વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ઉઠાવી પેન ત્યાં યાદોનાં ઢગલાં થયાં

સ્મરું છું આજ એ  સૌને !મીઠાં ને મધુરાં હતાં!

વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ફોટો જ્યાં ખેંચ્યો મેં તો , ઘંટ નાદ ત્યાં થયો’તો !

ખંડેર ખળભળ્યાં ને હવેલી થઇ ઝૂમ્યાં સૌ 

આંગણનો  ઠૂંઠો ક્યારો  વાચાળ થઇ ખીલ્યો’તો!

પરસાળના  હિંડોળે પુરાણા ગીત છેડ્યાં

ઘડિયાળના યે કાંટા  ત્યાં સ્થિર  થઇ ગયા ‘તા !

જિદ્દે ચઢેલ પગ પણલગીર ના ખશય્યા ને 

સ્મિત જ્યાં કર્યું મેં , આંસુ ખરી પડ્યાં’ તા!

વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ફોટો જ્યાં ખેંચ્યો મેં તો ,ત્યાં ઝણઝણાટ થયો’ તો!

ગીતા ભટ્ટ

‘હું આનંદમાં રહીશ’ -તરુલતા મહેતા 2016

‘હું આનંદમાં રહીશ’

ચાલો આપણે એક મઝાનો  સંકલ્પ કરીએ.એકદમ ગળે ઉતરી જાય તેવી  વાત.આ ગમી જાય તેવો નિર્ણય  વાંચતાંની સાથે તમને 1લી જા.2016ના દિવસે લેવાનું મન થઈ જશે.’હું રોજ ચાલવા જઇશ’,’દવાઓથી દૂર રહીશ.અને તે માટે ગળ્યું ઓછું ખાઇશ,તળેલા ફરસાણની સામે નજર નહી મિલાવું’ એવા સંકલ્પ લીધા પછી એકાદ અઠવાડિયામાં ભાંગી ને ભૂક્કો થઈ જાય છે,ઋષિ -મુનીઓના મન ચળી જાય તો પામર મનુષ્યનું શું ગજું?બીજા પણ શુભ સંકલ્પ અનેક છે,’ગુસ્સો  નહિ કરું ,બીજાને મદદ કરીશ.’ પણ જાતઅનુભવથી મેં જોયું કે મન જયારે ચિંતામાં,અશાંત હોય ત્યારે ઘર ધૂમાડાથી ભરેલું હોય તેવું ધુંધળું હોય છે.એક ઘટનાની ચિતામાં સર્વ  વિસરી વિવેક ગુમાવીએ છીએ.મેં સં કલ્પ કર્યો કે આનંદમાં રહીશ.એટલે ઉચાટ કે પીડા ‘શું થશે?ની એન્ઝાઈટી કે વ્યગ્રતાને મનથી દૂર રાખવાની, મારી નજર  બીજા એગલથી વસ્તુ કે પ્રસંગને જુએ તો સવારમાં ઝાકળ  બિ ન્દુઓ ઓગળી જાય તેમ મન હળવું થઈ જાય છે ,દીવા તળે અંધારું હતું પણ ચારે તરફ અજવાળું જોઈએ તો મન રાજી થાય.મારુ  મન આનંદમાં રહે તે માટે નવા વર્ષની સવારે બારી બહારના ઠંડીમાં થીજેલા,જેની ડાળખી પર એકે પાન નથી તેવા વુક્ષને જોઈ વિચારવાનું કે વુક્ષો કેટલાં નિર્ભય થઈ ગયાં છે,કે હવે પાનખરની કે એલ્મીનોની બીક રહી નથી.ભૂતકાળ ભૂલી  જવાય, વર્તમાન વહી જાય અને ભવિષ્ય ભરમાવે ટુંકમાં સમય બળવાન હોવા છતાં મનને બાંધી શકતો નથી.’મન હોય તો માળવે જવાય’જેનું મન મૂઠીમાં’એટલે કે પોતાના કાબૂમાં છે  તે કાળને વશ થતો નથી અને જીવનમાં જંગ જીતી જાય છે. મારી અંદર આનંદમાં રહેવાની સ્થિતિને જાળવી રાખવા માટે સમયને કહું કે ‘મને તારી બીક નથી કારણ કે મારી ડાળખીમાં પીડા ,ચિતા જેવાં એકે પાન નથી,મારામાં સમયથી અલિપ્ત આનંદની ધારા વહે છે,મારામાંથી જીવનના ઉલ્લાસનાં,પ્રસન્નતાના ,વિન્ટર પછીના વસંતના ફૂલો ખીલે  છે.સુખ અને દુઃખ એ ભરતી ઓટ છે,તેથી સાગરના જલ વધી કે ઘટી જતાં નથી.આપણા હદયમાં ઉછળતા આનન્દનો  સાગર પણ અતલ અને અનંત છે.હિમાલયની કન્દરામાં સમાધિ લગાવી બેસી જતા મુનિ જે આત્માનું ધ્યાન ધરે છે,એ જ આત્મા જીવ માત્રમાં છે,આત્માના ગુણ આનંદ , સત્ય ચેતન્ય અને અમરતા છે.આપણે રોજના જીવનમાં આનંદના ફૂલની ફોરમને માણીએ,રોજની ઉપાધિઓને સહજ ગણી મનને મસ્તીમાં ઝૂમવા દઈએ.  નવા વર્ષે મારામાં અને તમારામાં રહેલા આત્માનો    એક ટેક્ષ મેસેજ આપણે સ્વીકારીએ   ‘હેપી ન્યુ ઈયર’. એક વર્ષ પુરતો નહિ પણ શરીરના શ્વાસની મંજિલ સુધી.જીવનના આનંદની અભિવ્યક્તિથી શબ્દોના સર્જનને મન મૂકીને મહેકાવીએ અને ખુદ સુગંધ થઈ જઈએ.

  •  તરુલતા મહેતા 2016

આવોને રમીએ રાસ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

 નવરાત્રી એટલે રાસ-ગરબાની રમઝટ. નવરાત્રીના ગરબા એટલે ગુજરાતની આગવી કલા પહેચાન. વિવિધ પોષાકો ને ઝાકમઝાળ સાથે, યુવાઓનો આ મનગમતો ઉત્સવ. રાસના વૈવિધ્યની સુંદર માહિતી દિવ્યભાસ્કર ન્યુઝ પર માણવા મળી…આવો આપણી સંસ્કૃતિના એ વૈભવને માણીએ.

મણિયારા રાસ / કણબી રાસ : 

મણિયારો રાસ

મણિયારો રાસ

 

રાસનાં 36 પ્રકારમાંથી ફક્ત પાંચ પ્રકાર જીવિત છે, મણિયારો પણ તેમાનો જ એક પ્રકાર છે. જે મુખ્યત્વે સૌરાષ્ટ્રના ‘મેર’ કોમ્યુનિટી દ્રારા ભજવાય છે. આ રાસમાં ખેલૈયા સફેદ કપડાં અને કમરે લાલ દુપટ્ટો બાંઘે છે. તેમજ માથા પર પાઘડી બાંઘે છે. તેમના ગળામા લાલ અને સોનેરી મોતીઓની માળા પણ પહેરેલી હોય છે.

ગુજરાતીમાં કણબી એટલે ખેડૂત. આ રાસ ખાસ કરીને જામનગરનાં ખેડૂતો સાથે જોડાયેલો છે. સ્ત્રી અને પુરુષ સામ સામે ડાંડીયા રાસ કરે છે, તેથી તેને ‘કણબી રાસ’ કહે છે. ઝડપી બેસવાની ક્રિયાને ‘બેસણી’ અને ગોળ ઘુમવાની ક્રિયાને ‘ચક્કર’ કહે છે.

……………..

 

અઠીંગો રાસ :

આ રાસ ડાંડીયા વડે ખેલાય છે, અને તેના મઘ્યમા વાંસનો ડંડો હોય છે. આ વાંસ સાથે જુદા જુદા કલરના દોરડાઓ બાંઘેલા હોય છે. રાસ રમતી વખતે દરેક ખેલૈયાના હાથમાં આ દોરડાનો છેડો હોય છે. રાસ રમતા સમયે આ દોરડા સમબાજુએ ગુંથાય છે અને છુટા પડે છે.

……………
ગોવાર રાસ :
ગોવાર રાસ 

.

આ રાસ લાકડાના રંગીન ડાંડીયા વડે રમાય છે. આ રાસમાં સંગીત અન્ય રાસની તુલનામાં ઝડપી હોય છે. ગોવાર રાસમા રંગબેરંગી હાથવણાટ કરેલા કપડા અને ટોપીનો પોશાક પહેરવામા આવે છે.

 

……………..
 
 
ડાંગી નૃત્ય : 

ડાંગી નૃત્ય

ડાંગી નૃત્ય

 

દુનિયાભરમાં સુપ્રસિઘ્ઘ ડાંગી નૃત્ય એ ડાંગના આદિવાસીઓમાં ખાસ લોકપ્રિય છે. કોંકણ, વારલી અને ભીલ જાતિના લોકો દરેક આનંદના પ્રસંગે આ નૃત્ય કરે છે, જેવા કે દિવાળી , હોળી. આમા, સ્ત્રીઓ અને પુરુષો હાથમાં હાથ પરોવીને એક સાંકળ બનાવે છે અને કલાકો સુધી નૃત્ય કરે છે. મુખ્ય શરણાઈ વાદક સુર બદલે છે અને નર્તકો પોતાની ચાલ બદલે છે.

…………………….

હુડો :

હુડો રાસ

હુડો રાસ

 

હુડોનો ઉદભવ એ સુરેન્દ્રનગરનાં ભરવાડ સમાજ દ્વારા થયો છે. હુડો એ તાલ અને રાસનું મિશ્રણ છે. ભરવાડ સ્ત્રીઓ અને પુરૂષો ઢોલના તાલ સાથે એકસુત્રતા બાંઘી હાથની તાળીઓ સાથે આ નૃત્ય કરે છે. ઉપરાંત પુરૂષો કાચના આભલા જડિત ભપકાદાર છત્રીઓ સાથે નૃત્ય કરે છે.

……………..

ટિપ્પણી રાસ

ટિપ્પણી રાસ

ટિપ્પણી : 

 

સોરઠના દરિયા કિનારે વસવાટ કરતા ખારવા અને કોળી સમાજનાં લોકો મુખ્યત્વે નાવિક હોય છે. તેમની સ્ત્રીઓ મુખ્યત્વે લેબરકામમાં જોડાયેલી હોય છે. કામના ઘોંઘાટને ઘટાડવા સ્ત્રીઓ ગીતો ગાય છે અને નૃત્ય કરે છે. આથી તેને ‘ટિપ્પણી’ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે.

………………..

ગોપ રાસ

ગોપ રાસ

 

ગોપ રાસ : 

 

આ રાસ ‘ડાંડીયા રાસ’ તરીકે પ્રખ્યાત છે. જે નર્તકોના સમુહ દ્વારા ડાંડીયા વડે ગોળ વર્તુળમાં ભજવાય છે. તેના ગીતો મુખ્યત્વે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા હોય છે. ઝડપ અને આકર્ષકતા તેનાં મુખ્ય લક્ષણો છે. ઢોલનો અવાજ, રંગબેરંગી કપડાં સાથે ઝડપ અને ઉત્સાહ દર્શકોને મંત્રમુગ્ઘ કરી મુકે છે.

………………………………….
સનેડો
સનેડો :  
 
સનેડો એ ‘સ્નેહડો’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ સ્નેહ કે પ્રેમ એવો થાય છે. સનેડો મુખ્યત્વે ચાર પંક્તિનો બનેલો હોય છે. તેનો વિષય પ્રેમથી લઈને કટાક્ષ સુઘી કંઈ પણ હોઈ શકે છે. સનેડાનો ઉદભવ પાટણ જિલ્લાનાં ગામડાઓથી થયેલો છે. તેમાં વપરાતા સંગીત માટેના સાધનને ‘ડાકલું’ કહે છે.
……………………

ડાંડીયા રાસ

ડાંડીયા રાસ

ડાંડીયા રાસ :

ડાંડીયા રાસનો ઉદભવ માં દુર્ગાના માનમાં કરવામા આવતી આરાધનાથી થયો છે. આ રાસ એ મુખ્યવે માં દુર્ગા અને અસુરના રાજા મહિષાસુર વચ્ચેનાં યુઘ્ઘને દર્શાવે છે. આ રાસ દરમિયાન ખેલૈયા જટિલ મુદ્રાઓમા હાથ અને પગને સંગીતના તાલ સાથે તાલ મિલાવીને ભારે ઉત્સાહથી રાસ રમે છે. ડાંડીયાએ માં દુર્ગાની તલવારનું પ્રતિક છે. સ્ત્રીઓ પરંપરાગત અને રંગીન ભરતગૂંથણ કરેલ ચોળી, ઘાઘરા અને બાંઘણી દુપ્પટા પહેરે છે.

………………….

વિંછુડો : 

આ નૃત્ય એ મુખ્યત્વે સામાન્ય ભારતીય લોકગાથા પર આઘારિત હોય છે. વઘુમા એવું કહેવાય છે કે વિંછુડો એ ભારતીય સંસ્કૃતિના મહત્વના હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી જયેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે કે સવા બે દિવસના સમયને વિંછુડો કહેવાય છે. આ દિવસોમાં અનુરાધા નક્ષત્રના સમયમાં શુભકાર્ય કરી શકાય છે.

કાલ ચક્ર-શિવાની દેસાઈ

મિત્રો વધુ એક નવા  લેખિકાને આવકારો

“શબ્દોનાસર્જન” પર શિવાની દેસાઈ આપનું સ્વાગત  છે.

નાના હતા ત્યારે વેકેશન માં ગામ ,મામા ને ત્યાં જતા….

આખો દિવસ ક્યાં જાત જાત ની રમતો રમવા માં પસાર થઇ જતો ખબર ના રહેતી પણ રાત ની ખાસ રાહ જોવાતી કારણ કે રાત ના ભોજન ના સમયે બા કઈ ને કઈ નવી વાનગી બનાવતી…બધા જમી કરી ને પરવાર્યા હોય ત્યાં ભીખી નો અવાજ આવતો….વાળુ આપો ને બેન વાળુ …..અને બા અમને નાનાડિયા ને કહેતા,જાવો ત્યાં ખૂણા માં પડેલું વાસણ કોઈ જઈને લઇ આવો તો….પછી એ વાસણ  માં રાત નું વધેલું ખાવાનું મૂકી ને બા બહાર ઓટલે ઉભેલી ભીખી પાસે જતા અને એના વાસણ માં ,લાવેલું વાસણ અદ્ધર રાખી ને ખાવાનું નાખતા…ત્યારે સમજાતું નહિ કે બા વાસણ અદ્ધર રાખી ને શું કામ ખાવાનું આપે છે? ભીખી ઓછપાઈ ને કેમ ચાલી જાય છે…. . અમે નાનાડીયા એ જોઈ રહેતા અને ભીખી આગળ ચાલી જતી.આમ ને આમ કેટલાય વેકેશન ગયા પણ બા અને ભીખી નો ક્રમ એજ રહ્યો…..અમે મોટા થતા ચાલ્યા…

એક દિવસ લંડન એમ્બસી માં થી કાગળ આવ્યો કે ત્યાં આગળ ભણવા માટે ના વિસા અપ્રુવ થઇ ગયા છે….મારી ખુશી નો પાર ના રહ્યો ને હું કરવા લાગી લંડન જવાની તૈયારી…

લંડન airport પહોંચતા જયારે immigration  વિભાગ માં જાત જાત ના સવાલો પૂછયા ત્યાં જ ખ્યાલ આવી ગયો કે આગળ કેટલા કપરા ચઢાણ ચડવા ના છે…..પણ એમ કરી ને મહિનો વીત્યો  અને grossary shop પાર્ટ ટાઇમ માં જોબ મળી ગઈ……આપણે તો એકદમ ખુશખુશાલ…. જોબ માં પણ ફાવટ આવી ગઈ…ગમતું ગયું। ..જાત જાત ના લોકો ને મળવાનું થતું ગયું….જાત જાત ના અનુભવો થતા રહ્યા…

એક દિવસ એક  ગોરા દાદા સિગરેટ લેવા આવ્યા…..સિગરેટ લીધા પછી પૈસા આપતી વખતે મારો હાથ સહેજ અડી જતા એમણે હાથ તરત જ લઇ લીધો અને હું અંદર ને અંદર સમસમી ગઈ પણ ત્યાં જ ક્ષિતિજે મને ભીખી અટ્ટહાસ્ય કરતી દેખાઈ અને નિયતિ નું એક ચક્ર જાણે પૂરું થયું……!!!

 

ગમતાંને ગમતું ….. વિનોદ પટેલ

​મિત્રો હોળી આવે તે પહેલા આપણાં સર્જકો ગમતાનો ગુલાલ કરી પોતાનો ગુલાલ ઉછાળી રહ્યા છે.​જયશ્રીબેનની કાવ્ય રચના વાંચી  ​વિનોદ કાકાને  પણ એક કાવ્ય રચવાની પ્રેરણા થઇ. રચના આ રહી .​મિત્રો તો ચાલો કરીએ ગમતા નો કરીએ ગુલાલ……

ગમતાંને ગમતું  …..   વિનોદ પટેલ

ઓ પ્રભુ, તારી લીલા કેટલી છે, અપરંપાર,

તારાં ગમતાંને તેં કેટલું ગમતું દીધું છે.!

કીડીને કણ અને હાથીને મણ એ રીતે ,

સૌને યોગ્ય આપી, કોઈને અન્યાય ના કરી ,

તારાં ગમતાંને તેં ગમતું બધું દીધું છે   !

મળ્યા પછી માણસો ભલે બન્યા સ્વાર્થી,

એની દરકાર ના કરી , બધાંને માફ કરી,

બસ તેં તો ગમતાંઓને ગમતું જ દીધું છે.

અગણિત ઉપકારો છે તારા અમ પર ,

વંદીએ તને કર જોડી રોજ હૃદય-ભાવથી ,

કેમકે તારાં ગમતાંને તેં ગમતું દીધું છે !

અર્પણ કરું આ કાવ્ય સૌ ગમતાંઓને,

અરજ કરુ એને માણજો ,ગમતું કરીને !

વિનોદ પટેલ

https://vinodvihar75.wordpress.com/ 

ગમતાનો ગુલાલ

Shethna Madhukar
મિત્રો ચાલો આજે ગમતાનો ગુલાલ કરીએ ,મુંબઈથી મધુકરભાઈ શેઠનાએ એક અજ્ઞાત સર્જકની સુંદર રચના મોકલી છે જે ખરેખરે વિના મોસમ આપણ ને ભીજવી દે  તેવી છે ,મધુકરભાઈ સારું લખી જાણે છે પણ લખી મોકલતા નથી પરંતુ આપણા બ્લોગનું અને બેઠકનું બળ છે મુલાકાત લે છે અને અભિપ્રાય પણ આપે છે તો ચાલો આ રચના માણીએ અને હા કોઈને સર્જકનું નામ ખબર હોય તો જરૂરથી મોકલશો.

 

એક બીજા ને ગમતાં રહિયે

કઈ ખટકે તો ખમતાં રહિયે ..

સંજોગો કેવા પણ સર્જાય

થોડા થોડા નમતાં રહિયે ,,

સ્વાર્થિ – સાંક્ડા સંકુચિત ન રહેતા

નદીના નીર થઈ વહેતા રહિયે ,,

વાત અંદર અંદર ન વાગોળતા

એક મેક ને કહેતાં રહિયે ,,

પડી ગાંઠના સરવાળા-બાદબાકી , ન કરતાં

મીઠાં સંબંધોનો ગુણાકાર કરતાં રહિયે.

– અજ્ઞાત કવિ –

ગમતા નો કરીએ ગુલાલ-સુખ એટલે શું ?

આ ચિત્ર જોઇ શું લાગે છે આ માણસ સુખી છે કે દુ:ખી?
તુટેલ પથારી
ટુંકુ ઓઢવાનુ
પત્ની 6 છોકરા અને એક કુતરો
ગળતી છત
તુટેલો બારીનો કાચ
દરેક વસ્તુ સુચવે છે દુ:ખ દુ:ખ ને દુ:ખ
પણ દરેક્ના ચહેરા પર નુ સ્મિત…
સુચવે સુખ સુખ અને સુખ….

સુખ એટલે શું ?

સુખની ચાહ પ્રત્યેક વ્યક્તિની હોય છે…તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? … હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. ..જીવનમાં સુખ કેમ કરીને પ્રાપ્ત થાય ?માનવીને સુખ જોઈએ છે અને એ પણ કેવું?….જે સદૈવ એટલે કે હરહંમેશ હોય…દરેક વ્યક્તિને પોતાનું સુખ અલગ-અલગ જગ્યાએ છે એવું લાગે છે. ઉંમર પ્રમાણે સુખની પરિભાષા બદલાતી હોય છે, કોઈને પોતાનું સુખ પૈસામાં, કોઈને પુત્રમાં, કોઈને નોકરીમાં, કોઈને પ્રતિષ્ઠા કે ખ્યાતિમાં, મોબાઇલ ફોન, કોમ્પ્યુટર,કોઈને ફેસબુક પર કેટલા લાઈક મળે છે..જે ગમતું મળે તેણે સુખ કહેવાય અને જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેને આનંદ કહેવાય, .સુખ થી પર એક બીજી અનુભૂતિ છે : આનંદ…સુખ અને આનંદમાં ભેદ છે.“આનંદ” કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધાર નથી રાખતું.ધન દોલતથી જે મળે તે સુખ છે,સંતોષથી જે મળે તે આનંદ છે,સુખી વ્યક્તિ આનંદમાં ના હોય એવું બને પણ આનંદી વ્યક્તિ સુખી હોય છે.અહંકારના ત્યાગ વિના કદીએ સુખ મળતું નથી. જીવનનું સુખ વિચારોની ગુણવત્તા ઉપર આધાર રાખે છે.જયારે પરીસ્થિતિ મનુષ્યના સ્વભાવને અનુકુળ હોય છે ત્યારે મનુષ્ય સુખી હોય છે. પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ પરીસ્થિતિને અનુકુળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે.દુન્યવી ચીજોમાં સુખ શોધવું નકામું છે. સુખનો ખજાનો તો તમારી અંદર જ પડેલો છે.હાથમાંનું સુખ મૂકી દઈને જે કાલ્પનિક સુખની શોધમાં દોડે છે તેને મુગજળની માફક કદી પણ સુખ પ્રાપ્ત થતું નથી.સુખ એક ધૂંધળી વસ્તુ છે. એ કોઇ નક્કર ચીજ નથી, કે જેને આપણે પકડી શકી એ, ખરીદી શકીએ કે બીજ કોઇ ને સ્પષ્ટ રીતે બતાવી શકીએ. એ તો માત્ર એક ભાવવાચક નામ છે. એને પામવા માટે માણસ જિંદગીભર વલખા મારે છે, છતાં મોટા ભાગે તે સુવર્ણમૃગ જેમ આગળ ને આગળ જતું દેખાયા કરે છે. સુખ એ તો માત્ર એક નકારાત્મક ખ્યાલ છે. જેટલી ક્ષણોમાં એ દુઃખને ભુલી શકે છે એટલી જ ક્ષણો સુખમય હોય છે.માણસનું સુખ બાહ્ય ઉપકરણો કરતાં માણસના પોતાના ઉપર વધારે આધાર રાખે છે. સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપણે જ એની હાજરીને લક્ષમાં લેતા નથી.સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ વધુ દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે. પણ જો તમારું ઘ્યાન બીજી બાબતોમાં પરોવશો , તો હળવેથી તમારા ખભા પર બેસી જશે.સુખી થવાની ચાવી આ છે, પાપ થાય તેવું કમાવું નહી, માંદા પડીએ તેવું ખાવું નહી, દેવું થાય તેવું ખર્ચવું નહી અને લડાઈ થાય તેવું બોલવું નહી.જે માણસ પોતાના સુખની બાબતમાં આત્મનિર્ભર છે તેને દુનિયાની કોઈ તાકાત કદી દુ:ખી બનાવી શકતી નથી. સુખ એ સક્રિયતા છે, નિષ્ક્રિયતા નથી“માણસ પોતાની જાતને જેટલો સુખી માને છે. તેટલો સુખી તે બને છે.” એટલે કે સાચું સુખ બહારથી નથી આવતું પણ આપણા મનની અવસ્થા ઉપર નિર્ભર કરે છે.  આપણી એ માન્યતા કે આપણને સુખ અમુક વસ્તુ, વ્યક્તિ કે સ્થિતિમાંથી પ્રાપ્ત થયું…એ આપણી ભ્રમણા છે.સુખની શોધમાં ફરતાં માનવી ની મનોસ્થિતિમા….માનવી દુ:ખી  બને છે… વધુને વધુ ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવાથી કે વધુ ઉપભોગ કરવાથી સુખ મળતું નથી. પણ આ બધું પ્રાપ્ત કરવાની ઇચ્છાથી મુક્તિ મેળવવાથી જ સુખ પ્રાપ્ત થાય છે.”સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો (સનાતન) સુખ જ પ્રાપ્ત થાય.

(મિત્રો આ લેખ મારા મિત્રે મોકલ્યો છે અને ક્યાંથી મળ્યો એ ખબર  નથી ,અને એને ખોટો જશ લઇ સુખી નથી થવું પરંતુ આપણે માણી ને આનંદ લઈએ ​)

……….

દેવિકાબેન ધ્રુવની ગઝલનો આસ્વાદ

​મિત્રો, દેવિકાબેન ની આ ગઝલનો આસ્વાદ માણો ​
 

હોવો જોઈએ…

 

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ.
‘પાણી પહેલાં પાળ’નો વિવેક હોવો જોઈએ.

ક્યાં કમી છે દોસ્ત થઈને આવનારાની અહીં
પાસ આવી બેસનારો નેક હોવો જોઈએ.

લો,જુઓ,આ કેટલો ખોટો ગણ્યો છે દાખલો!
એક ને એક, બે નહિ, પણ એક હોવો જોઈએ.

ઓછું ધન હો કે પછી ઘર નાનું હો તો ચાલશે.
પ્રેમ ને આદર તણો બસ ટેક હોવો જોઈએ.

થાય છે મનમાં કે પૃથ્વી ગોળ શાને થઈ હશે ?
કોઈને રોવાને ખૂણો  એક હોવો જોઈએ!

​દેવિકાબેનની આ ગઝલ નો આસ્વાદ માણતા કલમ કયારે ચાલવા માંડી તે ખબર જ ન રહી,અને આ જ તો સારા કવિની કલમની તાકાત છે ને!જેમ જેમ વાંચતી ગઈ તેમ તેની અનુભવી ,દોસ્તો દુનિયામાં ખુબ મળે છે પણ મિત્રતાને કારણો સાથે સંબંધ નથી,કૃષ્ણ સુદામાની જેવી મિત્રતા કવિત્રીએ એક વાક્યમાં સમજાવી દીધી છે “પાસ આવી બેસનારો નેક હોવો જોઈએ”આવડા મોટા પ્રભુ જેવા મિત્ર પાસે સુદામાને કયારેય અપેક્ષા ન હતી..મિત્રતામાં ભૌતિક્તાને સ્થાન નથી બાકી મધ હોય ત્યાં માખી કયાં નથી મણમણતી?…..ત્યાંથી આગળ વધતા કહે છે પ્રેમ કયાં નથી ? પરંતુ એની ગણતરીમાં ખોટો પડે છે માણસ !…….એકને એક બે કહી હું હું માં હંમેશા અલગ રહે છે ,……પરંતુ કવિ કહે છે કે એક ને એક, બે નહિ, પણ એક હોવો જોઈએ.આમ છંદમાં લખાયેલી આ ગઝલ અધિકારપૂર્વક પ્રેમમાં આપણાપણાનો અહેસાસ કરાવે છે. …લગ્ન પછી પણ પ્રેમ ની વ્યાખ્યા બદલાય છે જરૂર.. પણ દેખાડવાની રીત સાથે જોડતા કવિત્રી કહે છે,મોટા ઘરમાં પ્રેમ એકબંધ છે તેવું ન માનતા … ઘર સાથે પ્રેમની તુલના ન કરતા અહી આદરની વાત છે.”પ્રેમ ને આદર તણો બસ ટેક હોવો જોઈએ”ઘણા પ્રેમી લગ્ન પછી છુટા પડતા હોય છે પરંતુ પ્રેમની કદર કરી આબરૂ જાળવી રાખતા હોય છે, જે સાહજીક હોય છે.કાળજી,જવાબદારી,આદર,માન, પરસ્પર કંઇક કરી છુટવાની ભાવના અને એકબીજા ના “ઉત્કર્ષની” ઝંખના એ જ પ્રેમનો સંકેત છે.આદરની વાત છે….એક અંગત અનુભવના આધાર હેઠળ લખાયેલી આ રચના આપણા સૌના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે.
રોવા માટે કોને ખૂણો નથી જોતો ? ગોળ પૃથ્વી ભલે હોય પણ ટોળામાં ખોવાઈ ગયેલા માણસને અંતે તો રોવા માટે ખૂણો જ જોઈએ છે। ..અહી એક વાત ખુબ સચોટ રીતે કરી છે અને તે છે હૃદયના એક ખૂણા માં હંમેશા કોઈનું સ્થાન હોય જ છે જેના માટે મોટા ઘરની જરૂર નથી તેમ માણસ પોતાનું હૃદય ખોલીને રડવા માટે પણ એક ખૂણો બસ છે તો પછી આ વિવેક આપણે કેમ ભૂલી જઈએ છે ‘પાણી પહેલાં પાળ’નો વિવેક હોવો જોઈએ….તો કોઈનું દિલ પણ નહિ દુભાય એ રોવા માટે ખૂણા ની જરૂર પણ નહિ પડે। …પ્રેમ નામનો અઘરો શબ્દને સરળ બોલચાલની ભાષામાં વર્ણવી ગહન વાત આ કલમે છંદમાં આલેખી છે હવે હું વધારે કહું તે પહેલા તમારી જાતે જ કાલે બેઠકમાં આવી માણો તો વધારે આનંદ થશે.
દેવિકાબેન ધ્રુવ તારીખ 9 એપ્રિલ 2014ના કાલે icc માં સાંજે સાત વાગે આવવાના છે આપ સર્વે આવી માણજો. 
પ્રજ્ઞાજી :પ્રજ્ઞા દાદભવાળા

-- 

ગમતા નો કરીએ ગુલાલ-પ્રસ્તાવના

મિત્રો

આપણી  હવે પછીની “બેઠક”નો વિષય છે  “પ્રસ્તાવના”

તો મને કોઈએ પ્રસ્તાવના વિશેનો આ લેખ મોકલ્યો છે જે વાંચી આનંદ સાથે જાણકારી મળશે.

ReadGujarati.com

એક અપ્રસિદ્ધ પુસ્તકની પ્રસ્તાવના – ડૉ.મૌલેશ મારૂ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી મૌલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમનો પ્રસ્તુત લેખ અગાઉ ‘નવચેતન’ સામાયિકના 1976ના અંકમાં સ્થાન પામેલ છે. આપ તેમનો આ સરનામે marumaulesh@yahoo.com સંપર્ક કરી શકો છો.]

સામાન્ય રીતે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ કરવા ખાતર જ થતી હોય છે. જૂના વખતની પ્રણાલિકા છે માટે ચાલુ રાખવી જોઈએ. આ વસ્તુ આપણા જીવનમાં બરાબર રૂઢ થઈ ગયેલ છે એ ન્યાયે પ્રસ્તાવના વગરનું પુસ્તક પણ પૂંછડી વગરના પ્રાણી જેવું લાગે છે. પુસ્તક પ્રસિદ્ધ થાય અને તેનું વિવેચન સારું થાય એ માટે એક વણલખ્યો નિયમ છે કે પુસ્તકની પ્રસ્તાવના કોઈ ખૂબ જાણીતો સાક્ષર લખે અગર તો ટીકાખોર વિવેચક લખે અથવા બહુ વગ ધરાવતી વ્યક્તિ લખે તે વધુ યોગ્ય ગણાય. તેથી તે નિયમ પ્રમાણે પહેલાં બેત્રણ વિવેચકોને સાધવાનો પ્રયત્ન કર્યો.

એક વિવેચક પાસે ગયો ત્યારે તેઓ કંઈક પ્રાત:કર્મમાં પડ્યા હતા તેથી દોઢેક કલાક રાહ જોવરાવી ને મળ્યા. મેં બહુ જ સંકોચ સાથે કહ્યું, ‘મારે મારા પુસ્તકની પ્રસ્તાવના આપની પાસે લખાવવી છે,’ એક સંતોષનો ઘૂંટ ખેંચીને તેમણે કહ્યું: ‘જુઓ, મારી પાસે સમય તો નથી. પરંતુ તમારા લેખો મૂકતા જાઓ, હું વાંચીને લખવાનો પ્રયત્ન કરીશ.’ મેં કહ્યું : ‘જી, લેખો ?’ તો કહે ‘કેમ ! તમે લેખોનો સંગ્રહ નથી લાવ્યા ? તો પછી મોકલાવજો.’ મેં કહ્યું : ‘વાત એમ છે કે, મારે હજી લેખો લખવાના તો બાકી છે. પહેલાં પ્રસ્તાવના તૈયાર કરાવવી છે.’ તેમના મુખ પરના બદલાતા ભાવો જોઈને મને તેમની સમક્ષ વધુ સ્પષ્ટતા કરવાનું મન થયું કે ‘જુઓને સાહેબ, તમોએ જ્યારે પાઠ્યપુસ્તક લખ્યું ત્યારે હજી તે પ્રેસમાં ગયું તે પહેલાં જ અમે તમારી શરમે અમારી નિશાળમાં પાઠ્યપુસ્તક તરીકે મંજૂર નહોતું કર્યું ? તો આમાં પણ કેમ ન થાય ? પરંતુ તેમને એમ કહેવાની હિંમતના અભાવે હું ખરેખર લેખો લખવાના બાકી હોય તેવા મુખભાવ સાથે ચાલતો થયો.

બીજા એક લેખક મહોદય તો વળી પ્રસ્તાવના લખી દેવાથી તેમને શું મળે ? તેની ચિંતામાં પડ્યા હતા એટલે સર્વમાન્ય નિયમને ત્યજીને એમ નિશ્ચય કર્યો કે ચાલો, લેખો હું લખવાનો છું તો પ્રસ્તાવના પણ હું જ લખું. જો કે પોતે જ પ્રસ્તાવના લખવાથી લેખોની ટીકા કરતાં વખાણ જ થવાનો સંભવ ખરો પરંતુ ; આમેય બીજો કોઈ પ્રસ્તાવના લખે તો પણ લેખકના વખાણ માટે જ ને ? જો કે આમેય બીજા ક્ષેત્રના લેખકો કરતાં કટાક્ષ લેખકોમાં એક સૂક્ષ્મ ભેદ જોવા મળે છે કે પોતાની ક્ષતિ પર પોતે હસે અને બીજાને પણ હસાવે. તેમનું જીવન એટલું બધું ખુલ્લું હોય છે કે લગભગ વાચકો કટાક્ષ લેખકના તેમની પત્ની સાથેના ખાનગી સંવાદો પણ જાણતા જ હોય છે.

આ બાબતમાં મારા એક મિત્રનો દાખલો યાદ આવે છે. એક કટાક્ષ લેખની હરીફાઈમાં તેમને બીજું ઈનામ મળ્યું. ઈનામ લેવા ગયા ત્યારે સમારંભમાં પ્રથમ વિજેતા બહેન સાથે ઓળખાણ થતાં એ બહેને પૂછ્યું : ‘તમને મારી ઈર્ષ્યા થતી હશે કેમ ?’ તેમના જવાબમાં મિત્રે કહ્યું, ‘બહેન ! ખોટું ન લગાડિ તો એક પ્રશ્ન પૂછું : ‘આ તમારો પહેલો જ લેખ હતોને ?’ લેખિકા બહેન કહે ‘તમારી વાત તો સાચી પરંતુ તમને તે કેવી રીતે ખબર પડી ?’ મિત્ર કહે ‘તમે જે પ્રશ્ન પૂછ્યો તે જ દર્શાવે છે કે તમારામાં અનુભવનો અભાવ છે. કટાક્ષ લેખકો કોઈની ઇચ્છા કરે જ નહીં અને જો ઇચ્છા કરે તો કટાક્ષ લેખક થઈ શકે નહીં, હકીકતમાં કટાક્ષ લેખક જ ને અનુસરીને દરેક વસ્તુને, પોતાની જાતને પણ, તટસ્થ રીતે જોવાને ટેવાયેલો હોય છે.

જેમ ઘણા પ્રેક્ષકોને મુખ્ય ચિત્ર શરૂ થયા પહેલા દેખાડાતાં ‘ન્યુઝરીલ’માં કંટાળો આવતો હોય છે તેમ મોટા ભાગના વાચકોને પ્રસ્તાવના વાંચવાનો કંટાળો આવતો હોય છે. તેમાં યે જો પ્રસ્તાવના ભારેખમ હોય તો તો અમારા પેલા વિજ્ઞાન લેખો લખતા મિત્ર કહે છે તેમ લેખ વિષે ‘પ્રુફરીડર’નો જ અભિપ્રાય પૂછવો જોઈએ. કારણ બીજા કોઈએ આખો લેખ વાંચ્યો હોય તો અભિપ્રાય પૂછાયને ? જો કે વિજ્ઞાન લેખ વિષે મારો તો અભિપ્રાય છે કે પ્રુફરીડર પણ ઘણી વખત તો તેમના પર કામનો બોજો એટલો બધો હોય છે કે વાંચ્યા બાદ તેમને ખ્યાલ પણ નથી હોતો કે તેમણે કટાક્ષ લેખ વાંચ્યો કે વિજ્ઞાન લેખ ! પરંતુ કોઈક વ્યક્તિએ લેખનો શબ્દેશબ્દ વાંચ્યો છે તેવો સંતોષ અને ગર્વ જરૂર લઈ શકાય.

પ્રસ્તાવના લખવાનો એક હેતુ ઘણી વખત પુસ્તકના કાર્યમાં જેમણે મદદ કરી હોય તેનો આભાર માનવાનો પણ હોય છે. હું લખતો થયો અને પુસ્તક છપાવવા સુધી પહોંચ્યો એ માટે જો આભારવિધિ કરવા માટે લિસ્ટ બનાવું તો ખૂબ ખૂબ લાંબું થાય. પરંતુ મુખ્ય મુખ્ય વ્યક્તિઓનો વિચાર કરું તો મારા લેખકપણામાં વિશેષ ફાળો પિતાશ્રી તથા માતુશ્રીનો છે. એ બંનેનો સ્વભાવ એટલો બધો ભીરુ અને ચિંતાળુ કે મારા માતુશ્રી તો અમે કોઈ ઘરની બહાર અમસ્તા પણ નીકળીએ તો પાછા હેમખેમ ઘેર આવી જઈએ એને માટે ભગવાનને માળા અને દીવા માને. પિતાશ્રી બહાર ગયેલ વ્યક્તિને સહેજ મોડું થાય એટલે ઘરમાં રહેલ સભ્યો પર ઊકળી ઊઠે અને મોદું કરનાર વ્યક્તિ આવે એટલે એમનો ગુસ્સો અદૃશ્ય થઈ જાય. આમ અમારે ઘરમાં જ રહેવું પડે તેવી પરિસ્થિતિમાં લખવા સિવાય બીજી કઈ પ્રગતિ થઈ શકે ? તેમની ભીરુ વૃત્તિ મારામાં પણ વારસાગત ઊતરી છે અને એટલે જ મારો પહેલો લેખ છપાવવા મોકલવાની હિંમત જ ન ચાલે.

તે હિંમત સૌથી પહેલાં મારી પત્નીએ દર્શાવી અને એમાં પણ પુરસ્કાર મળ્યો ત્યાર પછી તો સહેજ નવરો બેઠો હોઊં તો ‘હવે આમ નવરા કેમ બેઠા છો, એકાદ લેખ લખી નાખોને’ એવી રીતે મને લખવાની સતત અને સખત પ્રેરણા મળ્યા જ કરે તે કંઈ નાનોસૂનો ફાળો કહેવાય ? આ ઉપરાંત બચપણથી મને મનમાં એમ ઠસી ગયેલું કે લેખક એટલે સાક્ષાત દરિદ્રતા ! તેને તો પેટમાં રોટલી નાખવાને બદલે બહારથી પાટા જ બાંધવાના હોય. સાયકલ તો એક બાજુ રહી પણ પગમાં ચંપલનું પણ ઠેકાણું ન હોય. આપણા જૂના લેખકોના જીવનચરિત્રો પરથી પણ કંઈક એવો ખ્યાલ બંધાઈ ગયો હોય તે શક્ય છે. અને એટલે જ મનોવૈજ્ઞાનિક રીતે લેખક તરીકે બહાર આવતાં કંઈક ડર લાગતો હતો. પરંતુ જ્યારથી ‘ફિલસૂફ’ (ચીનુભાઈ પટવા)ને વાંચ્યા ત્યારથી ખબર પડી કે લેખક સ્કૂટર કે મોટરમાં પોતાનાં પાત્રોને જ ફેરવીને સંતોષ પામે તેવું નથી પોતે પણ તેવાં વાહનોમાં ફરી શકે છે. આમ આ બધાં પરિબળોનો મારે આ તકે આભાર માનવો જોઈએ. જો કે હું કદાચ લેખનને બદલે દારૂ કે જુગારના વ્યસન પર ચડ્યો હોત તો પણ ઉપરના ઘણાખરાં પરિબળોને કારણભૂત દર્શાવી શક્યો હોત એટલે મને લાગે છે કે હું લેખન તરફ વળ્યો તે મારે માટે મારો અને ફક્ત મારો જ આભાર માનવો જોઈએ ! પુસ્તકમાં આવા પ્રકારની પ્રસ્તાવના કેવી શોભી ઊઠે તે વિશે એક લેખક મિત્રનો અભિપ્રાય પૂછતાં તેમણે કહ્યું કે ‘મને તો લાગે છે કે પુસ્તક છપાયા પહેલાં જેમ તેમાના ઘણા લેખો જુદી જુદી જગ્યાએ પ્રસિદ્ધ થઈ ગયા હોય છે અને હકીકતમાં તેની પ્રસ્તાવના જ પ્રથમ વખત છપાતી હોય છે તેમ પ્રસિદ્ધિ પહેલાં આ પ્રસ્તાવના પણ છપાવીને પુસ્તકમાં કંઈપણ નવું ન રહેવા દેવાનો તમારો વિચાર ખરેખર મૌલિક છે. અને તેથી જ પુસ્તક પહેલાં મારા અપ્રસિદ્ધ પુસ્તકની પ્રસ્તાવના વાચકો સમક્ષ આવી શકી છે.

આભાર: મોકલનારને અને રીડ ગુજરાતીને

http://www.readgujarati.com/2013/11/11/pustak-prastavna/

કવિતાની કેડીએ… – નલિની માડગાંવકર

મિત્રો
ગઈ બેઠકમાં આપણો વિષય હતો” મને ગમે છે “
જેમાં બધાએ પોતાની દ્રષ્ટી થી કવિતાનો આસ્વાદ કરાવ્યો  ખુબ સરસ રહી બેઠક
આજ ચાલો
એક સુંદર કવિતાનો આસ્વાદ માણીએ ……
અને ચાલો કરીએ ગમતાનો ગુલાલ……..

સામી વ્યક્તિ તમારી નજરથી સમગ્ર સંસારના તંત્રને નિહાળે એવી અપેક્ષા શું કામ?

કવિતાની કેડીએ… – નલિની માડગાંવકર

તો?

તને નયન હોત જો મુજ, અને હતે ન્ય્હાળું તેં

સદૈવ મુજ દૃષ્ટિથી સકળ તંત્ર સંસારનું,

શક્યો ન હોત સંભવી કદીય તો વિસંવાદ આ,

ન હોત વણસ્યા બધા મૃદુ મનોરથો આપણા.

અને ઉભય આપણે સુખદ હૂંફ અક્કેકની

સદા અનુભવી કરે કર ગ્રહી, હસી વિઘ્નને,

સ્ત્રજી નિતનવીન કો મુધરપે મનોરાજ્યને,

અખંડ જયકામના ગજવતાં હતે જીવને.

‘અરે! નયન હોત જો મુજ તને!’-રહું ચિન્તવી;

અને હૃદય મુગ્ધ આ દ્રવતું એક નિ:શ્ર્વાસમાં;

મનોરથ વિનષ્ટ સૌ નયન પાસ નાચી, ઘડી

રહે છ મુજ મુંઝવી મતિ; તદા ફરી ચિંતવું.

નિહાળ્યું કંઈ તેં નહીં કદીય નેત્રથી માહરાં;

પરંતુ તુજ નેત્રથી નિરખી હું શક્યો હોત તો?

– મનસુખલાલ ઝવેરી

કવિ સુન્દરમ્-ઉમાશંકર જોશી પછી ગાંધીયુગના કવિઓમાં જેમનો અવાજ અલાયદો તરી આવતો જણાય છે એ છે કવિ મનસુખલાલ ઝવેરી. પંડિતયુગના સાક્ષર કવિઓ નવાં નવાં કાવ્યસ્વરૂપોનો વારસો પછીની પેઢીને આપ્યો અને આ સ્વરૂપોની ઉપાસના પ્રયોગ અને પરંપરાની સમતુલા જાળવીને ગાંધીયુગના કવિઓએ કરી છે. આજે એવા જ એક સોનેટની વાત કરવી છે. સોનેટમાં વિચાર સૂક્ષ્મ ગતિએ છેલ્લી બે પંક્તિઓમાં વળાંક લેતો હોય છે એની પ્રતીતિ અહીં પણ થાય છે.

કવિ મનસુખલાલની કવિતામાં એક ભાવ વારંવાર દેખાય છે અને એ છે વિષાદનો. એ માનતા કે ‘માનવજીવનમાં’ અષાઢ અને ફાગણ-આવનજાવન કરે છે. બાકી જો કોઈ સનાતન મોસમ હોય તો તે શ્રાવણની છે.’ આ માન્યતા જ ઘૂંટાઈ ઘૂંટાઈને અનેક કવિતામાં પ્રગટ થઈ છે. જીવનમાં અનેક કડવાં સત્યનાં ઘૂંટડાં પીધા પછી એને પચાવવા હોય તો સ્વીકૃતિ અને સમજણને સ્થાયી રાખવાં જોઈએ. માણસની વધતી અપેક્ષાઓ જ એને અકળાવીને શંકાશીલ બનાવે છે અને એ શંકાઓ આખરે તેમની વચ્ચેનાં સંબંધસૂત્રને છેદી નાખે છે. આવાં પરિણામોથી દૂર રાખવા ખુદને અને અન્યને જગાડતું આ કાવ્ય છે.

બે વ્યક્તિ વચ્ચેના વિસંવાદના મૂળમાં આવી જ અપેક્ષાઓથી સભર વિષમ ક્ષણો જોવા મળે છે. સમગ્ર જિંદગી માણસ એક જ અફસોસ સાથે જીવતો હોય છે કે ‘મને કોઈ સમજતું નથી. મારી દૃષ્ટિનો કોઈ વિચાર કરતું નથી.’ અહીં ઉપહાસ તો આપણી માન્યતાનો જ થતો હોય છે, કારણ કે સામી વ્યક્તિની ભાવ-ભાવનાઓનો આપણે એકપક્ષી વિચાર કર્યો હોય છે. ચિંતનથી કવિતા ભારેખમ નથી બનતી પણ આપણી દૃષ્ટિ એને ભારેખમ બનાવી દેતી હોય છે. ઝાડ પરથી ખરી પડતાં પીળાં પાંદડાંના ઢગલાઓને વાળીઝૂડીને સાફ કરવાનાં હોય-તો જ એનાં મૂળિયાંને નિરામય બનવામાં ગતિ મળતી હોય છે. પરંતુ આપણે એનો સંચય કરીએ છીએ. એનું ખાતર બનાવવાની આશામાં ભેગાં કરીએ છીએ. અને કોહવાટની દુર્ગંધને સહીએ છીએ. ભલે વનસ્પતિશાસ્ત્રીઓ આ પ્રક્રિયાને સહજ ગણે પણ જીવનમાં મનોકામનાનાં આવાં સૂકાં પર્ણોને આપણે ત્યજી દઈએ એ જ જરૂરી છે. તો જ નિરામય પ્રેમની આપણી અપેક્ષાની નિકટ જઈ શકીશું. કવિતાની શરૂઆત જ વેદનાગ્રસ્ત શબ્દોથી થઈ છે. કવિ એમ નથી કહેતા કે ‘તને આંખો નથી’ એ તો કહે છે, ‘તારી પાસે જો મારી દૃષ્ટિ હોત તો’ જાણે કે બે વ્યક્તિ વચ્ચેની ગેરસમજૂતીનું બીજ અહીં રોપાઈ ગયું છે. શા માટે ભાઈ? સામી વ્યક્તિ તમારી નજરથી સમગ્ર સંસારના તંત્રને નિહાળે એવી અપેક્ષા શું કામ રાખો છો? જીવનસાથીનો હાથ પકડીએ છીએ ત્યાં જ બે હથેળીના સંગમમાં એકબીજાના જીવનની પુરુષાર્થની દિશા એક થઈ જતી હોય છે. અથવા તો સમાંતર દિશાએ ગતિ કરતી હોય છે. પછી બે પંક્તિઓમાં કવિ વણસતા સંબંધો માટેનો સંકેત આપે છે. વિસંવાદિતા જાગે છે. મૃદુ મનોરથો એકના નથી, બંનેના છે. એ વણસે છે એટલા માટે કે સામી વ્યક્તિ આપણા અંતિમથી વિચારે એવી અપેક્ષા રાખીએ છીએ, આપણે માનીએ છીએ કે આપણું પ્રિયજન જો બધા જ સંજોગોમાં આપણી દિશાએથી વિચાર કરે તો વિરોધનો સંભવ જ નથી હોતો. કવિતાના બીજા શ્ર્લોકમાં સુખી દાંપત્યજીવનનું એક સ્વપ્ન છે. એકબીજાની સુખદ હૂંફને અનુભવતાં, હાથમાં હાથ ગ્રહીને સુખ પામતાં અને વિષમતા તથા વિરોધી જીવનતત્ત્વોને હસતાં હસતાં દૂર કરી શકીએ જો આપણે એકબીજાને સમજી શકીએ તો! કવિતાનો દરેક શ્ર્લોક આ ‘તો’ની અનિશ્ર્ચિતતાનો સંકેત કરે છે. મનોરાજ્યના માધુર્યને અનુભવતાં સર્વ દિશાઓના સાફલ્યને ગજવતો વિજય જ આપણો સાથી બને, પરંતુ આ તો સ્વપ્ન છે. વાસ્તવિકતા આનાથી કંઈક જુદી છે. ત્રીજા શ્ર્લોકના આરંભમાં જે પ્રાપ્ત નથી થયું એના માટેનો આવો જ અફસોસ છે. હૃદય પાસે નિષ્ફળતાના નિ:શ્ર્વાસ સિવાય બીજું કંઈ જ બચ્યું નથી. અહીં મનોરથ સાથે હંમેશાં હૃદયને કલ્પ્યું છે, પણ મતિ સાથે ફરી ફરીને વિચાર-ચિંતન ઘૂમી રહ્યાં છે. જાણે હૃદય અને બુદ્ધિ બંનેની આ નિષ્ફળતા છે. આપણે જગતને જે નજરથી નિહાળીએ છીએ એ જ નજરથી અન્ય પણ જુએ એવું બનવું શક્ય બને? પરિણામે મૃદુ મનોરથો પણ વણસે છે. મનોરથો કેટલા કોમળ છે? ફૂલની જેમ ખીલતાં અને કરમાતાં એને વાર નથી લાગતી. સામી વ્યક્તિ પોતાની જ દૃષ્ટિથી જગતને જુએ આ ભાવ સાથે માણસની ભીતરની દૃષ્ટિનો કવિ સંકેત કરે છે. જે દૃષ્ટિને ઘડવામાં માણસના અનુભવો-સંચિત અનુભવો બહુ મોટો ભાગ ભજવતાં હોય છે. આ સંચિત અનુભવોમાં જેમ સારું-માઠું સમાયું છે તેમ સુખ અને દુ:ખની અનુભૂતિ પણ જોડાઈ હોય છે.

વાસ્તવમાં અન્ય માટેની સેવેેલી અપેક્ષા જ વહેતા જળ સાથે તણાઈ જતી વસ્તુઓની જેમ નિષ્ફળ બની વહેતી હોય છે. જળની સપાટી પર તરતા દીવાની જેમ એ સાર્થ નથી બનતી. આવાં સ્વપ્નો એ ધૂમ્રસેરની જેમ આકાર બદલનારાં હોય છે. એનો આધાર, એનો બદલાતો ઘાટ વહેતી હવાની પર નિર્ભર હોય છે. આ વેરવિખેર સ્વપ્ન આપણી જિંદગી પર કાયમનો વસવસો મૂકતી જાય છે. ધ્રુવપંક્તિની જેમ એક જ વાત મનમાં ધુમરાતી હોય છે;

‘મને કોઈ સમજી શકતું નથી.’ આ માન્યતા એટલી બધી બળકટ હોય છે કે એ માણસના સમગ્ર જીવનને, એની મહત્ત્વાકાંક્ષાઓને, સ્વપ્નોને પોતાની મુઠ્ઠીમાં જકડી રાખે છે.

છેલ્લી બે પંક્તિમાં સોનેટનો વળાંક પ્રભાવક લાગે છે.

બાર પંક્તિ સુધી કવિ જાણે ‘તું’, ‘હું’,ના સંબંધમાંથી જન્મતા ‘આપણે’ ને જ કેન્દ્રમાં રાખે છે. પરંતુ છેલ્લી બે પંક્તિમા કવિ માનવીય સંબંધને નવો વળાંક આપે છે.

સંબંધનો એક છેડો જેમ બે વ્યક્તિને જોડનારો છે તેમ બીજો છેડો એને ખુદને પણ અંતરના સંબંધથી જોડનારો છે. જે માણસ ભીતરથી ખુદની સાથે સંબંધ બાંધી પરિસ્થિતિની સચ્ચાઈને ઓળખી શકે છે એને જગત સાથેના સંબંધમાં વધુ તડજોડ કરવી પડતી નથી. જે વ્યક્તિને ચાહતાં હોઈએ એ પણ આવા ભીતરના સંબંધતંતુથી જોડાયેલી હોય છે.

આ સત્ય જે સમજી શકે છે એના અંતરમાંથી જાગેલી આ કવિતાની છેલ્લી બે પંક્તિઓ છે. માની લો કે તમારું પ્રિયજન તમારી દૃષ્ટિથી જગતને જોઈ શકતું નથી. તો તમે તો એની નજરથી જોઈ શક્યા હોત? કવિતામાં પ્રગટ થતી વેદના અહીં જ જાણે અંતિમ ચોટને સાધે છે. શક્યો હોત તો? જે સમયમાં આવું બનવું શક્ય હતું એ સમય જ હવે હાથમાંથી ચાલ્યો ગયો છે. આંતરરૂપ સાથેની તન્મયતા જાણી લીધી પછી અપેક્ષાઓ ઓગળી શકી, સામી વ્યક્તિના અંતિમેથી વિચારી પણ શકાયું છતાં આવા અદ્વૈતને સાધવાનો સમય હાથમાં ન રહ્યો. પ્રેમનો મર્મ સમજાવવા અને સમજવા માટેની આ કેન્દ્રની અનુભૂતિ છે. જે પોતાની અપેક્ષાઓને ઓગાળી દઈને સામી વ્યક્તિની અપેક્ષાઓને જાણીને એને સંતોષવા પ્રયત્ન કરે છે એની પાસે પ્રેમ શબ્દ બોલ્યા વગર પણ પ્રતીત થતો હોય છે.

કવિતાની આ ‘તો’?ની દૃષ્ટિની યથાર્થતા ફક્ત પતિ-પત્ની કે બે પ્રેમીઓને જ સ્પર્શતી નથી, પરંતુ પ્રેમના વિશ્ર્વમાં જેમના અસ્તિત્વને આપણે પોતીકું બનાવ્યું છે એ પિતા-પુત્ર કે માતા-પુત્રીની પણ હોઈ શકે. પ્રેમ આત્મરતિને સ્થાન આપતો નથી. આવો પ્રેમ જ અવનિનું અમૃત બની શકે છે.

સૌજન્ય :મુંબઈ સમાચાર -આભાર