7-આવું કેમ ? અકુદરતી ધુમ્મ્સ અને પોલ્યુશન ! સ્મૉગ અને ફોગ !-ગીતા ભટ્ટ

દિલ્હીમાં હમણાં તાજેતરમાં આવા માનવસર્જિત હવાના પોલ્યુશને ઇન્ટરનેશનલ ન્યુઝમાં સ્થાન લીધું ! સન્ખ્યાબંધ અકસ્માતો સર્જાયા અને દિલ્હીની જનતાનો રોજિંદો વ્યવહાર દિવસો સુધી ખોરવાઈ ગયો ! કૈક જાનહાનિ પણ થઈ ,ઇમરજન્સી જેવી પરિસ્થિતિ સર્જાઈ !
અચાનક આવું કેવી રીતે બન્યું ?
એકવાર અમે દિલ્હીથી હરદ્વાર જવાં નીકળ્યા’તાં. પણ બપોરે નીકળવાને બદલે જરા મોડું થઇગયું ને તડકો જતો રહ્યો ! ને પછી તો જવું જ અશક્ય થઇ ગયું ! ના , ટ્રાફિક જામ નહોતો ; પણ ભયંકર ધુમ્મ્સ -ફોગના લીધે રસ્તા ઉપર એક હાથ આગળ જોવું પણ મુશ્કેલ હતું ! અમારી ગાડીની હેડ લાઇટમાં આગળની ગાડીની ટેઈલ લાઈટ નાનકડી મીણબત્તી જેવી ઝાંખી દેખાતી હતી ! આજુબાજુ પણ કાંઈ જ દેખાતું નહોતું ! ચારે બાજુએ ઘેરું ધુમ્મ્સ ઉતરી આવ્યું હતું! ઘડી ભર તો એમ લાગ્યું કે અમે વાદળોમાં ઉડી રહ્યાં છીએ! ચારે બાજુએ ઘેરાં વાદળથી જાણેકે આસપાસ કાંઈજ દેખાતું નહોતું !
પણ વહેલી સવારે હિમાલયની તળેટીમાં દેખાતું ધુમ્મસ અને આ ઘેરું પ્રદૂષણયુક્ત ધુમ્મસમા ઘણો ફેર હતો ! કોઈ સુંદર સ્વચ્છ ખુશનુમા સવારે શિયાળાની ઠંડીને લીધે હવા ની અંદર રહેલો ભેજ થીજી જાય તેને ધુમ્મસ કહેવાય ; પણ ડીઝલ પટ્રોલ અને અન્ય ખનીજ તત્વોના કચરાના બળવાથી ઉત્પ્ન્ન થયેલ વાયુઓના થીજી જવાને સ્મૉગ કહેવાય ! ફોગ હાનિકારક નથી કારણકે એ પ્રદૂષણથી નથી ઉભું થતું , એટલે એ તંદુરસ્ત માણસને નુકશાનકારક નથી( હા , ફેફસાના દર્દીજેઓને ભેજવાળી હવા સદતી નથી તેમની વાત અલગ છે ) પણ સ્મૉગએ શ્વાશમાટે હાનિકારકછે. જરા તરા રજકણો હોય તો એ સમજી શકાય પણ જયા હવામાં અનેક જાતના પ્રદૂષણો ભળે તો તંદુરસ્ત માણસ પણ શું કરે ?
અને એવું , કુદરત સાથે અડપલું કોણ કરે છે?
આ પ્રશ્ન માત્ર દિલ્હીનો નથી! વિકસતા દેશોમાં ઇન્ડસ્ટરીલાઈઝેશન ને કારણે આપણે માનવીએ કુદરતની ઇકો સિસ્ટ્મ સાથે પણ અડપલાં કરવા માંડ્યાં છે!
ભગવાને આપણને જીવવા પ્રાણવાયુની જરૂરિયાત આપી છે ! આપણું જીવન ટકાવી રાખવા આ વાયુ મહત્વનો છે અને એટલે જ તો એ ઓક્સિજન વાયુને આપણે પ્રાણ વાયુ કહીએ છીએ આપણે શ્વાસમાં પ્રાણવાયુ લઈ અંગારવાયુ બહાર કાઢીએ . વનસ્પતિ – ઝાડવાં જન્ગલો આ અંગારવાયુ લઈ આપણને પ્રાણવાયુ આપે ! આ થઈ ઇકો સિસ્ટમ ! ઇકો સિસ્ટમ એટલે કુદરતી રીતે જ કુદરતનું સચવાઈ રહેવું ! તળાવના પાણી પર સૂર્યનો તડકો પડે અને એ પાણીમાં ધીમે ધીમે લીલ અને સેવાળ ઉત્પ્પન થાય , એ તળાવમાં નાની નાની જીવાત થાય ને તેમાં માછલીઓ થાય , મગર પણ થાય.. મગર માછલીઓ ખાઈ ને જીવે , માછલી પેલી જીવાત ખાય , જીવાત સેવાળ પર જીવતી હોય.. પાણી પર સૂર્યનો તડકો પડે પાણીમાં લીલ અને સેવાળ ઉત્પ્પન થાય ………તો આ થઈ ઇકો સિસ્ટમ!
પણ માણસે ઝાડ કાપ્યાં ને જન્ગલો ગયાં !જંગલ ઓછાં થતાં ગયાં તે સાથે વરસાદ ઘટ્યો ! જન્ગલ ગયાં એટલે જમીન ખુલ્લી થઇ ગઈ ! ખુલ્લી જમીનોમાં રેતી ઉડે , માટી ઉડે , જે થોડો વરસાદ પડે તેમાં જમીનનું ધોવાણ વધ્યું ! પ્રદુષણ વધ્યું ને એનાં શુધ્ધિકરના પરિબળો ઘટ્યા ! આ તો આપણે જ આપણા પગ પર કુહાડો મારીએ છીએ !
આપણે પ્રગતિ કરવી છે ! આપણે દેશનું અર્થતંત્ર મજબૂત કરવા ઇન્ડસ્ટરીલાઈઝેશન કરવું છે. પણ વિકાસ માટે નિકાસ વધારવાના ઉત્સાહમાં આડ અસરોનો ખ્યાલ રાખવો પણ જરૂરી છે. બે દાયકા પહેલા ચીનમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી
જો કે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઓઇલ ઉત્પાદન શરૂ કર્યું તે પૂર્વે હજ્જારો એકરના વિસ્તારોમાં વૃક્ષઓનું વાવેતર કરાવ્યું છે જે નજરે જોવાનો લાભ મળ્યો છે. જે પેટ્રોલ અને ખનીજ ધરતીમાંથી બહાર આવે કે જેબધા વોલેટાઇલ ગેસ હતા – એટલે કે એ બધું બાષ્પીભવન થઈ ને હવામાં ભળી જઈને પ્રદુષણ ઉભું કરે તેવા ; એ રસાયણો – કેમિકલ્સ – જેનું ઉત્પાદન, સ્ટોરેજ અને વહેંચણી એ બધું જે માત્રામાં હવાને પ્રદુષિત કરે તેને શુદ્ધ કરવા જરૂરીમાત્રામાં વૃક્ષઓ વાવ્યા . તાજા ફળ આપે તેવા ઝાડ પાન અને બગીચા બનાવડાવ્યા !

આમ જોવા જઈએ તો માણસે હવાને પ્રદુષિત કરી છેતેમ ખોરાકમાં પણ એટલાજ જિનેટિકલી ઓલ્ટર કરીને અથવા તો કેમિકલ વાપરીને ઉગાડવામાં આવતાં અનાજ , શાક ભાજી -કેટલી જગ્યાએ આપણે , કોને કોને રોકીશું ?
જો વિકસતા દેશો ગરીબાઈને કારણે જન્ગલના ઝાડ કાપીને બળતણ માટે વાપરે છે અને જમીનનું ધોવાણ થાય છે ; તો વિકસેલા દેશો ડિસ્પોઝેબલ વસ્તુઓ વાપરીને ફેંકી દેવાય તેવી પેપર પ્રોડક્ટ માટે એ ઝાડના લાકડાનો ઉપયોગ કરે છે! આમ ધરતીપર આવા પ્રદૂષણો ઉભા થતા જ રહે છે! પ્લાસ્ટિકનો કચરો કે કેમિકલ વેસ્ટ આખરે આ બધો કચરો ધરતીમાં જ દાટવાનો ને ? એટલે આમ જોવા જઈએ તો હવા , પાણી, ખોરાક , આસમાન અને ધરતી બધે માનવી બેજવાબદાર બનીને રહે છે
દિલ્હીનું પ્રદુષણ એ તો એક માત્ર પાણી ઉપર દેખાતી ટીપ છે, નીચે તો મોટો પહાડ ડૂબેલો પડ્યો છે!
આવું કેમ ? જો આપણે આમ સાવ બેદરકાર બનીને આ સૃષ્ટિને વિજ્ઞાનની પ્રગતિને નામે અવિચારી બનીને બગાડશું તો આપણા પછીની પાંચમી પેઢી સુધીમાં તો ઘણી બધી વસ્તુઓ એક સ્વપ્નું બની જશે ! આજે જેમ ડાયનોસોર એ ઇતિહાસની વાર્તા બનીગયાં છે ,અમુક મિલિયન વર્ષ પહેલાં ડાયનોસોર અહીં પૃથ્વી પર હતા પણ આજે તો માત્ર તેના અવશેષો જ બચ્યા છે , તેમ અલાસ્કાના ગ્લેશ્યરસ અને આઇસબર્ગ – હિમશીલા પણ આવા જ કોઈ ગ્લોબલ વોર્મિંગ ને કારણે ભૂતકાળ બની જશે , જો આપણે ચેતસું નહીં તો!અને જાણ્યે અજાણ્યે માનવ સૃષ્ટિ અને પ્રાણી જગતમાં આફત નોતરીશું
આવું કેમ? કેમ માણસ પ્રગતિની દોડમાં આંધળુકિયા કરીને પોતાનો જ વિનાશ નોંતરે છે?વિજ્ઞાનિક રીતે સિદ્ધ થયું છેકે મની વેલ અને ફર્ન જેવા ચાર છોડ એક ઘરમાં રાખવાથી બે વ્યક્તિને જરૂરી શુદ્ધ ઓક્સિજન મળી રહે છે. તો ઓક્સિજનની જેને ખાસ જરૂર છે તે ઘરમાં છોડવા ઉછેરે તોકેવું ?
અને જ્યાં પ્રદૂષણનો પ્રશ્ન ઘણો ગમ્ભીર છેતેવા વિસ્તારોમાં ઝાડ પાન વાવી ધરતીને ફરી સમૃદ્ધ કરીએ તોકેવું ?
અને વિકસિત દેશોમાં જ્યાં મબલખ ખાવ પીવાનું મળી રહેછે ત્યાં કેમઓર્ગેનિક નેચરલ શાકભાજી વધારે પ્રમાણમાં નથી ઉગાડવામાં આવતાં? વધુ પ્રાપ્ત કરવાની દોડમાં , વિકાસને નામે , પ્રગતિ કરવા હરણફાળ ભરતા આપણે કેમ કુદરત સાથે ચેડાં કરીએ છીએ ?
હું પૂછું છું આવું કેમ?

૬-આવું કેમ? : ચાલો , સાચી રીતે થેંક્સગિવિંગ ડે ઉજવીએ !

બેંકના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અમે અંદર પ્રવેશ્યાં તો બેંકની લોબીમાં ઝાઝી બધી ગીર્દી જોઈને થયું કે કોઈ પાર્ટી ચાલે છે કે શું ! પણ પછી નિરીક્ષણ કર્યું : મોટા મોટા ખોખામાં લોકો જાત જાતના સૂપ , ટામેટા સોસ , વેજીટેબલ વગેરેના કેન અને બીજા મોટા બોક્સમાં સિરિયલ , કુકી , જાત જાતના બિસ્કિટ , ક્રેકર્સ વગેરેના બોકસ મૂકતાં હતાં! દૂરના એક ખૂણામાં કોટ , સ્વેટર વગેરે અને નવાં રમકડાઓનો ઢગલો થતો હતો ! હા , અમેરિકાનો સૌથી મોટા તહેવાર ક્રિસમસ ખરો , પણ નવેમ્બર મહિનાનો ચોથો ગુરુવાર તે થેંક્સગિવિંગ , એની ઉજવણીની શરૂઆત આજથી આ અઠવાડિયાથી થતી હતી ! અમારાં નેબરહૂડની આ બેંકે ડોનેશન સેન્ટર ચાલુ કર્યું હતું જેમાં ગરીબો માટે , વૃદ્ધો માટે અને સરહદ પર રક્ષા કરતા સૈનિકો માટે ચીજ વસ્તુઓનું કલેક્શન થતું હતું અને એટલે એની આ ગીર્દી હતી !

થેંક્સગિવિંગ એટલે થેંક્યુ કહેવાનું ! મૂળમાં આ તહેવાર યુરોપમાં ક્રિસ્ચન ઉજવે એટલે ધાર્મિક , પણ પછી અમેરિકામાં એ પિલગ્રિમો આવ્યા પછી સામાજિક તહેવાર બની ગયો અને છેલ્લી સદીમાં રાષ્ટ્રીય તહેવારનો દરજ્જો મળ્યો ! ઇમિગ્રન્ટ્સ – પરદેશથી -યુરોપથી -આવીને વસેલા પાંચેક સદી પહેલા. આ નવાં વસાહતીઓને અહીંની મૂળ રેડ ઇન્ડિયન પ્રજાએ ( થોડા સંઘર્ષ પછી) આવકાર્યાં તેની ઉજવણી ! વળી આ ઋતુમાં જે નવો પાક ઉભો થતો તે નવી ફસલને કૃતજ્ઞતાપૂર્વક ભગવાનને ધરાવી અને ભગવાનને થેંક્યુ કહ્યું તે દિવ્યભાવ પણ ખરો જ!
અને જો તમે અમેરિકાના નોર્થ ઇસ્ટ – ઈશાન ખૂણામાં રહેતા હોવ તો ત્યાં આ બધાં તહેવારો ઝાઝા ઉત્સાહથી ઉજવાતા જણાય કારણકે ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય ,ઘરમાં હીટરથી ગરમાવો રાખવો પડતો હોય ને ધીમે ધીમે પશુ પંખી સાથે માણસેય હાઈબરનેશન તરફ -ઘરમાં ગોંધાઈ રહેવા તરફ -વળતો હોય ત્યારે આ તહેવાર રંગ લાવી દે અને ફેમિલી સાથે ઉજવવાની ટ્રેડીશન – શુક્રવારે રજા લઈ લો તો સળંગ ચાર દિવસનું વેકેશન મળે !

બસ , આ જ ઉત્સાહ અને ઉમદા વિચારે બેંકમાં આટલી બધી ભીડ હતી! અચાનક એ લાંબી લાઈનમાં ઉભેલ એક પાંચેક વર્ષના બાળક અને તેની માં પર દ્રષ્ટિ પડી ! કદાચ- એ બેનને હું ઓળખું છું ..નજીકના ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં એ વેઈટ્રેસ્ટ તરીકે કામ કરેછે! તદ્દન સામાન્ય નોકરી કરે છે. એકલે હાથે દીકરાને ઉછેરે છે!

” I think I know you ! Are you મેગ્ડાલિયા? “મેં પૂછ્યું .

” હા” એણે જવાબ આપ્યો . એના દીકરા વિક્ટરે મને એના હાથમાં પકડેલી પ્લાસ્ટિકની ગિફ્ટ બેગ – જેમાં રમકડાંઓ હતાં -બતાવીને કહ્યું,” જુઓ આ બધું કોઈ જરૂરિયાતવાળા ગરીબ છોકરાઓ માટે છે!” એનાં મોં પર દિવ્યતા હતી! કોઈને માટે કાંઈક કરવાનો સંતોષ હતો. કોઈ ઉમદા કાર્યમાં પોતે પણ ભાગ લેછે તેનું ગૌરવ હતું .
અને મને વિચાર આવ્યો : મારાં દેશવાસીઓનો ! વસુધૈવકુંટુંમ્બક્મની ભાવના આપણી સંસ્કૃતિમાં છે જ! આપણે ત્યાં સોશ્યલ સિક્યોરિટી જેવી સરકારી સહાય નથી અને છતાંયે મોટાભાગના કુટુંબમાં ઘરડાં માં બાપ ગમે તેવા મધ્યમ વર્ગના દીકરાને ત્યાં પોસાય છે જ. દાનવીર કર્ણથી માંડી ભામાશા અને વસ્તુપાલ તેજપાલ બધા આપણા દેશમાં જ થઇ ગયા ! અરે માનવતાના કિસ્સાઓ આપણા દેશમાં ચોરે ને ચૌટે જોવા મળે !
પણ આ દેશમાં આવીને જાણે કે ઘણું બધું ભુલાઈ ગયું છે! ” અમારી પાસે કાંઈ નથી , બબ્બે જોબો કરીને અમારું જ અમે માંડ માંડ પૂરું કરીએ છીએ! ” અથવા “અમે ગરીબ છીએ ” એમ પોતાની જાતને અસહાય સમજતાં અથવા તો ” આ બધું એ લોકોને શોભે ; આપણે નહિ લેવા કે દેવા ; આપણે ભલાં ને આપણું કામ ભલું ” એમ બિનજવાબદાર વિધાન કરતાં આપણે ,ક્યારે કોઈને માટે કાંઈક કરવાની ભાવના કેળવશું ? જો કે બધાજ એવું કરે છે એમ કહેવાનો આશય નથી  પણ આપણા દેશમાં રહેતાં ત્યારે તો જાણે અજાણે ય થોડું દાન ધરમ થતું પણ અહીંયા આવીને એ બધું ભૂલી જનાર નવી પેઢી નથી પણ કદાચ સિનિયર પેઢી વધારે છે !
આવું કેવું ?

આપણે આ દેશના લાભ લઈએ ,તે વખતે આપણે આપણી જાતને અમેરિકન ગણાવીએ  પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવાના સમયે આપણે આપણી જાતને પરદેશી ગણીએ ! કોઈ પણ પ્રકારના લાભ લેવાના હોય તો તેમાં આપણે પહેલાં , પણ જયારે કશુંક ઘસવાનું આવે ત્યારે આપણે અહીંની લોકલ પ્રજાથી જુદા પડીને આપણને બહારની વ્યક્તિ તરીકે ખપાવીએ ! એવું કેમ ? આપણા પાડોશમાં જો કોઈ ઉમદા કાર્ય થતું હોય તો આપણે કેમ ફાળો નથી આપતાં? ઇતિહાસ પાસેથી આપણે કાંઈ શીખીએ : કોઈ એવાજ કારણે પાંચ દાયકા પૂર્વે ઈદી અમીનના યુગાન્ડામાંથી ગુજરાતીઓને દેશ છોડવો પડેલ !
આપણી ખરી પહેચાણ તો દિવ્ય છે !
ખાવું પીવું ટેસથી રહેવું , થોડાંમાંથી કૈક બચાવવું!
આમિર દિલમાં દયાની સાથે થોડું દાન ધર્મ પણ કરવું !
દાણો પાણી હોય -નહોય પણ અતિથિથી હરખાવાનું !
દુઃખને પણ ગરબામાં ગાઇ જાય , એ ગુર્જરનું સરનામું !
તો એવા ગુર્જર કેમ ના બનીએ ?

જયારે આપણે સમાજના કોઈ અજાણ્યા જરૂરિયાતવાળા વર્ગ કે વ્યક્તિ માટે નિસ્વાર્થભાવે કરીએ છીએ ,કોઈને કાંઈક આપીએ છીએ ત્યારે આપણાં સંતાન પણ એ જુએ છે અને તેમના ઉપર સારી છાપ પડેછે ,સારી ટેવ પડે છે. સામેવાળી વ્યક્તિને નીચી બનાવ્યા વિના જયારે ઉદાત્ત ભાવનાથી અપાય છે ત્યારે આપનારનું જીવન પણ ઉર્ધ્વગામી બને છે!

એક વખત અકસ્માતમાં આંખ ગુમાવનાર વ્યક્તિએ દુઃખ પચાવતા કહ્યું ;” હા , મેં આંખ જરૂર ગુમાવી છે; પણ જ્યાં સુધી મારી પાસે જીવનદ્રષ્ટિ છે ત્યાં સુધી હું દુઃખી નથી!”
તો પ્રશ્ન છે: આવું કેમ?

થેંક્સગિવિંગ તહેવારની પાર્ટીઓ કરીએ છીએ સારું સારું ખાવું પીવું , પોતાની વ્યક્તિઓ માટે ગિફ્ટ ખરીદવી : જો કે આ બધું પણ ખાસ મહત્વનું છે – તેના વિના ઉજવણીમાં આનંદ નથી પણ – પણ અજાણ વ્યક્તિ માટે કંઈક કરી ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતાની ભાવના ભૂલી જઈએ છીએ!

આ દેશના સારા ફળ માણવા છે પણ માનવતાનો ધર્મ ભૂલી જઈએ છીએ! આપણા હક્ક યાદ છે પણ ફરજ ભૂલીએ છીએ!

આવું કેમ?

5-આવું કેમ ? : અમે તો ભાઈ એન .આર. આઈ! -ગીતા ભટ્ટ

ચાલો , આજે વાત કરીએ આપણાં N.R.I. ભારતીય પ્રવાસી દેશબન્ધુઓની !
હજુ તો ઠન્ડીની શરૂઆત થઇ – ના થઇ ને આપણાં પ્રવાસપ્રિય બન્ધુઓ શિયાળો માણવા ઉડ્યા દેશ ભણી : જેમ સમરની શરૂઆત થાય ને ત્યાં દેશમાંથી બધાં વેકેશન ગાળવા અહીં આવે તેમ !
આ જુઓ આપણાં સઁજયભાઈને !
શિકાગો આવેલાં એમના મહેમાનોને કેવી કાળજીથી લેક મિશિગન અને શિકાગો ડાઉન ટાઉન બતાવવા નીકળ્યા છે ! ” આ એક વખતનું દુનિયાનું ઊંચામાંઊંચું બિલ્ડીંગ સીયર્સ ટાવર છે!”
” ગાડી ઉભી રાખો ! ” મહેમાનોએ ઉત્સાહમાં આવી અધીરાઈથી કહ્યું ,” અમારે ફોટા પાડવા છે!”
અમેરિકા આવેલાં આ મહેમાનોને થોડા સમયમાં ઝાઝું જોઈ લેવું છે, પૈસા વસુલ કરવા છે. યજમાન સઁજયભાઈ બહુ શાંતિથી મહેમાનોને સમજાવે છે કે ભાઈ! આમ રસ્તામાં જ્યાં ત્યાં ગાડી ઉભી ના રખાય ! આપણે સભ્યતા અને નીતિ નિયમનો ખ્યાલ રાખવો જોઈએ !
” જુઓ, હું ગાડી ત્યાં પેલી ગલીના નાકે ઉભી રાખું એટલે તમે ઉતરી જજો ! ” સઁજયભાઈ યાદ કરીને મહેમાનોને હાથમાં કેમેરા આપે છે. ઠન્ડી અને વિન્ડી છે એટલે જેકેટ ને ટોપી મોજાં ને સ્કાર્ફ પહેરવા સૂચન કરે છે. સાથે થેપલાં અને અથાણું , ને પેપરનેપકિન પણ ભૂલ્યા વિના આપે છે! ” અને જોજો હોં, કચરો જ્યાંત્યાં ફેંકશો નહીં ” એ મહેમાનોને સમજાવે છે;” રસ્તો પેલા ઝીબ્રા ક્રોસિંગ પાસેથી જ ઓળંગજો ! ફુટપાટ પર જ ચાલજો !” સઁજયભાઈ નીતિ નિયમોનું સન્માન કરેછે , સ્વચ્છતાના આગ્રહી છે. ગાડીની બાજુમાંથી કોઈ ક્રોસિંગ ગાર્ડ પસાર થાય છે તેની સામે પણ સ્મિત કરેછે; સઁજયભાઈ માણસનું ગૌરવ કરે છે!
હવે એ સઁજયભાઈ દેશમાં આવે છે !
માતૃભૂમિના એ મહેમાન બન્યા છે!
એરપોર્ટ પર ઉતરતાની સાથેજ એમને લેવા આવેલ ડ્રાયવરને બુમપડી બોલાવે છે! તેની સાથે મદદકરવા આવેલ નોકર (?) ને પણ ધમકાવી નાખે છે;” અરે જો, આ મારી મોંઘી સેમ્સનગની બેગ છે! જરા સાચવીને ઉપાડ !” એ કહે છે; આ બધો સામાન ટ્રોલીમાં છેક પાર્કિંગ સુધી લઇ જવાને બદલે ગાડી અહીંયા જ લઈ એવો!” એમણે અમેરિકન સ્ટાઇલ બ્લેઝર કોટ પહેરેલ હતો , અંગ્રેજી પણ ફાંકડું બોલતા હતા . ધરારથી ગાડી છેક એરપોર્ટના બિલ્ડીંગ સુધી મઁગાવી! ટ્રાફિક જામ થાય તો ભલે , પણ બેગ બિસ્તરા ટ્રંકમાં ચઢાવડાયાં પછી ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હોય તેમ વિજયનું સ્મિત વેર્યું . કોઈએ પાછળથી હોર્ન માર્યું એટલે એમણે ટ્રાફિકનું નિયમન કરનાર પોલિશને જ કહ્યું ;” ભાઈસાબ ! પેલા પાછળવાળાને કહો કે એટલા બધા પોલ્યુશનમાં વધારાનું અવાજનું પ્રદૂષણ તો કર મા! ક્યારે સુધરશે આ લોકો ?”
એમના કપડાંની ઢબ છબ અને બોલવાની રીત પર કોઈએ એમને કઈ પણ કહેવાનું ઉચિત માન્યું નહીં .
દેશમાં રહ્યા તે દરમ્યાન એમણે શાંતિથી બારીમાંથી ચાલુ ગાડીએ મકાઈ ડોડાના ઠૂંઠા , શેરડીના રસના ખાલી પેપર કપ ને અન્ય કચરો ફેંક્યા અને જયારે ત્યારે , જે તે દિશામાં , જેમતેમ વાહનો ચલાવવામાં પ્રોત્સાહન આપ્યું અને ગૌરવથી કહેતા રહ્યા;” નહીં સુધરે ! આ દેશ ક્યારેય નહીં સુધરે!”
-અને એમનું ઓલિમ્પિક ગોલ્ડમેડાલિસ્ટનું વિજયી સ્મિત !!
” ઉપરથી ભગવાન આવશેને તોયે આ દેશનો ઉદ્ધાર નહીં થાય ! જ્યાં સીત્તેર ટકા પ્રજા અભણ ને અબુધ છે ત્યાં પ્રગતિ ક્યાંથી થાય?” એમણે જાહેરાત કરી . ફ્લેટના ચોકીદારથી માંડી છાપાવાળા , ઇસ્ત્રીવાળો ધોબી , દુકાનદાર , બધામાં એમને અપ્રમાણિકતા ,છેતરપિંડી અને જુઠ્ઠાણું જ દેખાય !
આવું કેમ ?
જે આપણી માતૃભૂમિ છે, જેમાં આપણી સઁસ્કૃતિના મૂળિયાં જડાયેલાં છે, આજે આપણે જો ભગવાનની કૃપાથી બે પાંદડે થયા છીએ તો એ જન્મભૂમિ પ્રત્યે આપણી કાંઈ ફરજ ખરી કે ? જો નિયમોનું પાલન આ દેશમાં આપણે ગૌરવથી કરતાં હોઈએ તો ત્યાં આપણા દેશમાં એક સારું ઉદાહરણ પાડવાની આપણી ફરજ નથી ? હા , બધ્ધા જ એવું નથી કરતાં , સદ્દનસીબે !. આપણે જો અહીંયા થેંક્યુ સોરી કહીને સઁસ્કૃત સુધરેલામાં આપણી જાતને ખપાવતાં હોઈએ તો ત્યાં સામાન્ય ડ્રાયવર કે મહેનતુ વર્ગ પ્રત્યે પણ આભારની લાગણી બતાવીએ તો કેવું સારું? આ દેશનું કૈક સારું , ઉપયોગી આપણા દેશવાસીઓ – ભલે અભણ અજ્ઞાની હોય તો પણ તેઓ તરફ અનુકમ્પા રાખી એક ઉદાહરણ રૂપ કેમ બની શકતા નથી? માનવ જીવનનો અર્થ જ કોઈને માટે કરીછુંટવું એમ છે. પશુ પંખી પણ શ્વસે છે ,ખાય છે , પીએ છે, જીવે છે અને પછી મરી જાય છે ;પણ મનુષ્ય જ એકએવું બુદ્ધિજીવી પ્રાણી છે જે જીવનમાં પર્પઝ – અર્થ શોધે છે. કોઈને માટે કરી છૂટવાની ભાવના કેળવીએ તો કેવું ? કોઈ નાની વ્યક્તિને ઉતારી પડવાને બદલે એને એની મહેનત કે આવડત કે અન્ય કોઈલાગણીને બિરદાવી એના સ્વાભિમાનને સઁવારીએ તો? હા, વસ્તી ઘણી છે. પ્રશ્નો અનેક છે. મુશ્કેલીઓ પારાવાર છેઅને કદાચ આપણી પાસે દેશમાં ઝાઝું રહેવા માટેનો એટલો બધો સમય પણ નથી હોતો ,પણ-
મારાથી થાય શું , કદીના વિચારું !
શક્તિ બધી હું કામે લગાડું !
આખર સન્તાન સૂર્ય તેનું હું!
કોડિયું નાનું ભલેને હું!
થોડા સમયમાં પણ અને ઘણું કરીશકીએ તેમ છીએ : સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જવાય, ઘર આંગણે વૃક્ષ વાવીને ઉદાહરણ રૂપ બની શકાય , ત્યાં હોઈએ તે દરમ્યાન કોઈને અક્ષરજ્ઞાન આપી શકાય. અને કાંઈ જ ના કરીએ તોપણ એ નાના માણસોને આત્મ ગૌરવ તો જરૂર આપીએ !
ગાંધીજીના જીવનનો એક પ્રસન્ગ યાદ આવે છે: એ દિવસેગાંધીજી મુંબઈમાં જે યજમાનને ઘેર હતા ત્યાંના નોકર સાથે ગાંધીજીની સાથે આવેલા આશ્રમવાસીને કૈક બોલચાલ થઇ ગઈ . ગુસ્સામાં એમણે નોકર પર હાથ ઉગામ્યો . ગાંધીજીને વાતની ખબર પડી એટલે એમણે એ ભાઈને નોકરની. માફી માંગવા કહ્યું ,” બીજો કોઈ સમય હોત તો હું એનો આગ્રહ ના રાખત ; પણ આ ભાઈ નીચલા વર્ગમાંથી આવે છે. જે અસહાય છે તેનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે” દેશમાં જઈએ ત્યારે આપણે પણ આ વાત યાદરાખીએ તો?
તો નેક્ષ્ટ ટ્રીપમાં આ પાક્કું ને?
કેમ આપણે આપણા દેશમાં જઈને. આપણાજ ભાઈ ભાંડુ ને નીચા પાડીએ છીએ ? કેમ કોઈની મજબુરીનો લાભ ઉઠાવીએ છીએ? કેમ ટીકા કરીને જ સન્તોષ માનીએ છીએ? કેમ સર્જનાત્મક ક્રિટિસિઝમ નથી કરતાં?
હું પૂછું છું : આવું કેમ?

૪-આવું કેમ ? તુલસી વિવાહ!-ગીતા ભટ્ટ

ચાલો આજે તુલસીવિવાહ …લગ્નમાં જતાં હોઈએ તેવાં જ સુંદર સાડી સેલાં અને જરકસી જમા પહેરીને સૌ મંદિરના પ્રાંગણમાં પધારી રહ્યાં હતાં. શરણાઈના સુર અને મંત્રોચારથી વાતાવરણમાં પણ માંગલ્ય વર્તાતું હતું . જાણેકે કોઈ ભવ્ય લગ્નનો માહોલ હતો ! પણ હા  આજે અહીં કોઈ ના દીકરા દીકરીના લગ્ન નહોતા– કોઈ વર – કન્યાના લગ્ન નહીં પણ હિંદુ માઇથોલોજિ – માન્યતા પ્રમાણે શાલિગ્રામ સાથે તુલસીના વિવાહ હતા. જાણેકે દીકરી પરણાવવાનો લ્હાવો લેતાં હોય તેમ શહેરના પ્રતિષ્ઠિત ધનાઢ્યો હજ્જારો ડૉલરોનાં દાન આપી આ પ્રસંગના  યજમાન બન્યાં હતાં. હા , આ બધી રકમ મંદિર નિભાવવા,ચલાવવા,સંવારવા વિશાળ બનાવવા માટે પણ કામમાં આવશે !

તુલસીવિવાહનો પ્રસંગ પણ ધામધૂમથી ઉજવાયો!

કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી ઉજવાતા આ દિવસો ચાતુર્માસની પુર્ણાહુતી ગણાય છે . ભગવાન ચાર મહિના ઊંઘી ગયા હતા (?) ( એનીવાત ફરી ક્યારે ) તેમને જગાડીને ખેતરની નવી ફસલ અર્પણ કરવામાં આવે, હવે શુભ લગ્ન વગેરેના મુહર્ત નીકળી શકે .. પણ આ બધું તો પરંપરાગત છે સાથે સાથે સમાજને ઉપયોગી, એન્વાયરમેન્ટને – વાતાવરણને ઉપયોગી સમયોચિત કાંઈક નવું વિચારીએ તો કેવું?

જમાનો બદલાઈ રહ્યો છે ..અને નવી પેઢીને રસ પડે અને બુદ્ધિગમ્ય બને તે રીતે તહેવારોની ઉજવણીમાં નાવિન્ય લાવીએ તો કેવું ?

બીજી ખાસ વાત કે તુલસીવિવાહનું હિંદુ ધર્મમાં જેટલું મહત્ત્વ છે એટલું જ આયુર્વેદમાં તુલસીના છોડનું મહત્ત્વ છે! હિંદુઓમાં તુલીસીનો છોડ પવિત્ર માનવામાં આવેછે. તુલસી વિવાહ પ્રસંગે ઉપયોગમાં લેવાતી તુલસીને માંજર હોવી જરૂરી મનાય છે કારણકે એ પક્વ છોડ ગણાય છે. આ રીતે બાળ છોડવાનો પણ નિષેધ કર્યો છે! કેટલો મોટો સંદેશ…

આયુર્વેદમાં કાળી તુલસી વધુ મહત્વની છે, કારણ કે એમાં ઔષધિય ગુણો છે. તો આ દિવસે એક તુલસીનો છોડ બધા વાવીએ કે બીજા કોઈ વૃક્ષારોપણનો સંકલ્પ કરીએ તો કેવું ? વૃક્ષમાં વાસુદેવ એ ભાવના તો આપણામાં છે જ. હવે એ વૃત્તિને કૃતિમાં અનુસરીએ,તુલીસીનો છોડ બધાને ભેટ આપીએ તો કેમ ?

નવી પેઢીને બુદ્ધિગમ્ય રીતે આખા પ્રસંગનું મહત્વ સમજાવી શકાય કે : સાગરમાંથી ઉત્પન્ન થયેલ લક્ષ્મીજીએ સમુદ્રમાંથી ઉદ્ધભવેલ જલંધરને સહોદર ગણીને પોતાને ઘેર નોતર્યો  પણ બેન બનેવીનો વૈભવ જોઈને દાનવકુળનો જલંધર વધારે બેકાબુ બન્યો ને બેનની સખી પાર્વતી પર પણ કુદ્રષ્ટિ કરી.પાર્વતી તો બચી ગઈ પણ શંકર એની સામે યુદ્ધે ચડ્ઢાયા પણ જલંધરની પત્ની વૃંદા વિષ્ણુની પરમ ભક્ત અને પતિવ્રતા હોવાથી જલંધરને શંકર હણી શકવા અસમર્થ હતા. છેવટે વિષ્ણુજી યુક્તિથી વૃંદાનું પતિવ્રતાપણું ભગ્ન કરે છે. જલંધર હણાય છે, પોતે સતી થાય છે ને વિષ્ણુને શ્રાપ આપીને પથ્થર કરી દે છે..

અર્થાત , પતિવ્રતા હોવું પૂરતું નથી , પતિ ખોટા માર્ગે હોય તો તેને વાળવો જોઈએ નહીતો ભગવાનને પથ્થર બનવાની સજા લઈને પણ એ કામ કરવું પડશે અને ભાઈ પણ જો ખોટા માર્ગે જતો હોય તો બેને માત્ર દુઃખ કરીને બેસી રહેવાને બદલે ભાઈને સાચા માર્ગે લાવવા પ્રયત્ન કરવા જોઈએ ;નહીતો આખા કુટુંબની શાંતિ હણાઈ જઈ શકે છે .પણ હા, ભક્તની સાચી ભક્તિ બદલ વિષ્ણુ વૃંદાને તુલસી સ્વરૂપે અમર કરી દે છે અને પથ્થર સ્વરૂપે -શાલિગ્રામ સ્વરૂપે -એની સાથે વિવાહ કરેછે..

હા , સાચી ભક્તિ બદલ ભગવાન ફળ જરૂર આપશે , જે વૃંદાને તુલસી સ્વરૂપે મળ્યું !

ભક્તિ સાથે સારાસારનો વિવેક કેળવવાનો આ દિવસ છે .

સ્ત્રીનું ગૌરવ કરવાનો આ દિવસ છે !

અને એ જો રૂઠશે તો ભગવાનને પણ શ્રાપ આપવાને શક્તિમાન છે એ સમજવાનો દિવસ છે!

તો શાલિગ્રામ પથ્થરનું પણ એક મહત્વ છે . એ પણ કોઈ સામાન્ય પથ્થર નથી . અમુક નદીના કિનારેથી ( આજે જ્યાં હિમાલય છે ત્યાં પહેલા દરિયો હતો તેના કિનારે મળતા પથ્થર હાલની હિમાલયમાંથી નીકળતી નદીઓને કિનારે ક્યારેક મળે) પ્રાપ્ત થતો આ પથ્થર : તો આ દિવસે નદીઓના કિનારા સાફ કરવાનો અભિગમ અપનાવીએ તો કેવું ?

તો

તુલસી વિવાહની ઉજવણીમાં સુંદર વસ્ત્રો પરિધાન કરી મ્હાલવા સાથે થોડું સમાજોપયોગી વલણ અપનાવીએ તો કેવું ?કોઈ ગરીબ કન્યાને પરણાવવા કે સામાન્ય વર્ગના યુવાનને લગ્નના ખર્ચમાં મદદ કરીએ તો કેવું ?

એક પતિવ્રતા સ્ત્રી વૃંદાના ગુણગાન ગાયાં પણ સ્ત્રી પર જ્યાં ત્યાં થતાં અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો ?

કેટલી સ્ત્રીઓનું ગૌરવ કર્યું આપણે?

કેટલી સમજણ કેળવી આપણે?

કેટલાં વૃક્ષ વાવ્યાં આપણે? કેટલાં તુલસીના છોડ વાવ્યાં અને વહેંચ્યા આપણે?

કેટલી નદીઓને સ્વચ્છ કરી આપણે?

શું માત્ર થોડા સઁસ્કૃતના શ્લોકોબોલીને જ ઉજવણી પુરી કરીશું ?

શું નવી પેઢી આ સ્વીકારશે ?

આજના જમાનામાં પણ બસ આ જ ચીલાચાલુ વર્તન ? આવું કેમ ?

૩-આવું કેમ ? પાનખરમાં પ્રેતાત્મા નો ઉત્સવ -ગીતા ભટ્ટ

ભય …પણ એક દિવસ નિર્ભય –  ભય ફોબિયા દુર કરવાનો ઉત્સવ હેલોવીન 

રાતનો સમય.. સુસવાટા સાથે પવન.. અંધારું ઘોર,..રાક્ષસોના બિહામણા અવાજ, લોહી નીતરતો હાથ, અંધાર કોટડી …ભયથી છળી મરે એવાં ભૂખ્યાં વરુના મોંઢા…વિચિત્ર મોટા નખવાળા રાક્ષસોના લોહી નીતરતા અડધા શરીર ..કબ્રસ્તાન અને જાગેલા મડદાં, આ ભયાનક મુખાકૃતિવાળા પમ્પ્કિન અને બિહામણાં માણસોનું એક ટોળું  ?..એમાં એક ચૂડેલ નજદીક આવે ઘરની બેલ મારે અને બોલે  ટ્રિક કે ટ્રીટ…? ડર લાગે ટ્રીટ બોલશું તો આ ભુતડા ખાઈ જશે ……અને સૌ હસી પડે…ભય નો સ્વીકાર …

મિત્રો આજ હેલોવીન મજા… એક અનોખો અનુભવ,આજે સાંજે જો તમે અમેરિકાની શેરીઓમાં ચાલવા નીકળશો તો ચારે બાજુએ ભૂત – પ્રેતનાં પૂતળાંઓ લટક્તાં દેખાશે ! કોઈએ આંગણામાં હાડપિંંજર લટકાવ્યું હશે , તો કોઈ એ બારણે ખોપરીનું તોરણ લટકાવ્યું હશે! કોઈ પહેલી જ વાર અમેરિકા આવ્યું હોય એ તો ડરી જ જાય આવાં દ્રશ્યો જોઈ ને !આ સુધરેલા ગણાતા ભણેલ ગણેલ દેશમાંયે , કોઈ આદિવાસી સમાજમાં ઉજવાતો હોય તેવો ભુતડાની જમાતનો ઉત્સવ ?

કંઈક બે હજાર વર્ષ પૂર્વે ઇંગ્લેન્ડ – આયર્લેન્ડ વિસ્તારની સેલ્ટીક પ્રજા પાનખર ઋતુનો અંત ‘સેમહાઈન  ઉજવે. નવા આવેલા શાકભાજીને વધાવે . પાનખર અને શિયાળાના કાતિલ ઠંડીના દિવસોમાં પૃથ્વી અને ભૂતલોક વચ્ચેની સીમા નબળી પડતાં ભૂત પ્રેત પૃથ્વી પર ઉતરી આવે તેવી માન્યતા .  રોમન ધર્મગુરુઓ ‘ બધાં સંતોનો દિવસ ‘ All Hallows’ Day આ જ દિવસે ઉજવે. અને બીજે દિવસે આવે તેમનું નવું વર્ષ ! ઉત્સવપ્રેમી અમેરિકનોએ તેને એક સુંદર ઉત્સવનું રૂપ આપ્યું : Two in one !બાળકો પણ ઘરે ઘરે કેન્ડી – ચોકલેટ લેવા સુંદર વેશભૂષા કરીને કૉસ્ટયૂમ પહેરીને જાય , નવા શાકભાજીની ફસલ થઈ હોય તેને કલાત્મક રીતે કોતરીને શણગારવામાં આવે, પમ્પ્કિન – કોળું વગેરેને કોતરીને અંદર દીવડાં મૂકે અને ઉત્સવની ઉજવણી થાય !

પ્રાચીન સેલ્ટો માનતા હતા કે 31મી ઓક્ટોબર સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હતી અને બિમારી કે પાકને નુકસાન પહોંચાડીને મૃતકો જીવતાં લોકો માટે સમસ્યાઓ સર્જતા હતા. તહેવારોમાં બોનફાયર્સ થાય છે, જેમાં કતલ કરાયેલા પ્રાણીઓના હાડકાં નાંખવામાં આવે છે.આ તહેવારોમાં પ્રેત આત્માઓને  રીઝવવાના પ્રયાસરૂપે પોષાકો અને મહોરાં પહેરવામાં આવે છે. હેલોવીનના ઇવ ટાણે પ્રાચીન સેલ્ટો મૃતકોની યાદમાં તેમની બારીની પાળી પર એક હાડપિંજર મુકતાં. યુરોપથી શરૂ થયેલા આ ફાનસો સૌ પહેલાં પમ્પ્કિનમાંથી કોતરવામાં આવ્યા હતા. માથુ શરીરનો સૌથી શક્તિશાળી હિસ્સો છે, જેમાં આત્મા અને જ્ઞાન આવેલા છે, એવું માનતા સેલ્ટો કોઈ પણ વહેમને ભગાડવા માટે વનસ્પતિના ‘માથા’નો ઉપયોગ કરતા હતા.  હજારો વર્ષ પહેલાં માનવી કુદરતનાં રહસ્યો સમજવા પ્રયત્ન કરતા. મૃત્યુ પછી શું એની કલ્પનામાં – મૃત્યુ, મૃતાત્મા અને જીવિત વ્યક્તિ સાથેના સંબંધોની શૃંખલાઓ સમજવા પ્રયત્ન થતા હતા.

આપણે ત્યાં દેશમાં કોઈ ‘ બુરી નજરવાલે તેરા મુંહ કાલા ‘ લખીને લીંબુ – મરચાનાં તોરણ લટકાવાનો ઉત્સવ મનાવે  તો આપણે એને શું કહીએ ?

નરી અંધશ્રદ્ધા જ કહેવાય ને !

તો ચાલો જોઈએ કે હેલોવીનની આસપાસ ઉભી થયેલી કલ્પનાસૃષ્ટિ મુખ્યત્વે કઈ  બાબતોને આભારી છે. એક તો હેલોવીન મોસમ પોતે, જેમાં પ્રતિકવાદને પ્રેરણા છે.જેમકે પાનખરની મોસમના તત્વો, જેવા કે કોળા, મકાઈ કુશ્કી, અને ચાડિયો પણ પ્રચલિત છે. હેલોવીનના દિવસોમાં ઘરોને આ પ્રકારના પ્રતિકોથી શણગારવામાં આવે છે. હેલોવીન સાથે બે મુખ્ય રંગો સંકળાયેલા છેઃ નારંગી અને કાળો. ત્યાર પછી ગોથિક અને ભયના સાહિત્યિક સર્જનો પણ અહી વણાયેલા છે .હેલોવીન કલ્પનાસૃષ્ટિમાં મૃત્યુ, અનિષ્ટ, ગૂઢવિદ્યા, જાદુ, કે પુરાણકથાના રાક્ષસોને પ્રયોજવાનું વલણ હોય છે.આજના યુગમાં અમેરિકામાં ધામધૂમથી ઉજવાતો આ સામાજિક ઉત્સવ  છે પણ એનાં બીજ યુરોપમાં ચર્ચના પાદરીઓના ધાર્મિક રૂઢિ રિવાજોમાં જન્મેલા છે. …

હવે પ્રશ્ન છે કે આ ઉત્સવમાં  શું માનવીના જીવનમાંથી ખરેખરે ભય પેસી રહ્યયો છે ?

કે નાના બાળકો થી માંડી બધા ભયને દુર કરી રહ્યા છે ?

આપણે ત્યાં વેદોમાં કહ્યું છે: આહાર, નિંદ્રા, મૈથુનઅને ભય પ્રાણી માત્રમાં રહેલાં છે. જીવિત પશુ સૃષ્ટિમાં એ ચારેયનું મહત્વ છે. જીવન વિકાસ માટે ક્યારેક ભયની પણ જરૂર છે: ભય વિનાનું જીવન રાવણ જેવું અહંકારી, ઉદ્ધત બની જઇ શકે છે.

હવે જુઓ આ નીચેનો આકડો ….

નેશનલ રિટેલ ફેડરેશનના અંદાજ મુજબ હેલોવીનનું ખર્ચ ગયા વર્ષે 8.4 બિલિયન ડોલર હતું, 

આ ઘટના માટે 17.1 કરોડથી વધુ અમેરિકનો ઉપસ્થિત રહ્યા હતા.

$350 million we spend on pet costumes

$2.2 billion we’re shelling out for candy, 

Halloween is our No. 1 day for wasting money on garbage.

જાણવા જેવી વાત અહી છે કે પ્રચંડ પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યામાં આ ઉત્સવનો સૌથી મોટો ફાળો છે.

મ્હોરા વપરાયેલ પ્લાસ્ટિકની ગુણવતા નું શું ?આરોગ્યની દ્રષ્ટિ પણ જોઈએ ને ! પર્યાવરણ સ્વાસ્થ્ય વિષે વિચારવું જોઈએને !

આવા ઉત્સવમાં સર્જનાત્મક વિચારસરણી લઇ આવીએ તો કેમ ? સાંસ્કૃતિક કળાનું પ્રદર્શન કરીએ તો કેમ ?

હોમમેઇડ કૉસ્ટ્યૂમ બનાવીએ તો કેમ ?

પ્રકૃતિના ઉત્સવ પણ  હજારો ડોલરના પમ્પ્કિન, કેન્ડી અને લાખો ડોલરના વેશનું વેચાણ….કે ખોટો ખર્ચ ?

મહોરા હેઠળ અસામાજિક તત્વોને પણ વેગ મળે છે.અછાજતા હિંસાત્મક બનાવો અને ડર ભાગવાને બદલે પેસી જતો ભય માટે કોણ જવાબદાર ?

શું માનવીની માનસિકતા બદલી શકે ખરા ?.અસામાજિક ભય ઓછા થાય ખરા ? કે ભૂત કે આત્મા ભગાડી શકાય ખરા ?

હવે તમે જ કહો આવું કેમ ?

ગીતા ભટ્ટ 

2-આવું કેમ -સાચી દિવાળી-ગીતા ભટ્ટ

સાચી દિવાળી

દિવાળી દર વર્ષની જેમ નૂતનવર્ષની શુભેચ્છાઓ અને દીપોત્સવી અભિનંદનના પ્રત્યેક ગ્રીટિંગ કાર્ડ અને ઈલોકટ્રોનિક મીડિયા મેસેજ મેળવ્યા ,ફટાકડાની આતશબાજી ,જાત જાતના દિવડાં, અને અન્નકૂટ  મસ મોટાં દર્શન !બસ દિવાળી આવી અને ગઈ.
હજારો વર્ષ પહેલાં ઋષિ મુનિઓએ દીપોત્સવીનો તહેવાર આપ્યો અને અર્થસભર વાત કરી હતી જે આજે આપણા સંસ્કાર રૂપે જીવીત છે માટે આજે પણ દીવડા પ્રગટાવીએ છીએ..

शुभं करोति कल्याणम् आरोग्यं धनसंपदा |
शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ||
दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः ।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते ॥                                                                              

અર્થ -“આ દીપની રોશની સંપત્તિવર્ધક અને આરોગ્યદાયક છે. મારા દુર્વિચારોનો નાશ કરે છે તેને મારા પ્રણામ. આ રોશની પરમ તત્ત્વ છે. સંપૂર્ણ માયાનો નાશ કરનાર શક્તિ છે. મારા બધા પાપોને નષ્ટ કરે છે. એને મારા પ્રણામ.
પણ આપણે એ હાર્દ કેમ ભૂલી ગયાં?  એ બધું રહી ગયું પોથીમાંનાં રીંગણાની જેમ – ચોપડીમાં જ!

અહીં અમેરિકામાં તો પરમીટ વિના ફટાકડા ફોડવાની મનાઈ છે. પરમીટ લઇ ફટાકડા ફોડ્યા અને લાખ્ખો રૂપિયાનો ધુમાડો કર્યો . કૈક કેટલાયે અકસ્માતો પણ સર્જાયા અને જાનહાનીઓ થયાના સમાચાર ઇન્ટરનેટ પર વાંચ્યા, કોઈના આંગણામાં કે ફળિયામાં થયેલ ફટાકડાની હોનારતના ફોટા અને વિડીયો જોઈને તો દિલ રડી ઉઠ્યું ! ગૂંગળામણ પણ અનુભવી.. હા આપણે તહેવારની ઉજવણીથી અજાણતાં જ પર્યાવરણને નુક્સાન પહોંચાડીએ છીએ. ફટાકડાથી ઉત્પન્ન થયેલ ધુમાડાને લીધે હવા શ્વાસ લેવા માટે ડેન્જર ઝોનમાં  આવી ગઈ, મનુષ્યની શ્રવણ ક્ષમતા 60 ડેસિબલ હોય છે. તેનાથી વધારે વિસ્ફોટ ક્ષમતાવાળા ફટાકડા કાનને નુક્સાન પહોંચાડે છે. કાનને રક્ષણ મળવું ખૂબ જ જરૂરી છે. સમજણ વિના માત્ર આનંદ માટે  હવામાં પણ પ્રદુષણ ઊભાં કરવાનો કોઈ અર્થ ખરો ?

નવા વર્ષે મંદિરોમાં આપણે મંદિરોમાં અન્નકૂટના લાઈનોમાં ઉભા રહી દર્શન કર્યા,પંચામૃતના અભિષેક કરી ઘી, દૂધ, દહીં, મધ ને સાકરના રેલા રેલાવવાડયા. પરંતુ આપણા સિનિયર સેન્ટરો , સામાજિક સંસ્થાઓ , ગ્રોસરી સ્ટોર્સ ને ગરીબોના ઘરે દિવડો પ્રગટે તે માટે સભાન પ્રયત્ન કરતાં બહુ ઓછાને જોયાં! એ મોંઘા ઘી દૂધ કોઈ ગરીબ સુવાવડી બાઈ કે તેના બાળક સુધી પોચાડવાનો વિચાર કોઈને કેમ ન આવ્યો? મોટી મોટી સઁસ્કૃતિની મહાનતાની વાતો કરતાં આપણે ક્યારેક તો કૂવાના દેડકાથી જરાયે વધારે નથી.સમાજના ગરીબ અને અસહાયને મદદ કરવાની ભાવના  લોકોમાં ક્યારે જાગશે?ફૂડ ડરાઇવ : ગરીબો માટે કેન ફૂડ, બોક્સ ફૂડ, નાસ્તાના પેકેજ વગેરે ભેગું કરવા દરેક સ્કૂલ પોતાના વિદ્ધ્યાર્થીઓને શીખવીએ કે માબાપ આ સંસ્કાર કેળવે તો કેમ ? કમ્યુનિટી સેન્ટર કપડાં લત્તા, ઘરવખરી, ખાવાનું, બુટ ચમ્પ્પ્લ વગેરે ભેગાં કરી જરૂરિયાતવાળા લોકોને પહોંચાડવા નાના મોટાં સૌ કોઈ કતારમાં ઉભા રહે તો કેમ ? સ્ટોર , બેન્ક અને ઓફિસો બધ્ધા જ આવા ઉમદા કાર્યમાં જોડાય તો કેમ ?

પોથીના રીંગણાના કાંટા નથી વાગતા;
ને નકશાની નદીઓથી હાથ નથી ભીંજાતા ;
લાગી જા કામે , બે હાથે ને હામે;
રીંગણાંનો સ્વાદ સમજાશે ત્યારે !
( Shirley Chisholm ) કહ્યું છે તેમ :
“ સમાજ સેવા એ આપણું આપૃથ્વી પર રહેવા માટેનું ભાડું છે.
જે આપણે પ્રામાણિક રીતે ચૂકવવું જજોઈએ “..

પણ એક આપણે છીએ જે માત્ર આંખ બંધ કરી ઘંટડી વગાડીને , હરિ ૐ હરિ એમ કરીને કામ કર્યાનો ગૌરવ લઈએ છીએ .આ ગાડરિયા પ્રવાહને કોણ રોકશે ? આમ પૈસાનો ધુમાડો કરવાનો ને ?
સમજણ અગત્ય ની છે.
ધ્વનિ પ્રદૂષણ નું શું ? હવાનું પ્રદૂષણ ઓછું થાય કરવાને બદલે વધારીએ છીએ આવું કેમ ?

દીપજ્યોતિ પરબ્રહ્મ ના અર્થ સભર કેટલા દીવડા પ્રગટાવ્યા આપણે? સાચે  અંધકારનો નાશ કર્યો આપણે ?

ફટાકડાને લોધે કેટલાં ઘરના દીવડાઓ હોલવાયા આ દિવાળીની ઉજવણીમાં ?

જમો ને જમાડું- અન્નકૂટ સેવા અભિયાન ક્યાંય નજરે ન ચડ્યું, જરૂરિયાતવાનના જઠરાગ્નિ ઠરતાં ક્યાંય ના જોયાં!

આવું કેમ ? …હા મિત્રો આવું કેમ ?

ગીતા ભટ્ટ

1-આવું કેમ ? ધનતેરસ મુબારક-ગીતા ભટ્ટ

એવું કેમ ?

સૌ પ્રથમ, આપ સૌને આજે ધનતેરસના દિવસે ખોબો ભરીને  મુબારક ,આપને ત્યાં કુબેરનો ભંડાર ભરાય. લક્ષ્મીદેવી  આપના ઘરે રુમઝુમ કરતી આવે. કજિયા કંકાસ દુર થઇ ઘરમાં ઉજાસ ફેલાય એવી શુભેચ્છા ..

હા,.. આવી જ શુભેચ્છા આપ સૌ પણ બધાને આપો છો ને ?

તો મિત્રો તમારે ત્યાં કુબેરનો  ભંડાર ભરાય અને હાઈએસ્ટ ઈનકમ ટેક્સ પેયર  ના લીસ્ટમાં સૌથી પેલું નામ તમારું  હોય એવી શુભેચ્છા … ક્યારેય કોઈને દીધી છે ખરી ? ……કુબેર અને લક્ષ્મી બધાને ગમે પણ કુબેર મળ્યા પછી ઈમાનદારીથી ટેક્સ પણ ભરવો જોઈએ ને ? તેજ પ્રમાણે લક્ષ્મી ઘરમાં પધારે તે સૌને ગમે પણ  લક્ષ્મી એટલે સ્ત્રી… તેનું માન જાળવવાની જવાબદારી કોની ?  લક્ષ્મીનો અર્થ જ શુકનવંતી અને મંગલકારી …સ્ત્રી…. સ્વરુપા દેવી છે.કહ્યું  છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’સાથે ઘરની સમાજની દરેક સ્ત્રીને માનની નજરે જોવાય એવી પ્રાર્થના કયારેય કરી છે.ખરી ? ભારત એટલે ઉજ્જવળ પરંપરાઓનો દેશ.આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢીને દરેક પરંપરા સામે ‘આવું કેમ ?’ અથવા ‘આમ શા માટે ?’ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે” સમયની  સાથે માણસ ઉગવો અને ખીલવો જોઈએ….  why ? શા માટે ? reasoning   રિઝનિંગ , કાર્ય -કારણનો યુગ આવ્યો છે.

.આજના દિવસે ઇન્ક્મ્તેક્શ ભરવાનું કે ચોરી ન કરવાનું વ્રત આપણે લઈએ છે ખરા ..? આવું કેમ ? દરેકે પોતાનું વ્યક્તિગત નિર્માણ અને રક્ષા જાતે જ કરવી પડે છે. સ્ત્રીએ માતા લક્ષ્મીની જેમ પોતાનું સ્થાન મેળવવાનું છે..અને પુરુષે આપવાનું છે.

કાલે કાળી ચૌદશ ..આપણે દિવાળીના તહેવારો ધામધૂમથી ઉજવીએ છીએ . આવતીકાલે ઘરમાંથી કજિયા કંકાસ કાઢવા લોકો તડબૂચ , વડાં ને દૂધપાક વગેરે ચાર રસ્તે  નાખશે . અને રસ્તાઓ બગાડશે.એ લોકોને કેવી રીતે સમજાવી શકાય  કે કજિયા – કંકાસ એ મનમાંથી  બહાર કાઢવાની  એક વૃત્તિ છે. માનસિકતા બદલવાની જરૂર છે.

આજના આ દિવસે શુભેચ્છા સાથે એક પ્રશ્ન પણ જરૂર પૂછીશ.

કુબેર જોઈએ છે પણ ટેક્ષ નથી ભરવો ..લક્ષ્મી જોઈએ છે પણ સ્ત્રીને માન નથી આપવું કંકાસ કાઢવો છે પણ માનસિકતા બદલવી નથી …આવું કેમ ?

ગીતા ભટ્ટ

૧-ગીતાબેન ભટ્ટ -વ્યક્તિ પરિચય

ગીતાબેન ભટ્ટ આ અમારા મિત્ર શિકાગોથી આવ્યા છે.સપનાબેને પ્રથમ ઓળખાણ કરાવી ,બસ અને ‘બેઠક’ના પરિવારના સદસ્ય  કયારે બની ગયા તેની જાણ જ ન થઇ..!

ગીતાબેન એટલે  પોતાનો પોતીકો અવાજ .આ અવાજ પરંપરાના વિદ્રોહમાંથી નથી પ્રગટ્યો પરંતુ વાંચન અને સર્જનના પુરુષાર્થથી પ્રગટાવ્યો છે.એમની વાત માંથી  શીખવા મળે છે પણ બોધ નથી,ચીલાચાલુ વાત ન કરતા તંતુ પકડી જાગૃતિ લાવવાની વાત મને ગમે છે. ગીતાબેનની નાના બાળકોની વાત કરતા  નાના બની  મોટી વાતો કહી જાય છે.એમની પાસે એવો કસબ નથી જે જુદો તરી આવે પણ એમની  વાતોમાં ઉપાડ છે..પોતાના અનુભવની તીવ્રતા શબ્દોમાં રજુ કરે  છે.અમે વારે ઘડીએ મળતા નથી પણ મળીએ તેટલીવાર આનંદ જરૂર થાય છે.વરસાદમાં ઉભા રહી મિત્રો સાથે ભીજાવાનો આનંદ હું એમની હાજરીમાં માણું છું.અને મોસમ ખીલે છે…

બસ આવા ગીતાબેનને આ વિભાગમાં માણીએ,વિચારીએ… વાત માત્ર માનસિકતા બદલવાની છે.

ગીતાબેન ભટ્ટ નો પરિચય

આ વર્ષે ગીતા રિટાયર્ડ થાય છે . પણ એને હું નિવૃત્તિ નહીં કહું ! પ્રવૃત્તિમાં થોડો બદલાવ આવશે , એમ જ કહીશ! ત્રીસ વર્ષથી શિકાગોમાંપ્રિ સ્કૂલ – ડે કેર સેન્ટરની ડિરેક્ટર , માલિક રહ્યા બાદ કાયદેસરની જવાબદારીમાંથી નિવૃત્તિ લે છે. દેશમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકેજીવનની કારકિર્દીની શરૂઆત કરી ; અને અમેરિકામાં , શિકાગો આગમન બાદ બન્ને બાળકોના ઉછેરમાં ધ્યાન આપી શકાય તે હેતુથીબાલ સંભાળ- ચાઇલ્ડકેર ક્ષેત્રમાં ઝમ્પલાવ્યું. સમય – સંજોગ મળતાં પોતાની પ્રિય સાહિત્યિક પ્રવૃત્તિને ફરી તાજી કરી !શિકાગોની ઘણીબધી સામાજિક સંસ્થાઓમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય ફાળો આપવા ઉપરાંત ત્યાંના નર્સિંગ હોમમાં ગુજરાતી વડીલોને મળવાનુંવોલેન્ટિયર કાર્ય પણ વર્ષોસુધી જાળવી રાખ્યું .
“અમેરિકાથી અમદાવાદ” તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ (૨૦૧૦) “ “દુઃખને પણ ગરબામાં ગાઈ જાય , એ ગુર્જરનું સરનામું” એ એનો જીવનપ્રત્યેનો અભિગમ છે! અને નવી પેઢીનાં સર્વાંગી ઉછેર માટે- “ બાળકોને વિકાસ માટે સંસ્કૃતિ રૂપી મૂળિયાં અને જ્ઞાન રૂપી પાંખ આપીયે” એ કહે છે.સાન ફ્રાન્સિસ્કોના ‘ સૌનો સાથ , સૌનો વિકાસ’ એમ માનતા પ્રજ્ઞાબેન દાદભાવાલાના “ શબ્દોનું સર્જન” બ્લોગમાં ગીતા ભટ્ટની “ આવું કેમ ?” કોલમ સમાજના વિવિધ પાસાઓને અનુલક્ષતી , બે રાષ્ટ્રો અને બે સંસ્કૃતિને જોડતી , સાંપ્રત જીવનને સ્પર્શતી અઠવાડિકકોલમ ખુબ લોક પ્રિય થઇ છે. કાંઈક નવું , કાંઈક સારું , ચીલાચાલુ ઘરેડથી વેગળું , અને છતાં મનનીય – એ ગીતાની વિચાર સરણી છે! “બંધઘડિયાળ પણ રોજ બે વાર સાચો સમય બતાવે છે” ગીતા ગમે તેવી , આ દેશમાં આવીને ભૂલી પડેલી વ્યક્તિને આત્મવિશ્વાષ આપતાં કહે છે!સમાજમાં જ રહીને વ્યક્તિને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા બદલ શિકાગોના મેયરનો કમ્યુનિટી ગૌરવ એવોર્ડ પણ મળ્યો છે!
બાળા રાજા રામના હાલરડાં હોય તો બાળુડી દીકરીનાં હાલરડાં કેમ ના હોય? નવી પેઢીને માતૃભાષાનો સંપર્ક રહે અને આત્મવિશ્વાષ વધેતે હેતુથી નવી શૈલીના હાલરડાં લખવાનો વિચાર સ્ફૂર્યો !અને પરિણામ સ્વરૂપ “ અમેરિકા કે અમદાવા ; દીકરી થકી ઘર આબાદ” હાલરડાંઅને બાળગીતોનો સંગ્રહ અને સી . ડી . પ્રસિદ્ધ થયાં!
પાંસઠ વર્ષની ઉંમર એટલે પહેલાનાં જમાનાનાં પિસ્તતાલીસવર્ષની ઉંમર ! એ વિન્ડી સીટી શિકાગોથી સનશાઈન કેલિફોર્નિયા સેટલ થતાકહે છે;”જેના હાથ પગ ને મન સલામત ; જીવન તેને જીવવા લાયક !”
સુભાષ ભટ્ટ : contect: 773-251-7889

આવું કેમ ? એક નવો વિભાગ

મિત્રો આજે નવા વિચારો સાથે નવો એક વિભાગ ..આવું કેમ ?

પ્રશ્નથી શરૂઆત અને એજ પ્રશ્ન આપણને સૌને વિચાર કરતા મુકે ..

હા દર મંગળવારે ગીતાબેન ભટ્ટ આ વિભાગમાં કૈક અવનવું મુકશે …

વાણી બોલે પણ અભિપ્રાય જુદો ..કેમ ? આવું નથી ,અથવા તો આ ખોટું છે ! આમ ન્હોય !

બસ દુનિયા ચાલે છે એનાથી કૈક જુદું … જાગીને જગાડવાનો …વિચાર સાથે વહેવારશુદ્ધિ લાવવાનો પ્રયાસ .. શબ્દોના સર્જન નો  ગીતાબેન ના લેખો દ્વારા આ એક  નમ્ર પ્રયત્ન.

જીંદગી કી સફર મેં-(૬)આંગળી ચીંધ્યાનું પુણ્ય !-ગીતાબેન ભટ્ટ

લગભગ દરેક માબાપ પોતાનાં સન્તાનોને પ્રેમ કરતાં હોયછે  અને તેમને લાડ લડાવી કોડ પૂરાંકરવા મહેનત કરતાં હોય છે . પણ તે સાથે ક્યારેક લાલ આંખ પણ કરવી જરૂરી છે. ચાલો , આજે હું તમને આવી જ એક વાત કહું . નજીવાe ફેરફાર સાથેની , મારી જ વાત ,જ્યાં હું સન્તાનની ભૂમિકામાં છું !!

આંગળી ચીંધ્યાનું પુણ્ય !

———————

દેશમાં બહુ થોડા સમય માટે જતાં હોઈએ તેથી આમ તો અમને ત્યાં જવાનો જરાયે સમય નહોતો , પણ કારણ જ એવું સરસ હતું કે સમય કાઢીને એક દિવસ માટે પણ ત્યાં જવાનું આમન્ત્રણ   અમે સ્વીકાર્યું . મારા એક પુસ્તક ‘ અમેરિકાથી અમદાવાદ ‘ કાવ્ય સન્ગ્રહના પ્રમોશન માટે જામનગર આવવાનું આમન્ત્રણ   અમારા એક સ્નેહીએ આપ્યું હતું . 

સારી રીતે પ્રોગ્રામ પતાવી બીજે દિવસે સવારે  હોટલમાંથી ચેક – આઉટ  કરવા કાઉન્ટર પર જઈને  બીલ માંગ્યું . 

રજીસ્ટર પર બેઠેલા ભાઈએ બીલ સાથે પહોંચ આપી , એમાં લ્ખ્યુતું ;’ paid  in  full !” 

  કોણે ભર્યાં આપણાં બિલના પૈસા ? અમે પતિ પત્નીએ પ્રશ્નાર્થ થી એકબીજા સામે નજર કરી અને પછી લોબીમાં થોડે દૂર 

બેઠેલાં એક માત્ર દમ્પતી પર નજર પડી . અમારી સામે મધુર સ્મિત કરતાં એ બન્ને જ્ણ જગ્યા પરથી ઉઠીને અમારી નજીક આવ્યાં. 

” કેમ છો ગીતા ભાભી? ઓળખાણ પડી?”  એ નમણી યુવતીએ મને સાદર નમસ્કાર કરતાં કહ્યું . 

આમ તો જામનગર મારું સાસરિયું . પણ ત્યાં ઝાઝું રહેવાનું બન્યું નહોતું . પિસ્તાલીસ – પચાસ વર્ષની લાગતી આ યુવતી સ્હેજેય ઓળખાય તેમ નહોતી 

મેં મદદ માટે સુભાષ તરફ નજર કરી . પણ છેલ્લાં પાંત્રીસ વર્ષથી અમે જામનગર છોડીને અમેરિકા વસ્યાં હતાં તેથી એના સ્મૃતિ પટ પરથીયે ઘણું વિસરાઈ ગયું હતું .

” હજુ હું ઓળખાણી નહીં ને ? સરસ્વતી ! ભાભી , હું તમારી સરસ્વતી !”

પણ હજુયે એને ન ઓળખી શકવાનો ક્ષોભ હતો . જામનગરમાં  લગ્ન પછી હું ચારેક વર્ષ રહી પણ તેમાંયે બાળકોના જન્મ સમયે પિયર અમદાવાદ રહેવાનું ઝાઝું બનતું .

લગભગ ચાર દાયકા પહેલાના દિવસો યાદ આવી ગયા . મારી જાતને સફળતાનાં શિખરે બેઠેલી સમજતી હું અમદાવાદની મારી લેક્ચરર તરીકેની કારકિર્દી છોડીને  પરણીને જામનગર સાસરે આવેલી . 

સફળતા માણસનો આત્મવિશ્વાષ દ્રઢ કરેછે ,પણ કંઈક સમૃદ્ધિ ભળતાં અહન્કાર પણ આવી જઈ શકે છે . 

લગ્ન પહેલાં મારીપહેલી મુલાકાત જયારે જમનગરમાં થઇ ત્યારે જ મેં સુભાષને કહેલું ,” બધું બરાબર પણ તમે લોકોએ  આ મહેલ જેવી હવેલી અહીં પોળમાં કેમ બંધાવી ? આવી હવેલી તો સોસાયટીમાં

 સારી લાગે !” મેં એ જુના પોળ વિસ્તારની ટીકા કરતાં કહ્યું .

” તું કહીશ ત્યાં આપણે હવેલી નહીં મહેલ બન્ધાવશું .” સુભાષે પણ પ્રેમથી વાગ્દત્તાને મનાવતા કહેલું .

લગ્ન પછી શરૂઆતના દિવસોમાં મને એ પોળ એ અણ્ડબાવાનો ચકલો , એ શેરી વિસ્તાર આંખના કણાની જેમ ખુંચતો. કેવા જુનવાણી અણઘડ લોકો રહેછે આજુ બાજુ ! ” હું વિચારતી . અને કદાચ અમદાવાદનાસોસાયટી વિસ્તારને યાદ કરતી . 

 “મમ્મી , આ   ઘડા લઈને

કયાં જાઓ છો ?” એક દિવસ મેં મારા સાસુ ને પૂછ્યું. 

” બેટા, આ નાનો છે તે ઘડો ને મોટો છે તે હાંડો કહેવાય . ને એ બેનું  બેડલું બને .” બાએ મને પ્રેમ થી સમજાવતાં કહ્યું . 

” હં. ” મેં વિચાર કર્યો .” ચાલો , હું તમારી સાથે આવું?” મેં વિવેક કર્યો . ખાસતો એ જાણવા માટે કે વાત શું છે આ ઘડા – હાંડાની ? ઘરમાં ડંકી હોવા છતાં આપણે બહાર પાણી ભરવાં કેમ જઈએ છીએ . 

એમણે મને સમજાવ્યું કે આપણી ડન્કીનું પાણી ખારું છે જયારે નજીકમાં રહેતાં રવજી અદાની ડન્કીનું પાણી મીઠું છે. જામનગરમાં પાણીનો પ્રશ્ન તો હતોજ . તેથી બીજા દિવસથી ડન્કીએથી   પીવાનું પાણી લાવવાનું કામ મેં માથે લઇ લીધું.  વળી બપોરે ચારેક વાગ્યાનો સમય પણ મને બધી રીતે અનુકૂળ લાગ્યો . 

પણ મુશ્કેલીઓ તો જાણેકે મારા નસીબમાં જ હતી ! જોકે આ બધું મેં મારામનમાં જાતે ઉભું કરેલું ભૂત હતું . પણ એ વાત મને કોણ સમજાવે ? 

રાવજી કાકાનું ઘર પચાસેકે  પગલાં દૂરના બાજુના ખાંચામાં બીજું  કે ત્રીજું , બેઠા ઘાટનું , તદ્દન નાનકડું એવું ખોરડાં જેવું ઘર હતું એવું મને યાદ છે. ને ઘરની બહાર ચોકડીમાં ડન્કી હતી .

ડન્કીએથી પાણી ખેંચતા હું 

સતત કોઈ અગમ્ય નકારાત્મક વિચારોમાં ખોવાઈ જતી . મનેખુલ્લી ગટરો  અને કચરના ઢગલા સાથે શેરીની વચ્ચે વાગોળતી ગયો અને રખડતાં કુતરાં અને  ઓટલે બેઠેલી નવરી ડોશીઓજ દેખાય ! 

ત્યાં કોઈ નાનકડી છોકરીનો અવાજ આવ્યો ,” ગીતાભાભી !  

લાવો , હું  તમને મદદ કરું .”

એક દશેક વર્ષની છોકરી મારી બાજુમાં આવીને ડન્કીનો હાથો ખેંચતા બોલી . 

” તારું નામ શું ?” મેં પૂછ્યું .

” સરસ્વતી  . પણ બધાં મને સરલી  કહેછે”

Oh! I found one  more negative thing!

મેં  મારી દીન- ચર્યા માં ઉમેર્યું . 

” આ ગામના લોકો સારા  

નામને બગાડી ખરાબ કરે છે .”

“તું સ્કૂલે કેમ નથી જતી ? ” થોડા દિવસ પછી મેં એને પૂછ્યું .

” હું તો નેહાળે કોક કોક વાર જાઉં છું . પણ રોજ જાવાનું મન જ નથી થતું .   કંટાળો આવે છે .”એક વધારે નેગેટિવ વાત મેં મારી દિનચર્યા – ના  દીનચર્યા – માં ઉમેરી .

એકવાર એ મારા માટે ચા લઇ આવી ;” ભાભી , તમને ભાવે તેવી અમદાવાદી કડક ને મીઠી બનાવી છે”! 

પણ મારો મૂડ નહોતો . મેં ધરારથી ચા નાપીધી .

” કેમ ભાભી? અમારી  ચા જરા  ચાખી  તો જુઓ ! 

આદુ નાખીને સરસ બનાવી છે” અંદરથી ઘૂમટો તાણેલાં એક બહેન – સરસ્વતીના બા -એ આવીને મનેઆગ્રહ  કર્યો . છેવટે મેં ચા પીધી . સરસ હતી પણ જેમતેમ નજીવું સ્મિત આપ્યું .

બીજે દિવસે મારી નાની બેન અને મારો નાનો ભાઈ મને તેડવાં આવ્યાં.

” જોયું , અહીં ફળિયાને નાકે ઉકરડાંનો મોટો ઢગલો ?” મેં  મારા ભાઈ બેન ને પૂછ્યું .

” ના રે !   અમને તો જીજાજી લાખોટા તળાવની પાળે બાલા હનુમાન લઇ ગયા હતા . અખંડ રામ ધૂન 

ચાલે છે ને ત્યાં . અને અમે તો જામનગરનું સ્મશાન પણ જોયું ,કેવું સરસ છે!” એ લોકોએ ઉત્સાહ થી કહ્યું. 

” તું તો પ્રોફેસર છેએટલે તને તો લખવાના એટલા બધા ટોપિક્સ મળતાં હશે !”  મારાં નાના ભાંડરવાઓ આનન્દથી બોલતાં હતાં! દીદીના સાસરે આવવાનો એમનો ઉત્સાહ અનેરો હતો .

 પણ અમદાવાદ જઈને મેં મારાં પેરેન્ટ્સ પાસે મારી હૈયા વરાળ કાઢી .

ગાંધીજીની વિચારસરણીથી રંગાયેલાં ,  ગવર્મેન્ટમાં ગેઝેટેડ ઓફિસરની ઊંચી પોસ્ટ પર સિદ્ધાંતવાદી એવા મારા બાપુજી સાત ભાઈઓમાં સૌથી નાના  હોવાથી  કુટુંબમાં સૌ તેમને નાનકાકા કહેતું ,એમણે શાંતિથી વાત સાંભળી . 

” મને લાગે છે કે તું એટલું બધું ભણી છે એટલે તને તારી આસપાસના વાતાવરણમાં બધાં સાથે ભળતાં નથી ફાવતું .” નાનકાકાએ ગમ્ભીર થઇ વાતનું તારતમ્ય કાઢતા કહ્યું .

” બરાબર  એમ જ છે.” મેં સાથ પુરાવ્યો . 

” પણ એનો  ઉપાય તો બહુ સરળ છે!” એમને  કહ્યું ; ” અને તે તારા હાથમાં જ છે!” 

અમે બધાં સાંભળી રહ્યાં કે  નાનકાકા શું કહેશે .

” જા, તારાં બધાં સર્ટિફિકેટ લઇ આવ!”

” મારાં એમ એ , બી એડ , ઈતર પ્રવૃતિઓ આકાશ વાણી , યુવા જગત બદ્ધાં?” મેં ઉત્સાહથી પૂછ્યું .

” હા , બદ્ધાં જ. પેલી વાર્તા હરીફાઈ અને પેલાં ક્યાં કેમ્પમાં તું ગયેલી એ બધાંસર્ટિફિકેટ અહીં લઇ આવ. આપણે એ બધાને અહીં ફાડીને સગડીમાં બાળી નાખીયે . એ બધાં ભણતરનો જ તો  તને ભાર લાગે છે ને ?” હવે એ ગુસ્સાથી બોલતા હતા.

” અમને તો એમ હતું કે તું સમાજને એક સારું ઉદાહરણ રૂપ બનીશ . બધાં સાથે ભળી જઈને સૌને મદદરૂપ થઈશ !  પણ તું તો પ્રશ્નો ઉભા કરવા લાગી !સા વિદ્ધ્યા યા વિમુક્તયે ! જીવના પ્રશ્નો – સમસ્યાઓમાંથી ઉકેલ આણી મુક્તિ અપાવે તે સાચું ભણતર . પણ તને તો આ ભણતરનો ભાર લાગે છે. મુક્તિ તો બાજુ એ રહી , તને તો એ સાંકળ ની જેમ બાંધી રાખે છે. 

 પૂ . નાનકાકાના શબ્દો હું સ્તબ્ધ બનીને સાંભળી જ રહી . દારૂના નશામાં ચૂર કોઈને ફટકો વાગેને નશો ઉતરી જાય  તેમ મારી આંખ પણ ઉઘડી ગઈ! 

બીજે અઠવાડીએ  જામનગર ગઈ ત્યારે સરસ્વતી મદદમાં આવી પણ આ વખતે મેં એની સાથે પ્રેમથી વાર્તાલાપ ચાલુ કર્યો . ભણવું કેમ જરૂરી છે તે વિષે ઘરની અન્ય વ્યકિતઓને પણ હળવેથી , ઉદાહરણ સાથે જણાવતી થઇ . એકાદ વખત એની નિશાળે ગયાનું પણ સ્મરણ છે. સરસ્વતીની બા નેપણ ક્યારેક ટહુકો કરી બહાર બોલવું . સરસ્વતી તો સ્કૂલે હોય પણ ક્યારેક એકાદ રકાબી ચા પીને ” મારી મમ્મી જેવી જ સરસ ચા છે એમ હસી ને કહેતી . 

જયાકુંવર નામના એક માજીને ઓટલે બે ત્રણ ડોશીઓ કાયમ બેઠેલી જ હોય. મારી પંચાત ના કરી હોય તોજ  નવાઈ . પણ એમની પાસે ઉભારહી મેં કહ્યું ,” તમારા જમાનામાં વ્રત વરતોલાં ટાણે જે ગીત ગવાતાં એ મારે સાંભળવા છે. અને રાગ બંધ ગાતાં શીખવું છે.”

અને એ ભક્તિ પણફળી ” વહુ કેવી હોશિયાર ને આપણામાં ભળી જાય તેવી છે” એ કહેતા.

સમજદારકો  ઈશારા કાફી હૈ ! એ 

 મુજબ ત્યાં ભળી હોઉં એમ લાગ્યું . એક્ચ્યુઅલી  , પેલો છોછ જરૂર જતો રહ્યો . જામનગર અમદાવાદ વચ્ચે આવન જાવન કરતાં એક દિવસ અચાનક જ વિઝિટર વિઝા પર અમેરિકા આવી  રોકાઈ ગયાં!

ત્યાર પછીની અમારી ત્રીસેક જેટલી ભારતની ટ્રીપ માં સરસ્વતી ક્યારેય યાદ આવીનહોતી . 

આજે એ સરસ્વતી મારી સામે ઉભી હતી !

“પછી તો હું છેક બી એ સુધી ભણી. અમે ઘરચોળાં અને બાંધણીનો હોલસેલ નો ધન્ધો કરીએ છીએ.  અમે અમારો માલ છેક અમેરિકા સપ્લાય કરીએછીએ. …” સરસ્વતી બોલતી હતી .. “આવતે વર્ષે હું 

શિકાગો આવીશ ત્યારે તમારી જ મહેમાન બનીશ ; પણ આ વખતે અમને મહેમાનગતી કરવા દો !સરસ્વતી બોલી , અને પ્રેમથી કહ્યું ,” આ હોટલમાં અમારી ભાગીદારી છે ;ભાભી , તમારા પૈસા લેવાના ના હોય .  તમે રસ લઈને મને ભણતી કરી !!મારી માં તો તમને કાયમ યાદ કરતીતી અને બધ્ધાંને કે’તી ફરતી કે આવા મોટા ઘરની ભણેલી વઉ પણ જરાય ગરવ નઈ!  ” ગળગળા થઈને એ બોલી ,” ભાભી તમારા આશીર્વાદે  અમે સુખી છીએ !   એટલું રૂણ મને ચૂકવવા  દો! ” એ બોલી.

એણે મારો હાથ પકડી લીધો – વર્ષો પહેલા ડન્કીએથી મારો હાથ પકડી લેતી હતી બસ  એ જ અદાથી !   

ગીતાબેન ભટ્ટ