૩૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ઘેર બેઠે ગંગા

આ કહેવતનો અર્થ છે ન ધારેલું ઘેર આવીને મળી રહે અથવા તો જોઈતુ હતુ તે સામે આવી ગયું. ગંગા એટલે જ્ઞાન. એના માટે હિમાલય જવાની જરૂર નથી. જ્યાં શિવ છે, જ્યાં શિવત્વ છે ત્યાં ગંગાનું અવતરણ થાય છે જ. જ્યાં પવિત્રતા છે, સ્વીકાર છે ત્યાં ગંગા સરળતાથી પ્રગટ થાય છે. તેનું આચમન ઘેર બેઠા કરી શકાય છે. બસ ખુલ્લા દિલે, તમામ ઇન્દ્રિયોને ખુલ્લી રાખીને તેનું આવાહન કરો. ગંગાનો સ્વભાવ છે વહેવું. તેનામાં ગમે તેટલી નકારાત્મકતા, કચરો ઠલવાયેલો હશે પણ ગંગા ક્યારેય અપવિત્ર થતી નથી. તેનું બુંદ માત્ર, મરનારની સદ્‍ગતિ કરે છે. માટે આપણે કહીએ છીએ, “હર હર ગંગે.”

એક વાર્તા છે. એક વ્યક્તિ જીવવા માટે ખૂબ પાપ કરતી. શિવજીએ તેને પૂછતાં તેણે કહ્યું કે હું જે પાપ કરું છું તે દર વર્ષે ગંગામાં નાહીને માતા ગંગાને અર્પણ કરી દઉં છું. મારી પાસે પાપ જમા થાય જ નહીં. આ સાંભળી શિવજીએ જટામાં સમાયેલી ગંગાને પૂછ્યું, જો તે સાચું હોય તો પૃથ્વીના જન્મથી અત્યાર સુધીમાં માનવજાતનાં કેટલાં પાપો ગંગાજીએ ગ્રહણ કર્યાં હશે! ગંગાજીએ ઉત્તર આપતાં જણાવ્યું કે એ હું મારી પાસે રાખતી નથી પણ સમુદ્રને આપી દઉં છું. શિવજીએ સમુદ્રને પૂછ્યું, આટલા પાપનો સંગ્રહ કરીને તું કેવી રીતે નિરાંતે જીવી શકે છે કારણ કે તારામાં આવી અનેક નદીઓ પાપ ઠાલવતી હશે. સમુદ્રએ ઉત્તર આપ્યો કે હું એ પાપોને વરાળ સ્વરૂપે વાદળોને આપું છું. જેને કારણે સફેદ વાદળા, પાપ વળગવાથી કાળા ડિબાંગ દેખાય છે. શિવજી વાદળા પાસે આવ્યા. વાદળાએ જવાબ આપતાં કહ્યું, પ્રભુ, પાપ તો સમુદ્ર મને જ આપે છે પરંતુ હું તો જેનું પાપ હોય તેને વરસીને પાછું આપી દઉં છું અને પાછું સફેદ થઈ જાઉં છું. આમ વિષચક્ર પૂરું થાય છે.

જોજનો દૂર પરદેશમાં વસતાં ભારતીયો માટે આ કહેવત સાર્થક થતી હું જોઈ રહી છું. હાલમાં કેલિફોર્નિયાની હવેલી માટે નવી જગ્યા નિર્માણ થાય છે તે હેતુસર પુરુષોત્તમ સહસ્ત્રનામનો જપયજ્ઞ જે. જે. શ્રી દ્વારકેશલાલજીના સાનિધ્યમાં વૈષ્ણવોને સંપન્ન થયો. જેનો આબાલવૃદ્ધ તમામે લાભ લીધો. અદ્‍ભૂત અને અવર્ણનીય નજારો હતો. જે ભારતમાં શક્ય નથી બનતું તે અહીં વિદેશમાં જોવા મળે છે. ભારતથી વિવિધ મંદિરોમાં, વિવિધ સંપ્રદાયનાં ધર્મવડા આવીને તેમની વાણી દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે જેનું પાન કરીને સૌ તૃપ્ત થાય છે. બાળકોમાં ધાર્મિક સંસ્કારની જડ મજબૂત બને છે. જેઓને ઘેર બેઠે સત્સંગ મળે તે માટે કીર્તન છે, “જે સુખને ભાવ ભવ બ્રહ્મા રે ઇચ્છે તે રે શામળિયોજી મુજને રે પ્રી છે, ન ગઈ ગંગા, ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યાં અક્ષરવાસી.”

જવનિકા એન્ટરપ્રાઇસ, ICC જેવી સંસ્થાઓ અનેક કલાકારો ભારતથી અહીં લાવીને અહીં વસતા લોકોને સંગીત, નૃત્ય, ડાયરો, નાટકો દ્વારા જ્ઞાન અને મનોરંજન પૂરું પાડે છે. વિશ્વભરનાં કલાકારો સાથે હાથ મિલાવીને તમે વાત કરી શકો જે અહીં શક્ય બને છે.

હાલમાં બૅ એરિયામાં ચાલતી ગુજરાતી ભાષાને જીવંત રાખતી, સાહિત્ય માટે કામ કરતી “બેઠક” સંસ્થામાં “જૂઈ-મેળો” યોજાયો જેમાં સ્થાનિક કવયિત્રીઓએ સ્વરચિત કવિતાનું પઠન કર્યું. આ સાહિત્યરસિકો માટે લહાવો હતો. સાહિત્યક્ષેત્રમાં “બેઠક”નું પ્રદાન મોટું છે. તેમાં અનેક દાતાઓના સહયોગથી, અનેક સાહિત્યકારોના જ્ઞાનથી જ્ઞાનપિપાસુ તૃપ્ત બને છે. વળી “પુસ્તક પરબ” દ્વારા પુસ્તકો પૂરા પાડીને વાંચનક્ષુધા તૃપ્ત કરવાનો યજ્ઞ પણ ચાલી રહ્યો છે. વતનથી દૂર વસતાં ભારતીયોનો વતન ઝુરાપો તેમને સાહિત્ય, સંસ્કૃતિથી વિખૂટા ન પાડે તે માટે પુસ્તક પરબ, બેઠક, ડગલો, ટહૂકો, ગ્રંથ ગોષ્ઠિ, વગેરે અનેક સંસ્થાઓ ઘેરબેઠા જ્ઞાનગંગા વહાવે છે.

સિનિયરો કે જે પોતાનું મૂળ છોડીને તેમના જીવનના અંતિમ પડાવ પર બાળકો સાથે આવીને પરદેશમાં વસ્યાં છે તેઓ મૂળને ઝંખે છે. અહીં સિનિયરના શારીરિક અને માનસિક વિકાસ માટે તેમ જ તેમનાં આચાર-વિચારનાં વિનિમય માટે અનેક સિનિયર સેન્ટરો ચાલે છે.

જેમ અધ્યાત્મમાં ઘેર બેઠે ગંગા હોય છે તેમ આયુર્વેદમાં પણ હોય છે. સ્વાસ્થ્ય અંગે અનેક સમસ્યાઓ હોય છે. તેના માટેની ઘરગથ્થુ દવાઓ આયુર્વેદમાં હોય છે જે આપણા રસોડામાંથી સરળતાથી મળી રહે છે. ઘણી ઔષધીઓ હાથ વગા ડોક્ટરની ગરજ ગરજ સારે છે.

આજે ઈ-સાહિત્ય, ઈ-મેઈલ, ઈ-શોપિંગ, ઈ-બેન્કિંગ, ઇન્ટરનેટ થકી ઘેરબેઠે ઉપલબ્ધ બને છે. દરેક પ્રકારનું શિક્ષણ ઇન્ટરનેટ દ્વારા શક્ય બન્યું છે. ભગવાનની આરતી ઘેરબેઠા થાય છે. જાત્રા કરવાની જરૂર નથી રહેતી. ઘેરબેઠા વ્યક્તિ તેના શોખને સફળતામાં ફેરવીને સિદ્ધિનાં શિખરો સર કરી શકે છે. પ્રશ્ન છે આસાનીથી ઘેર બેઠા થયેલા લાભને, મળેલી તકને આવકારવી, સ્વીકારવી.

જો હૃદયમાં શિવની સ્થાપના કરીએ તો ખુદ ગંગાધર બની શકાય છે. આ યાંત્રિક યુગમાં ગંગાને ઘેર આવવું પડે છે. માણસે પોતાના જીર્ણોદ્ધાર માટે સજાગ રહેવું જોઈએ. ઘેર બેઠે ગંગા આવે તો તેને શોધીને સ્વીકારતા આવડવું જોઈએ.