ. બૂમ પડવાની સાથે જ છોકરાઓ ચેદાં વાયસલ મૂકી ભાગી ગયા. બીક માં ત્યાં તે દિવસે કોઈ રમ્યું નહિ. દાદા નીડર હતા. તેઓ ભરૂચ જ્ઞાતિમાં પહેલા જ વકીલ થયા હતા. તેમજ મારા પિતા પહેલા બી.કોમ. હતા અને હું પહેલો જ CA હતો. દાદાએ કાન્તા ફોઈ ના લગ્ન બીજી જ્ઞાતિમાં કર્યા હોવાથી તેમની સામે પગલાં લેવા જ્ઞાતિએ પંચ બોલાવ્યું હતું. પંચે દાદાને હાજર રેહવા નોટિસ બજાવી હતી. તે સમયે જ્ઞાતિની વાડી માં ડંડા ઉછળ્યા હતા. તેમને જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યા હતા અને રૂ 5. નો દંડ કર્યો હતો. જે દાદાએ ભરવાની ચોખ્ખી ના પાડી અને જ્ઞાતિમાં પાછા આવવાની પણ ના પાડી.

દાદા ની બન્ને દીકરીઓ સુખી હતી, પણ થોડા સમયને આંતરે બન્ને ના પતિને જીવ લેણ બિમારી લાગુ પડી. ખ્યાલ છે તે પ્રમાણે એકને T.B હતો ને બીજાને ભગંદર. શાન્તીલાલને મુંબઈની હરકિસન હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. સર પુરશોત્તામદાસ જાતે ત્યાં ખબર કાઢવા જતા. પ્રખ્યાત ડોક્ટર શાંતિલાલ ને સર પી. ટી એ સૂચના આપી હતી કે શાંતિભાઈ ની કાળજી બરાબર લહેજો પૈસા ની ફિકર કરતા નહિ. તેમને જલ્દી હરતા ફરતા કરી દો. ફુવાને સારવારથી ઠીક થયા પછી દેવલાલી હવા ફેર માટે લઈ ગયા હતા. દાદાજી પણ ત્યાં રહ્યા હતા.મધુસુદન ફુવાને ડો કૂક ની હોસ્પિટલમાં સારવાર આપી હતી. અને સારા થયા પછી મેરઠ સૅનેટોરિયમ હવા ફેર માટે લઈ ગયા હતા. ત્યારે દાદાજી પણ ત્યાં રહ્યા હતા. શાંતિલાલ આજીવન સર પી. ટી. ની સેવા કરી મોટી ઉંમરે રિટાયર્ડ થયા હતા. તેમનો દિકરો CA થયા પછી અમેરિકા જતો રહ્યો અને નાનો દિકરો તથા મોટી છોકરી લતા પણ અમેરિકા જતા રહ્યા હતા. નરોત્તમ દાસ ના દીકરા દીકરી અને તેમના પરિવાર આજે અમેરિકા ખાતે સ્થાયી છે અને સુખી છે. મને યાદ છે કે ભરૂચ માં મારા દાદા ગોળગોળ ફરતા અને અમોને કહેતા તારી મોટર માં બેસાડશે ?તે દિવસ ઇન્ડિયા માં તો આવ્યો જ નહિ અને અમેરિકામાં આવ્યો ત્યારે દાદા ના રહ્યા. મેં કુટુંબમાં બહુતીક દરેકને અમેરિકા જતાં પહેલા DRIVING ટ્રેનિંગ અપાવી હતી. ફક્ત મને શીખવવાનો સમય ના મળ્યો તેમજ જરૂર ના લાગી. ને ઉમર વહી ગયી આજે તે વાતનો અફસોસ રહી ગયો.

દાદાજી વકીલાત કરતા ત્યારે હું નાનો હતો અને સ્કૂલ માં ભણતો. સવારે રોજ નાહી ધોઈ વિષ્ણુની પૂજા કરતો. વિષ્ણુનો સરસ ફોટો કબાટ માં મઢેલો હતો. કબાટ અમારા ઘરના દરવાજામાં પેસતા ડાબી બાજુ હતું. જ્યારે હું પૂજા માં મગ્ન હોઉં ત્યારે ગામડાના અસીલો એક પછી એક આવતા અને જોડા ભગવાન સમક્ષ ઊતરતાં જે મારે બાજુ પર કરી પૂજા પુરી કરવી પડતી, પૂજાપાઠ કરી દિવાનખાના માં સોફા પર બેસતો. મને દાદા તથા અસીલ ની વાતો સાંભળવી બહુ ગમતી. દાદાજી ફક્ત ગંજી ને ધોતિયું પહેરી બેસતા. દીવાન ખંડ સુંદર હતો. મોઝેક ની લાદી પ્રતિબિંબ  પાડે તેવી હતી. પોલીસ નો હિચંકો હતો. સળિયા પીતલ ના હતા. સોના જેવા ચળકાટ વાળા. હીચકા પર ગોળ તકીઓ હતો અને પોચી ગાદી રહેતી. બારીઓ પર લાલ મલમલ ના પડદા હતા. અહી થી દાદા ના રૂમમાં જવાતું. બારણે ફૂલ સાઈઝ ખાદી નો પ્રિન્ટેડ પડદો હતો. જે પવન થી ઝૂલતો. દાદાજી ની આરામ ખુરસી ખરેખર અરામદાઈ હતી. નેતર ના મુંડા ચાર હતા. એક પર દાદા બેસતા બાકીની અસીલો માટે હતી.  દીવાલને અડીને લાકડાની પાંચ ખુરસી હતી. સામેની દીવાલને અડીને મોટું કાળુ ટેબલ હતું જેના પર તેમની બ્રીફો રહેતી. એક સુંદર દરાખની વેલ વાળો લેમ્પ હતો તદ ઉપરાંત એક હેગિંગ મોટી ગોળ લાઈટ હતી સામેની દિવાલ પર જુનું ઘડિયાળ હતું. સામ સામે દિવાલ પર બેસાડેલા લાકડા ના પોલીસ વાળા કબાટ હતા. તેમાં મોટા આયના જડેલા હતા તે જમાનામાં ટ્યૂબ લાઈટો નહોતી. આ અમારું ઘર હતું. દાદાનો બેડરૂમ સાઉ સાદો હતો. તેમાં એક લોખંડનો ખાટલો હતો ભીતમાં એક કાચ વાળું કબાટ હતું રૂમ ની ડાબી બાજુ ત્રણ લાકડાની મજુસ હતી. તેમાં વધારેના વાસણ તથા ગોદડા રેહતા. રૂમમાં લીપણ હતું તેમાં સુંદર ડીઝાઇન હતી. દિવાનખાનામાં એક પોલીસનો દાદર હતો. જે ત્રીજે માલ જતો. ત્રીજો માળ વિશાળ હતો. તેને લાગી ને અગાશી હતી. જેમાં અમો વરસાદમાં  ભીંજાતા  અને પતંગ ચગાવતા,એ ફેમિલી રૂમ હતો.

દિવાનખાનામાં ડાઈરો જામતો.સવાલ જવાબ થતા. દાદા કલમ કીત્તાથી બ્રીફ તૈયાર કરે જતા.વાતાવરણ એવું ઉગ્ર થઇ જતું કે બાકી ના અસીલો સબદ્ધ થઇ જતા. અસીલો મોટા ભાગે ગામડેથી આવનાર ફળિયા વાળા ને ચાંચિયા જોડાવાળા હતા. સાડા આઠ વાગે સરુ થયેલી મીટીંગ અગિયાર વાગે ખતમ થતી.પછી દાદા નાહી ધોઈ સેવાપૂજા તેમજ જમી પરવારી લગભગ બાર વાગે કોર્ટમાં જતા. દાદા સાડા ચાર વાગે કોર્ટમાં થી પાછા આવી જતા. આવીને ચાહ પીતાં અને નાસ્તો કરતા. પછી છાપું વાંચતા, તેઓ લાઈબ્રેરી ના ટ્રસ્ટી હતા અને ભરૂચ મ્યુનીસીપાલીટીના મેમ્બર તરીકે ચુટાયા હતા. કનૈયાલાલ માં મુનશી જેવા તેમના મિત્ર હતા. જે પાછળથી યુ.પી ના ગવર્નર નિમાયા હતા. બધા ભરૂચ કોર્ટ માં સાથે વકીલાત કરતા. ને સાંજે ગંગનાથ મહાદેવ ફરવાના ગ્રુપ ના મેમ્બર હતા.

વધુ આવતા અંકે ..

મિત્રો દર રવિવારે ઉથલાવશું  સુરતીની ડાયરીના પાના . આપના અભિપ્રાય મને ગમશે.

 

ડાયરીના પાના-વિષય પરિચય

મિત્રો ,

ડાયરીના પાના નો આ એક અલગ વિભાગ શરુ કરીએ છીએ.

હા કોઈની ડાયરીના પાના આપણે અહી મૂકશું.

ડાયરી એટલે સત્યને સાક્ષી માનીને જાતનો હિસાબ આપવાની વાત …

ડામરની ગોળીમાં યાદો ને સાચવીને રાખવાની મથામણ.

સર્જન અને સર્જક માટે સત્યને સાક્ષી રાખવું તેથી વિશેષ બીજી કોઈ કળા સંભવી ન શકે.

ડાયરી….એટલે આપણી પક્વ-અપરિપક્વ સંવેદના….પોતાને ઉઘાડા પાડવાની બારી…

લખવા માટે જીગર જોઈએ.

આપણામાંથી ઘણાને ડાયરી લખવાની આદત હશે. કોઈએ કદાચ ભૂતકાળમાં રોજનીશી લખી હશે. ઘણા લોકો રોજેરોજ નહીં પણ મરજી પડે ત્યારે, કયારેક કયારેક, ખાસ કરીને મન વધુ પડતા આનંદમાં કે  વધુ પડતા દુઃખમાં છલકાઈ રહૃાું હોય ત્યારે …તો ઘણી વાર સાવ કારણવગર,.. તો ક્યારેક  પ્રયત્નપૂર્વક લખવાનો પ્રયત્ન..ક્યારેક સારી પેનથી ચીપી ચીપીને લખેલા સારા અક્ષરો તો …ક્યારેક પ્રયત્નપૂર્વક લખેલા અક્ષરો માં વિચારોનો ગુચવાડો,…પણ ડાયરી  રંગો-તરંગોથી ભરપૂર સાવ અલગ દૂનિયામાં એ આપણને લઇ જાય…!!! ક્યારેક  ઉંમરનાં  પડાવે કેટલીક સ્મૃતિઓ પડઘાવા લાગે છે …..યાદો વાગોળતા વાગોળતા ફરી પાછા આપણે આપણા પોતાના પ્રેમમાં પડી પણ જઇએ….!!! કેટલીક યાદો લગોલગ ચાલવા લાગે છે ક્યારેક આપણા જ પાના વાંચતા અફસોસો સળવળી લે છે…….તો ક્યારેક  વસવસો  તો ક્યારેક ગૂંગળાઈ ગયેલા શબ્દોનો ડૂમો પણ ભરાઇ આવે છે …………!હું આવું જીવી તી ?..અને જીવ્યાનો આનંદ ..સુકાઈ ગયેલું ગુલાબનું ફૂલ …રહી ગયેલી ઝંખનાઓ ……તો કેટલાક કચડાઈ ગયેલી સપના  દેખાય છે..  અસ્વચ્છ હાથો થી મને કોઈ અડશો નહીં..જેવી નોથ ……અને એજ પીળા પડી ગયેલા પાના અજવાળું પાથરવા જ જીવ્યા હોય એવું લાગે……..માંડે છે….ત્યારેએ આત્મકથાનું સ્વરૂપ લઈ લે છે.

હું એવું માનું છું કે ડાયરી આપણો  ઉત્તમોત્તમ અને સૌથી વિશ્વાસુ સાથી ..આમતેમ ઘુમરાતા વિચારો કાગળ પર ઊતરે ત્યારે ઘણી બઘી માનસિક સ્પષ્ટતાઓ થઈ જતી હોય છે. ધારો કે મૂંઝવણનો ઉકેલ ન મળે તો આપણને  ગૂંચવણ છે તે તો વાત સ્પષ્ટ થઈ જ જાય છે.ડાયરી લખવી એટલે જાતને વાંચવી …!!!એ સાથે કોઈની ડાયરી ન વાંચવા દેવાની ચેષ્ટા પણ આપણે કરીએ છે તો કોઈની ડાયરી વાચવાની ઉત્સુકતા પણ સહજ સૌમાં હોય છે.

બસ તો મિત્રો આવી કોઈની ડાયરી વાંચવા મળે તો ….?

આજથી હું દર રવિવારે આવા પીળા જુના કોઈની ડાયરીના પાના મુકીશ.જે કોઈકને તો અજવાળું આપશે.

તો ચાલો આજ થી શરુ કરીએ ધનંજયભાઈ સુરતીની ડાયરીના પાના દર રવિવારે ,જો  આપ ચુકી જાવ તો “ડાયરીના પાના” શીર્ષક હેઠળ વાંચી શકશો.જેની આખી બુક થઇ ચુકી છે.

લખવાની જવાબદારી જેમ સર્જકની છે તેમ એને વાંચ્યા પછી અભિપ્રાય આપ્યાની જવાબદારી વાચકની છે. એ આપ સહુ જાણો છો.સમજુ વાચકોને અભિપ્રાય લખવાનું થોડું કહેવાનું હોય.

પ્રજ્ઞા દાદભાવાળા

‘બેઠક’ના આયોજક