અગ્નિ પુરાણ-જયવંતીબેન પટેલ

મિત્રો

આપણા બ્લોગના નવા પરિવર્તને લેખકોને લખવા પ્રેરણા આપે છે.આજે કલ્પનાબેનની શબ્દ યાત્રા -શબ્દના  સથવારે જયવંતીબેનને પ્રરણા આપી છે. એના માટે કલ્પનાબેનને અભિનંદન જયવંતીબેને આજે  અગ્નિ શબ્દની અનેક પરિભાષા આપી આજે અગ્નિ ના વલણો સમજવાનો પ્રયત્ન કરીએ  તો જયવંતીબેનના આ પ્રયત્નને આવકારશો . સવાલ અહી વાંચન સાથે સર્જન કર્યાનો છે. ‘બેઠક’ એટલે ભાષાને ગતિમય રાખવાનો એક નમ્ર પ્રયત્ન પ્રયત્ન. ..એક  પણ લેખક લખે તો પૂર્ણ  થયાનો અહેસાસ આજે થાય છે અને મારા બ્લોગ બનાવ્યાની સાર્થકતા અનુભવું છું. માટે મિત્રો આપણા બ્લોગના કોઈ પણ લેખક કે લેખ તમને પ્રેરણા આપે તો જરૂરથી લખી મોકલશો.જેટલું વેચશું એટલું પામશું.હા ૧૫૦ બ્લોગ કદાચ આ લેખ ન વાંચેતો પણ તમારા મનને આનંદ પમાડે તે લખજો.હા બ્લોગ પ્રસિદ્ધી માટે નહિ સ્વના વિકાસ અર્થે છે.

અગ્નિ

હું અગ્નિની સાક્ષીએ ….વચન આપું છું….કે …

પ્રભુતામાં પગલા માંડતા લેવાયેલ વચન ,લગ્ન જીવનનાં પવિત્ર મંત્રોચ્ચાર,  વિધિ વિધાન બધું જ અગ્નિ ની સાક્ષીએ…

અગ્નિ એક સામન્ય અને જાણીતો શબ્દ,પણ અનેક પ્રયોગ અને અર્થ આપણા જીવન સાથે સંકળાયેલા છે.

હા આમ જોવા જઈએ તો અગ્નિ એટલે સળગતો સળગાવતો પદાર્થ, દેવતા, દેતવા, આગ. દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો ખૂણો.એક શબ્દાર્થ -અગ્નિ એટલે પ્રકાશ અને ઉષ્ણતાનો કે અગ્નિખૂણાનો અધિષ્ઠાતા દેવ.પરંતુ એથી પણ વિશેષ પાંચ મહાભૂતોમાંનું એક તેજસ્તત્ત્વ.

તેજસ્તત્ત્વનો અધિષ્ઠાતા દેવ એટલે અગ્નિ 

પુરાણ કાળમાં યજ્ઞ ખૂબ જ પ્રચલિત હતા.  સાધુ સંતો પૂરી શ્રધ્ધાપૂર્વક યજ્ઞ કરતા.  આજે પહેલાં જેટલાં યજ્ઞ નથી થતાં પણ તેનું મહત્વ તો હજુ જળવાય રહયું છે.  અગ્નિની સાક્ષીએ લેવાયેલા વચનો પવિત્ર તેમજ સુરક્ષિત રહે છે.  અગ્નિનું મહત્વ ખાલી હિંદુઓ માટે જ એવું નથી.   દુનિયાની વિભિન્ન જાતિઓ અગ્નિને ખૂબ જ માન આપે છે.  જેમને પોતાની સંસ્કૃતિ છે તેઓ અગ્નિનું મહત્વ જાણે  છે.
અગ્નિ એક દેવતા છે.  શુભ કાર્યમાં અગ્નિને આહવાન કરી આમંત્રિત કરાય છે.  દ્રૌપદી અગ્નિમાંથી જન્મેલી સંપૂર્ણપણે વિકસિત નારી હતી.  એ અગ્નિમાંથી પ્રગટી હોવાથી એનાં પ્રશ્નો પણ અગ્નિની જેમ દઝાડતા હતા.  એની બુધ્ધિ અગ્નિ જેવી દાહક, શસ્ત્રની ધાર જેવી ઘાતક અને તેજથી સામેની વ્યક્તિને આંજી નાખતી બુધ્ધિ હતી.  એ સતત પ્રજ્વલ્લિત રહેતી હતી.  પણ એ અગ્નિ જેટલી જ પાવક હતી.

પ્રકાશ અને ઉષ્ણતા,હૂફ એટલે અગ્નિ 

આપણે દીવડા પ્રગટાવીએ છીએ,  એ અગ્નિનો એક પ્રકાર છે.  દીવાની જ્યોત નજીકથી દઝાડે છે.  પણ એજ જ્યોત અંધકારનો નાશ કરી સમગ્ર વિશ્વમાં પ્રકાશ પાથરે છે.  દિપાવલીનું શુભ પર્વ હજારો દીવડા પ્રગટાવી મનાવાય છે.  અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન નો પ્રકાશ પાથરો એ સંદેશ વહેતો મૂકે છે.  શ્રી રામ ચૌદ વર્ષ વનવાસ ખેડી પાછા અયોધ્યા માં પ્રવેશે ત્યારે આખી અયોધ્યા દીવડાઓથી સજી,  જ્ઞાન અને પ્રેમનો સંદેશ પ્રજાએ જાળવી રાખ્યો.  આજે પણ લોકો એ જ ભાવનાથી દીવા પ્રગટાવે છે.

જંગલમાં રહેતો માનવી, કડકડતી ઠંડીમાં તાપણું કરી, તે અગ્નિની હૂંફથી જીવે છે. ગરીબો માટે તાપણું આવશ્યક જીવન ઊપયોગી પ્રક્રિયા છે. એવી જ હૂફ બાળક જન્મે ત્યારે માના પેટમાં બાળક અનુભવે છે.માના શરીરમાં પ્રજવલતો અગ્નિ બાળકને જીવન પ્રદાન કરે છે…

તો હોળી વખતે પ્રગટાવેલી હોળી જનજીવનને માટે જીવવાનું પરિબળ બને છે.  હોળીના અગ્નિમાં વેરઝેર, કાપ – ક્લેશ, માન -અપમાન હોમી નવજીવનનનો પ્રારંભ કરો એવું શીખવે છે.  નવરાત્રિના નવ દિવસ પછી દશેરાને દિવસે દશાનનનું પૂતળું બનાવી સળગાવી દેવામાં આવે છે.  અને એવો સંદેશ આપે છે કે દશ ઇન્દ્રિઓને કાબૂમાં રાખો.  જો બેકાબુ બની જશે તો તમારો જ સર્વનાશ નોતરશે.

ભારેલો અગ્નિ …અગ્નિદેવ રૂઠે ત્યારે…

વર્ષો પહેલા લાકડાં અને કોલસા બાળી અગ્નિ પ્રગટાવતા.  આજે ગેસ અને વીજળીનો  ઊપયોગ વધુ ઊપલબ્ધ છે.  કે જે આપણે દરરોજની રસોઈ માટે વાપરીએ છીએ.  છતાં પણ અણસમજ, સ્વાર્થી લોકો જંગલમાંથી ઝાડો કાપી ,  લાકડાનો ઊપયોગ અનેક રીતે કરે છે.અને પર્યાવરણને મદદ નથી કરતા.
વૃક્ષો ને સાચવવા એ પર્યાવરણને  માટે ખૂબ જરૂરી છે.  વૃક્ષો રોપવા અને બાળકો પાસે પણ રોપાવવા એ આપણી સર્વેની ફરજ બની જાય છે.  દિલ્હીમાં ધુમ્મસ વાળી હવા પર્યાવરણનાં પ્રદુષિત થવાથી જ થાય છે.  ખેતરોને સળગાવવાથી જે ધૂમાડો થાય છે તે પ્રદુષણમાં વધારો કરે છે.

હમણાં જ, ગયા ઓક્ટોબર મહિનામાં ઉત્તર કેલિફોર્નિયામાં નાપા અને સોનોમા કાઉન્ટીમાં ભયંકર આગ લાગી હતી.  હજારો એકર જમીનમાં જે ઘરો, શોપિંગ મોલ્સ, હોસ્પિટલો, નિશાળો , પ્રાર્થના ઘરો વિગેરે હતાં તે ભારે અગ્નિથી બળીને ભસ્મ થઇ ગયા.  કેટલાયે લોકોનાં જાન ગયા.  ખૂબ સગવડવાળો દેશ છતાં આગને બુઝાવી ન શક્યા.  અગ્નિદેવ રૂઠે ત્યારે કોઇનું ચાલતું નથી.  તેમાં વાયુદેવે પણ અગ્નિદેવને પૂરો સાથ આપ્યો હતો.  દ્રાક્ષ, મોસંબી , સફરજન , બદામ , અખરોટ વિગેરે કિંમતી પાકને પૂષ્કળ નૂકશાન પહોંચ્યું હતું.
અગ્નિ લાંબા સમય માટે ધરતીનાં પેટાળમાં ઢબરાયેલો રહે છે.  જયારે પૃથ્વી એટલે કે પ્રકૃતિ એ ભાર સહન ન કરી શકે ત્યારે જ્વાળામુખીનાં સ્વરૂપમાં બહાર આવે છે.  હમણાં જ બાલીના અગંગ પર્વત ઉપર જ્વાળામુખી ફાટ્યો હતો અને ભારેલો અગ્નિ  – લાવા રસ થઇ બહાર ફેંકાયો જે મોટા ભાગનો સમુદ્રમાં પડ્યો હતો.  આ લાવા રસ એટલો ઊષ્ણ અને પ્રજ્વલ્લિત હોય છે કે એનાં માર્ગમાં આવતી દરેક વસ્તુ બળીને ભસ્મ થઇ જાય છે.

પાચક્તત્વ -પ્રાણીમાત્રના જઠરનો અગ્નિ.જઠરાગ્નિ;

શ્રીકૃષ્ણ કહે છે કે હું જઠરાગ્નિ થઈ મનુષ્યના દેહની અંદરનાં ચતુર્વિધ અન્ન પચાવું છું.આપણું શરીર પણ એક ટચૂકડા બ્રહ્માંડ જેવું છે.ખાધેલું પચાવતી પેટની ગરમી કે અગ્નિ ની જરૂર છે. શરીર ચલાવવા માટે ખાધેલી ચીજોને પચાવવા માટે જઠરમાં યોગ્ય માત્રામાં અગ્નિ, ગરમી કે પાચકરસ પેદા થયેલો હોવો જરૂરી છે.જઠર બૉડીનો સ્ટવ છે એમ કહી શકાય. શરીર ચલાવવા માટે ખાધેલી ચીજોને પચાવવા માટે જઠરમાં યોગ્ય માત્રામાં અગ્નિ, ગરમી કે પાચકરસ પેદા થયેલો હોવો જરૂરી છે. . મૉડર્ન મેડિસિન એને ફાઇવ એલિમેન્ટ્સ કહે છે. હંમેશાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આાકાશ એ પંચમહાભૂતો સંતુલનમાં રહે એ જરૂરી છે.

સત્ય ની અગ્નિ પરીક્ષા.

સ્ત્રીની કસોટી દરેક યુગમાં થઇ છે.  ચાહે એ ત્રેતા યુગ હોય, સતયુગ હોય કે પછી કળિયુગ હોય.  શ્રી રામ આદર્શ પુરુષ જરૂર હતા, પણ એમના અમુક આદર્શો ઘણા લોકો માટે બોજારૂપ બની ગયા … એમણે કરેલી સીતાજીની અવગણના આજે પણ ભારતીય નારીઓ ને સતત દુઃખ આપે છે.સીતાજીને પણ પ્રજાજન માટે અગ્નિ પરીક્ષા આપવી પડી હતી.  અને કંચનની ભાતિ તેમાંથી બહાર આવ્યાં હતા.  અગ્નિએ કેટકેટલાંની પરિક્ષા લીધી છે અને હજુ લેતો રહેશે . અગ્નિની અવગણના  ન કરતાં તેને પવિત્ર સમજી તેની સાવધાની પૂર્વક આદર આપતા શીખો તો અગ્નિ દેવ તમારો સહાયક રહેશે.

ઈચ્છા એટલે ભારેલો અગ્નિ ..

તો આધ્યાત્મ શું કહે છે   – મનુષ્ય ની વ્યાખ્યા આપતા કહ્યું છે કે “ઉષ્યતિ મનઃ યસ્ય સઃ” (ઉષ=બળવું) અર્થાત જેનું મન વાસનાની અર્થાત ઈચ્છાની આગમાં બળે તે છે મનુષ્ય. આ ઈચ્છા એટલે અંતઃકરણમાં ભારેલો અગ્નિ છે.આ વાત સમજવા અહીં અંતઃકારણનો સાચો અર્થ સમજવાની જરુર છે. સ્થૂળ દેહ એટલે શરીર, અને સુક્ષ્મ દેહ એટલે અતઃકરણ અને   દેહ અર્થાત જીવાત્મા. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે અગ્નિ દાહ આપતા સ્થુળ દેહનો નાશ થાય છે.આધ્યાત્મ શું કહે છે ?..સરળ ભાષામાં ચિત્ત સંપૂર્ણ રીતે વૃત્તિ વિહીન ન થાય ત્યાં સુધી મન મરતું નથી.

કોઈએ કહ્યું છે ..

બૂઝ્યો અગ્નિ શમી ચીતા કરી આ દેહને ભુક્ત

બળ્યોના અગ્નિ વાસના કેરો થયો ના આત્મા મુક્ત

જો અગ્નિ વાસના કેરો ન પૂરો બળી જાય

તો બળેલ એ રાખમાંથી પણ દેહ નવો ઊભો થાય.

 જયવંતીબેન પટેલ

ફિલ્મ સમીક્ષા (11) જયવંતી પટેલ

ફિલ્મ સમીક્ષા  – ફિલ્મ ” જોય ઓફ ગીવીંગ ”

અનુરાગ કશ્યપ દ્વારા બનેલી આ ફિલ્મ ખૂબ ટુંકી છે પણ ધારદાર છે. ચાલો જોઈએ તેના કારણો!  કેટલાં વિકલ્પ હતાં

એ ગરીબ બાળક પાસે :-
1)  દુકાનદાર પાસે આજીજી કરી થોડું ખાવાનું માંગે
2)  કોઈ કામ કરી મહેનતનાં પૈસા કમાઈને ખાવાનું ખરીદે
3)  ચોરી કરીને ખાવાનું મેળવે

માની લઇએ કે ઉપલા બે વિકલ્પો એ બાળકે અજમાવી જોયા હોય અને ના છુટકે છેલ્લો વિકલ્પ અજમાવવા સિવાય બીજો રસ્તો રહયો ના હોય.  બાળક નિર્દોષ હોય છે તે એમ નથી વિચારતો કે આની અસર બીજા ઉપર શું પડશે.  કે
મારા ભવિષ્ય ઉપર શું થશે! તેને માટે તો વર્તમાન જ બધાં કોયડાનો ઉકેલ છે.

અનુરાગ કશ્યપે  ખૂબ અસરકારક માર્ગે ફિલ્મની શરૂઆત કરી કહેવાય.  તદ્દન સામાન્ય માણસના જીવનની સચોટ પ્રકિયા બતાવે છે કે મનુષ્ય કેટલો મજબૂર હોય છે.  પેટનો ખાડો પૂરવા કેટલાયે કષ્ટો સહન કરવા તૈયાર થઈ જાય છે.
આઘેડ વયના માણસને સવારે દુકાન ખોલવી, સાફસૂફી કરવી, ધંધો બરાબર જળવાય રહે તે માટેની તકેદારી રાખવી
અને ઘરાકોના મન અને સગવડ પણ સાચવવી એ વેપારી બુદ્ધિનો અણસારો આપે છે.  અને આ બધાની વચમાં એક ફાલતું ગરીબ બાળક, કોઈનું આપેલું મોટી સાઈઝનું ટી શર્ટ પહેરી, હિંમત કરી, દુકાનમાં આવી, ધીરે રહી ખાવાનું પેકેટ ચોરી જાય છે અને તે પણ દિવસનાં ઉજાસમાં, બધાની હાજરીમાં, ભીડમાં.  એ રાતનો સમય ન હતો.

અહિ એક વાત મને જરા નથી રૂચતી અને તે છે અંધારાનો ઉપયોગ.  જયારે એ નાનો બાળક ચોરી કરવા જાય છે ત્યારે રાત્રિ નથી.  સવારનાં દુકાન ખોલી છે એટલે પુરેપુરો ઉજાસ હતો તો જ્યાં ચોરી થાય છે ત્યાં ઉજાસ કેમ નથી ?
મુખ્ય ઉદેશ્ય એ છે કે ભૂખને સંતોષવા ચોરી કરવી પડે છે.  અને તે પણ પોતાને  જ માટે નહી  – તેનાં જેવાં બીજા ગરીબ અનાથ બાળકો માટે પણ.  એ એનાં દોસ્તો બની ગયા છે.  જીવનની અટપટી ચાલે તેમને એક બીજાની નજીક
લાવી દીધા છે.  આ બધું દિવસનાં ભાગમાં થાય છે. તો અંધારાનો ટેકો લીધા વગર વાર્તાને આટોપી હોત તો મારી દ્રષ્ટીએ વધારે અસરકારક બનત.

બીજી વખતે પાછો આવે છે ત્યારે થોડું વધારે લઇ જવા પ્રેરાય છે.  તે વખતે નાનો સુપરમેન ઘેરાય જાય છે પણ શરીરનું કદ નાનું હોય મોટાઓના પાસમાંથી નાસી છુટે છે.  તે પછી ખજુરની લારીમાંથી પેકેટ ચોરી કરતી વખતે એજ આઘેડ વયનો આદમી એને જોય જાય છે અને બૂમો પાડતો તેનો પીછો કરે છે ત્યારે તેનું રહેઠાણ જોઇને આશ્ચર્ય પામે છે  તેનાં જેવાં ઘણાં યતીન બાળકો જે ભુખ્યા હતા તેમને માટે તે માં અન્નપુર્ણા ની પ્રતીતિ કરાવે છે.  બાળકો હસી ખુશી નાનો સુપરમેન જે લાવે છે તે ખાય છે.

અને આ દ્રશ્ય એક જબરજસ્ત પલટો લાવે છે,  જે બાળકને તે ચોર સમજતો હતો તે દાનવીર બની જાય છે.  બીજી વખતે તે સુપરમેન બાળક દુકાનમાં ચોરી કરવા આવે છે ત્યારે તેને પકડીને એક ઊચાં કબાટ ઉપર બેસાડે છે અને વાત કરતાં કરતાં સહજ રીતે થેલીમાં બિસ્કીટ ભરી આપે છે તેનાં શેઠને પણ જાણવા નથી દેતો કે તે શું કરે છે!  શેઠને તે બીજા નોકરની વાતમાં વણાયેલો રાખે છે – એ વસ્તુ એના મનની પરસ્થિતિ નો પડઘો પાડે છે.  કે જે છોકરાને એ ચોર સમજી સજા કરાવવા તૈયાર હતો તેને તે માફ કરી મદદ કરવા અને મિત્ર બનાવવા પણ તૈયાર છે.  કેટલો સચોટ ફેરફાર !! ખૂબ જ ગમ્યો આ વિચાર –

અને છેલ્લે આવી છોકરાના મનની વાત.  આપણે કદાચ માનીએ કે અભણ, અજ્ઞાન, રસ્તે રખડતો ગરીબ બાળકને માનવતા અને ઉપકાર શું છે એનો શું ખ્યાલ હોય – કારણકે તે પણ બીજા બાળકોની જેમ જ અનાથ છે.  કોઈએ તેને આ નાજુક જ્ઞાન અને શિખામણ નથી આપી પણ તેનો અંતરાત્મા જ બોલી ઉઠયો કે ઉપકારનો બદલો ઉપકાર જ હોય અને તેની સમજ પ્રમાણે મદદ કરવા પ્રેરાયો – કઈ રીતે મદદ કરવી!  આઘેડ વયના માનસ પાસેથી થેલો ખૂચવી લઇ, તેને તેના ઘર સુધી પહોંચાડી દીધો.  જો માંગ્યો હોત તો પેલો માણસ એને આપત ખરો?  એટલો વિશ્વાસ એના ઉપર મૂક્યો હોત?  મોટે ભાગે નહી – અને પછી તેની વાટ જોતો પગથિયા ઉપર બેસી રહયો,  નજર મળી એટલે થેલો મૂકી હસતા હસતાં મસ્ત રીતે ચાલ્યો ગયો – ખુબ જ સુંદર રજુઆત અને અંત.  જરાપણ બોલ્યા વગર બધુ જ સમજાવી દીધું.

“જોય ઓફ ગીવીગ ”  ફિલ્મ માત્ર 9/10 મિનિટની છે.  છતાં તેનો ઉપદેશ ખૂબ સચોટ રીતે કરાવી જાય છે.  એટલે તે ખૂબ અસરકારક છે. દેશી કે વિદેશી આ ટુંકી ફિલ્મ જોઇને જીવનનો એકાદ પાઠ તો જરૂર શીખશે.  કોઈ પણ ફિલ્મ બનાવતી વખતે નાચ, ગાન , સંગીત, દ્રશ્યો વિગેરે નો ભારોભાર ઉપયોગ ફિલ્મને સફળ બનાવવા માટે કરાય છે.  આ ફિલ્મમાં એવું કંઈ જ ન હોવા છતાં ખૂબજ સારો સંદેશ આપે છે.  પેક્ષકનું સંપૂર્ણ ધ્યાન ખેચી રાખે છે.  આ ફિલ્મમાં ભાગ લેનાર દરેક પાત્રને, ખાસ કરીને નાનો બાળક, નયન જૈન, આઘેડ વયમાં ઉદય ચંદ્રા, પ્રોડયુસર અનુરાગ કશ્યપ, લેખક કલ્કી કોચલીન, અને ડાયરેક્ટર શ્લોક શર્મા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું  મારી દ્રષ્ટીએ ફિલ્મ સફળ રહી છે.

જયવંતી પટેલ

ઘર એટલે ઘર-(16)જયવંતી પટેલ

ઘર શું નથી ?  એ ધરતીકંપ નથી , ઘનઘોર વાદળાથી છવાયેલું નથી, એ બિહામણું ડર લાગે તેવું નથી, એ ડુબાવી દે એવું રસાતાળ નથી, એ નાટક નથી, ઊંડી ખાઈ નથી, એ વિયોગ નથી, એ અંધકાર નથી, એકલતા નથી, સ્વપ્ન નથી, લાગણીહીન નથી, ભૂખ નથી, ઊજાગરો નથી, અશાંતિ નથી, એ મુશળધાર નથી, એ પહાડ નથી, એ અગ્નિ નથી, એ સાગર નથી, ઘર વિમાષણ નથી, એ કારખાનું નથી, ઘર હેવાનયત નથી, ઘર સ્મશાન ઘાટ નથી.

તો ઘર શું છે ?  જ્યાં આત્મીયતા છે, શાંતિથી બેસી શકાય તે છે, પોતાપણું લાગે તે છે, કડવું, મીઠું લાગે  તે છે.કોઈની શરમ ન રાખવી પડે તે સ્થળ છે, પતિ – પત્ની લડી શકે તે છે, અને પાછો પ્રેમ કરી શકે તે છે  ભાઈ-બહેન નું સહિયારું જીવન છે, વિસામો છે. આંખો બંધ કરી જે જોવું ગમે તે દૃશ્ય છે.  માં-બાપ, ભાઈ ભાંડું, દાદા-દાદી અને નાનું ગલુડિયું સાથે રહી શકે તે જગ્યા છે, પછી ભલે તે મોટો બંગલો હોય કે નાની ઝુંપડી હોય.  કોઈ ફરક નથી પડતો.  ઉમળકો આવે અને લાગણી દર્શાવી શકાય તે જગ્યા છે જેને ઘર નામ આપ્યું છે.  જ્યાં જવું ગમે છે.  બાળપણ, જુવાની, પ્રોઢાવસ્થા  અને છેવટે ઘડપણ,  ચારે અવસ્થા વિના સંકોચ કે વિના હિચક વિતાવી શકાય તે છે. ….એ ઘર છે. એ ઝરમર છે. એનો દરવાજો ખોલીને પ્રવેશ કરી શકાય છે.  એ શિતળતા છે. એ મંથન છે.  એ શાંતિનિકેતન છે.  એ  નાનું ઉધોયગ ઘર છે  એ સંસ્કૃતિ છે.  એ એક મંદિર છે.

ગામડાંનો એક ખેડુત તેની પત્ની સાથે નાના સરખા ઘરમાં રહેતો હતો.  એમને એક દીકરો, તેને રામુ કહેતા.  દેશને જરૂરત પડી એટલે જુવાન થયેલા દીકરાને ફોજમાં જવું પડયું.  અજાણ દેશની ધરતી પર, હજારો માઈલો દૂર દેશને માટે લડવું પડયું  ઊંડા ખાડા ખોદી તેમાં સંતાઈ રહેવું પડયું.  કેટલાય દિવસો ખાધા વગર, નિંદ્રા વગર કાઢવા પડયા.

ત્યારે આંખો બંધ કરી, મોતની સામે ઝઝુમતી વેળા બસ એકજ ખ્યાલ અને દૃશ્ય તેનાં મનમાં તાજું થતું કે જાણે તે તેની માએ બનાવેલું શાક અને તે પણ ચોળાનું, સાથે જુવારનો રોટલો, લસણની ચટણી અને ડુંગળી ખાઈ રહયો છે.  એ નાનકડા ઘરમાં ખાટલો ઢાળેલો છે અને તે ત્યાં સૂતો છે – માં માથા પર વહાલથી હાથ ફેરવે છે અને બાપુ ચાળશો ઓઢાડી જાય છે. – કોઈ રીતે એ લાગણી મનમાંથી કાઢી નહોતો શકતો.  છેવટે કેટલાયે વર્ષો બાદ  ઘરે પાછો આવે છે.  હવે રામુ માંથી રામલાલ થયો છે.  રહેવા સારૂ ઘર મળ્યું છે.  હોદ્દો પણ છે.  પણ રામલાલે એક પગ ગુમાવ્યો છે. જે ખાડામાં સંતાઈ રહેવું પડયું હતું ત્યાં બોમ્બ પડયો હતો અને સૈનિકો તેને બાજુની હોસ્પીટલમાં લઇ ગયેલા, ત્યાં તેનો ડાબો પગ કાપવો પડેલો.

જયારે પણ રામલાલ આંખો બંધ કરી વિચારે છે ત્યારે એજ દૃશ્ય એની સામે ખડું થાય છે.  અને, ખરેખર, વર્ષો પછી ઘોડીની મદદથી ચાલતો રાતના બે વાગ્યે ગામને પાદરથી, પોતાના એ નાનકડા ઘરે આવ્યો ત્યારે એમ લાગ્યું કે ધરતીનો છેડો આવી ગયો છે.  ધીમે રહી બારણું ખટખટાવ્યું.  બાપૂએ ફાનસ પેટાવ્યું ને તેનાં પ્રકાશમાં બારણું ખોલ્યું
જોયું તો તેમનો રામુ સામે ઊભો છે.  આંખો ઊંડી ઊતરી ગઈ છે. શરીર સુકાઈ ગયું છે.  એક પગ અડધો નથી અને ઘોડીની મદદથી લંગડાતો ચાલે છે.

દુઃખી હૃદયે માં-બાપ દીકરાને અંદર લાવ્યાં  રામુ ઢાળેલા ખાટલા પર બેઠો.  માએ પાણી આપ્યું  સમાચાર પૂછ્યા અને છેવટે પૂછ્યું ,” બેટા, ભૂખ લાગી છે? કઈ ખાઇશ ?”  જવાબમાં તે બોલ્યો, ” હા, માં, જરૂર ખાઇશ.” “અત્યારે રાતનાં બે વાગ્યા છે – શું આપીશ ?”  “બેટા, રાતનાં ચોળાનું શાક બનાવ્યું હતું તે છે, રોટલો છે સાથે લસણની ચટણી આપીશ.  રામલાલે હા કહી એટલે માંએ ઉપર બતાવેલી બધી વસ્તુ મૂકી તેને થાળી આપી – રામલાલે પહેલા તે થાળી ઊચી કરી ને નાકેથી સુવાસ લીધી.  ગરમ ચોળા અને ગરમ કરેલો રોટલો – કેમે વિસરાતો નહોતો  સાથે લસણની ચટણી ને નાની ડુંગળી.  ઘણા વખતે રામલાલે પેટ ભરીને ખાધું  જમી રહયા પછી બાપૂએ બીજો ખાટલો ઢાળી આપ્યો, તેના ઉપર ગાદલું નાખ્યું ને ચાદર પાથરી, ઓશીકું મૂક્યું.

જમીને રામલાલે તેના પર લંબાવ્યું બાપૂએ આવી ચાળશો ઓઢાડ્યો, માંએ બાજૂમાં આવી માથે હાથ ફેરવ્યો.  રામલાલને થયું હું સ્વપ્નમાં તો નથીને ?  તેણે માંનો હાથ પકડયો – હવે ખાતરી થઇ.  તેને થયું આનેજ સ્વર્ગ કહેતા હશે આ મારું ઘર છે.  આ સ્વર્ગ જ છે.

જયવંતી પટેલ

તમે એવા ને એવા જ રહ્યા(6)જયવંતી પટેલ

હું, સરલા, લગ્ન કરીને સીધી અમેરિકા આવી. અમેરિકામાં ઘણી વાતોમાં ફેરફાર લાવવો પડયો.  પણ જુવાની હતી. જીવવાની ચાહત હતી. એટલે દરેક વસ્તુ ખૂશી ખૂશી અપનાવી લીધી.  સુનીલના ડગલામાં ડગલું મૂકી તેને સાથ આપ્યો  વર્ષો ક્યાં વિતિ ગયા તેની ખબર ન પડી.  મારાં બન્ને છોકરાઓ ભણી ગણીને તૈયાર થઇ ગયા.  હવે તેમને પરણાવીને નિવૃત થવું હતું  પલ્લ્વીના લગ્ન વખતે દેશમાંથી બા-બાપુજીને તેડાવ્યા હતા.  અને તેઓ પણ આવવા ઉત્સુક હતા.  પણ બાપૂજીને ડાયાબીટીસ સાથે નબળુ હાર્ટ નું નિદાન થયું  મેડીકલ સલાહ પ્રમાણે આ સંજોગોમાં મુસાફરી ન કરે તો સારું  મારી બાએ તરત નિર્ણય લઇ લીધો  લખ્યું, સરલા,અમે પલ્લવીના લગ્નમાં હાજરી નહી આપી શકીએ પણ અમારા અંતરના આશિર્વાદ તમારી સાથે છે. એક વર્ષ પછી બાપુજીનું નબળું હાર્ટ કામ કરતું અટકી ગયું અને તેઓ દેવલોક સીધાવ્યા  શાન્તાબા એકલા થઇ ગયા.  પહેલેથી ગામડે જ રહયા હતા અને ખેતી વાડી સંભાળી હતી.  દીકરી તરીકે મને તેમની વ્યાધી થતી હતી.  પણ બહુજ હિમતવાળા  અને સ્વતંત્ર મિજાજના હતા.  દિલના ચોખ્ખા  આડમ્બર અને અતિશોય્ક્તી કરતાં ન આવડે  જેવું હૈયે હોય તેવું હોઠે લાવે અને જરૂર વગરનું બોલે નહિ.

પાંચેક વર્ષ પછી મારા દીકરા પીયુષના લગ્ન ગોઠવાયા  અમે હોંશે હોંશે શાન્તાબાને લગ્ન માટે તેડાવ્યાં તેમને લેવા માટે સુનીલને જવું પડયું  એકલા તો મુસાફરી કરી શકે એમ નહોતા  શાન્તાબા આવ્યા એટલે ઘરમાં વસ્તી લાગતી હતી. બોલવામાં ખૂબ વિવેકી અને બધાના દિલ જીતી લ્યે એવા  મને પણ એમની સલાહની વારંવાર જરૂર પડતી

ખૂબ આનંદપૂર્વક પીયુષના લગ્ન થયા  વહુ અને દીકરો માંડવામાં બેઠાં હતા. ફોટો સેશન હજુ બાકી હતું  પણ તે પહેલા દીકરા-વહુ  વડીલોના આશિર્વાદ લેવા આવ્યા પુરુષોમાં જે વડીલો હતા તેમને પગે લાગી, શાન્તાબાને  પગે લાગ્યા શાન્તાબા તો ભાવવિભોર બની ગયા. બન્નેના ઓવારણાં લઇ આશિર્વાદ આપ્યાં અને છાતીએ લગાવ્યા  ખાસ તો પીયુષ એમને ખૂબ વ્હાલો એટલે સ્પેસીઅલ આશિર્વાદ આપવા તેના વાળમાં આંગળા પરોવી માથે હાથ ફેરવ્યો પીયુષ તો આભો જ રહી ગયો  તેના સેટ કરેલાં વાળ તદન વિખેરાઈ ગયા હતા.  અને હજુ ફોટો સેશન તો બાકી હતું  વહુની સામે જોયુ તેની આંખમાં તો પાણી આવી ગયા. મારી સામે જોયું અને જાણે કહયું કે મમ્મી આ શું છે? મારા સેટ કરેલા વાળ તદન વિખેરાય ગયા બાને કેમ કંઈ ખબર નથી પડતી હું પણ થોડી અપસેટ થઈ ગઈ પણ શું કરું? બધાની વચમાં ઓછું કહેવાય!  પાછળથી ધીમે રહી શાન્તાબાને સમજાવ્યું કે છોકરાઓને આશિર્વાદ આપવા વાળમાં આંગળા ભેરવવાની જરૂર નથી. હલકે હાથે માથે હાથ મૂકો એટલે ચાલે  તેમને જરા ખોટું લાગ્યું પણ પછી બધું ભુલાય ગયું  શાન્તાબા તો પછી વધુ રોકાયા નહી  કહે મારે તો દેશ જવું છે સારો સંગાથ શોધી અમે પણ એમને જવા દીધા

આ વાતને લગભગ દશ વર્ષ વિતિ ગયા દરમિયાન સુનીલની તબિયત બહુ સારી ન્હોતી રહેતી ઓફિસમાંથી નિવૃત્તિ લઇ લીધી  આખો દિવસ અમે બન્ને ઘરમાં જ હોઈએ છોકરો અને વહુ કામે જાય અને નાનો બાબો તે સ્કુલે જાય હું રસોઈ બનાવી રાખું અને તેમાં ગુજરાતી રસોઈ દરરોજ ન ગમે એટલે જુદું બનાવવાની કોશિશ કરું સ્કુલ છૂટવાના સમયે બાબાને સાચવીને ઘરે લઇ આવું  આ બધી વાતમાં એટલું સમજાયું કે વહુને જુદું સ્વતંત્ર રહેવું હતું અમને તેનો જરાયે વાંધો ન હતો  શાન્તાબાને કઈ જ જણાવ્યું ન હતું પણ કોણ જાણે કેમ એમને વગર કહયે બધું સમજાઈ જતું હતું મને કહેવડાવ્યું કે તું અને સુનીલ એક વખત દેશમાં આવી જાવ મને પણ બાને મળવાનું ખૂબ મન હતું ભારે હૈયે મેં તૈયારી કરી. બધાને આપવા કરવા થોડું શોપીંગ કર્યું સાસરીમાં તો ખાસ કોઈ હતું નહી દૂરના સગાં હતાં જે નજીકનાં હતા તે બધાંજ અમેરિકા સેટલ થયાં હતા. એરપોર્ટ ઉપર પીયુષ મૂકવા આવ્યો ત્યારે કહે કે મમ્મી, જેટલું રહેવું હોય એટલું રહેજો

શાન્તાબા અમારા ગામડાનાં નાના ઘરમાં રહેતાં હતાં હું એમની એકની એક દીકરી એટલે મારા ઉપર ખૂબ માયા રાખતાં અમારી ખેતીવાડી બાજુમાં રહેતાં મારા કાકાનાં બે દીકરા હતા તે સંભાળતા શાન્તાબાને  પણ એક ટંકનું જમવાનું આપતા  બાકી વેળા બા જાતે કરી લેતા  શાન્તાબા પણ એમની સાથે ખૂબ સારો સબંધ રાખતા તેઓની સાથે હિસાબ ચોખ્ખો રાખતાં  બાને પણ ભાઈઓનો સંગાથ સારો કંઈ થાય મૂકે તો તરત દોકટર બોલાવે અને તેમની વહુઓ પણ ચાકરી કરે  ગ્રામજન હતાને ! હજી પુરાની ભાવના તદન નસ્ટ ન્હોતી થઇ

આટલા વર્ષો પછી મારાં પગ જાણે ભારી થઇ ગયા એક તો સુનીલની તબિયત સારી ન્હોતી રહેતી અને બીજુ શાન્તાબા ને માટે ખાસ કઈ કરી ન્હોતી શકી, જે દીકરી તરીકે ફરજ બનતી હતી.  જે વાત  પહેલાં ન સમજાણી તે હવે બરાબર સમજાવા માંડી શાન્તાબા અમેરિકા આવ્યા ત્યારે તેમને કેવું લાગ્યું હશે! તેનો આછો ખ્યાલ મને આવ્યો – ભાષા જૂદી, પહેરવેશ જુદો, છોકરાઓની ખાવાની આદત જૂદી (જે મને ત્યારે એમાં કાઈ ખોટું ન્હોતું લાગતું ) હવામાન જુદું, રીત રશમ જૂદી, અને બેસવાનો હિચકો પણ નહી.  શાન્તાબા ને તો બહારે હીંચકા પર બેસી માળા કરવી ગમે, આવતા જતાં બધાંને જય શ્રી કૃષ્ણ કહેવા – વળતાં તેઓ બાની ખબર અંતર પૂછે અને વળી આજુ બાજુ ના સમાચાર પણ આપતાં જાય ટેલીવિઝન ની જરૂર પડે જ નહી  સાંજે બધાં ભેગાં મળી ઓટલે બેસે અને બા સુંદર ભજન ગાય અને બીજાની પાસે પણ ગવડાવે – આવી રીતે ભક્તિમય સત્સંગ કરે – શાન્તાબા ને ખૂબ અકળામણ થઇ હશે પણ જાણવા ન્હોતું દીધું  મારાં સંજોગો બદલાયા એટલે તરત હાથ લાંબા કરી મને બોલાવી – કહેવત છેને છોરૂ કછોરું થાય પણ માવતર કમાવતર કદી ન થાય.  મારાં આવવાની વાટ જોઈ રહયા મુંબઈથી કાર ભાડે કરી સુરત, નવસારી ને પછી અમારે ગામ નીઝર પહોચ્યાં ગામમાં કાર આવી એટલે બધા આજુ બાજુ વાળા ભેગાં થઈ ગયા.  બેન આવ્યા બેન આવ્યા, જીજાજી આવ્યા ઘણાં વર્ષો પછી હું મારે ગામ આવી હતી અને મેં શું નિહાળ્યું ! એજ સરળતા, સાદગી, ભાવભર્યો આવકાર અને ઉષ્મા ભર્યો પ્રેમ  અમે બન્ને કારમાંથી નીચે ઉતર્યા  બા ઓટલે ઊભા હતા પગથિયા ચઢી બાના ચરણસ્પર્શ કર્યા બાએ સુનીલને માથે હાથ મૂકી આશિર્વાદ આપ્યા મને તો બાએ બાથમાં લઈ લીધી અને કહે બેટા, આવી ગઈ ! હવે તું જરાયે વ્યાધી ન કરતી હું બેઠી છું ને ! બધું બરાબર થઈ જશે તારી સમસ્યા હું સમજી શકું છું જ્યારે તારા બાપૂજી ચાલ્યા ત્યારે મને આવું જ થતું હતું પણ એમ હિંમત હારી જવાય !  તારી સાથે તો સુનીલ છે તું શા માટે વ્યાધી કરે છે ? તારે ત્યાં આવી ત્યારે તને સુખી જોઈ ખૂબ શાંતિ મળી હતી.  સુનીલની તબિયત આટલી જલદી બદલાશે એ કલ્પીયું ન્હોતું પણ તું હિંમત ન હારતી  હું તારી પડખે જ ઊભી છું એમ કહી શાન્તાબાએ માથે હાથ ફેરવ્યો એજ રીતે વાળમાં આંગળા પરોવીને આશિર્વાદ આપ્યા મારાં વાળ તદન વિખેરાય ગયા.  પણ આજે મને તેનું જરાયે દુઃખ ન્હોતું – ઊલટાનું ગમતું હતું પછી હસીને મેં શાન્તાબા ને કહયું ,” બા, તમે એવા ને એવા જ રહયા ”  એટલે તેઓ પણ હસી પડ્યા .

જયવંતી પટેલ

થોડાં થાવ વરણાગી-(11) જયવંતી પટેલ

અને ​હું વરણાગી થઈ

​મારું નામ મીના લગ્ન કરીને મુકુંદ નું ઘર સંભાળ્યું ત્યારે પૂરા વિશ્વાસ થી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા  સીધું સાદું જીવન વર્ષો વિતી ગયા  બંને બાળકો, સંદીપ અને સ્વાતિ મોટા થઇ ગયા  બંનેના લગ્ન કરાવ્યા અને નિવૃતિનો શ્વાસ લીધો – હવે તો અમે બન્ને રહ્યા  થયું શાંતિથી રહીશું – પણ કાલે શું થવાનું છે કોણે જાણ્યું ?  મુકુંદને એટેક આવ્યો ને તરતજ તેનું પ્રાણ પંખેરુ ઊડી ગયું;  મીના વિચારો ના વમળમા ખોવાઈ ગઈ મુકુંદ ક્યારેક ટીખ્ખળ કરતો કે મીના, થોડું બહાર જા,  બહાર જઈશ ​થોડી કઈક શીખશ. હું નહી હોવ તો તને કામ લાગશે પણ મેં ધ્યાન આપ્યું જ નહોતું – હું ખુશ હતી મારી દુનિયામાં, સમય ને બદલતાં વાર નથી લાગતી ,​વખતે પલટો લીધો  સંદીપને અમેરિકા જવાનું થયું  સ્વાતિ તો પહેલેથી ત્યાં જ વસી હતી  સાતેક વર્ષ હું એકલી દેશમાં રહી  હવે સંદીપે કયું – મમ્મી તું અહિ આવી જા  અમારે પણ નાના બાળકો છે અમારા થી ધાર્યું દેશમાં નહીં અવાય  મને પણ થયું દીકરો આટલા પ્રેમથી બોલાવે છે તો ચાલ જાંવ  – અમેરિકા આવી ત્યારે સમજ પડી કે હું તો એક જુદી જ દુનિયામાં આવી પડી છું છોકરાઓ બોલે તે સમજાતું નહોતું   મને મુકુંદના શબ્દો યાદ આવ્યા  મેં કયું મારે અંગ્રેજી ભણવું છે વાંચતા તો આવડે છે પણ બોલાતું નથી થોડાં દિવસ બન્ને જણાએ મને વખતસર ક્લાસ માં પહોચાડવાની જવાબદારી સંભાળી –  ધીમે ધીમે બોજ બનવા લાગી  આ બધી વાતમાં વર્ષ વીતી ગયું : હવે હું બરાબર અંગ્રેજી બોલી, સમજી શકતી હતી

હવે હું સાહીઠ (60) વર્ષની થઇ  બહાર જવું હોય તો છોકરાઓ લઇ જાય તો જ જવાનું। થયું હું કાર ચલાવતાં કેમ ન શીખું ? તો મારે કોઈના પર આધાર ન રાખવો પડે  આ ખ્યાલ ક્યાંથી આવ્યો ?  પરતંત્રતા એ મને વિવશ કરી મૂકી  છોકરાઓ પોતાની રીતે બધે જતાં  ક્યાં તો હું બાળકોને સંભાળું અથવા એક્લી બેસી ટીવી  જોયા રાખું, ન કોઈને મળવાનું ન ક્યાંય જવાનું ?  અંદરથી મુંઝાઇ ગઈ   મુકુંદ ખૂબ યાદ આવવા ​લાગ્યા ​સાઠ વર્ષે કાર શીખી શકું ? મારાં મને પ્રશ્ન કર્યો, કેમ નહી? (મુકુંદનો અવાજ પાછો સાંભળ્યો )  કંઈક શીખવાનું, કંઈક જીવનમાં પરિવર્તન લાવવું એને ઉમ્મર સાથે કંઈ જ નિસબત નથી – જા મીના જરૂર કાર શીખ બસ, મેં મન બનાવી લીધું  સંદીપને કયું મારે કાર શીખવી છે મને સગવડ કરી આપ  છોકરો અને વહુ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા પણ મારી મક્કમતા જોઈ કાઈ બોલ્યા નહી  મારાં ડ્રાઈવિંગ લેશ ના દિવસો નક્કી થઈ ગયા  શરૂઆતમાં ઘણી તકલીફ પડી,હાઈવે પર ગાડી ચલાવતાં ડરતી ,અંદર ના નાના રસ્તે મારે જોઈ તા સ્થળે પહોંચી જતી,પણ ધીરે ધીરે ગડ પડતી ગઈ અને અહીં અમેરિકામાં તો ક્લચ વાપરવી નથી પડતી  – બધું ઓટોમેટિક;  દોઢ વર્ષ પછી મને લાઈસન્સ મળ્યું  – હું ખૂબ ખુશ હતી હવે એકલી મંદિરે જાવ છું, શો​પીંગ પણ કરી લાવું છું મારી બહેનપણી ને મળવા જાવ છુ કોઈકને મદદ કરવાં પણ જાંવ છુ હવે હું સ્વતંત્ર બની છું પેન્ટ શર્ટ પણ પહેરું છું -મારું આ પરિવર્તન જોઈ મારી સહેલી કહેતી હવે તમે વરણાગી થયા ?હું ફૅશનેબલ નહોતી થઇ પણ પરિવર્તનનો સ્વીકાર કર્યો હતો ,​વરણાગી એટલે કે પરિવર્તન, જે જીવનને શુષ્ક થતું અટકાવે છે  આજે પંચોતેર (75) વર્ષની ઉમ્મરે પણ હું બધું મારી જાતે નિપટુ છું ભગવાનને પ્રાર્થના કરતી વેળા જરૂર વિનવું છું કે મારી સંભાળ કાયમ આમ જ રાખતો રહેજે। — વરણાગીપનાએ મને નવું જીવન આપ્યું, ​આત્મવિશ્વાસ

​આપ્યો ​બસ આમ હું ​સમયની જરૂરીયાતને વળગીને વરણાગી થઈ
જયવંતી પટેલ 

 

પ્રેમ એટલે કે પ્રેમ …..જયવંતી પટેલ

પ્રેમ એટલે કે પ્રેમ…..

પ્રેમ અઢી અક્ષરનો બનેલો આ શબ્દ છે પણ બહુ  કિંમતી…પ્રેમ નો કોઈ મોલ નથી એ અનમોલ છે.એ એટલો અનોખો અને નિરાળો છે કે એને કોઈ સાંકળ ની જરૂર નથી એક સુતરનો ધાગો પ્રેમ ને અવિચળ બનાવી દે છે.

પ્રેમ શું છે ?પ્રિયજનના સાનિધ્યનો આનંદ ?….તેના સુખ દુઃખ ને પોતાના ગણવાની એકરૂપતા કે પોતાના કરતા બીજાનો ખ્યાલ કરવાની લાગણી ?….કે પોતાની અંતરમય અનુભવોમાં બીજાને સહભાગી બનાવવાની શ્રદ્ધા ?…એક વાત ચોક્કસ છે કે સાથે માણેલી મઝાઓ,શરીરના સુખો અને ઉષ્માભર્યા આલિંગન કરતા ઘણું વધારે કંઈક છે ….જેમાં ઊંડી સમજ અને આનંદથી ભરેલું કંઈક તત્વ છે જે હ્રદય પારખી લે છે જેમાં લેવા કરતા આપવાની ભાવના વધુ છે…… અપેક્ષા વગરની લેવડદેવડ એટલે પ્રેમ! ..ગણતરી, સોદાભાજી, માંગણી, અપેક્ષા એ બધાથી પર પ્રેમ છે…..પ્રેમમાં આગ્રહ  નથી પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાની મથામણ પ્રેમમાં નથી એટલે જ્યાં ખોટી જીદ કે આગ્રહ છે ત્યાં સ્વાર્થ અને અહમ છે એ  પ્રેમ નથી એ વાત તો ચોક્કસ છે …..અન્યાય અને અત્યાચારની દુનિયામાં પ્રેમને સ્વાર્થી બનાવી દીધો છે આમ જોવા જઈએ તો પ્રેમ ના અભાવથી વેર ઝેર જન્મે છે

પ્રેમ કોણ નથી ઝંખતું ? પ્રેમના બે શબ્દો હ્રદય ને ચેતના આપે છે કોઈને જીવવાની આશા આપે છે તો પ્રેમનો પ્યાલો કેમ જગત ને ન પીવડાવો ?

પ્રેમમાં હૃદય થી હૃદય સાથે વાતો કરવી ,સાથે સહન કરવું અને સાથેજ પ્રાર્થના કરવી …પ્રેમમાં મારું તારું નથી !બધું આપણું બને રહે છે …પ્રેમ હોય ત્યાં હૃદય વસંત ની જેમ ખીલે છે… પ્રેમપુષ્પની જેમ મૃદુ છે પણ  કમજોર નથી…  શક્તિશાળી છે ,જીવનને ઉષ્માથી ભરી દે છે જીવનને મધુર બનાવે છે . ..પ્રેમ તો ઝરમર વહેતા ઝરણા જેવો। ..સતત વહેતો રહે છે….હળવું મન ,ગીત ગાતા હોઠ ,મુખ પર હળવું સ્મિત અને નિર્દોષતા।.  સહજતા।.. આનંદ .. મારાપાણાનો એક   અહેસાસ  હા એજ પ્રેમ એટલે પ્રેમ

આ અન્યાય અને અત્યારચારની ની દુનિયામાં આવો પ્રેમ પ્રાપ્ત થવો સહેલો નથી -દુનિયાની વિશાળતા અનુભવવા માટે સમગ્ર જગતને પ્રેમ કરો। .કોઈને બે શબ્દો પ્રેમના આપી શકો તો તેના જેવું પુણ્ય નથી 
આપણે આપણો પ્રેમ સીમિત રાખીએ તો તે જેલમાં રહેવા બરાબર છે પણ વહેતા ઝરણા જેવો રાખીએ તો પવિત્ર બની જાય અને તેમાંથી તરસ્યાને પ્રેમ પીવડાવી શકાય તો સૌને પ્રેમ નો પ્યાલો પીવડાવો 

જયવંતી પટેલ