આ મહિનાનો વિષય -કવિતા(13,14) પદમા-કાન

કવિતા 

“સ્વપ્ન કે આશિષ? લખતાં બની ગઈ કવિતા”!

ના કોઈ આ સ્વપ્ન હતું,ના સ્વપ્નમાં પણ સોચ્યું હતું

પ્રતાપભાઈ ની પુસ્તક પરબે,મળતા સહુ  સાહિત્યની બેઠકે

ચકળવકળ  ફરતાં નેણ,પ્રજ્ઞાને ના પડતું ચેન

તરસ્યાં આવે પીવા પાણી બેઠકમાં સહુ સુણતાં વાણી,

શું કરું “”તો સારું” પ્રથમ વિષયે વિચાર્યું,

ચરતાં ચરતાં વિચાર્યું, “સંવર્ધન -માતૃભાષાનું” મહાગ્રંથમાં ઉતાર્યું,

એ ગ્રંથમાં અમને ઉતાર્યા! ને અમે?અમે સહુ ઉચકાયા!

“સંવર્ધન-માતૃભાષા”નું થાય,મા સરસ્વતીનું પૂજન થાય!

’સંવર્ધન-માતૃભાષા”મા સહુ મલકે,છલકે,ઝલકે  

પ્રવીણ પ્રજ્ઞા,હેમ કિરણે,વિજયનો ઘંટ રણકે

ઝીલવા પ્રભુની આશિષ,આતુર સહુ નત મસ્તકે!

આનંદે,આનંદે,આનંદે.

પદમાં-કાન  

******************************************

“ઈશારો કુદરતનો” કવિતા

પ્રેમ પ્રકૃતિનો છે ગાઢો સંબંધ,જળવાઈ રહે સારું જગ તેમાં અકબંધ

વર્ષા પહેલા વાદળ ગરજે ,ગર્જના સાથ વીજળી ચમકે

શક્ય છે કે કાળા કાળા વાદળમાં વીજળી ચમકે? હા

ભાવી ચમકે વીજળીના ચમકારે, ઢોલ નગારા  વાદળના ગડગડાટે,

તો એ માનવ કાં ન સમજે ?એજ ક્રમતો તેના જીવનમાં સર્જે!

વરસતાં પહેલાં વર્ષાને પણ ખુબ તપવું પડે છે

અગ્નિ પરીક્ષા સૂર્યની ટોચ પર લઈ જાયે

એટલું જ નહિ ત્યાંથી પડતું મુકાવે, એને જ માનવ સુખની હેલી સમજે

ધીર ધરે,સમતા રાખે નીરીક્ષણ કરે ,વાગોળે

તો કાં ન પામે ? માનવ,ઈશારો કુદરતનો? જરૂર પામે!

પદમા-કાન

આ મહિનાનો વિષય -કવિતા(11,12) જો – તો – ડો. ઇન્દુબાલા દીવાન

ઇન્દુબેન આપનું બેઠકમાં સ્વાગત છે.
મિત્રો બેઠકના નવા સર્જક ઇન્દુબાલા દિવાન ને આવકારશો ,એમનું સમસ્ત જીવન ગુરુકુળનાં શિક્ષક અને પ્રોફેસર તરીકે પસાર થયું છે. એમણે સાહિત્યમાં Ph.D કર્યું છે. હાલ ૭૯ વર્ષે પણ લેખન તથા વાંચનનો એટલો જ શોખ છે.અને સર્જકો આપનો હુંફાળો આવકાર પ્રતિભાવમાં દાખવશો.
જો – તો 
                                                    સૂંઘવાનો જો ખરો સંબંધ છે
                                                                તો
                                                     આકડાનાં ફૂલમાં યે ગંધ છે.
                                                     સ્પર્શવાનો જો ખરો ઉમંગ છે
                                                                  તો
                                                     કંટકોમાં યે મખમલી સંસ્પર્શ છે.
                                                     દ્રષ્ટિને માંડ્યા તણો જો તંત છે
                                                                   તો
                                                      કીકીયુમાં યે ભર્યા નવરંગ છે.
                                                     કાળને વાગોળવામાં જો સંગ છે
                                                                   તો
                                                      પાનખરના છમ્મ લીલા રંગ છે.
                                                                                             ડો. ઇન્દુબાલા દીવાન
                                                   પ્રેમની ગતિ 
                                               ——————–
                                        ઘડીક આમ અને ઘડીક તેમ,
                                        કેવી ગતિ ધરાવતો હોય છે પ્રેમ
                                        ક્યારેક એવું ઘેરાય છે આભ
                                        જાણે હમણાં તૂટી પડશે અનરાધાર
                                        ત્યાં તો બીજી જ ક્ષણે વીખરાય
                                        સૌ સાજ અને ઉતરે કાળ કરાલ
                                         એક તારું યે કેવું રૂપ છે પ્રિય
                                         ક્યારેક છલોછલ ક્યારેક ખાલી .

આ મહિનાનો વિષય -કવિતા(10) સરયૂ પરીખ

-એક વેંત ઊંચી-

અસુખ   અડકે  ના  મારે  અંતરે
જીવન  ઝંઝાળ  જાળ  જગત  રે
ઉડતી  રહું  એક  વેંત  ઊંચી   કે,
સરતી    રેતીની   સરત  સેર  રે

સરખા   ઉજાસ   મારે   આંગણે
નહીં  રે  પડછાયા  મારી  પાંપણે
પહેલા   આપીને  લીધું   આપણે
છૉડીને    સ્વાર્થ   દહર   બારણે

વટને   વેર્યુ   રે   ઉભી   વાટમાં
માફી  લળી  મળી હળી  વાસમાં
ઈશના    અનેક   રૂપ    રાસમાં
એક એક  શ્વાસ એના  પ્રાસમાં 

ક્ષણ  ક્ષણના  સ્પંદનો  સુગંધમાં
નવલ  નવા  સર્જન  શર  બુંદમાં
છોપહેરી  ઓઢી   ફરૂ  વૃંદમાં
એકલી   મલપતી    મનૉકુંજમાં

                                       ——–    “અખંડ આનંદ” જુન ૨૦૧૬

સરત=સ્મૃતિદહર=દિલ, શર=પાણી

આ જગતે સુખમાં રહેવાનાં અનેક રસ્તાઓ દર્શાવતી સરયૂબેન ની કૃતિને જેમ વાંચતો ગયો તેમ સમજાતુ ગયું કે સુખ તો ધરબાયુ છે મનોકુંજમાં અને તેને પામવાનાં રસ્તાનો ઉઘાડ નીકળે છે પહેલી કડીમાં

ઉડતી  રહું  એક  વેંત  ઊંચી   કે,
સરતી    રેતીની   સરત  સેર  રે

જીવન તો ઝંઝાળ ઝાળથી ભરેલું છે. તે ઝાળ ના લાગે તે માટે તેનાથી એક વેંત ઉંચી ચાલે છે અને સંસાર તો સદા સરતો રહે છે તેની સાથે સરતા રહેવું બુધ્ધિમાની છે

બીજી સરળ રીત આજમાં રહેવામાં માનતા તેઓ કહે છે સરખા ઉજાસ મારે બારણે નહીં કોઇ પડછાયા (ભૂતકાળ) મારી પાંપણે…

સરખા   ઉજાસ   મારે   આંગણે
નહીં  રે  પડછાયા  મારી  પાંપણે

ત્રીજી રીત એવી કહી કે જે સંસારની રીત કરતા ઉંધી છે. લોકો પહેલા આપો વાળી વાત કરે છે જ્યારે કવયિત્રી કહે છે ..

પહેલા   આપીને  લીધું   આપણે
છૉડીને    સ્વાર્થ   દહર   બારણે

ચોથી વાત વટને વેરવાની છે.. જે સહજ નથી..કારણ કે સ્વમાન ક્યારે અભિમાન માં ફેરવાઇ જતું હોય છે તે સંસ્કાર ઘડતર અને સ્વભાવાધિન હોય છે. માફી માંગી  હેતે મળી સાથે રહેવામાં અનન્ય સુખ છે

વટને   વેર્યુ   રે   ઉભી   વાટમાં
માફી  લળી  મળી હળી  વાસમાં

આ બધુ કરવા મન ને કેળવવાની વાત બહુ સહજ રીતે કહે છે ..દરેક જણ ઇશનો અંશ છે.તેમ સમજીને કે મન ને સમજાવી કરવા જેવું બધું કરો..રહો સૌ સાથમાં પણ એકલી મલપતી  રહું મનો કુંજમાં

ક્ષણ  ક્ષણના  સ્પંદનો  સુગંધમાં
નવલ  નવા  સર્જન  શર  બુંદમાં
છોપહેરી  ઓઢી   ફરૂ  વૃંદમાં
એકલી   મલપતી    મનૉકુંજમાં

બહુ સરસ વાત! અભિનંદન અને સલામ તમારા કવયત્રિ કમેને

આ મહિનાનો વિષય -કવિતા(9) રોહિત કાપડિયા

માનનીય પ્રજ્ઞાબેન,
                 કુશળ હશો. આ મહિનાનો વિષય છે ‘કવિતા’ .ખેર ! કવિતાના બદલે કવિતા અંગેની એક નાનકડી વાર્તા મોકલું છું.
                                                                                              રોહિત કાપડિયા
                                                                 કવિતા
                                                             —————-
                      એક મહિનામાં જો ઓપરેશન ન કરાય તો એક અકસ્માતમાં સ્વર ગુમાવી બેઠેલી એની કોકીલકંઠી પુત્રી સ્મિતાનો અવાજ કાયમ માટે ખામોશ થઈ જાય એમ હતું. ડોક્ટરે કહેલા ઓપરેશનનાં ખર્ચ માટેનાં લાખ રૂપિયા ક્યાંથી ભેગા થશે એની જ એને ચિંતા હતી. માંગવું એનાં સ્વભાવમાં ન હતું. પચાસ હજાર તો એની પાસે હતાં અને એને વિશ્વાસ હતો કે બાકીનાં પચાસ હજારનો બંદોબસ્ત ઈશ્વર જરૂરથી કરી આપશે. આજે સવારે જ કુરિયરમાં આવેલાં ‘ફૂલછાબ’ સાપ્તાહિકનાં સંપાદકના કાગળે એની શ્રદ્ધા દ્રઢ બની. સંપાદકે કાવ્ય મહોત્સવ માટે નવી કવિતા ગીત, ગઝલ, હાયકુ કે અછંદાસ રૂપે લખીને મોકલવા માટે જણાવ્યું હતું. પ્રથમ નંબરે આવનાર કવિતા માટે રૂપિયા ૫૧૦૦૦/- નું ઇનામ હતું. દસ જ દિવસમાં હરીફાઈ પૂર્ણ થવાની હતી. મનોમન એને પોતાની બધી જ કલ્પના શક્તિનો ઉપયોગ કરી એક સર્વશ્રેષ્ઠ કવિતા રચવાનું નક્કી કર્યું. એ  વિચારોની દુનિયામાં ખોવાય ગયો.
બે દિવસ વિતી ગયાં પણ એ કવિતા લખવામાં નાકામિયાબ નીવડ્યો. ઘણાં વિચારો આવે અને જાય ,એકાદ બે લીટી લખાય પણ રચના આગળ જ ન વધે. આજે જો કવિતા  મોકલાય તો જ  યોગ્ય સમયે પહોંચે એમ હતું. અફસોસ !એ કંઈ પણ લખવામાં સફળ ન થયો. આ સ્થિતિને પણ એને ઈશ્વરની મરજી ગણીને સ્વીકારી લીધી અને સંપાદકને કાગળ લખી દીધો –
                     માનનીય સંપાદક,
                                      કુશળ હશો. આપે મને યાદ કરી કવિતા મોકલવા કહ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ! આ વખતે હું કવિતા નથી મોકલતો કારણ કે ——-
                                            સહજમાં સ્ફુરી જાય તે કવિતા,
                                            સાવ અચાનક લખાય જાય તે કવિતા,
                                            આંસુની કલમે રચાઈ જાય તે કવિતા,
                                            લોહીનાં લાલ રંગે રંગાઈ જાય તે કવિતા,
                                            મોતીરૂપે શબ્દોમાં ગૂંથાઈ જાય તે કવિતા,
                                            ખુશી લયબદ્ધતામાં અંકાઈ જાય તે કવિતા,
                                           સુખ-દુખના તાણાવાણામાં વણાઈ જાય તે કવિતા,
                                           મૌનની ભાષાએ સમજાઈ  જાય તે કવિતા,
                                            શ્રધ્ધાનાં સુમનોથી મહેંકાઇ જાય તે કવિતા,
                                            પ્રેમની પવિત્રતાએ પ્રસરી જાય તે કવિતા,
                                             સમર્પણની સુવાસે મહોરી જાય તે કવિતા,
                                             હૃદયનાં આક્રોશમાં ઠલવાઈ જાય તે કવિતા,
                                             વેદના વ્યથામાં વિસ્તરી જાય તે કવિતા,
                                             ભીતરનાં ઊંડાણેથી પ્રગટી જાય તે કવિતા.
કવિતા ન મોકલી શકવા બદલ આપની માફી ચાહતો,
                                                           હમદર્દ
                      આ વાતને દસ દિવસ વિતી ગયાં. પૈસાનો બંદોબસ્ત હજુ થયો ન હતો. તો યે એને ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ હતો. અચાનક જ એનાં ફોનની ઘંટડી વાગી અને સામે છેડેથી ફૂલછાબના સંપાદકે કહ્યું “આપે કવિતા ન મોકલાવીને પણ કવિતાની સાચી સમજ આપતી ગદ્ય-પદ્ય રચના મોકલાવી હતી તેને પ્રથમ પુરસ્કાર મળે છે. પુરસ્કારની રકમનો ચેક રવાના કર્યો છે. “મનોમન ઈશ્વરનો આભાર માનતાં એને સંપાદકને ધન્યવાદ કહ્યાં અને એનાં મુખમાંથી સહજ રૂપે શબ્દો સર્યા –
                      આશાનો દીપ પ્રગટાવી જાય તે કવિતા,
                      અદ્રશ્ય હાથોથી લખાઈ જાય તે કવિતા . “
     ****************************************************************************************************
                                            સહજમાં સ્ફુરી જાય તે કવિતા,
                                            સાવ અચાનક લખાય જાય તે કવિતા,
                                            આંસુની કલમે રચાઈ જાય તે કવિતા,
                                            લોહીનાં લાલ રંગે રંગાઈ જાય તે કવિતા,
                                            મોતીરૂપે શબ્દોમાં ગૂંથાઈ જાય તે કવિતા,
                                            ખુશી લયબદ્ધતામાં અંકાઈ જાય તે કવિતા,
                                           સુખ-દુખના તાણાવાણામાં વણાઈ જાય તે કવિતા,
                                           મૌનની ભાષાએ સમજાઈ  જાય તે કવિતા,
                                            શ્રધ્ધાનાં સુમનોથી મહેંકાઇ જાય તે કવિતા,
                                            પ્રેમની પવિત્રતાએ પ્રસરી જાય તે કવિતા,
                                             સમર્પણની સુવાસે મહોરી જાય તે કવિતા,
                                             હૃદયનાં આક્રોશમાં ઠલવાઈ જાય તે કવિતા,
                                             વેદના વ્યથામાં વિસ્તરી જાય તે કવિતા,

                                              આશાનો દીપ પ્રગટાવી જાય તે કવિતા,
                                              અદ્રશ્ય હાથોથી લખાઈ જાય તે કવિતા . “

રોહિત કાપડિયા

આ મહિનાનો વિષય -કવિતા(8) દર્શના ભટ્ટ

-વિચાર –
——–
ગત-આગત-અનાગતના
વિચારોનું કરું હું સ્વાગત
ગમે ત્યારે,ગમે તે ક્ષણે
બારણે પડતા ટકોરાનું સ્વાગત.

આવી આવી સમૂહ ધારે
સમૂહ બનતું ટોળું
ટોળામાં થાય ધક્કામુક્કી
એનાથી હું ત્રાસુ

કોઈ કોઈ સરળતાથી
શબ્દ દેહ ધારે ,વળી
કોઈ પ્રસવ પીડા ભોગવે
કોઈ કાપાકાપીનો ત્રાસ સહે
તો કોઈ બાળમરણને પામે…

આમ જ ” શબ્દોનું સર્જન ” માં
મારા જોડકણાં પ્રગટે
હવે..હવે મને થોડા થોડા ગમે.
તમને ?

-દર્શના ભટ્ટ-

આ મહિનાનો વિષય -કવિતા(7) વિજય શાહ

એજ લક્ષ્ય..

પ્રભુ દરસની પ્યાસ વધી
પ્રભુમાં સમાવાની આશ વધી
દયા કર હે કૃપાળુ પરમાત્મા
મુક્તિ તણી ઉત્તમ આશ વધીસમજાયુ નિરર્થકપણું સંસારનું
વેરા આંતરાનું ગણિત સંસારનું
ખાલી હાથનું આવાગમન બધું
ફક્ત સહાય તારી જ ખરે સાચી

આયુષ્ય મળ્યુ તો તેને માણવું
રીત તો છે તે સાવ જ ખોટી
જે પ્રભુએ ત્યાગ્યુ તે પરનો મોહ
વિપરીત બુધ્ધી ભવાટવી જોગ.

મારું મારું જ્યાં કર્યુ તે તો ગયું
જાગ્યાત્યારે સમજાયું તે શમણું
ક્ષણનો પણ હો ના પ્રમાદ હવે
ભવાટવીની મુક્તિ એજ લક્ષ્ય

આ મહિનાનો વિષય -કવિતા(6) -રશ્મિ જાગીરદાર-

નસીબનાં  માર્યા

માડી,

તમે ક્યાં બોલાવ્યાં તાં, અમને?
પણ અમે તો,
બસ આવી પહોંચ્યા,
અમારા નસીબનાં માર્યાં.
બાપુ,
તમે ય ક્યાં ઝંખ્યા’તા, અમને ?
કિન્તુ; અમે તો,
મળી ગયાં  તમને,
વિધીના લેખથી  હાર્યાં.
લો હવે,
ખોળામાં લઇ જરા,
વ્હાલથી નિહાળો  મુજને,
માથે હાથ ફેરવી પસવારો  મુજને
ને ખુબ  વ્હાલથી નવડાવો નર્યા.
તમારું જ લોહી છું,
તમારો જ અંશ છું.
તમારા જ પ્રેમનું,
પહેલું પ્રતિક છું તોય,
આવડાં  શા  આંસુડા  સાર્યા?
જાણું છું મુજ પહેલાં,
 પહેલે ખોળે,
ભાઈલો ઝાખતા’તા તમો
હું ય ઝંખુ જ છું.
દુવા ય દઉં છું કે,
હું ય બનીશ,
કંકુ પગલી,ને,
સમજો જોડમાં ભાઈલા પધાર્યા.
મુજને જગ દેખાડવાનું,
ઋણ છે ચુકવવાનું,
તો વચન છે મારું કે,
ભૈલા ને ભાગ દેજો,
ભણતરને સાથ દેજો ,
મુજને બસ પ્રેમ-અમી-ધારા,
હું તો સિંચીશ  આપણ પ્રેમનાં ક્યારા.
-રશ્મિ જાગીરદાર –

જળ વિના જીવન -હેમંત ઉપાધ્યાય

કરે  છે  ચિત્કાર    દીકરી , મને   આવવા    તો   દો

એક વાર  આ   ધરતી ને    નમન   કરવા  તો     દો

બાપ  ના  ઉર મહેલ   માં  , આનંદ નૃત્ય  કરવા તો  દો

એની   મિત્ર  થઇ ને એનું   ,જીવન    સજાવવા  તો  દો

કરી    વિદાય  મને  ,   આંખ  ના પાણી  વહેવા   તો  દો

દીકરી વિના  ડૂબી  ગયું   વિશ્વ ,  આંખ ને  કહેવા તો  દો

બે બે   પરિવાર ને  મન મૂકી   મને , મહેકાવવા    તો   દો

નારી છે  વિશ્વ   નું   આભુષણ ,  અમને  મલકવા    તો  દો

જેણે   રોક્યો   દીકરી  અવતાર ,એને   નરક માં જવા તો  દો

દીકરી વિના નો સંસાર ,પાણી વગર નો સાગર  કહેવા તો  દો

દીકરી છે સ્વર્ગ    ધરતી નું  , એ   વાત   અનુભવવા    તો  દો

દીકરી વિનાનું ભવન ,ને જળ  વિનાનું  જીવન   સહેવા   તો  દો

હેમંત   ઉપાધ્યાય

1065  W.HILL CT

CUPERTINO      CA  95014

USA

ઉલ્લાસ કરીએ-નટવરભાઈ ગાંધી

નટવરભાઈ ગાંધી નું  આ સુંદર ભાવ સભર સૉનેટ માણવાની સાથે શીખવા  મળે તેવું છે.

નટવરભાઈ આપનો આભાર

ઉલ્લાસ કરીએ

અહીં આજુ બાજુ જગત વસતું ત્યાં જ વસીએ,

વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,

સુખી દુઃખી, ઘેલા, સમજુ, સલુણા, કૈંક નગુણા,   

બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.

અહીં આજુ બાજુ જગત વસતું ત્યાં જ વસીએ,

ન કે એવું ક્હેતો બધું જ બધું છે સારું સરખું,

વળી જાણું છું કે વિષમ ઘણું ને વિષ પુરતું,    

પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.     

અહીં આજુ બાજુ જગત વસતું ત્યાં જ વસીએ,

પશુ, પંખી, પુષ્પો, તરુ, પરણ, ને અદ્રિ ઝરણાં,  

રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ મતિ ને દ્દષ્ટિ ધરીને,   

બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.     

અહીં આજુ બાજુ જગત વસતું ત્યાં જ વસીએ,

હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.

નટવરભાઈ ગાંધી

આ મહિનાનો વિષય -કવિતા(5) એકતા

 નમસ્કાર. .!
મારું નામ એકતા છે.
આપના બ્લોગ ‘શબ્દો નું સર્જન’ ના જૂન,2016 ના વિષય ‘કવિતા’ માટે
સ્વરચના રજૂ કરું છું….

‘દિલ થી…’

કોરા કોરા શબ્દ મઢેલી
વાત હ્રદય ને કેમ અડે?
એ માટે તો લાગણીઓમાં
ખુદને તરબોળ થાવું પડે..

ખાલી ભાવ વિનાનું ‘ગણતર’
દિલ થી દિલમાં કેમ વટે?
એ માટે તો વાતની પાછળ
મર્મ ને પામવો જ ઘટે..!

ફરી-ફરી ફરિયાદો કરવી
સંબંધ આમાં કેમ ટકે?
કીધાં કવેણ થઇ કાતર કાપે
મન નો મનથી મેળ અટકે.

સારું નરસું દેખાય નહિં કાંઈ
ધૂંધ હવે આ કેમ મટે?
હૈયા-વરાળ ના ઝાંકળમોતી
વીણવાં જ પડશે એ માટે.!

રૂંધે પ્રગતિ પોતાના જ તો
પગ-પગ કઠિનાઈ કેમ હટે?
સંપ હૂંફ ને પ્રેમ નિરંતર
નિ:સ્વાર્થ જોઇએ એ માટે!
-ઈલુ