વાર્તા રે વાર્તા -(11)કુંતા શાહ

કુર્યાત સદા મંગલં

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિત થઇ ગયો. એમ તો ખૂબ સારું ભણેલો અને એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો. પણ નોકરી કરતા પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું જે પૂરું કરવાનો સમય આવી ગયો. પોતાની પત્ની અનીતા ને આ વાત કરી અને અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું,

” હા ઉદય, તું કંઈક નવું કર. આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે માટે ઘરની જીમેદારી આપણાથી જીલાશે.” અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું અને સાથે સાથે વિ.સિ.ને ફંડિંગ માટે મળવાનું. અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અનેક પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.


તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગની તો વાત જ જવા દ્યો. ઉદય રોજ વિચાર કરતો – હવે શું ? અનીતા પણ મુંજાણી.

હવે ઉદયને કોઇના હાથ નીચે કામ કરવાની ઇચ્છા નહોતી. ધંધો કરવો એ એના વરસાગતમાં હતું એટલે નોકરી કરવી નથી અને ધંધા માટે આર્થિક પરિસ્થિતી નથી એ વિચારોના વમળમાં એ ડુબી રહ્યો છે તેનું ભાન એ ખોઇ બેઠો.  અનીતાની કમાણી પર જીવવામાં એના પુરુષત્વનુ અપમાન એનાથી સહેવાતું નહોતુ.

અનીતાને જાણે ગઈ કાલની વાત હોય તેમ એ દ્રષ્ય તરી આવ્યું.  જ્યારે ઉદયે સ્ટાર્ટાઅપની પ્રસ્તાવના કરી ત્યારે એણે કહ્યું હતું કે “કદાચ શરુ કરેલી નવી સ્ટાર્ટાઅપ અસફળ પણ જાય તો નાસીપાસ થઈ બેસવાનું નહી પરવડે અને કુટુંબની ઉન્નતિ માટે જે મહેનત કરવી પડે તે કરી લેવાનું મનોબળ હોય તો જ આ પગલું લેવું.” અનીતાએ કહ્યું હતુ કે “હું નહીં હારી જાઉં.”  ત્યારે સામુ પૂછવાનુ સુઝ્યું નહોતુ કે ઉદયની તૈયારી હતી કે નહી.  .અમેરિકામા સ્થાયી થયા ત્યાં સુધી બન્ને નાજુક પરિસ્થિતીમાંથી પસાર થઇ ચુક્યા હતા એટલે ચઢતી પડતીનો સામનો કરી શકશે એની ખાત્રી હતી. સમજીને આ પગલું ભર્યુ હતું.  થોડા વખત પર જ નવા દંપતિનો પરિચય થયો હતો.  મહેન્દ્રભાઇ અને માધવીબહેન. જનમ જનમનો સંબંધ હશે એટલે અમુલ્ય સહારો બની રહયા. એક દિવસ એમની જોડે વાત કરતા કરતા ઉદય બોલી ગયો હતો કે કોલેજમાં ભણતો હતો ત્યારે એક રેસ્ટોરંટમાં કામ કરતો હતો.  કરવુ પડે તો ફરી એવુ પણ કામ કરીશ. ક્યાં ગઈ એ કુટુંબને માટે કઈ પણ કરી છૂટવાની ધગશ? ઉદયને એ વાતની યાદ અપાવવાની અનીતાની હિંમત ના ચાલી. મનને મનાવતી રહી કે આટલો ભણેલો ગણેલો ઉદય જાતે જ જાગશે. ઉદય ઘરે રહેતો પણ ઘરનુ કશું કામ કરતો નહી.  બાળકોએ કદી ઘરકામ કર્યુ નહોતુ પણ અનીતાની ગેરહાજરીમાં બધુ કામ એમની પાસે ઉદય કરાવતા અને ભુલો જ કાઢતા. ઉદય જેવા જ હોંશિયાર નાના દીકરાના ભણવા પર પણ અસર થવા માંડી. ઘરમાં જ્યાં કલ્લોલ રહેતો હતો ત્યાં ચુપકિદિએ રાજ જમાવ્યું. અનીતાને  દુઃખ થયું.  ઉદય સાથે વાત કરવાની કોશિષ કરી જોઇ પણ પરિણામ શુન્ય. અનીતા સમસમી ગઇ પણુ ઉદયથી દૂર થતી ગઇ. આમ અને આમ દોઢ વર્ષ  વિત્યું.   ત્યાં અનીતાની કંપની હ્યુલેટ પેકાર્ડે ખરીદી લીધી એટલે ઘણાને છુટા કર્યા પણ અનીતાને ઉલટાનું પ્રોમોશન મળ્યુ પણ આઇડાહો બદલી થઇ. બાળકોને સાથે લઈ અનીતા આઇડાહો જતી રહી,  ઉદયને મૂકીને.

ઉદયે પુછ્યુ હતું કે “મને એકલો મૂકીને કેમ જાય છે?”

“તને જે તકો કેલીફોર્નિઆમાં મળે તે આઇડાહોમાં ક્યાંથી મળશે?  અને, ઘર ભાડે આપવાનું એ વાતમાં તમે માનતા નથી તો આ ઘર કોણ સંભાળશે?”

મહેન્દ્રભાઇ અને માધવીબહેને ઉદયને સંભાળવાની જવાબદારી વગર કહ્યે સંભાળી લીધી. સવાર સાંજ જમવા બોલાવે અને ઘરે હોય ત્યારે સાથે સમય પસાર કરે. દર મહિને અનીતા બાળકોને લઈને ઉદયને મળવા અને ઘરનું કામ કરવા જતી. ઔપચારિક વાત સિવાય ખાસ વાતો થતી નહી. આમ બીજા બે વર્ષ નીકળી ગયા. અચાનક માધવીબહેને અનીતાને ફોન કરી જણાવ્યુ કે ઉદયને ન્યુમોનિઆ થઈ ગયો છે અને કશું ખાતા પીતા નથી અને અમારું માનતા નથી તો તમે આવો તો સારુ. મેનેજરની રજા લઈ તરત જ અનીતા ઉદયની ચાકરી કરવા આવી ઉભી. ઉદય સારો થયો એટલે અનીતાએ આઇડાહો જવાની તૈયારી કરી. હવે અનીતાની તબિયત પર પણ સંજોગના પ્રહારની  અસર થવા માંડી હતી.  ઉદયને માટે કેટલી વાર રજા લઈ કેલીફોર્નિઆ દોડે? જતા જતા ઘર વેચી દઇ, ઉદયને આઇડાહો આવી જવાનુ કહ્યુ.  

ઉદય અને અનીતા જોઇ શક્યા કે લગ્ન વખતે બાંધેલી ગાંઠ ભલે ઢીલી થઈ ગઈ હતી પણ છૂટી નહોતી. ભલે ઘર ખોટ ખાઇને વેચવું પડ્યુ.  અગત્યતા બધા પાછા ભેગા થવાની હતી. અનીતાએ  ઉમળકાથી ઉદયનું સ્વાગત કર્યુ.  ઉદયે હવે ઘરકામમાં મદત કરવા માંડી. જુવાનીને આંગણે ખિલતાં બાળકોને પિતાની, ભલે મૌન રહે, પણ જરૂર હતી.  હળવે હળવે એક્બીજાને ફરીથી ઓળખવા માંડ્યા.  થોડા વખતમાં ઉદયે નોકરી સ્વિકારી લીધી.

સ્વપ્ના કઈં ઉડી થોડા જાય છે? સુશુપ્ત દશામાંથી ફરી ક્યારે પડ્કાર પાડશે તે કોણે જાણ્યું છે પણ બાળકો પગભર થાય ત્યાં સુધી રાહ જોવા માટે બેઉ સંમત થયા. વચન આપતા બેઉના હાથ એક બીજાના હાથ પરથી ઉઠ્યા નહી. નજરોના આલીંગનમાં બેઉ ભીંજાતા રહ્યા.

કુંતા શાહ

 

તમે એવા ને એવા રહ્યા (15) કુંતા શાહ

નિયમસર, બપોરે ચાર વાગે હું ઓફીસેથી ઘરે આવ્યો.  ચા પીતા, પીતા ચારુએ સમાચાર આપ્યા કે ન્યુ યોર્કથી પુત્ર પરાશરનો ફોન હતો. હવે એ વકિલાત છોડી, સીનેટની બેઠક માટે પ્રયત્ન કરવાનું નક્કી કરી બેઠો છે.

યેલમાંથી ભણીને આવ્યાને એને હજુ બે વર્ષ થયા હતા.  તરત જ પાલો આલ્ટૉમાં એને મર્ચંટ લો ફર્મમા નોકરી મળી હતી અને એક જ વર્ષમાં એને પાર્ટ્નર બનાવવામાં આવ્યો હતો કારણ કે પરાશરે ટૂંક સમયમાં અનેક કેસીસ કુશળતાથી ઉકેલ્યા હતા અને ન્યાય વ્યાજબી મળવાથી ખૂબ નામના મેળવી હતી. વળી તેના ક્લાયંટોમાં ૨૦% વધારો થયો  હતો.

અચાનક આવો નિર્ણય? પરાશર આજે લંડન કામે ગયો હતો તેથી તેની જોડે હું વાત નહીં કરી શક્યો. મન રવાડે ચઢ્યું. ચારુ એટલી ભક્તિમય હતી કે એનો જીવ હંમેશા પ્રસન્ન જ રહેતો. એના આદ્યદેવ શંકર હંમેશા  લોક કલ્યાણ માટે જે કરે તે, જે થાય તે, એને કબુલ હતું.  એના ખોળાનો ખુંદનાર વોશિંગટન રહેવાસી બનશે એનો પણ એને ઉચાટ નહોતો.

મારે મનહર સ્વામિજી જોડે આત્મિય સંબંધ હતો એટલે એમની આગળ મન ઠાલવવાનું યોગ્ય લાગ્યું અને સાથોસાથ પરાશરને એના નિર્ણય વિષે શું કહેવું એ પણ પુછી જોવું હતું.  મનહર સ્વામિને ફોન કર્યો અને તરત જ એમને મળવા જવાનું નક્કી થયું.  એક ડબ્બામાં પોતે બનાવેલી કાજુ કતલી ભરી, સ્વામિજીને આપવા ચારુએ કહ્યું., કલાકમાં પાછો આવું છું એમ કહી હું સ્વામિજીને મળવા ગયો.

સ્વામિજીનો આશ્રમ પાસે જ હતો એટલે છ વાગે તો પહોંચી ગયો.  સ્વામિજીને પ્રણામ કરી, જમીન પર બેઠો.  સ્વામિજીએ તરત જ પુછ્યું “ચંપકભાઇ, તમારે ગમતા અનાનસ અને કાચી કેરીનું શરબત બનાવ્યું છે. સાથે થોડો નાસ્તો ચાલશે? બધુ ઠીક તો છે ને? ફોન પરના અવાજ પરથી જ મને લાગતુ હતુ કે કંઇક ચિંતામા ગ્રસ્ત છો.”

“સ્વામિજી, પરાશર હવે સીનેટની બેઠક માટે પ્રયત્ન કરવાનો નિર્ણય કરી બેઠો છે.  આજકાલ, દરેક રાજકારણમાં પડેલા વ્યક્તિ, દુષ્મનાવટ આવકારે છે.  એ સત્યવાદી હોય તો લાંચ આપનારા અને લેનારા દુશ્મન બને, અને સત્યવાદી ન હોય તો આમ જનતા, કુટુંબ અને ભગવાનનો પ્રકોપ આવકારે છે.  મને જાણે અત્યારથી જ પરાશરને ખોયો હોય એવું લાગે છે.”

‘ચંપકભાઇ, તમે તો જાણો જ છો કે છોકરું આઠેક વર્ષનું થાય પછી એનો સ્વભાવ, રુચી, અરુચી કે વલણ બદલવું એ જાણે અશક્ય જ છે.  કોઇ મોટો આઘાત, સારો કે ખરાબ પરિવર્તન લાવી શકે પણ અંદરખાને આપણે જે હતાં તે આજીવન રહીએ છીએ.  અને આ વાત ફક્ત એક વ્યક્તિ માટે નથી, દરજ્જા માટે પણ છે. અનાદી  કાળથી  ચાલતી આવતી આ વાત છે.  આપણા પુરાણો પ્રમાણે, સમુદ્રમંથન વખતે જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવો તરફ પક્ષપાત કરવામાં આવ્યો.  શા માટે એ સમજવા,  દેવો એટલે કોણ અને દૈત્યો એટલે કોણ એ જાણવું જોઇએ.  બ્રહ્માના પુત્ર પ્રજાપતિ દક્ષે પોતાની તેર દીકરીઓ, અદિતિ, દિતિ, કદ્રુ, દાનુ, અરિશ્ટા, સુરસા, સુરભી, વિનત, તામ્રા, ક્રોઘવશા, ઇદ્યા, વિષ્વા, અને મુની, ૠષિ કશ્યપ સાથે પરણાવી હતી. સંયમી અદિતિના સંતાનો દેવો બન્યા જે સ્વર્ગ એટલે સુખ પામ્યા. અસંયમી દિતિના સંતાનો દાનવ બન્યા જે, લાગણીના આવેગમાં તણાઇ જાય, વિવેક ખોઇ બેસી બીજાને ત્રાસ આપે અને તેથી પોતે પણ બીજાઓનો પ્રકોપ નોતરે તે નરક એટલે દુઃખ પામ્યા.  અપવાદ બેઉમાં છે.  ઈંદ્ર દેવોના રાજા, અહંકાર, ઈર્ષા અને લઘુતા ગ્રંથીથી પીડાતા હતા.  તે ન કરવાનું કરી બેસતા અને ન બોલવાનું બોલતા અચકાતા નહીં..  દેવોના રાજા આટલા નિર્બળ? અને ત્રિલોકના  રાજા બનેલા દાનવ બલીની આગળ વિષ્ણુએ વામન થઇ ત્રિલોકનું દાન માગવા આવવું પડ્યું!

સત્તાનો મોહ જે ઈંદ્રને હતો તે લગભગ દરેક નેતાઓને હોય છે પછી ભલેને દેશના, પ્રાંતના, ગામના કે ઘરના નેતા હોય! અસાધારણ કહેવાતા પુરુષો-અને સ્ત્રીઓ પણ-સત્તા અને કામના પ્રભાવમાં પડીને ના કરવાનું કરી બેસે છે. એ વખતે એમનું શાસ્ત્રજ્ઞાન, બુદ્ધિબળ, શરીરબળ, જપ-તપ કે વ્રતનું સાધન કશું જ કામ નથી કરતું. પોતાના મન તથા ઇન્દ્રિયો પર વિજય મેળવનારા અને કામમુક્ત બનનારા મહામાનવો અત્યંત વિરલ હોય છે.

પણ, હું પરાશરને ઓળખું છું.  કોલેજમાં ભણવા ગયો અને પછી યેલમાં આગળ ભણવા ગયો ત્યારથી મળ્યો નથી પણ તમે જ મને હંમેશ એના સમાચાર આપતા કહેતા કે એ ફક્ત હોંશિયાર નથી, હિંમત વાળો છે, સંસ્કારી છે અને હંમેશા સત્યની શોધમાં રહેતો હોય છે.  તમે બાપ છો એટલે દીકરાની શારીરિક ખોટ લાગે એ સ્વાભાવિક છે પણ એણે દેશને સારા રસ્તે દોરવા માટે જ આ પગલું લેવાનો વિચાર કર્યો છે એની મને ખાત્રિ છે.  એટલે તમે ચિંતા મુક્ત થઇ એને આશિર્વાદ આપો અને બને એટલી સહાયતા કરજો.

હા, દેવો તરફના પક્ષપાતની વાત સમજીએ. આજે તમે જાણો જ છો કે રાજ્યસભામાં નિમણુક થયેલ વ્યક્તિઓને રાત દિવસ કામ કરવું પડે છે, કામ અંગે મુસાફરી પણ કરવી પડે છે અને આવેલા મહેમાનોની આગતાસાગતા કરવી જરૂરી હોય છે.  પછી એમને સગવડ આપવાની પ્રજાની ફરજ બને છે.  તમે જ વિચારો, તમે કામ પરથી આવો ત્યારે ચારુભાભી તમને આરામ મળે અને તમારી સાથે સમય ગાળી શકે એટલે તમારી ૠચિ પ્રમાણેનું ભોજન બનાવી  રાખે, ગરમ ગરમ રોટલી ઉતારી પ્રેમથી પીરસે.  ઘર અને વ્યવહારનાં એકલાથી થાય એ બધાં જ સંભાળી લે અને સદાય તમને અનુકુળ થઇ રહે છે. તમે ભલે પૈસા કમાવવા બહાર મહેનત કરો છો પણ ચારુભાભી  આખો દિવસ ઘર અને વહેવાર અંગેનું કામ કરતા હોય છે છતાં તમે જમી રહ્યા પછી જરા આરામ કરો કે ટીવી જુઓ ત્યારે ભાભી વાસણ અને રસોડું સાફ કરતા હોય અને આવતી કાલ માટે તૈયારી કરતાં હોય છે, ખરું ને? વિશ્વાસ રાખજો કે પરાશર લાંચ રુશવતમાં નહી ફસાય અને સત્તાનો દુરુપયોગ નહીં કરે.  અમેરીકામાં જનમ્યો અને ઉછર્યો છે તોય કદી દારુ નથી પીતો અને માંસાહારી નથી બન્યો. કોઇ કન્યાઓ સાથે લફરાં નથી કર્યા અને બીજે ઘર વસાવવાને બદલે હજુ તમારી સાથે જ રહે છે. કેટલા સંતાનો આ જમાનામાં પરાશર જેવાં છે? અને પછી ભવિષ્ય કોણ જાણે છે? કાલની ચિંતા કરી આજે જીવવાનું નહીં? ગાંધીજીને ગોડસેએ હણ્યા પણ દુનીઆભરમાં ચીરંજીવી આદર અને ખ્યાતિ પામી ગયા.  કહેવાય છે કે શિવાજીને જીજાબાઇએ ધાવણમાં સચ્ચાઇ, દેશભક્તિ અને શૂરવિરતા પાયા હતા.  તમારો પરાશર કઇં ઓછો નથી.”

“તમારો ખુબ આભાર.  મન હળવું થઇ ગયું. આજકાલ તો પત્રકારો અને વિરોધી પક્ષના સભ્યો એટલી ઝીણી ઝીણી બાબતોને વીણી લાવી કાંટાના હાર પહેરાવે છે કે વાત નહીં.  આપણે ક્યારે શું ખોટું અવિવેકી કાર્ય કર્યું હતું કે મત બદલ્યા હતા એની યાદ અપાવી જાણે કાદવના છાંટા ઉડાડે છે. શું લોક એમ નહીં કહે કે હજુ માની સોઢ્માં ભરાતો છોકરો દેશ માટેના નિર્ણયો માને પુછીને કરશે? આવા વિચારોથી હું અસ્વસ્થ થઇ ગયો હતો.

પ્રણામ, સ્વામિજી.  હવે રજા આપો એટલે હું ઘર ભેગો થાઉં.”

“પરાશરને મારા આશિર્વાદ છે કે એ સેનેટર તરીકે ચુંટાશે અને એની કારકિર્દી જગતને ખુણે ખુણે પ્રસરશે. ભાભીને કહેજો કે આવતા શુક્રવાર સાંજે મને ફાવે એમ છે એટલે ઢોકળી ખાવા હું આવીશ.”

હું ઘરે પાછો ફર્યો.  દર મંગળવારની જેમ આજે પણ ચારુએ મંદિરે ધરાવવાની થાળી તૈયાર જ રાખી હતી.  અમે બેઉ દુર્ગા મંદિરે જઇ સાધના કરી પાછા ફર્યા. ફરાળ કરીને બેઠા ત્યાં પરાશરનો ફોન આવ્યો. મેં જ ફોન ઉપાડ્યો, કારણ ચારુ, રસોડામાં કામ કરતી હતી.

“તું સીનટર બનવા માગે છે એ વાત મમ્મીએ  કરી હતી. દીકરા, તને અમારા આશિર્વાદ છે અને તને જેટલી મદત થાય તે કરશું.  મનહર સ્વામિજીએ પણ તને આશિર્વાદ આપ્યા છે.”

“પપ્પા, સ્વામિજી પાસે મન હળવું કરી આવ્યા ને?  ખબર જ હતી.  મમ્મી આટલી સ્વસ્થ રહે છે અને તમે વિહવળ બની જાવ છો.  તમે તો એવા ને એવા જ રહ્યા અને બદલાતા પણ નહીં, હં.  કારણ, પપ્પા તમારી આ વત્સલતા મને ખુબ ગમે છે.  એ જ પ્રેમે મને સેનેટર બનવાની પ્રેરણા આપી છે. જે મહેનતથી તમે અને જે શ્રધ્ધાથી મમ્મીએ મને ઉછેર્યો છે તે જ હું મારી માત્રુભુમિને અર્પણ કરવા માંગુ છું અને આમ જનતા મારા કુટુબીજનો જ છે જેમની મારે સેવા કરવી છે. આવતે મહિને રાજીનામું આપીશ અને શ્રી ગણેષ આપણે ઘરે થી જ મંડાશે.”

પરાશર સેનેટર ચુંટાયો, વોશિંગ્ટન રહેવા ગયો પણ દરરોજ સવારે એનો અચૂક ફોન આવે.  સમય હોય ત્યારે થોડા કલાક માટે પણ ચારુનાં ખોળામાં માથુ ટેકવા આવે. આજે હું નિવૃત્ત થવાનો છું.  અમારું અહીં પાલો આલ્ટોનું ઘર વેચાઇ ગયું છે.  આવતે મહિને અમે અને પરાશર ફરીથી સાથે રહેતા હશું.

કુંતા શાહ

“કયા સંબંધે”(21)કુંતા શાહ

ઉજ્વલ નારીનાં સંસ્થાપક, લતામા સવારે ૭ વાગે પત્રકારોથી વીંટળાયેલા હતાં.  આજે, જાનુયારીની ૯મીએ એ સંસ્થા સ્થાપ્યાને પચાસ વર્ષ પુરા થયા હતાં.  લતામાની બાજુમાં નિર્મળા એમનો પડ્છાયો બની બેઠી હતી.

અગ્ર પત્રકાર સુધીરભાઇએ શરુઆત કરી.  “અભિનંદન, મા. તમારી ભાવનાએ તમને અનેરું બળ આપ્યું છે – સમાજ સાથે લડવાનું.  આટલાં વર્ષોમાં લાખો બાલિકા, યુવતી, અને સ્ત્રીઓને તમે રક્ષણ અને શિક્ષણ આપ્યું છે જેથી તેઓ સમાજમાં સ્વમાનથી જીવતા શીખી ગયા છે.  આજે,  પાછલા અનેક વર્ષોની જેમ, ટપાલીને બદલે, તેમની કારમાં થેલા ભરી, ભરીને ટપાલ લઇ આવ્યાં છે.  તમારા કાર્યની સફળતા માટે અમને તો આનંદ છે જ, તમને પણ હશે!”

“આનંદ તો થાય જ છે કે પ્રભુએ મને આ કાર્ય કરવાને નિમિત્ત બનાવી. પ્રભુની મરજી વિના કશું થતું નથી.  હા,  નારીત્વનું અપમાન કરનારાઓએ પણ એવું ઘણી વાર કહ્યું છે કે પ્રભુની મરજીથી જ એવી ઘટના બને છે!  અત્યારે લગભગ ૬ કરોડ નારી જાતની વસતી ભારતમાં છે.  માનો, એમાંથી લાખને મારા જેવી સંસ્થા દ્વારા સહારો મળ્યો.  બાકીની કેટલીય પોતાની પરિસ્થિતીમાંથી ઊંચી આવી નથી શક્તી.  કારણ ઘણા છે.  હવે છેલ્લા દસેક વર્ષથી ગામડાઓમાં પણ હવે તમારી જ મહેરબાનીથી અમારા કામનો પ્રચાર થવા માંડ્યો છે.  અફ્સોસ એ વાતનો છે કે, આપણે ભારતીઓ જે પૃથ્વીને અને નદીઓને પણ માતા ગણી પૂજા કરે છે, સૌથી પહેલા “માતૃ દેવો ભવ” કહે છે તે પોતાની પુત્રી, બહેન અને માને દુઃખ આપે છે.  ઘણી દીકરી માને,  વહુ સાસુને અને સાસુ વહુને પણ દુઃખ દે છે. જ્યાં સુધી પોતાની શક્તીનું અભિમાન ખોટી રીતે અજમાવાનું માનવી નહીં છોડે ત્યાં સુધી આ ચાલવાનું જ. પણ એ અન્યાયનો અસ્વિકાર કરતાં શીખવાનુ એ સહુનું દાયિત્વ છે.”

“મા, સાંભળ્યુ છે કે તમારી તબિયત સારી નથી?”

“ભાઇ, ઉમર ઉમરનુ કામ કરે. ગાડી અટકવાની છે એવી સીટી તો હજી વાગી નથી.  અને કેટલીય જાગૃત બહેનો મારું  કામ ઉપાડી લેશે એની મને ખાત્રી છે.”

બધા પત્રકારોએ માને પ્રણામ કરી, કઇં પણ મદતની જરૂરત હોય તો દોડતા આવી જશું એમ કહી વિદાય લીધી.

નિર્મળા લતામાને સહારો આપતી એમની ઓફીસમાં લઇ ગઇ.  માને મોસંબીનો રસ અને મેથીના થેપલા આપતાં યાદ દેવડાવ્યું કે આજે બપોરે ૩ વાગે ડોક્ટર કશ્યપ આવવાના છે. આજે, કોણે શું કરવાનું છે તે પાછા વાંચી ગયા.  કોણ બીમારીને લીધે સોંપેલું કામ કરી નથી શકવાના, અને તેથી અગત્યતાને પહોંચી વળવા શું કરવું તેનો નિર્ણય લઇ દિવસનાં કામની વ્હેંચણી કરી દરેક કક્ષમાં ઇંટરકોમ દ્વારા જણાવ્યું.  રાત્રે તૈયાર કરેલી ભેટની વસ્તુઓ એક કાર્ટમાં મુકી આઠ વાગે મા અને નિર્મળા નિયમ પ્રમાણે પ્રથમ બાલીકા કક્ષમાં ગયા. દરેકને વ્હાલ કરી, નવા કપડા, દોરડા અને ચિત્રકળાના પુસ્તકો તથા સંગબેરંગી પેન્સીલો આપી, યુવતી કક્ષમાં ગયા. એ સહુને પણ વ્હાલ કરી, નવા કપડા, ડાયરી તથા પેન્સીલ આપી સુચના કરી કે આ ડાયરીમાં મનમાં જે આવે તે રાત્રે સૂતા પહેલાં લખો અને પછી જે પ્રાર્થનાથી તમારું મન શાંત અને સ્થિર થાય તે કરજો. એ વર્ગને સોંપાયેલી ગોદડીની રચના ક્યાં સુધી આવી તે જોઇ ખુશ થતાં થતાં “સુંદર” કહી ત્યાંથી પ્રોઢ સ્ત્રીઓના ઓરડામાં ગયા. તેમને પણ વ્હાલ કરીને એ જ વસ્તુઓ ભેટ આપી અને ડાયરી માટે એ જ સુચના આપી.  આ બહેનોએ બનાવેલા ચવાણા, ખાખરા, ફરસાણ અને મીઠાઇ સહેલાઇથી વેચાઇ જાય છે અને નવા ઘરાકો ઉમેરાતા જાય છે તેના અભિનંદન આપ્યા. ત્યાંથી વૃધ્ધકક્ષમાં ગયા. એમને પણ વ્હાલ કરી નવા કપડાં, ભજનની નવી સીડી આપી “કોઇને પણ વાત કરવી હોય તો સાંભળવા આતુર છું” એમ કહી એમને માટે રાખેલી ખુરશીમાં બેઠા.  મોટા ભાગની વૄધ્ધાઓ વિધવા હતી.  ક્યાંક તો સંતાન નહોતા કે હતાં તો પણ મા એમને ભારે પડતી હતી. આ સ્ત્રીઓ એક્બીજા જોડે વાત કરી હૈયુ ઠાલવતી, એકબીજાને માંદગીમાં મદત કરતી, અપંગને સહારો આપતી, આંધળીઓની આંખ બનતી.  રસોઇઘરમાં પણ બનતી મદત કરતી.  પ્રેમની ભૂખી બાળકીઓ અને યુવતીઓની નાની, પ્રૌઢાઓની બહેન કે મા બનવાના પ્રયાસો કરતી.

બાર વાગવા આવ્યા હતા.  નિર્મળા માને લઇ પાછી ઓફિસમાં ગઇ. રસોઇઘરમાંથી મા, નિર્મળા તથા પોતાને માટે ભોજન એક પ્રૌઢા લઇ આવી અને બધાએ મૌનમા જ પ્રસાદ આરોગ્યો. સાડાબારે બીજી  બધી પ્રૌઢા અને યુવતીઓ આવી ગઇ અને બધા ટપાલ ખોલવા બેસી ગયા. મોટે ભાગે ફાળા માટે ચેક હતા.  દરેક ચેકનો આંક્ડો, મોકલનારનાં નામ સરનામા સાથે દાનની લેજરમાં યુવતીઓએ નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા. રસોઇઘર ની કમાણીના ચેક એ જ માહિતિ સહ જુદી  લેજરમાં નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા.  થોડા પત્રો દીકરી, બહેન, પત્નિ કે માની શોધ હેતુ હતા.  એ બધા ખોવાયેલ વ્યક્તિના નામના અનુક્રમે ફાઇલ કર્યા.  જો એ વ્યક્તિ એમની સંસ્થામાં  આશ્રયી હોય તો એ આશ્રયીની તૈયારી ના હોય ત્યાં સુધી એ પત્રનો ઉત્તર નહીં અપાતો.  પ્રૌઢ અને વૃધ્ધા જ્યારે પોતાની તૈયારી બતાવે ત્યારે તેમને એ પત્ર આપતા અને રજા આપતા.  યુવતી અને બાળકી માટે વધુ કડક તકેદારી રખાતી.  એક પત્ર નામ વગરનો હતો.  એ ભાઇને માની માફી માંગવી હતી.  પોતાના જીવનની છેલ્લી ઘડીએ એ માના દર્શન કરવા માંગતા હતા.  માએ એ પત્ર જોવા માંગ્યો.  અક્ષર પરિચિત હતા. માએ નિર્મળાને કહ્યું “જવાબમાં લખી દે કે કોઇ પણ દિવસે બપોરના ૪ પછી આવી શકે છે.  પહેલેથી જણાવે કે કયે દિવસે આવવાના છે,”  દરેક દાનીને મા લક્ષ્મીનો ફોટો મોકલવા માટે પરબીડીઆ ઉપર સરનામું લખી, સ્ટેમ્પ લગાડી તૈયાર કરાયા.

બસ આ કામ પુરુ થયું ને ડોકટર કશ્યપ આવી પહોંચ્યા.  માને પહેલાં પ્રણામ કરી, એક ચેક સહ અભિનંદન આપી, તપાસ્યા.  પછી જણાવ્યું કે બ્લડ પ્રેશર બહુ વધારે છે. સવારે ૬ વાગે ગાડી મોકલશે અને ડ્રાઇવર હોસ્પિટલમાં, બ્લડ, યુરિન અને એક્સરે માટે લઇ જશે.  પાણી સિવાય કશું લેવાનું નહી. બધું પતે એટલે ડ્રાઇવર તમને પાછા અહીં મુકી જશે. બ્લ્ડ પ્રેશરની દવાની ગોળીઓની બાટ્લી આપી પુછ્યું “ આજે બીજા કોઇને તપાસવાનું છે?”

“ના, આજે નાઝ અને વસુને સવારે તાવ હતો પણ અત્યારે સારું છે.”

“”તો હું નીકળું? આ ચેકના કોથળા લેતો જાઉં જેથી ખાતામા આજે જ જમા થઇ જાય.”  નિર્મળાએ તૈયાર કરેલા મિઠાઇ અને ચવાણાના ડબ્બા કશ્યપને આપ્યા પછી ચેકના કોથળા નિર્મળા કશ્યપની કારમાં મુકવા ગઇ. માને ફરી પ્રણામ કરી, કશ્યપ વિદાય થયો.

૨૦મી જાન્યુઆરીએ અનામી બપોરે ૪ વાગે આવી ઉભો.  રડી ને લાલ આંખોથી નિર્મળાને જોઇ એ જરા વિચારમાં પડી ગયો પણ માને જોઇ મા પાસે દોડી એમનાં ચરણ દબાવેલાં અશ્રુથી ધોવા લાગ્યો. માએ મા એના મસ્તકને પંપાળતા રહ્યા. એકાંતની જરુર છે એમ કહી નિર્મળાને બારણું બંધ કરી ફૂલોને પાણી આપવા મોકલી. જ્યારે અનામીના ડુસ્કા ધીમા પડ્યા ત્યારે માએ એનું માથું ઉંચુ કરી કહ્યું “નિધિનભાઇ, શાંત થઇ જાવ.”  રડતા રડતા નિધિને કહ્યુ “બહેન, તુ ગઇ ત્યારનો તને શોધું છું.  અચાનક ટીવીમાં તારી છબી મેં જોઇ, અવાજ સાંભળ્યો અને જાણી ગયો કે લતામા બીજું કોઇ નહી પણ મારી બહેન કુસુમ જ છે. તુ મને માફ કરશે કે નહીં એ વિચારમાં મેં મહીના કાઢ્યા.  પછી હિંમત કરી કે બહુ બહુ તો તું મને ના કહેશે, સમાજમાં મારી બદનામી કરશે પણ આજે જોવું છું કે તું ખરેખર મા જ છે.  તેં મને માફ કરી દીધો છે એ વગર બોલ્યે હું અનુભવી શકું છું.”

“ભાઇ,  જ્યારે આપણું ઘર છોડીને ભાગી ત્યારે હું ગુસ્સામાં હતી જ.  જાતને સંભાળી ન હોત તો કદાચ મારે હાથે હત્યા પણ થઈ જતે. એક સંતના આશ્રયમાં મારું મન શાંત થયું અને શિવ શક્તિની ઉપાસનાથી જાગૃત થઇ.  તમને મેં ત્યારનાં માફ કર્યા હતાં જે દિવસે આ માર્ગે પ્રયાણ કર્યું.  તમે તો મારા પર કૄપા કરી જેથી હું પણ મારા અહમને પંપાળવાને બદલે અઢળક લોકોને પંપાળવાનું સુખ ભોગવું છું.  બસ, હવે તમે જઇ શકો છો.”

“જતાં જતાં એક પ્રશ્ન પુછું? આ બહેન,જેને તેં બગીચામાં મોકલી એ કોણ? મદન  “ કુસુમ ફરી લતામા બની ગઈ.  “ભાઇ, કયા મદનની વાત કરો છો? અહંકાર અને વ્યસનોમાં ડૂબેલા બધાં જ તો મદન છે! હવે તમારા કોઇ પ્રશ્નનો જવાબ નહી મળે. અહીંના સર્વે આશ્રિતો અને કાર્યકર્તાઓનું માનસિક અને શારીરિક રક્ષણ કરવું એ આ સંસ્થાનો પહેલો ધ્યેય છે.  હવે તમે જાવ અને ફરી કદી આવશો નહીં”

નિધિન માને પ્રણામ કરી ફરી આંખ ભીંજવતો ચાલ્યો ગયો. અને મા ધ્યાનમાં વિલિન થઇ ગયા.

કુંતા શાહ

થાવ થોડા વરણાગી —-(14)કુંતા શાહ

થાવ થોડા વરણાગી —-(12)કુંતા શાહ

ગઇ કાલની વાત – પાંચેક વર્ષની હોઇશ ત્યારથી મારા સીધ્ધા વાળ મારી પાનીએ પહોંચતા અને એટલાં ગુંચવાતા કે હંમેશ, ભીંછરા જેવી જ લાગું.  ભર્યા કુટુંબમાં કોને વખત હોય કે ઘડી ઘડી મારાં વાળ સંવારે?  જથ્થો પણ એટલો કે માથું ધોવા એક માણસની જરૂર પડે અને ગુંચ કાઢવા માટે ત્રણ જણની.  સુકાયેલા વાળને અડધા આગળ અને અડધા પાછળ રાખ્યા હોય તો મારા શરીરનું એક તસુ પણ ના દેખાય.

બારેક વર્ષની હોઇશ — મારી ફેલોશિપ સ્કૂલની ૨૫મી વર્ષની જયંતિ ઉજવવા મોટો દસ દિવસનો સમારંભ યોજાયો હતો.  બધા વિદ્યાર્થીઓએ એમાં ભાગ ભજવ્યો હતો. મેં પણ વિવિધ ભુમિકા ભજવી હતી.  પરંતુ આંખે તરે છે એ રુપ જેમાં હું મણિપૂરી ન્રુત્ય નાટિકા માટે સજ્જ થઇ હતી. ત્યારે મેકપ અને સુંદર વેષભૂષામાં સજીત, પારદર્ષક ઓઢણીમાંથી ડોકિયું કરતો ર્સુંદર રીતે ઓળેલા વાળનો માથા પર ત્રાંસો અંબોડો જેની ફરતે મોગરાનો મઘમઘતો ગજરો જે શણગારને સુગંધી બનાવતો હતો ,  મારું એ પ્રતિબિંબ અરિસામાં જોઇ મને કોઇ અવનવાં સ્પંદનોનો અનુભવ થયો  હતો તે મને યાદ છે. ત્યારે મને અહેસાસ થયો હતો કે હું પણ સુંદર અને મોહક છું પણ એ ભુલાએલી વાત કોલેજનાં બીજા વર્ષમાં આવી ત્યારે જાગ્રુત થઇ અને ભાન આવ્યું કે થોડા વ્યવસ્થિત દેખાવાની જરૂર છે.  ફ્રોકને મેચીંગ જોડા, ચમ્પલ, એડી વાળા સેંડલ અને ચોટલાની રીબનો વસાવી. દાદાજીની સંમતિથી લિપ્સ્ટિક તથા અણિઆળી આંખો કરવાની પેન્સીલ લીધી અને વાપરી. કોઇ બીજાને માટે વરણાગી થવાનું મોડું  સુઝ્યું. ત્યારે પૂણે સહેતી હતી. સાઇકલ ઉપર કોલેજ અને મિત્રને મળવા જવાનું  સાડી ભાગ્યે જ પહેરતી કારણ સાઇકલમાં ભરાઇને ફાટે અને ગંદી થાય ચોટલાં પણ આગળ લાવી બીજા ખભા પરથી પાછા નાખવાં પડતા કારણ ચોટલાં પણ સાઇકલમાં ભરાઇ જતાં.  સાઇરાબાનુ કહી, સીટી વગાડી અજાણ્યા યુવકો મારી ઠેકડી ઉડાવતાં.  વાળ ધોવા ખાસ બાઇ રાખવી પડેલી.  દાદાજી, બાઇ અને હું વારાફરતી ગુંચ કાઢીએ કારાણે હાથ થાકી જાય.

લગ્નને બીજે જ દિવસે દિલિપ અમેરિકા પાછા ફર્યા હતાં.  જ્યારે મારે અમેરીકા આવવાનુ થયું ત્યારે વાળને સુંદર રાખવા માટે હું બ્યુટિ પાર્લરમાં ગઇ.  ચાર ડઝન સોયા અને હેર સ્પ્રે વાપરી ત્યારે સુંદર બુફે અંબોડો થયો પણ લંડન પહોંચુ તે પહેલા  સોયા ખરવા માંડ્યા અને અંબોડો છૂટી ગયો.  હેર સ્પ્રેને લીધે ગુંચ  પણ કાઢી ના શકી.  દિલિપને ભીંછરી જ મળી!  પણ દિલિપને ઓપની જરુર્ત જ નહોતી. જેવી છું તેવી તેમને ગમું છું.

૧૯૭૧ની ચોથી જુલાઇએ મેં દિલિપને હાથે જ  કમરની નીચેના મારા વાળ કપાવી નાખ્યા –  કારણ અમારી પહેલી દિકરીને મુકતાં, ઉંચકતા એક તો મારા જ પગ નીચે મારા વાળ આવી તુટતાં અને ઘુંટણિયા તાણતી દીકરીનાં હાથમાં પગલે પગલે મારા વાળ ભરાતાં,

વાળથી આઝાદી!!!

બાળકોની સાથે સાથે બદલાતા વાતાવરણ, જુદા જુદા પ્રદેશનાં લોકોની જુદી જુદી માન્યતા, મંતવ્ય, પ્રેમ, તીરસ્કાર, ટેક્નિકલ ઉન્નતી વિગેરેનો પરિચય થયો. તે વખતે કનેટિકટમાં ભારતિય નૄત્ય શિખવાડનાર કોઇ મળ્યું નહીં તેથી તેને બેલે, જાઝ, ટેપ શિખ્વાડ્યાં,  દીકરા જોડે નવી નવી રમતો રમતી અને અંગ્રેજી ગિતો  ગણગણતી.

હજુ તો ઘણું નવું નવું અને વધુ અને વધુ ઝડપે થાય છે અને આપણે અપનાવતા જઇએ છીએ.

આજની વાત – હવે સમઝમાં આવે છે કે ભલે બધા વિવિધ રીતે ભગવાનની છબીઓ તથા મુર્તિઓને ઝવેરાત તથા ઝગમગતા વસ્ત્રોથી શણગારે છે પણ મહાદેવ? તેમનાં ભક્તો ક્યાં ઓછા છે? વરણાગીપણું નજરમાં છે, વૈરાગ્યમાં પણ. દેવોનો વિનાશ ના થાય તેથી મહાદેવે વિષ પીધું, કંઠે અટકાવી રાખ્યું તેથી એ નીલકંઠ થયા. એ વિષાગ્નિને થંડક આપવા સર્પની માળા ધારણ કરી. લોકોનું દુખ જોતાં મહાદેવનાં અશ્રુમાંથી પ્રગટ થયેલાં કરુણા સ્વરુપ, ખરબચડા રુદ્રાક્ષથી પણ એમને શણગારાય છે. ગંગા નાં ધોધથી પ્રલય થાય તેથી બાંધેલી જૂટ જટા એમણે કદી છોડી નહીં. પોતાના સ્વાર્થનો વિચાર કર્યા વિના બીજાનું ભલું કરવાથી આપણું જીવન સુંદર બને છે અને એ આપણા અસ્તિત્વને દિપ્તી આપે છે.

અને હા,  આજે પણ હું નાની થઇને આવી છું કારણ સુંદર કપડાંનો મોહ હજુ ગયો નથી.

પહોંચી શકીશ મહાદેવને રસ્તે?

 

અને છતાં અહીં નોકરીએ લાગી ત્યારથી કરી અપટુડેટ થઇ ફરવાનો મોકો માણ્યો.

સુખ એટલે-(11)કુંતા શાહ

photo (10)

 

ગૌતમ બુધ્ધ્ની વાર્તા “સુખીનું પહેરણ” હૈયામાં કોરાઇ ગઇ છે.  દુનીઆમાં ખરેખર સુખી કેટલાં હશે?  બિલ ગેટ્સ, વોરન બફે, મધર ટેરેસા, જેવા ગણ્યા ગાંઠ્યા લોકો જે પોતાનું સર્વસ્વ બીજાઓને આપી દે અને આપવામાં જ ધર્મ સમઝે અને ખુશી રહે.  દુનીઆમાં કેટલાં તવંગરો, જૂના ઘરમાં રહે છે અને જૂની કાર ચલાવે છે? મધર ટેરેસા જેવા કેટલાં છે જે નિસ્વાર્થે સેવા કરે અને એ જમાનામાં લેપ્રસી ચેપી રોગ કહેવાતો, એની પણ એમણે પરવાહ કદી ના કરી. એમને પણ કદી શારીરિક વ્યથા થઇ હશે અને સગા વ્હાલા, મિત્રો જોડે મતભેદ થયા હશે, છતાં તેઓ લક્ષ્ય પર જ ધ્યાન રાખી સ્વયમ સત્ચિત્ત,આનંદ બની જીવી રહ્યા.

 

એક સાધુની વાત યાદ આવે છે.  એક યજમાને સાધુને ભિક્ષામાં ૫ રોટલા આપ્યા.  જ્યારે સાધુ ખાવા બેઠા ત્યારે એક ભુખ્યા માણસને પડી રહેલો અને કણસતો જોયો એટલે એમણે ૨ રોટલા એને ધર્યા.  પોતે ૩ આરોગ્યા.  યજમાને આ જોયું અને સાધુની પ્રમાણિકતાની પરીક્ષા લેવાનું એમને મન થયું.  યજમાને સાચુને પુછ્યુ “તમે કેટલા રોટલા ખધા?”  સાધુએ કહ્યુ “૨”.  યજમાન તો ગરમ થઇ ગયા.  “અરે! સાધુ થઇને તમે જૂઠ્ઠૂ બોલો છો?  મારી નજરે મેં જોયુ કે તમે ૩ રોટલા ખાધા.” “ભાઇ, મારા ખાધેલાને બીજી વાર ભુખ લાગે ત્યારે હું ભુલી જઇશ કે કેટલા ખાધેલા, પણ આ ગરીબ માણસ, જીવન ભર મેં એને ૨ રોટલા આપેલા એ હકિકતને યાદ રાખશે.  જેમ તમે મને ૫ આપેલા એ હું પણ કદી નહીં ભુલુ.”  આટલું કહી, સાધુ પોતાની મસ્તિમાં અલખ નિરંજન લલકારતા, રસ્તે આગળ વધ્યા.

સુખની ઓળખાણ દુઃખ, અને દુઃખની ઓળખાણ સુખ. જેમ રાત અને દિવસ, ઉન્નતી અને પડતી, ર્મિલન અને વિરહ, આકાશ અને ધરતી, પહાડ અને ખીણ.  જન્મ અને મ્રુત્યુ,  બેઉ એક બીજાના પુર્ણક.  એકલું  દુઃખ જ અનુભવ્યુ હોય તો સુખ કેવુ હશે તેની કલ્પના પણ કેવી રીતે કરાય? બેઉ સાથે જ ચાલે.  તેથી, તટસ્થ રહીએ તો આનંદમાં જ વિહારાય.

સુખ એટલે આનંદની માનસિક ઓળખાણ. કહેવાય છે કે પહેલુ સુખ તે જાતે નર્યા.  ભલે શરીરને મનની શક્તિથી કાબુમાં ઘણે અંશે રાખી શકાય પણ ૧૦૦ ટકા તો નહીં જ.  પરમ યોગીઓને પણ અનેક જાતની વ્યાધીઓથી  પિડાતા જોયા છે પરંતુ તેઓ સમઝે છે કે જેમ આ દેહ નિશ્ચિત સમય માટે મળ્યું છે તેમજ આ વેદના પણ ક્ષણભંગુર છે, અને સુખની પણ એક ઝલક માત્ર જ છે. તેથી સ્થિતપ્રન્ન જીવો સુખનો ગર્વ નથી કરતા અને દુઃખમાં વિશાદ નથી કરતા.  આપણું તન અને મન તંદુરસ્ત રાખીએ તો પરાધીન થવાનો વખત ભાગ્યે જ આવે અને સુખનું બીજું સ્વરુપ છે સ્વતંત્રતા.તમારી પાસે શું છે અને શું નથી કે તમે કયા સંજોગોમાંથી પસાર થયા છો એ તમને સુખી કે દુખી નથી બનાવતા, પરંતુ, એ વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને તમે કઇ દ્રશ્ટીએ વિચારો છો તે વિચારો ત્રાજવાંમાં તોલીને સુખ દુઃખની અનુભુતિ આપે છે.  આખરે, પોતાના મનની સમતુલા જ આપણને સુખી કરી શકે.

માગ્યા વગર જે મળે તેને જો પ્રભુની ક્રુપા માનીએ તો સુખ.  જ્યારે તમે જે વિચારતા હો તે જ તમારા કથન અને કર્તવ્યમાં આવે ત્યારે તમારી સચ્ચાઇ તમારુ પરમ સુખ બને.  બીજાની સમ્રુધ્ધી જોઇ ખુશ થાય અને પોતાની લઘુતાને પણ, સંતોષ તથા આનંદથી સ્વિકારે તે સુખી.  દરેક ક્ષણમાં જે સારું જુવે તેનો અરિસો સુખ.  પોતાની ભુલોનો સ્વિકાર કરી, માફી માંગે અને ફરી એવી ભુલો ના કરે તેની કાળજી કરે એ સ્વભાવની સરળતા અને તે સુખની ચાવી.  જ્યારે ઉન્નતીના પથ પર હોઇએ ત્યારે પણ બધા જોડે વિનમ્રતાથી વર્તવુ, કારણ, વિનમ્રતા સુખનું અણમોલ સાધન છે.

સાંભળ્યુ હશે “હસે એનુ વસે” અને “સુખકે સબ સાથી, દુઃખમેં ન કોઇ”, ફૂટ્સ્ટેપ્સ વાંચ્યુ હશે. કેટલી સાચ્ચી વાત? બધાને પોતપોતાની સમસ્યાઓનો ભાર હોય છે.  સ્વજનો અને સાચા મિત્રોમાં વસતા પ્રભુનાં અંશ સિવાય કોઇ તમારા કપરા સમયમાં તમારો સાથ નહી દે.  દરેક ઘડીએ જે થાય છે તે સારા માટે જ થાય છે એવી શ્રધ્ધા રાખી અચાનક આવી પડેલી દુઃખદપરિસ્થીતિને પી જવાથી શિવનો અનુભવ થાય છે.

સુખના પ્રકાર ઘણા. ક્ષણિક આનંદ—એક કેંડી  મળી.

દિવસનો આનંદ — મનગમતુ ભોજન આરોગ્યુ.

અઠ્વાડીઆનો આનંદ – સરસ કાર્યક્રમ જોયો, લગ્ન થયા – નવી વહુ નવ દિવસ – અઠ્વાડીઆનો પગાર મળ્યો

મહિનાનો આનંદ – સરસ કાર્યક્રમ કર્યો,

વર્શોનાં વર્શોનો આનંદ – બાળકોની પ્રગતિ નિહાળવાનો લ્હાવો

ચિરંજીવી સમયનો આનંદ – જેને આપણે પ્રેમ આપ્યો, મદદ કરી તેઓના સ્મિતની સ્મ્રુતિ.

 

કુંતા શાહ

પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ…કુંતા શાહ

પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ.

પ્રેમની પરાકાષ્ઠા!!  પ્રેમની પરાકાષ્ઠા હોઇ શકે? પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ.

આજે એક એવા વ્યક્તિની  મારે તમને વાત કરવી છે જેને હું કદી મળી નથી.  એની જોડે વાતો કે પત્ર વ્યવહાર પણ ન્હોતો.  આમ તો એ, બીજી ફેબ્રુઆરી, ૨૦૧૪ ના દિવસે, ૨૯ વર્ષની ઉંમરે,  પ્રભુને પ્યારા થઇ ગયા પણ મારે એમની ઓળખાણ સ્વર્ગસ્થ તરીકે નથી જ આપવી કારણ એમના કાર્યો અને જીવનની સુગંધ એમને સદીઓ સુધી જીવંત રાખશે અને એમનાથી પ્રભાવિત થયેલા લોકોમાંથી અનેક રઘુભાઇ જનમશે.રઘુભાઇ મકવાણા રાજ કર્મચારી કે કલાકાર ન્હોતા કે પ્રચલિત હોય.  પણ જે કોઇ એમના સંપર્કમાં આવ્યા હોય તે કદી એમને નહી ભુલે.  ઍમને નામના ન્હોતી જોઇતી,  ફક્ત સેવા કરવાના મોકા જ જોઇતા હતા. શક્તિહિન પગવાળા હંમેશા પલાઠી વાળીને બેસે તેથી લોકો તેમને રઘુભાઇ પલાઠી તરીકે પણ જાણતા.

૧ વર્ષની ઉમંરે એમને પોલિઓ થયો એટલે એમના હાથ એમના પગ બની ગયા.  એમને આ દેહની ખામીનું દુઃખ સમઝણા થયા પછી પણ ના થયું કારણ કે એમને પ્રભુ પ્રત્યે એટલી શ્રધ્ધા હતી કે એમનો જનમ સત્કાર્ય કરવા માટેજ થયો છે એની એમને ખાત્રી હતી.

વીસ વર્શની વયે તે અમદાવાદ આવ્યા.  ઇસ્કોનના મંદિરમાં બધાના પગરખાનું ધ્યાન આપે અને પ્રસાદ વ્હેંચે.  રાત્રે પાછા ફૂટ્પાથ પર જઇને સુઇ જાય.  કોઇ ઉદાર જીવ એમને દક્ષિણા આપે તેમાંથી એમનો નિર્વાહ કરે.  આવા જીવ પર ભગવાનની ક્રુપા વર્સે જ.  ઍક દિવસ એક શાળાના વિદ્યર્થીઓ ત્યાં પર્યટન માટે આવ્યા હતા. રઘુભાઇની એ બાળકો પર એવી અસર પડી કે એ મહેક ગ્રામશ્રી, ગાંધી આશ્રમની એક બહેન સંસ્થાના સંચાલક શ્રી જયેશભાઇને પહોંચી.  તરત જ એ રઘુભાઇને ગ્રામશ્રી લઇ આવ્યા.  એમને ગરીબોની વસ્તિમાં જઇ ગરીબોને સારી રીતે અને ચોક્ખાઇથી કેમ રહેવુ તે સમજાવવાના કામે લગાડ્યા.  ટ્રાઇસાયકલ પર એ ફેરા મારતા.  કેવી રીતે એ ચલાવતા એની તો કલ્પના જ કરવી રહી.  એમની ઉદારતા અને જીવનની સફરની અનેક વાતો છે જે સાંભળવા હું પણ ઉત્સુક છું.

એમની પાસે ફક્ત બે દિવસનો ખર્ચો હોય તો પણ એ પૈસા બીજાને કઇ રીતે ઉપ્યોગી થાય એની જ એમને ચિંતા.  જ્યારે જ્યારે એ ગરીબોની વસ્તિમાં જાય ત્યારે એ વસ્તિના છેડા સુધી “રઘુભાઇ”  “રઘુભાઇ”  નો ઉતસાહ ભર્યો ગુંજારવ પહોંચે. બાળકો એમની પાછલી બેઠક પર બેસી વ્હાલ લુટાવે.  માતા, પિતા,  દાદા, દાદી જાણે એના દર્શન માટે સંકોચાઇને ઉભા રહે.  ઘરે, ઘરે, પોતાના પૈસામાંથી કેળાનો પ્રસાદ ધરાવે.  એક વાર વિચાર આવતાં એણે ૩ ઘરડાં માજી જેમનું કોઇ ન્હોતુ અને કોઇ કામ કરી શકે એવી પરિસ્થિતીમાં નહી હતા, તેમને પોતાની બચતમાંથી ટીફીન આપ્યું.  ધીરે ધીરે મિત્રોમાં વાત પ્રસરી અને અત્યારે ૧૭ વ્રુધ્ધ્જનોને “ત્યાગિનું ટીફીન” મળે છે.  અઠવાડિયાનું પોતાનું એક જમણનો ત્યાગ કરવાથી ગરીબોની સેવા થઇ.  એમને કાને એક માસીની વાત આવી.  એ માસી જ્યારે એકલાં પડ્યાં ત્યારે તેમને કોઇએ મિત્રો બનાવવાનો નુસ્ખો બતાવ્યો.  માસીને બગીચામાં કામ કરવું ખુબ ગમે.  તુલસી તો બસ એમની મિત્ર.  તુલસીના છોડ આજુ બાજુના પડોશિયોને આપવા ગયા અને મિત્રતા બંધાવા માંડી. એ પ્રણાલી પ્રસરી.  ગરીબવાસમાં મુશ્કેલીઓ વધારે અને તેથી મનભેદ પણ થાય અને તણખાયે ઝરે,  રઘુભાઇ તુલસીનો છોડ એવા પરિવારને આપે અને કહે “આ ભગવાનને અતિપ્રિય અને પવિત્ર છોડ છે, સહકુટુમ્બ એની સેવા કરજો.  બે અઠવાડિયે તુલસીની ખબર કાઢવા જાય,  કેટલાયના જીવન એમણે સુધાર્યા અને સુગંધિત કર્યા!

એમની જે ઉણપ હતી તેનું તેમણે બક્ષિસમાં રુપાન્તર કર્યુ.  નીચે પલાઠી વાળીનેજ બેસવું પડે એટલે સહુની જોડે આદર અને પ્રેમથી જ વર્તે.  ભગવાનની મરજી અને ક્રુપાને હસતે મોઢે સ્વિકારી. ભજનો ગાય, ઢોલક વગાડે અને સહુને પ્રફુલ્લિત રાખે.

એના ઘણા સુવાક્યોમાનુ એક અહીં પીરસું.  “જો હું બીજામાં ખરાબ જોઉં તો એ મારી ખરાબીઓનું પ્રતિબીંબ છે. આપણા સહુમાં કોઇ ને કોઇ ખરાબી છે, પણ હું સહુમાં સારુ જ જોવા માંગુ છું.  હું જો મારી સારાઇ જોઇ શકું તો બધામાં જ જોઇ શકું”.

કુંતા શાહ