મિત્રો આ મહિનામાં વિષય
જીંદગી કી સફર મેં-
ચાલુ રાખીએ છીએ…ઘણી વ્યક્તિ આ વિષયમાં લખવા માંગે છે અથવા લખ્યું છે. ખાસ કરીને બેઠકના જાણીતા જયશ્રીબેન મર્ચન્ટ ની ધારા વાહિક જેમાં ખુબ લોકોએ પ્રતિસાદ આપ્યા છે તેને અહી ખાસ મુકીશ.
ન ભૂલી શકાય તેવી વ્યક્તિ અને યાદ આવે તો મન શોધવા મંડી પડે અનેક વ્યક્તિ આપણા જીવનમાં આવતી જ હોય છે તેની વાતો જયારે વાચક મિત્ર સાથે વ્હેચીએ તો ….બસ એજ હેતુથી લખવા શરુ કરેલ જયશ્રીબેનની ધારા વાહિક -જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ -2અહી હું મુકું છે.તમે વાંચતા આનંદ સાથે કૈક મેળવશો.જીદગીનો એક એવો અહેસાસ અનુભવશો કે તમારી સામે તમારા જ જીવનની કોઈ વ્યક્તિ તરવરી ઉઠશે અને આપો આપો કહેશો “મારા પણ આમ જ થયું હતું” અને વાહ શબ્દના ઉદગાર આપ બોલશો.
બસ આજ જયશ્રીબેનની કલમની તાકાત છે.બીજાને લખવાની પ્રેરણા આપી શકે છે એવી કલમ ને હું કેમ તમારી સમક્ષ રજુ ન કરું ……હું કહું છું પણ તમે વાંચશો ત્યારે અનુભવશો તો તમે જ મને અભિપ્રાય લખી મોકલશો, મારે કહેવાની ક્યાં જરૂર છે !
“ગાતા રહે મેરા દિલ”-જયશ્રી મર્ચન્ટ
અમારી કોલેજ એક ૨૧ એકરની એસ્ટેટના આગળના ૭ એકરમાં બનાવી હતી. સાઈઠના દસકામાં પણ ૭ એકરના કેમ્પસવાળી કોલેજ મુંબઈના પરામાં હોવી એ બહુ મોટી વાત હતી. માયાનગરી મુંબઈની મોટામાં મોટી સમસ્યા હંમેશા જગ્યાનો અભાવ અને સતત વધતા જતા ભાવ રહ્યા છે. અભાવ અને ભાવની વચ્ચે ઝૂલતી આ નગરીનું આકર્ષણ અહીં રહેનારાઓને અને આવનારાઓને કઈંક અદભૂત બીના જેમ જ સતત અને સદૈવ રહ્યું છે. અમારી કોલેજની માઈક્રોબાયોલોજીની લેબોરેટરી પહેલા માળ પર હતી. અને કોલેજનું મકાન અંગ્રેજી “Z” shape માં હતું. અમારી માઈક્રોબાયોલોજીની લેબની બારીઓ એસ્ટેટના પાછળના હિસ્સામાં ખૂલતી હતી. ત્યાં ઓછામાં ઓછા ૨૫-૩૦ નાના કોટેજીસ હતા, જે વર્તુળ આકારમાં પથરાયેલા હતા. આપણા રામનો ત્યારે પણ સીધો જ હિસાબ હતો, જો એક્સપરીમેંન્ટ જલદી પતે તો અને ન ગમતો હોય કે રસ ન પડતો હોય તો, બારીબહાર, જમીન અને આકાશ વચ્ચે પથરાયેલી આ કોટેજીસની માયાને અપલક નીહાળતા રહેવાનું અને ચાની ચુસકી લેતાં જેમ મજા આવે એવી જ મજા આ બારીબહારના દ્રશ્યો જોતાં ને માણતાં લેવાની. અમારી લેબની બરાબર સામેના કોટેજનો વરંડો જોવાનો એ જુનિયર વરસ દરમિયાન મારો નિત્યક્રમ બની ગયો હતો. ૧૮-૧૯ વર્ષની એ ઉમરનો તકાજો એટલો તો મજેદાર હતો કે બસ, એમ જ થતું, “મૈં હી મૈં હું દૂસરા કોઈ નહીં”. એ વખતે અને એ ઉમરે આ ફનાખોરીવાળી દુનિયાનું સત્ય સમજાયું નહોતું કે, “ખુદા હમકો ઐસી ખુદાઈ ન દે! કે અપને સિવા કુછ દિખઈ ન દે!”
અમારી, જુનિયર વરસવાળાની, લેબ સોમવારથી ગુરુવાર- રોજ સવારે આઠ વાગે શરુ થતી. સમયસર, લગભગ, પોણા આઠની આજુબાજુ, હું લેબમાં પહોંચીને, મારા ડેસ્ક પર તે દિવસના પ્રયોગ માટેના બધા જરુરી સાધનોને ગોઠવી દેતી. જેથી અમારા લેબ ઈન્સ્ટ્રક્ટર આવે એ પહેલાં બધું તૈયાર હોય. મારું આ જુનિયર વર્ષ શરુ થયાને હજુ બે અઠવાડિયા જ થયા હતા. મને આજે પણ બરબર યાદ છે, એ જુનિયર વર્ષનો દિવસ. રોજના આ ક્રમ મુજબ તે દિવસે હું બધું ગોઠવતી હતી કે અચાનક જ મારું ધ્યાન, સવારના સાત વાગીને પચાસ મિનીટ પર, બિલકુલ સામેના કોટેજ પર ગયું. પહેલા માળ પર આવેલી અમારી લેબ અને સામેના કોટેજ વચ્ચે ૨૦ ફૂટના રસ્તા સિવાય બીજું કઈં નહોતું આથી બધું જ સાફ જોઈ શકાતું હતું. એ કોટેજના વરંડામાં હિંચકા પર અડોઅડ બેસીને આધેડવયના પતિ-પત્ની, સવારનો નિત્યકમ જાણે પતાવીને, ઓફિસ માટે તૈયાર થઈને, ચા કે કોફી પી રહ્યા હતા. બેઉ જણાં પોતામાં મસ્ત હતાં. બેઉની ઉમર લગભગ ૪૫ અને ૫૦ની વચ્ચે લાગતી હતી. બેઉના મોઢા પર આછું સ્મિત હતું અને માથું હલાવીને તેઓ કઈંક વાતો કરતાં હતાં. અંકલ તો આન્ટીને પ્રેમ નીતરતી આંખે જોતાં એટલું જ નહીં પણ એમણે આન્ટીના હાથને એકાદ બે વાર આમતેમ જોઈને ચૂમી લીધો હતો. મને થયું, કેટલા સુખી છે બેઉ? મારા ક્લાસમાં ભણતી, મારી ખાસ મિત્ર, આયેશાને આ યુગલ ત્યારે જ બતાવીને કહ્યું “યાર, આપણને પણ આવો જ કોઈક જીવનસાથી મળવો જોઈએ જેની સાથે વૃધ્ધ થવાની રાહ જોવાની મજા, જુવાની જીવતાં જીવતાં માણી શકાય! અને હા, મને ફિલ્મોનો અને ફિલ્મી ગીતોનો ચસકો કેટલો બધો છે! મનોમન મેં તો નક્કી પણ કરી લીધું છે કે જ્યારે મા અને બાપુજી છોકરાઓ જોવાનો પ્રોગ્રામ મારે માટે શરુ કરશે ત્યારે આ એક સવાલ જરુરથી જ પૂછીશ એ પોટેન્શિયલ કેન્ડિડેટને કે, તમે તમારી જાતને, આજથી ૨૦-૨૫ વર્ષો પછી, તમારા જીવનસાથી સાથે ફુરસદની પળો કઈ રીતે વિતાવતાં કલ્પી શકો છો? જેનો પણ જવાબ હશે કે મારી જીવનસંગિની સાથે વરંડામાં હિંચકા પર ઝૂલતાં, ફિલ્મી ગીતો સાંભળવું અને ગાવું ગમે, હું એની સાથે લગ્ન કરીશ! અને હું તો મારું ફેવરીટ ગીત, “ગાતા રહે મેરા દિલ” એની સાથે ગાઈશ જ, બરાબર, આમ વરંડાના હિંચકે ઝૂલતાં!” આયેશા મારા માથામાં ટપલી મારીને બોલી, “મને તો પહેલેથી જ ખબર છે કે તારા મગજના વાયરીંગમાં કઈંક માલફંક્શન છે! કોઈ આવી રીતે પોતાના પતિની પસંદગી કરતું હશે અને ખુલ્લે આમ, વરંડામાં હિંચકે એને બેસાડીને મેમસાબ, “ગાતા રહે મેરા દિલ” ગાશે? કેમ તું તારા પતિદેવને દેવાનંદ સમજે છે? વોટ ઈઝ રોંગ વીથ યુ? મારી મા, તું છે ને, તારા મા અને બાપુજી જેને કહે તેને પરણજે નહીં તો નક્કી દુઃખી થશે!” મેં આ સાંભળી ગંભીરતાથી એને કહ્યું, “એક કરેક્શન છે.” આયેશા બોલી, “તારું એ કરેક્શન પણ તું બોલી નહીં નાખે ત્યાં સુધી આપણે એક્સ્પરીમેંન્ટ પર ધ્યાન નહીં આપી શકીએ! તો બોલો મેડમ? બોલ, કહી નાખ!” મેં આયેશાને ધીરેથી કહ્યું,”વાત જાને મન, જાણે એમ છે ને કે, મારા “એ” દેવાનંદ હો કે ન હો, પણ, હું, મને વહીદા રહેમાન સમજું છું! વોટ યુ સે? હં?” અને અમે બેઉ હસી પડ્યાં.
પછી તો આ મારો અને કઈંક અંશે આયેશાનો, રોજનો ક્રમ થઈ ગયો હતો. ભલેને એક્સ્પરીમેંન્ટ કેટલો પણ રસપ્રદ હોય કે ન હોય, સોમ થી ગુરુ, રોજ એ આધેડ દંપતીને, વરંડાના હિંચકે બેસી ચા-કોફી પીતાં જોવાનું અમને તો જાણે કે વ્યસન થઈ ગયું. આમ ને આમ સમય વિતતો ગયો અને અમારું જુનિયરનું વરસ પૂરું થયું. અમારા કોલેજના છેલ્લા દિવસે અમે બધાં જ એકમેકના સંપર્કમાં રહેવાના કોલ કરતા હતાં અને વેકેશનમાં કોણ શું કરવાના છે એની વાતો અને મજાક મસ્તી ચાલતી હતી. મને મનમાં થતું હતું કે મારું આ સવારનું રોજિંદુ દ્રશ્ય મને ખૂબ જ મીસ થશે. મેં આયેશાને કહ્યું, “યાર, મને આ સામેવાળા અંકલ અને આંટીને મળવું છે, ઉનાળાની છુટ્ટી પર જતાં પહેલાં મારે એમને કહેવું છે કે એમને જોઈને, મને સાચે જ સાયુજ્યની સાચી સમજણ આવી છે જે કદાચ વડીલો કે મિત્રોના સમજાવવાથી પણ ન આવત!” આયેશા મારો હાથ પકડીને બોલી, “તારું મગજ છે ને, તે સાચે જ સાવ ચસકી ગયું છે! જાન ન પીછાન, મૈં તેરા મહેમાન! એમ તે કોઈના ઘરમાં જવાતું હશે?” પણ મેં તો નક્કી જ કર્યું હતું કે મારે બે મહીનાની રજાઓ શરુ થાય અને સિનીયર વરસ શરુ થાય તે પહેલાં એમને મળવું જ છે. હું આયેશાને મારી સાથે હાથ પકડીને ઘસડીને લઈ ગઈ. બપોરનો ત્રણ વાગ્યાનો સમય હતો. અમે કોટેજની બેલ મારી તો કામવાળી બાઈએ દરવાજો ખોલ્યો. મેં પૂછ્યું, “આંટીજી કે અંકલ કોઈ ઘરે છે?” બાઈએ કહ્યું, “આજે સાહેબની તબિયત સારી નહોતી તો શેઠાણી એમને ડોક્ટર પાસે લઈ ગયા હતા”. કોણ જાણે કેમ મારાથી પૂછાઈ જવાયું, “બીજું કોઈ ઘરમાં નથી? મેડમના બાળકો કે કોઈ?” કામવાળીએ કહ્યું, “મેમસાબને એક જ દિકરી છે જેના લગ્નને દોઢ વરસ થયા છે અને એ અમેરિકા રહે છે. તમારે કોઈ સંદેશો આપવો છે?” અમે નમ્રતાથી ના પાડી. અમે પાછા વળતાં હતાં, ત્યાં મેં દરવાજા પરની નેઈમ પ્લેટ વાંચી, જેના પર લખ્યું હતું. ”Mr. and Mrs. Aanand R. Desai, MA, LLB, Advocate, High Court”. હું ને આયેશા બેઉ એ વાંચીને બોલ્યાં, એકી સાથે, “ઈમ્પ્રેસીવ!” અને મલકી પડ્યાં.
વેકેશન, આવ્યું એવું જ જાણે પૂરું થઈ ગયું હોય, એવું લાગતું હતું. માઈન્ડ ઈટ, આ બધા પ્રી-ફેસબુક અને પ્રી-સોશ્યલ મીડીયાના દિવસો હતા. આ વેકેશન દરમ્યાન, હું અને આયેશા બે ચાર વાર મળ્યા પણ હતાં અને હસતાં હસતાં, એડવોકેટ આનંદ દેસાઈને અને હિંચકાને યાદ કરી લીધો હતો. ૧૫મી જૂન આવી અને અમારી કોલેજનો પ્રથમ દિવસ. અમારું સ્કેજ્યુલ આવી ગયું હતું. સિનીયર વરસમાં લેબ પાંચે પાંચ દિવસ હતી. આયેશાએ મારી મશ્કરી પણ કરી કે હવે હું સોમથી શુક્ર, રોજ જ એડવોકેટ અને એમના પત્નીના “હિંડોળા”ના દર્શન કરી શકીશ. બીજે દિવસે, રાબેતા મુજબ હું તો સવારના ૭ ને ૪૫ મિનીટે લેબમાં પહોંચી ગઈ અને હિંચકા પર ક્યારે મીસ્ટર અને મિસીસ એડવોકેટ આવે એની રાહ જોતી હતી અને બરબર સાત ને પચાસે, ધેર ધે વેર, બિલકુલ પહેલાંની જેમ જ. પણ પહેલાં કરતાં થોડો ફરક એ હતો કે બહેન થોડા વધારે સરસ રીતે તૈયાર થઈને આવ્યાં હતાં અને ભાઈ પણ સુટેડબુટેડ હતાં પણ કોઈ બીજા જ હતાં. ટૂંકમાં, ભાઈનું રીપ્લેસમેન્ટ થઈ ગયું હતું! મેં આયેશાનું ધ્યાન દોર્યું. આયેશા કહે, “કોઈ મહેમાન આવ્યાં હશે.” અને વાત પછી તો રોજના કામમાં ભૂલાઈ ગઈ.
બીજે દિવસે, ફરી આગલા દિવસવાળા જ ભાઈ અને બહેન એના એ જ. આમ આખુંય અઠવાડિયું નીકળી ગયું. હું રોજ જ રાહ જોતી કે ક્યારે ઓરિજીનલ એડવોકેટ આવે, બહેનની સાથે હિંચકે ઝૂલવા..! આ નવા ભાઈ તો હિંચકે બેસતાં ને ચા-કોફી પીતાં, બહેન સાથે બેસીને પણ એકાદ આછા સ્મિત સિવાય, બેઉ વચ્ચે પેલા ઓરિજીનલ ભાઈ સાથેનું, ઊડીને આંખે વળગે એવું જે જાદુભર્યું કનેક્શન હતું તે ગાયબ હતું! બીજા અઠવાડિયે, પણ એ જ પેલા નવા ભાઈ, બહેનની સાથે હિંચકે ઝૂલતાં જોયા. આયેશા અને મને થયું કે ભાઈ માંદા હતાં ને કદાચ કઈંક એમને થઈ ગયું હશે અને બહેને નવા લગ્ન કરી લીધાં હશે! આયેશાના ફળદ્રુપ ભેજામાં વિચાર આવ્યો કે “કદાચ એમ પણ હોય કે બહેને છૂટાછેડા પણ આપી દીધા હોય! ને નવા લગ્ન પણ કર્યા હોય!” કોણ જાણે કેમ પણ આ વખતે આયેશાને તાલેવેલી હતી જાણવાની કે ઓરિજીનલ ભાઈનું શું થયું! ઓચિંતી જ આયેશા બોલી “ચલ, એક કામ કરીએ, આજે સાંજના, લાઈબ્રેરીમાંથી ઘરે જતાં પહેલાં ડોરબેલ મારીને પહોંચી જઈએ એમના ઘરે. બધા જવાબો મળી જશે.” મારે માનવા ન માનવાનો તો સવાલ જ ન હતો, કારણ અમારી બેચેની વધી ગઈ હતી. અમને જવાબ જોઈતો હતો કે પેલા ઓરિજીનલ એડવોકેટભાઈને શું થયું હતું?
અમે લાઈબ્રેરીમાંથી છ વાગે નીકળ્યાં અને સીધા સામેના કોટેજ પર પહોંચીને ડોરબેલ મારી. નજર અનાયસે જ પડી નેઈમ પ્લેટ પર, “Mr. and Mrs. Aanand R. Desai, MA, LLB, Advocate, High Court” જ હતું. એ વાંચીને મેં અને આયેશાએ નજર મેળવીને જાણે છાનો હાશકારો કરી લીધો. ડોર ખોલવા, નવી કામવાળી આવી. એણે દરવાજો ખોલ્યો કે એની પાછળ જ પેલા નવા સુટેડબુટેડ ભાઈ જ આવ્યા અને બોલ્યા, “યસ, હાઉ કેન આઈ હેલ્પ યુ?” હું થોડું થોથવાતાં બોલી, “યુ સી સર, અમારે એડવોકેટ, મી. આનંદ દેસાઈને મળવું હતું.” ભાઈ બોલ્યાં, “હા, બોલો, હું જ એડવોકેટ આનંદ દેસાઈ છું. શું કામ છે અને તમે કોણ છો?” ત્યાં જ અંદરથી અવાજ આવ્યો, “આનંદ, કોણ છે, દરવાજા પર?” અને પેલા બહેન બહાર આવ્યાં. “કોણ છો તમે અને શું કામ છે?” હું તો ગુંચવાયેલી ઉંબરા પર જ ખોડાઈ ગઈ હતી પણ આયેશાએ સમયસૂચકતા વાપરીને કહ્યું, “કઈં નહીં આન્ટી, અમારે સાહેબનું ઓફીસનું કાર્ડ જોઈતું હતું.” એડવોકેટ આનંદે પૂછ્યું, ‘તમને મારું નામ ઠામ કોણે આપ્યું?” હું તો સાવ બાઘા જેવી જ થઈને ઊભી હતી પણ આયેશા બોલી, “સર, મારા પિતાજીને હાઈકોર્ટના કેસ બદલ કઈંક સલાહ લેવી છે અને અમે આ નેબરહુડમાં નવા છીએ. સાંજના પિતાજી ચાલવા નીકળ્યાં હતાં ત્યારે એક નેબરે આપનો હાઉસ નંબર આપીને કહ્યું કે આપ હાઈકોર્ટના વકીલ છો પણ એમને તમારી ઓફીસ ક્યાં છે એ નહોતી ખબર. આથી મારા પિતાજીએ કહ્યું કે આપના ઘરે ઊભી રહીને આપનું કાર્ડ લઈ આવું. અમે પાછળની ગલીમાં જ રહીએ છીએ, સર.” આયેશાનો અવાજ એટલો તો કન્વીન્સીંગ હતો કે વધુ કઈં ન પૂછતાં, એડવોકેટે પોતાના ખિસ્સામાંથી કાર્ડ કાઢ્યું અને આપીને કહ્યું, “આ હું એક વરસ માટે ઈંગ્લેંન્ડ ગયો અને પાછા આવીને નવા કાર્ડ છપાવ્યા છે, જેમાં એક છેલ્લો ૦ ડીજીટ પ્રિંન્ટીંગ મીસટેકને લીધે છપાયો નથી. તો જરા કરેક્ટ કરી લેજો. ઓકે? અને શું નામ કહ્યું તમારા પિતાજીનું?” આયેશાએ ફરીથી સમયસૂચકતા વાપરી, તરત જ બોલી નાખ્યું, “બી.પી. પટેલ, સર. એ તમને ઓફીસમાં ફોન કરશે. થેંક યુ.” અને ઝડપથી કાર્ડ લઈ, મારો હાથ પકડી, પ્રેક્ટીકલી, મને ખેંચીને ચાલવા માંડ્યું. મિસ્ટર અને મીસીસ આનંદના ઘરનો દરવાજો બંધ થયો. આયેશાની પાછળ ઘસડાતાં હું આયેશાને પૂછતી રહી, “અરે, પણ આ બી.પી.પટેલ કોણ છે?” મારી સામે આંખો કાઢીને એ બોલી, “ચૂપ રહે છે કે નહીં? જલદી ચાલ!”
હું અને આયેશા એક-બે મિનીટ તો ચૂપચાપ સ્ટેશન સુધી પહોંચવા માટે ચાલતાં રહ્યાં. કોઈ કઈં બોલતું નહોતું! અમને એક સવાલનો જવાબ જોઈતો હતો કે કોણ હતાં એ ઓરિજીનલ ભાઈ, જેમની સાથે એ મેજીકલ કેમેસ્ટ્રી છલકાતી હતી? શું દૂરના સંબંધી હતાં? શું ફેમીલી મેમ્બર હતાં? કોઈ જૂના યાર-દોસ્ત હતાં? એના બદલે અમે બીજા અનેક સવાલો લઈ પાછા ફર્યા હતાં! એમાં આ બી.પી. પટેલ વધારામાં ઓછાં હતાં કે ઉમેરાયા! છેવટે મૌન તોડી, આયેશા જ બોલી, “તેં નોટીસ કરી એક વાત? આજે જે કામવાળી હતી તે પહેલીવાર આપણે ગયા હતાં તે નહોતી! કામવાળી પણ બદલાઈ ગઈ હતી!” મેં કહ્યું, “યાર, યુ આર રાઈટ, મેં તો એ જોયું જ નહીં કે નવી કામવાળી હતી! “યાર, યુ આર રાઈટ, મેં તો એ જોયું જ નહીં કે નવી કામવાળી હતી! એક વાત તો છે કે આ મિસીસ દેસાઈની હિંમતની દાદ દેવી પડે! ખુલ્લે આમ, વરંડામાં બેસીને, આમ છડેચોક ઝૂલવું, તો એમને ડર નહીં લાગ્યો હોય કે કોઈ એમના પતિને કહી દેશે તો?” “દાદ તો આપવી જ પડશે દુનિયા કી ઐસી કે તૈસી કરવાની એમની હિંમતની!” કહીને, આયેશા એક મિનીટ માટે ઓચિંતી ઊભી રહી ગઈ અને મોઢા પર બનાવટી ચિંતાના ભાવ લાવીને બોલી, “યાર, મને એક જ હવે ચિંતા થાય છે. લગ્નના ૨૦-૨૫ વર્ષો પછી, તારા “ગાતા રહે મેરા દિલ, તુ હી મેરી મંઝિલ”ના પ્રોગ્રામનું શું થશે હવે?” મેં હસીને આંખ મિંચકારીને કહ્યું, “ગીત ગાવાનો ઈરાદો હવે તો વધુ પાક્કો થયો છે! એ પણ બે જણની સાથે ગાવાની હિંમત આવી ગઈ છે! અને, સાથે મેન્ટલ હીંન્ટ પણ નોટ કરી લીધી છે કે આવું કઈં થાય તો કામવાળી બદલી નાંખવી!” અમે બેઉ ખડખડાટ હસતાં હતાં અને સ્ટેશન તરફ ચાલતાં હતાં. રસ્તા પર ચા કોફીની લારી હતી. લારીવાળાના ટ્રાન્સીસ્ટરમાંથી ગીત સંભળાયું, “મૈં જિંદગીકા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્રકો કુંવેમેં ઉડાતા ચલા ગયા!”
બસ!
************