૨૮ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ચેતતો નર સદા સુખી

આ કહેવત જીવન જીવવાની કળા શીખવે છે. વાત છે સુખી થવાની. તેના માટે સદાય ચેતીને ચાલવું જોઈએ. જાગૃત વ્યક્તિ જ ચેતીને ચાલી શકે અને તે જ સુખી થઈ શકે. આ માટે એક સુંદર વાર્તા છે.

એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફામાં રહેતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે અને સાંજે ગુફામાં આવીને સૂઈ જાય. એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું. એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તેણે વિચાર્યું, હું ગુફામાં જઈને આરામ કરું. જેની ગુફા હશે તે આવશે એટલે તેનો શિકાર કરી મારું પેટ ભરીશ. આમ વિચારી સિંહ ગુફામાં બેસી ગયો. સાંજે શિયાળ આવ્યું. તેણે માટીમાં ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ. ચતુર શિયાળે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતાં દેખાય છે પણ બહાર નીકળતાં પગલાં દેખાતાં નથી માટે સિંહ ગુફામાં હોવો જોઈએ. શિયાળ ચેતી ગયું તેણે વિચાર્યું કે ગુફામાં જવામાં જીવનું જોખમ છે. તે ગુફાથી થોડે દૂર જઈને બેઠું. થોડીવાર કોઈ બહાર આવ્યું નહીં તેથી તેણે એક યુક્તિ કરી. ગુફાને કહેતું હોય તેમ બોલ્યું, “ગુફા ઓ ગુફા! આજે કેમ બોલી નહીં? રોજ તો હું આવું તો તું બોલે છે કે, આવો, આવો! આજે તે મને આવકારો ના આપ્યો માટે હું પાછો જાઉં છું.” સિંહ વિચારમાં પડી ગયો. આજે ગુફા કદાચ મારી બીકને લીધે બોલી નહીં હોય તો લાવ ગુફાને બદલે હું જ બોલું નહીં તો હાથમાં આવેલો શિકાર ચાલ્યો જશે. એટલે સિંહ કહે, “આવો, આવો!” સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ કે નક્કી અંદર સિંહ જ છે. શિયાળ તો ઉભી પૂંછડીએ ભાગી ગયું. થોડીવાર થઇ, કોઇ અંદર આવ્યું નહીં એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો. જુએ તો બહાર કોઈ જ નહીં. ભૂખ્યો સિંહ છેવટે શિકારની શોધમાં ગુફા છોડીને જતો રહ્યો. ચેતી ગયેલા શિયાળની યુક્તિથી તેનો જીવ બચી ગયો. શિયાળ બોલ્યુ, “જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ન આવે.”

પશુઓ માનવને કેટલું શીખવી જાય છે? જેમ પશુએ પશુથી ચેતવું પડે છે તેવું જ માનવજીવનમાં છે. માનવ, માનવનો દુશ્મન બનીને રહેતો હોય છે. સ્વાર્થ વગરના સંબંધો શક્ય જ નથી હોતાં. સૌ જાણે છે કે આપણે સૌ રાખનાં રમકડાં છીએ છતાં આ કળિયુગમાં માનવ માનવતા છોડી પશુતા પર ઉતરી આવે છે. વાસનાભૂખ્યા પુરુષો હડકાયા કૂતરાની જેમ સ્ત્રીના રૂપના દુશ્મન બની તૂટી પડે છે. એકલા રહેતા વૃદ્ધોને લૂંટીને તેમને રહેંસી નાખતા ગુનાહિત માનસ ધરાવતા નરાધમો સમાજમાં ક્યાં ઓછા છે? “જો જાગત હૈ વો પાવત હૈ’ આ ઉક્તિ અનુસાર બુદ્ધિ અને સમયસૂચકતા વાપરનાર વ્યક્તિ જ સુખેથી રહી શકે છે. આજે ઇન્ટરનેટના ટીનેજર યુઝરો માટે સાયબર લૉ એટલાં મજબૂત નથી ત્યારે ચેતવાની જરૂર છે. ફેસબુક પર વધુ લાઇક મેળવવાની લાલસાએ પોતાના એકાઉન્ટ બાબતે સભાન ના રહે તો યુવાપેઢી માટે ઈન્ટરનેટ વરદાનના બદલે શાપ બની શકે! સલામતીના પગલાં આજે દરેક જગ્યાએ મહત્વનાં હોય છે. પ્લેનમાં કે ક્રુઝમાં મુસાફરી કરતાં કે હાઇરાઇઝ બિલ્ડિંગમાં, દરેક જગ્યાએ, દરેક પ્રસંગે જીવને બચાવવા માટે સમયસૂચકતા અંગેના તમામ નિયમોથી વ્યક્તિ કે સમાજ ચાલે તો જ શાંતિથી રહી શકે. કોઈપણ દેશ માટે પણ જ્યાં આતંકવાદ હોય ત્યાં સલામતી એટલી જ જરૂરી છે. સંસારસાગરમાં પણ સુખની પ્રાપ્તિ માટે મંથન કરવું પડે છે. અત્યારની જીવનશૈલી અનિયમિતતાથી ભરપૂર હોય છે. પરિણામે સ્ટ્રેસનો અજગર ભરડો લે છે  અને શરીર રોગનું ભોગ બને છે.

અંતમાં ૨ ગઝલ વિષે કહેવા માંગુ છું. રાહત ઇન્દોરીની આ ગઝલનો એક શેર છે,
“લોગ હર મોડ પર રુક રુક કે સંભલતે ક્યોં હૈ
ઇતના ડરતે હૈં તો ફિર ઘરસે નિકલતે ક્યોં હૈ”
ઘરેથી નીકળવું જરૂરી હોય છે. ત્યાં પહોંચવા માટે જ્યાં હોઇએ એ જગ્યા છોડી દેવી જરૂરી છે. જરૂર
છે માત્ર ચેતીને ચાલવાની. નિદા ફાઝલીએ એક મશહુર ગઝલ કહી છે,
“સફરમેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો
સભી હૈં ભીડ મેં તુમ હી નિકલ સકો તો ચલો.
કિસીકે વાસતે રાહેં કહાં બદલતી હૈં
તુમ અપને આપકો, ખુદ હી બદલ સકો તો ચલો”.

ઘણાં લોકો નવા વર્ષમાં નિયમિતતાનાં, નિરામય જીવનનાં અનેક સંકલ્પ કરતાં હોય છે પરંતુ તે ઝાઝુ ટકતાં નથી. જીવનમાં સમય ક્યારેય પાછું વળીને જોતો નથી. વહી ગયેલી વેળા પાછી આવતી નથી. માટે વ્યક્તિ વર્તમાનમાં રહીને, સ્વબચાવનાં પાઠ ભણીને, શરીર અને મનને જોડતાં યોગને જીવનમાં અપનાવીને સલામતીથી ચેતીને ચાલે તો જ તે સુખના તાળાને ખોલવાની ઉત્તમ ચાવીનો હક્કદાર બની શકે, તે આજના દિવસે પણ એટલું જ સત્ય છે!