Vicharyatra : 20 Maulik Nagar “Vichar”

એ વ્યક્તિત્વને સગી માનું ધાવણ નસીબમાં ન હતું એટલે જ કદાચ તે મા-ધવથી ઓળખાય છે.

માધવની તો મારા પર જબરી કૃપા છે. મનમાં વિચાર લાવનાર પણ તે અને એ જ વિચારનાં પરિણામનું કારણ પણ તે જ.
જયારે પણ કૃષ્ણ સંબંધિત કોઈ પણ પુસ્તક વાંચું એટલે પહેલાં જ એ વિચાર આવે કે શું હજી પણ ગોકુળમાં ગોપીઓ હશે? અને જો ક્યાંક ગોપીઓ હશે પણ ખરા તો અત્યારે તો તે ગોપીઓની લચકતી કમર પણ હવે લચી પડી હશે. એમની ગાગર પણ હવે નક્કર થઈ ગઈ હશે. ગાગર પર મંડાતા કંકરના અવાજની જગ્યા હવે મધુવનના સુકાયેલા પાંદડાઓએ લઇ લીધી હશે. કાલિંદીનું જળ હવે ખારું થઇ ગયું હશે. કારણ માધવને જેટલો શોધવાનો પ્રયન્ત કરીએ છીએ તેટલું જ તે દૂર ભાગે છે.
જીવન મધુરું તો છે. પણ અધૂરું પણ એટલું જ છે.
માધવની યાદ છે પણ વાંસળીનો સાદ નથી.
માધવનો અંશ છે પણ એનો સ્પર્શ નથી.
કુળનું હિત છે પણ માધવનું સ્મિત નથી.

માધવની ગેરહાજરી એટલે શ્વાસને ઉછીના મૂકવા જેવી બાબત છે. માધવ એવું વ્યક્તિત્વ છે, જેને સગી માનું ધાવણ નસીબમાં ન હતું, એટલે જ કદાચ તે મા-ધવ તરીકે ઓળખાય છે. જન્મતાવેંત જ સામાજિક પરીક્ષા શરૂ થઇ ગઈ છતાંય એમને હંમેશા આપણે હસતા જ નિરખેલા છે. પ્રત્યક્ષ કદાચ કોઈએ જોયા નહીં હોય, પણ કૃષ્ણ નામ આવે એટલે એક હસતો સૌમ્ય ચહેરો આપણી નજર સમક્ષ ઉભો થઇ જાય છે.
માધવનું જીવન એટલે જવાબદારીઓનું પોટલું, જેમાં તેમણે બધાને ખુશ રાખ્યા છે. પાછલા જન્મમાં રામ અવતારે આપેલા બધાં જ વચનો પણ નિભાવ્યા છે અને કૃષ્ણાવતારમાં અનેક સંબંધો પણ.
ગોકુલની એકેએક રજને મોક્ષ આપ્યો છે, તો દ્વારકામાં રાજપાટ સંભાળી ત્યાંના લોકોને ધન્ય કર્યા છે.
માધવ ક્યારે ક્યાં હોય છે એની કોઈને ખબર નથી હોતી. કૃષ્ણને શોધવા માટે નારદમુની જેવાં જ્ઞાનીને પણ વર્ષો લાગ્યા હતા. તો કૃષ્ણ ક્યાં છે? તે પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન કરનાર પાસે જ છે. શબ્દથી નહીં પણ અનુભવથી.
કૃષ્ણને શોધવા એક દ્રષ્ટિની જરૂર છે, આંતરદ્રષ્ટિની.
કૃષ્ણ સ્મિતની સોગાદ આપે છે અને વિરહની વેદના પણ આપે છે.
આપણામાં એક મોટી ગેરસમજ છે. આપણા મને ઈશ્વર એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ ઈશ્વર. પરંતુ ઈશ્વર પાસે હંમેશા આપણે કંઈકને કંઈક ઝંખતા હોઈએ છીએ. પણ જો કૃષ્ણને કૃષ્ણ છે તેમ જ સ્વિકારીએ તો આપણી દ્રષ્ટિ કોઈ જ પણ લાલચ વગરની પ્રેમાળ બની જાય છે. અને કૃષ્ણની હાજરી આપણી આસપાસ મહેસૂસ થાય છે. એકદમ અનકંડીશ્નલ.
એટલે “માધવ ક્યાંય નથી મધુવનમાં” નહિ પરંતુ હવેની બાકી રહેજી જિંદગીમાં “જ્યાં સુધી માધવ ત્યાં સુધી આપણું મધુર મન.”
મૌલિક “વિચાર”

સરનામુ

મિત્રો
દાવડા સાહેબ કહે છે ભગવાન શું કામ જન્મ લે તો કલ્પનાબેન પણ સરખો જ સવાલ કરે છે કે પ્રભુ દરવર્ષે તો જન્મ લે છે તો તું છે ક્યા। .?
હું નાની હતી ત્યારે એક ભજન ખુબ ગાતી  હતી। ….
શોધું છું ભગવાન પ્રભુજી શોધું છું  ભગવાન
મારે નથી ધરવું ધ્યાન પ્રભુજી શોધું છું  ભગવાન 
આગળની પંક્તિ ખુબ સરસ છે 
પથ્થર ના મદિર બનાવ્યા 
પથ્થર ના ભગવાન 
બન્યા પુજારી પથ્થર  દિલના 
માટે જડ્યા કદી ન ભગવાન 
કૃષ્ણાવતારને પૂર્ણાવતાર કહે છે, કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહે છે.
કારણ કે જન્મથી માંડીને દેહનો ત્યાગ કરતાં સુધી એમના જીવનમાં જે દિવ્યતા પ્રકાશી ઊઠી છે,
જે પ્રભુત્વ પ્રગટ થયું છે તે બીજા કોઈ માનવ-અવતારમાં થયું નથી 
આજ સુધીમાં ભગવાનના જે કોઈ અવતારો થયા છે તેમાં ભગવાન કૃષ્ણનો જન્મ અપૂર્વ છે
 એમના જન્મથી લઈને એમના દેહત્યાગ સુધી, એમના નિર્વાણ સુધી, એક એક પગલે આપણને જીવન જીવવાનો ભવ્ય સંદેશો મળ્યો છે.

મિત્રો  તો એ મારો ભજન નો સવાલ હોય,
કે દાવડા સાહેબની ફરિયાદ ,
કે કલ્પના બેનની મુજવણ
એ બધાનો જવાબ કલ્પના બેનની કવિતામાં એક  પંક્તિમાં આવી જાય છે કે
પ્રભુ તું અંદર અને હું શોધુ બહાર !
તો મિત્રો માણો આ કવિતા
અને” બોલો હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી” 

સરનામુ

મને જોઇએ તારું સરનામુ,

આજુ-બાજુ, અંદર-બહાર,

શોધુ ચારેબાજુ  તુજને . . .

સાગર જળમાં ઉંડે ઉંડે,

ક્ષિતિજની પણ પેલે પાર,

શોધુ ચારેબાજુ  તુજને . . .

ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ,

ધરા, કંદરા, ડુંગર ઉપર,

શોધુ સર્વ જગતમાં તુજને . . .

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશે,

મુજમાં, સર્વ જનોના હૈયે,

શોધુ ચારેબાજુ  તુજને . . .

આકાશવાણીથી જાણ્યું મેં,

શ્રાવણ વદ આઠમની મધરાતે,

વાસુદેવ-દેવકીથી જન્મીને,

તુ નંદ-યશોદા ઘેર પહોચે છે,

એ છે, તારું સરનામુ . . .

કાનુડા, એ છે, તારું સરનામુ.

હું પણ કેવી ગાંડી ઘેલી !

કસ્તુરી મૃગલાની જેમ,

તું અંદર અને હું શોધુ બહાર !

મને મળી ગયું તારું સરનામું.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી . . .

હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી . . .

કલ્પના રઘુ