એક સિક્કો-બે બાજુ -ગીતા ભટ્ટ અને સુભાષ ભટ્ટ

સિક્કાની બે બાજુ 
ચલ એક સિક્કાની બે બાજુ થઈએ,
તું કાટ અને હું તારી છાપ…બનીએ
ચાલ એક નવી શબ્દથી રમત રમીએ,
વાદ વિવાદ હુંસાતુંસીમાં નહીં લડીએ, 
આવ ભાવ વાચકનો મેળવી લઈએ, 
નહિ કોઈ  કોના પર ભારી થઈએ, 
ચાલ નવી દ્રષ્ટિ કેળવી લઇએ  
મિત્રો ગ્લાસ ભરેલો કે ખાલી આ સવાલ કોઈને પૂછશો તો બધાના જવાબ જુદા હશે.
હા આવી જ વાત લઈને ગીતાબેન અને સુભાષભાઈ તેમની લેખમાળામાં લઈને આવી રહ્યા છે.અહીં વાત છે દ્રષ્ટિ અને ‘પર્સ્પેક્ટિવ’ની. દરેક વ્યક્તિના પોતાના પ્રત્યેક વિષય પર અલગ વિચાર હોય છે  અને તેમ છતાં આપણે બીજાના વિચાર જાણવા ઉત્સુક પણ એટલા જ હોઈએ છીએ છે.બસ આજ ઉત્સુક્તાને પુરી કરવા નવી લેખમાળા લઈને આવી રહ્યા છે ગીતા ભટ્ટ અને સુભાષ ભટ્ટ “સિક્કાની બે બાજુ” મિત્રો હોંશેથી વધાવજો અને તમે પણ કોમેન્ટ થકી જોડાજો.

વિષય પ્રવેશ :

સિક્કો ગમે તેટલો પાતળો હોય પણ એને બીજી બાજુ હોવાની જ !
તમે ગમે તે એક વિષય,વાર્ત,પ્રસંગ કે પરિસ્થિતિ લો, હુ તેને આ રીતે મૂલવું ; અને તમે તેને કોઈ જુદી રીતે મૂલવો! હું અમુક દ્રષ્ટિથી જોઉ,તમે કોઈ જુદા જ દ્રષ્ટિકોણથી એને મૂલવો !
આ કોરોના સમયમાં ઘરમાં ને ઘરમાં રહીને પાંજરે પુરાયેલ પંખી જેવી હાલત થઇ છે એમ કહીને હું પરિસ્થિતિને દોષ દઉં; પણ જે લોકો સતત એક સ્થળેથી બીજે સ્થળે પ્લેનમાં જ ઉડાઉડ કરતા હતાં તેમનાં ઘરવાળાઓને આ સમય સુવર્ણકાળ જેવો મધુર લાગે ! હાશકારો થાય !
“ચાલો , છેવટે એમનાં ટાંટિયા ઘરમાં ટક્યા તો ખરા!” એ લોકો કહેશે.
“ વાહ ! કેવો સુંદર તડકો નીકળ્યો છે !” મેં આનંદ વિભોર થઇને સુંદર તડકો જોઇને કહ્યું।
પણ એણે કહ્યું;
“ જરા વાદળછાયું વાતાવરણ હોત તો બહાર ચાલવાની મઝા આવત ! આવા તડકામાં ચામડી બળી જાય અને સ્કિન કેન્સર થવાની શક્યતાઓ વધી જાય !”

હું અને એ ! અમે એક જ સિક્કાની બે બાજુઓ છીએ !
હેડ અને ટેઈલ ! એટલે કે એક બાજુ” માથું અને બીજી બાજુ પૂંછડી નહીં , પણ , “એક બાજુ” જ્યાં કોઈ માથું કે વ્યક્તિની મુદ્રા છે , અને “બીજી બાજુ” જ્યાં તે સિવાયનું બીજું કશુંક છે !
બન્નેનું મહત્વ છે , કારણકે એ બંને બાજુ છે એટલે જ તો સિક્કો બને છે !
નહીં તો એ જમીનમાં ખોડાયેલ એક પથ્થર જ કહેવાત ને ? એ સિક્કો છે, કારણકે એને બે બાજુઓ છે !
આ સંસાર છે , કારણકે એમાં પણ તુંડે તુંડે મતિઃ ભિન્ના છે ! આપણે મનુષ્ય છીએ , સ્વતંત્ર રીતે વિચારી શકીએ છીએ ! અને એટલે જ તો સંસાર ચાલે છે ! નહીં તો ગાયોના ધણની જેમ નીચી મુંડી કરીને ઘાંસ ચરતાં ન હોત ? અને સંસારમાં આ અમારું ઘર: અહીં હું અને એ!અમે બે !

આ આખું વર્ષ હું અને એ – ગીતા અને સુભાષ તમારી સમક્ષ દર અઠવાડિયે એક પ્રસંગ પરિસ્થિતિ કે વાત લઈને એના બન્ને પાસાની ચર્ચા કરીશું !
આમ જુઓ તો આ સૃષ્ટિમાં પૃથ્વી ,સૂર્ય , ચન્દ્ર અને તારા સૌ પોતપોતાના સ્થળે રહીને ગતિ કરી રહ્યા છે ; કારણ કે તેઓ પોતપોતાની રીતે એક બીજાને ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ ખેંચી રહ્યાં છે ; જો એ ખેંચાણ ઢીલું પડે તો ત્યાં બ્રહ્માંડમાં ખળભળાટ મચી જાય ! એજ રીતે સંસાર માં પણ એ head and tail હેડ અને ટેઇલના અસ્તિત્વને લીધે સઁસાર સિક્કો અસ્તિત્વમાં છે ! સફળ રાજકારણમાં જેમ શાશક પક્ષ અને વિરોધ પક્ષનું મહત્વ છે તેમ સંસારના સાફલ્યનો આધાર પણ આમ સિક્કાની બે બાજુ ઉપર જ અવલંબે છે ને ? પણ એને યુદ્ધભૂમિ ના સમજતાં , હોં ! અહીં બે પક્ષ છે : બે ભિન્ન વિચાર ધારાઓ પણ છે ; પણ એ તો ભેગાં મળીને એક શુદ્ધ વિચાર મોતી બને છે ! નિંભાડામાં તપ્યાં પછીનું એ વિચાર મોતી ! આખરે તો એ સૌ ભેળાં મળીને એક સુંદર સંસાર માળા ઘડે છે !

એક એક મણકો એટલે માળા નહીં , પણ એ બધા જ મણકા ભેગા થઈને દોરીમાં પરોવાય ત્યારે માળા બને ; એ જ રીતે એકાવન સિક્કા ભેગા થઈને એક માળા બનાવીશું ! તમારી શુભેચ્છાઓ સાથે !
શરૂઆત કરીશું , એક દિવસ અમે રામાયણની કથા સાંભળીને ઘેર આવી રહ્યાં હતાં ત્યાંથી ! તો મળીશું આવતે અઠવાડિયે ; શું થયું એ રામાયણ સાંભળ્યા બાદ : અમારાં રામાયણની વાતથી !

ગીતા ભટ્ટ અને સુભાષ ભટ્ટ 

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 14 : મેઘાણીનું અનુસર્જન

કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે
ઘેરી ઊંઘમાં પોઢેલ ભઈલાને કોણ જગાડે રે?
આવું કોઈ બાળગીત, હું મારાં બાળકોને ગાઈ સંભળાવતી – જે પંક્તિઓ અમને ભાંડરવાઓને બાળપણમાં અમારાં પેરેન્ટ્સ સવારે અમને ઊંઘમાંથી જગાડતી વખતે ગાતાં હતાં :કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
ઘેરી ઊંઘમાં પોઢેલી બેનીને કોણ જગાડે રે?આમાં પહેલી પંક્તિ ઝવેરચંદ મેઘાણીની છે અને બીજી પંક્તિ અમારાં કુટુંબનું ઉમેરણ! પણ વર્ષો બાદ, ગુજરાત યુનિવર્સીટીમાં અભ્યાસ વખતે સમજાયું કે, એ પ્રભાતિયાંના ઢાળનું, હાલરડાં જેવું ગીત મેઘાણીનું પણ અનુસર્જન છે. મૂળ કાવ્ય છે રવીન્દ્રનાથ ટાગોરનું : નિર્ઝરેર સ્વપ્નભંગ. એનું મેઘાણીએ કાવ્ય રૂપાંતર ‘જાગેલું ઝરણું’ કર્યું છે. અને એ કાવ્યની આ પ્રથમ પંક્તિ છે.

ઝવેરચંદ મેઘાણીનો કાવ્ય સંગ્રહ ‘રવીન્દ્રવીણા’ (૬૪ કાવ્યોનો સંગ્રહ) રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો અનુવાદ છે.
કેટલાંક વાચકમિત્રોની જીજ્ઞાશા છે અને સૂચન છે કે, ઝવેરચંદ મેઘાણીનાં અનુસર્જનનું રસ દર્શન કરાવવું જોઈએ. જોકે, આ એક અભ્યાસનો વિષય છે, થોડો ભારેખમ પણ ખરો. પણ વાચકોની માંગ છે તો એકાદ કાવ્યની ચર્ચા કરીશું.

મેઘાણી પોતે જ પ્રસ્તાવનામાં કહે છે :
‘આ કૃતિઓને તમે મેઘાણીની કહેશો? કે ટાગોરની? એમની પ્રતિભાને રજૂ કરતી ગુજરાતી રચનાઓમાં અનુવાદની કોઈ કચાશ કળાઈ જાય નહીં તેવી તકેદારી મેં રાખી છે, પણ તેથી ગેરલાભ એ છે કે, મૂળને મોટેભાગે પાછળ નાખી દઈને રચના થઈ છે.’ આમ, ઝ.મે. કાવ્યનું હાર્દ પકડીને એને પૂરા ગુજરાતી પોશાકમાં લઈ આવે છે. આમ જોવા જઈએ તો, આપણને (વાચક વર્ગને) રોટલા સાથે કામ છે કે ટપટપ સાથે? એક સ્વતંત્ર કૃતિ તરીકે એ તમને ગમે છેને? તો બસ, એ જ રીતે તેને આસ્વાદો!

આમ પણ, અનુવાદ કાર્ય માટે કહેવાયું છે કે, વરસાદ અને વહુની જેમ એમાં જશ ઓછો અને એને માટે સૌને કાંઈક સારું કે ઘસાતું બોલવાનું હોય જ! તો આ કાવ્ય વાચક મિત્રોને સ્વયમ્ અનુભવવા અને નક્કી કરવા રજૂ કરું છું. રવીન્દ્રનાથ ટાગોરનાં આ કાવ્યનું ગુજરાતીમાં ભાષાંતર મેઘાણી સિવાય પણ અન્ય કવિઓએ કર્યું છે, એટલે આ કાવ્યને સવિસ્તાર સમજવાથી ઝ.મે.ની અનુસર્જન કલાનો ખ્યાલ આવશે. જાણીતા વિદ્વાન વિવેચક અને આઠ જેટલી ભાષાના જાણનાર ભોળાભાઈ પટેલે લખ્યું છે કે, ખુદ ટાગોર પોતે પોતાની બંગાળી કૃતિઓનું અંગ્રેજી રૂપાંતર સિફતથી કરી શકયા નથી, ત્યારે મેઘાણીનાં મૂળ બંગાળીમાંથી થયેલાં અનુસર્જનો વિચારવાં જેવાં છે.
રવીન્દ્રનાથ ટાગોરનું ૨૧ વર્ષની ઉંમરે, ૧૮૮૨માં રચેલ ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ મનોરમ્ય કાવ્યત્વ સાથે એક વિચારબીજ લઈને આવે છે: પહાડની શિલાઓની અંધારી ગુફાઓમાં એકાએક સૂર્ય કિરણો પહોંચે છેઃ

‘નિર્ઝરેર સ્વપ્નભંગ’
આજિ એ પ્રભાતે રવિર કર કૈમને પશિલ પ્રાણેર’ પર,
કેમને પશિલ ગુહાર ઓંધારે પ્રભાત પાખિર ગાન,
ના જાનિ કેતરે ઍતદિન પરે જાગિયા ઉઠિલ પ્રાણ.
જાગિયા ઉઠિ છે પ્રાણ, ઓરે ઉદથલિ ઊઠે છે વારિ,
ઓરે પ્રાણેર વેદના પ્રાણેર આવેગ રુધિયા રાખિતે નારિ,
થર થર કરિ કાંપિ છે ભૂધર શિલા રાશિ રાશિ પડિ છે ખસે,
ફુલિયા ફુલિયા ફેનિલ સલિલ ગર્જિ ઊઠે છે દારુણ રોષે ……

એક પછી એક વેગે વહેતી પંક્તિઓ આપણી સમક્ષ કુદરતનું એ રમ્ય દ્રશ્ય આક્રોશમાં સરી પડતું દેખાય છે. ઉમાશંકર જોશીએ પણ આ કાવ્યનો ગદ્યાનુવાદ કર્યો છે. આ રહ્યો ઉમાશંકર જોશીનો તેમનાં ‘એકોત્તરશતી’માંનો અનુવાદ:

‘આજે આ પ્રભાતે રવિનાં કિરણોએ કઈ રીતે પ્રાણમાં પ્રવેશ કર્યો? કઈ પેરે પ્રભાત પંખીઓનાં ગાને ગુફાના અંધારામાં પ્રવેશ કર્યો? મને ખબર નથી શા માટે આટલા દિવસે પ્રાણ જાગી ઊઠ્યો. પ્રાણના આવેગને હું રૂંધી રાખી શકતો નથી. ઢગલે ઢગલાં શિલાઓ ખસી પડે છે. ફીણવાળું પાણી ઊછળતાં ઊછળતાં દારુણ રોષથી ગરજી ઊઠે છે.’
પણ, મેઘાણીનું જાગેલું ઝરણું મૂળ વિષયથી શરૂ થાય છે. એની રજુઆત તદ્દન જુદી છે.
એક તો એનો ઢાળ પ્રભાતિયાં જેવો. અમારાં કુટુંબમાં અમે બાળકોને સુવડાવવાં અને જગાડવાં પણ ગાઈએ, તેવો લોકગમ્ય, લોકભોગ્ય! તો માણો મેઘાણીનું : જાગેલું ઝરણું!

કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
જુગ-જુગોની નિંદ થકી મારા પ્રાણને કોણ જગાડે રે!
ગોમ-ગુફાની ગોળમાંથી મારાં નેણને કોણ જગાડે રે!
આંહી ક્યાંથી પરભાતનું કિરણ પેઠું ઘોર અંધારે રે!
પંખી કેરું ગીત ત્યાંથી શરણાઈ લલકારે રે.
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
થીજેલ મારાં પ્રાણમાં જળની ઝાલક કોણ ઉડાડે રે?
ફૂટ્યાં ક્યાંથી રંગ ફુવારા ધધખ ધધખ ધારે રે?
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
ધરણી કેરાં પડ ધ્રૂજે ને ફાટ પડી પ્હાડે પ્હાડે રે!
ભેખડ કેમ ભેદાઈ રહી છે આજ મારી ચોધારે રે?
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?

ફીણવાળાં મારાં નીર ઘોડીલાં આકુળ થઈ ખોખરે રે!
ઘૂમરી ખાતાં રોષમાં તાતા પાગલ પગ પછાડે રે.
ને મેઘાણીનું પોતાનું ઉમેરણ :
કેમ કરી આજે જાગિયો આતમ, પુરાયેલ પાતાળે રે!
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?

મૂળ કાવ્યમાં પાતાળની કલ્પના છે જ નહીં
પછી મેઘાણી કોઈ સાચા ગુરુને શોધે છે. એક સોરઠી ભજન જેવું એ બની જાય છે અને મૂળ કૃતિનો ભાવ પણ અહીં બદલાઈ જાય છે!
સહસા ભાવથી ઝરણું જાગી ઊઠે છે. તે વિસ્મય પામે છે વગેરે વગેરે ત્વરિત વેગ મેઘાણીનાં આ કાવ્યમાં નથી. એને બદલે એ ફરી ફરીને એ પંક્તિનું પુનરાવર્તન કરે છે. એક કાવ્ય જાણે કે સુંદર ભજન કે ગીત બનીને નવાં સ્વરૂપે ગુજરાતી સાહિત્યમાં આકાર લે છે! નાનકડું કાવ્ય દીર્ઘ ગીત બની જાય છે! અને છતાં, ક્યાંયે કોઈને અણસાર સુધ્ધાં ના આવે કે આ અનુવાદિત રચના છે!

શ્રી ભોળાભાઈ પટેલે મેઘાણીના આ અનુસર્જનનું શબ્દ સહ વિશ્લેષણ કર્યું છે; ‘પણ, ઝવેરચંદ મેઘાણીનાં વ્યક્તિત્વની અહીં પહેચાણ થાય છે. એમની અનુવાદ માટેની માન્યતાઓ તેમની પોતાની જ – સેલ્ફજશટિફિકેશનની – છે તે આપણે જોઈ શકીએ છીએ. એ પોતે જ કહે છે કે, અસલ કૃતિને હ્ર્દયમાં એકાકાર કરી લીધાં પછી નવેસરથી નિપજાવેલ કૃતિઓ છે! એમનાં ઘણાં કાવ્યો આમ રૂપાંતરો જ છે.’

સુરેશ દલાલ મેઘાણીની આ વિશિષ્ટ શૈલી માટે કહે છે તેમ, ‘રવીન્દ્રનાથની વીણામાંથી મેઘાણી અહીં એકતારાનું સંગીત રજૂ કરે છે!’

અને ઉમાશંકર જોશી કહે છે તેમ, ‘ઢાકાની મલમલ અહીં સોરઠી લોબડી બનીને આવી છે!’ લોબડી શબ્દનો સ્પષ્ટ અર્થ જાણી લઈએ. કાઠિયાવાડમાં એક શબ્દ છે પાણકોરું. કણબીઓનો પહેરવેશ છે જે પાણકોરામાંથી બનાવેલ હોય. સામાન્ય રીતે પીળાશ પડતું, ઓફ-વ્હાઇટ કલરનું આ જાડું કપડું બધાં મેલ, પરસેવો વગેરે લઈ લે. મહિને એકવાર માંડ પૂનમે ન્હાતો કણબી આ જાડાં કપડામાં હોય. કાપડાંને પાણાં પર પછાડી પછાડીને બનાવાય તે આ પાણકોરું! ને તેનું લૂગડું એટલે લોબડી. કેવો સુંદર ગંભીર અર્થ!

ઝવેરચંદ મેઘાણીને જે રીતે આપણે જાણીએ છીએ તે જોતાં એમ જ લાગેને કે રાષ્ટ્રીય કવિ એટલે તો કહેવાયા કારણ કે નાજુક મલમલ આપનારાં તો અનેક વિદ્વાન પંડિતો હતાં જ પણ આવું સુંદર પાણકોરું આપનાર કેટલાં? મેઘાણીએ ઘણાં સુંદર અનુસર્જનો કર્યાં છે તેમાં મારું પ્રિય ‘સૂના સમદરની વાટે રે’ની વાત આવતે અંકે!

હાં રે દોસ્તત હાલો અમારે દેશ-3) આપણું ઝવેરાત : ઝવેરચંદ !

આપણું ઝવેરાત : ઝવેરચંદ !
જાગરણની એ રાત્રીએ ગરબાની રમઝટ જામી હતી ; “ રાધાજીનાં ઉંચા મંદિર નીચાં મો’લઝરૂખડે દિવા બળે રે લોલ !” એક પછી એક ‘ ઘરવાળાના’ નામ અને એની ગોરાંદેને ગીતમાં ગાઈને મજાક મશ્કરી ચાલતી હતી ! અહીં ક્યાં કોઈ પુરુષ વર્ગ હતો ?કોણે રચ્યાં હતાં આટલાં સુંદર લયબદ્ધ , તાલબદ્ધ સરળ ગીતો ? સુજ્ઞ શિક્ષિત સમાજ સમક્ષ ઝવેરચંદ મેઘાણીએ સૌ પ્રથમ વાર મોટી સંખ્યામાં આવાં લોકગીતોના સંગ્રહ સંપાદન કર્યાં!
પણ શું તેથી જ આપણે એમને યાદ કરીએ છીએ ?
એક વાચક મિત્રનો પ્રશ્ન હતો કે જે સવાસો વર્ષ પહેલાં જન્મ્યા અને માત્ર પચાસેક વર્ષનું જ આયુષ્ય ભોગવવા પામ્યા , એમના સાહિત્ય પ્રદાન વિષે આજે એકવીસમી સદીમાં લખવાનું ?
કેમ ? શા માટે ?
શું હતું એમનું એવું તે વિશિષ્ટ પ્રદાન ?
તો એ પ્રશ્નના જવાબ માટે આપણે એમના જીવન માર્ગ પર અસર કરતાં પરિબળો ઉપર નજર નાંખીએ….
એ યુગમાં ( સાહિત્યની ભાષામાં એ સમય ગાળાને ગાંધી યુગ કહેવા છે ) તો ગાંધીયુગનાં સાહિત્યકારોમાં જે સંજોગો અને પરિસ્થિતિમાંથી મેઘાણી પસાર થયા તેવાં સંજોગો સ્થિતિ જવલ્લેજ કોઈ અન્યનાં જીવનમાં આવી .. એમનું મૂળ વતન તો સૌરાષ્ટ્રનું બગસરા , પણ એમના પિતાની સરકારી નોકરીને કારણે એમનો જન્મ ચોટીલામાં . ઓગસ્ટ ,૧૮૯૭ . પણ એમનું પ્રાથમિક શિક્ષણ રાજકોટ જેવા શહેર ઉપરાંત નાનાં નાનાં ગામડાંઓ દાઢા અને પાળિયાદમાં! વળી પાછું માધ્યમિક શિક્ષણ મૂળ વતન બગસરા અને અમરેલીમાં ! અને કોલેજ કરી ભાવનગર અને જૂનાગઢની કોલેજોમાં !
છે ને કાંઈક અસામાન્ય ?
લાગે છે ને આ છોકરો કાંઈક અસામાન્ય કરી બતાવશે ?
આ બધાં રખડપાટને કારણે એમના અનુભવોનો ખજાનો વધી ગયો !
વળી કોલેજમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે B. A. બી એ કર્યું હોવાથી શિષ્ટ સાહિત્યની પરિભાષાનું જ્ઞાન પણ ખરું !
પછી આવ્યું યૌવન દ્વાર ! એમની ઈચ્છા હતી કે પોતે કોઈ શાળાની નોકરી લઇ ને વતનમાં સ્થિર થઇ ને રહે . વળી પોલિશ ખાતામાં રાજ્યની નોકરીની દોડ ધામમાંથી પિતાને મુક્ત કરીને મા બાપ ને પોતાની પાસે બોલાવીને સૌ સાથે ઠરીઠામ થઇને રહે !
પણ ભગવાને એમના માટે કાંઈક જુદું જ ધાર્યું હતું !
હજુ નોકરીની શરૂઆત કરે તે પહેલાં કલકત્તામાં રહેતા મોટાભાઈની તબિયત બગડતાં એમને ભાઈ પાસે જવાનું થયું . ભાઈ તો સાજો થઇ ગયો પણ નાનકડા ભાઈ ઝવેરને, ત્યાં , કલકત્તામાં જ નોકરીએ લગાડી દીધો !એટલે કે જીવનની કારકિર્દીની શરૂઆત એક એલ્યુમિનિયમ કંપનીથી થયો ! એના મલિક મૂળ કાઠિયાવાડના , ને ઝવેરચંદ એમને ગમી ગયો .. નસીબ પણ એવું જોરદાર કે યુરોપની બિઝનેસ મિટિંગમાં છેલ્લી ઘડીએ મુનીમજી ન આવી શક્યા એટલે માલિક જીવણલાલ,ઝવેરચંદ મેઘાણીને પોતાની સાથે લઇ ગયા ! ત્યાં ચાર મહિનામાં મેઘાણીએ ઘણું જોયું, ઘણું સમજ્યા દુનિયા કેવી વિશાલ છે તેનો ખ્યાલ આવ્યો !
આપણે આજે ‘ગુગલ યુગ’માં જીવીએ છીએ ! ગુગલ એટલે જ્ઞાનનું સર્ચ એંજીન! જે જાણવું હોય તે એમાંથી મળે ! પણ આજથી સો વર્ષ પહેલાં તો કહેવાતું, પૂછતાં નર પંડિત થાય ! ઘણું બધું જ્ઞાન પગપાળા ચાલીને જ મેળવવું પડતું ! એ સમયે , મેઘાણીને જીવન પથ પરની રઝળપાટને લીધે ફરજીયાત રખડપટ્ટી કરવાનું આવ્યું ! એમનાં પિતાને મળવા માટે ગામડાઓ,ખેતરો,જંગલ ખીણ અને પહાડો વીંધતા, ક્યારેકપગપાળા,ક્યારેક ઘોડા ઉપર ઝવેરચં મેઘાણી ખુબ રખડ્યા છે ! જયારે સમય આવ્યો ત્યારે એમણે આ રખડપટ્ટી યાદ કરી છે અને ગામેગામ, ખોરડે ખોરડે બગલથેલો લઈને એ લોકસાહિત્યની ખોજ કરી છે ! વરસાદની અંધારી રાતે એ ક્યાંક જંગલમાં કે ડુંગરો વચ્ચે અટવાઈ ગયા હોય અને કોઈ આદિવાસીને નેસડે ઉતારો લીધો હોય ને એમની રહેણી કરની જાતે અનુભવી હોય અને એક સંસ્કૃત સમાજથી કાંઈક જુદી જ સંસ્કૃતિનો અનુભવ કર્યો હોય …. એ બધ્ધું જ એમનાં સ્મૃતિપટ પર અંકિત થઇ ગયું હતું ! એ ઘણું બધું અનુભવેલું હતું !
પચ્ચીસ વર્ષની ઉંમરનો એ નવયુવાન કલકત્તાની ઉંચી પદવીની નોકરી છોડીને પાછો વતન પધારે છે ! એમનો મિત્ર ઉપર આ નિર્ણયનો લખેલો પત્ર ‘હું આવું છું ‘ જેમાં મારે પાછાં ફરવાનો સમય થઇ ગયો છે એમ જણાવે છે .તે વિષે ભવિષ્યમાં ક્યારેક વાત કરીશું ! હમણાં આપણે એમની જીવન નૌકાની સફર આગળ વધારીએ ..ફરી પાછા ભગવાન એમની મદદે આવ્યા !
રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર ‘ સાપ્તાહિક માટે સારા સંચાલકની જરૂર હતી , અને મેઘાણી એ માટે યોગ્ય ઉમેદવાર લાગતાં તરત જ એમને તંત્રી ખાતામાં રાખી લીધા! અને આ સ્થાન તે એમનાં ભાવિ વિકાસનું પ્રથમ સોપાન  બન્યું !
તેમણે સાપ્તાહિક માટે દર અઠવાડીએ નિયમિત લખવા માંડ્યું ! પોતાના જીવનમાંથી જડેલા,જોયેલા, અનુભવેલા પ્રસંગો !જો કે, લોકસાહિત્ય સંશોધન કરનારા એ પ્રથમ વ્યક્તિ નહોતા,બલ્કે એમની પહેલાં અમુક લોકસાહિત્ય ભેગું કરનાર નામી અનામી કેટલાક સાહિત્યકારો હતાં ખરા, પણ એમનાં જેટલું માતબર કામ કોઈએ કર્યું નહોતું !
ફરી પાછી, અમારાં જામનગરના એ મોહલ્લાની વાત પર આવું ! એ મધરાતે અમારાં વૃંદમાંથી અચાનક બે આધેડ વયની બહેન ગાયબ થઇ ગઈ હતી તે અચાનક કોટ , પાટલુન અને માથે હેટ પહેરીને પ્રગટી!! પછી બન્ને જણે પારસી શૈલીમાં ‘ એવન ટેવન’ અને અંગ્રેજી ગોટ પીટ ચાલુ કર્યું ..આનંદ મજાક અને હસી ખુશી સાથે અમારું જાગરણ પૂરું થયું ..પણ મિત્રો અહી એક વાતનો ખાસ નિર્દેશ કરીશ કે, ઝવેરચંદ મેઘાણીએ આ જાતનાં લોકસાહિત્ય અને શુદ્ધ લોક્સાહિત્યનાં તફાવત દર્શાવ્યા છે . પેલી જાગરણની રાતે અમે ઉભો કરેલ માહોલ જાણે કે લોકસાહિત્યનું પ્રતિબિંબ લાગે, પણ વાસ્તવમાં એમાં મોટો તફાવત હતો,જયંત કોઠારીએ “રેલ્યો કસુંબીનો રંગ” માટે લખેલ “ મેઘાણીનું લોકસાહિત્યવિવેચન’ માં લખ્યું છે એ મુજબ :
ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય વિશેની સમજ આપી એટલું જ નહીં, લોક્સાહિત્યનાં સર્વ પ્રકારો વિષે વિગતે વિચાર કર્યો છે. એના પ્રકારો અને પેટ પ્રકારોની સમાન અને વ્યાવર્તક રેખાઓ પકડી છે ..જયારે મેઘાણી કહે છે કે ;”એમને તો પ્રેમાનંદના આખ્યાનો અને શામળની ગરબીઓ પણ લોક હૈયે રમે છે, એ લોકભોગ્ય જરૂર ગણાય, પણ લોકસાહિત્યમાં એની ગણના ના થાય. શુદ્ધ લોકસાહિત્ય એમાં પોતાપણું હોય, કેવળ કરામત નહીં જીવનને વફાદાર તત્ત્વ પણ હોય” .. પ્રેમાનંદ – શામળની કથાઓમાં ઇષ્ટ સ્મરણ, નગર વર્ણન વગેરે વગેરે વિસ્તાર પૂર્વક આવે, જયારે લોક કથા ઘટનાના પ્રવાહની મઝદારમાં ઝુકાવે !
મિત્રો ,’ હાલો અમારે દેશ’માં સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અને મેઘાણી એમની સાથે કામ કરતી અનેક વ્યક્તિ વિષે ખુબ ખુબ રસપ્રદ વાતો કરવી છે. હું એવું માનું છું કે તેઓ એક વ્યક્તિ નહોતા, પણ એક ક્યારેક જ બનતી અનન્ય ઘટના હતા!
ઉમાશંકર જોશીએ એમને કૃષણની બંસીની સેવા કરતા નવાજ્યા છે.“ મેઘાણી એટલે સાક્ષાત સૌરાષ્ટ્ર . .. એ ભૂમિનું બધું મેઘાણીના વાણી સ્પર્શથી સજીવન થઈને ગુજરાતી ભાષામાં અમરપદ પામ્યું !”
પણ એ પહેલાં તપાસીએ એમનાં જીવનને સ્પર્શતા પ્રસંગો ! ઝવેરચંદ મેઘાણીના જીવનમાં જીવનની શરૂઆતે એક બીજી પણ મહત્વની ઘટના બની જેની તેમના સમગ્ર જીવન ઉપર અને સાહિત્ય જીવન પર વિશિષ્ટ અસર પડી ; અને એ હતું એમનું પ્રથમ લગ્ન ..તો આવતે અંકે પ્રથમ પત્નીનું અગ્નિ સ્નાન અને બીજું લગ્ન.અને સ્ત્રી સંવેદનો વિષયમાં સાહિત્ય પ્રદાન વિષે જોઈશું ..

 

 

નવી કોલમ -“હાં રે દોસ્ત હાલો અમારે દેશ”-ગીતા ભટ્ટ

પ્રિય વાચક મિત્રો,
આપ સર્વેનું ‘બેઠક’માં સ્વાગત છે.મગળવારે શરૂ થતી ગીતાબેનની નવી કોલમ “હાં રે દોસ્ત હાલો અમારે દેશ”ની વાત કરવી છે.દેશમાં હોય કે પરદેશમાં આપણે સૌ આપણા મૂળ સાથે જોડાયેલા જ હોય છે.હા આજ વાત લઈને ગીતાબેન આવ્યા છે. ઝવેરચંદ મેઘાણી અને આપણું લોક સાહિત્ય એની વાતો ગીતાબેન આ કોલમમાં કરશે.મને દરેક કોલમમાં પત્ર જેવું વ્હાલ આવે છે.પત્રની રાહ જોયા પછી ખોલ્યાનો આનંદ હું કોલમમાં અનુભવું છું.
બ્લોગ પર સતત કોલમ લખવી એ લેખકો અને સૌ માટે ગૌરવપ્રદ વાત છે .પ્રજ્ઞાબેને કહ્યું છે માટે આજે તો કોલમ લખવી પડશે એવું કહેનારા ગીતાબેને ‘શબ્દોનાસર્જન” પર બે ખુબ ગમતી “આવું કેમ ?”અને ‘વાત્સલ્યની વેલી’કોલમ લખી, આપણી વાંચનની ઉસ્તુકતા ને સંતોષી છે,તો ક્યારેક “આવું કેમ?” પ્રશ્ન પૂછીને આપણને વિચાર કરતા કર્યા.તમે સૌએ એમની કોલેમને પ્રતિભાવ આપી નવાજી છે.ગીતાબેનની “વાત્સલ્યની વેલી’ કોલમ આપણને ઘણી વાસ્તવિક અને હૃદયસ્પર્શી લાગી અને કારણ બાલ સંભાળ,બાલ ઉછેર અને બાલ શિક્ષણમાં ગીતાબેન આગવી પ્રતિભા ધરાવે છે જેને માટે એમને નવાજવામાં પણ આવ્યા છે.
      એ સિવાય એમનાં નોંધનીય પ્રકાશનોમાં “ અમેરિકાથી અમદાવાદ” કાવ્ય સંગ્રહ ( ગુર્જર ) અને “દીકરી થકી ઘર આબાદ” “હાલરડાં અને બાલ ગીતો” નવા કાવ્ય વસ્તુ અને દીકરીઓને આત્મવિશ્વાષ વધારવાના હેતુથી લખાયેલા હોઈ સાહિત્યમાં અનેરી ભાત પાડે છે.
ગીતાબેને ખુબ લખ્યું છે સમ્પાદન કર્યું છે.ક્યાંક ક્યારેક વાંચેલું ..સાંભળેલું કે જોયેલું લખે છે છતાં પણ આપણા મનમાં એમના શબ્દો રમખાણ, રમમાણ મચાવી શકે છે.આ એમની કલમની તાકાત છે.ગીતાબેન દુર રહે છે પણ અમે મળીએ ત્યારે ખુબ વાતો કરીએ છીએ એકબીજા પાસેથી ઘણું નવું શીખીએ છીએ આ નવી કોલમમાં પણ ઝવેરચંદ મેઘાણી સાથે ગીતાબેન તેના સ્વાનુભવ પણ કહેશે.મને ગીતાબેનની એક વાત અહી ખાસ કહેવી છે કે સહજપણે પોતાના અનુભવોની ગઠરિયાં પુરેપુરા સંયમથી ખોલે છે કશું છુપાવ્યા વગર જે બન્યું છે તે જ લખે છે,મારે ક્યાં કહેવાની જરૂર છે? કે તમને ગમશે જ! પણ હા લેખક માટે વાચક એમનું બળ હોય છે માટે વધાવજો જરૂર !

     ‘બેઠક’ એક લખાવનું માધ્યમ આપે છે એ ખરું! પણ સાથે લેખકની પોતાની નિષ્ઠા પણ અનિવાર્યતા છે, ગીતાબેન નિયમિત લખવા માટે ‘બેઠક’ તમારો આભાર માને છે. પરદેશમાં ગુજરાતી સાહિત્ય પીરસી ભાષાને જે રીતે ગતિમય રાખો છો તેનું મને પણ ગૌરવ છે.તમારી સાહિત્યની સફરમાં મિત્ર બનવાનો આનંદ મને પણ અનેરો છે. 

પ્રજ્ઞા દાદ્ભાવાળા

bethak-8

વાત્સલ્યની વેલી ૫૧) આનંદી બાળક ઉછેરવાની રીત !

આનંદી બાળક ઉછેરવાની રીત !!
રસોઈની કોઈ વાનગી બનાવવાની હોય કે કોઈ વોશિંગ મશીન વાપરવાનું હોય, કે કોઈ ગાડી ચલાવવાની હોય,કે કમ્પ્યુટર કે નવો સ્માર્ટ ફોન હોય, તો તેને વાપરવાની – કે ચલાવવાની રીત આપી હોય; પણ બાળક જન્મે છે ત્યારે સાથે ઉછેરવાની રીત ની પુસ્તિકા લઈને જન્મતો નથી !
પણ એવાં નાના નાના સેંકડો બાળકોને ઉછેરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે! આખ્ખી જિંદગી બસ આ જ કામ કરવાથી આ પ્રશ્ન સતત મારાં મગજમાં રમ્યા કરતો !બાળકોને કેવી રીતે ઉછેરવાથી તેઓ ભવિષ્યનાં સારાં નાગરિક બને? અનેઆ પ્રશ્ન કાંઈ મને જ થયો છે એવું નથી ; મારી જેમ અનેક બાળ માનસશાસ્ત્રીઓ અને આ ક્ષેત્રના તજજ્ઞોએ પણ આ વિષયમાં ખુબ વિચાર્યું છે !
દરેક મા બાપ પોતાના સંતાનને પ્રેમ કરે જ છે. એ જીવનમાં ખુબ સુખી થાય એવી સૌ મા બાપની અંતરની ઈચ્છા હોય છે.કોઈ મા બાપ એવું ના ઈચ્છે કે રસ્તે રઝળતો દારૂ અને ડ્રગના નશામાં રખડતો કે સમાજથી તરછોડાયેલો એકાકી જીવન ગુજારતો દુઃખી કે પછી મોટા મહેલોમાં નશામાં ચકચૂર એકાકી ,દુઃખી જીવન ગુજારતો નાગરિક ના બને ?
પરંતુ આવું કેમ બને છે? એવું પણ કાંઈભય સ્થાન છે કે જેને બાળકના ઉછેર સમયે , નાનપણમાં જ થોડું ધ્યાન આપીને બદલી શકાય ? બાળક નાનપણથી જ જો હેપ્પી આનંદી વાતાવરણમાં ઉછરે તો આગળ જતાં એ એક સારો નાગરિક બની શકે !
દુનિયામાં સૌથી વધુ હેપ્પી લોકો ક્યાં વસે છે એ જાણવા દુનિયાની યુનાઇટેડ નેશન સંસ્થા લગભગ ૧૫૫ જેટલા દેશોંનનો સર્વે કરે છે; કેમ અમુક દેશનાં લોકો વધારે સુખી છે? એ લોકો શું કરે છે જે બીજા દેશ નથી કરતાં ?
પણ એમણે જે નોંધ્યું હજ્જારો ડોલર અને સેંકડો કલાકોની મહેનત બાદ , તે મને તાજેતરમાં યોજાયેલા એક વડીલમિત્રની જન્મદિવસ પાર્ટીમાંથી અનાયાસે જ જણવા મળ્યું !!
એમની તેર વર્ષની પૌત્રીએ દાદીબાની એંસીમી વર્ષગાંઠ પર બોલતાં કહ્યું કે અમારાં ઘરમાં બધાં ડોક્ટર છે. દાદા ડોક્ટર , કાકા -કાકી ડોક્ટર, ફુઆ અને એનાં મમ્મી પપ્પા ડોક્ટર , અને હવે કઝીન ભાઈ બેનો પણ ડોક્ટર કે એન્જીનીયર બની રહ્યાં છે.. ત્યારે એણે કહ્યું “ હું કઈ લાઈન લઉં? અમારાં કુટુંબમાં બધાની કાંઈક ને કાંઈક સ્પેશિયલટી છે, બધાં પાસે ખુબ પૈસા પણ છે,પણ – પણ , શું પૈસા સાથે હેપીનેસ આવે છે? “ એણે પૂછ્યું !
અમેરિકામાં પૈસાની કમી નથી. પૈસા સાથે સગવડ મળે છે, પણ ડ્રગ્સ અને દારૂ પીતાં જુવાનિયાઓ શરૂઆતમાં તો એ પૈસાના જોરે જ તો આવી કુટેવોની લતે ચઢેલાં ને ?
દુનિયાનાં સૌથી વધુ આનંદી બાળકોમાં જે છેલ્લા સાત વર્ષથી પ્રથમ આવે છે તે દેશ ડેન્માર્કની બાલ ઉછેર પદ્ધતિનો સૌ નિષ્ણાંતોએ અભ્યાસ કર્યો ! ત્યાંની શાળાઓમાં નાનપણથી જ એક “હગી” નામનો વિષય શીખવાડવામાં આવે છે, જેનો અર્થ “ વાદળાંની રૂપેરી કોર !” એવો કાંઈક થાય છે. એ વિષયમાં બાળકોને ક્લાસમાં કોઈએ કોઈને માટે એ પ્રકારનું માનવતાવાદી કાર્ય કર્યું હોય તે વિષે ચર્ચા કરવામાં આવે છે! નાનપણથી જ માનવતાવાદનું શિક્ષણ !
હા , અમેરિકામાં કાંઈક અંશે ડે કેર સેન્ટરથી માંડીને કોલેજ કક્ષાએ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, પણ એક વિષય તરીકે શીખવાડવામાં આવતું નથી. ઘર વગરનાઓને તહેવારો ઉપર રોટી કપડાં પહોચાડવાં, ઘરડા ઘરમાં ભોજન -ભજન કરાવવા જવું , અનાથાશ્રમમાં આર્થિક મદદ આ બધું માનવતાવાદી કામ જ કહેવાય .
એમ તો આપણે ત્યાં , આપણેય દિવાળી , હોળી , ઉતરાયણ ઉપર દાન ધરમ કરીએ જ છીએ ને? પણ એમાં તો સ્વર્ગ મેળવવાની લાલચ છે! અને નાના બાળકને એમાં શું સમજ પડે ? ગરીબને પૈસો- એટલે કે ભીખ આપવી, એ “ હગી” નામના વિષયમાં શીખવાડતાં નથી! દયાનો ગુણ એ સારી વાત છે, પણ લાગણી હોવી અને એ વ્યક્તિ સાથે તાદાત્મ્ય સાધવું એ બન્ને મહત્વનાં છે! ભીખનો પૈસો પેલી ગરીબ વ્યક્તિ માટે લાગણી દર્શાવે છે, પણ એમાં તાદાત્મ્ય નથી હોતું ! . અંગ્રેજીમાં આ લાગણીઓ માટે બે શબ્દ છે: સિમ્પથી અને એમ્પથી! આપણી ભાષાનો શબ્દ કોષ આ બંને શબ્દનો અર્થ એક જ બતાવે છે: દયા, લાગણી!
રસ્તે જતાં કોઈ બાળકને ઠોકર વાગે અને એ પડી જાય એટલે આપણે બોલી ઉઠીયે : “અરે અરે- જુઓ ત્યાં પેલું છોકરું બિચારું પડી ગયું !” આ લાગણી તેને સિમ્પથી સહાનુભૂતિ દર્શાવી કહેવાય! પણ બાળક પાસે દોડી જઈને એને વ્હાલથી ઉંચકીને પ્રેમ અને હૂંફનો અહેસાસ કરાવવો એ સહાનુભૂતિને એમ્પથી કહેવાય!
મેં માતૃભૂમિ ભારતની મારી એક મુલાકત દરમ્યાન જોયું હતું : સવારના સમયે એક તેડાગર બહેન ફૂટપાથ પર ચાલતાં ચાલતાં પાંચ છ બાળકોને બાલમંદિર લઇ જઈ રહ્યાં હતાં. એક બાળક ચાલતું હતું ને ફૂટપાથ પરથી ગબડી પડ્યું ! અને બહેને એને એક ધોલ મારતાં સંભળાવ્યું; “ આંધળો છે? આ રસ્તો દેખાતો નથી?”
બાળકોના ઉછેરમાં ઘણાં પરિબળો કામ કરે છે!અહીં પેલી ભાડુતી બહેન બાળકનાં કુમળા મનને જરૂર હાનિ પહોંચાડતી હતી , પણ એ સગી મા નહોતી ! એટલે બાળક આવા સહાનુભૂતિ વિનાના પ્રસંગોથી ઘડાય અને ભવિષ્યના વાવાઝોડાઓ માટે તૈયાર થાય; પણ, હા, મા બાપ પણ જો આવું જ વર્તન કરે તો બાળકનું ભાવિ કાંઈક જુદું જ ઘડાય! બાળકનાં ઉછેરમાં બેમાંથી એક જન્મદાતા સમજુ હોય તો પણ બાળક આનંદી હોઈ શકે છે, પણ સાથે અન્ય એક વ્યક્તિનો સાથ સહકાર હૂંફ પણ જરૂરી છે!
વર્ષો સુધી ઘણી મથામણ કરીને આનંદી બાળક ઉછેરવાનું એક ગીત મેં તૈયાર કર્યું!! અમે ઘણી વાર પેરેન્ટ્સ સાથેના સેલિબ્રેશનમાં આ ગીત ગાઈએ પણ ખરાં!
“ અમેરિકાથી અમદાવાદ” મારાં કાવ્યસંગ્રહમાં મેં અમુક અંગ્રેજી કાવ્ય ગીતો પણ મુક્યાં છે. આ લેખમાળાનાં ૫૧ એકાવનમાં ચરણમાં સૌને ઉપયોગી એ કાવ્ય રજૂ કરું છું ! પુસ્તકના વિમોચન વેળાએ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની પ્રસંશાને પાત્ર આ રહ્યું એ કાવ્ય:
One wise parent , and an adult who cares,
Add a little luck and the happy child you get!
Happiness is feeling, happiness means care;
She feels much secure when she knows that you care!
Routines and consistency are the young children’s affairs;
Same time, the same place – eat, play and relax!
Develop some customs- rituals for a special day,
Sweet memories of those days, will take them all the way!
Involve the whole family in the decision making affairs;
Small , big, sick or old – would love to be counted!
Put aside your differences even only for a while,
And in your old age, you’ll find out you were right!
Childhood comes only once in a life ,
Give children your very best ,that
They cherish rest of their lives!
Thats how you raise a happy happy child!!

વાત્સલ્યની વેલી ૪૭) બાળકો આપણાં દાવ પેચનું પ્યાદું !

રિચર્ડ અને લૉરાની વાત!
મા બાપ બનવું એટલે શું ?” કોઈને પૂછ્યું; એટલે એમણે ખુબ વિચારીને કહ્યું ; “ જ્યારથી મા ( કે બાપ ) બન્યાં છીએ ત્યારથી જાણેકે મારુ હૈયું શરીરમાંથી નીકળીને હવે સતત એની પાછળ દોડતું હોય તેમ લાગે છે! સુતાં, ઉઠતાં , બેસતાં, ચાલતાં બસ સતત નાનકડા પેલા બાળકની પાછળ ભમતું હોય છે !!”
ગઈકાલ સુધી નિશ્ચિંન્ત થઈને ફરતાં યુવાનયુવતી પેરેન્ટ્સ બનતાં હવે જવાબદાર બની જાય છેજેવાં મા બાપ બને કે અચાનક , તરત એમનું જીવન કેન્દ્ર બાળક બની જાય છે !
ઘણી વખત અમારાં બાલમંદિરમાં મેં જાતની લાગણીઓ વ્યક્ત કરતાં પેરેન્ટ્સને જોયાં છે. પોતાનાં જીવનાં ટુકડાને અમારે ત્યાં મૂકતાં પહેલાં પ્રાથમિક ઇન્ટરવ્યૂમાં આવા સંવાદો થાય. ક્યારેક પહેલી વાર બાળકને ડે કેર સેન્ટરમાં મુકવા આવતી મા રડી પડે ! અરે , ઘણી વાર બાળક પોતાની ઉંમરનાં બીજાં બાળકોને જોઈને ઉત્સાહથી રમવામાં ભળી જાય , પણ મા બાપને એનાથી ઓછું આવી જાય !” શું અમારો પ્રેમ ઓછો પડ્યો , તે અમારું બાળક અમને છોડતાં જરાયે રડતું નથી ?” વિચારે . ને ડાયરેક્ટરનો રોલ અદા કરતાં સમજાવીએ કે તો પ્રેમથી ઉછેરેલ વાત્સલ્યની વેલનું પરિણામ છે : પ્રેમથી ઉછરેલ બાળક નવા સંજોગોમાં સહેલાઈથી ગોઠવાઈ જાય છેપેલી હેલ્ધી વેલની જેમ ! જેમ તંદુરસ્ત છોડ ટાઢ તાપ વંટોળ કે વરસાદમાં ટકી રહે છે તેમ , કાળજીથી ઉછરેલ નાનું બાળક નવા વાતાવરણમાં સહેજ ખળભળાટ કર્યાં બાદ નવાં મિત્રો સાથે ભળી જાય છે .
પણ પ્રેમ , આ કાળજી જયારે તમારી કોઈ મેલી રમતનું પ્યાદું બને ત્યારે?
બાળક ,જેને એની મા અને બાપ બન્ને પોતાનાં જીવથીયે વધારે કાળજીથી સાચવે છે , બાળકને મા બાપ પોતાની એક ઢાલ બનાવીને પાછળથી પોતાના સામેવાળા દુશમન ઉપર તલવારના ઘા કરવામાં વાપરે તો ?
અને યુદ્ધમાં તો તમારે તમારું શ્રેષ્ઠ શસ્ત્ર વાપરવાનું હોય ને ? અને તેમાંયે જયારે બે વ્યક્તિના અહમઅહંકાર અથડાતાં હોય ત્યારે સૌથી વધુ પાવરફુલ શસ્ત્ર વપરાય !!
અને પાવરફુલ શસ્ત્ર એટલે માસુમ બાળક !
લડાઈ કરવાની હોય તો વ્યૂહ રચના પણ ભયન્કર કરવી પડે ને , જો જીતવું હોય તો !
અરે બુદ્ધિ પણ કહેતી હોય ; “ ઉઠાવ તારું ગાંડીવ , અર્જુન ! અને હણીનાખ તારાં દુશમનોને જે તને તારાં પોતાનાં લાગે છે ; કહી દે કે તો ધર્મ યુદ્ધ છે!”
અમારાં ડે કેર સેન્ટરથી ઘર તરફ જતાં અમારું એક મોટું ૨૬ એપાર્ટમેન્ટ્સનું સુંદર સી (C) આકારનું બિલ્ડીંગ આવે. ઘણી વાર હું ઘેર જતાં પહેલાં રસ્તામાં ત્યાં ઉભી રહું! ક્યારેક શનિ રવિ અમારાં બંને બાળકોને લઈનેય જાઉં . સુંદર નેબરહૂડમાં બિલ્ડીંગનાં બીજાં બાળકો પણ અમારાં બંને બાળકો સાથે રમવા આવે!ને ત્યારે એક સુંદર કૌટુંબિક વાતાવરણ ઉભું થઇ જાય !
રિચર્ડ જે અમારાં બિલ્ડિંગનું નાનું મોટી હેન્ડીમેનનું કામ કરે તેની પત્ની લોરા સાથે ક્યારેક બે ઘડી વાતો કરવાનુંય બને જયારે એનો પતિ અમારાં ભાડુઆતોનું કોઈ કામ કરતો હોય !
ઊંચો પડછન્દ શ્વેત, પૂરો અમેરિકન રિચર્ડ સ્વભાવનો કડક લાગતો હોવાથી સ્વાભાવિક રીતે તેની સાથે વાત કરવાનું હું ટાળું; પણ લોરાને મેં પૂછેલું !
તમારાં લગ્નને કેટલાં વર્ષ થયાં?”
અમે લગ્ન કર્યાં નથી ! પણ હાઇસ્કૂલથી સાથે છીએલગભગ વીસ વર્ષથી !”
હું વિચારમાં પડી !
સાથે રહેવાનું પણ કોઈ શરત નહીં !
કોઈ કમિટમેન્ટ નહીં ! કોઈ બન્ધન નહીં !
લગ્ન કરવાથી શું ફેર પડે છે ? અમારાં બંન્નેનાં પેરેન્ટ્સ કાંઈ કેટલીયે વાર પરણ્યાં હશે .. કોણ ક્યાં કોની જોડે છે એનીયે હવે ખબર નથી !”
લગ્ન કરીએ એમાં પાંચ પચીસ જણ આવે એટલે બધાંને ખબર પડે કમિટમેન્ટની !” મેં કહ્યું .
અમારે કોઈ ફેમિલી જેવું છે નહીં ..” વગેરે એણે જણાવ્યું ! જે હોય તે !
પણ બે પાંચ વર્ષ બાદ એમને બે બાળકો થયાં
અને હવે તેઓ સ્કૂલે જવા માંડ્યાં!
મને લાગે છે કે લોરાને ત્યારે બાળકોના ઉછેર સાથે બહારની દુનિયાની જાણ થઇ .. રિચાર્ડ જેવા કડક મિજાજ સિવાયનાં લોકોએ દુનિયામાં વસે છે તેનો ખ્યાલ આવ્યો .. અને ..
શાંત પાણી ડોહળાવવા માંડ્યું !
લોરાને હવે માળો છોડીને ઉડવું હતું ! કદાચ પોતાના સ્વતંત્ર માળામાં જવું હતું !
તું જઈશ તો તને બાળકો નહીં મળે !”
રિચર્ડે શરત મૂકી !
હવે કસ્ટડીની વાત આવી !
સ્વાભાવિક રીતે બાળકો તો માને મળે..
જેણે જિંદગી જોઈ નહોતી એને હવે જિંદગી માણવી હતી . એક મા બનીને ઊંચે આકાશે ઉડવા માંગતી હતી ! એને કોઈ પ્રેમાળ લાગણીશીલ માણસ સાથે જીવન ગુજારવું હતું !
તો રિચાર્ડના કેસમાં જેણે આખી જિંદગી સત્તા ભોગવી હતી , જેણે પોતે જિંદગીમાં પ્રેમ , હૂંફ , લાગણી જોયાં નહોતાં , એને માટે તો યુદ્ધભૂમિમાં લડાઈ હરવા જેવું હતું ! એનું છેલ્લું તીર બાળકો હતું ( કદાચ એક બાપ તરીકે એને બાળકો માટે સાચો પ્રેમ હશે ?)
પણ આતો ધર્મ યુદ્ધ હતું : બન્ને ને પક્ષે !
દિવસે બપોરે પતિ પત્ની વચ્ચેસોરી બે વચ્ચે વાદવિવાદ વધી ગયાં હશે .. ખબર નહીં શું થયું હશે , પણ
પણ બેડરૂમમાંથી રિચર્ડે ગન કાઢી અને લોરાને શૂટ કરી .. લોરા ભાગીને દોડી ગઈ એટલે એનાં પગમાં વાગી ..
બીજી ગોળી રિચર્ડે પોતાના ઉપર ચલાવી .. એનું પ્રાણ પંખેરું ત્યાં ઉડી ગયું !
લોરા બાળકોને લઈને વિશાળ વિશ્વમાં ક્યાંક ખોવાઈ ગઈ ! લોરા અને રિચર્ડને નજીકથી જોયાં છે . સુભાષે રિચર્ડ સાથે કામ કર્યું છે તો મેં લોરા સાથે એનાં રસોડે કોફી પીધી છે !
વાચકમિત્રોને પણ પ્રસંગ વિષે ઘણું બધું બન્ને પક્ષે કહેવું હશેકોણ સાચું છે અને કોની ભૂલ છે !
પણ બાળ ઉછેરની શ્રેણીમાં બસ એટલું કહીશ કે : માણસ સામાજિક પ્રાણી છે ; બાળકોને માત્ર એકલે હાથે ઉછેરવાને બદલે સમાજમાં કૈક અંશે હળતા મળતાં શીખવાડવું જોઈએ ! લોરા અને રિચર્ડ અને એમનાં જેવાં લાખ્ખો કુટુંબ એકલે હાથે જે તે સાચી ખોટી સમજથી બાળકોને ઉછેરે છે તે ભયજનક છે .. ( This is only my personal opinion )સમાજમાં હળવામળવાથી ઘણું જાણવા મળે ! આપણાં મંદિરો અને મેળાવડાઓ કદાચ આવી ઉણપ પૂરતાં હોય છે .. જો કે એવાં રસ્તો ભૂલેલા આપણાં ભારતીયની વાત આવતે અંકે !

૩૬) આવું કેમ ? રશિયા : મારી નજરે !

રશિયા : મારી નજરે !
એક કલ્પના કરો : ઘરમાં મા- બાપ , દાદા બા અને દીકરો – દીકરી સૌ ડાઇનિંગ ટેબલ પર જમવાં બેઠાં છે અને દાદા પોતાના સમયની કોઈ વાતો કરી રહ્યા છે.. છોકરાંવને કદાચ ગમતું નથી , પણ બધાં જ શાંતિથી દાદાને સાંભળી રહ્યાં છે.. કેવું સુંદર , અદભુત દ્રશ્ય છે, નહીં? ઘરમાં બધાં સાથે , હળીમળીને રહેતાં હોય !એક બીજાને અનુકૂળ થઈને જીવતાં હોય!
પણ હવે એ દ્રશ્ય પાછળનું બેકગ્રાઉન્ડ જણાવું : અને તમારી માન્યતા બદલાઈ જશે !
રશિયાના વીસમી સદીના પ્રારંભે શરૂ થયેલ કમ્યુનિષ્ટ રાજ્ય યુગનું અને ઓગણીસ સો નેવું પહેલાનું – એક સામાન્ય ઘરનું આ દ્રશ્ય છે.. એ એવો સમય હતો જયારે :
બધાં સામ્યવાદના કડક અમલમાં ડરી ડરીને જીવતાં હતાં . કોઈને કાંઈ આડું અવળું કરવા વિચારવાનોય હક્ક નહોતો ! એક્ચ્યુઅલી , કોઈને જાણે કે વ્યક્તિગત અસ્તિત્વ જેવું જ નહોતું !
રશિયાના પાટનગર મોસ્કો એરપોર્ટ પર ઉતર્યાં પછી અમે જયારે અમારી હોટલ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે મેં ત્યાંના વિશાળ આંઠ ટ્રેકના રસ્તાઓ જોયા , અને તેની બન્ને બાજુએ તોંતિગ આંઠ- દશ માળના , અડધો બ્લોક લાંબા એપાર્ટમેન્ટ બિલ્ડિગ જેવા કાંઈ કેટલાયે મકાનો જોયા! બસ્સો – ચારસો એપાર્ટમેન્ટ્સ ( કે વધારે ) હોય એવા આ ભેંકાર લાગતાં બિલ્ડીંગો વિષે જાણવાની મારી જીજ્ઞાશા વધતી જતી હતી .. ત્યારે નહીં ; પણ બે ચાર દિવસ બાદ સમજાયું કે વીસમી સદીના સામ્યવાદી રશિયાની એ સમાજ વ્યવસ્થા હતી!
યુરોપના દેશોમાં હોય છે તેવા નાનકડા એપાર્ટમેન્ટથી પણ નાનાં અને સાંકડા એવાં બે બે એપાર્ટમેન્ટ વચ્ચે એક કોમન રસોડું – બાથરૂમ ધરાવતા આ બસ્સો ચારસો કુટુંબોનાં રહેઠાણોમાં મોટા ભાગે સંયુક્ત કુટુંબો રહેતાં ;અને સરકારે નીમેલા અમલદારોના કહેવા પ્રમાણે બધાએ કામ કરવાનું રહેતું ! કોઈ કાંઈ ઉહાપો કરે તો સીધા સાયબેરિયા ભેગા ( જેલમાં )!!
ઘણું બધું માન્યામાં ના આવે , પણ અમેરિકામાં જે રંગ ભેદ હતો, ને કાળા – ધોળાં લોકો માટે જે ખુલ્લેઆમ વહેરો આંતરો હતો તે શું માન્યામાં આવે છે?અને હા , રશિયા કે અમેરિકાની વાતો જવા દો ,આપણાં દેશમાં તો હજુ આજે પણ ઉંચ નીચના ભેદ છે! ફલાણી જાતિના લોકોથી આ મંદિરમાં ના જવાય , પેલા કુવેથી પાણી ના લેવાય .. વગેરે વગેરે!
તો લેખના પ્રારંભે જણાવેલ દ્રશ્ય આવા એક ઘરનું, કુટુંબનું ,હતું !
જો કે રશિયામાંથી સામ્યવાદનું ઝેરી વાદળું હઠી ગયા પછી આજે ત્રીસ વર્ષે પણ આ તોંતિગ મકાનોનું શું કરવું તે એ લોકો નક્કી કરી શક્યાં નથી, પણ પ્રાઇવેટ માલિકો જ્યાં ત્યાં આ મકાનોભાડે આપે છે ખરાં પણ ભવિષ્યમાં એને તોડીને કાંઈ નવું બનાવશે ..
રશિયાની સરખામણી કોની સાથે કરું ?
કદમાં અમેરિકા કરતાં ૧.૮ ગણો મોટો અને વસ્તીમાં અમેરિકા કરતાં અડધો!રશિયા એટલે પૃથ્વી ઉપરનો સૌથી મોટો દેશ ! આપણાં ભારત કરતાં પાંચ ગણો મોટો પણ વસ્તી જુઓ તો દશમાં ભાગની!! .વળી ઠન્ડી પણ પડે એટલે શિયાળો તો ભારે જ હોય( શિકાગોની જેમ ?)
પણ, રશિયાનો ઇતિહાસ ને સંસ્કૃતિ હજ્જારો વર્ષ પુરાણી છે.આમતો સામ્યવાદને લીધે કોઈને ધર્મ સ્વાતંત્ર્ય નહોતું પણ ક્રિસ્ચ્યનિટીનો ફેલાવો સામ્યવાદ પૂર્વે , છેક હજાર વર્ષ પહેલાથી . અમે ઠેર ઠેરસુંદર ચર્ચ અનેકેથેડ્રલ ( એક પ્રકારના મોટાં ચર્ચ) જોયા. જેમ આપણે સોમનાથ મંદિર કેદ્વારિકાધીશના મંદિરનો ઇતિહાસકહીએ એ રીતે અમારી ગાઈડે એ બધાનું વર્ણન કર્યું . મોટાંમસ મ્યુઝિયમ કે જેને નિરાંતે જોતાં આઠ વર્ષ લાગે તેવાં આર્ટ્સના મ્યુઝિયમને અમે કલાકમાં ન્યાય આપ્યો ! એની કલાકારીગરી અને વિષય વસ્તુ આપણી સઁસ્કૃતીથી ક્યાંક જુદા પણ જોયા ..,કોઈ સ્ત્રીઓને સતી થતી કે જોહર કરતી હોય તેવાં પેઈન્ટિંગ્સ ક્યાંય જોયા નહીં ; હા , પ્રેમ શૃંગાર ફ્લર્ટ વગેરે થીમ જરૂર જોયા..
પણ જે જોઈને રશિયા વિશ્વની મહાસત્તા હશે તેવો અહેસાશ થયો તે હતું મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં જોયેલ તોપો અને ટેન્કોનું પ્રદર્શન ! રશિયાએ એની તાકાતનો પરિચય દુશમ્નો સાથેના યુદ્ધમાં બતાવ્યો જ છે: નેપોલિયનને હંફાવ્યો અને પછી હિટલરને પણ!“એમાં શું?”કોઈએકહ્યું ,”આટલો મોટો દેશ હોય તો એનું લશ્કર પણ મોટું જ હોય ને ?ખોબલા જેટલા નાનકડા ફ્રાન્સનું કે જર્મનીનું એની સામે લડવાનું શું ગજું?”અને મન અજાણતા ભારતના ઇતિહાસમાં ડૂબી ગયું ! આપણાં ગુજરાતના કદ જેવડો દેશ બ્રિટન અને એમણે ૨૦૦ વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યો ! આવું કેમ?અરે સમૃદ્ધ સંસ્કૃતિની વાતો કરતો મારો દેશ જ્યાં સ્ત્રીઓ પોતાનું પાવિત્ર્ય જળવાઈ રહે તે માટે સમૂહમાં ચિતા પર ચઢી જોહર કરતી હતી ; એવી બહાદ્દુર વીરાંગનાઓના પતિદેવોમાં મહમદ ગીઝની જયારે ચડી આવ્યો ત્યારે ભેગાં થઈને એનો સામનો કરવાની કોઈનામાંયે તાકાત નહોતી !! આવું કેમ? શું આપણી પાસે લશ્કરનહોતું ? કે આપણામાં સમ્પનો અભાવ હતો?રશિયાના સામ્યવાદની ટીકા કરનારા આપણે ,વ્યક્તિ સ્વત્રંત્રય નહોતું’ કહી ટીકા કરનાર આપણે , આપણા શહેરના માથાભારે ગુંડાઓને હટાવવા શું કરીએ છીએ ? આવું કેમ? અરે, પ્રત્યેક ઘરમાં સંયુક્ત કુટુંબમાં રહેતી વ્યક્તિઓ શું પ્રેમથી જ હળીમળી ને રહેતી હોય છે કે પછીસંજોગોને આધિન થઈને, મન મારીને પરાણે સહન કરતી હોય છે ઘરનાને સહી લેતી હોય છે? હેં , આવું કેમ?રશિયામાં હવે નવો પવન આવી રહ્યો છે ! અનેસાથે નવા લોકશાહીના પ્રશ્નો પણ ! તમે નવા પવન સાથે જુના વાતાવરણનો અનુભવ પણ કરશો ..રશિયનો દારૂ ખુબ પીએ! હવે નવા રશિયામાં દારૂ સાથેડ્રગ્સ અને નાઈટ લાઈફ પણ ઉમેરાયા! ભગવાન બુદ્ધની જેમ હું પણ કોઈ મધ્યમ માર્ગની શોધમાં અટવાઉં છું .. “આવું કેમ? “બુદ્ધે તેમના શિષ્ય આનન્દને પૂછ્યું હતું : મારો પણ એજ પ્રશ્ન છે:આવું કેમ?

૩-આવું કેમ ? પાનખરમાં પ્રેતાત્મા નો ઉત્સવ -ગીતા ભટ્ટ

ભય …પણ એક દિવસ નિર્ભય –  ભય ફોબિયા દુર કરવાનો ઉત્સવ હેલોવીન 

રાતનો સમય.. સુસવાટા સાથે પવન.. અંધારું ઘોર,..રાક્ષસોના બિહામણા અવાજ, લોહી નીતરતો હાથ, અંધાર કોટડી …ભયથી છળી મરે એવાં ભૂખ્યાં વરુના મોંઢા…વિચિત્ર મોટા નખવાળા રાક્ષસોના લોહી નીતરતા અડધા શરીર ..કબ્રસ્તાન અને જાગેલા મડદાં, આ ભયાનક મુખાકૃતિવાળા પમ્પ્કિન અને બિહામણાં માણસોનું એક ટોળું  ?..એમાં એક ચૂડેલ નજદીક આવે ઘરની બેલ મારે અને બોલે  ટ્રિક કે ટ્રીટ…? ડર લાગે ટ્રીટ બોલશું તો આ ભુતડા ખાઈ જશે ……અને સૌ હસી પડે…ભય નો સ્વીકાર …

મિત્રો આજ હેલોવીન મજા… એક અનોખો અનુભવ,આજે સાંજે જો તમે અમેરિકાની શેરીઓમાં ચાલવા નીકળશો તો ચારે બાજુએ ભૂત – પ્રેતનાં પૂતળાંઓ લટક્તાં દેખાશે ! કોઈએ આંગણામાં હાડપિંંજર લટકાવ્યું હશે , તો કોઈ એ બારણે ખોપરીનું તોરણ લટકાવ્યું હશે! કોઈ પહેલી જ વાર અમેરિકા આવ્યું હોય એ તો ડરી જ જાય આવાં દ્રશ્યો જોઈ ને !આ સુધરેલા ગણાતા ભણેલ ગણેલ દેશમાંયે , કોઈ આદિવાસી સમાજમાં ઉજવાતો હોય તેવો ભુતડાની જમાતનો ઉત્સવ ?

કંઈક બે હજાર વર્ષ પૂર્વે ઇંગ્લેન્ડ – આયર્લેન્ડ વિસ્તારની સેલ્ટીક પ્રજા પાનખર ઋતુનો અંત ‘સેમહાઈન  ઉજવે. નવા આવેલા શાકભાજીને વધાવે . પાનખર અને શિયાળાના કાતિલ ઠંડીના દિવસોમાં પૃથ્વી અને ભૂતલોક વચ્ચેની સીમા નબળી પડતાં ભૂત પ્રેત પૃથ્વી પર ઉતરી આવે તેવી માન્યતા .  રોમન ધર્મગુરુઓ ‘ બધાં સંતોનો દિવસ ‘ All Hallows’ Day આ જ દિવસે ઉજવે. અને બીજે દિવસે આવે તેમનું નવું વર્ષ ! ઉત્સવપ્રેમી અમેરિકનોએ તેને એક સુંદર ઉત્સવનું રૂપ આપ્યું : Two in one !બાળકો પણ ઘરે ઘરે કેન્ડી – ચોકલેટ લેવા સુંદર વેશભૂષા કરીને કૉસ્ટયૂમ પહેરીને જાય , નવા શાકભાજીની ફસલ થઈ હોય તેને કલાત્મક રીતે કોતરીને શણગારવામાં આવે, પમ્પ્કિન – કોળું વગેરેને કોતરીને અંદર દીવડાં મૂકે અને ઉત્સવની ઉજવણી થાય !

પ્રાચીન સેલ્ટો માનતા હતા કે 31મી ઓક્ટોબર સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હતી અને બિમારી કે પાકને નુકસાન પહોંચાડીને મૃતકો જીવતાં લોકો માટે સમસ્યાઓ સર્જતા હતા. તહેવારોમાં બોનફાયર્સ થાય છે, જેમાં કતલ કરાયેલા પ્રાણીઓના હાડકાં નાંખવામાં આવે છે.આ તહેવારોમાં પ્રેત આત્માઓને  રીઝવવાના પ્રયાસરૂપે પોષાકો અને મહોરાં પહેરવામાં આવે છે. હેલોવીનના ઇવ ટાણે પ્રાચીન સેલ્ટો મૃતકોની યાદમાં તેમની બારીની પાળી પર એક હાડપિંજર મુકતાં. યુરોપથી શરૂ થયેલા આ ફાનસો સૌ પહેલાં પમ્પ્કિનમાંથી કોતરવામાં આવ્યા હતા. માથુ શરીરનો સૌથી શક્તિશાળી હિસ્સો છે, જેમાં આત્મા અને જ્ઞાન આવેલા છે, એવું માનતા સેલ્ટો કોઈ પણ વહેમને ભગાડવા માટે વનસ્પતિના ‘માથા’નો ઉપયોગ કરતા હતા.  હજારો વર્ષ પહેલાં માનવી કુદરતનાં રહસ્યો સમજવા પ્રયત્ન કરતા. મૃત્યુ પછી શું એની કલ્પનામાં – મૃત્યુ, મૃતાત્મા અને જીવિત વ્યક્તિ સાથેના સંબંધોની શૃંખલાઓ સમજવા પ્રયત્ન થતા હતા.

આપણે ત્યાં દેશમાં કોઈ ‘ બુરી નજરવાલે તેરા મુંહ કાલા ‘ લખીને લીંબુ – મરચાનાં તોરણ લટકાવાનો ઉત્સવ મનાવે  તો આપણે એને શું કહીએ ?

નરી અંધશ્રદ્ધા જ કહેવાય ને !

તો ચાલો જોઈએ કે હેલોવીનની આસપાસ ઉભી થયેલી કલ્પનાસૃષ્ટિ મુખ્યત્વે કઈ  બાબતોને આભારી છે. એક તો હેલોવીન મોસમ પોતે, જેમાં પ્રતિકવાદને પ્રેરણા છે.જેમકે પાનખરની મોસમના તત્વો, જેવા કે કોળા, મકાઈ કુશ્કી, અને ચાડિયો પણ પ્રચલિત છે. હેલોવીનના દિવસોમાં ઘરોને આ પ્રકારના પ્રતિકોથી શણગારવામાં આવે છે. હેલોવીન સાથે બે મુખ્ય રંગો સંકળાયેલા છેઃ નારંગી અને કાળો. ત્યાર પછી ગોથિક અને ભયના સાહિત્યિક સર્જનો પણ અહી વણાયેલા છે .હેલોવીન કલ્પનાસૃષ્ટિમાં મૃત્યુ, અનિષ્ટ, ગૂઢવિદ્યા, જાદુ, કે પુરાણકથાના રાક્ષસોને પ્રયોજવાનું વલણ હોય છે.આજના યુગમાં અમેરિકામાં ધામધૂમથી ઉજવાતો આ સામાજિક ઉત્સવ  છે પણ એનાં બીજ યુરોપમાં ચર્ચના પાદરીઓના ધાર્મિક રૂઢિ રિવાજોમાં જન્મેલા છે. …

હવે પ્રશ્ન છે કે આ ઉત્સવમાં  શું માનવીના જીવનમાંથી ખરેખરે ભય પેસી રહ્યયો છે ?

કે નાના બાળકો થી માંડી બધા ભયને દુર કરી રહ્યા છે ?

આપણે ત્યાં વેદોમાં કહ્યું છે: આહાર, નિંદ્રા, મૈથુનઅને ભય પ્રાણી માત્રમાં રહેલાં છે. જીવિત પશુ સૃષ્ટિમાં એ ચારેયનું મહત્વ છે. જીવન વિકાસ માટે ક્યારેક ભયની પણ જરૂર છે: ભય વિનાનું જીવન રાવણ જેવું અહંકારી, ઉદ્ધત બની જઇ શકે છે.

હવે જુઓ આ નીચેનો આકડો ….

નેશનલ રિટેલ ફેડરેશનના અંદાજ મુજબ હેલોવીનનું ખર્ચ ગયા વર્ષે 8.4 બિલિયન ડોલર હતું, 

આ ઘટના માટે 17.1 કરોડથી વધુ અમેરિકનો ઉપસ્થિત રહ્યા હતા.

$350 million we spend on pet costumes

$2.2 billion we’re shelling out for candy, 

Halloween is our No. 1 day for wasting money on garbage.

જાણવા જેવી વાત અહી છે કે પ્રચંડ પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યામાં આ ઉત્સવનો સૌથી મોટો ફાળો છે.

મ્હોરા વપરાયેલ પ્લાસ્ટિકની ગુણવતા નું શું ?આરોગ્યની દ્રષ્ટિ પણ જોઈએ ને ! પર્યાવરણ સ્વાસ્થ્ય વિષે વિચારવું જોઈએને !

આવા ઉત્સવમાં સર્જનાત્મક વિચારસરણી લઇ આવીએ તો કેમ ? સાંસ્કૃતિક કળાનું પ્રદર્શન કરીએ તો કેમ ?

હોમમેઇડ કૉસ્ટ્યૂમ બનાવીએ તો કેમ ?

પ્રકૃતિના ઉત્સવ પણ  હજારો ડોલરના પમ્પ્કિન, કેન્ડી અને લાખો ડોલરના વેશનું વેચાણ….કે ખોટો ખર્ચ ?

મહોરા હેઠળ અસામાજિક તત્વોને પણ વેગ મળે છે.અછાજતા હિંસાત્મક બનાવો અને ડર ભાગવાને બદલે પેસી જતો ભય માટે કોણ જવાબદાર ?

શું માનવીની માનસિકતા બદલી શકે ખરા ?.અસામાજિક ભય ઓછા થાય ખરા ? કે ભૂત કે આત્મા ભગાડી શકાય ખરા ?

હવે તમે જ કહો આવું કેમ ?

ગીતા ભટ્ટ 

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા (૨૩)એક રજકણ કુમકુમ બની ગઈ !

12004855_10153698565377268_7826051686984666870_n

ગીતા ભટ્ટ ,શિકાગો .

શિકાગોમાં  સ્વાઈનફ્લુનો  ભય ચારેકોર હતો . ને તેમાંયે બાળકોના ફિલ્ડમાં કામ કરતાં તમામ  શિક્ષકોને હેલ્થ ડિપાર્ટમેન્ટે યોજેલ આ સેમિનારમાં હાજરી આપવી ફરજીયાત હતી.

અચાનક મારી નજર મન્ચ પર  બેઠેલ એક વ્યક્તિ પર ગઈ: સરસ્વતી !અરે ! આ તો મારી ફ્રેન્ડ  છે ! she  is my  friend! મેં  બાજુમાં  બેઠેલ

શિક્ષક બેન ને કહ્યું .

સૌ પ્રથમ વાર હું એને  સુપર માર્કેટમાં મળેલી .ઊંચી અને અમેરિકન જેવી દેખાતી  એને મેં પૂછ્યું હતું : “તમે ગુજરાતી  છો ?”

બે ચાર ક્ષણ એ મારી સામે જોઈ રહી . પછી કોઈ પણ ભાવ દર્શાવ્યા વિના બોલી:” ના – ના જરાય નહીં !” એના આવા જવાબથી હું ખડખડાટ હસી પડી . પણ સરસ્વતીને વાતચીત કરવાનો કોઈ ઉમળકો  નહોતો . અમેરિકામાં હું સાવ નવી નવી – તેથી ગુજરાતી મિત્રો ઝન્ખતી . સરસ્વતી જરા અલુફ રહેવા પ્રયત્ન કરે – પણ મારા સતત પ્રયત્નથી છેવટે અમે મિત્રો બન્યાં.  એ પણ અમેરિકામાં નવી જ આવેલી . અને અમારા હસબન્ડ સિવાય અમારે કોઈ કુટુંબી પણ અહીંયા નહીં તેથી મૈત્રીનો દોર વધુ ગાઢ બને એમ હતું 

પછી તો દર શનિવારે  બપોરે શાક ભાજી લેવા સ્ટોરમાં અમે મળતાં ને ત્યાંના  કાફેટેરિયામાં  બેસતાં અનેલીધેલી ગ્રોસરીમાંથી એકાદ કેળું વગેરે ખાતાં!  હું બાલમંદિરની ટીચર  અને હોસ્પિટલની નર્સ!  હોસ્પિટલમાં તાજાં જન્મેલાં બાળકોની સંભાળ રાખે અને હું  બાલમંદિરમાં  સાજા બાળકોની !  

 “અમારું કામ વધારે મહત્વનું કહેવાય “  સરસ્વતી એ  મજાકમાં કહ્યું .દરેક દલીલ પોતાને    જીતવાની હોય તેમ તેનું વલણ હોય. 

“ટીચરની જોબ વધારે મહત્વ ની  કહેવાય’ મેં પણ હસ્તા હસ્તાં કહ્યું! 

અમારું વાગ્યુદ્ધ આમ રમૂજમાં  ચાલતું .પણ એક દિવસ કાંઈક અજુગતું જ બોલાઈ ગયું મારાથી! 

“માસ્ટરજી ” સરસ્વતીએ કહ્યું,” આવાં થાંભલા જેવા ભ્મભુટિયા

રીંગણાં ના લેવાય . જો આ પાતળાં ને ડાર્ક ભૂરાં રીંગણાં! 

“તારું શાક ભાજીનું  જ્ઞાન  એવું છે ને કે તને  સરસ્વતી નહીં  સરસ શાકવાળી જ કહેવું  જોઈએ .” મેં સમજણ વિના જ ઝિંકયુ ,” અરે  ઓ શાકવતી બેન ,” મેં બે ટામેટા હાથમાં લઇ પૂછ્યું ,” આ ટામેટા  કેવા લાગે છે ? લેવા જેવા ખરા કે?”

    ખલ્લાસ ! એણે એક નજર મારા  પર કરી .હું  હજુ  બીજા શાક લેવામાં મશગુલ  હતી .કામ પત્યે મેં ચારે બાજુ નજર કરી પણ એતો  ગાયબ  થઇ ગઈ ! કાફેટેરિયા  અને બીજા વિભાગોમાં પણ જોઈ આવી ! પણ સરસ્વતી મને જોવા નાજ મળી ! મારે  પણ માંડું થતું હતું  .શું થયું  હશે ? કદાચ  કોઈ  કામ યાદ  આવ્યું હશે! તો મેં ઘર તરફ પ્રયાણ કર્યું.

  સમય સેલ ફોન  પહેલાનો – આઇ ફોનના જન્મ પહેલાનો -લેન્ડ લાઈન થી વ્યવહાર ચાલતો તે દિવસોનો છે 

જીવનની શરૂઆતના એ દિવસો ! મૈત્રી બઁધાતાં પહેલાંજ તૂટી ગઈ! મેં બધી રીતે પ્રય્તન કર્યા પણ સરસ્વતી પછી ના જ મળી ! 

” તેં એને શાકવાળી કહ્યું તે એને ગમ્યું નહીં હોય “  સિતાંશુએ કહ્યું 

” અરે  પણ હું તો મજાક કરતી હતી ” મેં અફસોસ કરતા કહ્યું. હશે ! આપણે શું કરી શકીએ ?  મેં  મન વાળ્યું. 

અને પછી તો વરસો  વીતી ગયાં. કાળ ચક્ર ફર્યું .

ટીચરમાંથી હું ડિરેક્ટર બની ગઈ.

શિકાગોમાં હેલ્થ ડિપાર્ટમેન્ટે યોજેલા એક સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે કોઈ પરિચિત ચહેરો લાગ્યો ! સરસ્વતી ! અરે આ તો સરસ્વતી છે ! એને મળવા હું અધીરી બની ગઈ .

લેક્ચર પૂરું થયે  હું એને મળવા ગઈ 

મને જોઈને એ પણ ખુશ થઈ. થોડી ઔપચારિક વાતો કરી એણે એનું કાર્ડ આપતાં કહ્યું  ;” ઘરે આવ , ઘણી વાતો કરવી છે”

” હા,મારે પણ .” મેં કહ્યું .ખોવાયેલ મિત્ર પાછા મળ્યાનો આનન્દ હતો ,   વળી તે દિવસે શું બન્યું હતું તે જાણવાની ઇંતેજારી પણ હતી.

નક્કી કરેલા દિવસે અમે એના ઘરે પહોંચ્યા .સુંદર નેબરહૂડના એક ભવ્ય ઘરમાં એ લોકો રહેતા હતાં . ઉમળકાથી સરસ્વતી અને સાગરે અમને આવકાર્યા.

 

કલાત્મક રીતે સજાવેલા લિવિંગ રૂમના એક ખૂણે એક એલિગન્ટ ફ્રેમમાં કોઈ સ્ત્રીનો ફોટો હતો . પણ હું કશું બોલી નહીં : રખેને કાંઈ આડું વેતરાઈ જાય !

થોડી વાર પછી સરસ્વતી એ જ વાતનો દોર હાથમાં લીધો 

” તે દિવસના પ્રસંગ  માટે હું શરમીંદી છું . આપણી સુંદર પાંગરી રહેલ મૈત્રીને મેં  માત્ર એક જ શબ્દ માટે , એક ક્ષણમાં , એક ઝાટકે તોડી નાંખી!    અને એનું દુઃખ મને પણ  છે. અને કદાચ  તેથી જહું કાઉન્સેલિંગ માટે  જવા તૈયાર  થઇ .ત્યાર પછી મેં સાયકોલોજિસ્ટની હેલ્પ લીધી . એટલે જ આજે પેટ છૂટી વાત   થઇ શકશે ‘

મને કાંઈ સમજાયું નહીં. મેં કહ્યું, ” સોરી , સરસ્વતી, તે દિવસે મેં તને શાકવાળી કહેલઃ’તારી લાગણી  દુભવેલ ‘

“હું શાકવાળી જ હતી – એજ  તો કામ કરી ને માં મને ભણાવતી . હું યે માને ટોપલો ચઢાવવા ક્યારેક એની સાથે જતી  .પેલા  ફોટામાં દેખાય છે તે મારી માં  છે.   મારા થેરાપિસ્ટ મને સલાહ આપી કે મારે વાસ્તવિકતાને સ્વીકારવી  જ રહી  જો મારે આ મૂડ સવિન્ગમાંથી  બહાર આવવું  હોય તો!”

સરસ્વતી  બોલતી હતી જાણેકે એ ભૂતકાળમાં ખોવાઈ ગઈ છે “મારો બાપ તો દારૂની લતે ક્યારનોયે ઘર છોડીને જતો રહેલો ! માં બિચારી એકલે હાથ કેટલું કરે ? ઉચ્ચ વર્ણ ના કહેવાતા સારા ઘરના માણસો ક્યારેક મારી માંને તો ક્યારેક મને રંજાડતા .. પણ કોને કહેવાય? સાંજે નિશાળેથી આવી ને માં સાથે ગઈ હોઉં ને કોઈ શેઠિયો કહે ,” લે રૂપિયો વધારે આલું , શેઠાણી ઘરમાં નથી અને હું ભૂખ્યો  છું ,રોટલો ઘડી દે ” કોઈ કહેશે ” આ બે ટામેટા બહુ સરસ છે ‘ તો કોઈને મુળા ગાજરમાં રસ હોય –

એ સુધરેલા સવર્ણ લોકોના દ્વિ અર્થી શબ્દો , લાલચુ નજર અને અમારી નિ: સહાય પરિસ્થિતિથી હું અને માં સતત રૂંધાયેલાં રહેતાં.”

હવે મને મારી ભૂલ સમજાઈ :  તે દિવસે અજાણતાં મેં સુતેલા સાપ ને છઁછેડયો હતો . 

મને મારી જાત પર ગુસ્સો પણ આવ્યો : બાળકો સાથે કામ કરતાં કરતાં હું એક bright  horizons નામની બાલ સન્સ્થા સાથે પણ જોડાયેલી છું . જ્યાં ગરીબ  વર્ગનાં બાળકો ને અમે મદદ કરીએ છીએ !પણ  સાચેજ , વેદ ભણવા સહેલાછે , કોઈની વેદના વાંચવી અઘરી છે .

હું શું પ્રેરણા આપી શકવાની  હતી એ બાળકોને ? સાચી પ્રેરણા મૂર્તિ તો આ સરસ્વતી છે!

” તું આટલી બધી આગળ કેવીરીતે આવી ?” મેં પૂછ્યું ,”અમેરિકા કેવી રીતે આવી?”

“એક વાર અમારી શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે જે લોકો નર્સીંગનું શીખવા તૈયાર હોય તેને મફતમાં ખાવા -પીવા ને રહેવાની સગવડ મળશે ને ઉપરથી મહિને ૫૦ રૂપિયાય મળશે.

ને આવું લોકોના મળ – મૂત્ર સાફ કરવાનું કામ તો કોઈ સવર્ણ કરેજ નહીં ને? એટલે અમારા જેવા કોળી – કાછીયા ( શાક વેચનાર ) ને ચાન્સ મળ્યો . ને તેમાંયે અમારું ખોરડું ક્રિશ્ચિયન મિશનરી પાછળ હતું . ત્યાંના દયાળુ પાદરીએ ભલામણ ચિઠ્ઠી લખી આપી . અને બીજી ચિઠ્ઠી

પ્રિન્સીપાલે લખી એટલે મને નર્સ બનવાનું સદભગય પ્રાપ્ત થયું !સાગરને પણ હું ત્યાંજ મળી 

ને ભણી લીધા પછી બધાં અમેરિકા જતાં એટલે હું પણ અમેરિકાઆવી !’

એને જરા  ગુસ્સાથી કહ્યું,” અમે  તમારા દેશમાં નીચ વરણ કહેવાઈએ . પણ આ દેશમાં  ?Here I am  the head of the health department ! 

એની આંખોમાં ક્રોધ હતો – ને અમારી આંખોમાં આંસુ .

સાગરે એને પ્રેમથી શાંત કરતા કહ્યું ,” તમારી મૈત્રી તુટયાનું દર્દ એને અસહ્ય હતું . ક્યારેક કાઉંસલિંગ માટે હજુ પણ જવું પડે છે .. એ ભૂતકાળ ને ભૂલી શક્તિ નથી ..આ સાહેબી અને સફળતા વચ્ચે ય  એ ગમગીન  થઇજાય છે ક્યારેક “

“જે દેશ અને સમાજે મને દુભવી છે, મારું બાળપણ છીનવી લીધું છે, મારું યૌવન ધૂળધાણી કર્યું છે, એ દેશ અને એ સઁસ્કૃતિ માટે મને નફરત છે. એને માતૃભૂમિ  કહેતાં મને શરમ આવે છે” સરસ્વતી જરા  ગુસ્સામાં બોલી ,” મારો દેશ તો છે આ અમેરિકા : જેણે મનેજીવન આપ્યું , જેણે મને જીવવા માટે નવી ડિરેક્શન બતાવી .’

થોડો સમય કોઈજ કાંઈ બોલ્યું નહીં . મૌનનો ઘોંઘાટ ભારે હતો.અસહ્ય હતો.

” સરસ્વતી, તારું દુઃખ સમજવાની  મારી ક્ષમતા નથી.તારી માફી માંગવાને પણ હું લાયક નથી .પણ એક સહૃદય મિત્રને નાતે મારે તનેકાંઈકહેવું છે’ મેં  હળવેકથી  વાતની દોર હાથમાં લેતાં કહ્યું,” તારી સાથે ઘણા અન્યાયો થયા અને છેવટે કોઈ સારી વ્યક્તિએ તારો હાથ  ઝાલી તને કોઈ તક ઝડપવા  દીધી  અને આજે તું  આટલી ઊંચી જગ્યાએ  છે ! અમારી સંસ્થાને  તારા જેવી સરસ્વતીઓ ની જરૂર છે જે સાગર સુધી પહોંચી શકી છે!  રસ્તામાં અટવાઈ  ગયેલ ઘણાં બાળકોને તું  રાહ બતાવ .

આપણાં દેશમાં  એવાં અનેક બાળકો હજુ આજેપણ એજ પરીસ્થીમાં જીવે છે . તેમની દીવાદાંડી બનવા ,જીવન જીવવાની નવીદિશાઓ બતાવવા  સમાજને તારી જરૂર છે. પડવા – નીચે આવવા -કોઈની જરૂર નથી હોતી – એ તો પૃથ્વીનો પણ ગુરુત્વાકર્ષણનો  નિયમ  છે. પણ ઊંચે ચઢવું અઘરું છે, અને છતાંયે   એવાં મુઠી ઉંચેરા માનવીઓ પણ હોય છે જેની પગ રજ  આપણે માથે ચઢાવીએ  છીએ . અને એ રજકણ  ધૂળ નહીં પણ ભાલે કુમકુમ  બની શોભે  છે! જયારે તું     સામાન્ય ધૂળ -રજકણોને કન્કુ બનાવવાના કાર્યમાં જોડાઇશ ત્યાર પછી કાઉન્સેલિંગ ની  તને જરૂરનહીં રહે .  મેં મારો હાથ લંબાવ્યો . ” ચાલ  છે તૈયાર  મિસ  સુવર્ણ રજ સરસ્વતી ?”

મૌન ! પણ આ  મૌન કોઈ સમાધિ અવસ્થાની શાંતિ હતી .

 થોડી વાર  પછી સ્મિત  સાથે , અશ્રું સાથે , આત્મવિશ્વાશથી એણે જાહેર કર્યું; “ચોક્કસ ! જરૂર હું એ સહુને નવી ક્ષિતિજોનાં દર્શન કરાવીશ ! ધૂળમાંથી કંકુ બનતા શીખવાડીશ ! 

શુભસ્ય શિઘ્રમ ! ક્યારે જવું છે ?”

( from a true story)

 ( સત્ય ઘટના આધારિત )

ગીતા ભટ્ટ ,શિકાગો .