૧૯ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

નારી તું તણાવને વરી

નારી સમાજની ધરી છે છતાંય તે તણાવને વરેલી છે. આદિકાળથી આદમ અને ઇવના સમયથી સૃષ્ટિનાં સર્જનની જવાબદારી ઈશ્વરે નારીને સોંપી છે. સીતા-રામ, રાધે-શ્યામ, લક્ષ્મી-નારાયણ બોલાય છે. પુરૂષપ્રધાન સમાજમાં નારી કેન્દ્રસ્થાને હતી અને છે. પરંતુ નારીનું ખરું સ્થાન ક્યાં હતું? ઇન્દ્રનું માનસ ઈન્દ્રાણીને છોડીને ભટકતું. દુષ્યંતે શકુન્તલાનો અને રામે સીતાનો ત્યાગ કર્યો હતો. દ્રૌપદીને પોતાના જ પતિએ દાવ પર લગાવી હતી. તેનું કાર્યક્ષેત્ર હતું માત્ર ઘરની ચાર દીવાલ. સ્ત્રી એક, રૂપ અનેક. બાળકી, યુવતી, પરિણીતા, વિધવા. એક દીકરી, બેન, પત્ની, વહુ, મા, દાદી. સુહાગણનાં શણગાર સમા ઘરેણાં તેના કાન, કેડ, હાથ, પગમાં બેડી બનીને નારીશક્તિને નાથવા માટે પહેરાતાં રૂઢીગત સમાજનો શિકાર બનતી સ્ત્રી દબાતી, ચગદાતી અને તેનાં અસ્તિત્વને ટકાવી રાખવા વલોપાત કરતી તણાવમાં જીવતી ગઈ. કોઈ તેની ફરિયાદ સાંભળવા તૈયાર ન હતું. કારણકે સમાજની આંખો પર આગળથી ચાલી આવતાં રિવાજો અને માન્યતાઓની પટ્ટી બાંધેલી હતી.

ધીમે ધીમે સમાજ-સુધારકો દ્વારા નારી તરફી કાયદાઓ ઘડાતાં ગયાં. સ્ત્રી કેળવણી અને સ્ત્રી સમાન અધિકાર પ્રત્યેની જાગરૂકતાને લીધે સ્ત્રીના અસ્તિત્વને સમાજ સ્વીકારતો થયો. આર્થિક રીતે નારી સ્વતંત્ર બનતી ગઈ. પિતાએ દીકરીને, ભાઈએ બહેનને, પતિએ પત્નીને અને સમાજે નારીને સ્થાન આપ્યું. ભૂતકાળની સ્ત્રીનાં અસ્તિત્વએ જાણે બળવો પોકાર્યો. ઘરની લક્ષ્મી હવે સાચા અર્થમાં મા અંબા બનીને સિંહ પર સવારી કરતી થઈ ગઈ. ઉંચી ઉડાન ભરવા સ્ત્રીએ ઉંબરો ઓળંગવાનું શરૂ કર્યું. સમયના બદલાતા પડાવે નારીના રૂપને બદલી નાખ્યું. તે હાઉસવાઇફમાંથી હોમમેકર બની ગઇ. પરિવર્તનના આ ગાળામાં નારીની સ્થિતિ તણાવ ભરેલી રહી. સદીઓ પહેલાં લખાયેલો પદ્મપુરાણનો આ શ્લોક આજની નારીએ યથાર્થ કર્યો,

કાર્યેષુ દાસી, કર્મેષુ મંત્રી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા,

ઋપેષુ લક્ષ્મી, કર્મેષુ ધારિત્રી, શત ધર્મ યુક્તા, કુલ ધર્મ પત્ની.

પરિણામે આજની નારીએ તણાવને જાતે આમંત્રણ આપ્યું. તેને સુપર વુમન બનવું છે, પુરુષ સમોવડી બનવું છે. નારીની સફળતાના સિક્કાની બીજી બાજુ તણાવ રહેલો છે. હા, તણાવનો પ્રકાર બદલાયો છે. પરિણામે તેની અંદરની સ્ત્રી સહજ મૃદુતા, કોમળતા, સુંદરતા, મમતા હણાઈ ગઈ છે. જેટલી નારી તેટલી સમસ્યા જોવા મળે છે. આજની નારીનું જીવન એટલે પ્રશ્નોનો ખડકલો. નારી જીવનની શરૂઆત અને અંત સમસ્યા અને સમાધાન વચ્ચે ઝોલા ખાય છે. શિવ-શિવાથી બનેલું અર્ધનારેશ્વરનું રૂપ પામર માનવ બદલવા જાય ત્યારે ઊભા થતાં તણાવની હોળીમાં સમાજનું સર્જન કરનાર નારી હોમાશે ત્યારે સમાજનું ચિત્ર કેવું હશે તેની કલ્પના જ કરવી રહી. કુદરત સામે થનાર અને જનાર નારીની દશાનું ચિત્ર હાડ-માસથી ભરેલા અનેક હાથ વાળું પૂતળું બહારથી લાગશે પરંતુ માત્ર તે તણાવથી ભરેલું હશે. મોંઘવારી અને દેખાદેખીનો દાવાનળ સ્ત્રીને આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરતી બનાવી દે છે અને તણાવનો રાક્ષસ કોમળ હરણીની પાછળ પડી જાય છે. ભલા કોણ તેને બચાવશે?

જેમ નારીનું જીવન મેઘધનુષી છે તેમ તેની સમસ્યાઓનું છે. તેનું સમાધાન પણ નારી જ કરી શકે. તેણે પોતે પોતાના વૈદ્ય બનવું પડે. સમાજને નારી પાસેથી કેટલી અપેક્ષાઓ હોય છે? સમાજ ઇચ્છે છે કે તેની મહત્વકાંક્ષા અને કુટુંબ વચ્ચેનું સંતુલન માત્ર સ્ત્રી કરે. રોજિંદા જીવનમાં સુખનું સંતુલન જાળવવા માટે એક નારીએ ક્યાં ક્યાં સંતુલન નથી કરવું પડતું? કુદરતે ગર્ભ ધારણ કરી બાળકને જન્મ આપવા માટે માત્ર નારીને પસંદ કરી છે. આટલી ક્ષમતા ધરાવી સફળ બનેલી મા જીવનમાં પ્રાધાન્ય સંતાનને આપશે કે કારકિર્દીને? કુટુંબ, કારકિર્દી અને સંબંધોનું સંતુલન કરતાં કરતાં તે ભૂલી જાય છે, તેના રોજીંદા જીવનમાં સુખનું સંતુલન જાળવવાનું. અમુક ચોક્કસ ઉંમરે નારીના હોર્મોન્સમાં થતું અસમતુલન તેને વિચલિત કરી દે છે. પરિણામે સરજાતાં તણાવનું ઝેર નારીના અસ્તિત્વને છિન્નભિન્ન કરી દે છે. પરિણામે તે દવાઓનાં રવાડે ચઢી જાય છે. અને જ્યારે એક નારીનું પતન થાય છે ત્યારે તેની સાથે અનેક  જીંદગીઓ જોખમમાં મુકાય છે.

તણાવમુક્તિ માટે સૌ પ્રથમ નારીએ પોતાની જાતને પ્રેમ કરી તેનો સ્વીકાર કરતાં શીખવું પડે. પોતાની લાગણીઓને મેનેજ કરતાં આવડી જાય, પોતાના આતમ સાથે વાત કરતાં આવડી જાય, ખુદ માટે સમય ફાળવતા આવડી જાય એ ખૂબ જરૂરી છે. આ બધાં માટે હકારાત્મક અભિગમ, સારાં પુસ્તકોનો સંગ અને સત્સંગ ખૂબ જરૂરી છે. નારી એ યોગ-ધ્યાન કરીને તેનો અંતરનો અવાજ સાંભળવાની આદત કેળવવી પડશે. તેનો શોખ દવા અને હમદર્દ બનીને તેના અસ્તિત્વને ટકાવવામાં મદદ કરશે. ક્યારેક બીજાને સમય આપીને ક્ષણોને જીવંત કરવાથી તણાવ દૂર ભાગે છે.

નારી તો એવી તાકાત છે કે દાવાનળની વચ્ચે, ઝંઝાવાતની વચ્ચે પણ પોતાની જાતને બચાવે અને બીજાને પણ સાથે ઉગારે. નારી કામધેનુ છે જે અન્યને દૂધ આપી પોષણ કરે છે. એક એવું કલ્પવૃક્ષ છે જે તેના શરણે જનારને છાયો, શીતળતા, સાતા આપે છે, ફળ આપે છે, મીઠી નીંદર આપે છે. નારી એક એવો સ્ત્રોત છે જે યોગ્ય સમય સંજોગો આવે ત્યારે સુષુપ્ત શક્તિ સ્વરૂપે બહાર આવે છે. બદલાતા સંજોગોના પડાવ પર નવા રૂપે ઢાંચામાં ઢળતાં તેને વાર નથી લાગતી. હે નારી, તું તણાવને વરી નથી પણ સમાજને તણાવમાંથી બહાર લાવનાર નારાયણી છું.

૧૧ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ઓળખાણ મોટી ખાણ છે

ઓળખાણ એટલે ઓળખ, પિછાણ, પરિચય, જામીન. ઘણી વ્યક્તિઓને સહજતાથી કોઈની ઓળખાણ વટાવવાની કોઠાસૂઝ હોય છે. મારી એક મિત્ર છે કલાબેન. જયાં જાય ત્યાં તેમને કોઈ ને કોઈ ઓળખીતું મળી રહે. તેમના વાક્ચાતુર્યથી તે સૌને પોતાના કરી લેતાં. તેમનો સ્વભાવ પણ પરગજુ. તેમનું વ્યક્તિત્વ એવું કે ક્યાંય ઢાંક્યું રહે. તેમની મોટી આવડત હતી. સહેલાઈથી ઓળખાણો કાઢી તે દરેકના દિલમાં સ્થાન જમાવતા. ક્યાંય કોઈને જરૂર હોય તો કલાબેન હાજર હોય! માત્ર આપવું તે તેમનો સ્વભાવ હતો. ક્યારેય લેવાની દાનત નહીં. ક્યારેય કોઈની પાસે અપેક્ષા કે કોઈની ઉપેક્ષા કરતા નહીં. માટે તેમની પાસે ઓળખાણની મોટી ખાણ હતી.

જીવનનાં દરેક મોડ પર અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ સંપર્કમાં આવતી હોય છે. શાળાકોલેજ દરમ્યાન થયેલી દોસ્તીથી, પરિવારનાં સભ્યો થકી, મિત્રો થકી, અડોશપડોશમાં રહેતી વ્યક્તિઓ દ્વારા, ખરીદી કરતાં કે વિચાર વિનિમય કે સત્સંગ દ્વારા પરિચયની વેલ ફૂટી નિકળે છે. પરંતુ શું ઓળખાણ કાયમી હોય છે? કેટલીક ઓળખાણ જીવનભર ટકે છે તો વળી કેટલીક કામચલાઉ હોય છે. સંબંધોનો પણ ભાર હોય છે. બે વ્યક્તિ કે કુટુંબ વચ્ચે સંબંધ બંધાય છે. સંબંધોમાં પાનખર આવતાં વાર નથી લાગતી. એકપક્ષીય વહેવારથી કે સંબંધોનું સત્વ ઘટતા સંબંધની વેલ સૂકાઈ જાય છે માટે પ્રેમ, વિશ્વાસ, શ્રધ્ધા અને હકારાત્મક અભિગમથી તેને સિંચતાં રહેવું જોઈએ. ઓળખાણ નિભાવવી જેવીતેવી વાત નથી. સંબંધોને ટકાવવા માટે ઘણો ભોગ આપવો પડે છે. સમયથી, પૈસાથી કે શરીરથી કોઈના માટે ઘસાવવાની વૃત્તિ હોય તો ઓળખાણ ટકે છે નહીં તો, તું કોણ અને હું કોણ? આજે જે વ્યક્તિઓ એક થાળીમાં ખાતાં હોય તે સામે મળે તો મોં ફેરવી લે છે. ઓળખાણમાં મોટી ખાઈ નજરે પડે છે જે પાછી ક્યારેય પૂરાતી નથી. ઓળખાણ ક્યાં થઈ શકે છે હવે મનુષ્યની? હવે તો ગાડી,કપડાં અને પગરખાં લોકોની કિંમત નક્કી કરે છે!

આજની દુનિયામાં વ્યક્તિને જ્યાં સમયનો અભાવ છે અને સરળતાથી પોતાને જ્યાં બધું મળી રહેતું હોય છે ત્યાં તેને કોઈની જરુર પડતી નથી. મતલબી દુનિયાનો સ્વાર્થી માણસ પહેલાં વિચારશે કે આમાં મને શું મળશે? મારો ફાયદો કેટલો? નિસ્વાર્થ ભાવે કે પોતે ઘસાઈને સામેનાને મદદ કરનારની દુનિયા હવે નથી રહી. જ્યાં એવી ઓળખાણો વાળા સંબંધો જોવા મળે ત્યારે સમજવું, કોઈ પૂર્વ જન્મની લેણાદેણી હશે. બાકી તો બન્ને પક્ષે બરાબરી હોય તો ઓળખાણો ટકે છે. ઓળખાણ પડછાયા જેવી હોય છે. જેમ અંધારુ થાય અને પડછાયો ગાયબ તેમ જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે ઓળખાણો ગાયબ થઈ જાય છે. “જ્યાં મધ હોય ત્યાં મધમાખીઓ બણબણે” વાત ઓળખાણ માટે લાગુ પડે છે. જો તમે કોઈના જીવનમાં પ્રકાશ ના લાવી શકો તો કોઈ તમારો ભાવ ના પૂછે.

મુસીબતમાં કામ આવે તે સાચી ઓળખાણ. ઓળખાણ હંમેશા લાભદાયી બને તે જરુરી નથી. એક મિત્ર ઈન્કમટેક્ષ ઓફીસર હતો. બીજા મિત્રની તમામ વિગતો જાણતો હતો. વખત આવે તેના ઘેર રેડ પાડી. પોલીસ ઓફીસરની મૈત્રી પણ ક્યારેક જોખમમાં મૂકે છે. બહુ સિધ્ધાંતવાળી વ્યક્તિ સાથેની ઓળખાણ પણ ક્યારેક જોખમમાં મૂકી શકે.

આજના ડીજીટલ યુગમાં વોટ્સએપ અને ફેસબુકનાં ચક્કરોમાં યુવાનો માટે ઓળખાણ કરવી ખૂબ સરળ છે. ઈઝીલી ફ્રેન્ડ અને અનફ્રેન્ડ કરવું, તેમજચટ મંગની ને પટ બ્યાહકરવો અને બ્રેકઅપ કરવું, કેટલું સહેલું થઈ ગયું છે? કામ પૂરતી ઓળખાણ અને પછી બાયબાય કહેતાં આજનો યુવાન અચકાતો નથી. ઓળખાણની ઘનિષ્ઠતા અને પરિપક્વતા રહી નથી.

કોઈ ઓળખાણ સિધ્ધિનાં શિખર સર કરાવે તો કોઈ પતનની ખાઈમાં ધકેલી દે. કોઈ ખરાબ વ્યક્તિની સંગતે ચડેલો માણસ આખા ખાનદાનને બરબાદ કરી દે. “સંગ તેવો રંગ ઓળખાણ માટે કહેવાય છે. સત્સંગી તેમજ આદર્શવાળી તેમ કામની વ્યક્તિઓની ઓળખાણ જીવનમાં રાખવી જોઈએ. દરેક ઓળખાણથી મનુષ્ય શીખે છે. કઈ ઓળખાણને કેટલી નજીક રાખવી તે તમારા ઉપર નિર્ભરિત છે.

ઓળખાણ વગરનો માણસ એકલો અટૂલો રહે છે માટે એકલતા દૂર કરવા ઓળખાણ કરવી રહી. શાસ્ત્રમાં કહ્યું છે, “એકેન વિજ્ઞાતેન સર્વં વિજ્ઞાતમ્ ભવતે.જગતને ઓળખવા માટે પહેલાં આત્માને ઓળખવાની જરુર છે. જો આત્માને ઓળખશો તો જગતને ઓળખશો. એટલેકે વ્યક્તિએ પોતાની જાતને ઓળખવાની જરુર છે. તો સમજાશે કેઓળખાણ મોટી ખાણ છે“.

૯ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ધરમીને ઘેર ઘાડ, અધરમીને ઘેર વિવાહ

ધરમીને ત્યાં ધાડ અને અધરમીને ઘેર કુશળ એટલે નીતિમાન માણસોને દુઃખ અનુભવવું પડે છે જ્યારે અનીતિવાળા માણસો આનંદ કરે છે. આ વાત કર્મનાં સિધ્ધાંતની બિલકુલ વિરુધ્ધ છે. ભલા ધર્મનું આચરણ કરનાર ક્યારેય દુખી હોઈ શકે ખરો? કર્મનો સિધ્ધાંત કહે છે, “જેવું કરો તેવું પામો”, “જેવી કરણી તેવી ભરણી”, “જેવું વાવો તેવું લણો”. તો પછી પ્રશ્ન થાય છે કે ધરમીને ઘેર ધાડ અને અધરમીને ઘેર વિવાહ, મંગળ એવું કેમ?

સમાજમાં મોટા ભાગે એવું જોવા મળે છે કે ધર્મ, નીતિ અને ન્યાયનો પથ કાંટાળો હોય છે. તેના પર ચાલનાર દુઃખી થતો દેખાય છે. જ્યારે અધરમીને ઘેર કહેવાતું સુખ, મોટર-બંગલા, નોકર-ચાકર અને સમૃધ્ધિની રેલમછેલ જોવા મળે છે ત્યારે ઈશ્વર પરની શ્રધ્ધા ડગુમગુ થાય છે. આથી સામાન્ય માણસ અનીતિ કરવા પ્રેરાય છે. સરળતાથી પ્રાપ્ત થતી સિધ્ધિ કોને ના ગમે? પરંતુ એમ કહેવાય છે, “સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય”. લક્ષ્મી આઠ પ્રકારની હોય છે. એમાં જે કાવાદાવા કે અનીતિથી પ્રાપ્ત થયેલી હોય તે લક્ષ્મી માણસને પચે નહીં. લાંબે ગાળે તે તેનું રુપ બતાવે છે અને જેવા રસ્તે આવે છે તેવા રસ્તે ચાલી જાય છે.

ઈશ્વરને ન્યાયી કહેલ છે. સર્વોત્તમ, સર્વોચ્ચ ન્યાયાધીશ એવા ઈશ્વર માટે કહેવત છે, “ઈશ્વરને ઘેર દેર છે પણ અંધેર નથી.” આ બધામાં કર્મનો સિધ્ધાંત કેન્દ્રમાં રહેલો છે. સારા કર્મનું સારુ ફળ અને ખરાબ કર્મનું માઠું ફળ, સમાજમાં ઘેરઘેર જોવા મળે છે. ઉદાહરણો શોધવા જવા પડતાં નથી.પરંતુ ઘણી વખત પહેલી દ્રષ્ટિએ દેખાય છે ધરમીને ઘેર ધાડ અને અધરમીને ઘેર દિવાળી. પરંતુ વ્યક્તિનાં સમગ્ર જીવનનું દર્શન કરીએ તો જણાય છે કે નીતિ અને ધર્મનું પાલન કરનાર વ્યક્તિ ક્યારેક દુઃખના દાવાનળમાં ફસાયેલો હોય છે પરંતુ ઈશ્વર તેનો અદ્દભૂત રીતે બચાવ કરીને જીવનમાં ન ધારેલી સફળતા અપાવે છે. આ વ્યક્તિ રાત્રે શાંતિથી સૂઈ શકે છે. આવી વ્યક્તિ કર્મના સિધ્ધાંત અનુસાર આ જન્મે કે પૂર્વજનમમાં કરેલાં કોઈ સંચિત ખરાબ પાપકર્મોને કારણે દુઃખી થાય છે. પરંતુ તે કર્મનું ફળ ભોગવી લે એટલે તેના સારા કર્મોના ફળ ભોગવવાનું નસીબ જાગે છે. તેવી જ રીતે અધર્મીએ પૂર્વ જન્મમાં કરેલાં સારા કર્મોના ફળ આ જન્મે તે ભોગવે ત્યારે તે સુખી દેખાય છે પરંતુ આજીવન અધર્મ અને અનીતિ આચરતાં તેનું જીવન અને મૃત્યુ દુઃખદ રહે છે. આ એક સનાતન સત્ય છે. અધર્મનો અંત કેવો આવે છે તે આપણે સૌ જાણીએ છીએ. મહાભારતના યુધ્ધથી આપણે ક્યાં અજાણ છીએ? શ્રી કૃષ્ણ પણ ધર્મના પક્ષે હતાં. કૌરવ પક્ષે અઢાર અક્ષૌહિણી સેના હોવા છતાં અંતે તેઓની હાર થઈ હતી.

એક સરસ વાર્તા છે. એક બહેન રોજ એક રોટલી વધુ બનાવે અને બારી પર મૂકે. એક બાબા રોજ આવે. રોટલી લે અને બોલે, “તારું ખરાબ કરેલું તારી પાસે રહેશે અને તારું સારું કરેલું તને પાછું આવીને જરુર મળશે.” રોજ આ સાંભળીને આ બહેન ઈરીટેટ થતી કે આ બાબા ગજબ છે, રોજ એના માટે ખાસ રોટલી બનાવું છું તો થેન્ક યુ કહેવાને બદલે આવું કેમ બોલે છે? મેં ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? તે ચીડાઈ ગઈ અને ગુસ્સામાં આવીને મનમાં બોલી, કે આમાંથી છૂટકારો મેળવવા ઝેર ભેળવીને રોટલી બનાવું. બનાવી પણ ખરી અને તે ઝેરી રોટલી બારીમાં મૂકી. ત્યાં જ અંદરથી અવાજ આવ્યો,”આ તું શું કરે છે? તું કોઇનો જીવ લે છે.” તેણે તરત જ રોટલી લઈ લીધી અને સારી રોટલી બનાવીને બારીમાં મૂકી. બાબા આવ્યા. રોટલી લઈને પહેલાની જેમ જ બોલીને ચાલતા થયા. પરંતુ તેણે તેની દરકાર ના કરી. આ બહેનને એક દીકરો હતો જે ઘણાં સમયથી બહાર ગયો હતો. પણ કોઈ સંદેશ ન હતો. તે ચિંતિત રહેતી. અચાનક ડોરબેલ વાગે છે. જુએ છે તો તેનો દીકરો સામે ઉભો હતો. તે ખૂબ જ અશક્ત અને દુબળો લાગતો હતો. પૂછતાં ખબર પડી કે તે જે દેશમાં હતો ત્યાં યુધ્ધની પરિસ્થિતિ હતી. દુશ્મનો પાસેથી જેમતેમ કરીને તે ભાગી આવ્યો હતો. તેણે કહ્યું, “મને ભૂખથી ચક્કર આવતા હતા. રસ્તામાં એક બાબા મળ્યાં મેં ખાવાનું માંગ્યું. તેમના હાથમાં એક રોટલી હતી જે મને આપી.કદાચ એને કારણે હું ચાલીને આવી શક્યો. એ બાબાએ કહ્યું,”તારું ખરાબ કરેલું તારી પાસે રહેશે અને તારું સારું કરેલું તને પાછું આવીને જરુર મળશે.” માને વાત સમજાઈ ગઈ. માએ પ્રભુનો આભાર માન્યો, સારું થયું કે તેણે ઝેર વાળી રોટલી બારીમાં મૂકી ન હતી.

કેટલી સુંદર વાર્તા? આપણે કોઈનું સારું કરીએ અને થાય કે ક્યાં એની કદર થાય છે? અને સારું કરવાનું છોડી દઈએ પણ સારાશની કદર થાય કે ના થાય, સારા કે ખરાબ કર્મો હરીફરીને બૂમરેંગની જેમ પાછા આવેજ છે. રોપેલું કર્મનું બી વૃક્ષ બનીને યોગ્ય સમયે ફળ આપેજ છે. ધરમીને ઘેર ક્યારેય ધાડ ના હોઇ શકે! આ કર્મનો સિધ્ધાંત સૂચવતી નિવડેલી કહેવત છે.

૮ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

કોઠી ધોયે કાદવ નિકળે

કહેનારે સરસ કહ્યું છે, જીવનમાં ક્યારેક સોનાની દાબડીમાંથી પથરા મળે છે તો ક્યારેક ફાટ્યાં-તૂટ્યાં ચીથરાંમાં કિંમતી રત્ન વીંટાળેલું મળી જતું હોય છે પરંતુ કોઠી ધોઈને તો કાદવ જ નીકળે. કોઈપણ વસ્તુમાં ઝાઝા ઊંડા ઉતરીએ તો કોઠી ધોઈને કાદવ કાઢવા જેવોજ ઉદ્યમ થાય છે. માટે નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી જોઈએ નહીં. કુપાત્ર માટે કરેલાં સારાં  પ્રયત્નો સારું પરિણામ આપતા નથી માટે આ કહેવત અસ્તિત્વમાં આવી છે. કોઠી એટલે અનાજ, પાણી, વગેરે જેમાં ભરી શકાય તેવું માટીનું પોલું, કાચું યા પકવેલું સાધન. પાણી ભરેલી કોઠીમાં કાદવ હમેશા તળિયે જ હોય. ઉપર તમને કાચ જેવું સ્વચ્છ પાણી જ દેખાય. જેમજેમ અંદર પ્રવેશ કરો તેમતેમ પાણી ડહોળાતું જાય અને છેલ્લે કાદવ જ મળે.

કોઠી ધોઈને કાદવ કાઢવાનું સ્થળ એટલે ગામની ચોકડી, ગામનો ચોરો, પાનનો ગલ્લો, પોળ, સોસાયટીનું નાકું કે મંદિરનો ઓટલો. કહેવત છે, “જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોયજ”. જ્યાં પોઝિટિવ હોય ત્યાં નેગેટિવ હોયજ. ઘણાંને આદત હોય છે કોઠી ધોઈને કાદવ કાઢવાની. આ ટેવ નકારાત્મકતા સૂચવે છે. ઘણા તેનો પાશવી આનંદ પણ લે છે. આ મનુષ્યનો સ્વભાવ છે.

ભારત બહાર સમાજથી દૂર રહેતી વ્યક્તિઓમાં આ દૂષણ ઓછા પ્રમાણમાં પ્રસરેલું હોય છે. પરંતુ જ્યારે નવા સમાજમાં પણ સંબંધોના મૂળ ઊંડા જાય ત્યારે આ કહેવત સડો  ઘાલે છે. કારણકે શરૂમાં વ્યક્તિની પોઝિટિવ બાજુ એટલેકે ગુણો દેખાય, પરંતુ જેમ તેની નજીક જાઓ તેમ તેની નેગેટિવ બાજુ એટલેકે દોષો દેખાવાનાં શરુ થાય, અને છેલ્લે કાદવ જ મળે. કારણકે વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ હોતી નથી.  ગુણ-દોષથી ભરપૂર હોય છે. નહિ તો દેવ ના થઇ જાય? અરે! દેવોમાં પણ દોષો હતાં. એક માત્ર ઈશ્વર સંપૂર્ણ છે. માનવ માત્ર અધૂરો! કહેવત છે, “ડુંગરા દૂરથી રળિયામણાં.” આકાશમાં હેલીકૉપ્ટરમાંથી નીચેના ડુંગરા જોશો તો હરિયાળી દેખાશે. સપાટ મેદાન લાગશે. પરંતુ જો ત્યાંજ લેન્ડિંગ કરો તો ખાડા-ટેકરા નજરે પડશે. કોઠી ધોશો તો કાદવ તો નીકળશે જ. તો ભલા કોઠી ધોવાની જરૂર જ ક્યાં છે? ઉપર તરતું કાચ જેવું પાણી જુઓ. તેમાં રહેલી સારી વસ્તુને જાણો, માણો, શીખો અને વિકસો.

કોઈ વ્યક્તિની અંદર ઉતરવાની કે તેની જનમકુંડળી કાઢવાની જરૂર ક્યાં છે? આજકાલ લોકોને ગોસિપમાં આનંદ આવે છે. ખાસ તો, અભિનેતા માટે તેના અભિનયનું મહત્વ છે, નહિ કે તેનું નિજી જીવન. તેવી રીતે કોઈપણ પંથ કે ધર્મનાં વડાની વાણીમાંથી જ શીખવાનું છે. ઘણા કથાકારો, નેતા, અભિનેતાનાં જીવનના ચળકતા ભાગની બીજી બાજુ ખરબચડી હોય છે. “દિવા તળે  અંધારું”જ હોય. આવા સમયે સારાસારનો ભેદ પારખીને, નીર-ક્ષીરનો વિવેક રાખીને, હંસવૃત્તિ રાખીએ તે જરૂરી છે. બધે જ સફાઈ શક્ય નથી કે બધે જ કાર્પેટ પાથરવી શક્ય નથી. જરૂર પડે ગંદકીથી બચવા જોડા પહેરવા પડે છે. વળી કુપાત્ર માટે કરેલાં  સારા પ્રયત્નો સારું પરિણામ આપતા નથી. એ એનો રંગ બતાવીને જ રહે છે.

ધર્મની બાબતમાં પણ એવું જ છે. ધર્મમાં મહત્વ ઇતિહાસનું નથી, નીતિ અને અધ્યાત્મનું છે. ગીતાના તત્વજ્ઞાનને કૃષ્ણની ઐતિહાસિકતા સાથે સંબંધ નથી. રામની ઐતિહાસિકતા કરતાં રામાયણનો સંદેશ વધુ મહત્વનો છે. તેવું જ ઈસુનું છે. બાઇબલ ઈશ્વરકૃત મનાય છે. પરંતુ સેંકડો વર્ષોથી તેમાં સુધારા વધારા થતાં આવ્યાં છે. માટે જ ઘરડાંઓ કહે છે, આપણે રોટલા સાથે નિસ્બત રાખવી, નહીં કે ટપટપ સાથે.

આજની વિકલ્પની દુનિયામાં કોઠી બદલતાં વાર નથી લાગતી. કોઠી ધોવાની જરુર જ ના પડે. તળિયે પહોંચવાની તો વાત જ ક્યાં? કાદવ નિકળવાનો સવાલ જ ના રહે. જ્યાં સંબંધોની જડ મજબૂત ના હોય, સતત બદલાતું જીવન હોય, સંબંધો અને સરનામું જરૂરિયાત મુજબ બદલાતા જતા હોય ત્યાં વ્યક્તિની અંદર ઉતરવાની જરૂર જ ઉભી ના થાય. અને ડુંગરા તો દૂરથી રળિયામણા જ લાગે. ભારત બહારના દેશોમાં નોકરી, સરનામાં સતત બદલાતાં રહે છે. યુવા પેઢી સાથે પરિવારનાં સભ્યો પણ પરિવર્તન અપનાવીને ચાલે છે. વળી સમયનો અભાવ હોય. જેને કારણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સંબંધ કે પરિસ્થિતિની નજીક આવીને ઊંડા ઉતરે તે પહેલાં બદલાવ આવે છે જેથી કાદવનો અનુભવ કે કોઈને મૂલવવાનો સમય જ નથી રહેતો. ઉન્નતિ અને વિકાસ માટે આગળ વધવા દરેક પ્રકારનાં પૂર્વગ્રહોને છોડીને આજની પેઢી આગળ વધી રહી છે જે આવકાર્ય છે. બાકી કોઠી ધોયે કાદવ જ નીકળે એ હકીકત છે.