*
*મિત્રો,
હું છેલ્લે ૧૪વર્ષ પહેલાં કલકત્તાનાં એરપોર્ટ પર ઉતરી તો મારી આંખોમાં સમાયેલા એ કલકત્તાને પામી હું હર્ષાય ગઈ હતી.ઉગતી સવારે શંખનાદોનો ધ્વની અને દુર્ગાપૂજા કરવા જતી સફેદ ને લાલબોર્ડરવાળી બેંગોલી સાડી પહેરેલી સુંદર બંગાળી સ્ત્રીઓ, એ જ રસ્તા વચ્ચે દોડતી ટ્રામો અને બંગાળી બાબુઓ ને પેલી કાળી પીળી
ટેક્સીઓ , નાની ઢબનાં મકાનો ને ઘરે ઘરે તુલસી ક્યારાઓ..
હા, આ જ વર્ણન મારા પ્રિય લેખક શરદબાબુની કલમે મેં માણ્યું ને જાણ્યું ને વાંચ્યું છે આ બધું તાજું થઈ ગયું.
મિત્રો શરદબાબુ મારા પ્રિય લેખક છે. તેમનો પરિચય આપું ,તો તેઓનો જન્મ બંગાળના એક નાનકડાં ગામ દેવાનંદપુરમાં બ્રાહ્મણ કુટુંબ મોતીલાલ ચટ્ટોપાધ્યાયને ત્યાં ૧૫ સપ્ટેમ્બર ૧૮૭૬માં થયો હતો.માતા ભુવનદેવી
ગાંગુલી પરિવારમાંથી હતાં.નાની ઉમ્મરે માતા પિતાની છત્રછાયા ગુમાવવાને કારણે ગરીબાઈ ગળે વળગી, તેને કારણે આગળ અભ્યાસ પણ ન કરી શક્યા.અપૂર્ણ અભ્યાસને કારણે જાત જાતની નોકરી કરી પણ સિમિત વેતનમાં જ જીવન વિતાવવું પડ્યું. આખી જિંદગી બાબુ બનીને જ જીવ્યાં.
મિત્રો,સાહિત્ય, તેમને પિતા તરફથી વારસામાં મળ્યું હતું. પોતે લધુતા ગ્રંથિનાં ભાવથી પીડાતાં હતા.તેને કારણે પ્રથમ વાર્તા” મંદિર” મામાના નામે લખી અને સ્પર્ધામાં તે પ્રથમ પુરસ્કાર પામી.ત્યારબાદ તેઓ પોતાના નામે વાર્તાઓ લખતા થયાં.પેટિયું રળવા બર્મા ગયા, ત્યાં રેલ્વેમાં કારકુનની નોકરી શરૂ કરી.તેઓ કહેતાં કે વતનમાં ૧૦૦ રૂપિયાની નોકરી મળે તો તેઓ પાછાં ફરે.કલકત્તા પાછા ફરવાનું કારણ તેમની વાર્તાઓ જ હતી.
ગરીબાઈએ તેમને કેટલાંય ટંક ભૂખ્યા રહેતા શીખવી દીધું. ભૂખે જ તેમને લખતા કરી દીધાં. એક સમય આર્થિક સંકડાશને કારણે પોતાની નવલકથાઓ પ્રકાશકને ૩૦૦રૂપિયામાં વેંચી હતી.છતા એ જ ગરીબાઈએ તેમને કલમના બાદશાહ બનાવી દીધાં.
મિત્રો, વિચારો આજથી એકસોને છેત્તલીસ વર્ષ પહેલાંના સમયની કલ્પના કરી શકો છો? જ્યાં હજુ અંગ્રેજોનું રાજ હતું! ત્યારની ભારતીય નારીની કલ્પના કરીએ તો શું વિચારો તમને સ્ફૂરે ? સ્ફૂરે તો શું લખો? એવા સમયે શરદબાબુની કલમે પરણિતાની વાર્તામાં લલિતાનો જન્મ થયો હતો. તેઓએ સ્ત્રીઓને અદ્ભૂત રીતે આલેખી ,પરંતુ સ્ત્રીઓનું સુખ પોતાના જીવનમાં ન પામી શક્યા.તેમના જીવનમાં બે પત્ની આવી . પહેલી પત્ની પ્લેગમાં મૃત્યું પામ્યાં, બીજી પત્ની તેમની સાહિત્યની કલમને ન ઓળખી શક્યા.
દૈનિકપત્રમાં હપ્તાવાર આવતી વાર્તા “બડીદીદી” નવલકથા વાંચ્યા પછી ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે તેમની સરાહના કરીને કહ્યું કે”આના જેવો બીજો લેખક નથી” આ શબ્દો શરદબાબુના પ્રેરણા સ્ત્રોત બની ગયાં. ગુરુવર્ય રવીન્દ્રનાથ ટગોર તેમના સાહિત્ય ગુરુ જો હતા! સાદગી, નમ્રતા અને સહજતા તેમનું સબળું પાસું હતું. ગુરુવર્યની સરાહનાથી હિમ્મત વધી લઘુતાગ્રંથીની ભાવના છૂટી અને ધીરે ધીરે હથોટી બેસતાં મોટા લેખકોમાં તેમની ગણત્રી થવા લાગી.
મિત્રો, પછી તો કલમ એવી ઉપડી કે હપ્તાવાર વાર્તાઓ છપાતી રહી. તેમની નવલકથાઓઓ અને વાર્તાઓ પરથી નાટકો, સિનેમાઓ બન્યાં. તેમના નામનો ડંકો દેશ વિદેશમાં લાગ્યો.તેમની રચનાઓનો દરેક ભાષામાં અનુવાદ થયા. અરે! તેમની અલગ ને નોખી વિચારશરણીથી શરદબાબુને ચાહનારા બે પક્ષ ઊભા થયાં. એક વર્ગ તેમને આંખ મીંચી ચાહતો ને બીજો વર્ગ કહેતો કે તેમના ઘૃણા યુક્ત પાત્રો જ વાંચક વર્ગને જકડી રાખે છે.એક ચાહ ઊભી કરે છે.
મિત્રો, સત્ય એ જ છે કે મારી આંખોમાં પણ કલકત્તાનાં બંગાળી જીવનની આબેહૂબ છબી તેમણે જ ઊભી કરી હતી. હું તેમને વાંચતી ત્યારે બંગાળની સામાજિક વ્યવસ્થા મારી નજરો સમક્ષ ઊભી થઈ જતી.
મારા માટે શરદબાબુ સંવેદના અને લાગણીનાં વાહક હતા.મારા જીવનમાં તેમની ૨૫ નવલકથાઓનું અને ૭ કથા સંગ્રહોનું એક અજબ આકર્ષણ હતું ને રહેશે.
મિત્રો, મારી જ વાત કરું તો, મારા લગ્નની પહેલી તિથિએ મેં મારા મિત્ર સમાન પતિદેવ મિલન પાસે ભેટ સ્વરૂપે શરદ ગ્રંથાવલીનાં સેટની માંગણી કરી હતી. તેમને જરૂર થયું હશે દર દાગિનાં નહિને પુસ્તકની માંગ એમ કેમ? પણ મને શરદબાબુનો તેમની ઉત્કૃષ્ટ કલમનો ગજબ લગાવ હતો. મારે મન તે જણસોથી વધું પ્રિય હતાં, કારણ હું પણ સાહિત્ય પ્રેમી છું. તેના માટે મારાં માતા પિતાની ઋણી છું તેમણે મને નાનપણથી દરેક ભાષાનાં લેખકોનો પરિચય કરાવ્યો હતો.
મિત્રો, ચાલો મારી આ શ્રેણીમાં આગળ આપણે શરદબાબુની સાહિત્યકૃતિઓની વિસ્તૃતિ કરીશું અને માણીશું. મારા લખાણમાં તેમની કલમનું જાણતાં અજાણતાં પણ હું અપમાન ન કરું એવી ભાવના સાથે મળશું આવતા અંકે.
અસ્તુ.
જયશ્રી પટેલ.
૩૦/૧/૨૨