દ્રષ્ટિકોણ 23: અલહ્મ્બ્રા ની કરુણ કથની અને કોર્દોબા ની મસ્જિદ/ચર્ચ – દર્શના

નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક ની દ્રષ્ટિકોણ કોલમ માં આવકારું છું. આજે ઇતિહાસ માં ડૂબકી મારીએ।  આ અઠવાડિયે નાતાલ ની ઉજવણી ચાલી રહી છે તો આપણે એક અદભુત ચર્ચ અને મસ્જિદ છે તે જગ્યા વિષે માહિતી મેળવીએ।  મને વિજ્ઞાન, ભૂગોળ, ખગોળશાસ્ત્ર વગેરે બધા વિષયો ગમે છે પણ ઇતિહાસ મારી દીકરી અને મારો પ્રિય શોખનો વિષય (હોબી) છે. મારી દીકરી ની સ્કૂલ ખતમ થઇ ત્યારે કોલેજ માં જતા પહેલા તેણે મને કહ્યું કે મારી હંમેશા ઈચ્છા હતી કે સ્કૂલ પુરી થાય ત્યારે આપણે સ્પેઇન માં અલહ્મ્બ્રા પેલેસ જોવા જઈએ. મેં કહ્યું તો આપણે તે ઈચ્છા પુરી કરીએ. તેણે કહ્યું કે પણ મમ્મી,આપણી પાસે પૈસા તો નથી. મેં કહ્યું, હું કામ માટે ખુબ મુસાફરી કરતી હતી તેના માઈલ ભેગા થયા છે અને બાકી આપણે બસ માં મુસાફરી કરશું અને હોસ્ટેલ માં રહેશું. પણ મેં તેને કહ્યું કે જતા પહેલા સ્પેઇન નો પૂરો ઇતિહાસ શીખી લે. તેણે પૂરો અભ્યાસ કર્યો અને મને નાની નાની સ્પેઇન ની વાતો કહેતી હતી. ત્યાં ગયા ત્યારે અમે ગાઈડ ના પૈસા તો રાખ્યા નતા પણ કિન્ડલ ઉપર રિક સટિવ્સ ની ગાઈડ બુક લઇ ગયેલા. દરેક જગ્યાએ જે જોતા હોઈએ તે પેજ ઉપર ખોલીએ એટલે ગાઈડ આપે તેવીજ માહિતી લખી હોય. એટલે દરેક જગ્યાએ અમે જોતા જોતા તે માહિતી વાંચતા જતા.
મારી દીકરીને અલહ્મ્બ્રા નો પેલેસ ખાસ જોવો હતો. તેણે મને તેના વિષે એક વાત કહેલી એટલે હું પણ જોવા માટે આતુર હતી. તો સ્પેઇન ની વાત સાંભળો. વાત ની શરૂઆત સ્પેઇન ની મશહૂર ક્વિન ઇસાબેલા થી કરીએ. 1400 ની સદી માં, એ સમયે કુરાન અને બાઇબલ ના શિક્ષણ પ્રમાણે ક્રિસ્ટીઅનસ અને મુસલમાનો વ્યાજ ઉપર પૈસાની લેવડદેવડ કરી શકતા નહિ. તેથી તે કામ જુઇશ લોકોએ સાંભળેલું. ધીમે ધીમે તેમાંથી જુઇશ લોકો વધારે ધનવાન બની રહ્યા હતા અને તેમની તરફ વિરોધ અને શત્રુતા નું વાતાવરણ ફેલાઈ રહ્યું હતું. 1469 માં ઇસાબેલા અને ફર્ડીનાન્ડ ના લગ્ન થયા. ઇસાબેલા કેસ્ટિલ નામની રાજધાની ની રાજકુંવરી હતી અને ફર્ડીનાન્ડ આરોગોન નામની રાજધાની નો રાજકુંવર હતો. તેમના જોડાણ થી બે રાજ્યો ભેગા થયા અને તેમનો સતા વધી ગઈ. તેના ભાઈ નું તેવામાં મ્રત્યુ થયું અને ઇસાબેલા અને ફર્ડીનાન્ડ નું રાજ્ય શરુ થયું. જે આજે સ્પેન તરીકે ઓળખાય છે તે રાજ્ય ઇસાબેલા અને ફેર્ડીનૅન્ડ હેઠળ એકીકૃત થયેલ.  ઇસાબેલા ક્રિશ્ચિયન ધર્મ આખી દુનિયા માં ફેલાવવા માંગતી હતી. ધીમે ધીમે તેણે જુઇશ અને મુસલમાન લોકોને બદલવાનું અને કેટલાયને દેશનિકાલ કરવાનું શરુ કર્યું.  આજુબાજુના રાજ્યો સાથે ઇસાબેલા અને ફર્ડીનાન્ડ યુદ્ધ કરતા અને પોતાની સત્તા જમાવતા ગયા. તેમને 7 બાળકો થયા. ઘણીવાર પ્રેગ્નન્ટ હોવા છતાં ઇસાબેલા પોતે યુદ્ધ માં ઉતરતી અને હંમેશા સફેદ કપડાં ધારણ કરીને તે યુદ્ધ માં જતી.
લડ નહિ તો રડ  
મોટા ભાગના મુસલમાન અને જુઇશ લોકોને દેશનિકાલ કર્યા બાદ એક ગ્રેનેડા નું રાજ્ય બાકી રહ્યું.  Emirate of Granada નું રાજ્ય મુસલમાન રાજા બોબદીલ ના હાથ માં હતું. આખરે તેઓએ ત્યાં યુદ્ધ કર્યું. આસપાસ ના નાના નાના રાજ્યો ખરી પડ્યા અને આખરે ગ્રેનેડા એ હાર સ્વીકારી. તેમણે પેલેસ ની ચાવી ઇસાબેલા ને સોંપી અને ઇસાબેલા એ તેના બદલામાં તેઓને શાંતિ થી દેશનિકાલ થવાની પરવાનગી આપી.  મારી દીકરીએ મને એક વાત કહેલ કે જયારે બોબદીલ ગ્રેનેડા ના પેલેસ, જેને લોકો “પૃથ્વી ઉપર ની જન્નત” નામે જાણતા, તેની ચાવી ઇસાબેલા ને સોંપી ને બધા લોકો જોડે દેશનિકાલ થતો હતો ત્યારે બોબદીલ રડતો હતો. તેને રડતો જોઈને તેની મા એ તેને તાણો માર્યો કે “એક મર્દ ની જેમ લડીને તું તારું રાજ્ય બચાવી શક્યો નહિ, જા હવે એક સ્ત્રીની માફક રડ”.   
અલહ્મ્બ્રા નો પેલેસ
અલહ્મ્બ્રા નો પેલેસ અદભુત ઇસ્લામિક ઇમારત ના પ્રતીક સ્વરૂપે મશહૂર છે. અલહ્મ્બ્રા ને UNESCO World Heritage Site ગણવામાં આવે છે. તેની અંદર ની કારીગીરી અને જીણા જીણા કોતરેલ કુરાન ના શ્લોકો, તેની આસપાસ ના બગીચા, ફુવારા વગેરે તેઓની પ્રગતિશીલ સંસ્કૃતિ નો પુરાવો છે અને ત્યાંની સુંદરતાએ ને કવિઓએ ઘણા કાવ્યો માં વણી લીધી છે. તે સમય ના કવિઓ અલહ્મ્બ્રા નું વર્ણન આ પ્રમાણે કરતા – “નીલમણિ વચ્ચે જડેલ મોતી”।  ઇસાબેલા એ કોર્દોબા ની મસ્જિદ ને તોડી નહિ પણ તેને ચર્ચ માં બદલી નાખી. મારી દીકરી અલહ્મ્બ્રા પેલેસ જોવા આતુર હતી પણ હું તો કોર્દોબા ની મસ્જિદ/ચર્ચ ને જોઈનેજ તાજ્જુબ થઇ ગઈ.
કોર્દોબા ની ચર્ચ/ મસ્જિદ
છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન મુસલમાનોએ અરજી કરેલ છે કે તેમને પણ ત્યાં પ્રાર્થના કરવાની પરવાનગી મળે પણ તે અરજી મંજુર કરવામાં આવી નથી.  પણ જબરજસ્ત મસ્જિદ અને ચર્ચ માં બંને ધર્મ ને જુદા જુદા દ્રષ્ટિકોણ થી જોવા મળે છે. મસ્જિદ તરીકે જોઈએ તો એક મુલ્લા ની પદવી સામાન્ય માનવી કરતા ખુબ ઊંચી નથી. તેથી ત્યાં મુલ્લા ની જગ્યા ઊંચી નથી. મુલ્લા નો અવાજ ચારે કોર સંભળાવો જોઈએ અને તે પ્રમાણે એ બોલે ત્યાં એ પ્રકારનું બાંધકામ છે કે ત્યાંથી મોટો પડઘો ચારે બાજુ સંભળાય છે. પ્રાર્થના હોલનું કેન્દ્રબિંદુ મુલ્લા જ્યાંથી બોલે છે તે મિહરાબ છે. દરેક મસ્જિદ માં મિહરાબ નું મહત્વ હોય છે. મિહરાબ એટલે એક વિશિષ્ટ જગા જે દરેક પ્રાર્થનાર્થીને મેકકા તરફ ની દિશા બતાવે છે. કોર્દોબા માં મિહરાબ ઉપર એક ચમકતો ગુંબજ છે અને તેને ઘેરીને  સ્તંભો છે જેના ઉપર અરબી ભાષાના શિલાલેખ સાથે બાયઝેન્ટાઇન-શૈલી ના મોઝેઇક થી કરેલ ચિત્રકામ છે. દરેક મસ્જિદ માં મીનરેટ હોય છે જ્યાંથી પાર્થના માટે લોકોને બોલાવાય છે. મસ્જિદ માં કોઈ મૂર્તિ કે સ્ટૅચુ હોતા નથી.  
આ અધભૂત મસ્જિદ ને ઈસાલબેલા ના લોકોએ તોડી નહિ પણ આ અદભુત જબરજસ્ત મસ્જિદ ની વચ્ચોવચ તેમણે  એક ચર્ચ ચણી દીધું। મસ્જિદ ની વચ્ચેવચ આ કૈથેડરલ છે. તેમાં છે જબરજસ્ત ઓલ્ટર, ગોથિક છત, બરોક લેક્ટરન અને પ્રિસ્ટ માટે  પલ્પપીટ અને વચ્ચે મોટા મેરી અને જીસસ ના સ્ટેચ્યુ। ચર્ચ ના શિક્ષણ અનુસાર ભગવાન લોકો થી દૂર અને ખુબ મોટા અને ઉપર બિરાજે છે.  તેની છત આસ્તે આસ્તે તેને ફરતી મસ્જિદ માં ભળી જાય છે.  આ મસ્જિદ/ ચર્ચ ની બહાર અને મધ્યમાં ફુવારા સાથેનો આંગણ, નારંગી ગ્રોવ, અને આંગણાને ફરતા કવરવાળા વૉકવે અને મીનરેટ છે.  આ ચર્ચ અને મસ્જિદ નું જે મિશ્રણ કોર્દોબા માં છે તે ધર્મ નું એક અનોખું દ્રષ્ટિકોણ દાખવે છે. ભગવાન નું નિશ્ચિત સ્વરૂપ નથી. ભગવાન લોકોની શ્રદ્ધા અને માન્યતા પ્રમાણે આકાર લ્યે છે. અને એકજ જગ્યાએ તે જોવાનો અનુભવ એક અદભુત અનુભવ છે.

Alhambra
Alhambra of Granada, Spain. Alhambra fortress at sunset.
Cordoba
Cordoba, Spain at the Mosque-Cathedral and Roman Bridge. CORDOBA, SPAIN - 11 MAY 2016: Cordoba, Spain, interior of the Great Mosque, Mezquita in Andalusia.