જીવનની જીવંત વાત-(20)પ્રદીપ બ્રહ્મભટ્ટ

તાઃ૨૫/૧/૨૦૧૬                                             

.     સવિતાબા તમારી તબીયત કેવી છે? બધુ બરાબર છે ને.આજે દસ વષે મારી દીકરીને ત્યાં મહિનો રહેવા આવી છુ.તો તમારી સાથે વાત કરીને થોડો સમય પસાર કરુ.મારા જમાઈ ઓફીસે ગયા છે.ને મારી દીકરી તેની બે વર્ષની દીકરીને સાચવે છે. તમારે બધુ કેમનુ છે,બધુ બરાબર છે ને?  સવિતાબા આવેલ બેનની સામે જોઇ વિચારવા લાગ્યા ત્યાં કંઈ બોલે તે પહેલા જ આવેલ કુંતાબેન કહે કેમ મને ના ઓળખી હુ મારી દીકરીના લગ્ન પછી જમાઇને એક વર્ષ બાદ સારી નોકરી મળતા અહીં રહેવા આવ્યા હતા ત્યારે હુ અહીં થોડુ રહી ગઈ હતી ત્યારે તમારા દીકરાએ મદદ કરી હતી એ મને  યાદ છે.
.        સવિતાબા સામે થોડુ જોઇ પછી બોલ્યા તમારો અવાજ પહેલા સાંભળેલ છે એટલે થોડુ યાદ આવે છે અહીં ત્રીજા ધરમાં રહે છે એ જાગૃતીના તમે મમ્મી છો ને. હવે થોડુ યાદ આવે છે કારણ જીવનને કોઇ આંબી શક્તુ નથી.આજે મારી ઉંમર સીત્તેર વર્ષની થઈ એટલે યાદ શક્તિ થોડી ઓછી થઈ ગઈ છે. અને મારા વરને હજુ દુકાનમાં  નોકરી કરવી પડે છે. કેમ હજુ તમારા પતિને નોકરી કરવી પડે છે.તમારે એક દીકરો હતો ને તે અત્યારે શુ કરે છે?અહીં તમારી સાથે જ રહેતો હતો તે ક્યાં ગયો?

.        એટલામાં એક નાનો છોકરો ઘરમાંથી દોડીને આવ્યો અને બાને કહે બા હુ નિશાળ જઉ છુ.સારુ બેટા તુ ભણવા જા.અને રસોડામાં તારુ ખાવાનુ થેલીમાં મુક્યુ છે તે લઈ જ જે.હા બા હું લઈ જઈશ.એમ કહી રસોડામાં જઈ બેગ લઈ અને દફ્તર લઈ નિશાળ જવા નીકળી ગયો. કુંતાબેન એ બાળક સામે જોઇ વિચારતા હોય તેમ દેખાવા લાગ્યા. તેઓ બેઠેલ ખુરશી સવિતાબાની નજીક લાવી અને તેમને પુછવા લાગ્યા.સવિતાબા આ નાનો છોકરો કોણ છે? આંગળી ચીંધી સવિતાબા બોલ્યા આ મારા દીકરા યોગેશનો છોકરો જય છે. તે અહીં મારી સાથે જ રહી મોટો થઈ રહ્યો છે.કુંતાબેન વિચારતા હોય તેમ થોડુ અટકી ને પછી બોલ્યા તમારો એક જ દીકરો હતો અને એજ યોગેશ હતો ને. સવિતાબા કહે હા એ મારો એકજ દીકરો હતો અને દીકરી મીના પરણ્યા પછી એના સાસરે રાજકોટમાં રહે છે.તો યોગેશ ક્યાં ગયો? અને તેની વહુ ક્યાં ગઈ.માથે હાથ મુકી સવિતા બા ચુપ થઈ ગયા એટલે કુંતાબેન ચમકી ગયા. કહે બા આવુ કેમ થયું મને કાંઇ સમજાતુ નથી. કેમ કંઇ ખોટુ થયુ છે કે શું?થોડીવાર સવિતાબા  મૌન રહ્યા કંઈ બોલ્યા નહીં એટલે કુંતાબેન કહે બા કંઇ ખરાબ થયુ છે કે શુ?કે પછી યોગેશતમારી સાથે નથી રહેતો કે પછી તેને અને તેની વહુ નીતાને બહાર નોકરી મળી છે કે જેથી તમારે માથે આ જવાબદારી આવી ગઈ છે. સવિતાબા કંઇજ બોલ્યાનહીં અને ખુરશીમાંથી ઉઠ્યા અને  બોલ્યા  કુંતાબેન અત્યારે મારે હજુ ભગવાનની સેવા કરવાની છે એટલે ફરી આપણે વાત કરીશુ અત્યારે તમે જાવ એમ કહી ઘરમાં જવા ગયા એટલે કુંતાબેન કહે હું ફરી તમારા સમયે આવીશ.અત્યારે જાઉ છુ.
.      .બીજા દીવસે સવારમાં તેમની દીકરી જાગૃતી ચા બનાવી મમ્મી સેવા કરી રસોડામાં આવી  એટલે તેમને ચા આપી કહે મમ્મી શુ ખાવુ છે? ભજીયા કે રોટલી.  અને પપ્પા ઉઠી ગયા છે કે હજુ  ઉપર સેવા કરે છે. કુંતાબેન કહે ના બેટા એ તો ક્યારના ઉઠી ગયા છે અને મંદીરે જઈને પાછા આવી થોડુ એમનુ કામ કરે છે હમણાં થોડીવારમાં નીચે આવી જશે એટલે હું તેમને ચા નાસ્તો આપી દઈશ તુ તારૂ કામ પતાવીને જમાઈને મદદ કરવા ઓફીસે જા.ચીંતા ના કરતી.અને હમણાં અમે અહીંયા છીએ તો તુ તારા પતિની ઓફીસે જઈ મદદ કર તો તેને પણ કામમાં શાંન્તિ મળે.અમારી ચિંતા ના કરતી અને કિશનને પણ અમે સાચવીશુ એને સ્કુલમાં મુકી આવીશ અને તેને લઈ પણ આવીશ. આમ દીકરીને મદદ થાય અને સમય પણ પસાર થાય.
.       બેત્રણ દીવસ થયા પણ સવિતાબાએ કુંતાબેનને જોયા નહીં એટલે તેમને મનમાં જુદા જુદા વિચારો આવવા લાગ્યા એટલે રવિવારે તે તેમને મળવા સામે ચાલીને ઘેર આવ્યા.બારણુ ખખડાવ્યુ અને કુતાબેનની દીકરીએ બારણુ ખોલ્યુ સવિતાબાને જોયા એટલે તરત કહે બા આવો મમ્મી ઘરમાં જ છે. એટલે સવિતાબા કહે આ તો ત્રણચાર દીવસ થયા અને મને મળવાનાઆવ્યા એટલે મને એમ થયુ કે જતા રહ્યા કે તબીયતનો કોઇ પ્રશ્ન થયો એટલે આવ્યા નહી. જાગૃતી કહે મમ્મી બાજુવાળા સવિતાબા તમને મળવા આવ્યા છે.કુંતાબેન કહે બેટા હું નાસ્તો કરુ છુ તો તેમને કહે હું થોડીવારમાં તેમને મળવા જઊ છુ.સવિતા બા કહે સારુ બેટા હું જાઊ છુ.અને પછી પાછા ઘેર ગયા.
.        .કુંતાબેન સવિતાબાને ઘેર આવ્યા એટલે સવિતા બા તરત બોલ્યા મારી માનસિક તકલીફને કારણે તમને કંઇ કહી શકી નહીં તો મને માફ કરશો. શાંન્તીથી અહીં બેસો અને જે માનસિક તકલીફ મને મળી છે તે વાત હવે દુઃખી દીલે કહુ છુ તે સાંભળજો અને પરમાત્માને પ્રાર્થના કરજો કે મને મનની શાંન્તિ મળે તેવુ કરે.કુંતાબેન કહે સવિતાબા આપણે તો નિમિત બનીએ છીએ બાકી જીવને કર્મનુ બંધન જ ખેંચી રાખે છે.જુ ઓ તમે કે આજે આપણે અહીં ભેગા થયા છીએ ગયા જન્મની કે આવતા જન્મની આપણને કોઇ જ ખબર નથી પણ પરમાત્માને બધો જ ખ્યાલ છે.આપણે અંતરથી પ્રાર્થના કરીએ તો એ બધુ જ સંભાળી લે છે.
.      .કુંતાબેન આજે માથે પથરો મુકીને સાચી વાત કહુ છુ જે મારા જીવનમાં થયુ છે.મારા જીવનમાં મારા લગ્ન પતિ રઘુ સાથે થયા.જીવનમાં પરમાત્માએ બે સંતાન આપ્યા મારો મોટો દીકરો યોગેશ અને દીકરી મીના.મારા છોકરાના લગ્ન નીતા સાથે થયા.એ જ્યાં ભણતો હતો ત્યાં જ નીતા ભણતી હતી અને તેના પિતા સાહેબ હતા અને નસીબમાં બંધન હતા તો અમારે તેને વહુ તરીકે સ્વીકારવી પડી.બંન્ને શાંન્તિથી જીવન જીવતા હતા.મારો દીકરો એક  વકીલની ઓફીસમાં કામ કરતો હતો.અને નીતાને પણ સરકારી કચેરીમાં નોકરી મળી ગઈ.એટલે બંન્ને કમાતા હતા અને અમને પણ રાહત થઈ. લગ્ન પછી ત્રીજા વર્ષે જય નો જન્મ થયો. છોકરો સંસ્કારી જીવ હતો તે તેના વર્તનથી દેખાયુ. જ્યારે એ ચાર વર્ષનો થયો એ સમયે તેના પપ્પા નોકરીથી મોડા આવવાનુ શરૂ થયુ.એટલે એક વખત તેના પપ્પાએ તેને પુછ્યુ યોગેશ હવે તું મોડો કેમ ઘેર આવે છે? ઓફીસમાં હવે કામ વધી ગયુ કે શુ? યોગેશ કંઇ જ બોલ્યો નહીં તેની પાસે કોઇ જવાબ ન હતો.તેની રૂમમાં જતો રહ્યો.નીતા થોડી વહેલી સુઈ જતી હતી કારણ હમણાં તેને સવારે વહેલુ નોકરી પર જવાનું થયુ એટલે સવારે તે તેના સમયે નોકરી પર પહોંચી જતી કારણ સરકારી નોકરીનો હતી એટલે સમયે પહોંચવુ પડે.
.જીવનની જ્યોત ક્યારે પ્રગટે અને ક્યારે હોલવાય તે કોઇ જ સમજી શકતુ નથી.યોગેશના જીવનમાં બન્યુ એવુ કે જેનાથી તેને પરદેશનો મોહ લાગ્યો અહારથી આવેલ એક છોકરીનો સમ્બંધ થતા તેને મોહ લાગ્યો.તે જે વકીલની ઓફીસમાં કામ કરતો હતો તેના સાળાની છોકરી પ્રેમલગ્ન કરી લંડન ગઈ હતી.ત્યાં ગયા પછી થોડા સમય પછી તેને ખબર પડી કે તે જેને પરણી છે તેણે તો પહેલા બે લગ્ન કરી છુટાછેડા લીધેલ છે અને આ તેના ત્રીજા લગ્ન થયા.હવે કોઇ રસ્તો નહીં.શું કરવુ તેનો ખ્યાલ પણ ના આવે.એટલે આ વકીલે તેને કહ્યુ કે આ છોકરો પરણેલો છે પણ મહેનતુ છે અને તને લંડનમાં વાંધો નહીં આવે.એમ કરી તેની સોડમાં દાખલ કરી ગેર કાયદેસર કાગળો કરી લંડનનો મોહ લગાડ્યો એટલે યોગેશ તેની પાછળ ફરવા લાગ્યો.અને તેથી ઘેર મોડો આવવા લાગ્યો.અને ઘેર કહે મારા કામથી હુ મોડો આવુ છુ.અને બરાબર ત્રીજા મહીને નીતા જોડે ઝગડો કરી જતો રહ્યો.વકીલને ત્યાં તપાસ કરી તો ખબર પડી કે તે કોઇ લંડનથી આવેલી છોકરીને પરણી જતો રહ્યો.થોડા સમય પછી નીતા એ જાણ્યુ એટલે તે મને કહે કે મારો પતિ મારો ના રહ્યો તો હવે મારે અહીં રહેવાની ક્યાં જરૂર છે એમ કહીને જયને અહી મુકીને ત્રણ વર્ષથી જતી રહી છે હવે મારો છોકરો મારો નથી તો તેની વહુ પણ મારી ના રહીં અત્યારે અમારૂ કુળ અમારી પાસે છે એટલે અમારી જવાબદારી કે તેને મોટો થવામાં મદદ કરવી.
. આટલુ બોલી સવિતાબા ધ્રૂશ કે ધ્રુશકે રડી પડ્યા ત્યાં કુંતાબેને તેમને બાથમાં દબાવી લીધા. આ જીવનની જીવંત વાત.
. અને બરાબર પાંચ વર્ષ પછી એક રાતે યોગેશે આવી બારણુ ખખડાવ્યુ અને ઘરડા સવિતાબા પરાણે ઉઠીને આવી બારણુ ખોલ્યુ ત્યાં તેમનો ખોવાયેલ યોગેશ દેખાયો તે જ સમયે તે માના પગમાં પડી રડીને કહે છે કે મા મારૂ જીવન બગડી રહ્યુ છે મને કૃપા કરી બચાવો.મારી કુબુધ્ધીથી હુ બહાર ભાગી ગયો હવે પસ્તાયો છુ એટલે મા મને માફ કર.

જીવનની જીવંત વાત (19) દિવ્યા સોની “દિવ્યતા”

મારા મોટાભાઈ ના લગ્ન નો પ્રસંગ હતો. ઍમે સૌ દેશ વિદેશથી ઇંડિયા પહોચી ચૂક્યા હતા. લગ્નના આ પ્રસંગ ની શરુઆત મોસાળા ના ગીતો દ્વારા મામાના ઘરેથી થવાની હતી. એના મુખ્ય બે કારણ હતા. મારો મોટો ભાઇ મામા ના ઘરે રહી ભણ્યો અને મોસાળ પક્ષે પણ એ સૌથી પહેલું સંતાન હોય ખુબ વહાલો હતો. અને બીજું અગત્યનુ કારણ હતા અમારા નાનીમા અમે એમને મોટી મમ્મી ના નામે બોલવીએ. અમારા મોટી મમ્મી,  એ હુલામણુ નામ પણ એમને અમારા મોટાભાઈએ જ આપેલુ.

મોટી મમ્મી એટલે જીવતી જાગતી ઉજવણી. નાની નાની વાતો મા અમારી આ નાનીમાની મોટી મોટી આંખો ઉત્સાહથી છલકાતી. નાના મોટા સૌની ઝીણી ઝીણી વાતો નુ એવુ તો એ ધ્યાન રાખે કે એની આજુબાજુ ના સૌને પોતાની જાત એની એ આંખો મા ખુબ ખાસ લાગે. મારા ઘરે લગ્નની  તૈયારીઓ હજી બાકી હતી, પણ મોટી મમ્મી નો ઊત્સાહ અને તૈયારી એટલી હતી કે આ ગીત પહેલા મોસાળા ની વદાગરી ( વિદાયગીરી) ની નાનામા નાની વસ્તુ પણ બેગો માં પેક થઇ ગયેલી. મોટી મમ્મી નો ઉત્સાહ એટલો કે એણે સર્વે મહેમાનોને એટલા ભાવથી આમંત્રિત કર્યા હતા કે એક પણ મહેમાન આ પ્રસંગ માં ગેરહાજર રહે એ શક્યજ નહોતું. ત્યા સુધી કે અમારા એક ફોઇ તો સીધા એરપોર્ટ પરથી જ આ મોસાળા ના ગીતો માણવા આવી પહોચ્યા હતા. એમની ભાડે કરેલી કાર સાથે મોટી મમ્મી એ મોસાળા ની બધી જ વસ્તુ ઓ અમારા ઘર તરફ રવાના કરી આપી. અમે સૌ હસ્યા પણ ખરા કે મોટી મમ્મી ને બહુ ઉતાવળ લાગે છે. અને એ બોલી હા છે જ ઉતાવળ.

એ દિવસે સાંજે આ ગીતો હતા સવારે મોટી મમ્મી એ ઘરના સર્વે ને પોતાના હાથે બાસુંદિ ખવડાવી. સાંજે અલ્પાહાર ના એના પ્રખ્યાત ઢોકળા અને ચટણી રેડી રાખ્યા હતા. અમને પણ સવારથી જ ત્યા પહોચવાનુ ફરમાન હતું પણ મને ત્યા પહોચતા સાંજ ના ચાર થઇ  ગયા, જેનો અફસોસ મને જીવનભર રહેશે. મને જોઇને વળગી પડેલી એ મોટી મમ્મીની આંખો જોઇ મને મારા પોતાના પર અભિમાન આવી ગયું કોઇને હુ આટલુ બધુ ગમુ ? મારા મા કઈક તો ખાસ છે જ , હા એ વાત જુદી કે મોટી મમ્મી ના હૈયે અમે બધાજ એટલા ખાસ . થોડી જ વાર મા લગ્ન ગીતો શરુ થયા.

મોટી મમ્મી મારી સામે જ બેઠી , ગુલાબી રંગ ની સાડીમાં એ શોભી રહી હતી જે એણે મારી મમ્મી પાસે મંગાવી હતી જે એના સ્વભાવથી વિપરીત હતુ. એના ચેહરા  પર અનોખું ગુમાન તરી રહ્યુ હતુ. એનો લાડકવાયો થોડાજ દિવસો માં ઘોડી ચઢવાનો હતો. એણે માંડેલો પ્રસંગ એના ધારેલા સમયે એણે બોલાવેલા સર્વે નિમંત્રિતો સહીત, એણે જોયેલા સપના જેવો જ ઉજવાઇ રહ્યો હતો. આ બધું જોઇ ને મારું મન ધન્યતા અનુભવી રહ્યું હતું , હુ મમ્મી સામે જોઈ હસી ત્યાજ એ ખિજ્વાઇ ને બોલી જય ને કહે કે ઓમ ને લઈ ઊપર આવે . એ મારા પતિ જે મારા દિકરાને લઈ નીચે બધા સાથે વાતો કરી રહ્યા હતા એમને બોલાવવા કહી રહી હતી. ત્યાજ મારા પતિ દાદર ચઢ્યા એમને વધાવવા એ દોડી જય ને વળગી અને વાતો એ મંડી. જય સાથેની વાતો આટોપી મોટી મમ્મી ફરી ગીતો ની રમઝટ મા આવી પહોંચી એણે પણ એક સુંદર ગીત ગવડાવ્યુ. શું એનો અવાજ શું એનો આનંદ બધુ શબ્દોમાં સમજાવવુ અશક્ય જેવુ લાગી રહ્યું છે મને . એ અનુભૂતિ જ દિવ્ય હતી .

થોડીવાર માં મારો દિકરો દોડ્તો મારા ખોળા મા આવી ચડ્યો ને પરદાદી ને હૈયે આનંદની જાણે હેલી ઉમટી. દરરોજ ની જેમજ એમણે મારા દિકરાને પ્રેમથી બોલાવ્યો “ આવો આવો ઑમ આવો આવો ! “ ને બસ તેજ ક્ષણે તેઓ ઢળી પડ્યા આનંદથી પરમાનંદ ની ગોદમાં !

તારી ખુશી સામે જાન ધરી દઈશ બધાએ સાંભળ્યું હશે. અમે તે અનુભવ્યુ. હજી ઘણા મહેમાનો લગ્ન ગીત માં સામેલ થવા હળવી મજાક કરતા દાદરો ચઢી રહ્યા હતા. અમારા બધા માટે આ વાત પચાવવી ખુબ મુશ્કેલ હતી અને હજીય છે. અમે સૌ આખી રાત એજ સાજ શણગાર સાથે એ જીવંત આત્માના પર્થિવ શરીર પાસે દિગ્મૂઢ બેસી રહ્યા , બસ એજ વિચારતા કે શું તે પોતાના જ મરણ નો સમય સ્થાન અને આમંત્રિતો નક્કિ કરતી હતી? શું એ એટલે જ આટલી ગુમાન માં ફરતી હતી. શું એ મૃત્યુ ને જીવંત કરવાને આટ્લુ હસતી હતી ? ત્યા એકત્રિત કરી અમને જેણે જીવતા શીખવ્યું એ જ આજે મ્રુત્યુંજય પાઠ શિખવતી હતી ?

તે રાત્રી નુ તથા બીજા દિવસેય અમને સૌને ચાલી રહે એટલું ભોજન પણ એ તૈયાર કરી ગઇ હતી , કે કોઇ ભુખ્યુ ના રહે અને અમે બધા એ જમ્યા પણ , એના હાથે બનાવેલ ભોજન માય એના વહાલ ની અમિ ભારોભાર ભર્યું હતું એતો બગાડવુ ના જ પોસાય.

આ છે મારા જીવનની જીવંત વાત જે મને મારા જીવનનેજ નહીં મરણ નેય જીવંત રાખવાની પ્રેરણા આપે છે.

અસ્તુ,

દિવ્યા સોની “ દિવ્યતા “

જીવનની જીવંત વાત -(18)-પી. કે. દાવડા

અને હું બચી ગયો

૧૯૭૦ માં મુંબઈમાં જરમન કંપણી (Hoechst) હેક્સ્ટ ફાર્મસીનાexpansion નું કામ લાર્સન એન્ડ ટુબરોના કંસ્ટ્રક્શન વિભાગ ECC નેઆપવામાં આવ્યું હતું. હું એ પ્રોજેક્ટનો Resident Engineer હતો.

કંપનીના મેઈન ગેટથી જ કંપનીના કડક કાયદા કાનુનનો અંદાજ આવીજતો. એ સમયે ડો. વાઘનર નામના કંપનીના ડાયરેકટરની એટલી ધાકહતી, કે એમના નામ માત્રથી લોકો ડરતા. મને અગાઉથી આ બાબતનીજાણ કરવામાં આવેલી. કંપનીમાં સ્વચ્છતા માટેના નિયમો એટલા સખતહતા, કે એવા નિયમો એ અગાઉ કે એ પછી મેં ક્યારે પણ જોયા નથી.અમારો માલ સામાન લાવતી ટ્રકોના ટાયર કંપનીમાં ટ્રક દાખલ થાય તેઅગાઉ પાણીથી ધોઈને સાફ કરવા પડતા. આ કાયદાને લીધે અમારાસપ્લાયરો પણ માલ આપવાની આનાકાની કરતા. મજૂરો માટે જાજરૂ,કંપનીની બહાર બનાવવામાં આવ્યા હતા, અને સામાન્ય પેશાબ કરીનેઆવવા જ્વામાં પણ મજૂરોનો સારો સમય બરબાદ થતો.

એકવાર અમારો એક મજૂર કંપનીની અંદરના એકાંતવાળી જગ્યાએ એકઝાડની આડમાં સંડાસ કરી આવ્યો, અને એક સીક્યુરીટી ગાર્ડે એને પકડીપાડ્યો. મારા કાને આ વાત આવી, એટલે એટલું તો નક્કી હતું કે મારીResident Engineer તરીકે હકાલપટ્ટી થવાની જ. મને ડોક્ટર વાઘનરેબોલાવ્યો ત્યારે પણ મેં મનમાં નક્કી કરેલું કે માફી માગી લેવી અને જેકહે એ શાંતિથી સાંભળી લેવું.

મને ડોકટર વાઘનરે પૂછ્યું, “તમને બનાવની જાણ છે?” મેં કહ્યું, “હાસાહેબ, અને મને એટલી પણ જાણ છે કે જાણી જોઈને કરવામાં આવેલોનિયમભંગ ન હતો, This was the failure of human system. હું કે તમેહોત તો પણ આવું જ થાય. (ટુંકમાં સંડાસ નીકળી ગઈ).” ડો. વાઘનરથોડીવાર મારી સામે જોઈ રહ્યા, પછી બોલ્યા, “એ મજૂરને અમારાદવાખાનામાં મોકલો, ડોકટર એને યોગ્ય દવા આપસે.”

અને હું બચી ગયો.

-પી. કે. દાવડા

જીવનની જીવંત વાત (17)પ્રજ્ઞા દાદભાવાળા

તારે તે તીર્થ

કહેવાય છે તારે તે તીર્થ, જે કોઈ બીજા ને તીર્થ યાત્રા કરાવે એનો ભવ સફળ થાય અને પુણ્ય નું ઉપાર્જન કરે.સમેતશિખરજી તીર્થ ૨૦-૨૦ તીર્થંકરો ની નિર્વાણ ભૂમી છે. અસંખ્ય મુનિવરો ના મોક્ષગમન થી અહીં નો પ્રત્યેક રજકણ પાવન બન્યો છે. એવી પવન ભુમી ની જાત્રા અમને સહપરિવાર કરવાનો મોકો ઘણા વર્ષ પહેલા  અમને સહ પરિવાર મળ્યો હતો તે વખતે મને થયેલો અનુભવ મારા જીવનમાં એક જીવંત પળ  ની જેમ યાદ રહેશે 

તે દિવસે જમી અમારી પાંચ બસોમાં બધા ગોઠવાઈ ગયા  હા અમે સમગ્ર નાથાભવાનનું કુટુંબ જાત્રા એ ગયા હતા નાના બાળકથી માંડીને વૃદ્ધ સૌ કોઈ સાથે પ્રભુના દર્શન કરતા આનંદ સાથે જાત્રા માં આગળ વધી રહ્યા હતા ,બધાની સગવડતનો ખ્યાલ કરતા જુવાનીયાઓ  બધાને બસમાં ગોઠવી છેલ્લે પોતાની બસમાં ગોઠવાણા,અમારી બસમાં બધા જુવાનીયા અને બાળકો હતો, બસનો ડ્રાઈવર સમજુ અને શાણો હતો, છતાં વડીલોએ સલાહ આપી હતી કે બસ ભગાવવી નહિ દરેક બસ સાથે રાખવી  અને અંધારુ થાય તે પહેલા સમયસર મુકામે પોહોચી જવું  ગીતો ગાતા તો ક્યારેક સ્તવનો ગાતા રમતો રમતા સમય બસમાં પસાર થઇ જતો હતો , તો ક્યારેક જમ્યા પછી બધા જોલે  ચડી જતા હતા ,અચાનક ડ્રાઈવરે  બસ ખુબ ભગાવી,લગભગ સાંજ પાડવા આવી અને અચાનક અમારી બસ બીજી બસોથી છુટી પડી ગઈ ,બસના બધા પુરુષો મુંજાણાં ,બસ ના ડ્રાઈવરને કહ્યું ભાઈ આમ બસ ભગાવ નહિ સંભાળીને ચલાવ ,તું કૈક કર પણ બધી બસો સાથે થઇ જા  તો કહે વાત એમ છે કે આપણે હિંદુ મુસ્લિમના હુલ્લડમાં ફસાયા છે જુઓં દુકાનો  ટપો ટપ બંધ થઇ રહી છે,  ડ્રાઈવર કહે  આ સંવેદનશીલ  શહેર છે.સંભાળવું પડશે  ક્ષણભરમાં વાતાવરણ બગડતા બંને કોમના ટોળા દ્વારા સામ સામા આવી જતાં વાતાવરણ અતિ તંગ બન્યું છે . શહેરમાં વગર કર્ફ્યું એ કફર્યું જેવું વાતાવરણ દેખાતું હતું બીજી બસો  આગળ  નીકળી ગઈ આપણી બસ રહી જતા મેં અંદરની નાની ગલીમાં વાળી છે ,ત્યાં તો અમને પણ “અલ્લા હો અકબર” અને  હિંદુ ઓના “જય ભવાની”  આવાજ સંભાળતા હતા હવે શું કરશું ,સ્ત્રીઓ અને બાળકોથી બસ ભરેલી હતી  ડ્રાઈવરે કહ્યું બધાને કહો સીટ નીચે બેસી જાય બાળકો રડે નહિ તેનો ખ્યાલ રાખજો હું બસ ભગાવીશ ,અવાજ ન કરશો માત્ર એક જણ  મારી પાસેની સીટમાં બેસે, ત્યાં તો એક મોટું ટોળું હાથમાં તલવાર સાથે નીકળ્યું માથા પર ધર્મનું જનુન  અને આંખોમાં રોષ જે કોઈ હિંદુ મળે એને કાપી નાખશું બસ એવું ભૂત સવાર હતું અને બરાબર અમારી બસ પાસેથી પસાર થયું ડ્રાઈવરે સમય સુચકતા વાપરી ગલ્લીના ખૂણે લાઈટ બંધ કરી બસ ઉભી રાખી અને બધા બસમાં સંતાઈ બેઠા  ટોળું જતા બસ બીજા રસ્તે કાઢી જ્યાં હિન્દુઓની વસ્તી હતી.

આ તરફ અમારી ચાર બસો તો મુકામે પોહચી ગઈ પણ અમારી બસ ન આવતા બધા વડીલો ચિંતામાં પડ્યા ,બસ ગઈ ક્યાં?ત્યાં સમાચાર આવ્યા કે રસ્તામાં બે બસ મુસાફરો સાથે બાળી નાખી સ્ત્રીઓને તો સમાચાર પણ ન આપ્યા ,નહીતો રોકકળ મચી જાય બધા નવકાર મંત્ર બોલતા બેસી રહ્યા. 

અમારી બસ થોડી આગળ ગયી ફરી મસાલો દેખાવા માંડી ,બસ વાળાએ વાંકી ચૂકી ગલી માંથી એક મોટા ડેલા જેવા દરવાજા પાસે ઉભી રાખી અને દરવાજો ખખડાવ્યો જલ્દી ખોલો આ બસને અંદર સંતાડી દયો  અને દરવાજો ખુલતા બસ અંદર સંતાડી લાઈટ બંધ કરી બસમાં બેસી રહેવા કહ્યું બસ બંધ કરી ક્યાંક જતો રહ્યો,અમને માત્ર  “અલ્લા હો અકબર” અને  હિંદુ ઓના “જય ભવાની”  આવાજ સંભાળતા હતા,અંધારું ઘોર કંઈ દેખાય નહિ, ક્યાં છીએ ? બહાર કોણ છે ? કશી જ ખબર નહિ ,બધા ભગવાનનું નામ લેતા ઉચાં જીવે બેઠા રહ્યા તોફાનીઓએ બે કલાક સુધી શહેરને બાનમાં લીધું,  પરિસ્થિતી અત્યંત કાબુ બહાર રહેતા  ઠેર ઠેર પોલીસ-એસ.આર.પી.ની ફોર્સ ગોઠવાઈ ગઈ   

વાતાવરણ સારું થતા  ડ્રાઈવર  આવ્યો બસ કાઢી   અને અમારે મુકામે અમને સુરક્ષિત પહોચાડ્યા,ડ્રાઈવર ની મદદ વગર આ શક્ય નહતું ,મુસલમાન ટોળાને ખબર પડતે કે હિન્દુની બસ છે, તો કદાચ આખી સળગાવી પણ દેત હિન્દુ-મુસ્લિમ વચ્ચે સદીઓથી ચાલી રહેલા આ ખેલમાં તલવારની ધારે ધર્માંતર, લવ જેહાદ, દેશના ભાગલા, કોમી રમખાણો… આવું   થાય છે ધર્મના નામે આવું જનનુંન લોકોમાં પોસી ધર્મ ગરુ અને રાજનેતા જ ફાયદો ઉઠ્વતા હોય છે  એ આપણે સૌ જાણીએ છીએ. 

પણ જાતે હુલ્લડમાં ફસાવું અને તેમાંથી એક  ડ્રાઈવરના હાથે ઉગરી જવું એક અસામન્ય ઘટના છે. અને એથી પણ વિશેષ એણે અમને એક મુસલમાનના ઘરમાં સંતાડી દીધા હતા.  

હા  એ ડ્રાઈવર મુસલમાન પછી માનવ પહેલા હતો 

કહો સાચો મુસલમાન કોણ ?

અમારો ડ્રાઈવર કે જનુંની મુસલમાન ટોળું

જીવનની જીવંત વાત (૧6)– પૂર્વી મોદી મલકાણ

જીવનદાન

જીવનમાંથી આપણી પાસેથી પસાર થયેલા કેટલાક ચહેરાઓ શું ભૂલી શકાય છે? કદાચ ના…ને કદાચ હા…. કારણ કે સમય સાથે સ્મૃતિમાં રહેલાં તે ચહેરાની આકૃતિ ઝાંખી પડતી જાય છે; પણ તે ચહેરાઓનો અહેસાસ ક્યારેય દૂર જતો નથી. મારી સાથે પણ કંઈક એવું જ બનેલું. તે મોડી સવારની વાત પણ કંઈક અલગ જ હતી…..

મારી સામેથી એક માણસ લોહીલુહાણ થઈ, ચીસો પાડતો દોડી રહ્યો હતો, ને હું સ્તબ્ધ થઈ તેને રસ્તાની કોરેથી જોઈ રહી હતી. પળ –બે પળ વીતી ત્યાં પાછળથી આવતાં કોલાહલે મારૂ ધ્યાન તે અવાજની દિશા તરફ ખેંચાયું. એક ટોળું તલવાર, ધારિયા અને પાઇપ સાથે દોડી રહ્યું કદાચ કદાચ તેઓ તે જ માણસની પાછળ દોડી રહ્યાં હતાં જેને મે થોડીવાર પહેલાં લોહીથી ખરડાયેલો જોયો હતો……પણ હું …..હું હજી યે સ્તબ્ધ જ હતી. તે સ્તબ્ધતા ની વચ્ચે મુખ્ય વાત એ હતી કે હું એકલી ન હતી, મારી સાથે હતો મારો સાડા ત્રણ વર્ષનો દીકરો બિટ્ટુ.

૧૯૯૩……ની એ મોડી સવાર…..

શહેરમાં સન્નાટો છવાઈ ગયો હતો, મુંબઈનાં મુખ્ય સબબનો (ચર્ચગેટ, મરીનડ્રાઈવ વગેરે) ડર સાઈડ સબબમાં (ઘાટકોપર, પરેલ, થાણા વગેરે) પણ ડોકિયું તાણી રહ્યો હતો, તેથી ચાલતા જનારા લોકોની સંખ્યા નહીંવત્ હતી. રસ્તા પરથી એકલ દોકલ રિક્ષા બસ એમ જ દોડી રહી હતી ને મહાકાય બસ ક્યાંક કોઈ ડેપોમાં ટૂંટિયુંવાળીને બેસી ગઈ હતી. પણ મુંબઈનાં બીજા સબબની સરખામણીમાં વિક્રોલી સબબ થોડું વધુ જીવંત હતું. અહીં માણસોની અવર જવર ચાલું હતી. વિક્રોલી વેસ્ટમાં રહેલી ગોદરેજ કંપનીનાં ગેઇટ વારંવાર ખોલબંધ થયાં કરતાં હતાં.

એ થોડીઘણી ચહેલપહેલ તો મુખ્ય રસ્તા પર હતી, પણ તે દિવસે કોલોની મુખ્ય મુંબઈમાં થયેલાં તે બોમ્બિંગને કારણે શાંત હતી. કોલોની……ગોદરેજ કોલોની…..વિક્રોલી વેસ્ટમાં ગોદરેજ કોલોની આવી હતી, જ્યાં હું રહેતી હતી હતી. આમ તો વિક્રોલીનું પરુ મુંબઈનું એક સબબ જ ગણાય છે, પણ આ કોલોનીની અંદરનો ભાગ જોતાં જાણે કોઈ હિલસ્ટેશનમાં રહેતાં હોવાનો ભાસ થતો હતો. આજુબાજુ ખૂબ ગ્રીનરી, ઊંચા વૃક્ષો, ને ઉપર ને ઉપર ચડતી જતી કેડી. અહીં ગોદરેજમાં કામ કરનારા રહેતાં હતાં. કોલોનીનાં મુખ્ય દ્વારે હંમેશા ચેકિંગ થતું રહેતું તેથી બહારનાં લોકો, ફેરિયાઑ કોલોનીમાં આવી શકતાં ન હતાં. તેથી અંદરનું વાતાવરણ સલામત હતું…..પણ બહાર શું થાય છે તેની જાણ વિશેષ ન હતી. તે દિવસે જ્યારે બોમ્બિંગનાં અવાજોથી મુંબઈ ધણહણી ઉઠ્યું ત્યારે સાંજ પડી ગઈ…..ને અમે ટ્રેનમાં હતાં તેથી વધુ ખબર ન રહી. બીજે દિવસે જ્યારે અમે મુંબઈ પહોંચ્યાં ત્યારે વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું.

અમે ઘરે પહોંચ્યાં પછી મલકાણ કહે ઓફિસ સામે જ છે કેવળ રસ્તો ક્રોસ કરવાનો છે, તું ચિંતા ન કર કહી તૈયાર થઈ ઓફિસે નીકળી પડ્યાં. પણ મારા મન ને શાંતિ ન હતી તેથી હું પણ બિટ્ટુ સાથે ગેઇટ સુધી જવા નીકળી પડી. તેઓ રસ્તો ક્રોસ કરી કંપનીનાં ગેઇટની અંદર દાખલ થયાં પછી હું મારા ઘેર પાછી ફરી. તે દિવસે પાડોશીઑ પાસેથી થોડું દૂધ અને થોડીઘણી ગ્રોસરી લઈ ઘર ચાલાવ્યું. પણ બીજા પાસેથી ક્યાં સુધી માંગવુ? તેથી વિચાર કર્યો કે આવતીકાલે સવારે જ સ્ટેશન જઈ થોડીઘણી ગ્રોસરી લઈ આવીશ જેથી કરીને બાળક સાથે સારું પડે.

બીજા દિવસની સવારે પણ વાતાવરણ હજુ યે થોડું ભારે જ હતું, પણ કોલોની હજુ યે શાંત હતી. આજે તે દિવસને યાદ કરું છુ ત્યારે લાગે છે કે તે દિવસે મારે ઘરમાં જ રહેવાની જરૂર હતી કારણ કે મોટાભાગનાં લોકો ઘરમાં હતાં. પણ હું તે દિવસે ઘરમાં ન હતી. મારે સમયને ઓળખવાની જરૂર હતી, પણ તે દિવસે મલકાણનાં ઓફિસ ગયાં બાદ બિટ્ટુ સાથે સ્ટેશન જવા નીકળી ગઈ. કોલોનીથી સ્ટેશન જવા સુધી મને એકપણ રિક્ષા કે બસ ન જોવા મળી જેથી કરીને હું ચાલતી ચાલતી સ્ટેશન ગઈ. સ્ટેશનનો ટર્ન લઇને આજુબાજુ જોતાં જોતાં હું આગળ વધી રહી હતી. મારી નજર કેવળ કોઈ ગ્રોસરી સ્ટોર ખુલ્લો છે કે નહીં તે જોવામાં મગ્ન હતી. ત્યાં જ મારી નજર અમુક ગ્રોસરી સ્ટોર પર પડી જે ખુલ્લા હોઈ થોડી શાંતિ લાગી અને હું તે સ્ટોર તરફ હજુ હું ચાલી જ રહી હતી ત્યાંજ ઉપરોક્ત માણસ મારી આંખ પાસેથી ધડધડાટ કરતો પસાર થઈ ગયો. જેને કારણે આજુબાજુ નાશભાગ થવા લાગી. થોડી જ પળોમાં રસ્તામાં માણસો તીતરબીતર થઈ સંતાઈ ગયાં, આખોયે રસ્તો અચાનક સૂમસાન થઈ ગયો ને દુકાનોનાં શટર ધડાધડ પડવા લાગ્યાં.

હું સ્પર્શી શકું તેટલી નજીકથી પસાર થયેલાં તે માણસની સ્થિતિ જોઈ હું ડરી ગઈ હતી, ને એમાં યે પાછળથી આવેલ તે ટોળાંએ મને પૂતળું બનાવી નાખી હતી. મારી આંખ આગળથી દોડી ગયેલ તે માણસ ઘવાયેલી હાલતમાં વધુ દોડી ન શક્યો. તેની પાછળ પડેલ તે ટોળાંએ તેને થોડી જ ક્ષણોમાં આંતરી લીધો ને તેની ઉપર તલવાર, પાઇપ સાથે તૂટી પડ્યાં હતાં. આ બિહામણું દૃશ્ય મારી સામેજ ભજવાઈ રહ્યું હતું તેમ છતાં યે હું ત્યાંથી ભાગી જવાને બદલે હજીયે ત્યાંજ સ્તબ્ધ બની ઊભી હતી. તે માણસની મરણચીસો મારા કાનમાં ગુંજી રહી હતી, આંખ સામે તેનાં હાથ-પગ તરફડિયાં મારી રહ્યા, રસ્તો લોહીથી નહાઈ રહ્યો હતો, ક્યાંકથી કોઈક છૂપી નજર આ રાક્ષસી કૃત્યને જોઈ રહ્યા હતાં, પણ બધાં જ મારી જેમ સ્તબ્ધ હતાં તેથી એકાદ પક્ષીનાં અવાજ (રૂદન) સિવાય ત્યાં કોઈ અવાજ ન હતો. આ અમાનવીય કૃત્ય બદલ તે ટોળાને પરવા ન હતી તેથી તેમનાં મુખમાંથી પાગલપનયુક્ત હર્ષોલ્લાસ ભર્યા ઉદ્ગારો નીકળી રહ્યાં હતાં. અચાનક તે ટોળાંમાંથી કોઈકનો સ્વર નીકળી પડ્યો……અરે અભી તો સાલે એક કો હી ખતમ કીયા હૈ….અગર દૂસરા હોતા તો ઔર મઝા આ જાતા……અબે દૂસરા નહીં તો દૂસરી તો હૈ વોહ ભી બચ્ચે કે સાથ ચાલો આજ ઉસકી ભી……. કર ડાલતે હૈ ફિર સાલી કુછ બોલેગી હી નહીં……..આજે હું જાણું છું કે તે દિવસે ટોળાંમાં થયેલી આ વાતચીત મારે માટે હતી. બસ હવે થોડી જ પળો હતી….કારણ કે તે ટોળુ પાછળ રહેલી તે ઔરતની તરફ ફરે એટલી જ વાર હતી પણ કહે છે ને કે રામ રાખે તેને કોણ ચાખે? પણ રામની એ લીલા હજુ મને સમજવામાં વાર લાગે તેમ હતી. ને હું એટ્લે કે મારી તેથી હજુ ક્યાં જાઉં તે વિષે વિચારું કે પગલું લઉં તે પહેલાં તો મારી પાછળથી ચાર હાથ લાંબા થયાં, જેમાંથી એક હાથે મારું મોઢું દાબી દીધું ને બીજાએ બિટ્ટુનું મોઢું દાબી તેને ઉઠાવી લીધો. અચાનક આવેલી આ સ્થિતિ એ મારા હોશ ઉડાવી દીધા હું મારા દીકરાને બચાવવા માટે હું ઝાંયા નાખવા લાગી ( પ્રયત્ન કરવા લાગી ), પણ મારી પાછળથી આવેલા એ હાથ ખૂબ મજબૂત હતાં…..તેણે મારો બીજો હાથ પકડી લીધો ને મને અને મારા દીકરાને……આ પરિસ્થિતીથી સખત ડરી ગયેલી એવી હું લગભગ બેભાન થવાની અણી પર જ હતી પણ……..બે પળમાં અમે ખેંચાયા અને ત્રીજી પળનાં ધક્કાએ અમને દુકાનની અંદર ધકેલ્યાં…….પછી પોતે ય દુકાનમાં આવી ગયાં અને નજીવા અવાજ સાથે દુકાનનું શટર પાડી દીધું.

એક મિનિટ એ હતી જ્યાં કોઈ મને મારવાની વાત કરી રહ્યું હતું, બીજી મિનિટ એ હતી જ્યાં અમે કોઈના હાથમાં અને ત્રીજી મિનિટ એ હતી કે અમે દુકાનની અંદર બંધ હતાં……ટૂંકમાં કહું તો થોડા સમયમાં જ થયેલ આ પરિસ્થિતીને કારણે મારી આંખ પાસે અંધારું છવાવા લાગ્યું હતું, શરીર ગારા જેવુ થવા લાગ્યું હતું. પણ મને મારો દીકરો પાછો જોઈતો હતો તેથી મારા દીકરાને લેવા માટે હાથ લાંબો કર્યો, તે સાથે બીજા અજાણ્યાં બે હાથે મારા હાથમાં મારા દીકરાને સોંપી દીધો, પણ નીચે બેસી મારા મો પાસે આવી ચૂપ રહેવાં ઈશારો કર્યો. પછી બંને જણાં ફરી દુકાનનું શટર થોડું ઊંચું કરી જમીન પર લાંબા થઈ જોવાં લાગ્યાં; ત્યારે બહાર થતાં તે ટોળાંનાં અવાજનાં પડઘા મારા કાને આવી પાછા ફરી રહ્યાં હતાં.

એ બે તું તો કહે રહા થા કી યહાં કોઈ ઔરત હૈ કીધર હૈ ? કોઈ નહીં હૈ યહાં પર……

પર અભી તો યહી ચ દેખા થા…. ભાગ ગઈ હોગી…. પતા નહીં મેરે કો…..દેખના ઇધર ચ હોગી…..

બીભત્સ વિકરાળ હાસ્ય….ને સ્વર

અબ બતા ક્યા કરના હૈ યહી ચ રહેના હૈ કી જાના હૈ?

યહાં રહે કે ક્યા કરના હૈ ચલો ઈસ્ટ મેં જાયે…….ને થોડીવારમાં એ ટોળું વિખેરાઈ ગયું.

ટોળાંનાં વિખેરાયા બાદ તે ઊભો થયો, ને મને કહે ……..મૈડમ આપકા દિમાગ ખરાબ હુઆ હૈ ઇતને સે માસૂમ બચ્ચે કે સાથ ઘર સે કાય કો નિકલી? અક્કલ નહીં ચલાની આતી ? ક્યા સોચ કે બહાર નિકલી થી ? તેરે ઘરવાલે ને તેરે કુ નાં ય નહીં બોલા?

તેનાં સવાલ અનેક હતાં પણ હું ચૂપ હતી….કેવળ ચૂપ….કારણ કે હજીયે થોડીવાર પહેલાં ખેલાયેલું બિહામણું મારી આંખ સામે તાંડવ બની નાચી રહ્યું હતું.

સવાલ પૂછનારની પાછળ રહેલ તે વ્યક્તિ આગળ આવ્યો અને મને સવાલ પૂછનારનાં ખભે હાથ મૂકી તેને પાછળ કર્યો ને પછી મારી પાસે બેસી બોલ્યો……..શાયદ કુછ જરૂરત હોગા ઇસી લિયે આયી હોગી; હૈ ના ! પર આપકો બચ્ચે કો ઘર છોડ કે નિકલના ચાહીએ થાના. દેખો આપ કે સાથ બચ્ચા ભી ડેંજર મેં ફસ ગયા ના ઇસી લીયે કહા; કહી તે ઊભો થયો અને ખૂણામાં પડેલા માટલાંમાથી પાણી ભરીને લાવ્યો. મારી સામે પાણીનો ગ્લાસ ધરીને બોલ્યો મૈડમ થોડી દેર બૈઠો, બહાર થોડી દેર બાદ ઠીક હો જાયેગા ઉસકે બાદ મૈ હી આપકો ઘર છોડ દૈગા તે બોલ્યો.

જ્યારે વાતાવરણ શાંત થવા લાગ્યું હતું, પોલીસની સાઇરન બહાર સંભળાવા લાગી, ત્યારે તેણે દુકાન ખોલી. આજુબાજુની દુકાનોનાં શટર પણ અડધા ખૂલ્યાં….તે જોઈ તે બોલ્યો…. મૈડમ આપકો ક્યા ક્યા ચહીયે વો કહિયે મૈ લે આતા હું……પછી એ દુકાનની બહાર નીકળ્યો અને સામે રહેલાં કોન્સ્ટેબલ સામે જઈ કહે સાબ સબ ઠીક હૈ ? હમ બાહર નિકલ શકતેં હૈ? જ્યારે કોન્સ્ટેબલની હા આવી પછી એ સામે રહેલાં અધખુલ્લા ગ્રોસરી સ્ટોરમાં ગયો અને મારી ગ્રોસરી લઈને આવ્યો.

લગભગ દોઢ –બે કલાકને અંતે તે મને કોલોનીનાં દરવાજા સુધી મૂકી ગયો, કારણ કે દરવાજાની અંદર આવવાની એને રજા ન હતી.

આ ઘટના પછી થોડો સમય મને મનથી ઠીક થવામાં થોડો સમય લાગ્યો, કારણ કે મારી આંખ સામે થયેલા ખૂનને કારણે હું ઘણી પરેશાન હતી. ( આ ઘટના ભલે જૂની થઈ ગઈ હોય પણ તેની અસર આજે ય છે. આજે ય હું લોહી જોઈ શકતી નથી. મારી આજુબાજુ રહેલ કોઈ વ્યક્તિને વાગી જાય છે ત્યારે હું આજુબાજુ રહેલ વ્યક્તિને સોંપી ત્યાંથી ભાગી જાઉં છું. ઉપરોક્ત બાબતમાં મારા બચ્ચાઓ પણ શામિલ છે. બચ્ચાઓને જ્યારે લાગી જતું ને લોહી નીકળતું ત્યારે મલકાણ તેમને સંભાળતાં. ) સ્ટેશન આવતાં જતાં હું કવચિત તેમને મળવા જતી, ત્યારે તે મારા દીકરાનાં માથા પર હાથ ફેરવતાં કહેતાં……ક્યાં છોટે રાજા ઠીક હો ના…..સ્કૂલ બૂલ જાતા હૈ કી નહીં? દેખો સ્કૂલ જાને કા હાં……ઔર ખૂબ પઢાઈ કરને કા………

વ્યથિત કરી દેનારી ઘટનાને હવે ઘણાં વર્ષો વીતી ગયાં છે; પણ તેમ છતાં યે એ દિવસ મનમાંથી ગયો નથી તેથી જ્યારે જ્યારે આ પ્રસંગનો ઉલ્લેખ થાય છે ત્યારે મને જીવનદાન આપનાર તે બંને માણસનો મનથી આભાર માની લઉં છું……હા અગાઉ કહ્યું તેમ તેમનાં ચહેરાઓની સ્મૃતિ ઝાંખી પડી ગઈ છે પણ તેમનાં કર્મોની નહીં. તેમણે બચાવેલી બે જિંદગીઓ આજે પણ તેમને એટલી જ યાદ કરે છે…….

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ purvimalkan@yahoo.com

જીવનની જીવંત વાત (15) ઉમાકાન્ત વિ.મહેતા.

‘ફ્રોઝન સ્માઈલ           

  હૃદયને ક્યારેક તમ્મર આવે છે.બુધ્ધિને ક્યારેક ચક્કર આવે છે.

 ઘટના કદીક એવી પણ સર્જાય છે,જે લાગણીને પથ્થર બનાવે છે.

દેવિકાબહેન ધ્રુવ

મધ્યમ વર્ગના માનવીનું ધ્યેય,  ભણ્યા પછી નોકરીની તલાશ.! કૉલેજને પગથિયેથી ઉતરીને સીધા જ નોકરી માટે દોડવાનું હતું. ગ્રેજ્યુએશન કર્યા પછી  ઘરનુ આંગણું મુકી સીધા નોકરીએ પગરણ માંડ્યાં.કંપનીએ રહેવા માટે ક્વાર્ટરની સગવડ આપી હતી. ફાવી ગયું અને રહી પડ્યા  ત્યાં લાગલાગટ ૩૨ વર્ષ.

રીટાયર્ડ થયા. કંપની કહે ચાલો ક્વાર્ટર ખાલી કરો.આ તો પ્રાયવેટ કંપની.! ભારત સરકારની મીનીસ્ટરી  થોડી છે કે ખુરશી છોડ્યા પછી બંગલો નહિ છોડવાનો ? બિસ્તરા પોટલા બાંધ્યા અને ઘર પ્રતિ પ્રયાણ કરવા વિચાર્યું.

ત્રણ માળનું ઘરતો વારસાઈ હક્કે મળેલું. પરન્તુ  નોકરી અર્થે  માદરે વતન છોડવાનું  દુઃખ તો હતું જ પણ  હાથમાં આવેલી નોકરીની તક  છોડાય તેવી સ્થિતિ ન હતી, તેથી   ભાગે આવતી રોકડ રકમ લઈ ઘર મોટાભાઈને આપેલું. મોટાભાઈ રીટાયર્ડ મસ્ત એકલરામ.પડોશમાં ભાનુ બહેન રહે. ભાનુબહેનનું કુટુંબ ચાર સભ્યોનું. અમે બે અમારાં બે.  પતિ પત્ની અને છોકરો છોકરી પતિ ધનસુખલાલ નામે ધનસુખ પણ કરમે ધનનું સુખ લખાવીને નહિં આવેલા. સામાન્ય નોકરી કરે અને બહેન આજુબાજુ ટિફિન સર્વિસ ચલાવે. મોટાભાઈને તેમની સાથે  ટિફિનનો સંબંધ.

મોટાભાઈ આરામથી રહે .શાંતિથી ચ્હા પાણી નાસ્તો કરે પેપર વાંચે કરે અને આરામથી જીવે. આપણી અંગ્રેજી કહેવત છે ને કે (વન મેન્સ ફુડ ઇઝ અનધર્સ પોઈઝન) કોઈનું સુખ એ કોઈનું દુઃખ પણ હોઈ શકે છે.આટલું મોટું ઘર અને એકલા માણસ અને અમે ચાર જણા ફક્ત એક જ રૂમ રસોડાનું મકાન ? ટીફિનવાળા ભાનુબહેનની આંખમાં ખૂંચ્યા કરે.

ભાનુબહેને સોગઠી મારી. કાકા ! તમે એકલા રહીને ચ્હા પાણીની માથાકૂટ કરો છો તો મને તમે ભાડે રહેવા માટે ઉપરનો રૂમ આપો તો તમને હું ભાડું આપીશ અને તમને ચ્હા પાણી નાસ્તાની તથા ખાવા પીવાની સગવડપણ કરી આપીશ; તમને ભાડાનું ભાડું મળે અને આ બધી ઝંઝટ જાય, એકલપંડે માણસને આવી બધી શી જંજાળ ? મોટાભાઈના આરામપ્રીય સ્વભાવને  તો ભાવતું ‘તું ને વૈદે કહ્યું. આમ  ભાનુબહેને સિફતથી ગૃહ પ્રવેશ કર્યો

સમયનું ચક્ર ફરતું રહ્યું.મોટાભાઈ ગુજરી ગયા.તેમના લૌકિક કાર્ય માટે આવી, પતાવી અને રજા પુરી થતાં જતાં જતાં મકાન ખાલી કરવા કહ્યું.હા તમે આવોને તમે કહેશો ત્યારે ખાલી કરી કબજો સોંપી દઈશ. નોકરી ઉપર હાજર થવાની ઉતાવળમાં હતો;અને નોકરીમાં રીટાયર્ડ થવાની હજુ વાર હતી. એટલે બહુ ઝાઝી વાત ના થઈ. અને હું નોકરી ઉપર હાજર થઈ ગયો. આમ જુના ભાડામાં જ આખું મકાન વાપરવાની બિનપરવાનગીએ તેમને  રજા મળી ગઈ.

પ્રસંગોપાત જ્યારે જ્યારે આવતો ત્યારે મીઠી મીઠી વાતો કરી સમય પસાર થતો ગયો. રીટાયર્ડ થવાનો સમય આવ્યો એટલે કંમ્પની તરફથી ક્વાર્ટર ખાલી કરવાની નોટીસ આવી..એટલે મકાન ખાલી કરવા જણાવ્યું  ત્યારે એજ મીઠો જવાબ તમે આવો ને હું ખાલી કરી તમને કબજો સોંપી દઈશ.

સમય કોઈની રાહ થોડી જુએ  છે તે મારી રાહ જુવે ? રીટાયર્ડ થઈ ગયા હવે શું ?  ધનસુખભાઈએ હવે તેમનું પોત પ્રકાશ્યું. અમે મકાનની તપાસમાં જ છીએ પણ આ ભાડામાં મકાન મળતું નથી  અને વધુ ભાડું અમને આ મોંઘવારીમાં પોસાતું નથી. મારી સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ.કમ્પનીને પરિસ્થિતિ મજાવી છ બાર મહિના માટે રહેવા રીક્વેસ્ટ કરી. અને કમ્પનીએ તે ભલમનસાઈથી મંજુર કરી.

મજાવટના વારિ વહી ગયા, ઉશ્કેરાટની ભરતી શરૂ થઈ અને આખરે મારે કોર્ટનો સહારો લેવો પડ્યો.કોર્ટ કેસ ચાલે એટલો લાંબો સમય સુધી  કોઈને ત્યાં રહેવાય નહિ  અને બીજી બાજુ કમ્પનીએ  બાર મહિના માટે ક્વાર્ટરમાં રહેવા આપેલી મુદત પુરી થવાથી અને છોકરાઓનો અભ્યાસ ચાલુ હોવાથી હોવાથી  નવો ફ્લેટ લઈ  રહેવાનું નક્કી કર્યું.

રહેવાનું બહારગામ અને   કેસ ચાલે અમદાવાદની કોર્ટમાં. કેસની મુદતે  હાજર થવા  આવું એટલે વકીલ મારફતે તે મુદત લઈ લે અને મને ધક્કો પડે અને ગાડીભાડાનો ખર્ચ થાય તે વધારામા.

ધનસુખભાઈના  છોકરાંઓ પણ હવે તો મોટા થયા હતા અને છોકરીને પણ પરણાવી હતી. છોકરાને દુબાઈમાં નોકરી મળી હતી તેથી તેની મારફેતે પૈસાની છૂટ હતી. ધનસુખભાઈએ  નોકરીમાંથી લૉન લઈ પોતાને નામે ફ્લેટ લીધો હતો અને દિકરીને જમાઈને રહેવા આપ્યો હતો.

મારી આવકનું સાધન. નોકરીનો પગાર બંધ થયો હતો. વકીલ, કોર્ટ કચેરી, ગાડીભાડાના ખર્ચ વધતા જતા હતા.કમ્પની તરફથી મળેલી ગ્રેજ્યુઈટી,પ્રોવીડન્ટની રકમ વપરાતી જતી હતી. જીવનની મીણબત્તી બે બાજુથી સળગતી હતી. અને  આમ ધનસુખભાઈ ગાયને દોહિ કુતરાને દૂધ પીવડાવી પૂણ્ય કમાતા હતા

બેદર્દ ઝમાના તેરા  દુશ્મન હૈ તો ક્યા હૈ દુનિયામે નહિં કોઈ ઉસકા ખુદા હૈ

મારા મિત્ર શ્રી રજનીકાન્ત ભટ્ટ વકીલને મળીને મને માહિતીથી વાકેફ કરતા રહેતા હતા. તેમણે તપાસ  કરી માહિતી મેળવી કે ધનસુખે નોકરીમાંથી  લૉન લઈને ફ્લેટ લીધો છે. વકીલે કહ્યું તેમ ના ચાલે કોર્ટમા પુરાવો રજુ કરવો પડે. તમે  આ બધા પુરાવા લઈ આવો.

શ્રી રજનીકાન્ત ભટ્ટ બેન્કમાં મેનેજરની પોસ્ટ પર હતા. માથે બેન્કની જવાબદારી  હોવા છતાં સત્ય ખાતર એક મિત્રને મદદ કરવા રાત દિવસ એક કરી તેમણે ધનસુખ જ્યાં નોકરી કરતો હતો ત્યાં એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાથી  ક્યી તારીખે લૉન લીધી, કેટલી રકમની લીધી,બેન્કનો ચેક નંબર, કેટલા હપ્તા ભર્યા, કેટલા  હજુ બાકી છે. ક્યી સોસાયટીમાં ફ્લેટ લીધો છે  તથા સોસાયટીના બોર્ડ ઉપર સભ્યોના નામ હતા તેનો ફોટોગ્રાફ,અને ઈલેક્શન નજીકમાં હતું તેથી મતદાર યાદીમાં તેમના નામ વગેરે વગેરે સઘળી માહિતી વકીલને પહોંચાડી. સજ્જડ જડબેસલાખ પુરાવાઓ રજુ કર્યા.અને આખરે કેસ જીત્યા.મકાન ખાલી કરવાનો ઑર્ડર (ડીક્રી ) પાસ થઈ

અમે રાજી થતા  ઘેર આવ્યા અને તેને ડીક્રી બતાવી મકાન ખાલી કરી કબજો સોંપવા જણાવ્યું.અત્યાર સુધીનું તેના મોં ઉપરનું ‘ફ્રોઝન સ્માઈલ ‘પીગળતું હતું કાચંડાની  માફક હવે તેણે રંગ બદલ્યો. મારી પાસે નવું ઘર ખરીદવાના પૈસા નથી મને પૈસા આપો તો કબજો હાલ આપું.  કબજો સોંપવાની સાફ ના.નાલાયકીની પરાકાષ્ટા !

ફરીથી કોર્ટના દ્રારે. બેલીફ અને પોલીસ પ્રોટેક્શન સાથે સામાન બહાર કઢાવી  માંડ માંડ કબજો મેળવ્યો.આવા ઝઘડાળુ ઘરમાં સુખ ચેનથી રહી નહિ શકાય તેથી વેચવા કાઢ્યું. માથાભારે માણસની દાદાગીરી એટલી કે કોઈ ખરીદનાર ના મળે છેવટે જેમતેમ કરી નજીવી કિંમતે સોદો પતાવી છૂટા થયા.

બાપ દાદાએ પ્રેમથી સોંપેલી તેમની મોંઘેરી  મિલકત સાચવી ન શક્યા. આ  દુઃખ લઈ માદરે વતન ત્યજી વડોદરા વસવાટ કર્યો.

સમાપ્ત

 

જીવનની જીવંત વાત -(14)તરુલતા મહેતા

શું જીવનમાં જીવંત વાત હરરોજ નથી બનતી? બને છે,તો તેનું કેમ મહત્વ જણાતું નથી? જીવંત વાત-ઘટનાનો પ્રવાહ કે નદી તે જ જીવન છે,પણ હું   એ બધી ઘટનાઓ કે વાતોમાંથી અજાગ્રત અવસ્થામાં ,સપના જોતી હોય તેમ પસાર થાઉં છું,મોટાભાગનું વિસરાતું જાય છે,ટ્રેન દોડે છે,પણ મુસાફર  ઊંઘે છે.એટલામાં અચાનક મોટા અવાજ સાથે આંચકો વાગે છે,અને સફાળા જાગી જવાય છે,જીવનની રફતારમાં આ જાગી જવાની વાત ‘જીવંત વાત ‘ જે કાળજે કોરાઈને સબક આપતી જાય છે.મારામાં ઊંડા ઊતરી નિરીક્ષણ કરવા પ્રેરે તેવી વાત,-સ્વ કેન્દ્રિત લાગણીઓ,અગંત સુખ,દુઃખના વર્તુળની બહાર જાગ્રતિ આવે તેવી એક વાત જેમાં મેં ક્ષોભ અનુભવ્યો,મારી જાત માટે શરમની લાગણી અનુભવી અને અફસોસ થયો ,જે દિલને જગાડી ગઇ.

નાના ભાઈ હરીશના લગ્ન મહાલી બસમાં અમે  સૌ હેમખેમ આણદથી ઘરે નડિયાદ આવી ગયાં,ઘણાં વર્ષે બધાં ભેગાં થઈ નિરાંતે હસીખુશી ગપ્પાં મારતાં હતાં.ત્યાં અચાનક બુમાબૂમથી અમે સૌ ચોકી ગયાં.

‘મારાં છોકરાં ક્યાં ગયાં ?’,કોઈએ જોયો મારા ભીખાને ?”મારી ગીતુ ક્યાં ગઈ?’

 ચીસાચીસથી મોડી રાત્રે અમે સૌ દોડીને ઘરની બહાર બગીચામાં આવી ગયાં,સવિતા ચારે બાજુ જોતી દોડીને સોસાયટીના રોડેથી રડતી ,કકળતી બૂમો પાડતી હતી.અમે સૌ અવાચક થઈ શું કરવું તેની મૂઝવણમાં પડી ગયા.ત્યાં બાપૂજીએ ઘાંટો પાડી કહ્યું,’જા,હરીશ સવિતાને બોલાવ, બધાં જાન્નેયા બસમાં આવ્યાં ત્યારે સવિતાના છોકરાંની ભાળ રાખી હતી કે નહી?’

બધાં બાપૂજીનો પ્રશ્ન સાંભળી નીચું જોઈ ગયાં.સવિતા એટલે બા -બાપૂજીની હાથલાકડી,અમે ચાર ભાઈ -બહેન અમેરિકા વસેલાં, અમારી ગેરહાજરીમા સવિતાના છોકરાંની દોડાદોડથી ઘરમાં વસ્તી લાગતી.

બાપૂજી મારી તરફ જોઈ બોલ્યા,’તેં  મોટા ઉપાડે બઘી જવાબદારી લીધી હતી,તારી દીકરી અને ગીતુને મંડપમાં મેં રમતાં જોયાં હતાં,બધાયનાં છોકરાં બસમાં બેઠાં,સવિતાનાં છોકરાં કોઈને યાદ ન આવ્યાં?’

બા સવિતાને બરડે હાથ ફેરવતાં બોલ્યાં,’બઘાની બેગો -વસ્તુઓનું ધ્યાન રાખવામાં ખુદના છોકરાં ભૂલી ગઈ?’

બાપૂજીનો પિત્તો ઉછળ્યો,’ઘરના  માણસ ‘સવિતા આ લાવ ,ને તે લાવ કરી બિચારીને અધમુઈ કરી દે છે.એનાં છોકરાનું જતન ક્યારે કરે?’

મેં હરીશના સાસરે ફોન જોડ્યો,રીંગો જતી હતી કોઈ ફોન ઉપાડતું નહોતું,ત્રીસેક વર્ષ પહેલાં દેશમાં મોબાઈલ ફોનનું ચલણ નહોતું,હું અકળાતી હતી,ફોનથી સમ્પર્ક થાય તો સવિતાના  છોકરાં વિષે જાણવા મળે.

સવિતાનું રડવાનું ચાલુ જ હતું,’મારાં છોકરાંને કોઈ ભરમાવી ઉપાડી જશે તો મારો વર મને જીવતી નહિ છોડે,’

મેં તેને શાંત પાડતા કહ્યું ,’તારાં છોકરાંને ગમેતેમ કરીને લઈ આવીશું.’

જાન્યુઆરીની  કાતિલ ઠંડીમાં મધરાત્રે રીક્ષામાં થરથરતા હરીશના સાસરે જવાનું હતું. નાના ગામમાં ટેક્ષીઓ મળવી મુશ્કેલ હતી.બાજુવાળા સુરેશભાઈ જાનમાં આવેલા તે જાગી ગયા હતા,એમણે કહ્યું ‘મારા ટેમ્પામાં જઈએ,નડિયાદથી આણંદ અડધો કલાક થશે.’ હરીશ એમની સાથે જવા તેયાર થયો એટલે મારો વચલો ભાઈ કહે ‘,હું જઈશ.’ એને વહેલી સવારે ફ્લાઈટ પકડવાની હતી એટલે હું સ્વેટર લઈને ટેમ્પામાં બેઠી,દોડીને સવિતા આવી,જીદ કરીને મારી પાસે બેસી ગઈ.

ટેમ્પાની એ અડધા કલાકની મુસાફરી દરમ્યાન સવિતા તેનાં સંતાન માટે હેયાફાટ રડતી અને તડપતી રહી.કામ કરીને રુક્ષ થઈ ગયેલા તેના હાથને ઝાલીને સાંત્વના આપતા મારું મન ડંખતું હતું,હું મા હતી માત્ર મારા સંતાનની ચિતા કરતી,લાડ કરતી અને ખુશ રહેતી હતી.સવિતાની ગીતુ સાથે રમવાનું મારી અલ્પાને  ખૂબ ગમતું.અમેરિકામાં આવું રમનારું કોણ મળે?બાની ઘેર સવિતા કામકાજમાં મદદ કરતી,અને અલ્પુને કમ્પની મળી ગઈ એટલે બજારના કામકાજ મને છુટ્ટોદોર મળી ગયો હતો.અત્યારે સવિતાની મોઘી અનામતને જો આંચ આવશે તો મારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જવું પડે તેવી દશા થશે.એના છોકરાં એકલાં ગભરાઈને ક્યાંક જતાં રહેશે તો કેમ શોધીશું?વાડીમાં લગ્ન હતાં,પરવારીને બધા જતાં રહેશે. અમારાં છોકરાંનું ધ્યાન રાખ્યું ને ગીતુ અને ભીખુને ભૂલી,અરર..બા -બાપૂજી કદાચ  માફ  કરે પણ મારો અતરઆત્મા કેમ માફ કરશે?અલ્પુ મોટી થઈ પૂછશે કે ગીતુ ક્યાં ગઈ ?

સુરેશભાઈએ વાડી આગળ ટેમ્પો ઊભો રાખ્યો.વાડીમાંથી સામાન લાવી મજૂરો બહાર ખટારામાં મૂકતા હતા,સવિતા સીઘી વાડીમાં દોડી ને ,’ભીખુ ,ગીતુ ને બોલાવવા લાગી’,બહાર આવીને મને વળગી પડી.’કોઈ બોલતું નથી,હાય ,હું ક્યાં શોધીશ? ‘ સુરેશભાઈએ મજૂરોને પૂછ્યું ‘આટલામાં બે નાનાં છોકરાં ફરતાં જોયાં છે?’મજૂરે કહ્યું ,’અંદર તપાસ કરો,અમે કામમાં છીએ.’ વાડીમાં મોટાભાગની લાઈટો બંઘ હતી,સુરેશભાઈએ  ટેમ્પામાંથી બેટરી લાવી બધે જોવા માંડ્યું ,એક ખૂણામાં પાથરણા વાળીને મૂક્યા હતા.ત્યાં સવિતા બોલી ઉઠી ,ભીખુ ઉઠ તારી મા છું ,ગીતુ ..બિચારા  ઠંડીમાં ઠીગરાઈ ગયાં છે,બોલતા ય નથી ‘. મેં સુરેશભાઈને કહ્યું ,’તમે અડઘી રાત્રે મદદ કરી,એક માની આતરડી ઠારી,થેંક્યું વેરી મચ’ મારા મનમાં હું સુરેશભાઈનો એમ પાડ માનતી હતી કે આજે તેમને કારણે મારા જેવી બીજી માની લાગણી પ્રત્યે હું સજાગ થઈ,સવિતાના સંતાનોને સાજાસમા જોઈ હું મારી દીકરી અલ્પુની ‘મા’ બનવા લાયક થઈ હોય તેવો ભાવ થયો, મેં કોઈ મોટી સફળતા મેળવી હોય તેમ હું હરખાતી ઘેર આવી.

“જીવનની જીવંત વાત”-(12)પદમાં_કાન

 

ઉષા ઉગે ને પરીણમે સંધ્યામાં !

હજી તો દી ઉગ્યો ઉગ્યો ને પડી ગઈરાત!

ચક્કર ચાલે દિન  રાતનું જે ક્યારે ય ભેળા ન થાય!

આશા ઉરમાં એટલી કે નક્કી મળશું આજ ઉષા કે સંધ્યામાં?

બસ હવે તો આ આવી ગઈ રાત ને દિનની મિલનની વેળા

હવે તો હાથ છેટું,વેંત છેટુંત્યાતો નઝારો આખો બદલાઈ જાય!

ઉષા ઉગી ઉગી ને ત્યાં તો સવાર પડી ને દિવસ ઉગી જાય!

સન્ધ્યાના રંગ  જોયા ન જોયા હજી ત્યાં  તો રાત પડી ગઈ?

તેરે બીના મેરા કોઈ નહી કહેનાર મળે જો?

તો?તો  જાણો આખી  જિંદગી સુધરી ગઈ!   

એક દિવસ તેમને તાવ આવ્યો ને અમે ડોક્ટર પાસે ગયા.દવા આપી પણ ઘણા દિવસથી મારા મનમાં એક પ્રશ્ન  ઘોળાતો હતો.અમે બન્ને સાથે ચાલતા બહાર જતા ત્યારે તેમની ચપ્પલનો ઘસડાતો અવાજ્ હું  સાંભળતી .ક્યારેક શાંતિથી કહેતી કે પગ ઉપાડીને ચાલો તો આ ઘસડ પસડ અવાજ ન આવે.ક્યારે હું ગુસ્સો પણ કરતી.એ દિવસે મેં હિમ્મત કરીને ડોક્ટરને પૂછી લીધું,કે ચાલતા ઘસડવાનો અવાજ કેમ આવે છે? ડોકટરે દવા આપતા કહ્યું કે હું દવા આપું છુ પણ વહેલી તકે મુંબઈ જઈ બોમ્બે હોસ્પીટલમાં મોટા ડોક્ટરને બતાવો. એવું તો શું હશે કે બોમ્બે જઇને મોટા ડોક્ટરને બતાવવા કહ્યું?બોમ્બે ગયા,બોમ્બે હોસ્પીટલમાં મોટા ડોકટરે તપાસ્યું,સ્કેન કર્યું, નિદાન કર્યું .બીમારી તો પાર્કિન્સન.મારા બન્ને દીકરા મોટો અતુલ દોહા કતારમાં જોબ કરતો  ને નાનો ભણવા માટે અમેરિકામાં ન્યુજર્સીમાં હતો.મારી ભત્રીજી નલીની ANEANEJMAI અને જમાઈ ડો.શૈલેશભાઈ બંને ડો. તેમની સાથે તે રહેતો હતો.તેમને પૂછવાથી પાર્કિન્સન વિશેની માહિતી મળી.ને અમને તે જણાવ્યું.મગજની કોઈ એક નસ દબાઈ જવાથી લોહીનું પરિભ્રમણ ન થવાથી હાથપગમાં કમ્પવા શરુ થાય છે.બન્ને દીકરા અહી આવીને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એમ નોતા.એટલે બન્ને હતા ત્યાં જ પરદેશમાં રહ્યા.મારી દીકરી મેધાને હું મુંબઈ હોમ સાયન્સનું ભણવા મોકલવાની હતી તે મોકૂફ રાખી મારી મદદ માટે સાથે રાખી.

બીમારીનું કારણ જાણવા પાછળનો ઈતિહાસ જરૂરી.ત્રણ ભાઈઓનો પરિવાર એ બાવીસ માણસનું  સંયુક્ત કટુંબ.આખા ગામમાં ગવાતુ સંપ તો માધવલાલનો.કોણ કોના દીકરા,ને  કોણ કોની સાસુકે વહુ ન કળાતા સહુ મુઝવણમાં પડી જતા.

અમારા લગ્નની કંકોત્રીમાં તેમના નામની પાછળ મંગળદાસ વાચતા બધાને  ખબર પડી કે આ માધવલાલનો પુત્ર નથી.સહુથી મોટા માધવલાલ,સકરચંદ ને પછી મંગળદાસ.ત્રણેય દેરાણી જેઠાણીનો વ્યવહાર સગ્ગી બેનો જેવો.

આટલા મોટા પરિવારનું ગુજરા ન ચલાવવા માટે સોના ચાંદીની દુકાન,ખાદીભંડાર,મેડીકલ સ્ટોર,દલાલીનો ધંધો ને કનૈયા કેપ માર્ટ રેડીમેડ કપડાની દુકાન,ખુબ જાહોજલાલી.ચાર દીકરીના લગ્ન એક સાથે પછી બે દીકરીના સાથે લગ્ન થયા. એક પછી એક ધંધા બંધ થતા ગયા.નોકરી સિવાય બીજો આરો નોતો.આખો દિવસ ગલ્લા પર બેસનાર ઉભી નોકરી કેમ કરી શકશે?સદ નસીબે નામું લખવાની નોકરી મળી ગઈ.આ દરમ્યાન અમારું ઘર પણ બધા જુદા થઇ ગયા હતા.મારી દીકરી બન્ને ભાઈ કરતા નાની હતી.તે પણ ખુબ મહેનતુ હતી.કોઈ પણ કામ કરવામાં પાછી પડે એમ નોતી.તેની હોશિયારીને લીધે  ન્યાતમાં પ્રતિષ્ઠિત કુટુંબમાં તેના લગ્ન થઈ ગયા. જાલનાનું ભાડાનું મકાન ખાલી કરાવ્યું.અતુલે પુનામાં ફાતિમા નગરમાં ફ્લેટ બુક કરાવેલો તે સમયસર મળી જતા ત્યાં રહેવા ગયા.નવી જગા નવું ઘર ને બીજે જ દિવસે તે એટલે કે મારા પતિ ઘરમાં પડતાની સાથે હિપમાં ફેકચર થયું એક વર્ષ પુરુ થયું ને બીજા હિપમાં ફેકચર થયું.પડતા ,આખડતા છેવટે ૨૦૦૦માં અમે અમેરિકા આવી ગયા.તેમની પાર્કિન્સન બીમારીમાં ખાસ્સો વધારો થયો હતો.તે ઉભા થાય અને વળાંક લેવા જતા અચૂક તેઓ પડી જતા ,ખુબ જ ધ્યાન રાખવું પડતું,તેમને કઈ યાદ નોતું રહેતું.

અમેરિકામાં લે ઓફનું મોજું ચાલી રહ્યું હતું.અતુલ નીતિન બન્ને ઘરે હતા.અતુલને બીજે જોબ મળવાથી બહારગામ ગયો.અમે નીતીનના ત્યાં રહેવા ગયા.સાંજના ઘણું ખરુ નીતીન અમને પાર્કમાં લઈ  જતો.ફૂટપાથ પર ચાલતા હું પડી ગઈ પડતાની સાથેજ જમણા હાથના કાંડામાં ફેકચર અને ડાબા હાથની કોણીમાં મેજર ફેકચર.અતુલને દસ વર્ષનો શ્રેણિક અને આઠ વર્ષની વિધિ એમ બે બાળકો હતા.એમાં અમે બે મોટા બાળકો થઈ ગયા.ને આમાં અમારા બધાની પૂરે પૂરી કસોટી લેવાઈ ગઈ.

એક સોટી મને પડી પણ કસોટીમાં તો દરેક સભ્ય અ+ને યોગ્ય ઠર્યા.બન્ને દીકરા અતુલ,નીતિન, બને પુત્રવધુ દર્શા અને સ્મિતાએ અમારી જે લાગણી અને પ્રેમથી સેવા કરી છે તેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો ખૂટી પડે.પણ એની કદર કરનારા અમારા નજીક વસતા વીણાબેન ને પદ્મકાંતભાઈ, વાસંતી માસીને પણ કેમ ભૂલાય? એક નાની શી મુલાકાતમાં અને અમારા માટે એવી જ ભાવના લઈને મુલાકાતે આવનારા ચંદુદાદાને તો હું જાણતી નોતી,આમને તો ખાસ મળવું જોઈએ એમ કહીને ઇન્દુબાને લઈને અમ આગણે પધાર્યા. આપણા સંસ્કારો શું છે એને જાણનારા,પરખનારા વિરલાઓ આ દેશમાં તેમની સુવાસમાં મ્હેકે છે,એની મને પ્રતીતિ થઇ. મોટાઓ તો પોતાની ફરજ સમજીને કરે પણ આઠ વર્ષની પોત્રીવિધિ અને દસ વર્ષનો પોત્ર શ્રેણિક પણ દાદા સાથે બોલ રમીને આનંદ કરાવતા ને હસાવતા.એ બહાને છોકરાઓ ગુજરાતી બોલતા શીખ્યા અને આ પેઢી સાથે અમે નજીક આવતા ગયા.દાદાને ડાયપર બદલાવવામાં નાક ચડાવ્યા વગર મને મદદ કરતા હતા.આ પેઢીનો પ્રેમ મળવો  એ પણ જીવનનો એક લાહવો છે.એપણ એક નસીબ તો ખરું પણ એ મેળવવા આપણો પ્રયત્ન એ પણ

ખુબ જરૂરી છે.

મુદ્દાની વાત,તેમની આવી પડેલી બીમારી પારકીન્સન.દવા એજ  એક ઈલાજ.બીજું ખાસ જ્ઞાન નહિ.ધીમે ધીમે કુદરતી ઉપચાર રેકી ,શિવામ્બુ,હિલીંગ બધું જાણવા મળ્યું.હું રેકી માસ્ટર થઈગઈ.હું રોજ સવારે પાંચ વાગે સવા  કલાક રેકી આપતી,આખા શરીરે શીવામ્બુની માલિશ કરીને મુલતાની માટીનો લેપ કર્યા પછી સ્નાન કરાવતી.ચાર વાગ્યા પછી થોડી કસરત અને રાતે સુતા પહેલા એક્યુપ્રેશર કરતી.આ જોઇને અતુલ,અને દર્શા મને કહેતા કે આટલી બધી મહેનત શા માટે કરે છે? નાના નાના  પ્રોબ્લેમ સોલ્વ થાય છે તાજી થયેલી તકલીફમાં રિલેક્ષ થવાય છે એ મારા રોજના અભ્યાસથી જે રેકી લેતા તેમને સારું લાગતું હતું તેની મને ખબર હતી.તેથી તેમના માટે મને આશા હતી. ને ડોકટરો પણ એમાં માંને છે તે તો ન્યુ જર્સીમાં મારી ભત્રીજી નલીની અને ભત્રીજા  જમાઈ બન્ને જણા અને ડો. દીકરો સાગર  અને તેની ફિયાન્સી સુઝેન બધાએ રેકી લીધીત્યારે જ મેં જાણ્યું. ,ડો.મારી સામે પેશન્ટ થઈને બેસી જાય તેનાથી મારી ખુશી અને શ્રધ્ધા અનેક ગણીવધી ગઈ.અમેરિકામાં મારે ઘરના કોઈ કામની જવાબદારી નોતી,મારી પાસે સમય હતો.મને કુદરતી ઉપાય  વિષે જાણવાની ધગશ હતી. મને નર્સ થવાનું ગમતું હતું.નર્સ થયા વગર સેવા સાથ જ્ઞાનનો મેવો અને સાથે સાથે કોઈને સારું લાગતું તે જોઇને પણ મનમાં છાનો આનંદ,સંતોષ હું અનુભવતી.

તેમની વિદાયના થોડા  દિવસ પહેલાની વાત.મને ઠીક નોતુ,તેમના  પલંગની સામે ચટાઈ પર હું સુતી હતી.હું ઉઠવા જતી હ્તી, અતુલે કહ્યું તું સુઈ જા પપ્પાને હું જોઉં છુ.તેણે તેમને બાથરૂમ કરાવ્યું તે તેમને ના ગમ્યું.દસ વાગી ગયા હતા, બીજે દિવસે જોબ પર જવાનું તેથી અતુંલને મેં સુવા જવા દીધો.તેમની સામે નજર રાખતા બાર વાગી ગયા.એટલે ધીરેથી હું ઉઠીને તેમની પાસે જઈને પૂછ્યું કાઈ કામ છે?આમેય એમને ગુસ્સો બહુ હતો.રુઆબની અદાએ મને કહે કઈ જરૂર નથી.મેં શાન્તીથીજ  કહ્યું મારામાં બોલવાની શક્તિ નોતી, તો સારું હું સુઈ  જવુંછુ એમ કહીને જ્યાં ફરવા જાઉં ત્યાં તો મારું બાવડું પકડી લીધું ને એક નાટકીય ઢબે મને શું કીધું? તેરે બીના મેરા કોઈ નહિ!એક બીજાને આશ્ચર્યથી  જોતા અમે હસી પડ્યા.મને કહે તને ઠીક નથીને તો   તું સુઈજા .આ બનાવને  થોડા જ દિવસ થયા તેમના શ્વાસમાં મને થોડી ગરબડ લાગી.તેમના બન્ને ચરણને સ્પર્શ કરતા મેં ભગવાનને પ્રાર્થના કરી ત્યાં તો આંખો ખોલીને મને પૂછ્યું કેમ શું વાત છે?એકદમ સાજા  માણસ વાત કરે એ રીતે .એકદમ હું મુંજાઈ ગઈ તમારી તબિયત સારી નથી એ કેમ કહેવાય?

તરત જ મેં ફેરવી વાળ્યું ને કહ્યું મારી તબિયત સારી નથી તો મને થયું કે આપણા જીવનમાં મારાથી કઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા યાચું છુ.ને હજી કઈ ,હજી કઈ બે ત્રણ વાર મને પૂછ્યું.જે લાગણીથી એ પૂછી રહ્યા હતા એ જીવનમાં મેં કયારેય અનુભવી નોતી,એ જે રેકી લઈ રહ્યા હતા તેનું જ આ પરિણામ હોઈ શકે.બાકી તો આપના કર્મો તો ભોગવ્યે જ છુટકો.ને હા જીવન એ એક લેણાદેણીનો સમ્બન્ધ છે.છેલ્લે આપણા કર્મ માટે,ફરજો માટે આગ્રહ રાખવા જોઈએ,પણ કર્મફળ વિષે તો જે મળે કે છુટી જાય એ પ્રભુપ્રસાદ જ છે.દર્શને આવનાર દરેક વ્યક્તિના મુખમાંથી એક જ ઉદગાર મુખ પર કેટલું તેજ છે!અસ્તુ.

પદમાં_કાન    

જીવનની જીવંત વાત -(11)જયવંતી પટેલ

જીવનમાં બનેલા આવા પ્રસંગો માનવને ઘણું બધું શીખાડે છે.  ઉત્સાહી બની લાંબો વિચાર કર્યા વગર, કંઈપણ નિર્ણય લઇ લેવો, એ કોઈક વખત મૃત્યુ અને જીવન વચ્ચે ઝોલા ખાતાં કરી ધ્યે છે.

આ 1980 ની વાત છે.  પણ ક્યારેય ભૂલાતી નથી.  દેશમાં બા અવાર નવાર બોલાવ્યા રાખતાં હતા. છોકરાઓ થોડાં મોટા થઇ ગયા હતા એટલે મને થયું ચાલ બા પાસે મહિનો રહી આવું.  ઓગસ્ટ મહિનો હતો.  વા, વાદળ અને વરસાદનાં એ દિવસોમાં મને આબુ, અંબાજી જવાનું મન થયું.  મેં બાને વાત કરી.  બા કહે, ” તારું આટલું મન છે તો ચાલ જઈએ.  સાથે એ પણ કહયું કે આવી મોસમમાં લોકો યાત્રાએ મોટે ભાગે ન જાય પણ ચાલ જઈએ!! દૂરના એક ભાભી હતા તે અને બીજા ઓળખીતા મિત્રોમાંથી જે તૈયાર થયા તેમાં નાનુભાઈ અને સુરેશભાઈ એમ બે પુરુષો પણ તૈયાર થયા અને આ યાત્રા ગોઠવાય ગઈ.  કુલ સાત જણા થયા.  સુરતની “રાજુ ટ્રાવેલ્સ”  નામની કંપનીમાંથી મેટાડોર (વાન )  ભાડે રખાયું.  ડ્રાયવર પણ એમણે આપ્યો અને અમે યાત્રા સુરતથી શરૂ કરી.

સુરતથી ભરૂચ આવ્યા – સંતોષી માતાને મંદિરે દર્શન કરી આગળ વધ્યા.  કાયાવિરોહણ ગયા.  ત્યાં મંદિર ખૂબ સુંદર હતું.  ત્યાંથી અમદાવાદ આવ્યા.  અમદાવાદમાં જગનાથનું મંદિર, ગીતાધામ, ભદ્રકાલીનું મંદિર, રતન પોળ વિગેરે ફર્યા.  હટીશીન્ગના દહેરામા રાત રહયા.  ઝુલતો કિનારો, કાંકરિયા તળાવ, બાલવાટિકા  વિગેરે જોયું।  સાંજના છ વાગે

અમદાવાદથી નીકળી આબુ જવા નીકળ્યા.  રાતના મુસાફરી કરી.  વિના વિઘ્ને માઉન્ટ આબુ ચઢ્યા.  ત્યાં વન્દેમાતરમ ધર્મશાળામાં રાત રહયા  બીજે દિવસે આબુ ગામમાં ફર્યા.  અચલ ગઢના દહેરા, ત્રણ પાડા વિગેરે જોયું.  નખી તળાવ પણ જોયું.  સન-સેટ પોઈન્ટ જોવા ગયા પણ વાદળા હોવાથી ખાસ કંઈ વળ્યું નહિ.  ત્યાંથી સાંજે આઠ વાગ્યે નીકળી અંબાજી આવ્યા: ત્યાં એક ધર્મશાળામાં ઉતારો લીધો.  સવારે અગિયારના સમયે નાહીધોઈ અંબાજીની આરતી સમયે પહોંચી ગયા.  ત્યાંથી ગબ્બર જોવા ગયા.  ઉપર ચઢ્યા નહિ.માના દર્શન નીચે તળેટીમાં ઉભા રહી કર્યા.  ત્યાંથી કુમ્ભારીયાના દહેરા જોવા ગયા.  ત્યાંથી મહાદેવજીના મંદિરે અને  પછી ખેડબ્રહ્મા આવ્યા.  અંબામાં નું પહેલું સ્થાન ખેડબ્રહ્મા.  માંના દર્શન કરી બાજુમાં  જ લોજ હતી ત્યાં ગરમ જમણ જમ્યા.  બધા ખુશમિજાજમાં હતા.

બરાબર એક વાગ્યે ડાકોર જવા પ્રસ્થાન કર્યું – રસ્તા બહુ જ ખરાબ હતા.  વરસાદ ચાલુ જ હતો.  ડાકોર સાત વાગ્યે પહોચ્યાં.

ડાકોરજીના  દર્શન માટે મંદિરે આવ્યા.  ગોમતીજીમાં હાથ મો ધોઈ, ખૂબ સારી રીતે રણછોડજીના દર્શન કર્યા.  પ્રસાદ બંધાવ્યો  સુરત સોસાયટીમાં જ્યાં અમો રહેતાં હતા ત્યાં બધાએ પ્રસાદ મંગાવ્યો હતો એટલે થોડો વધારે બંધાવ્યો. એ દરમિયાન વરસાદ ચાલુ જ હતો.  રાતના આઠ વાગ્યા પછી વડોદરા જવા નીકળ્યા.  ત્રણેક કિલોમીટર ગયા ત્યાં સુધી વાંધો ન આવ્યો.  વાનની લાઈટ બહુ તેજ ન હતી અને વાઈપર્શ પણ ઢીલા હતા.  અને ત્યાંથી અમારી કમનસીબી શરૂ થઈ  —  રસ્તા ઉપર પાણી ભરાયા હતા છતાં બે વખત તેમાંથી પસાર થઇ ગયાં એટલે ત્રીજી વખત પણ પસાર થઇ જશું એ ગણતરીથી ડ્રાયવરે ગાડી ચલાવી પણ નસીબ વાકું એટલે એન્જીન બંધ થઇ ગયું અને ગાડીનો કંટ્રોલ ન રહયો.  ગાડી ભમી ગઈ, તરત જ પુષ્કળ પાણી વહેણમાંથી ગાડીમાં ભરાઈ ગયું.  વાન નીચે બેસવા માંડયું.  અંધારું ખૂબ હતું.  કેડ સમાણા પાણી ગાડીમાં હતા.  શું કરવું એ સમજાતું ન્હોતું!  દરેકના જીવ જોખમમાં હતા.  ડ્રાયવર અને નાનુભાઈ એ ગમે તેમ કરી આગળનું એક બારણું ખોલ્યું અને પાણીમાં ઉતર્યા, બીજા એક ભાઈએ બધાંને બૂમો ન પાડતા, હિંમતથી  બારીમાંથી એક એક કરી બહાર નીકળવા કહયું.  જે ભાભી અમારી સાથે આવ્યા હતા તે જરા ભારે તબિયતના હતા અને તેમને સૌથી વધુ ડર લાગતો હતો. મરવાનો ડર તો સૌને લાગતો હતો.  મેં પણ મારા વહાલા જનો ને, બાળકોને  સૌને યાદ કરી જાણે છેલ્લી પ્રાથના કરી કે હે પ્રભુ!  આમાંથી કદાચ જ બચીએ પણ તું બધાની સંભાળ લેજે.  મારા પતિ અને બાળકોને તો ક્યારે સમાચાર મળશે તે ખબર નથી.  તારા દર્શન કરવા ખૂબ શ્રધ્ધાથી આવી હતી તો તું અમારું રક્ષણ કરજે અને કોઈ રસ્તો બતાવજે.  અમો બધા ખૂબ જ ગભરાયેલા હતા.

ત્યાં દૂર, એક ટ્રક વાળાને  અમારી ચીસો અને બુમરાણ સંભળાયા હશે તેથી તેણે ટ્રકની લાઈટ એ વહેણ તરફ વાળી અને જોયું કે અંધારામાં રાતના અગિયારના સુમારે પાણીમાં કેટલાંક લોકો ફસાયા છે અને તેણે બે ત્રણ વાર તેની લાઈટ બંધ – ઉઘાડ કરી.  એ કહેવા માટે કે તેણે અમોને જોયા છે.  પછી એ જઈને બીજાં બે ત્રણ જણાને બોલાવી લાવ્યો. મોટું દોરડું કેડ ઉપર બાંધી બે જણા અમારી તરફ આવવા નીકળ્યા અને એક માણસ ટ્રક પાસે જ રહયો.  ધીમે ધીમે અમારી વાન જ્યાં ફસાઈ હતી ત્યાં આવી એક એક માણસને ટ્રક સુધી સાચવીને લઇ ગયા કારણકે પગ જમીનને અડતાં ન હતા.  એ સમયે ઘનઘોર અંધારામાં – વરસાદમાં – ઊંડા પાણીમાં ફસાયેલા – આવા કપરી પરિસ્થિતિમાં જાણે ભગવાને જ સહાય મોકલી હોય એવું અવશ્ય લાગ્યું.  લગભગ બે કલાકે અમે બધાં જમીન પર પહોચ્યાં.  થાકીને લોથ થઇ ગયા હતા.  ભીના કાદવ વાળા કપડાં અને ઠંડી.  કોઈની પાસે પૈસા પણ રહયા ન હતા.  બધું જ તણાઈ ગયું હતું.  સિવાય બા.  બા, જૂના જમાનાના હતાને ! એમણે એમનાં કબજામાં એક ચોર પાકીટ કરાવેલું અને તેમાં પ્લાસ્ટીકની બેગમાં રૂ. 2000 રાખેલા.  તે પલળ્યા નહી ને સાથે રહયા.  જે ધર્મશાળાના માલિકને આપવા ખૂબ કામ લાગ્યા નહી તો રાતના બે વાગ્યે ખબર નહી શું કરત!!  એક જ રૂમમાં બધાએ આશરો લીધો.

એ રાત, એ સમય, એ ઘનઘોર અંધારું અને એ ભરચક જળ — કદીએ ભુલાતું નથી.  અહી આ એક શેર યાદ આવે છે

” જો ધૂન તારસે નીકલી,  વો સબને સુની

   મગર જો હમપે ગુજરી,  વો કિસીને ન સુની ”

જયવંતી પટેલ