અનુભૂતિ-પ્રજ્ઞા દાદભાવાળા

તમે  મારી સાથે,મારી પાસે છો.

તમારો પાસે હોવાનો અર્થ ઘણો ઘણો છે.

કારણ તમે પાસે હોવ  છો,ત્યારે

મારા “હું” માં તમે  જ હોવ છો.

તમે  મારા માટે જ બોલો છો..

અને હું ભરવાડન બની

“મુરારી લ્યો” કહી તમને  વેચું છું.

મીરાની જેમ તમારું સ્મરણ માત્ર

આરતી અને પૂજા બની જાય છે.

 અને હું મીરાનું પાગલપણું ઘૂટું છું.

તમે  ક્યારેક મારામાં નરસિંહ બની આવો  છો

નરસિંહના દરેક પદમાં ,

શબ્દોમાં તમે  ઉતરી આવો છો,

તમારું નામ મારા માટે વેદ અને ઉપનિષદ બને છે.

તમે  મને ક્યારેક અર્જુન ની જેમ પડકારો  છો.

અને હું તમને સારથી તરીકે સ્વીકારું છું.

ખરેખર તો તમારો સ્વીકાર જ મારું બળ છે.

હવે તમે  બધે દેખાવ છે અને હું બધે બધામાં,

બસ તમને  યાદ કરું છું,અને મંજીરા વાગે છે.

તમે  મને હાથ પકડીને લખાવો  છો,

અને હું જાણે કબીર બનું છું.

મૌનને શબ્દની કુંપણ ફૂટે છે.

 અને તમારા જ શબ્દો વસંત બની મ્હોરી ઉઠે છે.

પ્રકૃતિ વિશાળતાનો પરિચય આપે છે.

વસંત મને તમને  પ્રેમ કરવાનો અધિકાર આપે છે.

અને હું તમને “તું” કહી બોલવું છું.

ત્યારે “તું” ક્યાંય દુર નથી,

 મારામાં મારી પાસે છો.

અને ભ્રમણા તૂટે છે.

 રોમ રોમ માં અજવાળું પ્રગટાવે છે.

અને આપણા વચ્ચેનું અંતર,

આપો આપ ઓગળી જાય છે.

આવરણ વગર ની અનુભૂતિ થાય છે.

અને આત્મા એજ પરમાત્મા.

એવો અહેસાસ થતા મન બોલે છે,

અહો શિવોહમ્‍! અહો શિવોહમ્‍!અહમ્‍ બ્રહ્માસ્મિ!

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર-(5)પદ્મા -કાન

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર

વ્યક્તિ જેવું વિચારે, અનુભવે અને માને તે પ્રમાણે તેનું મન શરીર અને સજોગો આકાર લેતા હોય છે. દરેક વ્યક્તિ સારું આરોગ્ય, સલામતી, માનસિક શાંતિ, દરેક પ્રકારના સુખ જન્ખતી હોય છે. પરંતુ બધી જ વ્યક્તિઓને આ બધું ઉપલબ્ધ થવાનું શક્ય નથી હોતું, તેનું કારણ આપણું મન છે. આપણા મન પાસે અદભૂત શક્તિઓ રહેલી છે.

મનના બે પ્રકાર છે. જાગ્રત મન અને અર્ધ જાગૃત મન. જાગૃત મન પાસે ૧૦% શક્તિ છે જયારે ૯૦% શક્તિ અર્ધ જાગૃત મન પાસે રહેલી છે. તેથી જો આપણે આ અર્ધ જાગૃત મનની ૯૦%શક્તિઓનો ઉપયોગ કરવાનું શીખી લઈએ તો બધું જ આપણે મેળવી શકીએ.

જીવનમાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે,પછી એ સમસ્યા આર્થિક શારીરિક માનસિક કે કોઈ પણ હોઈ શકે. જાગ્રત મનથી સમસ્યાનો હલ ન કરી શકવાથી તે સગાસંબંધીમા કોઈ સમર્થ વ્યક્તિ પાસે સલાહ લેવા દોડી જાય છે, કોઈ ગ્રહ નડતા હશે એવી શંકાથી કોઈ જ્યોતિષશાસ્ત્ર તરફ વળે. સમસ્યાનો ઉકેલ ક્યાય ન મળતા તે ભગવાનના શરણે જાય છે. આ ત્રણ સિવાય જે વેઈગ્નાનીક રીતે સચોટ રસ્તો છે અને એ છે “તમારા અર્ધ જાગૃત મન પાસે જવાનો” કારણ કે તમને મુઝવતા દરેક પ્રશ્નનો ઉકેલ તમારા અર્ધ જાગ્રત મન પાસે છે. તે તમને ક્યારેય નિરાશ નહી કરે. તેમાં આહવાન કરવાનું હોય છે. આપણા દરેકના અર્ધ જાગ્રત મન પાસે વિશ્વના સમગ્ર વાતાવરણ ઉપર અસર કરવાની તાકત છે. એ પછી ભોઉતિક વાતાવરણ હોય, માનસિક વાતાવરણ હોય કે બાયોલોજિક વાતાવરણ હોય.

આપણે જયારે અર્ધજાગ્રત મનને કોઈ મહાન કાર્ય માટે આહવાન આપીએ ત્યારે આત્મચેતના જગાડીએ છીએ. અર્ધ જાગ્રત મન વિશ્વચેતના [કોસ્મિક પાવર] પાસેથી શક્તિ મેળવી પોતાની ધારી અસર દેખાડે છે. તેથી દુરથી ‘રેકી’ આપી શકાય છે, આ વાત માનવી થોડી મુશ્કેલ હોવાથી ઉદાહરણ આપી સમજાવું. પ્રથમ રામાયણમાં ડોકિયું કરીશું –

વિજ્ઞાનના નિયમ મુજબ પાણીમાં પત્થર નાખીએ તો ડૂબી જાય. પણ રામાયણમાં હનુમાનની વાનર સેનાએ બધા પત્થર ઉપર રામનામ લખીને પાણીમાં ફેંક્યા તોતે તરવા લાગ્યા અને એક બીજા સાથે જોડાઈને સેતુબંધ બની ગયો. આ કમાલ વાંદરાઓના અર્ધજાગ્રત મનની શક્તિની . વાનરસેનાએ પોતાના અર્ધ જાગૃત મનની શક્તિથી આ શક્ય બનાવ્યું કારણ કે રામના નામ પર વિશ્વાસની શક્તિ વહેતી હતી. આ રામાયણમાં સેતુબંધનો જે ઉલ્લેખ છે તેનું પ્રમાણ N.A.S.A. એ ૨૦૦૧માં એના ફોટા આપ્યા છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાના તળિયા ઉપરથી આ સેતુના અવશેષોના ફોટા છાપ્યા છે. જુનાગઢના સંત નરસિંહ મહેતા એમના જીવનના બે કિસ્સા “કુંવરબાઈનું મામેરું અને નરસિંહ મહેતાની હુંડી.” નરસિંહ મહેતા એક ભલા ભોળા માણસ હતા, તેઓ ભગવાનને પોતાના બે કામ માટે મદદ કરવા માટે મજબુર કરી શક્યા. રામાયણનો હજી એક સરસ પ્રસંગ’શબરી’નો. પ્રભુ શ્રીરામ પોતાને ઘેર જમવા પધારે એવી પ્રબળ ઈચ્છા હતી. તે [બર્નિંગ ડીઝાયર] તેના અર્ધ જાગૃત મનમાં જઇને એક ચુંબકીય ભાવાવરણ ઉત્પન્ન કરે છે. એ ચુંબકીય પાવરથી ભગવાન શ્રીરામ્ તેમના ઘરે આવે છે અને તેની ઈચ્છા પૂરી થાય છે. જંગલમાં રહેતી એક આદિવાસી સ્ત્રી શબરી જો પોતાના અર્ધજાગ્રત મન દ્વારા ભગવાનને પોતાના તરફ ખેચી લાવે, તો શું આપણે આપણી આ શક્તિને ઓળખી લઈએ અનેં બરાબર એનો ઉપયોગ કરી શકીએ તો? તો ના જવાબમાં પ્રતીક્ષા, અને સમયથી પહેલા અને ભાગ્યથી વધુ કોઈને કઈ મળતું નથી.

નિશ્ચિત સમય પહેલા આપણને કઈ મળવાનું નથી, તો શાંતિથી પ્રતીક્ષા શા માટે ન કરવી? ધીરજથી પ્રતીક્ષા તે જ કરી શકે છે જેને પોતાના અર્ધજાગૃત મનની શક્તિ પર પુરેપુરો વિશ્વાસ હોય. અર્ધજાગૃત મન એ ભગવાનનો જ અંશ છે તો તેની શક્તિ પર શંકા કરીને અધીરા શાને થવું?

આપણી ધ્યેય સિદ્ધિને ઝડપી બનાવવા છ ઉદ્દીપકો છે. ઉપવાસ, મોન, પ્રાર્થના,હકારાત્મક વિચારો, ધ્યાન, અલ્ફા મ્યુઝીક…આપણે જયારે ઉપવાસ કરીએ ત્યારે જઠર તથા આતરડાને કામ ઓછુ કરવું પડે છે. મન શાંત હોય તો આપણા મનના કીમતી સંદેશા આપણે સાંભળી શકીશું.એકાંતની પ્રાર્થનામાં આપણે આપણી આત્મચેતનાને જગાડીએ છીએ. એટલે કે અર્ધજાગૃત મનને કાર્યશીલ કરીએ છીએ ત્યારે વિશ્વચેતનામાંથી શક્તિનો સંચાર થાય છે. જ્યારે સમુહમાં પ્રાર્થના કરીએ ત્યારે આપણા બધાની આત્મચેત્નામાંથી એક સમૂહ ચેતના ઉત્પન્ન થાય છે સમૂહ પ્રાર્થના વધારે ફાયદો આપે છે.

હકારાત્મક વિચારોનું જીવનમાં ખૂબ જરૂરી છે. ટૂંકમાં કહું તો તે તમારા જીવનની સફળતાની એ શુકન ચાવી છે.છલોછલ પ્રેમથી તમારા જીવનને ભરી દેશે.અલ્ફા મ્યુઝીક મનને કુદરતી રીતે શાંત કરે છે.

ચેતના શક્તિ શક્તિની જાગૃતિની ક્રિયા જે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેની ચાવી છે, તેને વિકસાવવા માટે “રેકી“ એક અદભૂત મદદ રૂપ સાધના છે. જીવનમાં મોટા ભાગની વસ્તુઓ માટે અનુભવ જરૂરી છે. તેવી રીતે રેકીની કદર કરવા માટે તેનો અનુભવ લેવો જરૂરી છે. આ શક્તિ ગુહ્ય છે, જે બિલકુલ અમાપ ક્રિયાશીલ શક્તિ છે અને તે પૃથ્વી અને બ્રહ્માંડને સંભાળે છે તે બ્રહ્માંડની અદ્રશ્ય શક્તિ છે,તે ગતિમાં રહે છે, અને બીજી બધી શક્તિઓ તેની આગળ કોઈ વિસાતમાં નથી. માટે તે સંપૂર્ણ છે રેકી ખરેખર એક ઘણું જ પુરાણું વિજ્ઞાન છે, જાપાનના ડોક્ટર મીકાઓ ઉસુઈ કે જેમણે આ શોધ પાછળ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. ઉપચારની પરમ્પરાગત અને પ્રવર્તમાન પધ્ધતિઓની લાંબી યાત્રા ખેડ્યા પછી તેઓને એક પર્વત પર એકવીસ દિવસના અનુષ્ઠાન બાદ ઈશ્વરની કૃપામાંત્રથી “રેકી” નો પ્રાદુર્ભાવ થયો. રેકી સ્થૂળ શરીર, પ્રાણ શરીર અને માનસિક શરીર પર અસર કરે છે. બીના હાનીકારક અને ફાયદાકારક છે. આની દીક્ષા આપવાની પવિત્ર વિધિ એ કાર્ય ગુરુ કરે છે. તેથી શક્તિનો સંપર્ક પ્રાપ્ત થાય છે.

ન્યુ મેક્સિકોના જાણીતા સંશોધનકાર ડોક્ટર.બારા ફિશરેજીવન શક્તિ જાણવા માટેની કીર્લીયનફોટોગ્રાફીની આગવી કલા વિકસાવી છે. શક્તિ મોકલતા પહેલા પ્રકાશનો વિસ્તાર નાનો હતો જે શક્તિ મોકલ્યા પછી ઘણો જ વિસ્તાર પામેલો માલુમ પડ્યો.

રેકી ખૂબ જ સરળ છે અને કુદરતી પ્રક્રિયા કરેછે.હાથ મૂકતા તે વહે છે અને હાથ ઉઠાવી લેતા રેકી બંધ થાય છે. રેકી માસ્ટર તરફથી મળેલી શક્તિ તમારી પાસે આજીવન રહે છે.તમે રેકી છો, પ્રભુ મૂળ સ્ત્રોત છે. તમે પ્રભુ સાથે જોડાયલા છો. તમે દિવ્ય આત્મા છો, રેકી દિવ્ય છે. પ્રાચીન કાળના બધા તત્વજ્ઞાન અને મુખ્ય ધર્મોમાં “પોતાની જાતને સમજવી, ઓળખવી એ ઈશ્વરને સમજવા બરાબર છે” એવું શીખવવામાં આવતું. તમારામાં કૃતજ્ઞતાની ભાવના કેળવવા માટે અને તે માટે તમારી ચેતના શક્તિને જાગૃત રાખવા પ્રયત્નોની જરૂર છે. જયારે તમારી ચેતના શક્તિમાં સતત કૃતજ્ઞતાની ભાવના રહેશે ત્યારે તે જ {કૃતજ્ઞતા} ભરપૂરતા ને તમારા તરફ ખેચવાનું ચુંબકીય સાધન બની જશે. તમે જાતે જયારે રેકી લેશો, ત્યારે તે, તમારા અર્ધજાગૃત મનમાની જૂની ગ્રંથીઓ, જે તમારા આબાદીના માર્ગમાં અવરોધરૂપ છે, તેને દુર કરવામાં મદદરૂપ થશે. ચૈતન્ય સ્વરૂપની તરફ પ્રયાણ કરશો.

જીવનમાં જે સારું થાય તે પ્રભુ કૃપા અને કૈક આફતજનક બને તો “દરેક સંજોગ તમને કૈક શીખવે છે.” એવી વૃત્તિ રાખવી .સંજોગોના ગુલામ ન બનતા ઈશ્વરને શરણે જવું અને તમારી જાતને ચિંતાથી મુક્ત કરો.ગુસ્સો ન કરવો જે શરીરમાં રોગ પેદા કરે છે.આ શક્તિનો રચનાત્મક ઉપયોગ કરવાનું શીખી લઈને આપણે તેને શ્રેષ્ઠ લાભકારક શક્તિમાં ફેરવી શકીએ તેથી ગુસ્સો ન કરતા કૃતજ્ઞતાની ભાવનામાં રહેવું. ‘રેકી’ નું વરદાન મેળવ્યા પછી સાધકનું ઉચ્ચ અધ્યાત્મિક સ્તરમાં છલાંગ લાગે છે. સ્વ –સારવાર દ્વારા સાધકને આ અંગે વધુ પ્રશિક્ષણ મળે છે.થોડું કાવ્યમાં –

મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ જૈનોનું એ પર્વ છે મોટું

બિન શરતી દઈ ક્ષમા, ભરી લો પ્રેમનું ભાથું છે મોટું

એનાથી ના હથિયાર મોટું, તો વન વન શાને ભટકવું?

તું જ તારો ભાગ્ય વિધાતા બનો, અટલ શ્રધ્ધા ને વિશ્વાસ પ્રભુ તણો

પૃથ્વી પર જન્મ્યું એક સ્થૂલ શરીર,

તેને જાગૃત રાખવા દીધું ચેઈત્ન્ય રુપી એક “જાગૃત મન” શરીર

જાગૃતિમાં જ તે કામ કરે તે પણ ૧૦%,

બીજો જોડિયા ભાઈ સમો “અર્ધ જાગ્રત” મન કરે કામ ૯૦%

અર્ધજાગ્રત મનને લઈએ જો આપણા પક્ષમાં,

સમજીને, વિચારીને તે લઈએ જો વર્તનમાં,

તો પામીએ ચેતન્ય સ્વરૂપને પૂર્ણપણે વર્તમાનમાં

એક કેડી ‘રેકી’ “ટચ એન્ડ હિલ”શ્રધ્ધા તણી મીકાઉ ઉસુઈને લઈ જાય પર્વત ભણી

એકવીસ દિવસના કરી અનુષ્ઠાન, પામે ‘રેકી” શક્તિનું અદભૂત જ્ઞાન

વિશ્વમાં આંતરિક સારવાર, સૃષ્ટિ સાથે એકાત્મ, પરમ સાથે આત્મસાત,

અધ્યાત્મ પંથે કરે સહાય, સૌન્દર્ય અને સાદગી “રેકી” એક ઉપચાર

ત્રણ મીનીટની સારવારમાં, કઈ સર્જે અદભૂત ચમત્કાર?

હાઉ, વાઉ ને ઓ? માય ગોડ?

સરી પડે દર્દીના મુખમાંથી એવા બોલ,

જોડાઈ ગયો પ્રભુને કૉલ?

એ જ છે ચેઇતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર

હું રેકી માસ્ટરછું અને હિલીંગ પણ કરું છું. ને કૈક અંશે સફળતા મળી છે. ને દર્દીને ક્યારેક ચમત્કાર જેવું લાગે છે. ડોક્ટરને પણ આમાં શ્રધ્ધા હોવાથી મારી પાસે રેકી માંગે છે. અહીની હોસ્પીટલમાં રેકીની સારવાર આપવામાં આવેછે. જેને રેકી શીખવી હોય તોહુ શીખવું છું. આના ચમત્કાર ઘણા છે.એથી થોભી જવું નથી. પ્રભુની કૃપા હશે તો……

પદમાં-કાન

તા.ક.પ્રજ્ઞાબેન,વિજયભાઈ આ વિષય બહુ જ સરસ પસંદ કર્યો છે. મનન અને ચિંતન કરતો મૂકી દે છે. ખૂબ જ સરસ. બરાબર સમજાવી શકી ન હોઉં તો ક્ષમા માગું છું.

પદ્મા -કાન

 

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર-(4)કલ્પના રઘુ

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર2010- KRS - Copy

જે જડ નથી તે ચેતન છે. પ્રાણ, ચેતના, ઉર્જાથી જે સભર છે તે ચૈતન્ય છે. આપણામાં વહેતી ચેતનાનો વિસ્તાર કરી વિશ્વવ્યાપી ચેતના સાથે એટલેકે આત્માને પરમાત્મા સાથે જોડી દઇને, એની શક્તિનો વિચાર અને ભાવ દ્વારા વારંવાર અનુસંધાન કરવાથી ભગવદ્‍તત્વની વધારે પ્રતિતિ થશે. અને તેની કૃપા આપણા પર અવિરત વહેશે. અને જીવનમાં પરમાત્મા પ્રગટ થશે. આ માટે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર જરૂરી છે.

જગત અને જગત નિયંતા જુદા નથી. કપાસ કપડું બને, લાકડું ખુરશી બને, ઘંઉ રોટલી બને પછી કપડું, ખુરશી અને રોટલી જ દેખાય છે. કપાસ, લાકડુ અને ઘંઉ ના દેખાય. એમ પરમાત્માનું જગતમાં રૂપાંતર થયા પછી પરમાત્મા ક્યાંથી દેખાય? માટે સમસ્ત વિશ્વમાં, પ્રાણીમાત્રમાં પરમાત્માનો અનુભવ કરો.

માનવી તો અખિલ બ્રહ્માંડનો એક અંશ માત્ર છે. બધુંજ ગોઠવે છે એ ચૈતન્ય સ્વરૂપ કરતાર. જરા વિચાર્યુ છે, એ કર્તા કોણ છે? માનવીનું શરીર ચાલે છે, જીવન ચાલે છે, સૂતાં-જાગતા એના શ્વાસ ચાલ્યાજ કરે છે. અરે! શરીરમાં નખ થી શીખ સુધી લોહીનું ભ્રમણ કોઇ પણ પમ્પ વગર થાય છે! ક્યારેય વિચાર્યુ છે દિવસ-રાતનું વર્તુળ, સૂર્ય ચંદ્રનું પરિભ્રમણ, તારાઓ, ગ્રહો-નક્ષત્ર અને તમામ અવકાશી પદાર્થોની ગતિ! બધુંજ સમયસર, નિયમિત, અથડાયા વગર ચાલે છે. કોનાથી ચાલે છે? કોણ ચલાવે છે? માનવી તો ઇશ્વરે સર્જેલી સમગ્ર વ્યવસ્થાનો એક ભાગ છે. એની યોજનાથી જ માનવીનાં શરીરમાં શ્વાસની આવન-જાવન ચાલ્યા કરે છે. આમ કર્તા ઇશ્વર છે. શરીર કાંઇજ કરી શકતું નથી. શરીર શું કરી શકે? જે પળે એ જીવાદોરી, શ્વાસ ખેંચી લેશે ત્યારે શરીર એક નિષ્પ્રાણ, જડ શબ બની જશે. જ્યાં સુધી શરીરમાં ચૈતન્ય હતું, માનવ પોતે કોઇના સહારા વગર પોતાનું વજન ઉપાડીને ચાલી શકતો હતો. ચૈતન્ય વગરનાં શરીરને ઉચકવા ૪ થી ૬ વ્યક્તિઓની જરૂર પડે છે. આ એક સત્ય છે અને માટેજ ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર કરેજ છૂટકો છે.

શરીરની આટલી જ કિંમત છે. એ સાધનરૂપ જ છે. એ પોતે કઇ કરી શકવા સમર્થ નથી. અને છતાં માનવી પોતાનાં શરીરને શક્તિશાળી માને છે. એની આળપંપાળ કરે છે. અને એ દ્વારા બધુ હું કરું છું, મારા વડે જ થાય છે અને મારી ઇચ્છા મુજબ થાય છે એવો અહમ્‍ સેવે છે. કર્તાપણાનો ભાવ ઇશ્વરથી દૂર કરે છે. કર્તા થાય એણે ભોકતા થવું જ પડે છે. ઇશ્વર કહે છે, સારું, કર્તા તું છે તો જા, તું જે કરે છે એનાં પરિણામ પણ તું ભોગવ! પછી ઇશ્વર મદદ કરવા કયાંથી આવે? એ શાંતિથી ખેલ જોયા કરે છે. આધુનિક માનવ લોજીકથી બધુ વિચારે છે. જ્યાં લોજીક આવે ત્યાં ઇશ્વરિય શક્તિ દૂર ભાગે છે. જો માનવીનું કર્યુ જ બધુ થતું હોત તો કહેવત પ્રમાણે “વૈદોનાં કદી મરત નહીં અને જોશીઓનાં રાંડત નહીં.” તેમજ ધનવાનો પર કદી આપત્તિ આવત જ નહીં. પરંતુ એવું બનતું નથી.

ચૈતન્ય શક્તિ સામે માનવ કંગાળ છે. કર્તાપણાનો ભાવ એની પાછળ બધાં દુઃખો ખેંચી લાવે છે. જ્યાં હરિ ઇચ્છા ને બળવાન માની, જ્યાં એનું ધાર્યુ બધુ સ્વીકારવાની તૈયારી બતાવી, જ્યાં ચૈતન્ય સ્વરૂપની શરણાગતિ સ્વીકારી ત્યાં મુસીબતોનો અંત આવે છે. કર્મનાં ફળ સ્વરૂપ મુસીબતો આવે તો પણ એમાંથી હસતાં હસતાં પાર ઉતરી જવાય છે. કારણ કે તારનાર અને ડૂબાડનાર બન્ને ઇશ્વર છે. માનવી કર્તા ન બને, માત્ર દ્રષ્ટા બની જાય. પોતાનાં શરીરને એક સાધન માને, ઇશ્વર ઇચ્છાને વહન કરવાનું નિમિત્ત માત્ર માને ત્યારે જીંદગી સરળ બની જાય છે. પર્વત પરથી વહેતાં ઝરણાં જેવી. વહેવાની શક્તિ ઉપરથી આવે છે. વહેવાની દિશા પણ ઉપરવાળો જ નક્કી કરે છે. કારણકે સમગ્ર સૃષ્ટિનો અને તમામ જીવ માત્રનો કરતાર માત્ર એક જ છે.

કબીરજીએ એક ઉદાહરણ આપતાં કહ્યું છે કે દળવાંની ઘંટીમાં ઘઉં દળતાં જે ઘઉં ખીલાને વળગીને રહે છે તે દાણા આખા રહે છે. અને જે છૂટાં પડે છે તે ઘંટીનાં બે પડ વચ્ચે પીસાઇને લોટ થઇ જાય છે. માનવે આ ગહન વાતને સમજવાની જરૂર છે. અર્થ ખૂબજ ઉંડો છે. માયા અને અવિદ્યા મનુષ્યને તેના આત્માથી દૂર કરે છે. આ કળિયુગમાં ઇશ્વર તત્વ સાથે પળેપળનાં અનુસંધાન માટે નામસ્મરણનું ભાગવતજીમાં ખૂબ મહત્વ સમજાવ્યું છે.

મનને અને જ્ઞાનેન્દ્રિયોને માંજીને આજને શણગારતાં શીખો. પતાંજલીનાં યોગસૂત્ર અનુસાર અષ્ટાંગ યોગનો અભ્યાસ રોજીંદા જીવનમાં અપનાવો. અને પછી સત્સંગ, ચિંતન, મનન અને આત્મદર્શનનાં અભ્યાસથી ચરણથી ચૈતન્ય સુધીની યાત્રા સરળ બની જશે. અને ચૈતન્ય સ્વરૂપનો સ્વીકાર સહજ બની જશે. પછી હું જ ચૈતન્ય છું એવા અનુભવો થવાં માંડશે. હું હું ન રહેતાં એકોહમ્‍ની અનુભૂતિ થશે. પછી જણાશે, ‘બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે’ જે ભકત નરસિંહને દેખાતું હતું.

આ માટે સિધ્ધ સદ્‍ગુરૂની જરૂર હોય છે. જે આ યાત્રામાં અંતરનું તિમિર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને હાથ પકડીને ચૈતન્ય સ્વરૂપનું અનુસંધાન કરાવી આપે છે. સદ્‍ગુરૂની શરણાગતિનાં સથવારે ચૈતન્ય સ્વરૂપની શરણાગતિ સરળ બને છે. આ માર્ગ જેટલો દેખીતો કઠીન છે તેટલોજ આસાન છે. સિધ્ધ બનવું સંસારી માટે શક્ય નથી હોતું પરંતુ સિધ્ધતાનો કયારેક કયારેક અનુભવ યોગીક જીવનમાં શક્ય બને છે. અને તેના માટે કરવો પડે છે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર.

કલ્પના રઘુ

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર-(3)હેમાબેન પટેલ

photo 2

આ બહુજ ઘહેરો વિષય છે, તેમાં ઉંડું તત્વચિંતન સમાયેલું છે અને તેને સમજવું આસાન કામ નથી.છતાં પણ આપણે સૌ સિનીયર માટે ઈન્ટ્રેસ્ટીંગ વિષય છે.કારણ આપણે એવા પડાવ પર આવીને ઉભા છીએ જ્યાં ચિંતનની ખુબજ જરૂર છે.દરેકે આગળનુ ભાથુ તૈયાર કરીને રાખવું પડે છે.આખી જીંદગી પરિવાર પાછળ વ્યસ્ત રહ્યા હોઈએ.,ઈશ્વર માટે બહુ સમય ન મળ્યો હોય એટલે મોટા ભાગના લોકો ઘડપણમાં ભગવાનને યાદ કરે પરંતું આ ખોટુ છે. ઈશ્વર ચિંતન માટે આપણો એક જન્મ ઓછો પડે. કેટલા જન્મોથી તેને ભજતા આવીએ ત્યારે અનેક જન્મના ઈશ્વર ચિંતન પછીથી આપણો ઉધ્ધાર થાય.જન્મ-મૃત્યુના ચક્ક્રરમાંથી નિકળવું હોય તો આ વિષયને સમજવો બહુજ જરૂર છે.

આપણે સૌ દુનિયાની પંચાત કરવામાં રચ્યા પચ્યા રહેતા હોઈએ છીએ, ક્યારેય આપણી પોતાની અંદર ઝાંખવાનો પ્રયત્ન પણ નથી કરતા. પરંતું જો એક વખત પણ આપણી જાતને સવાલ કરીએ હું કોણ છું ? તો આપણી અંદર જે છે તેની ખોજ ચાલુ થઈ જશે.ચૈતન્ય સ્વરુપને સમજવા માટે આપણી જાતને ઢંઢોરવી પડે.

( ચૈતન્ય સ્વરૂપ આત્મા અને પરર્માત્મા છે.જો ચૈતન્ય સ્વરૂપનો પુર્ણ પણે સ્વિકાર કરવામાં આવે તો જ પરમતત્વને પામી શકાય )

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર એટલે સ્વને જાણવું, સ્વને માણવું, સ્વની સ્વભાવિક શુધ્ધ નિર્મલ દશા, સ્ફટિક જેવી સ્વચ્છ –નિર્મળ- અવિકારી સ્વરૂપનો અનુભવ કરવો. પૂર્ણ, નિત્ય,નિર્લેપ,સત-ચિત-આનંદ સ્વરૂપને સમજવું. સ્વમાં સ્થિર થઈને સ્વમાં સમાઈને નિજાનંદનો અનુભવ કરવો. હું ચૈતન્ય દ્રવ્ય સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ આત્મા મારે મારું દર્શન કરવું છે. ‘હું આત્મા છું’ એ પોતાના સ્વરૂપને અનુભવીને પૂર્ણ પણે તેના સ્વિકાર ભાવમાં રહેવું.

પુરા બ્રમ્હાંડમાં પરમાત્મા અને આત્મા બે ચૈતન્ય સ્વરૂપ છે. બાકી બધું જ એક માયા અને નાશવંત છે.પરમાત્માએ માયાથી સૃષ્ટિ ઉભી કરી, માટે આપણને જે ભાસે છે તે માયામય હોવાથી આ જગતમાં આપણી આંખોએ જે દેખાય છે તે સર્વ નાશવંત છે. જે જોઈએ છીએ તે તદન ખોટું, અસત્ય, એક ભ્રમ છે, છતાં તેની આશક્તિમાં આપણે જીવીએ છીએ.જેનો નાશ છે તે જડ ગણાય. જે વસ્તુ આપણે આપણી આંખોથી નથી જોઈ શકતા તે આપણો આત્મા અને પરમાત્મા છે. આત્મા પોતાના મૂળભુત સ્વરૂપમાં શાંત હોવાથી એ શાંતિની પ્રાપ્તિ અર્થે નિત્ય નિરંતર આત્માનુ જ ચિંતન, આ શાંત સ્વરૂપનુ ચિંતન કરીને સ્વમાં સમાઈ જઈ, સ્વમાં એકરાર થઈને જ અનુભુતિ થાય ‘ હું આત્મા છું‘. આત્માને કોઈ રૂપ નથી.આત્માની સુષુપ્તિ-સમાધી અવસ્થા ને કારણ તેની પ્રતિતી થતી નથી. અજ્ઞાનને કારણ પંચમહાભુતથી બનેલ આપણુ આ સ્થુલ શરીર તેને જ સત્ય માની લીધું છે,.અંદર બેઠેલ આત્માને આપણે ઓળખી નથી શક્યા. જે અસલ સ્વરુપ છે તેને જાણવુ, સમજવું બહુ કઠીન છે.આ નાશવંત સ્થુલ શરીરને સર્વસ્વ માનીને ભ્રમમાં જીવીએ છીએ, તેને કારણ હું સ્ત્રી છું કોઈની દિકરી, બહેન, માસી ભાભી છું એમ માનીને બેઠા.મનની અંદર જે ‘હું’ બેઠેલ છે તેને કાઢવાની જરૂર છે. અજ્ઞાન દુર થાય અને જ્ઞાન થાય ત્યારે તેનો ભ્રમ દુર થઈને  હકીકતમાં તો હું આત્મા છું એમ સમજાય ત્યારે હુ આત્મા મારુ ચૈતન્ય સ્વરૂપ આ મારી પહેચાન છે.

જ્યારે સ્વની ચેતનાનો અનુભવ થાય ત્યારે આત્મશાક્ષાત્કાર થાય.શ્રવણ-મનન તથા નિદિધ્યાસાન એ ત્રણ આત્મશાક્ષાત્કાર થવાના સાધન છે.આત્મશાક્ષાત્કાર એ મોક્ષ મેળવવાનુ મુખ્ય સાધન છે.અને આ બધું  શક્ય છે બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે થી વેદાંતનુ જ્ઞાન મળે ત્યારે.

‘ શ્રવણ મનન નિદિધ્યાસ કરી, કરીએ શાક્ષાત્કાર

સચ્ચિદાનંદ પરબ્રહ્મ હું , કહે છે વેદ પુકાર ‘

હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એ માનવું અને સમજવું સહેલું છે પરંતું તેની અનુભુતિ કરવી કઠીન કામ છે.તેને માટે ધ્યાન-યોગ સાધનાથી શુધ્ધાત્માનુ ચિંતનથી આપણા મનને તૈયાર કરવું પડે.જ્યારે મન માને આ સ્થુલ શરીર એ હુ નથી ‘હું આત્મા છું’.મનની અંદર અનેક તર્ક વિતર્ક હોય પરંતુ તેની નિવૃતિ થઈને મન મક્કમ થાય ત્યારે આત્મ સ્વરૂપને સમજી શકીએ. આ વસ્તુ યાજ્ઞવલક્ય ૠષિએ ઉપનિષદમાં વેદાંતની અંદર સમજાવ્યું છે. તેનો અભ્યાસ કરવામાં આવે ત્યારે આત્મા શું છે એ સરળ રીતે સમજાય. વેદાંતમાં સ્થુલ શરીર અને આત્મા વચ્ચેનો તફાવત બંને વચ્ચેનો ભેદ  સમજાવ્યો છે. માટે જ વેદાંતનો અભ્યાસ, શ્રવણ તેનુ મનન કરી જ્ઞાન પ્રાપ્ત થયા વીના આત્માને બરોબર ન ઓળખી શકીએ.આપણા ચૈતન્ય સ્વરૂપને ઓળખવા માટે,જાણવા માટે વેદાંતનો અભ્યાસ બહુજ જરૂરી છે. વેદાંતમાં પંચીકરણના સિધ્ધાંત દર્શાવ્યા છે, જે આત્માને અને સ્થુલ શરીર વચ્ચેનુ અંતર સમજાવે છે.આત્માને ઓળખીએ તો જ પરમ તત્વની પ્રાપ્તિ થાય.

પોતાનુ સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ આત્મ સ્વરૂપને જાણવા માટે, સમજવા માટે તેની અનુભુતિ કરવા માટે જાતેજ પ્રયત્ન કરવો પડે. ગુરુ અને ગ્રંથો જ્ઞાન આપીને માર્ગ દર્શન કરાવે, ચૈતન્ય સ્વરૂપનુ જ્ઞાન આપે તેનો સ્વિકાર આપણે જ કરવો પડે.આત્મ જ્ઞાન બીજા પાસેથી મળી શકે પરંતું મન નિર્વિકલ્પ બનાવી મક્કમ કરીને તેનો શાક્ષાત્કાર-અનુભુતિ જાતે કરવી પડે છે. બીજુ  કોઈ ન કરાવી શકે.

जीसको नही है बोध तो गुरु ज्ञान क्या करे ?

नीज रूपको जाना नही पुरान क्या करे ?

આપણે સૌ જાણીએ છીએ હજારો વર્ષ પહેલાં આ પરમ તત્વની પ્રાપ્તિ માટે ૠષિમુનીઓ વર્ષો તપસ્યા કરતા હતા.આપણું ચૈતન્ય સ્વરૂપ સહજ રીતે ન સમજાય, તેના માટે એકાગ્રતાથી કઠીન સાધનાની જરૂર છે.આ માનવ દેહ મહા મુલ્યવાન છે, જેના થકી પરમ તત્વની પ્રાપ્તિ થઈ શકે છે. પરમ તત્વની પ્રાપ્તિ પછીથી કંઈજ બાકી નથી રહેતું, પૂર્ણતા આવી ગઈ.

                                ૐ पूर्णमदः पूर्णमिदं पूर्णात पूर्णमुदच्यते

                          पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते

                                અર્થાત

                              પૂર્ણ છે તે , પૂર્ણ છે આ ,પૂર્ણમાંથી પૂર્ણ ઉદ્ભવ્યું

                               પૂર્ણનુ પૂર્ણ ગ્રહી લેતાં પૂર્ણ જ બાકી રહી ગયું.

 

હેમાબેન પટેલ

 

“ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર”-પ્રજ્ઞા દાદભાવાળા

pragna

“ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર”

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર .

જીવ થકી શીવમાં સમાઇ  જવું

જીવ માંથી  શીવ તો, માનવી ઇચ્છાએ થાય છે.

એજ એક સનાતન સત્ય

  સમજપૂર્વકનું, ભાવસહિત,

સર્વસમર્પણ..એજ  સ્વિકાર

જીવન કેવું સુંદર બને

જયારે ચૈતન્ય નો સ્વીકાર થાય

જ્યારે તમે પ્રભુને સર્વત્ર જુઓ,

ચૈતન્ય સાથે સંવાદ સાધાતા

તે આવે….

તમારી સાથે વાત કરે। ..

તમને માર્ગદર્શન આપે, ત્યારે

દિવ્ય પ્રેમનો પ્રણય શરૂ થાય છે .

જે શાશ્વત મુક્તિ નો માર્ગ બને છે   

અનંત આનંદ ની અનુભૂતિ વર્તાય છે  

 નથી નકારાત્મકતા ,

અને હકારાત્મકતા પણ નથી .

બન્ને પરિબળોને સમાન મૂકી દે છે.

ફૂલની સુગંધને માણતા

કાંટા ના વાગવામાં પણ

મન પ્રભુને અનુભવે છે   

મારા આ કાન

હવે માત્ર તમને સાંભળે છે

મારી આંખો  

તમને જ જોવે  છે.

આ સ્પર્શમાં પ્રભુ

માત્ર આપનો અનુભવ છે.

મારો સ્વીકાર

દિવ્યતમ તત્ત્વનો સ્વીકાર  

આત્માના સ્વભાવને હવે જાણે છે.

અને ભ્રમની ભૂમિકા સ્વચ્છ થાય છે.

કે મારું આસ્તિત્વ દેહ આધારિત નથી.

આત્મા એજ પરમાત્મા છે.

ભ્રમણા ભાંગે છે.

હવે  અહંમ રહેતો નથી.

એને રાગ કે દ્વેષ સતાવતા નથી.

મારી પોતાની ઈચ્છા જેવું કાંઈ રહેતું જ નથી.

વાસ્તવિકતા ને

વિવિધતાને સ્વીકારી લેવાથી

મારા સંકલ્પ વિકલ્પો શાંત થઈ જાય છે.

એજ

અનુભૂતિએ  

હવે હું ક્યારેક મીરાં

તો ક્યારેક નરસિંહ બનુ છું

હવે ક્યારેક ભરવાડણ બની

હું સાદ પાડું છું,

સામન્ય  સભાનતામાં

જાણે હું અભાન છું.

મારો જીવનરથ હવે અર્જુન ની જેમ

દિવ્ય શક્તિ થી જ ચાલે છે.  

નરસિંહ ની જેમ મારી

લાજ રાખવા

પ્રભુ આવે છે.

હવે પહેલાની જેમ હું ભયભીત નથી.

હું હવે સંતોષી, નિસ્પૃહી,બનું છું.

હતાશ, નથી,

પરાધીન નથી,

સંદેહ નથી,

સહજતા મને નિર્ભય બનાવે છે.

‘સ્વરૂપ’ શબ્દનો અર્થ બદલાયો છે.

સ્વ..રૂપ! એ બધું ‘સ્વ’નું જ ‘રૂપ’ છે!

સ્વમાં રાચી.. સ્વગુણો પ્રગટ થતા

પૂર્ણ સભાનતાથી

પૂર્ણ એકરૂપતા…

મન, શરીર, આત્મા,

ચૈતન્ય.. સમરૂપ…

આત્માના સ્વબળે સંપૂર્ણપણે

ખીલેલું જીવન..

અનુભવે  છે.

”અહમ્‌ બ્રહ્માસ્મિ.”

માત્ર આચરણ..નથી.

સમજપૂર્વકનું, ભાવસહિત,સહજ સ્વીકાર છે.

હા “ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર”

 

-પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા-