‘બેઠક’-પરસ્પર પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એક જૂથ, અથાગ પ્રયત્ન.

Hetal

પ્રજ્ઞાબેન અને ‘બેઠક’ ના સર્વે કુટુંબીજનો,
‘બેઠક’ ની દ્વિતીય વર્ષ ગાંઠે આપ સૌને મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છા!

‘બેઠક’ સાથેના મારા નાના અમથા સંપર્કમાં મને આપ સૌની અંદર સર્જનાત્મકતા પ્રત્યેનો એક અનેરો ઉત્સાહ અનુભવાયો છે. પરસ્પર અપાતી સતત પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એકજૂથ  અથાગ પ્રયત્ન ‘બેઠક’ ને પ્રાણવાયુ પૂરો પાડે છે. દરેક વ્યક્તિના ઉરે ઉભરતો એક ઉત્સાહ અને એમને હૈયે  કૈંક લખ્યાનો સંતોષ એમના ચહેરા પર એક તેજસ્વી ચમક આપી જાય છે જે મેં નજરે જોયો છે, માણ્યો છે…
‘બેઠક’ના વડીલોના જીવન માં સંધ્યા ટાણે, એક નવા જ ઉજાસે જાગી શકવાનો આનંદ જગાવવો એ ‘બેઠક’ ની એક અમૂલ્ય ઉપલબ્ધિ છે.
ગુજરાતી માં એક નાની વાર્તા, પછી વાર્તાઓનો સમૂહ, એમાંથી પુસ્તક, અને પછી પુસ્તકોની શ્રુંખલા, અને આગળ હવે ગ્રંથ અને ‘મહાગ્રંથ’ સુધીની સફર અને એની સફળતા, એ આપ સૌનું વ્યક્તિગત સાફલ્ય છે.

આપ સૌને અંતરના પરમ આનંદ અને શાંતિથી જ શુભકામના.

પ્રણામ,

હેતલ નીરજ બ્રહ્મભટ્ટ

હકીકત!-શૈલા મુન્શા.

હકીકત!

 વાવવાં જો હોય કોઈ સપના તો,

દિલ રાખવું પડે છે મજબુત!

ફસલ પાકશે કે નહિ,

એ બાહેંધરી સપના નહિ,

માનવીની ધગશ આપે છે.

મંઝિલ તો સામે જ છે, બસ!

પગલું પહેલું જો ઉપડે, તો રસ્તો સાફ છે!

બેસીને કિનારે, જોતા તમાશો,

જિંદગી આખી વહી જાય છે,

હોય જો હામ, સામે વહેણ તરી જવાય છે!

કરવાં સાકાર સપના, બેસ ના કિનારે,

ભર પગલું પહેલુ, ને સપનુ બનશે હકીકત!

શૈલા મુન્શા.  તા ૦૨/૦૫/૨૦૧૬

” મારી માવલડી “-જયવંતી પટેલ

 

માં, તું મારી મીઠી મધૂરી માવડી

ભરદરિયે ડૂબું ત્યારે બને મારી નાવડી

શું શું સોણલા સજ્યા તેં મમ કાજે

ઉડાડે તું ગગનમાં મને, બની પવનપાવડી

“માં,” શબ્દ જ એટલો વહાલસોયો છે કે ભાવનાના વમળમાં ડૂબવા માંડું છું.  માનું અસ્તિત્વ કંઈક અનોખું જ હોય છે.

કંઈ પણ બદલાની આશા ન રાખે તે માં.  માં એક જ એવી વ્યક્તિ છે જે વિના સ્વાર્થ ખુલ્લા દિલે તમને એની સોડ્યમાં લઇ લેશે.  માને બાળકની ભૂલ કદી દેખાતી નથી.  એના હુંફાળા આચલમાં પ્રેમ અને સ્નેહનો મહિમા છુપાયેલો છે. એનું એક સ્મિત કંઈક દુઃખોને હળવું બનાવી ધ્યે છે.રાત રાતના ઉજાગરા એ હસતે મોએ સહન કરી શકે છે. માં, બાળકના દુઃખો જોઈ મધર ટેરેસા બની જાય છે.  કોઈ પીડાથી કે બીજા કારણથી તેને સ્તનમાં દૂધ ન આવે તો બાળકને માટે બેબાકળી બની જાય છે.  કેટલાયે ઉપચારો કરવા તૈયાર થઇ જાય છે – મારી બાને મારી નાની બહેનનાં જન્મ વખતે કાન અને માથાનો સખત દુઃખાવો રહેતો અને એની અસર તેનાં શરીર પર પડી.  તેનાં સ્તનમાંથી દૂધ ઉડી ગયું.  નાની બહેન ભૂખી રહેવા લાગી એટલે બહું રડતી.  લગભગ એક મહિનો ઉપરથી દૂધ, પાતળું કરી પાવું પડયું હતું.  અમે બે મોટી બહેનો ત્યારે ખૂબ મદદ કરતાં અને નાની બહેનને સાચવતા.  એ પછી ધીમે ધીમે એમને દૂધ આવતું થયું.  

હવે મારી વાત કરું.  નાનપણથી અનુભવેલી એ અમીભરી આંખો, એમની લાગણી અને વહાલથી સોડમાં લઇ લેતી બા ક્યારેય ભૂલાતી નથી.  બા માંડ બે ચોપડી ભણેલા પણ સ્વપ્ન મોટા રાખતાં.  વારે વારે કહેતા કે હું નથી ભણી પણ મારી દીકરીઓને તો ભણાવીશ જ – ગમે તેટલું દુઃખ પડશે પણ મારી ત્રણેય દીકરીઓ ને શાળા અને કોલેજ કરાવીશ.  પછી બા રાત્રે મોડે સુધી બેસી સિલાઈ કરતા અને એ પૈસામાંથી અમારા પૂસ્તકો આવતાં અને શાળાની ફી ભરાતી.  સાથે બેસી સહુ વાતો કરતાં, ન સમજાય તે બા ધીમે રહી સમજાવતા.  કહેતા બેટા, દુનિયાદારી હજુ તને ન સમજાય, વખત જતાં સમજાશે.  એ વખતે અમારે અંગ્રેજી પણ શીખવાનું હતું –  અંગ્રેજી શબ્દ જલ્દી ન પકડાઈ તો બા બીજા પાસે ખૂબ મહેનત કરી શીખતા અને પછી અમને શીખડાવતા.

એવી અનેક માતાઓ હશે જે પોતાના બાળકો માટે આખી જીંદગી ન્યોછાવર કરી દેવા તૈયાર હોય છે.  અમારા જ કુટુંબમાં બે દાખલા એવા છે કે જે બહુ યુવાન વયે વિધવા થયા છે પણ બાળકો ખાતર બીજા લગ્ન નથી કર્યા અને બાળકોને પાંખમાં લઇ બેસી ગયા છે. બીજી તરફ માં જ એવી એક  વ્યક્તિ છે જે મોટું મન કરી બધું તેના પેટમાં સમાવી ધ્યે છે  નાના હોય ત્યારે નાની ભૂલો અને મોટા થયાં પછી મોટી ભૂલો — કરતાં તો હોઈએ જ છીએ.  ક્યારેક ભૂલી જતા હોઈએ છીએ કે અમૂક રીતે બોલશું કે વર્તશું તો માને કેટલું દુઃખ થશે!  બાળપણમાં અજ્ઞાત રીતે અને યુવાનીમાં – જુવાનીના જોશમાં, કંઈક એવા દાખલાઓ હશે કે માને દુઃખ પહોચ્યું હશે. એ જનનીનું ઋણ  કઈ રીતે ચૂકવાય ?

ભણતા ભણતા બીજી બધી વાતો પણ શીખવાની આવતી.  ઘરનું કામકાજ શીખવાનું, થોડું સીવણકામ શીખવાનું,  ખાસ તો પત્ર કેમ લખવા એ ખાસ શીખવું પડતું કારણકે એ વખતે ટેલિફોન તો ભાગ્યે જ કરતા.  આજના જેવી સેલ ફોનની સુવિધા થોડી હતી!!  પત્ર લખવા એ પણ એક કળા હતી.  પોતાની ઉમર વાળાને પત્ર કેમ લખાય -કેવું સંબોધન વાપરવું અને ખાસ કરીને વડીલોને લખતા હોયએ ત્યારે માન વાચક સંબોધન ક્યા શબ્દોમાં કરવું એ બા ધીરજથી શીખડાવતા.  રસોઈ શીખવાનું અને ખાસ તો શીખડાવવાનું જરાપણ સહેલું નહોતું.  કેટલીયે વાર મીઠુ વધારે પડતું અથવા નાંખવાનું જ ભૂલી જતાં,  તો કોઈક વાર રોટલી બળી જતી.  રોટલી વણતા શીખ્યા ત્યારે કેટલાયે નકશા બની જતા.  આ બધું હસતા હસતા અપનાવી લેતી બા અને પ્રેમથી એજ ખાય લેતા તે હજુ પણ સ્મૃતિપટ પર વણાયેલું છે.  અને હૈયું ભાવવિભોર બની જાય છે.

શ્રી દામોદર બોટાદકર તેમની રચનામાં તો એમ કહયું છે કે ગંગાના નીર વધે ઘટે છે પણ માનો પ્રેમ અવિરત વહે છે તેમાં વટઘટ નથી થતો એ તદન સત્ય હકીકત છે – માના પ્રેમની ચાંદની કાયમ ઉજાશ આપતી રહે છે વળી બીજી સરખામણી મેઘની સાથે કરે છે વ્યોમ વાદળથી ભરાયેલું હોય ત્યારે વર્ષા વરસે છે પણ માવડીનો પ્રેમ તો બારે માસ વરસે છે.  તેમાં કોઈ ત્રુતિ નથી હોતી.  મારી માં એટલી જ મીઠી હતી – જેવી કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ – એથી મીઠી રે મોરી માત રે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ. 
વાત નીકળી જ છે તો અહીં કૃષ્ણને પણ યાદ કરી લઉં –  તો કૃષ્ણએ માતા યશોદાને ઓછા સતાવ્યા હતા ?  ગોપીઓના ઘરોમાં જઈ માખણ ચોરી લેતા અને માં પાસે કબુલ ન કરતાં.  ભલેને પછી મોઢા પર માખણ ચોટ્યું હોય.  અને માં યશોદા પણ કાનાની વાતમાં કેવા  તણાઈ જતા અને ગોપીઓને વઢતાં.  મોટા થયા ત્યારે રાધાની સાથે વિવાહ કરવા માને કેવા સમજાવે છે!!  કેટલાયે કારણો આપે છે રાધા સાથે લગ્ન કરવા માટે.  માં, એ ગોરી છે આપણા બાજુના ગામ બિરજની છોરી છે માં, તારે કામ નહિ કરવું પડે, બધુ જ કામ રાધા ઉપાડી લેશે.  માં,  તારી સામે ઘુમટો નહિ ખોલે.  કેટકેટલી શિફારીશ કરવી પડી – અને છેલ્લે એ પણ કહી દીધું કે જો મારા વિવાહ રાધિકા સાથે નહિ કરો તો કાલથી સીમમાં ધેનુ ચરાવવા નહિ જાંવ.  આ સાંભળ્યા પછી માં યશોદા કેવી રીતે મમતાને બાંધી રાખે!!  પ્રેમ, મમતા છલકાઈ ગઈ.  માં ગાંડી બની ગઈ, બેઉ હાથે બલૈયા લઇ કાનાને છાતીએ લગાડ્યો.  આને માતૃ પ્રેમ કહેવાય.

આપણે બધા જ માતૃ તેમજ પિતૃ પ્રેમના ભૂખ્યા છીએ પણ દરેકના જીવનમાં એ સુખ નથી લખાયેલું હોતું.
કેટકેટલા બાળકો માં વિહોણાં મોટા થાય છે એવા બાળકોને થોડો પણ પ્રેમ આપી શકો તો જરૂર આપજો.  ઉપરથી ભગવાન પણ આશિર્વાદ અને ફૂલો વરસાવશે.  પોતાને બાળક ન થતાં હોય તો કોઈ અનાથ થયેલા બાળકને ગોદ લેજો.  જેથી તમને બાળક મળે અને એ અનાથ બાળકને માંનો પ્રેમ મળે.  એના જેવું પુણ્યનું બીજું કોઈ કામ નથી.  માતા દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો.  પિતા વાસુદેવ એમને ટોપલામાં મૂકી પાસેના ગોકુળ ગામમાં નંદલાલા અને યશોદાને ઘરે મૂકવા ગયા ત્યારે નદીએ પણ માર્ગ કરી આપ્યો, શેષ નાગે છત્ર આપ્યું.  માં દેવકીએ કેટલો મહાન ત્યાગ કર્યો હતો પોતાના બાળકને જીવનદાન આપવા અને માં યશોદાએ કેટલા પ્રેમથી કાનાને અપનાવ્યો હતો.  આજે ઘરે ઘરે એનું ગુંજન થાય છે અને એ પવિત્ર પ્રેમ ને સૌથી ઊચું સ્થાન અપાયું છે.

માં, વહાલનો દરિયો.  દીકરીને માં બાપ ની ઓથ અને માં બાપને દીકરીની ઓથ.  જેટલું માબાપ દીકરીને સમજે અને સંભાળે તેટલું જ દીકરી ઘડપણમાં તેમને સંભાળે.  એક વખત એવો હતો કે દીકરીની કંઈજ કદર ન્હોતી થતી.  માન્યતા એવી હતી કે દીકરી તો પરણીને પારકે ઘરે જતી રહે છે એટલે ઘડપણમાં દીકરો જ કામ આવે અને માબાપની દેખભાળ રાખે.  એક કહેવત એવી પણ છે કે ” દીકરીની માં રાણી અને ઘડપણમાં ભરે પાણી ,”  જેને દીકરો ન હોય તેમને પહેલાનાં વખતમાં આવું કહેતા.  આજે જમાનો એટલો બદલાય ગયો છે કે આજે દીકરાઓ કરતાં દીકરીઓ જ માબાપનું વધારે ધ્યાન રાખે છે અને તે પણ પ્રેમ અને આદરથી.  એનો અર્થ એવો નથી કે દીકરાઓ સમજુ નથી હોતા, અપવાદ બધે જ જોવા મળે છે

દીકરીઓ ઉપર અત્યાચાર વધારે ગુજારાય છે એ સત્ય છે.  ભારતમાં આજે પણ ભ્રુણ હત્યા મોજુદ છે. જે સામાન્ય માનવીના માનસમાં ઘૂસી ગયું છે તે નાબુદ કરતાં ખબર નહી હજુ કેટલાં વર્ષો જશે પણ કાળા કાળા વાદળોની પાછળ એક સુર્યનું કિરણ છુપાયેલું છે તેમ અનેક નિરાશામાં એક સોનાનું કિરણ, એક આશા રહે છે કે એ માન્યતા જરૂર બદલાશે.  હવે લોકો જાગૃત્ત થયા છે અને લોક જાગૃતિ એ દેશનું બળ છે
નવી સોચ – નવલ ભારત” માં” – જે દયાનો પુરવઠો.
જયવંતી પટેલ

વહાલી માતૃભાષા આવનાર પેઢીઓ જીવંત રાખે એવું સોનેરી સ્વપ્ન હું સેવું છું.-તરુલતા મહેતા

img_0662-3-e1448962605653

યુવાન મિત્રો,

‘બેઠક’ અને ‘શબ્દોના સર્જનમાં’ તમારા પ્રતિબિબ મને અનેરો આનંદ આપે છે.પ્રજ્ઞાબેનના  પ્રેમ અને ઉત્સાહની રેલીમાં તમે સંગીત અને શબ્દોથી ભીંજાય રહ્યા છો.

કેટલી હદય છલકાવે તેવી વાત છે! હું સંધ્યાની અટારીએથી આવતી કાલે પૂર્વમાં ઉગનાર  સૂર્યને વધાવું છું.જાગૃતિ શાહ,આણલ અંજારિયા અને પલક વ્યાસનાં પ્રેમભર્યા અભિપ્રાયોની અભિવ્યક્તિથી વડીલ ગુજરાતી પેઢીનું શેર લોહી ચઢે છે.વહાલી માતૃભાષા આવનાર પેઢીઓ જીવંત રાખે એવું સોનેરી સ્વપ્ન હું સેવું છું.માતૃભાષાને પ્રેમ કરનારા એક ,બે ત્રણથી ….અનેક ગુજરાતી પેઢી દર પેઢી આવતા જ રહે તેવી આશા સેવું છું. આ દેશમાં બહારનો બધો વ્યવહાર અમેરિકન ઈગ્લીશમાં થતો હોય ત્યારે માતૃભાષા ગુજરાતી બોલવા માટે તક ઓછી મળે તે સમજી શકાય પણ બે ગુજરાતી મળે ત્યારે  આપણી મીઠી ભાષાના થોડા શબ્દોની લિજ્જત

માણીએ દિલ તો  પણ બહેકી જાય,નાના બાળકો હોશથી ગુજરાતી બોલે છે,એમને જ્ઞાન સાથે ગમ્મત કરાવી શકાય.બે એરિયામાં ખાસ કરીને મંદિરોમાં ગુજરાતી ભાષા બાળકોને સરસ શીખવાય છે,તેનો પણ લાભ લઈ શકાય.મારી બે ગ્રાન્ડડોટરને ગુજરાતી શીખવવા

નિમિત્તે મેં પણ પાંચેક વર્ષ ગુજરાતી ક્લાસ ચલાવેલા.બાળકોને મઝા આવેલી.આજે યુવાનવયે તેઓ ગુજરાતી ઘરમાં બોલી શકે છે.લખવાનું ભૂલી જવાયું છે,આજ હાલત ઇન્ડિયામાં અંગેજીના પ્રભાવને કારણે થઈ છે,આપણે સૌ ગુજરાતી જો  ઈગ્લીશના પ્રભાવમાંથી જાગીને નહિ જોઈએ

તો માતૃભાષાને નવી પેઢીમાં જીવંત રાખવાનું સ્વપ્ન રોળાય જશે.એટલે જ હું યુવાનોને ‘બેઠક’ માં રસ લેતા જોઉં છું ત્યારે તેમને વહાલથી ખભો થાબડી અભિનન્દન અને શુભેચ્છા પાઠવું છું. મારી દ્રષ્ટિએ ઈગ્લીશ ખૂબ સમુધ્ધ ભાષા છે,ગુજરાતીએ પણ એમાંથી ધણું અપનાવ્યું છે,એક સાહિત્યના રસિક વાચક માટે શેક્સપીયર,વર્ડ્ઝવર્થ ,શેલી કે બાયરન ,ટોલ્સટોય,વોલ્ટ વ્હીટમેન,હેમીગ્વે કે ટી.એસ એલિયેટ અખૂટ આનંદ અને જ્ઞાનનો ભંડાર છે,આપણા ગુજરાતી સર્જકો એ સૌના વાચનથી પોતાની ભાષાને બળવાન બનાવે છે.બીજાનો મહેલ જોઈ આપણું ઝુંપડું જલાવી દેતા નથી.સંસ્ક્રુતિ અને ભાષા નદીની જેમ વહે છે,નવું આવતું જાય પણ એ પોતાની ઓળખ જાળવી રહે તે માટે સભાન પ્રયત્ન પણ કરવા જરૂરી છે,એમાં આપણી માતૃભાષાનું,ગુજરાતી મહાન કવિઓ અને સર્જકોનું તથા ખુદનું ગોરવ છે.નરસિહ,મીરાં,નર્મદ ,ગોર્વધનરામ ત્રિપાઠી,ઉમાશંકર જોશી,દર્શક ,પન્નાલાલ પટેલ અને તાજેતરમાં જ્ઞાનપીઠ

એવોર્ડ તેવા રધુવીર ચૌધરી અને બીજા અનેક સર્જકોને   આપણે સલામ કરી ‘બેઠક’ના બે એરિયાના  ગુજરાતી સર્જકોની વાડીને લીલી રાખતા પ્રજ્ઞાબેન સાથે હાથ મીલાવીએ.યુવાન પેઢીનો ઉત્સાહ ‘નયા રંગ ‘ લાવશે,ગુજરાતીમાં રસ લેતા યુવાનો અમારા માનસસંતાન જેવા છે,તમને ખોબલે ખોબલે શુભેછા.

જય ગરવી ગુજરાત!

તરુલતા મહેતા 4થી ફે.2016.

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૦મી બેઠકનો અહેવાલ..- શ્રી. નવીન બેન્કર-

GSS-4

    GSS

૧૬મી જાન્યુઆરીની વરસાદી સાંજે, ૨૦૧૬ના નવા વર્ષની પ્રથમ બેઠક, નવી સમિતિ અને નવા યજમાનની આગેવાની હેઠળ યોજાઈ હતી. આ મહિને ‘મ્યુઝીક મસાલા’ રેડીયોના ગુજરાતી વિભાગના પ્રવક્તા ઇનાબેન પટેલના મંદિરધામ જેવા નિવાસસ્થાને, હ્યુસ્ટનના પચાસેક સાહિત્ય રસિકો સમક્ષ સંપન્ન થઈ હતી.

 સંસ્થાના નવાપ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે સ્વાગત કરતાં, પ્રાસંગિક બે શબ્દો કહ્યા પછી, ભાવનાબેન દેસાઈની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તે પછી તાજેતરમાં જ ગુજરી ગયેલા કવિ શ્રી લાભશંકર ઠાકર,  લેખક લલિત પરીખ અને પ્રેમલતાબેન મજમુદારના દુઃખદ અવસાન પ્રત્યે દિલસોજી વ્યક્ત કરીને બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.

 સભા-સંચાલક અને યજમાનની બેવડી કામગીરી સહર્ષ સ્વીકારેલ ઈનાબેન પટેલે સૌનું સ્વાગત કર્યુ અને સભાનો મુખ્ય દોર ચાલુ કર્યો. બેઠકનો વિષય હતોઃ હાસ્ય,આનંદ કે મનપસંદ. કાર્યક્રમના ઓપનીંગ બેટ્સમેન હતા હ્યુસ્ટનના હાસ્યલેખક શ્રી. ચીમન પટેલ. ‘ચમન’ના તખલ્લુસથી લખતા આ લેખકે પોતાના પુસ્તક  ‘હળવે હૈયે’માંથી નવા વર્ષના સંકલ્પોની હળવી રજૂઆત કરીને શ્રોતાઓને ખુબ હસાવ્યા. ૯૫ વર્ષની વયના શ્રી. ધીરુભાઈ શાહે, રાબેતા મુજબ જીન્દગીના નિચોડ સમી, ડહાપણની પ્રેરક કૃતિઓ રજૂ કરી. સંસ્થાના ભુતપૂર્વ ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતાએ, બે અંગ્રેજી કાવ્યોના પોતે કરેલા ભાવાનુવાદ ભાવભેર વાંચી સંભળાવ્યા. સંસ્થાના વિદ્વાન અને બહુશ્રુત એવા સભ્ય નિતીન વ્યાસે, ભદ્રંભદ્ર અંગેની અજાણી વાતો અને એ જમાનાના સર્જન અંગે દિલચશ્પ માહિતી આપી હતી. શૈલાબેન મુન્શાએ પોતાના વર્ગના  ત્રણ વર્ષની ઉંમરના એક વિચક્ષણ વિકલાંગ બાળક મોહસીન અંગે સરસ રજૂઅત કરી હતી.

શ્રી.પ્રશાંત મુન્શા,  શ્રી નુરૂદ્દીન દરેડિયા, શ્રી. મુકુંદ ગાંધી, ડો.રમેશ શાહ, શ્રી. વિનોદ પટેલ, ઇન્દુબેન શાહ જેવા અન્ય સભ્યોએ પણ કેટલીક રજૂઆતો કરી હતી. રાહુલ ધ્રુવ અને ગુજરાતી રેડિયોના સંચાલક શ્રી. દિલીપ કાનાબારે પણ હાસ્ય કેમ ઉદભવે છે એ અંગેની રમૂજી વાતો કરીને શ્રોતાઓને ખડખડાટ હસાવ્યા હતા. ભારતીબેન મજમુદારે પોતાની લાક્ષણિક શૈલીમાં હાસ્ય પીરસ્યું હતું. શ્રી. સુરેશ બક્ષીએ ખુબસુરત મુકતકો સંભળાવ્યા હતા.બે વક્તાઓની વચ્ચે વચ્ચે ઈનાબેન ખૂબીપૂર્વક, મજેદાર પ્રતિભાવો આપ્યે જતા હતા જેમાં તેમની  એક સરસ સૂકાની તરીકેની પ્રતિભા પ્રતિબિંબિત થતી હતી.

શ્રી. નવીન બેન્કરે, આપણા સારસ્વત શ્રી. રઘુવીર ચૌધરીને મળેલા , ભારતીય જ્ઞાનપીઠનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું એની વાત કરતાં, આ અગાઉ ગુજરાતી સાહિત્યકારો શ્રી. ઉમાશંકર જોશી, શ્રી. પન્નાલાલ પટેલ અને કવિ શ્રી. રાજેન્દ્ર શાહને પણ આ જ્ઞાનપીઠ પુરસ્કારો મળી ચૂક્યા છે એની અને રઘુવીરભાઇની નવલકથા ‘અમૃતા’ ના સર્જન અંગેની વાતો કરી હતી. શ્રી. બેન્કરે, પોતાને ગમતી એક કવિતા ‘મનની મુરાદો’ પણ રજૂ કરી હતી. ‘જેતલી અને જેઠાણી’ ની હાસ્યવાર્તા સંભળાવીને, શ્રોતાઓને હસાવ્યા હતા.

 શ્રીમતિ ભાવનાબેન દેસાઈએ, શ્રી.નીનુ મજમુદારના એક ગીત, ‘આજ અમારે હૈયે આનંદ આનંદ રે’ ખાસ સાહિત્ય સરિતા માટે પોતાની લાગણી વ્યક્ત કરતા, થોડાક ફેરફાર સહિત ગાઇ સંભળાવ્યું હતું. શ્રી. પ્રકાશ મજમુદારે, શેખાદમ આબુવાલાની એક રચના ‘ આદમથી શેખાદમ સુધી’ સુંદર, ભાવવાહી સ્વરે ગાઇ સંભળાવી હતી.

કાર્યક્રમનો એક શિરમોર પ્રસંગ તે, સાહિત્ય સરિતાના નેજા હેઠળ, ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના છેલ્લાં પંદર વર્ષના ઈતિહાસની ઝાંખી આપતા પુસ્તક્ની વહેંચણી. આ પુસ્તક કે જેમાં ત્રીસેક જેટલા લેખકો-કવિઓના પરિચય અને તેમના પ્રસિધ્ધ થયેલા પુસ્તકોની જાણકારી પણ છે; તે સંસ્થાના એક સાહિત્યરસિક અને ભક્તકવિ શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટે પોતાને ખર્ચે દરેક સર્જકને સપ્રેમ ભેટ આપ્યું હતું. નવા બોર્ડની પ્રથમ બેઠકનું આ એક સુંદર કાર્ય પ્રમુખ શ્રીમતિ ઈન્દુબેન શાહની આગેવાની હેઠળ થયું તે એક આનંદની વાત બની.

કાર્યક્રમના મધ્યભાગમાં, હ્યુસ્ટનની કવયિત્રી શ્રીમતિ દેવિકા ધુવે સ્વરચિત ગઝલ ‘સોનેરી એક સાંજની વાત લાવી છું,તારા મઢેલી રાતનું આકાશ લાવી છું” ખાસ યજમાન માટે સંભળાવ્યું હતું. સંપુર્ણતયા પરિપક્વ અને ભાવવાહી એવી આ મનહર રચના સૌ શ્રોતાઓની હ્ર્દયવીણાના તાર ઝણઝણાવી ગઈ.

 હ્યુસ્ટનના નાટ્યકલાવૃંદના પ્રમુખ અને નાટ્યદિગ્દર્શક તથા  સાહિત્ય સરિતાના હાલના સલાહકાર સભ્ય શ્રી. અશોક પટેલે પોતાની એક સ્વરચના ‘મંઝીલ સુધી જવાના સૌ રસ્તા મળી ગયા, જીંદગી જીવવાના સૌ બહાના મળી ગયા’ રજૂ કરી હતી.

કાર્યક્રમનું સંચાલન, ઇનાબેન પટેલે, દેવિકા ધ્રુવના સહયોગમાં સૂપેરે કર્યું હતું.  દરેક વક્તાની રજૂઆત પછી રચનાને અનુરૂપ મુક્તક કહીને,રજૂ થતી કૃતિને,વધુ અસરકારક બનાવી દેવાની તેમની આવડત,આજની બેઠકને રળિયામણી બનાવી રહી હતી.

 કાર્યક્રમની વ્યવસ્થામાં મદદરૂપ થવા બદલ શ્રીમતિ નીશાબેન અને હિતેષ દેસાઈનો તથા દિલીપ કાનાબાર અને તેમના ધર્મપત્નીનો ઇનાબેને આભાર માન્યો હતો. તો સાહિત્ય સરિતાએ ઈનાબેનનો પણ પ્રેમપૂર્વક આભાર માન્યો હતો. છેલ્લે સામૂહિક તસ્વીર લેવાયા બાદ હ્યુસ્ટનના સર્વશ્રેષ્ઠ ગુજરાતી  ભોજનાલય ‘મહારાજાભોગ’ ના ભોજનથાળનો રસાસ્વાદ માણીને સૌ સભ્યો છૂટા પડ્યા હતા.
૨૦૧૬ની આ પ્રથમ બેઠક વધુ સભ્યો અને રસપ્રદ વક્તાઓને કારણે તથા સુંદર આયોજનને કારણે સવિશેષ યાદગાર અને સફળ બની રહી.