એક સિક્કો – બે બાજુ :3) એમાં લક્ષમણનો શો વાંક?


અમારાં મિત્ર દંપતિને ઘેર રાખેલી રામ કથા વાંચવા માટે જે મહારાજ આવતા હતા તે પ્રમાણમાં નાની ઉંમરના હતા ; સાથે આ કથા , પૂજા વગેરે એમના સાઈડ બિઝનેસ હોવાને કારણે કદાચ પુરી તૈયારી કર્યા વિના આવતા હતા .
આમ તો તે મોટલમાં નોકરી કરતા હતા અને પહેલે દિવસે તો ‘કથાકાર’ ના પોશાકમાં પણ નહોતા …વગેરે વગેરે કારણોથી અમને સ્ત્રી વર્ગમાં એમના માટે કાંઈક કચવાટ હતો ; જો કે પુરુષ વર્ગમાં મહારાજની આ સ્ટાઇલ માટે કોઈને જ કોઈ વાંધો જણાતો નહોતો ! સિક્કાને બે બાજુ હોય છે તેમ , એમને તો મહારાજ ‘એડવાન્સ ‘ લગતા હતા !
તેમાં મહારાજે પંચવટીમાં શૂર્પણખાનો પ્રસંગ કહ્યો .
શૂર્પણખાએ આવીને શાંતિથી આનંદ કરી રહેલ રામને કહ્યું ; (થોડું સુધારા વધારા સાથે મહારાજે રામચરિતમાનસ માંથી ગાયું)
“ મમ અનુરૂપ પુરુષ જગ માંહી , ત્રણે લોકમાં કોઈ નાહી;
તેથી આજ લગી રહી કુંવારી , મન લાગ્યું તમારી માંહી !” અર્થાત તમે બે ભાઈઓ મને મોહક લાગો છો .
ત્યારે રામે સીતા તરફ જરા જોઈ ને પછી શૂર્પણખાને કહ્યું કે;
‘હું તો પરણેલો છું , પણ તું મારા ભાઈ લક્ષમણને પૂછી જો , એ એકલો છે !’
શૂર્પણખા લક્ષમણને પૂછે છે ,
પણ લક્ષમણ કહે છે , “ હે સુંદરી , હું તો એમનો દાસ છું ! અને દાસ કોઈને શું સુખ આપી શકે ?”
એટલે શૂર્પણખા પાછી રામ પાસે આવી , અને રામે પાછી એને લક્ષમણ પાસે મોકલી !
આમ બંને ભાઈઓ રમૂજ કરી રહ્યા હતા .
હવે લક્ષમણે ગમ્મત કરતાં કહ્યું ; “ તને એ જ વ્યક્તિ પરણશે જેનામાં શરમ લાજ જેવું કાંઈ નહીં હોય !
‘જો તૃન તોહી લાજ પરિહરઈ !’
આટલાં કડવાં વચનથી કોને ક્રોધ ના આવે ? શૂર્પણખાને ગુસ્સો ચઢે છે અને એ એનું વિકરાળ સ્વરૂપ પ્રગટ કરે છે . સીતા ગભરાઈ જાય છે એટલે લક્ષમણ એનાં નાક કાન કાપી નાંખે છે ..
અમે સ્ત્રી વર્ગ – અમેરિકામાં રહેતી , નોકરી કરતી અને ઘરબાર સાંભળતી બહેનો – સ્ત્રી જાતિની અવહેલના એક કથાકારને મુખે સાંભળીને સહેજ વિચારમાં પડી !
પછી એ શૂર્પણખા પોતાના ભાઈ રાવણને બધી વાત કરે છે એટલે રાવણને ગુસ્સો ચઢે છે અને એ બદલો લેવા યુક્તિ શોધે છે ..વગેરે ..
‘લક્ષમણે શૂર્પણખાની મજાક કરી ના હોત તો કદાચ રામાયણ રચાયું ના હોત !”અમે કહ્યું . “ એ રાક્ષશ કુળની હતી અને એને છંછેડીને જાણે કે સાપના રાફડાને છંછેડ્યો હોય એવું જ થયું ને ?” મેં કહ્યું .
પણ સુભાષનું માનવું કાંઈક જુદું જ હતું !
“ શૂર્પણખા તો એક બહાનું હતું , ભગવાન કૃષ્ણે કહ્યું છે ને : પરિત્રાણાય સાધૂનાંમ, વિનાશાય ચ દુષ્કૃતામ? એ રીતે દુષ્ટોનો નાશ કરવા રઘુ વંશમાં રામ જન્મ્યા હતા . એ જન્મીને જો માત્ર અયોધ્યામાં જ રહ્યા હોત તો તેમની પૂર્વે જન્મેલ અન્ય રઘુવંશીઓની જેમ એ રાજ કરીને ભુલાઈ ગયા હોત . પણ એમની પાસેથી ભગવાન પણ ઘણું કાર્ય કરાવવા માંગતા હતા , તેથી તેમને રાજ ગાદીને બદલે વનવાસ આપ્યો !”
“ હું આવી પાયા વિનાની વાતો માનતી નથી !” મેં કહ્યું .
“ હું તને સાબિત કરી બતાવું ,” સુભાષે કહ્યું , “ જે લોકો પોતાનાં ઘર બાર , રાજ પાટ, જાહોજલાલી છોડીને બહાર નીકળ્યાં છે , ઘરના ધંધા પાણી છોડીને બીજે શહેર કે દેશ વસ્યા છે તે સૌએ જીવનમાં મુશ્કેલીઓ વેઠી છે અને તેમાંથી આગળ પણ વધ્યાં છે ..પછી તે ગાંધીજી હોય કે સ્વામી વિવેકાનંદ હોય ! રઘુવંશના રામ પણ આ રીતે જંગલમાં ગયા તો માર્ગમાં અનેક પ્ર્જાઓને મળ્યા અને સૌને માર્ગદર્શન પણ આપ્યું !” સુભાષે કહ્યું .
“હા , વાત સાચી હશે , પણ શૂર્પણખાની વાતની આ કડી મને પાંગળી લાગે છે !” મેં દલીલ કરી .
તને ખબર છે ?” સુભાષે પૂછ્યું ;
“કેટલીક પરિસ્થિતિ એવી ઉભી કરી છે કે ગમે તે રીતે જુઓ – સિક્કાને ગમે તે રીતે ઉછાળો ,પણ બંને બાજુએ હાર અને પરાજય જ હોય !એમાં Head હેડ પડે કે Tail ટેઈલ મુસિબત જ હોય ! તમે એને ટાળી શકો જ નહીં !” સુભાષે કહ્યું ;
“ સુવર્ણ મૃગ પ્રસંગ માં પણ લક્ષમણનો જ વાંક આવી જાય છે ને ? રામે લક્ષમણને કહ્યું હતું કે તું સીતાને કોઈ પણ સંજોગમાં એ કુટિરમાં એકલી રાખતો નહીં .પણ સીતાએ જીદ્દ કરી કે રામ મુશ્કેલીમાં છે અને એ તમને ત્યાં બોલાવે છે , માટે તમે ત્યાં જાઓ જ ! લક્ષમણે ઘણું સમજાવ્યું પણ સીતાજી માનવા તૈયાર ન્હોતાં! એમણે કહ્યું કે એ જીભ કચડીને મારી જશે – જો લક્ષમણ રામને મદદ કરવા નહીં જાય તો ! લક્ષમણને પરાણે સીતાજીને એ ભયાનક જંગલમાં એકલાં મૂકીને જવું પડે છે ; રસ્તામાં જ રામ મળે છે અને લક્ષમણને જોઈને એને વઢે છે ..
લક્ષમણના જીવનમાં એવો જ બીજો પ્રસંગ પણ છે જયારે એને બંને બાજુથી હાર જ માનવાની હોય છે !
મૃત્યુના દેવતા યમરાજ રામને મળવા આવ્યા હતા અને લક્ષમણે સ્પષ્ટ સૂચના આપે છે કે કોઈને પણ અંદર આવવાની મનાઈ છે . અને જે આવશે તેને દેહાંત દંડની સજા થશે !
લક્ષમણ દરવાજે ચોકી કરે છે ત્યાં દુર્વાસા મુનિ આવે છે . એમને રામનું અગત્યનું કામ છે , અને જો લક્ષમણ એમને રોકવા જશે તો એ સમગ્ર અયોધ્યાને બાળી નાખશે !
લક્ષમણ વિચારે છે કે યમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું કે દુર્વાસા મુનિની આજ્ઞા ઉથાપુ? લક્ષમણને પોતાનાં જીવન કરતાં હજ્જારો પ્રજાજનનાં જીવન વધુ કિંમતી લાગે છે . એટલે એ યમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે , આજ્ઞા ભંગ માટે એને દેહાંત દંડ થાય છે !
અયોધ્યાવાસીઓ અને રામ પણ લક્ષમણને બચાવવા વિનંતી કરે છે ; “એણે પોતાના હિતની પરવા કાર્ય વિના રાજ્યનું અને પ્રજાનું હિત જોયું છે; માટે એને કોઈ બીજી શિક્ષા કરવી જોઈએ. પણ રાજ્ય ગુરુ વશિષ્ઠની એક જ સલાહ છે : વચનનું પાલન થવું જોઈએ ! – અને લક્ષમણ સરયૂ નદીમાં જળ સમાધિ લે છે ! એનાં વિરહમાં રામ પણ જળ સમાધિ લે છે !
રામાયણમાં આવા અનેક પ્રસંગો પરિસ્થિતિ સિક્કાની બે બાજુઓની જેમ મનમાં રમ્યા કરે છે ! આમ કરે તો પણ મુસિબત, તેમ કરે તો પણ મુસિબત! અને તેમાંયે લક્ષમણનું પાત્ર તો બધી રીતે વિવાદ જ ઉભો કરે છે !
આજથી હજ્જારો વર્ષ પૂર્વે લખાયેલ મહાકવિ વાલ્મિકી કૃત રામાયણ , અને ત્યાર પછી એને અનુસરીને કાંઈક કેટલાયે કવિઓ એ જુદી જુદી ભાષાઓમાં રામાયણ લખ્યાં છે .. છસો વર્ષ પૂર્વે ઉત્તર પ્રદેશમાં જન્મેલ તુલસીદાસે પણ રામચરિત માનસ લખ્યું અને સૌએ પોતપોતાની રીતે તત્કાલીન સમાજને અનુરૂપ થોડા ફેરફાર પણ કર્યા .. શું હોવું જોઈએ કે હોઈ શકે એની દલીલમાં પડ્યા વિના બસ એટલું જ કહીએ :
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
અને બુદ્ધિથી કરો વાત તો ધર્મથી રહો દૂર !!
એટલે અમે રામાયણની વાત ત્યાં જ પડતી મૂકી !
પરંતુ , શ્રદ્ધા અને બુદ્ધિ બંને આપણા મનમાં જ તો પડ્યાં રહે છે ને ? મનને કોણ સમજાવે ? એક દિવસ અમારાં વડીલ કાકીએ અમને એક શ્રાવણ માસમાં એક નાનકડું કામ સોંપ્યું ; અને ફરી પેલો સળવળાટ શરૂ થયો : કોણ સાચું અને કોણ ખોટું , એનો જ સ્તો ! પણ એની વાત આવતે અંકે કરીશું , અને તે પણ સુભાષના મુખે!