કીટ્ટા – બુચ્ચા-(11) -પી.કે.દાવડા

ભીંત પડે તો તમને ગાળ…

અમે નાના હતા ત્યારે અમે પણ ગુસ્સે થતા, લડતા, ઝગડતા. તે વખતે મહોલ્લાના બે જણ ઝગડે તો બે પાલા પડી જતા, થોડાક બાળકો એકના પાલામા અને થોડાક બાળકો બીજાના પાલામા જતા. આવું થોડા કલાક જ ચાલતું અને આ થોડાક કલાકમા પણ બન્ને પાલાના બાળકો છૂપી રીતે આપસમા મળતા અને વાતચિત કરતા. ત્યારબાદ કોઈ એકાદ બાળકની મધ્યસ્તતાથી સુલેહ થઈ જતી.

રમતાં રમતાં ઝગડો થાય અને એક બાળક બીજાને ગાળ આપે તો ગુસ્સે થઈ હાથાપાઈ કરવાને બદલે જેને ગાળ મળી હોય તે બોલતોઃ

“ભીંત પડે તો તમને ગાળ, આકાશ પડે તો અમને ગાળ,

ભગવાનની ભીંત ભાંગે નહિં ને અમને ગાળ લાગે નહિ”

અને પછી એક નાનો પથ્થર લઈ નજીકની ભીંતને થોડી ખોતરતો.

બસ પતી ગયું, ગાળ પાછી જતી રહી, પાછું રમવાનું શરૂ.

આજે ટેલીવિઝનમા, ચલચિત્રોમા અને ઈલેકટ્રોનિક રમતોમા બતાડાતી હિંસા બાળકોના દિમાગમા ઘર કરી રહી છે ત્યારે “ભીંત પડે તો અમને ગાળ…” જેવો સાદો ઉપાય કામ નહિં આવે, એના માટે કાંઈક વધારે સારો ઉપાય શોધવો પડસે.

-પી.કે.દાવડા

 

ઘર ઘર ની રમત

અમે નાના હતા ત્યારે ચોમાસામાં વરસાદને લીધે આંગણાની રમતો ન રમી શકતા. ત્યારે રજાને દિવસે આડોસ પડોસના નાના બાળકો ભેગા થઈ, કોઈના ધરમા અથવા કોમન પેસેજમા, ઘર ઘરની રમત રમતા. દરેક જણ પોતાને ઘરેથી કંઈને કંઈ લઈ આવે. એક બે ચાદરની મદદથી તંબુ જેવું ઘર બનાવતા. રમવાના રસોડાં, નાની છત્રી, રમકડાં અને આવી નાની નાની વસ્તુઓ ભેગી કરી ઘર બનાવતા. પછી એક છોકરો કહે કે આજે હું પપ્પા બનીસ, તો તરત એક છોકરી કહે હું મમ્મી બનીસ. જો બે છોકરીઓ મમ્મી બનવા માટે દાવો પેશ કરે તો એકને સમજાવીને દાદી બનાવી દેતા. કોઈ બીજો છોકરો પપ્પા બનવાનો દાવો કરે તો એને ડોકટર બનાવી દેતા. બાકી વધેલા બધા ભાઈ બહેન.

 

બસ પછી કલાક બે કલાક આ રમત ચાલતી. બાળકોએ જે અસલ જીવનમાં જોયું હોય તેની નકલ કરવાનો પ્રયત્ન કરતા. પપ્પા, મમ્મીને અને છોકરાવોને વઢતા પણ ખરા. કોઈને તાવ આવ્યો હોય ત્યારે ડોકટર વિઝીટે આવી ઈન્જેકશન પણ આપી જતા. રાત પડતી તો બધા સૂઈ જવાની એકટીંગ કરતા, અને બે ત્રણ મિનિટમાં જ સવાર પડતી તો મમ્મી બધાને જગાડી દેતી. આમા થોડા લડાઈ ઝગડા પણ થતા અને રમત પૂરી થઈ જતી.

 

આજે પણ આ ઘર ઘરની રમત રમાય છે પણ એમા બાળકોને બદલે યુવક-યુવતીઓ રમવાવાળા હોય છે. આજે આ રમતનું નામ બદલી એને “લીવિંગ-ઈન રીલેશન” નામ આપવામા આવ્યું છે. જો કે આમા પણ ક્યારેક ડોકટરનું પાત્ર પણ જરૂરી બને છે.

-પી. કે. દાવડા

 

કીટ્ટા – બુચ્ચા-(10) અરુણકુમાર અંજારિયા

મિત્રો આપણી “બેઠક”ના વધુ એક નવા સર્જકનું “બેઠક”માં સ્વાગત છે.

અરુણકુમાર અંજારિયા

ભીનાં ભીનાં રણ 

વિધ્યાકાંતે ધોતિયાં ના છેડાથી પોતાના ચશ્માં સાફ કરી શારદા તરફ જોયું – તે પલંગ પર જીણું ઓઢી સૂતી રહી હતી. બ્લડપ્રેશર માપવાના યંત્રને કાઢી, તેનો પટ્ટો જેવો શારદા ના હાથ પર મુકવા ગયો, કે તરત ઝબકીને પટ્ટાને દૂર કરવા ધક્કો માર્યો !

વિધ્યાકાંત છેલ્લા બે દિવસથી 200 ના આંકડાંને વટાવતા બ્લડપ્રેશર અને તેને લઇને શારદા માં વધતી અશક્તિ થી ચિંતાતુર હતો. ડોકટરે ફોન ઉપર વધારાની ગોળીયો સૂચવેલ પણ તેની પણ કોઈ અસર દેખાતી ન હતી. જોકે આજે બી.પી. ખાસ ન હતું !

બે જણ ના ઘર માં ત્રીજું કોઈ હોય, તો તે શારદા ની માંદગી હતી. મહીને માસે બ્લડપ્રેશર વધતાં વિધ્યાકાન્તની દોડામદોડ પણ વધતી – પણ આ વખતે તો છેલ્લા ત્રણ દિવસથી પરિસ્થિતિ વણસી હતી. ચા-કોફી શુદ્ધાં લેવાની શારદાની “ના” પણ અકળાવે તેવી હતી !

એક નો એક દીકરો સુકેતુ, વિદેશ માં લગભગ સ્થાયી થઇ ગયો હતો અને અઠવાડિયાંમાં બે વખત અચૂક ફોન આવતા …… વિધ્યાકાંત સરકારી નોકરી માંથી નિવૃત્ત થઇ સારું પેન્શન મેળવતા હોઈ, કોઈ આર્થિક મુશ્કેલી ન હતી ..!

આ વર્ષ દિવાળી પર સુકેતુએ વતનમાં આવવા વચન આપેલ, પણ પ્રોજેક્ટની મુદત વધતાં, એ શક્ય બન્યું ન હતું … વધારામાં છેલ્લા પાંચેક દિવસથી સુકેતુનો કોઈ ફોન પણ ન હતો. આ ચિંતા પણ શારદાના પ્રેસરનું કારણ હોઈ શકે, તેમ વિધ્યાકાંતે માન્યું.

તેણે ગામમાંજ રેહેતી બેહેનને ફરી ટિફિન મોકલવા ફોન કર્યો અને શારદાની પરિસ્થિતિ જણાવી. ફોને મૂકતાંની સાથેજ ફોન ની ઘંટડી વાગી … વિધ્યાકાંતને ગળા સુધી ખાત્રી હતી કે આ ફોન સુકેતુનો જ હશે! એમજ બન્યું ….

‘હેલ્લો પપ્પા! કેમ છો બધાં ? મમ્મીની તબીયત કેમ છે? ” એકીશ્વાસે પૂછી લીધું સુકેતુએ …

“ઠીક છે. દવા વિ ચાલે છે પણ છેલ્લા ૩-૪ દિવસથી પ્રેસર ઓછું રેહેવા છતાં, વધુ નબળાઈ વર્તાય છે …”

“મમ્મીને આપો, હું વાત કરું”

શારદા સ્પીકર મુક્યું હોવાથી બધું સાંભળતી હોવા છતાં પડખું ફેરવી ગઈ !

“જોઉં છું જરા તંદ્રા માં હોય તેવું લાગે છે” કેહેતાંની સાથે વિધ્યાકંતે ફોન શારદા તરફ ધર્યો …..

“એને કહો કે ફોન કરવાની ફુરસદ તેને નથી, તો વાત કરવાની ફુરસદ મને નથી …. માં આટલી માંદગીમાં હોય છતાં એક મિનીટનો ફોન કરવાનો તેને સમય નથી ? મારે કોઈ વાત નથી કરવી “…

વિધ્યાકાન્તને હવે શો જવાબ સુકેતુને આપવો, તે સમજાતું ન હતું . એક વાત તે બરોબર સમજતો હતો કે શારદા જીદ લઇ લે પછી તેને મનાવવી મુશ્કેલ હતી .. પણ ફોન સ્પીકર પરજ હતો ….

સુકેતુએ ફોનમાં શારદા સાંભળી શકે તેવા વિનવણીયુક્ત અવાજે કહ્યું “મમ્મી, હવેતો મારે ખુલાસો કરવોજ પડશે કે મોડો ફોન શા માટે થયો ! તમે તો જાણો છો કે નાનપણમાં પણ મને ચક્કર આવી જવાની તકલીફ હતી….છેલ્લા એકાદ માસથી હળવા ચક્કર ફરી શરુ થયેલ હતા … ન્યુરોલોજીસ્ટે ગયીકાલે થોડા ટેસ્ટ લીધા છે પણ ચિંતા કરવાની જરૂર નથી … અહીં ડોકટર દવાખાના ખુબ સારા છે “…

હવે શારદાની જીદનો બંધ કડડ…ભૂ…સ કરતો તૂટ્યો !! તરાપ મારી ફોન વિધ્યાકાંતના હાથ માંથી ઝૂટવી લીધો … એક નો એક દીકરો ને એ માંદગીમાં

સપડાયો છે અને તે કોઈ કારણ વિના જીદ પર ચઢી છે ! પોતાના સ્વર્થીપણા પર જીવ બાળતી રડમસ અવાજે સુકેતુને પૂછ્યું, “તે તું આજે જણાવે છે કે તને ચક્કરની બીમારી ફરી શરૂ થઇ છે ? તું મેન કે તારા પપ્પા ને ચિંતા ન થાય એટલે એક માસથી આ વાત છુપાવતો હતો! હવે કેમ છે તને ? મારા ભગવાન ! હું પણ કેમ ન સમજી શકી કે દર બે-ત્રણ દિવસે આવતો ફોન જો અઠવાડિયું કાઢી નાખે તો શું સમજવું જોઈએ ? ”

” મમ્મી તમારે કોઈ ચિંતાની જરૂર નથી, અહીં નિષ્ણાંત ડોક્ટરો છે, દવા પણ નિયમિત લઉં છું….. આજે દવાખાનાથી “બધું નોર્મલ છે ” એવો ફોન હતો. દવા લખી દેશે એટલે કોઈ વાંધો નથી … ફરી કાલે ફોન પર વાત કરીશું … તમારોં ચિંતા કરવાનો સ્વભાવ તમારું બી.પી. વધારે છે … દવા નિયમિત લેજો .. મુકું છું … આવજો “….

વિધ્યાકાન્તને શારદાએ કહ્યું “અત્યારે કોફી પીવાનું મન થાય છે .. તમે દૂધ ગરમ ચઢાવો તો હું બ્રશ કરી લઉં “….

વિધ્યાકાન્ત સમજી ગયા કે હવે વાવાઝોડું ફંટાઈ ગયું છે ……..


અરુણકુમાર અંજારિયા

કીટ્ટા – બુચ્ચા (9) ઉમાકાંત મહેતા

પ્રેમ તરસ્યાં પારેવાં

સુકુમાર અને સુલોચના ગુજરાત કૉલેજમાં સાથે અભ્યાસ કરતા હતા તેઓ એકમેકના બહુ જ સારા મિત્રો બની ચુક્યાં હતાં તેઓ કૉલેજની હર પ્રવૃતિમાં ભાગ લેતા હોવાથી કૉલેજીયનોમાં તે સુકુ સુલુની જોડી તરીકે જાણીતા હતા  અને કૉલેજના એન્યુઅલ ડે ના  નાટક “સુંદર વન”થી તો આ જોડી ગુજરાત કૉલેજમાં જ નહિં પરન્તુ  સારાયે અમદાવાદ શહેરના  બધા જ કૉલેજીયનોમાં પ્રસિધ્ધી પામી ચુકી  હતી. અને સુલુના કોકીલ કંઠે  મીઠાશ અને લહેકાથી  ઉચ્ચારયેલ  ” તમે કેવા મ…જ્જાના માણસ છો” વિદ્યાર્થી જગતમાં  બોલીવુડના ડાયલોગ જેવું અમર થઈ ગયું હતું.

ત્રણ વર્ષ પસાર થઈ ગયાં.અભ્યાસનો સમાપ્તિ કાળ.પરીક્ષાનું છેલ્લું પેપર આપી બંન્ને બહાર નીકળ્યા.મારા ડૅડી મને અમેરિકા મોકલવા વિચાર કરે છે.ત્યાં વિસકોન્સિન યુનિ. માં તેમના મિત્રનો પુત્ર સુબોધ છે તેની મારફત તપાસ કરાવી છે.મારી મમ્મીનો વિચાર તેની સાથે મારૂં ગોઠવવા માંગે છે તેવું મને અંદરથી  લાગે છે.સુકુ, મારો વિચાર નથી. તું શું કહે છે ?

આ તો તારો અને તારા કુટુંબનો અંગત મામલો છે.આપણા મા-બાપ આપણા વિષે ખોટું થોડું વિચારે ? હું માનું છું કે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોંઢું ધોવા ન જવાય. આવતી તક વધાવી લે..

સુલુનુ મોઢું લાલચોળ થઈ ગયું. તેણે ગુસ્સાથી કહ્યું બસ બસ બહુ થયું, મારે તારી શીખામણની જરૂર નથી. હું તો મારી અને તારી વાત કરતી હતી. દોઢ ડાહ્યા.

સુલુ, હું વાસ્તવિકતામાં  જીવનાર છું , જ્યારે તું તો કલ્પનાની પાંખે ઉડનારી પરી છે. આપણે સાથે ચાલી નહિં શકીએ, આપણી મંઝીલ અલગ અલગ છે. તને ગરીબાઈનો ખ્યાલ નથી, તેં ગરીબી જોઈ નથી જ્યારે મેં તો ગરીબાઈને  ખાધી છે, પીધી છે અને ભરપેટ માણી પણ છે.  હું સામાન્ય પ્રાથમિક શિક્ષક, વણિક પિતાનો પુત્ર છું.. મારા પિતા કેન્સરની બીમારીમાં અવસાન પામ્યા, સાથોસાથ જે સામાન્ય બચત હતી તે પણ તેમની બીમારી સાથે લેતા ગયા..

જીવન તો જીવવું જ રહ્યું.! ‘વાણીયા,વોરા અને પારસી  ભૂખે મરે પણ કોઇ દિવસ ભીખ ના માંગે’ મારી માતા ઝાઝું ભણી નથી. તેથી પોળની  સ્ત્રીઓના, બ્લાઉસ સીવે છે, સાડીના ફૉલ ચોડે છે,ફાટેલાં કપડાંને સાંધી આપે છે. હું સવારે અમદાવાદ ડેરીના દુધની થેલીઓ સાયકલ ઉપર ઘેરેઘેર  પહોંચાડું છું,અને સાંજે  એક બે વકીલને ત્યાં કોમ્પ્યુટર ઉપર તેમની બ્રીફ તૈયાર કરી આપું છું.આમ હું અને મારી મા જીવન સંઘર્ષ  કરતા જીવીએ છીએ.શહેરની ખાડિયા વિસ્તારમા આવેલી એક અંધારી ગલી ગુંચી વાળી પોળના બે રૂમમા હું મારી માતા સાથે રહું છું. ઘરમા લાઈટ પણ નથી. તેથી પંખા ટીવી,રેડિયો વગેરેની તો વાત જ ના કરીશ.,

સુલુ પ્રેમ  આંધળો હોય છે.સીક્કાની બે બાજુ હોય છે. તેં મારી એક જ  બાજુ જોઇ છે. બીજી બાજુ તેં જોઇ નથી. તેથી તું મારા પ્રેમમાં અંધ બની  છું. પ્રેમમાં છેતરપીંડી ન ચાલે.પ્રેમ નિસ્વાર્થ હોવો જોઇએ. જો હું મારી વાતથી તને માહિતગાર ન કરૂં તો હું સ્વાર્થી અને દ્રોહી  છું. મારે તારા  દ્રોહી નથી થવું  માટે મારી વાત શાંતિથી સાંભળ અને પછી તું  નિર્ણય કરજે.તારો પરિવાર મારી આ સ્થિતિ જાણીને તને મારી સાથે લગ્ન કરવાની છૂટ આપશે.? તું આવી ગરીબાઈમાં રહી શકીશ ?

આ નિર્ણય સાંભળી સુલુ ધ્રુજી ઉઠી  તેણે ગભરાતા સુરે કહ્યું ‘ પણ સુકુ . મેં તો તને ક્યારનોય મારા મનમાં અને હ્રદયમાં સ્થાપિત કરી દીધો છે. હવે .તારા વિના જીવવું વ્યર્થ છે.તું ગરીબ છે પરન્તુ પરવશ નથી, તારામાં આદર્શ, ઉત્સાહ, ઉમંગ અને ટેલન્ટ છે. સમય સામે ઝઝુમવાની શક્તિ છે. હું ડૅડીને સમજાવીશ અને તે તેમની  પુત્રીની લાગણીને નહિં અવગણે તેની હું ખાત્રી આપું  છું.’

‘ સુલુ, ઘરજમાઈ થઈને હું મારી સ્વતંત્રતા કોઇને ત્યાં ગીરવે મુકવા માંગતો નથી.’

‘સુકુમાર તને એમ લાગતું હોય તો ડૅડી તને  સ્વતંત્ર એરકંડીશન્ડ ઓફીસ,અને જુદો  ફુલ્લી ફર્નિશ્ડ બંગલો અને મોટર ગાડી આપશે બસ !’

‘સુલુ , ઘર જમાઈ ઘરમાં સાથે રાખી ને જ બનાવાય છે, એવું નથી સ્વતંત્ર રાખીને પણ આડકતરી રીતે બનાવી શકાય છે.નોકરી, ફ્લેટ, એ.સી.કાર,વગેરે સુખ સગવડો આપી  સાહ્યબી  પુરી પાડી તેને પરવશ બનાવી સ્વતંત્રતા ખુંચવી  તેમની મહેરબાની ઉપર જીવતા કરીને પણ ઘર જમાઈ બનાવી શકાય છે.જ્યારે  આવા ઘર જમાઈ સ્વતંત્ર  થવા અવાજ ઉઠાવે છે તે જ ક્ષણે પોતાની પુત્રી સહિત  બધી સુખ સગવડો પાછી ખેંચી લેતા વિચાર કરતા નથી. આ વખતે તે પુત્રીને પુત્રી તરીકે ના જોતાં એક  ઇન્વેસ્ટમેન્ટ, સોદાની વસ્તુ સ્વરૂપે જુએ છે.’

‘સુકુમાર,તું વધુ પડતો નિરાશાવાદી અને શ્રીમંત  દ્વેષી  લાગે છે.સુકુ,તારી પાત્રતા હું મારા ડૅડીને સમજાવીશ.આવી ચર્ચામાં જ્યારે ઉતરીએ છીએ ત્યારે મિલનનો આનંદ માણવાને બદલે દુઃખી થઇને છૂટા પડીએ છીએ તે મને પસંદ નથી. અમીરી અને ગરીબી  એ તો શાશ્વત પ્રશ્ન  છે, કાર્લમાસ્ક કે પૂજ્ય ગાંધીજી પણ આ પ્રશ્ન  ઉકેલી શક્યા નથી.

******

‘ સુલુ, બેટા તેં પછી શો વિચાર કર્યો ? પરીક્ષાતો હવે પુરી થઇ અને મહિના બે મહિના પછી  રીઝલ્ટ આવશે,તે પહેલાં આપણે તૈયારી કરી રાખવી સારી  જેથી પાછળથી આપણને દોડાદોડી ના થાય.’

‘ડૅડી, તમારી વાત તો બરોબર છે,’

‘પણ…’…

‘શું બેટા?’

‘ મારો વિચાર વિસ્કોન્સીનથી એમ.બી.એ. કરવાનો છે.’

‘સારૂં તો તેમ કરીશું’.

‘હું આજે જ  સુબોધને વાત કરૂં છું,’

‘વિસ્કોન્સીન યુનિ.માં  મેડીકલ કે ફાર્મસીમાં પણ તપાસ કરવાનું કહેજો ને.’

‘કેમ કોઈ તારી ફ્રેન્ડ ત્યાં જવા વિચારે છે?’

‘હા ડૅડી,સુકુમાર ને પણ અમેરિકા જઈ ડૉ. બનવું છે.પણ તેનો હાથ પકડનાર કોઇ નથી.’

‘ડૅડી! આપણી કંપની તરફથી આપણે તેને કંઇ મદદ કરી શકીએ કે નહિ ?’

.’હા હા જરૂર કેમ નહિ. તેને બૅન્ક ગેરન્ટી આપીશું એટલે બેન્ક તેને લોન આપશે બેન્કના પેપર લઈ,તેને કાલે મળવા બોલાવજે.’’

સુલુએ સુકુમારને વધાઈ આપી,અને તેના ડૅડીને મળવા કહ્યું.

***

‘બહુ સારી વાત છે કે તું અમેરિક જઈને મોટો સાહેબ થાય તે મને જરૂર ગમે પણ બેટા ! તું અમેરિકા જાય પછી અહિં મારા રૉટલા પાણીનું શું? ગગને વિહરતા પક્ષીને શીકારી તીર  મારે તેવો માનો વેધક પ્રશ્ન સાંભળી સુકુમાર વાસ્તવીક દુનિયામાં આવ્યો. હું અમેરિકા જાઉં પછી મારી માનું શું? તેને કોને સહારે મુકી જાઉં? આ પ્રશ્નતો તેણે વિચાર્યો જ નહોતો.”તેણે નિર્ણય કર્યો અને સુલોચનાને અને શેઠ લક્ષ્મીનંદનને આ બાબતની સ્પષ્ટતા  કરી વિનય પૂર્વક  અમેરિકા  જવાની  ના પાડી.

***

કુમારપાળભાઈ સુકુને માને સોંપી સ્વર્ગે સિધાવી ગયા હતા તેથી તેમને  કોઈ આધાર નહોતો. સુલુની મદદ તેને કામ ના આવી. પોતાની માને એકલી મુકી તે અમેરિકા જઈ શક્યો નહિ. અમદાવાદમાંથી જ તેણે  એમ.બી.એ. કર્યું. અને સારી કંપનીમાં  સારા  પગારે  જોડાઈ  ગયો. નવી નોકરીમાં પગભર થવાનું હોવાથી ચિત્ત દઈને કામ કરવું પડતું હતું.તેથી ઑફીસેથી આવતાં મોડું થતું’ નોકરીની જવાબદારી અને, ઘેર રસોઈનું તથા અન્ય કામકાજ. ઘેરે આવતાં થાકીને લોથપોથ થઈ જતો.ઘડપણને લીધે માતાની શારીરીક તકલીફો દિવસે દિવસે વધતી જતી હતી. માતા વારંવાર લગ્ન માટે કહ્યા કરતી.

એકબાજુ માતાની માંદગી બાજું નોકરીનું ટેન્શન. માતાની રોજની લગ્નની ટકટક. આથી આખરે કંટાળી માતાના આગ્રહને વશ થઈ વીણા સાથે લગ્ન કર્યા.                       વીણા,સુલોચના અને સુકુમાર ત્રણે કૉલેજ કાળના મિત્રો હતા. વીણા સુકુ અને સુલુના પ્રેમ પ્રકરણથી અજાણ તો નહોતી જ.પરંતુ હવે તો સુલુ અમેરિકા ગઈ હોવાથી અને બીજી બાજુ સુકુમારની પરિસ્થિતિ તથા તેની માતાની માંદગીમાં મદદરૂપ થવાના શુભ આશયથી  લગ્ન કર્યા તેનો ઈરાદો .પોતાની સહેલી સુલુના જીવનમાં આડખીલી થવાનો  નહોતો. આમ છતાં સુલુના મનમાં શંકાનો કીડો સળવળતો હતો અને તેથી તેણે સુકુ અને વીણાની કીટ્ટા કરી દીધી હતી. તેઓ સાથે નો વ્યવહાર સદંતર બંધ કર્યો હતો

“માનવ સંબંધો કેવા જટિલ છે! માણસ એકલો રહી શકતો નથી.એને અંગતતાની ઉષ્માનો આવિષ્કાર કરવો છે અને વ્યક્તિ અંગત બન્યા પછી એના પર ‘પઝેશન’રાખવું છે.એના પર પોતાની અંગત અમાનત તરીકે સજ્જડ પહેરો રાખવો  છે.પોતે માનેલી અંગત વ્યક્તિને કોઈ વિજાતીય પાત્ર છીનવી જશે એવી દહેશત માત્રથી વ્યક્તિ કેટલી  અસહિષ્ણુબની જઈ મનોમન પીડાયા કરે છે અને અંગત પાત્ર પર શંકાનો  પડછાયો પાથરતી રહે છે.માનવમનને શ્રધ્ધા વગર ચાલતું નથી તો શંકા વગર પણ ચાલતું નથી માનવજાત પર શધ્ધા કરતાં શંકાનું આધિપત્ય વધુ હોય એમ લાગે છે.”

નિયતીને કોણ પામી શક્યું છે !!!  પાંચ વર્ષમાં આસમાની સુલતાની એવી ચાલી કે સુકુની માતા સુકુનો સુખી સંસાર જોઈ સ્વર્ગે સિધાવ્યા.શેઠ લક્ષ્મીનંદન મંદીના વંટોળમાં એવા ફસાયા કે બહાર નીકળવાનો કોઈ માર્ગ  જ ન મળ્યો અને તેનો આઘાત શેઠ અને શેઠાણી જીરવી ના શક્યા અને અકાળ મૃત્યુ પામ્યા.સુલુને અભ્યાસ અધુરો મુકી ભારત આવવું પડ્યું અને શીક્ષિકાની  નોકરી સ્વીકારી પોતાના પિતાનું દેવું ચુકવવા લાગી ગઈ

પિતાના  દેવાથી ચિંતાગ્રસ્ત વિચાર કરતાં સુકુ સ્કૂલેથી પાછા ફરતાં રસ્તો ક્રોસ કરવા જતાં કારની અડફટમાં આવી. શાળાના શીક્ષકોએ બેભાન અવસ્થામાં તેને  હોસ્પીટલમાં દાખલ કરી તેની સારવારમાં લાગી ગયા. તેની પર્સ ફંફોસતાં સુકુમારનો એક જુનો પત્ર મળી આવ્યો તે આધારે હૉસ્પીટલના સ્ટાફે  સુકુમારને  ફોન ઉપર સુલુના અકસ્માતની  માહિતી આપી.

સુલુની  નિરાધાર પરિસ્થિતિથી સુકુ સંપૂર્ણ માહિતગાર  હતો  અને તેથી તે તેને સર્વ રીતે અને સંપૂર્ણ મદદ કરવા તૈયાર હતો.સુકુમાર અને વીણા  અવઢવમાં હૉસ્પિટલે પહોંચ્યાં હૉસ્પીટલમાંથી રજા આપી ત્યારે સુલુની નિઃસહાય,લાચાર પરિસ્થિતિ જોઇ અંગે બંન્ને જણા  પ્રશ્ન  કેમ  સુલઝાવવો  તે અંગે  વિચારી  રહ્યા હતા.

‘પુરૂષ અને સ્ત્રી પ્રેમની બાબતમાં વધુ સંવેદનશીલ અને શંકાશીલ હોય છે સ્ત્રી  પોતાના  કરતાં વધુ સોહામણી પ્રેમીકા પ્રત્યે પુરૂષનું  નિસ્પૃહ છતાં ઢળતું વલણ જુએ તો દ્વેષની લાગણી અનુભવે છે. લાગણીને સ્ત્રી-પુરુષનાં બંધન નડતા નથી. લાગણી એટલે લાગણી.’

સુકુ અને સુલુના સંબધથી વીણા અજાણતો  નહોતી જ, એક વખતની પ્રેમીકાને જો તે સહારો આપે તો વીણાના કેવા પ્રત્યાઘાત પડે? સમાજ શું કહેશે? સૂડી વચ્ચે સોપારી જેવી સુકુમારની સ્થિતિ હતી. ત્યારે બીજી બાજુ સુલુની  નિઃસહાય, લાચાર પરિસ્થિતિ જોઇ વીણાનું સ્ત્રી હ્રદય દ્રવી ઉઠ્યું અને તે સહસા બોલી ઉઠી

“સુલુ હવે આપણી કીટ્ટા પુરી હવે આજથી બુચ્ચા. ભૂતકાળ ભુલી જા. ભૂતકાળની કાજળ ઘેરી  કાળી રાતને ભુંલી વર્તમાનની ઉષાનો અનુભવ કર. સુકુમાર  હવે  મારો નહિં પણ તે આપણો છે. ત્યાં સુલુના મોતન કાકીએ પ્રવેશ કરતા ટચાકો ફોડ્યો.

“ટપાક ટઈ તમારી વાત સહી;

પણ બા ! મને ખબર નહી  હું શું કરૂં ભઈ ”

મોતન * કાકીએ ઓર્ડર કર્યો,ચાલો બુચ્ચા કરી લો !!!

સ્ત્રી જ એક  સ્ત્રી  જ નો પ્રશ્ન સમજી શકે.

. પ્રેમ તરસ્યાં પારેવાં એકજ કુંડામાંથી પ્રેમનાંપીયુ પી સંપીને એક જ માળામાં રહેવા લાગ્યા.

*મોતન = મોટા (સુરત, વલસાડ બાજુ ઘરની વડીલ  સ્ત્રી ‘ મા’ કે ‘મોટી બહેન’ને લાડ પ્યારમાં ‘મોતન’ કહે છે.)

 

કિટ્ટા-બુચ્ચા-(2)કલ્પના રઘુ

itt kitta

કિટ્ટા-બુચ્ચા શબ્દ સાંભળતાંજ બાળપણ યાદ આવી જાય છે. આ શબ્દનો ઉપયોગ બાળકોજ સૌથી વધુ કરી શકે કારણકે તેઓ ઇશ્વરની સૌથી વધુ નજીક હો્ય છે. ત્યાં નથી અહમ્‍, છે માત્ર નિર્દોષતા. આપણે સૌથી વધુ કિટ્ટા-બુચ્ચા કોની સાથે કરીએ છીએ? ઇશ્વર સાથે. અને પછી જન્મદાતા મા-બાપ અને પછી આપણા પ્રેમી અને પછી લાઇફ-પાર્ટનર સાથે. મતલબકે જે સૌથી પ્રિય હોય છે તેની સાથે કિટ્ટા-બુચ્ચા વધુ હોય છે. તેમાં પ્રેમ અને સલામતીની ભાવના છુપાયેલી હોય છે. હા, જ્યારે માત્ર કિટ્ટા હોય છે ત્યાં કડવાશ હોય છે અને એ કડવાશ ઘણી બધી નકારાત્મકતાને ખેંચી લાવે છે. જીવન મૃત્યુ સમાન બની જાય છે. જીવવાનો જોશ મરી પરવારે છે. તેનાંથી શરીર રોગનું ઘર બને છે. બે વ્યક્તિની કિટ્ટાની અસર કુટુંબ, સમાજ અને આવનાર પેઢી પર પડે છે. માટે કિટ્ટા સાથે બુચ્ચા ખૂબ જરૂરી છે.

 સાથે સાથે એમ કહેવાય છે,

‘Whenever you want to say yes, say yes.

Whenever you want say No, say No.’

એવી રીતે કિટ્ટા-બુચ્ચામાં પણ છે. પરંતુ એ ના ભૂલવું જોઇએ કે કિટ્ટામાં શેતાનનો અને બુચ્ચામાં ઇશ્વરનો વાસ રહેલો છે. માટે સમય, સંજોગોને અનુરૂપ કિટ્ટા અને બુચ્ચાનો ખેલ ખેલવાથી આત્મસંતોષ જળવાઇ રહે છે જેમાં ઇશ્વરની પણ સંમતિ હોય છે. આ વિષયને કાવ્ય સ્વરૂપે લખવાનું મન થાય છે …

શૈશવનાં સંભારણામાં ડૂબતાં ચાલ્યા,

ઝગડતા’તા ને વળી ભેગાં થતા’તા.

વડીલો પડતાં છૂટા ને આપણે ભેગાં થતા’તા,

હમેશા કિટ્ટા ને બુચ્ચા કરતાં રહેતાં’તા.

જુવાનીના જોશમાં ફેસબુકમાં પ્રવેશ્યા,

ફેસબુક ને વોટ્‍સએપમાં ઉલઝતા રહ્યાં,

ફ્રેન્ડ અને અનફ્રેન્ડ કરતાં રહ્યા,

ગમતા ને ‘હાય’ અને અણગમતા ને ‘બાય બાય’,

તડ ને ફડ કરતાં રહ્યાં.

બુઢાપામાં ભૂતકાળને યાદ કરતાં રહ્યાં,

જીન્દગીનું સરવૈયુ કાઢતાં ગયાં,

સંબંધોનાં સમીકરણો બદલતાં ગયાં,

‘હશે’ કહીને કર્મોને દોષ દેતાં રહ્યાં,

કિટ્ટા ને બુચ્ચામાં ફેરવતાં ગયાં.

લીટીનાં બે છેડે આ શબ્દો છે બે,

એક જશે તો આવશે બીજો,

થશે સમાધાન ને સરજાશે પ્રેમ.

કિટ્ટામાં અંગૂઠો એકલો અટૂલો,

બુચ્ચા માં આંગળી પાસેની બે.

કિટ્ટામાં કડવાશ, દુઃખ, વિરહ, તડપન,

બુચ્ચા માં ફરગેટ, ફરગીવ ને પ્રેમ.

બૂઢાપાને બાળપણમાં ફેરવે બુચ્ચા,

ચાલો કિટ્ટાને ભૂલીને કરીએ બુચ્ચા.

કયારેક કિટ્ટામાં છૂપી છે બુચ્ચા,

કયારેક નફરતમાં પ્રેમની વર્ષા,

માનવ સંબંધોની એ છે વિવશતા,

માનવ જીવનની એ છે કરૂણતા.

કાળચક્રની આ તિવ્ર ગતિએ,

કેટલાંક સંબંધો છે મરી પરવારે,

તો કેટલાંક ઘરડાં થાય છે,

અંત સમયે જીવનને કિટ્ટા,

તો મૃત્યુને બુચ્ચા કરતાં જાય છે.

કલ્પના રઘુ

 

 

 

કીટ્ટા-બુચ્ચા – (8)રોહીત કાપડિયા

 kittaa buchcha `

કીટ્ટા-બુચ્ચા

                                      વીતેલા દિવસો પાછા નહિ આવે,

                                     સમયની કિંમત સમજતાં જઈએ

                                     ઇટ્ટા-કિટ્ટાની આ રમત છોડીને

                                     ચાલ, બુચ્ચા -બુચ્ચા રમતાં જઈએ.

 

                                      વાંક મારો હતો કે તારો હતો ,

                                      એ વાતને સાવ ભુલાવી દઈએ .

                                      થોડું ઘણું સહન કરી લઈને ,

                                     ચાલ, સંબંધો સાચવતાં જઈએ.

 

                                     માત્ર ‘ આજ ‘ આપણને મળી છે,

                                     કાલની કોઈને ખબર ક્યાં છે .

                                     ચિંતાની ગઠરી બાજુએ મેલી,

                                     ચાલ, હર પળમાં જીવતા જઈએ.

 

                                     ગણિત એનું સમજાતું નથી ને

                                     આપણી મરજીથી કંઇ થાતું નથી.

                                     ભલેને એ દેખાતો નથી તો પણ,

                                     ચાલ, ઈશ્વરમાં માનતાં જઈએ.

                                                                                 રોહીત કાપડિયા

વાત કેવી મઝાની લઇને આવ્યા છે પણ આ કદાચ પ્રસંગ ૫૦ની ઉંમર વીતી ગયા પછીની હશે  જ્યારે તે કહે છે “ફક્ત બુચ્ચા બુચ્ચા જ રમવાનું- કીટ્ટા એ તો ભૂતકાળનું ભુલી જવાનું રમકડૂ..”

મને હજી પણ મારો ૫માં ધોરણ નો મિત્ર પ્રદીપ પંડ્યા યાદ છે. કોઇક કારણ સર બેટ બૉલની રમતમાં તે અંચાઇ કરી એક રન વધુ કરી ગયો અને મને આવ્યો ગુસ્સો અને જા તારી સાથે કીટ્ટા કહીને હું તો ઘરે આવી ગયો. બીજે દિવસે પાંદડાનો પડીયો ભરીને સફેદ જાંબુ લાવીને તે મારી સામે ઉભો રહ્યો. “આ જાંબુ લે અને બુચ્ચા કર”.મેં કહ્યું મારે જાંબુ પણ નથી ખાવા અને બુચ્ચા પણ નથી કરવી.. તો દસ મીનીટ પછી શેરડીનાં રસ ભરેલ કાપેલા ટુકડા  ( ગંડેરી ) લઇને આવ્યો અને કહે ” તું મારી સાથે બુચ્ચા કર.”કદાચ તે વખતે ઉંમર નાની હતી અને ગમા અણગમાની મન ઉપર સજ્જડ પક્કડ હતી તેથી કહ્યું ” ના એટલે ના. મને તારી ગંડેરી નથી જોઇતી કે નથી તારી સાથે બુચ્ચા કરવી” અંચૈ કર્યા પછી તેનું મન તેને ડંખતું હતું.

હવે થોડી ઉંમર વધી. કદાચ પરિપકવતા આવી ગઇ હતી અમદાવાદમાં ૧૧મા ધોરણમાં અમે બે મિત્રો જનક અને હું વીસેક મીનીટ નો રસ્તો સાયકલ ઉપર સાથે જઇએ. તેનું વજન બહું નહીં પણ ડબલ સવારી એક દિવસ એની અને બીજે દિવસે મારી એમ પહેલા બે મહિના તો ઠીક ઠીક ચાલ્યું અને પછી તેણે લુચ્ચાઇ શરુ કરવા માંડી. તેનો વારો આવે ત્યારે તેની સાયકલ બગડી જાય. એકાદ અથવાડીયુ ખેંચ્યા પછી મેં તેને કહ્યું યાર ચાલ આજે મારી સાયકલ ઉપર તું મને ડબલ સવારી લઇ લે. મારી સાયકલ કદાચ તેને મોટી પડતી હશે કે શું પણ પછી તેની એ લુચ્ચાઇ ચાલી નહીં અને પરિપકવતાએ પહેલી વખત સમજાવ્યું કે જેવા સાથે તેવા થાવ નહીં તો કીટ્ટા અને બુચ્ચા ચાલ્યા જ કરશે.

લગ્ન થયા બાદ એક નવું ગણિત સમજ્માં આવ્યું અને તે ગણિત એટલે કે સહન શીલતાનું ગણિત. જીવન સાથી સાથે તો વળી કીટ્ટા થતી હશે? એ જીવન સાથી છે  તેખોટો અને હું સાચો વાળી વાતોથી મને એમ જ લાગતું કે હું કોની સાથે કીટ્ટા કરું છું? મારા જ અંગ સાથે ?મારા જીવન સાથી સાથે? ક્યારેક તે મને સહે છે  તેમ ક્યારેક હું પણ સહી લઇશ તો આખુ જીવન બે રથના પૈંડા ની જેમ નીકળી જશે.

માળો ખાલી થયો સાહીઠે એટલું તો સમજાયું કે ખાલીપો જીવનમાં આવ્યો જો જીવન સાથી સાથે કીટ્ટા કરી તો? માન અને અપમાન હવે બાળ બુધ્ધી જ લાગે ને?પ્રસંગો સભર ગઇ કાલ તો જતી રહી.. આવતી કાલ જેવું ક્યાં કંઇ રહ્યુ છે?  જે છે તે આજ છે. મારી શાળા મિત્રને જ્યારે ૩૫ વર્ષ બાદ મળ્યો ત્યારે તેણે બહું મઝાની વાત કરી..મારો ગાવાનો શોખ આખી જિંદગી વણ સંતોષાયેલો રહ્યો હતો હવે ભજનો ગાઇને પુરો કરું છું. મેં હસતા હસતા પુછ્યુ “કેમ પ્રભુ સિવાય ઘણા પાત્રો છે જેના ગીતો ના ગવાય? ” તેણે કહ્યું “હા હવે ક્યારે જવાની ઘડી આવી જાય તે ખબર નહીં તેથી ભજન જ મારાં સ્વજન.”

છેલ્લે કવિ કહે છે તેમ

ગણિત એનું સમજાતું નથી ને

                                     આપણી મરજીથી કંઇ થાતું નથી.

                                     ભલેને એ દેખાતો નથી તો પણ,

                                     ચાલ, ઈશ્વરમાં માનતાં જઈએ.

બહું જ વ્યવહારીક ગણિત. આખુ જીવન કીટ્ટા બુચ્ચા તો ચાલતી રહે છે પણ ઉપરવાળા સાથે તે ચાલતી નથી તો તે સત્ય સમજી ” હું” ” મારું” ” તારું” છોડી ને  બને વિચાર ધારા એવી બનાવ  કે “હું”ને બદલે “તું” ,”મારા”ને બદલે “અમારા” અને “તારા”ને બદલે પ્રભુ સૌ “તારું” જ છે નું ગાન શીખીયે.

કિટ્ટા ​ બુચ્ચા ​(7)વસુબેન શેઠ-

ઇટ્ટા કિટ્ટા બુચ્ચા ​

એકવાર..હુ  બની ચકી

લાવી ચોખાનો દાણો

ને તું બન્યો ચકો
લાવ્યો મગનો દાણો
એમ કરીને ઓરી ખીચડી


ને ખીચડી રંધાયા વિનાજ બળી ગઈ..

આંધણ ઓછા પડ્યા કે પ્રેમ ?

 તું   જીગરને હું તારી હું અમી

ને એમ  કહી હું તુંમાં સમી

ક્યારેક તું રીસાતો ક્યારેક હું

ક્યારેક તું – ક્યારેક હું
કાયમ તું – કાયમ હું

અને પછી રીસાતા જ રહ્યા

ને આપણે…

સદાની ઇટ્ટા કિટ્ટા થયી ગયી

    મનામણા જાણે ઓછા પડ્યાં !

     રિસામણા જાણે પુરા ન થયા

   જીગરરોળાય ગયો સંસારમાં

    અને જાણે જાળવણ ઓછા પડ્યા!

અમીઝહેર બની ગઈ

ચાલ ફરી એકવાર

 માંડીએ ઘરઘરની રમત

ભેગાં થઈ ને કરીએ ચકાચકીની ગમત

ખીચડીને હવે બળવા નહી દઈએ

    આંધણ વગર નહીં સુકાવા દઈએ  
  

સ્વાર્થ અપેક્ષા અને અહમથી દાજવા નહિં દઈએ

બસ પ્રેમ અને માત્ર પ્રેમ 

એવા સંબંધના તાણાવાણાથી

   ચકા ચકીનો માળો બંધાય 

જીવનમાં જાણે બધું બદલાય,

રમત રમત નહી, ગમત ગમત જ થાય

બધું નિર્દોષ સહજ થાય 

ઇટ્ટા -કિટ્ટા -બુચ્ચા થઇ જાય 

 


વસુબેન શેઠ

“કિટ્ટા અને બુચ્ચા”: (6)દર્શના વારિયા નાડકરણી

Breakup & Makeup –

બેઠક નો આ મહિનાનો વિષય છે “કિટ્ટા અને બુચ્ચા”.  નાના બાળકો માટે કિટ્ટા અને બુચ્ચા ખેલ સમાન છે તો ક્યારેક આ નાજુક વાત મોટાઓની ઝીંદગી હચમચાવી નાખે છે. એક સંવેદના થી તરબોળ વાર્તા. 

 

રમોલાનો જન્મ થયો ત્યારે રમણીકલાલ ની ખુશી નો પાર નતો રહ્યો.  તે પોતે ઘરે ઘરે પેડા આપવા ગયેલા.  રમોલા તેમની આંખ ની કીકી સમાન અને તેને ક્યારેય કોઈ બાબતમાં ઓછું આવવા નતું દીધું.  રમોલા ઉપર જેટલો પ્રેમ તેટલીજ તેના ઉપર કડક નજર રાખેલી.  એટલે જયારે રમોલાએ ભાગીને નાત બહાર જ નહિ પણ યહૂદી સાથે  લગ્ન કરી લીધા ત્યારે રમણીકલાલ ને તો જાણે કોઈએ દિલમાં કટાર મારી હોય તેવું લાગ્યું.  સગા વહાલામાં મોઢું કેમ બતાવવું?  ઘડીકવાર તો એમ થયું કે હવે જીવવામાં કંઈ રહ્યું નથી ને આવા જીવતર કરતા તો આપઘાત કરવો સારો.  તેમનો ગુસ્સો તુરંત જુદી રીતના નિર્ણય માં બદલાઈ ગયો.  રઘુકાકા આવ્યા ત્યારે રમ્નીક્લાલે કહી જ દીધું કે “રમોલા સાથે હવે મારે કઈ લેવા દેવા નથી.  મારે માટે છોકરી મરી જ ગયી છે”.

Crystal Blouse with Broad Back Neck | Saree Blouse Patterns

સવિતાબેને તો રમણીકલાલ ને સમજાવવાની કોશિશ કરી “કે ગમે તેમ તો પણ આપણું લોહી છે, તેની સાથે થોડી આખી ઝીંદગી અબોલા કરશું”, પણ તેમનો ગુસ્સો જોઇને વાત પડતી મૂકી.  થોડા વખત પછી જયારે  સવિતાબેન રમોલાને મળવા ગયા અને જોયું કે દીકરી સુખી છે પછી તેમણે રમોલા પાસે વાત મૂકી કે દીકરા હવે તું પપ્પા પાસે જા અને સમજાવ.  પણ રમોલા પણ તેના પપ્પા જેવીજ હઠીલી.  થોડાજ વખતમાં રમોલાને મહિના રહ્યા અને સવિતાબેને પાછી  બંને ને સમજાવવાની કોશિશ કરી અને પાછી  વાત જવા દીધી।  છેલા દિવસોમાં છોકરી ઘરે આવે તેની બદલે સવિતાબેન જ રમોલાને ત્યાં રહેવા ગયા અને ડીલીવરી પછી તુરંત ફોન માં રમણીકલાલ ને સમાચાર આપ્યા.  પછી તો સવિતાબેન અવાર નવાર રામોલની નાની બેબી ને સંભાળવા રમોલાને ત્યાં જાય અને આવે ત્યારે રમણીકલાલ ને રીન્કી ની મીઠી મીઠી વાતો સંભળાવે.

એવામાં એકવાર રમોલાના હસબંડ ને નાની ચાર દિવસ ની ટુર નું ઇનામ મળ્યું.  સવિતબેન ક્યે “તમે બંને ફરી આવો, હું રીન્કી પાસે રઈશ”.  રમોલાને પપ્પાની ચિંતા થઇ પણ સવિતાબેન બોલ્યા “પપાનું  હું સાંભળી લઈશ. ને મને ચાર દિવસ રીન્કી સાથે મળશે”.  સવિતાબેન રીન્કી ને સંભાળવા ગયા અને આ બાજુ રમણીકલાલ ને થોડો દુખાવો શરુ થયો અને પાડોશી તેમને હોસ્પિટલ માં લઇ ગયા.  ફોન ઉપર સમાચાર સાંભળ્યા એવા રમોલાબેન રીન્કી ને લઈને હોસ્પિટલ પહોચી ગયા.  બધી તપાસ પછી ખબર પડી કે ગેસ ને લીધે દુખાવો થયેલ અને ડરવા જેવું કઈ હતું નહિ.  સમાચાર સંભાળીને રમોલા પણ ડરી ગયેલ અને તેણે તુરંત પાછા આવવાનો નિર્ણય કર્યો.  પણ રમોલાબેને કીધું કે “હવે રીન્કી ને હું ઘરે જ લઇ જાવ છું અને પપ્પાની તબિયત સારી છે એટલે તમે આરામ થી રયો અને પાછા આવવાની ઉતાવળ કરશો નહિ”.

માત્ર અઢી વર્ષની થયેલ રીન્કી રમોલા જેવી જ બોલકી.  રમણીકલાલ તો તુરંત તેને બાગ માં લઇ ગયા, આઈસ્ક્રીમ અપાવ્યો અને રમકડા લઇ આપ્યા.  એકજ દિવસમાં દોસ્તી પાકી થઇ.  રીન્કીએ નાના ને છોટુની વાત કરી, “નાના બાજુમાં છોટુ રયે છે ને તેની સાથે મારા કિટ્ટા છે.  કેમકે તેના કાકા એક રમકડું લાવ્યા હતાને તે દિવસે હું ગઈ ને તો છોટુ એ મને રમવા ન આપ્યું.  છોટુ ક્યે આજે તો હુજ રમીશ.  પણ હવે હું બુચ્ચા કરું? હવે તો બીજો દિવસ થયો એટલે તો મને આપશે જ ને?”  રમણીકલાલ ક્યે “રીન્કુ બેટા એવા કજિયા ન કરાય.  તું બુચ્ચા કરી લે.  પછી સાથે રમવાની કેટલી મજા પડે?  છોટુ તો તારો દોસ્ત છે ને?”  રીન્કી પૂછે “નાના તમે અને મારી મમ્મી દોસ્ત નથી?”  રમણીકલાલ ક્યે “એવું કોણે કહ્યું?”  રીન્કી ક્યે “મને ખબર છે કે તમારા કિટ્ટા ચાલે છે અને તમે તો અમારી ઘરે ક્યારેય નહિ આવો ને મમ્મી અહી નહિ આવે”.

રીન્કી ના કાલા કાલા શબ્દોમાં હમેશ ના કિટ્ટા ની વાત સાંભળીને રમણીકલાલ ની આંખમાં આંસુ આવી ગયા તે સવિતાબેને હળવેકથી જોઈ લીધું ને મનોમન બોલ્યા આ બંને બાપ દીકરી એવા હઠીલા છે કે હવે તો ભલે આ નાની છોકરી જ બેય ની સાન ઠેકાણે લાવે, મારે તો કઈ બોલવું જ નથી.  સાંજે નાના નાની સાથે છુપા છુપી રમતા રીન્કી ક્યે “નાના તમને ખબર છે, નાની તો મારા બેસ્ટ ફ્રેન્ડ છે”.  રમણીકલાલ ક્યે “લે રીન્કી તને તો ઈંગ્લીશ બોલતાય આવડે છે?”.  રીન્કી બોલી “આ તો મારી મમ્મીએ શીખવાડ્યું છે.  મમ્મીએ કીધું કે એ નાની હતી ત્યારે તમે મમ્મીના બેસ્ટ ફ્રેન્ડ હતા”.  રીન્કી ક્યે “મારી મમ્મી મારા માટે રમકડું લાવશે ને તે હું છોટુ ને રમવા આપીશ ને પછી હું અહી તમને રમવા માટે લઇ આવીશ, પણ મારી મમ્મી ખીજાશે નહિ ને?”  નાની ક્યે “તારી મમ્મી એમાં શા માટે ખીજાય?”  રીન્કી બોલી “નાના ને મમ્મીના કિટ્ટા ચાલે છે ને?”

સવિતાબેન રસોડામાં ગયા ત્યાં ફોન રણક્યો.  મોટે ભાગે આ સમયે રમોલા નો ફોન હોવો જોઈએ પણ રમોલા તો તેમને મોબાઈલ ઉપર જ કરે ને આ તો ઘરનો ફોન રણકી રહ્યો હતો.  સવિતાબેને રમણીકલાલ ને કહ્યું “જરા ફોન લ્યોને, હું કામમાં છું”.  રમોલાએ પપ્પાનો અવાજ સંભાળ્યો ને તરત પૂછ્યું, “કેમ છે પપ્પા હવે તમને?”  રમણીકલાલ ક્યે “સારું છે બેટા. બધા પાસે ખોટી ચિંતા કરાવી.  પણ આ બાને રીન્કુ સાથે બહુ મજા પડી ગયી”.  રમોલા ક્યે “અમે સાંજે આવવાના છીએ ને  મમ્મી કામમાં હોય તો તેને કેજોને કે કાલે જ રીન્કી ને લઇ આવે”.  રમણીકલાલ ક્યે “આજે સાંજે આવવાના છો તો પછી સીધા અહી જ આવજો અને જમીને નિરાતે ઘરે જજો, હું તારી મમ્મીને કહી દવ છું”.  સવિતાબેન રસોડામાં આ સાંભળી ને આટલા વર્ષોના ઝઘડામાં બધા આંસુ પી જતાતા તે  આજે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા”.

તો થઇ ગયાને  બુચ્ચા?  દોસ્ત ન હોય તો રમવાની મજા ન પડે અને ઉપરવાળાએ ચાર દિવસ રમવા આપેલ એવી આ જિંદગીમાંથી અઢી દિવસ કિટ્ટા કરવામાં બગાડવાનો શો અર્થ?  

દર્શના વારિયા નાઙકરણી

“કીટ્ટા અને બુચ્ચા”(5)પદમાં-કાન

અહહાહા!શું સુંદર જોડી છે! કીટ્ટા અને બુચ્ચા.

બાળપણમાં થતી પળમાં કીટ્ટા પળમાં બુચ્ચા.

કીટ્ટામાં હોય રોષ છાનોછાનો તોય થોડો થોડો હોય ભીનો ભીનો

કીટ્ટામાં ખોટો ખોટો ગુસ્સો છે, અંદર અનહદ પ્રેમ છે.

કીટ્ટામાં થોડી થોડી મનમાની છે, બુચ્ચામાં બસ પ્રેમ જ પ્રેમ છે.

કટ કરવા અંગુઠાએ દ્ન્તની લીધી સહાય,ને કીટ્ટા ત્યાં જ થઇ  જાય?

બહુમતી ચાર આંગળીઓની હોઠોએ સંભાળી લઇ અંદર સમાવી લઇ.

કીટ્ટા બુચ્ચા હોય તો જ થાય રિસામણા મનામણા ,

તેને માણવા કરવા પડે કીટ્ટા કે પછી રિસામણા!

જ્યમ કલહ વિના ના ઘટવાય સ્નેહની ઉત્કૃષ્ટતા

કીટ ટા માં ડબ્બલ ટટુની  શક્તિ છે,જયારે બુચ્ચા?

બુ એટલે બહુ ,ચ્ચામાં દોઢો ચાહ છે.બુચ્ચામાં મિલનની ચાહ છે.

હોઠોમાં છે અમૃત તેથી અધરામૃતનું થાય છે પાન

ચાર આગળીઓ સાથે મળીને બુચ્ચાનું કરે છે આમ  સન્માન.

બાળપણની કીટ્ટાબુચ્ચા એ દોષ મુક્ત હોય છે.

એમાં ના કોઈ સ્વાર્થનું વિષ ઘોલાયેલ છે.

પણ મોટાઓની  કીટ્ટા બુચ્ચામાં સ્વમાન ઘવાય છે.

દઈ દો એ કીટ્ટાબુચ્ચાની રમતને નાના નાના બાળને

એજ રમી જાણે ને માણી જાણે નીજાનંદને

ખોટું ખોટું રમતા ઘર ઘરને,સાચો આનંદ  માણતા હતા

સાચું ઘર માંડતા માંડતા એક બીજાને ખો ખો દેતા,

સ્વની પહેચાન ભૂલી ગયા ખો ખોમાં ખોવાઈ ગયા.

આ લખતા લખતા મને મારું શાળાનું જીવન યાદ આવે છે.બહુ નાના નહી ને બહુ મોટા પણ નહિ.અમે ત્રણ બેનપણી,ગાઢ મેત્રી અમારી.વિચાર કર્યો કે આપણે કીટ્ટા કરીએ તો?ના,ના કીટ્ટાતો નજ થાય.તો?કીટ્ટા નહિ પણ અબોલા એ પણ મીઠા અબોલા.ત્રણ દિવસ એનો આનંદ કઈ અનેરો જ હતો.એક ઘડી પણ છુટા ન પડતા.સામસામે નજર ક્યારેક પડી જાય ,મીઠી નજરેથી જોવાઈ જાય,અંદરથી આવાજ આવે મીઠા અબોલા.મનમાં ને મનમાં મુસ્કુરાહટ થાય  અબોલા મીઠા અબોલા! ક્યારેક ત્રાસી નજરે જોવાનો એ આનદને  શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.

ખો ખો દેતા ખોવાઈ ગયા,પણ ક્યાં સુધી ?એ તો ન જ ચાલે ને?

નારી શક્તિ ચાર આંગળીઓને આવે વિચાર

બાંધી મુઠ્ઠી લાખની,ખુલી જાય તો ખાખની,

ના રહે કોઈની શાખની, તો શીદને જોવી વાટ કાલની?

આંગળીયો વિના અંગુઠો રહે બુઠ્ઠો,

ને આંગળીયો રહે તેના વિના, થઇ જાય વિના આધારની?

ચાર આગલીયે વિચાર કીધો,અંગુઠાને કરી દઈએ સીધો

બીજાને સીધા કરતા પહેલા, પોતાને કરવા પડશે સીધા !

ચારેય શક્તિએ વિચાર કીધો,અંગુઠાને પડખે લીધો

પંચ ત્યાં પરમેશ્વર,સવારે ઉઠતા કરતા જેનું દર્શન

શિવ અને શક્તિએ ત્રાસી નજરે કર્યું મિલન

ચાર આંગળીઓએ હોઠોથી અમૃતનો સ્વાદ લીધો,

ચૂમી લઈને  સામે પાર કરી દીધો. ત્યાતો ચમત્કાર સરજાયો!

સામેથી,હા હા બરાબર સામેથી એ જ ,એજ એક્ટિંગ કીધી

નયનોમાંથી વરસે નેહ,હૈયું હાથમાં રહે કેમ?

બાથમ બાથ ભેટી પડ્યા વૃદ્ધાવસ્થાને બાલ્યાવસ્થામાં ભેટી પડ્યા!

ના કોઈ રહી હવે અવસ્થા,માણીરહી, માગી રહી સદા આજ અવસ્થા

સાહિત્યની બેઠકમાં નિહાળી રહીએ સ્વસ્થતાથી કિટટા- બુચ્ચા.

પદમાં-કાન

 

કિટ્ટા્ અને બુચ્ચા-(3)-પ્રવીણા કડકિયા

કિટ્ટા્ અને બુચ્ચા

હોય ના લુચ્ચા

બચપનના ભેદ એ ખોલે બધ્ધા

ગમો અણગમો છુપાયો છે બચ્ચા

લડતા ઝઘડતા ત્યારે કરતાંતા કિટ્ટા

મનગમતાં સંગે હમેશા બુચ્ચા

હવે ન આવડે કરતાં કિટ્ટા

સહુની સંગે કરી છે બુચ્ચા

રાત ગઈ વાત ગઈ માણ હવે મજ્જા

યાદ રાખજે આ વાત મારા રાજ્જા

નહી તો કરીશ તને મનમાની સજ્જા

હસી કે રૂદન, સુખ યા દુખ , જીવન હો યા મૃત્યુ

સહુની સંગે મુસ્કુરાઈને કરી લીધી બુચ્ચા.

 

કિટ્ટા અને બુચ્ચા -(4)કુંતા શાહ –

                  હસતાં બોલતાં ’ હું’, ‘હું’, ‘મેં’, ‘મેં’, રમ્યા અબોલા ની બાજી,

                જે પકડાશે, એ રમતમાં , થાશે એની હરાજી!

                શૈશવ માં પળ, બે પળની કિટ્ટા, બાથ ભરીને નવાજી,

                જીંદગી ભરની સ્મૃતિ સુહ્રુદની અંતર કરતી રાજી.

                        ઘડપણમાં પણ શૈશવ બીરાજે, આદત ન જાયે જૂની

                        નવાં સંબંધો સમજે કદી ના મારા મનની વાણી.

                        હાર કબૂલી, માફી માંગુ, ના કરું કોઇ ખેંચાતાણી

                        તોયે લાગે, ડગલે પગલે, થાય મારી જ હરાજી!

                પ્રભુ સાથે પણ કદીક કિટ્ટા, પૂજા થી રહી અળગી,

                હસી કહે પ્રભુ “અહં સોહં, નાદાન, તું ના મુજથી અળગી.

કુંતા શાહ (૮/૪/૧૫)