જ્યાં માનવ હોય ત્યાં બોલી હોય અને બોલી હોય ત્યાં કહેવતો સરળતાથી પ્રગટ થઈ જાય છે. વિશ્વનો કોઈપણ ખૂણો હોય, કહેવતોનો રોજીંદી વાતચીતમાં છૂટે હાથે ઉપયોગ થતો હોય છે. વિશ્વની એવી કોઈ ભાષા નહીં હોય કે જેમાં કોઈ કહેવત નહીં હોય. વિદેશી કહેવતોમાં પણ આપણી જેમ ત્યાંની વિશિષ્ટતા જોવા મળે છે. કહેવતો માણસનો સ્વભાવ, અનુભવો, ત્યાંના રીત રિવાજ કે ભૌગોલિક પરિસ્થિતિને પ્રદર્શિત કરે છે. કહેવતો લોકજીવનનું પ્રતિબિંબ કહેવાય. વ્યક્તિ, વસ્તુ કે સંજોગોને સચોટ, સ્વાભાવિક, ભાવવાહી બનાવવાનું કામ કહેવતોનું છે. જરૂરી નથી કે દરેક કહેવત બોધ આપી જાય છે.
જે તે કહેવત કોણે શોધી? કહેવતનું જન્મ સ્થળ કયુ? હા, કહેવતની ભાષા પરથી જે તે દેશની કહેવત છે તે ચોક્કસ ખબર પડે છે. કહેવત સદીઓ પહેલાં શોધાયેલી. પહેલાં શહેરો ન હતાં, ગામડા હતાં. ગામડાની ભાષા સૈકાઓ પહેલાં જે સહજ રીતે બોલાતી તેને ગ્રામીણ બોલી, સહજ વાણી, તળપદી ભાષા કહેવાય. દરેક બોલીની તળપદી ભાષામાં જે કહેવતો બોલાતી, જે સાંપ્રત ઘટનાઓ અને જીવનની ઘટમાળને વણી લેતી તે આજે પણ સાંભળવી ગમે છે, કાનને મીઠી લાગે છે. અસલ જૂના ગરબા, લોકગીતો, ચાબખા, ફટાણા, લગ્ન ગીતો તળપદી ભાષામાં બનેલાં છે, જેમાં ઝૂમવું દરેકને ગમે છે. કહેવત, બોલીએ બોલીએ બદલાય છે. એમાં નવો શબ્દ કે ભાવ ઉમેરાતો રહે છે. એક મોંઢેથી બીજે મોંઢે અને એક કાનથી બીજે કાન વાત વહેવા માંડે ત્યારે પૂછવું જ શું? “વાતનાં વડા થાય”, “વાતનું વતેસર થાય” અને અર્થાંતરો પણ થાય. તેના પઠનમાં પણ ફેરફારો જોવા મળે. પરંતુ એક વાત નક્કી કે તેને સમજાવવા કોઇ અલંકારોની જરૂર પડતી નથી.
તો ચાલો, આપણે કેટલીક તળપદી કહેવતોને માણીયે જેમ કે, “વાંદરી નાચે ને મદારી માલ ખાય”, “જીવતાની ગણતી ને મુઆની ભરતી” (જીવતા વાહવાહી કરે ને મર્યા પછી ભૂલી જાય). પુષ્ય નક્ષત્રમાં વરસાદ પડે તો ભૂખ ભાંગે તેવું ધાન પાકે તેને તળપદી ભાષામાં “વસે પોખ તો મટે ભોખ” કહેવાય. “બુદ્ધિના બામની બોબડી બંધ” (ભલભલા બુદ્ધિશાળીની પણ વાણી બંધ થઈ જવી). “લંકાની લાડી ને ઘોઘાનો વર”, “મારીએ તીર લાગે ફુલ”. “તું કોથળા જેવો છે, વેચું તો ચાર આના ય ન આવે” (તું ડફોળ છે, તારામાં અક્કલ નથી). “ચપટીમાં જીવ”, “પગનું ખાસડું પગમાં શોભે, માથે નહીં” (જ્યાં જેનું સ્થાન હોય ત્યાં જ તે શોભે). “ટોપીમાં ત્રણ ગુણ, નહીં વેરો નહીં વેઠ”, “બાવો બાવો સૌ કરે ને સુખે ભરીએ પેટ”, “કાં તો બાપ દેખાડ, કાં શ્રાદ્ધ કર”. “નદીના મૂળ અને ઋષિના કુળ ના શોધાય”, “બોડીને ત્યાં વહી કાંહકી કેવી?”, “શિંગડે ઝાલો તો ખાંડો, પૂંછડે ઝાલો તો બાંડો”, “ગાય ઉપર પલાણ” (ઉંધી રીતની સવારી), “ભેંસને ચાંદરો પાડો, એ એંધાણીએ કણબી વાડો” (કણબીવડાની એંધાણી – ઓળખાણ), “ગામનો હાકેમ ખીજે ત્યારે લોઢાના ચણા ચવરાવે” (ગામધણી હુકમના અમલમાં કડક હોય ), “ગોલિયામાં જમવું અને પાંચ પાટલા માંડવા” (વગર નોતરે જમવા જવું ને પહોળા થઇને બેસવું). “બગાસુ ખાતા પતાસુ પડ્યું” (વિના પ્રયત્ને મોટી સફળતા મળી જવી) જેવી રમૂજી કહેવતો પણ બની છે. હવે તો સોફ્ટવેર એન્જિનિયરીંગની કહેવતો પણ બની છે.
કહેવતોની ખરી મઝા યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવાની છે પછી તે ભાષા ચરોતરી, કચ્છી, પારસી, હુરટી, ફારસી, ચીની કે ગમે તે હોય. ટૂંકમાં “બાર ગાઉએ બોલી બદલાય” એમ કહેવત પણ બદલાય છે. મળીયે આવતા અંકે.