૨૪ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

કર ભલા, હોગા ભલા

આ કહેવત ભલું કરવાનું કહે છે. “કર ભલા તો હોગા ભલા, જીવનકે જીનેકી યે હૈ કલા.” આ ભજન અમદાવાદના સત્સંગ પરિવારનાં નમ્રતા શોધનના મોંઢે એક વિડીયોમાં સાંભળ્યું. તેઓ નડિયાદમાં ડાયાલીસીસના પેશન્ટને આ સંભળાવતાં હતાં. તેઓ ભજન સંભળાવીને પેશન્ટની સારવાર કરે છે. કેટલું સુંદર તેમનું વિઝન છે? ભજનના શબ્દો સાથે પેશન્ટની જીવવાની ઉમ્મીદનો તાર જોડાયેલો રહે છે અને એ પેશન્ટ જેટલું પણ જીવે, તેને જીવતો રાખવામાં આ મદદ કરે છે. મનુષ્યની ભીતર પહેલેથી જ રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ એટલે ધર્મ. દરેક જીવમાં પરમાત્માનો વાસ છે. બીજાનું ભલું કરીને મનુષ્ય તેની ભીતર રહેલ પરમાત્માને ભલાઈ દ્વારા પ્રગટ કરે છે. દરિદ્ર, મંદબુદ્ધિવાળા, દિવ્યાંગ, અભણ, અજ્ઞાની, દુઃખી અને જરૂરિયાતમંદોની સેવા કરવી એ જ સાચો ધર્મ છે.

ગર્ભવતી સ્ત્રી ધાર્મિક પુસ્તકોનું વાંચન ગર્ભકાળમાં કરતી હોય છે માટે બાળક માના પેટમાંથી ભલું કરવાના સંસ્કાર લઈને આવે છે. ભલું કરવું એ માત્ર અમીરોનો ઈજારો નથી. એક ગરીબ, ફૂટપાથ પર રહેતી વ્યક્તિ પણ ભીખમાં લાવેલી વસ્તુ વહેંચીને ખાતો હોય છે. આ માનવધર્મ સાથે સંકળાયેલ વાત છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ભલું કરતી હોય છે. તેને નાત, જાત, ધર્મ કે દેશની સીમા સાથે કોઈ સંબંધ નથી. અરે! એક બાળક તેની પિગી બેંકમાંથી પૈસા કાઢીને અન્યને મદદ કરવા તૈયાર થઈ જાય છે. કોઇનું પણ ભલું કરવા માટે પ્રેમથી છલોછલ અંતઃકરણ જરૂરી છે. જો આપણે પ્રભુને સમર્પિત થઈશું તો જ પ્રેમ જાગૃત થશે. એક માનવ બીજા પાસે પ્રેમની ડૉરથી જ ખેંચાઈને આવે છે. રાગ-દ્વેષથી પર જઈને શ્રદ્ધા, સેવા, સમર્પણ અને સકારાત્મકતા પર જીવનની ઈમારત ટકેલી હશે તો ભલું કરતા કોણ રોકશે?

આ કહેવત કર્મનો સિદ્ધાંત સૂચવે છે. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, માનવ જેવું કર્મ કરશે તેવું ફળ પામશે. દરેક ધર્મનો કથાસાર આ જ કહે છે. ભલું કરે તેનું ભલું જ થાય છે. “સારા કર્મો કરો.” આ ત્રણ શબ્દોમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. બાજરી વાવ્યા પછી ઘઉં ઉગ્યા હોય એવું સાંભળ્યું નથી.

સાધુશ્રી બ્રહ્મવિહારીદાસજીએ સરસ વાર્તા કહી છે. ૩૫ વર્ષ સુધી એક કારીગરે શેઠનાં અનેક મકાનો બાંધ્યા. શેઠ ખૂશ હતાં. કારીગર ખૂબ જ હોંશિયાર હતો. એક દિવસ તેણે નોકરી છોડવાની વાત કરી. શેઠે કહ્યું, તું નોકરી છોડે તે પહેલાં મને, તારા હાથે છેલ્લું કામ કરી આપ. જતાં પહેલાં એક મકાન બનાવી આપ. કારીગરે આનાકાની કરી. મને જવા દો. શેઠે કહ્યું, તું તારા વતનમાં ખુશીથી જા પણ મારું આ વચન રાખ. કારીગરને મનમાં થયું, શેઠ જતાં જતાં પણ હેરાન કરે છે. તેની નકારાત્મકતા તેના કામમાં આવી. ભલીવાર વગરનું મકાન નિર્માણ કરી તે શેઠ પાસે ગયો અને કડવાશથી કહ્યું કે, શેઠ, તમે મારી પાસે જતાં જતાં વૈતરુ કરાવ્યું છે. શેઠને ખબર ન હતી કે તેણે મકાનમાં વેઠ ઉતારી છે. શેઠે ખૂશ થઈને કારીગરને મકાનની ચાવી સોંપતા કહ્યું, તેં અત્યાર સુધી સુંદર મજબૂત મકાનો મારા માટે બાંધ્યા છે. માટે કાયમી ભેટ તરીકે આ મકાન હું તને આપું છું. શેઠની આ આકસ્મિક ભેટની વાતથી કારીગરને થયું, મેં આ શું કર્યું? જેવું આપશો તેવું પામશો. ૧૪ વર્ષના નચિકેતાને, તેના પિતા, યમરાજને આપી દે છે ત્યારે તે પોતાના સકારાત્મક વિચારોથી યમરાજને પણ ખૂશ કરી દે છે. દિલ દઈને કરેલા કર્મનું ફળ હંમેશા શ્રેષ્ઠ જ હોય છે.

સમાજની અંધારી બાજુ પણ છે. કર્મયોગી રવિ કાલરા કહે છે કે આપણા સમાજમાં શ્રવણની સાથે એવા સંતાનો પણ છે કે જે વૃધ્ધ મા-બાપની પીટાઈ કરે છે, ઓરડામાં પૂરી દે છે, દવા ના કરાવે, ખાવા ના આપે. તેમની સંસ્થા આવા અનાથ અને બેસહારા માબાપોની સેવા કરે છે. જેમના શરીરમાં કીડા પડ્યા હોય, કપડા વગર ફૂટપાથ પર પડ્યા હોય તેમને રાત્રે લઈ આવે છે. એવા સંતાનો પણ છે જે માબાપના અસ્થિ લેવા આવતા નથી. તેવા લાવારીસ શબના અંતિમ સંસ્કાર તેઓ કરાવે છે. કાળઝાળ ગરમીમાં વિનામૂલ્યે પાણીની પરબ ઉભી કરવી, મૂંગા પશુ-પક્ષી માટે પાણી, ચણ કે ઘાસચારો પૂરો પાડવો, આમ ભલું કરનારની ભલાઈ ઈશ્વર જુએ છે. વળી, “કર ભલા, હોગા ભલા”ના મંત્રબળથી અનેક ગામોમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર કેળવણીના શિલ્પીઓને વંદન. અનેક દાતાશ્રીઓ આ ક્ષેત્રે ભલાઈનું કામ કરે છે જેનાથી કેળવણીનો મહાયજ્ઞ ચાલુ રહે છે. આમ લોકકલ્યાણના ભેખધારી સમાજમાં ઘણાં છે.

ક્યારેક લાગે છે કે આપણે જેનું ભલું કર્યું હોય તે જ આપણું બુરુ કરતો હોય છે. આપણે ક્યારેય કોઈના માટે ખાડો ખોદ્યો ન હોય, પણ આપણને ખાડામાં ધકેલી દેતાં અચકાય નહીં તેવી વ્યક્તિ પણ જીવનમાં મળે છે. કર્મની થીયરીની વાત ખૂબ ગહન છે. પરંતુ આ અનંત બ્રહ્માંડમાં તમારાં કર્મના પડઘા પડે જ છે. હા, તેનો સમય, સ્થળ, સંજોગો અને પ્રમાણ ઈશ્વર નક્કી કરે છે. આ માનવું જ પડે છે. ઉપનિષદ વગેરે શાસ્ત્રો પણ આ જ કહે છે. જ્યારે તમે જે ભાવથી ભક્તિ, દાન, સેવા કરો છો એ અનંતગણું બનીને તમારી પાસે પરત આવે છે. પોતાની આવકનો અમુક ભાગ જરૂરિયાતમંદો માટે વાપરવો એ દરેક ધર્મ કહે છે. ખાસ તો તમારા પરસેવાના પૈસાથી તમે જ્યારે કોઈને મદદ કરો છો ત્યારે તમારી મદદની સુગંધ ચોમેર ફેલાતી હોય છે. આત્માને ભલાઇ કર્યાની એક અજબ આનંદની અનુભૂતિ થતી હોય છે.