‘ચાંદીના ચમકીલા વાળ ‘ (10)તરુલતા મહેતા

           ‘રૂપેરી સાંજ ‘

રૂપા વારંવાર ઘડિયાળ તરફ જોતી હતી,એણે બ્યૂટી પાર્લરમાં સાંજના છ વાગ્યાની એપોન્ટમે ન્ટ લીધી હતી. એના ગ્રાન્ડ સન મોન્ટુને તેણે  સ્કૂલેથી લઈ આવ્યા  પછી   નાસ્તો આપી કાર્ટુન જોવા બેસાડ્યો હતો,એણે મોન્ટુને વહાલથી  કહ્યું ,
‘બેટા તારું બેકપેક તેયાર કર,શૂઝ પહેરી લે,હમણાં તારી મમ્મી લેવા આવશે,’ મોન્ટુ દાદીની પાસે આવી લાડમાં બોલ્યો ,
‘આઈ ડોન્ટ …. ‘  એટલામાં બહાર કારનું હોર્ન વાગ્યું,રૂપાને’ હાશ ‘ થઈ,સમયસર પાર્લરમાં પહોંચી જવા તે ઘરની
બહાર નીકળી ગઈ.

સેઈફ -વે શોપીગ સેન્ટરને ઘણા મહિના પછી જોઈ તેને નવાઈ લાગી.જોતજોતામાં નવી રેસ્ટોરન્ટ,કૉફી શોપ,વોલ્ગ્રીન,બેંક ને ત્રણ બ્યૂટી પાર્લર થઈ ગયાં હતાં. એને સૌથી વધારે એ ગમ્યું કે એક તરફ સરસ મઝાનાં ફૂલછોડના કુંડાની વચ્ચે બેંચો મૂકેલી હતી.ઉનાળાની ઢળતી સાંજમાં કેટલાંક લોકો આરામથી બેઠા હતા.રૂપાને થયું એને આવી ફૂરસદ ક્યારે મળશે?પહેલાં એમનો બીઝનેસ હતો,છતાં પરાગ સાથે સાંજે તેઓ વૃક્ષોની છાયામાં સહેલ કરવાં જતાં, હવે સાંજ હાથતાળી આપીને છુ થઈ જાય છે.

 રૂપા વર્ષોથી એની બહેનપણી શાહીનાના  ‘શાઈન’ બ્યુટીપાર્લરમાં મહિને એકવાર જાય,

આ વખતે ત્રણ મહિના પછી ગઈ.એને જોઇને શાહીનાને આઘાત લાગ્યો,રૂપાના વાળ ઢંગધડા વગરના આગળથી ધોળા-કાબરચીતરા અને પાછળથી ઝાંખા સુગરીના માળા જેવા લટકતા હતા.ચહેરા  પરથી જાણે ચમક ગાયબ થઈ ગઈ હતી.હા,બન્ને બહેનપણીઓના સંતાનો સેટલ થઈ ગયાં હતાં પણ ‘ડોશીમા’ થઈ જવાની ઉમર નહોતી, તે બો લી:

‘ માંદી હતી કે શું રૂપા ? તારા દીદાર જોઇને મને ધડપણ આવી ગયું હોય તેવું લાગે છે.’

રૂપા ખુરશીમાં બેસતા બોલી,

‘હવે ગ્રાન્ડ કીડ્સ રમતાં થયાં એટલે ધડપણનું ઘર આવ્યું જ કહેવાય ને? પરાગને બધો શોખ હતો,એ કાળા વાળ   લઈને ઉપર પહોંચી ગયો,હવે આયનો મારો દુશ્મન થયો છે.મને પૂછે છે,કોને બતાવવા નકલી રંગરોગાન કરે છે?’

શાહીના કહે,’હું જોનારી બેઠી છું ને!  હું છોકરાઓને લઈ  દેશ છોડીને અમેરિકા આવી મારો વર લાપતા થઈ ગયો,  હું અપ-ટુ ડેટ

રહું છું એમાં મારો આયનો રાજી થાય છે.’

‘તારી વાત જુદી,તારો બીઝનેસ છે.હું તો રીટાયર્ડ થઈ ગઈ,છોકરાઓ મારા કાળા વાળ જોઈ  કહે,મોમ,યુ આર યંગ’ રૂપાના અવાજમાં થાક અને ઉદાસી હતી.

શાહીના કહે,’તેથી તું દુઃખી કેમ છે?’

રૂપા આક્રોશમાં બોલી,’ ઘરના -બહારના કેટલાય કામની જવાબદારી મારે માથે નાંખી દે છે.મેં ચિડાઈને તારે  ત્યાં વાળ માટે આવવાનું ટાળ્યું એટલે હવે મારો ઉતરેલો ચહેરો અને કાબરચીતરા વાળ જોઈ ચિંતા કરે છે ,ને હું મનમાં હરખાઉં છું ‘

શાહીનાએ રૂપાના વાળ પર સ્પ્રે કરી કાંસકો ફેરવી સરખા કરી પૂછ્યું ,

‘બોલ,તારે કેવી હેર સ્ટાઈલ કરવી છે?કેવો રંગ કરવો છે?’

‘મારી મમ્મી જેવા ચાંદીના  ચમકીલા વાળ કરી આપ’ રૂપાએ મનની વાત કરી.

‘હાલ તો બ્લીચ કરીને લાઈટ રંગ કરી શકું,તારી મમ્મીના વાળ વર્ષોના અગ્નિમાં શુદ્ધ થઈને ચમકતી ચાંદી જેવા થયેલા,કુદરતમાં  વયને કારણે સહજ રીતે થતા સફેદ વાળ હું એક કલાકમાં ન કરી શકું.’

રૂપા નિરાશ થઈ તે મીરરમાં જોઈ બોલી,’ બોલ,મીરર દુનિયાની સૌથી વધારે કદરૂપી સ્ત્રી કોણ ?’

શાહીના કહે ,’આ બધો બકવાસ બંધ કર, કૉલેજની બ્યૂટી ક્વીન રૂપાંદેને મારા જાદુથી રૂપાળી કરી દઈશ.’

રૂપા કહે, ‘તું મશ્કરી છોડ,હું મારા વાળના કુદરતી રંગ અને ચમકને ઝંખું છું. હું વાળને  ધોળામાંથી કાળા  કરવાની માથાફૂટમાં ઘરની યે નહિ ને ઘાટની  પણ ના રહી  એવું થયું ,જુવાનના ટોળામાં  નકલી  અને સીન્યરના ગ્રુપમાં માન વિનાની કારણ કે કોઈ હાથ ઝાલવાને બદલે ધક્કો  મારીને જતું રહે તેવી કફોડી હાલત.’

શાહીનાને લાગ્યું એની બહેનપણી પતિ વિના એકલી પડી ગઈ છે,એને ડીપ્રેશનમાંથી બહાર લાવવી પડશે,એણે મઝાક કરતાં કહ્યું,

‘અભી તો મેં જવાન હું’ ગા,તું  જીમમાં જઈ કસરત કરે છે,જો તારું શરીર કેવું ધાટીલું છે,મારું તો ચારે બાજુ ફેલાયું છે.તારા વાળનો ગાઢો રંગ કરી તને જુવાન કરી દઉં.’

રૂપાને શાહીનાની વાત જચી નહિ,એની નજર દુકાનની બહાર સાંજના તડકામાં કોફીનો કપ લઈ બેઠેલા  યુગલના રૂપેરી કેશ તરફ ઠરી હતી.મંદ રૂપેરી  કિરણોના પ્રકાશમાં એ વાળની શ્વેત આભા જાણે ઉમરના ઢોળાવ પર ખીલેલા સફેદ મોગરાનું નાનકડું ઉપવન હતું. વયની ગરિમાની વિજયપતાકા હતી.  એણે શાહીનાને કહ્યું,

‘તને યાદ છે,આપણી કોલેજમાં અલકાના  કાળા લાંબા માટે સૌને કેટલી ઈર્ષા થતી! તેથી આપણે સૌનું ધ્યાન ખેચવા બોબ્ડ હેરની સ્ટાઈલ કરી ‘સ્માર્ટ ગર્લ’ તરીકે પોપ્યુલર થયાં પછી તો બીજી ઘણી છોકરીઓએ અનુકરણ કરેલું,’

શાહીના બોલી,’તું પરણ્યા પછી લાંબા વાળ રાખતી થઈ હતી,તું કહે તો બોબ્ડ કરી આપું,તારા ગોળ ચહેરા પર શોભશે,’

રૂપા પોતાની જાતને કહેતી હોય તેમ બોલી,’બીજાનું ધ્યાન ખેચાય,બીજાને ગમે,વખાણ કરે તેવા અભરખામાં મારા અસલી રૂપને ખોઈ નાંખ્યું ‘

શાહીનાને બહેનપણીની વાત સમજાતી નથી,તે બોલી,મારે શોપ બંધ કરવાનો સમય થઈ ગયો.બોલ તારા વાળને કેવી સ્ટાઈલ કરું? દૂરની ખુરશીમાં બેઠેલો એક માણસે   બધા જ વાળને સફાચટ કરાવી ‘ટકલુ ‘ની સ્ટાઈલ કરી પછી હેર ડ્રેસરને પૂછ્યું

 ‘હાવ આઈ લુક ?’ હેર ડ્રેસરે હસીને કહ્યું ,’ મોર્ડન યંગ મેન ‘ રૂપાને પણ લાગ્યું કે એ પાર્લરમાં આવ્યો ત્યારે તાલવાળો,આછાપાતળા સફેદ વાળથી થાકેલો આધેડ વયનો દેખાતો હતો હવે વાળ વિનાના અસલીરૂપમાં તેનો ચહેરો કોઈ યુવાન જેવો   ચમકતો અને આનંદિત  દેખાતો હતો.

શાહીનાએ રૂપાની મશ્કરી કરી,’તારું અસલી ચળકતું માથું કરી આપું?પછી કુમળા ઘાસ જેવા મઝાના સફેદ  વાળ આવશે.’

રૂપા હસી પડી બોલી,’મને કોણ ઓળખશે?’

શાહીના કહે ,’તારો આયનો’.

રૂપાએ કેડ સુધીના લાંબા વાળ પર છેલ્લીવાર  ફેરવતી હોય તેમ હાથ ફેરવ્યો,આગળ લાવી આખી જીદગી જેનું જતન કર્યું હતું એને પમ્પાળ્યા,નાક પાસે લાવી સૂંઘ્યા,એને યાદ આવી ગયું શેમ્પુ કર્યા પછી એ વાળને કોરા કરતી ત્યારે પરાગ એના વાળને ઊંડા શ્વાસ લઈ સૂંઘી  ક્હેતો ,’બસ ,હું સુગંધ તું સુગંધ ઘર સુગંધ જીવન સુગંધ સુગંધ’.

‘ક્યાં ખોવાઈ ગઈ?બોલ શું કરું? શાહીના ઉતાવળી થઈ હતી.

રૂપાના ચહેરા પર સૂર્યના ગુલાબી કિરણોનો આછો પ્રકાશ બારણાના કાચમાંથી પડતો  હતો.તે બોલી,

‘વાળને ટ્રીમ કરીને શેમ્પુ કરી દે,આ જ મારું અસલી રૂપ કોઈને ગમે કે ન ગમે મને પરવાહ નથી.’

રૂપા શાહીનાને ‘બાય ‘કરી ફૂલોથી ખીલેલા કુંડાની વચ્ચેની બેંચ પર બેસી ક્યાં ય જવાની ઉતાવળ ન હોય તેમ આથમતા સૂર્યને

જોતી રહી.આકાશમાંથી વરસતા શ્વેત  આભલાની ઝરમરથી જાણે તે સાંગોપાંગ  રૂપેરી થઈ હતી.

ચાંદી ચમકીલા વાળ -જયવંતી પટેલ

કેશ – કુદરતની સુંદર રચનાનું એક ઉદાહરણ, અનુપમ સ્વરૂપ.  સૌન્દર્ય માં પુષ્ટિ પણ કરે અને વિકરાર સ્વરૂપ પણ આપે.  કેશ, સીમા ઓળંગી તમને એટલું સ્વરૂપ આપવા સમર્થ છે કે ભલભલાની બુદ્ધિ કામ કરતી અટકી જાય.  દ્રોપદીના કેશ તેના  સૌન્દર્યનુ એક મહાન પાસુ હતું.  કેશની સાથોસાથ તેની આંખો પણ એટલી જ સુંદર અને  મોહક

હતી જેથી તેને કમલનયની પણ કહેતા.  વિવિધતાથી ભરપૂર વાળની કેશકળા અને ગોઠવણી મનને  પુલકિત કરે છે અને આંખોને ભાવે છે. નારીનો અંબોડો ખૂબ વખણાયેલો છે.  તેના ઉપર અનેક કવિતા, ગઝલો, ગરબા અને પ્રેમગીતો લખાયેલા છે.   જાણીતું લોક ગીત ”  મારી વેણીમાં ચાર ચાર ફૂલ,  અંબોડલે સોહે સોહામણી એ ઝૂલ ”  ખૂબ જ લોકપ્રિય ગીત છે.

 

આ બધી વાતો તો જયારે જુવાની હોય અને કેશ સુંદર કાળા કાળા હોય ત્યારે બને છે.  આપણે તો વાતો કરવી છે ચાંદીના ચમકીલા વાળની.  ચાંદીના વાળ તો જેમ ઉમ્મર વધે એમ ધીમે ધીમે બદલવા માંડે.  ઘણી વાર તો ખ્યાલ પણ ન રહે કે ક્યારે આ બદલાવ આવી ગયો.  એક દિવસ અરિસામાં જુઓ તો કાળા વાળમાં ચાંદીનો રંગ દેખાવા માંડે છે.  જેને અહીંના લોકો “સોલ્ટ અને પેપર ”  કહે છે.  એટલે “મીઠું અને મરી ”  જેવા રંગના વાળ.  પછી બધા જ વાળ ચાંદી જેવા થઇ જાય છે.તમારી આંખો એ જોવા ટેવાયેલી નથી હોતી જેથી થોડું ખોટું લાગે છે કે આવું કેમ બન્યું ?  શું અમે પ્રોઢ બની ગયા!!  મારું મોઢું પહેલા જેવું નથી લાગતું,  શું કરું !  અરે ભાઈ !  પહેલા જેવું કેવી રીતે રહે ?  તમે હવે વીસ પચીસ વર્ષના થોડા છો ! હવે સાઈઠ વર્ષ થયાં.  વીસ ને બીજા ચાલીશ ઉમેર્યા ત્યારે સાઈઠ થયા.   આટલા બધા વર્ષ તો સારું કામ આપ્યું છે હવે ફરિયાદ શાને કરો છો ?  અને પાછું ફેશનમાં રહેવા માથામાં તેલ પણ નથી નાખવું.  દેશમાં હોઇએ તો દરરોજ થોડું તેલ પચાવીએ.  માથું ધોયેલું હોય તો તો બરાબર તેલ નાખીને જ ચોટલો વાળીએ.  હવે એ જમાનો થોડો રહયો છે?  પહેલાં તો અઠવાડીએ એક વાર માથું ધોતાં અને પછી વાળ સુકાઇ એટલે તેલ પચાવીને વાળ ઓળતાં.  વાળ લાંબો સમય તેની ચમક જારી રાખતા.  હવે આજકાલના યુવાન-યુવતીઓને વાળ લગભગ દરરોજ ધોવા પડે છે.

 

સફેદ વાળનો પણ અમુક જગ્યાએ ખૂબ ફાયદો છે ક્યાંય પણ જાંવ અને સીનીયર ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો સફેદ વાળ સારું કામ કરી જાય છે પછી આઈ ડી બતાવવાની પણ જરૂર નથી પડતી.  ગયા સપ્ટેમ્બરમાં અમો અમારી દીકરીને મળવા લંડન ગયા હતા.  ત્યારે અંડર ગ્રાઉન્ડ ટ્રેનમાં અને બસમાં ઘણીવાર મુસાફરી કરી હતી.  જેવા સફેદ વાળ જુવે કે વિનયથી સીટ ખાલી કરી આપે.  ટ્રેનને માટે પાસ લેવા જઈએ ત્યારે પણ વગર માંગ્યે ડિસ્કાઉન્ટ આપી દેતા હતા.  અહીં અમેરિકામાં પણ મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ માં સિનિયરોને અમૂક ટકા ઘટાડીને આપે છે.  સફેદ વાળ હોય ત્યારે સીડીઓ ચઢતી વખતે જો તમારી પાસે મોટી બેગ હોય તો તરત કોઈ મદદ કરવા તૈયાર થઇ જાય છે સિનેમા જોવા જવું હોય તો ત્યાં પણ સિનિયરોને ઓછા ભાવમાં ટીકીટ મળે છે.  તો ચાંદીના ચમકીલા વાળનો પ્રભાવ તો પડે જ છે.  હમણાં અમો એક  ઓળખાણ વાળા બહેનની ખબર લેવા નર્સિંગ હોમમાં ગયાં.  અમે ગયાં ત્યારે બીજું એક જુવાન દંપતિ ત્યાં આવેલું.  તેઓ ઊભા રહી ખબર પૂછતા હતા.  અમે પણ તેમની બાજુમાં ઊભા રહયા.  તેવામાં ત્યાં કામ કરતી નર્સ આવી.  મારાં પતિને જોઈ કહે કે હું તમારે માટે ખુરશી મંગાવું છું અને એણે બીજી કામ કરવાવાળી ને ખુરશી લાવવા કહયું.  મારો ભાવ ન પૂછયો.  એમના સફેદ વાળ કામ કરી ગયા.  બલકે બેસવાની મારે વધારે જરૂર હતી, મારો ડાબો પગ દુઃખતો હતો.  પણ કારણકે હું વાળ કલર કરું છું એટલે એ માન મને ન મળ્યું !! જોયુંને – ચાંદીના વાળની કરામત!!

 

સફેદ વાળ તમને ગમે છે કે નહીં એ નક્કી થાય તે પહેલાં તમારા પાર્ટનરને ગમે છે કે નહીં એ બહું અગત્યનું છે – જેટલી વખત મેં વાળ કલર કરવાનું માંડી વાળવા વિચાર્યું તેટલી વાર મારા પતિએ મને પ્રોત્સાહન આપવાને બદલે જુઓ શું શું કહયું છે ,” સાંભળ, તું કલર કરવાનું બંધ ન કરતી.  તમારે બહેનોએ” વીથ ઈટ ” રહેવું પડે.  અમારે પુરુષોને એવું કાંઇ  નહિ, બધું ચાલે ”  મેં કહયું,” અમોને પણ ચાલે.”  ” ધીમે ધીમે બધા અપનાવવા માંડે અને આપણી પોતાની આંખ પણ ટેવાય જાય.”  તો કહે “પણ જરૂર શું છે ?  મને તું કાળા વાળમાં જ સારી લાગે છે ” હવે મારે  વિચાર એ કરવાનો છે કે સફેદ વાળમાં સારી કેવી રીતે લાગું ?

 

અહીં એક વાત યાદ આવે છે.  અમારે દૂરના સગામાં એક માસી હતા.  માસી ખૂબ શોખીન હતા.  ઘણા વર્ષ સૂરતમાં રહેલા.  ધોબી કપડાં ધોઇ, ઈસ્ત્રી કરી ઘરે આપી જાય.  એકદમ બધુ મેચિંગ જ પહેરે.  જે સાડી પહેરે તેને મેચિંગ નખ રંગે, તેને મેચિંગ જૂતા અને પર્સ હોય.  વર્ષો પછી અમેરિકા આવ્યા.  દીકરીઓ હતી.  દીકરો અને વહુ પણ હતા.  હવે માસીનો શોખ  પહેલા જેવો જળવાતો ન્હોતો છતાં બધા પ્રયત્ન કરતાં કે તેઓ ખૂશ રહે.  સવારે તૈયાર થાય ત્યારે બધું મેચિંગ પહેરે : વાળ કલર કરે અને પછી ક્લબ કે સેન્ટર માં જાય.  ધીમે ધીમે ઉમ્મરના વધવા સાથે શારીરિક કમજોરી પણ વધવા માંડી.  છેલ્લે વીલ લખવાનું નક્કી થયું.  તો વીલમાં માસીએ લખાવ્યું કે હું મરું ત્યારે મારા વાળ કલર કરેલા હોવા જોઈએ.  મને સફેદ વાળ સાથે મરવું નથી – અને નેવું વર્ષે તેમણે વિદાય લીધી ત્યારે તેમનાં ઘરનાએ તેમનું માન રાખી તેમનાં વાળને કલર કરાવ્યો હતો અને સુંદર સાડી પહેરાવી, વિદાય આપી હતી.  તો માણસો આવા વિચારો પણ ધરાવે છે અને ઘણાને તેમાં કંઈજ અયોગ્ય નથી લાગતું.

 

સફેદ વાળ ડરામણા ક્યારે લાગે?  જયારે તેમાં નિર્દયતા ભારોભાર સમાણી હોય.  લાંબા સફેદ વાળ અને દાઢી રાખી કંઈક ધૂતારાઓ, બાળકો અને અબળા નારીઓને સતાવે છે અને ડરાવીને પૈસા બનાવે છે, ધાર્યું કામ કરાવે છે.  ત્યારે એ સફેદ વાળ માટે નફરત પેદા થાય છે કે જે સમાજમાં ખોટી છાપ પાડે છે.  બાકી કુદરતની તો માનવને એક મોટી દેન છે – માથા પર વાળ હોવા – આજકાલના ઘણાં જુવાનિયાને 35/40 ની ઉમ્મરમાં જ ટાલ પડી જાય છે એટલે પછી તેઓ બધા જ વાળ કઢાવી નાંખે છે.  એ પણ એક ફેશનમાં ગણાય છે.  કામનું સ્ટ્રેસ, તેલ ન વાપરવું, તડકામાં ન બેસવું – આ બધું વાળને ન ટકાવી રાખવામાં મદદ કરે છે અને લાંબે ગાળે તેનો પ્રભાવ દેખાડે છે.

 

ગામડાં ગામમાં કોઈ સફેદ વાળ વાળા વડીલ હોય તો લગભગ બધા જ જુવાનો, બાળકો અને વડીલો એમને માન આપે છે. પહેલાનાં જમાનામાં વડીલોના આશીર્વાદ લઇ ભણવા જતા અથવા નવું કોઇ કાર્ય શરૂ કરતા.  ચાંદીના ચમકીલા વાળ જુવાનીયાઓને કદાચ ન ગમે પણ તેનો પણ વટ હોય છે.  માટે સફેદ રંગથી જરાયે ગભરાવું નહીં – બલકે ચાંદીના ચમકતા વાળ સાથે મગરૂરીથી જીવો !

 

જયવંતી પટેલ

ચાંદીના ચમકીલા વાળ -વસુબેન શેઠ,

રોહિણી માંથી રુહી થઈ ગયેલી સરિતા ની દીકરીના બાથરૂમમાં શેમ્પુ,
કન્ડીશનર,વગેરે જાત જાત ના વાળ માટેના સાધનોના ઢગલા હતા,
વાળ સીધા કરવાનું મશીન,ચકલીના માળાની જેમ વાળ ગુથવાનું તો,
હિમાલયના બાવા જેવા વાળ બનાવવા,જેટલી ટી,વી પર જાહેરાત આવતી હશે તેટલા સાધનો માથા માટે રાખેલા,સરિતા રોજ રુહી બાથરૂમમાંથી નીકળે એટલે ચેક કરે કે બધાજ સાધનો બંધ છેને,એને ડર હતો કે શણગાર સજવામાં વાળ બાળી ન નાખે,મગજમાં વિચાર પણ
આવતો કે આ સાધનો થી વાળ વાંકાચૂકા કરવામાં ક્યાંક માથામાં કરંટ
ના લાગી જાય,કરંટ ની વાતતો મગજમા હતી તેમાં એક દિવસ રુહીની ચીસ સભળાઈ,સરિતા ફટાફટ પગમાં રબરના સ્લીપર પહેરી,હાથમાં લાકડી,લઈને દોડી ,ધક્કો મારી બાથરૂમ નું બારણું ખોલ્યું અને વગર વિચારે,લાકડી મારી ને પ્લુગ તોડી નાખ્યો,રુહી વધારે અકળાઈ,આ શું કરેછે,સરિતા બોલી તારી ચીસ એવી હતી કે મને લાગ્યુકે તને કરંટ લાગ્યો હશે,અરે ના મોમ,મારા માથામાં ધોળા વાળ દેખાય છે,હું ઓલ્ડ થઇ ગઈ મોમ,સરિતા રુહીને સાંત્વન આપતા કહે ,ના દીકરા આખા ગામના તેલ અને શેમ્પુ તું વાપરે,જુદા જુદા ગરમ ઠડા ઇલેક્ટ્રિક સાધનો વાપરે તેથી તારા વાળની તાકાત ઓછી થઈ ગઈ હોવાથી તારા વાળ માં ઘડપણ જલ્દી આવી ગયું,જોજે જતે દહાડે ટકલુ ના થઈ જાય,કહીને સરિતા હસતા હસતા બાર નીકળી ગઈ,
લાંબા સમય બાદ સરિતા મને એરપોર્ટ પર ભેગી થઈ ગઈ,કોઈ બેન સાથે વાતો કરતી હતી,એ બેનનો ચહેરો જાણીતો લાગતો હતો,સરિતા ને મેં પૂછ્યું,કોણ છે આ બેન ,સરિતા હસતા હસતા બોલીમારા વાસા  પર ધબ્બો મારી નેકહે   આ તો રુહી છે,મારાથી બોલાઈ ગયું,આ ઇન્દિરા ગાંધી ક્યારથી થઈ ગઈ ,સરિતા કહે જ્યારથી એક બાજુની વાળની લટ સફેદ થઈ ગઈ છે ત્યારથી,અને ત્યાર થી એણે પહેરવેશ પણ બદલી નાખ્યો છે,મારાથી રહેવાયું નહી,મેં પ્રશ્ન કર્યો તો પછી આખું માથું જો ચાંદી જેવું થઈ જશે તો કયો વેશ ધારણ કરશે,
રુહી થોડી દુર બેઠી હતી,કદાચ મારી વાત અડધી પડધી સાંભળી હોઈ કે પછી મારો કટાક્ષ સમજી ગઈ હોઈ તેમ મારી પાસે આવીને કહે ,આંટી હું તો મારા વાળ ચાંદી જેવા ચમકીલા થઈ જાય તેની રાહ જોઉં છું કારણકે ધોળા વાળ ની પર્સનાલીટી જુદી હોઈ છે ,એ વાત થી તો હું પણ સહમત  હતી, વાળ ધોળા હોય તો કોઈ પણ મદદ માટે આવે,હાથ પકડીને બસ માં બેસાડે,બેસવાની સીટ આપે,અડધી ટીકીટમાં ફરવાનું ,હું વિચારે ચડી ગઈ,એટલામાં રુહી એક સ્ત્રી તરફ હાથ કરી ને કહે ,જુઓ પેલા બેનનો ચોટલો કમ્મર સુધીનો કેવો શોભે છે,એક પણ વાળ કાળો દેખાય છે ,કેવા રૂપાળા દેખાય છે ,મારાથી બોલાઈ ગયું પણ આપણો રંગતો પાકો છે,રુહી નું મોઢું બગડયું,થોડીવાર શાંત રહી ને એને હસાવવાનો પ્રયત્ન કર્યો ,મેં કહ્યું રુહી મને લાગે છે કે એણે વિગ પેરી  છે,જરાક એનો ચોટલો ખેંચી જોને,રુહી હસી પડી એટલામાં એ બેનને ખજવાળ આવી ,એમણે આજુબાજુ નજર કરી અને ચોટલો ઉચો કરી ને ખજ્વાડી લીધું,અમારી નજર તો એમના પરજ હતી,મેં સરિતા એને રુહી તરફ નજર ફેરવી,એમે ત્રણે પેટ પકડી ને હસ્યા ,
વસુબેન શેઠ,

 

 

 

 

 

ચાંદીના ચમકીલા વાળ (3) પ્રવીણા કડકિઆ

 

Pravina kadakia 5

સ્ત્રીની શોભા્માં વાળથી ચાર ચાંદ લાગી જાય છે. કેવું સુંદર કાવ્યમય નામ છે તેનું. ‘કેશ કલાપ’. આજકાલ તો વાળ ન હોય એ પ્રથા પૂરબહારમાં પ્રચલિત છે. ઉમર થાય એટલે વાળ ધોળા થવાના એ સાંભળ્યું હતું.  એ કુદરતનો ક્રમ છે. કદાચ કોઈને નાની ઉમરે તો કોઈ નસિબદારને આખી જીદંગી વાળ કાળા રહે. ચિંતાને કારણે પણ વાળ જલ્દી સફેદ થતા હોય છે.  એ બુઢાપાની નિશાની ગણાય છે. હવે બુઢાપો વાળને આવે, ઉમર વધે કિંતુ જો વ્યક્તિ વિચારથી બુઢો થાય તો તેનો કોઈ ઈલાજ નથી !

હા, બુઢાપાની બધી કમજોરી મંજૂર છે. એક સિવાય, ‘

‘હું જે કહીશ તે સત્ય કહીશ સત્ય સિવાય બીજું કાંઈ નહી’. ગીતા પર હાથ મૂકીને કહું છું !

કેટલાં વર્ષો વિતી ગયા. ભલેને ગમે તેટલું ગણિત સારું છતાં ગણવાના છોડી દીધાં. આવી વાતો ચાલતી હતી ત્યાં મારી લાડલી રિયા આવી પહોંચી. ‘ગ્રાન્ડ મૉમ, પછી ઈશારાથી મને કહે , તમારી બહેનપણી સાથે શાની વાત કરો છો. મેં એને સમજાવ્યું. પછી ધીરેથી પૂછ્યું ,’રિયા તને ગ્રાન્ડમૉમના વાળ બ્લોન્ડ જેવા હોય તો ગમે’?

‘નો , ગ્રાન્ડ મૉમ મને તમારા વાળ મારા જેવા છે તે બહુ ગમે છે’.

ગાડી આડા પાટા પર જાય તે પહેલાં સાચું કહી દંઉ, મને પોતાને મારું મોઢું અરિસામાં જોવું ન ગમે. હા ઉમર સાથે વાળ ધોળા થયા છે.  જે ધોળા છે પણ દેખાતા નથી !  અરે, એક વાર હૉસ્પિટલમાં ગઈ હતી. વેઈટિંગ રૂમમાં અમે બેઠાં હતાં. અતિશયોક્તિ નથી પણુ ઉમર હોવા છતાં વાળનો જથ્થો સારો છે’.  મારી બાજુમાં બેઠેલો એક ધોળિયાએ કૉમેન્ટ કરી, ‘યુ હવે વેરી નાઈસ હેર’.

મલકાટ સાથે મેં જવાબ આપ્યો, ‘થેંક્સ, ડયુ ટુ નાઈસ એન્ડ ઈઝી’ . વેઈટિંગ રૂમમાં બેઠેલાં બધા હસી પડ્યા. આ તો છે ને પસંદ અપની અપની ખયાલ અપના અપના જેવું છે. જોવા જઈએ તો ઉમરને કારણે કાળા વાળ માથામાં શોધવા પડે. પણ આગળ કહ્યું તે પ્રમાણે સગવડ છે તો તેનો ઉપયોગ કરવામાં કોઈ હાનિ નથી. બાકી અમેરિકા આવી ત્યારથી ‘ધોળા વાળાવાળી’ બ્લૉન્ડ લેડીની વાતો સાંભળી સાંભળી  ‘ચાંદી’ જેવા વાળ પ્રત્યે કોઈ લગાવ નથી.તેનો મતલબ બધાને ખબર છે ! (અંહી એવું માનવામાં આવે છે બ્લૉન્ડનો ઉપલો માળ ખાલી હોય) હા, તેઓ દેખાવમાં મનમોહક હોય છે. ‘બાર્બી ડૉલ જેવાં.’ વાત કરે ત્યારે પૈસા પડી જાય.

ઉમર પ્રમાણે પ્રભાવ ત્યારે પડે જ્યારે તમારા માથાનું છાપરું ચાંદી જેવું હોય. એ વાતમાં તથ્ય કેટલું છે તે આપણે સહુ જાણીએ છીએ. તમારો ચહેરો ( પછી ભલે વાળ કાળાં હોય) તમારી ઉમરની ચાડી ખાશે. તમારું બોલવું, ચાલવું, શાણપણ  કે ગંભિરતા કહી આપશે કે તમે ૪૦ કે ૪૫ વર્ષના નથી ! બાકી સફેદ છાપરાથી તમે બુદ્ધિશાળી દેખાવ કે ‘કાકા યા માસી’ દેખાવ તેમાં શું ધાડ મારી. મેં ૨૨ વર્ષના છોકરાના પણ સફેદ વાળ જોયા છે! (વાળમાં કોઈ ખામી હોવાને કારણે). યાદ રહે વાળ ધુપમાં નહી અનુભવથી અને વર્ષોની એકઠી થયેલી કાબેલિયતથી ધોળા થયા હોય છે. જીવનમાં આવડતની એરણ પર ટિપાઈને, પ્રવૃત્તિની પગદંડી પર ચાલીને, ઝંઝાવાતો સામે ઝુમીએ ત્યારે વાળ ચાંદીની જેમ ચમકે છે.

જો હવે તેને મનગમતા રંગમાં રગીએ તો અનુભવ કે કાબેલિયતમાં કશો ફરક પડતો નથી. એક જીંદગી જીવવાની છે. તેની ઢબ  દરેકની આગવી હોઈ શકે. જેમ અંતરની પવિત્રતા અને શુદ્ધિ આવશ્યક છે તેમ બહારના દેખાવ પર આંખ આડા કાન ન કરી શકાય. દરેકને વ્યવસ્થિતતા અને સુંદરતા ગમે છે. જો તેમાં સુઘડતા ભળે તો ખોટું શું છે.

બે વર્ષ પહેલાં ભારત ગઈ હતી. અમે શાળાની બધી બહેનપણીઓએ મળવાનું નક્કી કર્યું. નીરૂને ત્યાં જવાનું હતું. સુરભિ મને નીચે મળવાની હતી.  રાહ જોતી ઉભી હતી. થોડે દૂર બીજી પણ એક સ્ત્રી કોઇની રાહ જોતી હતી. અમુક સહેલીઓને તો ૩૦ વર્ષથી જોઈ ન હતી. સુરભિ આવી અમે બન્ને ઉપર ગયા. અમુક તરત ઓળખાઈ ગયા. ત્યાં દક્ષા આવી, હાય કહ્યું. મેં કહું ઓળખાણ ન પડી. મને કહે ‘દક્ષા વ્યાસ’. એ લગ્ન પહેલાંની અટક બોલી.

મારી આંખો પહોળી થઈ ગઈ. ક્યાં તરવરાટ ભરેલી શાળાની દક્ષા, આ સામે ઉભેલી બધા સફેદ વાળ અને થોડી ભારે. તેણે પણ મને નહોતી ઓળખી. એ પણ નીચે કોઈની રાહ જોતી ઉભી હતી. જો કે વાત ચાલુ થઈ પછી તેનો રણકો જાણીતો લાગ્યો. એ જ પહેલાંની દક્ષા. જાજ્વલ્યમાન અને ઠસ્સાદાર. લગભગ ૩૦ વર્ષ પછી મળ્યા હતા. એ વર્ષો ક્યાં ખરી પડ્યા અને પહેલાનાં દિવસો યાદ કરી રહ્યા.

‘ચાંદી’ જેવા વાળ જોવા ગમે છે રાખવા નહી ! ઉમર જણાય એ વાહિયાત કારણ છે. જે ઉમર છે તેમાં રતિભર ફરક પડવાનો નથી. ઉમર સાથેના ગુણ તો ચાંદી જેવા વાળ હોય કે ‘રંગ’ કરેલાં રહેવાના જ ! જે ચહેરો આપણને અરિસાની મારફત દેખાય છે એ ખુદને ગમવો જોઈએ ? જેનાથી  શ્રદ્ધા અને વિશ્વાસ દૃઢ થાય છે. દેખાવ જીવનમાં સર્વસ્વ નથી હ્રદયની પવિત્રતા અને કુમાશ સામી વ્યક્તિને પ્રસન્ન કરે છે. આપણી આંખ ,મારી અને તમારી સૌંદર્ય પ્રત્યે પક્ષપાત કરે છે  એ જગજાહેર છે’.

તમે નહી માનો ,ભર જુવાનીની વાત છે. મારો મોટો દીકરો ત્યારે ૬ વર્ષનો હતો. આજે વાત કરવા બેઠી એટલે ૪૦ વર્ષ પહેલાંનો પ્રસંગ યાદ આવી ગયો. તેની શાળામાં મમ્મી અને પપ્પાને જવાનું આમંત્રણ હતું. અમે ત્રણે તૈયાર થયા.  મારી ઉમર ૨૮ વર્ષની. મારા દીકરા રૂપિનનો મિત્ર બાજુમાં રહેતો હતો. તેના પપ્પા આવ્યા. મારા પતિને કહે છે, ‘મારો દીકરો અમને તેની શાળામાં આવવાની ના પાડે છે’.

‘કેમ તમને આમંત્રણ નથી ?’

‘હોય જ ને’.

‘ એ કહે છે ,મને  મારા પપ્પા રૂપિનના પપ્પા જેવા જોઈએ છે’.

હવે એ ભાઈ હતાં બીજવર. તેમની પત્નીને દીકરી થયા પછી દીકરો લગભગ ૧૧ વર્ષે આવ્યો હતો. માથામાં એક પણ વાળો કાળો શોધ્યો જડે તેમ ન હતો. ત્યારે તેમની ઉમર ૫૦ વર્ષથી વધારે ન હતી. બોલો તેમનો પોતાનો દીકરો , પપ્પાના  વાળ અને રૂપિનના પપ્પાના વાળ સાથે સરખામણી કરી રહ્યો. માત્ર ૬ વર્ષની કુમળી ઉમરમાં. સત્ય ઘટના છે.

ચાંદી જેવા વાળ એ ખરેખર જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. જે ઉમર સાથે મળેલી ભેટ છે. તમે ક્યાંય મુસાફરી કરતાં હો તો લોકો આદર પૂર્વક તમને નિહાળશે ! બસમાં યા ટ્રેનમાં મુસાફરી કરતા હો તો જુવાનિયા ઉઠીને બેસવાની જગ્યા કરી આપશે. સલાહ માટે ‘ચાંદી ‘જેવા વાળ હોય તેઓ પહેલી પસંદગી પામે . સ્વાભાવિક છે અનુભવીઓ પાસે જીવનનો નિચોડ હોય. હવે એ જ ‘ચાંદી’ ને બદલે ‘શ્યામ કે લાલ ‘ હોય તો પણ મોઢા પરની રેખા તમારી પહેચાન આપી દે છે. ઉમર કાંઇ માત્ર વાળ દ્વારા પ્રકાશિત થાય એ પાયા વગરની વાત છે.

ચાંદી જેવા વાળ જેમને ગમે તેમને મુબારક. એ પસંદગી સહુની હોય એ વાત પાયા વગરની છે. જેમ સિક્કાની બે બાજુ હોય, તેમ લાભ અને ગેરલાભ તો રહેવાના. બાકી વાળ ચાંદી જેવા હોય કે રગેલા ઈશ્વરને છેતરી શકવાના નથી ! જે જિંદગી જીવીએ છીએ તેમાં કશો ફરક પડવાનો નથી. ૨૧મી સદીમાં જ્યાં વાળ ભુરા, ગુલાબી, વાદળી કે જાંબલી પણ જોવા મળે છે ત્યાં ચાંદની જેવા વાળ તેની જગ્યાએ યોગ્ય જણાય છે.

 

ચાંદીના ચમકીલા વાળ-(૪) સાક્ષર ઠક્કર

“સફેદ રંગ એ શાંતિનો રંગ છે”

આવું જેણે પહેલી વાર વિચાર્યું હશે એને એ વખતે સફેદ વાળ આવ્યા નહિ હોય, કારણ કે જ્યારે પહેલી વાર પહેલો સફેદ વાળ આવે છે ત્યારે જીવનમાં અશાંતિ થવાની ચાલુ થઇ જાય છે. જેમ અર્જુનને પક્ષીની માત્ર આંખ દેખાતી હતી એમ સફેદ વાળ આવ્યા પછી આપણે અરીસા સામે ઉભા હોઈએ તો આપણને આપણો એક માત્ર સફેદ વાળ જ દેખાય છે.

આપણા સમાજમાં સફેદ વાળ નાની ઉમરમાં હોવા એ બહુ શરમજનક કહેવાય છે. એ વાતનો ફાયદો વાળ કાળા કરી આપવાની પ્રોડક્ટવાળા સારી રીતે ઉઠાવે છે. મેં જોયેલી સૌથી પહેલી વાળ કાળા કરવાની જાહેરાત કંઈક આ પ્રમાણે હતી. દુરદર્શન પર ગોદરેજ ડાઈની જાહેરાત આવતી હતી, એમાં એક પાર્ટીમાં એક કાકા અને માસી જાય છે ત્યાં માસીને કોઈ બહેન કહીને બોલાવે છે અને કાકાને કાકા કહીને બોલાવે છે એટલે કાકા બગડે છે અને ઘરે જઈને ગોદરેજ ડાઈ લગાવીને કાળા વાળ વાળા થઇ જાય છે. આવી જાહેરાતો જોઈને પછી જ્યારે પણ સફેદ વાળ આવે ત્યારે એ વાળને સંતાડવાની અથવા કાળા કરવાની મથામણ ચાલુ થઇ જાય છે.

પહેલો સફેદ વાળ છુપાવવાની જટિલતા એ વાળના સ્થાન પર આધારિત છે. જો વાળ માથાની પાછળની બાજુ હોય તો તો વાળ ધારકના ધ્યાનમાં આવતા પણ વાર લાગે છે. જો વાળ આગળ હોય તો અમુક વાર અમુક રીતની પાંથી પાડવાથી એ સફેદ વાળ છુપાવી શકાતો હોય છે પણ જો આગળ રહેલા સફેદ વાળનું સ્થાન પાંથીની એકદમ નજીક હોય તો પાંથી પાડવાથી પણ સફેદ વાળ છુપાતો નથી અને પાંથી પાડ્યા પછી ટોળામાંથી કોઈ ઓળખીતો દેખાઈ આવે એમ કાળા વાળની વચ્ચે એ એક સફેદ વાળ દેખાઈ આવે છે.

આવી અલગ અલગ રીતથી વાળ સંતાડવાના પ્રત્યનો બાદ આપણે એક દિવસ ઘોર અપરાધ કરી બેસીએ છે: એ સફેદ વાળ ખેંચી નાખવાનો. પહેલો સફેદ વાળ ખેંચી નાખવાનો સંતોષ બસ થોડા દિવસ જ રહે છે જ્યાં સુધી બીજા ૩ નવા સફેદ વાળ નથી આવી જતા, અને પછી તો એક પછી એક જેમ પહેલા વરસાદ પછી દેડકા નીકળે એમ ઘણા બધા સફેદ વાળ આવવા માંડે છે.

અત્યારે મારા માથા પર અડધા વાળ કાળા છે અને અડધા ધોળા છે. ધોળા વાળના ટોળા એક પછી એક કાળા વાળને વટલાવી રહ્યા છે. અમુક ક્રાંતિકારી કાળા વાળ જ્યારે નીડર થઇને સામનો કરે છે ત્યારે ખરી પડે છે. એક દિવસ માથા પર ધોળા વાળનું સામ્રાજ્ય સ્થપાઈ જશે ત્યાં સુધી આ ત્રણ સમસ્યાઓ નડશે:

૧. વાળ ધોળા થશે

૨. વાળ ખરશે

૩. ધોળા વાળ નહિ ખરે

ચાંદીના ચમકીલા વાળ (૫) પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી

દ્રશ્ય – ૧:

રીના:આવી ગયો રીતેષ, કામ પતી ગયુ ને?

રીતેષ: હા, પતી ગયું.

રીના: રીતેષ, મોં કેમ ઉતરેલું છે? શું વાત છે?

રીતેષ: કંઈ વાત નથી.

રીના: કંઈ વાત નથી તો આજે બેંકથી આવ્યો છે, ત્યારથી તારો મૂડ કેમ ઓફ છે?

રીતેષ: યાર, આજે બેંકમાં એક યંગ છોકરીએ મને ‘અંકલ’ કહીને બોલાવ્યો, અજબ જ કહેવાય ને?

રીના:અચ્છા, છોકરી કેવડી હતી?

રીતેષ: લગભગ આપણી સોહા જેવડી હશે.

રીના: જનાબ, સોહાની બધી ફ્રેંડ્સ મને ‘આન્ટી’ અને તને ‘અંકલ’ કહીને બોલાવે જ છે ને? તો પછી એના જેવડી છોકરીએ તને ‘અંકલ’ કહ્યું  એમાં અજબ  જેવું શું લાગ્યું?

રીતેષ: એ તને ન સમજાય. સોહાની ફ્રેંડ્સ ‘અંકલ’ કહે તો સ્વાભાવિક લાગે છે, પણ કોક અજાણી – યંગ છોકરી મને ‘અંકલ’ કહીને બોલાવે એ મને ન ગમે. અભી તો મૈં જવાન હું, યાર.

રીના: યેસ ડીયર. અભી તો તુ જવાન હૈ, પણ આ તારા વાળમાં હવે જરા જરા ‘સફેદી’ આવવા માંડી છે, એનું શું?

રીતેષ: આ એની જ તો – એટલે કે સફેદ વાળની જ તો રામાયણ છે. એનું કંઈ કરવું પડશે.લાગે છે હવે  સફેદ બાલોને કલર કરીને કાળા કરવા પડશે.

આમ ‘સફેદ વાળ’ અંકલ’ કે ‘આન્ટી’  બનવા તરફની મંઝીલનું પહેલું પગથીયું છે, જે કોઈને ગમતું નથી.

દ્રશ્ય – ૨:

-હલ્લો, મી. પારસ શાહ બોલો છો?

-હા, બોલું છું.

-હું રીઝર્વ બેંકમાંથી બોલું છું. એચડીએફસી બેંકમાં તમારું કેવાયસી (Know Your Client)  કંપ્લીટ નથી, તો મને જરા તમારી ડીટેલ લખાવશો?

-હા, બોલો, શું ડીટેલ જોઈએ છે?

-તમારા ક્રેડિટ કાર્ડ ના નંબરના છેલ્લા ચાર આંકડા —- છે, બરાબર?

-હા, બરાબર છે.

-તો મને ક્રેડિટ કાર્ડ નો પૂરો નંબર અને પીન નંબર જણાવો.

-સોરી મેડમ, એ મારી માહિતી પર્સનલ અને કોન્ફિડેન્શિયલ મેટર છે, અને તે કોઈની સાથે શેર ન કરવાની મને બેંકમાંથી સૂચના મળી છે.

-તો પછી તમારું કેવાયસી થશે નહીં. તમારું ખાતું બંધ થઈ જશે. તમે એમાંથી કોઈ ટ્રાંઝેક્શન નહીં કરી શકો.

-મેડમ, ક્રેડિટ કાર્ડ નો નંબર અને પીન નંબર આપવાથી શું ફ્રોડ થઈ શકે તે મને ખબર છે.  તમારી ખોટી ધમકી મને સમજમાં આવે છે. હું કોઈ બેવકૂફ  નથી પણ જાગૃત નાગરિક છું. મારા માથાના આ વાળ કંઈ મેં તડકામાં સૂકાવીને સફેદ નથી કર્યા, સમજ્યા?

ખરેખર જેમના વાળ સફેદ થઈ ચૂક્યા છે, એવા પ્રૌઢ વડીલોને કોઈ વ્યક્તિ ‘ઉલ્લુ’ બનાવવાની ટ્રાય કરે ત્યારે મુરબ્બી વડીલ કહે છે, ‘આ વાળને તડકામાં સૂકાવીને સફેદ નથી કર્યા.’ મતલબ કે ‘સારા એવા વર્ષોનો અનુભવ લીધો છે, ત્યારે આ વાળ સફેદ થયા છે.’  આમ આવી વખતે ’સફેદ વાળ’ ‘અનુભવ’ નું અને ‘ડહાપણ’ નું પ્રતિક મનાય છે. ‘સીનિયર સીટીઝન’ નું માનદ બિરૂદ પામવામાં પણ વયની સાથે સાથે આ સફેદ વાળનું ઘણું મહત્વ હોય છે.

મશહુર ગાયક પંકજ ઉદાસજીના મુલાયમ સ્વરો માં નીચેની પંક્તિ તો આપ સહુએ સાંભળી જ હશે:

‘ચાંદી જૈસા રંગ હૈ તેરા સોને જૈસે બાલ,

એક તુ હી ધનવાન હૈ ગોરી બાકી સબ કંગાલ.’

એમાં શરીરનો રંગ ચાંદી જેવો સફેદ – ઉજળો અને વાળનો રંગ સોના જેવો સોનેરી – ચમકીલો  હોય એવી ગોરી એટલે કે છોકરીની વાત આવે છે. આ પંક્તિમાં આવી છોકરી જ ‘ધનવાન’ અને બાકી બધા ‘કંગાલ’ એટલે કે ગરીબ એવી વાત કહી છે. આ હિસાબે જોવા જઈએ તો ભારતમાં આવી કંગાળ છોકરીઓ અધિક અને આફ્રિકામાં તો ૯૦% થી વધારે આવી કંગાળ છોકરીઓ મળી આવે.

મારા ખ્યાલ મુજબ આ પંક્તિમાં કોઈ ‘ગોરી મેડમ’ એટલે કે ‘યુરોપિયન યંગ ગર્લ’ વિશે ની વાત હોવી જોઈએ. એ લોકોની ત્વચા ચાંદી જેવી સફેદ અને વાળ સોના જેવા સોનેરી જોવા મળે છે. પણ આપણા ભારતમાં તો ખુબ રૂપાળી છોકરી ની ત્વચા પણ ચાંદી જેવી ઉજળી હોવાની શક્યતા બહુ  ઓછી છે. હા, આજકાલ ‘ફેર એન્ડ લવ્લી’ ની જાહેરાતમાં માં ટ્યુબનો મલમ ઘસી ઘસીને ‘ઘંઉવર્ણી’  ત્વચાને ‘ઉજળી’ બતાવાય છે ખરી. અને હવે તો યુવતિઓ ની સાથે સાથે યુવાનો માટેના બ્યુટી ક્રીમ પણ બજારમાં મળવા માંડ્યા છે. (લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે) એટલે ‘ગોરી’ઓ ની સાથે ‘ગોરા’ઓની ક્રીમની જાહેરાતો પણ આવવા માંડી છે.

પણ અહીં ચર્ચા માત્ર ગોરી ત્વચાની જ નથી, સોનેરી વાળની પણ આવે છે. આપણા ભારતમાં સામાન્ય પણે ‘યુવાન’  વયે ‘કાળા ભમ્મર’ વાળ અને ઉતરતી ઉંમરે એટલે કે ‘પ્રૌઢ’ વયે ભૂખરા – ગ્રે કલરના(કાળા ધોળા મીક્સ)  વાળ અને ઘરડા લોકોના ‘સફેદ’ ચાંદી જેવા વાળ જોવા મળે છે. આ તો કુદરતની રચનાની વાત છે. પણ માણસને ક્યાં કશું ’કુદરતી’ મેળવીને સંતોષ થાય જ છે? એટલે એ વાળને રંગીને લાલ, પીળા, લીલા, જાંબલી અને એના મનને જે ગમે તે ચિત્ર વિચિત્ર રંગ કરીને આનંદ મેળવે છે. ‘હું બીજાથી અલગ લાગવો/ લાગવી જોઈએ’, ‘લોકોનું ધ્યાન મારા તરફ જ જવું જોઈએ.’  એટલે – ‘More, Better and Different’ એને આકર્ષિત કરે છે. પરિણામની કોને પરવા છે?

મશહૂર અભિનેતા સ્વર્ગસ્થ રાજેશ ખન્નાની વર્ષગાંઠ હમણાં જ ગઈ. એટલે એમનું એક ફિલ્મી ગીત યાદ આવ્યું, ‘ગોરે રંગ પે ન ઇતના ગુમાન કર, ગોરા રંગ દો દિનમેં ઢલ જાયેગા.’ મતલબ કે ‘ગોરો રંગ સારો છે, પણ શાશ્વત નથી એટલે એનું અભિમાન કરવું જરૂરી નથી’ એવો મતલબ એ ગીતનો છે. છતાં શરીરનો રંગ તો બધાંને ‘શ્વેત’ જ ગમે છે. પણ વાળનો રંગ કોઈને ‘શ્વેત’ નથી ગમતો. એટલે જેવા સફેદ વાળ માથામાં દેખાવા માંડે કે માણસ તરત એને કલર કરીને છુપાવવાની કોશિશ કરવા માંડે છે.

બીજા એક ગીતમાં, ‘રંગ પે કીસ ને પહેરે ડાલે, રૂપ કો કીસ ને બાંધા, કાહે સો જતન કરે…મન રે તુ કાહે ન ધીર ધરે.’ એવું ગીતકારે કહ્યું છે. એમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ‘રંગ પર કોઈનો પહેરો નથી, રૂપને કોઈ બાંધી નથી શક્યું, પછી શા માટે એનું આટલું બધું જતન કરે છે?’ અને છતાં આપણે જે કાયમ છે એવા ‘ગુણ’ નું જતન કરવાને બદલે જે ક્ષણભંગુર છે એવા ‘રંગ અને રૂપ’ નું જ જતન કર્યા કરીએ છીએ અને પરિણામે દુ:ખી થઈએ છીએ.

સફેદ વાળની પોતાની એક અલગ જ આભા હોય છે. અને આ જગતમાં એવા જાજ્વલ્યમાન વ્યક્તિઓ મેં જોયા છે કે જે પોતાના સફેદ વાળને લીધે ખુબ દીપી ઊઠે છે. સ્વ. ડૉ. અબ્દુલ કલામ એવા જ વ્યક્તિ હતા, નખશિખ મહાન! એમની તો હેરસ્ટાઈલ જ સફેદ વાળ હોવા છતાં ‘યુનિક’ હતી. અને આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીમતિ ઈંદિરા ગાંધીના વાળની એ સફેદ લટ કેવી આભાવાન હતી, મને એ બહુ જ ગમતી. મેં તો નક્કી જ કર્યું છે કે હું વડાપ્રધાન બનીશ ત્યારે એમના જેવી જ સફેદ લટ વાળી હેરસ્ટાઈલ રાખીશ.

આજની જોક:

મુન્નો: પપ્પા, તમારા થોડા વાળ કાળા અને થોડા વાળ સફેદ કેમ છે?

પપ્પા: તું બહુ તોફાન કરે છે, તેથી મને સ્ટ્રેસ થાય છે, અને એનાથી મારા કાળા વાળ સફેદ થવા માંડ્યા છે.

મુન્નો: હં, હવે સમજ્યો.

પપ્પા: શું સમજ્યો?

મુન્નો: એ જ કે મારા દાદાજીના બધા વાળ સફેદ કેમ છે.

 

ચાંદીનાં ચમકીલા વાળ(૬) વિજય શાહ

ક્યાં એવું છે હવે ‘જલન’

થાય બૂઢાપે જ ધોળા વાળ.

જલન માતરી

યુવા ઉંમરેજ મારા વાળ ધોળા થઇ ગયા હતા અને તેથી મને તો ફાયદો જ થતો હતો..મારું કામ  આમેય કન્સલ્ટંટ્નું  (સલાહો આપવાનુ )તેથી મારી સલાહો મારા ઘરાકને શીરાની જેમ ઉતરી જતી હતી. ખાસ તો કૌટુંબીક બાબતે બધાને થતુ કે એ કહે છે તો એમને એમતો નહીં કહેતો હોયને?

રાગીણી અને રાજીવ આમતો મારી જ ઉંમરના…  પણ કોણ જાણે કેમ રાજીવ મને બહુ માને તેથી જે કોઇ કામ કઢાવવુ હોય ત્યા રાગીણી મારા નામનો ઉપયોગ પોતાના નીજી સ્વાર્થ માટે કરતી અને રાજીવ પકડી પણ લેતો અને સમય મળે ફોન કરી પુછી લેતો.. રાગીણી ને તેં આવું કહ્યું? ત્યારે મહદ અંશે મારી પાસે જવાબ હોય જ ના. અને પછી રાગીણીને ખખડાવતા કહેવું પડે..કે તું મારું નામ વટાવે તેનો વાંધો નહીં પણ તે વિશે મને જાણ તો કર.

રાગીણી સમજી તો જતી કે રાજીવે તેને પુછ્યુ છે એટલે લાડ લડાવતી કહે..”હવે મોટાભાઇ થયા છો તો વાતને વાળી લેવી જોઇએને?”

“જો મિંયાબીબીની વાતોમાં કદી ન પડવુ તે મને ખબર છે તેથી એ જરુર ધ્યાન રાખું કે કોણે શું કહ્યુ હતુ.. નહીંતર એ બે તો એક થઇ જાય પણ બે આખલાની લઢાઇ વચ્ચે ઝાડનો કચ્ચર ઘાણ થાય તે સત્ય ખબર છે.”

“પણ રાજીવે તમને શું પુછ્યુ?”

” હવે જવા દેને તે વાત.. તારું કામ થઇ ગયુને?”

” હા અને ના.”

“એટલે?”

“તમારી સાથે વાત થયા પહેલા એ તૈયાર હતો પણ તમે જવાબ ના આપ્યો એટલે તે વાત પડતી મુકાઇ.”

” જો રાગીણી આટલો બધો દાગીનો ઘરમાં હોવા છતા તુ વધુ દાગીનો માંગે તે વાત ખોટી.”

“કેવી રીતે?”

” નવો દાગીનો અને નવી ગાડી ડીલરને ત્યાંથી બહાર નીકળો એટલે તેની કિંમત અડધી થૈ જાય તે તો તને ખબર છે ને?” ઝારણ અને ઘડાઇનાં નામે….

“પણ મારે વેચવા ક્યાં જવું છે? મારે તો નવી ડીઝાઇન પહેરીને વટ મારવો છે,”

” જો બેના એક વાત સમજ..વેપારીને ત્યાં હંમેશા “ફીસ્ટ” નથી હોતી.. ક્યારેક “ફાકા” પણ હોય. અને રાજીવ તે “ફાકા” ના સમય માટે પૈસા સાચવે પણ તુ જરા બેંકમાં પૈસો જોયો નથી અને નવી માંગણીઓ કર્યા કરે..”

” પણ દાગીનો એ બચતનો ભાગ ના કહેવાય?”

” ના તેને સ્ત્રીધન કહેવાય..તેને તેની જરુરીયાતે વેચવા ના જવાય.”

” પણ વટ તો તેનો અને મારો બંને નો પડેને?”

” પણ ટાલ મારી પણ પડેને?”

“એટલે?”

“તારી ભાભીને ખબર પડે એટલે તેને પણ “વટ પાડવા” દાગીનો જોઇએ .. અને “હું બીચારો’ બેઠા પગાર વાળો તકલીફમાં આવી જઉંને?”

” જાવ જાવ આટલા મોટા એન્જીનીયર છોને અને ભાભીને તરસાવો છો તે કંઇ ચાલે?”

” જો બેના રાજીવ સાચો છે. એ ના પાડે ત્યારે વળી જવાનું.. સમજી?”

અને મનમાં બોલ્યો “અને રાજીવ જે કંઇ અપાવે તે તારી ભાભીને નહીં બતાવવાનું..”

ત્યાં પાછળથી ટહુકો થયો..” કેમ રાગીણી બેન ને ખોટી સલાહ આપો છો?”

” ભલે તો તુ સાચી સલાહ આપ.”

” રાગીણી બેન રાજીવ અને આ તમારા ભાઇ બંને એક જ માટી નાં બનેલા છે. તું તારે જે લેવું હોય તે લે અને ક્રેડીટ કાર્ડ ઘસી નાખ.. એને બીલ તો મહીનાને અંતે આવશે ને?” કહીને આંખ મારી..

હસતા હસતા રાગીણી બોલી ” મોટાભાઇ આમ જ તકલીફમાં આવે છે ને?”

” નારે ના.. એતો બીલ લઇ ને એ વધારાની ખરીદી પાછી વાળી આવે અને સાથે સાથે મોટી મોટી વાતો કરી કરી મને પણ ડરાવે. પણ રાજીવ ભાઇ તો તેમ ન કરેને?”

દેરાણી જેઠાણી ની વાતો આગળ ચાલે તે પહેલા મેં માથે હાથ ફેરવ્યો.. લાગ્યુ કે હવે તો આફત છે ! ચમકીલી ચાંદી ભર્યા વાળની ઇજ્જત જોખમમાં છે.

તેથી મેં રાજીવને ફોન લગાડ્યો

રાજીવ સાથે ફોન ઉપર મેં કહ્યુ” રાજીવ! દસ ગોલ્ડન ઇગલ ના સિક્કા ખરીદીને રાગીણી ને આપી દે.. તારી વાત પણ રહેશે અને બેંક બેલેન્સ ઘટી જશે….”

” પણ રાગીણી માનશે?”

“હા કારણ કે મેં તેની ભાભીને હમણાં જ કહ્યુ છે કે યુધ્ધનાં માહોલમાં સોનાના ભાવો વધે…એટલે હવે દાગીના કેન્સલ  અને ગીની્ઝ ઇન.

રાજીવ કહે મોટાભાઇ તમે તો લાકડી ભાંગે નહી અને સાપ મરી જાય તેવો ફક્કડ રસ્તો બતાવ્યો…

મેં માથા પરનાં ચમકીલા ચાંદી જેવા વાળ ઉપર હાથ ફેરવતા કહ્યું “રાજીવ આ વાળ કંઇ તાપમાં ઓછા ધોળા કર્યા છે?”

બીજે દિવસે મારી એક બેંક્ની સીડી ( એફ ડી) ઓછી થઇ ગઈ અને રાજીવની બેંકમાં થી દસ હજાર ડોલર ઘટી ગયા..રાગીણી ને ગીની નાં રણકાર્થી રાજી થવું પડ્યું પણ હું અને રાજીવ ..અમે બંને ઝરણ અને ઘડાઇનાં મારમાંથી બચી ગયા અને આમેય અમેરિકન બેંકમાં વ્યાજ પણ ક્યાં મળે છે?

Source: ચાંદીનાં ચમકીલા વાળ(૬) વિજય શાહ

ચાંદીના ચમકીલા વાળ (૭) જિતેન્દ્ર પાઢ

Jitendra Padh

જિતેન્દ્ર પાઢ

ધોળું માથું ,ધવલ ચંદ્ર ને 

               સેંથી પડી તે ચાંદની રે ,

               ધરડે ઘડપણ લાકડી  ને

               યુવા વયે સાથ લાડી રે ,

               બળ ,બુદ્ધિ શક્તિ વધે નહીં

               હા ,અભરખે ચાલે જિંદગી રે ,,,,

,,

               વાળ એ  ચહેરાની શોભા છે અને તેથી શાયરો ઝુલ્ફની  ઘટામાં  છુપાઈ જાય છે ,ગઝલ ગૂંથાય છે ,,,,જનાબ આદિલ મન્સૂરી લખે  કે  :””એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ /એ કેશને ગૂંથે અને બંધાય ગઝલ “યુવાનીમાં એકાદી લટમાં મન મોહી પડે ,શ્યામ ના વાંકડિયા ળા    કેશમાં યશોદા તેલ નાંખવા દોડાદોડી કરે ,જગ જાહેર છે લાંભા વાળ સુંદરતામાં વધારો કરે છે સ્ત્રી હોય કે પુરૂષ ,યુવા હોય ,યુવતિ હોય અરે !વૃદ્ધા  હોય  કે વૃદ્ધ  બધાને વાળ વ્હાલા જૂદાજૂદા પ્રાંતો ,પ્રદેશો વાળની નોંખી નોંખી વિશેષતા ધરાવે ,બીજી બાજુ વાળને મોહનું પ્રતિક ગણાય !સન્યાસીઓ તેથી ટકો મૂંડો રાખે  ઉલટું ઋષિ મુનિઓ દાઢી  મૂછ ,વાળ વધારે  જટા એ જ એની ઓળખ ,,,,અરે ,દેવતાઓ પણ તેમાંથી બાકાત નથી તિરૂપતિમાં મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુ  સ્ત્રી ,પુરુષ  મોહ ત્યજી ,કેશ કપાવે ,,માને અમારી યાત્રા સફળ,પ્રાચીન શિલ્પ,ચિત્ર કોઈપણ કલામાં તમે સ્ત્રીની સુંદરતામાં વાળ                ગૂંથણી ,કેશ કલાપ વિશેષ સ્થાન ધરાવે છે ,વાળનો મહિમા સર્વ કાલીન અને સર્વત્ર વિશ્વ વિખ્યાતિ ધરાવે છે

કાળા કેશ સહુને ગમે ,શોભે ,પણ કુદરતના નીતિ નિયમો નું  ચક્ર અનોખું છે.આજના જમાનામાં બધું અકાળે ,અનાયાસે બને છે આજકાલ અકાળે વાળ           સફેદ થવા લાગ્યા છે તેમાંય વળી શેમ્પૂ,કેમિકલ્સ વાળા પ્રસાધનો નો વપરાશ ,યુવાનવયે સફેદ વાળ સુંદરતા હરે છે ,સુંદરતા જોખમાય તે કોઈને ગમે નહીં ,તેથી કોસ્ટ મેટીક  ઉત્પાદકો તેનો ભરપુર ફાયદો ઉપાડે છે ,વિદેશોમાં પણ વાળ અવનવી રીતે  રંગવાની  ફેશન ખુબ ચાલી છે અને શોખ ખાતર  લખલૂટ ખર્ચ થાય છે

કાળા ઘટાદાર  કે વાંકડિયા  કેશમાં એકાદો આક્રમક કરતો વાળ દેખાડે તો ચિંતા સરવળે ,પહેલાં વાળ તોડી નંખાય ,પણ સફેદ વાળ આક્રમક મૂડ ધરાવે છે ,તેને ખેંચી કાઢો તેમ વધુ સાથીઓ લઇ પાછો ફૂટે ,  હાશકારો પામવા  રંગ ,કાળી મેંદી ,ડાય વાપરવાના  રવાડે ચડી જાવ   ,,,,અને એકજ વપરાશે બાકીના કાળા કેશ પણ સફેદી જમાત બની જાય ,,,કેમિકલનો પ્રતાપ ખીલે ,આ અમારા  મિત્રોનો જાત અનુભવ છે ,જે સનાતન સત્ય છ

                 જોકે મોટા ભાગે ઘડપણનો સંકેત એટલે સફેદ વાળ નું પ્રાગટ્ય,,,,,,,,સફેદ ચમકીલા વાળનો જથ્થો ઘણાં સમજુ પરિવર્તન કાળ ગણી હસીને સ્વીકારી લેય છે ,પણ તેની સંખ્યા   ભલે જૂજ હોવાની ! કુદરતી ક્રમ માની યથાવત રહેતા લોકો સુખ શાંતિ અને સ્વસ્થતાથી સંતોષ સાથે જીદગી માણે છે ,ઘડપણ વિશેની નરસિંહ મહેતાની કવિતા ઘડપણ કેણે ?મોકલ્યું ,, અંગે ઉજળા થયા છે કેશ ,તેમાં શિથિલતા ની  વાત ભલે  કરી હોય। .આજનો કવિ કહેશે ,,,,”ઘડપણ છોને આવિયું ,,,,મળતા અમને સન્માન /ગોરી તો ઘરમાંથી ગઈ ,આવી બ્રિસ્લેરી હાથ ,,,,  વાળની સફેદી  બગલાની ક્યારેક યાદ અપાવે છે ,,બગલા જેવી લુચ્ચાઈ ,ઠગાઈ વૃતિ છતી કરે છે ,પોતાનો ક્રોધ બીજા ઉપર જક્કી વૃતિથી ઠોકી બેસાડવા ,,આક્રોશ સાથે ત્રાડ નાંખી  કહેશે ,”ચૂપ  મર ,તું તારા મનમાં શું ?સમજે છે ?આ વાળ અમથા ધોળા થયા નથી ?અનેક દિવાળી હોળી અમે જોઈ નાંખી છે ?

                 અમારા બધા મિત્રોમાં મિતેષ ઠક્કર ,રાજેન્દ્ર ઘરત ,સંતોષ બોબે ,ચંદ્રકાંત પટેલ ,અશોક ઠક્કર ,અશોક રાવલ વગેરેમાં સૌથી જૂદો તરી આવતો ચહેરો ,,,ચંપક ઠક્કર ,,અમે તેને શ્વેતકેશી  કહીએ ,આ સફેદી ચમકતી ચાંદી જેવું માથું ધવલ ચન્દ્ર  બની સદા ચમકે  જે કદી ભૂલાય નહિ ,આવી વિશિષ્ઠ છાપ તમારું અનોખું વ્યક્તિત્વ બની જાય  તે મોટો ફાયદો છે ,આ વાત માનવી જ પડે જેનો કોઈ પર્યાય નથી,,,જેમ અમાસના દિવસે

કાળા ધબ અંધારામાં આકાશમાં ધૂર્વનો તારો વધુ ચમકે તેમ કાળા વાળ વચ્ચે અમારા કવિ ,નવલ કથાકાર હિંમત સો મયા  ધુર્વ તારક સમા સદા દૂરથી ઓળખાય તેમ ચમકે  તો મારા મિત્ર મધુસૂદન કાયસ્થના ટાલ પ્રદેશે થોડાંક માંડ માંડ બચેલાં સફેદ  વાળ હવામાં ઉડાઉડ કરી પોતાના અસ્તિત્વ નો પૂરાવો આપવા મથામણ કરે અને તેઓની નોંધ લેવા જણાવે ,,

                 વાળની જેમ દાઢી મૂછ ની  માયાજાળ અનોખી દાસ્તાન સમી હોય ?અમિતાબ બચ્ચન નાની ફ્રેંચ કટ દાઢી મૂછે લોકોને ઘેલા કરી દીધા,.ફેશન ચાલી ,દાઢી મૂછોની વિવિધતા સફેદી આવ્યા બાદ વધુ સોળે કળાએ ખીલે ,ક્યાંક બ્રોડગેજ મૂછો ,કયાંક નેરોગેજ ,તો  ક્યાંક તલવાર કટ  બહુજ  માવજત સાથે રાખે,,,અજબ મહિમા છે સફેદ ચમકતાં વાળનો ,,,,વધેલી  દાઢી મૂછ  જોતાં વિનોબા ભાવે ,રવીન્દ્ર નાથ ટાગોર ,કાકાસાહેબ કાલેલકર , જેવાં અનેક ચહેરા જાત ,પ્રાંત કે ભેદભાવ વિના સતત યાદ રહે ,,,,હા ,એક વાત ખરી આવા  પ્રતિભાવંત ચહેરા અને સફેદી ચાહક વાળ પ્રિય   મહાનુભાવો નો  કેશ કલાપ માટેનો રંગરોગાન માટેનો ,શેમ્પુ  વગેરેનો ખર્ચો બચે ,અને વડીલ બન્યાનો ગર્વ વધે

                ક્યારેક સફેદ ચમકતાં વાળ મુસીબત ઉભી કરે ! તમને સમાજ ડોસલામાં ખપાવે ,,,સમાજ,સંસ્થા અને ટ્રસ્ટ માં   તમને પદભ્રસ્ત કરવાના  પેંતરા  રચાય  રાજકારણીઓ દાવપેચ શરુ કરી તમારી સેવાઓની  નિષ્ઠામાં ખોટા આક્ષેપો  ઉભા  કરી પજવે , તમે નાહકના શિકાર બનો ,   જોકે એકંદરે સિનીયર સિટીજન , વયસ્ક ના સરકારી ફાયદામાં ,યોજનાઓમાં ,સન્માન મળે , સફેદ માથું  તમને અધિકૃત  હોવાનું પ્રમાણ પત્ર આપે ,બસમાં પાસ ભુલીગયા ,બેંકમાં પાસબુક ભુલીગયા , નાનામોટા ગુના માફ ! જુવાનિયાઓ પણ સફેદ માથાનો ગેર ફાયદો લેવાનું ક્યારે ચૂકે નહીં। ,રંગીન  ડ્રેસમાં  વળી માથું ચમકે તે શોભામાં અભિ વૃદ્ધિ  કરે  તે નફામાં।  મહાત્મા ગાંધીએ સફેદ મૂછો રાખેલી (મારી પાસે ફોટો છે )શોભતી હતી ,પણ પાછળથી કેમ કાઢી  તે ખબર નથી ,તેનો ઇતિહાસ શોધવા જેવો છે

               પરંતુ મહિલાઓની વાત કરીએ તો ચિત્ર જુદું  લાગે ,સફેદ કેશ ,સફેદ સાડી। .કૈક જુદી ભાત પાડે,લાંબા કાળા વાળમાં ચોટલો શોભે ,તેમાં વેણી ,નીચે મજાની રીબિન સુંદર લાગે ,સફેદ વાળના ચોટલા શોભે નહિ ,અંબોડા શોભે નહિ , જો યુવાન વયે વાળ સફેદ જાણે માથે આભ તૂટી પડે  ! જોકે હવે વાળ કપાવવાની ફેશન બની ,હા ,કેટલીક મહિલાઓ સફેદ વાળમાં પણ ખીલી ઉઠે ,વાશી નવી મુંબઈમાં હું એક બેનને ઓળખું છું ,પતિના મરણ પછી વાળ કપાવ્યા નહિ અને ચમકીલા સફેદ  વાળનો સાથ છોડ્યો નહીં ,કારણ એના પતિને તેના  વાળની સફેદી ચમકાટ ખૂબ ગમતો , વાળની ચાહના અને ચાહકનું નિરાળું મિલન હોય છે

                  વિદેશમાં ચમકતાં સફેદ વાળ પરિપક્વતાની નિશાની ગણાય છે ,પુરુષો ભાગ્યે જ વાળ રંગે ,તો ઉલટું મહિલાઓ નિતનવા નખરા સાથે વાળ રંગવાની હોડમાં ઉતરે ,અધિકારી વર્ગ ભારતમાં વાળ રંગી વ્યક્તિત્વ જાળવવાની  હોંશીલી તરકીબો અજમાવે,ખરી વાત માણસે  સ્ત્રીએ વૃદ્ધ  દેખાવું ગમતું નથી,ચાંદી જેવા વાળ આજે માત્ર ફેશન બની શોભેછે ,90 વરસની મહિલાને,વૃદ્ધા ને  સફેદ વાળ ગમતા નથી , તમે વાળને ગમેતેટલાં  માવજત સાથે વ્હાલ કરો ,ચામડી ઉપર ઉમરના હસ્તાક્ષર વંચાઈ જવાના….

                 દરેક ના ફાયદા અને ગેરફાયદા હોવાના ,ગમો અણગમો વ્યક્તિગત  સ્વભાવ ઉપર અવલંબે છે ,શોભા વધારનારી વસ્તુ નુકશાન પણ કરતી હોય છે ,વાસ્તવિકતા સ્વીકારવી  સહુને ફાવે નહિ ,સફેદ ચમકતા ચાંદી જેવા વાળ  અગલ અગલ પરિસ્થિતિમાં શોભે ,ક્યારેક ના પણ શોભે વાળને કેમ ,કેવી રીતે અને ક્યારે સાચવવા ,રાખવા એ સ્વતંત્રતા માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે ,તેને શોખ ગણવો કે સ્વાભવ ગણવો એ મોટી સમસ્યા છે ,શોખને તમે અટકાવી કે રુંધી શકતા નથી ,તેથી સફેદ ચાંદીના ચમકીલા વાળ તેના ફાયદા -ગેરફાયદા વિષય ઉપર કોઈક અભ્યાસુ રસિકે પી ,એચ,ડી ,શોધ નિબંધ લખવો જોઈએ  એવો આ ગહન વિષય છે

જિતેન્દ્ર પાઢ /રેલે સિટી /નોર્થ કેરોલીના /અમેરિકા /તા ,5/12/2015/ મંગલ વાર /સવારે 12-

ચાંદીના ચમકીલા વાળ-(2) મહેન્દ્ર શાહ

 

mahendra shah

 કોને અંકલ કહી બોલાવવા?

મારી સાળી અને સાઢુંભાઈને ફાઈલ કરી ભારતથી જ્યારે મેં અમેરીકા બોલાવ્યા, અને કોઈ પાર્ટી અગર મેળાવડામાં એમને લઈ જવાનું થતું ત્યારે હંમેશાં મારા ઓળખીતા, મીત્રો સાથે ઓળખાણ કરાવું, શરુંઆતમાં મારા મિત્રોને કયા સંબોધનથી બોલાવવા એ બાબતમાં એમને બહું કન્ફ્યુઝન રહેતું.., ઉંમરમાં એ મારાથી નાના, અને મારા મિત્રો, ઓળખીતાઓને ખોટા સંબોધનથી બોલાવે, ને કદાચ મારું ખરાબ ના દેખાય એનો એમને ડર લાગ્યા કરતો, એ ભારતથી નવાનવી આવેલ અને અહીંના હવાપાણીને લીધે એમને લોકોની ઉંમરના પ્રમાણમાં ચહેરા પરથી જુવાન વધારે લાગે, પણ ખરેખર  હકીકતમાં તો મારા સાઢુંભાઈ કરતાં વધારે ઉંમરલાયક હોય! કન્ફ્યુઝન અને એમ્બરેસમેન્ટ ટાળવા એ જેને મળે  એ બધાને “અંકલ” કહી બોલાવે! Just for the safe side..,   એમનાથી નાના હોય એમને પણ ” અંકલ ” કહી બોલાવવા લાગ્યા.., શરૂઆતમાં તો મેં આંખ આડા કાન કર્યા.., પછી લાગ્યું કે.., ” This is going too far!” એટલે જ્યારે એક પાર્ટીમાં એમણે મારા મિત્રના દીકરાને ” અંકલ ” કહી બોલાવ્યો.., કે તરતજ ધીમે રહી હું એમને બાજુંમાં લઈ ગયો અને  સલાહના રૂપમાં એક ” Golden thumb rule ” સમજાવ્યો.,

” તમારે ” અંકલ ” કહીને ફક્ત બે ટાઈપના લોકોને જ બોલાવવાના.., જે ને ટાલ હોય તે, અને જેના માથામાં સફેદ વાળ હોય તે!”  પછી તો આ Thumb rule એમને બરાબર માફક આવી ગયો!

મહેન્દ્ર શાહ

જાન્યુઆરિ મહીના નો વિષય ” ચાંદીનાં ચમકીલા વાળ” – ( (1)હેમાબેન પટેલ નો લેખ સાથે સામેલ છે)

મિત્રો

સફેદ વાળ હોવાનાં લાભો અને નુકસાનો વિશે આપનો  લેખ ૧૦૦૦ શબ્દો નો મોકલવા વિનંતી ( શક્ય હોય તો હાસ્ય પ્રચુર અને  ૩૦જાન્યુઆરી પહેલા)

ચાંદીના ચમકીલા વાળ. – હેમાબેન પટેલ

photo 2

સામાન્ય રીતે ઘડપણ આવે એટલે માથે ચાંદી આવે, પરંતુ ભાઈ આતો કળીયુગ છે, ના જોએલુ, ના સાંભળેલુ, પહેલાં ના બનેલુ,જાણવા મળે.અત્યારે શરીરને ઉંમર સાથે કોઈ સંબધ ન હોય એમ લાગે .નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે.કરવું શું ? માથે કલપ લગાડી ચાંદી સંતાડવી પડે.કહેવાય છે બહુ ચિંતાઓ કરો તો વાળ જલ્દી સફેદ થાય, મારી સાથે કંઈ ક આવું જ થયું છે, નાની નાની વાતમાં ચિંતાઓ કરવી,આપણે જાતે જ ન કામની ચિંતા કરીએ તો બીજાં શું કરે? એ લોકો થોડા આપણને કહે છે તૂં ચિંતા કર, જાતેજ ઉભી કરેલી ઉપાધી છે.આતો બાળકો સ્કુલ કોલેજ્થી મોડા આવે તો ચિંતા ! પતિ કામેથી મોડા આવે તો ચિંતા ! મહેમાન આવવાના હોય તો તેમને જમાડવા માટે મેન્યુની ચિંતા ચાર દિવસથી ચાલુ થઈ જાય.રાત્રે ઉંઘ ના આવે.ઘણા લોકોનો નિયમ હોય, ‘टेन्सन देनाका, टेन्सन लेनाका नही’ અહિંયાં તો ‘टेन्सन लेनाका’ વાળી વાત છે.

‘ मींया दुबले क्युं ? सारे गांवकी फिकर’ હવે આવા માણસોનુ કંઈ થાય ? વધારે ચિંતાઓ કરવાથી કોઈ ફાયદો તો ના થયો, એક દિવસ માથું ઓળતાં અરિસામાં માથામાં એક સફેદ વાળ જોયો,૩૦ વર્ષની ઉંમરે માથાએ રંગ બદલવાનુ ચાલુ કર્યું, મૉઢામાંથી ઉદગાર નીકળી ગયા, અરે આતો ઘડપણ ડોકિયાં કરી રહ્યું છે.ના ના આટલું જલ્દી ના આવીશ.હજુ તારે આવવાની વાર છે. વાળ એતો ચહેરાની સુંદરતા છે,અને વાળને જ તકલીફ ઉભી થઈ,મન તો એટલુ વ્યાકુળ થઈ ઉઠ્યું જાણે આજે જ બુઠાપો આવી ગયો.જલ્દી જલ્દી સફેદ વાળ તોડી નાખ્યો.એક સફેદ તોડ્યો બીજો ઉગ્યો, બીજો તોડ્યો ત્રીજો ઉગ્યો, કેટલા તોડવા ?વાળ તોડી તોડીને થાકી ગઈ જાણે મારે અને વાળને યુધ્ધ ચાલ્યુ હોય એમ બે તોડું તો બીજા ચાર સફેદ દેખાઈ આવે, આખરે આખી મોટી લટ સફેદ, અરે આ શું ! મને તો ૩૦ વર્ષે ઘડપણ આવ્યું હોય એમ લાગ્યું.મેં હાર માની લીધી અને હથિયાર નીચે ફેંક્યા. સફેદ તોડવા નથી એને જ સુંદર બનાવી દઉં તો કેવુ સારુ.વાળને રંગવાનુ કામ ચાલુ કર્યું, કેટલી બધી જફા ! એક અઠવાડિયામાં તો સફેદી ફરીથી દેખાવાની ચાલુ થાય. ૨૦ વર્ષ સુધી રંગવાનુ કામકાજ ચાલુ રહ્યુ, સાથે સાથે વાળની માવજત માટે પેપર અને મેગેઝીનમાં જાત જાતના નુસકા આવે એ ચાલુ કર્યા, કોઈ કહે મહેંદી લગાડવાથી સારુ રહે, મેહેંદી લગાડી, જાત જાતના તેલની માલિસ, આમ વિવિધ પ્રયોગો વાળ સાથે ચાલુ જ રહ્યા.માથા પરના સફેદ વાળ માટે આટલી બધી માથાકુટ ! આટલા ધમ પછાડા શેને માટે,ઈશ્વરે જે આપ્યું તે સ્વીકારે લોને. આ મનુષ્ય નામનુ પ્રાણી ભગવાને જે આપ્યુ હોય તેનાથી કોઈ દિવસ ખુશ રહ્યું છે ?સફેદ વાળની રામાયણ તો ચાલતી જ રહી, ખબર છે ધોળા ચાલુ થયા છે હવે તે ક્યારે તેના અસલી રંગમાં નથી આવવાના.અમેરિકા આવી અહિયાં તો કાળીયા લોકો અને ધોળીયા લોકોના વાળ જોયા તો લાલ, લીલા, પીળા,જામલી,ગોલ્ડન એમ રંગ બે રંગી વાળ જોઈને મને તો એક રસ્તો મળી ગયો ચાલો હવે વાળને કલર કરવાનુ બંધ, રંગ બેરંગી વાળમાં ગોલ્ડન કલર સાથે આ સીલ્વર કલર પણ ચાલી જશે કોઈ જોવાનુ નથી ગમે તેવા વાળ રાખો કોઈને તમારી પડી નથી.

મારી સાથે સફેદ વાળને કારણ ઘણા ફાયદાકારક કિસ્સા બન્યા.મુન્નાભાઈ એમ.બી.બીએસ રીલિઝ થઈ ત્યારે અમે થીયેટરમાં ફિલ્મ જોવા ગયાં થીયેટરમાં બહુજ લાંબી લાઈન હતી સીક્યારીટી ઉભી હતી, હું લાઈનમાં પાછળ ઉભી હતી સીક્યારીટીવાળો આવ્યો મને લાઈનમાંથી બોલાવી સૌથી આગળ ઉભી રાખી હું તો ખુશ થઈ ગઈ ચાલો જલ્દી નંબર લાગશે, મને પહેલી વાર મારા સફેદ વાળ ગમ્યા. ક્યાંય પણ જાઉ સિનિયોરિટી માટે મારે મારી આઈ ડી નથી બતાવવી પડતી, મારા સફેદ વાળ જ બોલે હું સિનિયર સિટીઝન છું.લંડન ગઈ હતી ત્યાં બસમાં મુસાફરી કરતા હતાં બસ આખી ભરેલી હતી હું સળીયો પકડીને ઉભી હતી એક છોકરો ઉભો થઈ તરત જ બેસવા માટે સીટ આપી.

માર્ચ મહિનામાં ઈન્ડિયા ગઈ હતી શીરડી સાઈબાબાના દર્શન કરવા ગયાં , દર્શનની મોટી લાઈન હતી, મારી બેનથી લાઈનમાં ઉભુ રહેવાતુ નથી હું તેને મારુ પર્સ સાચવવા આપીને વોલેટ લઈને લાઈન વીના દર્શન થાય તેને માટે પાસ લેવા ગઈ મારી આયડી પર્સમાં રહી ગઈ હતી, પાસ આપવા વાળાએ મારી પાસે સિનિયરસિટીઝનના પ્રુફ માટે આઈડી માગી મેં કહ્યું મારી પાસે આઇ ડી નથી તેણે કહ્યું બર્થ સર્ટીફિકેટ બતાવ મેં કહ્યુ કોઈ બર્થસર્ટિફિકેટ સાથે લઈને થોડું ફરે, તૂ મારા વાળને ધ્યાનથી જો અને મને પાસ આપ. તેણે મારા ચહેરા ઉપર નજર કરી મારા વાળ જોયા અને તરત જ પાસ આપી દીધા. મારા સફેદવાળ મુસીબતના સમયે બહુજ સાથ આપે છે.બહોત ગઈ થોડી રહી ,માથાની સફેદી સાથે સમાધાન થઈ ગયું છે હવે ઘડપણ સાથે ન કોઈ ફરિયાદ. મીરાની પંક્તિઓ ગુન ગુનાવાનો સમય છે “ રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી” મુખડાની કરચલીયો સાથે ચાંદીના વાળ ખુબજ શોભે છે.ચાંદીના ચમકીલા વાળ માટે નથી રહી કોઈ ફરિયાદ, હવે વરદાનરૂપ લાગે છે.