૪૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

કહ્યો કુંભાર ગધેડે ના ચડે

માણસને ઘણું સમજાવવા છતાં યોગ્ય વસ્તુ ન સમજે અને તેનું ધાર્યું જ કરે પછી પાછળથી સમજાય. કહોને કે વાર્યા વળે નહીં, હાર્યા વળે. પણ જ્યારે જીવનમાં યુ ટર્નની કોઇ શક્યતા જ ન રહે ત્યારે શું થાય?

હમણાં ચીનના વાઇલ્ડલાઇફ પાર્કનો એક વીડિયો વાયરલ થયો છે. પાર્કમાં ઘણાં બોર્ડ પર લખેલું હોય છે કે કારને બરાબર લોક કરવી અને કારમાંથી કોઈએ ઊતરવું નહીં. પણ એક પરિવારની એક મહિલા કારમાંથી ઉતરી અને બીજી બાજુથી ગાડીમાં બેસવા જતાં વાઘ આવીને તેને ઢસડીને લઈ ગયો. બીજી મહિલા પર પણ આ જ થયું. પરિણામે બંને જાન ખોઈ બેઠાં. ઘણી વખત થાય કે ભણેલા-ગણેલા પણ યોગ્ય વાતને સમજવા તૈયાર ના થાય અને ધાર્યું જ કરે, ત્યારે કહેવાય કે, કહ્યો કુંભાર ગધેડે ના ચડે. જ્યારે જાન જાય ત્યારે યુ ટર્નની શક્યતા જ નથી હોતી.

બાળપણમાં વડીલો પાસેથી ઘણી વખત સાંભળેલી આ કહેવત છે. “કહ્યો કુંભાર ગધેડે ના ચડે”. પણ હમણાં વાંચવામાં આવ્યું કે ખરેખર તો કહેવત આ છે કે, “કીધે કુંભારે કોઈ ગધેડે ના ચડે”. તેની એવી વાર્તા છે કે, કુંભાર પોતાના ચાર ગધેડા લઈને જતો હતો. એક ઉપર પોતે બેઠો હતો ને બીજા ત્રણ પર કોઈ બેઠું ન હતું. રસ્તામાં ત્રણ વટેમાર્ગુ મળ્યાં. કુંભારે પૂછતાછ કરતાં બધાની મંઝિલ એક જ હતી. રસ્તો બહુ લાંબો કાપવાનો હતો તેથી કુંભારે કહ્યું, તમે ચાલીને થાકી જશો. આ ત્રણ ગધેડા પર તમે સવાર થઈ જાવ. પેલા ત્રણેય લોકોએ શરમ અનુભવી અને ના બેઠાં. અમુક કિલોમીટર અંતર કાપ્યા પછી થાક્યા હોવાથી તે ત્રણેય મુસાફરો ગધેડા પર બેસી ગયાં અને કુંભારને પૂછવા પણ ના રોકાયા. આના પરથી કહેવત પડી કે, “કીધે કુંભારે કોઈ ગધેડે ના ચડે.” પરંતુ સમય જતાં “કીધે કુંભારે” માંથી “કીધે કુંભાર” એટલે કે “કહ્યો  કુંભાર” ચલણમાં આવ્યું, જે ઘણી વખત વપરાશમાં લેવાય છે.

ગધેડો કુંભારનું વાહન કહેવાય. ગધેડાને બુદ્ધિ વગરનું પ્રાણી કહેવાય છે માટે તો બિચારો ભાર વઢેરે છે. ડફણા ખાય છે. કુંભાર નદીએથી ગધેડા પર માટી ભરીને લાવે. જ્યારે ગધેડા પર માલ ના હોય અને લાંબુ અંતર કાપવાનું હોય ત્યારે જો તેને કહીએ કે તું ગધેડા પર બેસી જા અને એ ના બેસે, અંતે હારી-થાકીને બેસે.

આજના યુવાનની દશા કુંભાર જેવી છે. પોતાના મનની અશાંત દશા તેને બદલવી છે પણ જીવનની ખોટી દિશા બદલવા તે તૈયાર નથી. દિશા બદલ્યા વિના દશા બદલાય એ શક્ય નથી. દુનિયાની દરેક વસ્તુ એવી હોય છે જે ઠોકર ખાઈને તૂટી જાય છે, પણ એક સફળતા જ એવી વસ્તુ છે જે ઠોકર ખાઈને જ મળે છે. યુવાનીને કામયાબી સાથે ઠોકરનો પણ નશો જોઈએ છે. એક ૩૫ વર્ષની છોકરીએ મને કહ્યું,” આંટી, અમારે પણ અનુભવ કરવા હોય છે. કેમ, વડીલો કહે તે જ કરવાનું? ભલે પછી તેનું પરિણામ સારું આવે કે ખરાબ. અમને અમારી રીતે આગળ વધવું છે.” વાત વિચારવા જેવી છે! બાળક સમજતું થાય ત્યારથી સ્વતંત્ર વિચાર ધરાવતું થઈ જાય છે. આજની હવામાં, શ્વાસમાં સ્વ લે છે, તો બહાર પણ એ જ આવશેને? કારણ કે તેના ઘટઘટમાં સ્વનો વાસ જોવા મળે છે. પરંતુ શા માટે જાતે ઠોકર ખાઈને પીડા અનુભવવી? શું બીજાની ઠોકરો અને પીડા જોઈને આપણે સફળતા હાંસીલ ના કરી શકીએ? જો કે, આ દરેકની અંગત બાબત છે. સમય અને સંજોગો એને શીખવાડી દે છે. પરંતુ ક્યારેક મોડું થઈ ગયું હોય છે.

જો કે હવેનો જમાનો એ નથી કે કોઈના કહે કરવું. જીવનમાં ઠોકરો ખાવાનું માણસને ગમે છે. તરતા શીખવું હોય તો પાણીમાં ઊતરવું જ પડે. પરંતુ ભણતરની સાથે કોઠાસુઝ જો આજનો યુવાન કેળવે તો સોને પે સુહાગા જેવી પરિસ્થિતિ ઊભી થાય. માત્ર પુસ્તકના કીડા બનવાથી જીવન જીવવાની કળા નથી શીખાતી. અને પછી ભાગ્યને દોષ આપવાનો કોઈ અર્થ રહેતો નથી. વિવેકબુદ્ધિને સૂક્ષ્મ, સંવેદનશીલ રાખીને ઊંચે ઉઠવાનું છે, ધ્યેયસિદ્ધિ કરવાની છે. તે માટે પોતાના આગ્રહ, દુરાગ્રહ અને પૂર્વગ્રહોને છોડવાં પડશે. જરૂર પડે પોતાની જાતને બદલવી પડશે.