ઓશો દર્શન -46. રીટા જાની


હિન્દી ભાષાના યશસ્વી કવિ ડો. કિશોર કાબરા કહે છે કે ઓશોમાં કલા અને કવિતા બંને એકસાથે છે. એટલે અસ્મિતાનો વિસ્તાર અને પછી એમાંથી મુક્તિ એનું જ નામ છે રજનીશ દર્શન. ઓશો સમસ્તના સ્વીકારને સંન્યાસ કહે છે. એમનો સન્યાસ ત્યાગ નથી, પણ ઉપલબ્ધિ છે. એમના સન્યાસીને એમને ત્રણ સૂત્રો આપ્યા છે. “પરમાત્મા છે મંઝિલ, સંતોષ છે ચાવી અને અસુરક્ષા છે આધાર, ધ્યાન છે સ્વેચ્છયા સ્વીકૃત મૃત્યુ અને જો એ પૂરા જીવનમાં ફેલાઈ જાય તો માનવું કે સંન્યાસ ફલિત થયો.”

આ શ્રેણી અંતર્ગત આજે આપણે ડો.અમૃત રાણિંગા અનુવાદિત પુસ્તક ‘અગમ્ય જીવન યાત્રા’ ઉપર આધારિત ઓશોદર્શન જોઈશું. ઓશો કહે છે કે મૃત્યુની ઓળખાણથી જ સંન્યાસનો જન્મ થયો ધ્યાનનો જન્મ થયો આ સત્યની સ્વીકૃતિ સાથે જ તમે નવા બનવા લાગશે નાખશો. દેહ મંદિર છે પણ સંસારી લોકો મંદિરની દીવાલમાં જ ખોવાઈ ગયા છે. મંદિરમાં છુપાયેલી મૂર્તિ સુધી તેઓ પહોંચી શકતા નથી. મૃત્યુ નિશ્ચિત છે છતાં જાગૃતિ નથી. લોકો ક્ષુલ્લક વાતો પર લડી રહ્યા છે. લોકો ધન, પ્રતિષ્ઠા, પદ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે.

ઓશો કહે છે કે ત્યાગી હોય કે ભોગી -બંનેની નજર શરીર પર છે. શરીર સાથે મિત્રતા પણ ન કરો કે શત્રુતા પણ ન કરો. દેહનો સ્વીકાર કરો અને તેને જ પગથિયું બનાવી તેની ભીતર છુપાયેલા શાશ્વતની શોધ કરો. જીવન એક અવસર છે. તેને તમે વ્યર્થમાં ડુબાડી દો કે પછી સાર્થકની તપાસમાં લગાવી દો -તે તમારા પર નિર્ભર છે. જે સમ્યકરૂપે, ધ્યાનપૂર્વક, જળકમળવત જીવે છે તેમને મૃત્યુમાંથી પણ અમૃતનો સ્વાદ મળે છે. જે વ્યક્તિ બરાબર જીવવાનું જાણી લે છે, તે બરાબર મરવાનું પણ જાણી લે છે. તેમના માટે મૃત્યુ જીવનની સૌથી ઊંચી અનુભૂતિ છે. દેવસ્થાનોમાં વાગતી ઘંટડીઓ તમારા જીવનનો થાક કે ચિંતા દૂર નહીં કરી શકે. એ ઘંટડીઓ તમારા અંતસ્તલમાં વાગવી જોઈએ.

મૃત્યુને કોઈ હરાવી શક્યું નથી કે મૃત્યુને જીતવાની કોઈ સંભાવના પણ નથી. મૃત્યુ તો અંધકાર જેવું છે. એ માટે એક જ કામ થઈ શકે. જ્યોતિ પ્રગટાવો અને અંધારું નહીં રહે. ધ્યાનની જ્યોતિ જલતાં જ મૃત્યુને જાણી શકાશે. એકવાર મૃત્યુને જીવનનું અનિવાર્ય અંગ માનીને સ્વીકાર કરો તો જિંદગી તત્ક્ષણ બદલાવી શરૂ થઈ જશે. પછી તમે ક્રોધ નહીં કરો. સફળતા મળે કે વિફળતા, સુખ આવે કે દુઃખ -બધું બરાબર લાગશે. તમારી ભીતર સમ્યકત્વ પ્રવેશી જશે, સાક્ષીભાવ આવી જશે. જેનાથી સદાકાળ માટે છૂટા પાડવાનું છે, ત્યાં દૂર્ભાવ શા માટે પેદા કરીએ? થોડા ફૂલ ઉગાડીએ, ઉત્સવ ઉજવીએ, દીવા પ્રગટાવીએ. આ બે ઘડીના જીવનને સુગંધિત પ્રાર્થનામય, પૂજન બનાવી કૃતજ્ઞતા, ધન્યવાદ, આભાર વ્યક્ત કરીએ.

આ સંસાર ઇન્દ્રધનુષ્ય જેવો છે: દેખાય ખૂબ સુંદર, પણ મુઠ્ઠીમાં પકડો તો હાથમાં કંઈ જ ન આવે. મનુષ્ય પણ એ જ રીતે પદ, પ્રતિષ્ઠા અને ધનના ઇન્દ્રધનુષને પકડવા દોડતો રહે છે. લોભ અને ભય એક જ સિક્કાની બે બાજુ છે અને હંમેશા સાથે આવે છે. મોટાભાગે લોકો નર્કના ભયથી કે સ્વર્ગના લોભથી ધર્મના શરણે જતાં જોવા મળે છે. મોક્ષનો અર્થ છે ભય અને લોભથી મુક્તિ. જેના જીવનમાં ભય અને લોભ નથી તેની તમામ જીવન ઉર્જા પ્રેમ બની જાય છે અને પ્રેમની પરાકાષ્ઠા છે પ્રાર્થના.

અધ્યાત્મનું ગણિત અર્થશાસ્ત્રના ગણિતથી એકદમ વિપરીત છે. ઉપનિષદ પણ કહે છે: ‘ તેન ત્યક્તેન ભુંજીથા: ‘. ભીતરની સંપદા વહેંચવાથી જ વધે છે. વિચારોથી મુક્ત થઈ જવાથી સંતોષની વર્ષા થાય છે, મૃત્યુની પાર અમૃતનું આકાશ દેખાય છે.

ઓશો બીજના ઉદાહરણ દ્વારા સુંદર સમજ આપે છે. બીજ ખાલી છે. બીજમાંથી વૃક્ષ બને છે, વૃક્ષ ઉપર ફૂલ ખીલે છે, તેમાં ફળ પણ ખીલે છે. એ સંતોષ બીજ જો બીજરૂપે જ રહે તો એને ના મળે. માણસ પણ પરમાત્માનું બીજ છે. માણસ જ્યારે ફૂલેફાલે, ખીલે ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. માટે જ આપણે બુદ્ધ, મહાવીર, કૃષ્ણને ‘ભગવાન’ કહીએ છીએ. એનો અર્થ એ કે તેમના દ્વારા પરમાત્માનું તત્વ ખીલ્યું છે, દિવ્યતાની સુગંધ પથરાઇ છે.

વિચાર ઓછા કરો, અનુભવ વધારે કરો. જેમ જેમ અનુભવ વધશે તેમ તેમ જીવનનું રહસ્ય ઉદ્ઘાટિત થતું જોવા મળશે. જીવન એ બે પરસ્પર વિરોધી ધ્રુવ છે અને તેના કારણે જીવન વધુ સમૃદ્ધ બને છે. ઓશો કહે છે કે જો તમે પ્રેમ કરશો તો બધી જ લાગણીઓ પછી તે નકારાત્મક હોય કે હકારાત્મક – પુનર્જિવિત થશે. આપણે પડછાયાને દૂર ન કરી શકીએ. તે જ રીતે નકારાત્મક લાગણીઓ હકારાત્મક લાગણીઓની સાથે જ રહેવાની છે. જો ક્રોધની જરૂર પડે પ્રેમ ક્રોધ કરવા તૈયાર છે. કોઈપણ બાળકને કદી માતા પિતા પ્રત્યે માઠું નહિ લાગે ભલે તેઓ પ્રેમથી ક્રોધિત થયા હોય. કારણ કે બાળક તમારા પ્રેમને સમજે છે. પણ જો મા-બાપ કે પતિ પ્રેમ વિના ક્રોધ કરે તો તે અહમ છે, તેને માફ ન કરી શકાય.

પક્ષીઓ ગાય છે, પુષ્પો ખીલે છે, સરિતા વહે છે, ઘટનાઓ સતત ઘટતી રહે છે, સમગ્રતયા રંગીન ઉત્સવો ઉજવાતા રહે છે અને આપણે એટલા બંધ છીએ કે એક કિરણ પણ તેમાં પ્રવેશી શકતું નથી. આ કેદને છોડીને બહાર આવીએ તો વાસ્તવિક જીવનનો અનુભવ મળશે. માટે ભવિષ્ય માટે જીવન મોકુફ રાખવું જરૂરી નથી. જીવન અહીં જ છે. જ્યારે ધ્યાનની અવસ્થામાં વિશ્રામ કરીએ તો જીવન કેટલું સુંદર અને મધુર છે તેનો કલ્પનાતીત અનુભવ થશે, સત્ – ચિત્ – આનંદનો અનુભવ થશે. સામાન્ય રીતે આપણે બહાર દ્રષ્ટિ રાખીને જીવીએ છીએ અને ધનની, સત્તાની પ્રતિષ્ઠાની શોધખોળ કરીએ છીએ. જ્યારે આપણું લક્ષ્ય તો ભીતર હોવું જોઈએ. ભીતર શાંતિ છે, મૌન છે, સ્થિરતા છે, પ્રભુતા છે. જે વ્યક્તિ ભીતરના પરમાનંદને જાણશે તે જ બીજાને એ વહેંચી શકશે. કબીર કહે છે કે પોતાના સ્વરૂપ તરફની યાત્રા એ જ પરમાત્મા તરફની યાત્રા.

રીટા જાની
14/04/2023

ઓશો દર્શન -45. રીટા જાનીગત ત્રણ અંકથી આપણે ઓશો દર્શન અંતર્ગત સંસાર સૂત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓશોની સૂક્ષ્મ દ્રષ્ટિએ સંસારના વિવિધ પાસા ઉપર પ્રકાશ ફેંક્યો છે તેમજ તેની વિવેચના કરી છે. સંસાર સમુદ્રમાંથી સાચા મોતી મેળવવા હોય તો થોડું સાહસ રાખીને ઊંડાણમાં ઉતરવું પડે. પણ જો પાણીમાં ઉતરશો જ નહીં અને મોજાઓના તોફાન જોઈને પાછા ફરી જશો કે કિનારે બેસી રહેશો તો કંઈ પ્રાપ્ત નહીં થાય. આજે ઓશોની દ્રષ્ટિએ સંસારનું અવલોકન કરી વધુ સૂત્રો સમજીએ.

રોકેટની ગતિએ દોડતા જગતમાં મનુષ્ય બસ દોડ્યા કરે છે. એ દોડ સત્તા માટે હોય, ધન માટે હોય, પદ માટે હોય, પ્રતિષ્ઠા માટે હોય, શિક્ષણ માટે હોય કે પછી મનોરંજન માટે અથવા બીજા કોઈ પણ કારણસર હોય; શાંતિ ખોવાઈ ગઈ છે. એ શાંતિની શોધમાં સમગ્ર જગત આજે ધ્યાનનો મહિમા ગાઈ રહ્યું છે. ઓશો કહે છે કે ધ્યાનની વિધિ સરળ છે. જે ક્ષણે શરીર વિશ્રાંત હોય છે, તે ક્ષણે શાંતિ આપોઆપ હૃદયમાં ઉતરી આવે છે. માટે સ્વાભાવિક રીતે જ હૃદય, શાંતિનો સ્ત્રોત છે. જ્યારે તમે શાંતિથી ભરેલા હોય ત્યારે બાહ્ય જગત પ્રત્યેનો તમારો વ્યવહાર વધુ પ્રેમમય અને વધુ નિકટ હશે. તમે જેવા છો તેવું જગત પ્રતિબિંબિત થાય છે.

મનનો સ્વભાવ એવો છે કે તે જ્યાં છે ત્યાંથી ભાગતું રહે છે અને જ્યાં નથી તેમાં રસ જાગે છે. જે મળ્યું છે તે વ્યર્થ લાગે છે અને જે નથી મળ્યું તે સારું લાગે છે. જ્યારે ધ્યાન કરો તો ભજનમાં રસ જાગે છે અને ભજન કરતા ધ્યાન કરવાનું મન થાય છે. ભોજન કરો તો ઉપવાસમાં રસ જાગે છે અને ઉપવાસ કરો તો ભોજન યાદ આવે છે. મનના ભટકવાથી મુક્ત થવું હોય તો જાગૃત થઈ જે કંઈ કરો તેને રસપૂર્વક કરો. તેનાથી એકાગ્રતા આપોઆપ આવશે. તમને જેમાં રસ પડે, જેમાં આનંદ આવે, ઉમંગ આવે પછી તે ગમે તે હોય પ્રાર્થના બની જશે. જ્યાં રસ છે ત્યાં જ પરમાત્મા છે. સચોટ ઉપાય બતાવતા ઓશો કહે છે કે તમે જ્યાં છો, હજી બહાર છો, ત્યાં જ ધ્યાન કરો. ભોજનને ધ્યાન બનાવો, ધનને ધ્યાન બનાવો, ક્રોધ પર ધ્યાન કરો અને એ સમાપ્ત થઈ જશે. ક્રોધ અને લોભ જતા રહેશે, માત્ર ધ્યાન રહી જશે. સંસાર પર ધ્યાન કરો, સંસાર ખોવાઈ જશે અને અંતર્યાત્રા શરૂ થઈ જશે. તમે એ જગ્યાએ પહોંચી જશો જ્યાં હજારો સુર્ય એક સાથે ઉગી રહ્યા છે અને જે કદી અસ્ત થતો નથી. તમારી અંદર જ પરમ સૂર્યોદય છુપાયેલો છે.

આપણા જીવન પર દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવશે કે નાના નાના સુખ-દુઃખ, ચઢાવ-ઉતાર આપણા મનને કેટલું વિચલિત કરી દે છે. જીવન અને મૃત્યુની ફિલસૂફીને સમજાવતા ઓશો કહે છે કે સારી રીતે જીવવાની કળા મૌન છે. જગતમાં આવતા તોફાન તમને કંપાયમાન ન કરે અને તમે શાંત ભાવથી જીવો, આંધી તમારા તપને હચમચાવી ના શકે, વસ્તુ નષ્ટ થાય છતાં તમે અસ્પર્શિત રહો એવું તમારું મન હોય તો તમે જીવવાની કળા જાણી તેવું સમજો. અને જે જીવનની કળાને જાણી રહેશે તે એક દિવસ મૃત્યુના પરમ રહસ્યને પણ સમજી શકશે.

સમગ્ર જીવનને પૂર્ણ રૂપે સ્વીકાર કરવાનું કહીને ઓશો સફળતાના 14 સૂત્રો આપે છે.
1. નિષ્કામ ભાવ : પરિણામની આકાંક્ષાથી મુક્ત રહી પોતાનું કાર્ય શ્રદ્ધા રાખીને યથા સંભવ કરતા રહો.
2. હોશ: હંમેશા હોશપૂર્વક, સંપૂર્ણ જાગૃત રહીને કામ કરો, મશીન કે રોબોટની જેમ નહીં.
3. ધ્યાન: કોઈપણ કામને નાનું કે મોટું ન ગણો. દરેક ચીજ પર ધ્યાન આપો. પરમાત્માને તમે દરેક જગ્યાએ શોધી શકો છો.
4. કેન્દ્રિત રહેવું : પોતાની ધારણાઓથી અથવા બીજા કોઈના માર્ગે ન દોરવાઓ અને કેન્દ્રિત રહી કાર્ય કરો.
5. ક્ષણ ક્ષણમાં જીવો : દરેક સંભાવના માટે ખુલ્લા રહો અને પૂર્વ અનુભવોની બહાર નીકળવા તૈયાર રહો.
6. ચિંતાનું સમર્પણ : ચિંતાથી સ્વયંને અલગ કરી સમર્પણ કરી દો અને અસ્તિત્વ પર બધું છોડી દો.
7. નિરાશામાં અટકી જાઓ: નિરાશા કાયમ રહેતી નથી. અંધારી રાત્રિ પછી સૂર્યોદય જરૂર થાય છે. માટે નિરાશા જતી ન રહે ત્યાં સુધી સતર્ક બની અટકી જાઓ.
8. સંઘર્ષ: તોફાનો અને આંધીઓમાંથી પસાર થઈને પણ આપણે સમૃદ્ધ બનીએ છીએ. માટે થોડો સંઘર્ષ પણ જરૂરી છે.
9. લીલા : યાદ રાખો કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો તે એક ખેલ છે. તેમાં તમારી ભૂમિકા ગંભીર બન્યા વગર નિભાવો.
10. યોગ્યતા: પોતાની યોગ્યતા સિદ્ધ કરવાની હોડમાં પોતાની જાતને એક વસ્તુ ન બનાવો. યાદ રાખો કે જીવનનો વિરાટતમ અનુભવ પ્રેમ અને ધ્યાનથી આવે છે.
11. લોભ : તમારી પાસે કરોડો રૂપિયા આવી જાય તેનાથી કોઈ ફરક પડવાનો નથી. લોભ દ્વારા જીવનને અર્થપૂર્ણ બનાવી લેવાનો પ્રયાસ એ નાસમજી છે.
12. અધિકાર, આધિપત્ય : જે લોકોને પોતાના પર વિશ્વાસ નથી, ભયભીત છે, તેઓ બીજા પર અધિકાર જમાવવા માંગે છે. તમે પૂરેપૂરા આશ્વસ્ત રહો, કોઈથી ડરવાની જરૂર નથી.
13. અપરિપક્વતા : જે વ્યક્તિ પોતાના અતીત તરફ જોઈ વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધે છે, તે અપરિપક્વ છે. કારણ કે આ પરિસ્થિતિને અતીત સાથે કોઈ સંબંધ નથી. માટે હંમેશા પૂરેપૂરું ધ્યાન વર્તમાન પરિસ્થિતિ પર કેન્દ્રિત કરી, વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધવું જરૂરી છે.
14. ઉત્તરદાયિત્વ : જીવનની દરેક સમસ્યાઓમાં પૂરેપૂરું ઉત્તરદાયિત્વ પોતાનું જ હોય છે. તમે એવી સ્થિતિમાં આવી જાઓ કે દુનિયા તમારી સાથે કંઈ પણ કરે, પરંતુ તમને વિક્ષિપ્ત ન કરી શકે.

ક્રોધ એક માનસિક તાણ છે. કોઈપણ વાતનો અસ્વીકાર કરવાથી ક્રોધ જન્મે છે. જે વસ્તુનો તમે સ્વીકાર કરી લો છો, પછી તેના પ્રત્યે ક્રોધ નથી થતો. ક્રોધ છે, બીમારી છે, માથું દુઃખે છે – જે પણ પરિસ્થિતિ છે – તેનો સ્વીકાર કરો. તમે જેવો સ્વીકાર કરી લો કે તમારા અંતરમાં ફૂલ ખીલી ઉઠે છે અને જેવો અસ્વીકાર કરો છો, તમારા અંતરમાં કાંટા ખુંચવા લાગે છે. માટે પરમ સ્વીકાર કરતા શીખો. ભૂલ કરો તો અચકાયા વગર કરો, પરંતુ એક જ ભૂલ ફરીથી ન કરો. પ્રેમ પણ આપણે ક્યાં પૂરેપૂરો કરીએ છીએ? જેને પ્રેમ કરતા હોઈએ તેમનામાં પણ આપણને હજારો ભૂલ દેખાય છે. ક્રોધ, લોભ, મોહ, કામના બધું જ સંયુક્ત છે, કરોળિયાના જાળાની જેમ જોડાયેલું છે. માટે તમે એક એક સમસ્યાને ના ઉકેલી શકો. એના નિશ્ચિત ઉપાયનું સૂત્ર છે – સાક્ષી બનો, દૃષ્ટા બનો. પ્રબુદ્ધ વ્યક્તિના ચૈતન્યની એવી સ્થિતિ હોય છે, જ્યાં ક્રોધ જન્મતો જ નથી. જો તમે ક્રોધને ધ્યાનપૂર્વક જોશો તો ક્રોધ ચાલ્યો જશે. જો તમે પ્રેમને ધ્યાનપૂર્વક જોશો તો પ્રેમ વધશે. સ્વીકારની શાંતિમાં જ સમજનો દીવો પ્રગટે છે. એ સ્થિતિમાં ચેતના એટલી સતેજ હોય છે કે ત્યારે ક્રોધ કરવાનો વિચાર પણ અસંભવ થઈ જાય છે. તમારા જાગૃત અવલોકનથી જે વધે તે પુણ્ય અને તમારા જાગૃત અવલોકનથી જે ક્ષીણ થાય તે પાપ.

જીવન કેવી રીતે આનંદથી ભરાઈ જાય? ઉત્સાહ વગરનું, ઢીલું, સુસ્ત, મંદ જીવન જીવવાનો કોઈ મતલબ નથી. જે લોકો ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવે છે, તેમને ક્યારેય આનંદનો અનુભવ થતો નથી. જે વ્યક્તિ પ્રતિક્ષણ જીવે છે, વર્તમાનમાં જીવે છે, જે કંઈ ઉપલબ્ધ છે તેને સ્વીકારી લે છે જાણે કે આ ક્ષણ અંતિમ ક્ષણ છે અને વર્તમાન ક્ષણ સિવાય કોઈ ચીજનું અસ્તિત્વ નથી તેના માટે વર્તમાનની ક્ષણ આનંદના અનુભવનું, પરમાત્માનું દ્વાર બની શકે છે.

રીટા જાની
24/02/2023

ઓશો દર્શન -43. રીટા જાની


અનુ કપૂર એવું કહે છે કે ઓશો સમજવા માટે નથી, અનુભવવા માટે છે. તેમને માત્ર સાંભળવાના નથી, ગણવાના પણ છે. તેઓ માત્ર પ્રવચન કરતા નથી, હકીમ પણ છે. તેઓ રોગનું માત્ર નિદાન જ નથી, કરતા ઔષધિ પણ આપે છે. ઓશોએ ઘણા લોકોને ગુલામીની બેડીઓ અને દીનતાની જંજીરોમાંથી મુક્ત કર્યા છે. તેમની વાતો ગાગરમાં સાગર છે જે પાંચ ચાર પાનામાં ન સમજાય તે એક નાનકડી વાર્તાથી સમજાવી દે છે. તેઓ પ્રભાવિત કરવા નથી બોલતા, સમજાવવા માટે બોલે છે. તેમના વિષયો ગંભીર હોવા છતાં કંટાળો નથી આપતા. ગત અંકમાં આપણે ઓશોના ‘સંસાર સૂત્ર ‘ અંતર્ગત પ્રેમની વિષદ ચર્ચા કરી. આ વખતે એ જ વિષય પર – સંસારને સાધવા, સફળ બનાવવા – ઓશો વધુ કયા સૂત્રો આપે છે તેની વાત કરીશું.

જીવનનું કેન્દ્ર પરિવાર છે. આ પરિવાર પ્રેમના કેન્દ્ર પર નિર્મિત થવો જોઈએ, પરંતુ તે નિર્મિત કરવામાં આવે છે વિવાહના કેન્દ્ર પર. પ્રેમ પરમાત્માની વ્યવસ્થા છે, વિવાહ માણસની વ્યવસ્થા છે. અને તેથી જ પ્રેમના અભાવમાં ગૃહસ્થી સંઘર્ષ, ક્લેશ, દ્વેષ અને ઉપદ્રવનું સ્થાન બની જાય છે. તો જે ઘર પરિવારમાં પ્રેમ હોય, ભરોસો હોય, સાંત્વના હોય ત્યાં સુખાકારીનું નિર્માણ થાય છે. જીવનમાં કેટલાક આયામ ફક્ત હારવાથી જ મળે છે. ગણિત અને તર્ક ફક્ત જીત શીખવાડે છે, પરિગ્રહ વધારે છે. પણ જો બાળકોની બુદ્ધિ સાથે હૃદય પણ ખીલે તો એક સંતુલિત વ્યક્તિત્વ ઘટિત થાય છે. જગતની પ્રત્યેક ઘટનાથી બોધ લઈ શકાય છે, આંખો ખુલ્લી હોય તો જ્ઞાન જરૂર મળે છે. જીવનને જો સાર્થક બનાવીએ તો વૃદ્ધાવસ્થા ખુબ સુંદર અવસ્થા છે. તે જીવનની પરાકાષ્ઠા છે, જીવનનો નિચોડ છે, તમારી સંપૂર્ણ કથા છે. જેનો વાનપ્રસ્થાશ્રમ સુંદર હોય, તેના માટે અમૃતના દ્વાર ખુલી જાય છે. પછી મૃત્યુ અંત નથી, ફક્ત નવી યાત્રાનો પ્રારંભ છે.

ઓશો જીવનમાં પરમાત્માને પામવાનું રહસ્ય સમજાવતા કહે છે કે સંસારને દોડી દોડીને પણ પામવો મુશ્કેલ છે. જ્યારે પરમાત્માને પામવા માટે દોડવાની જરૂર નથી, અટકી જવાની જરૂર પડે છે. ગીતા પણ કહે છે: સ્થિતપ્રજ્ઞ. પરમાત્મા અંદર આવી જાય ત્યાં નૃત્યનો જન્મ થાય છે, જેમાં કોઈ ગતિ નથી, જ્યાં બધું સ્થગિત છે, પરિપૂર્ણ શૂન્ય મૌન છે. કહેવું અને સમજવું ખૂબ કઠિન લાગે છે પણ તેને જ અનાહત નાદ કહે છે.

તમારી દ્રષ્ટિનું પરિપ્રેક્ષ્ય જ સૃષ્ટિ છે. જેવી તમારી ચિત્તદશા, તેવું અસ્તિત્વ તમને દેખાશે. જો તમે પ્રસન્ન હશો તો તમારો પરમાત્મા પણ પ્રસન્ન હશે. જો તમે દુઃખી છો તો તે તમારી પસંદ છે અને જો તમે આનંદિત છો તો એ પણ તમારી જ પસંદ છે. તેના માટે બીજું કોઈ જવાબદાર નથી. તમારા જીવનની સ્થિતિ માટે પૂર્ણતઃ તમે જ જવાબદાર છો. આ ખ્યાલ જેવો અંતરમાં ઘનીભૂત થશે કે જીવનમાં ક્રાંતિની શરૂઆત થશે. બીજા લોકોને બદલવાનું તમારા હાથમાં નથી. પરંતુ સ્વયંમાં રૂપાંતરણ કરવાની વાત તમારા હાથમાં છે. ઘણા લોકો દુઃખની વાત કરી બીજાની પાસે સહાનુભૂતિની અપેક્ષા કરે છે. સહાનુભૂતિ નકલી પ્રેમ છે. સાચો પ્રેમ તો અર્જિત કરવો પડે છે. જે પ્રેમ આપી શકે છે તેને જ પ્રેમ મળી શકે છે. આનંદ એ જાગૃતિની સતેજ અવસ્થા છે, જ્યાં ન તો સુખ છે કે ન દુ:ખ. અંતરનું નિરીક્ષણ કરો. જ્યાં જ્યાં દુઃખ પેદા થતું હોય તેના કારણો તમને તમારી અંદર જ મળશે. સમગ્ર ખેલનું બીજ તો અંદર છે. બહાર માત્ર તેની પ્રતિધ્વનિ સંભળાય છે. માટે બહાર દુઃખ પેદા થતું હોય તો સમજજો કે અંદર કંઈક અયોગ્ય ખેલ ચાલી રહ્યો છે, જેનું પ્રતિકૂલન જગતના પડદા પર દેખાય છે. કમનસીબે આપણી મનોદશા એવી છે કે એક પગ સંસારની નાવમાં અને એક પગ બુદ્ધ પુરુષોની નાવમાં રાખી જીવન જીવવું છે. માટે જ દ્વંદ્વમાં જીવન વ્યતિત કરતા રહીએ છીએ.

આપણી બુદ્ધિ એ અનંત વિચારોની જોડ છે. એ વિચારોની ભીડના કારણે જ જીવનમાં શાંતિ સંભવી શકતી નથી. મહાવીરનું વચન છે ‘મનુષ્ય બહુચિત્તવાન છે’, જેની સાથે આધુનિક મનોવિજ્ઞાન પણ સહમત છે. તમારી પાસે એક નહીં પણ અનેક મન છે, જે જુદી જુદી આજ્ઞાઓ આપે છે અને તમે વિક્ષિપ્ત અવસ્થાએ પહોંચી જાવ છો. બુદ્ધિ વશમાં થવાથી સત્વની સિદ્ધિ થાય છે અને ખરું સ્વાતંત્ર પ્રાપ્ત થાય છે. ત્યારે તમે નિર્ણાયક હો છો અને મન તમારી પાછળ ચાલે છે. કબીર કહે છે કે ‘બહાર અને અંદર એક જ છે. ઝેન સાધુઓ પણ કહે છે કે સંસાર અને મોક્ષ એક છે. આવું કઈ રીતે બને? આપણને એ સમજાતું નથી કારણ કે માન્યતા એવી છે કે સંસારમાં તમે પીડિત છો અને મોક્ષ તેનાથી વિપરીત છે. જો સંસારથી મુક્ત થશો તો જ શાંતિ અને આનંદ મળશે. વાસ્તવિક રીતે અહંકાર સમાપ્ત થતાં બહાર અને અંદરનો ભેદ સમાપ્ત થઈ જાય છે. પછી બધું જ એકરૂપ છે. સંસાર અને સંન્યાસ પણ એક જ છે, મોક્ષ અને મુક્તિ એ અનુભવની દશા છે. આ ગહન વાત ઓશો ફક્ત ત્રણ સૂત્રો દ્વારા યાદ રાખવાનું કહે છે. એક – મનનું માલિકીપણું તોડવાથી સાક્ષી ભાવ ફલિત થશે. બીજું – મનની વિરુદ્ધ જવાથી નહીં પણ મનની પાર જવાથી સંભવશે. ત્રીજું – મનનું અતિક્રમણ કરવાનું છે, જેથી બધા દ્વૈત સમાપ્ત થઈ જશે.

આંખ બંધ કરીએ તો અસીમના દ્વાર ખુલી જાય છે. આ તરફ દ્રશ્ય દેખાય છે પેલી તરફ દ્રષ્ટા દેખાઈ જાય છે. પરંતુ આપણે જ્યારે આંખો બંધ કરીએ ત્યારે પણ દ્રશ્ય તો બહારના જ જોઈએ છીએ. જેથી આંખો બંધ કરવાની કોઈ અર્થ રહેતો નથી. આંખ બંધ રાખવાનો અર્થ છે સ્વપ્નો અને વિચારોથી મુક્તિ- શૂન્યતાનો અનુભવ. વિચાર અને દ્રશ્ય વિલીન થયા પછી જે પ્રગટ થાય છે તે શાશ્વત ચૈતન્ય છે, સત્ છે, ચિત્ત છે, એ જ આનંદ છે. સત્યનો મહિમા ગાતા ઓશો સમજાવે છે કે સ્વયંના જૂઠથી ગભરાવાની જરૂર છે. જે માણસ ખોટું બોલે છે તે ન તો શાંતિથી સૂઈ શકે છે, ન આરામ કરી શકે છે, ન ધ્યાન કરી શકે છે કે ન પ્રેમ કરી શકે છે. સત્યથી ભવિષ્યમાં સ્વર્ગ મળશે એટલે સત્ય ધર્મ નથી. સત્ય એટલા માટે ધર્મ છે કે સત્યથી તમને અહીં અને હમણાં જ સ્વર્ગ મળી જશે. સ્વર્ગ એટલે એવું જીવન જેમાં ગહન વિશ્રામ અનુભવાય. સત્યના માર્ગે વિશ્રામ મળશે, જૂઠના માર્ગે તણાવ મળશે. આપણી આંખો દર્પણ છે. જ્યાં ગુરુ અને શિષ્યની આંખ મળે છે, ત્યાં જ માર્ગ છે. આ માર્ગે કઈ રીતે આગળ વધવું તે અંગે ઓશોનું દર્શન જાણવા મળીશું આવતા અંકે…..

રીટા જાની
10/02/2023

ઓશો દર્શન-42. રીટા જાની
આભ અટારીએ ઊભી છે માનવજાત અને ઇંતેજાર છે એક વધુ નવલા વર્ષનો. 2022ની વિદાય અને 2023નું આગમન. એક તરફ રોજિંદી ઘટમાળ અને બીજી તરફ છે જીવનના ધબકાર સાથે નવા વર્ષનો પ્રેમભર્યો સત્કાર. આ સત્કારમાં પડકાર અને પ્રતિકાર સાથે ઝૂલે છે રાતદિનનું લોલક, સમયના સેન્ડ ગ્લાસની પારાશીશી સાથે આશા નિરાશાનો જંગ અને પ્રારબ્ધ અને પુરુષાર્થના ખેલમાં માનવજાત સાક્ષી છે પૃથ્વીની અવકાશી અનંત યાત્રાની. નવું વર્ષ, એક નવું સીમાચિહ્ન ઇતિહાસની આગેકૂચનું. પણ આશાની ક્ષિતિજ પર ઉભરે છે એ જ પ્રશ્ન. સદીઓ વીતે, યુગો બદલાય તોય પ્રશ્ન એ જ કે નવા વર્ષના નવ પ્રભાતે શું માનવજાતિ સુખનું સરનામું શોધી શકી છે ખરી?

ઓશો બહુ સુંદર વાત કહે છે: ‘મારો સંદેશ નાનો એવો છે. આનંદથી જીવો અને જીવનને એના સમસ્ત રંગો, સમગ્ર સ્વરો સાથે જીવો. જે કંઈ છે તે અર્થપૂર્ણ છે. આમાંથી કશાનો પણ ઇન્કાર કરવો એ પરમાત્માનો જ ઇન્કાર કરવા બરાબર છે. જ્યારે તમે સમગ્રને સ્વીકાર કરી આનંદથી જીવવા લાગો છો, ત્યારે એક અપૂર્વ ક્રાંતિ ઘટિત થાય છે. તમારી અંદરનું આખું રસાયણ જ બદલાવા લાગે છે. ક્રોધ કરુણા બને છે, કામ રામ બની જાય છે અને તમારી અંદરના કાંટા ફુલ બનીને ખીલવા લાગે છે.’

ઓશો કોઈને ખોટી સાંત્વના આપતા નથી. તેઓ કહે છે કે તમે અંદરથી ખળભળી ઉઠો, વિચારતા થઈ જાવ અને જાગૃત થવા માટે તૈયાર થઈ જાવ. જો વિચારતા થશો તો સત્ય, પ્રેમ, કરુણા, દયા, અહોભાવ – પ્રકૃતિ પ્રત્યે, આનંદ તરફ જવાનો ભાવ જરૂર જાગશે. માટે વર્તમાનમાં જીવો. જો વર્તમાન સારો હશે, આનંદિત થશે, પ્રેમાળ હશે, સત્યમય હશે અને જાગૃતિમાં જીવતા હશો તો ભવિષ્ય સારું જ હશે. જાગૃત વ્યક્તિ ક્યારેય ખોટું કામ કરી શકશે નહીં. જાગૃતિની સાથે જીવન જીવવાનો અભિગમ બદલાતો જાય અને સત્ય શું છે, અસત્ય શું છે તેનો ખ્યાલ આવતો જાય. જાગૃતિ અનેક રીતે આવી શકે -બાળસહજતા, સરળ ચિત્ત, નિખાલસતા, પ્રેમમય, ભક્તિમય થવું અને અસ્તિત્વ પ્રત્યે અહોભાવ.

ઓશોનું કામ એક અજ્ઞાત પથ પર વ્યક્તિને અત્યંત ઋજુતાથી યાત્રા કરાવતા ભોમિયા જેવું છે. પણ યાત્રા તો આપણે પોતે જ કરવી પડે. જ્યાં સુધી વ્યક્તિ સ્વયં યાત્રા પર ચાલે નહીં, ત્યાં સુધી તેને ઓશોની વાત સમજાશે નહીં. તેણે સજાગ રીતે જીવન જોવું પડે, સાક્ષી થઈને અંતરયાત્રાના અનુભવો પ્રત્યે પણ તટસ્થ રહેવું પડે, મોટી સિદ્ધિ મળે કે આનંદથી ભરી દેતા અનુભવ થાય તો પણ આ માર્ગ પર અચલ ચાલવું પડે.

ઓશો કહે છે કે ભય મનુષ્યને આત્મવાન બનવા દેતો નથી. માટે ભયથી જાગો. જેનાથી તમે ડરો છો, તેને તમે ક્યારેય પ્રેમ નહીં કરી શકો. માટે ઈશ્વરથી પણ ડરો નહીં. ભયથી ઘૃણા, ક્રોધ, હિંસા ઉપજે છે. પ્રેમથી કરુણા ઉપજે છે. માનવાથી ભય પેદા થાય છે, જાણવાથી પ્રેમ પેદા થાય છે. માટે માનવું નહીં જાણવું. તમારા બાળકોને, પત્નીને, પતિને, મિત્રને, પરિવારને, પ્રિયજનોને, મનુષ્યને, પશુ પક્ષીને, ફૂલ છોડને સૌને પ્રેમ કરો. જેમ તમારો પ્રેમ ફેલાતો જશે, તેમ પરમાત્માની ઝલક આવવી શરૂ થઈ જશે. જ્યારે તમારો પ્રેમ વિરાટ થઈ જાય છે, તમે પ્રેમમય બની જાવ છો, ત્યારે તમારું અને પરમાત્મા વચ્ચેનું અંતર ઘટતું જશે અને એક દિવસ તમે પરમાત્મામાં પહોંચી જશો. પ્રેમમાં વ્યક્તિ ફેલાય છે, ભયમાં વ્યક્તિ સંકોચાય છે. પ્રેમમાં વ્યક્તિ શ્રદ્ધા કરે છે, ભયમાં વ્યક્તિ શંકા કરે છે. પ્રેમની સાથે તમે અખંડતા, એકતાની અનુભૂતિ કરો છો. સંભવ હોય તેટલા લોકોને મળો, લોકોથી શીખો અને તમારી અંદર એક નવી ઉર્જાને જાગૃત થતા જોશો. એ ઉર્જા જ પ્રેમ છે, જે તમને ધન્યતાનો અનુભવ કરાવશે અને તમે અસ્તિત્વ પ્રત્યે અહોભાવથી ભરાઈ જશો.

પ્રેમને શોધવા જવાની જરૂર નથી. તેને સ્વયંની અંદર ઝાંખો અને પામી જાઓ. પ્રેમ આપણી પ્રકૃતિ છે. તમે જેટલો વધુ પ્રેમ કરો છો, અસ્તિત્વ એટલો વધારે પ્રેમ ચારે તરફથી તમારા પર વરસાવી દે છે. પ્રેમ જીવન ઊર્જાનું શિખર છે, જીવનની પરમ સમાધિ છે, સમર્પણની દશા છે, અદ્વૈત છે. જેણે પ્રેમને જાણ્યો, તેણે બધું જાણી લીધું.

પ્રેમ ત્રણ પ્રકારના છે. પહેલો પ્રેમ વસ્તુઓ પ્રત્યે, ધન, મકાન પ્રત્યે; 99% લોકો એમાં જ અટવાઈ જાય છે. બીજો પ્રેમ વ્યક્તિઓનો પ્રેમ, જેમાં એક લગની પેદા થાય છે, જીવન અર્થપૂર્ણ લાગે છે, પણ તે ક્યારેય પૂર્ણ પ્રેમ થઇ શકતો નથી કારણ કે તેમાં એક બીજાની ઝુકાવવાની વાત છે અને જે ઝુકે તે વસ્તુ જેવો થઈ જાય છે. ત્રીજા પ્રકારનો પ્રેમ છે – પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, જે પૂર્ણ પ્રેમ છે કારણ કે ત્યાં તમે ઝૂકી જાઓ છો, પણ કોઈ ઝુકાવનારો નથી.

પ્રેમના ત્રણ અર્થ થાય છે. પહેલો અર્થ સામાન્ય રીતે જે આપણે કહીએ છીએ -પ્રેમમાં પડવું. તેનો અર્થ એ થાય કે તેણે પોતાની સ્વતંત્રતા નીજતા કોઈને દીધી, તમે તેના પર નિર્ભર બન્યા. દરેક પરિવારમાં, દરેક વ્યક્તિમાં ચાલી રહેલો આ બહુ સરળ પ્રેમ છે. આનાથી ઊંચો બીજો પ્રેમ છે -જેને પ્રેમમાં હોવું કહીએ છીએ. તેનો સ્વભાવ મૈત્રીનો છે. તે ન તો બહુ દૂર છે, ન બહુ નજીક. જેથી એકબીજાની સીમામાં હસ્તક્ષેપ નથી. આવો પ્રેમ બહુ કઠિન છે. બીજો પ્રેમ મનુષ્યનો પ્રેમ છે, જેમાં થોડી ગરિમા છે, થોડો બોધ છે, પ્રતિભા છે. ત્રીજા પ્રેમમાં બીજા સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રેમની ચૈતન્ય દશા છે. એ અંદરથી આવતો અસ્તિત્વ પ્રત્યેનો પ્રેમ છે. જ્યારે પ્રેમ કરુણા બને છે, ત્યારે પરમાત્માનું દ્વાર બને છે. ત્રીજો પ્રેમ કરુણા છે. આવા પ્રેમનું નામ ભક્તિ છે. આવો પ્રેમ ધ્યાનનું પરિણામ છે, જે બહુ વિરલાઓને ઉપલબ્ધ થાય છે.

પ્રેમ એ અદભુત કલા છે. સંવેદનશીલતા વધે તેની સાથે તમારી પ્રેમની કલા પણ વધતી જશે. જ્યારે તમને એ રહસ્ય સમજાઇ જાય કે પ્રેમની મજા પ્રેમ આપવામાં છે તો તમે ચકિત થઈ જશો કે પ્રેમ હજાર ગણો થઈને તમને પાછો મળે છે. જ્યારે તમે પ્રેમથી કોઈનો હાથ હાથમાં લો છો, ત્યારે તેના બુઝાતા દીવાને ફરી જ્યોતિ મળે છે. જ્યારે કોઈને પ્રેમથી ભેટો છો, તો એનું આયુષ્ય વધે છે. પ્રેમ કોઈ ઘટના નથી પણ જીવનનું બીજું નામ છે. પ્રેમ માટે શબ્દો આવશ્યક નથી. જેણે પ્રેમ જાણ્યો તેણે જીવન જાણ્યું. પ્રેમનું બીજ તમારી અંદર જ છે, જે વૃક્ષ બનવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં ભય છે, ત્યાં પ્રેમ સંભવ નથી. જ્યારે માગ્યા વગર કંઈ આપો છો તો પ્રેમ ધીરે ધીરે પ્રાર્થના બની જાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં સુખ છે, ત્યાં શાંતિ છે. ધ્યાનમાં સ્વયંને મળાય છે, પ્રેમમાં બધાને મળાય છે. પ્રેમ એક સદભાવના છે, એક આનંદ છે. પ્રેમનો અર્થ જ એ છે કે મારો આનંદ, મારા જીવનની ખુશી બધા સુધી પહોંચે.

ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા અને અંતિમ સૂત્રને સમજવું હશે તો સાધારણ ગણિત કામ નહીં લાગે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળી જાય છતાં પણ પૂર્ણ જ શેષ રહે છે. આ સૂત્રને સમજવા માટે પ્રેમને સમજવો પડશે. આપ ગમે તેટલો પ્રેમ આપો તો પણ એટલો જ પ્રેમ બચે છે. જે વ્યક્તિએ પ્રેમને જાણ્યો તેણે પરમાત્માને પણ સમજી લીધા. પરમાત્માનો અર્થ છે -જે બધાની અંદર છે, જે અસ્તિત્વ છે એ જ. માટે જે દિવસે સમજાઇ જશે કે મારી પાસે એવો પ્રેમ છે જે હું આપી દઉં તો પણ એટલો જ બચે છે, તે દિવસે બીજા પાસે પ્રેમ માગવાનો બંધ થઈ જાય છે. આપણી તકલીફ એ છે કે આપણે જિંદગીભર પ્રેમ શોધીએ છીએ અને પ્રેમ માંગતા રહીએ છીએ. પણ ઓશો સુંદર અને સરળ રીતે આ સૂત્ર સમજાવી આપણું કામ આસાન કરી દે છે.

રીટા જાની
06/01/2023

ઓશો દર્શન -41 રીટા જાની
ગતાંકમાં ઓશોદર્શન અંતર્ગત આપણે ધ્યાનસૂત્રની વાત શરૂ કરી, જેમાં તૃષ્ણા અને સંકલ્પ વિશે જાણ્યું. સાથે શરીર શુદ્ધિના અંતરંગ સૂત્રો પણ સમજ્યા. મનુષ્યના વ્યક્તિત્વમાં જ્યારે શરીર શુદ્ધ હોય, વિચાર શુદ્ધ હોય અને ભાવ શુદ્ધ હોય ત્યારે સાધનાનું પરિધ તૈયાર થાય છે. જો આ ત્રણ વાતો સધાઈ જાય તો જીવનમાં નવા પ્રકારના આનંદ અને શાંતિનો જન્મ થઈ જાય છે. આજના લેખમાં આપણે ચિત્ત શક્તિનું રૂપાંતરણ, વિચારશુદ્ધિનાં સૂત્રો, ભાવ શુદ્ધિનો કીમિયો, અને સમ્યક રૂપાંતરણનાં સૂત્રો જાણીશું.

આપણા ચિત્તમાંથી કશું જ લુપ્ત થતું નથી. એ જે પણ અનુભવો કરે છે તે સંગ્રહિત થાય છે. જો એ સ્મૃતિને ફરીથી જગાડવામાં આવે તો એ જ અનુભૂતિઓમાં પ્રવેશ કરી શકીએ છીએ. મોટાભાગે મનુષ્ય એવી ભૂલ કરતો હોય છે કે એ જે પણ ખોટું છે તેનું સ્મરણ કર્યા કરે છે. વર્ષો પહેલાં તમે ખૂબ ક્રોધિત થયા હતા, અશાંત બન્યા હતા, કોઈએ તમારું અપમાન કર્યું હતું કે કોઈની સાથે બદલો લીધો હતો એ બધી વાતનું સ્મરણ કરતા રહે છે, જે ઘાતક છે. પરંતુ જે વિધાયક છે, ઉપકારક બની શકે છે એ અનુભૂતિનું સ્મરણ જો વારંવાર કરવામાં આવે તો તે બહુ મહત્વનું બની રહેશે. માટે કાંટાને ભૂલી જાવ, ફૂલનું સ્મરણ કરો, શુભનું સ્મરણ કરો, શ્રેષ્ઠનું સ્મરણ કરો, શાંતિની અનુભૂતિ તમારી ચારે તરફ અનુભવો.

સ્વર્ગ કે નર્ક કોઈ ભૌગોલિક સ્થાન નથી, પરંતુ આપણી જ માનસિક, મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. માટે જીવનની એ ક્ષણોનું સ્મરણ કરો – જે અદભુત હતી, ઐશ્વર્યથી ભરેલી હતી. ધ્યાનમાં જે અનુભૂતિ થઈ હોય તેનું સ્મરણ રાખો. આજે દાંપત્યજીવનના પ્રશ્નોનું કારણ પણ એ જ છે કે બધા પ્રેમ માંગે છે પણ પ્રેમ આપતાં કોઈને આવડતું નથી. પાપમાં હંમેશા લક્ષ્ય હશે, પુણ્યમાં કોઈ જ લક્ષ્ય હોતું નથી અને જે પુણ્યમાં લક્ષ્ય હોય તે પાપનું જ સ્વરૂપ છે. પુણ્ય હંમેશા કરુણાથી થાય છે, પાપ કદી કરુણાથી થઈ શકતું નથી. જે ઈશ્વરની મરજી પ્રમાણે અનંત સત્તાના હાથમાં પોતાનું જીવન મૂકી દે છે, તેને કોઈ લક્ષ્ય નથી; ફક્ત અંતઃપ્રેરણા છે. ઓશો એક સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે આપણે એ નદીઓ છીએ જેવા છીએ જેની અંદર બરફના મોટા ટુકડા વહી રહ્યા છે, જે નદીના પ્રવાહની ગતિ મંદ કરે છે. આપણા જીવનમાં પણ તૃષ્ણા, ક્રોધ અને મોહના દબાયેલા આવેગો છે, જે આપણી ધારાને વહેવા દેતા નથી. પરંતુ આ આવેગોને વિસર્જિત કરી, ઓગળી એનો સર્જનાત્મક ઉપયોગ કરી શકાય.

હવે વિચારના સંબંધમાં વિચારણા કરીએ તો વિચારો પણ એક પ્રકારના તરંગો જ છે. વ્યક્તિ જે વિચારોથી આંદોલિત થાય છે, તેવું તેનું વ્યક્તિત્વ ઘડાય છે. મોટાભાગે વ્યક્તિ ધન, યશ કે કામના સંબંધમાં વિચારતા રહે છે. આ અશુદ્ધ વિચારો છે, જે બહિર્ગામી અને અધોગામી છે. તેનાથી તમે ક્યારેય જીવન સત્યને પ્રાપ્ત નહીં કરી શકો. શુદ્ધ વિચારનો અર્થ છે – સત્યમ્, શિવમ્ અને સુંદરમ્, જેની દિશા અંતર્ગામી અને ઉર્ધ્વગામી છે. આપણા વિચાર સત્યોન્મુખ, શિવોન્મુખ તથા સૌંદર્યોન્મુખ બને તે માટે પ્રત્યેક વિચાર, પ્રત્યેક વાણી, પ્રત્યેક ક્રિયા કરતાં પહેલા એક ક્ષણ થોભી જાવ. શુદ્ધ વિચારના કોઈ કેન્દ્ર પર તમારી ઉર્જા અને તમારી શક્તિને ભેગા થવા દો. સ્મરણપૂર્વક જે અશુદ્ધ છે તેનો ત્યાગ કરો અને શુદ્ધ ઉપર સ્વયમ્ ને સ્થિર કરો. કોઈ મારા ઘરમાં કચરો ફેકશે તો હું તેની સાથે ઝઘડો કરીશ, પણ કોઈ મારા મગજમાં કચરો ફેકશે તો હું ઝઘડવા જતી નથી. આ બાબતે જાગૃત રહો. આપણું મન ધર્મશાળા જેવું ન હોવું જોઈએ. મનની ઉપર પણ પહેરો રાખો.

આ જગતમાં અશુભ વિચારો ખૂબ પ્રમાણમાં છે અને તેનો ધુમાડો તમારા ચિત્તમાં પ્રવેશી તમને ઘેરી લે છે. પણ એ ન ભૂલીએ કે કેટલાક નાના નાના શુભ વિચારોના દીવા પણ ટમટમતા રહે છે. ભલે તેમની જ્યોતિ નાની હોય પણ તેમનો સંગ શોધનારના લગભગ ઓલવાઈ ગયેલા દીવાને પણ પ્રકાશમાન બનાવી શકે છે. માટે જ વિશેષ મહત્વ છે સત્સંગ, સત્પુરુષ અને પ્રકૃતિના સાંનિધ્યનું. માટે સત્ નો સંપર્ક, સત્ ની ઈચ્છા, સત્ ની ખોજ, સદ્ વિચારોનો જીવનમાં પ્રવેશ અને પ્રકૃતિના સાંનિધ્યને એક અનિવાર્ય અંગ સમજીને જીવનભર એનો પ્રયોગ કરતા રહેવાનો છે.

માત્ર વિચારના જગતમાં ચિંતનથી જીવનમાં કોઈ ક્રાંતિ થતી નથી. જીવનની મોટાભાગની ક્રિયાઓ વિચારના જગતમાંથી નહીં, પણ ભાવના જગતમાંથી જન્મી હોય છે. ભાવની ચાર જુદી જુદી દિશા છે – મૈત્રી, કરુણા, પ્રમુદિતા(પ્રફુલ્લતા) અને કૃતજ્ઞતા. આ ચાર ફોર્મમાં વ્યક્તિ શુદ્ધ ભાવમાં પ્રતિષ્ઠિત છે જ્યારે એથી વિપરીત ઘૃણા, હિંસા, વિષાદ અને અકૃતજ્ઞતા એ અશુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ ચિત્તની અવસ્થા છે, અશુદ્ધ ભાવ ચિત્તની વિકૃતિ છે. આપણી ચારે બાજુ સમગ્ર પ્રકૃતિ બહુ અદ્ભુત વસ્તુઓથી ભરેલી પડી છે. એમના પ્રતિ પ્રેમ વરસાવો. પણ આપણી આંખો તો ટેલિવિઝન જોવામાં મગ્ન છે, આપણું મન પત્તાની હાર-જીતમાં લાગેલું છે. આમ જ પ્રેમના તત્વોને વિકસિત કરવાનો અવસર નિરર્થક બની જાય છે. મૈત્રી અને પ્રેમના બિંદુને જગાડવા માટેનું એક સૂત્ર યાદ રાખો કે ચોવીસ કલાકમાં એક-બે એવા કામ જરૂર કરો જેના બદલામાં તમારે કંઈ જ પ્રાપ્ત કરવાનું ન હોય.

એક વાતનું સ્મરણ રહે કે જે બીજાને દુઃખ આપે છે તે અંતે દુઃખી થાય છે અને જે બીજાને સુખ આપે છે તે અંતે બહુ જ સુખ પ્રાપ્ત કરે છે. માટે જ્યારે કરુણાનું ભાન થશે ત્યારે તમે કોઈને દુઃખ પહોંચાડવાના બધા જ રસ્તા બંધ કરી દેશો અને શક્ય તેટલું સુખ આપવાના પ્રયત્ન કરશો. સાધનામાં પ્રવેશ કરવા કરુણાના ભાવને વિકસિત કરવો ખૂબ જરૂરી છે.

પ્રમુદિતા એટલે પ્રસન્નતા આનંદની સભાનતા, વિષાદનો અભાવ. ઉદાસી એક ટેવ છે, જે તમે પોતે પાડી છે. પણ એક એવી આદત પણ તમે પાડી શકો છો જેને જાળવી રાખવા તમે જિંદગીનો એ ભાગ જુઓ જે પ્રકાશિત છે. તમે જિંદગીને કઈ રીતે જુઓ છો તેના પર બધો આધાર છે. જે આનંદને પોતાની અંદર એકત્રિત કરે છે તે સાધનામાં ગતિ કરે છે.

કૃતજ્ઞતા એ ખુબ જ દિવ્ય છે. 21મી સદીમાં જો કંઈક ખોવાઈ ગયું હોય તો તે આ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતાને સમજવાના અને વિકસિત કરવાના ઉપાય કરવાથી સાધનામાં ગતિ આવશે અને જીવન બદલાઈ જશે.

જ્યારે શુદ્ધિ અને શૂન્યતાનું મિલન થાય ત્યારે સમાધિ ઉત્પન્ન થઈ જાય છે અને સમાધિ પરમાત્માનું દ્વાર છે. માટે સમ્યક રૂપાંતરણ માટે જરૂરી છે -શરીર શૂન્યતા, વિચાર શૂન્યતા અને ભાવ શૂન્યતા.

ઘણીવાર પ્રશ્ન થાય છે કે સાધનામાં ધ્યાન કોનું કરવાનું છે? મોટા ભાગે આપણે ધ્યાનને “કોઈના ધ્યાન”ના સ્વરૂપમાં વિચારીએ છીએ. ધ્યાન કોનું? પ્રાર્થના કોની? આરાધના કોની? પ્રેમ કોની સાથે? ધ્યાનનો અર્થ કોઈને સ્મરણમાં લાવવાનો નથી. ધ્યાન એ અવસ્થા છે. ધ્યાનનો અર્થ એ સઘળું કે જે આપણા સ્મરણમાં છે તેને પાડી નાખો એ છે. એવી સ્થિતિ લાવવાની છે કે માત્ર ચેતન જ રહી જાય, કેવળ અવેરનેસ રહી જાય. આપણે એક દીવો પ્રગટાવીએ અને બાકીની બધી જ વસ્તુઓ હટાવી લઈએ તો પણ દીવો તો સળગતો રહેશે એવી જ રીતે આપણા ચિત્તમાંથી બધા જ ઉદ્દેશો, વિચારો, કલ્પનાઓ હટાવી લઈએ તો ચેતનાની એકાકી અવસ્થા રહે – એ જ ધ્યાન છે. ધારણાના માધ્યમથી એક ક્ષણ એવી આવે કે શરીર વિલીન થઈ જાય, વિચાર પણ વિલીન થઈ જાય, જ્યારે સઘળું વિલીન થઈ જાય, ત્યારે જે શેષ રહે તેનું નામ ધ્યાન. આપણે શ્વાસની, ચક્રની, મૂર્તિની ધારણા કરીએ છીએ એ ધ્યાન નથી.

શુદ્ધિની ભૂમિકા પરમાત્માની સન્મુખ લઈ જાય છે. એના પછી શૂન્યની દ્રષ્ટિ પરમાત્મા સાથે મિલન કરાવે છે અને પરમાત્મા સાથે એકરૂપ કરી દે છે.

વિચારના દ્રષ્ટા બનવાનું છે, વિચારક નહીં. માટે જ આપણે ઋષિઓને દ્રષ્ટા કહીએ છીએ. મહાવીર અને બુદ્ધ પણ દ્રષ્ટા છે. સાધારણ માણસની અંદર એક ધારા હોય છે- માત્ર વિચારની. સાધકની અંદર બે ધારાઓ હોય છે- વિચારની અને દર્શનની. આપણે વિચારથી દર્શન સુધી પહોંચવાનું છે. એ માટે વિવેકને જગાડવો પડશે. અંતરંગ સાધનાના મૂળ તત્વ છે – સમ્યક નિરીક્ષણ- દેહની ક્રિયાઓનું, વિચારની પ્રક્રિયાઓનું, ભાવની અંતરંગ ધારાઓનું. આ ત્રણ સ્તરોને જે પાર કરીને સાક્ષીને પકડી લે છે, તેને લક્ષ્ય મળી જાય છે.

કેવળજ્ઞાનનો અર્થ છે ચેતનાની એ સ્થિતિ જ્યાં કોઈ જ્ઞેય નથી રહેતો, જ્યાં કોઈ જ્ઞાતા નથી રહેતો, માત્ર જ્ઞાનની શક્તિ જ રહી જાય છે. કેવળજ્ઞાનનો અર્થ છે શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરી લેવો જેને ઓશો અને પતંજલિ સમાધિ કહે છે, જૈનો કેવળજ્ઞાન કહે છે, બુદ્ધ પ્રજ્ઞા કહે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર છે. જ્યારે જ્ઞાન આવે છે, ત્યારે અહંકાર વિલીન થઈ આત્માનું દર્શન થાય છે. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. એ તો ચેતના, અંતિમ આનંદની અવસ્થા છે. ‘અહમ્ બ્રહ્માસ્મિ’ એ અનુભૂતિને આપણે પરમાત્મા કહીએ છીએ.

ઓશોના આ સૂત્રો પર જો મહેનતપૂર્વક અને સંકલ્પપૂર્વક કામ કરશો તો બહુ જલ્દી તમારી અંદર એક નવી વ્યક્તિનો જન્મ થઈ જશે. એક એક પગલું ચાલતા રહો, તો અનંત અંતર પણ પૂરું થઈ જશે.

રીટા જાની
23/12/2022

ઓશો દર્શન -39. રીટા જાની

wp-1644023900666ગત અંકમાં આપણે બુદ્ધના ‘હૃદયસૂત્ર’ની પૂર્વ ભૂમિકાની ઓશોની કાવ્યાત્મક શૈલીમાં અનુભૂતિ કરી. ‘બુદ્ધ બનો અને તમે બુદ્ધ છો, તમે હંમેશા બુદ્ધ રહ્યા છો.’ આ મૂળભૂત સમજ સાથે આગળ વધવું છે.

જીવનમાં ત્રણ ચીજો અગત્યની છે -જન્મ, પ્રેમ અને મૃત્યુ.  જન્મ થઈ ચૂક્યો છે, તેનું કંઈ કરવાનું રહેતું નથી. જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે જન્મ લેવા માંગો છો કે નહીં એવું પણ તમને પૂછવામાં આવ્યું ન હતું. પ્રેમ પણ સંભવે છે. જ્યારે તમે કોઈકના પ્રેમમાં પડો છો ત્યારે તમે તમારી જાતને દૂર હડસેલી શકતા નથી. જેમ જીવન આપમેળે સંભવે છે, એમ જ પ્રેમ પણ આપમેળે સંભવે છે. જો જીવનની પ્રત્યક્ષ ક્ષણ ખૂબ જ સુંદર, વ્યક્તિગત, અનુકરણ ના થઈ શકે તેવી બની શકે છે; તો પ્રત્યેક ક્ષણ આશીર્વાદિત અને અનન્ય બની શકે છે. જેઓ પોતાની જેવા જ બનવા માંગે છે તેઓ આ ધરતીના સૌથી મૂલ્યવાન લોકો છે. ઓશો કહે છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, માટે મૃત્યુનું ચિંતન કરો. તમારે તેના માટે તૈયાર રહેવું જ પડશે. સાચો માર્ગ એ છે કે ભૂતકાળની પ્રત્યેક ક્ષણમાં મૃત્યુ પામો અને વર્તમાનમાં જન્મ લો. તે તમને તાજા, યુવાન, સ્ફૂર્તિલા અને  ક્રાંતિવાન રાખશે.  તે એક બહુ મોટી આવડત અને કલા છે.

વાસ્તવિકતા સાથે સુસંગત વિચારોથી પરમાનંદ ઊભો થાય છે.  તમારી અને સત્ય વચ્ચેનું વિભાજન એ અસંગતિ છે. જ્યારે તમે સત્ય સાથે ચાલતા નથી, ત્યારે તમને પીડા થાય છે, સંતોષ મળતો નથી. ઉદાહરણ તરીકે, લીલા ચશ્મા પહેરવાથી આખી દુનિયા લીલી દેખાશે. ચશ્મા હટાવી દેશો તો વાસ્તવિકતાના દર્શન થશે. બુદ્ધ કહે છે કે અંધકારમાં તમે દોરડાને સાપ સમજી બેસો અને ભાગવા માંડો છો અને કોઈ પથ્થર સાથે અફળાવ છો તો તમારા હાડકા ભાંગી જાય છે. સવારે તમને ખબર પડે છે કે તે કેવળ એક દોરડું હતું. ગેરસમજણ એ સમજણ જેવી જ વાસ્તવિક છે. તે સાચી નથી. પરંતુ વાસ્તવિક છે. વાસ્તવિકતા અને સત્ય વચ્ચેનો આ ફરક છે. માટે જ બુદ્ધ કહે છે કે કેવળ દીવો થઈને તમારી અંદર ઉતરો અને બરાબર નિહાળો કે સાપનું અસ્તિત્વ છે કે નહીં. વિચારો એ વિકૃતિકરણનું માધ્યમ છે. માટે જ બુદ્ધે શુન્યતા ઉપર, નિર્બુદ્ધી, નિર્વિકલ્પ અવસ્થા પર એટલો બધો ભાર મૂક્યો છે. જ્યારે તમે બિલકુલ ખાલી છો, ત્યારે આઈનો જ પ્રતિબિંબ પાડે છે. પરંતુ જો તમે કોઈ વિચાર ધરાવો છો તો તમે તેને વિકૃત કરશો.

ઓશો કહે છે કે આપણે વિશાળ સમુદ્રના બહુ નાના અંશો છીએ, ટીપાંઓ છીએ. અહીં સંદેશ છે- પ્રેમ, શરણાગતિ અને સ્વીકૃતિનો. અંશ પૂર્ણ સાથે ભળીને જ સમર્થ બની શકે. તમારું સામર્થ્ય સત્ય સાથે રહેવામાં રહેલું છે. નદીમાં સામા પ્રવાહે તરવાનો પ્રયાસ કરો તો તમે કમજોર સિદ્ધ થશો. પણ નદીના પ્રવાહમાં વહો, તો નદી તમને તે જ્યાં જતી હશે ત્યાં લઈ જશે.

ભવિષ્ય વિષમય છે. તમે જેટલું વધુ સંચય કરશો, તેટલી આંતરિક દરિદ્રતાનો અનુભવ કરશો. વર્તમાન ક્ષણ સુંદર અને મનોહર છે. જ્યારે તમે આ ક્ષણના શિખર પર સ્વાભાવિક, સ્વયંસ્ફૂર્ત, સરળ અને સામાન્ય જીવન જીવો છો, તે એક મહાન આશીર્વાદ છે. ઓશો સમજાવે છે કે જ્ઞાન અને અજ્ઞાન બંનેનો અભાવ ડહાપણ છે. જેને બુદ્ધ પ્રજ્ઞા પારમિતા કહે છે- પરમોત્કૃષ્ટ પ્રજ્ઞા પારલૌકિક પ્રજ્ઞા.  એક વાર આ સત્ય તમારા અસ્તિત્વમાં પ્રવેશે છે, પછી મહાન પરિવર્તન આવશે. માટે સામર્થ્યની ઈચ્છાનો ત્યાગ કરી અવલોકન કરો.

ઓશો કહે છે કે જો તમે સફેદ દિવાલ પર સફેદ ચોકથી લખો તો વાંચી શકાશે નહીં. પણ જો બ્લેકબોર્ડ પર લખો તો સ્પષ્ટ દેખાઈ આવશે, માટે વિરોધાભાસ જરૂરી છે. દિવસ દરમિયાન પણ આકાશમાં તારાઓ હોય છે. પરંતુ રાત્રિના અંધકારમાં તેમને જોઈ શકાય છે. એ જ રીતે એક બાળક નિર્દોષતા ધરાવે છે, પરંતુ પાછળ કોઈ પાર્શ્વ ભૂમિકા નથી. એથી વિપરિત એક બુદ્ધ પોતાનું જીવન જીવી ચૂક્યા છે, સારું અને ખરાબ બંને ધ્રુવીયતાને સ્પર્શી ચૂક્યા છે. માટે જ બુદ્ધ કહે છે કે “મેં કશું પ્રાપ્ત કર્યું નથી. મેં કેવળ એ શોધી કાઢ્યું છે, જે હંમેશા હોય છે. ખરેખર કોઈ પ્રાપ્તિ નથી, મેં કેવળ તેને ઓળખી છે. તે શોધ નથી, પુનર્શોધ શોધ છે. જ્યારે તમે બુદ્ધ બનો છો ત્યારે તમે તમારો સ્વભાવ જુઓ છો. એ માટે તમારે પથભ્રષ્ટ થવું પડે છે, કાદવવાળી જગ્યાઓમાં પ્રવેશવું પડે છે. ત્યારે જ તમારી અણિશુદ્ધ, નિર્મળતા અને શુદ્ધતા જોઈ શકાશે.”

અહમ્ ના સાત દ્વાર છે જે બહુ સ્પષ્ટ અને એકબીજાથી જુદા નથી. જો વ્યક્તિ સાતે દ્વારમાંથી અહમ્ પ્રાપ્ત કરે છે, તો તે સંપૂર્ણ અહમ્ બને છે. જે રીતે ફળ કાચું હોય ત્યારે લટકતું રહે છે પણ જ્યારે પક્વ બને ત્યારે ખરી પડે છે, એવું જ અહમ્ નું પણ છે. વક્રતા એ છે કે ખરેખર વિકાસ પામેલો અહમ્ જ શરણે થઈ શકે છે, પૂર્ણ અભિમાની જ શરણાગતિ સ્વીકારી શકે છે કારણ કે એ અહમ્ નું દુઃખ જાણે છે. માટે બુદ્ધ બનતા પહેલા તમારે આ સાત દ્વારનો ઉપયોગ કરવો જ જોઈએ. અહમ્ નું પ્રથમ દ્વાર દેહમય જાત, દ્વિતીય આત્મઓળખ, ત્રીજું આત્મસન્માન, ચોથું આત્મવિસ્તરણ, પાંચમું આત્મ છબી, છઠ્ઠું સ્વ-નિજત્વ અને સાતમું દ્વાર યોગ્યતાની પ્રાપ્તિ છે. વ્યક્તિ અહમ્ ના સાત દ્વાર શરૂ થતા પહેલા બાળક છે અને અહમના સાત દ્વાર પૂર્ણ થયા બાદ બુદ્ધ છે. આ પૂર્ણ ચક્ર છે.

ઓશો કઝાન્સાકીના પુસ્તક ‘ઝોર્બા ધ  ગ્રીક’ ને ટાંકીને કહે છે કે પુસ્તકને પ્રેમ કરવાથી કોઈ ફાયદો થશે નહીં, ક્યારેય કોઈનું અનુકરણ કરવાની કોશિશ ન કરો. ઝોર્બા પાસેથી રહસ્ય શીખો, સહભાગી બનો, પછી તમારી રીતે આગળ વધી અને ‘તમે બનો’. જીવનને આનંદપૂર્વક સ્વીકારો, સહજતા અને સ્વસ્થતાથી જીવો. બહુ ગંભીર બનવાની જરૂર નથી, રમતિયાળ બનો. દરેક પળને તીવ્રતાથી જીવો. તીવ્ર પૂર્ણતાની એક ક્ષણ તમને ઈશ્વરનો સ્વાદ ચખાડવા પૂરતી છે. એ ક્ષણ તમને શાશ્વત બનાવી દેશે.

બુદ્ધનો સંદેશ છે કે ‘તમે તારણ પામેલા જ છો. તારણહાર આવવાની જરૂર નથી. તમે ગુનેગાર નથી. કોઈ દુઃખ નથી. સારિપુત્ર! દુઃખનું કારણ કે ઉદ્ભવ નથી. તેનો કોઈ નિરોધ નથી અને તેનો કોઈ માર્ગ નથી. તે કોઈ પ્રાપ્તિ નથી કે તે કોઈ અપ્રાપ્તિ નથી, તે છે જ. તે તમારો ખુદનો સ્વભાવ છે.’

બુદ્ધ સારિપુત્રને કહે છે કે “પ્રજ્ઞા પારમિતા” એટલે “ધ્યાન, પરમોત્કૃષ્ટની પ્રજ્ઞા”. તમે તેને ખોલી શકો. તમે તેને લાવી શકો નહીં. ધ્યાન બનવા માટે ચિત્ત અને મગજ શાંત થવું જોઈએ. એકાગ્રતા એ મગજનો પ્રયાસ છે, ધ્યાન એ ચિત્તરહિતાની અવસ્થા છે, શુદ્ધ જાગૃતિ છે. ધ્યાનમાં કોઈ ઉદ્દેશ નથી. ધ્યાન એક વૃક્ષ છે, જે બીજ વિના ઉગે છે. ધ્યાન એ સમજદારી છે કે ઈચ્છાઓ ક્યાંય દોરી જતી નથી. ધ્યાનમાં કોઈ કેન્દ્ર નથી, તમે શૂન્યતાના આધારે કામ કરો છો. શૂન્યતાને આધારે  ઉદ્દભવતો પ્રતિભાવ એ જ તો ધ્યાન છે. પદ, પૈસા, પ્રતિષ્ઠા – કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો સમયની જરૂર પડે, પરિશ્રમની જરૂર પડે, તેને તત્કાલ મેળવી શકાય નહીં. પરંતુ કેવળ ધ્યાન હમણાં પ્રાપ્ત કરી શકાય છે, આ જ ક્ષણે, તત્કાલ. કારણ કે એ તમારો સ્વભાવ છે. એ માટે એક ક્ષણ પણ ગુમાવવાની જરૂર નથી. નિર્વાણ બીજું કશું નથી, પરંતુ પૂર્ણ ચક્ર કરેલી ધ્યાનાવસ્થા છે. ઈશ્વર બીજું કશું નથી, પરંતુ ધ્યાનની કુંપળનું ફૂલ બનવું છે. આ પ્રાપ્તિઓ નથી, આ તમારી જ વાસ્તવિકતાઓ છે, તે તમારી અંદર જ બિરાજમાન છે. ધ્યાન અર્થાત તેમાં હોવું, ધ્યાનસ્થ હોવું. એનો અર્થ કોઈના ઉપર ધ્યાન કરવું એવું થતો નથી. તે એક અવસ્થા છે, પ્રવૃત્તિ નથી. બુદ્ધ કહે છે કે તમે શૂન્યતાની આ અવસ્થામાં જાવ. પછી નિર્વાણ સ્વાભાવિક પરિણામ છે. તે આપમેળે આવે છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. તમે આ શૂન્યતામાં કેવળ પ્રવેશો અને પછી શૂન્યતા વિશાળ અને વિશાળ થતી જશે. એક દિવસ તે તમારું સમગ્ર અસ્તિત્વ બની જશે. તેમનું એક માત્ર આશ્રયસ્થાન પ્રજ્ઞાની પરિપૂર્ણતા, ધ્યાનની પરિપૂર્ણતા છે. બુદ્ધ મહાગુરુ છે. એવા ગુરુ, જે તમને મુક્ત કરે છે, તમારા અંધકારનો નાશ કરે છે. તેમનો સંદેશ મનુષ્યને આપવામાં આવેલા સંદેશાઓમાંનો મહાનતમ સંદેશ છે.

રીટા જાની
25/11/2022

ઓશો દર્શન -38. રીટા જાની

wp-1644023900666
‘કેનોપનિષદ’ની પ્રસ્તાવનામાં શ્રી.વિરેન્દ્ર આસ્તિક કહે છે કે ઓશોએ ભાષાના માધ્યમથી ધ્યાન, બ્રહ્મ અને આધ્યાત્મિકતા જેવા ગૂઢ વિષયોને સરળ અને રોચક બનાવ્યા છે. ઓશો જેટલા ભૌતિક છે તેટલા પ્રયોગાત્મક પણ છે. ક્યાંય પણ અતિશયોક્તિ હોય ત્યાં એનું ખંડન કરવાનું પણ ચૂકતા નથી. યથાર્થના પ્રત્યે ભાષાનું આ અતિ સંવેદન આપણને બીજે ક્યાંય જોવા નહીં મળે. ઓશો કહે છે કે “તમે શું કહો છો, તમે શું બોલો છો, તમે શું લખો છો, તે અર્થહીન છે. તમે શું છો એ મહત્વપૂર્ણ છે. તમારો માર્ગ તમારી રીતે તૈયાર કરવો પડશે. તમારા નિષ્કર્ષો, પ્રમાણો અને સર્જન તમારા ખુદના અનુભવમાંથી આવવા જોઈએ. માટે પ્રામાણિક બનો.”

આજે ઓશો દર્શન અંતર્ગત આપણે વાત કરવી છે ‘હૃદયસૂત્ર’ની, જે બુદ્ધની દેશનાઓમાં સર્વોચ્ચ સ્થાને છે. આ સૂત્રો બૌદ્ધ સંદેશનું હાર્દ- હૃદય છે. જો તર્ક અને બુદ્ધિથી આ સૂત્રોને સમજવા પ્રયત્ન કરશો તો તમે તેના સારને ખતમ કરી નાખશો. જો તમારી બુદ્ધિ ચલાવ્યા વિના અવલોકી શકશો તો તમને મહાન સમજ પ્રાપ્ત થશે. બુદ્ધનો માર્ગ બુદ્ધિનો છે. આ જગત માયા કે ભ્રમણા નથી, પરંતુ સત્ય છે. બુદ્ધના ચરણ ધરતી સાથે જોડાયેલા હોવા છતાં તેમના હાથ અનંત ઊંચાઈને આંબે છે. બુદ્ધ આપણને આ દુઃખ, સંસારમાંથી મુક્તિ માટેનો અષ્ટાંગિક માર્ગ સારિપુત્ર સાથેના અંગત સંવાદમાં દર્શાવે છે. અસ્તિત્વ પૂર્ણ શૂન્યતા છે. તમામ સ્વરૂપો શૂન્યતા છે. પરંતુ આ શૂન્યતા અસાર નથી, સારસભરતાથી પરિપૂર્ણ છે.

બુદ્ધની આંતરદ્રષ્ટિ અત્યંત વેધક અને માર્મિક છે. વાસ્તવિકતાના આ ક્ષેત્રમાં તેઓ ખૂબ ઊંડાઈ સુધી પહોંચ્યા છે. તમારા હૃદયમાં એ પૂર્વધારણા કરો કે તમે બુદ્ધ છો. તેને એક બીજ સ્વરૂપે રહેવા દેશો તો તેની આસપાસ ઘણી ચીજો બનવાની શરૂ થશે. તમે અંકુરિત થઈ રહેલા બુદ્ધ છો. તમે એકાકાર બનવા સમર્થ છો. થોડી જાગૃતિ અને થોડી વિશેષ ચેતનાની જરૂર છે. એ ખજાનાને લાવવા તમારા ઘરમાં એક નાનો દીવો લાવવાનો છે.

સૂફીઓ સાત ખીણોની વાત કરે છે. હિન્દુઓ સાત ચક્રની વાત કરે છે. પ્રાચીન બૌદ્ધ ગ્રંથો સાત મંદિરો અંગે કહે છે. પ્રથમ મંદિર શારીરિક છે બીજું મનો – શામક, ત્રીજું માનસિક, ચોથું મનો -આધ્યાત્મિક, પાંચમું આધ્યાત્મિક, છઠ્ઠું આધ્યાત્મિક- અલૌકિક અને સાતમું મંદિર -મંદિરોનું મંદિર -અલૌકિક છે. હૃદયસૂત્ર સાતમા અલૌકિક મંદિરમાં પ્રવેશેલી વ્યક્તિની ઘોષણાઓ છે.

કોઈપણ વ્યક્તિના મનમાં ઉઠી શકે તેવો સૌથી અગત્યનો સવાલ છે કે સત્ય શું છે? સત્ય એ કોઈ પરિકલ્પના નથી, કોઈ જડ સિદ્ધાંત નથી, કોઈ ધર્મ સાથે સંકળાયેલ નથી. જેમ અંધકાર અને પ્રકાશ સાથે રહી શકતા નથી તેમ સત્ય અને અસત્ય એક સાથે રહી શકે નહીં. અસત્ય બીજું કશું નથી પણ સત્યની અનુપસ્થિતિ છે. સત્ય એ અસ્તિત્વનો અનુભવ છે. જે રીતે શાંત સરોવર આઈનો બની જાય છે અને તમારું પ્રતિબિંબ તમે જોઈ શકો છો. પરંતુ જો સરોવરમાં લહેરો ઉઠતી હોય, પવન ફુંકાતો હોય, તરંગ ઉઠતા હોય, તો તમારું પ્રતિબિંબ ધ્રુજતું રહેશે. એ જ રીતે તમારી ચેતનામાં વિચારોનો ટ્રાફિક ચાલતો જ રહે છે. વિચારોનુ ટોળું તમારી આસપાસ નાસભાગ કરતું રહે છે, ત્યારે તમે શી રીતે જાણી શકો કે સત્ય શું છે? આ ટોળામાંથી બહાર નીકળવા જરૂરી છે ધ્યાન, વિચારો વિનાની ચેતના, તરંગહીન ચેતના. પછી ત્યાં પ્રગટ થાય છે – સત્ય, જેને તમે ગમે તે નામ આપી શકો.

ઓશો કહે છે કે તમે જ્યારે ગુલાબનું ફૂલ જુઓ છો, સૂર્યોદય જુઓ છો કે રાત્રે ચંદ્ર જુઓ છો ત્યારે તમે તેને જુઓ કે ના જુઓ તેમાં કોઈ સંમતિ કે અસંમતિનો સવાલ નથી. એ જ રીતે ઓશોને જીવંતતા સાથે, મુક્ત મને, તુલના કર્યા વિના, કોઈ નિષ્કર્ષ કાઢ્યા વિના સાંભળો, આંતરદ્રષ્ટિ, ધ્યાન અને સંપૂર્ણતા સાથે સાંભળો. મૌન એ શૂન્યતા છે અને કેવળ શૂન્યતા જ સત્યના વિશ્વમાં કામ કરી શકે છે. બુદ્ધ એ શાંતિ અને મૌનને સન્યાસ કહે છે. આંતરદ્રષ્ટિ એ શૂન્યમનસ્કતાની અવસ્થા છે. જે રીતે અંદરથી ખાલી ડ્રમને વગાડી શકાય છે, એ જ રીતે શૂન્યતામાંથી સુંદર અવાજ પ્રગટે છે. ત્યારે તે માત્ર સાંભળેલો શબ્દ ન રહેતાં સ્ફુરણા કે આંતરદૃષ્ટિ બની જાય છે. એકવાર જે આ આંતરિક ખાલીપણા અને શૂન્યતાને જાણી લે છે તેના તમામ ભય અદ્રશ્ય થઈ જાય છે. આ તમામ અદ્રશ્ય થવાની ઘટનામાં જે શેષ રહે છે તે નિર્મળ આકાશ છે, જેના વિશે બુદ્ધ વાત કરે છે. એ જ સમાધિ છે, નિર્વાણ છે.

બુદ્ધના મહાન શિષ્યોમાંના એક પ્રમુખ શિષ્ય સારિપુત્રને સંબોધીને આ સૂત્ર કહેવાયા છે. તેના સાત સ્તરો છે. સાતમું પગથિયું પારલૌકિક છે: ઝેન, તંત્ર, તાઓ. છ પગથિયાં સુધી પદ્ધતિ અગત્યની રહે છે, શિસ્ત અગત્યની રહે છે, અનુષ્ઠાન અગત્યના રહે છે. પણ સાતમા પગથિયે જ્યારે તમે પહોંચો છો ત્યારે કેવળ શૂન્ય બનવું જરૂરી છે. સારિપુત્ર ચર્ચામાં બુદ્ધને પરાજિત કરવાના ઇરાદા સાથે દેશભરમાં સફર કરીને આવ્યો હતો. બુદ્ધ તેને એક વર્ષ મૌન રહેવા કહે છે અને એક વર્ષ બાદ સારિપુત્ર તેના પાંચ હજાર શિષ્ય સાથે બુદ્ધના શિષ્ય બની જાય છે.

બુદ્ધ તાર્કિક નથી પરંતુ દ્વંદ્વાત્મક છે. સમગ્ર બૌદ્ધ અભિગમ આ સૂત્ર પર આધારિત છે. જે વ્યક્ત છે એ અવ્યક્ત છે. સ્વરૂપ એ કશું નથી પણ સ્વયં શૂન્યતાનું જ સ્વરૂપ છે અને શૂન્યતા કશું નથી પરંતુ સ્વરૂપ છે, સ્વરૂપની સંભાવના છે. જીવન અને મૃત્યુ એ વિરોધી તત્વો નથી, તેઓ આંતરવ્યાપ્ત છે, તેઓ પરસ્પર દ્વારા અસ્તિત્વ ધરાવે છે. આ પાયાની આંતરદ્રષ્ટિ બતાવવા બુદ્ધ કહે છે કે સ્વરૂપ એ સ્વરૂપવિહીનતા છે અને સ્વરૂપ વિહીનતા એ સ્વરૂપ છે. દ્વૈત માત્ર દેખાવ પૂરતું છે, અંદર ઊંડે તે બધું જ એક છે. આ જ સંવેદન, સમજ અનુભૂતિ અને ચેતના માટે પણ સાચું છે. સમગ્ર જીવન અને સમગ્ર અસ્તિત્વ ધ્રુવીય વિરોધોનું બનેલું છે. પરંતુ કેવળ સપાટી ઉપર તેઓ ભિન્ન છે, મારી અંદર તેઓ એક છે. આ આંતરદ્રષ્ટિ સાથે એક મહાન સ્વીકૃતિ ઉદ્ભવે છે.

બ્લેક હોલનો ખ્યાલ બુદ્ધના શૂન્યતાના ખ્યાલ સાથે ખૂબ સામ્ય ધરાવે છે. તમામ સ્વરૂપો શ્યામલતામાં તૂટીને અદ્રશ્ય થઈ જાય છે અને લાંબા સમય પછી ફરી ઉભરાય છે. એ જ રીતે જીવન અને મૃત્યુ, મૃત્યુ અને જીવન -ચાલતું જ રહે છે. અસ્તિત્વ આ રીતે ગતિ કરે છે. મનુષ્ય સમગ્ર અસ્તિત્વનું લઘુચિત્ર છે. મનુષ્ય સાથે જે બને છે, તે બૃહદ સ્તર પર સમગ્ર અસ્તિત્વની સાથે બને છે. બુદ્ધ કહે છે કશું કરવાનું નથી, કેવળ સમજની જરૂર છે. જો તમે તેને એક આંતરદ્રષ્ટિ તરીકે જોઈ શકો તો તે તમારું સમગ્ર જીવન બદલી શકે છે.,…

બુદ્ધ કહે છે: તમે જેવા છો તેવા છો, કોઈ સુધારો કરવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. તમે જેટલા હોઈ શકો એટલા શ્રેષ્ઠ છો, વધુ સંભવ નથી. વધુ તમારા માટે સમસ્યા ઊભી કરશે. પ્રકૃતિનો સ્વીકાર કરો, પ્રાકૃતિક રીતે સરળ, સ્વયંસ્ફૂર્ત, ક્ષણે ક્ષણે જીવો. તેમાં પવિત્રતા છે. કશું પૂર્ણ નથી કે કશું અપૂર્ણ નથી. મારું જ્યાં અસ્તિત્વ છે, ત્યાં કંઈ સારું નથી કે ખરાબ નથી, ત્યાં સંસાર અને નિર્વાણ બંને સમાન છે, ત્યાં તમામ ભેદો અદ્રશ્ય થઈ જાય છે. બુદ્ધ બનો અને તમે બુદ્ધ છો. તમે હંમેશા બુદ્ધ રહ્યા છો.

ઓશો પોતાની આગવી ખૂબીથી ‘હૃદયસૂત્ર’નો પરિચય કોઈ પરંપરાવાદીની માફક નહીં, પરંતુ આધુનિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રની સિદ્ધિઓને ધ્યાનમાં રાખી વર્તમાન યુગના મનુષ્યની જરૂરિયાતના સંદર્ભમાં કરાવે છે. આ વિષય પર વધુ આવતા અંકે….

રીટા જાની
04/11/2022

ઓશો દર્શન -37. રીટા જાની

wp-1644023900666

જીવન એક અવસર છે. એમાં ઘણી બધી સંભાવનાઓ છે. જીવનમાં અર્થ લાવવો કે એને વ્યર્થ જીવવું એ સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે. જીવનના કેનવાસ પર જે ચિત્ર બને તે તમારી કુશળતા પર નિર્ભર કરે છે. પિકાસો એક ચિત્ર બનાવે તો તે અમૂલ્ય હોઈ શકે અને આપણું ચિત્ર કદાચ એટલું મૂલ્યવાન ન હોય. માટે નૂતન વર્ષે એક સંકલ્પ લઈએ કે આપણી જીવન નાવના ખેવૈયા આપણે જ બનીએ. ઓશો કહે છે કે આ જીવનમાં કોઈ બુદ્ધ થઈ જાય છે તો કોઈ કબીર થઈ જાય છે અને કોઈ એમ જ ધક્કા ખાતું ખાતું મરી જાય છે. ગત અંકમાં આપણે કબીર ઉપરના ઓશોના વિચારની વાત કરેલ. આજે એ જ વિષય પર આગળ વાત કરીશું.

કબીર કહે છે કે ‘પરમાત્મા દૂરથી દૂર અને નજીકથી પણ નજીક છે’. આ વિરોધાભાસનો શો અર્થ કરવો? ઓશો આ વાત સમજાવતા કહે છે કે જો તમારો અહંકાર મજબૂત છે તો પરમાત્મા દૂરથી પણ દૂર છે. તમે સમગ્ર સંસારમાં શોધી વળો તો પણ એને નહીં પામો. પરંતુ જો અહંકાર ન હોય તો તમારી આંખોની સામે જ પરમાત્મા છે. જ્યારે કોઈ વિશેષ વિષયવસ્તુ આંખમાં રહેતી નથી અને દ્રષ્ટા પોતાને જુએ છે, ત્યારે મન પોતાની પર પાછું આવે છે. આ જે પાછું આવવું છે તેને પતંજલિ પ્રત્યાહાર કહે છે, મહાવીર પ્રતિક્રમણ કહે છે. સ્વયં પર પાછા આવવાનો અનુભવ એ જ દર્શન છે. બહારનો બધો જ કોલાહલ શાંત અને શૂન્ય થઈ જશે ત્યારે તમારી અંદર એક સ્વર લહેર જાગશે, એક નાદ ઉઠશે, એનાથી તમારા અંતરતમમાં ફૂલ ખીલશે. પરમાત્મા પરમ નાદ છે, એ અંતિમ સંગીત છે, એ લયની ચરમ અવસ્થા છે. પરમાત્મા એક ગીત છે, જે સાતત્યથી સનાતન કાળથી તમારા પ્રાણ ગાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આંખો, કાન અને ઇન્દ્રિયોના બધા દ્વાર બંધ કરી દે ત્યારે ગહન અંધકારની વચ્ચે પણ ભીતર એક શીતળ દિવો પ્રગટ થાય છે. એ રોશની તમારું અસ્તિત્વ છે, એ પ્રકાશ તમારો શ્વાસ છે, તમારો પ્રાણ છે. જ્યારે કોઈ બિલકુલ ચૂપ થઈ જાય ત્યારે ભીતર એક કાવ્યનો જન્મ થાય છે. તમારા જાપ કર્યા વગર ભીતર કશું ઊઠે છે, નામ આપોઆપ લેવાય છે. નાનક અને કબીર એને અજપાજપ કહે છે. ત્યારે મૂળ સ્ત્રોતની સાથે તમારો સંબંધ જોડાઇ જાય છે.

પ્રાર્થના નિમંત્રણ છે, પ્રાર્થના પોકાર છે, પ્રાર્થના પ્રેમ છે. પ્રાર્થના ત્યારે જ શુદ્ધ બને છે જ્યારે એ અંતરમાંથી થાય છે, હેતુ વિના થાય છે, માગણી વગર થાય છે ત્યારે ભીતરનો નાદ સંભળાવા લાગે છે. માટે જ વેદ, ઉપનિષદ અને કુરાનના વચનોમાં સૌંદર્ય છે કારણ કે એ ઈશ્વરી પ્રેરણાના અપૂર્વ વચનો છે. અહંકારી જ્ઞાતમાં રોકાઈ જાય છે, નિર્ અહંકારી અજ્ઞાતની યાત્રા પર નીકળે છે. તમારી સમજની ક્ષમતા ચમચી જેટલી છે અને કબીર તમારી સામે જે લઈને આવ્યા છે તે સાગર જેટલું છે. અણસમજૂનો અર્થ એ કે તમારી જાણવાની ક્ષમતા ઓછી છે અને કબીર જે દર્શાવી રહ્યા છે એ બહુ મોટો છે. માટે જ કબીર પોકારીને ડૂબી જવાનું નિમંત્રણ આપે છે, અજ્ઞાતમાં, અજ્ઞેયમાં, અનંતમાં જવાનું કહે છે- જેનો આરંભ તો છે પણ અંત ક્યાંય નથી.

આ સમગ્ર જગત એકનો જ આવિર્ભાવ છે. જ્યારે તમે જાગીને જિંદગી જીવવાની શરૂ કરો, હોશમાં રહો, ધ્યાનમાં રહો ત્યારે પાપ છૂટી જશે અને પુણ્ય આપોઆપ પ્રગટ થશે. તમારી પાસે અમૃત છે, તમામ બિમારીઓની દવા છે, તો શા માટે કોઈની સામે ભિક્ષાપાત્ર ફેલાવો છો? કબીર કહે છે ‘કહે કબીર મૈં પૂરા પાયા’ એટલે કે મને તમામ જગ્યાએ પરમાત્મા દેખાય છે – હું’ માં પણ, ‘તું’ માં પણ, આકાશમાં અને પૃથ્વીમાં પણ. આ દ્વૈત હટી જશે તો આત્મજ્ઞાન થઈ જશે.

કબીર કહે છે:’ મન લાગો મેરા યાર ફકીરી મેં’. કબીરની આ ફકીરી અલગ પ્રકારની છે, જે પરમાત્માના પ્રેમથી પેદા થાય છે. એક રસ્તા થાય છે એ પ્રેમની ફકીરી છે. એના ફૂલ ખીલે છે, પક્ષીઓ ગીત ગાય છે, ઝરણાઓ ફૂટીને વહે છે. કબીર કહે છે કે મારું મન પરમાત્માની ફકીરીમાં લાગી ગયું છે, તો હવે સંસારને પ્રેમ કેવી રીતે કરું? હવે ધનમાં, પદમાં કે સંસારમાં રસ નથી રહ્યો. કબીરની ફકીરી વિધાયક જ છે. ન સ્વર્ગની આકાંક્ષા છે, ન નર્કનો ભય છે. સંસાર બચ્યો જ નથી તો છોડવાની વાત જ નથી. પરમાત્મા સાથે એવો પ્રેમ થઇ ગયો છે કે દિલ બીજી કોઈ જગ્યાએ લાગતું જ નથી. હાથમાં પથ્થર લઈને નીકળ્યા હોઈએ અને રસ્તામાં હીરો મળે તો કંકર આપોઆપ છૂટી જશે. પથ્થર ક્યાં ને ક્યારે પડી ગયા તેની ખબર પણ નહીં પડે. સંસાર છોડવાથી પરમાત્મા મળે છે એ વાત ખોટી છે. પણ પરમાત્મા મળવાથી સંસાર છૂટી જાય છે એ સાચી વાત છે.

ધ્યાન એટલે અંતરયાત્રા, ધ્યાન એટલે શૂન્યતા જે પૂર્ણને પોકારે છે, ધ્યાન એટલે ચેતના, ધ્યાન એટલે એ જાણી લેવું કે હું કોણ છું. ધ્યાન એટલે એ જાણવું કે એ કોણ છે જે મારી ભીતર બોલે છે, શ્વાસ લે છે, ડોલે છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. ઘણાનો એવો અનુભવ છે કે જ્યારે પણ ધ્યાન કરવા બેસીએ તો ઊંઘ આવવા લાગે છે ઓશો કહે છે કે તમારી સમગ્ર ઊર્જા ધનપ્રાપ્તિની દોડમાં ખર્ચાઈ ગઈ છે. તમે એક કાણાવાળી બાલદી જેવા છો, જેને કુવામાં નાખીએ તો ખડખડાટ બહુ થાય છે. બાલદી પાણીમાં હોય ત્યારે ભરેલી દેખાય છે, પણ જરાક જ ઉપર ખેંચી કે પાણી ટપકવાનું શરૂ થઈ જાય છે અને જ્યારે આપણા હાથમાં આવે ત્યારે કશું જ બચતું નથી.

‘પ્રેમનગર મેં રહનિ હમારી, ભલિ બની આઈ સબૂરી મેં’
કબીર કહે છે કે જેવો પ્રેમ નગરમાં પ્રવેશ કર્યો બધી ઝંઝટોથી છૂટી ગયા. પ્રેમના નગરમાં મહત્વકાંક્ષા નથી, કોઈની સાથે હરીફાઈ નથી. જ્યાં તુલના નથી, ત્યાં પ્રેમ છે. પ્રેમ સ્વીકાર કરે છે. કોઈ કવિ છે, કોઈ સંગીતકાર છે, કોઈ વેપારી છે, કોઈ ડોક્ટર છે, કોઈ કંઈ છે, કોઈ કંઈ છે. પ્રેમ બધાનો સ્વીકાર કરે છે. સબૂરી એટલે કે ધીરજ રાખો, શ્રદ્ધા કેળવો, સંયમ રાખો, શાંતિ, મૌન અને પ્રેમથી પ્રતીક્ષા કરો.

એવું જોવા મળે છે કે મનુષ્ય ખરાબ આદતોમાં બંધાઈ જાય છે તેમ સારી આદતમાં પણ બંધાય છે. જેને મુક્ત થવું છે, તેને કોઈ આદત ન હોવી જોઈએ. સંસારથી મુક્ત થવાનો અર્થ છે- મનથી મુક્ત થવું અને મન એટલે મોહ, લોભ, કામ, ક્રોધ -આ બધાનો સરવાળો. અત્યારે મન પર જે અંધકારના સ્તર છે તે જ્યારે તમે પેદા થયા ત્યારે ન હતા. એકલા ભીતરથી મુક્ત થવું અસંભવિત છે, બહારથી પણ મુક્ત થવું પડશે.

ધ્યાનના અનેક પ્રકારો છે એ જ રીતે ભક્તિના પણ અનેક પ્રકારો છે. કોઈને મોગરાની સુગંધ ગમે છે, તો કોઈને રજનીગંધાની; કોઈને ફૂલોમાં એટલો રસ નથી જેટલો પાંદડા અને હરિયાળી હોય છે તો કેટલાકને નાની-નાની ઝાડીઓમાં રસ છે તો કોઈને ચાંદ – તારા સાથે વાતો કરતાં ઊંચા વૃક્ષોમાં રસ છે. જેવી જેની મોજ: જેને જે શોધવો હોય તે શોધે. અહીં બધા માટે દ્વાર છે. તમે પણ તમારું દ્વાર શોધી લો અને કબીરજીની જેમ બોલો: ‘કહે કબીર મૈં પૂરા પાયા’

રીટા જાની
28/10/2022

ઓશો દર્શન -36. રીટા જાની

wp-1644023900666


એરેબીક ભાષામાં કબીરનો અર્થ થાય છે મહાન, શ્રેષ્ઠ. અને એ સાચું જ છે મધ્ય યુગના આ ઋષિ, સંત કબીર માટે. તેઓ જન્મે હિન્દુ હતા કે મુસ્લિમ એ વિવાદને બાજુ પર રાખીએ. પણ તેઓ સૌથી પહેલા ભારતીય સંત હતા કે જેમણે  હિન્દુ અને મુસ્લિમ  બંને ધર્મોને જોડીને એક વૈશ્વિક પંથ રચ્યો.  જીવન નિર્વાહ માટે વણકરનું કામ કરતાં કબીરજીએ કોઈ શિક્ષણ મેળવ્યું ન હતું. પણ તેઓ ઈશ્વર સાથે ઐક્ય અનુભવતાં અને ખૂબ સરળ ભાષામાં આધ્યાત્મિક સિદ્ધાંતોની સમજ આપતાં. તેઓ બાળપણથી જ ગુરુ રામાનંદના શિષ્ય બન્યા. તેઓ અશિક્ષિત હોવા છતાં તેમના કાવ્યો આવધિ, વ્રજ અને ભોજપુરી મિશ્રિત હિન્દીમાં મળે છે. કબીરની વિશેષતા એ છે કે તેઓ સ્વાનુભાવની વાત કરે છે, તેમાં કોઈ પંડિતાઇ નથી. તેમની વાતોમાં નિર્ભયતા અને સાહસ, મસ્તી અને ક્રાંતિ છે. ઓશો કબીરજી વિશે વાત કરતા સોળે કળાએ ખીલ્યા છે. કેટલી સરળ ભાષામાં કબીરજી પૂરા જીવનનો નિચોડ આપી દે છે, જીવન અને મુક્તિનો રાહ ચીંધે છે, તેની એક ઝલક આજે ઓશો દર્શનમાં જોઇશું.

કબીરજી એક સૂત્રમાં કહે છે -‘ સાંઇ સે લગન કઠિન હૈ ભાઈ!’ અને આ વાત ઓશો વિગતે સમજાવે છે કે પ્રભુ પ્રીતિ કઈ રીતે કઠિન છે. એક તરફ કબીર કહે છે કે પરમાત્માથી સરળ બીજી કોઈ વાત નથી તો આ એની બીજી બાજુ કઈ સમજવી? સંસાર એવી રાત્રિ છે, જેની કોઈ સવાર નથી. પરમાત્મા એવી સવાર છે, જેની કોઈ સાંજ નથી. પરમાત્મા એ રોશની છે, પ્રકાશ છે. જ્યારે સંસાર ગહન અંધકાર છે. દરેક વ્યક્તિને આ વાતની ઝલક મળી જ જાય છે કે સંસારમાં  સાર નથી, પરમાત્મા કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં છુપાયેલો છે. પરમાત્મા કોઈ દૂર આકાશમાં છુપાયેલો નથી પરંતુ આ સમગ્ર અસ્તિત્વમાં પરમાત્મા છુપાયેલો છે. સૃષ્ટિનો કર્તા સૃષ્ટિમાં છુપાયેલો છે અને સૃષ્ટિ સૃષ્ટિના કર્તામાં છુપાયેલી છે. પરમાત્માને પામવા માટે દોડવાની જરૂર નથી, થોભીને સ્થિર થવાની જરૂર છે. જ્યાં તન અને મન બંને સ્થિર થઈ જાય છે, ત્યાં જ મિલન શક્ય બને છે. સાંઈનો અર્થ થાય છે પ્યારો. જ્યારે સત્ય સાથે પ્રેમ થઈ જાય, સાંઈ સાથે, પરમાત્મા સાથે લગન લાગી જાય તો પછી જીવન એક ઉત્સવ બની જાય છે. અને જો સંસાર સાથે પ્રેમ થઈ જાય તો જીવનમાં દુઃખ વધી જાય છે અને અંધારું ગાઢ થતું જાય છે.

આ જગત ચાલી રહ્યું છે તે એટલું વિરાટ આયોજન છે, એટલી  સૂચક વ્યવસ્થા છે કે એ રચનાકાર તરફ ઈશારો કરે છે. વૃક્ષોને જુઓ, પક્ષીઓની જુઓ કે ચંદ્ર તારાઓને જુઓ કે નદી અને ઝરણાંઓને જુઓ – કેટલી શાંતિથી સઘળું વ્યવસ્થિત રીતે  ચાલી રહ્યું છે. અદભુત વ્યવસ્થા છે, ભલે વ્યવસ્થાપક આપણને દેખાતો ન હોય. સમગ્ર જગત જે ગતિમાન થઈ રહ્યું છે એ ગતિની પાછળ તેનો જ હાથ છે, એ જ ગત્યાત્મક છે, એ જે દિવસે સમજાઇ જશે તે દિવસે બધા સદગુરુની વાણી અને બધા જ શાસ્ત્રો પણ સમજાઈ જશે. કબીર જાણે છે કે બ્રહ્માંડ એકનું જ રહસ્ય છે, એકનો જ વિસ્તાર છે, હું અને તું જુદા નથી. કબીરમાં એવો જાદુ છે જે તમને જગાડી દે, એવો જાદુ છે જે તમારા મૂળ સ્ત્રોત પર તમને પહોંચાડી દે.

જિંદગી બહુ લાંબી નથી અને આશાઓ ક્યારેય ખૂટતી નથી કે પૂરી થતી નથી. ઈચ્છા અને વાસનાથી જિંદગી ભરવાની કોશિશ કરીએ ત્યારે એ આગ વધુ ભભૂકી ઊઠે છે. જેટલું ધન મેળવશો એટલું ધન વધુ મેળવવાની ઈચ્છા વધતી જશે. એવું જ પદ અથવા બીજી કોઈ પણ ઈચ્છા માટે પણ કહી શકાય.  વસ્તુની પ્રાપ્તિ પછી વધુ તૃપ્તિ મળતી નથી પણ અતૃપ્તિ વધે છે.

ઓશો કહે છે કે કબીર પ્રેમની સર્વોપરિતાનો મહિમા ગાય છે કારણ કે અદ્રશ્ય અને અશ્રાવ્ય પરમાત્મા પ્રેમ દ્વારા દ્રશ્ય અને શ્રાવ્ય બને છે. પ્રેમ પરમ યોગ છે. પ્રેમ પતન પામે તો નર્ક છે અને ઊંચે ઊઠે તો સ્વર્ગ છે. એક પ્રેમ છે જે વાસના બને છે અને એક પ્રેમ છે જે પ્રાર્થના બને છે. કમળ કીચડમાં ઉગે છે માટે આપણે કીચડમાં પડી રહેવાની જરૂર નથી. પ્રેમ જવાબદારી છે. સંસારના દુઃખોથી ભાગીને સન્યાસ લેવાથી પરમાત્મા નહીં મળે. જે રસ્તો નીચે લઈ જાય છે એ જ ઉપર પણ લાવે છે. જે સીડી નીચે લઈ જાય છે એ જ સીડી ઉપર લઈ જાય છે. નક્કી એ  કરવાનું છે કે તમારી દ્રષ્ટિ નીચે તરફ છે કે ઉપર તરફ. જે પ્રેમ  ઘૃણા બની શકે, ઈર્ષાથી ભરેલો હોય, પરિગ્રહનું બીજું નામ હોય, અહંકારની ઘોષણા હોય – એ પ્રેમ જ નથી. કબીર તો કહે છે કે શરમ નથી આવતી તારું મારું કહેતા? અહીં શું મારું છે? શું તારું છે? બધું જ પરમાત્માનું છે.

આપણને ગુલાબના ફૂલમાં સૌંદર્ય દેખાય છે પણ જો વૈજ્ઞાનિક પાસે લઈ જઈએ તો એ વિશ્લેષણ કરીને બતાવશે કે તેમાં રાસાયણિક દ્રવ્ય છે, ખનીજ તત્વ છે, પાણી છે, પણ સૌંદર્ય તે નહીં પામી શકે. એ જ રીતે એક સુંદર કવિતાને તર્કશાસ્ત્રી પાસે લઈ જાઓ તો એ કવિતાના બધા શબ્દોનું વિશ્લેષણ કરી મૂળ ધાતુ શોધીને બતાવશે, વ્યાકરણના નિયમ સમજાવશે, છંદ, ગદ્ય, પદ્યનું પૂરું શાસ્ત્ર સમજાવશે, પણ કવિતાનું સૌંદર્ય એમાં ખોવાઈ જશે. કવિતા છંદ નથી, માત્રાઓનું આયોજન પણ નથી, કવિતા શબ્દમાં જ છે, પરંતુ શબ્દથી આવતી નથી. લાકડા વગર આગ હોઈ શકતી નથી, છતાં પણ આગ અલગ છે. એ જ રીતે શબ્દો વગર કાવ્ય નથી હોતું, પરંતુ કાવ્ય અલગ છે. કાવ્ય તો આગ જેવું છે. માટે જ્યારે પણ પ્રેમ થાય તો પરમાત્માની શોધ કરજો, પદાર્થ પર અટકી ન જતા. જે લોકો પદાર્થ પર અટકી જશે, તે કીચડ તરફ જશે. જો પરમાત્માની સૂધ-બૂધ સ્મરણમાં આવશે તો તમને પાંખો મળી જશે અને તમે અનંત આકાશમાં ઉડવા લાગશો. ઓશો હોય કે કબીરજી કે પછી જીસસ હોય બધા જ પ્રેમને પરમ પદ ઉપર બેસાડે છે. પ્રેમ એ જ પરમાત્મા છે. પ્રેમ વગર ક્યારેય પરમાત્મા ન મળી શકે. જેણે પ્રેમને પામી લીધો એને પરમાત્મા મળી ગયો. પરમાત્મા સમસ્ત પ્રેમના અનુભવોનો અંતિમ સરવાળો છે. માટે પ્રેમનું બિનશરતી સ્વાગત કરો. આ જગતને જે ચલાવી રહ્યો છે તે પ્રેમ જ છે. માટે પરમાત્માને જો પામવા હોય તો પ્રેમરુપી સુવર્ણને  ધીરે ધીરે વધારતા રહો. ઓશોના કબીરજી ઉપરના વધુ ચિંતન સાથે મળીશું આવતા અંકે…

રીટા જાની
07/10/2022

ઓશો દર્શન-34. રીટા જાની

wp-1644023900666ગુજરાતના ખ્યાતનામ ચિંતક અને લબ્ઘ પ્રતિષ્ઠિત વક્તા શ્રી ગુણવંત શાહ ઓશોને પીડા મુક્તિનો પયગંબર ગણાવે છે. જ્ઞાનયોગની ચરમ સીમાએ ભારતીય પરંપરા મુજબ આપણને એક આચાર્ય મળતો હોય છે, ધર્મયોગની ચરમ સીમાએ એક યોગી અને ભક્તિની ચરમ સીમાએ એક ભક્ત મળતો હોય છે. આચાર્ય,યોગી અને સંત આવા ત્રણેયનું ત્રિવેણીતીર્થ રચાય એને ભારતીય પરંપરામાં ઋષિ કહેવામાં આવે છે. એ અર્થમાં ઓશો આજની સદીના મહાન ઋષિ હતા. તેમની વાણી એ સાક્ષાત કવિતા હતી. તેમનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ કવિતામય હતું. તેમના અસ્તિત્વમાં કવિતાનો લય અને લયની કવિતા બંને પ્રગટ થતા હતા. આવા અસ્તિત્વને સમજવા માટે થોડા ઉંડા વિચાર જરૂર છે.

સત્ય શું છે? ક્યાં છે? કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? શા માટે સત્યનો આ જ માર્ગ મેં પસંદ કર્યો? આના જવાબ તમારી પોતાની વિચારણા કે અનુભૂતિમાંથી આવેલા હોવા જોઈએ. શ્રદ્ધા પોતાની હોવી જોઈએ.તમારા વિચાર અને અનુભવમાંથી પ્રગટેલી હોવી જોઈએ તો તે તમારા જીવનમાં સુગંધ લાવશે. જો એવું ન બને તો સમજવું કે તે અંધશ્રદ્ધા છે. તમારા પ્રયત્નોથી કદાચ પરમાત્મા નહીં મળે પણ તેનાથી દ્વાર ઉપરના તાળા જરૂર ખુલશે. એ દરવાજા ક્યારેય ખુલ્યા ન હતા, માટે દિવાલ જેવા લાગતા હતા. પણ વિધિરુપી ચાવી દ્વારા તાળા ખોલશો તો દરવાજો ખુલતા પરમાત્મા પ્રાપ્ત થશે. ઓશો કહે છે કે ઈશ્વરને બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આજે ઓશો દર્શનમાં આપણે જોઇશું કે ‘જીવન એ જ ઈશ્વર’ છે.

ગણિતમાં જેમ સૂત્રો હોય છે, તે રીતે જીવનના ગણિતમાં પણ અદભુત સૂત્રો હોય છે. તેનું પહેલું રહસ્યમય સૂત્ર છે કે અહીં જે સૌથી વધારે નજીક છે તે દેખાતું નથી. હું જે સ્વયં છું તેનું સ્મરણ થતું નથી. પરમાત્મા આપણી સૌથી વધારે નિકટ છે એટલા માટે સાવ જ ભુલાઈ ગયા છે. પરમાત્માને શોધવા આપણે બહાર જઈએ છીએ- હિમાલય, કાશી,મક્કા, મદીના જઈએ છીએ. બીજી જગ્યાએ જઈ શોધીએ છીએ. જે ઉપલબ્ધ છે, તેનો પત્તો લાગતો નથી અને જે દૂર છે, તેની શોધ ચાલે છે. જે નથી મળ્યું તેના માટે તરફડીએ છીએ અને જે મળેલું છે તેને યાદ કરતા નથી.

જીવનના ગણિતનું બીજું સૂત્ર એ છે કે જ્યાંથી આપણે આવીએ છીએ ત્યાં જ આપણે પાછા ફરીને જઈએ છીએ. પ્રભુ કહીએ, ઈશ્વર કહીએ કે પરમાત્મા – જે આપણો મૂળ સ્ત્રોત છે, જે જીવન જ છે. ઓશો કહે છે કે પરમાત્માને જીવનથી અલગ વિચારવા એ મોટી ભૂલ છે. અસલમાં જીવન જેની પાસેથી આપણને મળ્યું છે તેને જ પાછું આપી દેવું પડે છે. જ્યાંથી આવતા હોઇશું ત્યાં જ આપણે ખોવાવાનું છે. લહેર સાગરમાંથી ઉઠશે તો સાગરમાં જ વિલીન થશે. તોફાન અને આંધી હવામાંથી ઉઠશે તો હવામાં જ વીખેરાઈ જશે. વૃક્ષ માટીમાંથી પેદા થશે, ફૂલ ખીલશે તો ફરી માટીમાં જ પડીને ખોવાઈ જશે. પરમાત્માની શોધ નથી કરવાની માત્ર યાદ કરવાના છે જેને આપણે પ્રભુ સ્મરણ કહીએ છીએ.

ઈશ્વરની સર્જનાત્મકતા અદભુત અને મૌલિક છે. તે નિરંતર નવું કરતો રહે છે. એક એક માણસ અનોખો અને અદ્વિતીય છે, એટલું જ નહીં ઝાડ, પાન, પશુ, પંખી-ક્યાંય પણ પુનરુકિત બિલકુલ નથી. આપણે આપણી માતા પાસેથી શરીર મેળવવીએ છીએ તો એ આપણને ક્યારેય ભૂલતી નથી. જ્યારે ઈશ્વર પાસેથી તો આપણું સમગ્ર વ્યક્તિત્વ આપણું, ચૈતન્ય આવે છે, તો તે આપણને કેમ ભૂલે? બને છે એવું કે પરમાત્માએ કેટલી વાર દ્વાર ખટખટાવ્યા, પરંતુ આપણે તો વ્યસ્ત હતા આપણા કામકાજમાં, આપણે વ્યસ્ત હતા પૂજામાં, ઘંટડી હલાવવામાં, આરતી કરવામાં, ને પરમાત્માનો પોકાર આપણે સાંભળ્યો જ નહીં.

પરમાત્માનો પોકાર સાંભળવા ધ્યાન કરવું જરૂરી છે. ઓશો ધ્યાનને વ્યાખ્યાયિત કરી તેના ચાર પ્રયોગ બતાવે છે. ધ્યાનનો અર્થ છે સમર્પણ, પોતાને પૂરી રીતે પરમાત્માના હાથમાં છોડી દેવું તે. ધ્યાન કોઈ ક્રિયા નથી, કંઈ પણ ન કરવું તે ધ્યાન છે. તેમાં જાણીને પાછા ફરવાનું છે. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે જાણ્યા વિના પાછો ફરી જાય છે. જ્યારે ધ્યાનમાં જાણીને પાછા ફરવાનું છે. જાણીને પોતાના મૂળ સ્ત્રોતમાં ખોવાઈ જવાનું છે, જેથી આપણને ખબર પડે કે એ શું છે અને આપણે શું છીએ.

પહેલો પ્રયોગ- વહેવાનો પ્રયોગ. જ્યારે કોઈ તરે છે ત્યારે તે કંઈક કરે છે, તેને કિનારે પહોંચવું છે, તેને પોતાનો રસ્તો છે. જ્યારે વહેવાની સાથે નદી જ્યાં લઈ જાય ત્યાં જ તેની મંઝિલ છે. સમર્પણનો પહેલો અર્થ છે કે જીવનની સાથે વહી જવું. માટે ધ્યાનનું પહેલું પગથિયું છે -વહેવાનો અનુભવ. જે રીતે કોઈ સૂકું પાંદડું નદીમાં પડ્યું હોય તેમ કોઈ પ્રયાસ વગર નદીમાં પડી રહો. કોઈ જ તણાવ નહિ રહે. માટે એકદમ શાંતિનો અનુભવ થશે, આનંદ પ્રગટ થશે, બધી ચિંતાઓ નષ્ટ થશે, મન શાંત બનશે, શીતળતા અને તાજગી અંદર પ્રવેશ કરશે, મન હળવાપણું અનુભવશે -બિલકુલ ભાર વગરનું, પ્રફુલ્લિત અને સ્વચ્છ બની જશે.

બીજું પગથિયું છે -મટી જવાનું, સમાપ્ત થઈ જવાનું. ઓશો કહે છે કે આ પ્રયોગમાં પોતાની જાતને ચિતામાં બળી જતી જુઓ. જે બળી શકે છે, તે બળી જશે અને જે ન બળી શકે તેની તો આપણે ઓળખાણ કરવી છે. એનો બરાબર રીતે અનુભવ કરી લો. બિંદુ સાગરમાં ખોવાઈને સાગર બની જાય છે, નાનામાંથી વિરાટ બની જાય છે. સીમાડા તોડીએ તો જ અસીમ થઈ શકાય. સ્વેચ્છાથી લાવવામાં આવેલા મૃત્યુનું નામ ધ્યાન છે.

ત્રીજો પ્રયોગ છે તથાતા, જેનો અર્થ છે ચીજો જેવી છે, તેવી છે. તેની સામે કોઈ વિરોધ નથી. જિંદગી જેવી છે, તેવી અમને સ્વીકાર્ય છે. સંપૂર્ણ સ્વીકૃતિ, તેમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા નથી. આ પરિસ્થિતિમાં બાળક રડતું હોય, કૂતરું ભસતું હોય, વાહનનો ઘોંઘાટ હોય કે પંખીઓનો કલરવ હોય – કશું જ ખલેલ પહોંચાડતું નથી. ચિત્તની બધી જ અશાંતિ ખોવાઈ જાય છે. જે કંઈ થઈ રહ્યું છે, તેમાં અમે રાજી છીએ; ગરમી, ઠંડી, શોરબકોર કોઈનો વિરોધ નથી. જે કંઈ થઈ રહ્યું છે, તે શુભ છે, સુંદર છે. ત્યારે આખું જગત પ્રીતિકર હોવાનો અનુભવ થાય છે અને એ જ પ્રેમના દ્વારમાંથી પરમાત્માનું આગમન થાય છે. જે જિંદગીનો પૂરી રીતે સ્વીકાર કરે છે, તેને જિંદગી કદી પણ ચોટ નથી પહોંચાડી શકતી.

ધ્યાનના ચોથા પગથિયામાં ઉપરના ત્રણેય પ્રયોગને એક સાથે કરવના છે. શરીરને શિથિલ છોડી દો. અંદર ગહન શાંતિ છવાઈ જશે. શ્વાસ શાંત થતા જશે, શરીર ખોવાઈ જશે. માત્ર જ્ઞાતા- સાક્ષી બની રહો, સ્વીકારભાવમાં લીન થઈ જાઓ. સર્વ સ્વીકૃતિથી ધીરે ધીરે અંદર શૂન્ય થઈ જશે અને પ્રભુનો સાક્ષાત્કાર થશે. જાણતા રહો, સાંભળતા રહો, ઓળખતા રહો, સર્વ સ્વીકારથી ભરેલા, ખોવાઈ જાઓ, વહી જાઓ, છોડી દો, અસ્તિત્વમાં પૂરી રીતે લીન થઈ જાઓ. તે શૂન્ય મનમાં આનંદના ઝરણાં ફૂટી નીકળશે, આનંદની વીણા વાગવા લાગશે, આનંદનો દીવો પ્રગટી જશે, મન શીતળતા અને આનંદથી ભરાઇ જશે. આ મનના ઊંડાણમાં ધ્યાનની ધારા વહેતી રહેશે; પરમ શાંતિ, અપાર આનંદ આપની અંદર સરકતા રહેશે, શાંત, આનંદથી ભરેલા ચિત્તમાં પ્રભુની હાજરીની અનુભૂતિ થશે.

રીટા જાની
23/09/2022