કાપ્યો છે…..કાપ્યો છે…!!!-પ્રમીલાબેન મહેતા

 
મિત્રો 
આજે બે એરિયાના નવા લેખિકાને ઉત્તરાયણના દિવસે લઇ આવી છુ ..પ્રમીલાબેન મહેતા બે એરિયામાં રહે છે અને જૈન દેરાસરની સીનીયર ની પ્રવુતિ માં સંકળાયેલા છે ,જૈન ધર્મના સિધાંત ને અનુસરી પોતાનું જીવન ગાળે છે તો ચાલો આજે એમના સંકલન કરેલા  લેખન નો લાભ લઈએ …..
પ્રસંગ છે ,મોકો છે તો તલના લાડુ ખાઈ એમની સાથે  પતંગ ચગાવી લઈએ ……
 કાપ્યો છે…..કાપ્યો છે…!!!
આપણે ત્યાં તો ઉત્તરાયણ બોલે પતંગ, તલસાંકળી, ઊંધીયું….ને કાપ્યો છે…..કાપ્યો છે…!!!ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ-સંક્રાંતિનો ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ ,આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે.હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને માટે જ એને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે,ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’. ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ…સૂર્ય એની પૃથ્વી આસપાસની પરિભ્રમણ દિશા બદલી સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે તેથી ઉત્તરાયણ પણ કહેવાય છે સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. ,આ દિવસે અંધારું ધીરે ધીરે ઘટતું જાય છે ,દેવો ઊંઘમાંથી જાગે છે સારા કામો કરવા માટેના શુભ દિવસોની શરૂઆત થાય છે.
 સંક્રાંતિ એટલે સંગક્રાંતિ ,માણસોએ આ દિવસે સંગમુક્ત થવાનો સંકલ્પ કરવો જોઈએ ,કામ ક્રોધ ,લોભ ,મોહ ,માયા ,મદ ,મત્સર ,ઈત્યાદી વિકારોની અસરમાંથી શક્ય તેટલા મુક્ત થઇ છુટવાનો પ્રયતન કરવો જોઈએ ,સારા માણસોના સંગકરી અધોગતિથી બચવું જોઈએ,કર્ણ ધુતરાષ્ટ્ર ,શકુની ,દુર્યોધન અને દુ:સાસન કુસંગથી અધોગતિ પામ્યા  .
 
આ દિવસે તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓ ખાવામાં આવે છે. તલ અને ગોળ આયુર્વેદ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. આ ઋતુમાં તેમાંથી બનેલી વાનગીઓ ખાવાથી શરીરને પોષણ મળે છે અને અનેક પ્રકારના રોગ સામે રક્ષણ મળે છે.આ દિવસે લોકો તલગોળના લાડુ એકબીજાને ખવડાવી રૂક્ષ થયેલા આપણા સંબંધોમાં સિનગ્ધતા તલ લાવે છે કારણ તલમાં  સિનગ્ધતા  છે ગોળ ની મીઠાસ મનની કડવાસ દુર કરી સંબધોને વધુ મજબુત બનાવે છે 
આ જ એક એવું પર્વ છે જેને એક જ ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી…પણ બધા ધર્મોમાં તેનું મહત્વ બતાવ્યું છે. ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ અને પતંગનું ઋતુવિજ્ઞાન છે. એવી સાદી સમજ છે. મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે.સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે.
તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા…

મકરસંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌનાં મોઢે સાંભળવા મળે છે. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે બીજી સ્ત્રીઓને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર-કંકુ લગાવીને તલ-ગોળની સાથે ઉપહારોની પૂજા કરીને તેમને ભેટ આપે છે.

મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે.પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઈક દિન ચંગ ઉડાઈ, ઈંદ્રલોક મેં પહૂંચી ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણાં પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી

આપણા જીવનની પતંગની દોર પણ વિશ્વની પાછળ રહેલી કોઈ અદ્રષ્ટ શક્તિ જ્ઞાન દ્વારા ચગાવે છે ,માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવાની કે મને જ્ઞાનવડે પ્રકાશ ભણી  (ઉત્તરાયણ)…લઇ જાઓ જેથી મારો જીવન પતંગ ઝોલે ન ચડે ,

આ પ્રસંગે સૂર્યનો પ્રકાશ ,તલગોળની મીઠાશ ,આપણા જીવનમાં સાકાર થાય તો આપણા જીવનનું યોગ્ય સંક્રમણ ગણાય  ​

પ્રમીલાબેન મહેતા

મિત્રો તલગોળ ખાઈ ને અભિપ્રાય જરૂર લખજો અને હા સંક્રાંતિની ઉપાધ્યાય સાહેબની કવિતા પણ લઈને આવું છુ તે વાંચવાનું ચુકતા નહિ …  ​

 

 

—