તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(19)મિલન-કુંતાબેન શાહ

ક્રોસવર્ડ બૂક્સ્ટોરમાં શેખર સાથે મીટિંગ પતાવી હું બહાર નીકળતો હતો અને મારી નજર થંભી ગઇ એક પ્રૌઢા પર જે પૈસા આપવાની લાઇનમાં ઉભી હતી.  મારી લતા?  જરા મારી તરફ ફરે..

હજુ  યાદ છે એ પળ જ્યારે  બીજે માળે રહેતી લતા પગથીઆ પરથી નીચે ઉતરી રહી હતી. એડીને ચુમતા એના વાળ પહેલા જોયા, પછી લહેરાતું આસ્માની ફ્રોક અને છેલ્લે  ધોયેલા વાળના વાદળમાં ઘેરાયેલું એનું નમણુ મુખ..  આજે કઇ એને પહેલી વાર જોઇ નહોતી તો ય કઇંક અણજાણ્યુ, મર્મ મને પલાળી ગયું! જરા મારી તરફ વળે તો ……

એ અનુભવ પહેલા કદી થયો ન હતો.  હંમેશની જેમ “હે લતા, ક્યાં ઉપડી” પુછવા ઉભો થઇ ના શક્યો.  બસ, એને જતી જોઇ રહ્યો.  

દર રોજ રાતે સોસાયટીના છોકરા, છોકરીઓ જમી પરવારી, લટાર મારવા જતા.  કોણ સૌથી વધારે જલ્દી ચાલે એની દરરોજ સ્પર્ધા થતી.  હવે મારે દરરોજ હારવુ હતુ, લતા સાથે. એની પણ મારા સાન્નિધ્યની ઝંખના વધી ગઇ.  એના વરંડાની એક બારીમાંથી મારા પલંગને લાગીને બારી હતી તે દેખાતી હતી. દરરોજ રાતે મારા બારીના પડદાની તીરાડ્માંથી એની રાહ જોતો. એ બારી પાસે આવીને મને “ગૂડ નાઇટ” કહેતી.  પણ ઉંઘ કોને આવતી?

અમે બેઉએ ઇન્ટર સાયન્સની પરીક્ષા આપી. ઉનાળાની રજામાં લતા એના મામાને ઘેર માટે મુંબઇ જવાની હતી. મને પણ મુંબઇવાસી માસીને ઘેર જવાની માએ છૂટ આપી. રાત્રે લટાર મારવા ગયા ત્યારે લતાને મેં ચોપાટી પરના બેંડ્બોક્સ આગળ બારમી જુને સાંજે છ વાગે મળવાનું કર્યુ.  

મળ્યા, દરરોજ મળ્યા. ચોપાટીની રેતમાં પાસે પાસે બેસીને ચિતરડા દોર્યા કર્યા.  બોલવાની કોઇ જરુરત નહોતી.  સાન્નિધ્ય માણવાનુ હતુ. એને મેં ચુમી નહોતી પણ મારી ઇચ્છા મહેસૂસ કરી શકતી હશે જ કારણ એના નાજુક કંપતા હોઠ એની ચાડી ખાતા હતા. સાત વાગે એને પાછા જવાનુ.  મહિનો ક્યાં નીકળી ગયો, ખબર પણ નહીં પડી!

કોલેજ શરુ થઇ. એક દિવસ મારી માએ મને લતાની લખેલી ચીઠ્ઠી બતાવી. એમાં લખ્યું હતું “અશોક મારો છે અને હું અશોકની.”  મને આજ્ઞા કરી કે “આપણે બ્રાહ્મણ. આજ પછી કદી એ પટેલ  લતા સાથે વાત પણ કરવાની નથી.  રાત્રે એ ચાલવા નીકળે તો તારે નહીં જવાનુ! જીદ કરીશ તો તને ઘરની બહાર કાઢી મુકીશ નહીં તો આત્મહત્યા કરી લઇશ.”  ઍક દિવસ હું લતાની કોલેજની ખાસ સહેલી નલીનીને ઘરે ગયો. જાણીને કે લતા ત્યાં જ હશે. વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. મેં એને માની વાત કહી અને કહ્યું “બહુ વિચાર કર્યો. મારા પપ્પાની તબિયત બગડતી જાય છે, હું જલ્દી ભણી ને નોકરીએ નહીં લાગુ તો અમારા કુટુંબનો નિર્વાહ કાઢવો મુષ્કેલ થઇ જશે. હું  તને ચાહું છું પણ મને જન્મ દેનાર મા બાપને કદી દુઃખી નહી કરી શકુ.”  અમારા આસુંના પૂરમાં પ્રણય પર પ્રલય પથરાયો.

છ વર્ષ વિત્યા. ત્રણ વર્ષ પહેલા અકસ્માતમાં માતા પિતાનુ અવસાન થવાથી લતા પાછી મુંબઇ મામાને ઘરે રહેવા ગઇ હતી. હું એન્જિનિઅર થઇ ગયો અને તરત જ થાણા, મુંબઇમાં નોકરી મળી ગઇ.

દિવાળી નિમિત્તે રવિવારે સાંજે મારા પડોશી રંજના અને સુરેશે  બિલ્ડિંગના દરેક રહેવાસીને આમંત્રણ આપ્યુ હતું.  બીજા પડોશીઓની સાથે લતાને ત્યાં જોઇ. અચરજ થયું કે ત્રણ મહિનાથી અહીં રહુ છુ પણ આ પહેલા એની મુલાકાત ના થઇ? રંજના મારી ઓળખાણ કરાવવા જતી હતી ત્યાં લતાએ જ કહ્યુ.  “અમારી તો બચપણની ઓળખ છે.”

લતા રંજના સાથે જ રહેતી હતી અને હોસ્પિટલમાં નાઇટ શિફ્ટ્ની નર્સ હોવાથી એની મુલકાત થઇ ન્હોતી.  સોમવારે મેં ઓફિસમાંથી રજા લીધી અને લતાને મળવા ગયો. ઘરમાં એ એકલી જ હતી. બેઉને ખબર કે આ પ્રણય પરિણીત સ્વઋપ નહીં પામે પણ “લાગી છૂટે ના”.  વિરહમાં તપાયેલા અમે મિલનની થંડક મેળવવા ભેટી પડ્યા. સ્પર્ષે જે સ્પંદનો જગાડ્યા તેને અમે રોકી ના શક્યા.  બે વર્ષ પલકમાં ક્યાં વહ્યા ખબર ના પડી!

પપ્પાને લકવા થઇ ગયો છે ખબર પડતા હું તરત જ રજા લઇ અમદાવાદ ગયો. ક્યારે પાછો આવીશ એ નક્કી નહોતુ. પપ્પાની આ હાલતને લીધે માની પણ તબિયત બગડી એટલે મેં રાજીનામું આપ્યું અને લતાને પત્ર લખી જણાવ્યુ કે પહેલી તકે તને મળવા મુંબઇ આવીશ.

પપ્પા ગુજરી ગયા.

છ મહિને રંજનાને ઘરે ગયો. લતા ત્યાં નહોતી.  કેલીફોર્નિઆવાસી રંજનાના ભાઇ વિવેક સાથે લગ્ન કરી તે પણ ઉડી ગઇ હતી! જનમ જનમનો સાથ તોડીને? બીજી કોઇ વાત સાંભળ્યા વિના અમદાવાદ પાછો ફર્યો.

માએ સુનિતા સાથે મારા લગ્ન કરાવી નાખ્યા. સુશીલ સુનીતાએ માનું અને મારુ મન જીતી લીધુ.  બે દીકરીનો બાપ પણ બન્યો. છતાં મારી લતાને હું કદી ભુલી ના શક્યો!

ચાલ, પુછી જ લઉં જો એ જ હોય તો ….. એમ વિચારતા એની તરફ પગલાં માંડ્યા. ત્યાં અચાનક લતાનો જ મધુર અવાજ સંભળાયો. “ઑકે, મીરા. આનંદ વાચન રુમમાં બેઠો છે તેને પણ અહીં આવી રહેવાનું કહેજે અને ડ્રાઇવરને મોબાઇલ પર કહે કે કાર ડોર પર લઇ આવે. હું બીલ ચુકવતા વાર નહીં લાગે”.  

મીરા,  આનંદને  બોલાવવા અને ડ્રાઇવરને ફોન કરવા વાંચન રુમ તરફ વળી. આ સમય યાદમાં વિહરવાનો નથી  મળવાનો છે એમ વિચારતા હું જાણે દોડ્યો..  

આખરે લતાની નજર મારા પર પડી.

“અશોક!”  લતાનુ તન ભલેને જડાઇ ગયું પણ મનથી  એ મારી બાહોંમાં સમાઇ ગઇ.

અમારી આખોંમાં અશ્રુ ભરાઇ આવ્યા. “મારી લતા”નો ગુંજન  કરતો નાદ મારા બ્રહ્માંડને હચમચાવી રહ્યો હતો ત્યાં મીરાને પાછી વળતા જોઇ.

“લતા, કેમ છે? હવે તું અહીં કાયમ માટે પાછી આવી છે કે ફરવા આવી છે?”

“તું કેમ છે? ભાણેજના લગ્ન પ્રસંગે આવી છું. પાછી જઇશ.”

“૩૫ વર્ષ વિતી ગયા! તુ મને કદી યાદ કરતી કે નહી?”

“આનંદ, તારી પ્રતિમા સદા મારી આંખો સામે જ પછી યાદને તકલીફ શાને આપવાની?” કહેતા હસી પડી.

હું ગુંચવાઇ ગયો.

ત્યાં જ મારી જ દાયકાઓ પહેલાની પ્રતિમા સમ એક યુવકે મને ઝુકીને પ્રણામ કરતા કહ્યુ “પ્રણામ પિતાજી!” એને ઉઠાવી બાથ ભરતા ભરતા લતાને મેં ફરિયાદ કરી. “મને જણાવ્યુ પણ નહી?”

“તારા પરિવારની એવી વિકટ પરિસ્થિતિ હતી કે ત્યારે તને કઇ નહી જણાવવાનું જ ઉચિત લાગ્યુ.  તારા માબાપના હ્રદયને ધક્કો લાગે એવું પગલુ આપણે જાણીને જ લીધું હતું પણ તેમને એ જણાવી દુઃખ નહીં પહોંચાડવાનો નિર્ણય પણ લીધો હતો. એ વચન કોઇ પણ કારણે  હું તોડવાની નહોતી.”

“આનંદને ક્યાંથી ખબર કે એ મારો પુત્ર છે?”

“પિતાજી, દર વર્ષે જુલાઇની ૧૭મીએ અમારે ઘરે મંગલમુર્તિ હનુમાનની પૂજા થાય અને તમારી વર્ષગાંઠ ઉજવાય. સમજણો થયો ત્યારે મમ્મી અને પપ્પાએ તમારો ફોટો બતાવી મને તમારો પરિચય કરાવ્યો.  મારા પપ્પાને પણ મમ્મી બહુ ગમતી હતી.  જ્યારે રંજનાફોઇએ પપ્પાને મમ્મીની અને તમારી વાત કરી ત્યારે પપ્પાએ જ મમ્મીને સમજાવી હતી કે ઉદરમાં ઉછરી રહેલા બાળકનું જીવન લાંછનમય ના બને તેટલા ખાતર લગ્ન કરવા જરુરી છે અને એ પોતે લગ્ન કરવા તૈયાર છે.  પપ્પાએ કદી મને એવું લાગવા નથી દીધું કે એ મારા પિતા નથી.  સત્ય જાણ્યા પછી તો ભગવાનની મુર્તિ કે મમ્મી કરતા પહેલા હું એમના આશિર્વાદ લઉ છું મમ્મી કેટલી લકી છે, જનમ જનમના બે પ્રેમીનું સુખ પામી છે!.  શ્રવણ જેવા તમે આજે મળી ગયા.  મારા આદર્ષ! લો,”” એમ કહેતા એક IPhone એણે મારા હાથમાં મુક્યો.”અમને ફોન કરતા રહેજો અને સહપરિવાર  મળવા અને ફરવા આવજો.  અમે સહુ તમારા આગમનની રાહ જોશું.”  

ઘડિભર તો શબ્દો ખોવાઇ ગયા,  “આનંદ, ફોનનો પાસવર્ડ શું છે?”

“લો, મમ્મી તો હંમેશ કહે કે તમે બહુ સ્માર્ટ છો. પાસવર્ડ શું હોઇ શકે?

“હં, શોકનો અભાવ એટલે આનંદ, AshokageAnand, બરાબર?”

“૧૦૦ %, હવે તમારા મોબાઇલ પરથી પપ્પાને ફોન કરો. નંબર છે ૦૦૧૬૫૦૫૫૫૫૫૫૫. એટલે બધાનુ મિલન થઇ જાય અને તમને અમે હેરાન કરી શકીએ”.

પ્રથમ એ દેવતાને ફોન જોડ્યો.

 

બાળવાર્તા -કુંતા શાહ

મિત્રો કુન્તાબેન ની આ બાળવાર્તા ગયા મહિનાનો વિષય છે. આ મહિનાનો વિષય છે

 તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા 

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો ) આજે નવા સર્જંક ઈલાબેને મોકલી છે તેને વધાવશો.

હજુ તો ગાડીને પાર્ક નથી કરી કે દર વખતની જેમ ચાર વરસનો રાજુ અને બે વરસની મીના દોડતા દોડતાનાની આવી, નાની આવીચીખતા ગાડીનો દરવાજો ખોલવા પહોંચી ગયા.  નાનીએ બહાર પગ મૂકતાં બેઉ એમને વળગીને કૂદવા લાગ્યા.  આઠ મહિનાની પારુ પણ મા, રતીના હાથમાંથી છુટવાના પ્રયત્નો કરી નાની પાસે જવા માટે કકળાટ કરવા લાગી.  રતી જોઇને હંમેશની જેમ મલકી ઉઠી.  ઘરમાં આવતા જ નાનીએ પારુને વહાલથી બાથમાં લઇ ઘણી બધી બચ્ચીઓ કરીને રમાડી..

રાજુએ પુછ્યુનાની, આજે કઇ વાર્તા કહેશો?”

રતી જાણતી હતી કે વાત કેમ આગળ વધશે. મા બધા હિસાબ પહેલા લેશે પછી વાર્તા!

નાનીનએ રાજુને પુછ્યુ “આજે કઇ તારીખ છે?”

“ચોવિસમી જુન.”

“મીના, આજે કયો વાર છે”

“શનિવાર”

“ગઇકાલે કયો વાર હતો?”

“શુક્રવાર.  અને એને આગલે દિવસે ગુરુવાર હતો.  આવતી કાલે રવિવાર છે.”

“ગઇકાલે માધવીબહેન શું શિખવાડિ ગયા, રાજુ ?”

“સા રે,  રે , મ, મ પ, પ ધ, ધ ની, ની સા, સા ની, ની ધ, ધ પ, પ મ, , રે, રે સા

રાજુ અને મીનાએ સાથે જ ગાઇ સંભળાવ્યુ.

વાર્તા રે વાર્તા -(11)કુંતા શાહ

કુર્યાત સદા મંગલં

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિત થઇ ગયો. એમ તો ખૂબ સારું ભણેલો અને એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો. પણ નોકરી કરતા પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું જે પૂરું કરવાનો સમય આવી ગયો. પોતાની પત્ની અનીતા ને આ વાત કરી અને અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું,

” હા ઉદય, તું કંઈક નવું કર. આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે માટે ઘરની જીમેદારી આપણાથી જીલાશે.” અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું અને સાથે સાથે વિ.સિ.ને ફંડિંગ માટે મળવાનું. અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અનેક પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.


તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગની તો વાત જ જવા દ્યો. ઉદય રોજ વિચાર કરતો – હવે શું ? અનીતા પણ મુંજાણી.

હવે ઉદયને કોઇના હાથ નીચે કામ કરવાની ઇચ્છા નહોતી. ધંધો કરવો એ એના વરસાગતમાં હતું એટલે નોકરી કરવી નથી અને ધંધા માટે આર્થિક પરિસ્થિતી નથી એ વિચારોના વમળમાં એ ડુબી રહ્યો છે તેનું ભાન એ ખોઇ બેઠો.  અનીતાની કમાણી પર જીવવામાં એના પુરુષત્વનુ અપમાન એનાથી સહેવાતું નહોતુ.

અનીતાને જાણે ગઈ કાલની વાત હોય તેમ એ દ્રષ્ય તરી આવ્યું.  જ્યારે ઉદયે સ્ટાર્ટાઅપની પ્રસ્તાવના કરી ત્યારે એણે કહ્યું હતું કે “કદાચ શરુ કરેલી નવી સ્ટાર્ટાઅપ અસફળ પણ જાય તો નાસીપાસ થઈ બેસવાનું નહી પરવડે અને કુટુંબની ઉન્નતિ માટે જે મહેનત કરવી પડે તે કરી લેવાનું મનોબળ હોય તો જ આ પગલું લેવું.” અનીતાએ કહ્યું હતુ કે “હું નહીં હારી જાઉં.”  ત્યારે સામુ પૂછવાનુ સુઝ્યું નહોતુ કે ઉદયની તૈયારી હતી કે નહી.  .અમેરિકામા સ્થાયી થયા ત્યાં સુધી બન્ને નાજુક પરિસ્થિતીમાંથી પસાર થઇ ચુક્યા હતા એટલે ચઢતી પડતીનો સામનો કરી શકશે એની ખાત્રી હતી. સમજીને આ પગલું ભર્યુ હતું.  થોડા વખત પર જ નવા દંપતિનો પરિચય થયો હતો.  મહેન્દ્રભાઇ અને માધવીબહેન. જનમ જનમનો સંબંધ હશે એટલે અમુલ્ય સહારો બની રહયા. એક દિવસ એમની જોડે વાત કરતા કરતા ઉદય બોલી ગયો હતો કે કોલેજમાં ભણતો હતો ત્યારે એક રેસ્ટોરંટમાં કામ કરતો હતો.  કરવુ પડે તો ફરી એવુ પણ કામ કરીશ. ક્યાં ગઈ એ કુટુંબને માટે કઈ પણ કરી છૂટવાની ધગશ? ઉદયને એ વાતની યાદ અપાવવાની અનીતાની હિંમત ના ચાલી. મનને મનાવતી રહી કે આટલો ભણેલો ગણેલો ઉદય જાતે જ જાગશે. ઉદય ઘરે રહેતો પણ ઘરનુ કશું કામ કરતો નહી.  બાળકોએ કદી ઘરકામ કર્યુ નહોતુ પણ અનીતાની ગેરહાજરીમાં બધુ કામ એમની પાસે ઉદય કરાવતા અને ભુલો જ કાઢતા. ઉદય જેવા જ હોંશિયાર નાના દીકરાના ભણવા પર પણ અસર થવા માંડી. ઘરમાં જ્યાં કલ્લોલ રહેતો હતો ત્યાં ચુપકિદિએ રાજ જમાવ્યું. અનીતાને  દુઃખ થયું.  ઉદય સાથે વાત કરવાની કોશિષ કરી જોઇ પણ પરિણામ શુન્ય. અનીતા સમસમી ગઇ પણુ ઉદયથી દૂર થતી ગઇ. આમ અને આમ દોઢ વર્ષ  વિત્યું.   ત્યાં અનીતાની કંપની હ્યુલેટ પેકાર્ડે ખરીદી લીધી એટલે ઘણાને છુટા કર્યા પણ અનીતાને ઉલટાનું પ્રોમોશન મળ્યુ પણ આઇડાહો બદલી થઇ. બાળકોને સાથે લઈ અનીતા આઇડાહો જતી રહી,  ઉદયને મૂકીને.

ઉદયે પુછ્યુ હતું કે “મને એકલો મૂકીને કેમ જાય છે?”

“તને જે તકો કેલીફોર્નિઆમાં મળે તે આઇડાહોમાં ક્યાંથી મળશે?  અને, ઘર ભાડે આપવાનું એ વાતમાં તમે માનતા નથી તો આ ઘર કોણ સંભાળશે?”

મહેન્દ્રભાઇ અને માધવીબહેને ઉદયને સંભાળવાની જવાબદારી વગર કહ્યે સંભાળી લીધી. સવાર સાંજ જમવા બોલાવે અને ઘરે હોય ત્યારે સાથે સમય પસાર કરે. દર મહિને અનીતા બાળકોને લઈને ઉદયને મળવા અને ઘરનું કામ કરવા જતી. ઔપચારિક વાત સિવાય ખાસ વાતો થતી નહી. આમ બીજા બે વર્ષ નીકળી ગયા. અચાનક માધવીબહેને અનીતાને ફોન કરી જણાવ્યુ કે ઉદયને ન્યુમોનિઆ થઈ ગયો છે અને કશું ખાતા પીતા નથી અને અમારું માનતા નથી તો તમે આવો તો સારુ. મેનેજરની રજા લઈ તરત જ અનીતા ઉદયની ચાકરી કરવા આવી ઉભી. ઉદય સારો થયો એટલે અનીતાએ આઇડાહો જવાની તૈયારી કરી. હવે અનીતાની તબિયત પર પણ સંજોગના પ્રહારની  અસર થવા માંડી હતી.  ઉદયને માટે કેટલી વાર રજા લઈ કેલીફોર્નિઆ દોડે? જતા જતા ઘર વેચી દઇ, ઉદયને આઇડાહો આવી જવાનુ કહ્યુ.  

ઉદય અને અનીતા જોઇ શક્યા કે લગ્ન વખતે બાંધેલી ગાંઠ ભલે ઢીલી થઈ ગઈ હતી પણ છૂટી નહોતી. ભલે ઘર ખોટ ખાઇને વેચવું પડ્યુ.  અગત્યતા બધા પાછા ભેગા થવાની હતી. અનીતાએ  ઉમળકાથી ઉદયનું સ્વાગત કર્યુ.  ઉદયે હવે ઘરકામમાં મદત કરવા માંડી. જુવાનીને આંગણે ખિલતાં બાળકોને પિતાની, ભલે મૌન રહે, પણ જરૂર હતી.  હળવે હળવે એક્બીજાને ફરીથી ઓળખવા માંડ્યા.  થોડા વખતમાં ઉદયે નોકરી સ્વિકારી લીધી.

સ્વપ્ના કઈં ઉડી થોડા જાય છે? સુશુપ્ત દશામાંથી ફરી ક્યારે પડ્કાર પાડશે તે કોણે જાણ્યું છે પણ બાળકો પગભર થાય ત્યાં સુધી રાહ જોવા માટે બેઉ સંમત થયા. વચન આપતા બેઉના હાથ એક બીજાના હાથ પરથી ઉઠ્યા નહી. નજરોના આલીંગનમાં બેઉ ભીંજાતા રહ્યા.

કુંતા શાહ

 

ફ્યુનરલ હળવે હૈયે- 15-કુંતા શાહ

સહુના સંજોગોને ધ્યાનમાં રાખી ઘરડા ઘરમાં રહેવા જવાનું વિચાર્યુ.  બીજું બધુ તો ઠીક, પણ કોઇ ઓળખિતા તો ત્યાં છે ને એવા પ્રશ્નો સગાઓએ પૂછવા માંડ્યા.  સમઝણી થઇ ત્યારથી જાણું છું કે એકલા આવ્યા અને એકલા જવાના.  આ જીવનની આ યાત્રામાં કેટલાય યાત્રિઓને મળી, કોઇ મા, કોઇ પિતા, કોઇ દાદાજી, કોઇ ભાઇ, કોઇ બહેન, અન્ય સગા, શિક્ષકો, મિત્ર, સાથીઓ, પતિ, પુત્ર, પુત્રી, પૌત્ર, પૌત્રી અને સાત પગલા સાથે ચાલનાર સહુની માયામાં વણાઇ પણ સત્ય તો એ જ છે કે એકલા રહેવાની આદત સહુ માટે સારી છે.  મૌન અને એકાગ્રતા વિકસાવે એવું ધ્યાન સહજતાથી સામે આવે એનાથી વધુ શાનો લોભ કરવો?  અને જેમ અત્યાર સુધી મિત્રો, સહચરો, સહાયકો મળી જ ગયા છે તેમ ત્યાં પણ મળશે જ ને?

 

ત્યાં રહેવા જતાં પહેલા, વસિયત નામું કરવાનું, ઘર અને શોખની મોટાભાગની વધારાની વસ્તુનો સદુપયોગ થાય તેની વ્યવસ્થા કરવાની.  મુખ્ય મારા મૃત દેહનુ શું કરવું તેનો નિર્ણય લેવાનો.  દર વર્ષે મારા મુખ્ય ડોક્ટર ફોર્મ તો ભરાવે જ છે અને હંમેશ લખુ છું કે મારા જીવનને કૃત્રિમ રીતે જીવાડશો નહીં અને નવું ડ્રાઇવર લાઇસન્સ લઉં ત્યારે જણાવું છું કે મારા શરીરના જે કોઇ અવયવો કામ લાગે તે ધર્માદા કરી દેજો.  તો કઇ વિધિથી મારા દેહના ટૂકડાનું શું કરવું એનું મહત્વ કેટલુ?  બાળકોને પણ સુચના આપી દેવાની કે મારા મૃત દેહના ટૂકડાને જોવા આવવાની કોઇ જરુર નથી. જેમ પત્નિના અવસાનની ખબર મળવા છતાં વકિલ સરદાર વલ્લ્ભભાઇ પટેલે એક સાક્ષિની ઉલટ તપાસ ચાલુ રાખી હતી અને કેસ જીતી ગયા હતા, તેમ તમારા પર આશ્રિત વ્યક્તિઓના કલ્યાણ હેતુ તમારી ફરજને પહેલા પ્રાધાન્ય આપજો.

ફ્યુનરલ એટલે પરિચિત વ્યક્તિના દેહને અંતિમ વિદાયગીરી. અગ્નિસ્નાન, દફન કે કુદરતને અર્પણ કરવાની વિધિ.  આ ઘડીઓ સુહ્રદયી માટે લાગણીઓની સુનામી જેવી હોય છે.  શું કહેવાનું રહી ગયું?  શું પુછવાનું રહી ગયું? શાની માફી માંગવાની રહી ગઇ? સંગાથે કરવાનાં કોડ અપુરા રહ્યા!  એકલતાનું જીવન કેમ વિતશે એની ચિંતા.  રુદન અને આક્રંદની વચ્ચે ઝોલા ખાતું મન કેમ કરીને સમતોલ રાખીને ખરી વિદાય આપે?  એ વિદાયને અનુચિત તૈયારી કરવા સગા, સ્નેહી અને પડોશી આવી જ રહે છે.  એ મૃત દેહ જ્યારે જીવિત હતો ત્યારે વખ્તને અભાવે એની ખબર પૂછવાનો સમય જેઓ કાઢી શકતા નહોતા તેઓ પણ એને શ્રધ્ધાંજલી આપવા આવી રહે છે.

હા, હા.  એતો મારે ભુલવું જ નથી.  ચાલો સહુને એમને લગતી વાતો, પ્રસંગો અને લાગણીનાં બંધનોને પહેલેથી જ નવાજવા માટે યાદી બનાવી ઇમૈલ મોકલી દઉં.  અરે, આવતી ક્ષણ કોણે જાણી છે? બસ, યાદી તૈયાર થયે એક પછી એક ઇમૈલ લખતી ગઇ અને લખતા, લખતા ફરીથી એ સાથીની સાથે વિતાવેલ ભાવભર્યા ક્ષણોની હૂંફ માણી રહી.  સાથે, સહુને ભલામણ કરી કે જ્યારે મારા અવસાનના સમાચાર મળે ત્યારે ફરી આ ઇમૈલ વાંચજો.   હું તમારી પાસે જ છું એવો અનુભવ તમને જરૂર થશે એથી વિરહના અશ્રુ વહાવશો નહીં.  (મહાદેવ જેવા મહાદેવ સતીના મ્રુત્યુ ખબર મળતા સમતુલના ખોઇ બેઠા હતા તો આપણા જેવા સંસારીને આવી વિનંતી કરવાનો કોઇ અર્થ?)

સાંભળ્યુ છે ને ગુલઝારનું લખેલું, કિનારાનું ગીત —

“નામ ગુમ જાયેગા, ચેહરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે.

વખ્તકે સીતમ, કમ હસીં નહીં, આજ હૈ યહાં, કલ કહીં નહીઃ,

વખ્તસે પરે અગર, મીલ ગયે કહીં

 

જો ગુઝર ગઇ, કલકી બાત થી, ઉમ્ર તો નહીં, એક રાત થી,

રાતકા સીલા અગર ફીર મીલે કહીં


દિન ઢલે જહાં, રાત પાસ હો, ઝિંદગીકી લૌ, ઊંચી કર ચલો

યાદ આયે ગર કભી, જી ઉદાસ હો”

 

— જે હું હંમેશા ગુનગુનાતી રહું છું? બસ, મારો અવાજ કે મારા અવાજમાંથી પ્રગટ થતી તમારા પ્રત્યેની લાગણી તમે જો યાદ રાખશો તો જ્યારે આપણે પાછા મળશુ ત્યારે આપણી ઓળખાણ આપોઆપ થઇ જશે. તમારી સુંવાળી યાદ મેં મારા આત્માને ચોંટાડી જ દીધી છે.

 

હિંદુ, બુદ્ધ ધર્મને પાળનારા અને અમેરિકન નેટીવ ઇંડિઅન લોકો પુનર્જન્મમાં માને છે તેથી તેમની ભવનામાં ફેર હોય છે પણ પ્રત્યેક કોમ આ સમયે પોતાના ભગવાનને પ્રાર્થના કરે છે મૃતાત્માની સદ્ગતિ માટે અને પાછળ રહી ગયેલાઓને ખોટ સહેવાની શક્તિ માટે. મને ખાત્રી છે કે તમારી પ્રાર્થના પ્રભુ સાંભળશે.

અમેરિકાના એક લેખક, એલન કોહનના, થોડા વાક્યો યાદ આવે છે. જેનો અનુવાદ અહીં કરું છું “જેઓ તમને પ્રેમ કરે છે તેઓ તમારી ભૂલો કે તમારા ખરાબ વિચારોથી છેતરાતા નથી.  તે તમારા વ્યક્તિત્વની સુંદરતાને યાદ કરે છે જ્યારે તમને પોતે કદ્રુપા હોવાની ભ્રાંતિ થાય છે અને તમે સંપુર્ણ છો એવું માને છે જ્યારે તમે ભાંગી પડ્યા હો છો;તમે નિર્દષ છો એવું જ માને છે જ્યારે તમે કોઇ ગુન્હો કર્યો હોય એવું માનતા હો છો; અને તમારા ધ્યેયને સાંભરે છે જ્યારે તમે મુંઝવણમાં અટવાતા હો છો.”

તેમ જ, હું માનું છું કે આપણા સંબંધો એવા જ છે.  આપણે એકબીજાના સ્તંભ બનીને વિકસ્યા છીએ, છતાં, પ્રથમ, તમારું મન કદી દુઃખવ્યું હોય તો ક્ષમા કરજો. મારા ગત જીવના સદ્ગુણોને યાદ કરજો, હું તમારે માટે શું હતી તેની યાદ કરજો.  મારા જીવનને શાની લગન હતી, મારા શું શોખ હતા,  મને શાનો ગમો, અણગમો હતો તે યાદ કરી મારા નિરાળા અસ્તિત્વને યાદ કરજો.  સૌથી વિશેષ, મારા જીવનના એવા પ્રંસંગોને યાદ કરજો જ્યારે મારા કાર્ય કે વર્તનને લીધે આજુબાજુનાં સર્વે ખડખડાટ હસી પડ્યા હતા અને એવા પ્રસંગો જેમાં મેં તમને આંનદ અને પ્રેમ આપ્યા હતા.

બીજી એક મને ગમતી, જીવન અને મરણને લગતી બુધ્ધિસ્ટ અંગ્રેજી કવિતા યાદ આવે છે જેનો અનુવાદ કરવાનો મારો વિનમ્ર પ્રયત્ન છેઃ

જીંદગી એક મુસાફરી છે અને મૃત્યુ પ્રુથ્વી પર પાછા લાવે છે,

ભ્રંમાંડ જાણે એક વિસામાની જગ્યા છે અને વિતતા વર્ષો ધૂળની રજકણો સમાન છે.

સમઝી લો કે આ સંસાર માનસિક આભાસ છે જેમ મળસ્કે દેખાતો તારો,

ઝરણામાં એક પરપોટૉ, ગ્રિષ્મ્ના વાદળમાં વીજળીના ઝબકારા,

દીવાના કાંપતા ઝબકારા, આભાસ , સ્વપ્ન!

છેલ્લા પચાસ વર્ષમાં ટેક્નોલોજીને લીધે આપણે આપણું જ્ઞાન વધારવાની  ઘણી તક મળી. ખાસ તો વિમાનોના ઉડ્ડ્યન સાથે આપણી સંસ્કૃતિ પણ ઉડી.  ઘણા રીતરિવાજોને આપણે સ્વજનની જેમ સંભાળીને જકડી રાખ્યા.  આજના આંતરજાતિય લગ્ન થવાથી એકબીજાનાં રીતરિવાજોને સન્માન આપી સમઝુતિ સ્વિકારતા થયા.  એમના બાળકોને પોતાનો ધર્મ અને રીતરિવાજોને ચૂંટ્વાનો લાભ મળ્યો.  આવા પરિવર્તન લાવનારા માટે જીવવું સરળ નહોતુ.  હવે ધીમે ધીમે જાણે આપણે વધુ સહનશીલ અને વિસ્તરિત મનનાં થયાં છીએ.  આજના મોટા ભાગના યુવાનો ખરેખર સમઝીએ તો એક રીતે પરમ જ્ઞાની છે.  તેઓને કોઇની માયા નથી  બીજા શું વિચારશે તેનો વિચાર કરવાનો તેમને વખત કાઢવો ગમતો નથી.  પોતાના અને પોતાના બાળકોના વિકાસ માટે તન મન અને બુધ્ધીને કેંદ્રિત કરી જીવે છે. અપવાદો પણ અગણ્ય છે.

જો આપણા સ્વજનો આપણા મૃત દેહને શાસ્ત્રોક્ત અંજલી ના આપી શકે તો સમાજ એમની અપમાનજનક અવગણના કરશે તે સહી લેશું? કદાપી નહીં.  બીજા જનમનું ભાથુ બાંધી જ રાખ્યુ છે!

કુંતા શાહ

પ્રતિકુળતા (13) કુંતા શાહ

જીવન આપણે ધારીએ તેમ ભાગ્યે જ વહે છે.  અને જો વિચાર કરીએ તો એ બરાબર જ છે.  આપણે સમજવું જોઇએ કે જીવનની પળેપળ બ્રહ્માંડમાં શું થઇ રહ્યું છે તેના પર જ આધારીત છે અને એ આપણા વશમાં નથી.  આપણા અત્યારના જ્ઞાન પ્રમાણે અઢાર અબજ વર્ષોથી આ બ્રહ્માંડ રચાયું અને જીવોની ઉત્પત્તિ પણ બ્રહ્માંડમાં થતા ફેરફારોને અનુરુપ થતી ગઇ. એ ઉત્પત્તિ આપણને લાગે કે બદલવાની નથી પણ કોણે જાણ્યુ હતું કે અમીબામાંથી વિક્રુત થતાં થતાં માનવી ઉત્પન્ન થશે?  દેવો તથા દૈત્યો તો આપણે જ છીએ પણ એથી વિભીન્ન કોઇ જીવ ક્યારેક હશે એની મને શંકા નથી.  અત્યારે આપણને જે દેખાય છે કે અનુભવીએ છીએ તે ખરેખર અલૌકિક છે કારણ તે અબજો વર્ષોની કારિગરી છે.  આપણો એમાં તસુભર પણ ફાળો નથી.  છતાં આપણે આપણા જીવનમાં શું થવું જોઇએ એ નક્કી કરી, આપણા એ લક્ષ્યને નિયંત્રિત કરવા પ્રયત્નશીલ રહીએ છીએ.  અને જરાય આશ્ચર્યની વાત નથી કે આપણે ચિંતા, ભય અને વ્યકુળતાથી ઘેરાયેલા જ રહીએ છીએ. આપણે દરેક જણ એમ જ માનીએ છીએ કે પોતની રીતે જ બધું થવું અને હોવું જોઇએ.  જે થાય છે તે કુદરતનાં તે પળના નિયમો પ્રમાણે જ ઘડાય છે એ તથ્ય સ્વિકાર કરવા આપણો અહં અટકાવે છે..

દરરોજ,  આપણે આપણા મન્ની જ વાત સ્વિકારીએ છીએ, આજુબાજુ, જે સત્ય ઘટનાઓ આ ક્ષણને ઘડી રહી છે તે જાણતા નથી, પછી સમજવાની વાટ જ ક્યાં?  આપણે હંમેશા આપણા સ્વાર્થની પૂર્તિની એચ્છા કરીએ છીએ.  દા..ત. આજે મને લોટરી લાગે તો સારું, જેથી મારે, મારા સ્વજનોને છોડી જવું ના પડે.  ઓ આપણે ધારીએ તે ન બને તો આપણે ઉદાસ થઇએ છીએ.  આ વાર્તા સહુએ સાંભળી તો હશે જ છતાં અહીં એનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે.  એક વટેમાર્ગુએ એક સાધુને પુછ્યું “મને ખબર પડી કે તમે ફ્લોરિડા થઇને આવો છો.  ત્યાંના લોક કેવાં છે?”

“ભાઇ, તમે ક્યાંથી આવો છો?”

“કેલીફોર્નિઆથી”

“ત્યાના લોક કેવા?”

“સારા. ત્યાંથી બીજે ક્યાંય જવાનો વિચાર કરતાં મન અસ્વસ્થ થઇ જાય છે.”

“જરા પણ ચિંતા ના કરશો.  તમે જ્યાં જશો ત્યાં તમને અપનાવી લે તેવા માણસો જ છે.”

તાત્પર્ય – આપણા સ્વભાવ અને વર્તન આપણું મંડળ બનાવે છે, અને આપણે કોણ? આપણો સ્વભાવ અને વર્તન, આદી મા, બાપથી ચાલી આવતી બક્ષીસ જેમાં સંજોગ અને વારસાગત શિક્ષણનો ઓપ એ આપણે!  બાહ્ય જે થઇ રહ્યું છે તેના પર આપણો કંઇ કાબુ નથી.  આપણા શબ્દો અને વર્તનને કારણે બીજી વ્યક્તિ શું વિચારશે, કરશે તે પણ આપણે નિયંત્રિત નથી કરી શકતાં. ધરોકે  આજે મારે બેઠકમાં જવું છે પણ મારી તબિયત સારી હશે કે નહીં, દિલિપ મને લઇ જઇ શકસે કે નહીં,  કાર ચલશે કે નહીં,  કાર ચાલે તોયે રસ્તામાં કંઇ બ્લોકેજ તો નહીં નડે! શું બેઠકમાં પહોંચવું મારા હાથમાં છે?

આપણે તદ્દન લાચાર નથી.  પ્રયત્નો તો કરવાનાં જ.  પરિણામની ચિંતા શું, અપેક્ષા પણ રાખવી નહીં.  કહેવું સહેલું છે.  આપણે સહુ ઉદાસી અને ખુશી અનુભવીએ છીએ.  આપણે ઉદાસ થઇએ ત્યારે, ભય, ક્ષોભ, ક્રોધ અનુભવીએ છીએ.  ખુશ હોઇએ ત્યારે, પોતાની માનસિક અને ભૌતિક સંપત્તિને આપણે લુટાવી દેવા તત્પર થઇએ  છીએ.

પ્રુથ્વી અબજો વર્ષોથી નભમંડળમાં ફર્યા કરે છે, બીજમાંથી, વનસ્પતિ ઉગ્યા જ કરે છે.  પશુઓની પણ વંશાવલી ચાલતી જ આવી છે.  ભલેને,  આપણે, આ ક્ષણના આનંદ ખાતર કુદરતના નિયમોને તોડી,  આવતી પેઢીઓને નવી લડાઇ તરફ ધકેલી રહ્યા છીએ!

સમાજવાદિત્વની ભાવના એક રીતે સારી છે.  ડેન્માર્ક, કેનેડા જેવા દેશોમાં માણસોની મુખ્ય જરૂરિયાત, અન્ન, છાપરું, દવાદારુ સહુને મળી રહે છે. એથી, પોતાની આવડતથી પ્રગતિ મેળવવી અને તેનો ઉપયોગ સહુ માણી શકે એવી ભાવના સહજ રીતે કેળવાય છે.  મૂંડે મૂંડે મતિર્ભીન્ના – કોઇક સ્વાર્થી પણ હશે જ એની શંકા નથી.  આજે છું,  કાલે નહીં હોઊં – જે સાચી અને સારી વાતો મેં કરી હશે તેના પશઘા નિરંતર સંભળાયા કરશે – જે બીજાને હાની, દુઃખ પહોંચે એવું કાર્ય મેં કર્યું હશે તેની હું માફી માંગુ છું—સાપ ગયા પણ લીસોટા રહી ગયા –  તેમ મારાં કુકર્મોના લીસોટા આવતી પક્રુતિમાં રહેશે જ.  પ્રભુ એવી ભૂલોના લીસોટા વધીને થાંભલા ના થાય એવી ઈચ્છા – લો,  મારી ઈચ્છા પુરી થશે કે નહીં તે મારા હાથમાં નથી એ સમજું છું,

 કુંતા શાહ

“કયા સંબંધે”(21)કુંતા શાહ

ઉજ્વલ નારીનાં સંસ્થાપક, લતામા સવારે ૭ વાગે પત્રકારોથી વીંટળાયેલા હતાં.  આજે, જાનુયારીની ૯મીએ એ સંસ્થા સ્થાપ્યાને પચાસ વર્ષ પુરા થયા હતાં.  લતામાની બાજુમાં નિર્મળા એમનો પડ્છાયો બની બેઠી હતી.

અગ્ર પત્રકાર સુધીરભાઇએ શરુઆત કરી.  “અભિનંદન, મા. તમારી ભાવનાએ તમને અનેરું બળ આપ્યું છે – સમાજ સાથે લડવાનું.  આટલાં વર્ષોમાં લાખો બાલિકા, યુવતી, અને સ્ત્રીઓને તમે રક્ષણ અને શિક્ષણ આપ્યું છે જેથી તેઓ સમાજમાં સ્વમાનથી જીવતા શીખી ગયા છે.  આજે,  પાછલા અનેક વર્ષોની જેમ, ટપાલીને બદલે, તેમની કારમાં થેલા ભરી, ભરીને ટપાલ લઇ આવ્યાં છે.  તમારા કાર્યની સફળતા માટે અમને તો આનંદ છે જ, તમને પણ હશે!”

“આનંદ તો થાય જ છે કે પ્રભુએ મને આ કાર્ય કરવાને નિમિત્ત બનાવી. પ્રભુની મરજી વિના કશું થતું નથી.  હા,  નારીત્વનું અપમાન કરનારાઓએ પણ એવું ઘણી વાર કહ્યું છે કે પ્રભુની મરજીથી જ એવી ઘટના બને છે!  અત્યારે લગભગ ૬ કરોડ નારી જાતની વસતી ભારતમાં છે.  માનો, એમાંથી લાખને મારા જેવી સંસ્થા દ્વારા સહારો મળ્યો.  બાકીની કેટલીય પોતાની પરિસ્થિતીમાંથી ઊંચી આવી નથી શક્તી.  કારણ ઘણા છે.  હવે છેલ્લા દસેક વર્ષથી ગામડાઓમાં પણ હવે તમારી જ મહેરબાનીથી અમારા કામનો પ્રચાર થવા માંડ્યો છે.  અફ્સોસ એ વાતનો છે કે, આપણે ભારતીઓ જે પૃથ્વીને અને નદીઓને પણ માતા ગણી પૂજા કરે છે, સૌથી પહેલા “માતૃ દેવો ભવ” કહે છે તે પોતાની પુત્રી, બહેન અને માને દુઃખ આપે છે.  ઘણી દીકરી માને,  વહુ સાસુને અને સાસુ વહુને પણ દુઃખ દે છે. જ્યાં સુધી પોતાની શક્તીનું અભિમાન ખોટી રીતે અજમાવાનું માનવી નહીં છોડે ત્યાં સુધી આ ચાલવાનું જ. પણ એ અન્યાયનો અસ્વિકાર કરતાં શીખવાનુ એ સહુનું દાયિત્વ છે.”

“મા, સાંભળ્યુ છે કે તમારી તબિયત સારી નથી?”

“ભાઇ, ઉમર ઉમરનુ કામ કરે. ગાડી અટકવાની છે એવી સીટી તો હજી વાગી નથી.  અને કેટલીય જાગૃત બહેનો મારું  કામ ઉપાડી લેશે એની મને ખાત્રી છે.”

બધા પત્રકારોએ માને પ્રણામ કરી, કઇં પણ મદતની જરૂરત હોય તો દોડતા આવી જશું એમ કહી વિદાય લીધી.

નિર્મળા લતામાને સહારો આપતી એમની ઓફીસમાં લઇ ગઇ.  માને મોસંબીનો રસ અને મેથીના થેપલા આપતાં યાદ દેવડાવ્યું કે આજે બપોરે ૩ વાગે ડોક્ટર કશ્યપ આવવાના છે. આજે, કોણે શું કરવાનું છે તે પાછા વાંચી ગયા.  કોણ બીમારીને લીધે સોંપેલું કામ કરી નથી શકવાના, અને તેથી અગત્યતાને પહોંચી વળવા શું કરવું તેનો નિર્ણય લઇ દિવસનાં કામની વ્હેંચણી કરી દરેક કક્ષમાં ઇંટરકોમ દ્વારા જણાવ્યું.  રાત્રે તૈયાર કરેલી ભેટની વસ્તુઓ એક કાર્ટમાં મુકી આઠ વાગે મા અને નિર્મળા નિયમ પ્રમાણે પ્રથમ બાલીકા કક્ષમાં ગયા. દરેકને વ્હાલ કરી, નવા કપડા, દોરડા અને ચિત્રકળાના પુસ્તકો તથા સંગબેરંગી પેન્સીલો આપી, યુવતી કક્ષમાં ગયા. એ સહુને પણ વ્હાલ કરી, નવા કપડા, ડાયરી તથા પેન્સીલ આપી સુચના કરી કે આ ડાયરીમાં મનમાં જે આવે તે રાત્રે સૂતા પહેલાં લખો અને પછી જે પ્રાર્થનાથી તમારું મન શાંત અને સ્થિર થાય તે કરજો. એ વર્ગને સોંપાયેલી ગોદડીની રચના ક્યાં સુધી આવી તે જોઇ ખુશ થતાં થતાં “સુંદર” કહી ત્યાંથી પ્રોઢ સ્ત્રીઓના ઓરડામાં ગયા. તેમને પણ વ્હાલ કરીને એ જ વસ્તુઓ ભેટ આપી અને ડાયરી માટે એ જ સુચના આપી.  આ બહેનોએ બનાવેલા ચવાણા, ખાખરા, ફરસાણ અને મીઠાઇ સહેલાઇથી વેચાઇ જાય છે અને નવા ઘરાકો ઉમેરાતા જાય છે તેના અભિનંદન આપ્યા. ત્યાંથી વૃધ્ધકક્ષમાં ગયા. એમને પણ વ્હાલ કરી નવા કપડાં, ભજનની નવી સીડી આપી “કોઇને પણ વાત કરવી હોય તો સાંભળવા આતુર છું” એમ કહી એમને માટે રાખેલી ખુરશીમાં બેઠા.  મોટા ભાગની વૄધ્ધાઓ વિધવા હતી.  ક્યાંક તો સંતાન નહોતા કે હતાં તો પણ મા એમને ભારે પડતી હતી. આ સ્ત્રીઓ એક્બીજા જોડે વાત કરી હૈયુ ઠાલવતી, એકબીજાને માંદગીમાં મદત કરતી, અપંગને સહારો આપતી, આંધળીઓની આંખ બનતી.  રસોઇઘરમાં પણ બનતી મદત કરતી.  પ્રેમની ભૂખી બાળકીઓ અને યુવતીઓની નાની, પ્રૌઢાઓની બહેન કે મા બનવાના પ્રયાસો કરતી.

બાર વાગવા આવ્યા હતા.  નિર્મળા માને લઇ પાછી ઓફિસમાં ગઇ. રસોઇઘરમાંથી મા, નિર્મળા તથા પોતાને માટે ભોજન એક પ્રૌઢા લઇ આવી અને બધાએ મૌનમા જ પ્રસાદ આરોગ્યો. સાડાબારે બીજી  બધી પ્રૌઢા અને યુવતીઓ આવી ગઇ અને બધા ટપાલ ખોલવા બેસી ગયા. મોટે ભાગે ફાળા માટે ચેક હતા.  દરેક ચેકનો આંક્ડો, મોકલનારનાં નામ સરનામા સાથે દાનની લેજરમાં યુવતીઓએ નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા. રસોઇઘર ની કમાણીના ચેક એ જ માહિતિ સહ જુદી  લેજરમાં નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા.  થોડા પત્રો દીકરી, બહેન, પત્નિ કે માની શોધ હેતુ હતા.  એ બધા ખોવાયેલ વ્યક્તિના નામના અનુક્રમે ફાઇલ કર્યા.  જો એ વ્યક્તિ એમની સંસ્થામાં  આશ્રયી હોય તો એ આશ્રયીની તૈયારી ના હોય ત્યાં સુધી એ પત્રનો ઉત્તર નહીં અપાતો.  પ્રૌઢ અને વૃધ્ધા જ્યારે પોતાની તૈયારી બતાવે ત્યારે તેમને એ પત્ર આપતા અને રજા આપતા.  યુવતી અને બાળકી માટે વધુ કડક તકેદારી રખાતી.  એક પત્ર નામ વગરનો હતો.  એ ભાઇને માની માફી માંગવી હતી.  પોતાના જીવનની છેલ્લી ઘડીએ એ માના દર્શન કરવા માંગતા હતા.  માએ એ પત્ર જોવા માંગ્યો.  અક્ષર પરિચિત હતા. માએ નિર્મળાને કહ્યું “જવાબમાં લખી દે કે કોઇ પણ દિવસે બપોરના ૪ પછી આવી શકે છે.  પહેલેથી જણાવે કે કયે દિવસે આવવાના છે,”  દરેક દાનીને મા લક્ષ્મીનો ફોટો મોકલવા માટે પરબીડીઆ ઉપર સરનામું લખી, સ્ટેમ્પ લગાડી તૈયાર કરાયા.

બસ આ કામ પુરુ થયું ને ડોકટર કશ્યપ આવી પહોંચ્યા.  માને પહેલાં પ્રણામ કરી, એક ચેક સહ અભિનંદન આપી, તપાસ્યા.  પછી જણાવ્યું કે બ્લડ પ્રેશર બહુ વધારે છે. સવારે ૬ વાગે ગાડી મોકલશે અને ડ્રાઇવર હોસ્પિટલમાં, બ્લડ, યુરિન અને એક્સરે માટે લઇ જશે.  પાણી સિવાય કશું લેવાનું નહી. બધું પતે એટલે ડ્રાઇવર તમને પાછા અહીં મુકી જશે. બ્લ્ડ પ્રેશરની દવાની ગોળીઓની બાટ્લી આપી પુછ્યું “ આજે બીજા કોઇને તપાસવાનું છે?”

“ના, આજે નાઝ અને વસુને સવારે તાવ હતો પણ અત્યારે સારું છે.”

“”તો હું નીકળું? આ ચેકના કોથળા લેતો જાઉં જેથી ખાતામા આજે જ જમા થઇ જાય.”  નિર્મળાએ તૈયાર કરેલા મિઠાઇ અને ચવાણાના ડબ્બા કશ્યપને આપ્યા પછી ચેકના કોથળા નિર્મળા કશ્યપની કારમાં મુકવા ગઇ. માને ફરી પ્રણામ કરી, કશ્યપ વિદાય થયો.

૨૦મી જાન્યુઆરીએ અનામી બપોરે ૪ વાગે આવી ઉભો.  રડી ને લાલ આંખોથી નિર્મળાને જોઇ એ જરા વિચારમાં પડી ગયો પણ માને જોઇ મા પાસે દોડી એમનાં ચરણ દબાવેલાં અશ્રુથી ધોવા લાગ્યો. માએ મા એના મસ્તકને પંપાળતા રહ્યા. એકાંતની જરુર છે એમ કહી નિર્મળાને બારણું બંધ કરી ફૂલોને પાણી આપવા મોકલી. જ્યારે અનામીના ડુસ્કા ધીમા પડ્યા ત્યારે માએ એનું માથું ઉંચુ કરી કહ્યું “નિધિનભાઇ, શાંત થઇ જાવ.”  રડતા રડતા નિધિને કહ્યુ “બહેન, તુ ગઇ ત્યારનો તને શોધું છું.  અચાનક ટીવીમાં તારી છબી મેં જોઇ, અવાજ સાંભળ્યો અને જાણી ગયો કે લતામા બીજું કોઇ નહી પણ મારી બહેન કુસુમ જ છે. તુ મને માફ કરશે કે નહીં એ વિચારમાં મેં મહીના કાઢ્યા.  પછી હિંમત કરી કે બહુ બહુ તો તું મને ના કહેશે, સમાજમાં મારી બદનામી કરશે પણ આજે જોવું છું કે તું ખરેખર મા જ છે.  તેં મને માફ કરી દીધો છે એ વગર બોલ્યે હું અનુભવી શકું છું.”

“ભાઇ,  જ્યારે આપણું ઘર છોડીને ભાગી ત્યારે હું ગુસ્સામાં હતી જ.  જાતને સંભાળી ન હોત તો કદાચ મારે હાથે હત્યા પણ થઈ જતે. એક સંતના આશ્રયમાં મારું મન શાંત થયું અને શિવ શક્તિની ઉપાસનાથી જાગૃત થઇ.  તમને મેં ત્યારનાં માફ કર્યા હતાં જે દિવસે આ માર્ગે પ્રયાણ કર્યું.  તમે તો મારા પર કૄપા કરી જેથી હું પણ મારા અહમને પંપાળવાને બદલે અઢળક લોકોને પંપાળવાનું સુખ ભોગવું છું.  બસ, હવે તમે જઇ શકો છો.”

“જતાં જતાં એક પ્રશ્ન પુછું? આ બહેન,જેને તેં બગીચામાં મોકલી એ કોણ? મદન  “ કુસુમ ફરી લતામા બની ગઈ.  “ભાઇ, કયા મદનની વાત કરો છો? અહંકાર અને વ્યસનોમાં ડૂબેલા બધાં જ તો મદન છે! હવે તમારા કોઇ પ્રશ્નનો જવાબ નહી મળે. અહીંના સર્વે આશ્રિતો અને કાર્યકર્તાઓનું માનસિક અને શારીરિક રક્ષણ કરવું એ આ સંસ્થાનો પહેલો ધ્યેય છે.  હવે તમે જાવ અને ફરી કદી આવશો નહીં”

નિધિન માને પ્રણામ કરી ફરી આંખ ભીંજવતો ચાલ્યો ગયો. અને મા ધ્યાનમાં વિલિન થઇ ગયા.

કુંતા શાહ

કિટ્ટા અને બુચ્ચા -(4)કુંતા શાહ –

                  હસતાં બોલતાં ’ હું’, ‘હું’, ‘મેં’, ‘મેં’, રમ્યા અબોલા ની બાજી,

                જે પકડાશે, એ રમતમાં , થાશે એની હરાજી!

                શૈશવ માં પળ, બે પળની કિટ્ટા, બાથ ભરીને નવાજી,

                જીંદગી ભરની સ્મૃતિ સુહ્રુદની અંતર કરતી રાજી.

                        ઘડપણમાં પણ શૈશવ બીરાજે, આદત ન જાયે જૂની

                        નવાં સંબંધો સમજે કદી ના મારા મનની વાણી.

                        હાર કબૂલી, માફી માંગુ, ના કરું કોઇ ખેંચાતાણી

                        તોયે લાગે, ડગલે પગલે, થાય મારી જ હરાજી!

                પ્રભુ સાથે પણ કદીક કિટ્ટા, પૂજા થી રહી અળગી,

                હસી કહે પ્રભુ “અહં સોહં, નાદાન, તું ના મુજથી અળગી.

કુંતા શાહ (૮/૪/૧૫)

થાવ થોડા વરણાગી —-(14)કુંતા શાહ

થાવ થોડા વરણાગી —-(12)કુંતા શાહ

ગઇ કાલની વાત – પાંચેક વર્ષની હોઇશ ત્યારથી મારા સીધ્ધા વાળ મારી પાનીએ પહોંચતા અને એટલાં ગુંચવાતા કે હંમેશ, ભીંછરા જેવી જ લાગું.  ભર્યા કુટુંબમાં કોને વખત હોય કે ઘડી ઘડી મારાં વાળ સંવારે?  જથ્થો પણ એટલો કે માથું ધોવા એક માણસની જરૂર પડે અને ગુંચ કાઢવા માટે ત્રણ જણની.  સુકાયેલા વાળને અડધા આગળ અને અડધા પાછળ રાખ્યા હોય તો મારા શરીરનું એક તસુ પણ ના દેખાય.

બારેક વર્ષની હોઇશ — મારી ફેલોશિપ સ્કૂલની ૨૫મી વર્ષની જયંતિ ઉજવવા મોટો દસ દિવસનો સમારંભ યોજાયો હતો.  બધા વિદ્યાર્થીઓએ એમાં ભાગ ભજવ્યો હતો. મેં પણ વિવિધ ભુમિકા ભજવી હતી.  પરંતુ આંખે તરે છે એ રુપ જેમાં હું મણિપૂરી ન્રુત્ય નાટિકા માટે સજ્જ થઇ હતી. ત્યારે મેકપ અને સુંદર વેષભૂષામાં સજીત, પારદર્ષક ઓઢણીમાંથી ડોકિયું કરતો ર્સુંદર રીતે ઓળેલા વાળનો માથા પર ત્રાંસો અંબોડો જેની ફરતે મોગરાનો મઘમઘતો ગજરો જે શણગારને સુગંધી બનાવતો હતો ,  મારું એ પ્રતિબિંબ અરિસામાં જોઇ મને કોઇ અવનવાં સ્પંદનોનો અનુભવ થયો  હતો તે મને યાદ છે. ત્યારે મને અહેસાસ થયો હતો કે હું પણ સુંદર અને મોહક છું પણ એ ભુલાએલી વાત કોલેજનાં બીજા વર્ષમાં આવી ત્યારે જાગ્રુત થઇ અને ભાન આવ્યું કે થોડા વ્યવસ્થિત દેખાવાની જરૂર છે.  ફ્રોકને મેચીંગ જોડા, ચમ્પલ, એડી વાળા સેંડલ અને ચોટલાની રીબનો વસાવી. દાદાજીની સંમતિથી લિપ્સ્ટિક તથા અણિઆળી આંખો કરવાની પેન્સીલ લીધી અને વાપરી. કોઇ બીજાને માટે વરણાગી થવાનું મોડું  સુઝ્યું. ત્યારે પૂણે સહેતી હતી. સાઇકલ ઉપર કોલેજ અને મિત્રને મળવા જવાનું  સાડી ભાગ્યે જ પહેરતી કારણ સાઇકલમાં ભરાઇને ફાટે અને ગંદી થાય ચોટલાં પણ આગળ લાવી બીજા ખભા પરથી પાછા નાખવાં પડતા કારણ ચોટલાં પણ સાઇકલમાં ભરાઇ જતાં.  સાઇરાબાનુ કહી, સીટી વગાડી અજાણ્યા યુવકો મારી ઠેકડી ઉડાવતાં.  વાળ ધોવા ખાસ બાઇ રાખવી પડેલી.  દાદાજી, બાઇ અને હું વારાફરતી ગુંચ કાઢીએ કારાણે હાથ થાકી જાય.

લગ્નને બીજે જ દિવસે દિલિપ અમેરિકા પાછા ફર્યા હતાં.  જ્યારે મારે અમેરીકા આવવાનુ થયું ત્યારે વાળને સુંદર રાખવા માટે હું બ્યુટિ પાર્લરમાં ગઇ.  ચાર ડઝન સોયા અને હેર સ્પ્રે વાપરી ત્યારે સુંદર બુફે અંબોડો થયો પણ લંડન પહોંચુ તે પહેલા  સોયા ખરવા માંડ્યા અને અંબોડો છૂટી ગયો.  હેર સ્પ્રેને લીધે ગુંચ  પણ કાઢી ના શકી.  દિલિપને ભીંછરી જ મળી!  પણ દિલિપને ઓપની જરુર્ત જ નહોતી. જેવી છું તેવી તેમને ગમું છું.

૧૯૭૧ની ચોથી જુલાઇએ મેં દિલિપને હાથે જ  કમરની નીચેના મારા વાળ કપાવી નાખ્યા –  કારણ અમારી પહેલી દિકરીને મુકતાં, ઉંચકતા એક તો મારા જ પગ નીચે મારા વાળ આવી તુટતાં અને ઘુંટણિયા તાણતી દીકરીનાં હાથમાં પગલે પગલે મારા વાળ ભરાતાં,

વાળથી આઝાદી!!!

બાળકોની સાથે સાથે બદલાતા વાતાવરણ, જુદા જુદા પ્રદેશનાં લોકોની જુદી જુદી માન્યતા, મંતવ્ય, પ્રેમ, તીરસ્કાર, ટેક્નિકલ ઉન્નતી વિગેરેનો પરિચય થયો. તે વખતે કનેટિકટમાં ભારતિય નૄત્ય શિખવાડનાર કોઇ મળ્યું નહીં તેથી તેને બેલે, જાઝ, ટેપ શિખ્વાડ્યાં,  દીકરા જોડે નવી નવી રમતો રમતી અને અંગ્રેજી ગિતો  ગણગણતી.

હજુ તો ઘણું નવું નવું અને વધુ અને વધુ ઝડપે થાય છે અને આપણે અપનાવતા જઇએ છીએ.

આજની વાત – હવે સમઝમાં આવે છે કે ભલે બધા વિવિધ રીતે ભગવાનની છબીઓ તથા મુર્તિઓને ઝવેરાત તથા ઝગમગતા વસ્ત્રોથી શણગારે છે પણ મહાદેવ? તેમનાં ભક્તો ક્યાં ઓછા છે? વરણાગીપણું નજરમાં છે, વૈરાગ્યમાં પણ. દેવોનો વિનાશ ના થાય તેથી મહાદેવે વિષ પીધું, કંઠે અટકાવી રાખ્યું તેથી એ નીલકંઠ થયા. એ વિષાગ્નિને થંડક આપવા સર્પની માળા ધારણ કરી. લોકોનું દુખ જોતાં મહાદેવનાં અશ્રુમાંથી પ્રગટ થયેલાં કરુણા સ્વરુપ, ખરબચડા રુદ્રાક્ષથી પણ એમને શણગારાય છે. ગંગા નાં ધોધથી પ્રલય થાય તેથી બાંધેલી જૂટ જટા એમણે કદી છોડી નહીં. પોતાના સ્વાર્થનો વિચાર કર્યા વિના બીજાનું ભલું કરવાથી આપણું જીવન સુંદર બને છે અને એ આપણા અસ્તિત્વને દિપ્તી આપે છે.

અને હા,  આજે પણ હું નાની થઇને આવી છું કારણ સુંદર કપડાંનો મોહ હજુ ગયો નથી.

પહોંચી શકીશ મહાદેવને રસ્તે?

 

અને છતાં અહીં નોકરીએ લાગી ત્યારથી કરી અપટુડેટ થઇ ફરવાનો મોકો માણ્યો.

“તસ્વીર બોલે છે”-(10) કુંતા શાહ

સહિયરુ સર્જન ટંતીય ખેંચ

 

શું સુંદર આ દ્રશ્ય છે! આ ઝાકળ ભીના દ્રશ્યની પાછળ વનરાજી જોઇને હું ખોવાઈ જાઉં છું. મારું મન આનંદવિભોર થઈ જાય છે. પગમાં સ્ફૂર્તિ આવે છે પણ ઘડીભર એ દ્રશ્યને તીવ્ર આંખો થી પી લેવા ઊભી રહું છું.  કુદરતે રચેલું અલૌકિક રંગો અને સુગંધ નું મિલન અને એનાથી રાજી થતી ઝાકળ ના ભીંજાશની ઉષ્મા!

વળી, એક દેડકાનો પગ પકડીને બીજો નાનો દેડકો,અને  ઉપર ચઢાવનો પ્રયત્ન,અથવા યુવાન દેડકો અને દેડકી હોય તો શું મંગળફેરા લેતાં હશે કે પ્રણયને નવાજતાં હશે?ઝાકળ ના ભીંજાશની ઉષ્મા! સાથે દેડકી દેડકાનો પ્રેમ ની ઉષ્મા વર્તાય છે,”મેં હુના”  

અથવા જો દોરનાર દેડકો નાના દેડકાનો વડિલ હોય તો નાના દેડકાને કેટલી શ્રધ્ધા!  અને એ વડીલને પણ કેટલો પ્રેમ? જીવનમાં કંઇ પણ પામવું હોય તો પ્રથમ પગલું છે આપણા ધ્યેયમાં શ્રદ્ધા અને વિશ્વાસ. દેડકાને ઉપરવાળા દેડકા પર વિશ્વાસ ,શ્રદ્ધા અને વિશ્વાસ  સાચો હશે તો દૂરના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નહીં પડે. સામાન્ય સંજોગોમાં આપણે જીવનમાં શું ખૂટે છે તેનો વધારે વિચાર કરતા હોઇએ છીએ, પણ જે મળ્યું છે તેના માટે કોઈનો આભાર નથી માનતા. જે નથી તેની ફરિયાદ કરતા રહેવા થી નકારાત્મક ઊર્જા સર્જાય છે અને આપણા માર્ગમાં અવરોધો ઊભાં થયા કરે છે. આપણને જે મળ્યું છે તેનો આભાર માની હકારાત્મક વાતાવરણ ઊભું કરીશું તો બીજા દ્વારા આપણી બીજી ઇરછાઓને પૂરી કરવામાં મદદ મળશે …

આ સંસારમાં એવું જ છે. દાદા, દાદી, મા, બાપ, કાકા, કાકી, મામા, મામી, ફૂઆ, ફોઈ, માસા માસી, ભાઇ, બહેન, ગુરુઓ અને માનેલાં સબંધિઓનો સહુ નો એક શિશુ ને ઉછેરવામાં ફાળો છે.  ખાસ તો ગુરુ, ભલે ઉંમરે નાના કે સમન્વય હોય પણ એ જો આપણો હાથ પકડી લે અને શ્રધ્ધાથી દોરાઇએ તો ઉન્નતિ પ્રાપ્ત થવા માં શંકા જ નથી.

આ કુદરત પણ કેવી છે ?ક્યાંક ને ક્યાંક સંકેત આપે છે

મિત્રો જે હોય તે આ તસવીરમાં મને વિશ્વાસ ,શ્રદ્ધા ,અને પ્રેમ  ઝાકળ ભીની ઉષ્મા ના પ્રતિબિંબ દેખાય છે.

આજે હું જીવું છું, આજ હું માણી લઉં કુદરત ની સમ્રુધ્ધિ, કાલની કોને ખબર છે?

ફોટામાં જીવિત દેડકાને જોતાં આનંદ સાથે કોલેજમાં મૃત દેડકાને ચીરતાં મન કચવાતું તે યાદ આવે છે.  આજે પણ કોઇ ઘા જોતાં મને શું વ્યથા થાય છે તે સમજાવી નથી શકતી,એવાં દ્ર્શ્યો મને અચૂક પૂના યુનિવર્સિટી યાદ અપાવે છે.  ક્લાસ માં જવાને બદલે એની વનરાજી માં ફર્યા કરતી.  મારે બોટ્ની વિષયમાં જ માસ્ટર્સ કરવું હતું પણ બાપુજી ની ઇચ્છા અનુસાર કૅમિસ્ટ્રી લીધું.  કૅમિસ્ટ્રી કરતાં આજે પણ મને બોટ્નીમાં જે શિખી હતી તે વધુ યાદ છે.  હવાઇનાં બોટનિકલ ગાર્ડન ની પણ વિશેષ યાદ છે.  મારા દિકરી, જમાઈ અને તેમનાં બે બાળકો સાથે ગઇ હતી. તેઓને ઘણા બધા છોડ, ઝાડનો પરિચય કરાવતી હતી.

ઘણી વાર એક પ્રશ્ન મનમાં જાગે છે.શું આપણી આવતી પેઢી આવા ફોટાઓ પોતાનાં કેમેરાથી લઇ શકશે? આ દેડકાની ગણત્રી હજુ સારી છે અને જાતે દિવસે લુપ્ત થવાનો ભય નથી પણ એમને રહેવાની કુદરતી વનરાજી ખૂબ ઝડપથી ઓછી થતી જાય છે અને તેથી તેમનાં આકર્ષક ફોટાઓ દુનિયા ના ઉપવનનો બચાવવા માટે વપરાય છે.

આજે ચાલો આ તસવીર ના હીરો દેડકાનું ઉદાહરણ લઈને કૈક શીખીએ।.. આપણી ધરતી મા પણ ઘણા ફેરેફારોની સાક્ષી છે.  માનવ જાતની ઉત્પત્તિ પહેલાં ડાઇનાસૌરની જાતીના પ્રાણી હતાં વિશાળ – કદમાં અને વજનમાં.  જો એ જાતી પ્રલય ને લીધે ભૂંસાઈ ના ગઇ હોત તો માનવ જાત જન્મી જ ન હોત. પણ માનવની ઉત્પત્તિ પછી, માનવીને હાથે કેટલાં પશુ, પક્ષી, જળચર અને વનસ્પતિ નાબૂદ થઇ ગયાં? આ આખું જગત એક બીજાને આધારે જ ચાલે છે. કુદરત નાં ક્રમ પ્રમાણે દરેક શિકારી કોઇક નો શિકાર હોય છે. ધરતી વનસ્પતીને ઉગાડે છે. મચ્છર, ગાય, ઘોડા, બકરા વગેરે એ વનસ્પતિ ખાઈને પોષણ મળવે છે.  મચ્છરનો ખોરાક દેડકા બનાવે છે, દેડકા સાપ, પક્ષી અને નાના સસ્તન પ્રાણીઓના ભોગ બને છે, નાના પ્રાણીઓ વાઘ, સિંહ, ચિત્તા વગેરેનું પેટ ભરે છે અને માનવી કદાચ કશું છોડતો નથી પણ સહુ પ્રાણી વહેલે મોડે મરે છે ત્યારે એ જમીનમાં ભળી જાય છે અને ખાતર બને છે જે વનસ્પતિની વ્રુધ્ધી માટે ખૂબ જ અનિવાર્ય છે.  જ્યારે આ ખોરાક યંત્રનું સમતોલપણું જતું રહે ત્યારે કુદરત વિફરે છે.

માનવીએ તો કુદરત ના ક્રમ ઉપર રાજ કરવાનું બીડું ઝડપ્યું છે! બીજાં કોઇ જીવને પૈસા નું ભાન નથી.  આપણે પૈસા ખાતર દેશો પર આક્રમણો કર્યા,  ગામના ગામ ઉજાડ્યા,  ઘણી માનવ જાતીઓને પણ ભૂતકાળમાં નાખી દીધી. હાથી નાં દાંત ની, હરણ, વાઘ, સિંહ, રીંછ, વરુ, મગર, સાપ, વગેરે ની ચામડી ની કિંમત સમજતાં તેઓની વસ્તિ ઓછી કરવા માંડ્યા.  માણસો વધ્યા એટલે તેમને રહેવાના કાગળ, મકાન તથા રાચરચિલા માટે લાકડાની જરૂરત વધી તેથી આપણે વનો ઉજ્જડ કરવા માંડ્યા છીએ. અને તેથી કુદરતી રીતે જ વનસ્પતિ થી આચ્છાદિત ભૂમિ આજે ત્વરાથી રણમાં બદલવા માંડી છે.  જુઓ ને, કેલીફોર્નિઆમાં હવે એક જ વર્ષ ચાલે એટલું પાણી છે.  ક્યાં ગયો વરસાદ અને ક્યાં ગઇ નદીઓ?  વાદળો અને પવન પણ હારી ગયાં.  શું આપણી આવતી પેઢીઓ આવા ફોટા પોતાનાં કેમેરાથી લઇ શકશે?

જે ગતિ થી ઘણા પશુ, પક્ષી અને વનસ્પતિ કુદરતી રીતે લુપ્ત થઇ રહ્યાં છે તે ગતિ થી પશુ, પક્ષી અને વનસ્પતિ મનુષ્ય જાતને લીધે ૧,૦૦૦ થી ૧૧,૦૦૦ ગણા નાબૂદ થઇ રહ્યાં છે.  આપણે વ્રુક્ષો તો કાપીએ છીએ, અને હા, સાથે સાથે બીજા રોપવાનો પણ પ્રયાસ કરીએ છીએ. પણ આભ ફાટે ત્યાં થીગડું ક્યાં મારીએ? માણસની વસ્તિ વધી, જરૂરિયાત વધી, તેથી અને ટેકનોલોજીનો છેલ્લી બે સદીઓથી એટલો વિકાસ થયો છે કે ગંદકી, પ્લાસ્ટિક વિવિધ જાતનાં રસાયણ અને ગેસોલિનને લીધે વાતાવરણ પર ખરાબ અસર થઇ અને પહેલાં જે જીવો ત્યાં અનુકૂળ વાતાવરણમાં રહેતાં હતાં તે જુદી જુદી માંદગીમાં ભોગ બની મરી જાય છે.

વસવાટ ની જગ્યા જ નથી રહી અથવા એ જગ્યા દૂષિત થઇ ગઇ છે તેથી લગભગ ૮૬% પક્ષી ઓ, ૮૬% સસ્તન પ્રાણી ઓ અને ૮૮% ઉભય જીવી દેડકાનાં કુટુંબી પ્રાણી ઓ નાબૂદ થવા ની તૈયારીમાં છે

બીજું શું ભૂંસાઈ ચાલ્યું છે? આપણી માતૃભાષા  એક જમાનામાં બ્રિટિશ અમ્પાયર પરથી સૂરજ કદી આથમતો નહીં તેથી લગભગ બધા દેશોની પ્રજા અંગ્રેજી ભાષા બોલાતી  થઇ ગઇ.  આદિવાસી, ગામડાના અને અભણ લોકો હજુ પોતાની માત્રુભાષાને વળગી રહ્યાં છે.  મારો જ દાખલો લઇએ.  હું પૂના ગઇ ત્યારે અમારા પડોશના બધાં ઇંગ્લિશ મિડિયમ ની સ્કૂલમાં જતાં અને જ ઇંગ્લિશ મા વાતો કરતાં.  તે જમાનામાં ઘણા અંગ્રેજ પણ સાનુકૂળ વાતાવરણને લીધે પૂનામાં રહેતા.  મને પણ આદત પડી ગઇ.  અહીં આવ્યા બાદ મિત્રમંડળ માં ગુજરાતીમાં વાત થાય, એ જ.  દિકરી ને રસ હતો એટલે એ ગુજરાતીમાં લખી વાંચી અને બોલી શકે છે, દિકરો સમજે છે.  દિકરી ના બે સંતાનો સમજે છે, બોલતાં નથી. મારા પછીની પેઢી પછી ખોવાઈ જવાની મારી માત્રુભાષા!  

  મને “બેઠક” યાદ આવે છે આજે “બેઠક”નો મને સહારો મળ્યો છે. એની દોરવણીને માનથી વધાવી ઉન્નતિ પામીશ.

  

દેડકા વિષે જાણવા જેવું -આ ઉભય જીવી દેડકા દક્ષિણ મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાના ઉત્તર પ્રદેશનાં ઉષ્ણકટિબંધનિય વનમાં રહે છે.  દિવસે સુએ અને રાતે જાગે. તેઓ માંસાહારી છે. એ ઝાડના પાંદડામાં લપાઈને બેસે અને તીડ, મચ્છર, પતંગિયા વગેરેનો ચીકણી જીભ દ્વારા શિકાર કરે.

લાલ આંખ વાળા આ દેડકા, વધુ વખત ઝાડ ઉપર રહે છે. ઘણા વૈજ્ઞાનિક એમ માને છે કે લાલ આંખ વાળા દેડકાની આંખ એટલે લાલ હોય છે કે એનો શિકાર કરવા આવતા પક્ષી કે સર્પને ઘડી ભર વિચાર આવે કે આ પ્રાણી ખરેખર ખાવા જેવું છે કે નહીં!!!  અને એ પળ માં દેડકાને ભાગી જવાનો મોકો મળે છે.  દિવસ દરમ્યાન પાંદડાની નીચે ચોંટી ને, આંખ મીંચીને અને શરીર પરનાં ભુરા રંગની ભાત સંતાડી ને સુએ છે. પણ જો ભંગ પડે તો પોતાની આંખો ફુલાવી, મોટાં કેસરી પગ અને ભુરી ભાત વાળી પીળી જાંઘ બતાવે છે જેથી એના શિકારી ચમકી જાય છે. એ પળ માં દેડકા પોતાના જીવને બચાવવા ભાગી જઈ સંતાઇ જાય છે.  એમનાં તેજસ્વી લીલા રંગનું શરીર પણ શિકારીને ગૂંચવણમાં નાખવા માટે વપરાય છે.  મોટા ભાગનાં નિશાચર પ્રાણી ઓ જે આ દેડકાઓનો શિકાર કરે છે તે તીવ્ર દ્રષ્ટિ થી શિકાર શોધે છે.  આ તેજસ્વી રંગ થી શિકારીની આંખો અંજાઈ જાય છે અને દેડકો કૂદીને જતો રહ્યો હોય તો પણ તેની ભ્રાંતિ આપતી છબી રહી જાય છે.

કુંતા શાહ

શુભેચ્છા સહ-(11) કુન્તાબેન શાહ –

       આ ઘડી, મારા અંતરથી તમને મનની શાંતિ, તંદુરસ્તી, મિત્રતા તથા જીવન સુધી ઉન્નતિ મળે તેની પ્રભુને પ્રાર્થના કરું છું.

શુભેચ્છા સહુને સાંભળવી  અને વાંચવી ગમે છે.
બાળકોનાં સ્મિત તથા કલરવ, સુંદર મઘમઘતા ફૂલો, મેઘધનુષ, કળા કરતા મોરને જોઇ, માતા, પિતા, દાદાજી, દાદીજી, નાનાજી, નાનીજી ની મમતાના સંભારણા, સહોદર, મિત્ર અને જીવનસાથી સાથે સંપનો ખળખળતો ઝરણાં જેવા પ્રવાહમાં ભીંજાતા હોઇએ ત્યારે શાનો અનુભવ થાય છે?  પ્રભુના આશિષનો અને સ્રુષ્ટિની ઉદારતાનો.  મારે માટે શું સારુ એ પ્રભુ સિવાય કોણ જાણે છે?
કોઇ પણ પ્રસંગ હોય,  દિવાળી, બેસતું વર્ષનાં અભિનંદન અને નવુ વર્ષ વધુ સુખદાયિ નિવડે, જન્મ દિવસની વધાઇ, લગ્નમાં કુર્યાત સદા મંગલમ, લગ્નની તિથી, નવશિષુનો જન્મ કે તારીખની વર્ષગાંઠ, કે હાઇ સ્કુલ, કોલેજ કે નોકરીમાંથી  નિવ્રુત થયા હોય ત્યારે વળી જુદી રીતના અભિનંદન, નવા ઘરમાં રહેવા ગયા હો ત્યારે પણ અભિનંદન તથા કોઇની તબિયત સારી ન હોય કે કોઇ પ્રભુને પ્યારુ થયું થયુ હોય ત્યારે
સ્વજનોને સહનશીલતા તથા શાંતિના આશિર્વાદ.   જુદી જુદી રીતે સજાવેલા હજારો શબ્દો આ ભાવનાંમાં જ સમાઇ જાય છે.
કહેવાય છે કે “સતી હોય તે શ્રાપ દે નહી અને શંખણીના લાગે નહી”.  તેમ જ ઠાલી શુભેચ્છાનું કોઇ મુલ્ય નથી  તેમ જ વ્હાલાઓનાં બોલ્યા વગર કે વાંચ્યા વગરનાં શબ્દો પણ આશિર્વાદ જ હોય છે.  આપણે ત્યાં, આપણાં સ્વર્ગસ્થ સ્વજનોને આવા દિવસે આપોઆપ યાદ કરીએ છીએ અને એમનાં આશિર્વાદ કે શુભેચ્છા છે જ એવું માનીને ખુશ થઇએ છીએ.  વિમાસણ થાય જ્યારે કે ખાસ કરીને વેસ્ટર્ન વર્લ્ડ્ના રિવાજ પ્રમાણે નોકરીમાંથી કે સંગતમાંથી કોઇ છુટ્કારો આપે ત્યારે પણ “વિષ યુ ધ બેસ્ટ” કહે છે.  આધ્યામિક્તા એ લોકોના જાણે જીન્સમાં વણાઇ ગઇ છે.  શ્રધ્ધાળુ લોકો માને જ છે કે જે થાય તે સારા માટે જ થાય છે.  આપણે પણ વ્યાકુળ થવાને બદલે, શું અને કેવી રીતે, ભુલો થઇ હોય તો  તે સુધારીને આગળ સ્વસ્થતાથી પગલું લેવું જેથી, શુભેચ્છા ફળે.  જે સમે જે મળ્યુ તે પ્રભુનો પ્રસાદ અને જેમણે શુભેચ્છા દર્શાવી તે પ્રભુના
સંદેશવાહક.
દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય ચાહે છે, સ્વજનોની ઉષ્મા ઝંખે છે, સ્વાવલમ્બી, સ્વાભિમાનથી જીવન વિતાવવાનું પસંદ કરે છે અને પોતાના અભ્યાસ, વ્યવસાય અને શોખની પ્રગતિ માટેની મહેનત સફળ થાય તે માટે આશિશ, શુભેચ્છા માગે છે.
બસ આનંદમાં રહો અને તમારી અને તમારે માટે પ્રભુની ઈચ્છા સરખી જ હો એ શુભેચ્છા સાથે વિરમું.

કુંતા શાહ