‘બેઠક’ -વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-૨-ધનંજય સુરતી

અષાઢની મેઘલી રાત-

મહિનાના પહેલા જ દિવસે ઓફિસમાંથી મને ફર્સ્ટ ક્લાસની ટિકિટ ને એડવાન્સ આપી સૂચના કરી કે કાલે તમારે નાગદા જવાનું છે. ગાડી ફ્રન્ટીયર મેલ છે. તમારી સાથે ગોરડિયા એસિસ્ટ કરવા આવશે. હું ભારે ઉત્સાહ માં આવી ગયો. ઘરે જતા જતા રંજન માટે બૂટ લીધા અને ઉતાવળે ઘરે પહોંચ્યો.

રંજન મારી સૌથી નાની બહેન હતી ઉમર વર્ષ પાંચ અને બધાની લાડકી હતી. ઘરે પહોંચી હેરત પામ્યો. રંજન ખાટલે સુતી હતી. તાવ સખત હતો મારાથી મોટાભાઈ મનુભાઈ એ પણ શીતળાથી ભરાઈ ગયા હતા હું દ્વિધા માં પડી ગયો બાએ ઘરગથ્થુ ઈલાજો કરવા માંડ્યા હતા, બા  શીતળામાં ડૉક્ટરી તપાસ નિષેધ છે એવું માનતી. મારા ભાઈ મહેશને ગળાની અંદર શીતળા થયા હતા ત્યારે ગભરાઈ ગયા હતા એટલે  ડૉ.પાટણકરે લખી આપેલી દવાથી આપી અને સારું થઇ ગયું હતું બા એ હિંમત આપી કે તું જા અમે સંભાળી લણશું.બાની તનતોડ મહેનતના લીધે બંને સારા થઇ ગયા એમ બાના પત્ર પરથી પછી જાણ્યું.

નવી નોકરી હતી એટલે જવું પડતું . પછી તો સિલસિલો ચાલુ રહેતો. હું વરસ માં આઠ મહિના બહારગામ ફરતો રહેતો. જ્યારે જ્યારે હું ગોંડલ જતો ત્યારે હું રેલવેના રિટાયરિંગ રૂમમાં રહેતો. એક સાંજે હું પોરબંદર મરીવાલાની કુ. નું ઓડિટ પતાવી ગાડીમાં બેઠો. મારે ગોંડલ યુકો બેંક માં જવાનું હતું. ગઇકાલ બપોરથી ચાલુ થયેલા વરસાદના કારણે રસ્તાઓ પર પણ ભરાઇ ગયા હતા.. છુટકો જ નહોતો..અને હું નીકળ્યો.

અષાઢની  મેઘીલી રાત હતી, અમાસનાં અંધારાં ઊતરી આવ્યાં હતાં. મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. વરસાદની સાથે સાથે વૃક્ષો ઉખેડી નાખે તેવો સુસવાટાભર્યો પવન ફૂંકાતો હતો.ગાડી ધીમી ગતિએ જતી હતી. ફર્સ્ટ ક્લાસ માં હું એકલો જ હતો અને બેઠા બેઠા બોર થતો હતો. કેટલાક સ્ટેશન ગયા પછી એક સજ્જન આવ્યા ને મારી સામેની સીટ પર બેઠા. ગાડી ઉપડી પછી વાતચીત નો દોર શરુ થયો . તેમણે કપડાની પાન સોપારી મુકવાની થેલી કાઢી પાન બનાવ્યું સોપારી કાપી મોમાં મૂકી. મને ઓફર કરી મેં ના પાડી થેંક્યું કહ્યું. મને પૂછ્યું કા ઉતરવાનો છો? મેં કહ્યું ગોંડલ. રહેશો ક્યાં? મેં જવાબ આપ્યો  રેલ્વે ના રિટાયરિંગ રૂમ માં. બીજો કોઈ વિકલ્પ નથી. એમણે કહ્યું ત્યાં ના રહેતા કારણ મારા મિત્ર નીવેટિયા રાતે ત્યાં રહેલા તે સવારે ઉઠ્યા ત્યારે રૂમના ખાટલા ને બદલે અગાશીમાંથી ઉઠ્યા તેમને ખબર ના પડી કે તેઓ બહાર ક્યાંથી આવી ગયા. તેઓ તેજ સવારે રિટાયરિંગ રૂમ છોડી ગાડી પકડી જતા રહ્યા. પેલા ભાઈ તેમનું સ્ટેશન આવતા ઉતરી ગયા અને જતા જતા કહી ગયા (BE CAREFUL AND TAKE CARE).બી કેરફુલ એન્ડ ટેક કેર  આપનું ધ્યાન રાખજો હું વિચારમાં પડી ગયો કે શું કરવું. ? એટલામાં  તો ગોડંલ સ્ટેશન આવી ગયું.

બેગ અને એટેચી કુલીએ ઉતારી. રેલવે સ્ટેશન પર લાઈટો ઝગારા મારતી માણસોની અવરજવર ખુબ હતી તેથી રળિયામણું લાગતું. કુલીએ પૂછ્યું ઘોડાગાડી કે ચાલીને ? મેં કહ્યું ચાલીને રિટાયરિંગ. રૂમ માં લઇ જા. એ સાંભળી ચોંક્યો …સાહેબ હોટેલ ગોતી આપું ? હું કશું ન બોલ્યો પેલા ભાઈના શબ્દો યાદ આવ્યા,અમો રિટાયરિંગ રૂમમાં ઉપર પહોંચ્યા ત્યાં તો ગાડી ઊપડી ગઈ ને સ્ટેશનની લાઈટો ઓલવાઈ ગઈ. ઘોડાગાડીઓ જતી રહી ને બધે અંધારું ઘોર થઇ ગયું અને નિર્જન ભેંકાર લાગવા માંડ્યું. આકાશમાં મેંશનું લીંપણ કર્યું હોય તેવું લાગતું હતું. કાળા ડિબાંગ અંધારાને વીંધી ક્યારેક વીજળી ચમકી જતી હતી અને છાતી થથરાવી દે તેવો વાદળાંનો ગગડાટ વાતાવરણને વધારે બિહામણો કરી રહ્યો હતો. દૂરથી શિયાળવાંનો રડવાનો અવાજ પણ વરસાદ અને પવનના અવાજમાં ક્યાંય ખોવાઈ જતો હતો. તે રાતે તો ભૂત-પ્રેત પણ થથરતાં ઝાડ પર લપાઈ જાય તો સારું એમ વિચારતા મેં  રૂમમાં બધી ટ્યૂબ લાઇટો ચેતાવી એટેન્ડડઁટની રાહ જોઈ રહ્યો હતો..

થોડી વારમાં અટેન્ડડંટ  હાથમાં ફાનસ લઈને આવ્યો ,મેં ખાવાના વિશે પૂછ્યું તેણે જણાવ્યું કે કાઠિયાવાડ લોજ બંધ થઇ ગઈ છે અને  સ્ટેશનની હોટેલ બંધ થવાની તૈયારી માં છે. અને ત્યાં ચા બિસ્કિટ સિવાય કશું નહિ મળે. મેં જે મળે તે ચાલશે કહ્યું. તે ઝટ પટ લઇ આવ્યો. મેં જતા પહેલા તેને અહીં રાતે મારી સાથે સુવા કહ્યું. પણ તેણે લાચારી દાખવી ને કહ્યું કે તેની પત્ની છેલ્લા કેટલા દિવસથી બીમાર છે ને તેને મારી જરૂરત છે તે ગયો ને મેં ચા બિસ્કિટ પુરા કર્યા. માળિયા પર અગાશીમાં  એક બાજુ લાઈનમાં રિટાયરિંગ રૂમ હતા બાજુમાં અગાશી હતી. અગાશીમાં વડનું તોતિંગ ઝાડ અને ઝાડ પાસે અંધારિયો દાદર. હવાથી ઝાડના પાન ખખડતા હતા .. ને અગાશી માં વેરાતા.જયારે પવન આવતો ત્યારે ઉડતા અને ખડ ખડ અવાજ કરતા… હું ચોપાનીયાં તથા પેપર લઇ શરુઆત માં સુતા સુતા વાચતો રહ્યો ,ઉંઘ બિલકુલ આવતી નહોતી . એટલા માં પવન ફુકાયો ને પાંદડાનો અવાજ વધી ગયો. હું બેચેન થઇ ગયો. અચાનક વાદળાંમાંથી અગ્નિશિખાની જેમ એક મોટી વીજળીનો લિસોટો દેખાયો અને સાથે સાથે ભયાનક વજ્રનાદ એ તોતિંગ વડને ધ્રુજાવી ગયો.બહાર જવાની હિંમત ચાલી નહિ બધા રૂમ ખાલી હતા હું એકલો ને અટુલો. થોડી વારે પવન ઠંડો પડ્યો ને ખખડાટ બંધ થયો ને મેં ઉઘવાની કોશિશ કરી. બાર વાગી ગયા હતા. પેપર વાંચતા ઝોકું આવ્યું,… ત્યાં તો  બાથરૂમમાં ટાંકી ભરાવાના વિચિત્ર અવાજથી હું સફાળો બેઠો થઇ ગયો ને ઉંઘ ઉડી ગઈ. બાથરૂમમાં જવાની હિંમત નહોતી…..

દરેક વખતે નિવેટિયાની યાદ આવતી રાત્રીના છેલ્લા પહોર માં છાપું વાંચતા ક્યારે આંખ મીંચાઈ ગઈ તેનો અંદાજ ના રહ્યો. સવારના ઊઠ્યો ત્યારે દશ વાગી ગયા હતા લાઈટો તેમજ પંખા ચાલુ હતા. તે ઓલવ્યા અને દરવાજો ખોલ્યો. બારણા સામે અટેન્ડડંટ  રામલો માથે હાથ દઈ બેઠો હતો. મને જોતાં જ તે બોલ્યો બહુ વાર દરવાજો ખટખટાવ્યો પણ જવાબ ના મળ્યો તેથી લાગ્યું કે…… તમે ચોક્કસ ….. તેણે કહ્યું કે હું બીજી પાંચ મિનિટ પછી સ્ટેશન માસ્ટરને રિપોર્ટ કરવા જવાનો હતો……

હું જલ્દી જલદી બેંક નું ઓડિટ કરવા નીકળવાની તૈયારી કરવા લાગ્યો.અગાશીમાં વરસાદ જોવા ગયો ..ઝાડની ડાળીઓ અને પાંદડાં પરથી પાણી ટપકતા શરીર ધ્રુજી ઉઠ્યું .. રામલાએ કહ્યું ઘણા લોકો ને ભૂતકાળ માં વિપરીત અનુભવ થયા હતા તેથી મને તમારી ચિંતા હતી….હું માત્ર તેની સામે જોઈ રહ્યો …એ નજર જીરવી ન શક્યો ..અને ..”હું આવ્યો” કહી ભાગ્યો …

 

 

 

જીંદગી કી સફર મેં-જયશ્રીબેન મર્ચન્ટ

મિત્રો આ મહિનામાં  વિષય

જીંદગી કી સફર મેં-

ચાલુ રાખીએ છીએ…ઘણી વ્યક્તિ આ વિષયમાં લખવા માંગે છે અથવા લખ્યું છે. ખાસ કરીને બેઠકના જાણીતા જયશ્રીબેન મર્ચન્ટ ની ધારા વાહિક જેમાં ખુબ લોકોએ પ્રતિસાદ આપ્યા છે તેને અહી ખાસ મુકીશ.

ન ભૂલી શકાય તેવી વ્યક્તિ અને યાદ આવે તો મન શોધવા મંડી પડે અનેક વ્યક્તિ  આપણા જીવનમાં આવતી જ હોય છે તેની વાતો જયારે વાચક મિત્ર સાથે વ્હેચીએ તો ….બસ એજ હેતુથી લખવા શરુ કરેલ જયશ્રીબેનની ધારા વાહિક -જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ -2અહી હું મુકું છે.તમે વાંચતા આનંદ સાથે કૈક મેળવશો.જીદગીનો એક એવો અહેસાસ અનુભવશો કે તમારી સામે તમારા જ જીવનની કોઈ વ્યક્તિ તરવરી ઉઠશે અને આપો આપો કહેશો “મારા પણ આમ જ થયું હતું”  અને વાહ શબ્દના ઉદગાર આપ  બોલશો.

બસ આજ જયશ્રીબેનની કલમની તાકાત છે.બીજાને લખવાની પ્રેરણા આપી શકે છે એવી કલમ ને હું કેમ તમારી સમક્ષ રજુ ન કરું ……હું કહું છું પણ તમે વાંચશો ત્યારે અનુભવશો તો તમે જ મને અભિપ્રાય લખી મોકલશો, મારે કહેવાની ક્યાં જરૂર છે !

“ગાતા રહે મેરા દિલ”-જયશ્રી મર્ચન્ટ

અમારી કોલેજ એક ૨૧ એકરની એસ્ટેટના આગળના ૭ એકરમાં બનાવી હતી. સાઈઠના દસકામાં પણ ૭ એકરના કેમ્પસવાળી કોલેજ મુંબઈના પરામાં હોવી એ બહુ મોટી વાત હતી. માયાનગરી મુંબઈની મોટામાં મોટી સમસ્યા હંમેશા જગ્યાનો અભાવ અને સતત વધતા જતા ભાવ રહ્યા છે. અભાવ અને ભાવની વચ્ચે ઝૂલતી આ નગરીનું આકર્ષણ અહીં રહેનારાઓને અને આવનારાઓને કઈંક અદભૂત બીના જેમ જ સતત અને સદૈવ રહ્યું છે. અમારી કોલેજની માઈક્રોબાયોલોજીની લેબોરેટરી પહેલા માળ પર હતી. અને કોલેજનું મકાન અંગ્રેજી “Z” shape માં હતું. અમારી માઈક્રોબાયોલોજીની લેબની બારીઓ એસ્ટેટના પાછળના હિસ્સામાં ખૂલતી હતી. ત્યાં ઓછામાં ઓછા ૨૫-૩૦ નાના કોટેજીસ હતા, જે વર્તુળ આકારમાં પથરાયેલા હતા. આપણા રામનો ત્યારે પણ સીધો જ હિસાબ હતો, જો એક્સપરીમેંન્ટ જલદી પતે તો અને ન ગમતો હોય કે રસ ન પડતો હોય તો, બારીબહાર, જમીન અને આકાશ વચ્ચે પથરાયેલી આ કોટેજીસની માયાને અપલક નીહાળતા રહેવાનું અને ચાની ચુસકી લેતાં જેમ મજા આવે એવી જ મજા આ બારીબહારના દ્રશ્યો જોતાં ને માણતાં લેવાની. અમારી લેબની બરાબર સામેના કોટેજનો વરંડો જોવાનો એ જુનિયર વરસ દરમિયાન મારો નિત્યક્રમ બની ગયો હતો. ૧૮-૧૯ વર્ષની એ ઉમરનો તકાજો એટલો તો મજેદાર હતો કે બસ, એમ જ થતું, “મૈં હી મૈં હું દૂસરા કોઈ નહીં”. એ વખતે અને એ ઉમરે આ ફનાખોરીવાળી દુનિયાનું સત્ય સમજાયું નહોતું કે, “ખુદા હમકો ઐસી ખુદાઈ ન દે! કે અપને સિવા કુછ દિખઈ ન દે!”
અમારી, જુનિયર વરસવાળાની, લેબ સોમવારથી ગુરુવાર- રોજ સવારે આઠ વાગે શરુ થતી. સમયસર, લગભગ, પોણા આઠની આજુબાજુ, હું લેબમાં પહોંચીને, મારા ડેસ્ક પર તે દિવસના પ્રયોગ માટેના બધા જરુરી સાધનોને ગોઠવી દેતી. જેથી અમારા લેબ ઈન્સ્ટ્રક્ટર આવે એ પહેલાં બધું તૈયાર હોય. મારું આ જુનિયર વર્ષ શરુ થયાને હજુ બે અઠવાડિયા જ થયા હતા. મને આજે પણ બરબર યાદ છે, એ જુનિયર વર્ષનો દિવસ. રોજના આ ક્રમ મુજબ તે દિવસે હું બધું ગોઠવતી હતી કે અચાનક જ મારું ધ્યાન, સવારના સાત વાગીને પચાસ મિનીટ પર, બિલકુલ સામેના કોટેજ પર ગયું. પહેલા માળ પર આવેલી અમારી લેબ અને સામેના કોટેજ વચ્ચે ૨૦ ફૂટના રસ્તા સિવાય બીજું કઈં નહોતું આથી બધું જ સાફ જોઈ શકાતું હતું. એ કોટેજના વરંડામાં હિંચકા પર અડોઅડ બેસીને આધેડવયના પતિ-પત્ની, સવારનો નિત્યકમ જાણે પતાવીને, ઓફિસ માટે તૈયાર થઈને, ચા કે કોફી પી રહ્યા હતા. બેઉ જણાં પોતામાં મસ્ત હતાં. બેઉની ઉમર લગભગ ૪૫ અને ૫૦ની વચ્ચે લાગતી હતી. બેઉના મોઢા પર આછું સ્મિત હતું અને માથું હલાવીને તેઓ કઈંક વાતો કરતાં હતાં. અંકલ તો આન્ટીને પ્રેમ નીતરતી આંખે જોતાં એટલું જ નહીં પણ એમણે આન્ટીના હાથને એકાદ બે વાર આમતેમ જોઈને ચૂમી લીધો હતો. મને થયું, કેટલા સુખી છે બેઉ? મારા ક્લાસમાં ભણતી, મારી ખાસ મિત્ર, આયેશાને આ યુગલ ત્યારે જ બતાવીને કહ્યું “યાર, આપણને પણ આવો જ કોઈક જીવનસાથી મળવો જોઈએ જેની સાથે વૃધ્ધ થવાની રાહ જોવાની મજા, જુવાની જીવતાં જીવતાં માણી શકાય! અને હા, મને ફિલ્મોનો અને ફિલ્મી ગીતોનો ચસકો કેટલો બધો છે! મનોમન મેં તો નક્કી પણ કરી લીધું છે કે જ્યારે મા અને બાપુજી છોકરાઓ જોવાનો પ્રોગ્રામ મારે માટે શરુ કરશે ત્યારે આ એક સવાલ જરુરથી જ પૂછીશ એ પોટેન્શિયલ કેન્ડિડેટને કે, તમે તમારી જાતને, આજથી ૨૦-૨૫ વર્ષો પછી, તમારા જીવનસાથી સાથે ફુરસદની પળો કઈ રીતે વિતાવતાં કલ્પી શકો છો? જેનો પણ જવાબ હશે કે મારી જીવનસંગિની સાથે વરંડામાં હિંચકા પર ઝૂલતાં, ફિલ્મી ગીતો સાંભળવું અને ગાવું ગમે, હું એની સાથે લગ્ન કરીશ! અને હું તો મારું ફેવરીટ ગીત, “ગાતા રહે મેરા દિલ” એની સાથે ગાઈશ જ, બરાબર, આમ વરંડાના હિંચકે ઝૂલતાં!” આયેશા મારા માથામાં ટપલી મારીને બોલી, “મને તો પહેલેથી જ ખબર છે કે તારા મગજના વાયરીંગમાં કઈંક માલફંક્શન છે! કોઈ આવી રીતે પોતાના પતિની પસંદગી કરતું હશે અને ખુલ્લે આમ, વરંડામાં હિંચકે એને બેસાડીને મેમસાબ, “ગાતા રહે મેરા દિલ” ગાશે? કેમ તું તારા પતિદેવને દેવાનંદ સમજે છે? વોટ ઈઝ રોંગ વીથ યુ? મારી મા, તું છે ને, તારા મા અને બાપુજી જેને કહે તેને પરણજે નહીં તો નક્કી દુઃખી થશે!” મેં આ સાંભળી ગંભીરતાથી એને કહ્યું, “એક કરેક્શન છે.” આયેશા બોલી, “તારું એ કરેક્શન પણ તું બોલી નહીં નાખે ત્યાં સુધી આપણે એક્સ્પરીમેંન્ટ પર ધ્યાન નહીં આપી શકીએ! તો બોલો મેડમ? બોલ, કહી નાખ!” મેં આયેશાને ધીરેથી કહ્યું,”વાત જાને મન, જાણે એમ છે ને કે, મારા “એ” દેવાનંદ હો કે ન હો, પણ, હું, મને વહીદા રહેમાન સમજું છું! વોટ યુ સે? હં?” અને અમે બેઉ હસી પડ્યાં.
પછી તો આ મારો અને કઈંક અંશે આયેશાનો, રોજનો ક્રમ થઈ ગયો હતો. ભલેને એક્સ્પરીમેંન્ટ કેટલો પણ રસપ્રદ હોય કે ન હોય, સોમ થી ગુરુ, રોજ એ આધેડ દંપતીને, વરંડાના હિંચકે બેસી ચા-કોફી પીતાં જોવાનું અમને તો જાણે કે વ્યસન થઈ ગયું. આમ ને આમ સમય વિતતો ગયો અને અમારું જુનિયરનું વરસ પૂરું થયું. અમારા કોલેજના છેલ્લા દિવસે અમે બધાં જ એકમેકના સંપર્કમાં રહેવાના કોલ કરતા હતાં અને વેકેશનમાં કોણ શું કરવાના છે એની વાતો અને મજાક મસ્તી ચાલતી હતી. મને મનમાં થતું હતું કે મારું આ સવારનું રોજિંદુ દ્રશ્ય મને ખૂબ જ મીસ થશે. મેં આયેશાને કહ્યું, “યાર, મને આ સામેવાળા અંકલ અને આંટીને મળવું છે, ઉનાળાની છુટ્ટી પર જતાં પહેલાં મારે એમને કહેવું છે કે એમને જોઈને, મને સાચે જ સાયુજ્યની સાચી સમજણ આવી છે જે કદાચ વડીલો કે મિત્રોના સમજાવવાથી પણ ન આવત!” આયેશા મારો હાથ પકડીને બોલી, “તારું મગજ છે ને, તે સાચે જ સાવ ચસકી ગયું છે! જાન ન પીછાન, મૈં તેરા મહેમાન! એમ તે કોઈના ઘરમાં જવાતું હશે?” પણ મેં તો નક્કી જ કર્યું હતું કે મારે બે મહીનાની રજાઓ શરુ થાય અને સિનીયર વરસ શરુ થાય તે પહેલાં એમને મળવું જ છે. હું આયેશાને મારી સાથે હાથ પકડીને ઘસડીને લઈ ગઈ. બપોરનો ત્રણ વાગ્યાનો સમય હતો. અમે કોટેજની બેલ મારી તો કામવાળી બાઈએ દરવાજો ખોલ્યો. મેં પૂછ્યું, “આંટીજી કે અંકલ કોઈ ઘરે છે?” બાઈએ કહ્યું, “આજે સાહેબની તબિયત સારી નહોતી તો શેઠાણી એમને ડોક્ટર પાસે લઈ ગયા હતા”. કોણ જાણે કેમ મારાથી પૂછાઈ જવાયું, “બીજું કોઈ ઘરમાં નથી? મેડમના બાળકો કે કોઈ?” કામવાળીએ કહ્યું, “મેમસાબને એક જ દિકરી છે જેના લગ્નને દોઢ વરસ થયા છે અને એ અમેરિકા રહે છે. તમારે કોઈ સંદેશો આપવો છે?” અમે નમ્રતાથી ના પાડી. અમે પાછા વળતાં હતાં, ત્યાં મેં દરવાજા પરની નેઈમ પ્લેટ વાંચી, જેના પર લખ્યું હતું. ”Mr. and Mrs. Aanand R. Desai, MA, LLB, Advocate, High Court”. હું ને આયેશા બેઉ એ વાંચીને બોલ્યાં, એકી સાથે, “ઈમ્પ્રેસીવ!” અને મલકી પડ્યાં.
વેકેશન, આવ્યું એવું જ જાણે પૂરું થઈ ગયું હોય, એવું લાગતું હતું. માઈન્ડ ઈટ, આ બધા પ્રી-ફેસબુક અને પ્રી-સોશ્યલ મીડીયાના દિવસો હતા. આ વેકેશન દરમ્યાન, હું અને આયેશા બે ચાર વાર મળ્યા પણ હતાં અને હસતાં હસતાં, એડવોકેટ આનંદ દેસાઈને અને હિંચકાને યાદ કરી લીધો હતો. ૧૫મી જૂન આવી અને અમારી કોલેજનો પ્રથમ દિવસ. અમારું સ્કેજ્યુલ આવી ગયું હતું. સિનીયર વરસમાં લેબ પાંચે પાંચ દિવસ હતી. આયેશાએ મારી મશ્કરી પણ કરી કે હવે હું સોમથી શુક્ર, રોજ જ એડવોકેટ અને એમના પત્નીના “હિંડોળા”ના દર્શન કરી શકીશ. બીજે દિવસે, રાબેતા મુજબ હું તો સવારના ૭ ને ૪૫ મિનીટે લેબમાં પહોંચી ગઈ અને હિંચકા પર ક્યારે મીસ્ટર અને મિસીસ એડવોકેટ આવે એની રાહ જોતી હતી અને બરબર સાત ને પચાસે, ધેર ધે વેર, બિલકુલ પહેલાંની જેમ જ. પણ પહેલાં કરતાં થોડો ફરક એ હતો કે બહેન થોડા વધારે સરસ રીતે તૈયાર થઈને આવ્યાં હતાં અને ભાઈ પણ સુટેડબુટેડ હતાં પણ કોઈ બીજા જ હતાં. ટૂંકમાં, ભાઈનું રીપ્લેસમેન્ટ થઈ ગયું હતું! મેં આયેશાનું ધ્યાન દોર્યું. આયેશા કહે, “કોઈ મહેમાન આવ્યાં હશે.” અને વાત પછી તો રોજના કામમાં ભૂલાઈ ગઈ.
બીજે દિવસે, ફરી આગલા દિવસવાળા જ ભાઈ અને બહેન એના એ જ. આમ આખુંય અઠવાડિયું નીકળી ગયું. હું રોજ જ રાહ જોતી કે ક્યારે ઓરિજીનલ એડવોકેટ આવે, બહેનની સાથે હિંચકે ઝૂલવા..! આ નવા ભાઈ તો હિંચકે બેસતાં ને ચા-કોફી પીતાં, બહેન સાથે બેસીને પણ એકાદ આછા સ્મિત સિવાય, બેઉ વચ્ચે પેલા ઓરિજીનલ ભાઈ સાથેનું, ઊડીને આંખે વળગે એવું જે જાદુભર્યું કનેક્શન હતું તે ગાયબ હતું! બીજા અઠવાડિયે, પણ એ જ પેલા નવા ભાઈ, બહેનની સાથે હિંચકે ઝૂલતાં જોયા. આયેશા અને મને થયું કે ભાઈ માંદા હતાં ને કદાચ કઈંક એમને થઈ ગયું હશે અને બહેને નવા લગ્ન કરી લીધાં હશે! આયેશાના ફળદ્રુપ ભેજામાં વિચાર આવ્યો કે “કદાચ એમ પણ હોય કે બહેને છૂટાછેડા પણ આપી દીધા હોય! ને નવા લગ્ન પણ કર્યા હોય!” કોણ જાણે કેમ પણ આ વખતે આયેશાને તાલેવેલી હતી જાણવાની કે ઓરિજીનલ ભાઈનું શું થયું! ઓચિંતી જ આયેશા બોલી “ચલ, એક કામ કરીએ, આજે સાંજના, લાઈબ્રેરીમાંથી ઘરે જતાં પહેલાં ડોરબેલ મારીને પહોંચી જઈએ એમના ઘરે. બધા જવાબો મળી જશે.” મારે માનવા ન માનવાનો તો સવાલ જ ન હતો, કારણ અમારી બેચેની વધી ગઈ હતી. અમને જવાબ જોઈતો હતો કે પેલા ઓરિજીનલ એડવોકેટભાઈને શું થયું હતું?
અમે લાઈબ્રેરીમાંથી છ વાગે નીકળ્યાં અને સીધા સામેના કોટેજ પર પહોંચીને ડોરબેલ મારી. નજર અનાયસે જ પડી નેઈમ પ્લેટ પર, “Mr. and Mrs. Aanand R. Desai, MA, LLB, Advocate, High Court” જ હતું. એ વાંચીને મેં અને આયેશાએ નજર મેળવીને જાણે છાનો હાશકારો કરી લીધો. ડોર ખોલવા, નવી કામવાળી આવી. એણે દરવાજો ખોલ્યો કે એની પાછળ જ પેલા નવા સુટેડબુટેડ ભાઈ જ આવ્યા અને બોલ્યા, “યસ, હાઉ કેન આઈ હેલ્પ યુ?” હું થોડું થોથવાતાં બોલી, “યુ સી સર, અમારે એડવોકેટ, મી. આનંદ દેસાઈને મળવું હતું.” ભાઈ બોલ્યાં, “હા, બોલો, હું જ એડવોકેટ આનંદ દેસાઈ છું. શું કામ છે અને તમે કોણ છો?” ત્યાં જ અંદરથી અવાજ આવ્યો, “આનંદ, કોણ છે, દરવાજા પર?” અને પેલા બહેન બહાર આવ્યાં. “કોણ છો તમે અને શું કામ છે?” હું તો ગુંચવાયેલી ઉંબરા પર જ ખોડાઈ ગઈ હતી પણ આયેશાએ સમયસૂચકતા વાપરીને કહ્યું, “કઈં નહીં આન્ટી, અમારે સાહેબનું ઓફીસનું કાર્ડ જોઈતું હતું.” એડવોકેટ આનંદે પૂછ્યું, ‘તમને મારું નામ ઠામ કોણે આપ્યું?” હું તો સાવ બાઘા જેવી જ થઈને ઊભી હતી પણ આયેશા બોલી, “સર, મારા પિતાજીને હાઈકોર્ટના કેસ બદલ કઈંક સલાહ લેવી છે અને અમે આ નેબરહુડમાં નવા છીએ. સાંજના પિતાજી ચાલવા નીકળ્યાં હતાં ત્યારે એક નેબરે આપનો હાઉસ નંબર આપીને કહ્યું કે આપ હાઈકોર્ટના વકીલ છો પણ એમને તમારી ઓફીસ ક્યાં છે એ નહોતી ખબર. આથી મારા પિતાજીએ કહ્યું કે આપના ઘરે ઊભી રહીને આપનું કાર્ડ લઈ આવું. અમે પાછળની ગલીમાં જ રહીએ છીએ, સર.” આયેશાનો અવાજ એટલો તો કન્વીન્સીંગ હતો કે વધુ કઈં ન પૂછતાં, એડવોકેટે પોતાના ખિસ્સામાંથી કાર્ડ કાઢ્યું અને આપીને કહ્યું, “આ હું એક વરસ માટે ઈંગ્લેંન્ડ ગયો અને પાછા આવીને નવા કાર્ડ છપાવ્યા છે, જેમાં એક છેલ્લો ૦ ડીજીટ પ્રિંન્ટીંગ મીસટેકને લીધે છપાયો નથી. તો જરા કરેક્ટ કરી લેજો. ઓકે? અને શું નામ કહ્યું તમારા પિતાજીનું?” આયેશાએ ફરીથી સમયસૂચકતા વાપરી, તરત જ બોલી નાખ્યું, “બી.પી. પટેલ, સર. એ તમને ઓફીસમાં ફોન કરશે. થેંક યુ.” અને ઝડપથી કાર્ડ લઈ, મારો હાથ પકડી, પ્રેક્ટીકલી, મને ખેંચીને ચાલવા માંડ્યું. મિસ્ટર અને મીસીસ આનંદના ઘરનો દરવાજો બંધ થયો. આયેશાની પાછળ ઘસડાતાં હું આયેશાને પૂછતી રહી, “અરે, પણ આ બી.પી.પટેલ કોણ છે?” મારી સામે આંખો કાઢીને એ બોલી, “ચૂપ રહે છે કે નહીં? જલદી ચાલ!”
હું અને આયેશા એક-બે મિનીટ તો ચૂપચાપ સ્ટેશન સુધી પહોંચવા માટે ચાલતાં રહ્યાં. કોઈ કઈં બોલતું નહોતું! અમને એક સવાલનો જવાબ જોઈતો હતો કે કોણ હતાં એ ઓરિજીનલ ભાઈ, જેમની સાથે એ મેજીકલ કેમેસ્ટ્રી છલકાતી હતી? શું દૂરના સંબંધી હતાં? શું ફેમીલી મેમ્બર હતાં? કોઈ જૂના યાર-દોસ્ત હતાં? એના બદલે અમે બીજા અનેક સવાલો લઈ પાછા ફર્યા હતાં! એમાં આ બી.પી. પટેલ વધારામાં ઓછાં હતાં કે ઉમેરાયા! છેવટે મૌન તોડી, આયેશા જ બોલી, “તેં નોટીસ કરી એક વાત? આજે જે કામવાળી હતી તે પહેલીવાર આપણે ગયા હતાં તે નહોતી! કામવાળી પણ બદલાઈ ગઈ હતી!” મેં કહ્યું, “યાર, યુ આર રાઈટ, મેં તો એ જોયું જ નહીં કે નવી કામવાળી હતી! “યાર, યુ આર રાઈટ, મેં તો એ જોયું જ નહીં કે નવી કામવાળી હતી! એક વાત તો છે કે આ મિસીસ દેસાઈની હિંમતની દાદ દેવી પડે! ખુલ્લે આમ, વરંડામાં બેસીને, આમ છડેચોક ઝૂલવું, તો એમને ડર નહીં લાગ્યો હોય કે કોઈ એમના પતિને કહી દેશે તો?” “દાદ તો આપવી જ પડશે દુનિયા કી ઐસી કે તૈસી કરવાની એમની હિંમતની!” કહીને, આયેશા એક મિનીટ માટે ઓચિંતી ઊભી રહી ગઈ અને મોઢા પર બનાવટી ચિંતાના ભાવ લાવીને બોલી, “યાર, મને એક જ હવે ચિંતા થાય છે. લગ્નના ૨૦-૨૫ વર્ષો પછી, તારા “ગાતા રહે મેરા દિલ, તુ હી મેરી મંઝિલ”ના પ્રોગ્રામનું શું થશે હવે?” મેં હસીને આંખ મિંચકારીને કહ્યું, “ગીત ગાવાનો ઈરાદો હવે તો વધુ પાક્કો થયો છે! એ પણ બે જણની સાથે ગાવાની હિંમત આવી ગઈ છે! અને, સાથે મેન્ટલ હીંન્ટ પણ નોટ કરી લીધી છે કે આવું કઈં થાય તો કામવાળી બદલી નાંખવી!” અમે બેઉ ખડખડાટ હસતાં હતાં અને સ્ટેશન તરફ ચાલતાં હતાં. રસ્તા પર ચા કોફીની લારી હતી. લારીવાળાના ટ્રાન્સીસ્ટરમાંથી ગીત સંભળાયું, “મૈં જિંદગીકા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્રકો કુંવેમેં ઉડાતા ચલા ગયા!”
બસ!

************

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ -૫ (જયશ્રી વિનુ મરચંટ)

મિત્રો

આજે ‘બેઠક’માં ‘બેઠક’ના ગુરુ જયશ્રીબેન મર્ચન્ટની એક સુંદર વાર્તા આ મહિનાને લગતા વિષય પર મુકું છું ..આ વાર્તા હરિફાય માટે નથી …વાર્તાની રજૂઆત મને ખુબ સ્પાર્શી ગઈ છે. વાર્તા અને કલમ બંને જોરદાર છે એક શ્વાસે વાંચી જશો એની મને ખાત્રી છે ..બહુ જ હ્રદયસ્પર્શી વાતો,સડસડાટ જતું લખાણ ને સરળ શબ્દો એટલું જ નહિ શબ્દો અને ભાવની સરસ અભિવ્યક્તિ.પરંતુ હું જે શીખી છું તે આપની પાસે વ્હેચું છું. ચાલો સર્જકો સૌ પ્રેરણા લઈએ .

એમની અનેક વાર્તા ધારાવાહી તમે દાવડા સાહેબના આંગણામાં વાંચી શકો છો.

શ્રેણીઃ ધારાવાહી https://davdanuangnu.wordpress.com/-

જયશ્રીબેન આપ જેવા સર્જક પાસેથી અમને સદા શીખવા મળ્યું છે.અભિનંદન 

“તુ કહાં, યે બતા, માને ના મેરા દિલ દિવાના”

મારી બચપણની ખૂબ જ વ્હાલી સખી, મેધા, મેધા પાટીદર, ક્યાં હતી આજકાલ? મારા એક ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ સપનામાં આવીને મને અને મારી જિંદગીને હલબલાવી ગઈ હતી. મેધા અને હું બીજા ધોરણથી સાથે હતા. મલાડ, મુંબઈનુ, ફીફ્ટીસ અને સીક્સ્ટીસમાં, માંડ દસ થી પંદર હજારની વસ્તી ધરાવતું સબર્બ હતું. નો કમ્પ્યુટર, નો ઈન્ટરનેટ નો સેલ ફોન, નો સોશ્યલ મિડિયા એટલે કે નો ફસાદબુક – સોરી – નો ફેસબુક કે નો ટ્વીટરના શું સોનેરી દિવસો હતા! સાચે જ, “ते हि नः दिवसो गताः”! એ દિવસો તો સુખના જતા જ રહ્યા! સોશ્યલ મિડિયા નહોતા પણ માણસો સોશ્યલ હતા. માણસોને એકમેકને મળવા માટે ફોન કરીને સમય લેવાની પણ જરુર નહોતી. મિડીયા જેવું કોઈ મીડલમેન તત્વ હતું જ ક્યાં ત્યારે?

                                એ સમયનું મલાડ અને આજનું મલાડ..! બધું કેટલું બદલાઈ ગયું હતું? હવે જો મારે મેધાના જૂના ઘરે જવું હોય તો મને રસ્તો પણ ન મળે!  ક્યાં શોધું મેધાને? મારી, સીમાની અને મેધાની દોસ્તીની બધાને જ નવાઈ લાગતી હતી. હું શાળામાં ખૂબ સોશ્યલ હતી અને અનેક મિત્રો હતા. સીમા સરળ અને પ્રવાહી સ્વભાવની હતી, જેની પણ સાથે હોય, એની જોડે સીમા હળી મળી જતી પણ પોતાપણું કદીયે ન ગુમાવતી. મેધા ખૂબ જ શાંત અને અંતરમુખી હતી અને બહુ ઓછું બોલતી પણ એના મોઢા પર કોઈ અજબ શાંતિ સદા માટે રહેતી. હું ને સીમા ક્યારેક ટીચર્સની મસ્તી કરતાં, અંદર અંદર વાતો કરતી વખતે, પણ મેધા જેનું નામ, એ અમને કહેતી, “આવી વાતો કરીને તમને શું મળે છે?”  મેધાને, હું અને સીમા હાઈસ્કૂલના દિવસોમાં ગણિતની કોન્સટન્ટ સંજ્ઞા “પાઈ” કહીને બોલાવતા! ગમે એ થઈ જાય, “પાઈ”ની વેલ્યુ સિસ્ટમ બદલાય જ નહીં! મેધાના માતા-પિતા એ સાત વરસની હતી ત્યારે એના પિતાની સરકારી નોકરીમાં બદલી થતાં નડિયાદથી મુંબઈ આવ્યા હતા. અમારી મૈત્રીની શરુઆત મેધાના શાળાના એડમીશનના પહેલા દિવસથી થઈ હતી. શાંત, બે ચોટલા વાળેલી, થોડીક શ્યામ પણ ખૂબ નમણી, ઊંચી અને એકવડા બાંધાવાળી આ નવી વિદ્યાર્થીની બીજા ધોરણથી મારી અને સીમાની વચ્ચે એક જ બેન્ચ પર બેસતી અને તે પ્રથા અગિયારમા- તે સમયના એસ.એસ.સી.-પર્યંત ચાલુ રહી. મેધા, હું અને સીમા, અમારી ત્રણેની મૈત્રીમાં, ઘનિષ્ઠતા સાથે અણબોલાયેલી સમજણ અને વિશ્વાસ હંમેશા રહ્યો હતો. મેધા અને મને ખૂબ જ બનતું, સીમા અને મારી વ્યક્તિગત રીતે થોડીક મજાક અને મસ્તી વધારે થતી. સીમા સાથે મેધાના સખ્યમાં બહેનો જેવો પ્રેમ વધુ હતો જેની, મને તે સમયે કોઈ કોઈ વાર છાની અસૂયા થઈ જતી છતાં પણ અમે ત્રણેય જ્યારે સાથે હોઈએ ત્યારે જાણે એમ જ લાગતું કે આખી જિંદગી આમ જ અમે સખીઓ સાથે રહીશું! ત્યારે ક્યાં ખબર હતી કે સમયની ધારા કોને ક્યાં વહાવીને લઈ જશે!

       સીમા અને હું ફેસબુક પર ફ્રેન્ડ્સ હતાં. સીમાએ એની પડોશમાં રહેતાં પંજાબી ડોક્ટર છોકરા, શેખર ખન્ના સાથે લગ્ન કર્યા હતા. શેખર મુંબઈનો હવે ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ હતો ને સીમા હાઉસ વાઈફ હતી. મેં પહેલાં તો મેસેન્જર પર ફોન કર્યો તો એણે ન ઊંચક્યો. પછી ફેસબુકના ચેટ પર એને પીન્ગ કરી.  આમતેમની વાત પછી મેં ચેટ પર પૂછ્યું, “સીમા, આપણી “પાઈ”-મેધા- ક્યાં છે આજકાલ?” એણે ઉત્તર આપ્યો, “મારે ૧૯૭૬ પછી કોઈ જ કોન્ટેક્ટ નથી. તું જો એને ટ્રેક કરે તો પ્લીઝ, મને જણાવજે. મને પણ એની બહુ યાદ આવી રહી છે.” અને ચેટ મેસેજમાં બીજી વાતો આમતેમ કરીને છૂટા પડ્યા.  ક્યાં હશે મેધા? શું થયું હશે આટલા વર્ષોમાં એની સાથે?

        એસ.એસ.સી. પાસ કર્યા પછી મેધા અને સીમા જુદી-જુદી કોલેજમાં આર્ટસમાં ગયા અને હું સાયન્સમાં ગઈ. આમ અમારા કોલેજકાળના મિત્રો પણ અલગ રહ્યા. છતાંયે અમે ત્રણેય જ્યારે પણ મળતાં ત્યારે એમ જ લાગતું કે કદી જુદા પડ્યા જ નહોતા. ઈન્ડિયામાં માઈક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી કર્યા પછી હું તરત જ અમેરિકા આગળ ભણવા માટે આવી ગઈ હતી. બી.એ. પાસ કરીને, વરસની અંદર જ લગ્ન કરીને મેધા એના પતિ સાથે તરત જ મસ્કત જતી રહી હતી. મેધાના મસ્કત જવાના બે—ત્રણ વરસ સુધી તો મારો પત્ર વ્યવહાર એની સાથે રહ્યો હતો પણ પછી ધીમે ધીમે ઓછો થતો ગયો અને ૧૯૭૮ સુધીમાં તો સાવ જ બંધ થઈ ગયો. વચ્ચે, મને યાદ છે ત્યાં સુધી તો ૧૯૮૦ માં હુ ઈન્ડિયા ગઈ હતી ત્યારે એના મમ્મીને મળવા જવાની હતી તો ભાભીએ કહ્યું કે એના મમ્મી ગુજરી ગયા છ-સાત મહિના પહેલાં અને એના પિતાજી તથા ભાઈ-ભાભી તો બીજે કશેક, ઘર ખાલી કરીને જતા રહ્યા. ત્યાર બાદ, અમેરિકા જઈને મેધાને એની મમ્મીના અવસાન બદલ અફસોસ વ્યક્ત કરતો મસ્ક્તના સરનામા પર મેં પત્ર લખેલો જે થોડાક વખત પછી ફરતો-ફરતો પાછો આવ્યો હતો with a note, “Addressee Not Found at the Designated Address.” અને પછી તો મેધા પર વિસ્મૃતિનો પડદો પડી ગયો હતો. એના લગ્ન થયા ત્યારે હું અમેરિકાના મિશીગનમાં ભણવા માટે આવી હતી અને મારા લગ્ન નહોતા થયા. મારા લગ્નમાં એ મસ્કતથી આવી શકી નહોતી, આમ, મને કદી એના પતિને પ્રત્યક્ષ મળવાનો મોકો નહોતો મળ્યો. આજે મને કેમેય કરીને એના પતિનું નામ અને એની અટક યાદ આવતી નહોતી. મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે કેમ મને યાદ નથી?? તે જ સમયે, મને ઓચિંતો જ મારા પતિદેવે સાચવી રાખેલા પત્રોનો એ અલ્લાદિનના જાદુઈ ચિરાગ જેવો “પેન્ડોરા”નો બોક્ષ યાદ આવ્યો. હું જલદીથી ઊભી થઈ અને એ બોક્ષ કાઢ્યો. હાથ એકબીજા સાથે ઘસ્યા અને સાથે જોડ્યા, ઈશ્વરને પ્રાર્થના કરવા કે મને આમાંથી મેધાનો એકાદ પત્ર, એના લગ્ન પછીનો લખેલો મળી આવે! And of course, there it was!

                 ૧૯૭૮ની સાલ, માર્ચની ૩૧, તારીખે મેધાએ પત્ર લખ્યો હતો. મેં એ પત્ર વાંચવો શરુ કર્યો એ પહેલાં એનું એડ્રેસ અને નામ સેન્ડર તરીકે વાંચ્યું, “મેધા અનિલ પટેલ” એ પત્ર વાંચતાં વાંચતા મારી આંખો છલકાઈ ગઈ. મેધાએ લખ્યું હતું. “જયુ, છેલ્લા કેટલાક મહીનાઓથી અનિલનો કારોબાર અહીં બરાબર નથી ચાલતો. અમે વિચારીએ છીએ કે, મસ્કત છોડી, દુબઈ સેટલ થવા જતાં રહીએ. અનિલ પહેલાં ત્યાં જશે અને એકાદ-બે વરસની જ તો વાત છે. જેવા દુબઈમાં સેટલ થશે કે અમને પાછાં ત્યાં બોલાવી લેશે. ત્યાં સુધી, મારી મોટી દિકરી નીના, અને નાની બેઉ જોડકી દિકરીઓ, સુસ્મિતા અને અમિતાને લઈને હું, વડોદરા જતી રહું છું. અમે વડોદરામાં નાનકડો બંગલો બે વરસ પહેલાં, મારા સાસુ અને સસરા માટે ખરીદ્યો હતો. મારા સાસુ –સસરા હવે ગામનું કાચું મકાન છોડીને ત્યાં રહે છે. તને તો ખબર જ છે કે અનિલ એમનો એકનો એક જ દિકરો છે. અનિલ ખૂબ જ મહેનતુ છે. એ જેવા દુબઈમાં સેટલ થઈ જશે કે અમને બોલાવી લેશે એની મને ખાતરી છે. સીમાને પણ આ સાથે પત્ર લખ્યો છે, આ બધી જ વિગત સાથે. જો હાથ થોડો તંગ ન હોત ને, તો તમને બેઉને ફોન જ કરત. સારો સમય પણ જોયો અને હવે થોડી તકલીફ પણ આવે તો વાંધો નહીં, બરાબર ને? મારી ફિકર કરતી નહીં. જેવી હું વડોદરા પહોંચીશ અને ઠરીઠામ થઈશ કે એડ્રેસ અને ફોન નંબર આપવા પાછો કાગળ લખીશ. આશા છે કે તું, જીજાજી અને બાળકો આનંદમાં હશો. અમારા જીજાજી અને વ્હાલાં ભૂલકાંઓની પણ કાળજી લેજે પણ એ સાથે પોતાની ધ્યાન રાખવાનું ભૂલીશ નહીં.” આટલી વ્હાલી મારી એ મિત્રનો છેલ્લો પત્ર હતો અને મેં કે સીમાએ પણ આ પત્ર પછી એની ભાળ લેવાની પરવા પણ ન કરી? ફિટકાર છે મારા આવા સ્વાર્થી સખ્ય પર કે જ્યારે એ તકલીફમાં હતી તે જાણ્યા પછી પણ મેં એટલું જાણવાની દરકાર ન કરી કે હવે બધું બરબર થયું હતું કે નહીં…! એનું સરનામું કદી આવ્યું નહીં અને અમે પણ અમારા સંસારમાં એટલા ડૂબી ગયા કે પાછું વળીને જોયું પણ નહીં ને વિચાર્યું પણ નહીં!

                  હું આજે વિચારોમાં મેધામય થઈ ગઈ હતી. મેધાની દિકરીઓ હવે મોટી થઈ ગઈ હશે! મેં સીમાને મેધાના કાગળની કોપી સ્કેન કરીને, ઈ-મેલમાં મોકલી અને સાથે લખ્યું કે એના કોઈ કોન્ટેક્ટ જો વડોદરામાં હોય તો મેધાની તપાસ જરુર કરાવે. હું મેધાને જાણતી હતી એટલે જ ખાતરી હતી કે એના જેવી સરળ સ્વભાવની, શાંત વ્યક્તિ ફેસબુક પર તો હોય જ નહીં! મેં ફેસબુક પર પછી નીના, સુસ્મિતા તથા અમિતા ની સર્ચ કરવાની ચાલુ કરી. મને પછી થયું કે દિકરીઓ જો પરણી ગઈ હશે તો એમના નામ પણ જુદા હશે, છતાંયે કોશિશ તો કરવી રહી.  મેં પછી ખાલી ત્રણેય નામોની સાથે પટેલ અને લખીને સર્ચ કરી તો મારા આશ્ચર્ય વચ્ચે મને સોથીયે વધારે નીના પટેલ અને ૧૮૮ બીજી અટકવાળી નીના મળી. બસો જેટલા અમિતા પટેલ અને સોએક અમિતા અન્ય અટક વાળી મળી. પરંતુ ફક્ત દસ સુસ્મિતા મળી જેમની અટક પટેલ અને બીજી છ સુસ્મિતા બીજી અટક વાળી હતી. મેં સોળે-સોળ સુસ્મિતાને મેસેન્જર પર સંદેશો મોકલ્યો કે હું મારી બહુ વ્હાલી મિત્ર મેધાને શોધું છું. અમે મુંબઈના પરાં, મલાડની સ્કૂલમાં સાથે ભણ્યા હતાં અને એ લગ્ન કરીને એના પતિ અનિલની સાથે મસ્ક્ત રહેતી હતી, વગેરે વગેરેની વિગતો મોકલી. સાથે એ પણ લખ્યું કે “અનિલ અને મેધાની ત્રણ દિકરીઓ હતી, મોટી નીના અને પછીની બે ટ્વીન દિકરીઓ, અમિતા અને સુસ્મિતા. જો આપ એ સુસ્મિતા હો તો અવશ્ય મને જણાવજો અને ન હો તો તકલીફ બદલ માફ કરજો.” રાતના સાડા અગિયાર થયા હતાં. મેં કમ્પ્યુટર બંધ કર્યું અને સૂવા ગઈ. મનોમન હું પોરસાતી પણ હતી કે કેટલે જલદી હું ફેસબુકના બધા ફીચર્સ શીખતી જતી હતી! કાલે મારા સંતાનોને કહીશ કે રહેતાં-રહેતાં હું પણ એક દિવસ “હાઈ ટેક” બની જઈશ!

                                બીજે દિવસે, ડિનર પછી મેં કમ્પ્યુટર ખોલ્યું, અને મારા આશ્ચર્ય વચ્ચે દરેક સુસ્મિતાના જવાબો આવ્યા હતા. પંદર સુસ્મિતાએ દિલગીરી જાહેર કરીને, મને મારી મિત્ર જલદી મળે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. અને એક જવાબ હતો સુસ્મિતા મહેરાનો, જેણે લખ્યું હતું, “આન્ટી, પ્લીઝ, મને તમે ફોન નંબર મોકલો અથવા મને ફોન કરો. નંબર મોકલાવું છું. બાય ધ વે, હું મુંબઈમાં રહું છું. હું એ સુસ્મિતા નથી જેને તમે શોધો છો પણ મને લાગે છે કે હું તમારી મદદ કરી શકું એમ છું.” આ બે-ત્રણ વાક્યોના જવાબે મને જાણે “કૌન બનેગા કરોડપતિ” ના છેલ્લા પાંચ કરોડના પ્રશ્નના જવાબની લાઈફ-લાઈન આપી હોય એટલો આનંદ થયો. સાન ફ્રાન્સીસ્કોમાં સાડા આઠ રાતના થયા હતા. મેં એના મોકલાવેલા નંબર પર ફોન કર્યો.

“હું સાન ફ્રાન્સીસ્કોથી જયુઆન્ટી વાત કરું છું. સુસ્મિતા છે?”

“હા, હું જ સુસ્મિતા. બોલો આન્ટી”.

“થેંક્યુ ફોર ટેઇકીંગ ટાઈમ તો આન્સર. તમે કહો, શું મદદ કરી શકો છો તમે?”

“આન્ટી, મારી ગાયનેકોલોજીસ્ટ છે, જેનું નામ ડો. નીના એમ. પાટીદાર છે. અહીં, પેડર રોડ પર, મારા બીલ્ડીંગથી દસેક બીલ્ડીંગ દૂર, બિલકુલ જેસલોક હોસ્પિટલની સામે “ડોક્ટર્સ હાઉસ” છે ત્યાં એમની ઓફિસ છે. હજી એકાદ અઠવાડિયા પહેલાં હું મારી એપોઈન્ટમેન્ટ માટે ગઈ હતી તો એમની બે ટ્વીન બહેનો ત્યાં આવી હતી એમની ઓળખાણ કરાવી હતી. બેઉ બહેનો લંડનથી આવી હતી. બેઉના નામ અમિતા અને સુસ્મિતા હતા. હું ડો. નીનાનો નંબર આપું છું. એ સાથે હું પણ એમને તમારો નંબર પણ મોકલીશ. તમે એકાદ બે કલાક રહીને એમને ફોન કરજો જેથી એટલા સમયમાં એમને મારો સંદેશો પહોંચી શકે. ગુડ લક આન્ટી.”

                 મારી ખુશીનો પાર નહોતો. મને થયું કે સાચી સુસ્મિતા કદાચ આ ફેસબુક પર નહીં હોય, નહીં તો જરુરથી જવાબ તો આપત. હું હવે એકાદ-બે કલાક કેમ વિતાવવા એની રાહ જોતી હતી. મેં ઝી ટીવી ચાલુ કર્યું. “આંધી” મુવી ચાલી રહ્યું હતું. હજી તો મુવીમાં ધ્યાન આપું ત્યાં તો મેસેન્જર પર રીંગ વાગી. મેં ફોન ઉપાડ્યો અને સામે જે મેં સાંભળ્યું, મને લાગ્યું કે હું સપનું જોઈ રહી છું અથવા જીવનની વરવી સચ્ચાઈની એક-એક ક્ષણને ચલચિત્ર સમ આંખો સમક્ષ પસાર થતી જોઈ રહી છું! એ ફોન ડો. નીના મેધા પાટીદારનો હતો! મેં તરત જ પૂછ્યું કે, “મારી મેધા છે ક્યાં? મને એનો ફોન નંબર આપ, સહુ પહેલાં, મારે એને ચોંકાવી દેવી છે!” પણ નીનાને આટલા વરસોનો “ભારેલો અગ્નિ” ઠરી જાય એ પહેલાં જ, જાણે એને બધું જ કહી દેવું હતું. મેધાના પતિએ દુબઈ જઈ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરી લીધા. મેધા તથા બાળકોને કદીયે પાછા ન બોલાવ્યા, એટલું જ નહીં પોતાના વૃધ્ધ માતા-પિતાની તરફ જોયું પણ નહીં! મેધાએ તો એના સંતાનોના ભણતરની સફળતા માટે. અનહદ મહેનત કરી, બાળકોને મોટા કર્યા અને મેધાના સાસુ-સસરા આઠેક વરસો સુધી જીવિત રહ્યા, ત્યાં સુધી એમને પણ પ્રેમથી રાખ્યા. નીનાએ એમ.ડી. કર્યું અને ૨૦૦૭થી મુંબઈમાં પ્રેક્ટીસ કરી રહી હતી. અમિતા-સુસ્મિતા બેઉ સોફ્ટ્વેર એન્જિનીયર થયા અને લગ્ન કરીને લંડન શીફ્ટ થઈ ગયા. આ બધી વાત કરતાં હું નીનાના અવાજનો કંપ આટલે દૂર અનુભવી શકતી હતી. નીના બોલી, “આન્ટી, મારો સેલ નંબર પણ નોટ કરી લેજો.” હું બોલી, “બેટા, મને થાય છે કે હું ઊડીને ત્યાં આવું! મને મેધાનો નંબર આપ. મારાથી રાહ નથી જોવાતી હવે! આટલું બધું એ એકલી સહેતી રહી ને એક વાર પણ એણે મને યાદ ન કરી, પણ, હું યે કેવી સ્વાર્થી કે મારી વ્હાલી સખીની ભાળ ન કાઢી! મારે એને ધમકાવવી છે અને સાથે એને કહેવું છે કે મને વઢે, એની ખબર ન લેવા માટે!” સામેથી નીનાના અવાજમાં ડૂમો છલકાયો, “આન્ટી, મમ્મીને ખાતરી હતી કે ક્યારેક તમે કે સીમા આન્ટી ક્યારેક તો એને શોધશો જ અને કોન્ટેક પણ કરશો! એણે તમારા બેઉ માટે એક પત્ર આજથી દસ વરસ પહેલાં લખીને મૂકી રાખ્યો છે, મારે એ મોકલવો છે.” મારી ધીરજ ખૂટતી જતી હતી. શું થયું હતું મેધાને કે દસ વરસ પહેલાં પત્ર….! મેં તરત જ પૂછ્યું, “મેધાને કઈં થઈ ગયું છે? મને એ ક્યાં છે, એ જલદી કહે, બેટા!” સામે છેડેથી જવાબ આવ્યો, “આન્ટી, મમ્મી મારી સાથે જ રહે છે. હું તમને ફેસ-ટાઈમ અથવા સ્કાઈપ પર નક્કી ઘેર જઈને તમારી સાથે મેળવીશ, મમ્મીને દસ વરસ પહેલાં અલ્ઝાઈમરની શરુઆત થઈ હતી. જે દિવસે અલ્ઝાઈમર શરુઆતના સ્ટેજમાં પરખાયું હતું તે જ દિવસે એણે આ પત્ર લખીને મૂક્યા હતા.! મમ્મી હવે તો કોઈનેય ઓળખતી નથી. એની પોતાની દુનિયામાં જ રહે છે. મમ્મી આ દુનિયાની રહી નથી હવે! પણ રાતના ઘેર જઈને ફોન કરું છું!” ડૂમા ભરેલા અવાજે નીના બોલી રહી હતી. આ હું શું સાંભળતી હતી! આટલા વરસો, આટલી વેદના, આટલી વ્યથા, મારી સખીના ભાગ્યમાં લખાઈ ગઈ અને હું? આંસુ વહ્યા કરતાં હતાં.! ફોન પૂરો થયો હતો! સાચે જ, એની મમ્મી ક્યારેય આ દુનિયાની હતી જ નહીં! હું હતપ્રભ થઈ, શૂન્ય નજરે ઝી ટીવીને તાકતી રહી..!  ઝી ટીવી પર. “આંધી” મુવીનું “તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ” નું ગીત આવી રહ્યું હતું!

બસ…!

જયશ્રીવિનુ મર્ચન્ટ .

 

મનની મોસમમાં ખીલતા જયશ્રીબેન મર્ચન્ટ

મોસમનો સ્વભાવ ખીલવાનો છે પણ મોસમ આવે ત્યારે મુજવણ લાવે ત્યારે.શું .?હા સવાલોનું તોફાન સર્જે છે ! મનની મોસમનું ખીલવું શું કરું? પ્રેમના પડઘાને પડદામાં કહો, કઈ રીતથી રાખવા? સાવ કુંવારી ને જાદુભરી હવાનું શું કરું? બારાખડી સ્પર્શની  કેવી રીતે ઉકેલી શકાય ?હાજરી વિનાના પણ આશ્લેષ અને આલિંગન આપે ત્યારે  શું કરવું ,અહી પ્રશ્ન જ પ્રેમનું જતન કરે છે. જેણે પ્રણયને શૃંગારના કંકુ-ચોખાથી પોંખ્યા છે , પોતાને ઓતપ્રોત કરીને પ્રેમની દરેકે દરેક ક્ષણોને જાદુભરી બનાવીને મ્હાલી છે એવા બે એરિયાના કવયિત્રી જયશ્રીબેન મર્ચન્ટ,એક સંવેદનાથી ભરપુર  વ્યક્તિત્વ છે ,પ્રેમાળ માતા, પ્રેમાળ પત્નીએ વિજ્ઞાનની લેબમાં પ્રેમનું શબ્દોમાં રૂપાંતર કરી પ્રેમને લીલોછમ રાખ્યો છે, પતિના સ્નેહને હૃદયમાં  ટહુકો કરતો  હજી પણ માણે છે માટે જ  એમના પ્રેમ કાવ્યોમાં સચ્ચાઈ અને અનુભૂતિનું ઊંડાણ છે. કવિતામાં લાગણીની શિખરની ટોચ જેવી તીવ્રતા છે.ગળાબૂડ પ્રેમ કરતી વ્યક્તિ છુપી રહેતી નથી તેવુ જ  જયશ્રીબેનનું. છે તેમના આંસુ ચાડી ખાઈ આધાર આપે છે.એમને પહેલીવાર ક્યારે મળી હતી યાદ નથી આવતું પણ પછી વારંવાર મળી એમને મેં વાંચ્યા છે એમણે પ્રણયની તીવ્ર અનુભૂતિ વિરહમાં અને વિદાયમાં અનુભવી છે.પતિની મીંચાયેલી પાંપણના પડછાયામાં હજી પણ એ ચાલે છે અને એટલેજ એના આંસુઓ ભોંયતળીયે દાટવાની કોશિશમાં શબ્દોના ફૂલ ઉગાડ્યા છે.એમના પ્રેમનો વૈભવ લઈને એ મહાલે છે.એમની પાસે યાદ છે, વિરહ છે, વ્યથા છે, સ્મુતીમાં કોઈ જીવે છે.ચહેરો આંખોમાં છે, સ્પર્શ હજી પણ અંગેઅંગમાં છે ,શબ્દો હજી પણ કાનમાં જ છે અને એનું હ્રદય  દિલમાં હજી ધબકે છે, માટે યાદ આવતા હજી પણ પ્રેમના કુંપળો ફૂટે છે, ખભાને પાંખ આવે છે ,કોયલ ટહુકે છે, અને મનની મોસમ ખીલતા જાદુભરી હવા સુગંધ લહેરાવે છે.હાથની કલમ વાંસળી બની સુર લહેરાવે છે,મન ગેરહાજરીમાં પણ  હાજરીનો વૈભવ માણે છે..  અને મનની મોસમમાં વસંત આવે  છે… અને એમની કલમે શબ્દો સર્જાતા કવિતા રચાય છે.

ચમત્કાર ખંડ ૧

ગઈ કાલે રાતે, સપનામાં તમે,

મૂકી ગયા હતા, મારા ઓષ્ઠદ્વય પર,

કુંવારા ચુંબનની કુંવારી કળી…! .

…સવારે ઊઠીને જોઉં તો દર્પણમાં…

પારિજાતની સૌરભના ઢગલે ઢગલામાં દટાયેલી હું….!

ખંડ ૨

સપનાની શેવાળી ભૂમિ પર જ તો હું ચાલતી હતી ને લપસી પડી..

ત્યારે, તમારા શ્વાસોનું આલિંગન માણતી હું!

આંખો ખૂલતાં જ મળી આવી મને બર્ફીલા શ્વાસોના પ્રદેશમાં,

આજન્મ મુક્તા હિમશીલાના સ્વરુપે…!

ખંડ ૩ યાદ છે,

હજુ તને, એ આપણું સમંદરના કિનારે,

ફેનરાશિની સ્નિગ્ધતાને રોમરોમથી પીવાનું?

ને, એક જબરજસ્ત મોજું આવરી લેતાં જ  ઠંડા તરંગની જ્વાળામાં લપેટાઈને,

આપણું એ ખાક થઈ જવા માટે આતુર થવાનું? …

આજે એ સાગરતટે જાઉં છું ત્યારે, ન જાણે કેમ,

સાગરના એ મોજાંની ભભૂકતી આગનું મને આવરી લેતાં જ અફાટ, બર્ફીલા રણમાં રુપાંતર થઈ જાય છે! . . . .

. જયશ્રી લિનુ મરચંટ

************************************************

શું કરું

આંખો મહીંના સૌ સપનાનાં ઝાંઝવાનું શું કરું?
પણ સાવ કુંવારી ને જાદુભરી હવાનું શું કરું?

ફૂલોય શામિલ છે અહીં તુજ સંગ આ સાજિશ મહીં;
પણ તુજ સુગંધોને લઈને વાતા સબાનું શું કરું?

વાંકને અહીં ક્યાં શોધવા, દૂરીના તો આ આપણી?
તેં દરવખત જે મોકલ્યા એ કારણ બધાનું શું કરું?

ક્યાં રોમરોમે ઉગવવા સ્પર્શના પરપોટા અહીં?
અમથા જ સાવ કમોસમી વાદળ-ઘટાનું શું કરું?

પડઘાને પડદામાં કહો, કઈ રીતથી રાખવા?
પવન ચીરીને આવતી અતીતની સદા*નું શું કરું?

– જયશ્રી વિનુ મરચંટ

(સદા* – પુકાર)

(સબા* – સુગંધોને લઈ આવતો પવન)

************************************************

આવે છે!

લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે!
જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!

દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી!
જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!

ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં,
હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!

ઓઢીને તડકો, ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે!
રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?

વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી!
જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!

“ભગ્ન” માફી માગ, તો ખુદા કરશે બધાય ગુનાહો માફ!
કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે?

ને પછી…..

કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો, ને પછી,
અટકળને અંધ પાંખો ફૂટે, ને પછી
એ…ને…અટકળ ઊડી, ઊડી, ને એવી તે ઊડી, ને પછી,
ને પછી, અટકળ બની ગઈ અફવા, ને પછી,
અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ, ને પછી,
ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ, ને પછી,
ઊડી ઊડીને અફવા થાકે, ને પછી,
ચરણ સંકોરે, અંધ આંખો ખેરવે, ને પછી,
કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને, ને પછી,
કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે “હું અટકળ નથી, અફવ નથી,” ને પછી,
છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, “હું જ સત્ય છું!”, ને પછી,
કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પર, ને પછી,
ત્યારથી કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે….!

૩. મળશે તો?

શોધવા નીકળીશ રાહબર અને ખુદ ખુદા મળશે તો?

વિધીના લેખ રૂપે, સાંગોપાંગ, વીધાતા જ મળશે તો?

સેજ, મેડી, બારી, બારસાખ બધાં અવાચક થઈ જશે,

બનીને ચાંદ, દુલ્હન રૂપે મારી પડખે તું જો મળશે તો.

એક અડપલું અમથું નજરનું કર્યું, ત્યાં હતી શી ખબર?

મારા હાથમાં મહેંદીના વનનાં વન પછી મળશે તો.

કસુંબલ આંખોનો કેફ કરતાં પછી મને બીવડાવો નહીં,

વીદાય, વ્યથા અને વેદનાનાં વમળ મને જો મળશે તો?

જેને અક્ષરરૂપે પામવા, જીવનભર બસ ઝુર્યા કર્યું,

‘ભગ્ન’ કબર પર પછી એના જ હસ્તાક્ષર મળશે તો?

૪.જિંદગી ગઈ સરી…!

નામ લઈ એમનું લ્યો, જુઓ, શું ય હું ગઈ કરી!

ઝાંઝવાના હતા સાગરો એ બધાય હું ગઈ તરી!

હું જ છું પ્રતિબિંબો મહીં કે કોઈક બીજું જ છે?

શોધતાં આ જવાબો સૌ અહીં જિંદગી ગઈ સરી!

બાવરી રાધા લ્યો એકલી જ થઈ બદનામ પણ!

શ્યામની બાંસુરી મન જ રાધાનું હતી ગઈ હરી!

છે અહીં ક્યાં એવુંયે કશું જેનાથી હુંય જાઉં ડરી?

પણ જોયો આયનો ઓચિંતો, હું ય લ્યો ગઈ ડરી!

બાગમાં તો કશું કોઈનું ય બગડ્યું જ છે ક્યાં?

ભર વસંતે કળી એક ખીલ્યા વિણ જ ગઈ ખરી!

સર્જક …જયશ્રી વિનુ મરચંટ