મોજ મજા અને જલસા…આ ત્રણેય સુખી પરિવારના સગાં ભાઈઓ સમાન છે. અને કાળ એ એમની માસી બા..હંમેશા ખોડખાપણ કાઢ્યા જ કરે. જેને જીવનમાં મજા જ કરવી છે એને કોઈ જાતની સમસ્યા જ નથી કોઈ ફરિયાદ જ નથી. જેમ અંતર માપવા માટે મીટર, કિલોમીટર વપરાય, વજન માપવા ગ્રામ, કિલોગ્રામ વિગેરે વપરાય, તેમ જો સુખ અને દુઃખ માપવાના પણ આવા કોઈ એકમ હોત તો આપણે આવા સુખી દુઃખી લોકોનો પણ એક અલગ સંસાર કે સમાજ બનાવી દઈએ!
વાણીયા, બ્રાહ્મણ, શીખ, મુસ્લિમની જેમ જ સુખી, દુઃખી, મિડલ ક્લાસ સુખી, મિડલ ક્લાસ દુઃખી, વટલાયેલો સુખી, વટલાયેલો દુઃખી વિગેરે..
વિશેષ તો મને ખબર નથી પણ મારા અનુભવથી મેં આવા સુખી-દુઃખી માણસોને તોલે તેવો માપદંડ શોધી કાઢ્યો છે. પોતાના જીવનમાં માણસ જેટલી અને જેવી ફરિયાદ કરે તે જ તેનું માપદંડ.
ઓછી ફરિયાદ કરે તે મધ્યમ વર્ગનો સુખી, વધુ ફરિયાદ કરે તે અમીર દુઃખી અને સાવ ફરિયાદ જ ન કરે તે પરમ સુખી. વાત થોડી ભારી છે. પણ જેને સમજાઈ જાય એને આભારી છે.
જેની પાસે કશું જ હોતું નથી છતાંય તેને દરેક ક્ષણ ખુશીઓથી સંપન્ન લાગે છે. ફરિયાદ જેવી ચીજ એને યાદ જ નથી આવતી. અનેક લોકો એવા છે જેના દીવસની શરૂઆત જ ફરિયાદથી થાય છે. ઉનાળામાં તડકો નડે તો ચોમાસામાં ખાબોચિયાં નડે અને શિયાળામાં હાડકાં જકડાઈ જવાની ફરિયાદ હોય. એકેય ઋતુમાં એમને ફાવટ ન આવે.
હમણાં થોડાં દિવસ પહેલાં એક બેન મારી ઓફિસે આવ્યાં હતાં. હજી ઉનાળાની શરૂઆત નથી થઇ. છતાંય એમનાં સ્વભાવને હું પારખું છું એટલે એમનાં આવતા પહેલાં જ મેં એરકંડીશનનું તાપમાન ૧૬ ડિગ્રી કરી નાખ્યું. અને ધાર્યું તે જ થયું થોડીક જ વારમાં તે બહેન સાડીના છેડાને ગોળ-ગોળ ફેરવી પોતાને જ પંખો નાખવા લાગ્યા.
એમની કડકડતી કલકત્તી સાડીમાં જેટલી છાંટ હતી તેટલી વખત તો એ બોલી જ ગયા હશે કે “મૌલિકભાઈ, હવે તો ઉનાળામાં ત્રાસી જવાના હોં…મારાથી ગરમી સહન જ નથી થતી..” મારેય મનમાં બોલાઈ ગયું કે મારાથી તમે સહન નથી થતા.
આપણે સુખી દુઃખીનો માપદંડ તો જોયો હવે તમને આવા ફરિયાદી દુઃખી લોકોને ઓળખવા કઈ રીતે તેની સીધી અને તદ્દન સહજ રીત બતાવું. તમે ઑબ્ઝર્વ કરજો ફરિયાદી લોકોના મોંઢા હંમેશા વાંકા જ હશે. એમનાં હોઠનો ભાગ ચગદાયેલો જ હશે. એનું કારણ છે કે એમનું મોં કાયમ ફરિયાદ કરવા જ ખૂલ્યું હોય છે. એ એમનામાં કોઈ ખોડખાંપણ નથી પણ એમનાં વિચારો જ લૂલા છે. હવે તો આવાં માણસોથી ગૂગલ પણ ત્રાસી ગયું છે.
સુખી માણસનું મોઢું ખૂલે ત્યારે વાતાવરણ ખીલે. કારણકે તેમાં ફરિયાદ જેવી કોઈ ગંધ જ નથી હોતી.
એની પાસે ગાડી ન હોય પણ એ દરેક ક્ષણને ઉજવવા રેડી હોય.
તે વ્યક્તિ પાસે બંગલો કે ફાર્મ હાઉસ ન પણ હોઈ શકે પણ તે ઘરમાં ટીંગાવેલ નાનકડા હીંચકા પર બેસીને આખા વિશ્વની સફર કરી શકે.
એનું મન તો વાંચન, ચિત્રકામ, સંગીત કે યોગ જેવી પ્રવૃતિઓમાં જ વ્યસ્ત હોય.
એ સુખી જીવ પાસે ફરિયાદ કરવાનો સમય જ ન હોય. માત્ર જીવવાની અમર્યાદિત ક્ષણો હોય.
સાચો સુખી જીવ જોવો હોય તો વરસાદની મોસમમાં જયારે ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે રોડ પર સૂતા મજૂરના દીકરાને જોજો.
ખરેખર તો ઈશ્વર એની મોજ જોઈને જ એનાં માટે વરસે છે.
આપણને માત્ર વરસાદ પડે છે એનો ભ્રમ જ છે. આપણને વરસાદ પડી ગયાં પછી જે ખાબોચિયું અને કીચડ થશે એની ચિંતા હોય છે. જયારે એ ઓચિંતા મળેલ વરસાદની એક એક ક્ષણ માણે છે. માટે જ આપણા માટે વરસાદ પડે છે અને એનાં માટે વરસે છે!
આજથી જ આપણે નિર્ણય કરીયે કે આજથી “નો ફરિયાદ”…
- મૌલિક વિચાાર