‘વરસાદ ભીંજવે’ કવિ રમેશ પારેખ
‘આકળ વિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળકળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક,નહીં છાટાં રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છુટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલો ઘમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન વરસાદ વરસાદ ભીંજવે
કોને કોના ભાનસાન વરસાદ ભીંજવે
વરસાદની મોસમ એટલે ‘કાગજકી કશ્તી બારીશકા પાની ‘ કવિનું અને આપણાં સૌનું મન ઝૂમી ઉઠે.રમેશ પારેખ ગુજરાતી કવિતામાં ભરપૂર રેલી લાવે છે. તાજગી ભર્યા ધોધમાર ગીતો અને ગઝલોને તેઓ બસ અનાધાર વરસાવે છે.મારા માટે હમઉમ્રના હતા.અમારી યુવાનીના ભાવોને રમેશ પારેખના ગીતોએ મુક્તપણે વહાવ્યા,એમના સમકાલીન કવિઓ અનિલ જોશી ,મનોજ ખંડેરીયા ,અને માધવ રામાનુજ સૌ ના પ્રથમ કાવ્ય એક જ ગાળામાં પ્રગટ થયાં ત્યારે જાણે ગુજરાતી કવિતા સોળ વર્ષની કન્યાની જેમ ખીલી ઉઠી.કાવ્ય અને વરસાદનો સહજ સહવાસ અસલ કાળથી છે.મને રામાયણમાં વર્ષાઋતુમાં રામનો સીતાવિરહ વાંચી અશ્રુ આવી જતા.મહાકવિ વાલ્મિકીની કવિતાનો વારસો આપણા કાવ્યોને મળ્યો છે.સંસ્કૃત કવિ કાલિદાસનું ‘મેધદૂત ‘ ભારતના ચોમાસાના સોન્દર્યની અદભુત કવિતા છે.વરસાદ અને પ્રિયનો વિરહ એકમેક સાથે જુગલબંધી કરી ઉત્તમ કાવ્ય નીપજાવે છે.રમેશ પારેખ બીજા એક કાવ્યમાં કહે છે’ઓણુંકા વરસાદમાં બે જણ કોરાકટ,એક હું અને બીજો તારો વટ ‘
રમેશ પારેખમાં ‘ઓવર ફ્લો ઓફ પાવરફુલ ફીલીગ ‘ગુજરાતી ભાષાને રોમેન્ટિક ઉદ્રેકના સીમાડા દેખાડે છે,અરે રોજના વપરાશના શબ્દો જેવા કે’ભાનસાન ,લથબથ ભડભડ આકળવિકળ ,’અને બીજા તળપદી બોલીના શબ્દો નવી ભાવ છટાધારણ કરે છે.એમનાં
ગીતો એમના હદયમાંથી સોંસરવા આપણા હદયને ખળભળાવી મૂકે છે.મારી દષ્ટિએ સ્થળ,સમય ,વય સૌને વટાવી ગીતમાં એકાકાર કરી દે છે,પરમ આનંદની છોળોમાં સૌને ભીંજવી દે છે.
આ ગીતમાં અર્થનું પિષ્ટપેષણ કરવાનું નથી પણ મૂગો ગાતો થઈ જાય અને કોરો પલળવા દોડી જાય કે પ્રેમમાં ભાન સાન ભૂલી જવાય તેવા અનુભવમાં તરબોળ થવાનું છે.રમેશ પારેખનો વરસાદ માણીને પછી બહાર પડતા વરસાદમાં પલળવા નીકળજો,કવિ જયંત પાઠક કહે છે,છત્રી વરસાદમાં પલળવાની હિમત આપે છે,ટુંકમાં વરસાદનું કાવ્ય ઘેર બેઠાં માણવું કે પછી માણીને વરસાદમાં પલળવું (માંદા પડો તો કવિની કે મારી જવાબદારી નહિ )તે વિચારજો.
મને આ ગીત વરસાદના પાણીની જેમ મારી પંચેન્દ્રીયોને આનંદ આપે છે.વરસાદના પાણીનો શીતલ સ્પર્શ અને મધુરો સ્વાદ,ઝરમર,ટપટપ ,ધણધનાત -મલ્હારનો રાગ કાનને તૃપ્ત કરે છે,પ્રિયતમની યાદમાં તડપાવે અને વિરહનો દંશ જીવને તડપાવે છે.સોળ કળાએ ચોમાસું આકાશના ખેતરમાંથી ઊગ્યું અને આપણા લોહીને આકળવિકળ કરતું ગાજ્યું.ઘરના નર્જીવ ઓરડા
ફાળ મારતા આખલાની જેમ છુટ્યા,ધૂળિયા રસ્તાઓ ધોવાઇ ગયા.ઘરના ઓરડામાં રહેતા માણસોના કોરા તપેલા પગને પલાળવા
ફળિયામાં ધક્કેલો અને બળતા (વિરહમાં -દુઃખમાં ) જીવને નેવાના પાણી નીચે ભીંજાઈને શીતલ થવા દો.હવે સોળે કળાએ ખીલેલું
ચોમાસું તન મનને ભીંજવે છે,એની માદક અસરથી બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે છે,યુવાનીના કોડ જાગી ઊઠે છે,
પછી તો લીલો ઘમ્મર નાગ રુંવેરુંવે સતત વરસતા વરસાદની જેમ કરડે છે.છેલ્લી બે પંક્તિઓમાં વરસાદ ,પ્રિયતમ અને પ્રિયા ત્રણે છે,મિલન -વિરહ વરસાદમાં એકરૂપ થઈ જાય છે.
અહી આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે, થરથર ભીંજે આંખ કાન,વરસાદ ભીંજવે
કોને કોનાં ભાન સાન,વરસાદ ભીંજવે.
આશા રાખું છું આ વરસાદી ગીત તમને પણ ભીંજવશે.
સ્વ.રમેશ પારેખને આવાં તાજગીપૂર્ણ ગીતોની ગુજરાતી કવિતાને ભેટ આપવા બદલ વંદન,હરીકેનમાં સાચવી રાખવા જેવી મહામૂલી ચીજ છે.કેલીફોર્નીઆના દુકાળના દિવસો આ વરસાદી ગીતથી પૂરા થયા છે.ઋષિ મુનિઓ યજ્ઞમાં આહુતિ આપી વરસાદને રીઝવતા ,તેમ વરસાદી ગીતો મેઘને રીઝવેને?
તરુલતા મહેતા 2જી નવેમ્બર 2015
Like this:
Like Loading...