૨૯ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ચા કરતાં કીટલી ગરમ

આ કહેવત કટાક્ષ વ્યક્ત કરે છે. મારાં જ ઉદાહરણથી સમજાવું. મારાં પતિ અમદાવાદમાં ડૉક્ટર. ઘરમાં જ ક્લિનિક. કોઇ પેશન્ટ કસમયે ઇમરજન્સી વગર દવા માટે આવે તો તેમનો ગુસ્સો જાય. બપોરે આરામના સમયે, એક પેશન્ટે ઉપરાઉપરી બેલ માર્યો. મેં ઉપલા માળે લોબીમાં આવીને જોયું કે કોઈ ઇમરજન્સી ન હતી. તે જાણીને મેં કહ્યું, “ડોક્ટરને આવતાં થોડી તો વાર લાગે ને? આટલાં બધાં બેલ? થોડી રાહ તો જુઓ”. ઉંઘમાંથી ઉઠેલી હું થોડી અકળાયેલી હતી. ત્યાં તો એ ભાઈ બોલ્યાં, અહીં તો ચા કરતાં કીટલી ગરમ છે! અહીં મારાં પતિ કરતાં મારાં ગરમ સ્વભાવની વાત છે.

એક બીજી વાત. એક કરોડપતિ શેઠ હતાં. સમાજમાં તેમનું મોટું નામ. તેઓ સ્વભાવે સરળ. આથી નાત, પરિવાર અને ગામમાં પૂછાય અને પૂજાય. તેમનો મુનીમ અત્યંત ક્રોધી, અક્કડ અને લુચ્ચો માણસ. પરંતુ શેઠનાં મુનીમ તરીકે રોફ મારવામાં પાવરધો. શેઠનું કામ હોય તો મુનીમના ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડે. તે પોતે જાણે શેઠ હોય તેમ વરતે. એક દિવસ એક વિધવા, શેઠ પાસેથી મદદ માંગવા આવેલી. મુનીમે તેને પૂરી વાત સાંભળ્યા વગર તગેડી મૂકવાની પેરવી શરૂ કરી, ત્યાં જ બહારથી શેઠ આવ્યાં. તેમણે ગરીબ બાઇની વાત સાંભળી અને તેને મદદ કરવાનું કહ્યું. બાઇ શેઠના પગમાં પડી. મુનીમનાં સ્વભાવ માટે સૌ બબડ્યાં કે અહીં તો ચા કરતાં કીટલી ગરમ છે.

આ વાત માત્ર આ શેઠની નથી. સમાજમાં ઠેર ઠેર અત્યારે આ જ ચાલી રહ્યું છે. શેઠ નીચેના માણસોને પોતે કંઈક નહીં પણ સર્વસ્વ છે તેવી પ્રદર્શનવૃત્તિનો નશો હોય છે. આમેય માનવમાત્રને દેખાડો કરવાની આદત હોય છે. પોતે છે તો બધું જ ચાલે છે. તેમના વગર બધું અટકી પડે તેવા મદમાં ભાન ભૂલીને સત્તાનો દેખાડો કરવાનું માનવ ચૂકતો નથી. ચા કરતાં કીટલી ગરમ અનુસાર બૉસ મોટેભાગે સારા, સમજુ અને ઉદાર હોય છે. ખાસ કરીને ભારતમાં સરકારી નોકરીમાં વધુ પ્રમાણમાં આવા બનાવો બને છે. સાહેબનો આસિસ્ટન્ટ કે પટાવાળો વધુ અકડાઈ કરે છે. લોકોનાં કાગળિયા દબાવી રાખે, નાની નાની બાબતો પર જરૂર વગરની બૂમાબૂમ કરે. ઓફિસના બીજા લોકો પણ તેમના સ્વભાવથી ટેવાઇ જાય અને કહે, જવા દો ને એમને તો આદત જ છે! રોફ જમાવવાની. પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેમજ ટ્રાફિક પોલીસમાં આ ઉક્તિ વધુ લાગુ પડે છે. જેને કારણે આમજનતા હેરાન થાય છે. પોલિટિશિયનો કે કલાકારોનાં બોડીગાર્ડનું વલણ કલાકારો કરતાં પણ ગરમ મિજાજી હોય છે. ધર્મગુરુઓમાં પણ તેમના મુખ્ય ચેલા “ચા કરતાં કીટલી ગરમ” જેવો વ્યવહાર કરતાં હોય છે. ઘણીવાર અયોગ્ય પાત્રને સત્તા સોંપાઈ જાય ત્યારે તેઓ એનું પ્રદર્શન કરતાં હોય છે. ઘણીવાર સત્તાનો નશો માણસને આંધળો બનાવી દે છે અને તે જરૂર વગરનો વટ મારે છે.

ઉનાળામાં સૂર્યનો તાપ જેટલો બાળે છે તેના કરતાં તેનાથી તપેલી રેતી વધુ દઝાડે છે. આમ પોતાની લાયકાત કરતાં પણ વધુ સારું પદ મેળવનાર હલકા માણસની હલકી વૃત્તિ, મિજાજ ક્યારેક લોકો માટે અસહ્ય બની જાય છે. અસંસ્કારી લોકો અચાનક મળી ગયેલી સત્તાનો ભાર સહન કરી શકતાં નથી. માલિક કરતાં ચોકીદાર, ડૉક્ટર કરતાં કમ્પાઉન્ડર દોઢડાહ્યા હોય છે. તેમની ગેરહાજરીમાં બોસ થઈ બેસે છે.

મોદીજીના રાજમાં હવે કીટલી ગરમ નથી રહી. મોદીજીએ સ્વચ્છ ભારતની ઘોષણા કરીને ઝૂંબેશ ઉઠાવી છે ત્યારે ઠેરઠેર ચા કરતાં કીટલી ગરમ ના રહે તે માટેના પ્રયત્નો શરૂ કર્યાં છે. દરેક જગ્યાએ જ્યારે હાથ નીચે કામ કરનાર વ્યક્તિનું માનસિક પ્રદૂષણ દૂર થશે ત્યારે વ્યક્તિ, સંસ્થા, કુટુંબ અને સમાજની સાથે પર્યાવરણ સુધરશે અને સ્વચ્છ, સંસ્કારી સમાજનું નિર્માણ શક્ય બનશે.