મિત્રો, કહેવતો સાહિત્યનું એક મહત્વનું અંગ છે. એના લેખકનું નામ કે ગોત્ર હોતું નથી. વસ્તુ કે પરિસ્થિતિના સંદર્ભમાં સહજ રીતે સરી પડેલું કથન! કહેવત બોલવા માટે કોઈ અનુભવ કે ડિગ્રીની પણ જરૂર નથી હોતી. પેઢી દર પેઢીથી વપરાતી, રોજ-બરોજ બોલાતી ઊક્તિ! કોઈ પણ વાતનો નિચોડ એક જ ઊક્તિમાં એટલે કહેવત!
‘નારી-શક્તિ’ પર મેં ૧૦૦ લેખો કેનેડાથી પ્રકાશિત થતાં ‘ગુજરાત ન્યૂઝલાઈન‘ પેપરમાં લખ્યાં. પછી કોલમ બંધ કરી. તેની પાછળના કારણોમાં એક કારણ હતું, મારા લેખ વાંચીને કેટલાંક કુટુંબમાં પરદેશમાં એવું બનતું કે વહુ, સાસુને કહે કે મમ્મી, કલ્પનાઆંટીને આપણા ઘરની વાતો કરી હતી? ખરી વાત તો એ હતી કે મને એમના ઘર વિષે કશું જ ખબર ના હોય. અનેક પરિવારોની સાચી અને કાલ્પનિક વાતોનો મારા લેખમાં સમાવેશ થતો પરંતુ તેની આવી ધારદાર અસર વાચકોમાં થશે એવી મને કલ્પના ન હતી. પરિણામે આ કોલમ બંધ કરી. આ વાત સાંભળીને જાણીતા કવિ તુષાર શુક્લએ મને કહ્યું કે તમારું લખાણ કેટલું અસરકારક કહેવાય? મને સર્ટિફિકેટ મળી ગયું.
આવું જ કહેવત-ગંગામાં બન્યું. ઘણી કહેવતો પશુ-પક્ષી પરથી બનતી હોય છે. હાથી, ઊંટ, કૂતરો, સિંહ, સાપ, ગાય, ભેંસ, શિયાળ, મોર, ચકલી વગેરે. જ્યારે પશુ-પક્ષીના અને માનવના શરીર, રીતભાત, ખાસીયતો કે સ્વભાવમાં સામ્યતા જોવા મળે છે ત્યારે એવી કહેવતનું સર્જન થાય છે. ખૂબજ જાણીતી કહેવત, ‘હાથી પાછળ કૂતરા ભસે‘, મેં તેના વિષે લેખ લખ્યો. મને ખબર ન હતી કે આ કહેવતની ફેસબુક પર જોરદાર અસર થશે! બન્યું એવું કે, એક રાજકીય નેતા વિષે એક જણે પોતાની દ્રષ્ટિએ ખૂબ જ હકારાત્મક વાતો લખી. અંતમાં એ નેતાના વિરોધ પક્ષ માટે પોતાની વાત સચોટ અને સ્વાભાવિક બનાવવા પહેલી વ્યક્તિએ લખ્યું, ‘હાથી પાછળ કૂતરા ઘણાં ભસે’. પછી તો શું થાય? હાથી અને કૂતરા શબ્દો એકબીજાના વેરી બની ગયા! … સામસામે શબ્દોની આપ-લે અને લોકોની કોમેન્ટમાં ફેસબુક ભરાવા લાગ્યું. મારા મનમાં કહેવત-ગંગા ચાલુ થઈ. ‘જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ‘, ‘તમાશાને તેડું ના હોય‘. છેવટે ‘કોઠી ધોઈને કાદવ જ નીકળે‘. અંતે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને ફેસબુક પર બ્લોક કરી. કથા પૂરી થઈ. કોઈએ કહ્યું, જવા દો ને, એ તો ‘પૂંછડે બાંડો ને મોઢે ખાંડો‘ છે. જુઓને દશા થઇ ને, ‘વાંદરી નાચે ને મદારી માલ ખાય‘. ‘કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી‘.
કહેવત ક્યાં?, ક્યારે?, કોના અને શેના સંદર્ભમાં વપરાય છે? અને સાંભળનાર વ્યક્તિ કે જેના વિષે કહેવત બોલાઈ હોય એટલે કે સામેની વ્યક્તિ તેનો અર્થ કેવી રીતે લે છે તેના પર પરિસ્થિતિનો આધાર રહે છે. નહીં તો ‘વાતનું વતેસર’ થતાં વાર નથી લાગતી. કહેવત ક્યારેક સોય કે ક્યારેક તલવારનું કામ કરે છે. મિત્રો, દુશ્મન બની જતાં વાર નથી લાગતી. આવા સંજોગોમાં શબ્દોને પકડ્યા વગર કહેવતનો મર્મ સમજવા કોશિશ કરવી જોઈએ. તો ક્યારેક ‘આંખ આડા કાન‘ કરવામાં જ શાણપણ છે.
નોંધ: મારા લેખમાં લખેલ લખાણને કોઈએ અંગત ગણવું નહીં. માત્ર માણવું. કહેવત હંમેશા શીખ આપી જાય છે જેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ. ‘આ મારી મા છે‘ અને ‘આ મારા બાપની બૈરી છે‘ … ‘મા’ માટે કયું વાક્ય કાનને ગમશે તે મિત્રો, આપના પર છોડુ છું.