માનનીય પ્રજ્ઞાબેન,
કુશળ હશો. આ સાથે વિદેશમાં સ્થાયી થનારની મનોદશા દર્શાવતી એક વાર્તા મોકલું છું.યોગ્ય લાગે તો સ્વીકારશોજી.
ભગવાન
————-
કોમ્પ્યુટરમાં સ્નાતકની પદવી મેળવ્યાં બાદ વધુ અભ્યાસાર્થે ગૌતમ અમેરિકા આવ્યો હતો. ભણીને ભારત પાછા ફરવાનો પાકો નિર્ધાર હતો. ખેર! માસ્ટરની પદવી મેળવ્યા બાદ ઊંચા પગારની નોકરીની ઓફર મળતાં એણે પોતાનો નિર્ધાર થોડો આગળ ઠેલવ્યો . અમેરિકાના એશો આરામ અને સુખ સગવડ એને ગમવા લાગ્યાં . જો કે સાંજના કામ પરથી ઘરે પાછાં આવ્યાં પછી ઘણીવાર એને એકલતા સતાવતી. મમ્મી ,પપ્પા ,ભાઈ, બહેન ,સ્વજનો અને દોસ્તોની યાદ એને ઉદાસ બનાવી દેતી. આધુનિક વિજ્ઞાનના કારણે લેપટોપ પર રોજ વાતો થઇ જતી. આજે એનો જન્મદિન હતો. સવારે જ મમ્મીએ પ્રેમ નીતરતાં અવાજે આશીર્વાદ આપ્યા હતાં .પપ્પાએ દર્દ છુપાવીને મક્કમ અવાજે વધાઈ આપી હતી. ભાઈએ દૂર હોવાના અફસોસ ને દિલમાં જ રાખી ખેલદિલીપૂર્વક શુભેછા વ્યક્ત કરી. બહેને મસ્તી ભર્યા પણ ગળગળા અવાજે એનો પ્રેમ જતાવ્યો. તો પણ સ્પર્શના અહેસાસ વગર બધું અધૂરું લાગતું હતું. દોસ્તોના વોટ્સ અપ પર સંદેશાઓ પણ આવી ગયા હતાં . આજે એ ઘરે હોત તો સવારના ઉઠીને દેરાસર પૂજા કરવા ગયો હોત. અહીં તો ત્રણ કલાક ડ્રાઈવ કરીને જવું પડે તો ભગવાનના દર્શન થાય. સાંજની ગમગીની ઘેરી ન વળે તે માટે એ ઘરની બાજુનાં બગીચામાં લટાર મારવા નીકળ્યો.
બગીચાની ઠંડક પણ એનાં મનને પ્રસન્નતાનો અહેસાસ ન કરાવી શકી . એ કંટાળીને ઝાડની નીચેનાં એક બાંકડા પર બેસી ગયો. ફરી પાછો એ વિચારોની દુનિયામાં ખોવાઈ ગયો. એક મન જાણે અહીંથી ભાગી જઈ સ્વજનો પાસે પહોંચી જવા આતુર હતું તો બીજું મન સોનેરી ભવિષ્યનાં સ્વપ્નનો વિચાર કરતું હતું. એ કંઈ નક્કી કરી શકતો ન હતો. ત્યાં જ એનાં મનમાં વિચાર આવ્યો ‘ હું ઘરથી અને મંદિરથી દૂર છું, પણ ભગવાન તો બધે જ હોય છે તો શું અહીં મને ભગવાનનાં દર્શન ન થઇ શકે.’ એની નજર આકાશ તરફ ગઈ. અવનવા આકારો રચતાં વાદળોને જોવામાં એ ખોવાઈ ગયો. એ વિચારી રહ્યો કે ‘ આવાં જ કોઈ આકારોમાં ભગવાનની પ્રતિમાનો આકાર રચાઈ જાય તો અહીં બેઠાં બેઠાં પણ દર્શન થઇ જાય.’ ત્યાં જ કોઈક અજાણ હાથે એને બાંકડા પરથી ખેંચીને દૂર કરી દીધો ને કહ્યું ” માફ કરજે, તારી પાછળ રહેલું તોતિંગ ઝાડ તારા પર પડી રહ્યું હતું તેથી મારે તને ખેંચવો પડ્યો “. ગૌતમ કંઈ સમજે તે પહેલાં તો એ ઝાડ બાંકડા નો કચ્ચરઘાણ કરતું મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઇ ગયું.” ગૌતમ એ ભાઈનો આભાર માને તે પહેલાં તો એ ભાઈ આંખોથી ઓઝલ થઇ ગયાં . ઉપર આકાશ તરફ નજર કરતાં ગૌતમ જોરથી બોલી ઉઠ્યો ” ભગવાન ! પ્રત્યક્ષ દર્શન આપવાં બદલ લાખ લાખ આભાર.” ત્યાં જ એનાં મોબાઈલની ઘંટડી રણકી. ઘરેથી મમ્મીનાં ફોનનો નંબર હતો. એનાં મનમાં વિચાર આવ્યો ‘અત્યારે તો ત્યાં રાતનાં ચાર વાગ્યાં હશે. સવારે જ તો વાત થઇ ગઈ છે તો પાછો અત્યારે ફોન કેમ આવ્યો હશે ‘? કંઈ અમંગળ કલ્પના તેનાં મનમાં આવી ગઈ. ધ્રૂજતા હાથે તેણે ફોન ઉઠાવ્યો.
સામેથી વ્યાકુળ અવાજે મમ્મીએ પૂછ્યું “બેટા, બધું બરાબર છે ને? રાતના ઊંઘમાં અચાનક જ લાગ્યું કે તું બેચેન છે એટલે તને ફોન કર્યો.” ગૌતમે હસીને કહ્યું ” તારા જેવી દેવીનાં આશીર્વાદ જેનાં મસ્તક પર હોય તેને શું થાય? હું એકદમ સરસ છું. તું શાંતિથી સૂઈ જા . સવારે વાત કરીશું.”
બગીચેથી પાછાં ફરતાં ગૌતમ વિચારી રહ્યો હતો ‘ હું કયાં દૂર આવ્યો છું ? બધા જ તો મારી સાથે છે. અંતર વધ્યા પછી તો હું બધાથી વધુ નજીક થયો છું.’ ને ફરી એક વાર ભગવાનને યાદ કરતાં એ ઘરે આવીને ઘસઘસાટ ઊંઘી ગયો.
રોહિત કાપડિયા
Tag Archives: “કયા સંબંધે”
કયા સંબંધે? (24)હંસા પારેખ
આપણા શાત્રો કહે છે કે માણસો એક્બીજાના ગયા જન્મની લેણદેણને હિસાબે આ જન્મમા ભેગા થાય છે. થોડા હંમેશ માટે અને થોડા ઓચિંતાના મળે; થોડીવાર માટે; ને પછી તેઓ પોતપોતાને રસ્તે છૂટા પડે. પતિપત્ની , મા-બાપ,સગાવહાલા,દોસ્તારો વધારે વખત માટે સાથે રહે છે પણ જે લોકો થોડા વખત માટે જ મળે છે ત્યારે પ્રશ્ન થાય કે તે કયા સંબંધે ભેગા થાય છે? આપણે વિચાર કરતાં થઈ જઈએ. એવો એક બનાવ નીચે આપ્યો છે.
અમારું કુટુંબના એક વાર દરિયાકિનારે ફરવા ગયા હતા. અમારા ઘરનાને બધાને દરિયામા તરવાનો શોખ છે. હું તરતી તરતી જરા લાંબે જવા ગઈ અને અચાનક વમળમા સપડાઈ ગઈ. બહાર નીકળવા કોશીશ કરું તેમ વધુ ઉંડી ખેંચાતી ગઈ. ઘરના બધાએ મને લાંબે કિનારા પરથી જોઈ ને ગભરાઈ ગયા; મદદ કરવા ફાંફા મારવા માંડ્યા. પણ એ કામ સહેલું નહોતું.
નસીબ જોગે એક બોટમા બે જણાએ મને જોઈ. તરત જ મારી તરફ આવ્યા ને મને બચાવી.
આના પરથી વિચાર આવે કે ક્યા સંબંધે મને બચાવી? ભગવાને મોક્લ્યા કે મારા ગયા જનમની લેણદેણ !?
હંસા પારેખ
કયા સંબંધે? (23)પી. કે. દાવડા
કયા સંબંધે?
છેલ્લા થોડા વર્ષોથી સંબંધો સંકોચાઈ રહ્યા છે. Single Child Norm માં આજે લોકોને મામા છે તો માસી નથી, ફઈ છે તો કાકા નથી, અને ક્યારેક કાકા, મામા, ફઈ કે માસી કોઈપણ નથી. આજે અમેરિકામાં ઉછરતા ભૂલકાઓ પૂછે છે કે મમ્મી કાકા એટલે તારા ભાઈ કે પપ્પાના ભાઈ?
એ સિવાય પણ છૂટાછેડા અને ફરી લગ્ન સામાન્ય થયા છે. આને લીધે નવા સંબંધો ઉમેરાયા છે. એકવાર કનૈયાલાલ મુનશી એ લીલાવતી મુનશીને કહેલું, “જરા જો તો તારા, મારા અને આપણા લડી રહ્યા છે.”
વર્તમાન સમયમાં પ્રવર્તતા સંબંધો વિષે મેં થોડા છપ્પા લખ્યા છે.
“દાવડા”સમાજમાં ફેરફાર થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,
સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,
રોજે રોજ સંબંધ બદલાય, મૂળ સંબંધમાં લાગી લાય.
કાકા મામા અંકલ થયા, મામી માસી આંટીમાં ગયા,
કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,
દાવડા સંબંધોની ચોખવટ, લાગે સૌને ફાલતુ ઝંઝટ .
દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,
અર્ધા ભાઈ ને અર્ધી બહેન, હવે નથી એ મારો વહેમ,
બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.
સંબંધની વ્યાખ્યા બદલાઈ, નથી જરૂરી કોઈ સગાઈ,
સંબંધો સગવડિયા થયા, નફા તોટાના હિસાબે રહ્યા,
સંબંધોની ન રહી કોઈ જાત, નાત જાતને દીધી માત.
ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,
દાવડા સરકારી કાયદો ફરે, પાંચ વર્ષનો કરાર જે કરે,
ઇન્કમ ટેક્ષમા છૂટ અપાય, જેથી થોડા સંબંધ સચવાય.
અંતમાં સુરદાસે કહેલું જ માનવું પડે કે, “સબસે ઊંચી પ્રેમ સગાઈ”.
-પી. કે. દાવડા
“કયા સંબંધે”(22)અરૂણકુમાર અંજારિયા
નિંદાનો આ ખારો દરિયો
સ્તુતિની મધ મીઠી વાણી,
બંને નકામી છાવણીઓ છે
(આપણે) રાખવી અકબંધ કહાણી ( ન.મો.)
મનુષ્ય અન્ય પ્રાણીઓથી જૂદો પડે છે તેનું મૂળ કારણ તેની સામાજિક અનન્યતા છે.
અન્ય પ્રાણીઓમાં આપત્યભાવ અને સહચર્ય અલ્પજીવી હોય છે જયારે મનુષ્યમાં આવા સંબંધો મૃત્યુ પર્યંત સ્થાપિત થયેલા હોય છે. વળી, મોટેભાગે મનુષ્ય માત્ર બુધ્ધિ કરતાં હ્ર્ય્દયથી વધુ જીવે છે, વધુ જુવે છે, પરિણામે બહુયામી સંબંધોથી બંધાયેલો હોય છે.
પિતા-પુત્રી-માતા-પતિ-ભાઈ-સાસુ-નણંદ અને મિત્રના બહુરંગી વલયો આપણા સમાજને વહાલ, સમર્પણ, ફરજ વ. ની વિશિષ્ટ પરિપાટી અને અનુશાષિતજીવન માટે એક રંગમંચ-stage પૂરો પાડે છે. તમે કેવું પત્ર ભજવો છો તે તમારામાં વિકસીત સંસ્કારો કે ઉછેર પર નિર્ભર છે. અને તેથીજ “મકાન” ને બદલે ‘ઘર’નું હોવું, ‘શાળા’ ને બદલે ‘મૂલ્યો અને જ્ઞાનના સંસ્કારધામનું હોવું’, એ હંમેશ પાયાની જરૂરીયાત રહી છે જે એક વ્યક્તિને તેના સંબંધો માટેની ખાસ તક પૂરી પાડે છે. પણ અહીં મિલન-વિયોગ, સુખ-દુઃખ, સ્વીકાર-રુખસદના સંસારિક વ્યવહારોમાં સપડાયેલાં આપણે, સંબંધોની મૂલવણી અને પાલન પોતાની શક્તિ મુજબ કરતાં કરતાં સ્મરણોની સુખદ કે દુઃખદ યાદો અને તેના આઘાત-પ્રત્યાઘાતોને જોતાં, જીરવતાં જીવનભર વાગોળીએ છે.
કેટલાક સંબંધો સ્વાર્થના કાચા તાંતણે બંધાયેલા હોય છે જે બંધાય છે જલદીથી અને તૂટે છે પણ જલદીથી. અહી છેતરાઈ જનારને પારાવાર દુઃખ અને યાતના ભોગવેજ છૂટકો. આવા સંબંધો માં મિત્ર-મિત્ર વચ્ચેના તેમજ પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધી ફલક વિસ્તરતું જોવા મળે છે. જેમાં દિનપ્રતિદિન વૃધ્ધિ વર્તાય છે અને માવિત્રો-સંતાનો વચ્ચે કે ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધોના કિસ્સા સામાજિક સુરુચિનો ભંગ કરતા જોવા મળે છે.
સંયુક્ત કુટુંબના સહચર્યના કાંગરા એક પછી એક તૂટવાની સાથે વિભક્ત થયેલ કુટુંબમાં મન મિલાપ ની તીવ્રતા પણ ઘટતી જોવા મળે છે. ખાસ કરીને શેહેર જેવા વિસ્તારોમાં આજ કાલ ઘર ખર્ચને પહોચી વળવા અથવા ભૌતિક સુખો ભોગવવા પતિ-પત્ની બંને નોકરી પર જતાં ભારે મોટી સજા બાળકોને ભોગવવી પડે છે, જે આગળ જતાં, બાળકમાં એકલતાથી માંડી તોછડાપાણાંની ભાવના માં વિકસીત થવાની શક્યતા છે.
સંબંધોમાં પડતી નાની તિરાડો છેવટે મોટી થાય છે, અને પછી કોઈ પ્લાસ્ટર તેને સાંધી શકતું નથી.
” જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કડી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા” (વિનોદ ગાંધી)
પણ કોઈ એવા સંજોગો ફરી આવે અને અરસ પરસ ગેર સમજ દૂર થાય તો પછી, પસ્તાવાના ઝરણાંનું પૂછવુંજ શું? કોઈ કવિએ સાચુંજ લખ્યું છે :
“અશ્રુ પછીનાં સ્મિતનું દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પેહેલો ઉઘાડ છે “
સંબંધોમાં નૈતિકતા અને નમ્રતા સાથે નિઃસ્વાર્થપણું મોટો ભાગ ભજવે છે તે સાથે ભાષા જે આહત કરી શકે છે તે સમાધાન પણ કરાવી શકે છે. અહમથી દૂર અને નિસ્વાર્થ વ્યક્તિ હંમેશ અજાતશત્રુ રહે છે અને કોઈ પણ સંબંધ સાચવવા સમર્થ બની શકે છે.
અપેક્ષિત સંબંધોનાં આપણાં આદર્શ ક્ષેત્રો :
મુખ્યત્વે, આપણાં સંબંધોમાં આદર્શવાદ કેન્દ્રસ્થાને રહ્યો છે, પરિણામે વડીલોનું સ્થાન મુખ્ય રેહેવા પામ્યું છે. તેમાં પણ પુરુષ પ્રધાન કુટુંબોમાં તો સવિશેષ સામાજિક અનુશાસનની ભાવના રેહેતી આવી છે. રામાયણના વિવિધ પાત્રો વચ્ચેની કૌટુંબિક ભાવના આપણાં સમાજ નો આદર્શ રહી છે. તે સાથે અન્ય પાત્રો કૃષ્ણ-સુદામાની મૈત્રીનો સુક્ષ્મ પ્રેમ સંબંધ, રામનો આદર્શ પતિ-પુત્ર-ભાઈ અને શાસક તરીકેનો પારદર્શી સંબંધ, સીતાજીની પત્ની અને કુટુંબ તરફની ઉચ્ચ ભાવના, આપણાં સંબંધો માટે હંમેશ માર્ગસૂચક રહ્યા છે. તે સાથે ‘માં’ નું કુટુંબમાં સંસ્કારલક્ષ્મીનું સ્થાન છે, તેથી ‘માં’ જતાં એક શિરોબિંદુમાં બંધાયેલ સંબંધની દોરીઓ છૂટી પડી જાય છે.
આજે વીજાણું વિષયક સુવિધાઓ એક તરફ વિશેષ જ્ઞાન તેમજ સંબંધો જાળવવાના પર્યાય બન્યા છે. ટેલીવિઝન, લેપટોપ કે મોબાઈલે એક તરફ દુનિયા ને સાંકડી બનાવી છે, તો તેમાં ખર્ચાતો સમય કૌટુંબિક વ્યવહારો અને સંબંધો સાચવવાની મોકળાશ પર મોટી અસર પાડે છે. એક બીજા ના ઘરે જવા આવવાની બાબતો હવે અઠવાડિક કે માસિક છપાતાં સામાયિક જેવી બની ગઈ છે. ભારત અને અન્ય તેવા દેશોનું યૌવનધન, પોતાની ક્ષમતાને કારણે વિદેશોમાં સ્થાયી થતાં વિભક્ત કુટુંબો, સવિશેષ વિભક્ત બનવા લાગ્યાં છે. અને ખાસ કરીને ત્યાં ઉછરતાં બાળકો પોતાના અન્ય કુટુંબીઓ સાથે લગાવ ન રાખી શકતાં આ સંબંધો માત્ર નામ પૂરતાજ રહે છે. ક્યાં દરરોજ દાદા-દાદી પાસેથી વાર્તા સાંભળી પુલકિત થતું બાળક અને ક્યાં આઈ-પેડ પર હાથ હલાવતું અને વિસ્મયથી “હાઈ-હેલો કરતું બાળક !!
છેલ્લે એક બની ગયેલ વાત રજુ કરવાનું મન થાય છે :
લગ્નના અઠવાડિયા બાદ નૈષધ અને બીના પોતાના આયોજન મુજબ ઉટી-કોડાઈકેનાલથી મુંબઈ આવી પહોચ્યાં. ત્રણ ચાર દિવસ રોકાઈ અમદાવાદ પરત જવાનો કાર્યક્રમ હતો. બીજા દિવસે ગુજરાતી અખબાર લેવા બંને રેલ્વે સ્ટેશને ગયા અને ત્યાજ બાંકડા પર બેસી બંને છાપાં વાંચવામાં મશગૂલ હતા. પંદર મિનીટ પછી જેવા બાંકડા પરથી ઉઠવા ગયાં ત્યારે જાણ થઇ કે બીનાનું પર્સ કોઈ તફડાવી ગયું હતું !બંને બેબાકળા બની ગયાં …. પર્સનો ખભા પર રાખવા નો પટ્ટો કાપી પર્સ કોઈ સેરવી ગયું હતું !! હવે શું ???
” એટલું સારું કે મારું વોલેટ સહી સલામત છે” નૈષધે પોતાનું ખિસ્સું તપાસી બીના સામે જોયું।
” પણ તેમાં હવે શું પૈસા છે તે તો જુઓ ! “
“મને ખ્યાલ છે કે હોટેલનું બીલ તો ભરી શકીશ હું. તારી પર્સમાં, વળવાની ટીકીટ, એ.ટી.એમ-ડેબીટ-ક્રેડીટકાર્ડ પણ ગયા…. બાપરે ! ભારે થઇ ! “
“તો હવે અહી અજાણ્યાંમાં કરવું પણ શું ? મને મૂર્ખીને એ પણ ન સૂઝયુંકે પર્સ ને આમ લટકાવીને બાંકડે ન બેસાય!”
” હવે અફસોસ કરવો નકામો છે. પોલીસ લફરાંથી કોઈ કાંદો નહીં નીકળે ! હવે આવતા સોમવારે તો મારી રજાઓ પણ પૂરી થાય છે ” નૈષધે કહ્યું
” આપણે રેલ્વેની સાદી ટીકીટ લઇએ તો પણ 800-1000 રૂપિયાની રકમ તો જોઈએજ !” બીનાએ ચિંતા દર્શાવી.નૈષધ-બીના રેલ્વે સ્ટેશનના બાંકડે બેસી હવે પાછું વળવા માટે જોઈતી રકમના વિકલ્પો વિચારતાં હતાં …..
” મારા બે અહીંથી ખરીદેલાં ડ્રેસ, અક્બંધ પડેલ છે, તે પાછા આપી દેશું, તો સેહેજે ચારેક હજાર રૂપિયા તો મળશેજ” બીના એ પ્રસ્તાવ મૂક્યો।
“નાં એવું હરગીઝ નહીં”
“તો બીજો કોઈ રસ્તો પણ નથી ” બીના એ કહ્યું
“હવે તો મિત્રો પૈકી કોઈ એકને ફોન કર્યા સિવાય કોઈ છૂટકો નથી ” નૈષધ એવું કહી ઉઠવા ગયો ત્યાતો બાંકડા ની પાછળના ભાગે બેસેલા 60-65 વર્ષના જૈફ સજ્જને નૈષધના ખભા પર હાથ મુકીને કહ્યું,
“બેટા, ખોટું ના માનતો, પણ હું ક્યારથી તમારા બંનેની વાતો સાંભળતો હતો. તમે બંને મારા સંતાન જેવાં છો, અને મારી મદદ લેવામાં તમને કોઈ હરકત પણ ન હોવી જોઈએ ! હું પણ અમદાવાદનોજ છું. ” ખૂબ સમજાવટ પછી, એક બીજા ના સરનામાંની આપ લે કરી, નૈષધે લોન સ્વરૂપે રકમ સ્વીકારી.અમદાવાદ પહોંચતાંની સાથેજ નૈષધે મુંબઈ ના સરનામે સજ્જનને મની ઓર્ડર કરી દીધો….પણ ….. આશ્ચર્ય વચ્ચે મની ઓર્ડર પરત ફરે છે, જેના પર નોંધ હતી કે ” આ સરનામે કોઈ રેહેતું ન હોઈ પરત કરવામાં આવે છે “
નૈષધ ત્યાર પછી મુંબઈ રૂબરૂ જઈ, પેલા સજ્જને આપેલ સરનામે પણ જઈ આવ્યો, પણ તેના આશ્ચર્ય અને દુઃખ સાથે તેણે જોયું કે ત્યાં વરસોથી કોઈ રેહેતું ના હતું !
નૈષધે મને કહ્યું ” ત્યાર પછી ઘણી વખત હું મુંબઈ જઈ આવ્યો, દર વખતે પેલા રેલ્વે સ્ટેશનના બાંકડાને જોતો, પણ ત્યાં કોઈ ન દેખાતું ! આ વાતને પાંચ સાત વર્ષો વીત્યાં છતાં તે સજ્જનનો દયાળુ ચહેરો યાદ આવ્યા કરે છે. દસ મિનીટનો છતાં કાયમી સંબંધ !!! પેલો ચહેરો, પ્લેટફોર્મ પરનો તે બાંકડો મારું સંભારણું બન્યા છે ! “
આ કયો સંબંધ હતો? …. શું એ માત્ર હૈયાની ભીનાશ હતી ? … ઋણાનુબંધ હતો, ચમત્કાર હતો, કે પછી કોઈ અદભૂત સંબંધનો સાક્ષાત્કાર ? હોઈ શકે પોતાની એકની એક પુત્રીને ખોળતો કોઈ કોચમેન અલીડોસો હતો ? શું એ વર્ષો પેહેલા ગૂમ થયેલ એક ના એક પુત્રને શોધતો કોઈ કમનસીબ પિતા હતો ? …. એ કોઈ પણ હતો, પણ સંબંધ નિભાવી ગયો !!!
- અરૂણકુમાર અંજારિયાનામ : અરૂણકુમાર એમ અંજારિયા – ઉ.વ. ૭૫,મૂળ વતન : ભુજ કચ્છ
- એમ.એ. (ગુજરાતી), બી.એડ નિવૃત્ત : જીલ્લા શિક્ષણ નિરીક્ષક. (૧૯૯૬) Retiered as District Education Officer and recalled by Gujarat Govt. after 5 years of retirement, to a govt project. અન્ય : શિક્ષણ અને સામાજિક વિષયો પર આકાશવાણી – દૂરદર્શન પર પ્રસારણો.વાર્તા લેખન માં પ્રવૃત્ત.
“કયા સંબંધે”(21)કુંતા શાહ
ઉજ્વલ નારીનાં સંસ્થાપક, લતામા સવારે ૭ વાગે પત્રકારોથી વીંટળાયેલા હતાં. આજે, જાનુયારીની ૯મીએ એ સંસ્થા સ્થાપ્યાને પચાસ વર્ષ પુરા થયા હતાં. લતામાની બાજુમાં નિર્મળા એમનો પડ્છાયો બની બેઠી હતી.
અગ્ર પત્રકાર સુધીરભાઇએ શરુઆત કરી. “અભિનંદન, મા. તમારી ભાવનાએ તમને અનેરું બળ આપ્યું છે – સમાજ સાથે લડવાનું. આટલાં વર્ષોમાં લાખો બાલિકા, યુવતી, અને સ્ત્રીઓને તમે રક્ષણ અને શિક્ષણ આપ્યું છે જેથી તેઓ સમાજમાં સ્વમાનથી જીવતા શીખી ગયા છે. આજે, પાછલા અનેક વર્ષોની જેમ, ટપાલીને બદલે, તેમની કારમાં થેલા ભરી, ભરીને ટપાલ લઇ આવ્યાં છે. તમારા કાર્યની સફળતા માટે અમને તો આનંદ છે જ, તમને પણ હશે!”
“આનંદ તો થાય જ છે કે પ્રભુએ મને આ કાર્ય કરવાને નિમિત્ત બનાવી. પ્રભુની મરજી વિના કશું થતું નથી. હા, નારીત્વનું અપમાન કરનારાઓએ પણ એવું ઘણી વાર કહ્યું છે કે પ્રભુની મરજીથી જ એવી ઘટના બને છે! અત્યારે લગભગ ૬ કરોડ નારી જાતની વસતી ભારતમાં છે. માનો, એમાંથી લાખને મારા જેવી સંસ્થા દ્વારા સહારો મળ્યો. બાકીની કેટલીય પોતાની પરિસ્થિતીમાંથી ઊંચી આવી નથી શક્તી. કારણ ઘણા છે. હવે છેલ્લા દસેક વર્ષથી ગામડાઓમાં પણ હવે તમારી જ મહેરબાનીથી અમારા કામનો પ્રચાર થવા માંડ્યો છે. અફ્સોસ એ વાતનો છે કે, આપણે ભારતીઓ જે પૃથ્વીને અને નદીઓને પણ માતા ગણી પૂજા કરે છે, સૌથી પહેલા “માતૃ દેવો ભવ” કહે છે તે પોતાની પુત્રી, બહેન અને માને દુઃખ આપે છે. ઘણી દીકરી માને, વહુ સાસુને અને સાસુ વહુને પણ દુઃખ દે છે. જ્યાં સુધી પોતાની શક્તીનું અભિમાન ખોટી રીતે અજમાવાનું માનવી નહીં છોડે ત્યાં સુધી આ ચાલવાનું જ. પણ એ અન્યાયનો અસ્વિકાર કરતાં શીખવાનુ એ સહુનું દાયિત્વ છે.”
“મા, સાંભળ્યુ છે કે તમારી તબિયત સારી નથી?”
“ભાઇ, ઉમર ઉમરનુ કામ કરે. ગાડી અટકવાની છે એવી સીટી તો હજી વાગી નથી. અને કેટલીય જાગૃત બહેનો મારું કામ ઉપાડી લેશે એની મને ખાત્રી છે.”
બધા પત્રકારોએ માને પ્રણામ કરી, કઇં પણ મદતની જરૂરત હોય તો દોડતા આવી જશું એમ કહી વિદાય લીધી.
નિર્મળા લતામાને સહારો આપતી એમની ઓફીસમાં લઇ ગઇ. માને મોસંબીનો રસ અને મેથીના થેપલા આપતાં યાદ દેવડાવ્યું કે આજે બપોરે ૩ વાગે ડોક્ટર કશ્યપ આવવાના છે. આજે, કોણે શું કરવાનું છે તે પાછા વાંચી ગયા. કોણ બીમારીને લીધે સોંપેલું કામ કરી નથી શકવાના, અને તેથી અગત્યતાને પહોંચી વળવા શું કરવું તેનો નિર્ણય લઇ દિવસનાં કામની વ્હેંચણી કરી દરેક કક્ષમાં ઇંટરકોમ દ્વારા જણાવ્યું. રાત્રે તૈયાર કરેલી ભેટની વસ્તુઓ એક કાર્ટમાં મુકી આઠ વાગે મા અને નિર્મળા નિયમ પ્રમાણે પ્રથમ બાલીકા કક્ષમાં ગયા. દરેકને વ્હાલ કરી, નવા કપડા, દોરડા અને ચિત્રકળાના પુસ્તકો તથા સંગબેરંગી પેન્સીલો આપી, યુવતી કક્ષમાં ગયા. એ સહુને પણ વ્હાલ કરી, નવા કપડા, ડાયરી તથા પેન્સીલ આપી સુચના કરી કે આ ડાયરીમાં મનમાં જે આવે તે રાત્રે સૂતા પહેલાં લખો અને પછી જે પ્રાર્થનાથી તમારું મન શાંત અને સ્થિર થાય તે કરજો. એ વર્ગને સોંપાયેલી ગોદડીની રચના ક્યાં સુધી આવી તે જોઇ ખુશ થતાં થતાં “સુંદર” કહી ત્યાંથી પ્રોઢ સ્ત્રીઓના ઓરડામાં ગયા. તેમને પણ વ્હાલ કરીને એ જ વસ્તુઓ ભેટ આપી અને ડાયરી માટે એ જ સુચના આપી. આ બહેનોએ બનાવેલા ચવાણા, ખાખરા, ફરસાણ અને મીઠાઇ સહેલાઇથી વેચાઇ જાય છે અને નવા ઘરાકો ઉમેરાતા જાય છે તેના અભિનંદન આપ્યા. ત્યાંથી વૃધ્ધકક્ષમાં ગયા. એમને પણ વ્હાલ કરી નવા કપડાં, ભજનની નવી સીડી આપી “કોઇને પણ વાત કરવી હોય તો સાંભળવા આતુર છું” એમ કહી એમને માટે રાખેલી ખુરશીમાં બેઠા. મોટા ભાગની વૄધ્ધાઓ વિધવા હતી. ક્યાંક તો સંતાન નહોતા કે હતાં તો પણ મા એમને ભારે પડતી હતી. આ સ્ત્રીઓ એક્બીજા જોડે વાત કરી હૈયુ ઠાલવતી, એકબીજાને માંદગીમાં મદત કરતી, અપંગને સહારો આપતી, આંધળીઓની આંખ બનતી. રસોઇઘરમાં પણ બનતી મદત કરતી. પ્રેમની ભૂખી બાળકીઓ અને યુવતીઓની નાની, પ્રૌઢાઓની બહેન કે મા બનવાના પ્રયાસો કરતી.
બાર વાગવા આવ્યા હતા. નિર્મળા માને લઇ પાછી ઓફિસમાં ગઇ. રસોઇઘરમાંથી મા, નિર્મળા તથા પોતાને માટે ભોજન એક પ્રૌઢા લઇ આવી અને બધાએ મૌનમા જ પ્રસાદ આરોગ્યો. સાડાબારે બીજી બધી પ્રૌઢા અને યુવતીઓ આવી ગઇ અને બધા ટપાલ ખોલવા બેસી ગયા. મોટે ભાગે ફાળા માટે ચેક હતા. દરેક ચેકનો આંક્ડો, મોકલનારનાં નામ સરનામા સાથે દાનની લેજરમાં યુવતીઓએ નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા. રસોઇઘર ની કમાણીના ચેક એ જ માહિતિ સહ જુદી લેજરમાં નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા. થોડા પત્રો દીકરી, બહેન, પત્નિ કે માની શોધ હેતુ હતા. એ બધા ખોવાયેલ વ્યક્તિના નામના અનુક્રમે ફાઇલ કર્યા. જો એ વ્યક્તિ એમની સંસ્થામાં આશ્રયી હોય તો એ આશ્રયીની તૈયારી ના હોય ત્યાં સુધી એ પત્રનો ઉત્તર નહીં અપાતો. પ્રૌઢ અને વૃધ્ધા જ્યારે પોતાની તૈયારી બતાવે ત્યારે તેમને એ પત્ર આપતા અને રજા આપતા. યુવતી અને બાળકી માટે વધુ કડક તકેદારી રખાતી. એક પત્ર નામ વગરનો હતો. એ ભાઇને માની માફી માંગવી હતી. પોતાના જીવનની છેલ્લી ઘડીએ એ માના દર્શન કરવા માંગતા હતા. માએ એ પત્ર જોવા માંગ્યો. અક્ષર પરિચિત હતા. માએ નિર્મળાને કહ્યું “જવાબમાં લખી દે કે કોઇ પણ દિવસે બપોરના ૪ પછી આવી શકે છે. પહેલેથી જણાવે કે કયે દિવસે આવવાના છે,” દરેક દાનીને મા લક્ષ્મીનો ફોટો મોકલવા માટે પરબીડીઆ ઉપર સરનામું લખી, સ્ટેમ્પ લગાડી તૈયાર કરાયા.
બસ આ કામ પુરુ થયું ને ડોકટર કશ્યપ આવી પહોંચ્યા. માને પહેલાં પ્રણામ કરી, એક ચેક સહ અભિનંદન આપી, તપાસ્યા. પછી જણાવ્યું કે બ્લડ પ્રેશર બહુ વધારે છે. સવારે ૬ વાગે ગાડી મોકલશે અને ડ્રાઇવર હોસ્પિટલમાં, બ્લડ, યુરિન અને એક્સરે માટે લઇ જશે. પાણી સિવાય કશું લેવાનું નહી. બધું પતે એટલે ડ્રાઇવર તમને પાછા અહીં મુકી જશે. બ્લ્ડ પ્રેશરની દવાની ગોળીઓની બાટ્લી આપી પુછ્યું “ આજે બીજા કોઇને તપાસવાનું છે?”
“ના, આજે નાઝ અને વસુને સવારે તાવ હતો પણ અત્યારે સારું છે.”
“”તો હું નીકળું? આ ચેકના કોથળા લેતો જાઉં જેથી ખાતામા આજે જ જમા થઇ જાય.” નિર્મળાએ તૈયાર કરેલા મિઠાઇ અને ચવાણાના ડબ્બા કશ્યપને આપ્યા પછી ચેકના કોથળા નિર્મળા કશ્યપની કારમાં મુકવા ગઇ. માને ફરી પ્રણામ કરી, કશ્યપ વિદાય થયો.
૨૦મી જાન્યુઆરીએ અનામી બપોરે ૪ વાગે આવી ઉભો. રડી ને લાલ આંખોથી નિર્મળાને જોઇ એ જરા વિચારમાં પડી ગયો પણ માને જોઇ મા પાસે દોડી એમનાં ચરણ દબાવેલાં અશ્રુથી ધોવા લાગ્યો. માએ મા એના મસ્તકને પંપાળતા રહ્યા. એકાંતની જરુર છે એમ કહી નિર્મળાને બારણું બંધ કરી ફૂલોને પાણી આપવા મોકલી. જ્યારે અનામીના ડુસ્કા ધીમા પડ્યા ત્યારે માએ એનું માથું ઉંચુ કરી કહ્યું “નિધિનભાઇ, શાંત થઇ જાવ.” રડતા રડતા નિધિને કહ્યુ “બહેન, તુ ગઇ ત્યારનો તને શોધું છું. અચાનક ટીવીમાં તારી છબી મેં જોઇ, અવાજ સાંભળ્યો અને જાણી ગયો કે લતામા બીજું કોઇ નહી પણ મારી બહેન કુસુમ જ છે. તુ મને માફ કરશે કે નહીં એ વિચારમાં મેં મહીના કાઢ્યા. પછી હિંમત કરી કે બહુ બહુ તો તું મને ના કહેશે, સમાજમાં મારી બદનામી કરશે પણ આજે જોવું છું કે તું ખરેખર મા જ છે. તેં મને માફ કરી દીધો છે એ વગર બોલ્યે હું અનુભવી શકું છું.”
“ભાઇ, જ્યારે આપણું ઘર છોડીને ભાગી ત્યારે હું ગુસ્સામાં હતી જ. જાતને સંભાળી ન હોત તો કદાચ મારે હાથે હત્યા પણ થઈ જતે. એક સંતના આશ્રયમાં મારું મન શાંત થયું અને શિવ શક્તિની ઉપાસનાથી જાગૃત થઇ. તમને મેં ત્યારનાં માફ કર્યા હતાં જે દિવસે આ માર્ગે પ્રયાણ કર્યું. તમે તો મારા પર કૄપા કરી જેથી હું પણ મારા અહમને પંપાળવાને બદલે અઢળક લોકોને પંપાળવાનું સુખ ભોગવું છું. બસ, હવે તમે જઇ શકો છો.”
“જતાં જતાં એક પ્રશ્ન પુછું? આ બહેન,જેને તેં બગીચામાં મોકલી એ કોણ? મદન “ કુસુમ ફરી લતામા બની ગઈ. “ભાઇ, કયા મદનની વાત કરો છો? અહંકાર અને વ્યસનોમાં ડૂબેલા બધાં જ તો મદન છે! હવે તમારા કોઇ પ્રશ્નનો જવાબ નહી મળે. અહીંના સર્વે આશ્રિતો અને કાર્યકર્તાઓનું માનસિક અને શારીરિક રક્ષણ કરવું એ આ સંસ્થાનો પહેલો ધ્યેય છે. હવે તમે જાવ અને ફરી કદી આવશો નહીં”
નિધિન માને પ્રણામ કરી ફરી આંખ ભીંજવતો ચાલ્યો ગયો. અને મા ધ્યાનમાં વિલિન થઇ ગયા.
કુંતા શાહ
“કયા સંબંધે”(20)પદમા-કાન
સદીઓ પુરાની છે એની ટેવ આ તો લપાછપીનો છે ખેલ,
સંબંધ વગરના આવી પડે જીવનમાં “ક્યાં સમ્બન્ધે”પ્રસન ઉઠે મનમાં?
આવી પડે કો સમસ્યા જીવનમાં,બંધ નયને નિહાળવું અંતરમાં!
આ વિશ્વ છે એક વિશાલ રંગમંચ,ખેલવું નટ નટીને સંગ.
અટપટા છે આ જીવનના રંગ,મેળવે કદી મેઘ ધનુષના રંગ
અણધાર્યો આવી ચડે કો વાદળ કાળો કાળો ડીબાંગ?
ત્યારે વીજના થાય ચમકારા! એજ, એજ ચમકારામાં પરોવી લો ધાગો સુઈમાં
પરોવાઈ જાય આત્મા પરમાત્મામાં એક જ સંબંધમાં
ને એક જ તદ્રુપ માનતા ને માણતો જીવ ગર્ભમાં ગર્વમાં
એજ ત્દૃરૂપના છીએ આપણે સ્વરૂપ સંસારમાં
સૌની અંદરનો પ્રાણરસ તો એક જ રસાયણથી સિંચાય
આંતર ચેતનામાં સો સમાન છે,આનો પ્રત્યક્ષ પરિચય થાય
એક જ પિતાના સંતાન,તે જ એક તત્વ છે જોડી રાખે સંબંધમાં
જીવ કરે પ્લાન જતા પહેલા સંસારમાં
કીયું ગામ ને કિયા માબાપ ,કિયા સંબંધીની હું જોઈ રહ્યો વાટ,
અનેક જન્મોના શેષ કર્મ ફેડી દઉં આ ફેરીમાં
નવ માસની અવધ પૂરી થઈને, ઉવા ઉવા કરતા પૃથ્વી પર અવતરે બાળ
અજનબી આ આલમમાં,રંગ બેરંગી દુનિયામાં,મોહમયી આ નગરીમાં
પ્રવેશતાની સાથે જ માયાનો પડદો,વીટાઈ વળે ચોપાસ.
નગ્નાવસ્થામાં બાળક જન્મે છે,પછી કદી નવસ્ત્ર તે રહે છે
.મમતાની મુરત સમું મળે વસ્ત્ર માતનું ને પ્યાર ભર્યું તાતનું
ભાઈ,ભાભી બહેન બનેવી, કાકા કાકી,ફોઈ ફૂવા
મામા મામી,માસી માસા,લોહી સમ્બન્ધના આમ વસ્ત્રો મલે ખાસ્સા.
વસ્ત્ર મળ્યું ગુરુદેવનું વિદ્યા દેતા પાઠશાળામાં
હસતા રમતા કદી ઝગડતા સાથે ભણતા આ શાળામાં
અનેક સમ્બંધ મિત્રોના મળિયા ભણતા ભણતા આ ગાળામાં.
પ્રભુતામાં પગલા માંડતા, પતી કે પત્ની, સાસુ સસરાના મળે અનેક સમ્બંધી,
નવી પેઢીને જૂની પેઢીનો ત્રાસ,અહિયાં કેમ બેસે પ્રાસ ?કોણ પિતા ને દાદા કોણ?
આમ સંસારના સંબંધોમાં અટવાય.,અસલ સંબંધ પરમેશ્વરનો, તેની ક્યાંથી આવે યાદ?
કોણ પરમેશ્વર?I DON’T KNOW,નજરે ના નિહાળું તો માનું કેમ?મુહ મોડતો એમ
પેઢીની પેઢી વીતી જાય, જન્મો જન્મના ફેરા થાય
કિયા જન્મના કયા સમ્બન્ધો,તન,મન અને ધનથી ફેડાય તે ના કળાય
આ વિશ્વ છે મોટું રંગમંચ ને ત્યાં શરુ થઇ જાય નિત નવા ખેલ.
ઈચ્છા અનિચ્છાનો સવાલ પેદા જ ન થાય, બસ ખેલતા રહો સહુ ખેલ.
આ વિશ્વ રંગ મંચની છે એક જ ખૂબી પાત્ર ના જાણે તેને કયો કરવાનો છે ખેલ!
જ્ન્મોજ્ન્માન્તરના પડદા આમ પડતા જાય જુના સમ્બન્ધ ભૂલાતા જાય
ના જાણે એ સદીયો સુધી,કિયા જનમના સમ્બન્ધ, તેની ના હોય શુધી
એક ટપકા જેવડી કીડી, ચોરની જેમ લોખંડના કબાટમાં જાય ઘુસી
કબાટમાં કાચની બોટલ,બોટલમાં અમેરિકાની બદામ
બદામ એવી ખાધી,ઉપરનું છોતરું અકબંધ રાખી
આમ્ સંબંધ વગરના છોતરા અને કીડીએ મને પુરેપુરી છેતરી!
ચી ચી કરતી આવી ચકલી,ચાર દાણા ચણે ને ઉડી જાય,
કા કા કરતો આવ્યો કાગડો,બે ટુકડા રોટીના ચાંચમાં ભરતો જાય,
ભાંભરતી આવે ગાય બારણામાં ખાધી રોટલી ને ચાલતી થાય,
મુંબઈ પુનાના હાય વેની વાટમાં,રમકડા વેચતા નાના નાના બાળ
માં મારું રમકડું ખરીદો, મેં કીધું મારે ના એની ખપ,
તો એ કહે પેસા મળે તો ભૂખ મારી ભાન્ગું હું વિચારું કેમ જાય આ લપ !
બીજી જ ક્ષણે આવ્યો અંતરમાંથી દયાનો ભાવ
ચાલ મારી સાથે હોટેલમાં તને જમાડી દઉં
મને? પ્રશ્ન કરતા સંકોચાતો મારી પાછળ આવતો
બાજુમાં મારી બેસીને જમતા, ભાવ ના કળાય મને મારા કે તેના મનના!
અમેરિકાના કો ખૂણેથી હિલીંગ માટેની માગણીની આવે એક ઈમૈલ,
ના કદી નજરે નિહાળ્યા,તોય કર્યું હિલીંગ,ને સાજા થાય!
માનો કે ના માનો શ્રધ્ધા અને વિશ્વાસના સમ્બન્ધે પ્રારબ્ધે આવી મળે
આવા આવા તો આવે કઈક જીવનમાં જાણ્યા અજાણ્યા
સહુ સહુનો ભાગ લઇ પડે રસ્તે “કયા સમ્બન્ધે?”
પ્રશ્ન ઉઠે મનમાં એક જ પિતાના છે સંતાન?તો ભિન્ન ભિન્ન દીસે કેમ?
પિતા એક છે પણ પુત્ર અનેક છે સર્વમાં ચૈતન્ય તત્વ પણ એક છે.
માટીના મટીરીયલના જુદા જુદા રંગ છે,રંગના ભિન્ન ભિન્ન ગુણના એ ભેદ છે
કોઈ કાળા તો કોઈ ગોરા કોઈ લાલ તો કોઈ પીળા!
ઋણાનુબંધ ને લેણ દેણનો સંબંધ, અટલ છે એ “કર્મનો સિદ્ધાંત”
દુનિયાના તમામ કાયદે હોય કાઈ ને કાઈ અપવાદ
કિન્તુ કર્મના કાયદામાં?ના મળે ક્યાય અપવાદ કે બાંધછોડ!
પછી ભલે તે હોય દશરથરાજા,રાજા રામના પિતા?
દેહ ધારણ કરી પૃથ્વી પર પધારે,કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરે,
કર્માનુસાર પુત્ર વિયોગે,મૃત્યુને ભેટવું પડે.
શારીરિક કે માનસિક જે કોઈ નિત્ય ક્રિયા થાય,ખાવુપીવું,નાહવું ધોવું
નોકરી કરવી કે ધંધો,જાગવું કે ઊંઘવું, જન્મવું કે મરવું?
આ સઘળી ક્રિયા તે કર્મ કહેવાય.કર્મના પણ છે ત્રણ પ્રકાર.
(૧)ક્રિયમાણ કર્મ (૨)સંચિત કર્મ (૩)પ્રારબ્ધ કર્મ
દિન દરમ્યાન કે જીવન દરમ્યાન થતી સઘળી ક્રિયા એ ક્રિયમાણ કર્મ કહેવાય
આવા ક્રિયમાણ કર્મ અવશ્ય ફળ આપે પછી જ તે શાંત થાય.
દા.ત.ભૂખ લાગી,ખાવાનું કર્મ કર્યું ને ભૂખ મટી ગઈ
તમે કર્મ કર્યું નાહવાનું ને શરીર શુદ્ધ થઇ ગયું,
તમને કોઈએ ગાળ દીધી, તમે તેને લાફો માર્યો
ક્રિયમાણ કર્મ આમ તત્કાલ ફળ ભોગ્વાવીને જ શાંત થાય.
કેટલાક ક્રિયમાણ કર્મ તાત્કાલિક ફળ ન દેતા સંચિત કર્મમાં જમા થાય
દા,ત.આજે તમે પરીક્ષા આપી ને મહિના પછી આવે પરિણામ
જવાનીમાં તમે દુઃખી કર્યા માબાપને,તો તમારી વૃદ્ધાવસ્થામાં તમને દુખી કરે તમારા સંતાન
બાજરી પાકે નેવું દિવસે,૧૨૦ દિવસે પાકે ઘઉં,આંબો ફળ આપે પાંચ વર્ષે,રાયણ ફળ આપે દસ વર્ષે/
જેવી જાતના ક્રિયમાણ કર્મ તે તદનુસાર ફળ મળતા લાગે વાર
વધ શ્રવણનો કરતા,દશરથરાજાને મળે શ્રાપ,પુત્ર વિયોગે મૃત્યુ થાય,
જ્યાં પુત્ર જ ના હોય,ત્યાં કેમ લાગે શ્રાપ?ક્રિયમાણ કર્મ શાંત ન થતા સંચિત કર્મમાં જમા થાય
યુધ્ધમાં વિજયના અર્થે મળેલું દશરથરાજાનું જ દીધેલું વરદાન કૈકેઈનું પાકે?
દશરથ રાજાને મળેલો શ્રાપ પણ આહી પાકે?
ભરતને મળે ગાદી,ને રામને ચૌદ વર્ષનો વનવાસ એવું કૈકેઈ માંગે?
રામાયણ જોયું ને હવે મહાભારતમાં ધ્રુતરાષ્ટ્ર ભગવાન કૃષ્ણને પૂછે
આ જીવનમાં ના કીધું એવું પાપ મેં,જેથી ૧૦૦ પુત્રો એક સામટા મરી જાય?
કૃષ્ણ ભગવાને દૃષ્ટિ આપી,પાછલા પચાસ જન્મ જોવા થકી,
પારધી જન્મે સળગતી જાળ નાખી,પકડવા પક્ષીઓને,બચવા માટે ઉડી ગયા કેટલાક,
કેટલાક સળગતી જાળની ગરમીથી થયા અંધ,બાકીના નાના સો પક્ષી બળીને થયા ખાક
તેથી થયા તે અંધ,સો પુત્રનો થયો વધ, જાણ્યા પછી ના રહે કોઈ દ્વન્દ.
આમ સંચિત કર્મ પાકતા ફળ દેવા આવે તત્કાળ,તેને પ્રારબ્ધ કર્મ કહેવાય.
હજી ઘણા પ્રકારના છે કર્મ,શોધો જન્મો જન્મ,તોય ના પામો તેનો મર્મ
ખુદ ક્રષ્ણ ભગવાન ગીતામાં ગાય, ગહના કર્મણો ગતિ,તો આપણી ચાલે ક્યાં મતિ?
કર્મની કરીએ સમાપ્તિ,ને બીજે કરીએ ગતી તો થાયે કાઈ પ્રગતી.
જીવન સમ્બન્ધના તાણાવાણાથી વણાયલ છે તેમાં કોઈ આડા તો કોઈ ઉભા છે.
હકીકતમાં ના તો કોઈ આડા છે ના કોઇ ઉભા છે.
જરા દૃષ્ટિને બદલી જુઓ,દિશાને ફેરવી જુઓ,આતો સમય સમયનો ખેલ છે.ખેલમાં સામેલ છીએ.
સમય સમયના સમ્બન્ધના સમ્બન્ધે દિન પછી રાત અને રાત પછી દિન એમ ચકરાવો ચાલે છે.
રાત્રીમાં કરવા નિરાતે પ્લાન,દિવસે કરવા સારા શાંતિથી કામ,
આડા ઉભા તાણા વાણાને ગુંથી લો ધૈર્યથી ,સુવિચારના સુઝથી એવી,રાત્રી ન લાગે ભેંકાર,દિન ના જાએ બેકાર
ભક્ત કબીર ભજનમાં ગાતા કહે છે “ઝીનીઝીનીરે બીની ચદરિયા” ત્યાં ન રહે કોઈ ઉભા કે આડા તાણા વાના
મનને રાખો સદા સત્સંગમાં,પ્રભુના સંગમાં,મિલન થશે આત્માનું પરમાત્મામાં ભક્તિના સમ્બન્ધમાં
છોડી દઈએ સમ્બન્ધ અને સિધ્ધાંત કર્મનો ,ના ભૂતને વતાવીયે, ના જાણીએ, ના ધૂણીએ
જગમાં છે માત્ર એક જ સમ્બન્ધ, પ્રેમ થકી સુતરના તાતણે બાંધી રાખે છે જ્યમ રાખી!
ભર સભામાં લાજ લુંટાતા એજ સુતરના તાંતણા થકી દ્રૌપદીની વહારે દોડી આવે ગિરિધારી
ખલીલ ઝીબ્રાને અમેરિકાના કવિયત્રી બાર્બરાને કહ્યું “તમને માત્રસાત જ શબ્દો મળે વારસામાં,તો તમે ક્યાં શબ્દો પસંદ કરો?”ત્યારે બાર્બરાએ કહ્યું “પ્રભુ,જીવન,પ્રેમ,સૌન્દર્ય,પૃથ્વી”ત્યારે ઝીબ્રાને કહ્યું કે જે બે શબ્દ વગર નિરર્થક છે “હું” અને તું”.જીવન એટલે “હું” થી “તું” તરફની યાત્રા.પ્રેમ જ આ શબ્દોની નૌકા બની શકે.ભક્ત સુરદાસના શબ્દો સબસે ઉંચી પ્રેમ સગાઈ. પ્રેમ સિવાય જીવનનું કોઈ રહસ્ય પ્રગટ ના થઇ શકે.પ્રેમ દ્વારા માણસ માણસને જાણે છે. પ્રભુને જાણવાનો, પામવાનો રસ્તો પણ આજ છે.પ્રેમમાં આવી અમોઘ શક્તિ પડેલી છે. આસ્થા,શ્રધ્ધા,વિશ્વાસ,ભક્તિ,દયા,કરુણા,લાગણી,સેવા આ સર્વ ભાવો સમ્બન્ધે જીવનમાં સહું પ્રેમ દર્શાવે એમ.
કર્મનો સિધ્ધાંત સમજાવતું સ્વરચિત ભજન
જીવ!તું શીદને ચિંતા કરે,પ્રભુને કરવું હોય તે કરે
નારાયણને કરવું હોય તે કરે
હવે બળાપો કરે શું વળે ખાલી ભેજામાં તું ભરે,ખાલી ભેજમાં ના ભારે.
જન્મોજન્મના કર્મ પ્રમાણે પ્રારબ્ધે આવી મળે,
જેનું જેટલું ઋણ બાકી, તે તો ચુકવવું પડે,
પ્રભુ તો અપાવીને જ જપે,એ તો કોઈનું ના બાકી રાખે …… પ્રભને
અટલ સિધ્ધાંત છે કર્મનો જેહ કરે એવું ભરે
કર્મની ગતિ અતિ છે ન્યારી,જ્યા જતી મતી કામ ના કરે
એમાં પ્રભુ પણ ફેર ના કરે …….પ્રભુને
માનવ ખોળિયું માતાએ દીધું તને,પ્રભુ પ્રાણ જ તેમાં પૂરે,
વિધિના લખિયા લેખ તેમાં મેખ ન મારી કોઈ શકે
ઈચ્છા કોઈની કામ ન આવે ……..પ્રભુને
માતા મુકે કોળીયો મોમાં તેથી પેટ ન આપણું ભરે
ચાવવો પડે,પચાવવો પડે તેથી માતાને દોષ નવ દીજે
તે તો શક્તિ ન આપી મને તેથી પેટ ન મારું ભરે ………પ્રભુને
શું ન આપ્યું પ્રભુ તુજને ઉડો વિચાર કેમ ના કરે?
માતા પિતા પતિ પુત્ર વેઈભવ,સંગ કળા ને વિદ્યા મળે
તારી સોય પ્રભુ સહુ પૂરી કરે,સફળતા ધેય્યમાં તને મળે …….પ્રભુને
સારા ખોટા કર્મ કર્યા તે જમા ઉધાર ખાતામાં જાતા,
પુણ્ય ખર્ચાઈ જાતા, ત્યાં તો પાપ જ ઉભા થઇ જાતા,
ત્યારે વ્હાલા જ વેરી બની જાતા……………..પ્રભુને
પાપ કર્મો સહુ ફેડાઈ જાતા , ભાગ્યનો ઉદય ત્યાં થાયે
સંબંધના તાણા વાના,પરત આણામાં આવી મળે
ચક્રવર્તી વ્યાજ સહીત મળે ………………..પ્રભુને
જીવ તું! તારે કરવું હોય તે કરે,હવે દેર શાને કરે,
દેર નથી,અંધેર નથી તમારી રસીદ પાકી નથી,
તો એ કેમ મળે,પ્રતીક્ષા તેની કરવી પડે,પુરુષાર્થ તારે કરવો પડે ……..પ્રભુને
લગાવ લગની ,ધખાવ ધૂણી,તો એ કેમ ના ફળે
કર્મણ્યે વાધિકારસ્તે એ રસ્તે તું પડે ભલે એ ફ્લે કે ના મળે…………પ્રભને
લપા છપી નો ખેલ ખેલ્નતા પ્રભુ એજ આપણામાં રહે
પાપ કરતા, છાનો ઈશારો કરે પ્રભુ,તે તો ઉરમાં તું નવ ધરે!
જાણ્યા અજાણ્યા થઈને રહીએ તો “કયા સંબંધે”?
પ્રભુને દોષ કાં દઈએ,ફરિયાદ કદી ન ઓષ્ઠ પરે ………….પ્રભુને
શાંત ચિત્તે સખી સ્વરૂપે પ્રભુ સંગ ગોષ્ટી કરે
કેમ આપ્યું,કેમ ન આપ્યુ તારી મુઝવણ દુર કરે…………..પ્રભુને
પદમા-કાન
ક્યા સંબંધે….?(19) પૂર્વી મોદી મલકાણ
પ્રિયલ અને ક્ષિતિજના લગ્ન પછી રિશેપ્શનની પાર્ટીમાં સગાવહાલા, મિત્રો, ઓફિસ કલીકનો મેળો જામ્યો હતો. અલકમલકની વાતો સાથે હાસ્યની છોળ ઊડી રહી હતી. કોણ કોને મળીને ખુશ હતું કે કોઈ કેવળ દેખાડવા માટે હાસ્ય કરી રહ્યું હતું તે કહેવું મુશ્કેલ હતું. વિવિધ પ્રકારના કુઝિનની મન લલચાવતી સુગંધ ચારેકોર રેલાઈ રહી હતી, આજે પહેલીવાર પાર્ટી થઈ રહી હતી. રાજસ્થાની લોકગીતો વાતાવરણને સુમધુર સંગીતમય અને ઘોંઘાટીયું બનાવી રહ્યા હતાં. પ્રિયલના મમ્મી પાપા સુષ્મા અને તપનભાઈ ક્ષિતિજના સગાવહાલાઓને મળી રહ્યા હતાં. ક્ષિતિજની મમ્મી પલ્લવી અને પાપા શશાંકભાઈ પોતાના બધાજ સગાવહાલાઓનો પરિચય વેવાણ સુષ્માબહેન અને તપનભાઈ સાથે કરાવતા કરાવતા આગળ વધી રહ્યા હતાં. ત્યાં દૂરથી કોઈ આવ્યું. તેમને જોતાં જ પલ્લવીબેન લે હું ક્યારની તમારી જ રાહ જોતી હતી, બોલતા ઉમળકા સાથે આગળ વધી ગયા.
થોડીવાર પછી
એ સુષ્માબેન અહીંયા આવોને ……એમ કહી દૂરથી પલ્લવીબહેને હાંક મારી.
એ આવી હો પલ્લવીબેન…… કહેતા સુષ્માએ હાથ ઊંચો કર્યો. ત્યાં જ પલ્લવીબહેન આગળ આવ્યા ને કહે સુષ્માબહેન મારે તમને ખાસ વ્યક્તિ સાથે મેળવવા છે તો આવો ને …….
હા….હા આ આવી…. એક મિનિટ તમારા ભાઈને કહી દઉં…? નહીં તો એ મને શોધતા રહેશે. કહેતા સુષ્માબહેન પતિ તપનભાઈ પાસે ગયા અને પલ્લવીબેન સાથે પોતે છે એમ જણાવી દીધું.
સુષ્માબેન મારે તમને જેની સાથે મેળવવા છે તે મારા પિતરાઇ ભાઈ છે, પણ એમના એ ખાસ મિત્ર છે. ને તમને ખબર છે એય તમારા જ ગામના છે.
એમ …? કહેતા સુષ્માબહેન આગળ વધ્યાં.
સુષ્માબેન જુઓ આમને મળો આ સુદીપભાઈ ને આ મારા જયશ્રી ભાભી. કહી પલ્લવીબહેને પરિચય કરાવ્યો.
કેમ છો? હું જયશ્રી તમારા વેવાણની ખાસ બહેનપણી ને પાછી સગીયે ખરી.
ને આ મારા પતિ સુદીપ……
સુદીપ …….હં…….? હં……. કહેતા સુષ્મા થોડી આડી ફરી, ને હલો કહેવા માટે હાથ લંબાવ્યો, ને સુદીપ તરફ નજર ફેરવી. પ્રૌઢતાને આરે એ ઉભેલા પુરુષને જોઈ એ સ્તબ્ધ થઈ વિચારવા લાગી કે ક્યાંક આ એજ તો જૂનો પરિચિત ચહેરો તો નથી ને…..? ને અણસારે ય કાંઈક એવી જ છે પણ ના….ના આટલા વરસ પછીક્યાંથી હોય ? ને હોય તો ય શું? એવી એણે કઇ પળો ને સાચવી રાખી છે જેને એ પ્રેમથી યાદ કરે……એટ્લે કેમ છો કેમ નહીં ઔપચારિકતા પૂરી કરી ઓળખાણ કાઢી.
વાતચીત કરતાં કરતાં સુષ્માને જાણવામાં આવ્યું કે આ એજ ક્ષણોની વ્યક્તિ છે જેને તે ઘણી જ કટુતાથી વર્ષો પહેલા પાછળ છોડી ચૂકી છે. તેથી વધુ સમય એજ અતીતના બારણે ગુજારવા કરતાં અહીંથી અજાણ્યા બનીને નીકળી જવું એજ બહેતર રહેશે. એમ માની સુષ્મા કહે પલ્લવીબેન લાગે છે કે તમારા ભાઈ મને બોલાવી રહ્યા છે, તમે વાત કરો હું આવી કહેતા સુષ્માબેન ત્યાંથી નીકળી ગયા.
અનેક સગાવહાલાઓ સાથે વાતચીત કરતાં કરતાં સુષ્માનું મન પળભરમાં ૩૦ વર્ષ પાછળ ચાલ્યું ગયું હતું. તેથી જ્યાં હતાં ત્યાં ઊભા ન રહી શકતા સુષ્માબેન ત્યાં રહેલી દૂર રહેલી ખુરશીમાં જઇ બેસી ગયા. અને ફરી એજ અતીતની જૂની ગલિયારીમાં ફરવા નીકળી પડ્યાં. જ્યાં હતી એક નવયુવતી સુષ્મા અને નવયુવાન સુદીપને…… કેટલો બધો પ્રેમ કરતી હતી, કદાચ યૌવનમાં આવી પ્રથમ પ્રેમનો અણસાર એ સુદીપ હતો. અનેક વડીલોની તીર જેવી નજરોમાંથી બચીને એક-બીજા તરફ જોઈ લેવું, ધક ધક કરતાં હૃદયથી તે સમયને માણી લેવો, થોડી પળોનો એકાંત મળતા એકબીજા સાથે વાતો કરી લેવી. આજુબાજુમાં જ રહેવા છતાં યે એકબીજાને પત્ર લખતાં. ને એક દિવસ બંને સાથે મળીને એક સુંદર બગીચો વસાવીસું એવું દીવા સ્વપ્ન પણ જોઇ લેતા.
સુષ્મા તું ઠીક છે ને..? કેમ અહીં બેસી ગઈ? પતિ તપનનો સ્વર સાંભળી સુષ્મા ફરી વર્તમાનમાં આવી ગઈ.
એ તો જરા હું ઊભા ઊભા થાકી ગઈ એટ્લે બેસી ગઈ.
તો હું અહીં રહું? તારી પાસે ? તપનભાઈ બોલ્યાં.
એ ના..ના તમે તમારે મિત્રો સાથે મળો હું થોડીવારમાં આવી
તું ઠીક છો ને? તપનભાઈએ પૂછ્યું.
હા…હા…સારું છુ તમે ચિંતા ન કરો સુષ્મા બોલી.
સારું કહેતા તપનભાઈ ત્યાંથી ગયા અને મિત્રોના ટોળામાં ભળી ગયા.
આ ખુરશી ખાલી છે તો હું અહીં બેસી શકું કે?
અવાજ આવતા સુષ્માએ હા….હા કહેતા બાજુની ખુરશી થોડી સાઈડમાં કરી.
બાજુની ખુરશી પર બેસવાનો અવાજ આવતા તેણે તે બેસનાર સામે જોયું ને સુદીપને જોતાં ચોંકી ઉઠી પણ એ ચૂપ રહી.
સુષ્મા તને એકલી બેસેલી જોતાં હું હિંમત કરીને આવ્યો, થોડી વાત કરવી છે. સુદીપ બોલ્યો.
હા કહો શું કામ છે.
સુષ્મા તારી માફી માંગવી છે આજે .
શા માટે?
વર્ષો પહેલા જે ભૂલ કરેલી તે ભૂલો માટે.
જુઓ વર્ષો વીતી ગયા છે અને તે સમયે ય પસાર થઈ ગયો છે માટે તે સમયમાં કરેલી ભૂલોની માફી આજે માંગીને તે સમયને પાછો લાવવાની ભૂલો હવે ફરી કરવી નથી, કારણ કે આજે આપણે બંને અલગ અલગ માર્ગના રાહી છીએ. માટે જે સમય વીતી ગયો છે તે ભૂલી જાવ.
સુષ્મા એકવાર મને માફી માંગી લેવા દે જેથી કરીને મારા મનને શાંતિ વળે સુદીપ બોલ્યો.
જુઓ વાતને ખેંચી ખેંચી લાંબી કરવાથી કશું વળતું નથી આપણાં બંનેની આજ જુદી છે માટે વર્તમાનમાં ખુશ રહીએ તે જ યોગ્ય છે. માટે તમે ય …….
તમે…..સુષ્મા હું તો તારે માટે તું હતો ને?
તું એ ગઇકાલની સુષ્મા માટે હતો આજે તમારો ને મારો સંબંધ જુદો છે તો હું તમને ક્યાં સંબધે તું કારે બોલાવું?
પણ સુષ્મા…….
જુઓ આપણી આજ જુદી છે તેથી તમે તમારી આજ ને જ મહેસૂસ કરો ને તમારા જીવનસાથીના સાથને એન્જોય કરો, ને મારા ગઇકાલમાં રહેલા બ્લેકમેલરનું મારા આજમાં ક્યાંય અસ્તિત્વ નથી……કહેતા કટુતા સાથે સુષ્મા ત્યાંથી ઊભી થઈ અને દીકરી –જમાઈ તરફ ચાલી નીકળી.
બ્લેકમેલર……આટલા વર્ષો પછી યે તે મને માફ નથી કર્યો તેની ખાતરી થઈ ગઈ સુષ્મા, પણ તે મને માફ કરી દીધો હોત તો….
હવે એ સમય પાછો નહીં આવે જે સમયમાં તમે લટાર મારવા નીકળા છો. પાછળથી આવેલા અવાજે અને ખભા મુકાયેલ હાથને કારણે સુદીપ ચોંકીને જોવા લાગ્યો, ને પછી કહે તમે…? તમે કોણ…?
ઓહ હું તપન ……મે તમારી વાત સાંભળી
એ તો…..અમે એમ જ વાતો કરતાં હતાં…..સુદીપ બોલ્યો.
હા હું જાણું છુ. પણ તમને એક વાત કહું? એ તમને તું નહીં કહે. કારણ કે તું કારનો એ પ્રેમભર્યો અધિકાર તમે ખોઈ દીધો છે.
તમને કેવી રીતે ખબર? સુદીપે પૂછ્યું.
“જ્યારે સુષ્માના મમ્મી પપ્પાએ તમારો સંબંધ એની સાથે જોડાવા ન દીધો ત્યારે તમે એણે બ્લેકમેઈલ કરવાનું ચાલું કરેલું એના એજ જૂના પ્રેમ પત્રોને સહારે, એ વખતે એને પોતાના એ કાયર પ્રેમ માટે ખૂબ અફસોસ થયો તો, તે બધી જ વાત એણે મને કરી દીધી હતી.”
“કરી દીધી હતી?” એટ્લે કે એ સમયે સુષ્માનું તમારી સાથે ય પ્રેમ પ્રકરણ ચાલતું હતું?
ના એ સમયે તો નહોતું ચાલતું, પણ તમારી ને એમની વાત સાંભળ્યા પછી ચાલુ થયું.
ઓહહ….. તો…તો તમે એમને સારી રીતે ઓળખતા લાગો છો સુદીપ બોલ્યો.
હા…..બહુ જ સારી રીતે. એટ્લે જ કહ્યું કે એ તમને તું કારે નહીં બોલાવે, પણ મને બોલાવશે.
એમ…? કેવી રીતે ? ક્યો સંબંધ છે તમારે એની સાથે ને ક્યા સંબંધે એણે તમને બધી યે વાત કરી દીધી?થોડા ઈર્ષાના ભાવથી કટાક્ષ કરતાં સુદીપ બોલી ઉઠ્યો.
જુઓ જે સમયે એણે મને વાત કરી હતી તે સમયે તો મારો કોઈ જ સંબંધ ન હતો, પણ આજે એ ક્ષણોને ખાતર બહુ સરસ સંબંધ છે.
એટ્લે ..? તમે શું કહેવા માંગો છો? સુદીપે પૂછ્યું.
એ ક્ષણોને કારણે અમારી મિત્રતા થઈ, ને પછી એ મને એની સાથે પ્રેમ થયો ને પ્રેમના પરિણામે એના આજમાં અને આજના સંબંધમાં સુદીપનું નામોનિશાન ક્યાંય નથી તેના રોમ રોમમાં હું જ કિરણ રૂપે તપુ છુ.
કેમ? ક્યા સંબંધે ? સુદીપે પૂછ્યું.
એના પ્રેમી પતિ હોવાના સંબંધે…….કહી તપનભાઈ ત્યાંથી ચાલી નીકળ્યા ને સુદીપ તેમને જતાં જોઈ રહ્યો.
પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
Purvimalkan@yahoo.com
કયા સંબંધે! (18)તરુલતા મહેતા
શબ્દસેતુ દ્રારા તમારી સાથે પુનર્મિલનનો આનંદ અનુભવું છુ,શુભેછામાં કદી ગાડી ચૂકવાની ભીતિ નથી. માતૃદિનની શુભેછા પાઠવવામાં મોડું શું ને વહેલું શું?એક કવિ કહે છે :
લાખ લાખ પરબોથી છીપવી શકાય ના,એવી તરસ મને લાગી.
ખોબે ખોબે મારી માને પીવાની આજ ઓચિંતી ઝંખનાઓ જાગી.
મારી વાર્તા પોતાના સંતાન માટે તરસી એક માની છે.