પાત્ર
પાત્ર એટલે ઠામ, વાસણ. નદી કે તળાવ વગેરેનું પટવાળું તળ (જેમાંથી પાણી વહ્યે જતું હોય), ભાઠું, નદીનાં ૨ કાંઠા વચ્ચેનો પટભાગ, કથા કે વાત (નાટકાદિ)માં આવતી કોઇપણ વ્યક્તિ, અભિનેતા, નટ, નાટ્યરચનામાં તે તે કૃતિમાંની તે તે વ્યક્તિનો અભિનય માટેનો સ્વાંગ. યોગ્ય લાયક અધિકારી, ગણિકા, વેશ્યા, નાચનારી સ્ત્રી, અમાત્ય, રાજમંત્રી, ચાર શેરનું માપ, આઢક, જલાધાર સ્થાન, પત્ર, પાંદડું, પાપમાંથી રક્ષણ કરનાર માણસ, સ્ત્રુવો વગેરે યજ્ઞનું ઉપકરણ, વિદ્યા વગેરેથી યુક્ત યોગ્ય બ્રાહ્મણ વગેરે. અંગ્રેજીમાં પાત્ર એટલે ‘fit’, ‘worthy’, ‘deserving’, ‘vessel’, ‘pot’, ‘bed or channel of river’, ‘plate’, ‘dish’, ‘receptacle’, ‘actor’, ‘dramatist persona’, ‘character’, ‘drinking vessel’, ‘qualified person’.
પાત્ર અનેક પ્રકારનાં હોય છે. માટી, લાકડું, ધાતુ, કાચ, સોના, ચાંદી, હીરા, મોતીજડિત પાત્રો પણ હોય છે. શ્રીકૃષ્ણે કર્ણ પાસે હીરાજડિત પાત્ર માંગ્યું હતું જેનો મહાભારતમાં ઉલ્લેખ છે. સોના, ચાંદી, તાંબા, પિત્તળ તેમજ કાંસાનાં પાત્રનો પૂજામાં ઉપયોગ થાય છે જ્યારે ઍલ્યુમિનીયમ, લોખંડનાં પાત્રો પૂજા અર્ચનામાં વર્જિત છે. સમાસમાં દાન-પાત્ર, ભિક્ષા-પાત્ર વગેરેનો ઉપયોગ થાય છે. તેમજ વિશ્વાસ પાત્ર, વિવાદને પાત્ર, ભૂલને પાત્ર, સજાને પાત્ર, અક્ષયપાત્ર, ગૌરક્ષાપાત્રમાં ‘પાત્ર’ શબ્દનો ઉપયોગ કરાય છે.
હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓમાં બતાવે છે કે ઉપદેશ માટે પણ યોગ્ય પાત્ર જોઇએ. ગુરૂ પણ ચેલાને, તેની પાત્રતા જોઇને જ દિક્ષા આપે છે. દીકરા કે દીકરીની પરણવા યોગ્ય ઉંમર થાય એટલે યોગ્ય પાત્રની શોધ શરુ થઇ જાય છે. વાર્તાનું સર્જન પાત્રોથી થાય છે. રૂપેરી પડદા કે તખ્તા પર અમુક પાત્રો ઘણું બધું શીખવી જાય છે. ભૂતકાળમાં ભજવાયેલાં અને પુરાણો તેમજ ગ્રંથોમાં લખાયેલાં એવાં ઘણાં પાત્રો છે કે જે કાલ્પનિક હોવા છતાં લોકોનાં માનસપટ પર કલ્પના અને હકીકત વચ્ચે જીવંત બનીને વિચરતા હોય છે. એક સફળ અભિનેતા બનવા માટે માત્ર અભિનય કરવાં કરતાં એટલેકે પાત્ર હોવાનો ઢોંગ નહીં કરતાં, પાત્રમાં પ્રવેશ કરીને ખુદ પાત્ર બની, પાત્ર સાથે એકરૂપ થઇ જઇને પાત્રને જીવંત કરવાનું હોય છે. હંમેશા આદરને પાત્ર બનવું, મજાકને પાત્ર નહીં.
આપણે પાત્ર ભજવવા જ જન્મ લીધો છે. કેટલાંક પાત્ર એવાં હોય છે કે ‘અધૂરો ઘડો છલકાય’ એ કહેવતને સાચી પાડે. ઇશ્વર પાસે, ગુરુ પાસે કે કોઇપણ વ્યક્તિ પાસે જ્યારે કોઇપણ વસ્તુની માંગણી કરીએ ત્યારે આપણું પાત્ર ખાલી, સ્વચ્છ અને છિદ્ર વગરનું હોવું જરૂરી છે. સૂરદાસજીએ તેમનાં પદમાં કહ્યું છે, ‘બડે ભાગ માનુસ તનુ પાવા’. અગાધ જળરાશિ ધરાવતો સમુદ્ર કે જેનાં ઉંડાણમાં ભાતભાતનાં અણમોલ, અગણિત રત્નો છૂપાયેલાં હોય છે. માટે સંસ્કૃતમાં તે ‘રત્નાકર’નાં નામે ઓળખાય છે. પરંતુ ક્યારેય તે પોતાની રત્નસમૃધ્ધિનો દેખાડો કરવાની તુચ્છતા આચરતો નથી. સાગર એવું પાત્ર છે જે ક્યારેય સૂકાતો નથી. વળી તે ક્યારેય મડદાંનો સંગ્રહ કરતો નથી. ભરદરિયે ડૂબેલાં માનવીનો મૃતદેહ પણ કિનારે લાવીને ફગાવી દે છે. આ થઇ સાગરની પાત્રતા. માનવે પણ પોતાનું જીવન ગુણરૂપી રત્નોથી અલંકૃત બનાવી દોષોને ફગાવી દેવાં જોઇએ. એક શ્રોતાએ પ્રશ્ન કર્યો, શ્રીકૃષ્ણનાં વાંસળી વાદનથી સમગ્ર વૃક્ષો લીલાંછમ બની જાય છે પરંતુ વાંસળી ખુદ કેમ સૂકી રહે છે? જવાબમાં કથાકારે કહ્યું કે વાંસળી પોલી હતી, તેનામાં છેદ હતાં જેનાથી તે શ્રીકૃષ્ણનાં શબ્દોને પકડી ના શકી, શબ્દો બહાર નીકળી ગયાં. પરિણામે વાંસળી સૂકી રહી ગઇ. માણસે પણ જ્ઞાન મેળવવા, ખુદને ખુલ્લું, ખાલી તેમજ મલિનતા અને છિદ્રવગરનું રાખવું જોઇએ. ‘હું’ નો અહમ્ અધોગતિ તરફ લઇ જાય છે માટે જ સૂરદાસજીએ ‘જેહિ તન દિયો તાહિ બિસરાયો, ઐસો નમકહરામી’ કહીને માણસને ચેતવણી આપી છે.
પાણીનો ગુણધર્મ છે, પાત્ર પ્રમાણે તે પોતાને ઢાળે છે એમ સમય સંજોગો મુજબ માનવે પોતાને ઢાળવો જોઇએ. બાવળનો ધૂમાડો આંખ બાળે અને સુખડ સુગંધિત કરે તેમ આપણે ખુદ કેવું પાત્ર બનવું છે તે નક્કી કરવાનું છે. મન અવશ્ય બોલી ઉઠશે,
‘ખુદી કો કર બુલંદ ઇતના કે હર તદબીર સે પહલે, ખુદા બંદે સે ખુદ પૂછે, બોલ તેરી રઝા ક્યા હૈ …’