સંસ્પર્શ -૧૨ જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube
ધ્રુવદાદાએ ‘અતરાપી ‘ નવલકથામાં સારમેય ગલુડિયાંનાં પાત્ર દ્વારા લોકોની જીવાતી જિંદગી અંગેનાં સરસ વ્યંગાંત્મક સંવાદો મૂક્યાં છે. બધાં કરતાં જુદું અને ઊંધું વિચારવાનો તેમનો નોખો દ્રષ્ટિબિંદું દરેક સંવાદમાંથી આપણને નવો બોધ આપે છે. સારમેય પરમનો અનુભવ કરવા ,છોડવાં પણ બોલે છે ,તે જાણવા ધ્યાનસ્થ બની પરમનો અવાજ સાંભળવા કોશિશ કરે છે. પરમનો અવાજ કવિઓને તેમની કલ્પના પ્રમાણે ક્યાં ક્યાંથી સંભળાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આપતાં મને યુવા કવયિત્રી પારુલ ખખ્ખરની કવિતા યાદ આવી જાય છે ,જેને પરમનો અવાજ સાંભળવાની કોશિશ જ કરવી હોય તે ક્યાં ક્યાંથી તેને સાંભળી શકે!
 
અલી મોજડીએ ચોંટેલી ધૂળ ,તારા સમ
મને મોજડીમાં સંભળાતું ‘સોહમ્’ ‘સોહમ્’
 
મોજડી પ્હેરનાર મોભી મૂંગા
મોજડીએ ટાંકેલા મોતી મૂંગા
મોતીના જાણતલ જોષી મૂંગા
જોષીનાં ભાઈબંધ જોગી મૂંગા
પેલોq મોતીડો મલકાતો મોધમ્
મને મોજડીમાં સંભળાતું ‘સોહમ્’ ‘ સોહમ્’

પેલો મોતીડો મલકાતો મોધમ્
મને મોજડીમાં સંભળાતું ‘સોહમ્’ ‘ સોહમ્’
 
મોજડી પહેરીને ચાલતાં આપણે સૌએ,તે પહેરીને ચાલીએ તો ચીચુડ,ચીચુડ થતું સાંભળ્યું છે ,પરતું તેમાં પણ ‘સોહમ્’ આવા પારુલબહેન જેવા અદના કવયિત્રીને જ સંભળાય છે.
 
ધ્રુવદાદાની આ અતરાપી નવલકથાનાં સંવાદો પણ આવાં સાવ નોખા છે.સારમેય તોફાની છે .તેને ભણવું નથી ગમતું,શિક્ષકો તેનો ભાઈ કહ્યાગરો છે ,તો તેના તરફ વધુ ધ્યાન આપે છે.અને સારમેય તરફ ધ્યાન નથી આપતા. એટલે ત્યાં ધ્રુવદાદા વ્યંગમાં કહે છે કે ‘શિક્ષકો પણ ડાહ્યા છોકરાને ભણાવે છે અને તોફાની પર્ત્યે દુર્લક્ષ સેવે છે.’ડાહ્યા કૌલેયકને માલિક ગાડીમાં મંદિરે અને બહાર બધે તેમની સાથે લઈ જાય છે ,ગાડીમાંથી ભાઈને ઉતારતો જોઈ ,સારમેય તેને પૂછે છે. તને આ ગાડીની પોચી ગાદીમાં નખ મારવાનું મન નથી થતું? ત્યારે કૌલેયક કહે છે “મને મન થાય છે પણ મનને ગમે એ નહીં કરવાનું એટલે નિગ્રહ કરવાનો. આમ જે ગમે તે નહીં કરવાની વાત પર સુંદર રીતે વ્યંગ કર્યો છે ,ઘણાં ધર્મોમાં આ મનોનિગ્રહ દ્વારા ધર્મ કરવાની વાત છે.માનવતાપૂર્ણ સહજ જીવન જીવી ,નાનામાં નાના માણસને પ્રેમ કરી જીવીએ તો કદાચ સાચી રીતે જીવી શકાય તેવો દાદાનો ભાવ છે.માત્ર મનોનિગ્રહ જ ધર્મ છે તેવું નથી તેમ દાદાનું માનવું છે.
સારમેયને તેના વિશાળ બંગલાની બહારની દુનિયા જોવાની ઈચ્છા થાય છે અને તે એક દિવસ તેની માની ઈચ્છા વિરુધ્ધ ઘરમાંથી બહાર નીકળી જાય છે. ચાલતાં ચાલતાં તેને મોટો દરવાજો દેખાય છે.તેમાં ડોકિયું કરે છે ,તો એક ભયાનક અવાજે ભસતો કાબરચીતરો પૂંછકટ્ટો કૂતરો તેને કહે છે” આ મારો ઇલાકો છે,અહીં કેમ આવ્યો? ભાગ અહીંથી.સારમેય પૂછે છે ઇલાકો એટલે શું?જેને છોડીને બહાર ન જઈ શકાય તેને તમે ઇલાકો કહો છો,ખરું ને?” સારમેયને થાય છે કોઈને પોતાનો ઇલાકો શા માટે હોવો જોઈએ? આમ કહી દાદાએ નાતજાતનાં ,જ્ઞાતિનાં,ધર્મોનાં,ગરીબ-અમીરના,દેશ-દેશનાં,પ્રાંતોનાં વાડા શા માટે હોવા જોઈએ ? તેમાંથી સૌએ બહારનીકળવાની જરુર છે તેમ સમજાવ્યું છે.આમ સારમેયનાં પાત્ર દ્વારા પોતાનાં વિચારો ધ્રુવદાદાએ સહજતાથી રજૂ કર્યા છે.
સારમેય ચાલતાં ચાલતાં આગળ જાય છે.આગળ જતાં નદી આવે છે,એણે નદી ક્યારેય જોઈ નથી અને થાકીને તે કિનારે બેસે છે . મંદ મંદ વાતા ઠંડા પવન સાથે તેને ફરી પેલો અજાણ્યો સ્વર સંભળાય છે. આમ જ્યારે તમે બધું છોડી,એકલા મુક્ક્તમને કોઈ પ્રકૃતિની ગોદમાં ધ્યાનસ્થ થઈ તમારી જાત સાથે સમય ગાળો તો તમને પણ પેલો અજાણ્યો સ્વર સંભળાશે ,તેમ દાદા સૂચવે છે.
સારમેયને ત્યાં ‘કાળો’નામે કૂતરો મળે છે .જે સારમેયને પૂછે છે ,”તું ભૂલો પડી ગયો છે? “ત્યારે સારમેય હા ,કહી ,કહે છે ,”મને હવે પાછા જવાનો મારાં ઘરનો રસ્તો ખબર નથી.”કાળો તેને પોતાની સાથે લઈ જાય છે અને નદી પાર કરવા તેની સાથે નાવમાં બેસાડે છે.
સારમેય નાવનાં નાવિક સાથે વાત કરે છે ,આ સંવાદ ખૂબ સરસ છે.નાવિક કહે છે “ આ નદી જન્મગિરિ પહાડમાંથી નીકળી છે. અનાદિકાળથી વહી રહી છે,પણ કેટલો સમય વહેવાની છે ,તે હું જાણતો નથી.એટલે સારમેયે કહ્યું,” જાણ્યાં પછી પણ કંઈ જાણવાનું બાકી રહી જાય છે.” આ કેટલી મોટી અને સાચી વાત છે કે જીવનભર તમે દરેક વસ્તુ જાણવાની કોશિશ કરતાં જશો છતાં કંઈક જાણવાનું તો રહી જ જાય છે. કોઈ દુનિયામાં સંપૂર્ણ જાણકાર નથી.
ભરેલી નાવમાં બેઠેલો સારમેય બધાંની સાથે હોવાછતાં પોતાનાં વિચારવિશ્વમાં તલ્લીન હતો. તેવું દાદા લખે છે ત્યારે સમજાવે છે કે ‘બધાંની વચ્ચે રહીને પણ તમે તમારી આગવી મોજમાં રહો.કોઈ તમને ખલેલ ન પહોંચાડી શકવું જોઈએ.’સારમેય નદીમાંથી પસાર થાય છે પણ જેમાંથી તે પસાર થયો ,તેનું નામ નદી છે તેવી તે નાનકડાં ગલૂડિયાંને ખબર નથી અને તે નાવિકને પૂછે છે ,”નદી ક્યાં છે? “બધાં તેની પર હસે છે પણ નાવિક સરસ જવાબ આપે છે,”મેં તને નાવમાં બેસાડ્યો ત્યારે તે હતી. જેને પાર કરીને આપણે આવ્યા તે, આ પળે આપણે જેની વાત કરીએ છીએ તે નદી અત્યારે અહીં નથી.”
આમ કહી અને જીવન એ સતત ચાલતી પરિવર્તન સાથેની પ્રક્રિયા છે. ગયેલો સમય પાછો આવતો નથી.આગળનાં ભવિષ્યથી આપણે સાવ અણજાણ છીએ ,તે વાત ગર્ભિત રીતે કહી દીધી છે.અને ધ્રુવદાદાએ આ આખી વાતને તેમના સુંદર ધ્રુવગીતમાં પણ ગાઈ છે.
મને ઊંઘમાં યાદ આવે તે શું છે
કોઈ જાણે હું છું ,કોઈ જાણે તું છે
આ નિદ્રાની રચના જગાડી છે કોણે
તને હું ના પૂછું મને તું ન પૂછે
ચીરી નાંખું છાતી તો મારામાં હું છું
હવે ખાતરી દો તમારામાં તું છે
અમારા સમયની અમે રેખ આંકી
પછીનો સમય તે લીસોટાને લૂછે
જૂઓ કાચમાંથી સર્યે જાય રેતી
કહો તે ‘હતી’ ‘છે’’હશે’ છે કે ‘છું ‘ છે
સંબંધોના એવા સ્તરે આવ યારા
મને કોણ પૂછે તને કોણ પૂછે
 
જીવનનો મર્મ સમજાવતી કેટલી સુંદર વાત દાદાની અતરાપીમાં અને આ ધ્રુવગીતમાં.
 
જિગીષા દિલીપ
૧૩ એપ્રિલ ૨૦૨૨

સંસ્પર્શ -૬

jigisha -સંસ્પર્શ -youtube
મિત્રો,
ધ્રુવદાદાની નવલકથાને નવલકથા કહેવી,પ્રવાસકથા,અનુભવકથા,ચિંતનાત્મક કથા,કે પ્રકૃતિ નાં પ્રેમની પરિભાષાની કથા કે પૃથ્વી પર જીવતાં જીવની સત્યકથા કે આ બધું જ. મને તો તેમના પુસ્તકોમાં આ બધુંજ દેખાય છે. અને એટલે જ સાહિત્યકારો પણ તેમના પુસ્તકનું વિવેચન કરી એમને પારિતોષક આપી નવાજે છે અને એટલે જ એક જ પુસ્તકને બે જુદી કેટેગરીમાં એવોર્ડ મળે છે. તેમનું “ઊંધું વિચારવાની કળા “એટલે કે બીજા કરતાં અલગ વિચારવાનો નજરિયો એમને બીજાથી ઊફરા લેખક તરીકે ઓળખ આપે છે.
 
તેમનાં પુસ્તકોનાં નામ પણ ખૂબ ગુઢાર્થ ધરાવતાં અને સામાન્ય પુસ્તકો કે નવલકથાઓ કરતાં એકદમ જુદાં જ છે.અકૂપાર,તત્વમસિ,ન ઈતિ,અતરાપી,તિમિરપંથી,લવલી પાન હાઉસ,પ્રતિશ્રુતિ – બધાં જ નામમાં એક ગુઢાર્થ છુપાએલ હોય છે.તેનો અર્થ પણ નવલકથાનાં નિચોડને પીરસતો હોય છે.તેમજ તેમાંથી પણ જીવન જીવવાનો એક જરૂરી સિધ્ધાંત તેની આધ્યાત્મિકતા સાથે દર્શાવાતો હોય છે.થોડું અઘરું લાગ્યું ને,આવો અત્યારે આપણે પહેલા વાત કરીએ અકૂપારની.
 
અકૂપાર એટલે જે કૂપ ભાવને પામતો નથી તે.જે કૂવા જેવો નથી ,વિશાળ દરિયા જેવો છે. અકૂપાર એટલે જ સૂર્ય અને દરિયાને પણ અકૂપાર કહેવાય અને અકૂપાર નામનો કાચબો છે. જૂની માન્યતા મુજબ પૃથ્વી એ કાચબા પર સ્થિત છે. જેમ અકૂપાર કાચબા પર સ્થિત પૃથ્વી છે ,તે કાચબો ચિરંજીવ છે તેવીજ રીતે ગીર પણ ચિરંજીવ છે. આ અકૂપાર કાચબો ચિરંજીવ છે તેની મહાભારતમાં આવતી સુંદર કથાને આવરી લઈ ધ્રુવદાદાએ અકૂપાર કાચબાની ચિંરંજીવતાની સુંદર વાત અકૂપાર પુસ્તકનાં છેલ્લા પ્રકરણમાં કહી અકૂપારનો અર્થ શાસ્ત્રોક્ત રીતે સમજાવી દીધો છે.
 
મહાભારતનાં વનપર્વમાં જ્યારે માર્કણ્ડેય ઋષિ યુધિષ્ઠિરને ઈન્દ્રધુમ્ન રાજાની કથા સંભળાવે છે,ત્યારે કહે છે કે ઈન્દ્રધુમ્ન રાજાને દેવદૂતો તેમનાં પુણ્યનો ક્ષય થયો હોવાથી સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલે છે.રાજાએ પોતાના પુણ્યોની પુરાંત હોવાનું જણાવ્યું પણ તેની સાબિતી કોણ આપે ? તે સમયે રાજા પૃથ્વી પર આવે છે.હિમાલય નિવાસી પ્રાવારકર્ણ ધૂવડ અને નાડીજંઘ બગલો તેની સાબીતિ નથી આપી શકતા ત્યારે ચક્રમણ સરોવર એટલે કે ગાયોની ખરીઓથી ખોદાએલ સરોવરમાં રહેલ ચિરંજીવ કાચબો અકૂપાર ,રાજાનાં પુણ્યોની સાબિતી ભાવવિભોર થઈ આપે છે.
 
આમ અકૂપાર કાચબા જેટલું જ ગીર પણ ચિરંજીવ રહેશે અને આપણી સંસ્કૃતિની રક્ષા કરતું રહેશે,તેમ તેમનાં નવલકથાનાં નામમાં જ આપણને ધ્રુવદાદા સમજાવી દે છે.
 
બીજું ,આ અકૂપાર નવલકથાનાં બધાંજ પાત્રો આઈમા,સાંસાઈ, લાજો,મુસ્તફા,આબીદા,ધાનુ હોય કે પછી રતનબા ,બધાંનાં સંવાદોમાં તેમનાં જીવનમાં અંતરની અને અનંતની વિશાળતાની ઝાંખી થાય છે, તેમના વિચારોમાં કે વર્તનમાં ક્યાંય સંકુંચિત માનસિકતા દેખાતી નથી.ધાનુ સિંહની તરાપથી , ગીરને જોવા આવનાર પ્રવાસી કિરણને બચાવવા વચ્ચે ઊભો રહી સિંહનાં પંજાનો શિકાર બને છે .કિરણને બચાવવા ધાનુ ઘવાઈને લોહીલુહાણ પડ્યો હોય તેને દવાખાને લઈ જઈ ,બચાવવાને બદલે કિરણ અને દોશીસાહેબ ગાડી ભગાવી ભાગી જાય છે .ત્યારે પણ આ વિશાળ દિલનાં ગીરવાસી ધાનુની મા રતનબા કહે છે,”જીનેં જી પરમાણ.” એટલે જેના જેવા વિચારો તેવીરીતે તે વર્તે.અને વળતો જવાબ આપતા વેદનાભર્યું હસીને કહે છે ,” સિકારી તો ટુરિસને બસાવે જ ને! આવે ટાણે સિકારી પાસો પડે તો તો કાસબો હલી જાય.”અને તેનો અર્થ સમજાવતાં કહે છે” જી નું જી કામ ,ઈં ને ઈ પરમાણ.પ્રથવી જીની ઢાલ માથે ઊભી સે ,ઈ કાસબાને આવડો બધો ભાર ઉપાડવાનું કંઈ કારણ? તો યે તે ઈ ભોગવે સે. ઈ કાસબો ખહી જાય તો તારું ને મારું સ્હું થાય?” તેમના સંવાદોમાં નરી નિ:સ્વાર્થતા,અને હ્રદયની સચ્ચાઈ સાથેની વિશાળતા નીતરે છે .
 
તો સંધ્યાટાણાંનાં આછા અજવાસમાં રાજકોટનાં પ્રદર્શન માટે ,જૈફ ઉંમરે પોતાની દ્રષ્ટિની કે આંખોની ચિંતા કર્યા વગર કેટલા બધાં લોકોની આંખો તેમના ચિત્રોને જોઈને ખુશ થશે તેમ વિચારી આઈમા કહે છે,”હજાર આંખને જોવું જડે એમાં મારી એકની આંખ દુ:ખાડું તોય સ્હું? કીધું સે ને કે જોણું સે તો આંખ્યું સે.”આંખ છે તો જોવાનું છે તેમ નહીં.
 
અને ધ્રુવદાદા જાણે અનંત આકાશમાંથી ઉદ્દભવી દોટ મૂકતાં હોય તેવા ,એક પછી એક ઘસી આવતાં મોજાં પર ચિત્રોનાં દ્રશ્યોની જેમ ,ગાઈ ઊઠતાં સંભળાય છે,
‘દ્રશ્ય છે તો દ્રષ્ટિ છે’
‘શબ્દ છે તો વાચા છે’
‘નાદ છે તો શ્રવણ છે’
‘રસ છે તો સ્વાદ છે.’
‘સ્પર્શ છે તો સ્વાદ છે’
‘સૌરભ છે તો…..
તેમજ આઈમા સંધ્યા ટાણે બહાર બેસીને ચિત્ર કરતાં હતાં ત્યારે તેમને પૂછ્યું કે મા રાત્રે બહાર બેસીને કામ કરશો તો કોઈકને ચોકી કરવા બોલાવી લ્યો ,રાતના બહાર સિંહ-બિંબ આવશે તો ! ત્યારે પણ આઈમા હસીને કહે છે,”કોયને બરક્યા નથ્ય,સ્હાવજ મને ક્યાંય નંઈ કરે,ઈય જાણે કે આ ડોહી આપડી વૈડ નંઈ.મારી હારે બાંધીને સ્હાવજની આબરૂ જાય,ઈનાં ભાયબંધું ખીજવે કે તને કોય તારી વૈડનું મળ્યું નંઈ?મારી મારીને એક ડોસીને મારી?ભલે સારપગો ,પણ હંધુંય સ્હમજે.”
આમ ગીરનાં સાવજની વફાદારી પર ગીરનાં લોકોમાં અભૂતપૂર્વ વિશ્વાસ હોય છે તેમજ ગીરવાસીઓનો સાવજપ્રેમ અને પ્રાણીપ્રેમ પણ ઠેરઠેર દર્શાવ્યો છે.
 
આમ જીવનનાં અણમોલ સિધ્ધાંતો સમજાવતાં અકૂપારનાં સંવાદો અને આમ જોઈએ તો અકૂપાર દ્વારા તેના લેખક ધ્રુવદાદાએ સમજાવેલ વાતો,અંતરની વિશાળતા,પ્રેમની પરિભાષા અને અકૂપારતાને સમજાવી જાય છે.અને દાદાનું જ એક સરસ ગીત વાંચો,”
 
ક્યાં કહું છું હું ને તું એક હોવા જોઈએ.
માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.
 
એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી.
શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.
 
સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે
પણ બધાંની દ્રષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.
 
જિગીષા દિલીપ
ર મા્ર

સંસ્પર્શ-2 જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube

ગાય તેના ગીત’ આવું નામ આપી ,ક્યારેક વાદળને વરસાદ સાથે વાત કરતાં ,તો ક્યારેક પ્રેમની પરિભાષા શીખવતા ગીત ધ્રુવદાદાએ લખ્યાં છે.ક્યારેક માછલીની આંખની ભીનાશને વર્ણવતાં,લય અને શબ્દોનાં સાયુજ્ય સાથેનાં દરિયો,ડુંગરા,અને ગાઢ જંગલોમાં અનહદનો અનાહત નાદ સંભળાવતાં ધ્રુવદાદાનાં ગીતો તેમણે ગાનારનાં કરી દીધાં છે.આજનાં કલિયુગમાં લેખકો,કવિઓ અને સાહિત્યકારો પોતાની લખેલ એક લીટી કે શબ્દ માટે પણ પોતાના નામની માંગણી કરે છે ,ત્યારે દાદાએ તો પોતાની લય સાથે વહાવેલી લાગણીઓને ગીત ગાનારાને નામે કરી દીધી છે.અને ધ્રુવદાદા તેમના ગીતો ગાનાર સાથે પ્રેમથી વહેંચતા કહે છે,
તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત કહો મારા કહેવાય કઈરીતે?
 
ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે કે ચાલ જઈ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તે એવડાં તો કેવડાં કે મારું છે ચાલ કહી ગજવામાં ઘાલીએ
 
જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત હવે મારાં કહેવાય કઈરીતે
 
આમ ગીતને ગાનાર સૌનાં કરી દેનાર ધ્રુવદાદા પર એક દિવસ કલક્ત્તાનાં એક બાઉલનો (baul)ફોન આવ્યો કે ‘ધ્રુવદાદા મને તમારું એક ગીત મોકલો મારે તમારું ગીત ગાવું છે.’આ બાઉલને તેમણે ગીત લખીને મોકલ્યું અને બાઉલ એટલે કોણ અને તે લોકોની શરુઆત કરનાર લાલોનની સુંદર વાત દાદાએ મને કરી હતી તે કહું.
 
“બંગાળ અને કલકત્તાની એવી એક જાતિના લોકો છે જે તંત્ર,વૈષ્ણવ ,સુફીસમ,બૌધ્ધિસમ આ બધાં ધર્મોને ભેગા કરી બનાવેલ જુદા ધર્મમાં માને છે અને ગાઈ બજાવી પોતાનું ગુજરાન ચલાવે છે.આ બાઉલ લોકો ભગવા કપડાં પહેરી ભજનો પોતાની મસ્તીમાં મસ્ત થઈ ગાય છે .આ બાઉલ શબ્દ Vtula પરથી આવ્યો છે.Vtula means Vyakula. આ બાઉલને લોકો પાગલ ગણે છે. પણ બાઉલ લોકો પોતાના ગીત-સંગીત અને ભજનોમાં મસ્ત બની ભગવાન સાથે જોડાઈ જવા માંગે છે. તેમને નાતજાત ,ધર્મનાં વાડા નથી હોતા.દાદાએ આ બાઉલ પ્રથાની શરુઆત કેવીરીતે થઈ તેની પણ વાત મને સરસ રીતે સમજાવી હતી.
 
લાલોન નામનો એક છોકરો હતો. તે તેના શેઠ સાથે કામ કરતો હતો. શેઠને જગન્નાથ પુરી જવાનું થયું તો આ લાલન પણ શેઠની પાલખી સાથે ચાલે અને શેઠને પાણી કે જે વસ્તુ જોઈએ તે લાવી આપી ,પાલખી જોડે ચાલતાં ચાલતાં શેઠની સેવા કરે. રસ્તામાં હતાં ત્યાંજ લાલોનને શીતળા નીકળ્યા એટલે શેઠ તેને રસ્તામાં છોડીને આગળ નીકળી ગયાં. લાલોનને બેભાન અવસ્થામાં જોઈ એક મુસ્લિમ દંપતી લાલોનને પોતાને ઘેર લઈ ગયાં અને તેની સેવા કરી ,તેને સાજો કર્યો. સાજા થઈ ગયાં પછી લાલોન તેના ઘેર પાછો ગયો તો તેના માતા-પિતાએ અને ગામનાં લોકોએ ‘તું વટલાઈ ગયો છે’કહી, ઘરમાંથી કાઢી મૂક્યો. લાલોનને કંઈ સમજાયું નહીં કે ‘હું કેવીરીતે વટલાઈ ગયો? ‘આ ધર્મ અને નાત-જાતનાં ભેદભાવ પર તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તે ગામને છેવાડે જઈ ,ફકીર બની તંબૂરા સાથે ભજન ગાઈ રહેવા લાગ્યો. આ લાલનની સાથે જે લોકો જોડાયા તે બાઉલ લોકો ગામનાં છેવાડે ભજન ગાઈને પોતાનો જીવન નિર્વાહ કરે અને આ લોકો બાઉલ તરીકે બંગાળ અને કલકત્તામાં ઓળખાય છે.આ બાઉલ ફકીરો ભગવા કપડાં પહેરી ભજનો ગાય છે અને કોઈ નાત-જાતનાં કે ધર્મનાં વાડામાં માનતા નથી.
 
જે નાતજાત અને ધર્મનાં વાડામાં પોતે પણ નથી માનતા અને પોતાનાં ગીત ગાઈને પ્રકૃતિ સાથે જોડાઈ પરમ સાથે જોડાવવાનો આનંદ લે છે,તે ધ્રુવદાદાએ આવું સરસ ગીત “અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું“બાઉલને લખીને મોકલ્યું .આ ગીત તેમનાં “ગાય તેનાં ગીત” પુસ્તક ની પ્રસ્તાવનાનું ગીત છે.
 
હમણાં જ ક્યાંક સાંભળ્યું હતું કે અંતરમાં અજવાળા પાથરવા અજવાળાનાં સાત મેઘધનુષ રંગોની જરુર પડે. તે રંગો છે જ્ઞાન,સત્ય,પ્રેમ,સર્જન,સેવા,શ્રધ્ધા અને આનંદનાં રંગો.આ સાત રંગો તમે પામી શકો તો તમે જીવનમાં અજવાળું પ્રાપ્ત કરી શકો. સ્વપ્નવત્ જીવનમાંથી જ્ઞાનનાં પ્રકાશને પાથરી ભીતરને જગાડવાનું છે.ધ્રુવદાદાએ કેટલી સરસ વાત કરી કે ‘નીંદર ઓઢી તું આંખો ખોલ.’ પ્રેમ અને સત્યનાં જ્ઞાનથી કરાએલ આ સર્જનનો સ્પર્શ મને કોઈ અનોખા આનંદ તરફ ખેંચી જાય છે.આગળનાં શબ્દો તો જૂઓ,
 
અમે પરોઢિયે વહી આવ્યો ટહુકો સાંભળ્યો
 
વૃક્ષોને પૂછ્યું કોનો આ બોલ
 
પાને-પાન ઊછળતી ચમકી ચાંદની
 
શબદ કહે તું સાતે સાંકળ તોડ
 
શબદની સાંકળ ખોલી બોલવાનું નથી પણ મૌનનો મહિમા કરવાનું આપણને ધ્રુવદાદા શીખવે છે.માણસ સૌથી ખુશ ક્યારે થાય છે? જ્યારે તે પોતાની જાતને ભૂલી પ્રકૃતિનાં સર્જનમાં ખોવાઈ જાય છે.હિમાલયનાં બરફાચ્છાદિત પહાડોની વાદીઓમાં, ખળખળ વહેતી નદીનાં પ્રવાહ પાસે,કૈલાસની પરિક્રમા કરતાં ,૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ પૂનમની રાતે ,નભમંડળનાં ચમકતાં તારલાઓની રજાઈ નીચે ઊભા રહી, ખુદને ભૂલી ચાંદની રાતમાં ખોવાઈ જાવ તે જ શું મોક્ષ નથી?સત્ ચિત્ આનંદ એટલે સ્વ ને ભૂલી જવું.એ અનુભવ જ રુચિકર,અદ્વિતીય,અનોખો અને અદ્ભૂત હોય છે.પ્રકૃતિ પાસે જવા માણસ પ્રેરાય છે કે તેની પાસે જઈ માણસ એવો આનંદ મેળવે છે કે તે મેળવ્યા પછી તે બધું ભૂલી એમાં ખોવાઈ જાય છે.બધું ભૂલી ,તમારી જાતને પણ ભૂલી ,ખોવાઈ જવું તે જ મોક્ષ અને તે જ ધ્યાન નથી શું?
 
અજવાળાની યાત્રા સહેલી નથી પણ ધ્રુવદાદાની આંગળી પકડી ચાલીશું ,તો જરૂર સફરમાં આગળ વધાશે ખરું! દાદા આપણને રસ્તો બતાવવા દીવો તો ધરશે જ.શબદને છોડી ,અક્ષરને ગ્રંથોમાં વાંચી રટવા કે ઓળખવાનો બદલે દાદા શું કરવાનું કહે છે તે તો સાંભળો,
 
અમે ગ્રંથોને ખોલ્યા ને કોરા સાંભળ્યા
 
અક્ષર બોલ્યા ઓળખવાનું છોડ
 
અમે
 
‘નહીં ગુરુ’ ‘નહીં જ્ઞાન ‘લઈ નીકળ્યા
 
ડુંગર માથે રણકી ઊઠ્યા ઢોલ.
 
અને મને યાદ આવે છે કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ ,
 
તું રાખ ભરોસો ખુદપર,તું શાને શોધે છે ફરીસ્તાઓ,
સમંદરનાં પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
તોય શોધી લે છે રસ્તાઓ…..
 
આપણે ત્યાં કવિવર ટાગોરની ,શરદબાબુ અને બંકીમચંદ્રની કવિતાઓ અને વાર્તાઓનો બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયા છે અને આપણે વાંચ્યાં છે. પણ ધ્રુવદાદાનું આ ગીત
‘ અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું,માટી ફંફોસી તો મહોર્યા મોલ’
ધ્રુવદાદાએ આ બાઉલ લોકોને માટે લખીને મોકલ્યું ,જે તે લોકોએ બંગાળીમાં અનુવાદ કરીને ભાવથી ગાયું.જે તમે અહીં મૂકેલ યુ ટ્યુબમાં માણી શકશો.
 
ધ્રુવદાદાનાં ગીતો તેમણે પાઠ્યપુસ્તકનાં ઇતિહાસને ચાતરીને મનુષ્યનાં નૈસર્ગિક ઇતિહાસને સમજવા મથતાં માનવબાળને અર્પણ કર્યા છે.શબનમ વિરમાણી,વિપુલ રીખી,રાસબિહારી દેસાઈ,જન્મેજય વૈધ,ક્ષેમુભાઈ દિવેટીયા,અમર ભટ્ટ જેવા ખૂબ ઊંચાં ગજાનાં અને હવેતો નીલા ફિલ્મ્સનાં અનેક સુંદર ગાયકોએ ધ્રુવગીત ગાઈ ઘ્રુવગીતને પોતાનાં સ્વર આપી આપણા સુધી પહોંચાડ્યાં છે.
 
ધ્રુવદાદાનાં આવા જ મનને પ્રફુલ્લિત કરી મોજ કરાવતાં અને જીવનની સાચી ફિલસુફી સહજતાથી સમજાવતાં બીજા ગીતની વાત કરતાં મળીશું આવતા અંકે.
 
જિગીષા દિલીપ
૨/૨/૨૦૨૨
https://youtu.be/OyV8-g7dxUI

‘સંસ્પર્શ’ શ્રેણી-૧-જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtubeમિત્રો,
મારે વાત કરવી છે એવી વ્યક્તિની કે જે પ્રેમાળ,પારદર્શી અને પ્રકૃતિપ્રેમી છે.૧૯૪૭માં ભાવનગરનાં નીંગાળા ગામમાં જન્મેલ અને હાલ કરમસદમાં રહેતા આ લેખકને કોઈએ કેમ ઋષિ લેખક કહ્યા છે? કારણ તેની પાસે સમગ્ર સૃષ્ટિને પોતીકી ગણી ,તેની સંવેદના સૌને વહેંચવાની વૃત્તિ છે.આ સર્જક પ્રકૃતિની સંવેદના અને નાના નાના માણસની કરુણાને ઝીલીને તેને શબ્દબધ્ધ કરવાનું સામર્થ્ય ધરાવે છે.સુખ અને આનંદની વ્યાખ્યા જગતે નક્કી કરી તેમ નહીં પણ પોતાની અનુભૂતિનાં ઊંડાણથી અનુભવીને તેમણે કરીછે.
નભમંડળમાં અનેક તારલાઓ ટમટમતાં હોય છે, પણ તે બધામાં યે જુદો પડી અચલ ,અવિરત નોખો નિખરી આવતો ,પોતાનાં તેજ અને પૂંજ થકી ટમટમતો ધ્રુવનો તારો કેવો અનોખો લાગે છે! સાહિત્યનાં નભાકાશમાં પણ પોતાના નોખા સર્જન થકી અનોખા તરી આવતા ધ્રુવદાદાની વાતો મારે કરવી છે.તેમના ગીતો સાંભળતાં અને નવલકથાઓ વાંચતાં જે વાત મનને સ્પર્શી ગઈ અને શરીર-મનમાં ક્યારેક ઝણઝણાટી કે પરમ સાથેનાં પમરાટ પામવાની અને જીવન જીવવાની સાચી અને સરળ વાત સમજાવી ગઈ તે સ્પર્શને તમારા સુધી પ્રસરાવવાનો નમ્ર પ્રયત્ન કરવો છે.
તમે ચાલતાં ચાલતાં ઊભા રહી ઝાડ સાથે વાત કરી છે? ખુલ્લા પગે ,વહેલી સવારે લીલાછમ્મ ઘાસ પર પડેલાં ,સાચાં મોતી જેવાં ઝાકળને જોઈને સાચાં મોતી જોયા હોય તેવો આનંદ મેળવ્યો છે? સાગર કિનારે ઊભા રહી વેગ અને ધૂધવાટનાં આવેગ સાથે આવતા મોજાને જોઈ ,તમારો પ્રેમી તમને પ્રેમથી ભીંજાવવાં દોડીને મળવા આવી રહ્યો હોય તેવો ઉન્માદ અનુભવ્યો છે? નદીની રેતીમાં છીપલાં વીણતાં બાળકને જોઈને તમારાં બાળપણની નિર્દોષતા સ્મરી છે?અને તમારા ગામની નદી સાથેની માતા જેવી મમતા નદીમાં પગ બોળી અનુભવી છે? વરસાદમાં કાળા ભમ્મર વાદળો સાથે વાત કરી તમારાં પ્રિયજનને સંદેશા મોકલ્યા છે?વાદળનાં ગડગડાટમાં પરમને ઘોડે સવારી કરી,હણહણાટ કરતાં ઘોડાઓ સાથે વીજળીનાં ઝબકારામાં ચમકારો જોયો છે?પવનની સંગ ફૂલોને ડોલતાં જોઈ તેની સાથેની પ્રીત તમે સ્પર્શી છે?સૂરજનાં તેજને બંધ આંખોમાં ભરી હ્રદયમાં ઉતારી પરમની જ્યોતને ભીતરમાં જોવા પ્રયત્ન કર્યો છે? પૂનમની ચાંદનીને ધૂંટડે ઘૂંટડે પીને તમારાં ઘરની મીણબત્તી ઓલવી, ચાંદનીની શીતળતાને રોમે રોમમાં ભરી રોમાંચિત થવાનો પ્રયત્ન કર્યો છે?
તો આઓ,કરીએ આ અનુભવની અનુભૂતિનેા સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન. પ્રકૃતિનાં પંચમહાભૂત તત્વો સાથે એકાત્મ કેળવી ,માનવતાનો ધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે ,અને પ્રકૃતિમાં જ પરમનો અનુભવ છે,પ્રેમ સર્વત્ર વ્યાપ્ત છે,તેમ તેમના સર્જન અને ગીતો દ્વારા સમજાવતાં ધ્રુવદાદાની વાત કોઈને ન સ્પર્શે તો જ નવાઈ?
ખાદીનાં સદરામાં કોઈપણ જાતનાં દેખાડા વગર,હિંચકાં પર,સાવ સાદા ઘરમાં ,હીંચકતું વ્યક્તિત્વ એટલે ધ્રુવદાદા.જેવી વાતો તેવું જ વર્તન કરે એ ધ્રુવદાદા.ગામડાંનાં આદિવાસી બાળકો સાથે ,તેમની વચ્ચે બેસી બાળક બની ,અચરજ પામતા વિસ્મય જેમણે મેળવ્યું છે અને પ્રકૃતિમાંથી આધ્યાત્મિકતા પામતા ધ્રુવદાદાની વાત મારે તમારી સાથે વહેંચવી છે.
ધ્રુવદાદાએ તેમનાં સર્જનો દ્વારા માણસોનાં કોયડાઓ ઉકેલવાની વાત કરી છે.ધર્મ એટલે માનવતા અને દરેક માણસમાત્રને પ્રેમ કરવો અને અખિલ બ્રહ્માંડને પોતીકું બનાવી આખી સૃષ્ટિનાં સર્જનને પ્રેમ કરી,કંઈક પામવું.અને પામતાં પામતાં ભીતરનાં અંધકારમાં અજવાળું કરવા પ્રયત્ન કરી અંતરમાં ઝાંખવું. આમ ઝાંખતાં ઝાંખતાં ધ્રુવદાદા ગાઈ ઊઠે છે,
અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું
માટી ફંફોસી તો મહોર્યો મોલ
અમે સપનું ઢંઢોળ્યું તો ભીતર બોલિયું
તું નીંદર ઓઢી લઈને આંખો ખોલ
અમે પરોઢિયે વહી આવ્યો ટહુકો સાંભળ્યો
વૃક્ષોને પૂછ્યું કોનો આ બોલ
પાને પાન ઊછળતી ચમકી ચાંદની
શબદ કહે તું સાતે સાંકળ તોડ
અમે ગ્રંથોને ખોલ્યા ને કોરા સાંભળ્યા
અક્ષર બોલ્યા ઓળખવાનું છોડ
અમે
‘નહીં ગુરુ ‘ ‘નહીં જ્ઞાન’ લઈને નીકળ્યા
ડુંગર માથે રણકી ઊઠ્યા ઢોલ
જિગીષા દિલીપ
૨૬-૧-૨૦૨૨

અજ્ઞાતવાસ -૫

રીઝલ્ટનું રીઝલ્ટ

ડરબી પછી તો અમે સૌ માલદાર અને સ્કુટર ,ગાડીનાં માલિક બની ગયાં હતા.ઈન્ટર સાયન્સનાં રીઝલ્ટનાં આગલે દિવસે હું તો પાસ જ છું એવા વિશ્વાસ સાથે મોડી રાત સુધી મિત્રોની ટોળકી સાથે મઝા કરતો હતો.આ વખતે તો મેં,મારા બદલે પરીક્ષા આપવા ડમી તરીકે,બી.એસ.સીનાં છેલ્લા વર્ષમાં ભણતાં જરુરીયાતમંદ વિદ્યાર્થીને બેસાડવા ,પૈસા ટ્યુશન સરને આપ્યા હતાં.મિત્રો ચિંતા કરતા હતાં રીઝલ્ટની ,પણ હું તો એકદમ ખુશ હતો અને બીજે દિવસે પાસ થવાની પાર્ટી અંગે વિચારતો હતો.રીઝલ્ટની આગલી રાત્રે મોડો ઘેર આવ્યો ત્યારે રુખીબાએ બારણું ખોલ્યું.તે રોજ હું ઘેર પાછો ન આવું ,ત્યાં સુધી જાગતાં જ હોય.મારા શર્ટમાંથી સિગરેટની વાસ આવે એટલે મને કહેતાં “ નકુલ, શર્ટ પાણી ભરેલ ડોલમાં પલાળી દે જે.” શશી જાણશે તો આવી બનશે!

મને સાથે બેસાડી કેટલીએ વાર પ્રેમથી સમજાવતાં “બેટા! તું આ ખોટી ટેવનાં રવાડે ચડ્યો છું,હજુ શોખથી કે દેખાડો કરવા પીતો હો તો બંધ કરી દે.જો ,હવે આ છીંકણીં મારાથી છૂટતી નથી અને તને ખબરછે ને?શશી કેટલી ગુસ્સે થાય છે!
મારી રોજની સવાર ભાઈ (પપ્પા)અને (મમ્મી)બહેનનાં પ્રેમભર્યા સંવાદથી પડતી.બહેન,ભાઈને વહેલી સવારે ચા આપતાં પૂછતી” શું પટેલ,આજનો શું પ્રોગ્રામ છે? કયા નાટકનો શો છે આજે?કે કયા નાટકનું રીઅલસર છે ?બંને જણાં અઠવાડિયામાં એકાદ નાટક જોવા પણ સાથે જતાં.તેમની વચ્ચે ખૂબ સુંદર કેમેસ્ટ્રી હતી.તેઓ એક બીજાનાં પર્યાય હતાં.ઝઘડો કે ઘાંટાંઘાંટ મેં ક્યારેય મારાં ઘરમાં જોયા જ નહોતા.ભાઈ રાત્રે ગમે તેટલા મોડા આવે,તો પણ બહેન ઊંઘમાંથી ઊઠીને તેમને જમવાનું ગરમ કરી પીરસતી.રુખીબા તો બહેનને દીકરીથીએ વધુ પ્રેમ કરતા.માત્ર મને રોજ બટાકાની ચિપ્સ કરી આપે કે મારાં ઈસ્ત્રી કરેલ કપડાં મારાં કબાટમાં રુખીબા ગોઠવી આપે ત્યારે બહેન બૂમાબૂમ કરતી કે ‘ બા,તમે નકુલને સાવ બગાડી દીધો છે,થોડું કામ તો એને જાતે કરવા દો.અને આ બટાકા ખવડાવ્યા કરો છો તો લીલાં શાકભાજી કે ફુ્ટ્સ ખાતાં ક્યારે શીખશે?

બહેનને હાઈ બ્લડપ્રેશર રહેતું.તેથી જ્યારે તેનું ધાર્યું ન થાય,તો તે ગુસ્સે થઈ જતી. નહીંતો તેનો ચહેરો તો સદાય હસતો ,અને તેનાં ખુલ્લા હાસ્યનાં અવાજથી અમારું ઘર ગુંજતું રહેતું.
પણ તે દિવસની સવાર ખૂબ હતાશાભરી ઊગી!! મેં બહેનનો રડવાનો અવાજ સાંભળ્યો.ભાઈ શાંતિથી તેને સમજાવી રહ્યા હતા.”જો,શશી,આપણા બાળક પર આપણાથી કોઈ જાતની જબરદસ્તી ન કરાય.એવું કરતાં તેનો વિકાસ રુંધાઈ જાય.નકુલને ડોક્ટર ન બનવું હોય તો,તેને જે કરવું હોય તે ખુશીથી કરવા દે.તું મારી જ વાત જો,કેટલો નાનો હતો અને બાપાજી ગુજરી ગયા.હું ,રુખીબા સાથે મામાને ઘેર જ મોટો થયો.ઉદ્યોગપતિ મામા મને પણ તેમનાં દીકરાઓની જેમ બિઝનેસમેન બનાવવા માંગતાં હતાં,પણ મારે નાનપણથી એક્ટર જ બનવું હતું ,તો હું ઘરમાંથી ભાગીને મુંબઈ આવ્યો અને એક્ટર જ બન્યોને? જો તારા સહકારથી હું આજે એક્ટર બની કેટલો ખુશ છું જિંદગીથી!ખરું ને?”
બહેન રડતાં રડતાં બોલી” આ નાટકમાંથી તમે થોડું ધ્યાન નકુલ પર આપ્યું હોત તો તે નપાસ ન થાત!”
બહેનનાં દુખી અવાજમાં બોલાએલ આ શબ્દેા સાંભળી હું પથારીમાંથી સફાળો ઊભો થઈ ગયો! ત્યારે રીઝલ્ટ છાપામાં આવતું. બહેન વહેલી સવારે ઊઠી છાપામાં મારો નંબર શોધી રહી હતી,નહીં મળતાં તેણે ભાઈને ઊઠાડ્યા. બહેનની રડારોળ જોતાં જ રુખીબા મારા રુમમાં આવી મને છાતી સરસો ચાંપી બોલ્યા” બેટા!શશી ગુસ્સામાં છે,તું નાપાસ થયો પણ ચિંતા ન કરતો ,ફરીથી પરિક્ષા આપી દે જે !પણ શશી બહુ દુ:ખી છે તેને માફી માંગી ,ધીમેથી સમજાવજે.”
હું પણ એકદમ આઘાતમાં હતો. ત્યાં જ યોગાસરનો ફોન આવ્યો ,”નકુલ,મારે તારી સાથે અગત્યની વાત કરવી છે!
મેં ધીરેથી કહ્યું “પછી વાત કરીશું”

ત્યાં તો યોગાસર એકી શ્વાસે બોલી ગયા”જે ડમી તરીકે બેસવાનો હતો તે છોકરો છેલ્લી ઘડીએ પકડાઈ જવાની બીકે ગભરાઈ ગયો અને પરીક્ષા આપવા ગયો જ નહીં અને પૈસા સાહેબને પાછા આપી ગયો.સાહેબોની તારી સાથે વાત કરવાની હિંમત ન હતી.એ પૈસા સાહેબો તને પાછા આપવા મને આપી ગયાં છે”હું ચોંકીને સાંભળતો જ રહ્યો.
પછી મનમાં જ બબડ્યો”પણ પૈસાને હું શું કરું ? મારે તો પાસ થવું હતું.”
હું બહેન પાસે જઈ બેઠો.હું તો ઇચ્છતો હતો કે “ભાઈ મને કહી દે ….કે નીકળી જા ઘરની બહાર ના ભણવું હોય તો અને બહેન ગુસ્સે થઈ મારાં ગાલ પર બે ત્રણ તમાચા લગાવી દે. પણ એ બંનેએ આવું કંઈ જ ન કર્યું.
અને મારે ….મારે પણ મેં તેમને છેતર્યા માટે તેમની માફી માંગવી હતી ….પણ હું ખૂબ દુ:ખી ચહેરે ,ચૂપચાપ નીચે મોંઢે બેસી રહ્યો.
બહેન તો ખૂબ દુ:ખી થઈને હિંબકા ભરીને રડી રહી હતી.ભાઈ કહી રહ્યાં હતાં,” શશી ,નકુલ એક વર્ષ નાપાસ થયો તો
કંઈ દુનિયા ઊંધી નથી પડી જવાની.એક વાર નાપાસ થયો તો હવે તેને તેની જવાબદારીનું ભાન થશે.જો,એને તો ડોક્ટર થવું જ નહોતું.આપણી ઈચ્છા તેના પર થોપી તેનું જ આ પરિણામ છે.
બહેનનું મન તો ચાર સાહેબ રાખ્યા છતાં હું નાપાસ થયો તે માનવા તૈયાર જ નહોતું.બહેન કહેતી હતી”,મારી બંને દીકરીઓ જૂઓ!નીના ડોક્ટર થઈ અને હર્ષા ડીઝાઈનર ,બંને ડબલ ગ્રેજ્યુએટ થઈ અને અમેરિકામાં જઈને ત્યાં પણ ફરી M.S કરે છે અને મારો દીકરો ઈન્ટર સાયન્સમાં નાપાસ? અને તે પાછી રડવા લાગી….
ટીનાનાં ઉપરાઉપરી ફોન આવતા હતાં,હું ફોન ઉપાડતો નહોતો.ભાઈએ કીધું “બેટા,તું ફોન લે,તારા મિત્રો તને ફોન કરી રહ્યાં છે.” 
એમાં ફોન ઉપાડ્યો તો ટીના ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.”નકુલ ! કેવીરીતે આવું થયું? ચાલ,પેપર રીચેક કરાવવા ,આજે જ એપ્લીકેશન આપી દઈએ.”
હું થોડીવાર ફોન પકડી ઊભો રહ્યો…..હું પછી ફોન કરું છું કહી મેં ફોન મૂકી દીધો.
હું હતપ્રભ થઈ ગયો હતો.મને અસીમ પ્રેમ કરતાં મારાં માતાપિતાના હ્રદયને મેં આટલી બધી ઠેસ પહોંચાડી!!તે વાતથી હું હલી ગયો હતો.હું ગમે તેમ કરી તેમને ખુશ કરવા માંગતો હતો.
એ સમયમાં ઈન્ટર સાયન્સમાંથી અધવચ્ચેથી કોમર્સ જવાતું નહોતું.તપાસ કરતાં વલ્લભ વિદ્યાનગરમાં એ જ વર્ષે B.B.A. નો કોર્સ (બેચલર ઈન બિઝનેસ એડમીનીસ્ટ્રેશન)નવો શરુ થયો હતો.ભાઈનાં મામાના દીકરાની વિદ્યાનગરમાં બહુ મોટી ઈન્ડસ્ટ્રી હતી.તેમની ઓળખાણથી મને ત્યાં B.B.A.માં એડમીશન મળી ગયું. ફેક્ટરીનાં ડિરેક્ટર,ભાઈનાં ખાસ મિત્ર હતાં. તેમનાં ઘેર રહેવાનું નક્કી થયું.ટીના જયહિંદ કોલેજમાં હતી,તેથી તેની ઈચ્છા હતી કે હું મેટ્રીકનાં રીઝલ્ટ પર જયહિંદમાં એડમીશન લઉં ,પણ હું હવે બહેનને કોઈરીતે દુ:ખી કરવા તૈયાર નહોતો.
પરીક્ષામાં નાપાસ થયેલ હું જાણે જિંદગીમાં ફેલ ગયેલ હોઉં તેમ મને લાગતું હતું.થોડી એનર્જી અને હૂંફ મેળવવા બીજે દિવસે સવારે હું રીશેલ્યુને મળવા ગયો.રેસમાં જીત્યા પછી તો હું ને રીશેલ્યુ એકબીજા સાથે ખૂબ મઝા કરતાં.આજે મને એકદમ ઉદાસ જોઈ રીશેલ્યુ શાંત થઈ ગયો.મેં તેને જોયો ,હું તેને વળગી પડ્યો અને મારી આંખમાંથી આંસું સરવા લાગ્યા.મારાં આંસુનાં રેલા તેના ગળા પર પડ્યા અને તેના કાન ટટાર થઈ ગયા,તે વ્હાલથી તેના મોંને મારા ચહેરા પાસે અડાડી ઘસવા લાગ્યો.તેના ગરમ શ્વાસથી મને પ્રેમભરી હૂંફ આપવા લાગ્યો.તેની આંખમાંથી પણ આંસુ રેલાવા લાગ્યા.મેં રીશેલ્યુ ને જોરથી ભેટતાં રડમસ અવાજે કીધું”,રીશુ!!!હું ફેઈલ થઈ ગયો….બબુ! તને ખબર છે હવે મારે તને છોડીને દૂર દૂર જવું પડશે….મેં બધાંને દુ:ખી કર્યા છે.રીશુ ,આપણે એકબીજાને મળ્યા વગર કેવીરીતે રહીશું?????રીશુ ,તેનું મોં મારી નજીક લાવી તેની લાંબી જીભ બહાર કાઢી મને ચાટીને પ્રેમથી વ્હાલ કરવા માંગતો હતો.મેં તેની દર્દભરી આંખો સામે જોઈ તેના કપાળ પર અને મોં પર કેટલીએ પપ્પી કરી…અને મને મારી પર જ ખૂબ …ગુસ્સો આવ્યો ….મેં બધાંને કેટલાં દુ:ખી કર્યા!!!મારા રીશુને પણ…અને અચાનક હું રીશેલ્યુને છોડીને ચાલવા લાગ્યો.ક્યાંય દૂર સુધી તેની આર્દભરી હણહણાટી મને સંભળાતી રહી…..

કમને હું વિદ્યાનગર જતો રહ્યો. વિદ્યાનગર હું રહેતો હતો પણ …હાજીઅલીનાં દરિયાની વહેલી સવારની ખારી ખુશનુમા હવા,રીશેલ્યુ,રેસકોર્સ,વ્હાલી ટીના,મિત્રો ,રુખીબા,બહેન અને ભાઈ બધાં મને ખૂબ યાદ આવતાં હતાં. અને…વિદ્યાનગર તો મને સાવ જુદું ,ગામડા જેવું લાગતું હતું.ત્યાંની કોલેજનાં છોકરા-છોકરીઓ,ત્યાંનુ વાતાવરણ,બીજાને ઘેર રહેવાનું સાવ અલગ હતું…રેસ વગર ઘોડાને મળ્યા વગર જીવવાનું મને ખૂબ અઘરું લાગતું હતું.
આખી આખી રાત મને ઊંઘ નહોતી આવતી.હું પથારીમાં પાસા ઘસતો રહેતો.હારની હતાશામાં અધખુલ્લી આંખોથી ઊંઘને શોધતો …કયાંક મારામાં જ છુપાએલ કોઈને શોધતો રહેતો…મારી જાતને ફંફોસી મારામાં જ રીશેલ્યુને હું શોધતો રહેતો…સૂનકારને ખાળવા ,સપનામાં સ્મરણોની હેલીમાં ન્હાતો રહેતો…રીશુની વાસ ક્યાંક મારાં શર્ટમાં ભરાઈ ગઈ હોય તેમ જાણી મારાં શર્ટને હું સૂંઘતો રહેતો…ક્યારેક વિચારતો હમણાંજ પાછો મુંબઈ જતો રહું પણ ના …હવે ,મારે બહેનને દુ:ખી નથી કરવી અને ચૂપચાપ પથારીમાં ઊંઘવા પાસા ફેરવતો રહ્યો…
નકુલ બધું ભૂલીને વિદ્યાનગરમાં જ રહી ભણશે કે રીશેલ્યુ વગર નહીં રહી મુંબઈ પાછો જશે કે બીજું કંઈ ,જાણવા મળીએ આવતા પ્રકરણે…..

૨-અજ્ઞાતવાસ-જિગીષા દિલીપ

મારો રેસકોર્સ પ્રવેશ
એ સમય હતો ૧૯૭૩નો,મેં S.S.C.મેટ્રીકની પરિક્ષા આપી હતી. મેટ્રીકની પરિક્ષા પછીનું લાંબું ત્રણ મહિનાનું વેકેશન હતું.હું શરીરે સાવ દૂબળો અને કમર પતલી છોકરી જેવી ,ઊંચાઈ ૫.૧૦“ઈંચ ,અને ખાવામાં સાવ નબળો અને રુખીબાએ બગાડેલો.હું ખૂબ પાતળો હતો ,એટલે મારું શરીર સોષ્ઠવ જરા મજબૂત થાય માટે ગ્રાન્ટ રોડ પર આવેલ ,ઈરાનીનાં જીમમાં વહેલી સવારે મને કસરત કરવા મોકલવાનું મમ્મી-પપ્પાએ નક્કી કર્યુ. હું મમ્મીને બહેન કહેતો હતો.બહેને કીધું ,’નકુલ કાલે સવારે તારે પાંચ વાગે ઈરાનીને ત્યાં જીમમાં પહોંચી જવાનું છે.હું તને ૪.૩૦ વાગે ઉઠાડી દઈશ.મેં મિસ્ટર હિંદ ,જીમનાં માલિક સાથે વાત કરી લીધી છે.’બહેનની ઇચ્છાથી મેં પરાણે જીમમાં જવાનું ચાલુ કર્યું.
સ્વભાવે આળસુ મને મિસ્ટર હિંદનાં જીમમાં જરાપણ મઝા ન આવે.ઈરાનીને ત્યાં જીમમાં ચાર પાંચ કૂતરા અને પાંચ છ પાળેલી બિલાડીઓ હતી.તેની પી અને છી ની વાસ મારાં નાકમાં ભરાઈ જતી.મિસ્ટર હિંદ ,અખાડાનાં માલિક,શરીરે દારાસિંગ જેવા અને ૭૦ થી ૮૦ કીલો વજન રમત રમતમાં ઉપાડી કસરત કરતા. હું પાંચ,દસ કિલો વજન પણ માંડ માંડ ઊંચકી શકતો.મારી સાથે કસરત કરતાં છ સાત રુષ્ટપુષ્ટ કસાયેલા શરીરવાળા ઈરાની છોકરાઓ મને જોઈને મારી ઠઠ્ઠા મશ્કરી કરતા. મિ.હિન્દ મને કહેતા ”દીકરા,તારું કંઈ નહીં થાય! ચીકન ખા,અંડા ખા,મટન ખા ,યે દાલભાત સે તેરા કુછ નહીં હોનેવાલા સમઝા.” જે મને ગમતું નહી.મને કસરતમાં જરાય રસ પડતો નહીં ,એમાં વહેલી સવારે બસ મળતી નહીં અને ચાલીને જવું પડતું તે વધારાનું.મેં બહેનને ના પાડી કે મને જીમમાં મઝા નથી આવતી ,પણ બહેને મારું કંઈ સાંભળ્યું નહીં અને કીધું “કસરત તો શરીર બનાવવા કરવી જ પડશે.”
હું રોજ મારાં સૂરજ -કિરણ એપાર્ટમેન્ટ બ્રીચકેન્ડીથી નીકળી તારદેવ થઈ હાજીઅલી ચાલતો વહેલી સવારે નીકળતો, ત્યારે ભાયખલ્લાનાં તબેલામાં રહેતાં ઘોડા સવારે લાઈન સર તારદેવ થઈને જ હાજી અલી થઈ રેસકોર્સ ચાલતા જતાં.એ જમાનામાં રેસકોર્સ પર તબેલા હતાં નહીં.એટલે રેસનાં ઘોડાનાં તબેલા ભાયખલ્લા રાખવામાં આવતાં. મને રેસ માટે તૈયાર કરેલા રુષ્ટપુષ્ટ, સાફસુથરા, પાણીદાર ઘોડા બહુજ આકર્ષતા.ઘોડા સાથે જાણે મારે જનમ જનમનો નાતો હતો.એક દિવસ જીમ જવાને બદલે હું ઘોડાની પાછળ પાછળ તેમને ફોલો કરતો તેમની સાથે વાતો કરતો તારદેવથી રેસકોર્સ ચાલતો ચાલતો જતો હતો. મને ઘોડાની બોડીલેંગ્વેજ પરથી તેમની બધી વાત સમજાઈ જતી.હું ઘોડા સાથે ચાલતો અને તેને પંપાળી, તેના કાનમાં કંઈ કહેતો. આમ ઘોડા સાથે વાતચીત કરતો જોઈ રસ્તે પસાર થતાં લોકો મારી પર હસતા.
મહાલક્ષ્મી વટાવીને જ્યાં આગળ વધ્યો ,ત્યાં બે છોકરીઓ પોતાના ફ્લેટમાંથી નીકળી.એક જરાક શામળી ,વાંકડીયા વાળ વાળી પણ ચુલબુલી હતી.બીજી ગોરી,લાંબી છોકરી ખૂબ દેખાવડી હતી.તેણે લાંબાં કાળા વાળ પોનીટેઈલની જેમ બાંધેલા હતા,તેણે ટ્રેક સૂટનાં નેવીબ્લુ કલરનાં પેન્ટ પર રેડ અને બ્લુ રંગનું સ્લીવલેસ ટોપ પહેર્યું હતું.વહેલી સવારનાં મેકઅપ વગરનો પણ તેનો ગૌર ચહેરો એકદમ આકર્ષક લાગતો હતો.તેણે મને ઘોડાનાં કાનમાં વાત કરતો જોઈને મારી મશ્કરી કરતાં ,આંખ ઉલાળી ,કોણી મારતા તેની ફ્રેન્ડને કીધું,”જો,પેલો,ભોપો.” અને બંને મારી સામે જોઈને જોરજોરથી હસવા લાગ્યાં..મેં બ્લુ ટ્રેકપેન્ટવાળી છોકરીને ઉપરથી નીચે સુધી કરડાકી ભરી નજરે જોઈ.સહેજ આગળ ચાલીને મેં પાછળ ફરી જોયું અને જ્યાં મારી નજર તેની તરફ ફરી મળી એટલે ફરી તે બોલી,’ભોપો.’હું અંદરથી તો ખૂબ ચિડાયો પણ મારી ઘોડા સાથેની વાતમાં મને વધુ રસ હતો એટલે હું તેના તરફથી નજર ફેરવી ઘોડા સાથે આગળ આગળ ચાલવા લાગ્યો.જો કે મને તેમની હસવાની ખીખયાટી થોડી સંભળાઈ એટલે મેં પાછા વળીને જોયું એટલે ફરી પેલીએ મને ચિડાવતાં કીધું,’ભોપો’. હવે હું નજર ફેરવી સીધે સીધો ચાલવા લાગ્યો.
ઘોડાઓ રેસકોર્સનાં પાછળનાં ગેલોપ રેસ્ટોરન્ટનાં રસ્તે અંદર જવા લાગ્યા.હું તો હજુ તેમની પાછળ પાછળ ચાલતો ચાલતો થોડીથોડી વારે તેમનાં કાનમાં કંઈ કહેતો રહેતો હતો.ઘોડાઓ હવે રેસકોર્સ પહેલા આવતાં નાના ટ્રેકમાં દાખલ થઈ ગયા.આ ઘોડાઓને ટ્રેઈનીંગ આપે તે પહેલાનો વોર્મઅપ કરવાનો ટ્રેક હતો.
હું પણ પાછળ પાછળ અંદર જવા લાગ્યો ત્યાં પઠાણ ચોકીદારે ડંડો અડાડી કહ્યું”અબે એય કીધર જા રહે હો?રુક જા! ઈધર.”હું ત્યાં જ અટકી ગયો.એક મોટા વડનાં ઝાડ નીચે બેઠો.ટ્રેઈનર નાના નાના ઘોડાને જમણી અને ડાબી બાજુ વળવાનું શીખવતા અને રેસ માટે જરુરી ટ્રેનીંગ આપતા હતા.હું એકીટશે ઘોડાઓને જોઈ રહેતો.માલિશ કરેલા, ચળકતી ,તગતગતી કાળી અને બ્રાઉન કલરની ચામડીવાળા અને સરસ રીતે કાપેલી કેશવાળી વાળા ઘોડા શાનદાર લાગતાં હતાં.હું એમને જોતો જ રહેતો.તેમને જોવામાં મારાં એક બે કલાક ક્યાં પસાર થઈ જતાં તેની ખબર જ ન પડતી.છેલ્લો અડધો કલાક હું પણ જાણે ઘોડાઓને કસરત કરતાં જોઈ વોર્મ અપ થઈ જતો અને રેસકોર્સનાં ટ્રેક પર દોડીને રાઉન્ડ મારતો.ટ્રેકસુટ પરસેવાવાળો જોઈને ,બહેન રોજ ખુશ થતી અને રુખીબાને કહેતી ‘ આટલી સરસ હાઈટ છે અને શરીર ભરાશે પછી જો મારો દિકરો કેટલો હેન્ડસમ લાગશે!
રેસટ્રેક પર દોડવાથી મારું શરીર સૌષ્ઠવ પણ સારું થતું જતું હતું.હવે તો આ મારેા રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો.તારદેવથી ઘોડાઓની પાછળ પાછળ તેમની સાથે વાતો કરતાં રેસકોર્સ સુધી આવવું અને વડ નીચે બેસીને ઘોડાઓને જોઈ રહેવું,તેમાં મને કોણ જાણે શું યે આનંદ મળતો!!મેં રોજ જીમ જવાના બદલે રેસકોર્સ જવાનું ,મારું જૂઠાણું ચાલુ જ રાખ્યું હતું ,કારણ મને ઘોડાઓને જોવા ,તેમની બોડી લેગ્વેંજ સમજવી -બધાંમાં ખૂબ મઝા પડતી.તેમના ટ્રેઈનર ઘોડા સાથે જે રીતે વાત કરતાં ,તેમજ એક ટ્રેઈનર બીજા ટ્રેઈનર સાથે જે વાત ઘોડા અંગે કરતાં તે હું ધ્યાનથી સાંભળતો.
” આજ અસ્ટેરીયા નહીં જીતેગા,આજ ઉસકા મુડ દેખો!”
“ આજ યે ક્લાસીમેં એનર્જી બહોત દિખતી હૈ દેખો!”
આ બધું મને ઘોડાજ્ઞાનની જાણકારીમાં વધારો કરી રહ્યું હતું.હું ઘોડાઓને વધારે ને વધારે સમજતો થઈ ગયો હતો અને ઘોડાની બોડીલેંગ્વેંજ પણ મને વધુને વધુ સમજાવા લાગી હતી.આમ તો હું બધાંજ ઘોડાને પ્રેમ કરતો પણ એક કાળો ઘોડો મને ખૂબ ગમતો.તેની કાળી ચકચકતી ચામડી અને તેના કપાળમાં મોટો ડાયમન્ડ જેવા આકારનો સફેદ ટીકો હતો.તે મને ખૂબ રૂપાળો અને શાનદાર લાગતો હતો.તેનું નામ તેના માલિકે રીશેલ્યુ રાખેલ,થ્રી મસ્કેટીયર્સમાં ઘોડાનું નામ હતું તે જ.તે રીશેલ્યુ પણ મને ખૂબ પ્રેમ કરતો.મને પાંચ ફૂટ દૂરથી જ જોતાં તેની હણહણાટી ચાલુ થઈ જાય અને મારી નજીક આવે પછી તો ત્યાં જ ઊભો રહી જાય.ખસે જ નહીંને.ઘોડાનાં (Syces )કેરટેકર મારી પર અને રીશેલ્યુ બંને પર ચિડાય.રીશેલ્યુ મારી નજીક આવતાં જ તેના કાન સરવા કરી દેતો અને મને મળવા ઉત્સુક હેાય તેમ પગ પણ ઊંચાનીચા કરતો …
અમારી વચ્ચે ગયા જન્મનો કોઈ તંતું બંધાએલ હશે કે શું?
એક દિવસ રેસકોર્સ પર બહુ મોટી ચહલપહલ ચાલતી હતી.આજે ભારતની મોટી રેસ રમાવાની હતી.
મારો એક ગર્ભશ્રીમંત દોસ્ત નરેન દેસાઈ હતો.તેના પપ્પા રેસકોર્સનાં મેમ્બર હતા. વેકેશનનાં અમારા અંગ્રેજીનાં ક્લાસમાંથી પાછા આવતાં તે દિવસે નરેને મને કીધું, ‘ચાલ આજે મારી ગાડીમાં તને ઘેર ઉતારી દઉં.’અમે બંને ગાડીમાં વાત કરતાં હતા રેસની.નરેને કીધું “આજે હું રેસકોર્સ જવાનો છું.”
મેં કીધું ,’હું તો રોજ જાઉં છું,આજે બહુ મોટી રેસ છે.’મેં નરેનને બધી વાત કરી કે મને ઘોડા બહુ ગમેછે અને મને તેની ભાષા પણ સમજાય છે ,તેની બોડી લેંગવેજને હું બરાબર સમજી શકું છું.નરેન મારો ખાસ મિત્ર હતો.તેણે મને પૂછ્યું “નકુલ,તારે આજની રેસમાં આવવું છે?”
મેં તો ખૂબ ખુશ થઈને હા પાડી.મેં ઘેર જઈ રુખીબાને કીધું ‘ બા મારે આજે મારા મિત્રની ભાઈની લગ્નની પાર્ટીમાં જવાનું છે.મને થોડો નાસ્તો જ આપી દો,મારે જમવું નથી અને બહેનને કહી દેજો કે હું પાર્ટીમાં ગયો છું મને આવતા મોડું થશે.’હું તો રેસકોર્સમાં જવા સુટબુટ ,ટાઈ સાથે પહેરી તૈયાર થઈ ગયો. નરેન અને તેના પપ્પા મને લેવા આવી ગયા.ગાડીનું હોર્ન સાંભળતાં જાણે મારું મન કોઈ અણજાણ ખુશીથી નાચી રહ્યું હતું.અમે ત્રણે જણ રેસકોર્સ પહોંચી ગયા.
ને આમ ….રેસકોર્સ અને …ઘોડા ….મારાં જીવનમાં પ્રવેશ્યાં.
-જિગીષા દિલીપ

મિત્રો આ સાથે નવલકથાની ઓડિયો બુક મૂકી છે માણજો.